Opinion Magazine
Number of visits: 9584248
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સર્કસ: એક ભૂલી હુઈ દાસ્તાં

વિશાલ શાહ|Opinion - Opinion|15 June 2017

૧૯મી સદીના છેલ્લાં દાયકાઓની વાત છે. ભારતભરમાં અંગ્રેજ હુકુમતની ફેં ફાટતી હતી. દેશના મોટા ભાગના વિસ્તારોના નાના-મોટા રજવાડા અંગ્રેજોના ખંડિયા રાજા હતા. મહારાષ્ટ્રના સાંગલીના પ્રિન્સલી સ્ટેટ ઓફ કુરુંદવાડમાં બાળાસાહેબ પટવર્ધનનું રાજ હતું. એ વખતનું કુરુંદવાડ એટલે આજનું કોલ્હાપુર. દેશના બીજા રજવાડાની જેમ કુરુંદવાડમાં પણ મનોરંજનનું મુખ્ય સાધન ગીતસંગીત, નાટકો અને ઘોડેસવારીને લગતી રમતો હતી. એ સમયે ઈટાલીમાં સર્કસ શૉ કરીને તગડી કમાણી કરતા ગિસેપ કિઆરિની નામના એક ઉદ્યોગસાહસિકે ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આશરે ૧૮૮૦માં કિઆરિનીની રોયલ ઈટાલિયન સર્કસની ટીમે બોમ્બેમાં સર્કસ શૉ કરવા ડેરા તંબૂ તાણ્યા. કુરુંદવાડના મરાઠા રાજા પટવર્ધન સાહેબ પણ પોતાનો કાફલો લઈને કિઆરિનીનો એ સર્કસ શૉ જોવા ગયા.

આ દરમિયાન એક એવી ઘટના બની જેણે ભારતમાં સર્કસની દુનિયાનો પાયો નાંખ્યો અને કદાચ એટલે જ મહાન અભિનેતા રાજકપૂર ‘મેરા નામ જોકર’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી શક્યા.

એ શૉમાં ઘોડેસવારીના કરતબો અને અંગકસરતના ખેલ જોઈને રાજા અને તેમનો કાફલો દંગ રહી ગયો. શૉ પૂરો થતા જ પટવર્ધન સાહેબ અને કિઆરિની વચ્ચે ભારતનું પોતાનું સર્કસ તૈયાર કરવા અંગે વાતચીત થઈ, પરંતુ કિઆરિનીએ રાજાને ટોણો માર્યો કે, ભારત હજુ પોતાના સર્કસ માટે સક્ષમ નથી. અમારા જેવા ઘોડાના કરતબો કરતા તમને છ મહિના જેટલો સમય લાગી જાય! આ ટોણો પટવર્ધન સાહેબના તબેલાના વડા વિષ્ણુપંત મોરેશ્વર છત્રે(૧૮૪૦-૧૯૦૬)થી સહન ના થયો અને તેમણે એ જ ઘડીએ ભારતનું સર્કસ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. રોયલ ઈટાલિયન સર્કસની તર્જ પર છત્રેએ ઘોડેસવારો, જાદુગરો, હાથી-વાઘ-સિંહ-પોપટને તાલીમ આપી શકે એવા ઉસ્તાદો તેમ જ ટ્રેપિઝ કલાકારો (બે દોરડા વચ્ચે બાંધેલી લાકડી પર લટકીને કરાતો ખેલ) તૈયાર કરવાનું નક્કી કર્યું. આ કામમાં પટવર્ધન સાહેબે પણ છત્રેને પૂરેપૂરો સહકાર આપ્યો.

વિષ્ણુપંત મોરેશ્વર છત્રે અને ગિસેપ કિઆરિની

આખરે ૨૦મી માર્ચ, ૧૮૮૦ના રોજ ભારતના પોતાના ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસનો પહેલો શૉ રજૂ થયો. છત્રેએ પણ યુરોપિયન સર્કસ ટીમની જેમ દૂર સુધી પ્રવાસો ખેડીને સર્કસ શૉ કરવાનું શરૂ કર્યું. ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસ ઉત્તરથી લઈને દક્ષિણ ભારત અને શ્રીલંકા સુધી ફરી વળ્યું. એ જમાનામાં ભારતીયો તો ઠીક, બ્રિટિશરો માટે પણ સર્કસ શૉ જોવો મોટો લહાવો ગણાતો. છત્રેએ મદ્રાસ પ્રેસિડેન્સીના મલબાર જિલ્લામાં પણ એક શૉ કર્યો. અહીં તેઓ કલ્લરીપટ્ટયુ માર્શલ આર્ટના નિષ્ણાત કિલેરી કુન્હીકન્નનને મળ્યા. કુન્હીકન્નન હરમાન ગુન્ડેર્ટ ('સિદ્ધાર્થ' નવલકથાના લેખક હરમાન હેસના પિતા) દ્વારા શરૂ કરાયેલી મલબારની વિખ્યાત બેસલ ઈવાન્જેલિકલ મિશન સ્કૂલનમાં માર્શલ આર્ટ અને જિમ્નાસ્ટિક શીખવતા. છત્રે જાણતા હતા કે, અમેરિકા અને યુરોપિયન સર્કસની સરખામણીમાં સ્વદેશી સર્કસમાં એક્રોબેટિકના ખેલ ઘણાં નબળાં છે. એટલે કુન્હીકન્નન સાથે મુલાકાત થતાં જ મરાઠા લડવૈયાની કુનેહ ધરાવતા છત્રેને વિચાર આવ્યો કે, કલ્લરીપટ્ટયુનો આ શિક્ષક મારા સર્કસમાં ઘણો મદદરૂપ થઈ શકે છે!

ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો શ્રેય છત્રેને જાય છે, પરંતુ છત્રે જાણતા ન હતા કે આ મુલાકાત કુન્હીકન્નનને ભારતીય મોડર્ન સર્કસના પિતામહનું બિરુદ અપાવવામાં નિમિત્ત બનશે! આ દરમિયાન છત્રેએ કુન્હીકન્નને ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસના કલાકારોને એક્રોબેટિકના ખેલ શીખવવાની ભલામણ કરી. છત્રેને કુન્હીકન્નનું સર્કસ જોઈને આ કળામાં રસ પડ્યો જ હતો એટલે તેમણે આ પ્રસ્તાવ ખુશીથી સ્વીકારી લીધો. ત્યાર પછી કિલેરી કુન્હીકન્નને ઈ.સ. ૧૯૦૧માં કેરળના કોલ્લમ જિલ્લાના ચિરક્કરા ગામમાં રીતસરની સર્કસ સ્કૂલ શરૂ કરી. એ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સર્કસ મેનેજમેન્ટથી લઈને સર્કસના જુદા જુદા ખેલ શીખવવામાં આવતા. ઈ.સ. ૧૯૦૪માં આ સ્કૂલના પારિયાલી કન્નમ નામના વિદ્યાર્થીએ ગ્રાન્ડ મલબાર સર્કસ શરૂ કર્યું, જે માંડ બે વર્ષ ચાલીને બંધ થઈ ગયું. એ પછી તો આ સ્કૂલમાંથી ભારતના અનેક જાણીતા સર્કસ અને મલયાલી કલાકારોનો જાણે રાફડો ફાટ્યો.

કિલેરી કુન્હીકન્નન 

કિલેરી કુન્નહીકન્નનના ભાણેજ કે.એમ. કુન્હીકન્નને ૧૯૨૨માં વ્હાઈટવે સર્કસ શરૂ કર્યું, તો કલ્લન ગોપાલને ૧૯૨૪માં ગ્રેટ રેમેન સર્કસ કંપની શરૂ કરી. વર્ષ ૧૯૨૪માં કે.એન. કુન્હીકન્નને ગ્રેટ લાયન નામે નવી સર્કસ કંપનીની સ્થાપના કરી. કલ્લન ગોપાલને પણ નેશનલ સર્કસ અને ભારત સર્કસ નામે મજબૂત કંપનીઓ ઊભી કરી, જેના થકી તેમણે ધીકતી કમાણી કરી. આ જ અરસામાં અમર સર્કસ, ફેરી સર્કસ, ધ ઈસ્ટર્ન સર્કસ, ધ ઓરિએન્ટલ સર્કસ, ગ્રેટ બોમ્બે સર્કસ, રાજકમલ સર્કસ, રેમ્બો સર્કસ, કમલા સર્કસ અને જેમિની સર્કસ જેવી અનેક કંપનીઓ શરૂ થઈ. આ કંપનીઓના મોટા ભાગના માલિકો અને કલાકારો કુન્હીકન્નના વિદ્યાર્થીઓ હતા.

એ યુગમાં સૌથી મોટું સર્કસ ગ્રેટ બોમ્બે ગણાતું, જેનો જન્મ ત્રણ સર્કસ કંપનીના જોડાણ થકી થયો હતો. બાબુરાવ કદમ નામના બિઝનેસમેને ૧૯૨૦માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ શરૂ કર્યું હતું. કે.એમ. કુન્હીકન્નને ૧૯૪૭માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ ખરીદી લીધું અને તેને વ્હાઈટવે અને ગ્રેટ લાયન સર્કસમાં ભેળવી દીધું. આ સર્કસને તેમણે ગ્રેટ બોમ્બે સર્કસ નામ આપ્યું. દેશના સૌથી મોટા ગણાતા ગ્રેટ બોમ્બે સર્કસ પાસે ૩૦૦ કલાકારો સહિત વાઘ, સિંહ અને હાથી જેવા ૬૦ પ્રાણીઓનો કાફલો હતો.

જેમિની સર્કસના ડેરાતંબૂ

આ બધામાં સૌથી જાણીતું સર્કસ એટલે જેમિની. રસપ્રદ વાત એ છે કે, મૂળ કેરળના મૂર્કોથ વાંગાકંડી શંકરન અને કે. સહદેવને ગુજરાતના બિલિમોરામાં આ સર્કસની સ્થાપના કરી હતી. આ બંને યુવાનોએ પચાસના દાયકામાં વિજયા સર્કસ ખરીદીને તેને નામ આપ્યું, જેમિની સર્કસ. આ સર્કસના મુખ્ય કર્તાહર્તા એમ.વી. શંકરન હતા અને તેમનો જન્મ મિથુન (જેમિની) રાશિમાં થયો હતો. એટલે તેમણે આ કંપનીને જેમિની સર્કસ નામ આપ્યું હતું. એમ.વી. શંકરન દ્વિતિય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી ચૂક્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી તેમણે ચિરક્કરાની જ 'કિલેરી કુન્હીકન્નન ટીચર મેમોરિયલ સર્કસ એન્ડ જિમ્નાસ્ટિક્સ ટ્રેનિંગ સ્કૂલ'માં એરિયલિસ્ટ અને હોરિઝોન્ટલ બાર જિમ્નાસ્ટની તાલીમ લીધી હતી. આ સ્કૂલની સ્થાપના કિલેરી કુન્હીકન્નનના જ વિદ્યાર્થી એમ.કે. રમને કરી હતી.

જેમિની સર્કસનો પહેલો શૉ ૧૫મી ઓગસ્ટ, ૧૯૫૧ના રોજ યોજાયો હતો. સિત્તેરના દાયકામાં 'મેરા નામ જોકર' ફિલ્મ બનાવતી વખતે રાજકપૂરે પણ જેમિની સર્કસ સાથે જ શૂટિંગને લગતા કરારો કર્યા હતા. આજકાલ આપણા દેશમાં એન્ટરટેઇન્મેન્ટ અને આઉટિંગનું સૌથી મહત્ત્વનું માધ્યમ મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મ જોવી અને હોટેલમાં જઈને ડિનર લેવું એ છે, એવી રીતે બ્રિટિશકાળના ભારતમાં મનોરંજનનું મહત્ત્વનું સાધન સર્કસ હતું. જો કે, સર્કસની પહોંચ ફિલ્મો કરતાં ઘણી જ ઓછી હતી, પરંતુ સર્કસની દુનિયાનો પ્રભાવ ફિલ્મોમાં પણ ઝીલાયો હતો. ‘મેરા નામ જોકર’ પછી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં સર્કસ કે પ્રાણીઓનાં દૃશ્યો દેખાયાં હતાં અને એ માટે ફિલ્મ ડિરેક્ટરો શંકરનને જ યાદ કરતા હતા. વર્ષ ૧૯૭૭માં તેમણે એપોલો, વાહિની અને જમ્બો સર્કસ પણ શરૂ કર્યા. એપોલો, જમ્બો, ગ્રેટ બોમ્બે અને જેમિની સર્કસના શૉ તો ગુજરાતમાં અમદાવાદ (મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં) સહિતના શહેરોમાં પણ યોજાઈ ચૂક્યા છે.

હિસ્ટરી ઓફ સર્કસ પુસ્તકનું કવરપેજ (ક્લોકવાઈઝ), કન્નન બોમ્બાયોનું નામ છાપીને  દર્શકોને આકર્ષવા ડિઝાઈન કરાયેલો પાસ અને કન્નન બોમ્બાયો

કિલેરી કુન્હીકન્નન ભારતના અનેક મોડર્ન સર્કસની સ્થાપનામાં નિમિત્ત બન્યા, એવી જ રીતે તેમના હાથ નીચે તૈયાર થયેલા કલાકારોએ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સર્કસ કલાકાર તરીકે નામ અને દામ મેળવ્યા. આવા જ એક વિદ્યાર્થી એટલે ૧૯૧૦માં કુન્હીકન્નનની સ્કૂલમાંથી રોપ ડાન્સિંગમાં સ્નાતક થયેલા, કન્નન બોમ્બાયો. ત્રીસીના દસકામાં અમેરિકા અને યુરોપના અનેક મોટા સર્કસમાં કન્નન બોમ્બાયો સ્ટાર પર્ફોર્મર તરીકે રજૂ કરાતા. બ્રિટનના વિશ્વ વિખ્યાત બરટ્રામ મિલ્સ સર્કસમાં પણ કન્નન બોમ્બાયોએ પર્ફોર્મ કર્યું હતું. ૩૦મી મે, ૧૯૦૭ના રોજ કેરળના ચિરક્કામાં જન્મેલા કન્નન બોમ્બાયોનું મૂળ નામ એન.પી. કુંચી કન્નન હતું.

ભારતીય સર્કસની અત્યંત દુર્લભ માહિતી આપતા 'એન આલ્બમ ઓફ ઈન્ડિયન બિગ ટોપ્સ-હિસ્ટરી ઓફ સર્કસ' નામના પુસ્તકમાં શ્રીધરન ચંપદ (પાનાં નં.૩૧-૩૨) નોંધે છે કે, ''… એ દિવસોમાં ઈન્ડિયા કરતાં 'બોમ્બે' વધુ પ્રખ્યાત હતું. એટલે બરટ્રામ મિલ્સે તેમને કન્નન બોમ્બાયો તરીકે રજૂ કર્યા. એનો અર્થ હતો, કન્નન ધ ઈન્ડિયન. કન્નન બોમ્બાયો હાથી પર સવાર થઈને આવતો અને હાથીની પીઠ પરથી ૩૦ ફૂટ ઊંચે બાંધેલા દોરડા પર સમરસૉલ્ટ મારીને જતો …'' બરટ્રામ મિલ્સ સર્કસે એકવાર જર્મનીમાં 'બર્લિન શૉ' યોજ્યો હતો, જે જોવા ખુદ હિટલર આવ્યો હતો.

શ્રીધરન નોંધે છે કે, ‘'… કન્નનનું પર્ફોર્મન્સ જોઈને હિટલર આશ્ચર્યચક્તિ થઈને ઊભો થઈ ગયો હતો. શૉ પૂરો થયા પછી હિટલરે કન્નનને બોલાવીને તેના શૂઝ તપાસ્યા હતા. જો કે, હિટલરને તેના શૂઝમાંથી કશું જ ના મળ્યું. એ પછી હિટલરે કન્નનને ઓટોગ્રાફ આપીને લખ્યું કે, યુ આર ધ જમ્પિંગ ડેવિલ ઓફ ઈન્ડિયા … રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસ દર અઠવાડિયે કન્નન બોમ્બાયોને ૪૦૦ ડૉલર (એ જમાના પ્રમાણે રૂ. ચાર હજાર) ચૂકવતું. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ, ઈટાલીના વડાપ્રધાન બેનિટો મુસોલિની, બ્રિટનના છઠ્ઠા રાજા કિંગ જ્યોર્જ જેવી હસ્તીઓ પણ કન્નનના વખાણ કર્યા હતા …''

***

આજે ય બોમ્બાયોની ગણના ૨૦મી સદીના સૌથી મહાન સર્કસ કલાકારોમાં થાય છે. આ પુસ્તકમાં રિંગલિંગ બ્રધર્સના એકમાત્ર ભારતીય રિંગ માસ્ટર દામુ ધોત્રે વિશે પણ શ્રીધરને ૧૩ પાનાંમાં વિસ્તૃત માહિતી આપી છે. ધોત્રેએ વર્ષ ૧૯૪૦થી સળંગ દસ વર્ષ સુધી રિંગલિંગ બ્રધર્સના રિંગ માસ્ટર તરીકે કામ કર્યું હતું. અમેરિકાના ૧૪૬ વર્ષ જૂના રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસનો ૨૫મી મે, ૨૦૧૭ના રોજ કાયમ માટે પડદો પડી ગયો, ત્યારે ભારતીય સર્કસના આ સુવર્ણ ઈતિહાસને પણ યાદ કરવો જોઈએ.

કમનસીબે ભારતમાં તો શ્રીધરન ચંપદના પુસ્તક સિવાય સર્કસના મહામૂલા ઇતિહાસની ક્યાં ય નોંધ નથી લેવાઈ, પરંતુ વર્ષ ૧૯૭૭થી ૨૦૧૬ સુધી કાર્યરત બિગ એપલ સર્કસે દુનિયાભરની સર્કસ કંપનીઓ અને કલાકારોની માહિતી આપતો સર્કસ એન્સાઇક્લોપીડિયા તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ યોજના હેઠળ વિશ્વના ૨૫૦ વર્ષના સર્કસના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરવાનું કામ હજુયે ચાલુ છે.

ભારતમાં છેલ્લાં ૧૩૭ વર્ષમાં ૩૦૦થી પણ વધુ નાના-મોટા સર્કસ શરૂ થયા અને બંધ થયા. આજે ય ભારતમાં કેટલીક સર્કસ કંપનીઓ કાર્યરત છે, પરંતુ ભારતીય સર્કસ કંપનીઓ વિદેશ સાથે સમયસર તાલ મિલાવવામાં સરેઆમ નિષ્ફળ ગઈ. વળી, વર્ષ ૨૦૧૩માં ભારત સરકારે સર્કસમાં સિંહ, વાઘ અને હાથી જેવા પ્રાણીઓ તેમ જ બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો, જે સર્કસ ઉદ્યોગ માટે સૌથી જીવલેણ ફટકો સાબિત થયો!

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/06/blog-post.html

e.mail : vishnubharatiya@gmail.com

Loading

આલ્ફોન્સોની ‘આફૂસ’થી ‘હાફૂસ’ સુધીની સફર

વિશાલ શાહ|Opinion - Opinion|15 June 2017

દેશમાં કેરી પકવતા રાજ્યોની વાત આવે એટલે બધા જ રાજ્યોની વાત થાય છે, પરંતુ ગોવાની વાત ક્યારે ય નથી થતી. વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે, જ્યારે ભારતના કુલ કેરી ઉત્પાદનમાં ૨૪ ટકા સાથે સૌથી વધુ હિસ્સો ઉત્તરપ્રદેશનો છે. એ પછી આંધ્રપ્રદેશ (૨૨.૧૪) કર્ણાટક (૧૧.૭૧), બિહાર (૮.૭૯), ગુજરાત (૬) અને તમિલનાડુ (૫.૦૯)નો નંબર આવે છે પણ ગોવાનું ક્યાં ય નામ નથી કારણ કે, દેશના કુલ કેરી ઉત્પાદનમાં તેનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે! જો કે, ગોવામાં ભલે કેરીનો ટનબંધ પાક નથી ઉતરતો પણ પશ્ચિમ ઘાટના નકશામાં 'પાતળી લીટી' જેવા આ રાજ્યમાં ૧૦૦થી પણ વધારે જાતની કેરી પાકે છે. દેશની સૌથી મીઠી, રસાળ, સુગંધીદાર, મોંઘી અને સૌથી વધારે નિકાસ થતી કેરી આલ્ફોન્સો એટલે કે હાફૂસ પણ ગોવાની જ વતની છે.

ગુજરાતમાં કેરીની સિઝનમાં છાપા, ટીવી અને રસ્તા પર ઠેર ઠેર જાહેરખબરો જોવા મળે છે કે, સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર અને હાફૂસ કેરી અહીં મળે છે. ગુજરાતમાં પણ હાફૂસ, રાજાપુરી, વનરાજ, નીલમ, જમાદાર, નીલમ, દશેહરી અને લંગરા જેવી કેરીનો પાક લેવાય છે પણ ગુજરાતની એક્સક્લુસિવ કેરી ફક્ત કેસર છે, બીજી એકે ય નહીં. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત ચેન્નાઈની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રીએ ૨૦૧૧માં 'ગીર કેસર'ને 'જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ' આપ્યું હતું. કોઈ સ્થળ સાથે જોડાયેલી એક્સક્લુસિવ ચીજવસ્તુને જીઆઈ ટેગ અપાય છે. જેમ કે, પાટણના પટોળા અને દાર્જિલિંગની ચા. કેસર પણ ગીરની એક્સક્લુસિવ પ્રોડક્ટ છે એટલે તેને પણ જીઆઈ ટેગ મળ્યું છે. વર્ષ ૧૯૩૧માં જૂનાગઢના વજીર સાલેભાઈએ ગિરનારની તળેટીમાં આવેલા લાલ દૂરી ફાર્મમાં ૭૫ આંબા કલમ કર્યા હતા. આ આંબાની ત્રણેક વર્ષ લાડકા બાળકની જેમ માવજત કરાઈ અને ૧૯૩૪માં તેના પર ફળ પણ આવી ગયા. આ કેરી સૌથી પહેલાં જૂનાગઢના નવાબ રસૂલ ખાનજીને મોકલાઈ. આ કેરીના સ્વાદ, સુગંધ અને રંગથી પ્રભાવિત થઈને નવાબ બોલ્યા કે, આ તો કેસર છે. બસ, ત્યારથી એ કેરી 'ગીર કેસર' તરીકે ઓળખાય છે.

ગીરની અસલી કેસર

હાલ જૂનાગઢ અને અમરેલીના કુલ ૨૦ હજાર હેક્ટરમાં કેસરનો પાક લેવાય છે, પરંતુ એક સમયે ગીર અભયારણ્યની આસપાસ પાકતી કેરી જ 'ગીર કેસર' ગણાતી. કેસર ગુજરાતની છે એ તો જાણીતી વાત છે પણ હાફૂસ એ પોર્ટુગીઝોની દેન છે. નેશનલ હોર્ટિકલ્ચરના બોર્ડની વેબસાઈટ પર પણ હાફૂસ પકવતા રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુનું નામ નોંધાયેલું છે પણ ગોવાનો ઉલ્લેખ નથી. આ વર્ષે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં અને દેવગઢ તાલુકામાં પાકતી હાફૂસને પણ જીઆઈ ટેગ અપાયું. દેશમાં સૌથી વધારે જીઆઈ ટેગ પણ કેરીને જ મળેલા છે કારણ કે, કેરી પ્રાદેશિક અભિમાન સાથે જોડાયેલું ફળ છે. જેમ કે, મહારાષ્ટ્રની મરાઠાવાડા કેસર, ઉત્તરપ્રદેશની મલિહાબાદી દશેહરી, કર્ણાટકની એપ્પેમિડી, આંધ્રપ્રદેશની બાંગ્લાપલ્લી તેમ જ પશ્ચિમ બંગાળની લક્ષ્મણ ભોગ, હિમસાગર અને ફઝલી એમ ત્રણ જાતની કેરીને જીઆઈ ટેગ અપાયા છે. એટલે કે, આ બધી જ કેરીની જેમ રત્નાગિરી અને દેવગઢનું નામ પણ હાફૂસ  સાથે જોડાઈ ગયું અને ગોવા રહી ગયું.

આલ્ફોન્સો કેરીનું નામ જ પોર્ટુગલના લશ્કરી સેનાપતિ આફોસો દ અલ્બુકર્કના નામ પરથી પડ્યું છે. સમયાંતરે 'આલ્ફોન્સો' અપભ્રંશ થઈને હાફૂસ થઈ ગયું. આ હાફૂસ પણ અપભ્રંશ શબ્દ છે. સાર્થ જોડણીકોશ અને ભગવદ્ગોમંડળમાં 'આફૂસ' શબ્દ છે, 'હાફૂસ' નહીં. આ બંને ગ્રંથમાં 'આફૂસ' શબ્દની વ્યુત્પત્તિ આલ્ફોન્સો પરથી થઈ હોવાની નોંધ છે. ભગવદ્ગોમંડળમાં નોંધ્યા પ્રમાણે, પોર્ટુગલનો ઓલ્ફોન્સો નામનો વહાણવટી બ્રાઝિલમાંથી આંબાની કલમ હિંદુસ્તાનમાં લાવ્યો હતો, તે જાતના કલમી આંબા અને તેની કેરી આલ્ફોન્સો કહેવાય છે … આફૂસનો એક બીજો પણ અર્થ થાય છે, મુરતિયાની અછત. હાફૂસ શબ્દનો ઉચ્ચાર અને અર્થ મરાઠી અને ગુજરાતી ભાષામાં આવ્યો એ પછી બદલાઈ ગયો. પણ આ બંને ભાષામાં આલ્ફોન્સો શબ્દ આવ્યો કેવી રીતે? જરા વિગતે વાત કરીએ.

ફાઇબરલેસ આલ્ફોન્સો ઉર્ફે આફૂસ ઉર્ફે હાફૂસ

ભારતમાં તો હજારો વર્ષોથી કેરીઓ થતી જ હતી. રામાયણ, મહાભારતથી લઈને બૌદ્ધ-જૈન ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં પણ કેરીના અનેક ઉલ્લેખો મળે છે. જો કે, આજની કેરીઓની અનેક જાતો સદીઓના જનીનિક ફેરફારો પછી પેદા થઈ છે. પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાના સેનાપતિ આફોસો દ અલ્બુકર્કે ઈ.સ. ૧૫૧૦માં ગોવામાં શાસન સ્થાપ્યું ત્યારથી ભારતમાં દેશી કેરીઓ સાથેના જનીનિક ફેરફારો શરૂ થયા. પોર્ટુગીઝોના શાસનકાળમાં ભારત અને યુરોપનું સાંસ્કૃિતક આદાનપ્રદાન શરૂ થયું. પોર્ટુગીઝોએ વનસ્પતિ શાસ્ત્રમાં સારું એવું કાઠું કાઢ્યું હતું અને તેમના થકી જ ભારતમાં યુરોપિયન આંબા તેમ જ આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી. ઈ.સ. ૧૫૬૩માં પોર્ટુગીઝ-યહૂદી રસાયણશાસ્ત્રી ગાર્સિયા દ ઓર્ટાએ પણ ભારતની મુલાકાત લીધી. ઓર્ટા ઇતિહાસમાં તબીબ, પ્રકૃતિશાસ્ત્રી અને ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) દવાઓના પિતામહ તરીકે ઓળખાય છે. દવાઓનું સંશોધન કરવાના હેતુથી ઓર્ટાએ ઉષ્ણકટિબંધીય ફળો પર ઊંડુ સંશોધન કર્યું હતું. કેરી અંગે ઓર્ટાએ લખ્યું હતું કે, યુરોપનાં બધાં જ ફળો કરતાં કેરી ચડિયાતી છે … ઈ.સ. ૧૮૫૫માં પોર્ટુગીઝોએ ઓર્ટાની યાદમાં ગોવાના પણજીમાં ભવ્ય બગીચો બંધાવ્યો હતો, જે આજે પણજી મ્યુિનસિપલ ગાર્ડન તરીકે વધારે જાણીતો છે.

પોર્ટુગલોના શાસનને પગલે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં યુરોપિયન સંસ્કૃિત વિકસી રહી હતી. આ દરમિયાન ઈ.સ. ૧૫૫૬માં મોગલ વંશના રાજા અકબરે રાજગાદી સંભાળી. અકબર પણ કેરીનો રસિયો હતો અને તે જાણતો હતો કે, પોર્ટુગીઝોએ જાતભાતના ફળોનો પાક લેવામાં મહારત હાંસલ કરી છે. અકબરે પોતાના દરબારમાં પોર્ટુગીઝોને આવકાર્યા અને આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું. બિહારના દરભંગામાં અકબરે એક લાખ આંબા કલમ કરાવ્યા હતા, જે આજે લાખી બાગ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ૧૬૨૮થી ૧૬૫૮ સુધી અકબરના પ્રપૌત્ર શાહજહાં(જહાંગીરનો પુત્ર)ના શાસનકાળમાં પણ કેરીની બોલબાબા રહી. શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યા સિવાય પણ એક મહત્ત્વનું કામ કર્યું હતું. શાહજહાંએ એ જમાનામાં મહારાષ્ટ્ર-ગોવાના ઉનાળુ ફળોને દિલ્હી સુધી લાવવા ખાસ ફાસ્ટ ટ્રેક રૂટ તૈયાર કરાવ્યો હતો.

આફોસો દ અલ્બુકર્ક (ક્લોક વાઈઝ), પોર્ટુગલની રાજધાની લિસ્બનની ઈન્સ્ટિટ્યુટ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સેન્ટર બહાર ગાર્સિયા દ ઓર્ટાનું પૂતળું અને મોગલવંશનો ઈટાલિનય હકીમ નિકોલા માનુસી

મોગલ વંશના રાજાઓએ અનેક વિદેશી નિષ્ણાતોને પણ પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું, જેમાંના એક હતા નિકોલા માનુસી. મોગલ કાળમાં માનુસીએ તબીબ, ઈતિહાસકાર, લેખક અને સાહસિક પ્રવાસી તરીકે નામના મેળવી હતી. ઈ.સ. ૧૬૫૩માં માનુસીએ નોંધ્યું હતું કે, ''દુનિયાની શ્રેષ્ઠ કેરીઓ ગોવામાં પાકે છે. અહીંની કેરીઓને તેના રંગ, સુગંધ અને સ્વાદ પ્રમાણે જુદી પણ પડાય છે. મેં અહીંની અનેક કેરીઓ ખાધી છે, જેનો સ્વાદ યુરોપના પિચ, નાસપતિ અને સફરજન જેવો છે. આમાંની અનેક કેરીઓ તમે બ્રેડ સાથે કે બ્રેડ વગર ખાઈ શકો છો. જો કેરી વધુ ખાવાની ઈચ્છા હોય તો પણ કંઈ નુકસાન થતું નથી …'' આ રીતે અનેક યુરોપિયન પ્રવાસીઓ થકી ભારતીય કેરીઓ દુનિયાભરમાં જાણીતી થઈ. પોર્ટુગીઝો માટે ગોવાની કેરીને રાજકીય સાધન બની ગઈ હતી. પોર્ટુગીઝ અને મોગલ રાજાઓ, વેપારીઓ અને સેનાપતિઓ એકબીજાને કેરી મોકલાવીને કડવાશ દૂર કરતા. આજે ય ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ એકબીજાને પોતપોતાના પ્રદેશની કેરીઓ મોકલાવે છે, જે પરંપરા આટલી જૂની છે.

મોગલોના કેરી પ્રેમના કારણે ઈ.સ. ૧૭૯૨ સુધી ગોવાની આલ્ફોન્સો કેરીની ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં આયાત શરૂ થઈ ગઈ હતી. જો કે, પૂણેમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ અધિકારીઓએ આલ્ફોન્સોની નિકાસને ગંભીરતાથી લીધી અને ગોવાના ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે, ગોવાની આલ્ફોન્સોનો સ્વાદ, સુગંધ અને રંગ જાળવી રાખવો હોય તો તેની બેફામ નિકાસ અટકવી જોઈએ. ગોવાની આલ્ફોન્સોનું મૂલ્ય જાળવી રાખવું હોય તો તેને દુર્લભ જ રહેવા દેવું જોઈએ … આ પ્રકારની ભલામણોની પોર્ટુગીઝો પર ધારી અસર થઈ અને નિકાસમાં રૂકાવટ આવી. એટલે આલ્ફાન્સો માટેનો જઠરાગ્નિ સંતોષવા પેશ્વાઓએ કોંકણમાં હજારો આલ્ફોન્સો આંબા કલમ કર્યા. કોંકણની આલ્ફોન્સો કેરીઓ સ્થાનિક વાતાવરણ અને કલમ પદ્ધતિના કારણે ગોવાની આલ્ફોન્સો કરતાં સ્હેજ અલગ પડી, પરંતુ આ કેરીઓ પણ સ્વાદિષ્ટ અને આલ્ફોન્સોની જેમ રેસાવિહિન (ફાઇબરલેસ) જ હતી. આ રીતે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયા કિનારાનો ૭૨૦ કિલોમીટર લાંબા કોંકણ પટ્ટામાં આલ્ફોન્સોનો પાક લેવાનું શરૂ થયું. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં પણ આલ્ફોન્સો વાયા કોંકણ પહોંચી. એ પછી આલ્ફોન્સો શબ્દ મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ આવ્યો, પરંતુ સમયાંતરે અપભ્રંશ થઈને ‘આફૂસ’ અને 'હાફૂસ' થઈ ગયો.

આશ્ચર્યની વાત છે કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા 'રસગુલ્લા તો અમે શોધ્યા' એવો દાવો કરીને જીઆઈ ટેગ મુદ્દે લડાઈ કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રના બે વિસ્તારને હાફૂસનું જીઆઈ ટેગ અપાયું હોવા છતાં ગોવાના લોકો પોતાની મસ્તીમાં ગૂલ છે. એનું કારણ કદાચ ગોવા પાસે હાફૂસ સિવાય પણ બીજી ૯૯ જાતની કેરીઓ છે, એ હોઈ શકે! ગોવા પાસે સ્વાદમાં બેજોડ એવી મોન્સેરેટ, માલકુરદા અને કોલેકો જેવી કેરીઓ છે. કોંકણી ભાષામાં મોન્સેરેટ મુસરત, માલકુરાડા માનકુરંદ અને કોલેકો કુલાસ થઈ ગઈ. જુદી જુદી ભાષા, લિપિ અને સંસ્કૃિત વચ્ચેના આદાનપ્રદાન પછી શબ્દોના ઉચ્ચાર અને અર્થ પણ બદલાઈ જતા હોય છે. ફર્નાન્ડિન, હિલારિયો, બિશોપ, ઝેવિયર અને મલગેશ પણ ગોવાની જાણીતી કેરીઓ છે. આ એકે ય કેરીને હાફૂસની જેમ ઓળખ ભૂંસાઈ જવાનો ખતરો નથી કારણ કે, આ કેરીઓને હાફૂસની જેમ હાઇબ્રિડ કરીને લાંબો સમય સુધી બગડે નહીં એવી રીતે પકવી શકાતી નથી. વેલ, ગોવા પાસે બિચ અને બિયર સિવાય પણ ઘણું બધું છે અને એ છે, તેનું ફૂડ કલ્ચર. યુરોપ સાથેના પ્રચંડ સાંસ્કૃિતક આદાનપ્રદાનને પગલે ગોવા ખાણીપીણીનો રસાળ ઇતિહાસ ધરાવે છે અને કેરીની તો વાત જ કંઈક ઓર છે!

—-

નોંધ : આ લેખ સાથે સંકળાયેલા બીજા કેટલાક રેફરન્સ ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ બ્લોગના લેબલ્સ અને હાયપર લિંક્સ પર વાંચવા મળશે.

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/06/blog-post_13.html

e.mail : vishnubharatiya@gmail.com

Loading

The New Cabinet

Patrick Blower|Opinion - Cartoon|14 June 2017

courtesy : "The Daily Telegraph", 14 June 2017

Loading

...102030...3,3583,3593,3603,361...3,3703,3803,390...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved