Opinion Magazine
Number of visits: 9688903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિસંવાદિતાનો વિનોદ

'અદમ' ટંકારવી|Diaspora - Reviews|29 September 2017

રમૂજી રમખાણ (હઝલસંગ્રહ) : સૂફી મનુબરી : પ્રકાશક – પોતે : 2009

બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અરધી સદીનો ગણાય. 12મી ફેબ્રુઆરી 1977ના રોજ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઈ. આ ગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમમાં જે આછુંપાતળું ગુજરાતી સાહિત્યસર્જન થયું તેનું મૂલ્યાંકન કરતાં 1993માં સુમન શાહે કહેલું કે, આજે ઇંગ્લૅન્ડમાં ગુજરાતી સાહિત્યને નામે જે લખાય / છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય ‘પ્રાથમિક’ કક્ષાનું છે. બ્રિટિશ ગુજરાતી સાહિત્યની કોઈ વિશિષ્ટ, મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી અલગ એવી મુદ્રા ઉપસી નથી કેમ કે સુમન શાહ કહે છે તેમ, બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા તમામ સંદર્ભોમાં વિસ્તરીને વ્યક્ત થતો નથી.

આ નિરીક્ષણ મહદ્દ અંશે તાટસ્થ્યપૂર્ણ અને યથાર્થ છે. અલબત્ત, સૂફી મનુબરીની હઝલો આમાં અપવાદરૂપ ગણી શકાય. હઝલકાર સૂફી 1963માં દેશાટન કરી ભારતથી ઇંગ્લૅન્ડ આવી વસેલા. સાથે કાચીપાકી ગુજરાતી ભાષા – ભરુચી બોલી – અને હઝલસમ્રાટ બેકાર તથા શેખચલ્લીની હઝલનો વારસો. યુનાઇટેડ કિંગ્ડમમાં એમનું હઝલસર્જન મંદગતિએ પણ અવિરત ચાલતું રહ્યું.

તળ ગુજરાતના સાંસ્કૃિતક સંસ્કારો અને ‘બ્રિટિશ કલચરલ ટૃૅડિશન્સ’ના મુકાબલાથી જે વૈચિત્ર્ય સર્જાય છે તે સૂફીની હઝલો અને મુક્તકોમાં પ્રતિબિંબિત થાય છે, અને તેથી જ મુખ્યપ્રવાહની ગુજરાતી હઝલથી નોખી  ‘ફ્લેવર’ની આ હઝલો આસ્વાદ્ય બને છે.

બ્રિટિશરાજ દરમિયાન ભારતમાં બ્રિટિશ સંસ્કૃિતના પગરણ થયાં ત્યારે આ ભેળસેળ વિશે હઝલકાર બેકારે આ મુક્તક લખેલું :

દૃષ્ટિમર્યાદાને તારી શું કહું ?
પૂર્વપશ્ચિમ એકતા તો થાય છે
દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે
એમાં તારા બાપનું શું જાય છે ?

સૂફીએ આ હઝલપ્રણાલીને આગળ ધપાવી અને એમાં વિલાયતી પરિમાણ ઉમેર્યું. આ હઝલોમાં બ્રિટિશ ગુજરાતી સમાજના વ્યંગચિત્ર ઉપરાંત એનું દસ્તાવેજીકરણ પણ મળે છે.

1960-70ના ગાળામાં બ્રિટનની મિલોમાં કામદારોની અછત ઊભી થઈ તે પૂરવા સેંકડો વસાહતીઓ ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવી વસ્યા, એમાંના એક તે આ હઝલકાર સૂફી. પચીસ વર્ષની યુવા વયે પોટલાંબિસ્તરા સાથે લંડનના હિથરો અૅરપોર્ટે ઊતર્યા ત્યારે ખિસ્સામાં ભારતથી હૂંડિયામણમાં મળેલા અઢી પાઉન્ડ,

ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો
ગોદડી સાથે અઢી પાઉન્ડ પણ લાવ્યો હતો

આ ગુજરાતી વસાહતીઓ લેંકેશાયરનાં કાપડ નગરોમાં વસ્યા અને ‘આઇરની’ એવી કે બ્રિટિશરાજ વખતે જે મિલોના વિલાયતી કાપડનો ગાંધીજીએ બહિષ્કાર કરેલો તે જ મિલોમાં મજૂરી કરતા થયા. પાઉન્ડ રળવા રાતપાળીએ કરે,

વીવીંગ એનું કામ છે ને મિલ એનું ધામ છે
જૉબ પર લાગ્યો છે એ બાંધી કફન પરદેશમાં

ભારતમાં જે દરબાર હતા તે અહીં મિલના સંચા પર દોડાદોડી કરતા કામદાર થઈ ગયા,

એક સાંધે એકવીસ તૂટે છે ડૉફીંગ ફ્રેમ પર
થઈ ગઈ હાલત કફોડી આપણા દરબારની

આ વસાહતીઓમાં થોડા ભારતથી ભણીને આવેલા ગ્રેજ્યુએટ પણ હતા,

અંતે સૂફી થઈ ગયા ડોફર ને વીવર જોઈ લ્યો
થઈ ગયું બી.એ. ને એમ.એ.નું પતન પરદેશમાં

‘વર્ક’ ઉપરાંત ‘વેધર’નો ત્રાસ. હાડ થિજાવી દે એવી ઠંડી અને બરફવર્ષા. ઠૂઠવાઈને હીટર પાસે બેસી રહેવાનું,

જરી હીટરની પાસેથી મને હટવું નથી ગમતું
તમારા સમ જીવન વિન્ટરમાં ઠંડુગાર લાગે છે

ત્રીજું ‘ડબ્લ્યુ’ તે ‘વુમન’. સોનેરી વાળ અને ભૂરી આંખોનું કામણ. માદરેવતન ભુલાવી દે એવું,

બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો
ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો
ઇંગ્લૅન્ડની મૅડમના બોબ્ડહૅર જોઈને સૂફી
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો

ભાષાની ય મોંકાણ. ગુજરાતી જેમતેમ છૂટે નહીં,

યુ.કે.માં વીસ વરસોથી વસે છે આપણી બીબી
છતાં એને ‘બળી ગ્યું’ બોલવાની એ જ આદત છે

પણ આ ‘બળી ગ્યું’ સાથે ય એણે ‘પ્લીઝ’, ‘થેંક યૂ’ જેટલું અંગ્રેજી તો શીખવું પડે. એની જરૂર ડગલે ને પગલે,

અરધો ડઝન ઘરેથી નીકળતાં જ થઈ ગયું
ઝાંપે જતાં જતાંમાં ડઝન થાય ‘થૅંક યૂ’

વળી પડોશમાં કોઈ અળવીતડો અંગ્રેજ રહેતો હોય તો વડછટ પણ થાય, ત્યારે ઇલાજ બતાવતાં આ હઝલકાર કહે છે,

ઝાઝો ન કર વિચાર, એની મેતે ભાગશે
મરચાંનો કર વઘાર, એની મેતે ભાગશે

હઝલકાર સૂફી કહે છે કે, સાઠ-સિત્તેરના ગાળામાં ગુજરાતથી બ્રિટન આવી વસેલા લોકો વર્ક-વુમન-વૅધરની ‘અફરાતફરી’માં ઘરડા થઈ ગયા – શેખચલ્લીના શબ્દોમાં,

આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા
જોતજોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા

અને બ્રિટનમાં આ ‘રિટાયર્ડ એશિયન’ની જે અવદશા થાય છે તેનો ટૃૅજિ-કૉમિક ચિતાર સૂફીની હઝલમાં મળે છે,

મારાં ઘરવાળાં કહે છે : બ્હાર નીકળતો નથી
બ્હાર નીકળું તો કહે છે લોક કે, ઠરતો નથી
ઠપકો આપે છે મને ઘરવાળી સાંભળતો નથી ?
ભલભલાનું આવ્યું ને કેમ તું મરતો નથી ?

અને હવે સમસ્યા છે ગુજરાતના સંસ્કાર લઈ અહીં આવી વસેલી જૂની પેઢી અને બ્રિટનમાં જન્મી ઊછરેલી સૅલ્ફ-સૅન્ટર્ડ – સ્વકેન્દ્રી, ઇન્ડિવિડ્યુઆલિસ્ટિક – વ્યક્તિવાદી, તેજતર્રાર નવી પેઢી વચ્ચેના અંતરની, ઘર્ષણની. બ્રિટનનિવાસનું સરવૈયું કાઢતાં સૂફી કહે છે,

આવીને ઇંગ્લૅન્ડમાં કાંદા કશા કાઢ્યા નથી
દેશી મારું છોકરું અંગ્રેજ જેવું થઈ ગયું

બ્રિટનની મુક્ત જીવનશૈલીની અસર જીવનસંગિની ઝીલે ત્યારે આ હઝલકારને લાગે છે કે, બધું ઊલટસૂલટ થઈ ગયું છે,

દેશ બદલાતાં જુઓ આ વેશ બદલાઈ ગયો
બાયડી થઈ ગઈ ભમરડો ને ભમરડી ભાયડો

બ્રિટિશ ગુજરાતી યુવાપેઢી વડીલોના સૂચનને બ્રહ્મવાક્ય ગણતી નથી. એ તરત પૂછે છે : વ્હાય – કેમ ? વડીલોથી આ સહેવાતું નથી. સૂફી કહે છે,

વાતેવાતે પૂછે : વ્હાય ?
મારું માથું ફાટી જાય
અમથી અમથી એ રિસાય
ઘરમાં કાયમ ધાંધલ થાય

હઝલકાર સૂફી કહે છે કે, પાઉન્ડ મજબૂત છે એટલે બ્રિટનના ગુજરાતીઓ સમૃદ્ધ છે,

સંપત્તિની ચિંતા નથી. ચિંતા છે સંતતિની.

જૂની-નવી પેઢી વચ્ચેની ખાઈ – જનરેશન ગૅપ મોટી થતી જાય છે અને તેમની વચ્ચેનું વૈચારિક ઘર્ષણ વધતું જાય છે. આનો નિર્દેશ કરતાં એક મુક્તકમાં ઘરાળુ ઉપમા પ્રયોજી સૂફી કહે છે,

બાપદીકરો રહે છે યુ.કે.માં
બેઉની વચ્ચે રોજ ફાઈટ છે
બાપ છે લેંઘાના જેવો ઢીલો
દીકરો જીન્સ જેવો ટાઈટ છે

આ સમીક્ષામાં હઝલકાર સૂફી મનુબરીની હઝલોમાં ભાષાકર્મની કે રૂપનિર્મિતિની ચર્ચા કરી નથી. ‘રમૂજી રમખાણ’ પુસ્તક બે કારણે અગત્યનું લાગ્યું છે : એક તો એ દ્વારા સૂફીએ બ્રિટનમાં આપણી હઝલપ્રણાલી ને જીવંત રાખી છે અને બીજું, એમાં વિનોદી, હળવી શૈલીમાં બ્રિટિશ ગુજરાતી સમાજનું કૅરિકચર – વ્યંગચિત્ર પ્રસ્તુત થયું છે.

200 Haliwell Road, BOLTON BL1 3QJ

e.mail : ghodiwalaa@yahoo.co.uk

Loading

પીડિતાના પસંદગીના અધિકારનું શું?

શેખર ગુપ્તા|Opinion - Opinion|27 September 2017

આવા કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા મુદ્દા જોઈને જામીન આપી દેવાય, તે વાજબી ગણાય?

આખરે કોઈ યુવતી પોતાના પુરુષ મિત્રની સાથે ટાઇટ જીન્સ અને ટીશર્ટ પહેરીને મોડી રાત્રે ફિલ્મ જોવા શા માટે જાય છે? શું આનાથી સ્વચ્છંદ સંબંધો જાહેર નથી થતા? તેણે પોતાનાં માતા-પિતા અને કૉલેજને જણાવ્યું શા માટે નહીં? તે એવી ખાલી બસમાં શા માટે બેઠાં, જેમાં છ લોફર સિવાય બીજું કોઈ નહોતું? આ કેવું અવિવેકી, દુ:સાહસી અને બેજવાબદાર વર્તન હતું? બસમાં બેઠેલા લોકોએ દુષ્કર્મ કરીને અને સાથે રહેલા યુવકને માર મારીને તો ખોટું જ કર્યું, પણ તમે તેમના માટે ઉત્તેજક સ્થિતિ શા માટે ઊભી થવા દીધી?

જ્યારે તેઓ ઉત્તેજિત થઈ ગયા, તો પછી આસારામ બાપુના કહ્યા અનુસાર તેમને ભાઈ કહીને તેમના કાંડે રાખડી બાંધવાની રજૂઆત કેમ ન કરી? એ બધું નિરર્થક જાય, તો પછી શાંતિથી બધું થવા કેમ ન દીધું? આનાથી તું હિંસા અને મોત-માંથી ઉગરી શકી હોત. બીજું એ કે, તારે તો બોયફ્રેન્ડ પણ હતો, કદાચ અંતરંગ સંબંધોની આદત પણ હશે. તેવામાં ઘાતક સંઘર્ષ કરવાની જરૂર શું હતી?

કાશ! એ મૂરખ છોકરાઓએ તને મારી ન નાખી હોત, તો તેમને થોડી હળવી સજા સંભળાવાઈ હોત, જેને મુલતવી રાખી શકાઈ હોત, કારણ કે ત્યારે આવા કિસ્સાઓની પહેલાં કે પછી થનારી ગંભીર હિંસા ન થઈ હોત. બનવાજોગ છે કે એ છોકરાઓ પણ બેંગલુરુની ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ(નિમહાન્સ)માં રહેલા દેશના સૌથી મોટા મનોવૈજ્ઞાનિકો પાસેથી કાઉન્સેલિંગ પછી સામાન્ય જિંદગીમાં પરત ફરી શક્યા હોત. અદાલતોએ પણ કદાચ નિમહાન્સના ડાયરેક્ટરને એ કામ પ્રાથમિકતાના ધોરણે કરવાનું કહ્યું હોત. આ એવી વીતકકથા છે, જેમાં આઠ જિંદગીઓ અને એટલા જ પરિવારોને ખાઈમાં ધકેલી દેવામાં આવ્યા.

સમગ્ર દેશને હચમચાવી નાખનારા નિર્ભયાકાંડ વિશે આવું લખવાને કારણે તમે મારા પર રોષે ભરાયા હો, તો મારો પ્રયાસ સફળ થયો. ચાલો, નિર્ભયા કાંડના એક વર્ષ પછી હરિયાણાના સોનિપતમાં બનેલી ઘટના જોઈએ. ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની બોયફ્રેન્ડ પર બ્લેકમેલ અને તેના મિત્રો સાથે અનેક વખત દુષ્કર્મનો આરોપ મૂકે છે, જેમાં એક પરિસ્થિતિ તો સામૂહિક દુષ્કર્મ જેવી પણ હતી. પહેલાં છોકરાએ પોતાની નિર્વસ્ત્ર તસવીરો મોકલી, પછી તેને પોતાની તસવીરો મોકલવા માટે કહ્યું. પછી તેને ધમકી આપી કે તે એ તસવીરોને કેમ્પસમાં બધાને અને તેનાં માતા-પિતાને બતાવી દેશે. તેણે આ બધું એક મેજિસ્ટ્રેટની સામે નિર્ભયાકાંડ પછી ઘડાયેલા એક કાયદાના સંદર્ભે સી.આર.પી.સી. કલમ 164 હેઠળ નોંધાવ્યું. તેણે એમ પણ કહ્યું કે બોયફ્રેન્ડે તેને બ્લેકમેલ કરીને તેને એક સેક્સ ટૉય ખરીદીને તેનો ઉપયોગ કરવા માટે પણ ફરજ પાડી, જેને તેણે સ્કાઇપ પર જોયું.

નીચલી અદાલતનાં જજ સુનીતા ગ્રોવરે યુવતીના આરોપો માન્ય રાખ્યા. ત્રણ છોકરાઓને દુષ્કર્મ, બ્લેકમેલ, આઈ.ટી. કાયદાના ઉલ્લંઘન સહિત અનેક આરોપો માટે ગુનેગાર ઠેરવાયા અને દુષ્કર્મ માટે 20 વર્ષની સજા સહિત અન્ય સજાઓ પણ ફટકારવામાં આવી. દોષિતોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી. અલબત્ત, બે અઠવાડિયાં પહેલાં હાઈકોર્ટની બેન્ચે આ કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા અમુક મહત્ત્વના મુદ્દા જોઈને દુષ્કર્મ/બ્લેકમેલના દોષિતોને જામીન આપી દીધા. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશમાં તે જે કહી રહ્યા છે, તેની અપીલ પર કોઈ અસર ન પડવી જોઈએ.

જો કે, આપણે ત્યાં અપીલની પ્રક્રિયામાં સમય લાગે છે. માટે સારું એ રહેશે કે આ યુવાનોને છોડી દેવામાં આવે. તેઓ નવેસરથી જિંદગી શરૂ કરે, અભ્યાસ પૂરો કરે, જરૂર પડે તો અદાલતની મંજૂરી લઈને વિદેશ પણ જાય. છોકરાઓનું દિલ્હીની એઇમ્સમાં કાઉન્સેલિંગ કરવામાં આવે. એઇમ્સના ડાયરેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે તેઓ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ અદાલતને આપતા રહે.

જજોની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવવાનો મારો જરા પણ આશય નથી. ફરિયાદીની પૃષ્ઠભૂમિ, વ્યવહાર, દોષિતો સાથેના તેના સંબંધોના આધારે તેમણે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચર્ચાને કોઈ અવકાશ જ નથી. પણ અહીં મેં કાયદાનાં તજ્જ્ઞ, મારાં સાથી અપૂર્વા વિશ્વનાથની મદદથી આદરણીય જજોના 12 પાનાંના આદેશમાંથી અમુક અંશ કાઢ્યા છે:

પીડિતાની જુબાની અને દલીલો દર્શાવે છે કે ત્રણ આરોપીની સાથે તેને અંતરંગ સંબંધ રહ્યા છે અને કોઈ પણ તબક્કે તેણે પોતાની માનસિક પરિસ્થિતિ કૉલેજના અધિકારીઓ કે વાલીઓ અથવા મિત્રોની સામે જાહેર કરવાનો પ્રયત્નો નથી કર્યો. દલીલ વખતે પીડિતાએ માન્યું કે હોસ્ટેલના રૂમની તપાસમાં વૉર્ડનને કોન્ડોમ મળ્યા હતા, પરંતુ વાલીઓને તેની જાણ કરવામાં આવી નહોતી. તેણે સ્વીકાર્યું કે તેને ‘ક્લાસિક’ સિગારેટ પીવાની આદત છે. તેણે નશાકારક પદાર્થ લેવાની વાત સ્વીકારી પણ કહ્યું કે એ તેણે પોતાની મરજીથી નથી લીધા. આ પદાર્થ ‘જોઇન્ટ’ હતા. આ સમગ્ર ઘટનાક્રમ યુવાનોની પતનશીલ માનસિકતા દર્શાવે છે, જેમાં નશાકારક પદાર્થો, દારૂ, અંતરંગ સંબંધો અને ચરિત્રહીનતાના કીચડમાં ખૂંપેલા સંબંધો બંધાય થાય છે. આશ્ચર્યની વાત નથી કે આપણી સામે એવી કથા છે, જેમાં ચાર યુવાન જિંદગીઓ અને એટલા જ પરિવારો રસાતળમાં પહોંચી ગયા છે.

પીડિતાનું બયાન મિત્રો સાથે તેના અનૌપચારિક સંબંધ તથા એવા સંબંધોમાં દુઃસાહસ અને પ્રયોગશીલતાની કહાણી જેવું છે. આ તથ્યો સજા મુલતવી રાખવા માટેની અરજી પર વિચાર કરવાનું અકાટ્ય કારણ દર્શાવે છે અને સમગ્ર ઘટનાક્રમ એ ખૌફનાક હિંસા નથી દર્શાવતો, જે આવી ઘટનાઓ પહેલાં અને પછી સામાન્ય રીતે થાય છે. હવે તો તમે આ લેખની શરૂઆતમાં લખેલા અંશોનો આશય સમજાઈ ગયો હશે. મારી દલીલ સ્વયંસ્પષ્ટ કરે છે. ફરીથી કહું છું કે હું જજોના તર્ક સામે સવાલ નથી ઉઠાવી રહ્યો. હું કોઈ પિતૃસત્તાક વ્યવસ્થાની કે નૈતિકતાની દુહાઈ પણ નથી આપતો. હું માત્ર યુવાનોના શારીરિક સંબંધો અને જીવનશૈલીની પસંદગી મુદ્દે વધારે સંવેદનશીલ બનવાનું સૂચન કરું છું.

જોનાથન કેપ્લનની 1988ની એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ એક્યૂઝ્ડ’ જોવી સારી શરૂઆત હોઈ શકે છે. જૂડી ફોસ્ટર દ્વારા અભિનીત સામૂહિક દુષ્કર્મની શિકાર બનેલી પાત્ર વર્કિંગ વુમન છે. લિયો રોસી દ્વારા અભિનીત બચાવ પક્ષનો સાક્ષી પૂછે છે, ‘દુષ્કર્મ? આ વેશ્યા છે … તેને આ બધું પસંદ છે. હવે બીજાને દોષ આપી રહી છે.’ 1988ની ફિલ્મમાં આ દલીલને સ્વીકારાતી નથી. શું તેને 2017માં, વાસ્તવિક જિંદગીમાં સ્વીકારવી જોઈએ? 

સૌજન્ય : ‘વૈચિત્રયમ્‌’, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017

Loading

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 September 2017

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’

આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે – કાર્લ માર્ક્સ.

માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર એક જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે મજૂરોના શોષણ અને અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની વાત કરી છે, એમાં કંઈ ખોટું છે? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના … અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869) પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં સૌથી પ્રભાવશાળી પુસ્તકોમાં ‘બાઇબલ’ પછી તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો. જો કે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ માર્ક્સ અને સામ્યવાદને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે.

તમે શું માનો છો? 

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3143,3153,3163,317...3,3203,3303,340...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved