Opinion Magazine
Number of visits: 9688374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|26 September 2017

કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે …

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા — મૂછે લીંબું લટકાવીને ફરનારા — ‘વિકાસ ગાંડો થયો છે’ – જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ — એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?  મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી. કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રૂમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી.

એમ.ઓ.યુ.ના નામે મીંડાંની ભરતી આવી. આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. આ જ રીતે અગાઉ ગુજરાતે પણ તાતાને ઉદાર શરતે લોન આપી હતી – નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળિયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું વાસ્તવિક-હકીકતોની દુનિયામાં સ્વાગત છે અને તેમની પાસેથી એવી અપેક્ષા કે પક્ષીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો. સરકારની કામગીરીને આગળપાછળનું જોઈને મૂલવો. જેમને મત આપો તેમને માથે ચઢાવવાના બદલે તેમની પાસેથી જવાબ-હિસાબ માગો. નહીંતર વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

સૌજન્ય : ‘જાગીને જોયું તો’, “દિવ્ય ભાસ્કર”, 26 સપ્ટેમ્બર 2017

Loading

હરિજન શબ્દનું હોવું અથવા ના હોવું

રામચંદ્ર ગુહા|Gandhiana|26 September 2017

પોતાના પુસ્તક ‘ધ અનટચેબલ’માં, માનવશાસ્ત્રી આર.એસ. ખરેએ દલિતોના તે દ્રષ્ટિકોણની ચર્ચા કરી છે કે જેના થકી દલિતો મહાત્મા ગાંધી દ્વારા લોકપ્રિય કરવામાં આવેલ શબ્દ ‘હરિજન’ને જોતાં હતાં, અને તેની વ્યાખ્યા કરતા હતા. લેખક ખરે લખનઊના એક સુધારકની એ વાત ટાંકતા જણાવે છે કે જેમાં એ સુધારક કહે છે કે ‘હરિજનનો જે અર્થ છે તે હિંદુ આપણને ક્યારે ય નહિ બનવા દે અને આપણને તેવા બનવાની ઈચ્છા પણ હોવી જોઈએ નહિ. આ તો પોતાનો અપરાધ બોધ દૂર કરવા માટેનો ગાંધીજીનો એક પ્રયાસ માત્ર હતો. ગાંધીજીએ પોતે ક્યારે ય પણ દલિત શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. ડૉ. આંબેડકરે પણ આ શબ્દનો ઉપયોગ ક્યારે ય નહોતો કર્યો, અને પોતાના અંગ્રેજી ભાષણો અને લેખોમાં આ શબ્દનો ક્યારે ય ઉપયોગ નહોતો કર્યો. તેઓ પોતાનાં લોકોને ‘અસ્પૃશ્ય’ અથવા ‘વંચિત વર્ગ’ (ડીપ્રેસ્ડ) જેવા શબ્દો થકી સંબોધિત કરતા હતા. પરંતુ, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતનાં તમામ વિસ્તારોમાં ‘દમિત’નું જ્ઞાન કરાવતા, શબ્દ દલિતનો ઉપયોગ શરૂ થઇ ચૂક્યો હતો. પણ, વર્ષ ૧૯૭૦ની આજુબાજુ આ શબ્દનું ચલણ વધારે ઝડપી બન્યું કે જ્યારે મહારાષ્ટ્રના એક ઉગ્ર સુધારાવાદી જૂથે પોતાનું નામ જ ‘દલિત પેન્થર્સ’ રાખ્યું. હવે તો ભારતીય દલિત અને બિન દલિત લોકો પણ સમાન રીતે આ શબ્દનો ઉપયોગ કરે છે.

ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું, ત્યારે હિંદુ સમાજના આ સૌથી નીચલા વર્ગ માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. તેઓ આ વર્ગ માટે જ્યારે ગુજરાતીમાં કંઇક બોલતા અથવા લખતા હતા, ત્યારે ‘અંત્યજ’ અથવા અંગ્રેજીમાં ‘સપ્રેસ્ડ’ શબ્દનો ઉપયોગ કરતા હતા. સપ્ટેમ્બર ૧૯૩૨માં જ્યારે ગાંધીજીએ દલિતો માટે અલગ મતદાર મંડળ સ્થાપવાના વિરોધમાં પૂણેની યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા, ત્યારે ડૉ. આંબેડકર પણ તેમનાં સમર્થનમાં હતા. ત્યારે ગાંધીજીની નબળી તબિયતને જોતાં ડૉ. આંબેડકરને એક કરાર પર સહી કરવી પડી કે જે કરાર દમિત વર્ગ માટે આરક્ષિત બેઠકોમાં વૃદ્ધિની તરફેણમાં હતો, છતાં આ કરાર તમામ હિંદુઓ માટે એક સંયુક્ત મતદાર મંડળના સ્વરૂપમાં હતો. પૂના પેક્ટ બાદ તરત જ ગાંધીજી અસ્પૃશ્યો માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરનાં સંતાન’. ગાંધીજી આ શબ્દને ‘અસ્પૃશ્ય’ની સરખામણીમાં ઓછો નિરાશાજનક માનતા હતા.

‘હરિજન’ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ સંત કવિ નરસિંહ મહેતાએ કર્યો હતો. ગાંધીજી તેમના પ્રશંસક હતા. ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને …’ પણ નરસિંહ મહેતાની રચના છે. હરિજન શબ્દનો સ્વીકાર કરતી વેળાએ ગાંધીજી માનતા હતા કે ‘એવું નથી કે નામ બદલવાથી સંજોગો બદલાઈ જાય છે, પણ જે-તે શબ્દના ઉપયોગથી તો બચી જ શકાય છે કે જે શબ્દથી તમે નિમ્ન છો એવો અનુભવ થાય છે. ગાંધીજી ‘યંગ ઇન્ડિયા’ નામક સાપ્તાહિક સમાચારપત્ર કાઢતા હતા. ૧૯૩૩માં તેમણે આ પત્રનું નામ બદલીને ‘હરિજન’ કરી દીધું. તેમની દ્રષ્ટિએ અસ્પૃશ્યતા ખતમ કરવાનું એટલું જ મહત્ત્વપૂર્ણ હતું કે જેટલું મહત્ત્વપૂર્ણ રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. દેશમાં દરેક સ્તરે આ વિચારને માન્યતા મળી, અને હિંદુ મધ્યમવર્ગ તથા રાષ્ટ્રવાદી પ્રેસમાં આ નામ ખૂબ ઝડપથી ચલણમાં આવી ગયું. અસ્પૃશ્ય હવે હરિજનના નામથી ઓળખાવા લાગ્યા હતા. પરંતુ, ડૉ. આંબેડકર આ સાથે સહમત નહોતા. તેમણે આ વાત નકારી કારણ કે તેઓ પોતાના સમાજને કોઈ પદવી થકી ઓળખવામાં આવે તે વાતના વિરોધી હતા.

સપ્ટેમ્બર ૧૯૩૨માં ઉપવાસ પર જતાં પહેલાં, ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી હતી, કે જેને ચલાવવાની જવાબદારી ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અને સામાજિક કાર્યકર્તા એ.વી. ઠક્કરની હતી. ઉપવાસ પૂર્ણ થયા અને પૂના સહમતિ પર હસ્તાક્ષર થયા બાદ, આનું નામ ‘હરિજન સેવક સંઘ’ કરવામાં આવ્યું. ગાંધીજીના સહયોગી ચક્રવર્તી રાજગોપાલાચારી(રાજાજી)એ આ નામનો વિરોધ કર્યો. તેઓનું કહેવું હતું કે ‘હરિજન સેવક સંઘ’ નામ અસ્પૃશ્યતા ચાલુ છે, એવી પ્રતીતિ કરાવે છે. તેમના મતે ‘જો નામ રાખવું જ હોય તો આનું નામ ‘અસ્પૃશ્યતા દૂર કરો લીગ’ હોવું જોઈએ, કે જેના થકી સંદેશો વધારે સ્પષ્ટ રીતે પહોંચશે. ચક્રવર્તી રાજગોપાલાચારીનું કહેવું હતું કે ‘જે વર્ગ માટે આપણે વિચારી રહ્યા છીએ, તેમની સેવા એ આપણો હેતુ નથી. આપણો હેતુ તો અસ્પૃશ્યતા નામની આ બીમારીને જડમૂળમાંથી ખતમ કરવાનો છે. રાજાજીએ હરિજન સેવક સંઘના અધ્યક્ષ જી.ડી. બિરલા અને સચિવ એ.વી. ઠક્કરને પત્ર લખીને પોતાનાં મનની વાત જણાવી દીધી. તેઓ વધારે ભાર ‘દૂર કરો’ શબ્દ પર આપતા હતા. ગાંધીજી સહમત નહોતા. ગાંધીજીએ લખ્યું, ‘સંઘ પોતાના નામના કારણે સફળ અથવા નિષ્ફળ નહિ થાય. તેની પરીક્ષા અને સફળતા તેના કામ દ્વારા આંકવામાં આવશે. બિરલાજી અને ઠક્કરજીએ આ આધાર પર રાજાજીનો મત નકારી દીધો અને કહ્યું કે ‘કારણ કે હાલમાં જ સંસ્થાનું નામ બદલવામાં આવ્યું છે, માટે આટલું જલદી ફરી વખત નામ બદલવું સંભવ નથી.

ગત કેટલાક દાયકામાં દલિત વિચારકો અને કાર્યકર્તાઓએ ‘હરિજન’ શબ્દને નકારવાનું શરૂ કર્યું છે. લેખક આર.એસ. ખરે વર્ષ ૧૯૮૦ના જે સુધારકની વાત કરે છે તે તો માત્ર આનું પ્રતિનિધિત્વ કરે છે. સત્ય તો એ છે કે ગાંધીજીના જીવનકાળ દરમિયાન જ ‘હરિજન’ શબ્દ પર ચર્ચા થવા માંડી હતી. કેટલાક લોકો આને ‘દયા’ જેવી માનતા હતા. એપ્રિલ, ૧૯૪૪માં એક પત્રકારે ગાંધીજીને એવું કારણ આપીને નામ બદલવાનું કહ્યું હતું કે, જેમાં એવો મત હતો કે આ જે લોકો માટે છે એ લોકો જ જ્યારે આ માટે સહજ નથી, તો આ નામ બદલીને કોઈ સહજ નામનો સ્વીકાર કેમ ન કરવામાં આવે. ત્યારે ગાંધીજીનો જવાબ હતો કે આ નામ ‘હરિજન’ સમુદાય તરફથી જ સૂચવવામાં આવ્યું હતું. તેઓએ માન્યું કે ‘અસ્પૃશ્યતાની ભાવના ખતમ થઇ જવી જોઈએ’, પણ, આગળ જોડ્યું કે ‘આ પ્રક્રિયાને ત્યારે જ ગતિ મળશે કે જ્યારે હિંદુ સચેતન રૂપમાં શ્રેષ્ઠતા બોધ ત્યાગીને વ્યવહારમાં હરિજન બને. ત્યારે આપણે ઈશ્વરનાં સંતાન એટલે કે ‘હરિજન’ બનીશું. પણ, આ તર્ક નબળો તેમ જ સહજ રીતે સ્વીકાર્ય નહોતો. શક્ય છે કે ગાંધીજીએ રાજાજીની નામ બદલવાની સૂચનાને નકારીને કદાચ ભૂલ કરી હોય. એક વાત નક્કી છે કે ‘હરિજન’ શબ્દ સાથે સમસ્યા શરૂઆતથી જ રહી છે. આ શબ્દ પાછળનો વિચાર ભલે ગમે તેટલો સારો રહ્યો હોય પણ આજના સંદર્ભમાં તો આ અપ્રાસંગિક જ છે.

નોંધ:

૧. તારીખ ૨ ઓગસ્ટ, ૧૯૩૧ના રોજ ‘નવજીવન’ના અંકમાં ‘અંત્યજ’ને બદલે હરિજન શબ્દ અપનાવવામાં આવ્યો. (ગાંધીજીની દિનવારી)

૨. તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના દિવસે યરોડા જેલમાં ગાંધીજીના ઉપવાસ ચાલુ હતા. તે દરમિયાન પૂનામાં નેતાઓ વચ્ચે સમજૂતી થઇ ગઈ; વિલાયત વડાપ્રધાનને કરવાનો તાર સરકારી મહેલે પહોંચાડ્યો:- ગાંધીજીને ખોવા કોઈને પાલવે એમ નથી; અમે સૌ સંમત થઇ વિનંતી કરીએ છીએ કે આપનો ચુકાદો પાછો ખેંચો અને અમારી યોજના સ્વીકારો; હરિજનો માટે અલગ બેઠકો રહે પણ અલગ મતદાર મંડળ નહિ. (ગાંધીજીની દિનવારી)

૩. તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ વડાપ્રધાને આ સમજૂતી સ્વીકારી. ઉપવાસ છોડતા પહેલાં ગાંધીજીએ યરોડા જેલના વડાને સ્પષ્ટતાથી કહ્યું:- મેં જેને માટે – હરિજનોના કલ્યાણ માટે – ઉપવાસ કર્યો હતો તેના અંગેનું કામ કરવા માટે એટલે કે તેના અંગેના પત્રવ્યવહાર અને મુલાકાતો માટે મને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. (ગાંધીજીની દિનવારી)

અનુવાદ – નિલય ભાવસાર

Email – nbhavsarsafri@gmail.com

અહીં રામચંદ્ર ગુહાના મૂળ લેખની લિન્ક અહીં આપીએ છીએ.

http://www.livehindustan.com/blog/latest-blog/story-the-untouchable-anthropologist-rs-khare-dalits-mahatma-gandhi-harijan-1142321.html

Loading

સરહદે ઇન્સાનો કે લિયે હૈ સોચો તુમને ઔર મૈંને ક્યા પાયા ઇન્સાન હો કે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 September 2017

તમને આ લેખ સાથે જેની તસવીર છે, તે યાદ છે? સીરિયન ગૃહયુદ્ધથી ત્રાસીને ગ્રીસ જવા નીકળેલા પરિવારની ખટારા જેવી બોટ પાણીમાં ડૂબી ગઈ, એમાં પરિવારના ત્રણ વરસના બચ્ચા આયલન કુર્દી[Aylan Kurdi]ની લાશ બીજી સપ્ટેમ્બર, 2015ના રોજ તુર્કીના તટ ઉપર રેતીમાં ઊંધા મોઢે તણાઈ આવી. આ તસવીરે દુનિયાને ઝકઝોળી નાખી હતી, અને સીરિયામાં આતંકી ISIS અને પશ્ચિમનાં સૈનિક દળો વચ્ચેની લડાઈથી પલાયન થઈ રહેલી વસ્તીની યાતનાની જગતના બેખબર લોકોને ખબર પડી.

આપણી જનતા સુખ-સુવિધાના અફીણી કેફમાંથી અને આપણા બૌદ્ધિકો સોશિયલ મીડિયાની નકલી ચર્ચામાંથી બહાર આવે તો ખબર પડે કે વિસ્થાપિતોને લઈને માનવજાત સામે કેટલી મોટી મુસીબત છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, દુનિયામાં અત્યારે 6.5 કરોડ બેઘર લોકો શરણાર્થી અવસ્થામાં છે, અને આ સંખ્યા લગાતાર વધી રહી છે. આપણી ચર્ચાઓમાં વિસ્થાપિતોનો નક્કર વિષય આવતો નથી, કારણ કે આપણી પાસે હિંદુ-મુસ્લિમ કે સરકાર વિરોધી-સરકાર તરફી બહસની બનાવટી પ્રાથમિકતાઓ છે.

કંઇક આવી જ શાહમૃગીય વૃત્તિના કારણે ભારતના પૂર્વોત્તર પાડોશી દેશ મ્યાનમારમાં સર્જાયેલી રોહિંગ્યા મુસલમાનોની શરણાર્થી સમસ્યા આમ જનતામાં નજરઅંદાજીનું અને અમુક વર્ગમાં સાંપ્રદાયિક વિવાદનું કારણ બની છે. મ્યાનમારના રખાઈન ઇલાકામાં 12મી સદીથી રોહિંગ્યા સમુદાય વસેલો છે, અને આજે એની સંખ્યા 10 લાખની આસપાસ છે. મ્યાનમાર બૌદ્ધ બહુસંખ્યક દેશ છે, અને બૌદ્ધોએ આ સમુદાયને સ્વીકાર્યો નથી. 2010 સુધી મ્યાનમારમાં સૈનિક શાસન હતું અને તે દરમિયાન સાંપ્રદાયિક સંઘર્ષો અને તનાવનો એક લાંબો ઇતિહાસ છે. રોહિંગ્યા લોકો પોતાને આરબ અને ફારસી વેપારીઓના વંશજ માને છે, અને એમની રોહિંગ્યા ભાષા બાંગ્લાદેશની બાંગ્લા સાથે મળતી આવે છે. મ્યાનમાર સરકાર પણ રોહિંગ્યાને અવૈધ પ્રવાસી માને છે, અને નાગરિકતા આપતી નથી. એમની ઉપર જાત-ભાતના પ્રતિબંધો પણ છે.

2012માં રખાઈન પ્રાંતમાં અમુક સુરક્ષાકર્મીઓની હત્યા થઇ પછી ત્યાં હિંસા ભડકી છે. મ્યાનમાર સેનાએ કટ્ટરપંથી રોહિંગ્યાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, અને બૌદ્ધોએ પણ હુમલા તેજ કર્યા છે. અત્યાર સુધીમાં તેમાં 400 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, અને 2015થી ત્યાંથી મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસલમાન પલાયન થઈ રહ્યા છે. આ લોકો બાંગ્લાદેશ, ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડની સીમાઓ લાંઘી રહ્યા છે. ગયા સપ્તાહે જ બાંગ્લાદેશમાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસલમાનોની સંખ્યા 64 હજારથી વધીને 2 લાખ અને 70 હજાર થઇ ગઈ છે. ભારતમાં આવી રીતે ભાગી આવેલા વિસ્થાપિતોની સંખ્યા 40 હજાર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રવક્તાએ મ્યાનમારની સ્થિતિને ગંભીર ગણાવી તત્કાલ કદમ ભરવા કહ્યું છે.

ભારતે આ વિસ્થાપિતોને લઈ આકરું વલણ અપનાવ્યું છે, અને એમને પાછા ચાલ્યા જવા કહ્યું છે. રોહિંગ્યા સમુદાયના બે લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે તેવી વિનંતી કરી છે, કારણ કે મ્યાનમારમાં એમનું જીવન સુરક્ષિત નથી. સામે, ભારત સરકારે ગુપ્તચર સૂચનાના આધારે એવું કહ્યું છે કેટલાક રોહિંગ્યાઓ આતંકી સંગઠનો સાથે મળેલા છે અને દેશની સુરક્ષા માટે ખતરો છે એટલે અહીં રહી ન શકે. સરકારે એમ પણ દલીલ પેશ કરી છે કે આ વિષય જીવન જીવવાના સંવેધાનિક અધિકાર હેઠળ આવતો નથી એટલે સુપ્રીમ કોર્ટે આમાં દખલ કરવી ન જોઈએ, અને સરકાર રાષ્ટ્ર સંઘના નિયમો અનુસાર કાર્યવાહી કરવા સ્વતંત્ર છે.

ભારતમાં બનતું આવ્યું છે તેમ, માનવીય પીડાનો આ મુદ્દો જાત-પાતના લેબલમાં ખોવાઈ ગયો છે. વિસ્થાપિતોની સમસ્યા જુદી જુદી રીતે દરેક દેશમાં સંકટનો મુદ્દો બને છે. બાંગ્લાદેશના સર્જનનો ઇતિહાસ જો યાદ હોય તો પૂર્વી પાકિસ્તાનમાં સૈન્યના જુલમથી ત્રાસેલા બાંગ્લા ભાષી મુસલમાનો ભારતની સીમાની અંદર પલાયન થવા લાગ્યા ત્યારે આ ‘મહેમાનોને’ સંભાળવાનું અઘરું લગતા ભારતીય સૈન્યે દરમિયાનગીરી કરવી પડી હતી.

શરણાર્થીઓની સમસ્યા આજે દુનિયામાં સૌથી ગંભીર છે. એને લઈને આપણો વ્યવહાર માનવતાનો હોવો જોઈએ કે પછી એ કઈ જાતિ, ધર્મ, ભાષા કે મુલ્કના છે એ હોવો જોઈએ એનો કોઈ સરળ જવાબ નથી. માનવતાની વાત કરવી એટલે આતંકવાદીનું સમર્થન કરવું કે દેશવિરોધી કામ કરવું એવું માની લેવાય છે. આવું દુનિયામાં બધે જ છે. યુરોપનો એક સર્વે કહે છે કે ત્યાંના લોકો આતંકવાદની સમસ્યા માટે શરણાર્થીઓને જવાબદાર ગણે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ શરણાર્થીઓ ઉપર હિંસાનો ખતરો સતત હોય છે. પાકિસ્તાનમાં શિયાઓની ‘સફાઈ’ કરવાનું ‘કામ’ ઘણા સમયથી ચાલે છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોને આતંકવાદી ગણીને જ મારવામાં આવી રહ્યા છે.

ભારતમાં શરણાર્થીઓનો એક લાંબો અને રસપ્રદ ઇતિહાસ રહ્યો છે, પણ શરણાર્થીઓ સાધન-સંપત્તિ માટે ‘બોજરૂપ’ છે એવી વિચાર-વૃત્તિ નવી છે, અને એ પશ્ચિમમાં શરણાર્થીઓને સંખ્યામાં જોવાની ટેવમાંથી આવી છે. શરણાર્થીઓ એમના નંબર્સના કારણે ‘સંકટ’ નથી બનતા, પણ એમને જ્યારે ‘ના વેંઢારી શકાય તેવા ભાર’ તરીકે જોવામાં આવે ત્યારે એ પ્રોબ્લેમ બને છે. મોટાભાગના દેશો કાં તો એમને પાછા તગેડી દેવા ઉતાવળા હોય છે અથવા એમને અમાનવીય જગ્યા-અવસ્થામાં મરવા છોડી ડે છે.

બહારથી આવતા લોકો નવી જાણકારી, હુન્નર અને આર્થિક તરક્કી લઈને આવે છે એવી એક પરંપરાગત માન્યતા વિશ્વમાં થઈ રહેલા જબ્બર વિકાસમાં ‘નક્કામી’ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે ઇઝરાયલ પછીની યહૂદીઓની સૌથી મોટી આબાદી અમેરિકામાં છે, જે 19મી સદીમાં જર્મનીમાં યહૂદી વિરોધી વાતાવરણથી અમેરિકામાં ખસવા લાગી હતી. આપણે જેને આધુનિક અમેરિકા કહીએ છીએ તેના વિકાસમાં યહૂદીઓનું યોગદાન ગજબનું છે, પછી ચાહે તે વિજ્ઞાન હોય, કળા હોય, રાજકારણ હોય, મેડિસિન હોય, ખેલ હોય કે પછી વ્યાપાર હોય. યહૂદીઓ ન હોત તો અમેરિકા અમેરિકા ન હોત. આજે અમેરિકાને કોઈની જરૂર નથી રહી એટલે એ ‘પરગ્રહ’ જેવો બની રહ્યો છે.

ભારતમાં પારસી વિસ્થાપિતોને આવા ફળદાયી ગણી શકાય. ભારતમાં તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, કાશ્મીર અને પાકિસ્તાનથી વિસ્થાપિતો સ્થાયી થયા છે. સ્ટીવ જોબ્સ, દલાઈ લામા, અાલ્બર્ટ આઈનસ્ટીન, બાબ માર્લે, તસ્લીમા નસરીન, જેકી ચાન, કાર્લ માર્ક્સ, હેન્રી  કિસીન્જર .. આ બધા વિસ્થાપિતો હતા જે, સગવડો મળી તો ‘બેવતનમાં’ ઝળહળી ઊઠ્યા હતા. યુગાન્ડાના પાડોશમાં રવાન્ડા અને સાઉથ સુદાનમાં ઘણી મારકૂટ ચાલે છે, અને એના કારણે દાયકાઓથી શરણાર્થીઓ યુગાન્ડામાં આવતા રહે છે. યુગાન્ડાએ આ આફતને અવસરમાં પલટી છે. તેની રાજધાની કમ્પાલામાં 21 પ્રતિશત વ્યાપાર શરણાર્થીઓના હાથમાં છે એને એમાં યજમાન દેશના 40 પ્રતિશત લોકોને રોજગારી મળે છે.

જેના માટે અમેરિકાએ તેના દરવાજા બંધ કર્યા છે અને યુરોપમાં જેને લઈને ભયંકર ગુસ્સો થઈ રહ્યો છે, તેવા સીરિયન શરણાર્થીઓ માટે જોર્ડને સ્પેિશયલ ઇકોનોમિક ઝોન બનાવ્યા છે, જેમાં 6 લાખ વિસ્થાપિત સીરિયન ધંધો કરી રહ્યા છે. પેલો આયલન કુર્દી  જેનો હિસ્સો હતો એવા 50 લાખ સીરિયનો અત્યારે બેવતન છે, જે ઇતિહાસનું સૌથી ગંભીર શરણાર્થી સંકટ છે. આયલન કુર્દીના પરિવારની જેમ ગમે તેમ ભાગી છૂટવાની લાયમાં 4 હજાર લોકો દરિયામાં ડૂબી ગયા છે.

આજના યુરોપ પહેલાંનાં ઝળહળતા રોમન સામ્રાજ્યમાં સેનટુરીએશન (centuriation) નામની એક વ્યવસ્થા હતી જેમાં નિવૃત્ત સૈનિકોને શરણાર્થીઓને ઉજ્જડ જમીનો આપવામાં આવતી હતી, જેનાથી રોમનોની નવી કોલોનીઓ અસ્તિત્વમાં આવી હતી. આના કેટલાક ફાયદા હતા; જેમ કે, એક તો સૈનિક છાવણીઓ બનતી હતી, અને બીજું કે, એને ઉપજાઉ બનાવીને એની પેદાશ અને આવક બજારમાં ફરતી કરાતી હતી. રોમન સેનટુરીએશનના આવા અનેક ટુકડા આજે પણ ઇટલી, દક્ષિણ ફ્રાન્સ અને સ્પેનમાં જોવા મળે છે. જે દેશોમાં શરણાર્થીઓ આવી રહ્યા છે, એમને આવી રીતે દેશના ફાયદા માટે ઉપયોગમાં ન લઇ શકાય?

વિસ્થાપિતો અવસર બની શકે છે એવા તમામ નિર્દેશ ઇતિહાસ, ભૌગોલિકતા, અર્થવ્યવસ્થા અને કોમન સેન્સમાંથી મળી આવે છે, પણ એના માટે પહેલી શરત શરણાર્થીઓને માણસ ગણવાની છે. અત્યારે જે રાજનીતિ પ્રચલિત છે તેણે આપણને આવી રીતે વિચારવાનું બંધ કરાવી દીધું છે. એક બની બનાવી દલીલ આપણા દિમાગમાં ઠોકી દેવામાં આવી છે અને આપણે એને સ્વીકારીને ધકેલપંચા દોઢસો કરતા રહીએ છીએ.

બાય ધ વે, તમને રેફ્યુજી ફિલ્મનું પેલું ગીત યાદ છે?

સરહદે ઇન્સાનો કે લિયે હૈ,
સોચો તુમને ઔર મૈંને ક્યા પાયા ઇન્સા હો કે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 24 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3153,3163,3173,318...3,3303,3403,350...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved