Opinion Magazine
Number of visits: 9687965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાણી ખોયું, માછલાં મર્યાં, મગર બચ્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 November 2017

જી.ડી.પી.ના પંદર-વીસ ટકા થોડા અબજોપતિ હસ્તક હોય ત્યારે થતી વૃદ્ધિ વિષમતાને વધારતી જ બની રહે છે

ઝટ સમજાતું નથી કે નોટબંધીને વરસ થયું અેને વરસગાંઠ કહેવી કે વરસી. મનમોહનસિંહ, ચિદમ્બરમ્ અને યશવંત સિંહા, ત્રણે નાણાં ખાતાના જાણતલ — અને એમાં મનમોહન તો પાછા વિશ્વવિશ્રુત અર્થવેત્તા. એમણે જે સરવૈયું કાઢ્યું એ તો અર્થતંત્રની પીછેહઠનું હતું અને છે. નમો, અરુણ જેટલી, અમિત શાહ (અરુણ શૌરીના પ્રિય ‘અઢી’ જણા) અલબત્ત આવો વિકાસ થયો નથી અને થાવો નથી એ બાબતે આગોતરી એકમતી ધરાવે છે.

ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે. 

રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!

નોટબંધીના અરસામાં દેશજનતાએ એ મહિનાઓમાં તાજો તાજો મળેલો, હજુથી મોંએ દૂધ ફોરતો એક બત્તીઝાલ પ્રયોગ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ એ હતો. નોટબંધીના અને મોદી પહેલના મહિમામંડન માટે સર્જિકલ સ્ટ્ર્્ાઇક એ સૌને ગમી જાય એવો પ્રયોગ હતો. પણ આ શલ્યપ્રહારનું દુર્દૈવ વાસ્તવ શું હતું? થોમસ અહીં એક બીજો દાખલો આપે છે: જો લોહી બગડેલું હોય તો ડાયેલિસિસ કરવું જોઈએ, સમૂચું લોહી કાઢી નાખીને માણસને શહીદનું માન ન આપી શકીએ. નોટબંધી અન્વયે મોટાભાગની ચલણી નોટો (86 ટકા) ખેંચી લેવાઈ. રક્તશુદ્ધિને બદલે રક્તમુક્તિનો આ રાહ હતો. અર્થતંત્રની શિરાઓ અને ધમનીઓ શોષવાઈ જતાં જે થાય તે થયું.

હમણાં મેં લોકશાહી અને સમવાયતંત્ર બેઉને જેબ આપતી એક બીનાની જિકર કરી. આ બીના થોમસ જ્યાં નાણામંત્રી જાહેરાત કરી એના વળતા દિવસે કેરળ વિધાનસભાના ટેબલ પર રાજ્ય સરકાર તરફથી એક સત્તાવાર ને સટીક ટિપ્પણીનોંધ મૂકવામાં આવી હતી અને વિમુદ્રીકરણથી દળદર કેમ નહીં ફીટી શકે એની ચર્ચા કરવામાં આવી હતી. નાનાં નાનાં સ્વૈચ્છિક સ્વાધ્યાય જૂથો આ પ્રકારે કામ કરતાં હોય છે અને આવી સેવા બજાવતાં તેઓ વિકાસવિરોધીશ્રી કે દેશદ્રોહીશ્રી જેવું વૈકલ્પિક પદ્મ શ્રેણીનું માન પણ પામતા હોય છે. પણ અહીં તો દેશના એક સન્માન્ય વિધાનગૃહે વૈકલ્પિક વિચારવિમર્શની દિશા ખોલી આપવાનું નાગરિકધર્મી કર્તવ્ય બજાવ્યું હતું.

પાછા કેરળથી અરુણકુમાર પાસે પહોંચીએ. એમણે સમજાવેલી કેટલીક વાતો, આમ તો, સાદી હતી અને અત્યાર સુધી નથી કહેવાઈ એમ પણ નથી. જેમ કે, નવ્વાણું ટકા કરન્સી રિઝર્વ બૅંક પાસે પાછી આવી ગઈ એનો અર્થ એ થયો કે નોટબંધીથી કાળાં નાણાં પર કોઈ વાસ્તવિક પ્રહાર થયો નથી. પણ આ વાત ગંભીર એટલા માટે છે કે અધિકૃત અંદાજ મુજબ કાળાં નાણાંનો દસ ટકા હિસ્સો તો દેશમાં જ છે અને તે જ્યાં છે ત્યાં જ રહ્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી મોદીની કથિત ‘સર્જિકલ સ્ટ્રાઇક’ (નોટબંધી) પછી તરતના ગાળામાં હતી, અને 8 નવેમ્બર સાથે ઉચકાયેલી ‘ભડ પ્રતિમા’નો રાજકીય લાભ મોદી ભાજપને સુંડલામોઢે મળ્યો. પણ આ ચૂંટણીમાં થયેલા મસમોટા ખરચામાં સત્તાપક્ષે અને વિપક્ષે લગારે તાણ અનુભવી ન હોતી. મતલબ, એમનો ડલ્લો બરકારાર હતો, અને વધુમાં મોદીની એક ભડવીર તરીકેની પ્રતિમા ઊચકાઈ એ એક રાજકીય લાભ હતો. (એને અને આમ જનતાની આર્થિક સુખાકારીને કોઈ સંબંધ ન હોતો) લંબાણ નહીં કરતાં અહીં એટલું જ કહી શું કે બધા જ અધિકૃત આંકડા દર્શાવે છે તેમ નોટબંધીથી વૃદ્ધિદર પાછો પડ્યો છે. આર્થિક વૃદ્ધિમાં પાછા પડખે એટલે રોજગારીઓમાં પણ પાછા પડીએ. અરુણકુમારે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમીના તાજા હેવાલનો હવાલો આપીને કહ્યું કે 2016ના જાન્યુઆરી- એપ્રિલને મુકાબલે 2017ના જાન્યુઆરી- એપ્રિલમાં 15 લાખ નોકરીઓનું બાષ્પીભવન થઈ ગયું છે. 

ધારો કે નોટબંધી ન થઈ હોત અને વૃદ્ધિદર પાછો ન પડ્યો હોત તો પણ 1992ના રાવ-મનમોહન કાળથી શરૂ થઈ વચમાં વાજપેયીનાં છ વરસ અને મનમોહનનાં 10 વરસ તેમ,જ મોદીનાં સાડા ત્રણ વરસ જે દોર જારી છે તે ‘જૉબલેસ ગ્રોથ’નો છે. વૃદ્ધિની વ્યાખ્યામાં આપણે એના ‘સ્વરૂપ’ને લક્ષમાં જ લેતા નથી. જી.ડી.પી.ના 15-20 ટકા પચ્ચાસ પંચોતેર અબજોપતિ હસ્તક હોય ત્યારે થતી વૃદ્ધિ વિષમતાને વધારતી જ બની રહે છે. આ પ્રક્રિયા હાંસિયામાં હડસેલાયાઓની વધતી સંખ્યાની અને સીમાન્તને અતિસીમાન્ત કરનારી છે. મોદી જેટલીના દાવાઓ સામે મનમોહન ને ચિદમ્બરમ્ જરૂર સાચા છે. પણ એમની કને પણ ખરાને પૂરા જવાબની ખાતરી નથી.

આનો અર્થ એ નથી કે મોદી ભા.જ.પ. આજની તારીખે જવાબદાર નથી, અને એની સામે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર નથી. માત્ર, એ પણ વચગાળાનો જ મુકામ વૈકલ્પિક વિચારખોજમાં છે, સિવાય કે મનમોહન- ચિદમ્બરમ્ સ્કૂલ મોદી શાસનમાં નાલંદાનિકાલ અમર્ત્ય સેન આદિ સાથે સાર્થક સંવાદમાં ઉતરે.

email : prakash.nireekshak@gmail.com   

સૌજન્ય : ‘અનર્થતંત્ર’, “દિવ્ય ભાસ્કર”, 11 નવેમ્બર 2017

Loading

એક મોમાં બબ્બે જુબાં ! ડાયસ્પોરા જીવનની વાસ્તવિકતા

રંજના હરીશ, રંજના હરીશ|Diaspora - Literature|11 November 2017

કલ્પના કરો કે મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય તો ? જુબાં એટલે જીભ, જુબાં એટલે ભાષા પણ – બબ્બે જીભ અને બબ્બે ભાષા. મોમાં એક જુબાંવાળા મનુષ્યને જુબાં આપીને ફરી જતાં વાર નથી લાગતી. અંગ્રેજીમાં મુહાવરો છે, 'ટુ ટોક વિથ ફોર્કડ ટંગ.' જેનો શબ્દાર્થ છે વહેંચાયેલી જીભે બોલવું. એટલે કે છદ્મ કરવો કે પછી 'મુખ મેં રામ બગલ મેં છૂરી.' મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય ત્યારે તો જોવા જેવી થાય. તો પછી બે નહીં પરંતુ ઘણીબધી જુબાં બોલતાં ડાયસ્પોરિક પ્રજાના શા હાલ હશે.

એક મોમાં બબ્બે જુબાંનું રૂપક ઉજળા ભવિષ્યની શોધમાં સ્વદેશ છોડીને સાત દરિયા પાર વસતા વિશ્વભરની ડાયસ્પોરિક પ્રજા માટે ઉપયુક્ત છે. આ પ્રજાઓ એક મોમાં બબ્બે જુબાં લઈને જીવી છે. આવી પ્રજાઓએ પોતે અપનાવેલ દેશની રહેણી-કરણી, સંસ્કૃિત તેમ જ ભાષા અપનાવ્યા વગર છૂટકો ન હોય તે સ્વાભાવિક છે. સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે અર્થોપાર્જનનો તથા નોકરી-ધંધાનો ગાઢ સંબંધ. અને જેની પાસેથી ધંધો મેળવવો છે તેની ભાષા ન બોલવી તે સ્થળાંતરિત થયેલ ડાયસ્પોરિક પ્રજાને ન જ પોસાય. અપનાવેલા દેશની ભાષાનો સ્વીકાર એ ડાયસ્પોરિક પ્રજાના જીવનની નક્કર વાસ્તવિકતા છે. પરંતુ પારિવારિક સંદર્ભે કે દેશી મેળાવડામાં આવી ડાયસ્પોરિક પ્રજાઓ પોતાની માતૃભાષા ટકાવી રાખતી હોય છે. આમ દરેક ડાયસ્પોરિક પ્રજા ઓછામાં ઓછી બે ભિન્ન સંસ્કૃિતઓ તેમ જ ભાષાઓને લઈને જીવી છે.

ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય વિમાસણની ચર્ચા આજે એક ગુજરાતી મૂળ ધરાવતાં ડાયસ્પોરિક કવયિત્રીની કવિતા થકી કરવી છે. કવયિત્રીનું નામ છે સુજાતા ભટ્ટ (જ. 1956) મૂળ વતન અમદાવાદ. ભાવનગરવાસી સુવિખ્યાત ગાંધીવાદી શિક્ષણકાર તથા પૂર્વ મંત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનાં તેઓ પૌત્રી. સુજાતાનું નાનપણ અમદાવાદમાં વીત્યું. ઉચ્ચ શિક્ષણ પૂનામાં તથા અમેરિકા તેમ જ ઇંગ્લેન્ડમાં. અને હવે તેઓ જર્મનીમાં વસે છે. છેલ્લા ચાર દાયકાથી તેઓએ કવિતાના માધ્ચમથી સ્વદેશ સાથે સંકળાયેલ રહ્યાં છે. હાલમાં સુજાતા ભટ્ટ હોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ઓફ ક્રિયેટીવ રાઈટિંગ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સાતેક કાવ્યસંગ્રહો આપનાર સુજાતા ભટ્ટ 'કોમનવેલ્થ પોએટ્રી પ્રાઈઝ' ઉપરાંત અન્ય ઘણાં ઈનામો મેળવી ચૂક્યાં છે. તેમની કવિતાની વિશેષતા, તેમનો ડાયસ્પોરિક અનુભવ તથા અંગ્રેજી અછાંદસ પદ્યમાં ગુજરાતી લિપિમાં પ્રયોજાયેલ શબ્દો, મુહાવરાઓ તેમ જ કાવ્યપંક્તિઓનું મિશ્રણ રહ્યાં છે. તેમના અંગ્રેજી કાવ્યો ગુજરાતી પ્રચૂર રહ્યાં છે. બે ભાષા તથા બે લિપિઓનું મિશ્રણ તેમને વાચકો માટે યાદગાર બનાવી દે છે. તેમની આવી ભાષાકીય પ્રયોગશીલતા વિશે વિવેચકોમાં મતમતાંતર હોવા સ્વાભાવિક છે. પરંતુ સુજાતાના પોતાના મતે તેમના વ્યક્તિત્વ તેમ જ કૃતિત્વના મૂળ તેમની માતૃભાષા ગુજરાતીમાં છે જેનો પ્રયોગ અંગ્રેજી કાવ્યોમાં કરવો તેમના માટે સ્વાભાવિક તેમ જ ગૌરવપૂર્ણ છે.

આવાં ડાયસ્પોરિક કવયિત્રી સુજાતા ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે, 'ઈન સર્ચ ઓફ માય ટંગ.' અર્થાત્ 'મારી જુબાંની શોધમાં.' કવયિત્રી શ્વેત વાંચકને સંબોધીને કહે છે કે, તમે મને પૂછ્યું છે કે હું જ્યારે એમ કહું છું કે મેં મારી જુબાં ગુમાવી દીધી છે ત્યારે હું શું કહેવા માગું છું? મારે તમને સામો પ્રશ્ન કરવો છે કે જો તમારા મોમાં બબ્બે જુબાં હોય તો તમે શું કરશો.

તમે શું કરશો, જો તમને સમજાય કે
એ બે જુબાંમાંની એક, માતૃભાષા, તમે ગુમાવી ચૂક્યાં છો
અને બીજી, જે છે પરદેશી ભાષા, તે તમને આવડતી નથી ?
ઇચ્છો તો ય બંને જુબાં એકસાથે નહીં વાપરી શકો …
તમારી માતૃભાષા મોમાં જ સડીને મરી જશે
તમારે તેને થૂંકી દેવી પડશે     

                                                   – (અનુ. રંજના હરીશ)

ઉપરોક્ત પંક્તિઓ કવયિત્રી અંગ્રેજીમાં લખે છે અને ત્યારબાદ તે ગુજરાતી લિપિમાં ગુજરાતી ભાષા સાથે આગળ વધે છે. અને પોતાની વાત કરે છે. તે કહે છે,

'મેં કદાચ મારી માતૃભાષા રાત્રિના સ્વપ્નમાં જ થૂંકી નાખી છે
પરંતુ રાત્રે સ્વપ્નમાં મારી ભાષા પાછી આવે છે
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ મહોરી ઉઠે છે.
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ
મોંઢામાં પાકે છે.
એ ફરી ઊગે છે કૂંપળ થઈને.
વધે છે લાંબી, ભીનાશ સાથે સશક્ત
અને તે અન્ય જુબાંને બાંધે છે ગાંઠની જેમ.
કળી ખીલે તેમ ખીલે છે મારા મોમાં
અને પેલી બીજી જુબાંને બહાર હડસેલે છે.
જ્યારે જ્યારે મને લાગે છે કે હું તેને ભૂલી ગઈ છું
જ્યારે જ્યારે હું અનુભવું છું કે મેં તેને ગુમાવી દીધી છે
ત્યારે ત્યારે મારી માતૃભાષા મારા મોંમાં પાંગરી ઉઠે છે.

ચાર ચાર દાયકા વિત્યાં તો ય સુજાતા ભટ્ટની માતૃભાષા આજે ય કૂંપળ થઈને તેમના મોમાં ફૂટે છે. 'નાનાભાઈ ઈન પ્રિઝન' તથા 'અ ડિફરન્ટ હિસ્ટરી' જેવાં તેમનાં કાવ્યોમાં પણ કવયિત્રી પોતાની ભાષાકીય સભાનતા અભિવ્યક્ત કરે છે. બ્રિટિશરાજ સામેની લડતના ભાગરૂપે જેલમાં જનાર તેમના દાદા નાનાભાઈ ભલે માતૃભાષાના સમર્થક હતા, પરંતુ જ્યારે તેઓને જેલમાં લઈ જવા પોલીસ આવી ત્યારે તેઓ અંગ્રેજી કવિ ટેનિસનનું કાવ્ય વાંચી રહ્યા હતા ! તો વળી શાસકોની ભાષા તેવી અંગ્રેજી પ્રત્યેના ભારતીય ડાયસ્પોરાના લગાવને કવયિત્રી અન્ય એક કાવ્યમાં છાવરે છે. અંગ્રેજી શાસકોની ભાષા થઈ તેથી શું થયું ? 'વીચ લેંગ્વેજ હેઝ નોટ બિન ધ અપ્રેસર્સ લેંગ્વેજ ?' કવયિત્રી પૂછે છે કે શાસકોને ધિક્કારનારાઓની ઓલાદો કયા અકળ કારણસર અંગ્રેજી ભાષાના પ્રેમમાં પડતી હશે ? અર્થાત્ સ્વભાષા પ્રત્યે પ્રેમ ચોક્કસ. અપનાવેલ દેશની ભાષા પ્રત્યે પ્રારંભિક રોષ, ક્રમશઃ કમને તેનો સ્વીકાર અને અંતે તે ભાષા(એટલે કે અંગ્રેજી)નું સ્વાગત એ ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય નિયતિ છે, પરંતુ આ સમગ્ર તબક્કાઓ દરમિયાન ડાયસ્પોરિક પ્રજાના મોમાં પોતાની માતૃભાષા તો અકબંધ રહે છે જ. આમ પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજા મોમાં બબ્બે જુબાં લઈને જીવતી રહી છે અને જીવતી રહેશે.

તા.ક. આનું નામ છે એક મોમાં બબ્બે જુબાં – ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરતી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2017 

Loading

લોકશાહીની અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું

સુમન શાહ|Opinion - Literature|11 November 2017

રાજકારણ સ્મૃિતનાશક છે. એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઇ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.

હું આ ‘સાહિત્ય સાહિત્ય’-ની છતરી હેઠળ બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ – અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી – વિશે પણ લખવું જોઇએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાહબરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો. મેં કહ્યું : દોસ્ત, આમાં મને તારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન – હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ?- હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું, હા, બધા વિશે લખીશ. શનિવારે ‘છતરી’ તું જોઇ લેજે. ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો. આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્યુલર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઇક લખું :

સન્મિત્રને જણાવું કે અકાદમી-અધ્યક્ષ વિષ્ણુભાઇને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઇ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઇ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તો પણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે.

પરિષદ-પ્રમુખને પૂછવા કરતાં સિતાંશુ યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું કંઇક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને ‘શબ્દસૃષ્ટિ’ જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુ:ખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી- સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઇપણ સાહિત્યકાર મુક્ત મને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઇ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે. મૈત્રીના એ જ નાતે કહું કે રાજેન્દ્ર મહેતાએ RTI -ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તો પણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી.

મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઇ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ – સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઇ પણ સંસ્થા ‘સાહિત્યિક સંસ્કૃિત’ માટે શ્રેયસ્કર છે.

પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. વ્યક્તિએ સર્જક કે સમીક્ષક પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુક્સાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ – જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અધીન રહેવાની વાત. કેમ કે વૈશ્વિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઇ ગયો ! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઇમાં વીસરી જાય છે કે પોતાથી સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે. ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઇ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકીય રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે ! કોઇ પણ ક્ષણે વ્યક્તિના ખૉળામાં જઇ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃિતનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.

હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઇ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે ! એને થાય, મારે આને, ‘પ્રમુખ’ ચૂંટવાનો? સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઇ જવાનું.

આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. ભૂતકાળમાં, જરા જેટલા ય પ્રચાર વિના મધ્યસ્થમાં બે વાર ભરપૂર મતોથી ચુંટાયો છું. પણ કારોબારીની ચૂંટણીમાં મને દગો કરીને હરાવાયો, એટલે પછી, ત્યારથી છૂટાછેડા છે. છતાં નિમન્ત્રણથી પરિષદનાં કામો હંમેશાં કર્યાં છે : અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે : ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, ‘શબ્દસૃષ્ટિ’-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી. તેમ છતાં, વર્તમાનમાં અકાદમીના નિમન્ત્રણથી જોડાયેલો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હંમેશાં કર્યાં છે. મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઇ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિ:સ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે. રામ રામ.

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 11 નવેમ્બર 2017

https://www.facebook.com/suman.shah.94/posts/1713885838642322

Loading

...102030...3,2863,2873,2883,289...3,3003,3103,320...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved