Opinion Magazine
Number of visits: 9767598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિનિયરોનું લગ્નજીવન

હરનિશ જાની|Opinion - Opinion|2 September 2017

ઘણા સિનિયરોને (ડોસાઓને), યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનિયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે! સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. પુરુષને સેટલ થવા માટે છોકરી નહીં નોકરી જોઈએ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ? જૂની હિન્દી ફિલ્મોમાં જ્હોની વોકર કહેતો કે "પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી."

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછ્યો તો કહે, "કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નીકળશે? મેં આ વાત દાદાને કરી. અને તેમણે ધામધૂમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છૂટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી મળ્યાં નહોતાં. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ, વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે. અને મને મારો જવાબ મળી ગયો. પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિન કા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને વરરાજાનું સંબોધન કર્યું. અને વાંદરાને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નીકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજાં પરણેલાંઓની પરણ્યા પછીની હાલત જોવા જેટલી પણ બુદ્ધિ હોતી નથી. પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે. નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીનાં જેવી. પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે. મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સ્વભાવ સિનિયર થતા સુધી રહેવાનો. એ વાતની કોઈ પણ પુરુષને ખબર હોતી નથી.

હિન્દી ફિલ્મોમાં શમ્મી કપૂર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનિયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે આજની બધી આશા પારેખો ભવિષ્યની લલિતા પવારો છે. આજની નાજુક પત્ની અને આજનો સેક્સી વરરાજા પાંચ વરસ પછી પેટ પર ટાયર લટકાવીને ફરતા હશે, અને જો પેટ ન વધે તો તેમનાં ટાયરમાંથી હવા નીકળી ગઈ હશે.

જગતમાં દરેક જુવાન પુરુષને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતુ નથી. પણ પરણ્યા પછી અક્કલ ઠેકાણે આવે છે. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલીની આંખ જ દેખાય છે. એ માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવીણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આંખ વીંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો. અને માછલીની આંખ વીંધવાનું માંડી વાળ્યું. જો, પછી શું થયું ? મહાભારત થયું. દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠ વરસની ઉંમર સિનિયરમાં નથી ગણાતી. તેમ જ આધેડ વય પણ ન ગણાય. અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હૃદય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે. એટલે સિત્તેરના સિનિયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરનાં થયાં. અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો બીજી સ્ત્રીઓ કહે કે, "ના હોય, મને તો તમે સાઠનાં લાગો છો.” તો એ તેને ગમે છે.

પત્નીજીને હિન્દી સિરિયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણ ? હિન્દી સિરિયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. બીજું તો કાંઈ નહીં પણ હિન્દી સિરિયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સૂવા આવે છે. ત્યારે કોઈનાં લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે, મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે. તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.’

દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં બેઠાં બેઠાં મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટી.વી. પર ગઈ તો અંદર કેલ્શિયમની ગોળીઓની, કમર્શિયલ ચાલતી હતી, પગ મજબૂત કેવી રીતે કરવા તેની.

પછી હું સમજી ગયો કે મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા એટલે ચેક કરતી હતી. એ બધું બરાબર છે ને! પેલા ભરતભાઈને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બીચારા માલતીબહેનને લોકો કેવું સંભળાવતા હતા? અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સૂઈ જવાશે.‘

"પણ તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે."

"ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ. કાલે તારા માટે ટી.વી. પરથી ઊંઘની કોઈ દવા શોધી કાઢીશ. મને સૂવા દે."

વસ્તુ એ છે કે સિનિયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સૂવાનું કારણ જ નથી હોતું સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સૂતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.

છેલ્લે, બધા જ સિનિયરો બીચારા નથી હોતા. કોઈક તો મારા બાલુકાકા જેવા સાહસિક પણ હોય છે. એક વખતે તે બેઠા બેઠા રડતા હતા. મેં કારણ પૂછ્યું. તો કહે કે, “હું પાછો બાપ બનવાનો છું.”

મેં કહ્યું કે “તે તો આનંદની વાત કહેવાય. રડો છો કેમ?” તો તે બહાદુરકાકા બોલ્યા, કે “તે વાત તારી કાકીને કેવી રીતે જણાવું?”

કુર્યાત્ સદા મંગલમ્

https://www.facebook.com/harnish.jani.7/posts/10212225367362810

Loading

નોટબંધી: ડુંગરશોધ અને ઉંદરબોધ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 September 2017

જાહેરખબરો પાછળ યુ.પી.એ. સરકારે દસ વર્ષમાં કર્યો, એનાથી ડબલ ખર્ચ આ સરકારે ત્રણ વર્ષમાં જ કરી નાખ્યો છે

રિઝર્વ બેંકના હેવાલના ઉજાસમાં નોટબંધી ઉર્ફે નોટબદલીના ‘મહાયજ્ઞ’ વિશે શું કહેવું, સિવાય કે ગાજ્યા મેહ વરસ્યા જાણ્યા નથી. કદાચ, આટલું કહેવું પૂરતું નથી – બલકે, બેહદ બેહદ અપૂરતું છે. 2016ના નવેમ્બરની 8મી તારીખે એકાએક જ નાને પડદે હાજરાહજૂર થઈને રિઝર્વ બૅંકના ઇલાકાથી ઉફરાટે પોતેપંડે જે છાકો પાડવાની તક વડાપ્રધાને ઝડપી હતી, એ એક આર્થિક પગલા તરીકે બિલકુલ પરિણામદાયી નીતિ પુરવાર થઈ નથી.

કાળાં નાણાંની ડુંગરશોધ નકરો ઉંદરબોધ બનીને રહી શોધ ગઈ છે, અને આગલે વરસે રિઝર્વ બૅંકે કેન્દ્ર સરકારને ખાસા 65,876 કરોડની સરપ્લસ નવાજેશ કરી હતી તેની સામે આ હેવાલ-વરસમાં તે ફક્ત અને ફક્ત 30,659 કરોડ રૂપિયા આપી શકી છે. દરમિયાન, એપ્રિલ-જૂન ત્રિમાસીમાં જી.ડી.પી. આખા 5.7 ટકે પહોંચેલ છે. મતલબ, છેલ્લાં ત્રણ વરસમાં એનો આ તલસ્પર્શી યાને તળિયે અડતો વિક્રમ છે.

વરસાદ લગારે અપૂરતો નહીં, બલકે બિલકુલ જ બિલકુલ પૂરતો છતાં, કૃષિ-કામગીરીઓમાં ઘટાડો, વિનિર્માણ(મેન્યુફૅક્ચરિંગ)માં નવી રોજગારીઓનું સર્જન નહીં, બાંધકામ ને ખાણ પ્રવૃત્તિઓમાં ઘટ, આ બધી નોટબંધીની સિદ્ધિઓ ઇિતહાસને ચોપડે (મારે ને તમારે જોખમે) જમે બોલશે. ખરું જોતાં, એને ઉધારના ખાતામાં ખતવવી જોઈએ પણ ઓરવેલિયન ડબલસ્પીક અને પોસ્ટ-ટ્રુથ માહોલમાં આપણે એને અલબત્ત અને અલબત્ત જમે જ ખતવવી જોઈશે.

આરંભ નોટબંધી/નોટબદલી એવી જિકર પણ રિઝર્વ બૅંકના વાર્ષિક હેવાલના ઉજાસમાં કેન્દ્ર સરકારનાં દાવાદુવી તપાસતાં જ કહેવું પ્રાપ્ત થાય છે એ તો એ કે 8મી નવેમ્બરના ‘મહાયજ્ઞ’ બોધિવચનથી શરૂ થયેલાં સઘળાં સત્તાવાર વક્તવ્યોએ સરવાળે સરજેલી સ્થિતિ કેવળ નજરબંધીની હતી. તમે જુઓ જે સિફતસપાટે અને સલુકાઈ સાથે તેમ જ મુખચાલાકીના પ્રયોગોપૂર્વક એક પછી એક મહાન હેતુઓ ખૂલતા ગયા અને બૅંકની લાઈનોમાં ઊભેલાઓ પોતાને સીમા પર ફરજ બજાવતા વીર સૈનિકો જેવી જ ભૂમિકામાં સમજવા લાગ્યા તે વાસ્તવિક પરિણામો જોતાં નજરબંધી નથી તો શું છે.

એકાએક જગાવાયેલો આ જગન ભ્રષ્ટાચાર સામે, કાળાં નાણાં સામે, નકલી નોટો સામે અને આતંકનાણાં (ટેરર ફંડિંગ) સામેનો હતો – અને મુક્તિનું સ્વર્ગ થોડાં જ ડગલાં દૂર હતું. પહેલું પખવાડિયું વીત્યું ન વીત્યું ત્યાં તો સર્વોચ્ચની દેવડીએ એટર્ની જનરલ રોહગતીએ વધામણીની અદાથી સત્તાવાર રજૂઆત કરી કે ઉત્તર-પૂર્વમાં અને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને આતંક પ્રસારવા સારુ હોમાતા ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા આથી બિનઅસરકારક કહેતાં ન્યુટ્રલાઇઝ થવામાં છે. પચાસ દિવસ થતાં, મુશ્કેલીઓમાંથી બેસુમાર પસાર થતાં જનસાધારણને વડાપ્રધાને જયપ્રકાશ-શાસ્ત્રી-લોહિયા-કામરાજ આદિની સાખે દેશ માટે વેઠવા બદલ લાખ લાખ અભિનંદન આપ્યા અને સમજાવ્યું કે આ તો એક ખરાખરીનો જંગ અને આરપારની લડાઈ છે. આ મુકાબલો ‘અપ્રામાણિક’ અને ‘પ્રામાણિક’ વચ્ચેનો તેમ જ ‘ધનિકો’ અને ‘ગરીબો’ વચ્ચેનો છે.

લોકપાલ – લોકઆયુક્ત બાબતે દિલચોરી અને દોંગાઈ તેમ પક્ષ તરીકે માહિતી અધિકારની અંતર્ગત આવવા બાબતે આડાઈ જેવાં વાનાં બાદ રાખીને એક-બે સાદી આંકડાકીય વિગતો અહીં આધોરેખિતપણે દોહરાવવા જોગ છે. 2012-13થી 2015-16 દરમ્યાન ભા.જ.પ.ને મળેલો કોર્પોરેટ ફાળો ખાસા 750 કરોડ રૂપિયાથી વધુ છે – એટલે કે સર્વ પક્ષોને મળ‌ેલ કુલ રકમ (956 કરોડ રૂપિયા)નો એ સિંહહિસ્સો છે.

કૉંગ્રેસ ઘણા દૂરના અંતરે 198 કરોડ રૂપિયા સાથે બીજે નંબરે છે. પ્રેસ કાઉન્સિલ સમક્ષ ‘પેઇડ ન્યૂઝ’નો હેવાલ 2010થી પડેલો છે, ‘ભ્રષ્ટાચારી’ યુ.પી.એ. સરકાર એના પર ત્રણ-ચાર વરસ બેસી રહી પણ મૂલ્યનિષ્ઠ એન.ડી.એ. સરકારનાં ત્રણ વરસ અને ત્રણ મહિના પણ એમ જ પસાર થઈ ગયા છે. જેમ યુ.પી.એ.-એન.ડી.એ.ના કોર્પોરેટ ફાળાની જિકર કરી તેમ એક બીજી સરખામણી પણ કરવા જેવી છે. યુ.પી.એ. સરકારે એની બે ટર્મ(દસ વરસ)માં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરખબરનો જેટલો ખરચ કર્યો એનાથી ડબલ, રિપીટ, ડબલ ખર્ચો એન.ડી.એ. સરકારે કેવળ ત્રણ વરસમાં જ કર્યો છે! અને છેલ્લે, રિઝર્વ બૅંકના હેવાલ સબબ પૂર્વનાણાંમંત્રી ચિદમ્બરમે ટકોર કરી છે તેમ 16,000 કરોડની લબ્ધિ સામે 21,000 કરોડનો ખર્ચો આ નોટબંધી પ્રકરણમાં થયો છે.

ગમે તેમ પણ, જુમલે સે જુમલે અને ઇવેન્ટથી ઇવેન્ટની શૈલીમાં રાચતું નેતૃત્વ નોટબંધી પ્રકરણને ‘પ્રામાણિક’ વિ. ‘અપ્રામાણિક’ અને ‘સહિત’ વિ. ‘રહિત’(ધનિક વિ. ગરીબ)ના જંગરૂપે ઉપસાવવામાં કામયાબ રહ્યું અને કોમી તેમ વિકાસની એની વિજય ફોર્મ્યુલામાં પરિમાણ ભળતાં તે 1993માં યુપી ખોયા પછી ખાસાં બાવીસ-તેવીસ વરસે ફરી વાર સુવાંગ કબજે કરવામાં કામયાબ નીવડ્યું. નોટબંધી નહીં પણ નજરબંધી તે આનું નામ: 8 નવેમ્બર 2016થી જે મોટોદઈત જગન શરૂ થયો એ દેખીતું આર્થિક પણ વાસ્તવમાં  એક રાજકીય (બલકે રાજકરણી) પગલું હતું એમ કહેવું યથાર્થ લેખાશે.

સવાલ એ છે કે એક પ્રજાસત્તાક સ્વરાજને લાયક નાગરિક સમાજ વિકસાવવાને મુદ્દે આપણે ક્યાં છીએ કેટલે છીએ. મે 2014ની ચૂંટણીમાં ઉછાળાયેલો એક મુદ્દો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો હતો. યુ.પી.એ. કાળ અને મનમોહનસિંહ વિશે જે પણ છાપ ઉપસી અને ઉપસાવાઈ હોય એ ધોરણે તુલનાત્મક વિકલ્પની રીતે આ પ્રકારની ઝુંબેશમાં એક અપીલ પણ હતી. અને ‘તારણહાર’ની શોધ તો ક્યારે નથી હોતી?

દેખીતું દૂરાકુષ્ટ લાગે તો પણ સચ્ચા ડેરા-ખ્યાત રામરહીમનો પેરેલલ અહીં સંભારવા જેવો છે. એમના અંગત જીવનની જે બધી ખરીખોટી વાત આજકાલ લખાઈ રહી છે એ અર્થમાં આવો કોઈ પેરેલલ અલબત્ત અભિપ્રેત નથી. જે વાનું અભિપ્રેત છે તે તો એ કે સંત્રસ્ત માણસ કોઈ પણ આકર્ષક તરણું પકડવા સારુ લાલાયિત હોય છે. રામરહીમ રજવાડું આટલાં વરસ ચાલ્યું-કલ્યાણરાજ્ય તરફથી નહીં નિભાવતી કેટલીક કામગીરીઓ એણે થોડીકે કરી હશે તે માફ-પણ એનું (આ રજવાડાનું) રહસ્ય સ્વાભાવિક જ તારણહારની શોધમાં ને ગતાનુગતિક ગાડરપ્રવાહમાં રહેલું નથી એમ કહી શકાતું નથી. આ પ્રક્રિયામાં અંજાપો અને અંધાપો એકાકાર જેવો થઈ જાય છે, અને સારાસારવિવેક કે તરતમવિવેક તે પછી રહે એ જરૂરી નથી. જો એક અર્થમાં ભલે સીમિત સંદર્ભમાં પણ, આ સરખામણી (નજરબંધીનો પેરેલલ) જો વિચારણીય લાગતો હોય – બંને ઘટના કોઈ એક ફ્રિકવન્સી પરની હોઈ શકતી હોય – તો શું કહીશું. નાગરિકને ઘેનગાફેલ કરી શકતી આવી પેરવીઓ ને પ્રયુક્તિઓ ક્યાં અને લોકશાહી રાહે સ્વરાજસાધના ક્યાં. 

સૌજન્ય : ‘મહાયજ્ઞ’, “દિવ્ય ભાસ્કર”, 02 સપ્ટેમ્બર 2017

Loading

લંડન કથાનાં સંસ્મરણો …

નિરંજન રાજ્યગુરુ|Opinion - Opinion|2 September 2017

 પ્રિય સંજુભાઈ, સુનિલભાઈ ..

લંડન કથાનાં સંસ્મરણો આલેખવાનું નિમંત્રણ સૌને અપાયું છે, સૌ પોતપોતાની રીતે એ સોનેરી દિવસોની યાદગીરીનું આલેખન કરતા રહેવાના છે. ત્યારે મારી આ નાનકડી આહુતિ ..

ખેતશીભાઈ દ્વારા બાપુની સ્વિત્ઝરલેન્ડ કથા ચાલતી હતી તે દરમિયાન મને લંડન કથામાં જોડાવાનું આમંત્રણ મળ્યું, મેં તરત જ એમને પૂછ્યું, ‘કોણ કોણ સાથે હશે ?’ જવાબ મળ્યો – ‘નરોત્તમ પલાણ, નાથાલાલ ગોહિલ, અંબાદાન રોહડિયા, અન્ય સાહિત્યકાર મિત્રો, ડાયરાના કલાકારો, પત્રકારો, કવિમિત્રો, ભજનિકો મળી લગભગ સવાસો જણા હશે .. ’  મેં તરત જ પૂછ્યું – ‘ એમાં મનોજ રાવલનું નામ છે ?’ ખેતશીભાઈએ ના પાડી. મેં કહ્યું – ‘બાપુને પૂછીને આ નામ ઉમેરવાની જરૂર છે..’ અને મેં મનોજભાઈના સંપર્ક નંબર પણ આપ્યા. બીજા જ દિવસે ખેતશીભાઈનો ફોન આવ્યો ‘મનોજભાઈનું નામ સામેલ કર્યું છે..’

પછી હું મૂંઝાયો. મારો પાસપોર્ટ રિન્યૂ કરાવવાની વિધિ તો એક મહિનાથી ચાલતી હતી, ઓનલાઈન ફોર્મ ભરેલું, ઈન્ટરવ્યૂની તારીખ ર૧ જુલાઈ મેં જ નક્કી કરેલી, એ પછી આઠ દસ દિવસે પાસપોર્ટ ટપાલમાં આવે, જો એમાં મોડું થાય તો ?… ખેર ! જેવી હનુમાનદાદાની મરજી.. એમ વિચારી એકવીસ તારીખે પાસપોર્ટ કચેરીએ ગયો. કોઈ પણ જાતના વિઘ્ન વિના ઈન્ટરવ્યૂ પૂર્ણ થયો અને કહેવાયું – ‘આઠેક દિવસમાં ટપાલ દ્વારા પાસપોર્ટ મળી જશે ..’ આમ સત્યાવીશ તારીખ સુધી મારી વિઝા એપ્લિકેશન પણ તૈયાર નહોતી કરી. ર૭ તારીખે મોબાઈલમાં મેસેજ આવ્યો – ‘તમારો પાસપોર્ટ અમદાવાદ કચેરીથી સ્પીડપોસ્ટમાં રવાના કર્યો છે..’ તરત જ રાજકોટ ગયો, અમિતભાઈની ગેલેક્સી કોમ.સેન્ટરમાં આવેલ ટ્રાવેલ મેન્ટર ઓફિસે મારા ડોક્યુમેન્ટ્સ આપ્યા અને કહ્યું કે કાલે પાસપોર્ટ આવી જશે, માટે વિઝા માટેના જરૂરી કાગળો તૈયાર કરી રાખશો. એમને પણ ભરોંસો નહોતો, મેં કહ્યું – ‘આવી જાય તો ઠીક છે, ન આવે તો હરિની મરજી .. તમે મૂંઝાતા નહીં ..’

અઠ્યાવીશ તારીખે ગોંડલની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી જ ઘોઘાવદરના થેલામાં બંધાય એ પહેલાં જ મને રૂબરૂ પાસપોર્ટ મળી ગયો, તાત્કાલિક રાજકોટ પહોચાડ્યો અને વિઝા માટેના કાગળો તૈયાર થયા, ર૯ શનિવારે સવારે નવ સુધીમાં તો જયંતીભાઈના અતુલ ઓટોઝ રીબડા ખાતે બ્રિટિશ વિઝા અધિકારીઓ સામે હાજર થવાનું હતું. ગોંડલના હાઈ વે પરથી જ નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ સાથે જોડાઈ ગયો અને જયંતીભાઈને ત્યાં મેળો જામ્યો. ચા-નાસ્તો, પૂછપરછ, સહી નમૂના, ફોટોગ્રાફ્સ, આંગળાનાં નિશાન. બધું જ તદ્દન સહજ રીતે પતી ગયું. હજુ ઘણાના મનમાં અવઢવ હતી, કારણ કે કેટલાક મિત્રો, કલાકારો એવા હતા કે જેના બેન્ક એકાઉન્ટમાં ત્રણ આંકડાથી વધારે રકમ જ નહોતી, કોઈ જ સ્થાવર જંગમ મિલકત નહોતા ધરાવતા, એની પાસે પાનકાર્ડ કે ઈન્કમટેક્સ રિટર્ન તો હોય જ ક્યાંથી ? પણ હનુમાનજી મહારાજની આણ ફરતી હોય એને કોણ તારવી શકે ? સામાન્ય રીતે ભલે આઠ હજારમાં જે કામ થાય તે માટે ઈમરજન્સી તત્કાલ વિઝાના તેંત્રીશ હજાર ચૂકવાયા પણ જેટલી અરજી હતી તે તમામને … હા, તમામને વિઝા મળ્યા .. વળી માત્ર નવ દિવસના નૈં .. છ છ મહિનાના ..

ઓગષ્ટની પહેલી તારીખે સૌરાષ્ટૃ યુનિવર્સિટીદ્વારા મોરારિબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સમારંભ આત્મિય કોલેજ ખાતે સંપન્ન થયો, નવ વ્યક્તિને એક એક લાખના મેઘાણી એવોર્ડ અને નવ વ્યક્તિને એક એક લાખના હેમુ ગઢવી એવોર્ડ અપાયા .. હવે તો દિવસો ગણવાના હતા. ક્યારે, કઈ રીતે,  કોણે, ક્યાં પહોંચવું એ નક્કી નહોતું થયું .. છેક છેલ્લે દિવસે એટલે કે દસ તારીખે રાજકોટ જયંતીભાઈને ત્યાંથી ભાઈ ધર્મેશનો ફોન આવ્યો ‘નિરંજનભાઈ ! તમારે તેર વ્યક્તિની જવાબદારી લેવાની છે. આ તેર ટિકિટ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી લંડનની છે .. બીજા બધા મુંબઈથી લંડન પહોંચશે ..’ હું ફરી મૂંઝાયો. મેં વિનંતિ કરી કે ‘અમારી સાથે કવિશ્રી સંજુ વાળાનું નામ છે, એ સ્થાનિક રાજકોટના જ છે તો તેઓ જો અમિતભાઈની ઓફિસથી બધાના પાસપોર્ટ ડોક્યુમેન્ટ્સ/ટિકિટ મેળવી લ્યે તો સહેલું રહે ..’ ને સંજુભાઈએ એ સહર્ષ સ્વીકારી લીધું ..

મનોજભાઈએ જામજોધપુરથી જ એમની પોતાની, મારી, ગોહિલસાહેબની અને અંબાદાનની અમદાવાદ મુંબઈ ટ્રેઈનની ટિકિટો લઈ લીધેલી, એમાંથી મારે અને મનોજભાઈને અમદાવાદથી દિલ્હી જવાનું થયું. એટલે દસમી તારીખે રાત્રે ચારે જણા નીકળીને અમદાવાદ પહોંચે અને પછી છૂટા પડે એવું નક્કી કર્યું. કેશોદથી નાથાભાઈ એમના દીકરા યતીનની ગાડીમાં રાત્રે નવ વાગ્યે વીરપુર પહોંચ્યા, ત્યાંથી મનોજભાઈને બેસાડી આવ્યા ગોંડલ,  હાઈ વે પરથી જ મને લીધો અને રાજકોટમાંથી અંબાદાન જોડાયા .. સવારે સાડાચાર વાગ્યે અમદાવાદમાં પાલડી સ્ટેન્ડ પર મને અને મનોજભાઈને ઉતારી છ વાગ્યાની મુંબઈની ટ્રેઈનમાં પહોંચવા અંબાદાન અને નાથાભાઈ સ્ટેશન ગયા. મનોજભાઈના એક સંબંધીને ઉઠાડી અમે સૂતા. પછી બપોરનું ભોજન કરીને સાડા બાર વાગ્યે અમદાવાદના એરપો ર્ટ.. જ્યાં નરોત્તમ પલાણ, સંજુવાળા, કરણભાઈ ચારણ, નજુભાઈ ખુમાણ, રાણાભાઈ સીડા, ભરતભાઈ ડેર, મૂળુભાઈ સોનારત, ભીમાભાઈ ઓડેદરા, હેતાર્થ ગઢવી, અરૂણાબહેન બિહારીદાન અને બિહારી હેમુભાઈ ગઢવી .. એમ અગિયારની મંડળી ભળતાં અમે તેર જણાં અમારી જેટ એરવેઝની દિલ્હી જતી ફલાઈટ – ક્યુ ડબલ્યુ છસો પંચાવનમાં બપોરના સાડા ત્રણ પછી બિરાજ્યાં. પાંચને બદલે પોણા છ વાગ્યે દિલ્હી પહોંચ્યા, જ્યાં ભરતભાઈ ડેર દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થા મુજબ સાંસદ પૂનમબહેન માડમના સાંસદ નિવાસે ભોજન આરામ માટે પહોંચાડવા બસની સગવડ મોજુદ હતી. પહોંચ્યા, તરોતાજા થયા અને ખૂબ જ નિરાંતથી પૂનમબહેન સાથે પરિચય કેળવ્યો .. એમના પરિવારજનો તથા એમના મતક્ષેત્રના વિદ્યાર્થીઓનું પચાસેકનું ટોળું સંસદભવન જોવા અને વડાપ્રધાનશ્રીની મુલાકાતે આવેલું. એમના ભોજનસમારંભમાં અમે તેર પણ ભળી ગયા.

સરસ ભોજન અને સંગીત નૃત્યના જલસામાંથી પરવારી ફરી આપણા સમય મુજબ રાત્રે પોણા ત્રણ વાગ્યે લંડન જવા ઉપડતી એર ઈન્ડિયાની એ આઈ ૧૬૧ ફલાઈટમાં જોડાવા દિલ્હી એરપોટ … ત્યાં   લાં … બી લાં … બી  કતારો, એક બીજાને શોધવાના વ્યર્થ ફાંફાં .. મૂંઝવણ … વ્યાકુળતા વચ્ચે બોર્ડીગ પાસ મળતાં હાશકારો અનુભવી નિયત પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે એકબીજાનાં મોઢાં જોવા જેવા હતા .. હવે રાહ જોવાની હતી ..

તલબગારો સ્મોકીંગ ઝોન શોધવા લાગ્યા, કેટલાક તળાવ તરસ્યા પાણીની કે ઠંડા પીણાંની તલાશમાં .. બિહારીભાઈનો ભાણેજ હેતાર્થ વેફર કે પાણી બોટલ માટે મશીનમાં પૈસા નાખે અને મશીન એ પૈસા ખાઈ જાય પણ વસ્તુ ન આપે .. ખરી લહેર કરતાં કરતાં સમય થયો, વિમાન આકાશચારી થયું અને ભારતીય સમય મુજબ બારમી તારીખે બપોરના બાર પછી અને લંડનના સમય મુજબ સવારના સાડા સાત વાગ્યે હીથ્રો એરપોર્ટ પર અમારું પદાર્પણ .. લગભગ એકાદ કિલોમીટરની પદયાત્રા પછી ઈમિગ્રેશન વિધિ પૂર્ણ કરવા ફરી ક્યુમાં …. સર્પાકારે ગતિ કરતાં કરતાં અંતે ખેતશીભાઈનાં દર્શન અને હાશકારો .. બસમાં બેસાડ્યા, બસે હોટેલ હિલ્ટન ઉતાર્યા .. પણ અમારાં નામ તો હતાં હોટેલ હોલીડે ઈનના અતિથિ તરીકે .. સદ્દભાગ્યે એ સ્થળ પણ નજીકમાં જ .. સાંજે ચાર વાગ્યે તો કથા પ્રારંભ થવાનો હતો .. મુંબઈનો સંઘ પણ ચાર પહેલાં આવી પહોંચ્યો. કાઠિયાવાડી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, ચારણી બારોટી ડિંગળી ભાષાઓના કવિઓ, સાહિત્યકારો, પત્રકારો, ભજનિકો, લોકકલાકારો, લોકગાયકો, સંશોધકો, ઇતિહાસ પુરાતત્ત્વવિદો, સંગીતકારો અને બાપુના કાયમી શ્રોતાજનોનું એકસો ચાલીશનું પેડું ઈન્ગ્લેન્ડની ધરતી સર કરવા ને પોતપોતાના ખેલ ભજવવા, એના મુખી નાયક મોરારિબાપુ સાથે સજ્જ ને તલપાપડ હતું …

સાંજના ચાર વાગ્યે કથાનો પ્રારંભ થયો .. વેમ્બલીના અતિ વિખ્યાત ઈનડોર સ્ટેિડયમ કે જેમાં ભારતના વડા પ્ર ધાનનો સન્માન સમારંભ યોજાયેલો ને આખા જગતે નિહાળેલો ત્યાં ભવ્ય વ્યાસપીઠ પર બિરાજીને બાપુ દ્વારા ‘માનસ મહિમ્ન’નું મંગલાચરણ .. બીજા દિવસે ૧૩ ઓગષ્ટ  રવિવારે કથા પછી તબલાં ઉસ્તાદ ઝાકીરહુસેન અને સિતારવાદક પંડિત નિલાદ્દ્રીપ્રસાદની જુગલબંદી .. ચૌદમી તારીખે વહેલી સવારના કવિમિત્ર સંજુ વાળા, સુનિલ જાદવ અને અંબાદાન સાથે વેમ્બલીના રસ્તાઓ પર પદયાત્રા .. દોઢેક કલાકની .. પછી કથામાં અને કથા પૂર્ણ થતાંવેંત બસમાં બિરાજમાન .. જોઈ લીધાં રાણીનો મહેલ ને લંડનના કેટલાંક પ્રખ્યાત સ્થળો .. પેલેસના બગીચામાં જ સાથે અપાયેલા મિષ્ટ ભોજનના આનંદ સાથે સમૂહ તસવીર .. એ પછી તરત જ યજમાન રમેશભાઈના નવા બંધાયેલા આવાસે જ્યાં ગુજરાતી કવિસંમેલન, નરોત્તમ પલાણ, જય વસાવડાનાં વ્યાખ્યાનો ..

પંદરમી ઓગષ્ટ અને જન્માષ્ટમીનો સંયુક્ત તહેવાર .. ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અદ્દભુત સુયોગ .. રાસ ગરબા અને રાષ્ટ્રગીતો સાથે કથામાં માણ્યો. વકતાઓમાં ભદ્રાયુભાઈ … અને કાજલ ઓઝા વગેરે .. સોળમી તારીખે બિહારીભાઈએ હેમુભાઈનાં સ્વરોની યાદ આપી, ચિંતન પંડ્યાએ સર આઇઝેક ન્યૂટન વિષે અદ્દભુત રજૂઆત કરી, અને નાથાલાલ ગોહિલે – મારગી પરંપરા –વિષે .. પછી ઉર્દું મુશાયરો .. રાત્રે ભોજન પછી નિરાંતે બાપુને મળ્યા, બ્રિટિશ લાયબ્રેરીમાં સચવાયેલી આપણી સંતસાહિત્યની અને ચારણીસાહિત્યની હસ્તપ્રતો જોવા જવું છે એવી મનોકામના વિશે વાત કરી. ત્યાં તો રિશિભાઈ, રૂદ્ર, જાનકી, રાધિકા એ માટે વ્યવસ્થા કરવા તત્પર .. અને સતરમી તારીખની કથા છોડીને પણ અમે ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ બ્રિટિશ લાયબ્રેરીની મુલાકાતે મનોજ રાવલ, નાથાલાલ ગોહિલ અને અંબાદાનભાઈ નીકળી પડ્યા. કાયમી સભ્યપદ નોંધાવ્યું, પ્રવેશકાર્ડ મેળવ્યું, હસ્તપ્રત ભંડારની મુલાકાત લીધી, ત્યાંના એશિયન આફ્રિકન હસ્તપ્રત વિભાગમાંની સૂચિઓ તરત જ એક વયસ્થ અંગ્રેજ સન્નારીએ પૂરા ભાવથી અમારા હાથમાં મૂકી આપી .. હરિરસ, અવતારચરિત્ર, કબીરપદો, દાદુ પદો, અનેક પદસગ્રહોના ગુટકાઓ … માત્ર સૂચિ જોતાં જ નજર ફેરવતાં જ ત્રણેક કલાક ક્યાં વહી ગયા એનું ભાન ન રહ્યું .. વળી અમારે લંડન આઈ માટે નીકળનારા સંઘમાં સામેલ થવાનું હતું. .હવે આનંદઆશ્રમમાં બેસીને ઓન લાઈન બધી સામગ્રી જોઈ વાંચી શકાશે એવા સંતોષ સાથે બહાર નીકળ્યા ત્યારે આપણી ભવ્ય સાંસ્કૃિતક વિરાસત પણ બ્રિટન દ્વારા કઈ રીતે જળવાણી છે અને પોતાની ભાષા ન જાણનારા સંશોધકો માટે ગ્રંથાલયના કર્મચારીઓ કેટલો દાખડો કરી શકે છે એની પ્રતીતિ સાથે અહોભાવથી મસ્તક નમી પડ્યું ..

કથામાં બાપુએ નાથાલાલ ગોહિલના ‘મારગી પરંપરા’ વિષયક પ્રવચનનો ભાવથી ઉલ્લેખ કરેલો એવું મિત્રો દ્વારા જાણ્યું ત્યારે આનંદ બેવડાયો. લંડન આઈના ચકડોળમાં ડાયરાના કલાકારોએ દુહા છંદની રમઝટ બોલાવી, જેના સ્વરહિલ્લોળ ત્રણસો સાઠ ડિગ્રી દશે દિશાઓમાં પ્રસરતા રહ્યા.

રાત્રે વેમ્બલીના જલારામ મંદિરે સત્સંગીઓ સામે નાનકડા પ્રવચન બાદ સ્નેહી ભજનિક  ખીમદાસજી દાણીધારિયાના નિવાસસ્થાને સંતવાણી સાંભળવાનો,નાથાલાલ ગોહિલના ‘મહાધરમ’ વિષયક પ્રવચનનો અને સંતવાણી પ્રસ્તુત કરવાનો પણ લાભ અનાયાસ મળી ગયો ..

એ પછીના દિવસે એટલે કે અઢારમી તારીખે કથા બાદની સાંય સભામાં આરીફ મોહમ્મદ ખાન, વસંતભાઈ ગઢવી, શાહબુદ્દીન રાઠોડ વગેરેના વક્તવ્યો બાદ લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટીસાહિત્ય, સંતવાણી અને ડાયરાના કલાકારો દ્વારા રજુઆતો થઈ, જિતુદાન ગઢવીના સંચાલનમાં .. જેમાં બાપુ સામે પ્રથમવાર સાજ-સંગત સાથે પરંપરિત ભજનવાણીની પ્રસ્તુિત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો, જેનો રાજીપો બાપુએ બીજા દિવસની કથામાં પણ વ્યક્ત કર્યો. મને તો આનંદ થતો રહ્યો કેટલાક વડીલ ગુરુજનોની મદીલી લીલાઓને મોબાઈલના વીડિયોમાં કંડારવાનો .. ફિલમ ઉતારવાનો …

ઓગણીસમી તારીખ શનિવારે કથા સમયે બ્રિટનમાં વિધવિધ સ્થળે વસવાટ કરતા કેટલાંક સગાંવહાલાં કુટુંબીજનોનો મેળાપ થયો. કથા પછી એમને સાથે જમાડ્યાં ને રાજી કર્યા.ં ત્રણ વાગ્યે સન્મિત્ર વિપુલ કલ્યાણી હોટેલ પર મળવા આવ્યા, હજુ હોસ્પિટલમાંથી રજા જ મળેલી એવી નાદુરસ્ત તબિયત છતાં મેં અણજાણ્યે એમને દાદરા ચડાવ્યા .. મને અને મનોજભાઈને મળવા આવેલા, સાથે રતિલાલ બોરીસાગર સાહેબને યાદ કર્યા એટલે મેં એમને બોલાવવા ફોન કયો, ત્યાં પલાણસાહેબ જે બોરીસાગરસાહેબની રૂમમાં જ સાથે રહેનારા .. એમને પણ ખબર પડી અને દોડી આવ્યા .. થયું કે આદરણીય અને જેના તરફ પૂજ્યભાવ છે એવા વડીલો હવે અપ્રાસંગિક અસંગત પ્રલાપોથી કેમ દૂર નહીં રહી શકતા હોય ? પણ અંદરનું હસવું ખાળીને મોબાઈલ કેમેરામાં એની ફિલમ માંડમાંડ ઉતારતો રહ્યો.

આજે તો સાંય સભામાં ઉર્દૂ મુશાયરાનો બીજો ભાગ છે, વળી બળવંત જાની દ્વારા ડાયસ્પોરા એવોર્ડ સાહિત્યકાર વલ્લભ નાંઢાને .. જગદીશ દવેનું સન્માન .. પહોંચવાની ઉતાવળ છે … છૂટા પડ્યા, નીકળ્યા, પહોંચ્યા. સમારંભ જોયો, બળવંતભાઈનું સંચાલન અને વક્તાઓને સાંભળ્યા,  રઘુવીરભાઈની સ્પીચ રેકોર્ડ કરી, નગીનદાસબાપાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આજની કથાનો સાર જ અંગ્રજીમાં આપી દીધો … ઉર્દૂ મુશાયરો શરૂ થાય એ પહેલાં જ બાપુ પાસે જઈને  ‘હવે કાલે સવારે તો વિદાય લેશું એટલે કથામાં નહીં અવાય એટલે આગોતરી રજા લઈએ છીએ ..’  … કહીને ભોજન માટે અને ત્યાંથી પથારી ભેગા ..

નવ  દિવસોમાં કેટકેટલાં સ્નેહીજનો-વડીલો-મિત્રોનો અંતરંગ પરિચય કેળવાયો .. એકસોને ચાલીશમાંથી બધાનાં નામ તો નહિ લઇ શકું પણ તત્કાલ સ્મૃિતમાં આવે છે – રઘુવીરભાઈ, રતિલાલ બોરીસાગર, કેશુભાઈ દેસાઈ, હર્ષદભાઈ-બિન્દુબહેન, માધવ રામાનુજ, જલન માતરી, વસંતભાઈ ગઢવી સાહેબ, વિનોદ જોશી, તુષાર શુક્લ, જવાહર બક્ષી, કૌશિક મહેતા, જ્વલંત છાયા, મિલિન્દ ગઢવી, શોભિત દેસાઈ, નીતિન વડગામા, ભદ્રાયુભાઈ, જય, કાજલબહેન, અંકિત, ખલીલ ધનતેજવી, રાહત ઇન્દોરી, હર્ષદેવ માધવ, વિજય પંડ્યા, આરીફ મોહમ્મદખાનસાહેબ  જેવા  શબ્દ સાધકોની સાથોસાથ જીતુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, કમલેશ ગઢવી, જગમાલ બારોટ, ભારતીબહેન કુંચાલા, લલિતાબહેન, ભારતીબહેન વ્યાસ, રામભાઈ બારોટ, મેરાણભાઈ, રામદાસજી, પુરુષોત્તમ પરી, પોરબંદરથી રાસમંડળીના રાણા સીડા, વસંતદાસ બાપુ, દ્વારકાથી કેશવાનંદજી, લિફ્ટમાં બેસતાં ધ્રુજતા રહેતા બાબુભાઈ કાગ, જબરા વાચક-વિચારક કરણભાઈ ચારણ, નજુભાઈ ખુમાણ, ભરતભાઈ ડેર અને ઉર્દૂ શાયરો, ગુજરાતી કવિઓ, ડાયરાના તમામ  કલાકારો … (આ  બધા જ મારા પરમ સ્નેહીઓ છે – જેની નામાવલી પુસ્તકમાં તો આવશે જ..)  

વીસમી તારીખની  સવારે સાડા આઠે તો હોટેલ છોડી દીધી, લંડન એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એ આઈ ૧૭૬ ફલાઈટ ત્યાંના સમય મુજબ ૧ર ૩પની .. ફરી લાં … બી લાં .. .બી કતારો, સર્પાકાર ગતિ, પહેલાં પ્લેટફોર્મ જોઈ લઈએ અને પછી ખરીદી કરીશું એવી અણસમજને કારણે સંજુ વાળાનો હાથ પકડી દોટ દીધી, એમના ટેક્સ વાઉચર પડ્યા રહ્યા, ન કશી ખરીદી થઈ શકી ને  ટનલમાં  આમતેમ આથડતાં માંડ માંડ વિમાનને દરવાજે પહોંચ્યા .. મારી અણસમજ ને અધિરાઈનો ભોગ કોઈક મિત્ર બને એવી ઘટનાઓ હવે પછી ન બને એવી મનોમન પ્રાર્થના, છેક રાત્રે અઢી વાગ્યે અમદાવાદ પહોંચ્યો, ને ત્યાંથી રિક્સા પકડી પાલડી વરસતા વરસાદે, રાજકોટ ને  ત્યાંથી ઘોઘાવદર પહોંચ્યો, ત્યાં લગી  કરતો રહ્યો ……

30 અૉગસ્ટ 2017

https://www.facebook.com/niranjan.rajyaguru/posts/1442671889113270

Loading

...102030...3,3663,3673,3683,369...3,3803,3903,400...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved