Opinion Magazine
Number of visits: 9584107
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|3 August 2017

“ગ્રૂપ એરિયા અૅક્ટની શરતોનું ઉલ્લંઘન કરવાના કારણ સબબ હું તમારી સમક્ષ ખડો છું. મેં કારણો દર્શાવ્યા છે તે અનુસાર હું તે શરતોનું પાલન કરી શકતો નથી. તેથી કરીને જેને હું સવિશેષ વફાદાર છું તે આત્માના અવાજને કેન્દ્રસ્થ ગણી, એ શરતોને આજ્ઞાંકિતપણે તાબે ન થઈ તમારી સામે ઊભો છું. મહાત્મા ગાંધીના આદર્શ અનુસાર સત્યાગ્રહના (અસહકારના) એક અનુયાયી તરીકે અન્યાયનો તેમ જ જુલમનો સામનો કરવાની હું મારી પવિત્ર ફરજ સમજું છું. અને આમ કરવાને કારણે કાનૂનના સંપૂર્ણ સપાટાને સહેવાની તેમ જ મને જે કંઈ સજા ફટકારવામાં આવે તો તેને ઝેલી લેવાની મારી પૂરી તૈયારી છે.

“મેં કરેલા ગુના ખાતર સમારી સમક્ષ ખડો છું તેથી તમે મને જે કંઈ સજા કરો તેને હું હસતે મોઢે સહન કરી લઇશ કેમ કે આ કાયદાને (અૅક્ટને) કારણે કોમને જે સહેવાનું થાય છે તેની વિસાતમાં એ સજા મારે મન કંઈ નહીં હોય. સત્ય, ન્યાય તેમ જ માનવતા અંગેના મારા સિદ્ધાંતોની અમલબજાવણી કરતાં કરતાં મારે જે કંઈ સહેવાનું આવે તેને કારણે જો દક્ષિણ આફ્રિકાની ગોરી પ્રજામાં આત્મભાવ જાગશે તો જાણીશ કે મારી મથામણ લગીર એળે નથી ગઈ. મારું વય 69નું છે, અને સંધિવાના દીર્ધકાલીન દુખાવાથી પીડાઈ રહ્યો છું, છતાં સજામાં કોઈ રાહત આપવાની માગણી સુધ્ધાં કરવાનો નથી. હું કોઈ જાતની હળવાશની પણ વિનંતી કરતો નથી. તમારી સજાની સુનાવણી માટે હું પૂર્ણપણે તૈયાર છું.”

17 અૉગસ્ટ 1967નો એ દિવસ. દક્ષિણ આફ્રિકાના મુખ્ય શહેર પ્રિટોરિયા મધ્યે મેજિસ્ટૃેટ કોર્ટમાં ચાલેલા એક મુકદમા વેળાનું એક ‘ગુનેગાર’નું આ નિવેદન છે. નિવેદક છે નાના સીતા.

ગાંધીની જેમ સોજ્જા આત્મવિશ્વાસ સાથે તૈયાર થયા હોય અને લગભગ ગાંધી જેવું જ નિવેદન આ સાચના સિપાહી અદાલતમાં કરે તે નાનું અમથું માણસ તો હોય જ નહીં. તેથીસ્તો, કુતૂહલપ્રેરક સવાલ થાય : આ નાના સીતા તે કોણ ?

દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામે સન 1898 દરમિયાન નાના સીતાનો જન્મ થયેલો. હિંદની સ્વતંત્રતાની ચળવળમાં એમનો પરિવાર સક્રિય રહેલો તેમ સમજાય છે. અને પછી, પરિસ્થિતિવસાત્‌ લીલાં ચરિયાણની શોધમાં, બીજા અનેકોની જેમ, નાનાભાઈ 1913માં દક્ષિણ આફ્રિકા ગયેલા. આરંભે પ્રિટોરિયા ખાતે જે.પી. વ્યાસને ત્યાં એમનો આશરો હતો. એ અરસામાં નામું કરવાનું એ શિક્ષણ મેળવવામાં હતા. તે દિવસોમાં ગાંધીજી સત્યાગ્રહની આગેવાની સંભાળતા હતા. દક્ષિણ આફ્રિકાના વડા જનરલ સ્મટ્સ જોડે વાટાઘાટ સારુ ગાંધીજી પ્રિટોરિયા ગયેલા. તે દિવસોમાં ગાંધીજીનો થોડા દિવસો માટેનો ઊતારો જે.પી. વ્યાસને ત્યાં હતો. અને નાના સીતા પણ ત્યાં જ રહેતા હતા. આમ એમને સંગે સંગે ગાંધીજીનો ઘેરો પાસ લાગ્યો.

રંગરૂટિયા હિંદવી મજૂરોની સાથે ગાંધીજીને એકરૂપતા બંધાઈ હોવાને કારણે એ દિવસમાં એક જ વાર અન્ન લેતા હતા, લુંગી અને અને બરછટ ઝબ્બા સરીખું ખમીસ પહેરતા, ભોંય પર પથારી કરી સૂતા તેમ જ જનરલ સ્મટ્સને મળવા કરવાનાં કામ અર્થે ય ઉઘાડે પગે હરફર કરતા.

એમના કાકાના ફળફૂલ તેમ જ શાકભાજીના ધંધામાં થોડાંક વરસો કાઢ્યા બાદ, નાના સીતાએ પોતાનો ગાંધિયાણા તરીકેનો ધંધો શરૂ કરેલો. પ્રિટોરિયાના નાના અમથા હિંદવી સમાજના ધાર્મિક તેમ જ સામાજિક ઉત્કર્ષના અવસરોમાં એ સક્રિયપણે ભાગ લેતા થયા. વળી, એ ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં જોડાયા અને પ્રિટોરિયા શાખાના મંત્રીપદે પણ રહેલા.

 

છવિ સૌજન્ય : 'શ્રી ટૃાન્વાલ કોળી હિતવર્ધક મંડળ' [1916-2016] શતાબ્દી ઉત્સવ સ્મરણિકા

એનુગા શ્રીનિવાસુલુ રેડ્ડી નામક સંયુક્ત રાષ્ટૃ સંઘના એક પૂર્વ અધિકારીને દક્ષિણ આફ્રિકામાં ઊંડો રસ હતો. એમણે સંશોધન આધારે ‘સાઉથ આફ્રિકન હિસ્ટૃી અૉનલાઇન’ની રચના કરી છે. એમાં વિગતે સ્વાતંત્ર્યસંગ્રામની વિગતો ય જડે છે. જાણીતા લેખક અને વિચારક રામચંદ્ર ગુહાના મત અનુસાર, દક્ષિણ આફ્રિકાના ગાંધીની સારામાં સારી વિગતમાહિતી રેડ્ડી કને જ છે. રેડ્ડીએ નાના સીતા વિશે ય વિગતમાહિતી મૂકી છે. તેમના કહેવા અનુસાર, ટૃાન્સવાલની તમામ મવાળ નેતાગીરીમાં નાના સીતા ઉમ્મરે નાના હતા. એમ છતાં, બહુ જ નજીવા સમયમાં એ મવાળોના આગેવાન પ્રવક્તા બની ચૂક્યા હતા. જહાલોની સામે ઊભા રહેવા સારુ મવાળો નાના સીતાની લોકપ્રિયતા તેમ જ એમનો કોમ પર જે પ્રભાવ હતો તે પર મદાર રાખતા.

બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિન્દવી કોમ પર વિશેષ પ્રતિબંધ લાદવા તેમ જ જમીનના માલિકીપદને વધુ મર્યાદિત કરવા સારુ સરકારે બે નવા કાયદા દાખલ કરેલા. ‘ઘૅટૉ અૅક્ટ’ તરીકે જાણીતા થયેલા આ કાનૂનનો [ધ એશિયાટિક લૅન્ડ ટેન્યોર અૅન્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન અૅક્ટ અૉવ્ 1946] ટ્રાન્સવાલ તથા નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસોની જહાલ નેતાગીરીએ સક્રિય વિરોધ કરી વિશાળ પ્રતિકારનો આદર કર્યો. ડૉ. યુસૂફ એમ. દાદુ, અને ડૉ. જી.એમ. નાઇકર તેના આગેવાન હતા. ગાંધીજીના આશીર્વાદ સાથે જૂન 1946માં એમણે નિ:શસ્ત્ર પ્રતિકારનો આરંભ કર્યો. પરિણામે 2,000 ઉપરાંત લોકોને જેલ ભોગવવી પડેલી. નાના સીતા જહાલો સાથે જોડાઈ ગયા કેમ કે સિદ્ધાંતને મુદ્દે શેતાની સરકાર સાથે કોઈ વાટાઘાટની સંભવના હતી જ નહીં. આ આંદોલનમાં એ સક્રિય બની ગયા. કૉંગ્રેસ ઉપરાંત હવે એ ‘ટૃાન્સવાલ પૅસિવ રેસિઝન્ટસ કાઉન્સિલ’માં જોડાયા. ડૉ. દાદુની અવેજીમાં એ અધ્યક્ષપદ પણ સંભાળતા.

અૉક્ટોબર 1946 વેળા હિંદી, આફ્રિકીઓ તથા રંગીન (કલર્ડ) લોકોની ટૃાન્સવાલમાં એક મોટી રેલીની એમણે નેતાગીરી કરેલી. પરિણામે એમને 30 દિવસની સખત મજૂરીવાળી જેલની સજા ભોગવવાની થઈ. છૂટકારા પછી, ફરી એમને બીજીવાર પણ જેલવાસ થયો. એમને સાત સંતાનો હતાં અને આ આંદોલનમાં દરેક જણે જેલવાસ વેઠેલો. એમની દીકરી, મણિબહેન સીતા તો સ્વાતંત્ર્યસૈનિક તરીકે જાણીતાં બનેલાં. એમણે ય બેચાર વાર જેલ ભોગવવી પડેલી.

નાનાભાઈ હંમેશ ગાંધીટોપી પરિધાન કરતા. હિન્દવી આંદોલનોમાં એ જાણીતા હતા. સન 1948માં ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખપદેથી આપેલું પ્રવચન આની સાખ પૂરે છે. 30 અૅપ્રિલ 1948થી જોહાનિસબર્ગથી પ્રગટ થયેલી ‘પેસિવ રેસિઝસ્ટર’ પત્રિકામાં આ પ્રવચનની વિગતો મળે છે. તેમાંથી આ ત્રણ ફકરા અહીં જોઇએ :

"Do we all of us realise the significance, the importance, the heavy responsibility that has been cast upon each and every one of us when we decided to challenge the might of the Union Government with that Grey Steel, General Smuts, at its head? Are we today acting in a manner which can bring credit not only to the quarter million Indians in South Africa but to those four hundred million people now enjoying Dominion Status as the first fruits of their unequal struggle against the greatest Empire of our times?

"It is for each and every one of us in his or her own way to answer that question with a clear conscience. But let me say that I have nothing but praise for those brave men and women fellow resisters of mine. History has ordained that they should be in the forefront in the great struggle for freedom in this colour-ridden country of eleven million people …

"Over two thousand men and women have stood by the ideal of Gandhi and have suffered the rigours of South African prison life and they are continuing to make further sacrifices in the cause of our freedom. We at the head of the struggle cannot promise you a bed of roses. The path that lies ahead of us is a dark and difficult one but as far as I am personally concerned I am prepared to lay down my very life for the cause which I believe to be just.”

જૂન 1948માં નેશનલ પાર્ટી શાસનમાં આવી અને દમનનો કોરડો વિશેષ વીંઝાતો થયો. જૂન 1952માં, ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ અને ‘સાઉથ આફ્રિકન ઇન્ડિયન કૉંગ્રેસ’ એકબીજાથી જોડાઈને પ્રતિકાર કરતા રહ્યા. આશરે આઠ હજાર લોકોને કેદમાં પૂરવામાં આવ્યા. આ પ્રતિકારની એક ટૂકડીના આગેવાન તરીકે નાના સીતા હતા. અને એમની ટૂકડીમાં ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના મહામંત્રી વૉલ્ટર સિસુલુ ય સક્રિયપણે સામેલ હતા. એમને જેલમાં મૂકવામાં આવ્યા. બહાર આવ્યા ત્યારે એમની તબિયત ખૂબ લથડી ગયેલી. તે પછીને વરસે, ડૉ. દાદુ પર પ્રતિબંધો લદાતાં, નાના સીતા ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’ના પ્રમુખપદે ચૂંટાઈ આવેલા. શાસને તરત જ એમના પર પણ પ્રતિબંધો લાદ્યાં.

સન 1960માં ‘શાર્પવિલ હત્યાકાંડ’ની પૂંઠે દેશમાં કટોકટી લાદવામાં આવતાંની સાથે ફરી એક વાર નાનાભાઈને અટકમાં લેવામાં આવ્યા. કોઈ પણ પ્રકારનો મુકદમો ચલાવ્યા વિના એમને ત્રણ મહિના કેદમાં રાખવામાં આવેલા. ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને આગેવાનોએ હિંસાત્મક માર્ગ વળતાં હાથ કરવાનો નિર્ધાર કર્યો. જ્યારે નાના સીતાની અહિંસક પ્રતિકારની લડત ચાલુ જ રહી.

દરમિયાન, પ્રિટોરિયાના ‘હરક્યુલસ’ (Hercules) વિસ્તારને ફક્ત ગોરા વસવાટીઓના વિસ્તાર તરીકે 1962માં જાહેર કરાતા, નાના સીતાને તેની અસર પહોંચી. કેમ કે તે વિસ્તારમાં એમનું રહેઠાણ હતું. એમને અને પરિવારને ફરજિયાત ઉચાળા ભરવા પડ્યાં. સ્થળથી અગિયાર માઇલ દૂરના હિંદવી જમાત માટેના ખાસ ફાળવાયેલા અલગ વિસ્તાર, લૉડિયમ (Laudium) ખાતે જવાનું કહેવાયું. નાના સીતાએ આ હુકમનો અનાદર કર્યો અને તેથી એમને અદાલતમાં લઈ જવામાં આવ્યા. એમણે અદાલતમાં આ હુકમનામાની ભયંકર આલોચના કરી, તેને પડકાર્યો. ન્યાયાધીશે ચૂકાદો આપ્યો :  સો રેન્ડનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ. આ તો સાચના સિપાહી. ગાંધીને પગલે ચાલનારા. વળી, નાના સીતાને ધમકી પણ અપાઈ કે જો તે આ વિસ્તાર ખાલી કરીને જશે નહીં તો એમને વધુ સજા થશે.

સજા ભોગવીને એમણે તો સ્વાભાવિક ‘અખ્ખે દ્વારાકા’ જ કર્યું. પત્ની પેમીબહેન સાથે એમણે તે જ ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું. અને ધારેલું તેમ અદાલતે એમને છ માસની કેદની ઠઠાડી દીધી.

સત્તાવાળાઓએ વધુ એક વાર 1965માં પતિપત્ની પર કાર્યવાહી આદરી. નાના સીતાએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી, અને તારીખ લંબાયા કરી. છેવટે 1967માં દાખલો ન્યાયમૂર્તિ સમક્ષ આવ્યો. અદાલત સમક્ષ એમણે 19 પાન લાંબું ખૂબ જ અગત્યનું નિવેદન કર્યું. એમાંના બે ફકરા તો આપણે આ લખાણમાં આરંભે જ જોયા છે. વારુ, અદાલતનો ખંડ ખીચોખીચ ભરાયો હતો. એમાં હિન્દવી નસ્સલના પણ લોકો હતા. નિવેદન પૂરું થયું અને ખંડમાં સોપો પડી ગયેલો. કેટલાંક તો હીબકે ય ચડ્યાં હતાં. નાના સીતાને છ માસની કેદની સજા થઈ. પેમીબહેનને સજામોકૂફી ફરમાવવામાં આવી.

કેદમાથી છ માસે છૂટ્યા ત્યારે, “રેન્ડ ડેયલી મેલ”ના છઠ્ઠી એપ્રિલ 1968ના અંકમાં, જીલ ચિશોમ(Jill Chisholm)ના પત્રકારી હેવાલ મુજબ, નાના સીતાએ નિવેદન બહાર પાડેલું. નાના સીતા પાસે આવા જ નિવેદનની અપેક્ષા હોય : “બીજાં કેટલાં લોકો કાનૂનનો સ્વીકાર કરે છે કે પછી તેને પડકાર કર્યા વિના તેને સહી લેતાં ય હોય, તે મારે માટે અગત્યનું છે જ નહીં − હોઈ શકે કે સૌ કોઈ આ કાનૂનને સ્વીકારતાં પણ હોય. મારા આત્માના અવાજને તે અન્યાયી લાગે તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો. કોઈ પણ જાતના અન્યાયનો સામનો કરી પ્રતિકાર કરવા માટે મારું મન ક્યારનું તૈયાર છે. પરિણામે બીજા કોઈ અન્યાય થાય તે વેળા ફરી વાર વિચાર કરવાની આવશ્યક્તા રહેતી જ નથી. એક વખત વચનબદ્ધ થયા એટલે એને માટે મક્કમ રહી સ્વીકાર કરવાનો જ હોય.”

એ જ મહિના દરમિયાન, સત્તાવાળાઓએ એમની ઘરવખરી ઉપાડીને બાજુની ગલીમાં ઠાલવી મેલી. પણ નાના સીતા જેનું નામ, એ તો તરત પોતાના આવાસે પાછા ગોઠવાઈ ગયા. એમણે એ પછી ક્યારે ય આ ગ્રૂપ એરિયા અૅક્ટનો સ્વીકાર કર્યો જ નહીં. મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી વર્ષમાં, ડિસેમ્બરની 23મીએ એમણે દેહ છોડયો.

નાના સીતાની કામગીરી લગીર એળે ગઈ નહોતી. એમનાં સંતાનો – મણિબહેન અને રામલાલ ભૂલા તો અસહકારની લડતમાં સક્રિય રહ્યાં. અને નાના સીતાની શહીદી તેમ જ કામગીરીની આઝાદ દક્ષિણ આફ્રિકાની નેતાગીરીએ આદરપૂર્વક નોંધ લીધી છે. નેલ્સન મન્ડેલા, વૉલ્ટર સિસુલુ તેમ જ અહમદ કથરાડાએ તો જાહેરમાં એમનું યશોગાન કર્યું છે. પ્રિટોરિયા શહેરની મધ્યમાં આવેલા એક મોટા રસ્તાને ‘નાના સીતા સ્ટૃીટ’ નામ પણ આપવામાં આવ્યું છે.

પાનબીડું :

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.

                                              − પ્રેમશંકર ન. ભટ્ટ

હેરો, 03 અૉગસ્ટ 2017

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રાથમિક વિગત સૌજન્ય : 'શ્રી ટૃાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ' શતાબ્દી ઉત્સવ સ્મરણિકા (1916-2016) 

["અખંડ આનંદ", સપ્ટેમ્બર 2017ના અંકમાં આ લેખ પ્રગટ થયો છે. પૃ. 58 – 61]

Loading

હવે લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને અલગ ધર્મની માન્યતા આપવામાં આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2017

આ દેશમાં સનાતન હિન્દુ ધર્મ કરતાં સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો અને જ્ઞાતિઓની ઓળખ પ્રબળ છે. આની વચ્ચે દેશને જોડવો કઈ રીતે? દયાનંદ સરસ્વતીથી લઈને સાવરકર સુધીનાઓને એમ લાગે છે કે હિન્દુ તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. ગાંધીજીને એમ લાગતું હતું કે ભારતીય તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. જે આરસીમાંથી હજારો ટુકડા થયા છે એને પાછી જોડવી શક્ય નથી અને એવી કોઈ જરૂર પણ નથી. વળી એ ટુકડા વિખેરાયેલા નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે એટલે એક રીતે એ હિન્દુ સમાજને અને અર્થાન્તરે ભારતીય સમાજને એક અલાયદો આકાર આપે છે. આ આકારસમૃદ્ધિને ભારતની સમૃદ્ધિ તરીકે જોવી જોઈએ. તિરાડો જોઇને શરમાવા કરતાં અને પોતાને નિર્બળ સમજવા કરતાં અનેકવિધ રેખાઓ જોઈને પોરસાવામાં વધારે લાભ છે. આમ પણ તિરાડો ક્યારે ય પુરાવાની નથી. લિંગાયતો આનું તાજું ઉદાહરણ છે

તમે જાણો છો સર્વોચ્ચ અદાલતમાં ચુકાદાનો રાહ જોતી જૂનામાં જૂની પિટિશન કોની છે અને કેટલાં વર્ષ જૂની છે? તમે જાણો છો કે એ પિટિશનમાં શેની માગણી કરવામાં આવી છે? લગભગ ત્રણ દાયકા જૂની પિટિશન આર્યસમાજીઓની છે અને એમાં માગણી કરવામાં આવી છે કે આર્ય સમાજને ગેર-હિન્દુ સ્વતંત્ર લઘુમતી ધર્મ તરીકેની માન્યતા આપવામાં આવે જે રીતે બૌદ્ધ, જૈન અને સિખ ધર્મનો પ્રાદુર્ભાવ ભારતમાં થયો હોવા છતાં સ્વતંત્ર ધર્મની માન્યતા આપવામાં આવી છે. આ પિટિશન પર સુનાવણી થાય એમ ભારત સરકાર ઇચ્છતી નથી અને કદાચ શરમના માર્યા કે પછી આપસી મતભેદને કારણે આર્યસમાજીઓ પણ સુનાવણીનો ખાસ અગ્રહ રાખતા નથી એટલે પિટિશન પડી છે.

આર્યસમાજીઓની દલીલ શું છે એ પણ સમજી લો. બહુ સીધીસાદી દલીલ છે. હિન્દુ ધર્મ એટલે સનાતન ધર્મ એમ આદિ શંકરાચાર્યથી લઈને આજ સુધી બધા કહેતા આવ્યા છે. આ ઉપરાંત ૩૩ કોટી દેવતાઓ અને સેંકડો સંપ્રદાયો અને પેટા-સંપ્રદાયોનું જાળું સનાતન ધર્મ ધરાવે છે. ખરું પૂછો તો હિન્દુ ધર્મ એ કોઈ સંગઠિત ધર્મ જ નથી. આની સામે આર્ય સમાજની સ્થાપના જ હિન્દુ સનાતન ધર્મની ટીકા કે નિંદામાંથી થઈ છે. દયાનંદ સરસ્વતીએ પોતે લખેલા ‘સત્યાર્થ પ્રકાશ’ સહિત ઉપલબ્ધ સેંકડો ગ્રંથ જોઈ જાઓ એમાં તમને સનાતન ધર્મની નિંદા મળી આવશે. બીજું, હિન્દુ ધર્મથી ઊલટું આર્ય સમાજ સંગઠિત છે અને એના આચાર-વિચારના અફર સિદ્ધાંતો છે. ભૂતકાળમાં બૌદ્ધ અને જૈન ધર્મના સ્થાપકોએ પણ સનાતન ધર્મની નિંદા કરી હતી અને તેમનાથી અલગ થઈને સ્વતંત્ર આચાર-વિચારવાળા ધર્મની સ્થાપના કરી હતી અને આજે એ બન્ને ધર્મો સ્વતંત્ર ધર્મનો દરજ્જો ધરાવે છે. એ પછી સિખોના ગુરુઓએ સનાતન ધર્મની નિંદા કરી હતી અને એનાથી અલગ પડીને સ્વતંત્ર અને અફર આચાર-વિચારવાળા ધર્મની સ્થાપના કરી હતી અને એ પણ ગેરહિન્દુ ધર્મની માન્યતા ધરાવે છે. ભારતમાં સ્થપાયેલા અન્ય ધર્મોને ગેરહિન્દુ ધર્મની માન્યતા મળે તો એના જેવો જ ઇતિહાસ અને લક્ષણો ધરાવતા આર્ય સમાજને શા માટે નહીં એવો તેમનો પ્રશ્ન છે.

વાચકોને જાણ હશે કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને હિન્દુ પુર્નજા‍ગરણના પિતામહ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના માળખામાં જ એવી ખામી છે કે એ વિદેશી ધર્મો સામે માર ખાય છે અને એમાંથી એક દિશાનું બહર્ગિમન થઈ રહ્યું છે. આને માટે હિન્દુ સનાતન ધર્મમાં આમૂલાગ્ર સુધારાઓ કરવાની અને એની પુનર્બાધણીની જરૂર છે. આર્ય સમાજ આવો એક પ્રયાસ હતો. દયાનંદ સરસ્વતીની એવી અપેક્ષા હતી કે ભારતના તમામ હિન્દુઓ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મના સુધારેલા અવતાર જેવા આર્ય સમાજને અપનાવી લેશે. તમે જાણો છો આનું શું પરિણામ આવ્યું? હિન્દુઓએ તો આર્ય સમાજ પ્રેરિત હિન્દુ ધર્મની સુધારેલી આવૃત્તિ સ્વીકારી નહીં, પરંતુ સિખો આર્યસમાજીઓનો દુરાગ્રહ જોઇને માગણી કરવા લાગ્યા કે તેઓ હિન્દુ નથી અને ગેરહિન્દુ તરીકેની માન્યતા આપવામાં આવે. ઓગણીસમી સદીની છેલ્લી પચીસી પહેલાં સિખોએ ક્યારે ય કહ્યું નહોતું કે તેઓ હિન્દુ નથી. આવું ત્યારે બન્યું જ્યારે સિખોએ પણ આર્ય સમાજ અપનાવી લેવો  જોઈએ એવો આર્યસમાજીઓ આગ્રહ કરવા લાગ્યા. દયાનંદ સરસ્વતીના હિન્દુ પુર્નજા‍ગરણની ફળશ્રુતિ એટલી કે હિન્દુઓ જગ્યા વિના હતા ત્યાંને ત્યાં જ રહ્યા અને સિખો હિન્દુઓથી અળગા થયા.

હિન્દુઓના પુર્નજા‍ગરણના બીજા મસીહા સ્વામી વિવેકાનંદ હતા જેને પ્રસિદ્ધ ફ્રેન્ચ સાહિત્યકાર રોમાં રોલાંએ હિન્દુ ધર્મના નેપોલિયન તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પણ સનાતન ધર્મની કેટલીક ક્ષણોની ટીકા કરી હતી, એમાં સુધારાઓ સૂચવ્યા હતા અને હિન્દુ ધર્મની સંવર્ધિત આવૃત્તિ તરીકે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મઠનો સંપ્રદાય (કે જે કહો એ) સનાતન ધર્મથી એટલો દૂર નથી ગયો જેટલા આર્યસમાજીઓ ગયા છે. આમ છતાં રામકૃષ્ણ મઠે સર્વોચ્ચ અદાલતમાં પિટિશન કરી હતી કે રામકૃષ્ણ સંપ્રદાયને હિન્દુ ધર્મથી અલગ સ્વતંત્ર ધર્મની માન્યતા આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૫માં મઠની પિટિશન ફગાવી દીધી હતી.

હવે કર્ણાટકમાં લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને ગેરહિન્દુ ધર્મનો દરજ્જો આપવામાં આવે. બારમી સદીમાં થયેલા સંત કવિ અને ફિલસૂફ બસેશ્વરે સનાતન ધર્મની ટીકા કરીને અને એનાથી અલગ પડીને નવા પંથની સ્થાપના કરી હતી. સનાતની હિન્દુઓએ વીરશૈવ પંથને ગાળો દીધી હોય અને નિંદા કરી હોય એવા પણ ઘણાં પ્રમાણ છે જે સાબિત કરે છે કે વીરશૈવ પંથ સનાતન પંથ કરતાં વેગળો છે. તેઓ લિંગપૂજા કરે છે અને એટલે તો લિંગાયત તરીકે ઓળખાય છે એનું શું? આનો ખુલાસો તેઓ એવો આપે છે કે તેઓ ઈષ્ટ લિંગની પૂજા કરે છે જ્યારે સનાતનીઓ સમિષ્ટ લિંગની પૂજા કરે છે. કર્ણાટકમાં લિંગાયતોની વસ્તી ૧૫ ટકા છે અને ગુજરાતમાં જેટલી પટેલો અને મહારાષ્ટ્રમાં જેટલી મરાઠાઓ રાજકીય-સામાજિક-આર્થિક વગ ધરાવે છે એટલી કર્ણાટકમાં લિંગાયતો ધરાવે છે. આવી બેહૂદી માગણીનું એક કારણ કર્ણાટક વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી પણ છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા યેદિયુરપ્પા લિંગાયત છે અને તેમને ફિક્સમાં મૂકવાની આ રમત છે.

સવાલ એ છે કે ભારતમાં હિન્દુઓ હિન્દુ કેટલા છે જેના પર વિનાયક દામોદર સાવરકરે હિન્દુ રાષ્ટ્રની રચના કરવામાં મદાર રાખ્યો હતો? હિન્દુ પુર્નજા‍ગરણના બબ્બે મશાલચીઓના અનુયાયીઓ (બધા નહીં તો તેમાંના કેટલાક) કહે છે તેઓ હિન્દુ નથી અને હિન્દુ તરીકે ઓળખાવા માગતા નથી. મધ્યકાલીન યુગમાં હિન્દુઓમાં સુધારાઓ કરીને નિર્વિરોધી ક્રાન્તિ કરનારા સંતોના અનુયાયીઓ કહે છે કે અમે હિન્દુ નથી. આ દેશમાં સનાતન હિન્દુ ધર્મ કરતાં સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો અને જ્ઞાતિઓની ઓળખ પ્રબળ છે. આની વચ્ચે દેશને જોડવો કઈ રીતે? દયાનંદ સરસ્વતીથી લઈને સાવરકર અને અત્યારના હિન્દુત્વવાદીઓને એમ લાગે છે કે હિન્દુ તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. ગાંધીજીને એમ લાગતું હતું કે ભારતીય તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. જે આરસીમાંથી હજારો ટુકડા થયા છે એને પાછી જોડવી શક્ય નથી અને એવી કોઈ જરૂર પણ નથી. વળી એ ટુકડા વિખેરાયેલા નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે એટલે એક રીતે એ હિન્દુ સમાજને અને અર્થાન્તરે ભારતીય સમાજને એક અલાયદો આકાર આપે છે. આ આકારસમૃદ્ધિને ભારતની સમૃદ્ધિ તરીકે જોવી જોઈએ. તિરાડો જોઈને શરમાવા કરતાં અને પોતાને નિર્બળ સમજવા કરતાં અનેકવિધ રેખાઓ જોઈને પોરસાવામાં વધારે લાભ છે. આમ પણ તિરાડો ક્યારે ય પુરાવાની નથી. લિંગાયતો આનું તાજું ઉદાહરણ છે.

તમને શું લાગે છે? વિચારી જુઓ?

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 02 અૉગસ્ટ 2017

Loading

આફત અને રાજનેતાનો આપદ્દધર્મ

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|2 August 2017

મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજે ય યાદ આવે છે

અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારે ય આટલું અસંવેદનશીલ નહોતું.

આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાં ય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાર દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું – ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે – ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

સૌજન્ય : http://samaysanket.blogspot.co.uk

Loading

...102030...3,3203,3213,3223,323...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved