Opinion Magazine
Number of visits: 9767646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકતાના પાઠ શિખવતું પુસ્તક : અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2017

અમે, ભારતના લોકો …, લેખક – નાની પાલખીવાળા : પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર : પાનાં – 24+ 312 : કિંમત – રૂ. 350

બહુશ્રુત બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્‌, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા(૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુલ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ ‘અમે, ભારતના લોકો’ અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જેઓ ધીરજથી દુઃખ વેઠે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે.

વિવિધ વિશ્વવિદ્યાલયોનાં પદવીદાન-વ્યાખ્યાનોમાં લેખકે દિલ ખોલીને યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો છે. ‘યુનિવર્સિટી છોડ્યા પછી તમે શીખવા માંડો તો યુનિવર્સિટીમાં મળેલું રીતસરનું શિક્ષણ તમને ઝાઝું નુકસાન નહીં કરે’ એમ કહીને આ વડીલ વહાલેશરી વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપે છે કે, ‘જ્ઞાનની શોધ કરતાં મનનો આંતરિક આનંદ માણજો. દરરોજ, થોડી મિનિટ મહાન સાહિત્ય માટે અનામત રાખજો.’ હજુ આઝાદી મળ્યાને માંડ પહેલી પચીસી જ થઈ છે ને ત્યાં ‘અમારે નોકરીઓ જોઈએ છે, ડિગ્રીઓ નહીં’ની રાવ ઊઠી છે. આ અંગે ચિંતિત પદવીધારકોને આશ્વસ્ત કરતાં લેખક જણાવે છે: ‘હું તમારી સમસ્યા સમજું છું અને તમારી કપરી દશા પ્રત્યે મારી સહાનુભૂતિ છે, પણ એટલું ન ભૂલશો કે ગરીબી અને બેકારીની સમસ્યાઓ આકાંક્ષાઓથી કે સૂત્રોથી ઉકેલાતી નથી. તે લોકોની શ્રદ્ધા અને પ્રતિભાવ, શક્તિ અને સાહસના અખૂટ ભંડારને કામે લગાડી શકે એવી વાસ્તવિક અને વ્યવહારુ આર્થિક નીતિઓથી જ ઉકેલી શકાય.’

લોકશાહીના અનન્ય ચાહક નાની પાલખીવાળા ૧૯૭૫-૭૭નાં વરસોની ઇંદિરાઈ કટોકટીના પ્રખર વિરોધી હોય તે સ્વાભાવિક છે, પરંતુ ‘કટોકટીના સાચા લાભ’ ચર્ચતા પાલખીવાળા જે બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે, તે આપણા રાષ્ટ્રીયવિમર્શમાં ઓછી ચર્ચાઈ છે. લેખક સ્વાતંત્ર્યની એકમાત્ર રખેવાળ પ્રજાને માને છે.

વાડીલાલ ડગલી(૧૯૨૬ • ૧૯૮૫)એ આ પુસ્તકના આરંભે નાની પાલખીવાળાના પરિચય લેખમાં તેમના વિશે નોંધ્યું છે કે ‘રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી … એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્‌ કર્યું છે. આ બાબત પુસ્તકના ગાંધીજી વિષયક ચારેક લેખોમાં જોવા મળે છે. ગાંધીજી-અનંતકાળના યાત્રી’માં લખે છે “મહાત્મા ગાંધી પાસે જે હતું એને એક શબ્દમાં કહેવું હોય તો સંસ્કૃતમાં વપરાતો બુદ્ધિ શબ્દ વાપરવો જોઈએ. તેમાં સત્યને પારખવાની શક્તિ હજો એવો અર્થ છે પણ બહુ ઓછા લોકો પાસે આ શક્તિ છે.” લેખક ભારતીયો વિશે જરી આકરા થઈને લખે છે: ‘ભારતને કુદરતે અસીમ બુદ્ધિ અને આવડત આપી અથવા નિષ્ઠા આપી નથી’ અને ‘છેલ્લા બે દાયકામાં આપણે કેટલા ય ત્રિભેટે ખોટા વળાંક લીધા છે, સમયનો દુરુપયોગ કર્યો છે અને સોનાને કથીર અને કથીરને સોનું મળ્યું છે.’ તેમ છતાં લેખક આશાવાન છે. ‘આ બધી મૂર્ખાઈઓ અને કમનસીબીઓ કંઈ કાયમ રહેવાની નથી.’ કેમ કે ‘કુદરતી તત્ત્વોના વ્યવહારની જેમ રાષ્ટ્રોના વ્યવહારમાં પણ પવનની દિશા બદલાય છે, ભરતીઓટ ચાલ્યા કરે છે અને  નૌકા ડોલે છે. સદ્ભાગ્યે આપણે લંગર ખેંચી કાઢ્યું નથી.’

લેખકે ‘જેમની સમક્ષ આખી જિંદગી પડી છે તેવા યુવાન વાચકોને આ પુસ્તકમાં, રાજ્યના યૌવનને પુનઃજીવિત કરવાનો ઉત્કટ અને એકધારો ઉમંગ પ્રેરનારું કંઈક પ્રાપ્ત થાય’ એવી અપેક્ષા સેવી છે.’ પુસ્તકમાંથી પસાર થનાર પ્રત્યેક વાચકને લેખક વિચારો કરવા પ્રેરે છે. સરવાળે આ લેખસંગ્રહનું વાચન, ચિરંજીવ રસના સાંપ્રતમાં પણ પ્રસ્તુત વિચારોનું બની રહે છે.

Emial : maheriyachandu@gmail.com

(नवजीवनનો અક્ષરદેહ, જુલાઈ-સપ્ટેમ્બરમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 06

Loading

‘સ્વપ્નથી દુઃસ્વપ્ન’

ભરત મહેતા|Opinion - Opinion|19 December 2017

પ્રત્યેક ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો જૂના ખરજવાની પેઠે વલૂરવામાં આવે છે, જેના આધ્યાત્મિક આનંદમાં સરેરાશ હિંદુ મતદાર ડૂબી જાય છે. ’૯૦ પછી, ’૯૨ની ટૉયોટાવાનવાળી રથયાત્રા પછી, આ મુદ્દામાં ચૂંટણીની બેઠકો લાવવાનું બળ છે, તે ભા.જ.પ. જાણી ગયું હોવાથી એ પછીની કોઈ પણ ચૂંટણીમાં એનો ઉપયોગ ન થયો હોય તેવું બન્યું નથી! પોતાના ગામના રામમંદિરમાં નાની ઘંટડી વગાડવા ય ભાગ્યે જ ગયેલો હિંદુ મતદાર ‘મંદિર તો ત્યાં જ બનાવવું જોઈએ’ની રટ લગાવતો થઈ જાય છે. સાહેબ, આસ્થાનો મામલો છે. કોઈ સમાધાન નહીં. હજુ આ એક જ મુદ્દામાં અનેક લાશો પડી છતાં આવા મુદ્દાને સાગમટે જ કાઢવાના હોઈ સૂત્ર આપવામાં આવે છે, ત્રિશૂળ દિક્ષા સાથે ‘અયોધ્યા તો ઝાંખી હૈ, કાશી-મથુરા બાકી હૈ.’ હજુ પેંડોરાબૉક્ષ ખોલવાનું જ છે. તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર બનાવવાનું જ છે! દેશ એક દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એની શરૂઆત એક સ્વપ્નથી થઈ હતી!

એ રાત હતી ૧૯૪૯ના ડિસેમ્બરની. એક સાધુને સ્વપ્ન આવ્યું કે બાબરી મસ્જિદમાં જ રામ જન્મ્યા હતા! તેથી બીજા દિવસે રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનની મૂર્તિઓ મસ્જિદમાં મુકાઈ ગઈ! તત્કાલીન વડાપ્રધાન નહેરુએ એ મૂર્તિઓ બહાર કાઢવાની સૂચના આપી, પરંતુ દંગા-ફસાદની આશંકા બતાવીને ફૈઝાબાદ કોર્ટના ન્યાયાધીશશ્રી કે.કે.નય્યરે મસ્જિદને તાળાં લાગાવ્યાં, જે કે.કે. નય્યર ત્યાર પછી જનસંઘના સંસદસભ્ય બન્યાં! આમ, સ્વપ્ન રોપાયેલું હતું, એ સાબિત થયું. એ તાળાં લાગ્યાં એ લાગ્યાં છેક રાજીવ ગાંધીએ ખોલ્યાં!

ઈ.સ. ૧૫૨૮માં બાબરી મસ્જિદ હિંદુ રાજાએ બનાવી હતી. બાબરે જિંદગીમાં અયોધ્યાની મુલાકાત લીધી નથી, પરન્તુ બાબરની પેશકદમી કરવા હિંદુ રાજાએ આ મસ્જિદ બનાવી હતી. રામને ઉત્તર પ્રદેશના લોકોનાં હૃદયમાં જન્મ આપનાર તુલસીદાસ બાબરીનિર્માણ પછી ૫૦ વર્ષે થઈ ગયા છતાં એમણે ક્યારે ય આટલા ચોરસફૂટમાં જ રામ જન્મ્યા હતા, એવો દાવો કર્યો નથી. અયોધ્યાના સેંકડો મંદિરોનો દાવો છે કે રામ અમારે ત્યાં જન્મ્યાં છે! રાજીવ ગાંધીના, ’૪૯માં લાગેલાં તાળાં ખોલવાના નિર્ણયથી હિંદુ મતદાર ખુશ થયો, તો બીજી તરફ શાહબાનુ કેસમાં પણ સ્ત્રીઅધિકારની ઐસીતૈસી કરીને લઘુમતીને ખુશ કરી! મતોનો ઢગલો થતો રહ્યો, પરંતુ કૉંગ્રેસની આ નીતિ, રાજને કારણે સફળ થઈ રહેલા અડવાણીને વડાપ્રધાન થવાનું સ્વપ્ન પણ આવ્યું!

તેથી ’૯૦માં અડવાણીએ સોમનાથથી સજ્જધજ્જ રથયાત્રા કાઢી! બધી જ સમસ્યાનો ઉકેલ રામમંદિર છે. ‘સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે’, ‘બચ્ચા-બચ્ચા રામ કા, જન્મભૂમિ કે કામ કા’ જેવાં સૂત્રો વહેતાં થયાં. ‘કારસેવક’ જેવા શીખસંપ્રદાયે આપેલા શબ્દનું શીર્ષાસન થયું. ધર્મસ્થળે સેવા કરવા જવાની બાબત કારસેવા હતી, જે ધર્મસ્થળ તોડવા સાથે જોડાઈ ગઈ! સંસદમાં ભા.જ.પ.ની બેઠકો બે હતી તે પંચ્યાસી થઈ ગઈ! રામનામનો આ જાદુ હતો. તેથી હવે ભલે બાળકો માટે રાજય પાસે ઑક્સિજન ન હોય, પરંતુ રામનવમીએ કરોડોના ખર્ચે ઘીના દીવા થાય છે!

લાશોના ઢગ પાડતો, ઠેરઠેર કોમી હુતાશન પેટાવતો પેટાવતો રથ અયોધ્યા પહોંચ્યો હતો. પોલીસના રોકવાથી ઉન્માદ રોકાય તેમ ન હતો. ‘હિંદુ-હિંદુ ભાઈ-ભાઈ,બીચ મેં વર્દી કહાઁ સે આઈ’ જેવાં સૂત્રોથી પોલીસ સ્તબ્ધ હતી! કાયદો હાથમાં લઈને મસ્જિદ તૂટી. અડવાણી મોગૅમ્બોની જેમ ખુશ થયા! ત્યારે જ એમનું માઇક પકડનાર મોદીમાં પણ ‘હિંદુસમ્રાટ’નું સ્વપ્ન રોપાયું હશે ! મુરલી મનોહર જોશીના ગળાની આસપાસ બે પગ ભેરવી, જોશીના માથે બેસી ઉમા ભારતી મસ્જિદ-ધ્વંશવેળાએ નાચ્યાં! પૂજાના નામે કરોડો રૂપિયા ભેગા થયા, ખવાઈ ગયા. અયોધ્યા પહોંચી ઈંટો રઝળતી હતી, એની ઉપર કૂતરાં ટાંગ ઊંચી કરીને પેશાબ કરતાં હતાં. લખનૌના કવિ નરેશ સકસેનાએ આ ઘટના પર  કવિતા લખી છે :

ઇતિહાસ કે બહુત સે જૂઠોં મેં
એક યહ ભી હૈ
કિ મહમૂદ ગઝનવી લૌટ ગયા થા,
લૌટા નહીં થા મહમૂદ ગઝનવી,
સેંકડો બરસ યહીં રહ કર
વહ પ્રગટ હુઆ અયોધ્યા મેં.
સોમનાથ મેં ઉસને કિયા થા અલ્લાહ કા કામ તમામ
ઇસ બાર ઉસકા નારા થા
જય શ્રીરામ

ધીમે ધીમે અયોધ્યાનું રૂપાંતર મતપેટીમાં થઈ ગયું! પ્રત્યેક ઘટનાને નાની અયોધ્યા બનાવી દેવામાં આવી. રોડ પરની પીર દરગાહ હટાવવી હોય, તો ય આવી માનસિકતા કામ કરી ગઈ. હટાવવાં જ હોય, તો મંદિર કે દરગાહ બેઉ હટાવી શકાય.

હરિશ્ચંદ્ર પાંડે એમની એક કવિતામાં લખે છે :

જહાઁ સૂર્ય વહાઁ દિવસ
જહાઁ રામ વહાઁ અયોધ્યા
કિતની બડી અયોધ્યા
સોંપ ગયે થે તુલસી હમેં,
કિતની છોટી રહ ગઈ હૈ અયોધ્યા
મતપેટિકા સે ભી છોટી!

રાજનીતિ આ રીતે આસ્થાને ચૂંટણીને ચટકેદાર ચટણી બનાવવા વારંવાર વાટે છે, જેનાથી એમને સત્તા મળે છે, પરંતુ સમાજમાં ભેદભાવ તીવ્ર થાય છે. તોફાનોમાં સામાન્ય માણસ મરે છે. અબ્દુલ બિસ્મિલ્લાહ જેવો કવિ લખે છે :

‘સૂરજ હિન્દુ, ચંદા મુસ્લિમ,
તારોં કી ક્યા જાત?
કૈસી હૈ સાજિશ, યે બેચારે
તૂટે આધી રાત?

સ્વપ્નએ સર્જેલું દુઃસ્વપ્ન કયારે પૂરું થશે? નજીબ, અખલાકની હત્યાઓ, દાભોલકર, કુલબર્ગી, પાનસરેની હત્યાઓ, ગૌરીલંકેશની હત્યા, ગિરીશ કર્નાડ, કાંચા ઇલૈયા, સોની સૂરીને ધમકીઓ – આ માનસિકતાની પેદાશ છે. ભારતીય રાજનેતાઓ વિદૂષકો વધારે લાગે છે. સંઘ-જનસંઘ સિવાય જેમનું કંઈ જ પ્રદાન નથી, એવા દીનદયાલ ઉપાધ્યાયને ‘નવા નેહરુ’ બનાવાઈ રહ્યા છે! ગોડસેનું ગ્વાલિયરમાં મંદિર બને છે. પેલી બાળવાર્તામાં બેગપાઈપરની પાછળ દોટ લગાવીને ભાગતાં બાળકો જેવા નશામાં લોકો છે. આપણા દેશની જનતા જ્યારે ભાનમાં આવશે, ત્યારે ઘણું મોડું થશે. હંગર ઇન્ડેક્ષમાં આપણે હવે ટોચ પર છીએ, એના તરફ કોઈનું ય ધ્યાન જતું નથી. આખા યુરોપખંડ જેટલી યુવાશક્તિ આપણે ત્યાં રોજગાર વિનાની છે, પણ એની ચિંતા નથી ને ‘પદ્‌માવતી’ રિલીઝ ન થવું જોઈએ! આ નવા જૌહરનું શું કરીશું? કરણ પોતે જ જૌહર થઈ ગયો! પહેલી વાર કોઈ ફિલ્મનિર્માતાને સંસદીય સમિતિ સામે હાજર થવું પડ્યું. આ કેવી કરુણતા! હિંદુ રાષ્ટ્રનું ચરમસુખ પ્રજા માણી રહી છે, જેમ એક વેળાએ જર્મનીની પ્રજા હિટલર દ્વારા માણતી હતી. જે ‘જજમેન્ટ એટ ન્યુરેમ્બર્ગ’, ‘ઑલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘લાઇફ ઇઝ બ્યુટીફૂલ’ જેવી ફિલ્મમાંએ જોઈ શકાય. અહીં પણ બુલેટ ટ્રેન અને દૈત્યાકાર મૂર્તિઓની નીચે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાઈ જાય છે.

અત્યારે તો બસ પેલું ફિલ્મી ગીત જ વધારે યાદ આવે,

દેખોં દિવાનોં તુમ યે કામ ના કરો,
રામ કા નામ બદનામ ના કરો

આઝાદીવેળાએ ક.મા. મુનશીએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા લખી હતી. આ દુઃસ્વપ્નની, ‘દુઃસ્વપ્નદૃષ્ટા’ નવલકથા કોણ લખશે?

E-mail: bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

સામાજિક ન્યાય માટે અત્યાચારના રાજકારણને બદલવાની જરૂરિયાત

ધવલ મહેતા|Opinion - Opinion|19 December 2017

સામાજિક ન્યાયના વિચારમાં આર્થિક ન્યાયનો સમાવેશ થઈ જાય છે. આર્થિક ન્યાય એટલે દેશના દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે અને સમય જતાં આર્થિક અસમાનતા પણ ઘટે. કોઈ પણ સમાજમાં દરેકને તદ્દન સરખો પગાર કે મહેનતાણું ન આપી શકાય, પરંતુ તેની કુશળતા અને કામની ધગશ (મોટિવેશન) પ્રમાણે તે આપી શકાય. આ માટે કયા રાજકારણની અને અર્થકારણની જરૂર છે, તેનો માનવજાતને હજી પૂર્ણ ખ્યાલ આવ્યો નથી.

જગતનું અર્થકારણ :

ઘણાં માને છે કે, જગતનું અર્થકારણ ખાડે ગયું છે. આ વાતમાં તથ્ય નથી. સમગ્ર જગતનું અર્થકારણ ઈ.સ. ૧૯૬૧થી ૩.૮ ટકાના દરે વિકાસ કરે છે. જગતમાંથી ગરીબી બહુ જ ધીમી ગતિએ વધી નહીં, ઘટી રહી છે … દુકાળમાં ભૂખમરાથી થતાં મરણો તદ્દન ઓછાં થઈ ગયાં છે. જગતમાં શહેરીકરણનો દોર ૫૦ ટકાથી ઉપર ગયો છે. અત્યારે જગત ૫૪ ટકા શહેરી છે. જગતનું કલ્ચર શહેરી થતું જાય છે અને ગ્રામ્ય કલ્ચર શોષાતું જાય છે. જગતમાં અનેક ગરીબ દેશો (મુખ્યત્વે આફ્રિકમાં) હોવા છતાં વ્યક્તિ દીઠ આવક વધતી જાય છે ને છેલ્લે, જગતની વસતી વધતી જાય છે પરંતુ વસતીવધારાનો દર ઘટતો જય છે. વળી, આજનું જગત માહિતી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે અને સમગ્ર જગતમાં મોબાઇલ ટેલિફોન્સ તથા ઈન્ટરનેટ વાપરનરાઓનું પ્રમાણ વધી રહ્યું છે.

થોડાંક વર્ષ બાદ જગતમાં દરેક પુખ્ત વ્યક્તિ પાસે સેલફોન હશે તેવી સંભાવના છે, પરંતુ અત્યારે સૌથી ચિંતાજનક બાબત વિશ્વમાં બની રહી છે. વિશ્વમાં આવક અને સંપત્તિની અસમાનતા વધતી જાય છે એટલે કે ઊંચો આર્થિક વૃદ્ધિદર આર્થિક અસમાનતા ઓછી કરવાને બદલે વધારે છે. જગતના અમુક દેશો અત્યંત ગરીબ છે જેમાં બરુન્ડી, નાઇજર, ઈથોપિયા, નેપાળ, ટાન્ઝાનિયા, બાલી, કેન્યા, સોમાલિયા તથા સહારાના રણની નીચેના આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની માથા દીઠ આવકની સરખામણીમાં ભારતની માથા દીઠ આવક વધુ છે. જગત અત્યારે માંગના અભાવમાં હળવી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેમ છતાં જગતમાં સૌથી મોટા દેશોમાં સૌથી ઊંચો આર્થિક વૃદ્ધિદર ૨૦૧૬માં ભારતે ૭.૬ ટકા અને પછી ચીને ૬.૯ ટકા નોંધાવ્યો હતો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અૉવ્ અમેરિકાનો માત્ર ૨.૪ ટકા, યુનાઇટેડ કિંગ્ડમનો માત્ર ૨.૩ ટકા, જાપાનનો માત્ર અડધો ટકો અને બ્રાઝિલનો માઇનસ ૪.૭ ટકા અને કલ્યાણ રાજ્યો ગણાતા ડેન્માર્કમાં માત્ર ૧.૨ ટકા, ફીનલેન્ડમાં માત્ર અડધો ટકો, સ્વીડનમાં ૪.૧ ટકા અને સ્વિટઝર્લેન્ડમાં એક ટકાથી પણ ઓછો હતો. ટૂંકમાં, મોટા દેશોના અર્થકારણના વૃદ્ધિદરમાં ભારતનો નંબર-૧નો ડંકો વાગી રહ્યો છે, પરંતુ સામાજિક ન્યાયની (ખાસ કરીને સ્ત્રીઓ અને દલિતોનેે ન્યાય આપવામાં તથા ઇન્ક્‌લ્યુિઝવ ગ્રોથની તથા રોજગારીની બાબતમાં) તેનો ડંકો બહુ ધીમા અવાજે વાગી રહ્યો છે. પર્સનાલિટી કલ્ટ બાબતમાં બી.જે.પી. પ્રેરિત રાષ્ટ્રવાદના જંગી પ્રચારમાં સામાજિક ન્યાયની માંગણીઓ ક્ષીણ થઈ જાય છે.

ટ્રીકલ ડાઉન :

ભારતમાં ૨૦૦૦ પછી થયેલ આર્થિક વૃદ્ધિદરથી અને અમેરિકાથી પણ ઊંચા આર્થિક વૃદ્ધિદરથી જગત ચક્તિ થઈ ગયું છે, પરંતુ જગતના કેટલાક સમૃદ્ધ દેશોમાં સંપત્તિનું ઝમણ ઉપરથી નીચે થવાને બદલે નીચેથી ઉપર થઈ રહ્યું છે. અત્યારે અર્થશાસ્ત્રની ટ્રીકલ ડાઉન(ઉપરથી નીચે ઝમણ)ની થિયરી ખોટી પડી રહી છે. નીચેથી જે લાભો ઉપર જાય તેને ઝમણને બદલી બીજું કાંઈક નામ (કદાચ પ્રતિઝમણ, કેટ્રીકલઅપ) આપવું પડશે. ટૂંકમાં, જગતમાંથી ભૂખમરો ઓછો થતો જાય છે. ગરીબીરેખા હેઠળ રહેતા લોકોની સંખ્ય ધીમે ધીમે ઘટી રહી છે, જગતના લગભગ ૩.૮ ટકાના આર્થિક વૃદ્ધિદરથી પ્રગતિ કરી રહ્યું છે. જગતના લોકોની સરાસરી આવરદા વધી રહી છે અને સરાસરી શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જગતમાં રોગચાળાથી થતાં મરણ ઓછાં થતાં જાય છે.

ધાર્મિક ઝનૂનવાદ :

જગતના રાજકારણમાં જે કાંઈ ચિંતાજનક બની રહ્યું છે, તે ધાર્મિક હિંસાના સાર્વત્રિક બનાવો છે. ઇસ્લામિક આતંકીઓ ઘડિયાળના કાંટા પાછા ફેરવવા માગે છે, જગતને મધ્યયુગ(ફ્‌યુડઝલ એજ)માં લઈ જવા માગે છે, સ્ત્રીઓના હક્કો કચડી નાખવા માગે છે અને સિક્યુલારિઝમનો વિચાર પણ ખતમ કરવા માંગે છે. પશ્ચિમ જગતના રેનેર્સા, રેફર્મેશન તથા એનલાઇનમેન્ટના વિચારોને ખતમ કરવા માગે છે. આ ધાર્મિક ઝનૂનને ચલાવી લેવાય નહીં. જગતમાં અત્યારે લગભગ (ભારત સહિત) તમામ દેશોમાં જમણેરી રાજકીય વિચારધારા ચાલી રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાનો સંઘર્ષ અને રાષ્ટ્રોનું પ્રદર્શન જગતમાં અણુયુદ્ધ ઊભું કરે તેવો જગતને હવે ભય લાગવા માંડ્યો છે.

જગતની આર્થિક પ્રગતિ હવે જગતના રાજકારણના હાથમાં છે, ધર્મમાં નથી આ અંગે કિશોરીલાલ મશરૂવાળા તેમના સમૂળીક્રાંતિ (૧૮૪૮)માં સારી રીતે જ લખે છે, ‘ઘણાં વર્ષોથી હું કહેતો આવ્યો છું અને મારી માન્યતા વધારે ને વધારે દૃઢ થતી જાય છે કે આજનો એક પણ ધર્મ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે – માનવ સમાજના આ જમાનાના કોયડાઓનો ઉકેલ લાવી શકવા લાયક રહ્યો નથી. બધા નિષ્પ્રાણ થયેલા છે અને કોઈનો ય તેના મૂળ સ્વરૂપમાં ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ય આ પ્રશ્નો ઉકેલી શકાય તેમ નથી. અને આ બાબતમાં હિન્દુધર્મ સૌથી વધારે નિષ્પ્રાણ છે અને ભ્રમોનો ઉચ્છેદ કરવા માટે અયોગ્ય છે.’ ટૂંકમાં, શ્રી મશરૂવાળા મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મોને સામાજિક અને આર્થિક ન્યાય મેળવવા લાયક સમજતા નથી. તેમને મતે સામાજિક અને આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમામ ધર્મો તદ્દન ‘ઇરેલેવન્ટ’ છે. ભારતમાં રાષ્ટ્રીય સેવકસંઘે અને ઇસ્લામ જગતનાં અનેક જૂથોએ આની નોંધ લેવા જેવી છે – માનવજાતનો આદર્શો તો લિબર્ટી, ઇક્વાલિટી અને ફોર્ટનિટી(અથવા પર્સુટ ઑફ હેપીનેશ)વાળો સમાજ હોઈ શકે, જે તદ્દન સેક્યુલર છે. આ દુનિયાના કોઈ ધર્મમાં નથી પરંતુ તે ફ્રૅંચક્રાંતિએ ઊભો કર્યો છે.

જગતમાં ધર્મનું અને ગાયનું રાજકારણ નહીં પણ સામાજિક ન્યાયનું રાજકારણ જરૂરી છે અને તે જ જગતના રાજકારણના કેન્દ્રમાં હોવું જોઈએ. જગતની દરેક સરકારે પોતાના દેશમાં લોકશાહીને ‘વાઇડન’ અને ‘ડીપન’ (વિસ્તૃત અને છેક તળિયા સુધીની ઊંડી) કરવાની છે. માત્ર રાજકારણ જ નહીં, પણ સમાજની દરેકે દરેક સંસ્થામાં હોય તે ન્યાયી સમાજની દિશામાં પ્રથમ પગલું છે. ભારતમાં ક્યાં લોકશાહી છે? તેને ફ્‌યુડલ સિસ્ટમ કહી શકાય. કેમ ? રાજકારણીઓનાં સગાં-વહાલાં પરંપરાગત સત્તા ભોગવે છે, વી.આઈ.પી. રસ્તા પરથી  પસાર થાય, ત્યારે કલાકો સુધી રસ્તાઓ બંધ કરવામાં આવે છે. લગ્નમાં શાહી ખર્ચા થાય છે, તેની સામે કોઈ બોલતું નથી, પ્રધાનમંત્રીને તેમના સહકાર્યકરો અને અનુયાયીઓ ‘દેવના દીધેલ’ માની પગે લાગે છે. આ પાર્લામેન્ટમાં અઢળક અપરાધીઓ ઘૂસી ગયા છે, કાયદા અન્ય લોકો માટે છે, અમારે માટે નહીં, તેમ પક્ષના પ્રધાનો અને હોદ્દેદારોની માન્યતા છે. દરેક પક્ષમાં પુષ્કળ ભ્રષ્ટાચાર છે અને તેને પડકારનારને હેરાન કરવામાં આવે છે. સામાજિક અને આર્થિક ન્યાયની બાબતમાં ક્લાસિકલ મૂડીવાદ, બજારવાદી મૂડીવાદ, સમાજવાદ અને ચીનનો અને સોવિયેટ રશિયા તથા ક્યુબાનો સામ્યવાદ તથ ગ્રામકેન્દ્રી અને રેંટિયાથી ઓબસેસ્ડ સર્વોદયવાદ પણ નિષ્ફળ ગયા છે. જગત હવે કોઈ નવી વિચારસરણીની શોધમાં છે, તે રિવોલ્યુશન દ્વારા આવશે કે ઇવોલ્યુશન દ્વાર તેની આપણને ખબર નથી.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 08-09 

Loading

...102030...3,2833,2843,2853,286...3,2903,3003,310...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved