Opinion Magazine
Number of visits: 9584424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજસ્થાનની વડી અદાલતના ન્યાયમૂર્તિ કહે છે કે મોર બ્રહ્મચારી પક્ષી છે એટલે ભગવાન કૃષ્ણ મોરપિચ્છ માથે બાંધે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2017

મને એમ લાગે છે કે ખાસ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા ધરાવનારાઓ માટે ડિફરન્ટ્લી ઇન્ટેલિજન્ટ શબ્દ વાપરવામાં આવે તો કેમ?

આગલા દિવસે સંકલ્પ કર્યો હોય કે આવતી કાલે વિકાસને લગતા કોઈ વિષય પર લખવું છે, પણ ત્યાં તો સરકાર પશુવ્યાપાર પ્રતિબંધ જેવો કોઈ અધ્ધર નિર્ણય લે અથવા તો શાખામાં બૌદ્ધિક તાલીમ પામેલો કોઈ બત્રીસલક્ષણો એવા અમર જ્ઞાનનો લાભ આપે કે આગલા દિવસે કરેલો સંકલ્પ બદલવો પડે. એક બાજુ રમૂજથી સવાર સુધરી જાય તો બીજી બાજુ રંજ થાય કે આવા લોકો અદાલતોમાં, યુનિવર્સિટીઓમાં, શોધસંસ્થાઓમાં ગોઠવાઈ રહ્યા છે ત્યારે દેશનું શું થશે? એકવીસમી સદીમાં જગતમાં જિનેટિક સંશોધનો થઈ રહ્યાં છે અને પેટન્ટ રજિસ્ટર થઈ રહ્યા છે ત્યારે આપણે ત્યાં ગાયનાં છાણનું સંશોધન થઈ રહ્યું છે અને આવા લોકો પાછા યુનિવર્સિટીઓમાં વાઇસ-ચાન્સેલર તરીકે ગોઠવાઈ રહ્યા છે. ક્યાં હોઈશું આપણે અન્ય દેશોની સરખામણીમાં એમ વિચારીને કંપી જવાય છે.

મહેશ ચન્દ્ર શર્મા નામના વિદ્વાન ન્યાયમૂર્તિ મંગળવારે રાજસ્થાનની વડી અદાલતમાંથી નિવૃત્ત થયા. નિવૃત્ત થતાં પહેલાં તેઓ એક મહાન ચુકાદો આપતા ગયા છે. તેમણે કહ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ અને ગાયની હત્યા કરનારને આજીવન કારાવાસની સજા કરવી જોઈએ. તેમણે તેમના લાંબા ચુકાદામાં માત્ર એક જ જગ્યાએ કાયદાપોથીનો અને બંધારણનો આશરો લીધો છે; જે માર્ગદર્શક સિદ્ધાંતોને સંબંધિત છે. આ સિવાય સર્વત્ર તેમણે વેદોનો, લોકવાયકાઓનો, મહાન હિન્દુ પરંપરાનો, ઊંડી શ્રદ્ધાનો આશરો લીધો છે. તેઓ એ રીતે ચુકાદો આપતા હતા જાણે કે કથામંડપમાં બાપુઓની વ્યાસપીઠ પર બેઠા હોય. મહેશ ચદ્ર શર્મા જજ હતા અને એ પણ વડી અદાલતના જજ હતા અને તેઓ અદાલતમાં ચુકાદો આપતા હતા એની યાદ અપાવવી પડે એટલી હદે કોર્ટરૂમ ગોમાહાત્મ્યના માંડવામાં ફેરવાઈ ગયો હતો. સવાલ એ થાય છે કે આવા લોકો વડી અદાલત સુધી પહોંચી કેવી રીતે જાય છે? મહિના પહેલાં કલકત્તાની વડી અદાલતના ન્યાયમૂર્તિ કર્ણનનાં કારનામાંઓથી આપ પરિચિત છો. કોલેજિયમમાં જબરી ક્ષતિ છે એમાં કોઈ શંકા નથી.

શું કહ્યું હતું ન્યાયમૂર્તિ મહેશ ચન્દ્ર શર્માએ એ જોઈએ:

ભગવાન કૃષ્ણ ગોપાષ્ટમીના દિવસે ગાયને પૃથ્વી પર લઈ આવ્યા હતા.

એમ માનવામાં આવે છે (જજસાહેબ કહે છે એમ માનવામાં આવે છે) કે ૩૩ કરોડ દેવતાઓનો વાસ ગાયના શરીરમાં હોય છે.

ગોમાતા આ ધરતી પર એકમાત્ર પ્રાણી છે જે શ્વાસમાં પણ ઑક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં પણ ઑક્સિજન બહાર ફેંકે છે. આના સમર્થનમાં તેમણે કૃષિવિજ્ઞાની ડૉ. જુલિયસ અને ડૉ. બુક જર્મનના અભિપ્રાયને ટાંક્યો છે.

ગાયનું શરીર સ્વયં એક ક્લિનિક છે અને ગૌમૂત્ર તેમ જ છાણ અમૃત સમાન છે.

ગૌમૂત્રનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થાથી બચી શકાય છે.

ગાયનું ઘી અને પંચગવ્યનું સેવન કરવાથી કોઈ પણ રોગ મટી શકે છે.

બ્રિટનના ડૉ. હૅમિલ્ટનના કહેવા મુજબ ગૌમૂત્રના સેવનથી હાર્ટ-અટૅક નિવારી શકાય છે અને કૉર્નેલ યુનિવર્સિટીના ડૉ. રોનાલ્ડ ગોરેટીના કહેવા મુજબ ગાયનાં દૂધનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

જર્મન વિજ્ઞાની ડૉ. રૂડલ સ્ટિનરના અભિપ્રાય મુજબ ગાયનાં શિંગડાં કૉસ્મિક એનર્જી ઝીલે છે અને રશિયન વિજ્ઞાની શિરોવિચના કહેવા મુજબ ગાયનાં છાણથી ઘર લીંપવાથી રેડિયો ઍક્ટિવથી બચી શકાય છે.

મદ્રાસના પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. કિંગના કહેવા મુજબ ગાયનાં છાણને કારણે કૉલેરાનાં જંતુ મરી જાય છે.

જજસાહેબે અનેક લોકોને ટાંક્યા છે, પરંતુ એકમાત્ર માર્ગદર્શક સિદ્ધાંતને છોડીને કોઈ જગ્યાએ કાયદાનો આશ્રય નથી લીધો. તેમને એવી જરૂરત નથી લાગી કે ન્યાયની ખુરસીમાં બેસીને કાયદાનો આશ્રય લેવો જોઈએ. હિન્દુ પરંપરા માટે ગર્વ અનુભવનારાઓ એટલી લઘુતાગ્રંથિ ધરાવે છે કે તેમને તેમની મહાનતા સિદ્ધ કરવા માટે પણ પશ્ચિમના વિજ્ઞાનીઓના અભિપ્રાયને ટાંકવા પડે છે. તેમણે ભરઅદાલતમાં કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ જબ ઇસ ધરતી પર આએ તબ આને સે પહલે ઉન્હોંને વૃંદાવન મેં ગાય કો ઉતારા … ઔર ઉન્હેં પતા થા કી હમારા જો વૈદ્ય હોગા, ડૉક્ટર હોગા, સજ્ર્યન હોગા વહ ગાય હોગી. ગાય કે દૂધ સે સબ તરહ કી બીમારિયાં દૂર હોતી હૈ, સાત્ત્વિકતા બઢતી હૈ, ધાર્મિકતા બઢતી હૈ. ગાય કી હડ્ડિયાં ભી તાંત્રિક પ્રયોગ કે લિએ કામ આતી હૈ.

એ પછી જજસાહેબ કોર્ટરૂમની બહાર આવીને પત્રકારોને કહે છે – આપકો માલૂમ હૈ મોર કો રાષ્ટ્રીય પક્ષી ક્યોં બનાયા હૈ? ક્યોંકિ પીકૉક મેં અનન્ય ક્વૉલિટીઝ હોતી હૈ. મોર આજીવન બ્રહ્મચારી હોતા હૈ. વો કભી ભી મોરની કે સાથ સેક્સ નહીં કરતા. ઉસકે જો આંસુ આતે હૈ વે ચુગ કર મોરની ગર્ભવતી હોતી હૈ. મોર કે પંખ ભી ભગવાન કૃષ્ણને ઇસ લિએ તો સિર પર લગાએ હૈં.

આ પહેલાં ૨૦૧૧માં મોરના શિકારને લગતા એક કેસમાં ચુકાદો આપતાં ન્યાયમૂર્તિ શર્માએ વિશ્વભરના મોટા-મોટા વિદ્વાનોનો હવાલો આપીને બ્રહ્મચારી મોરનો મહિમા કર્યો હતો. ઢેલ મોરનાં આંસુ પીને ઈંડાં આપે છે એવું મેં મારા બાળપણમાં સાંભળ્યું હતું. એ પછી નેહરુયુગીન શિક્ષણ મેળવ્યું અને મોર વિશેનું મહાજ્ઞાન ગામને પાદર છોડી દીધું. વિદ્વાન ન્યાયમૂર્તિએ વિદેશના જે-જે વિદ્વાનોનો હવાલો આપ્યો છે એના વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ તપાસ કરી તો કોઈકનાં નામ ખોટાં છે, કોઈકે આવું કહ્યું જ નથી અને બે-ચાર વિદ્વાનો તો અસ્તિત્વ જ નથી ધરાવતા. 

આજકાલ અંગ્રેજી ભાષામાં ડિસેબલ (અપંગ) માટે ડિફરન્ટલી એબલ શબ્દ વાપરવામાં આવે છે. મને એમ લાગે છે કે ખાસ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા ધરાવનારાઓ માટે ડિફરન્ટલી ઇન્ટેલિજન્ટ શબ્દ વાપરવામાં આવે તો કેમ?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 જૂન 2017

Loading

ગુજરાતી ભાષા, રાજ્ય સરકાર

હિમ્મત શાહ|Opinion - User Feedback|1 June 2017

અત્યારે આપણા ગુજરાતમાં, મોટા ભાગનાં શહેરો અને ગામડાંઓમાં બૉર્ડ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને જાહેર સ્થળો ઉપર મરાઠી ભાષામાં, (અંગ્રેજીની સાથે) બૉર્ડ વાંચવા મળે છે. આપણા ગુજરાતમાં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં બૉર્ડ જરૂરી છે, તમામ હોટલો, સંસ્થાઓ, લિફ્‌ટમાં, જાહેર જાજરૂ, બાથરૂમ તેમ જ જાહેરખબરમાં ગુજરાતી લિપિમાં શબ્દો જરૂરી છે. આ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, તમામ લેખકો, પત્રકારોએ ઝુંબેશ ચલાવવી જોઈએ, જેનાથી ગુજરાતી ભાષાનો પ્રચાર થશે. પ્રજા જ્ઞાની થશે, તેમ જ તેનાથી વેપાર-ઉદ્યોગ-ધંધાને પણ ફાયદો થશે.

(મેમનગર, અમદાવાદ)

Loading

વર્તમાન પરિસ્થિતિમાં સાહિત્યની સંસ્થાઓ પ્રતિ

અરવિંદ દેસાઇ રમેશ સંઘવી સુદર્શન આયંગાર મહેન્દ્ર ભટ્ટ તેમ જ સુખદેવ પટેલ|Opinion - Literature|1 June 2017

એવું નથી લાગતું કે માનવીય ચેતના કટોકટીમાંથી પસાર થઇ રહી છે; બુદ્ધિ અને પ્રજ્ઞાના સહયોગ દ્વારા, સમગ્રતાનું શિક્ષણ પામવાની દિશા ધૂંધળી થતી જાય છે; અહં અને મમના દ્વંદ્વને કારણે સમગ્રતાના શિક્ષણની દિશા સામે અનેક પડકારો ઊભા થયા છે? પરિણામે આપણે સંવાદની ભૂમિકાથી અળગા થતા થઇ રહ્યા છીએ.

શું કરાય?

છોડીને ભાગી જવાથી તો ઉકેલ નહીં જ આવે એવી પાકી શ્રદ્ધા, સમજ હજુયે જીવે છે. પ્રયત્નને સ્થાન છે. સામે ગાંધી, ટાગોર, શ્રી અરવિંદ, જે. ક્રિષ્ણામૂર્તિ અને શ્રદ્ધેયા વિમલા તાઈ  વગેરેનાં ચિંતનો તરફ મન ગતિ કરે છે. વર્તમાન પરિસ્થિતિની વિષમતા અને વિસંવાદ વચ્ચે એવું કંઈક કરીએ જેથી ખુલ્લા મન અને હૃદય સાથે નવા સમાજની રચના માટેની અભિપ્સા, જે યુવકોમાં જોવાય છે તેને બળ મળે. આવું મંથન કરનારા વિવિધ ક્ષેેત્રોના અગ્રણીઓ, સમાજના હિતચિંતકો સાથે સંવાદની ભૂમિકાએ મથીએ ને નિરાશા હતાશાથી મુક્ત થઈ પ્રવૃત્ત થવાય.

હમણાં પાનખર ચાલે છે, નવી પ્રેરણા, નવો સંદેશ અનુભવાય છે. સહજભાવે નિર્મોહ થઇ વૃક્ષો, જૂનાં પાંદડા તજીને નવાંને આવકારવા સજ્જ થઈ રહ્યાં છે, એને જોવામાં આનંદ અનુભવાય છે. એ જ રીતે મનમાં પડેલાં, ઘર કરી બેઠેલાં બદ્ધમતો અને ગ્રંથિઓથી મુક્ત થઈ જીવવાની પ્રેરણા સ્ફુરે છે, પણ ગ્રંથિઓની પકડમાંથી છૂટાતું નથી. નવા માર્ગનાં સ્પંદનો આવે છે પણ ભૂતકાળ પકડી રાખે છે. વર્તમાનને પ્રેરણા આપવી-લેવી એ કુદરતી પ્રક્રિયા છે. શ્રદ્ધેયા વિમલાતાઈના શબ્દોમાં,

“જીવન આપણને ત્યારે જ શીખવવા તૈયાર થાય છે જ્યારે ભૂતકાળને ખુલ્લો કરી, જાગ્રત સંવેદનશીલતાને આવકારીએ. પ્રતિક્રિયારહિત અવધાનથી, જગતના પદાર્થોમાં લોપાયા વિના, નામકરણ કર્યા વિના જોઈએ, જ્યારે જૂનું મન સાપેક્ષ સંબંધોથી યુક્તમન હરખશે ત્યારે જ જીવનનું શિક્ષણ શરૂ થાય છે. અવધાનના દર્પણમાં આત્માનો પ્રકાશ મૌનની અવસ્થામાં બધું અજવાળે છે.

મન જ્યારે અવધાનમાં જીવે છે ત્યારે બદ્ધમતોની ગ્રંથિઓ જુએ છે અને ત્યારે અવધાન Awarness શ્વાસોચ્છ્‌વાસ જેવું સહજ બની, સહજ અને સ્વયં સ્ફૂર્ત બની રહે છે, ત્યારે સમગ્ર જીવનના પ્રકાશમાં પ્રેરણા પ્રવૃત્ત થાય છે. આપણને અંદરથી ભીંજવી નાખે છે.”

‘જે શોધે છે એ પામે છે’ એ શાશ્વત્‌ સત્ય છે, સંતોના જીવનમાંથી એ સમજાય છે. એમાંથી જીવન પ્રત્યેની શ્રદ્ધાને બળ મળે છે. સ્વસમજણનો દીપ આપણે સૌ પ્રજ્જવલિત કરીને, માનવજાત સામેના પડકારોને ઝીલવા આપણે કટિબધ્ધ થઇએ તો “સહુજન હિતાય, સહુજન સુખાય”ની દિશામાં ચાલીને ઇશ્વરી પ્રેરણાને આવકારીએ.

પ્રેમ અને કરુણા એ આત્મબળની અભિવ્યક્તિ છે એટલે કે મનુષ્ય પાસે એવું કોઈ તત્ત્વ છે જેને આપણે આત્મા કહીએ છીએ. આજના પદાર્થવિજ્ઞાનવેત્તાઓ એને Energy of supreme intelligence કહે છે. બ્રહ્માંડ વ્યાપ્ત છે, એને પરમાત્મા કહે છે અને દેહમાં વ્યાપ્ત છે એને આત્મા કહ્યો છે. આપણી સમજ અને સત્ય એમાં છે કે પશુતાને સમજી એનાથી મુક્ત રહીએ, એ આપણા પર સવાર ના થાય એ રીતે એને વશમાં રાખી. ભૂતકાળના સંસ્કારો આપણા પર સવાર ન થાય એવી સમજણ વિક્સિત કરી શકીએ. આપણે શિક્ષણપ્રેમી લોકો પ્રથમ મનુષ્ય બનવાનો પરમાર્થ કરીએ અને મનુષ્ય બની રહેવાનું પ્રણ લઈએ તો ઇશ્વરી પ્રેરણા પ્રવૃત્ત થઇ શકે.

આજે ગુજરાતી સાહિત્ય જગતમાં વિવાદઅને વિખવાદના જે સમાચાર જાહેર માધ્યમોમાં વાંચવા મળે છે, ભાષાનો જે પ્રયોગ થઈ રહ્યો છે તેમાં સૌથી વધુ તો સંવેદનશીલતાને આઘાત પહોંચી રહ્યો છે, એની વેદના અનુભવાય છે.

સાહિત્યકારો સંવેદનશીલતાની અભિવ્યકિત કરતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરીષદ તો સાહિત્યકારોની કર્મભૂમિ છે. એની અને ગુજરાત સાહિત્ય અકાદમીની પરસ્પરની અભિવ્યક્તિમાં કડવાશ વધે નહીં અને સંવાદની ભૂમિકા સધાય તથા સાથે મળીને સ્વાયત્તતા અંગે રસ્તો શોધે એ અંગે અમારી નમ્ર અપીલ છે. શાંત ચિત્તે, અહંને વચ્ચે લાવ્યા વિના સાહિત્યક્ષેત્રની સ્વાયત્તતાનું ચિંતન થશે તો તેમાં સૌનું ગૌરવ સચવાશે. સ્વાયત્તતાની ઝંખના તો સૌની છે, પ્રશ્ન રસ્તો શોધવાનો છે. એ સંવાદ દ્વારા જ શક્ય બનશે. નિરાગ્રહી ચિત્ત સાથે આગળ વધશું તો શુભ માર્ગ સૂઝી આવશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 08

Loading

...102030...3,3673,3683,3693,370...3,3803,3903,400...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved