Opinion Magazine
Number of visits: 9766679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તમ કામ્બલે : ફેરિયાથી તંત્રી સુધીની પ્રેરણાદાયી સફર

નટુભાઈ પરમાર|Opinion - Opinion|24 December 2017

ગરીબ-દલિત પરિવારમાં જન્મીને પારાવાર યાતનાઓ વેઠીને, ચૂલો-પાણિયારું ને સૂવાનું જેમનું એક જ નાનકડી ઓરડીમાં હતું એવાં અશિક્ષિત મજૂર માતા-પિતાને ખોરડે ઉછરેલા અને રાત્રે ઘરમાં સૂવાની જગ્યા ન હોવાને કારણે ગામની સમાજવાડીના ઓટલે નર્યાં માંકડો-મચ્છરો વચ્ચે રાત્રીઓ વિતાવનારા, એમના સમાજમાં સૌ પ્રથમ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનારા, મહારાષ્ટૃના ટાકલીવાડી(કોલ્હાપુર જિલ્લા)માં જન્મેલા ઉત્તમ કામ્બલેની છાપાંના ફેરિયાથી શરૂ થયેલી સફર મહારાષ્ટૃના ખ્યાતિપ્રાપ્ત દૈનિક “સકાળ”ના એડિટર ઇન ચીફ અૅન્ડ ડાયરેક્ટર સુધી પહોંચી, તે યાત્રા જેટલી રોમહર્ષક અને અચરજકારી છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.

દારુણ ગરીબી – અધમતમ અપમાનો વેઠતા રહીને, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર છાપું વેંચતા-વેંચતા, એક પત્રકાર બનવાનું સ્વપ્ન પાળીને બેઠેલા ઉત્તમ કામ્બલે, નીજ પરિશ્રમથી જે મુકામ પર પહોંચ્યા, તેની સફળતાકથા તેમની મરાઠી આત્મકથા ‘વાટ તુડવતાના’ યાને ‘અગનપથ’ હિન્દીમાં આલેખાઈ છે.

રાજ્યશાસ્ત્રના સ્નાતક હોવા છતાં, નોકરી ન મળતાં છાપાંના ફેરિયા, હોસ્પિટલના કમ્પાઉન્ડર, પ્રિન્ટીંગ પ્રેસમાં બાઈન્ડર અને “સમાજ” નામક પત્રમાં સાવ નીચલા સ્તરેથી શરૂઆત કરી, “સકાળ” દૈનિકના ખબરપત્રી, સિનિયર સબ એડિટર, ન્યૂઝ એડિટર, એક્ઝિક્યુૂટિવ એડિટર, ચીફ એડિટર અને એડિટર ઇન ચીફ તેમ જ નિયામકના પદ સુધી પહોંચેલા ઉત્તમ કામ્બલેની જીવનગાથા ભારતીય પત્રકારત્વ જગતની એક બે-મિસાલ ઘટના છે.

પત્રકારત્વ ક્ષેત્રની ઝળહળતી સિદ્ધિઓ બદલ મહારાષ્ટૃ સરકારનો ગૌરવ પુરસ્કાર, મરાઠી પત્રકાર સંઘનો ગૌરવ ભૂષણ પુરસ્કાર, મરાઠી ન્યૂઝ ચેનલ ‘સહ્યાદ્રિનો ઉત્કૃષ્ટ પત્રકાર પુરસ્કાર સહિત અનેક કીર્તિમાનો સ્થાપિત કરનાર ઉત્તમ કામ્બલે ન માત્ર એક પત્રકાર અપિતુ એક ખ્યાતિપ્રાપ્ત સર્જક-સાહિત્યકાર પણ છે.

આત્મકથા, પાંચ નવલકથાઓ, પાંચ વાર્તાસંગ્રહો, આઠ નિબંધસંગ્રહો, આઠ સંશોધન ગ્રંથો સહિત સાહિત્યના તમામ પ્રકારોમાં વ્યાપક ખેડાણ કરનારા ઉત્તમ કામ્બલે મહારાષ્ટૃ – મરાઠી સાહિત્યજગતના પણ એક આદરપાત્ર સર્જક છે. મરાઠી સાહિત્ય પરિષદના અનેક સત્રોના અધ્યક્ષપદ તેમણે શોભાવ્યા છે. સાથે જ એક સંવેદનશીલ – નિષ્પક્ષ પત્રકાર તરીકે તેમનું લક્ષ્ય હંમેશાં ‘સામાજિક ન્યાય’ની પ્રાપ્તિનું રહ્યું છે.

વેશ્યાઓની – દેવદાસીઓની – ફૂટપાથ પરના ભિખારીઓની – અસ્પૃશ્યોની કરુણકથાઓ, ઉચ્ચવર્ગ દ્વારા નિમ્નવર્ગના થતા શોષણની હૃદયવિદારક કથાઓ, સત્તાધીશો દ્વારા સતાવાયેલા – રીબાયેલા ગરીબ બેસહારા – સર્વહારા વર્ગની કરમકહાણીઓ ઉત્તમ કામ્બલેએ જીવનાં જોખમે આલેખી છે.

એ સમયે પગે ચાલીને સમચાર મેળવવા જતા ઉત્તમ કામ્બલેને એકથી વધુ વડા પ્રધાનશ્રીઓ, મુખ્ય મંત્રીશ્રીઓ, ફિલ્મ જગતની − આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિતની – દમામદાર પ્રતિભાઓની લંબાણ મુલાકાતો લેવાના પણ અવસર પ્રાપ્ત થયા. રાષ્ટૃપતિ અને વડા પ્રધાનના વિદેશના કાર્યક્રમોમાં તેમની સાથે પત્રકાર તરીકે જોડાવાના અવસર મળ્યા છે. ઉત્તમ કામ્બલેના લેખોનો એવો તો પ્રભાવ કે “સકાળ” દૈનિકના આખેઆખા પાર્સલોને એકવાર કદરદાન વાચકોએ રીતસર લૂંટી લીધા હતા !

વેશ્યાઓની કરુણકથાઓને આલેખવા દિવસો સુધી કમાટીપુરા(મુંબઈ)ની બદનામ ગલીઓમાં રોકાયેલા ઉત્તમ કામ્બલે પર સમાજે તો આંગળી ઉઠાવી જ, તેમની માતા પણ અત્યન્ત નારાજ થયાં. કિન્તુ એક દિવસે રક્ષાબંધન આવતાં કમાટીપુરામાંથી બે હાથે છેક બાવડાંઓ સુધી રાખડીઓ બંધાવીને પરત આવેલા ઉત્તમ કામ્બલેને માતાએ તે પછી કદી ટોક્યાં નહીં. ઉત્તમ કામ્બલે કહે છે : ‘આ દુર્ભાગી નારીઓને બધા જ પ્રકારના હાથ મળે છે, કેવળ રાખડી બંધાવનારા હાથ જ નથી મળતા.’

કર્ણાટકમાં પરંપરાથી ચાલી આવતી યુવાન દલિત દીકરીઓને દેવદાસીઓ બનાવતી નગ્ન પદયાત્રાનું લેખન કરતા રુઢિવાદીઓને હાથે મરણતોલ મારા ખાનાર ઉત્તમ કામ્બલેના અહેવાલને કારણે જ, કર્ણાટક સરકારે એક વટહુકમથી એ કુપ્રથાને રદ્દ કરી, એને આજે પાંત્રીસ વર્ષ થયાં છે.

પ્રેસ સેમિનારમાં કામ્બલેએ કહ્યું, ‘એ દિવસે મને એટલો માર પડ્યો કે જો હું દોડીને ભાગ્યો ન હોત તો તેમણે મને જાનથી મારી જ નાખ્યો હતો. આજે મને લાગે છે કે, ત્યારે જો હું મરી ગયો હોત તો સારું જ હોત. એક ઉત્તમ કારણ સાથે મરી જવાની એક તક મારી પાસેથી ચાલી ગઈ છે. હવે તો મોત પણ મારી પાસે આવતાં ડરી રહ્યું છે !’

પ્રેસ સેમિનારમાં દોઢ કલાક અસ્ખલિત વહેલી ઉત્તમ કામ્બલેની વાણીમાં શ્રોતાઓ પણ ભાવપ્રવાહમાં વહી રહ્યા હતા.

કહે છે કે ગુજરાતી દલિત સાહિત્યની પ્રેરણા મરાઠી દલિત સાહિત્ય છે. કિન્તુ અહીં ઉત્તમ કામ્બલેના દલિત સાહિત્ય પરના વિચારોને સાંભળ્યા પછી કોઈને ય એ સવાલ ઊઠે : ‘શું મરાઠી દલિત સાહિત્ય કે એના સાહિત્યકારોમાંથી આપણે કોઈ પ્રેરણા લીધી છે ખરી ?!’

પ્રેષક : કે.બી. રાઠોડ [રાજકોટ]

સૌજન્ય : “બિરાદર”, ડિસેમ્બર 2017; પૃ. 11-12

Loading

ગુજરાતમાં સંઘર્ષ, ચળવળો ને નાગરિક-અધિકારો (૧૯૭૦-૨૦૧૦)

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|22 December 2017

વર્ષા ભગત-ગાંગુલી સંશોધિત લિખિત આ પુસ્તક ચાળીસ વર્ષ દરમિયાનના ગુજરાતનાં આંદોલનોનું દસ્તાવેજી મૂલ્યાંકન કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ દ્વારા ૨૦૧૫માં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. પોતાની અંગત જિંદગીના સંઘર્ષ, પડકારો ને ઝીલતાં ઝીલતાં સંશોધન, પ્રવાસ, વાચન, લેખન સાથે ભારે મહેનતથી વર્ષાએ આ કાર્ય કરેલું છે. પાંચ આંદોલનો નવનિર્માણ, અનામત આંદોલન-૧૯૮૧, અનામત આંદોલન-૧૯૮૫, ફેરકૂવા-આંદોલન ને મહુવા-આંદોલન. મોંઘવારી, ભ્રષ્ટાચારનો વિરોધ નવનિર્માણ દ્વારા, વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ-ઇજનેરી વિદ્યાશાખા માટે તથા સરકારી નોકરીમાં અનામત માટે ૧૯૮૧, ૧૯૮૫, નર્મદાબચાવ માટે મોટા બંધની તરફેણ ને વિરોધ સંબંધિત ફેરકૂવા તથા નિરમાપ્લાન્ટના વિરોધમાં પર્યાવરણરક્ષણ ને ખેડૂતોના નાગરિકહક્ક માટે મહુવાઆંદોલનો થયાં. વિદ્યાર્થીઓ, સામાન્ય જનસમુદાય, સરકારી કામદારો (અનામત-આંદોલન), સ્ત્રીઓ, ખેડૂતો દ્વારા વખતોવખત- સહભાગ લેવાયો હોય, તેવી આ આંદોલનોની તરાહ રહી.

પાંચેપાંચ આંદોલનોની પ્રથમ પ્રાસ્તાવિક ભૂમિકા, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, આંદોલનોનો સમયખંડ, કારણો, સ્વરૂપ, સહભાગીઓ, નેતાગીરી, પ્રતિકારની રીતો ને પડઘા, સરકારનું વલણ, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ, પરિમાણ ને પરિણામની વિશદ્‌ચર્ચા પુસ્તકમાં કરાઈ છે. દરેક પ્રકરણને અલગ રીતે સંકલિત કરી તેનું વિશ્લેષણ કર્યું છે. દરેક આંદોલનમાં ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક, કાયદાકીય તાસીર કેવી રહી ને પરિવર્તનની જે તરાહ બની, તેની ઉદાહરણ સમેત નોંધ લીધી છે. કયું આંદોલન, કેવા સંજોગોમાં, કેવી રીતે, કોના દ્વારા શરૂ થયું, કોણ જોડાયું, કોણે કોનો, કેવી રીતે ક્યાં ઉપયોગ કર્યો કે થયો, આંદોલન શરૂ થયા પછી વેગ આપવા કઈ ને કેવી હિલચાલ થઈ, રાજકારણીઓનું નીતિવિષયક વલણ ને મિજાજ કેવી રીતે પ્રગટ થયાં ને એનો મૂલ્યવિષયક ગ્રાફ કેવો રહ્યો, તે રીતે આંદોલનકારીઓનો  મિજાજ, વલણ ને રીતિનીતિ કેવી રહી, તેની પણ સુપેરે સ્પષ્ટ ચર્ચા કરી છે.

કેટલા દેખાવો થયા, કઈ નવી રીતો થકી વિરોધપ્રદર્શન થયું, કેટલા નિર્દોષ યુવાનો, નાગરિકો શારીરિક રીતે હુલ્લડ ઉપરાંત પોલીસપગલાંનો ભોગ બન્યા ને જાનમાલનું નુકસાન થયું, તેની આંકડાકીય વિગત સાથે અધિકૃત માહિતી આપી છે. કયું આંદોલન પહેલાં જેમને પરિસ્થિતિ અન્યાયકારક લાગી કે અસરકર્તા લાગી ને તેમણે શરૂઆત કરીને પછી કોણે, કેવી રીતે જોડાઈને એને વેગ આપ્યો, જેમાં રાજકીય પક્ષો, મધ્યમવર્ગ, જ્ઞાતિ આધારિત ધ્રુવીકરણ વગેરે-વગેરે મુદ્દા મુખર બન્યા ને ધીમે ધીમે આંદોલનો એક પછી એક પગલું ભરતાં કરવટ બદલતાં રહ્યાં ને ભારતીય બંધારણમાં નિહિત મૂળભૂત નાગરિક-અધિકારો, આંતરરાષ્ટ્રીય માનવ-અધિકારો ને પર્યાવરણ સંબંધિત ગતિવિધિ, બજારસંસ્કૃિત ને મૂડીવાદી પરિબળોનો પ્રભાવ, વિકાસ મૉડેલની રૂખ, બહુમતનું પ્રચંડ અસલામતીનું પ્રતિબિંબ, આધુનિકતા ને પરંપરાનું સમાંતરે મૂલ્યાંકન વર્ષાએ પૂર્વસૂરિઓની પગદંડી પર તો કર્યું, પરંતુ તેની કેડી સર્જી આપીને એટલી સ્પષ્ટ સુરેખ રેખાઓ દોરી છે કે નીરક્ષીરવિવેક સમજાઈ જ જાય.

દેખીતી રીતે સ્વયંભૂ જનઆંદોલન જ લાગે, જેમાં વિદ્યાર્થીઓ ને આમપ્રજા પોતાને થતી અસરથી જોડાય, રેડિકલ ને રિબેલિયસ વિચારઆચારનું પ્રતિબિંબ પછી પલટી મારી રાજકારણના આટાપાટામાં પરિવર્તિત થઈ જાય ને કોણ કોનાં પ્યાદાં બન્યાં, તેવી દેખીતી વાત પછી વ્યવસ્થિત રીતે લોકસમુદાયના વિભાજનને અલગાવવાદી માનસમાં પલટીને ’એ લોકો-પેલા લોકો-આપણા લોકો એવા શબ્દો ચલણી બનતા ગયા, ન્યાયાલયોને આશરે જવાની વૃત્તિ ને તેનો પ્રભાવ, નિષ્ણાતોની બોલબાલા, વ્યવહારુ ઉકેલની સાંકડી થતી જતી શક્યતાઓનું રેખાંકન, ‘જૈસૈ થે’નું આલેખતું ચિત્રાંકન સ્વયંસ્પષ્ટ છે. મૌન રહેવા, મૌન રાખવા ને મૌન કરી દેવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે, સક્ષમ કઈ રીતે સક્ષમ બન્યા કરે ને અક્ષમ અક્ષમ જ રહે, ઉપરથી નીચે કે નીચેથી ઉપર ઊતરાવચડાવ થતા રહે, જેમાં દરેક પોતાના હિસ્સાનું વળતર તો મેળવી લે ને મોટો સમુદાય તો પરિસ્થિતિ સમજે, સમજે, તે પહેલાં સઘળું રાજકીય ઇચ્છાશક્તિને આધીન જ હોય તેનો વીંટો વળી જાય! નવનિર્માણથી જ શરૂ થયેલું મૂલ્યોનું ધોવાણ પછી વધારે થયું. જનસમુદાયમાં  વિભાજનનાં વેરાયેલાં બીજની ધીમી-મક્કમ અસર ત્યાર પછીનાં આંદોલનોમાં દેખાઈ. સંસાધનોની અસમાન વહેંચણી, ઉદ્યોગોને પંપાળવાની વૃત્તિની સમાંતર પોતાને જે જોઈએ છે, તે સહજ-સરળ લાગે તે રીતે હસ્તગત કરવાની દાનત  પાણી ને જમીન બચાવવાની વાતે મુખર થઈને રહી. ભાવવધારાએ નવનિર્માણને જન્મ આપ્યો, વંચિતોને રાહતનો વિકાસશીલ મુદ્દો સહિતની અસલામતીનો પડઘો બની મુખર થયો, પરંતુ સંસાધનો પર સહિતોની મરજીની પકડ અકબંધ રહી, તેનું અંકુરિત પરિમાણ બાકીનાં ચાર આંદોલનમાં પ્રતિબિંબિત થઈને રહ્યું. આદિવાસી, ખામ, દલિત, મુસ્લિમ, ગરીબ સામે સક્ષમ, સવર્ણ … ટૂંકમાં, રહિત ને સહિતઃ ફાવેલા ને ન ફાવેલા વચ્ચેના ગજગ્રાહ સાથે કોની કેવી દાનત હતી ને છે તે દીવા જેવું સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે.

માહિતી-અધિકાર, પંચાયતી રાજમાં તૃણમૂલમાં સ્થાનિક નેતાગીરીની સક્ષમતા, જળજંગલ જમીન પર આદિજાતિને હક્ક જેવા મુદ્દે જાગતિક પરિવર્તનોનો પોતાના હિતમાં ઉપયોગ કરી સમતા, સમરસતા જેવી બાબતો નિર્દોષ રીતે જનમાનસ પર પ્રભાવક બનાવવાની રસમ તો આવી ને સ્વીકૃત પણ બનતી રહી, તે કેટલે અંશે આવકાર્ય જેવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે! દરેક પક્ષપાંખ, જ્ઞાતિવાડા , શિક્ષિત-અશિક્ષિતોની કંઈક ઝૂંટવીને હાંસલ કરવાના આક્રમક મિજાજની વાત સાથે તેની યુવા – મહિલાપાંખની પ્રવૃત્તિ જેવી બાબતો ને અસરોની વાતે વર્ષાએ ખાસ્સું ઝીણું અવલોકન કરી તાણાવાણાં મેળવ્યાં છે! આટલાં આંદોલનો ને જનસમૂહની સામેલગીરી છતાં કોઈ યુવા કે સ્ત્રી-નેતાગીરી ઝળહળતી પ્રગટી નહીં ને એમ કેમ બન્યું તે મનીષાનું જેન્ડરકેન્દ્રિત, વર્ષાનું સમાજકેન્દ્રિત પુસ્તક સળંગ વાંચીએ, એટલે વાજાપેટીમાં પોતીકી રીતે ગોઠવેલી સૂરીલા સાજની લયબદ્ધ સિકવન્સની  જેમ દ્રશ્યમાન થાય જ છે. લય ને સૂરની બાંધણીનું સંચરણ કોના ઇશારે છે, તે જ સાનમાં સમજવું જરૂરી છે! દરેક આંદોલનની ફળશ્રુતિ પણ તટસ્થ મંતવ્ય માગે છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્ઞાતિ આધારિત આંદોલનની પકડનું આકલન કરી કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે  તેના પ્રત્યુત્તરની શોધ એ સમાપનનું અધ્યાહાર પાસું છે. બધી જ વાતે હું મારું ડહાપણ ડહોળું, તો વાચકો તરીકે તમે શું કરશો? તો પછી અહીં જ અટકું ને !

વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 11

Loading

નિમેષ દેસાઈ : મારા કલાકારસાથી

ભરત દવે|Opinion - Opinion|22 December 2017

નિમેષે અણધારી વિદાય લીધી. અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં મારો ઘણો જૂનો અને નિકટનો સાથી. કેટલાં બધાં વર્ષો અમે બંનેએ અમારી રીતે અનેકવિધ નાટકો ભજવ્યાં. મારી યાદદાસ્તમાં મેં તેની પ્રથમ ૧૯૭૬માં એકોકિત જોયેલી પિરાન્દેલો લિખિત – ‘જેનાં મોમાં મોતે મૂક્યું ફૂલ’. આ એકોક્તિનું વિચારવસ્તુ, નિમેષનો અભિનય, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીતનો ઉપયોગ મને અનહદ સ્પર્શી ગયેલો અને સાનંદાશ્ચર્ય થયેલું કે અમદાવાદમાં પણ એન.એસ.ડી. જેવી સફાઈ કોઈ નાટક ભજવી જાણે છે, અને તે પણ આટલો નાનો યુવાન કલાકાર!

શરૂશરૂમાં અમે સાથે કામ કરેલું. અમદાવાદમાં મારા સૌપ્રથમ નાટક ‘આલ્બટ્‌ર્સ બ્રીજ’(૧૯૭૬)માં તેણે બહુ સુંદર ભૂમિકા ભજવેલી, જેને ઘણા વયસ્ક પ્રેક્ષકો આજ સુધી ભૂલ્યા નથી. એ પછી જ્યારે દિનેશ હૉલમાં મારા ગ્રૂપે કેટલાક એકાંકીઓનો મહોત્સવ કર્યો, ત્યારે પણ તેમાં નિમેષે મારા આગ્રહને માન આપી એક એકાંકી તૈયાર કરાવેલું. છેલ્લે વર્ષ ૨૦૦૨માં નાટક ‘સૉક્રેટિસ’માં મુખ્ય ભૂમિકા માટે મેં નિમેષનો વિચાર કરેલો. અને મારા ઘરે બેત્રણ રિડિંગ પણ કરેલાં પણ કમનસીબે કેટલાંક કારણોસર એ નાટક ભજવી શકાયું નહીં. જ્યારે જ્યારે પણ હું ફોન કરતો, ત્યારે મારો અવાજ સાંભળીને ખુશી વ્યક્ત કરતો અને કહેતો કે “આજકાલ નાટકની વાત કરવા મારી આસપાસ સમોવડિયા જેવું કોઈ રહ્યું નથી, દોસ્ત, અને જે કોઈ છે, તેમની જોડે બહુ મેળ બેસતો નથી. એટલે તું યાદ કરે તો ખરેખર મઝા પડે છે.”

મને યાદ આવે છે કે ૧૯૭૫-૭૬ના ગાળામાં ગુજરાતી નાટ્યક્ષેત્રે, અભિનયમાં તેમ જ નાટકની એકંદર ભજવણીમાં સશક્ત રીતે ઊભરી આવનાર કલાકાર હતો નિમેષ દેસાઈ. તેણે ‘કોરસ’ જૂથની રચના કરીને માત્ર બે પાંચ વર્ષમાં જ બહુ નોંધપાત્ર નાટકો ભજવેલાં. શરૂઆતના ગાળામાં નિમેષે ભજવેલાં નાટકોને હું રંગભૂમિનો નિર્ણાયક ગાળો ગણું છું. એ વર્ષોમાં અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં જાણે નવો પ્રાણ ફૂંકાયેલો. બહુ ટાંચાં સાધનો, નાટક માટે જરૂરી તમામ સગવડોના અભાવ વચ્ચે નિમેષે ગાંઠના ખર્ચે બહુ ઊંચી કક્ષાનાં નાટકો ભજવીને એક તાજગીસભર વાતાવરણ તૈયાર કરેલું. નિમેષ પોતે એક બહુ કાબેલ નટ હતો, દિગ્દર્શક હતો, વધુમાં સરસ ગાયક હતો. તેનો ઘૂંટાયેલો અવાજ, સંવાદો આરપાર ઊતરે એવી આરોહ-અવરોહની અદ્‌ભુત વાક્‌છટા અને સમજણભર્યા અભિનયની સંયમિત તીવ્રતા પ્રેક્ષકોને સ્પર્શી જતી. તેણે અનેકાનેક નાટકોનાં રૂપાંતરો પણ ભજવ્યાં અને મૌલિક પણ ભજવ્યાં.

લગભગ મોટા ભાગના લેખકો-કવિઓ સાથે નિમેષના નિકટના સંબંધો હતા. ખાસ તો તે હંમેશાં સારાં નાટકોની ખોજમાં રહેતો. હર કોઈ લેખકને તે મૌલિક લખી આપવા કે ભાષાંતર કરી આપવા ઉશ્કેરતો રહેતો. ગુજરાત તેમ જ દેશભરના લેખકોએ લખેલાં નાટકોનો તેની પાસે મોટો ભંડાર હતો. તેને ગીતસંગીત અતિપ્રિય હતાં. તેનો ખરજવાળો ગુંજતો અવાજ અને શબ્દોના શુદ્ધ રણકતા ઉચ્ચારો શ્રોતાઓને તત્કાળ પ્રભાવિત કરતા. વાજિંત્રોની સંગત વગર પણ તેનાં ગીતો સાંભળવા ગમતાં. તેના આ પ્રેમને કારણે જ તેણે ઘણાં સંગીતનાટકો ભજવ્યાં, જેમાં તેને ગાવાની તક મળે. ગીતોની સ્વરચના પણ તે જાતે જ તૈયાર કરતો. પાછળનાં વર્ષોમાં તેણે નાટકો ઉપરાંત જૂની અને નવી રંગભૂમિનાં ગીતો ગાવાના પણ ઘણા કાર્યક્રમો કરેલા.

તે જ્યારે પણ ગુજરાતબહારનું કોઈ કોટિનું નાટક જુએ, ત્યારે દર વખતે ભીતરથી વિચલિત થઈ ઊઠતો કે “આપણે કેમ એટલું ઉચ્ચ કોટિનું નથી કરી શકતા?” અમે બંને જાણતા હતા કે તેની પાછળ જવાબદાર અમારી સમસ્યાઓ કઈ છે!  ઘણી વાર તેણે એ વ્યથા પણ વ્યક્ત કરેલી કે “હું એક નટ છું, કલાકાર છું; મૅનેજર કે શો-ઍરેન્જર નથી. એક વાર નાટક બનાવી લીધા બાદ તેને કેવી રીતે ચલાવવું, તેના આર્થિક પાસાં કેવી રીતે સરભર કરવા, શૉઝ કેવી રીતે વેચવા, તેની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી વગેરે મને આવડતું નથી. મારી બધી શક્તિ નાટક બનાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેના માર્કેટિંગ માટે મારી પાસે ન તો કોઈ આવડત છે, ન પૈસા.” અને ફરિયાદ છતાં તેણે સહેજ પણ હાર્યા કે થાક્યા વગર વર્ષો સુધી મનગમતાં નાટકો ભજવવા ચાલુ રાખ્યાં.

ગુજરાતના નાટ્ય ક્ષેત્રે નિમેષે કેવું ગંજાવર કામ કરી દેખાડ્યું એ તો જરા જુઓ! ૧૯૭૪-૭૫થી શરૂ કરીએ તો ‘વી થિયેટર’ તરફથી બેકેટનું સુભાષ શાહ અનુવાદિત-દિગ્દર્શિત નાટક ‘Crapp’s Last Tape’, ‘ઍન્ડ-ગેઇમ’. ચૅખોવનું ‘સ્વાનસોંગ’, અર્ન્સ્ટ ટૉલરનું સુન્દરમ્‌ અનુવાદિત ‘હિંકમાન’, એ પછી લૉર્કા લિખિત-મહેન્દ્ર અમીન અનુવાદિત નાટક ‘રણને તરસ ગુલાબની’ (યર્મા), બેકેટનું ‘વેઇટિંગ ફોર ગૉદો’, બ્રેખ્તનું રમેશ પારેખ રૂપાંતરિત નાટક ‘સગપણ એક ઉખાણું, એડમંડ રૉસ્ટાંડના ‘સિરેનો’ પરથી ચિનુ મોદીએ કરેલ રૂપાંતર ‘શુકદાન’, એથૉલ ફુગાર્ડનું ‘સ્વપ્નભંગ’, ચિનુ મોદી દ્વારા ફિલ્મ ‘ફિડલર ઑન ધી રૂફ’નું ગામઠી ગુજરાતી સંસ્કરણ ‘ઢોલીડો’, ટૉલ્સ્ટૉયનું ‘પાવર ઑફ ડાર્કનેસ’ (અંધારાના સીમાડા) વગેરે. આ યાદી તો માત્ર યાદ રહી જનારાં નાટકોની છે, બાકી નિમેષે ભજવેલાં તમામ નાટકોની યાદી તો હજુ ઘણી લાંબી થવા જાય છે.

નિમેષના આ શરૂઆતનાં દસપંદર વર્ષની ઉજ્જ્વળ કારકિર્દીમાં તેની કલાકાર-પત્ની ગોપી દેસાઈનો ફાળો પણ સહેજે ભૂલવા જેવો નથી. ગોપી પોતે એક કુદરતી, મંજાયેલી, પ્રભાવશાળી અભિનેત્રી. ઉપર્યુક્ત ઘણાંખરાં નાટકોની સફળતામાં ગોપીનો અભિનય પણ એટલો જ યાદગાર ગણવો પડે. થિયેટર માટેનું નિમેષ અને ગોપીનું કમિટમેન્ટ જુઓ કે એટલી યુવાન વયે નિમેષના જ પ્રોત્સાહનથી ગોપી નિમેષને છોડીને ત્રણ વર્ષ માટે દિલ્હી, એન.એસ.ડી.માં નાટકોનો અભ્યાસ કરવા ગયેલી.

જો આપણાં ગુજરાતી નાટ્યલેખકો કે વિવેચકો ‘મૌલિક કોઈ ભજવતું નથી’ની ફરિયાદ કરતા હોય તો એ ફરિયાદ કમસે કમ નિમેષને લાગુ પડતી નથી. એટલી હદ સુધી કે મૌલિક નાટકો કાચાં હોય તો પણ નિમેષે તેને પોતાની ભાષાનું નાટક ગણીને તેને ભજવવાની હામ ભીડી છે. આમ, મારા મતે નિમેષને ખાસ યાદ કરવો જોઈએ સૌથી વધારે સંખ્યામાં ગુજરાતી મૌલિક નાટકો ભજવવા માટે. આ સાથેની યાદી જોઈને જ તમને આનંદ થશે કે તેણે કેટલાં બધાં મૌલિક નાટકો હોંશથી ભજવ્યાં છે? જેમ કે, રઘુવીર ચૌધરીનાં નાટકો ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’, સુભાષ શાહનું ‘સુમનલાલ ટી દવે’, લાભશંકર ઠાકરનાં નાટકો ‘મરી જવાની મઝા’, ‘મનસુખલાલ મજિઠિયા’, ‘પીળું ગુલાબ’, ‘કાહે કોયલ શોર મચાયે રે’, ચિનુ મોદીનાં નાટકો ‘જાલકા’, ‘નૈષધરાય’, ‘નાગર નરસૈંયો’, સિતાંશુ યશશ્ચંદ્રનું ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા’, નવલકથાઓ પરથી કરાયેલાં નાટકોમાં ર.વ. દેસાઈનું ‘ભારેલો અગ્નિ’, પન્નાલાલ પટેલનાં ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘ફકીરો’, મુનશીનું ‘પૃથિવીલ્લભ’ વગેરે. આ ઉપરાંત ભારતીય ભાષાઓનાં નાટકોમાં ધર્મવીર ભારતીનું ‘અંધાયુગ’, મહેશ એલકુંચવરનું ‘હોલી’, મણિ મધુકરનાં ‘દુલારીબાઈ’ અને ‘રસગાંધર્વ’, સર્વેશ્વર દયાલ સક્સેનાનું ‘બકરી’, મોહિત ચેટરજીનું ‘રાજાધિરાજ’ (ગિનીપિગ), વગેરે.

નિમેષ માત્ર ને માત્ર નાટકનો જીવ હતો. નાટકની જ લાયમાં ને લાયમાં તેણે ઇસરોમાં ટીવીનિર્માતા તરીકેની કાયમી નોકરી પણ છોડી દીધી. વર્ષો બાદ આવકનો કોઈ નિશ્ચિત સ્રોત નહીં હોવાને કારણે તેના પર જે આર્થિક દબાણ આવ્યું તેણે તેને સારો એવો પરેશાન કર્યો. અંગત જીવનમાં પણ એકલતા, મનોસંઘર્ષ, આર્થિક સંકડામણો, કથળતી તબિયત, વર્તમાનમાં નાટકની ઘટતી જતી લોકપ્રિયતા, સતત નવું કામ ખોળવાની ઝંઝટ, વગેરેએ નિમેષની પ્રાણશક્તિને નબળી પાડી હોય એવું કલ્પી શકાય. બાકી, આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેના અવસાનના આગલા ત્રણેય દિવસ તે એક દસ્તાવેજી ફિલ્મના કામમાં સતત વ્યસ્ત રહેલો.

સૌને સવાલ થાય કે નિમેષ નાટક માટેના પૈસા ક્યાંથી લાવતો હશે? તેના જીવનમાં ક્યારે ય તેણે લાખો રૂપિયા રળી આપે એવાં નાટકો તો કર્યાં નહોતાં. નહોતી એની પાસે બાપીકી મિલકત, નહોતી પોતાની કોઈ બચત કે નહોતી કોઈની કાયમી મદદ. હા, વચ્ચે-વચ્ચે સરકારી યોજનાઓનો લાભ મળતો, પરંતુ જ્યારે પણ તેના હાથમાં પૈસા આવતા, ત્યારે પૂરેપૂરા તેને નાટક પાછળ ખરચી નાખતો. તેણે ક્યારે ય તેનાં અંગત સુખસગવડ પાછળ નાણાં ખર્ચ્યાં હોય, બચત કરી હોય, મોટી ખરીદી કરી હોય એવું જોવા મળ્યું નથી. તેની જીવનશૈલી અત્યંત સાદી હતી. નાટક સિવાય બીજાં કોઈ ખર્ચાળ શોખ કે વ્યસનો તેને નહોતાં. આમ છતાં દોસ્તો પાછળ ઉદાર દિલે પૈસા ઉડાવી દેતો.

નિમેષની અઢળક પ્રશંસાની સાથે સાથે મારે તટસ્થપણે એ પણ નોંધવું જોઈએ કે તેની કારકિર્દીનાં શરૂઆતનાં દસ-પંદર વર્ષ નિમેષે ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું કામ કર્યું. પણ પછી કોણ જાણે કેમ, તે ગુણવત્તા અવગણીને નાટકોની સંખ્યા વધારવા તરફ ખેંચાઈ ગયો. એક જ મહિનામાં તે ત્રણ- ત્રણ અઘરાં નાટકો તૈયાર કરાવીને ભજવી નાખતો. એક એક અઠવાડિયામાં ત્રિઅંકી નાટકો પણ તૈયાર કર્યાંના દાખલા બન્યા છે. કલાકારોની પસંદગીમાં પણ આગ્રહી નહોતો રહ્યો. જે મળે તેની જોડે કામ કરવા એ તૈયાર હતો. આ બાબતે મારી જોડે તેને મતભેદ હતો. તેણે મારી સામે પણ નારાજગી વ્યક્ત કરેલી કે “તેં શા માટે નાટકો કરવાં છોડી દીધાં? સારા કલાકારો મળે તો જ નાટક થાય એવું કોણે કહ્યું?” જ્યારે હું એવા મતનો હતો કે નાટક જેટલું ઊંચું પસંદ કરો, કલાકારો એટલા જ ઊંચા જોઈએ. નાટક એ ફિલ્મ નથી. નાટક નટનું માધ્યમ છે. નબળા કલાકારોથી ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકાય નહીં. પણ કોણ જાણે, (હળવી રીતે કહું તો) દેવઆનંદની જેમ નિમેષ પણ તેના પાછલા તબક્કામાં બસ, એક પછી એક નવાં નાટકો સળંગ ભજવ્યે જવાના મોહમાં આવી ગયો. મારો મત એ હતો કે ગુજરાતી પ્રેક્ષકો આમે ય આપણાં કલાત્મક નાટકો જોવા આવતાં ખચકાય છે. નિર્માણ નબળું જોશે, તો વધારે દૂર જતા રહેેશે.

પોતાનાં ખાસ સ્વભાવ, પ્રકૃતિ વગેરેને કારણે નિમેષને કેટલાક કલાકારો જોડે અવારનવાર મતભેદ અને ઘર્ષણનો પણ સામનો કરવાનો આવ્યો. પણ એ બધામાં નિમેષનો એક ખાસ જાદુ, કરિશ્મા કે આકર્ષણ તો સતત રહ્યાં કે તેનાથી નારાજ થઈને જતાં રહેલા કલાકારો પણ સમય જતાં જો નિમેષ ફરીથી બોલાવે તો તેની જોડે કામ કરવા લલચાતા. પેલું કહે છે ને કે “Either you love him or hate him, but you cannot ignore him”. નિમેષની વિશેષતા પણ આ જ હતી. કદાચ તેની ભીતરની ‘strong passion’ને દાદ આપીને લોકો મનોમન સમાધાન કરી લેતા હશે.

નિમેષ ધાર્યા કરતાં ઘણો વહેલો વિદાય થયો. તે દિવસે સ્મશાનમાં સાંભળેલું કે મૃત્યુના દિવસે જ તેનું મોતિયાનું ઑપરેશન નક્કી થયેલું. કહે છે કે આગલી રાત તેણે એ ભયમાં ડરતાં ડરતાં કાઢી કે “ઑપરેશન પહેલાંનું એનૅસ્થેટિક ઇંજેક્શન કેટલું પીડાદાયક હશે અને તે કેવી રીતે સહન કરી શકશે?” આ પરથી મેં મન મનાવ્યું કે ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાની કોઈ જ લાંબી શારીરિક પીડા ભોગવ્યા વગર મારો કલાકારમિત્ર ભરઊંઘમાં જ આ દુનિયા છોડી ગયો.

આવજે મારા દોસ્ત, ઈશ્વર તારા આત્માને પરમશાંતિ આપે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 12-13 

Loading

...102030...3,2793,2803,2813,282...3,2903,3003,310...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved