Opinion Magazine
Number of visits: 9688597
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાઇવસીની પોએટ્રી : મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા ભરોસા ચારાગર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 September 2017

સર્વોચ્ચ અદાલતે જેને સંવિધાનિક (એટલે કે જન્મજાત) અધિકાર ગણાવ્યો તે પ્રાઇવસી એટલે શું? મોટા ભાગના લોકોને પ્રાઇવસીનો અર્થ ખબર નથી, અને એટલે જ એનો વાદવિવાદ સર્વોચ્ચ અદાલત સુધી ગયો. કારણ એ છે કે પ્રાઇવસી એ પશ્ચિમની ધારણા છે, જ્યાં ન્યુક્લીઅર પરિવારની શરૂઆત થઇ હતી. ભારતીય સમાજ કબીલાઇ જીવનથી ઊઠીને બિરાદરી સુધી ગયો છે અને નિજતા અથવા અંગતતાની સરખામણીમાં સાર્વજનિકતાનું પલડું વધુ નમેલું રહે છે.

ભારતીય ભાષાઓમાં એટલે જ પ્રાઇવસી માટે ઉચિત શબ્દ નથી. સૌથી પહેલો શબ્દ મનમાં આવે છે તે ગોપનિયતા છે, પરંતુ પ્રાઇવસીનો અર્થ કશુંક છૂપું રાખવું એ નથી. પ્રાઇવસી એટલે શરમ પણ નહીં, કારણ કે શરમમાં કશુંક ઢાંકી રાખવાનો ભાવ છે. પ્રાઇવસી એટલે કશુંક ખોટું છે, અને સાર્વજનિક સ્ટાન્ડર્ડને માફક આવે તેવું નથી એમ પણ નહીં. પ્રાઇવસી એટલે એકલતા ય નહીં અને ભેદ-ભરમ પણ નહીં.

તો શું? સર્વોચ્ચ અદાલતે એનું ભાષાંતર તો કરીને ન આપ્યું, પણ એક આખું વાક્ય લખીને વ્યાખ્યા બાંધી. અદાલતનું જજમેન્ટ લખે છે, ‘જીવનની દિશા-દશાને અસર કરે તેવી પસંદગી (ચોઇસ) કરવાનો દરેક વ્યક્તિનો અધિકાર અને સ્વાયત્તતા એટલે પ્રાઇવસી.’ પ્રાઇવસીને લઇને અસ્પષ્ટતાના કારણે જ ઘણા લોકો (સરકાર સહિત) એમ તર્ક કરે છે કે કશું છુપાવાનું ન હોય તો પછી પ્રાઇવસીને લઇને આટલી બધી હોહા શા માટે?

આ કેસમાં દલીલો ચાલતી હતી ત્યારે સરકારી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જે કહ્યું હતું તે સાંભળો, ‘શરીર ઉપર કોઇને અબાધિત અધિકાર નથી.’ પછી ફ્રેન્ચ ચિંતક-લેખક જીન જેસ્ક્યુ રુસોને ટાંકીને રોહતગીએ ઉમેર્યું, ‘રાજ્ય એક કોર્પોરેશન છે. નાગરિકો એના સભ્ય છે. ઘોડિયામાંથી લઇને કબર સુધી રાજ્ય સાથે આપણે સમજૂતી-કરારથી બંધાયેલા છીએ … તમે ચાહો તો પણ રાજ્ય તમને ભૂલી નહીં જાય … તમને ગાયબ રહેવાનો અધિકાર નથી … અમે તમારા ડી.એન.એ. સુધી જઈશું.’

વ્યક્તિના શરીર(અને મન)માં ઘૂસીને અંદરના તમામ ડાટા ઉપર રાજ્યનો અધિકાર સ્થાપવાની સરકારની આ ધમકી સામે જ સર્વોચ્ચ અદાલતે કવચ મૂકીને જીવનમાં થનારા અનાવશ્યક અને અનુચિત હસ્તક્ષેપથી વ્યક્તિને બચાવી છે. અદાલતનો આ નિર્ણય એક સુંદર કવિતા જેવો છે, જેને વારંવાર વાંચવાનું મન થાય. આ નિર્ણયના ઐતિહાસિક મહત્ત્વની જાણ આપણને ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આપણને પ્રાઇવસીની અગત્યતા નહીં સમજાય.

પ્રાઇવસીની સૌથી પહેલી વ્યાખ્યા સેમ્યુઅલ વોરેન અને લુઇસ બ્રાન્ડેઇસ નામના કાયદાના પંડિતોએ એક પેપર્સમાં કરી હતી, જે 1890માં હાર્વડ લૉ રિવ્યૂ પત્રિકામાં પ્રગટ થયું હતું. એમાં એમણે કહ્યું હતું કે પ્રાઇવસી એટલે ‘રાઇટ ટુ બી લેફ્ટ અલોન’ (દખલઅંદાજી વગર જીવવાનો અધિકાર). 1975માં ન્યૂ યૉર્કના સમાજ મનોવિજ્ઞાની ઇર્વીન અલ્ટમેને એમાં વધુ સ્પષ્ટતા કરી કહ્યું કે પ્રાઇવસી એટલે સમાજને કેટલો અને કઇ હદ સુધી વ્યક્તિગત જીવનમાં પ્રવેશવા દેવો તેનો અધિકાર. મતલબ કે મારે મારી અંગત રુચિ શું હોવી જોઇએ અને મારે એને બીજાને બતાવવી જોઈએ કે નહીં તેનો હક માત્ર મને જ છે.

અર્થાત્ સમાજને કે બીજી વ્યક્તિને ક્ષતિ ન પહોંચે ત્યાં સુધી મારે શું ખાવું-પીવું, કોને પ્રેમ કરવો અને લગ્ન કરવાં કે નહીં, બાળક પેદા કરવાં કે ન કરવાં, કેવાં કપડાં પહેરવાં અને ભગવાનમાં માનવું કે ન માનવું જેવી બાબતોમાં સરકાર દખલ કરી ન શકે. પ્રાઇવસીનો આ મામલો એટલા માટે સર્વોચ્ચ અદાલતમાં આવ્યો હતો કે નાગરિક કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે સરકારે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દીધું હતું. આમાંથી આધાર કાર્ડમાં દર્જ થયેલો નાગરિકનો અંગત ડાટા સરકાર કે બીજી કોઈ એજન્સીના હાથમાં જઈ ચડે તો પ્રાઇવસીનું શું એ પ્રશ્ન ઊભો થયો હતો.

સરકારે તો ત્યાં સુધી દલીલ કરી હતી કે, પ્રાઇવસીની આ માથાકૂટ તો ભદ્ર વર્ગના લોકોમાં છે, બાકી ગરીબ લોકોને તો પેટ ભરવાથી મતલબ છે. સર્વોચ્ચ અદાલતે આકરા શબ્દોમાં કહ્યું કે, ગરીબોને સિવિલ કે રાજકીય અધિકારોની પડી નથી અને એમને તો બે ટંક ખાવાનું જ જોઇએ છે એવા તર્ક ઉપર સદીઓથી આ દેશમાં ગરીબોનું શોષણ થતું રહ્યું છે.

અદાલતે કહ્યું કે કોઈના કલ્યાણના નામે એના અધિકાર છીનવી ન લેવાય. આ અધિકાર એનું મનુષ્ય હોવું એમાં જ નિહિત છે અને એટલે જ એ સંવિધાનિક છે. આધાર કાર્ડને ‘ઇલેક્ટ્રોનિક ગળાપટ્ટો’ ગણાવીને વરિષ્ઠ એડવોકેટ શ્યામ દીવાને કોર્ટને કહ્યું કે નાગરિક જો સતત નિગરાની (સર્વેલન્સ) હેઠળ હોય તો પછી એની ચિંતા વધી જાય કે એ શું કરશે, શું બોલશે તો સરકાર એને ક્યારે પજવશે? આધારના ડાટા જો સરકાર પાસે હોય તો પછી નાગરિકની રાજકીય અને અંગત રુચિ છીનવાઈ જાય છે અને એણે ગુલામ થઈને રહેવું પડે. પ્રાઇવસીને જન્મસિદ્ધ અધિકાર ગણાવીને અદાલતે રાજ્ય અને એના નાગરિકો વચ્ચેના સંબંધને નવી જ વ્યાખ્યા આપી છે.

આપણે ઇન્ફોર્મેશન અને ડાટાના યુગમાં જીવીએ છીએ. આપણા બધાની જાત-ભાતની ઇલેક્ટ્રોનિક ઓળખાણો છે અને સિરિયલ નંબરો છે. આપણને ખબર છે કે આપણી જિંદગીમાં કોર્પોરેટ સેક્ટરની હાજરી કેટલી છે. આજે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે તે જોતાં કોઇ પણ કોર્પોરેશન કે કંપની પાસે તમારી અઢળક માહિતી પડેલી હોઇ શકે. આ માહિતીઓનો ગમે ત્યારે, ગમે તે ઉપયોગ થઇ શકે છે. આવું થાય તો તમે ક્યાં જશો? પ્રાઇવસી એ સંવિધાનિક અધિકાર છે એવું સાબિત થવાથી હવે તમે આવી દખલઅંદાજી અથવા ગેરઉપયોગ સામે અદાલતની મદદ માગી શકો છો.

જ્યોર્જ ઓરવેલે 1949માં લખેલી નવલકથા ‘1984’માં સર્વવ્યાપી અને બધા ઉપર નિગરાની રાખતી સત્તાની કલ્પના કરી હતી, જે આજના ભારત અને અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી નંબરથી હકીકત બની ગઇ છે. ડિજિટલ ટેક્નોલોજીએ આપણી ચિકિત્સા અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સુવિધા અનેકગણી વધારી દીધી ત્યારે નકારાત્મક વિચારોવાળી રાજકીય કે કોર્પોરેટ વ્યવસ્થા એનો વિનાશકારી ઉપયોગ કરે તેવી સંભાવના પણ વધી ગઇ છે. એટલે જ શકીલ બદાયુનીની એ શાયરી નવા સંદર્ભમાં પ્રાસંગિક બની છે, જેમાં એમણે લખ્યું હતું: 

મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા
ભરોસા ચારાગર,
યે તિરી નવાજિસ-એ-મુખ્તસર મેરા
દર્દ ઔર બઢા ન દે

(ચારાગર : વૈદ્ય, નવાજિસ-એ-મુખ્તસર : કૃપાદૃષ્ટિ)

સૌજન્ય ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2017

Loading

મુસ્લિમ ઉમ્માહ એટલે શું? … ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો

આશા બૂચ|Opinion - Opinion|3 September 2017

તાજેતરમાં એક સંવિવાદ બેઠકનું આયોજન હેરો ખાતે થયેલું. તેના મુખ્ય વક્તા તરીકે એક ફાંકડા ઉત્સાહી યુવાન ભાઈ શારિક લાલીવાલા આવેલા.

શારિક લાલીવાલા, સલિલ ત્રિપાઠી અને વિપુલ કલ્યાણી

શારિક હાલમાં કિંગ્સ કોલેજ લંડનમાં અનુસ્નાતક ઉપાધિ મેળવવા ‘જુહાપુરા-અમદાવાદમાં ઇસ્લામિસ્ટ્સ’ વિષય પર નિબંધ તૈયાર કરી રહ્યા છે. અભ્યાસ પૂરો કર્યા બાદ, તેઓ સંસ્થાનનાં અંતિમ વર્ષો અને બ્રિટિશ રાજ ખતમ થયા ત્યાર બાદનાં વર્ષોના અમદાવાદના ઔદ્યોગિક અને રાજકીય ઇતિહાસ પર કામ કરવા ધારે છે.

તેમના વક્તવ્યનો વિષય હતો, ‘મુસ્લિમ ઉમ્માહ એટલે શું? ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો’. મુસ્લિમ સમાજમાં જ્ઞાતિ, વર્ગ અને ગ્રામ્યજન અને શહેરી લોકો વચ્ચેના ભેદભાવને કારણે પેદા થયેલ વિભાજિત સમાજ વિષે તેમણે વાત કરી તેમ જ એ પ્રશ્નને હલ કરવા કઈ કઈ સામાજિક ચળવળો ચાલે છે એ વિષે સમજણ આપી.

પ્રારંભે વિપુલ કલ્યાણીએ પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે આપણે આખર માણસ છીએ જે ઘણી ગ્રંથિઓ-પૂર્વ ગ્રંથિઓ લઈને ફરીએ છીએ. જે કદાચ આપણા અભ્યાસ અને વાંચનની કચાશનું પરિણામ હોઈ શકે. એક જ કોમમાં પણ જ્ઞાતિ-પેટા જ્ઞાતિની આલોચના વધુ થતી જોવામાં આવે પણ તેમના વિષે પૂરતી જાણકારી નથી હોતી. તો બીજા ધર્મ વિષે ગેરસમજ અને ગ્રંથિઓ તો હોવાની જ કેમ કે આપણું તે વિશેનું અભ્યાસનું ચરણ અધૂરું જ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વસતા મુસ્લિમો વચ્ચેના વિભાજન અને તેમની ચડતી-પડતી વિષે સામાન્યતયા કોઈને ખાસ ખબર નથી. કમનસીબે આજે વિશ્વમાં ફેલાયેલ આતંકવાદ સાથે મુસ્લિમોને સાંકળવામાં આવે છે, જ્યારે ખરું પૂછો તો તેમાં બધા ધર્મના લોક જવાબદાર છે. યહૂદીઓ, ઇસાઈઓ અને હિંદુઓ પણ તેમાં શામેલ થયેલા છે; એટલું જ નહીં, અહિંસાના અઠંગ પ્રહરી ગણાતા તેવા બૌદ્ધ અને જૈન લોકો પણ ક્યાંક ક્યાંક હિંસાત્મક પ્રવૃત્તિઓમાં પોતાના હાથ લાલ રંગે રંગતા જોવા મળે છે.

આ કાર્યક્રમનું સંચાલન માનવ અધિકારના મશાલચી તરીકે આપણે સહુ જેમને ઓળખીએ છીએ તે જાણીતા વિચારક, પત્રકાર – લેખક સલિલ ત્રિપાઠીએ સુપેરે કર્યું. તેમણે આ બેઠકનો દોર હાથમાં લેતાં મુદ્દાની વાત કરતાં કહ્યું, દરેક ધર્મ કે તેને અનુસરનારા લોકો વિષે આપણે ભાગ્યે જ કઇં જાણીએ છીએ, પણ તેમના વિષે સર્વ સાધારણ માન્યતાઓ સારી પેઠે ધરાવીએ છીએ. સીખ લોકો રંગીલા હોય, બૌદ્ધ લોકો કન્વર્ટ થયેલા હોય અને મુસ્લિમ એટલે એ તો દાઢી રાખે, ઉર્દૂ બોલે અને સ્ત્રીઓ બુરખા પહેરે, બસ એટલું સમજીએ. મુસ્લિમ એટલે કાં તો શહેનશાહ હોય, નહીં તો મિયાં એવો ખ્યાલ સેવતા આવ્યા છીએ. જેમાં હવે મુસ્લિમ એટલે આતંકવાદી એવી ભૂલભરેલી માન્યતા ખૂબ પ્રચલિત થતી જોવા મળે છે. થયું છે એવું કે ભારતમાં બિનસાંપ્રદયિકતાનો વિરોધ કરનારાઓ પાસે આજે સત્તાનો દોર છે. જો ભારતની પ્રજા અને તેમને અનુસરશે તો આપણે પાકિસ્તાનનું પ્રતિબિંબ બની જઈશું. જેમ ગુજરાતીઓની સાત કરોડ (રાજ્યની જનસંખ્યા જેટલી) અસ્મિતા છે, તેમ મુસ્લિમોમાં પણ વિવિધતા છે, વિભાજન છે તે આપણે સમજવું જરૂરી છે. છેક 1968થી શરૂ કરીને ‘84, ‘86, ‘92 અને છેવટ 2002માં ગુજરાતમાં કોમી હુલ્લડો થયાં તેનાથી સમાજમાં શા ફેરફારો થયા તે જાણવું આવશ્યક છે.

મુખ્ય વકતા શારીકભાઈએ ભારતમાં વસતા મુસ્લિમોની ઓળખ આપતા પહેલાં મુસ્લિમ કોને કહેવો તે સ્પષ્ટ કર્યું. મુસ્લિમ તેને કહેવાય જે આર્થિક પરિસ્થિતિ સારી હોય તો જીવનમાં એક વાર હજ કરવા જાય, કુરાન શ્રદ્ધા સાથે વાંચે, પાંચ વખત નમાજ (શિયા હોય તો ત્રણ વખત) પઢે, આર્થિક સ્થિતિ સારી હોય તો પોતાની આવકમાંથી 2.5% જરૂરિયાતમંદ લોકોને દાન કરે – જેને જકાત કહે છે અને શરિયત એટલે કે મુસ્લિમ પર્સનલ લોનું પાલન કરે. હદીસમાં આ ઉપરાંત ઉમ્મા એટલે કે ટ્રાન્સ નેશનલ કમ્યુિનટી(આંતરરાષ્ટ્રીય કોમ)માં માનવાનો આદેશ અપાયો છે. એટલે કે દુનિયાના કોઈ પણ પડમાં રહેતા મુસ્લિમો એક જમાતના છે તેમ માનો. આની પાછળ દરેક દેશના મુસ્લિમને સમાન ગણવાનો હેતુ છે. જો કે આજે કેટલાંક યુવાનો-યુવતીઓ આતંકી પ્રવૃત્તિઓમાં જોડાવા વાસ્તે ‘અમે બધા એક છીએ, સમાન છીએ’ એમ માનીને હિંસા ફેલાવતા સંગઠનોમાં જોડાય છે. કેટલાક મુસ્લિમોએ તેનો એવો પણ અર્થ ઘટાવ્યો છે કે તેમની પહેલી વફાદારી ઉમ્માહ પ્રત્યે છે, પોતે જે દેશના રહેવાસી છે, ત્યાંના કાયદા પ્રત્યે નહીં. હદીસમાં ઉલ્લેખ કરેલ ‘ઉમ્માહ’નો હેતુ હરગીઝ આવો ન હોઈ શકે.

ઈસ્વી સનની સાતમી સદીમાં ઇસ્લામે ભારતની ધરતી પર પગ મુક્યો. તે વખતે સૂફી સંપ્રદાય અસ્તિત્વમાં નહોતો, તેથી 12મી સદી સુધી ઇસ્લામનો પ્રચાર ભારતમાં ન થયો. 12મી સદીમાં કઝાકિસ્તાનથી ખ્વાજા મોયુનુદ્દીન ચિશ્તી અને નિઝામુદ્દીન ઓલિયા જેવા અનેક સૂફી સંતો ભારત આવ્યા. તેમણે દરગાહો બંધાવી. ઇસ્લામ ભારતમાં પ્રવેશ્યો, અને ઘણા ભાગના મુસ્લિમોએ હિન્દુ ધર્મના ઘણાં તત્ત્વો સ્વીકાર્યા. જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું તેઓ સ્થાનિક દેવી-દેવતાઓમાં માનતા, પોતાના બાપ-દાદાઓની માફક બાધા રાખતા અને માનતાઓ માનતા તે ચાલુ રહ્યું અને આ દરગાહો તે હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ છે. કાળા જાદુમાં માનવું, અંધશ્રદ્ધા પ્રેરિત ક્રિયાઓ કરવી અને ટ્રાન્સમાં જવું એ કુરાન પ્રબોધિત ધાર્મિક પ્રેક્ટિસ નથી, જે ભારતીય ઇસ્લામમાં જોવા મળે છે. અમદાવાદ તો દરગાહનું નગર બન્યું, ત્યાં શાહ આલમની દરગાહ અને સરખેજના રોજા જેવી અગણિત દરગાહો બંધાઈ.

શિયા અને સુન્નીના ફાંટા આખા જગતમાં મુસ્લિમ કોમ વચ્ચે દરાર બનીને ઊભા છે. શિયા મુસ્લિમોનું સંખ્યા બળ ઓછું છે, પરંતુ તેઓ આર્થિક રીતે સધ્ધર હોય છે. ભારતમાં શિયા મુસ્લિમોની વસતી વધુ છે. લખનૌના નવાબો, હૈદરાબાદના નિઝામ વગેરે તમામ શિયા પંથના મુસ્લિમો. મોહમ્મદ અલી જિન્નાહના પિતા હિન્દુ હતા જેમણે ઇસ્લામ અંગીકાર કરેલો. જિન્નાહ પોતે શિયા મુસ્લિમ હતા, પણ એ જાહેર નહોતું કરેલું કેમ કે સુન્ની લોકો જિન્નાહ શિયા પંથના છે એ જાણ્યા પછી તેમની રાજકીય બાબતો ન સ્વીકારે તેવો ભય હતો. શારિકભાઈ માને છે કે ભારતમાં વસતા મુસ્લિમોમાં શિયા-સુન્ની વચ્ચે ખરું વિભાજન નથી, પરંતુ મુસ્લિમોમાં વ્યાપક થયેલી જ્ઞાતિ પ્રથાએ ખરું વિભાજન ઊભું કર્યું છે. કુરાનમાં જ્ઞાતિ પ્રથાને કારણે અમલમાં મુકવામાં આવતા ઉચ્ચ-નીચના ભેદભાવ જેવી કોઈ રીતભાતનો ઉલ્લેખ નથી. જો કે આરબ દેશોમાં મુસ્લિમોને ખાનદાન, કોમ અને જમાતમાં બાંટીને ઓળખ આપવામાં આવે છે, તે અમુક અંશે જ્ઞાતિ પ્રથા જેવું જ  ગણાય ખરું, પણ તેમાં મુખ્યત્વે ભૌગોલિક મુદ્દાને આધારે વિભાજન થયેલું જણાય છે. આમ છતાં સૈયદ, કે જેઓ મોહમ્મદ પયગંબરના વારસો ગણાય છે તેઓ અને ભારત બહારથી આવીને સ્થાયી થયા તે અશરફ અને શેખ વગેરેને ઉપલી પાયરીના ગણવામાં આવે છે એ પણ હકીકત છે. તેમણે અમુક જ જમાતમાં લગ્ન કરવાં અને અમુક સાથે વ્યાપાર કરવો કે અમુક ખાનદાનના લોકોઈ વિશિષ્ટ પ્રકારના વ્યવસાય કરવા તેવા નિયમો પણ છે. હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારા ક્ષુદ્ર વર્ણના લોકો અજલફ કહેવાયા જેમને અન્ય મુસ્લિમ લોકો નીચા ગણે છે. વળી હિન્દુ સમાજમાં કસાઈ, ધોબી, નાઈ, ભંગી વગેરે નીચલા વર્ણના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું તેઓ દલિત મુસ્લિમ કહેવાયા. તેઓ મુસ્લિમ સમાજમાં પણ સામાજિક-આર્થિક રીતે સહુથી નીચા ગણાયા. એવા લોકોને તો ધર્મ પરિવર્તન કરવા છતાં ક્યાં ય સમાનતા અને ન્યાય ન મળ્યા.

શારિકભાઈ આગળ બોલતાં જણાવ્યું કે બારમીથી અઢારમી સદી દરમ્યાન અરબ દેશના મુસ્લિમોએ સૂફીઓનો વિરોધ નથી કર્યો કેમ કે મોગલો સૂફી હતા અને તેઓ તો ઓટોમન રાજવંશ કરતાં પણ વધુ ધનિક હતા. અહીં રસપ્રદ હકીકત તો એ છે કે અરબ મુસ્લિમો સૂફી મુસ્લિમોને તેઓ અરબસ્તાન અને પર્શિયા છોડીને ગયેલા એટલે નફરતથી જોતા. આ કારણોસર કોઈ મોગલ શહેનશાહ – અકબર કે ઔરંગઝેબ કે નિઝામુદ્દીન ઓલિયા કે મોયીનુદ્દીન ચિશ્તી કોઈ હજ પઢવા નહોતા ગયા. તેમ અકબરે પોતે ખલીફા હોવાનો દાવો પણ નથી કર્યો, ઉલટાનું પોતે મુસ્લિમ સમાજથી અલગ હતો એવો દાવો કરેલ અને એક અનોખો ધર્મ ‘દિને ઇલાહી’ સ્થાપવાની કોશિશ કરેલી.

18મી સદીમાં બ્રિટિશરોના આગમનથી તેમનું વર્ચસ્વ વધ્યું અને સૂફી મોગલોનું વર્ચસ્વ ઘટ્યું. અરબ મુસ્લિમો જ સાચા મુસ્લિમ છે અને સૂફીઓ ખરા મુસ્લિમ નથી એવી માન્યતા પ્રબળ બની. 18મી સદીથી હજનો પ્રચાર વધ્યો. તે વખતે હજ કરનારે મક્કામાં એક વર્ષ રહેવું પડતું એટલે હાજીઓ ભારતમાં આવે ત્યારે અરેબિક ઇસ્લામિક વલણ લઈને આવતા. દર વર્ષે લગભગ દસ હજાર લોકો હજ કરવા જતા. શારિકભાઈએ પોતાના અભ્યાસને આધારે મળેલ માહિતીને ટાંકીને કહ્યું કે ભારતમાં વસતી મુસ્લિમ કોમમાં ઘણાં વિભાજન છે જેની શરૂઆત આપણે જેમને શાંતિપ્રિય માનીએ છીએ તેવા સૂફી સંપ્રદાયના લોકોએ કરી. એવાં વિભાજનોને સાંધવાનું કામ રૂઢિચુસ્ત મુસ્લિમો કરે છે. જો કે ભારતીય હિંદુઓ રૂઢિચુસ્ત મુસ્લિમો એટલે મૌલવી હોય, દાઢી રાખતા હોય તેમ માનીને તેમને ધિક્કારે છે. પણ બ્રિટિશ શાસન દરમ્યાન અને તે પછી પણ ભારતીય મુસ્લિમોની પડતી પાછળનું કારણ સમજવું હોય તો એક વાત જાણવી જરૂરી છે કે સૂફીઓએ મુસ્લિમ લોકો માટે શિક્ષણ આપવા તરફ ધ્યાન નહોતું આપ્યું. તેવે સમયે રૂઢિચુસ્ત મુસ્લિમોએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપી.

શારિકભાઈનું કહેવું છે કે રૂઢિચુસ્ત મુસ્લિમોનો સૂફીઓ પ્રત્યેનો વિરોધ માત્ર વિચારધારા પર આધારિત જ નહોતો. તે માટેનાં બે કારણો હતાં : એક તો રૂઢિચુસ્ત મુસ્લિમો માટે દરગાહ જવું હરામ છે કેમ કે ત્યાં દેવી-દેવતાઓની મૂર્તિ પૂજા થાય છે, જે માટે કુરાનમાં માન્યતા નથી ફરમાવી. બીજું કારણ એ છે કે તેઓ માને છે કે સૂફીઓએ સાચા ઇસ્લામિક ઉસૂલોનો પ્રચાર યોગ્ય રીતે નથી કર્યો. રૂઢિચુસ્ત મુસ્લિમો ક્રિશ્ચિયન મિશનરીઓની માફક નૈતિક ખ્યાલો વિકસાવવા માટે જુદી રીતે ઇસ્લામને પ્રસરાવવા માગતા હતા. તેમણે માત્ર સૂફીઓનો જ વિરોધ નથી કર્યો, પરંતુ ખિલાફતની ચળવળનો, ગાંધીના વિચારોનો અને ખુદ અબ્દુલ કલામ આઝાદનાં વલણોનો પણ વિરોધ કરેલો. તેઓએ જિન્નાહને ટેકો એટલા માટે આપેલો કે તેમને પાકિસ્તાન એક થિયોક્રેટિક દેશ બનશે એવી ઉમ્મીદ હતી.

ભારતમાંના મુસ્લિમ સમાજ વિષેની વાત કર્યા બાદ શારિકભાઈએ ગુજરાતની પરિસ્થિતિ પર કેટલીક મુદ્દાની વાત કરી. ગુજરાતમાં સૂફીઓના વિરોધ પાછળ માત્ર વૈચારિક મતભેદ જ કારણભૂત નહોતા, પણ તેની પાછળ રાજકારણ પણ ભળેલું હતું, અને હજુ આજે પણ છે. વાત એમ છે કે રૂઢિચુસ્ત મુસ્લિમો લોકતાંત્રિક છે, જ્યારે સૂફીઓ નથી. જમાતે ઇસ્લામ લોકશાહી ઢબે ચાલે છે, તેઓ દર પાંચ વર્ષે ચૂંટણી કરે, તેમની એક પાર્લામેન્ટ અને બંધારણ પણ છે. તો સામે પક્ષે સૂફીઓ આ રીતે સંગઠિત નથી. 2002ના રમખાણો બાદ ગુજરાતમાં સૂફીઓનું વર્ચસ્વ ઘટ્યું કેમ કે રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિસ્થાપિત થયેલ મુસ્લિમ કોમનો પુનર્વસવાટ કરી તેમને આર્થિક રીતે ઊભા કરવાનું કામ કર્યું. તેઓ માટે રિલીફ કેમ્પ અને કોલોની બનાવ્યાં, તેમને કાયદાકીય મદદ આપી. કેમ કે એ રમખાણોમાં જેમને સહુથી વધુ નુકસાન થયું એ અશરફ કોમના નહોતા, OBC અને દલિત મુસ્લિમ હતા, જેઓ સૂફીઓ દ્વારા મોટે ભાગે અવગણના પામતા આવેલા હતા. તબલીઘ જમાતે જે પુનર્વસવાટનાં કાર્યો કર્યાં, તેમાં સૂફી મુસ્લિમ નિષ્ફ્ળ ગયા. મન્સૂરી કહેવાતા (એટલે કે પીંજારા) મુસ્લિમોને સૂફીઓએ ઇસ્લામમાં માન્યતા નહોતી આપી, જ્યારે તબલઘે તેમને ઊંચી પાયરીએ ચડાવ્યા.

એક વાત અહીં નોંધવા જેવી છે, શારીકભાઈએ કહ્યું તેમ રૂઢિચુસ્ત મુસ્લિમો ઉમ્માહ(આંતરરાષ્ટ્રીય મુસ્લિમ કોમ)ની વાત કરે છે અને પોતાને આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા ગણાવે છે. એટલે જ તો તેમણે ગુજરાતમાં ઘણી સ્કૂલો, કોલેજો અને હોસ્ટેલો બાંધી. કન્યા શિક્ષણ પર જોર આપે છે અને કહે છે, અલ્લાહ વિષે જ્ઞાન મેળવવું કે વિજ્ઞાનની જાણકારી મેળવવી એ બંને એક જ છે. અત્યાર સુધી અરેબિક દેશોમાંથી મળતાં નાણાંથી મદરેસા અને મસ્જિદો બાંધવામાં આવતાં તે હવે બંધ કર્યું. અમદાવાદની શમા નામની શાળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બાળકોને શિક્ષણ અપાય છે. ત્યાં કન્યાઓએ હિજાબ અને છોકારોએ ટોપી પહેરવી ફરજિયાત છે, ત્યાં આરબિક ભાષા અને કુરાને શરીફ ભણવાનું ફરજિયાત છે. દરેક વિદ્યાર્થી પાંચ વખત નમાજ પઢે છે. અહીં થેન્ક યુ કે હલ્લો કહેવાની મનાઈ છે, તેને બદલે ‘માશાલ્લા’ કહેવું જરૂરી છે. એ લોકો કબૂલ કરે જ છે કે અમે રૂઢિચુસ્ત હોવાનો ઇન્કાર નથી કરતા, માત્ર આધુનિક રીતે ઇસ્લામનો પ્રચાર કરીએ છીએ.

સૂફી મુસ્લિમોના વક્ફ બોર્ડ પાસે ભારતના મોટા ભાગના કબ્રસ્તાન અને મસ્જિદો મળીને લગભગ આઠ લાખ મોટી મોટી અસ્કયામતો છે. તેઓ ભારતના રાજકારણ સાથે જોડાયેલા રહ્યા છે, તેથી જ તો અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદી અજમેરની દરગાહ પર હર સાલ ચાદર મોકલે છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે સૂફીઓ ભાતમાં આવ્યા ત્યારથી હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃિત અને જીવન પદ્ધતિમાં એકદમ હળીમળી ગયા છે. તેથી આવું રાજકીય ગઠબંધન તેમના સ્થાનને સુરક્ષિત રાખે તે તેઓ બરાબર સમજે છે. આથી જ તો હાલમાં ચર્ચાતા ટ્રિપલ તલ્લાક અને ગોમાંસના વિવાદાસ્પદ મુદ્દે સૂફીઓ બી.જે.પી. સાથે સહમત થયા. એવી જ રીતે સૂફીઓ આખી મુસ્લિમ કોમને અનામત ગણવામાં આવે એવી માંગણી કરે છે જ્યારે રૂઢિચુસ્ત મુસ્લિમો કહે છે, તેમ થવાથી ઊંચી નાતના ગણાતા અશરફ અને સૈયદ તથા બીજા ધનિક મુસ્લિમો તેનો બધો લાભ લઇ જશે, માટે માત્ર દલિત મુસ્લિમોને કે જેઓ સામાજિક-આર્થિક રીતે પછાત છે, તેવાને જ અનામત મળવી જોઈએ. હવે આનાથી વધુ વિભાજિત કોમ બીજી કઈ હોઈ શકે? અહીં સ્પષ્ટ થાય છે કે સૂફીઓ મુખ્યત્વે હિન્દુત્વ પ્રેરિત રાજકારણને ટેકો આપે છે, જ્યારે રૂઢિચુસ્ત મુસ્લિમો સામાજિક સંગઠન કરવા ઈચ્છે છે, કેમ કે તેઓ માને છે કે મુસ્લિમ સમાજને આગળ વધારવા એ કોમની અંદરૂની શક્તિ વધારવી જોઈએ, જે શિક્ષણ અને આરોગ્ય સુધારવાથી થાય. જ્યાં ગુજરાત, અને આમ જુઓ તો ભારત આખાની સરકાર નથી પહોંચતી, ત્યાં આ રૂઢિચુસ્ત મુસ્લિમો કામ કરે છે. જુહાપુરાના પાંચ લાખ મુસ્લિમો પાસે કોઈ પાયાની સુવિધાઓ નહોતી, વીજળી, પાણી, ગટર, સારાં રહેઠાણો, શાળાઓ વગેરે ત્યાં નહોતાં પહોંચ્યાં, ત્યાં દેવબંધે નિશાળો શરૂ કરી.

માત્ર ભારતમાં જ નહીં પણ ઘણા દેશોમાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે મદ્રેસાઓમાં ફન્ડામેન્ટાલિઝમ અને રેડિકલ વિચારો શીખવાય છે. તે કેટલીક મદરેસાઓ અને મસ્જિદોમાં શીખવાતું હશે. પણ જ્યાં સુધી ભારતની મદરેસાઓને નિસ્બત છે ત્યાં સુધી એ જગ્યાઓમાં રૂઢિચુસ્ત ઇસ્લામ વિષે ભણાવાય છે, પણ ફન્ડામેન્ટાલિઝમ અને રેડિકલ વિચારો નથી શીખવાતા તેવું શારિકભાઈનું કહેવું છે. આમ જુઓ તો ભારતના મુસ્લિમોને દુનિયાના બીજા મુસ્લિમોના પ્રશ્નો કે પરિસ્થિતિ માટે કોઈ સહાનુભૂતિ હોય, તેવું જણાતું નથી. મિડલ ઇસ્ટમાં પ્રવર્તતી અંધાધૂંધી વિષે તેમને પોતાનું કોઈ મંતવ્ય નથી. ખુદ પાકિસ્તાનની ડામાડોળ હાલત માટે પણ જાણે તેઓને કઇં નિસ્બત નથી તેવું મહેસુસ થાય છે. નહીં તો ભારતના મુસ્લિમોએ કાશ્મીરના પ્રશ્નને મહત્ત્વ આપ્યું હોત. કશ્મીરી ઇસ્લામ એ લોકપ્રિય ઇસ્લામનું સ્વરૂપ છે. તેઓ સૂફી ખરા પણ તેમનામાં સ્થાનિક સંસ્કૃિતનાં તત્ત્વો ભળ્યાં છે. ત્યાં જેહાદનો પ્રવાહ અફઘાનિસ્તાનથી આવ્યો છે, ભારતીય મુસ્લિમો તરફથી નહીં, તે તરફ શારિકભાઈએ સહુનું ધ્યાન દોર્યું.

આ વાર્તાલાપને અંતે ટૂંકી પ્રશ્નોત્તરી પણ થઇ. શારિકભાઈએ ભારતીય મુસ્લિમોમાંના વિભાજન અને ઉમ્માહ વિષે સુંદર રીતે સમજણ પૂરી પાડી. તેના પરથી સહેજે વિચાર આવે કે જો હિન્દુ પ્રજામાં ધર્મને નામે પ્રચલિત થયેલ જ્ઞાતિ પ્રથાને પરિણામે ઉચ્ચ-નીચનું સામાજિક સ્તરીકરણ ન થયું હોત, તો સામાજિક-આર્થિક અસમાનતા ઊભી થવાનો સવાલ જ અસ્તિત્વમાં ન આવ્યો હોત. અને જો હિન્દુ સમાજ અંદરોઅંદર ન્યાય અને સમાનતાને આધારે મજબૂત રીતે વિકસતો રહ્યો હોત, તો ઇસ્લામ અને ક્રીશ્ચિયાનિટીના ધર્મ પરિવર્તનના લોભને ટાળી શક્યો હોત. આ તો એવું ભાસે છે કે સૂફી મુસ્લિમો ભારતમાં આવ્યા, હિંદુ ધર્મના આધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સારપ લીધી અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા, તે બંને કોમ માટે સારું જ થયું. પણ સાથે સાથે તેમણે હિન્દુ ધર્મના કલંક રૂપ જ્ઞાતિ પ્રથાના જડ થઇ ગયેલ ઉચ્ચ-નીચના ખ્યાલોને અપનાવ્યા, સ્ત્રીઓ વિશેના વિચારો અમલમાં મુક્યા અને પરિણામે શિક્ષણ-ખાસ કરીને કન્યાઓ માટેનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધારવાની બાબતને અવગણી પોતાની જ કોમને અન્યાય કર્યો. સ્વતંત્રતા મળી તે પહેલાં અને ત્યાર બાદ હિન્દુ બહુમતી સમાજે પોતાના જ ધર્મ બંધુ એવા દલિત સમાજને હર પ્રકારના મૂળભૂત અધિકારોથી સદીઓ સુધી વંચિત રાખ્યા, અને જ્યારે તેઓએ ઇસ્લામ કે ક્રીશ્ચિયાનિટીમાં શરણું શોધ્યું ત્યારે સ્વતંત્ર ભારતના નાગરિકો હોવા છતાં તેમના પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું, એ એક દુઃખદ હકીકત છે જેનાથી બંને, હિન્દુ સમાજને અને વિભાજિત મુસ્લિમ સમાજને બટ્ટો લાગે છે.

આશા રાખીએ કે ભારતમાં વસતી તમામ કોમ આ વિષે જાગૃતિ કેળવશે અને ધર્મ કે કોમને આધારે વિભાજિત થયેલ માનવ સમુદાયને માનવતાને તાંતણે જોડીને એક અખંડ અતૂટ એવી નાગરિક શૃંખલા બનાવશે.

02 સપ્ટેમ્બર 2017

e.mail : 71abuch@gmail.com

Loading

નોટબંધી: ડુંગરશોધ અને ઉંદરબોધ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 September 2017

જાહેરખબરો પાછળ યુ.પી.એ. સરકારે દસ વર્ષમાં કર્યો, એનાથી ડબલ ખર્ચ આ સરકારે ત્રણ વર્ષમાં જ કરી નાખ્યો છે

રિઝર્વ બેંકના હેવાલના ઉજાસમાં નોટબંધી ઉર્ફે નોટબદલીના ‘મહાયજ્ઞ’ વિશે શું કહેવું, સિવાય કે ગાજ્યા મેહ વરસ્યા જાણ્યા નથી. કદાચ, આટલું કહેવું પૂરતું નથી – બલકે, બેહદ બેહદ અપૂરતું છે. 2016ના નવેમ્બરની 8મી તારીખે એકાએક જ નાને પડદે હાજરાહજૂર થઈને રિઝર્વ બૅંકના ઇલાકાથી ઉફરાટે પોતેપંડે જે છાકો પાડવાની તક વડાપ્રધાને ઝડપી હતી, એ એક આર્થિક પગલા તરીકે બિલકુલ પરિણામદાયી નીતિ પુરવાર થઈ નથી.

કાળાં નાણાંની ડુંગરશોધ નકરો ઉંદરબોધ બનીને રહી શોધ ગઈ છે, અને આગલે વરસે રિઝર્વ બૅંકે કેન્દ્ર સરકારને ખાસા 65,876 કરોડની સરપ્લસ નવાજેશ કરી હતી તેની સામે આ હેવાલ-વરસમાં તે ફક્ત અને ફક્ત 30,659 કરોડ રૂપિયા આપી શકી છે. દરમિયાન, એપ્રિલ-જૂન ત્રિમાસીમાં જી.ડી.પી. આખા 5.7 ટકે પહોંચેલ છે. મતલબ, છેલ્લાં ત્રણ વરસમાં એનો આ તલસ્પર્શી યાને તળિયે અડતો વિક્રમ છે.

વરસાદ લગારે અપૂરતો નહીં, બલકે બિલકુલ જ બિલકુલ પૂરતો છતાં, કૃષિ-કામગીરીઓમાં ઘટાડો, વિનિર્માણ(મેન્યુફૅક્ચરિંગ)માં નવી રોજગારીઓનું સર્જન નહીં, બાંધકામ ને ખાણ પ્રવૃત્તિઓમાં ઘટ, આ બધી નોટબંધીની સિદ્ધિઓ ઇિતહાસને ચોપડે (મારે ને તમારે જોખમે) જમે બોલશે. ખરું જોતાં, એને ઉધારના ખાતામાં ખતવવી જોઈએ પણ ઓરવેલિયન ડબલસ્પીક અને પોસ્ટ-ટ્રુથ માહોલમાં આપણે એને અલબત્ત અને અલબત્ત જમે જ ખતવવી જોઈશે.

આરંભ નોટબંધી/નોટબદલી એવી જિકર પણ રિઝર્વ બૅંકના વાર્ષિક હેવાલના ઉજાસમાં કેન્દ્ર સરકારનાં દાવાદુવી તપાસતાં જ કહેવું પ્રાપ્ત થાય છે એ તો એ કે 8મી નવેમ્બરના ‘મહાયજ્ઞ’ બોધિવચનથી શરૂ થયેલાં સઘળાં સત્તાવાર વક્તવ્યોએ સરવાળે સરજેલી સ્થિતિ કેવળ નજરબંધીની હતી. તમે જુઓ જે સિફતસપાટે અને સલુકાઈ સાથે તેમ જ મુખચાલાકીના પ્રયોગોપૂર્વક એક પછી એક મહાન હેતુઓ ખૂલતા ગયા અને બૅંકની લાઈનોમાં ઊભેલાઓ પોતાને સીમા પર ફરજ બજાવતા વીર સૈનિકો જેવી જ ભૂમિકામાં સમજવા લાગ્યા તે વાસ્તવિક પરિણામો જોતાં નજરબંધી નથી તો શું છે.

એકાએક જગાવાયેલો આ જગન ભ્રષ્ટાચાર સામે, કાળાં નાણાં સામે, નકલી નોટો સામે અને આતંકનાણાં (ટેરર ફંડિંગ) સામેનો હતો – અને મુક્તિનું સ્વર્ગ થોડાં જ ડગલાં દૂર હતું. પહેલું પખવાડિયું વીત્યું ન વીત્યું ત્યાં તો સર્વોચ્ચની દેવડીએ એટર્ની જનરલ રોહગતીએ વધામણીની અદાથી સત્તાવાર રજૂઆત કરી કે ઉત્તર-પૂર્વમાં અને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને આતંક પ્રસારવા સારુ હોમાતા ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા આથી બિનઅસરકારક કહેતાં ન્યુટ્રલાઇઝ થવામાં છે. પચાસ દિવસ થતાં, મુશ્કેલીઓમાંથી બેસુમાર પસાર થતાં જનસાધારણને વડાપ્રધાને જયપ્રકાશ-શાસ્ત્રી-લોહિયા-કામરાજ આદિની સાખે દેશ માટે વેઠવા બદલ લાખ લાખ અભિનંદન આપ્યા અને સમજાવ્યું કે આ તો એક ખરાખરીનો જંગ અને આરપારની લડાઈ છે. આ મુકાબલો ‘અપ્રામાણિક’ અને ‘પ્રામાણિક’ વચ્ચેનો તેમ જ ‘ધનિકો’ અને ‘ગરીબો’ વચ્ચેનો છે.

લોકપાલ – લોકઆયુક્ત બાબતે દિલચોરી અને દોંગાઈ તેમ પક્ષ તરીકે માહિતી અધિકારની અંતર્ગત આવવા બાબતે આડાઈ જેવાં વાનાં બાદ રાખીને એક-બે સાદી આંકડાકીય વિગતો અહીં આધોરેખિતપણે દોહરાવવા જોગ છે. 2012-13થી 2015-16 દરમ્યાન ભા.જ.પ.ને મળેલો કોર્પોરેટ ફાળો ખાસા 750 કરોડ રૂપિયાથી વધુ છે – એટલે કે સર્વ પક્ષોને મળ‌ેલ કુલ રકમ (956 કરોડ રૂપિયા)નો એ સિંહહિસ્સો છે.

કૉંગ્રેસ ઘણા દૂરના અંતરે 198 કરોડ રૂપિયા સાથે બીજે નંબરે છે. પ્રેસ કાઉન્સિલ સમક્ષ ‘પેઇડ ન્યૂઝ’નો હેવાલ 2010થી પડેલો છે, ‘ભ્રષ્ટાચારી’ યુ.પી.એ. સરકાર એના પર ત્રણ-ચાર વરસ બેસી રહી પણ મૂલ્યનિષ્ઠ એન.ડી.એ. સરકારનાં ત્રણ વરસ અને ત્રણ મહિના પણ એમ જ પસાર થઈ ગયા છે. જેમ યુ.પી.એ.-એન.ડી.એ.ના કોર્પોરેટ ફાળાની જિકર કરી તેમ એક બીજી સરખામણી પણ કરવા જેવી છે. યુ.પી.એ. સરકારે એની બે ટર્મ(દસ વરસ)માં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરખબરનો જેટલો ખરચ કર્યો એનાથી ડબલ, રિપીટ, ડબલ ખર્ચો એન.ડી.એ. સરકારે કેવળ ત્રણ વરસમાં જ કર્યો છે! અને છેલ્લે, રિઝર્વ બૅંકના હેવાલ સબબ પૂર્વનાણાંમંત્રી ચિદમ્બરમે ટકોર કરી છે તેમ 16,000 કરોડની લબ્ધિ સામે 21,000 કરોડનો ખર્ચો આ નોટબંધી પ્રકરણમાં થયો છે.

ગમે તેમ પણ, જુમલે સે જુમલે અને ઇવેન્ટથી ઇવેન્ટની શૈલીમાં રાચતું નેતૃત્વ નોટબંધી પ્રકરણને ‘પ્રામાણિક’ વિ. ‘અપ્રામાણિક’ અને ‘સહિત’ વિ. ‘રહિત’(ધનિક વિ. ગરીબ)ના જંગરૂપે ઉપસાવવામાં કામયાબ રહ્યું અને કોમી તેમ વિકાસની એની વિજય ફોર્મ્યુલામાં પરિમાણ ભળતાં તે 1993માં યુપી ખોયા પછી ખાસાં બાવીસ-તેવીસ વરસે ફરી વાર સુવાંગ કબજે કરવામાં કામયાબ નીવડ્યું. નોટબંધી નહીં પણ નજરબંધી તે આનું નામ: 8 નવેમ્બર 2016થી જે મોટોદઈત જગન શરૂ થયો એ દેખીતું આર્થિક પણ વાસ્તવમાં  એક રાજકીય (બલકે રાજકરણી) પગલું હતું એમ કહેવું યથાર્થ લેખાશે.

સવાલ એ છે કે એક પ્રજાસત્તાક સ્વરાજને લાયક નાગરિક સમાજ વિકસાવવાને મુદ્દે આપણે ક્યાં છીએ કેટલે છીએ. મે 2014ની ચૂંટણીમાં ઉછાળાયેલો એક મુદ્દો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો હતો. યુ.પી.એ. કાળ અને મનમોહનસિંહ વિશે જે પણ છાપ ઉપસી અને ઉપસાવાઈ હોય એ ધોરણે તુલનાત્મક વિકલ્પની રીતે આ પ્રકારની ઝુંબેશમાં એક અપીલ પણ હતી. અને ‘તારણહાર’ની શોધ તો ક્યારે નથી હોતી?

દેખીતું દૂરાકુષ્ટ લાગે તો પણ સચ્ચા ડેરા-ખ્યાત રામરહીમનો પેરેલલ અહીં સંભારવા જેવો છે. એમના અંગત જીવનની જે બધી ખરીખોટી વાત આજકાલ લખાઈ રહી છે એ અર્થમાં આવો કોઈ પેરેલલ અલબત્ત અભિપ્રેત નથી. જે વાનું અભિપ્રેત છે તે તો એ કે સંત્રસ્ત માણસ કોઈ પણ આકર્ષક તરણું પકડવા સારુ લાલાયિત હોય છે. રામરહીમ રજવાડું આટલાં વરસ ચાલ્યું-કલ્યાણરાજ્ય તરફથી નહીં નિભાવતી કેટલીક કામગીરીઓ એણે થોડીકે કરી હશે તે માફ-પણ એનું (આ રજવાડાનું) રહસ્ય સ્વાભાવિક જ તારણહારની શોધમાં ને ગતાનુગતિક ગાડરપ્રવાહમાં રહેલું નથી એમ કહી શકાતું નથી. આ પ્રક્રિયામાં અંજાપો અને અંધાપો એકાકાર જેવો થઈ જાય છે, અને સારાસારવિવેક કે તરતમવિવેક તે પછી રહે એ જરૂરી નથી. જો એક અર્થમાં ભલે સીમિત સંદર્ભમાં પણ, આ સરખામણી (નજરબંધીનો પેરેલલ) જો વિચારણીય લાગતો હોય – બંને ઘટના કોઈ એક ફ્રિકવન્સી પરની હોઈ શકતી હોય – તો શું કહીશું. નાગરિકને ઘેનગાફેલ કરી શકતી આવી પેરવીઓ ને પ્રયુક્તિઓ ક્યાં અને લોકશાહી રાહે સ્વરાજસાધના ક્યાં. 

સૌજન્ય : ‘મહાયજ્ઞ’, “દિવ્ય ભાસ્કર”, 02 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3363,3373,3383,339...3,3503,3603,370...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved