Opinion Magazine
Number of visits: 9767470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશહિતની મુત્સદ્દીના નામ પર કાશ્મીરીઓની સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડીમાં ભારતીય જનસંઘે જો નેહરુને સાથ આપ્યો હોત તો પણ ઇતિહાસ જુદો હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2017

આમ છતાં બહુમતી કાશ્મીરીઓ ઇચ્છે છે કે તેમને સંપૂર્ણ સાચું લોકતંત્ર અને વિકાસની તક આપવામાં આવે તો તેઓ ભારતમાં રહેવા માગે છે. વારંવારના વિશ્વાસઘાત છતાં તેઓ ભારતમાં રહેવાનું પસંદ કરે છે એ તેમની મજબૂરી કે નબળાઈ છે એમ નહીં માનતા. તેઓ કાશ્મીરી ઇસ્લામને બચાવવા માગે છે જે કશ્મીરિયતની ખાસ ઓળખનો સ્રોત છે. ક્યારેક તો કોઈ પ્રશ્નને જેનો પ્રશ્ન હોય એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવાનો કે નહીં?

૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ત્યાંની પ્રજાને વિશ્વાસમાં લઈને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. તેમણે તેમની ખાસ શૈલીમાં કહ્યું હતું કે ન ગાલી સે ન ગોલી સે, કશ્મીર કી સમસ્યા સુલઝેગી ગલે લગાને સે. મૂળમાં આ જુમલો જમ્મુ અને કાશ્મીરના દિવંગત મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદનો હતો. ન ગાલી સે ન ગોલી સે, કશ્મીર કા મસલા મિટેગા બોલી સે. મુફ્તીસાહેબના જુમલામાં વધારે સારો પ્રાસાનુપ્રાસ છે, પરંતુ ઉદ્ધરણનો હવાલો મુફ્તીસાહેબને ન આપવો પડે એટલા માટે વડા પ્રધાને એમાં થોડો ફરક કરી નાખ્યો હતો. ગમેતેમ વડા પ્રધાને જે કહ્યું છે એ આવકાર્ય ઘટના છે અને એનું આ લખનાર સહિત દેશભરમાં લોકોએ સ્વાગત કર્યું છે. ત્યાં સુધી કે જમ્મુ અને કાશ્મીરના બે મુખ્ય નેતા; અનુક્રમે મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીએ અને વિરોધ પક્ષના નેતા ઓમર અબદુલ્લાએ પણ સ્વાગત કર્યું છે.

સવાલ એ છે કે વડા પ્રધાન અને ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન વાતચીત દ્વારા ઉકેલવાની બાબતે ગંભીર અને એના કરતાં પણ આગળ પ્રામાણિક છે? અત્યાર સુધીનું ભારત સરકારનું વલણ જોતાં ભરોસો બેસતો નથી. આંખનું મટકું પણ માર્યા વિના જુઠ્ઠું અને વિરોધાભાસી વિધાન કરવાની ક્ષમતા આપણા વડા પ્રધાન ધરાવે છે. રાજકારણમાં જૂઠ, ઢોંગ અને વિસંવાદ એ કોઈ નવી વાત નથી; પરંતુ વર્તમાન વડા પ્રધાને એમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. ગયા વરસે બુરહાન વાની સાથેના એન્કાઉન્ટર અને એમાં થયેલા વાનીના મોત પછીથી કાશ્મીરની ખીણમાં લોકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભારત સરકારે ધરાર લોકોને શાંત પાડવાનો કે વાતચીત કરવાનો પ્રયાસ નથી કર્યો. શરૂઆતમાં કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નના ઉકેલ વિશે અલગ-અલગ અભિપ્રાય ધરાવનારા તમામ લોકો સાથે વાતચીત કરશે. કશ્મીરિયત અને ઇન્સાનિયતના દાયરામાં રહીને દરેક સાથે વાતચીત કરવા ભારત સરકાર તૈયાર છે. વડા પ્રધાને તેમના પોતાના ગૃહપ્રધાનને શ્રીનગર જઈને કશ્મીરિયત અને ઇન્સાનિયતના દાયરામાં વાતચીત કરવાની છૂટ નથી આપી. જેમ ચીનના પ્રશ્ને સુષમા સ્વરાજ ભાગ્યે જ બોલે છે એમ કાશ્મીરના પ્રશ્ને રાજનાથ સિંહ ભાગ્યે જ બોલે છે.

વડા પ્રધાને હજી એક મોટો ધક્કો સંસદીય સમિતિને આપ્યો હતો. BJPના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાના અધ્યક્ષપદમાં સંસદસભ્યોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીર ગયું હતું. ત્યાં એણે રાજનાથ સિંહે કહ્યું હતું એમ કાશ્મીરના પ્રશ્નના ઉકેલ બાબતે જુદા-જુદા અભિપ્રાય ધરાવનારા દરેક જણ સાથે વાતચીત કરી હતી. યશવંત સિંહાની સંસદીય સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના લોકોમાં ઉકેલ બાબતે મતભેદ હોવા છતાં તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા આતુર છે. પ્રતિનિધિમંડળના અહેવાલ મુજબ તમામ વિચારધારાના કાશ્મીરીઓ ત્રાસવાદના વિરોધી છે અને તેઓ સાચું લોકતંત્ર અને શાંતિ સાથે વિકાસ ઇચ્છે છે. સંસદીય સમિતિએ છ મહિના પહેલાં વડા પ્રધાનને એનો અહેવાલ મોકલ્યો છે, પરંતુ વડા પ્રધાને એ વિશે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે સંસદીય સમિતિ વતી યશવંત સિંહાએ કાશ્મીર વિશે વાતચીત કરવા માટે સમય માગ્યો હતો જે આજે છ મહિના થવા છતાં આપવામાં નથી આવ્યો. અટલ બિહારી વાજપેયીની કૅબિનેટના સિનિયર મોસ્ટ પ્રધાનોમાંના એક અને BJPના સિનિયર નેતાને જો કાશ્મીર જેવા મહત્ત્વના પ્રશ્ને વાતચીત કરવા માટે સમય ન આપવામાં આવતો હોય તો એનો અર્થ એટલો જ થાય કે વડા પ્રધાન કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની બાબતે ગંભીર નથી.

ગયા મહિને મેં કાશ્મીરની ખીણ અને લદ્દાખનો પ્રવાસ કર્યો ત્યારે પણ આવો જ અનુભવ થયો હતો. કાશ્મીરના લોકો વાતચીત કરવા માટે આતુર છે. જેટલા લોકો સાથે મેં વાતચીત કરી એમાંથી બે સૂર પ્રગટ થતા હતા. એક, પાકિસ્તાન સાથે જોડાવાનો તો પ્રશ્ન જ નથી અને બે, આઝાદ કાશ્મીર દરેક કાશ્મીરીને જોઈએ છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે આઝાદીનો વિકલ્પ વ્યવહારુ નથી. કાશ્મીરને આઝાદી મળી પણ જાય તો પણ કાશ્મીર આઝાદી ટકાવી શકે એમ નથી. આમ સરેરાશ કાશ્મીરી બે વિકલ્પના હિમાયતી છે. એક સ્વાયત્તતા અને બીજો વિકલ્પ સાચું ટકોરાબંધ લોકતંત્ર. તેમની ફરિયાદ એ છે કે ભારત સરકાર વાતચીત કરવા જ તૈયાર નથી અને અત્યારની કેન્દ્ર સરકાર કાશ્મીરની ખીણને સળગતી રાખીને બાકીના ભારતમાં રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને હિન્દુત્વના નામે રાજકીય લાભ લેવા માગે છે. કાશ્મીર એ હિન્દુત્વની હોળીનું નારિયેળ છે.

આ સ્થિતિમાં વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરીઓ સાથે ગળે મળીને, પ્રેમ કરીને વાતચીત દ્વારા પ્રશ્ન ઉકેલશે. એક અહેવાલ એવો પણ છે કે તેઓ BJPના ચાર નેતાઓને પોતાના પ્રતિનિધિ તરીકે કાશ્મીર મોકલવાના છે. જે નામ આપવામાં આવી રહ્યાં છે એમાંનું એક પણ નામ જાણીતું નથી. આમ પણ BJPમાં મુસલમાનો બહુ ઓછા છે અને બીજું, કાશ્મીરના લોકો સાથે સંવાદસેતુ સાધવા માટે કોઈનું મુસલમાન હોવું જરૂરી નથી. આ પહેલાં ડૉ. મનમોહન સિંહની સરકારે કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા અને મન જાણવા સંવાદસેતુ તરીકે ત્રણ જણને કાશ્મીર મોકલ્યા હતા જેનું નેતૃત્વ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ તંત્રી દિલીપ પાડગાવકરે કર્યું હતું અને બીજા બે સભ્યોમાં જાણીતાં સમાજવિજ્ઞાની રાધા કુમાર અને કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ઇન્ફર્મેશન કમિશનર એમ. એમ. અન્સારીનો સમાવેશ થતો હતો. એમ. એમ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ કારણ હતું.

આમ કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા માટે કોઈનું મુસલમાન હોવું જરૂરી નથી અને એમાં સૌથી મોટું કારણ એ છે કે કાશ્મીરી ઇસ્લામનો ચહેરો જ અલગ છે. તેઓ તો ઊલટું ભારત સરકાર સાથે વાતચીત કરીને અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલીને કાશ્મીરી ઇસ્લામનો ચહેરો બચાવી રાખવા માગે છે. એક કાશ્મીરી મુસલમાને મને કહ્યું હતું કે જો કાશ્મીરની ખીણમાં અશાંતિ ચાલુ રહી તો વહાબી-સલ્ફી ઇસ્લામ અમને ગ્રસી જશે અને એની શરૂઆત થઈ ગઈ છે. કાશ્મીરની ખીણમાં અહલે હદીસનો પ્રભાવ વધી રહ્યો છે અને સમજદાર કાશ્મીરી મુસલમાનો એનાથી બચવા માગે છે. દેશની સરહદે અને ચીન તેમ જ પાકિસ્તાનની પાડોશમાં વહાબી-સલ્ફી ઇસ્લામનું પ્રભાવી વર્ચસ્વ હોય એ દેશના હિતમાં નથી. જ્યારે પાકિસ્તાનના મુસલમાનો તેમનો પરંપરાગત ઉદારમતવાદી ઇસ્લામ જાળવી રાખવા માગતા હોય ત્યારે ભારત સરકારે અને દેશપ્રેમીઓએ એમાં તેમને મદદ કરવાની હોય કે તેમની ઉપેક્ષા કરીને તેમને ત્રાસવાદીઓને મૂળભૂતવાદીઓને પ્રેરણા આપનારા ઇસ્લામિક ફિરકા તરફ ધકેલવા જોઈએ. આમ વાતચીત મહત્ત્વની છે એમાં કોઈનું મુસલમાન હોવું મહત્ત્વનું નથી.

વડા પ્રધાન પર ભરોસો નહીં બેસવાનું એક બીજું કારણ પણ છે. વડા પ્રધાન જ્યારે લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા હતા એના બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઍટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે સરકાર બંધારણના આર્ટિકલ ૩૫(અ)ને બંધારણના આર્ટિકલ ૩૬૮ના પ્રકાશમાં રિવ્યુ કરવામાં આવે એની સામે સરકારને વાંધો નથી. આ અત્યાર સુધીના કેન્દ્ર સરકારના વલણની વિરુદ્ધ તો છે જ, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ પહેલાં જેટલી વાર આ આર્ટિકલ વિશે ચુકાદા આપ્યા છે એની વિરુદ્ધ પણ છે. આ રજૂઆત પણ સાબિત કરે છે કે કાશ્મીરીઓને ગળે લગાડવાની વાત એક ઢોંગ માત્ર છે.

બંધારણનો આર્ટિકલ ૩૫(અ) શું છે એનો લાંબોલચક ઇતિહાસ છે. આઝાદી પછી રિયાસતોનું વિલીનીકરણ થતું હતું ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજવીએ વિલીનીકરણનો નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો. તેમનો ઇરાદો જમ્મુ અને કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવાનો હતો. સ્વતંત્ર કાશ્મીરમાં તો જમ્મુ અને કાશ્મીરના એ સમયના સર્વોચ્ચ નેતા શેખ અબદુલ્લાને પણ રસ હતો, પરંતુ તેમને રાજાશાહીની જગ્યાએ લોકશાહી જોઈતી હતી. શેખ અબદુલ્લાના મનમાં બે વિકલ્પ હતા; જો શક્ય હોય તો સ્વતંત્ર પણ લોકતાંત્રિક કાશ્મીર અને જો એ શક્ય ન હોય તો ભારત અંતર્ગત કાશ્મીર. આમ લોકતંત્ર તેમના માટે પ્રાથમિકતા ધરાવતું હતું. રાજા હરિસિંહ માટે સ્વતંત્ર રિયાસત પ્રાથમિકતા ધરાવતી હતી.

રાજા નિર્ણય લેતા નહોતા અને એ દરમ્યાન પાકિસ્તાને કાશ્મીરને હડપી જવા ઉત્તર કાશ્મીર અને ખીણ પર હુમલો કર્યો. હવે રાજા પાસે ભારતમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. રાજાએ ભારતમાં જોડાવાને લગતી સંધિ પર સહી કરી તો આપી, પરંતુ એમાં બહુ મોડું થઈ ગયું હતું. જેમ બીજી રિયાસતોનું ભારતમાં બે સંધિઓ દ્વારા સંપૂર્ણ વિલીનીકરણ થઈ શક્યું હતું એમ જમ્મુ અને કાશ્મીરનું વિલીનીકરણ ન થઈ શક્યું. પહેલી સંધિ ભારતમાં વિલીન થવાના ઇરાદાને લગતી હતી અને બીજી સંધિ ભારતમાં વિલીન થવાની શરતોને લગતી હતી. બીજી સંધિ થાય એ પહેલાં જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન બે દેશ વચ્ચેના કજિયાનો અને યુનાઇટેડ નેશન્સની લવાદીનો બની ગયો.

હવે સવાલ એ આવ્યો કે કાશ્મીર સાથેના ભારતના સંબંધનું સ્વરૂપ કેવું હશે? આના ઉત્તરરૂપે અધૂરા વિલીનીકરણને વ્યવહારુ બનાવવા માટે બંધારણમાં પાછળથી આર્ટિકલ ૩૭૦નો ઉમેરો કરવામાં આવ્યો હતો. એ આર્ટિકલ મુજબ સંરક્ષણ, વિદેશવ્યવહાર અને સંદેશવ્યવહારને છોડીને બાકીના પ્રશ્ને નિર્ણય લેવાનો અને કાયદાઓ ઘડવાનો અધિકાર જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાનો હશે અને ભારત સરકાર જો જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડે એવા કાયદા ઘડવા માગતી હશે તો એને જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા અથવા વિધાનસભા માન્યતા આપશે. આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીરને અધૂરા વિલીનીકરણને કારણે કેટલીક સ્વાયત્તતા મળી હતી. એ આપવામાં નહોતી આવી, પરિસ્થિતિને કારણે મળી હતી.

હવે સવાલ આવ્યો નાગરિકત્વનો. જમ્મુ અને કાશ્મીરની પ્રજા કોની નાગરિક ગણાય, ભારતની કે જમ્મુ અને કાશ્મીરની? અધૂરા વિલીનીકરણને કારણે ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડનારા આર્ટિકલ ૩૭૦ હેઠળ ૧૯૫૪માં રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા કોણ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહીશ (અર્થાત્ નાગરિક) છે અને કોણ જમ્મુ અને કાશ્મીરમાં રહેવાનો તેમ જ સંપત્તિ ખરીદવાનો અબાધિત અધિકાર ધરાવે છે એ નક્કી કરી શકે છે જેને ભારત સરકાર બંધારણમાં આમેજ કરશે. આર્ટિકલ ૩૫(અ) આનું પરિણામ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને ભારતીય જનસંઘને આર્ટિકલ ૩૭૦ સામે પહેલેથી વાંધો છે અને એને તેઓ ખતમ કરવા માગે છે. તેમને એટલું સમજાતું નથી કે આર્ટિકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડી રાખનાર બંધારણીય નાળ છે. એ તોડી નાખવામાં આવે તો વિલીનીકરણની થવી જોઈતી બીજી સાર્વગ્રાહી સંધિના અભાવમાં જમ્મુ અને કાશ્મીર આપોઅપ સ્વતંત્ર થઈ જાય. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનું સંપૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫(અ) વિના ચાલે એમ નથી અને સંપૂર્ણ વિલીનીકરણ અત્યારે દ્વિપક્ષી ઝઘડાની ગૂંચવાયેલી સ્થિતિમાં શક્ય નથી.

૧૯૫૨ પછીથી સ્વાર્થ સર્યા પછી ભારત સરકારે ધીરે-ધીરે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતાની અવગણના કરવા માંડી હતી. આર્ટિકલ ૩૭૦ની જોગવાઈઓની ધાર બુઠ્ઠી કરવા માંડી હતી. એક સમયે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન વડા પ્રધાન તરીકે ઓળખાતા હતા એ ઓળખ ખતમ કરી નાખવામાં આવી હતી. નેહરુએ તેમના મિત્ર શેખ અબદુલ્લાને મુખ્ય પ્રધાનપદેથી બરતરફ કરીને જેલમાં પૂર્યા હતા. કાશ્મીરના લોકોને એ વિશ્વાસઘાત લાગતો હતો તો ભારત સરકાર માટે એ દેશહિતની મુત્સદ્દી હતી. આમ કાશ્મીરની પ્રજા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો સાત દાયકા લાંબો ઇતિહાસ છે. ભારતીય જનસંઘે દેશહિતની મુત્સદ્દીના નામે કાશ્મીરીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડીમાં જો નેહરુને સાથ આપ્યો હોત તો પણ ઇતિહાસ જુદો હોત.

આમ છતાં બહુમતી કાશ્મીરીઓ ઇચ્છે છે કે તેમને સંપૂર્ણ સાચું લોકતંત્ર અને વિકાસની તક આપવામાં આવે તો તેઓ ભારતમાં રહેવા માગે છે. વારંવારના વિશ્વાસઘાત છતાં તેઓ ભારતમાં રહેવાનું પસંદ કરે છે એ તેમની મજબૂરી કે નબળાઈ છે એમ નહીં માનતા. તેઓ કાશ્મીરી ઇસ્લામને બચાવવા માગે છે જે કશ્મીરિયતની ખાસ ઓળખનો સ્રોત છે.

ક્યારેક તો કોઈ પ્રશ્નને જેનો પ્રશ્ન હોય એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવાનો કે નહીં?

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉગસ્ટ 2017

Loading

અગમનિગમ કૈં ઝળકે રે!

પંચમ શુક્લ|Poetry|19 August 2017

લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે!
ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે!

સરળ, સહજ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ,
સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે!

ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને વરવા
ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે!

શુકરાજ, દેવસચ, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,
પંચકોટિનું દ્રવ્યસમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે!

તક્રમંથને નવનીત, ઘૃત, દીપજ્યોત તમસને અજવાળે,
નવ્ય, પુરાતન નીંગઠ ગઠતાં અગમનિગમ કૈં ઝળકે રે!

19/8/2017

Loading

અમેરિકાસ્થિત નટવર ગાંધી લિખિત ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના કેટલાક અંશો :

ઉત્તમ ગજ્જર|Diaspora - Literature|19 August 2017

1.

2007ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિન્દગીમાં ક્યારે ય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટનનો સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ.એટર્નીની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. વોશિન્ગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વોશિન્ગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

મારા હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વોશિન્ગ્ટનનો ટેક્સ કમિશ્નર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ. હતો, અને એ ચોરી કરનારા ટેક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

2.

આ પ્રેસ કોન્ફરન્સમાં વોશિન્ગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક, એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે : ‘જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું!’  એ વખતે હું મેયરની બાજુમાં જ; પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તરત આગળ આવીને મેં કહ્યું કે : ‘આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ, તે મારી થવી જોઈએ; મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો.’ પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ – ક્લાસિક વોશિન્ગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું. 

3.

બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી, વોશિન્ગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. કહેવામાં આવ્યું કે વોશિન્ગ્ટનના ઇતિહાસમાં ક્યારે ય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોત જોતામાં ભોંય ભેગા કરી દે! 

4.

આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!  મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટનોઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટનોઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે. 

5.

અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ‘ગાંધીજી’. હાઈ સ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાયબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિષે લખ્યું હતું – એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ – આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે; પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં; પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.

6.

સાડા સાત દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man' કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે! 

7.

છતાં આ લખું છું, તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં, સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. સાસરે ગયેલી વહુ, પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે; તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહીં એ તો વાચકે જ નક્કી કરવાનું છે. 

અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો – એ વિશેની વાતો પચાસ–સાંઠ વરસ જૂની છે. એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃિત-વિસ્મૃિતના કંઈક થરો લદાયેલા છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે; પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે. ક્યારેક સ્મૃિત દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે, જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભુંસાઈ જાય છે; છતાં ઇિતહાસકાર એ કાળનો ઇિતહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે. માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું. અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની ઓલિવર સેક્સ કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃિતઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. હા, એ બધી સ્મૃિતઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિિત બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃિતઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે. આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓનાં નામ લખ્યાં નથી અથવા તો ફેરવ્યાં છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિષે સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવીને જ લખ્યું છે.

આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું જ હોય તો જરૂર આગળ વધે ! પોતાના હિસાબે અને જોખમે !

સર્જક સમ્પર્ક: 4301 Military Road NW, Suite 510, Washington, DC 20015

વહાલા વાચકો,

વાંચી ગયાને ઉપરના બધા અંશો ? તમને થશે : ‘આ તો જબરો ગાંધી છે ને! કામે ય જબરાં કર્યાં છે!’

પણ ભાઈ, હું તમને છેતરું નહીં. આ આત્મકથાના અંશો છે જ નહીં! આ તો છે 344 પાનાંની આત્મકથાના આ ગ્રંથની શરૂઆતમાં, લેખકે જાતે લખેલી પૂ…રાં બાવીસ પાનાંની ‘પ્રસ્તાવના’ના કેટલાક અંશો .. આમાં આત્મકથાનો એકે અક્ષર નથી. આત્મકથા વાંચવા તો તમારે તે પુસ્તક પાસે જ જવું પડે .. લો, તેની વિગત નીચે આપું :

‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ : નટવર ગાંધી : ઈ.મેલ : natgandhi@yahoo.com

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિમિટેડ, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ-400 002

ફોન : +91 22 2200 2691; 2200 13588

1-2, અપર લેવલ, સેંચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380 006

ફોન : +91 79 2656 0504; 2644 2836 ઈ.મેલ : imageabad1@gmail.com

પ્રથમ આવૃત્તિ : મૂલ્ય : 400 રૂપિયા; એરમેલ સાથે વિદેશમાં : 15 ડૉલર; પાન સંખ્યા : 344

હવે આ પુસ્તકની ઈ.બુક નીચેની લીંક પર ઉપલબ્ધ છે :

e-Shabda link :

http://www.e-shabda.com/Ek-Ajaanya-Gandhini-Atmakathaa-Natwar-Gandhi-Politics-Autobiography-Gujarati-1803196725079

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 381 –August 20, 2017

Loading

...102030...3,3753,3763,3773,378...3,3903,4003,410...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved