ગયા સપ્તાહે ફરી એકવાર ‘ફેક ન્યૂઝ’ આવ્યા. 22મી મેના રોજ ભાજપના સાંસદ એક્ટર પરેશ રાવલે ટ્વિટર ઉપર એવું સૂચન કર્યું કે કાશ્મીરમાં ‘પથ્થરબાજને આર્મીની જીપ સાથે બાંધવાને બદલે અરુંધતી રોયને બાંધવી જોઇએ’ કેમ? કારણ કે લેખિકા અને એક્ટિવિસ્ટ અરુંધતી રોયે ‘એક પાકિસ્તાની સમાચારપત્રને ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે ભારતીય સેનાના 70 લાખ જવાનો કાશ્મીરની ‘આઝાદી ગેંગ’ને પરાજિત નહીં કરી શકે.’
રાવલની ટ્વિટ એ જ દિવસે આવી જે દિવસે સેનાએ કાશ્મીરમાં તૈનાત મેજર ગોગોઇનું એ ‘બહાદુરી’ માટે સન્માન કર્યું, જેમાં મેજરે પથ્થરબાજી કરી રહેલાં ટોળાં ઉપર ગોળીબાર કરવો ન પડે તે માટે કાશ્મીરી યુવાન ફારુક દારને એની જીપના બોનેટ સાથે બાંધ્યો હતો. કાશ્મીરમાં આવી વસમી સ્થિતિમાં કપરી કામગીરી કરી રહેલી ભારતીય સેનાનું મનોબળ તૂટે એવી ‘દેશ-વિરોધી’ ટિપ્પણી અરુંધતી કેવી રીતે કરી શકે? પરેશ રાવલે સૂચવેલી ‘સજા’ના બહુ બધા સમર્થક નીકળ્યા. તો બીજી તરફ ઉદારવાદી, સંવેદનશીલ લોકો પરેશ ઉપર તૂટી પડ્યા.
સમાચારપત્રો, ટેલિવિઝન, ડિજિટલ માધ્યમો અને સોશિયલ મીડિયા ઉપર બે દિવસ ‘રમખાણ’ થયું. આમાં એક જ હકીકત નજરઅંદાજ થઇ અને તે એ કે અરુંધતી રોયનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત ક્યાં થયો હતો એ કોઇને ખબર ન હતી. ખુદ અરુંધતીએ એક ન્યૂઝ સાઇટને કહ્યું કે હું ન તો શ્રીનગર ગઇ છું અને ન તો મેં એવું કોઇ નિવેદન આપ્યું છે. એ પછી ખબર પડી કે પાકિસ્તાનમાં કોઇ એક વેબસાઇટે અરુંધતીનો નકલી લેખ પ્રગટ કર્યો હતો અને એના ‘સમાચાર’ સોશિયલ મીડિયામાં ફરતા હતા તે વાંચીને પરેશ રાવલે ‘અરુંધતીને જીપ સાથે બાંધો’ એવું સૂચન કર્યું હતું.
ફેક ન્યૂઝ અથવા ફેંકુ સમાચાર એક એવું દૂષણ છે જે ટેક્નોલોજીના પાવરના કારણે ઘણું પ્રચલિત થઈ ગયું છે અને રાજનૈતિક કે આર્થિક ફાયદા માટે જાણી જોઇને એને ‘ફોરવર્ડ’ની દુનિયામાં ફરતું કરાય છે. ફેંકુ ન્યૂઝ એટલે ઉપજાવી કાઢેલા સમાચાર, જેને હકીકત સાથે, સચ્ચાઇ સાથે, તથ્ય સાથે કોઇ જ લેવા-દેવા ન હોય અને છતાં લોકો એને સાચા માની લે અને હોંશે હોંશે એને ફોરવર્ડ પણ કરે અને ઝનૂનપૂર્વક એની ચર્ચાય કરે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે કહેવાય છે કે તેમણે ચૂંટણી પ્રચાર વખતે પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનથી લઈને ઓબામાની સરકાર સુધી સિલસિલેવાર જૂઠા સમાચારોથી મતદારોને ગુમરાહ કર્યા અને તેમાં એમને રશિયન એજન્સીઓનો દુષ્પ્રચાર પણ કામ આવ્યો હતો. ભારતમાં નોટબંધી વખતે એવા ‘સમાચાર’ ફોરવર્ડ થયા હતા કે 2000ની નવી નોટમાં એવી ચિપ બેસાડાઇ છે જે જમીનમાં 120 મીટર નીચે દબાયેલી નોટનો સંકેત આપી શકે છે. આ ‘સમાચાર’ એટલા ચાલ્યા કે નાણામંત્રી અરુણ જેટલીએ ખુલાસો કરવો પડ્યો કે આવી કોઇ ચિપ નવી નોટમાં નથી.
પ્રશ્ન એ છે કે માણસો બનાવટી સમાચારોમાં યકીન શા માટે રાખે છે, અને શા માટે બીજા લોકોને પણ એ પ્રેરણા આપે છે? આપણી સામાન્ય સમજ એવી છે કે માણસ વિવેકબુદ્ધિ અને તર્કશક્તિથી વિચારો કરે છે, અને એના નિર્ણયો કે માન્યતાઓ વસ્તુલક્ષી એટલે કે હકીકત આધારિત હોય છે. અસલમાં મગજ આવી રીતે કામ કરતું નથી. આપણે આપણી તર્કશક્તિથી જ ખુદને પણ છેતરતા રહીએ છીએ. આપણા વિચારો લાગણીઓ, વૃત્તિઓ અને સામાજિક પરિસ્થિતિથી પૂર્વગ્રહિત હોય છે.
એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો તમે વૉશિંગ મશીન ખરીદવા ગયા હો તો એની પસંદગીથી લઇને ભાવ-તાલ એકદમ તાર્કિક હોય છે. પણ માની લો કે કોઇ ચોક્કસ બ્રાન્ડનું મશીન તમારી મમ્મી વાપરતી હતી અને તમને બચપણથી એની સરસ યાદગીરી છે. અથવા માની લો કે એ વૉશિંગ મશીનમાં કરંટ આવ્યો હતો અને પપ્પાનો હાથ સળગી ગયો હતો. આ લાગણીનો સંબંધ થયો. પહેલા કિસ્સામાં તમે એ બ્રાન્ડના મશીનને લઇને સારા રિપોર્ટ ન હોય તોપણ મમ્મીની યાદગીરીમાં તમને એ જ મશીન સર્વ શ્રેષ્ઠ લાગશે અને બીજા કિસ્સામાં એ બ્રાન્ડને દુનિયાના તમામ એવોર્ડ મળી ગયા હોય તોપણ તમને એમાં ‘ખામી’ દેખાશે. એટલે જેમાં જરૂરિયાત અને સસ્તા-મોંઘાનો વૈજ્ઞાનિક અભિગમ હોવા છતાં એ નિર્ણયને લાગણીનો પૂર્વગ્રહ અસર કરે છે.
આને મોટિવેશનલ રિજનિંગ એટલે કે ઇરાદાપૂર્વકનો તર્ક કહેવાય. આપણી રાજકીય ચર્ચાઓ અને માન્યતાઓમાં આપણા સબકોન્શિયસ મગજમાં આવી રીતે ઠસાયેલા પૂર્વગ્રહો આપણા જાગૃત મગજને પ્રભાવિત કરે છે. એટલે નરેન્દ્ર મોદી કેમેરા સામે જોઇને ન બોલતા હોય તો અને કોઇ વ્યક્તિને જોઇને બોલતા હોય અને વચ્ચે કેમેરા આવે તોપણ આપણે એવું જ માનતા હોઇએ કે મોદીને તો પોતાનો ફોટો પડાવવાની બહુ ટેવ છે.
માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વિગતોને સરળતાથી ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે અને અનુકૂળ ન હોય તેવાં તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. ફેંકુ ન્યૂઝની ‘લોકપ્રિયતા’નું કારણ આ જ છે. અરુંધતી રોયે ભલે કોઇ ઇન્ટરવ્યૂ આપ્યો ન હોય પરંતુ એ બોલે તો આવું જ બોલે એટલે પરેશ રાવલે જે ‘સજા’નું સૂચન કર્યું છે તે વાજબી જ છે એ મોટિવેશનલ તર્ક કહેવાય. જાણકાર માણસોને મનાવવા અઘરા હોય છે. સચ્ચાઇનું વિરોધી જ્ઞાન કે સંશય કે અશ્રદ્ધા નથી, પણ ગલત જાણકારી છે. એકવાર તમે એક માન્યતા બાંધી દો પછી લાગણીઓ એ માન્યતાની રક્ષા કરવા સક્રિય થઈ જશે.
તમે એ માન્યતા ગલત છે તે પુરવાર કરવા તર્ક પેશ કરો, દાખલા-દલીલ કરો, આંકડા આપો, તથ્યો આપો કે દસ્તાવેજી પુરાવા આપો તો એ જાણકાર માણસ એને માનવાનો ઇન્કાર કરશે એટલું જ નહીં, તમારી જાણકારીનો સ્રોત ગલત છે તે સાબિત કરવા પ્રયાસ કરશે. સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ મૈં મંૈ અને ક્યારેક ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. ગમે તેટલી સચ્ચાઇ છતાં માણસો સોશિયલ મીડિયામાં પોતાની માન્યતા સાથે બાંધછોડ કરતા નથી.
ઇન ફેક્ટ, સચ્ચાઇ સાથે કોઇને લેવા-દેવા પણ નથી. એમને તો ફક્ત એમનો મત રજૂ કરવામાં જ રસ હોય છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. ફેંકુ ન્યૂઝ એ જાત સાથે બોલાતું જૂઠ છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 04 જૂન 2017
![]()


અનન્ય અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના તાજા (આઠમા) અંકમાંથી હેમન્ત દવેનો આ લેખ ઉતારતાં ‘નિરીક્ષક’ આભાર સહ આનંદની લાગણી પ્રગટ કરે છે. હજુ હમણેના મહિનાઓમાં ગૂજરાત વિદ્યાપીઠે, ખાસાં પચાસ વરસના અંતરાલ પછી, સાર્થ જોડણીકોશની નવી (છઠ્ઠી) આવૃત્તિ પ્રકાશિત કરી છે. અનાયાસ એ જ અરસામાં આપણા અઠંગ અભ્યાસી હેમન્તભાઈ મારફતે મળી રહેલ કોશ-સર્વેક્ષણ હજુ આપણે કેવું ને કેટલું અંતર કાપવાનું છે, ભૂલસુધાર ઉપરાંત કેવીક નવી ભોં ભાગવાની છે એની સુપેરે ઝાંખી કરાવે છે. વિદ્યાપીઠે આરંભિક એવું એક મોટું કામ જરૂર પાર પાડ્યું, પણ તે અનેક રીતે પુનર્વિચાર અને નવનિર્માણ માગતું હોય એ પણ સ્વાભાવિક છે. આ પુનર્વિચાર અને નવનિર્માણમાં એક સાથી ગુજરાતી તરીકે ઉપયોગી તેમ સહભાગી થવાની દૃષ્ટિએ અહીં આ લેખ ઉતારવો મુનાસિબ લેખીએ છીએ. અચ્છા પ્રૂફચી વજેસિંહ પારગીની ઓન લાઈન વંચાતી નુક્તેચીની હોય કે હેમન્ત દવેનો અભ્યાસલેખ, આવી સઘળી ટીકાટિપ્પણ સમગ્ર સબબ વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે વિધાયક પ્રતિસાદ આપ્યો છે ત્યારે પૂરા કદના કોશ કાર્યાલય સાથે વિદ્યાપીઠ આ મહેણું જરૂર ભાંગશે એવી ઉમેદ રહે છે …
ગુજરાતી-ગુજરાતી કોશ બનાવવાનો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રયત્ન એટલે સાર્થ ગુજરાતી જોડણીકોશ. પ્રારંભે તો એનો ઉદ્દેશ માત્ર જોડણી આપવાનો હતો, અને એ રીતે જોડણીની અરાજકતામાં થોડી વ્યવસ્થા આણવાનો હતો. સરકારે પણ એની જોડણીને માન્યતા આપી, એથી એ સરકારી રીતે પણ માન્ય બન્યો. ત્યાર બાદ એમાં અર્થ ઉમેરીને એને સાર્થ બનાવવામાં આવ્યો. એમાં એ સમયના કેટલાક સાહિત્યિક કર્મશીલોએ કામ કરેલું. પણ જોડણી અને અર્થ વિશે શાસ્ત્રીય રીતે વિચારનારા એ સમયના પંડિતોનો એમાં ગમે તે કારણે સહયોગ લઈ શકાયો નહોતો. વળી, આ કામ સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન કરવામાં આવેલું અને એમાં કામ કરનારા કેટલાયે વિદ્વાનો – જેમ કે, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, નરહરિ પરીખ, વગેરે સ્વાતંત્ર્યસેનાની પણ હોવાથી તેઓ કોશ માટે સંપૂર્ણ સમય કે ધ્યાન ફાળવી શકે તેમ નહોતા; એ કામ એમની માટે ખંડસમયનું હતું. આમ, બધી રીતે જોતાં આ કોશ નબળો બને એમાં નવાઈ નથી. શરમની વાત એ છે કે એ પછી – ભારતદેશ સ્વતંત્ર થયા બાદ, ગુજરાતમાં એક કરતાં વધારે વિશ્વવિદ્યાલયો સ્થપાયાં બાદ અને કોશવિદ્યામાં પદ્ધતિની રીતે મોટાં પરિવર્તનો આવ્યાં પછી – પણ એની જે આવૃત્તિઓ આવી, તે બધી રીતે રેઢિયાળ અને બેજવાબદાર હતી. ૪. અલબત્ત, આપણે સંસ્થાગત મર્યાદાઓ પણ ધ્યાને લેવી રહી. જેમ કે, સાર્થના પ્રકાશકના નિવેદનમાં જણાવાયું હતું કે કોશના કામને અંગે વિદ્યાપીઠમાં કોશવિભાગ ચાલે છે. તેમાં સાધનોની મર્યાદાના કારણે મોટી સંખ્યામાં કાયમી સેવકો રાખી શકાતા નથી. પણ જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે જુદા-જુદા સેવકોને મદદમાં લેવામાં આવે છે. આમ છતાં, બીજી ભાષાઓમાં શાસ્ત્રીય કોશો કેટલાયે વિદ્વાનોએ એકલપંડે તૈયાર કર્યા છે, એ જોતાં કોઈને આ પ્રકારનો બચાવ લૂલો લાગે એ સંભવિત છે.