પહેલાં
તમે
મારી માની ભાષાને
લસોટી નાંખી ..
ચટણીની જેમ …
મારી અનેકાનેક માવડીઓનું વહાલ, ગરમાવો, શાણપણ, ડહાપણ, વારસો, હસીમજાક, ઠઠ્ઠો, ગાણાંફટાણાં, ભાઈચારો, સહિયરપણું …
એ બધાંયને શાહીમાં ડુબોડી ડુબોડી
સપાટાબંધ સપાટ-સપાટ કરીને,
બ્રાહ્મણવાદી-બજારવાદી રંગરોગાન કરીને
માતૃભાષાની સરકારી ચોપડી
બનાવી કાઢી …
ને
હવે કહે છે કે
છઠ્ઠા ધોરણની પરીક્ષાનું
માતૃભાષાનું પેપર ફૂટી ગયું …
માતૃભાષાનું પેપર-વેફર ફૂટ્યું
એ તો ઠીક,
રામરામ!
પણ આ મૂળિયાં ખોદી નાંખ્યાં
ને
મૂળિયાં ફૂટ્યાં નહીં તેનું શું?
૨૦ એપ્રિલ, ૨૦૧૭
(‘છઠ્ઠા ધોરણનું ગુજરાતીનું પેપર ફૂટી ગયું’- છાપામાં આ મથાળું વાંચતાં થયેલી માંહ્યલી હલચલ)
E-mail : manishijani@hotmail.com
સૌજન્ય : "નિરીક્ષક", 01 મે 2017; પૃ. 12
![]()


મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.
શ્રાવણ સુદ બીજના દિવસે ગાંધીપરિવારમાં બીજો એક ઝગમગતો તારલો ચમક્યો. ખુશાલચંદ અને દેવકુંવર ગાંધીના પારણે પોઢેલો એમ.કે. ગાંધી. આ તારલાએ મહાત્માને ગગનચુંબી બનાવવામાં ધ્રુવતારક રૂપી યોગદાન આપ્યું.