બસ એક દિવસ
એનાથી અલગ થવાનું જ હતું
જીવવાનું તો એમાં ક્યાં હતું
ને કોઈ શરતો કોઈ બંધન પણ ન હતું
એક દિવસ તો એનાથી સાવ અલગ થવાનું જ હતું.
હા,
એ વાત અલગ છે
કે અલગ થયા પછીથી પણ કોઈ અલગ થતું નથી.
ક્યાંક કોઈ એકાંત ખૂણામાં આંખો છલકાઈ આવે
તો ક્યારેક હસવામાં આંખો ભીંજાઈ જાય
કોઈની વાતો થતી હોય
ને ધ્યાન ક્યાં ય ને ક્યાં ય હોય
આંખો ખૂલી હોય ને બસ એમ જ બેસી રહેવાય
કોઈ સંધ્યાએ અચાનક પગ બેચૈન બની ચાલવા લાગે
તો ક્યારેક
બિસ્તરમાં આળોટવા છતાં ય આંખોથી નીંદ દૂર થઇ જાય.
પણ
એક દિવસ તો તેને ભૂલવાનું જ હતું ને
આ એ જ દિવસ છે
જ્યાં તેની તીવ્ર યાદો વચ્ચે હું એકલી
એકાંતમાં
ભીંતો સાથે વાતો કરું છું અને
આંખો તે જોઈ ભીંજાયા કરે છે.
Email : navyadarsh67@outlook.com
![]()


ગુજરાતી ફિલ્મકલાકારોની દિગ્દર્શકોની નવી પેઢી મનોરંજન પૂરું પાડતી ગુજરાતી ફિલ્મો ઠીકઠીક નવી રીતે બનાવી રહી છે. તેમ છતાં ‘કોર્ટ’, ‘શાળા’, ‘દેવળ’, ‘સૈરાટ’ જેવી પ્રતિબદ્ધ મરાઠી ફિલ્મો જોતાં એમ લાગે કે મરાઠી ફિલ્મકારોની સામાજિક પ્રતિબદ્ધતા એમના સંવેદનશીલ મુદ્દાઓના ઊંડાણમાં લઈ જાય છે. આ અભાવ આપણે ત્યાં ખટકે છે. જો કે હાલમાં અમદાવાદસ્થિત દક્ષિણ છારાએ ‘સમીર’ નામની હિંદી ફિલ્મ ગુજરાતની કોમી તંગદિલીને કેન્દ્રમાં રાખીને બનાવી છે. આતંકવાદ અને એની રાજકીય જરૂરતનો પર્દાફાશ કરવામાં આ ફિલ્મ ખાસ્સી સફળ રહી છે. નાયક સિવાયના અભિનેતા ખાસ જાણીતા ન હોવા છતાં સરસ અભિનય દ્વારા ફિલ્મને રસપ્રદ પરિણામ આપ્યું છે. રાજકીય સિનેમાના નર્યા અવકાશ વચાળે ‘સમીર’નું આવવું આપણને આશ્વાસ્ત કરે છે. ગુજરાતી યુવાને આવી ફિલ્મ બનાવી તેથી એ સવિશેષ અભિનંદનીય છે. એમાં ય જે વિષયથી લગભગ સર્જકો અળગા રહે એવો આતંકવાદનો વિષય લઈને ફિલ્મ બનાવી છે, તે નોંધપાત્ર છે.
દક્ષિણ છારાનું રંગમંચ તો હતું શેરીનાટક. અદિતિ દવે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી વગેરેએ, ગુજરાતમાં રાજકીય શેરીનાટકો ભજવ્યાં છે. સામાજિક મુદ્દાને સ્પર્શતાં, શેરીનાટકો ભજવ્યાં છે એ પરંપરામાં દક્ષિણ નવી પેઢીના પ્રતિનિધિ છે. આપણે ત્યાં સાહિત્યકૃતિને રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવાના જવલ્લે જ બનાવ બન્યા છે. સરૂપ ધ્રુવ લિખિત નાટક ‘ઇતિહાસની બીજી બાજુ’, જે ભગતસિંહ વિશેનું જીવનકથનાત્મક નાટક હતું, એ ખાસ્સી મથામણ પછી રજૂ થઈ શકેલું. એમના જ લખેલા નાટક ‘રાજપરિવર્તન’(‘મૃચ્છકટિક’નું અનુસર્જન)ને પણ દૂરદર્શન પરથી અટકાવાયેલું. તાજેતરમાં રિવરફ્રન્ટનું નાટક ‘સૂનો, નદી ક્યા કહેતી હૈ?’ વિશે પણ આવું જ થયું.