Opinion Magazine
Number of visits: 9687970
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૌરી લંકેશ

ભરત મહેતા|Opinion - Opinion|19 October 2017

૩૦મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ગોડસેએ ગાંધીહત્યા કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર સામે પડકાર ઊભો કર્યો હતો. તે વખતે રાષ્ટ્રપિતાની હત્યાનો ઉત્સવ કેટલાંક સંગઠનોએ ઊજવેલો. હત્યાને ‘ગાંધીવધ’ નામ અપાયું. કંસ અને રાવણનો વધ થાય તેવી જ રીતે રાષ્ટ્રપિતાનો વધ! વળી, પછી સાંપ્રદાયિક તાકાતો કોચલામાં ભરાઈ ગઈ હતી. ઇંદિરા ગાંધીની હત્યા થઈ, એના બદલામાં શીખહત્યાકાંડમાં પુનઃ આ તાકાત સક્રિય થઈ હતી. પરંતુ ’૯૨ ડિસેમ્બર, બાબરીધ્વંસ પછી, ગુજરાતમાં રાજ્યની રહેમનજર તળે ગોધરા અનુગોધરાકાંડમાં કાયદા હાથમાં લઈ હત્યાનો કરવાનો સિલસિલો ચાલુ જ રહ્યો! એમાં ય ભા.જ.પ.ના ગુજરાતના શાસન પછી, કેન્દ્રમાં શાસન સ્થપાતાં ‘સૈયાં ભયે કોટવાલ…’ના રાગ પર આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓની પાશવી લીલાને છુટ્ટો દોર મળ્યો છે. થાનગઢ અને ઉનામાં અનુભવ થયો છે. અખલાક, જૂનૈદ કે નજીબની હત્યા ભીડ કરી નાંખે છે. કેવળ નામ જ પૂરતું છે!

આવા ઝનૂની હિન્દુત્વવાદીઓને અટકાવવા જો કોઈ ગાંધીજીની જેમ પ્રયાસ કરે, તો એમનો અંજામ પણ ગાંધીવધની જેમ જ આવે! અમે ગાંધીજીને, રાષ્ટ્રપિતાને નથી છોડ્યા, તો તમે વળી કઈ વાડીના મૂળા? આજે જે સંગઠનો ગોડસે અમારા નથી, અમારા નથી એવો દાવો કરે છે તે ગોડસેને હત્યારો ગણવા તૈયાર નથી કે નથી ગાંધીજીને શહીદ ગણવા તૈયાર. એવી જ રીતે આજે થતી હત્યાઓમાં ‘દુઃખદ’, ‘RIP’ લખી દેવાનું એકતરફ વલણ હોય અને બીજું જૂથ હવે પછીનાં સંભવિત નામો અને હત્યાની ગૂંથણી કરવામાં લાગી જાય છે.

જે પત્રકારો-લેખકો સાંપ્રદાયિકતા-અંધશ્રદ્ધા સામે લડે છે તેની હત્યાનો આ સિલસિલો નરેન્દ્ર દાભોલકરથી શરૂ થયો! ‘૪૯માં M.Sc. થયેલા, અંધશ્રદ્ધા સામે જંગે ચઢેલા સિત્તેર વટાવી ચૂકેલા લેખકની હત્યા થઈ! ત્યાર બાદ ‘ભૂમિપુત્ર’એ જે પુસ્તકનો અનુવાદ પ્રગટ કર્યો છે તે – ‘શિવજી કોણ હતા?’ તેના લેખક ગોવિંદ પાનસરેની એ પુસ્તક માટે હત્યા થઈ! ત્યાર બાદ મહાન વિદ્વાન કલબર્ગીની. જે રાજ્યોમાં આ હત્યાઓ થઈ, ત્યાં કોઈની પણ સરકાર હોય, હત્યારાઓનું જોડાણ હિંદુસંગઠનો સાથે મળી આવ્યું છે.

આ જ લોહિયાળ સિલસિલો ગૌરી લંકેશ સુધી લંબાયો છે. ગૌરી લંકેશની હત્યાપૂર્વે યુ.આર. અનંતમૂર્તિને મળેલી ધમકીઓ, ગિરીશ કર્નાડને મળેલી ધમકીઓ, મુરુગનનો કિસ્સો, સોની સુરીના મોં પર ઍસિડ ફેંકવો, પી. સાંઈનાથ જેવા વિકલાંગ અધ્યાપક પર નક્સલી હોવાનો કેસ, જેવા તો સેંકડો ઉદાહરણો છે કે જેમાં સ્વતંત્ર વિચારકોની જીવલેણ કનડગત થઈ હોય. ગૌરી લંકેશ દલિત-આદિવાસી અને લઘુમતીના પ્રશ્ને પત્રકારત્વ કરતા હતાં. કહેવાતા ‘વિકાસ’નો પર્દાફાશ કરી એમાં ચાલતાં ભ્રષ્ટાચારની વિગતો બહાર લાવતાં હતાં. એમની એફ.બી. પોસ્ટ પર જિજ્ઞેશ મેવાણી, કન્હૈયાકુમાર, ગિરીશ કર્નાડ વગેરે જોવા મળે છે. એક છબિ તો કુલબર્ગીના હત્યાના વિરોધમાં પોસ્ટર લઈને બેઠેલાં ગૌરી લંકેશની છે! જો એમને ખબર હતી કે એક દિવસ એમની હાલત આવી જ થશે છતાં એ નીડર મહિલા પત્રકારે નમતું જોખ્યું ન હતું. એમની પત્રિકાનું છેલ્લું સંપાદકીય ‘કંડા હાગી’ (જેવું મેં જોયું) હતું, જેમાં ખોટ્ટા સમાચારો (ફેઇક ન્યુઝ) શી રીતે સત્તાતંત્રો તૈયાર કરે છે તે એમણે દાખલાદલીલ સાથે બતાવેલું જે આપણે કન્હૈયાકુમાર કે એખલાકના કિસ્સામાં જોયું જ છે.

શિક્ષકદિનની રાતે બે યુવાનોએ સાત રાઉન્ડ છોડી ગૌરી લંકેશની હત્યા કરી. ત્રણ ગોળી એમને વાગી, ત્યાં જ એમનું મૃત્યુ થયું. હજુ એમની અંતિમક્રિયા પણ નહોતી થઈ, ત્યાં તો વડાપ્રધાન જેને ફોલો કરે છે, ટિ્‌વટર પર એવા એમના સાઇબરસેનાનીઓ ત્રાટકવા માંડ્યા. નિખિલ દધીચિએ એમને ‘કૂતિયા’ તો આશિષ મિશ્રાએ ‘રાંડ’ અને ‘વેશ્યા’ એવું લખવા માંડ્યું. ગુજરાતના એક પત્રકારે લખ્યું કે ‘ધર્મની રક્ષા કરવા માટે રાક્ષસોની હત્યા કરવી જરૂરી છે.’ એવું નથી કે વડાપ્રધાનનું ટિ્‌વટર અન્ય કોઈ હૅન્ડલ કરતું હોય કે કોઈ ટીમ હોઈ સ્વયં જ ટિ્‌વટ કરે છે! તો દેશના આવા યુવાનોએ મારો વડાપ્રધાન ફોલો કરે છે? રાજ્યસભામાં ડેરેક અબ્રાહમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ તો વર્ચ્યુલ જગત છે. વાસ્તવિક જગતમાં પણ એ આસારામ કે રામરહીમને ફોલો કરતા જ હતા. એ બેઉની ટીકા કરતી એક પણ ટિ્‌વટ આજ લગી આવી નથી!

આવા વિકરાળ દિવસોમાં જે રીતે ગૌરી લંકેશ જોખમ ખેડીને લખતાં હતાં એનો આ બદલો? સ્ત્રીઓ પરત્વે ચોવીસ કલાક ‘સંસ્કૃિત’ની દુહાઈ દેનારાની આ દૃષ્ટિ? જો કે છઠ્ઠી સપ્ટેમ્બરે દેશમાં સેંકડો જગ્યાએ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાંથી હજ્જારો કલબુર્ગી અને હજારો ગૌરી લંકેશ પેદા થશે. કેટલી હત્યાઓ તમે કરશો ? કલમની તાકાતનો મુકાબલો બંદૂકની ગોળી નહીં કરી શકે, એવી પ્રતીતિ કરાવે તેવો આ પ્રતિરોધ હતો. પ્રતિક્રિયાશીલ બળો અને પ્રગતિશીલ બળો એક જ સમયે કેવાં સક્રિય હોય છે, તે આ ઘટનામાં આપણે જોયું. તેથી આપણા જેવાને હજુ નિરાશા ઘેરી વળતી નથી.

ગૌરી લંકેશને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હોય કે આપણે જ્યાં પણ હોઈએ, ત્યાં સંયોજિત સંસ્કૃિતને મજબૂત કરીએ, સંકુચિત પરિબળોને ખુલ્લાં પાડીએ અને એમનાં પગલે-પગલે લડતા રહીએ. ‘તમે વ્યક્તિને હણી શકશો, વિચારને નહીં’, વિચારનો મુકાબલો વિચારથી કરો. જેમનું માનસ જ સામંતી છે, એમને પ્રગતિશીલ વિચારો ખપતા નથી. એ રીતે જોવા જઈએ તો ગૌરી લંકેશની હત્યા, લોકતંત્રની હત્યા છે. ભારતમાતાની જય બોલાવનારાઓ જરાક વિચાર કરે તો ખબર પડશે કે ગૌરી લંકેશ ભારતમાતાનું જ એક રૂપ છે. આ ભારતમાતાની જ હત્યા છે.

તા.ક. :

ગૌરી લંકેશની હત્યા પછી ગોકીરો મચાવેલો કે એમની હત્યા નકસલવાદે કરી છે. હવે તો જે પકડાયા તે સનાતન સંસ્થાના સભ્યો છે. જે સંસ્થા દ્રારા જ દાભોલકરની હત્યા થઈ. આમ મુકત વિચારકોની હત્યાની સિલસિલાબંધ હકીકત મળી! મોદીયુગ આ અસહિષ્ણુતા માટે જવાબદાર છે. સરકાર આવા ઝનૂની તત્ત્વો તરફ આંખ આડા કાન કરીને એમને છૂટ્ટો દોર આપે છે. હજુ દાભોલકર, પાનસરે કે કલબુર્ગીના હત્યારાને સજા મળી નથી. આ ફાસીવાદનું લક્ષણ છે. જે ધર્મનિરપેક્ષ લોકતંત્રની કમ્મર તોડી નાંખે છે. વિકાસ ગમે તેટલો હોય પણ જ્યાં નાગરિક રાજકીય મત માટે મુક્ત ન હોય તો એ સામંતશાહી સમાજનો દાખલો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 09  

Loading

…અને હવે હાંસદા સૌવેંદ્ર શેખર

ભરત મહેતા|Opinion - Opinion|19 October 2017

કોઈ લેખકડો જાહેરજીવનના મુદ્દાને સ્પર્શતી વાત કરે, તો એની લેખકીય ગરિમાને બાજુ પર મૂકીને સત્તાધીશો, સમાજના ફૂટી નીકળેલા ‘સંસ્કૃતિિતના રખેવાળો’ તૂટી પડતા હોય છે. બૂકરવિજેતા અરુંધતી રૉયને ડેમના વિસ્થાપિતોમાં રસ પડ્યો, નકસલી બનતાં આદિવાસીઓના જીવનને સમજવામાં રસ પડ્યો. એ રસ એમને ખાનગીકરણના પ્રચંડ વિરોધ સુધી, વૈશ્વિકીકરણના ભ્રામક ખ્યાલો તોડવા સુધી ખેંચી જતાં એમને જેલ થઈ! સોશિયલ મીડિયા પરની ગાળાગાળી તો સ્વાભાવિકપણે થઈ! એવો જ કિસ્સો હમણાં બન્યો છે.

લેખકનું નામ છે હાંસદા સૌવેંદ્ર શેખર. શેખરને ઈ.સ. ૨૦૧૫ સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. એ પુરસ્કાર એમની નવલકથા ‘ધ મિસ્ટિરિયસ ઍલિમેન્ટ ઑફ રુપી બાસ્કે’ માટે મળ્યો હતો. આ સાથે સાહિત્યનાં જાણીતાં ઈનામ ‘હિન્દુ પ્રાઇઝ-૨૦૧૪’, ‘ક્રોસવર્ડ બુક ઍવૉડ્‌ર્સ-૨૦૧૪’ માટેની યાદીમાં પણ એમનો સમાવેશ થયેલ. ઝારખંડ સરકારમાં, આરોગ્ય વિભાગમાં ડૉક્ટર તરીકે તેઓ પાકુર જિલ્લામાં કાર્યરત હતા.

શેખરે ૧૪મી મે, ૨૦૧૬ના ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’માં પોતાની સર્જક કેફિયત આપતો એક લેખ લખ્યો અને આપણા સાહિત્યની ભાષામાં ‘કૃતિ’ની બહાર ચાલ્યા ગયા! એમણે ઝારખંડની ભા.જ.પ. સરકારની નવી ડોમિસાઇલ નીતિની આકરી ટીકા કરી નાંખી! ઝારખંડની આ નીતિ ભા.જ.પ. સરકારના પહેલા બિનઆદિવાસી મુખ્યમંત્રી રઘુવીરદાસે ઘડી હતી, જાહેર કરી હતી, જે નીતિ અનુસાર ઝારખંડમાં જે લોકો ત્રીસ વર્ષથી રહે છે અને જેણે ઝારખંડમાંથી હાઈસ્કૂલ સુધી શિક્ષણ મેળવ્યું છે, તે બધાને ઝારખંડના આદિવાસીઓને મળતી રોજગાર અને શિક્ષણની સુવિધાઓ (જેમાં અનામત પણ આવી જ જાય..) મળશે! શેખરે કહ્યું કે આ નીતિ આદિવાસી હિતોની વિરુદ્ધ અને બિનઆદિવાસી હિતોની તરફેણ કરે છે. ઉપરાંત શેખરે ઝારખંડને બિહારથી અલગ કરવામાં ભા.જ.પ.ની કઈ કુટિલનીતિ છે, તેની  ચર્ચા કરી. લેખના અંતે એમણે કહ્યું કે જે રીતે અગાઉ સરકારી નીતિઓ છોટાનાગપુર અને સંથાલ પરગણાને કાનૂની વાઘા પહેરાવીને ભરખી ગઈ છે, તે ઝારખંડમાં શરૂ થશે. તેથી આદિવાસીઓએ પોતાનાં હિતોની રક્ષા માટે સંઘર્ષ ચાલુ રાખવો પડશે.

શેખરનો આ લેખ સત્તાધીશો માટે તો આકરો ડોઝ હતો જ, પરંતુ સાથોસાથ એમના મળતિયા ઉદ્યોગપતિઓ (ક્રોની-ક્રોનીવાળા) માટે પણ મુશ્કેલીમાં મૂકનાર હતો તેથી શેખરને પાઠ ભણાવવાનું નક્કી થયું, જેના ભાગ રૂપે સાંથાલી લેખક શેખરના વાર્તાસંગ્રહ ‘ધ આદિવાસી વિલ નોટ ડાન્સ’ પર ઝારખંડ સરકારે પ્રતિબંધ લગાવ્યો. ૧૨ ઑગસ્ટ, ૨૦૧૭થી આ પ્રતિબંધ અમલી બન્યો. બીજું, એમને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. એમનો વાર્તાસંગ્રહ અશ્લીલ છે કહીને સરકારે જ F.I.R. દાખલ કરવા પોલીસખાતાને જણાવ્યું અને જરૂર પડે તો ધરપકડ પણ કરવાનું જણાવવામાં આવ્યું. રાજ્યમાં જેની પાસે પણ આ વાર્તાસંગ્રહની નકલ મળી આવશે, એમને પણ સજા થશે, એવું પરિપત્રમાં જણાવ્યું છે. કોઈ સાહિત્યકૃતિને લઈને આવી સખત કાર્યવાહી ભારતમાં જવલ્લે જ થઈ છે. અશ્લીલતા અને આદિવાસીની અવમાનનાના બહાના હેઠળ આદિવાસી લેખકના જે વાર્તાસંગ્રહને દોષી ઠરાવ્યો છે, તે વાર્તાસંગ્રહ પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહ ‘સ્પીકિંગ ટાઇગર’ દ્વારા ઈ.સ. ૨૦૧૫માં પ્રકાશિત થયો હતો.

જો કે જેમ સરકાર અત્યાચાર કરવામાં પાછી નથી પડતી તો સામા પક્ષે પ્રતિરોધ પણ સક્ષમ જ આવ્યો. રોમિલા થાપર, પ્રભાત પટનાયક, ગણેશ દેવી, કે. સચ્ચિદાનંદ, ગીતા હરિહરન વગેરેએ હાંસદા શેખરની અભિવ્યક્તિની આઝાદી સંદર્ભે તત્કાલ વિરોધ કર્યો. હજુ તમિલ લેખક પેરુમલ મુરુગનની ધરપકડની શાહી સુકાઈ નથી, કોર્ટે પેરુમલને નિર્દોષ જાહેર કર્યો એ હકીકતને પણ વધુ દિવસો નથી થયા, છતાં સ્થાપિત હિતો કલાકારોને પીડા આપવામાં પાછીપાની નથી કરતા.

‘ધી આદિવાસી વિલ નોટ ડાન્સ’ વાર્તાસંગ્રહની એ જ શીર્ષકવાળી વાર્તામાં જેની જમીન પડાવીને ખાનગી કંપનીએ પાવરપ્લાન્ટ બનાવ્યો છે એની વાર્તા છે. એના કથાનાયક મંગલે જ્યારે પાવરપ્લાન્ટના ઉદ્‌ઘાટનમાં રાષ્ટ્રપતિ આવે છે, ત્યારે નૃત્ય પ્રસ્તુત કરવાનું છે. પરંતુ રાષ્ટ્રપતિ સાથે ખનીજખાણના માફિયાઓને એ જ્યારે મંચ પર જુએ છે, તો એનો આક્રોશ ફાટી નીકળે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે.

‘‘જોહાર, રાષ્ટ્રપતિબાબુ, હમારા માથા બહુત ઊંચા હો ગયા ઔર હમ બહુત ખુશ હૈ કિ આપ હમારે સંથાલ પરગના આયે હો. હમારે લિયે બહુત ગૌરવ કી બાત યહ હૈ કિ હમેં આપકે સામને નાચને ગાને ઔર અપને ઇલાકે મેં સ્વાગત કરને કો કહા ગયા હૈ …. જબતક હમેં અપના ઘર ઔર જમીન વાપસ નહીં દી જાયેગી હમ ન નાચેંગે, ન ગાયેંગે …’’ (સરૂપ ધ્રુવ સાબરમતીના કિનારે રિવરફ્રંટ પર રહેનારા ત્રણ હજાર કુટુંબો આબેને આવું જ કહી શકે!)

કથાનાયક મંગલની દીર્ઘ એકોક્તિમાં આદિવાસીઓને કેવળ વોટબૅંક કેવી રીતે બનાવી છે તે સહજતાથી વ્યક્ત થયું છે, જેમાંથી પ્રશ્ન ઊભો થાય છે કે વિકાસ ખરો પણ કોના ભોગે અને કોના માટે? સંગ્રહની બીજી વાર્તા ‘ધે ઇટ મીટ’માં ઉચ્ચ અધિકારી હોવા છતાં આદિવાસી પરિવારને કૉલોનીમાં કેવી રીતે ઉપેક્ષા સહન કરવી પડે છે, તે બતાવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વાર્તામાં પરિવેશ ગુજરાતનો છે!

‘વસંતી દીદી’ જેવી વાર્તામાં વિધવા આદિવાસીનું જીવન બેહાલ કરવામાં આદિવાસી પરિવાર અને બિનઆદિવાસી પરિવેશ બેઉ છે એવું બતાવતા પણ શેખર ચૂકયા નથી. ‘ગેટિંગ ઇવન’ જેવી વાર્તામાં સંથાલી છોકરીઓનાં ખરીદ-વેચાણમાં આદિવાસી સમાજની ભાગીદારી છે તે એમણે નિર્મમતાથી બતાવ્યું છે. ‘સન્સ’ (દીકરાઓ) વાર્તામાં પણ જેના લોહીમાં ભ્રષ્ટાચાર નથી, એ લોકો સ્થાપિતોના હાથા મધુ કોડા બની રહ્યા છે તે દર્શાવ્યું છે. શેખરની વાર્તાઓમાં સ્ત્રીઓનો સંઘર્ષ વિશેષ વ્યક્ત થયો છે. ‘ડિઝટયર, ડિવાઈનેશન, ડેથ’ વાર્તામાં કારખાનામાં કામ કરતી સુભાષિનીનો નાનો દીકરો ઘેર બીમાર છે. કારખાનેથી નીકળી ચાર જલેબી લઈને ઘેર પહેંચતી સુભાષિનીને મૃત બાળક જ હાથ મળે છે! કારખાનાથી ઘરની યાત્રાવાળી આ વાર્તામાં નાયિકા જે રીતે પરિવેશને સંવેદે છે, તે રસપ્રદ છે.

જે વાર્તા પર ખાસ વાંધો લેવામાં આવ્યો છે તે વાર્તા છે ‘નવેમ્બર ઇઝ ધ મંથ ઑફ માઇગ્રેશન્સ’, જેમાં ભૂખથી પીડાતી નાયિકા પચાસ રૂપિયા માટે રેલવે પોલીસ સામે દેહ ધરી દે છે! એ ‘ખાલી વાટકા જેેવી નિશ્ચેષ્ટ પડી છે.’ પેલો ભોગવીને ચાલ્યો જાય છે. નાયિકા તાલમઈ – ‘કુછ નહીં કહેતી, કુછ નહીં કરતી … વહ સિર્ફ લેટી હૈ’ પચાસ રૂપિયા અને બે બ્રેડપકોડાનો પુરસ્કાર! શું આ વાર્તા રતિપ્રસંગ છે, યૌનાનંદ વાર્તા છે? શું આવી વાર્તા લખવી ગુનો છે?

જે લોકો શેખરને સમજ્યા વિના એનાં પૂતળાં બાળે છે, એ આદિવાસી કાર્યકર્તાઓએ સમજવું જોઈએ કે જેમના હાથમાં ત્રાજવું છે, એવો વાંદરો બે બિલાડીઓને અથડાવીને રોટલો હડપ કરી રહ્યો છે. શેખરનું દમન પ્રતિરોધની સંસ્કૃિતનું દમન છે. અભિવ્યક્તિની આઝાદીનું દમન છે. ભારતીય સર્જકો, કળાસંસ્થાઓ બુદ્ધિજીવીઓ અને લોકશાહી મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા નાગરિકોએ હાંસદા શેખર માટે જ્યાં હોય, ત્યાંથી અવાજ ઉઠાવવો જોઈએ.

E-mail: bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 10-11

Loading

વિક્રમના નવા વરસમાં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 October 2017

વિક્રમના નવા વરસના ઉંબર અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે માર્ચ ૨૦૦૨ પછી ચૂંટણી જાહેરાતની અભદ્ર અધીરાઈ અને ૨૦૧૭માં ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાબતે કંઈક ગભરાતી ખચકાતી સરકાર અને સત્તાપક્ષ, બેઉની સહોપસ્થિતિ કેમ જાણે કશુંક સૂચવવા કરે છે. ૨૦૦૪થી મે ૨૦૧૪ સુધી તો જાણે કે નઠારી કેન્દ્ર સરકારને માથે ટોપલો ઓઢાડી શકાતો હતો, પણ હવે તો એવી સગવડ પણ નથી એટલે ‘અચ્છે દિન’ બાબત જવાબ આપવો રહે એ દેખીતું છે. નોટબંધી બાબતે થયેલા દાવા અને રીઝર્વ બૅંકનો હેવાલ એક સાથે મૂકીને જોઈએ તો કદાચ કશું જ કહેવાનું રહેતું નથી. નહીં કે બધું આજે જ ગબડ્યું છે (જેમ બધું ભા.જ.પ. સાથે જ ચડ્યું છે એમ પણ નથી); પણ ઑક્ટોબરના બીજા અઠવાડિયે આવેલા વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ) મુજબ ૧૧૯ દેશોમાં આપણે વરસોવરસ પાછળ મુકાતા જઈ અત્યારે છેક સોમા ક્રમે છીએ એ બીનાને કેવી રીતે જોશું ઘટાવશું.

વૃદ્ધિ આંકની સુધારેલી સગવડિયા વ્યાખ્યામાં પણ હાંફતી સરકાર પાસે એ એક વિગતનો ન તો કશો જવાબ છે, ન તો કોઈ ઉગાર છે કે સઘળાં વિકાસ (કે વૃદ્ધિ) સામે વાસ્તવિક રોજગારો વિકસતા નથી. એટલે જ્યારે કુલ આવક વધી હોય ત્યારે પણ એ દરિયામાં ખસખસ પેઠે થોડાં જ માથાં પૂરતી હોય છે, અને દેખીતું સમૃદ્ધિવર્ધન વધુને વધુ વિષમતા જગવે છે. અને એકંદર સભ્યતા કે સંસ્કૃિતનો વિકાસ પણ ક્યાં છે? નમૂના દાખલ, ગુજરાતમાં નવતરુણ મતદારોમાં બહેનોનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું છે. નરસિંહરાવ – મનમોહનસિંહથી આરંભી મોદી સુધી પહોંચતે પહોંચતે વૈશ્વિકીકરણની રેટ રેસ (અને મરીચિકા) નવા વંચિતો જન્માવવા સારુ જાણીતી હશે, પણ ‘બેટી’ને તો હાંસિયાપાર હડસેલવા સારુ નામીચી છે.

નમો તંત્રની આર્થિક નીતિઓ બાબતે મનમોહનસિંહ, ચિદમ્બરમ્‌, યશવંત સિંહા, અરુણ શૌરી સૌની ટિપ્પણીઓ અને તવલીન સિંહ સરખાંની મોદી પ્રશસ્તિ છતાં આ મુદ્દે નારાજગીની ભૂમિકા પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ મૂળભૂતપણે ૧૯૯૧થી જે રસ્તો લીધો છે એમાં કોઈ પથસંસ્કરણ, કોઈક બાબતે ‘રુક જાવ’ તો કોઈક બાબતે ‘ઘુમ જાવ’ એવી કોઈ જ જરૂરત કેમ સમજાતી કે પકડાતી નહીં હોય? જેમને સામાન્યપણે લિબરલ સ્કૂલના અને જમણેરી ખાનામાં ખતવવાનો ચાલ છે એવા ગુરચરણે હમણાં સુખાંકચર્ચામાં એક મુદ્દો સોજ્જો કીધો કે સુખનું સરનામું તમે રોજગારવંતા છો કે નહીં એ બીના જોડે અવિનાભાવ સંકળાયેલું છે. દેખીતી રીતે જ ‘જૉબલેસ ગ્રોથ’ની જે અનવસ્થામાં, કહો કે કળણમાં, આપણે ખૂંપતા ચાલ્યા છીએ એમાં સુખની અનુભૂતિનું ગજું ઝાંઝવાંથી ઝાઝું હોઈ શકતું નથી.

મોટી દઇત સરદાર પ્રતિમા અને શરૂ થયા પૂર્વે મુકામ પર પહોંચાડતી બુલેટ ટ્રેન, આવો સોલો જે ગૌરવ સ્કૂલને રહીરહીને ઉપડ્યા જ કરે છે એના શાસકીય દોરમાં વાસ્તવિક અંત્યોદય અગ્રતાક્રમમાં ક્યાંથી હોઈ શકે ? અંત્યોદય અને ‘જૉબલેસ ગ્રોથ’ વચ્ચેનો સંબંધ છેવટે તો છત્રીસનો જ હોવાનો ને. રામમનોહર લોહિયાની સ્મરણપચાસીનો મોકો વર્તમાન દિલ્હી દરબારે ઠીક પકડ્યો હોય અને એમના કો-ઓપ્શનની કીમિયાગરી રૂડી પેરે પાર પાડવા ધાર્યું હોય તો પણ જેમ દીનદયાલની અંત્યોદય ભાવના તેમ લોહિયાનો ‘છોટી મશીનેં’ અભિગમ એ એવા સવાલો ખડા કરે છે જેના જવાબમાં હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગે કેવળ અને કેવળ આરોપીના પિંજરામાં ઊભા રહેવું પડે. રિવર ફ્રન્ટ પર સ્ટીલનો ચરખો ઊભો કરવાનુ સૂઝે એ તો જોણું થયું, પણ જૉબલેસ ગ્રોથનો મોટો દઈત રસોળો એ સમતા અને સ્વતંત્રતાના સહીપણાંની મજલમાં આપકમાયેલ અવરોધરૂપે આપણી સામે ને સામે જ હોવાનો છે.

નોબેલ નજીક પહોંચતે પહોંચતે રહી ગયેલ (હવેનાં વરસોમાં પહોંચી પણ શકે) એવા રઘુરામ રાજને રીઝર્વ બૅંકનું ગવર્નરું ચલાવી જાણ્યું એ ગાળાનાં મંથનો ઠીક ગ્રંથસ્થ કીધાં છે. એ બધી સામગ્રીમાં તેમ શૌરી જેવાઓની ટિપ્પણીમાં સુધારાની દિશામાં ખાસાં ઇંગિતો ને સંકેતો પડેલાં છે. પણ એ બધું ક્યાંક, કોઈક તબક્કે અટકી જતું માલૂમ પડે છે. તેથી એવું સૂચવવાનું મન સ્વાભાવિક જ થઈ આવે છે કે અમર્ત્ય સેન જેવાને આ ચર્ચામાં દાખલ કરવા જોઈએ. સેન છેવટે તમને ક્યાંક તો બજારનાં બળો અને વ્યાપક સહાનુકંપા(કમ્પેશન)ના સંગમસ્થાને લાવી મૂકે છે. ઓછામાં ઓછું, એને એટલું તો સમજાય છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ જેટલા પ્રમાણમાં સર્વજનસુલભ હશે, આમ આદમી એટલી સમ્પન્નતાવશ ટકી શકશે. ‘છોટી મશીનેં’ અભિગમ એથી આગળ જાય છે તે એ અર્થમાં કે તે ગાંધી અને આર્થિક હલચલને એક માનવીય દાયરામાં લાવી મૂકે છે. બુલેટબાવલા ગૌરવ સ્કૂલથી હટીને માનવીય ગૌરવની એક અર્થનીતિના સંકેતે ભરેલી અને ભારેલી વાત આ છે.

હિમાચલમાં જાહેર થયેલી ચૂંટણી અને ગુજરાતમાં તરતમાં જાહેર થઈ શકતી ચૂંટણીઓમાં આવી કોઈ મૂળગામી ચર્ચા સાંભળવા વિચારવા વાગોળવાનું મળશે? ચિહ્‌નો તો નથી. બાકી, હમણાં જયપ્રકાશ જયંતી નિમિત્તે નવી દિલ્હીના કાર્યક્રમમાં સીતારામ યેચુરી, શરદ યાદવ અને શાંતિભૂષણ સૌએ એકમંચ થઈ વિપક્ષી એકતા પર ભાર મૂક્યો, પણ એના કાર્યક્રમનું શું? વિપક્ષી એકતા ક્યારેક કૉંગ્રેસ સામેની રણનીતિ હતી, આજે તે ભા.જ.પ. સામેની હોઈ શકે છે. એનું એક લૉજિક પણ છે. પરંતુ, પ્રશ્ન તો ૧૯૭૭ના અધૂરા એજન્ડાને નવાં જોડાણો વાટે પણ આગળ લઈ જવાનો છે.

બલકે, ખરું પૂછો તો, અધૂરો એજન્ડા તે શું એનો એક જવાબ જેમ લોહિયાના અંતિમ પર્વમાં તેમ એના આગલા દસકામાં આંબેડકરના અંતિમ પર્વમાં ધરબાયેલો છે. આંબેડકર પછીના દસકે લોહિયા ગયા અને તે પછીના દસકે જયપ્રકાશ. આંબેડકરે દલિતમાત્ર વાસ્તે સમતાની જે લડાઈ છેડી હતી (જે એમના મનમાં બંધારણીય ધોરણે સર્વને માટે હતી) એનો આદરપુરસ્કાર કરતે છતે લોહિયાએ એમને કહેવડાવ્યું હતું (અને વધુ ચર્ચા માટે મળવા ધાર્યું હતું) કે તમે સમગ્ર દેશના નેતાને નાતે રાજનીતિ કરો. ચાલો, આપણે સાથે ચાલીએ. લોહિયા ‘પર્ટિક્યુલર ગોલ’ની જરૂરત જરૂર સમજતા, પણ તે ‘જનરલ ગોલ’ સાથે સંકળાય એની આવશ્યકતા પણ પ્રીછતા. આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વતઃ જુદી નથી. ઝોકફેર જરૂર હોવાનો, પણ અન્યાયનિવારણ માટે અગ્રતાવિવેકપૂર્વક ચિંતા તો સૌની હોવાની.

પ્રકાશ આંબેડકર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં બંધારણ બચાવો સંમેલનોનો જે દોર ચલાવવા ચાહે છે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોતપોતાને છેડેથી જે અવાજ ઉઠાવ્યો છે, તેની સમક્ષ આવું સમગ્ર ચિત્ર હશે? શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ અને ‘આપ’ સમક્ષ હશે? ન હોય તો હોવું જોઈએ; કેમ કે પ્રશ્ન સ્વાતંત્ર્યસંગ્રામના બાકી દોરનો છે. આ લડત ઑગસ્ટ ૧૯૪૭ સાથે પૂરી થઈ નથી અને માર્ચ ૧૯૭૭ તે કોઈ એકમાત્ર સીમાચિહ્‌ન નથી. સતત ચાલતી લડત છે આ તો.

ઑક્ટોબર ૧૩, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 01-02

Loading

...102030...3,3023,3033,3043,305...3,3103,3203,330...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved