Opinion Magazine
Number of visits: 9584444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમીશની સીતા અને અરુંધતીની અંજુમઃ હેપી વૉરિયર્સની મિનીસ્ટ્રીનાં રચનાકારો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 June 2017

ધર્મની વાત કરીને પણ સુખી રહી શકતા અમીશ ત્રિપાઠી સામે સાંપ્રદાયિકતાની વાત કરનારાં અરુંધતીને લોકો સુખે જીવવાં નથી દેતા. વાત બે લેખકોની, એમની રચનાઓની અને એમનાં ચાહકોની.

બંન્નેનાં નામની શરૂઆત અક્ષર ‘અ’ પરથી થાય છે. બંન્ને જણને ચાહનારાઓની સંખ્યા મોટી છે એટલું જ નહીંં પણ એમની ટીકા કરનારાઓનો વર્ગ પણ બહુ મોટો છે. એક એવી વ્યક્તિ છે જેને ‘વિવાદ કે કોન્ટ્રોવર્સી’ શબ્દ સાથે કંઇ કરતાં કંઇ જ લેવા દેવા નથી, તો બીજી વ્યક્તિ એવી છે જેને ‘વિવાદ’ સાથે જ્ન્મજન્માંતરનો સંબંધ હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સતત ચર્ચામાં છે. એક જણ કરોડો રૂપિયા કમાય છે તો બીજું કરોડોમાં ય ન ખરીદી શકાય એવું સન્માન વિશ્વ સ્તરે મેળવે છે. આ બંન્ને જણ કોઇ રાજકારણીઓ નથી પણ લેખકો છે.

અહીં વાત થઇ રહી છે અમીશ ત્રિપાઠી અને અરુંધતી રોયની! મને ખબર છે કે અહી ંલખાયેલા બીજા નામથી પોતાની જાતને હિંદુ ‘વાદી’ કહેવડાવનારાઓનાં નાકનું ટીચકું ચઢી જશે, પણ હવે કોઇનાં નાકને સારું લગાડવા તો વાત અટકાવી નહીંં શકાય. (હિંદુ કોઇ વાદ છે જ નહીંં એ એક ધર્મ છે, ધર્મ એટલે કે સમાજમાં અમુક નિયમોને માર્ગે જીવવાની રીત શીખવતું શાસ્ત્ર -ધમ્મ, જેની ગૌતમ બુદ્ધે પણ વાત કરી છે) અમીશ ત્રિપાઠી જેણે આઇ.આઇ.એમ.માંથી અભ્યાસ કર્યો છે, ખૂબ સફળ બેંકર રહી ચુક્યાં છે અને પછી તેમની પર શંકરનો આશીર્વાદ ફળ્યો જેના પરિણામે તેમણે ‘શિવા ટ્રીયોલોજી’ હેઠળ ત્રણ પુસ્તકો લખ્યાં અને હવે તેમણે રામનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું છે. આજે આ બંન્ને વ્યક્તિઓની વાત એક લેખક તરીકે પહેલાં અને પછી વ્યક્તિત્વની દ્રષ્ટિએ કરવી છે જેનું મૂળ કારણ એ કે બંન્ને જણનાં નવાં પુસ્તકો આ સમયમાં લોંચ થઇ રહ્યાં છે. અમીશ ત્રિપાઠીનું પુસ્તક ‘સીતા – ધ વોરિયર ઓફ મિથીલા’ લોંચ થઇ ચુક્યું છે અને અરુંધતી રોયનું પુસ્તક ‘ધ મિનીસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપ્પીનેસ’ આવતા અઠવાડિયે લોંચ થવાનું છે. આ બંન્ને લેખકોનાં ઇન્ટરવ્યુઝ, પુસ્તકોની ચર્ચા અને અરુંધતીનાં કેસમાં કોન્ટ્રોવર્સીની અત્યારે મોસમ ચાલે છે.

અમીશ ત્રિપાઠીની વાત કરવાની મજા એટલા માટે છે કારણ કે એમણે હિંદુ ધર્મકથાઓની રજૂઆત આજની પેઢી સમજી અને વાંચી શકે એ રીતે કરવાનો નિર્ણય લીધો. એમનાં લખાણોમાં એક પ્રકારની મુક્તતા છે. શંકર કે રામની વાત એ રીતે નથી થતી કે વાંચતા વાંચતા એકવાર ઊભા થઇને મંદિરે માથું ટેકવી આવવાનું મન થાય, પણ છતાં ય ભગવાનના અસ્તિત્વને કાં તો પડકારનારા કાં તો આંધળું અનુસરણ કરનારા સમયમાં એકવાર આ બધાં ભગવાનોને માણસ તરીકે જોવાની કરુણા ભલભલા માણસમાં આવી જાય છે. માણસ જ્યારે ક્યાંક અટકે કે અકળાય ત્યારે બોલતો હોય છે, ‘હું કંઇ ભગવાન થોડો છું’. અમીશનાં લખાણોનો ભગવાન જાણે એમ કહેવા માગે છે, ‘હું ય માણસ છું યાર, થોડું કન્સેશન તો આપો’. ભગવાનની આ વાણીથી તમારે ચમકવાની જરૂર નથી કારણ કે અમીશનાં લખાણોની મજા આમાં જ તો છે. ભલભલાં ભગવાન તમારી સામે, તમારી સાથે બેસીને પોતાની વાત કરતાં હોય એવું લખાણ એટલે અમીશનાં પુસ્તકો. શિવ પુરાણને સરળતાથી રજૂ કરવાનું શ્રેય અમીશને જાય છે. અમીશનાં પુસ્તકોમાં ફિક્શન પણ એટલું જ છે પણ એની રજૂઆત કોઇને પણ તકલીફ આપે એવી નથી હોતી. સસ્તું અને સરળ લખીને ટોચ પર પહોંચી જનારા કેટલાક ભક્ત પ્રકારનાં લેખકોની સરખામણીએ અમીશનું સ્તર બહુ ઊંચું છે. આ લખવું પડે છે કારણ કે એ પ્રકારનાં ‘ભગતો’ અને અમીશ એક રીતે એકબીજાનાં સમકાલીન છે. મને એમ કહેવામાં ચોક્કસ આનંદ થાય છે કે અમીશને મળવાનો એનો વિગતવાર ઇન્ટરવ્યુ કરવાનો મોકો મને સાંપડ્યો છે. એનાં લખાણોનો તર્ક, ક્લાસિક્સ વાંચનારાઓને ગળે નહીંં ઉતરે પણ વાસ્તવિકતા એ છે કે માયથોલોજીની ઊંડી સમજ ધરાવનારા અમીશે ભારે ભરખમ ગ્રંથોનું સરળીકરણ અને વાર્તાકરણ ગમી જાય એ રીતે કર્યાં છે. અમીશનાં કુટુંબમાં સંસ્કૃત ધર્મ ગ્રંથોનાં અભ્યાસનું વાતાવરણ હતું અને એ કેળવણી લેખે લગાડવામાં એમણે જરા ય પાછી પાની નથી કરી. રામની વાર્તા રજૂ કર્યા પછી તાજેતરમાં લોંચ થયેલાં પુસ્તકમાં સીતાની વાત છે પણ સતી સીતાની નહીંં વોરિયર એટલે કે લડવૈયા તરીકે સીતાને રજૂ કરાઇ છે. વ્યક્તિ તરીકે સરળ, નમ્ર અને હસમુખા અમીશ કર્મનાં સિદ્ધાંતની વાત, વાર્તાઓ સાંભળવાની માણસની મહેચ્છાની વાત અને વિવાદોથી દૂર રહી શકવાની પોતાની આવડત અંગે બહુ સિટકતાથી બોલે છે. ધર્મ વિશે લખીને પણ અધર્મીઓથી – એટલે કે તોડફોડિયાં તત્ત્વોથી દૂર રહી શકવામાં અમીશનાં વ્યક્તિત્વની નિર્ભેળતા વર્તાય છે. એમનું સ્પષ્ટ કહેવું છે કે, ‘હું વિવાદ ખડાં કરવા માટે નથી લખતો, એટલે વિવાદ ખડાં નથી થતાં.’

જેની સાથે કોઇ વિવાદ સંકળાયેલો નથી એવા અમીશની વાત પછી હવે જેની સાથે માત્ર વિવાદો જ સંકળાયેલાં છે એવાં અરુંધતી રોયની વાત કરીએ. વીસ વર્ષ પહેલાં ‘ગૉડ ઑફ ધી સ્મોલ થિંગ્ઝ’ પુસ્તકે વિશ્વસ્તરે નામના મેળવી. પુસ્તકોનાં પુરસ્કારમાં જેને સર્વોચ્ચ કહી શકાય તેવું મેન બુકર પ્રાઇઝનું સન્માન આ પુસ્તકને મળ્યું. એમાં રહેલી ભારતીયતા ત્યારે પણ લોકોને સ્પર્શી ગઇ હતી અને આજે પણ એ પુસ્તકની ફ્લેવર લોકોમાં તાજી છે. અમીશ અને અરુંધતીમાં રહેલી કેટલીક સામ્યાતાઓ અને ઘણાં તફાવતો વચ્ચેમાંનો એક તફાવત એ પણ છે કે અમીશે ૨૦૧૦માં પહેલું પુસ્તક બહાર પાડ્યુ ંઅને આ વર્ષે એમનું પાંચમું પુસ્તક પ્રકાશિત થયું. અરુંધતી રોયે ૧૯૯૭માં પુસ્તક લખ્યું, બુકર પ્રાઇઝ મેળવ્યું અને પછી સીધું ૨૦૧૭માં પુસ્તક પ્રકાશિત કર્યું. જો કે એમનું ફેન ફોલોઇંગ ઘટ્યું તો નથી જ. જેને કટ્ટરવાદીઓ ગાળો આપે છે, એવાં સેક્યુલર્સ અને તાર્કિક વિચારસરણીવાળાં લોકોની સંખ્યા પણ વધી છે.

વળી બંન્ને લેખકોનો બીજો બહુ દેખીતો તફાવત એ છે કે અમીશે ક્યારે ય કોઇ પણ પ્રકારનાં એક્ટીવિઝમમાં ભાગ નથી લીધો જ્યારે અરુંધતી રોયે બે પુસ્તકો વચ્ચેનાં વીસ વર્ષમાં એક્ટીવિસ્ટ તરીકે પોતાનો અવાજ લોકોનાં કાન સુધી પહોંચે એ માટે કોઇ પણ મુદ્દો જતો નથી કર્યો. નર્મદા બચાવો આંદોલનથી માંડીને ગુજરાત રાયટ્સથી લઇને હ્યુમન શિલ્ડનાં મુદ્દે અરુંધતી રોયે પોતાના વિચારો નિડરતાથી રજૂ કર્યાં છે. સરકારને અરુંધતી રોય સામે ખોબલેખોબલાં વાંધો છે પણ એનાથી અરુંધતી રોયને લગીરેક ફરક નથી પડ્યો. એમનાં પ્રકાશિત થનારાં પુસ્તક ‘ધ મિનીસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ’માં પણ એવાં પાત્રોની વાત છે જે હાંસિયામાં ધકેલાઇ ગયાં છે પણ પોતાની જિંદગીની કેડી કંડારે છે. પહેલાં પુસ્તકમાં જાતિ ભેદ અને શોષણની વાત છે તો બીજાં પુસ્તકમાં સામાજિક દૃષ્ટિકોણની વાત છે. એક હિજડાની વ્યથા, કટ્ટરવાદીઓનો ઉદય, ફેમિનીઝમનાં પ્રશ્નો, આદિવાસીઓની સમસ્યાઓ, કાશ્મીરની સ્વતંત્રતા અને ભોપાલ ગેસ દૂર્ઘટના જેવી બાબતો વણી લેવાઇ છે. અંજુમ નામનો હિજડો કઇ રીતે ૨૦૦૨નાં રમખાણોમાં કબ્રસ્તાનમાં જઇને વસે છે અને પોતાનાં જેવાં તરછોડાયેલાં લોકોની સાથે એક ત્યાં પોતાની દુનિયા રચે છેની પૃષ્ઠભુમિ પર આખી વાર્તા રચાયેલી છે.

સમાજની સંકૂલતા આ પુસ્તકનાં પાત્રોમાં છતી થાય છે. અરુંધતી રોય વિશે તાજેતરમાં જ પરેશ રાવલે ટિપ્પણી કરી હતી અને ઘણી હોહા પછી વાસ્તવિકતા બહાર આવી કે મૂળે કોઇ તદ્દન ખોટા ન્યુઝ રિપોર્ટને આધારે આ વિવાદ છેડાયો હતો. જો કે અરુંધતીને માથે માછલાં પહેલીવાર નથી ધોવાયાં. લેખક તરીકે સ્થાપિત થયાં પછી અરુંધતી રોય એ એક માત્ર રોલમાં નથી રહ્યાં. બુદ્ધિજીવીઓનાં અવાજ તરીકે એમણે વધારે ઘેરી અને આકરી ઓળખ કેળવી. પોતાનાં વિચાર નિર્ભિક પણ રજુજૂકરી શકે, સુંદર હોય, સ્વતંત્ર હોય, બુદ્ધિશાળી હોય એવી સ્ત્રીઓ આમ પણ ભારતની પિતૃસત્તાક માનસિકતાને બહુ પસંદ નથી આવતી. લોકો ભલે બબડાટ કર્યા કરે પણ જે રીતે તસલીમા નસરીનની મહત્તા આજે પણ છે એ જ પ્રમાણે અરુંધતી રોય પણ અડીખમ રહેશે. એમને તટસ્થતામાં નહીંં પણ જે સાચું છે એની પડખે ઊભા રહેવામાં રસ છે. ન્યુટ્રલ હોવું અને સ્ટેન્ડ લેવું એ બંન્નેમાં જેટલો ફેર છે એટલો જ ફરક ખુરશી પર બેસીને અરુંધતીની ટીકા કરનારાઓમાં અને સામી છાતીએ બધી જ કડવાશ ઝીલનારાં અરુંધતીમાં છે.

મુદ્દો એ છે કે અમીશ અને અરુંધતી બંન્નેની આગવી લોકપ્રિયતા છે. બંન્ને મજાનું લખે છે અને એમને જરૂર વાંચવા જોઇએ. વિવાદોની હાજરી કે ગેરહાજરીથી પુસ્તકોની પસંદગીમાં ફેર ન પડવો જોઇએ. વિચારધારા એક તરફ અને વાર્તાકાર બીજી તરફ છે. સાક્ષી ભાવની અગત્યતા જેને સમજાશે એ જ અલગ અલગ પ્રકારની વાંચન સામગ્રીને ન્યાય આપવા સક્ષમ હોય છે.

બાય ધી વેઃ

જ્યારે આ લખવાની શરૂઆત કરી ત્યારે બંન્ને નામ ‘અ’ પરથી શરૂ થાય છે લખ્યું પછી એક સેકંડ માટે મનમાં એમ પણ વિચાર આવ્યો કે વાચકો ક્યાંક એમ ન માની બેસે કે અહીં શ્રી અરવિંદ (કેજરીવાલ) અને અમિત ભાઇ (શાહ)ની વાત કરવાની છે!! જો કે આ બંન્નેનાં હેટર્સ અને લવર્સ ઓછાં નથી, પણ અરવિંદના ખાતામાં અણગમાનું બેલેંસ દિવસે દિવસે વધી રહ્યું છે. અમીતભાઇના માલમે તો એવું છે કે જેમ સલમાન ‘ભાઇ’ સામે કોઇ આંગળી નથી ઉઠાવતું એમ આ ‘ભાઇ’ સામે પણ કોઇ આંગળી ઉઠવવાનો પ્રયાસ નથી કરતું, મૂળે શું કે સાહેબની રહેમ નજર હોય તો જરા સાચવવું પડે.

https://www.facebook.com/chirantana.bhatt/posts/1322742971114042

‘બહુશ્રુત’ નામક લેખિકાની કોલમ, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2017

Loading

નોટબંધીની સત્તાવાર ફળશ્રુતિ; ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2017

આના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપવાં જોઈએ કે તેમણે લોકોની અંદર કોટો જાળવી રાખ્યો હતો. સરેરાશ આમ આદમીને એમ લાગતું હતું કે વડા પ્રધાને એવો મોટો હથોડો માર્યો છે કે બસ આજકાલમાં શ્રીમંતોની આત્મહત્યાના સમાચારો આવવાના શરૂ થઈ જશે. બસ, કોઈ બચવાનું નથી એમ નરેન્દ્ર મોદી કહેતા રહ્યા અને લોકો શ્રીમંતોની આત્મહત્યાઓની ખબરની રાહ જોતા રહ્યા એમાં સંકટના દિવસો વીતી ગયા

ઇટ ઇઝ ઑફિશ્યલ. નોટબંધીનો નિર્ણય નિરર્થક સાબિત થયો છે એનો આડકતરી રીતે સરકારે સ્વીકાર કરી લીધો છે. નોટબંધી પછી જૂની નોટમાં જો કોઈ પાસે અમર્યાદિત પ્રમાણમાં કાળું નાણું હોય તો એને જમા કરાવવા માટે ઍમ્નેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. હવે સરકારે કબૂલ કર્યું છે કે એ સ્કીમ હેઠળ માત્ર પાંચ હજાર કરોડ રૂપિયા જાહેર થયા છે. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે દેશમાં કુલ ૧૭.૭૭ લાખ કરોડ રૂપિયાની નોટ બજારમાં ફરતી હતી અથવા બૅન્કોમાં જમા હતી. આમાંથી પાંચસો અને હજારની નોટમાં ૧૪.૧૮ લાખ કરોડ રૂપિયા હતા. જો ટકાવારી કાઢવી હોય તો કુલ ચલણના ૦.૨૭ ટકા થયા. આટલી મામૂલી સફાઈ માટે આટલી મોટી હેરાનગતિ? એના કરતાં વધુ રૂપિયા તો નવી નોટ છાપવા પાછળ ખર્ચાયા હશે.

વડા પ્રધાને ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરી ત્યારે આવું આકરું પગલું ભરવા પાછળનાં ત્રણ કારણ આપ્યાં હતાં. પહેલું મોટું કારણ કાળાં નાણાંને પકડવાનું અને આર્થિક સફાઈનું હતું. બીજું કારણ ત્રાસવાદીઓને મળતા ફન્ડને અટકાવવાનું હતું અને ત્રીજું કારણ નકલી નોટોને ચલણમાંથી બહાર કાઢવાનું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે દુશ્મનદેશ નકલી નોટો છાપે છે અને ભારતમાં ઘુસાડે છે. ત્રાસવાદીઓનું નેટવર્ક પણ નકલી નોટોનો ભારતને અસ્થિર કરવા માટે ઉપયોગ કરે છે. વડા પ્રધાનની જાહેરાત પછી દેશમાં સોપો પડી ગયો હતો. સરકારે જ્યારે આવડું મોટું અને પ્રજાને હેરાન કરનારું પગલું ભર્યું છે તો સરકારે પૂરી તૈયારી કરીને ભર્યું હશે એમ માનવામાં આવતું હતું. એક રીતે જુઓ તો સરકારે મોટું સાહસ કર્યું હતું.

ત્રણ તૈયારીની અપેક્ષા મુખ્ય હતી. એક તો કેટલું કાળું નાણું દેશમાં સંગ્રહાયેલું છે એનો કોઈ અંદાજ સરકાર પાસે હોવો જ જોઈએ. રિઝર્વ બૅન્કે કેટલી નોટો છાપી છે અને એમાંથી કેટલી નોટો બૅન્કિંગ સિસ્ટમમાં ફરી રહી છે અને કેટલી નથી ફરી રહી એના આધારે કાળું નાણું કેટલું છે એનો ચોક્કસ નહીં તો પણ કાચો અંદાજ માંડી શકાય. મોટા પ્રમાણમાં કાળું નાણું હોય તો જ સરકાર પ્રજાને હેરાન કરતું પગલું ભરે એમ માની લેવામાં આવ્યું હતું. બીજી અપેક્ષા એવી હતી કે કાળું નાણું પાછલે બારણેથી બૅન્કોમાં જમા ન થાય એની સરકારે પાકી વ્યવસ્થા કરી હશે. ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવી બેવકૂફી તો સરકાર ન જ કરે. જેના ઘરમાં દસ-પંદર લાખ કરતાં વધારે રૂપિયા પાંચસો અને હજારની નોટમાં પડ્યા હશે એ કાં તો પસ્તી થઈ જશે અને કાં ઍમ્નેસ્ટીના માર્ગે અમુક રકમ સરકારની તિજોરીમાં જમા કરાવીને નાણાં સફેદ કરવાં પડશે. એ પણ સરકાર ઍમ્નેસ્ટીનો વિકલ્પ આપે તો. સરકારે જે દિવસે નોટબંધીની જાહેરાત કરી ત્યારે હજી ઍમ્નેસ્ટીનો વિકલ્પ જાહેર નહોતો કર્યો, એટલે પસ્તીની સંભાવના મોટી હતી. ત્રીજી અપેક્ષા એવી હતી કે રિઝર્વ બૅન્કે પૂરતા પ્રમાણમાં નવી નોટો છાપીને જમા રાખી હશે એટલે વધુમાં વધુ પખવાડિયામાં સાફસૂફી પણ થઈ જશે અને નવી નોટોમાં દેશનું અર્થતંત્ર પાટે ચડી જશે.

આગળ કહ્યું એમ દેશમાં સોપો પડી ગયો હતો. દરેક માણસ એમ માનીને ચાલતો હતો કે આવડો મોટો નિર્ણય સરકારે લીધો છે તો એની ગણતરી અને તૈયારી બન્ને પાકી હશે. એટલે તો પ્રારંભમાં વિરોધ પક્ષો નોટબંધીના નિર્ણયનો વિરોધ કરતાં ડરતા હતા. આ લખનાર સહિતના રાજકીય સમીક્ષકોએ નિર્ણયને આવકાર્યો હતો. કોઈને ત્યારે એમ નહોતું લાગતું કે સરકારે કોઈ ગણતરી અને તૈયારી વિના આવડું મોટું સાહસ કર્યું હશે. એ પછી જે બન્યું એ હાસ્યાસ્પદ ઇતિહાસ છે. ગણતરીના દિવસોમાં લોકોને જાણ થઈ ગઈ કે સરકારે કોઈ તૈયારી નથી કરી. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં કહ્યું હતું કે નોટબંધી જાહેર કરી એ પહેલાં સરકાર પાસે કોઈ ભરોસાપાત્ર અંદાજ નહોતો કે કેટલું કાળું નાણું દેશમાં ફરી રહ્યું છે. છીંડાં બંધ કરવામાં નહોતાં આવ્યાં એટલે લોકોએ જે મળ્યા એ માણસોને લાઇનમાં ઊભા રાખીને બૅન્કોમાં પૈસા જમા કરાવી દીધા હતા. વાળીચોળીને જેટલા પૈસા હતા એ જમા થઈ ગયા હતા. લોકો તો કહે છે કે ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરી એ દિવસે રિઝર્વ બૅન્કે પાંચસો અને હજારની નોટનો જે આંકડો આપ્યો હતો એના કરતાં વધુ રૂપિયા જમા થયા છે. રિઝર્વ બૅન્ક ચૂપ છે અને સાચો આંકડો જાહેર નથી કરતી. આ ઉપરાંત નોટોની મોટી તંગી પેદા થઈ હતી જેનો હજી અંત નથી આવ્યો.

આમ નોટબંધી કરવા પાછળના ત્રણેય ઉદ્દેશ નિષ્ફળ નીવડ્યા હતા. સરકારને પણ સમજાઈ ગયું હતું કે કારણ વિનાનું નોટબંધીનું દુસ્સાહસ રાજકીય રીતે મોંઘું પડી શકે એમ છે એટલે ગોલ-પોસ્ટ બદલીને કૅશલેસ ઇન્ડિયાનું નવું ગતકડું રમતું કરવામાં આવ્યું હતું. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે કૅશલેસનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં નહોતો આવ્યો. યેનકેનપ્રકારેણ નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો હતો. સરકાર નસીબદાર કે પેટ ચોળીને પેદા કરવામાં આવેલા શૂળમાં સરકાર બચી ગઈ. આને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપવાં જોઈએ કે તેમણે લોકોની અંદર કોટો જાળવી રાખ્યો હતો. સરેરાશ આમ આદમીને એમ લાગતું હતું કે વડા પ્રધાને એવો મોટો હથોડો માર્યો છે કે બસ આજકાલમાં શ્રીમંતોની આત્મહત્યાના સમાચારો આવવાના શરૂ થઈ જશે. બસ, કોઈ બચવાનું નથી એમ નરેન્દ્ર મોદી કહેતા રહ્યા અને શ્રીમંતોની આત્મહત્યાઓની ખબરની રાહ જોતા રહ્યા એમાં સંકટના દિવસો વીતી ગયા.

આ તો કાળાં નાણાંની વાત થઈ. રોકડ નાણાંના અભાવમાં દેશના અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે એ તો રોકડું નુકસાન છે. સાડાસાત ટકાનો GDP આ વરસના જાન્યુઆરી-માર્ચના ત્રિમાહીમાં ૬.૧ ટકા પર નીચે આવી ગયો છે. ડૉ. મનમોહન સિંહે રાજ્યસભામાં બોલતાં જે અંદાજ વ્યક્ત કર્યો હતો એનાં કરતા એક ટકો વધુ નીચે જતો રહ્યો છે. હવે નાણાપ્રધાન અરુણ જેટલી બચાવ કરે છે કે વિકાસદરના પ્રમાણમાં થયેલો ઘટાડો નોટબંધીનું પરિણામ નથી. કદાચ આખા જગતમાં આમ માનનારી તેઓ એકમાત્ર વ્યક્તિ છે. તેમણે બીજી વાત એ કરી છે કે નબળા અર્થતંત્રના સંકેત નોટબંધી પહેલાંથી જ નજરે પડવા લાગ્યા હતા. જો એમ હોય તો કોઈ ડાહ્યો માણસ નોટબંધી કરીને પ્રતિકૂળતામાં વધારો કરે? કયા દૃષ્ટિકોણથી નોટબંધીનો બચાવ કરવો? એકેય તર્ક નજરે નથી પડતો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જૂન 2017

Loading

ફેંકુ ન્યૂઝ: રાજનીતિના ઇરાદાપૂર્વકના (કુ)તર્ક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 June 2017

ગયા સપ્તાહે ફરી એકવાર ‘ફેક ન્યૂઝ’ આવ્યા. 22મી મેના રોજ ભાજપના સાંસદ એક્ટર પરેશ રાવલે ટ્વિટર ઉપર એવું સૂચન કર્યું કે કાશ્મીરમાં ‘પથ્થરબાજને આર્મીની જીપ સાથે બાંધવાને બદલે અરુંધતી રોયને બાંધવી જોઇએ’ કેમ? કારણ કે લેખિકા અને એક્ટિવિસ્ટ અરુંધતી રોયે ‘એક પાકિસ્તાની સમાચારપત્રને ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે ભારતીય સેનાના 70 લાખ જવાનો કાશ્મીરની ‘આઝાદી ગેંગ’ને પરાજિત નહીં કરી શકે.’

રાવલની ટ્વિટ એ જ દિવસે આવી જે દિવસે સેનાએ કાશ્મીરમાં તૈનાત મેજર ગોગોઇનું એ ‘બહાદુરી’ માટે સન્માન કર્યું, જેમાં મેજરે પથ્થરબાજી કરી રહેલાં ટોળાં ઉપર ગોળીબાર કરવો ન પડે તે માટે કાશ્મીરી યુવાન ફારુક દારને એની જીપના બોનેટ સાથે બાંધ્યો હતો. કાશ્મીરમાં આવી વસમી સ્થિતિમાં કપરી કામગીરી કરી રહેલી ભારતીય સેનાનું મનોબળ તૂટે એવી ‘દેશ-વિરોધી’ ટિપ્પણી અરુંધતી કેવી રીતે કરી શકે? પરેશ રાવલે સૂચવેલી ‘સજા’ના બહુ બધા સમર્થક નીકળ્યા. તો બીજી તરફ ઉદારવાદી, સંવેદનશીલ લોકો પરેશ ઉપર તૂટી પડ્યા.

સમાચારપત્રો, ટેલિવિઝન, ડિજિટલ માધ્યમો અને સોશિયલ મીડિયા ઉપર બે દિવસ ‘રમખાણ’ થયું. આમાં એક જ હકીકત નજરઅંદાજ થઇ અને તે એ કે અરુંધતી રોયનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત ક્યાં થયો હતો એ કોઇને ખબર ન હતી. ખુદ અરુંધતીએ એક ન્યૂઝ સાઇટને કહ્યું કે હું ન તો શ્રીનગર ગઇ છું અને ન તો મેં એવું કોઇ નિવેદન આપ્યું છે. એ પછી ખબર પડી કે પાકિસ્તાનમાં કોઇ એક વેબસાઇટે અરુંધતીનો નકલી લેખ પ્રગટ કર્યો હતો અને એના ‘સમાચાર’ સોશિયલ મીડિયામાં ફરતા હતા તે વાંચીને પરેશ રાવલે ‘અરુંધતીને જીપ સાથે બાંધો’ એવું સૂચન કર્યું હતું.

ફેક ન્યૂઝ અથવા ફેંકુ સમાચાર એક એવું દૂષણ છે જે ટેક્નોલોજીના પાવરના કારણે ઘણું પ્રચલિત થઈ ગયું છે અને રાજનૈતિક કે આર્થિક ફાયદા માટે જાણી જોઇને એને ‘ફોરવર્ડ’ની દુનિયામાં ફરતું કરાય છે. ફેંકુ ન્યૂઝ એટલે ઉપજાવી કાઢેલા સમાચાર, જેને હકીકત સાથે, સચ્ચાઇ સાથે, તથ્ય સાથે કોઇ જ લેવા-દેવા ન હોય અને છતાં લોકો એને સાચા માની લે અને હોંશે હોંશે એને ફોરવર્ડ પણ કરે અને ઝનૂનપૂર્વક એની ચર્ચાય કરે.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે કહેવાય છે કે તેમણે ચૂંટણી પ્રચાર વખતે પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનથી લઈને ઓબામાની સરકાર સુધી સિલસિલેવાર જૂઠા સમાચારોથી મતદારોને ગુમરાહ કર્યા અને તેમાં એમને રશિયન એજન્સીઓનો દુષ્પ્રચાર પણ કામ આવ્યો હતો. ભારતમાં નોટબંધી વખતે એવા ‘સમાચાર’ ફોરવર્ડ થયા હતા કે 2000ની નવી નોટમાં એવી ચિપ બેસાડાઇ છે જે જમીનમાં 120 મીટર નીચે દબાયેલી નોટનો સંકેત આપી શકે છે. આ ‘સમાચાર’ એટલા ચાલ્યા કે નાણામંત્રી અરુણ જેટલીએ ખુલાસો કરવો પડ્યો કે આવી કોઇ ચિપ નવી નોટમાં નથી.

પ્રશ્ન એ છે કે માણસો બનાવટી સમાચારોમાં યકીન શા માટે રાખે છે, અને શા માટે બીજા લોકોને પણ એ પ્રેરણા આપે છે? આપણી સામાન્ય સમજ એવી છે કે માણસ વિવેકબુદ્ધિ અને તર્કશક્તિથી વિચારો કરે છે, અને એના નિર્ણયો કે માન્યતાઓ વસ્તુલક્ષી એટલે કે હકીકત આધારિત હોય છે. અસલમાં મગજ આવી રીતે કામ કરતું નથી. આપણે આપણી તર્કશક્તિથી જ ખુદને પણ છેતરતા રહીએ છીએ. આપણા વિચારો લાગણીઓ, વૃત્તિઓ અને સામાજિક પરિસ્થિતિથી પૂર્વગ્રહિત હોય છે.

એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો તમે વૉશિંગ મશીન ખરીદવા ગયા હો તો એની પસંદગીથી લઇને ભાવ-તાલ એકદમ તાર્કિક હોય છે. પણ માની લો કે કોઇ ચોક્કસ બ્રાન્ડનું મશીન તમારી મમ્મી વાપરતી હતી અને તમને બચપણથી એની સરસ યાદગીરી છે. અથવા માની લો કે એ વૉશિંગ મશીનમાં કરંટ આવ્યો હતો અને પપ્પાનો હાથ સળગી ગયો હતો. આ લાગણીનો સંબંધ થયો. પહેલા કિસ્સામાં તમે એ બ્રાન્ડના મશીનને લઇને સારા રિપોર્ટ ન હોય તોપણ મમ્મીની યાદગીરીમાં તમને એ જ મશીન સર્વ શ્રેષ્ઠ લાગશે અને બીજા કિસ્સામાં એ બ્રાન્ડને દુનિયાના તમામ એવોર્ડ મળી ગયા હોય તોપણ તમને એમાં ‘ખામી’ દેખાશે. એટલે જેમાં જરૂરિયાત અને સસ્તા-મોંઘાનો વૈજ્ઞાનિક અભિગમ હોવા છતાં એ નિર્ણયને લાગણીનો પૂર્વગ્રહ અસર કરે છે.

આને મોટિવેશનલ રિજનિંગ એટલે કે ઇરાદાપૂર્વકનો તર્ક કહેવાય. આપણી રાજકીય ચર્ચાઓ અને માન્યતાઓમાં આપણા સબકોન્શિયસ મગજમાં આવી રીતે ઠસાયેલા પૂર્વગ્રહો આપણા જાગૃત મગજને પ્રભાવિત કરે છે. એટલે નરેન્દ્ર મોદી કેમેરા સામે જોઇને ન બોલતા હોય તો અને કોઇ વ્યક્તિને જોઇને બોલતા હોય અને વચ્ચે કેમેરા આવે તોપણ આપણે એવું જ માનતા હોઇએ કે મોદીને તો પોતાનો ફોટો પડાવવાની બહુ ટેવ છે.

માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વિગતોને સરળતાથી ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે અને અનુકૂળ ન હોય તેવાં તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. ફેંકુ ન્યૂઝની ‘લોકપ્રિયતા’નું કારણ આ જ છે. અરુંધતી રોયે ભલે કોઇ ઇન્ટરવ્યૂ આપ્યો ન હોય પરંતુ એ બોલે તો આવું જ બોલે એટલે પરેશ રાવલે જે ‘સજા’નું સૂચન કર્યું છે તે વાજબી જ છે એ મોટિવેશનલ તર્ક કહેવાય. જાણકાર માણસોને મનાવવા અઘરા હોય છે. સચ્ચાઇનું વિરોધી જ્ઞાન કે સંશય કે અશ્રદ્ધા નથી, પણ ગલત જાણકારી છે. એકવાર તમે એક માન્યતા બાંધી દો પછી લાગણીઓ એ માન્યતાની રક્ષા કરવા સક્રિય થઈ જશે.

તમે એ માન્યતા ગલત છે તે પુરવાર કરવા તર્ક પેશ કરો, દાખલા-દલીલ કરો, આંકડા આપો, તથ્યો આપો કે દસ્તાવેજી પુરાવા આપો તો એ જાણકાર માણસ એને માનવાનો ઇન્કાર કરશે એટલું જ નહીં, તમારી જાણકારીનો સ્રોત ગલત છે તે સાબિત કરવા પ્રયાસ કરશે. સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ મૈં મંૈ અને ક્યારેક ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. ગમે તેટલી સચ્ચાઇ છતાં માણસો સોશિયલ મીડિયામાં પોતાની માન્યતા સાથે બાંધછોડ કરતા નથી.

ઇન ફેક્ટ, સચ્ચાઇ સાથે કોઇને લેવા-દેવા પણ નથી. એમને તો ફક્ત એમનો મત રજૂ કરવામાં જ રસ હોય છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. ફેંકુ ન્યૂઝ એ જાત સાથે બોલાતું જૂઠ છે. 

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 04 જૂન 2017

Loading

...102030...3,3653,3663,3673,368...3,3803,3903,400...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved