Opinion Magazine
Number of visits: 9766871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબી હટાવવાની એક નવીન રોમાન્ટિક ઊપજ

મૂળ લેખક – રાજકુમાર કુમ્ભજ|Opinion - Opinion|11 January 2018

યુનિવર્સલ બેઝિક ઇન્કમની અવધારણાનાં મુદ્દા પર દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. પણ, શું આ વ્યવસ્થા લાગુ કરવાથી ક્યાંક સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન તો નથી આપી રહી ને? આ કેવી રીતે શક્ય છે કે દેશનાં માત્ર થોડાં લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીનાં નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? આ યોજનાનાં તમામ પાસાંનાં સંદર્ભમાં સમીક્ષા કરતો પ્રસ્તુત છે આ લેખ:

યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે યુ.બી.આઈ.નો વિચાર ભારતીય અવધારણા નથી. ગરીબી હટાવવાની આ એક વિકસિત દેશોની નવીન રોમાન્ટિક ઊપજ છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે સાર્વભૌમિક મૂળ વેતનની આ રોમાન્ટિક ઊપજનાં મુદ્દે દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. ઓગણીસમી સદીનાં પ્રૂસિયાથી લઈને અત્યારસુધી જનકલ્યાણ સંદર્ભમાં જેટલી પણ આર્થિક અવધારણાઓ આવી છે તે તમામ અવધારણાઓમાં લગભગ આ જ વાત ચર્ચાઈ રહી છે. જેમાં તમામ નાગરિકને ઓછામાં ઓછી એટલી આવકની ગેરંટી ચોક્કસ મળે કે જેથી તે રોજિંદા જીવનની સામાન્ય જરૂરી ચીજવસ્તુઓથી વંચિત ના રહી જાય. સાથે તે નાગરિક સન્માનીય જીવન જીવી શકે. આર્થિક અસંતુલનથી વિરુદ્ધ ‘મનરેગા’ બાદ યુ.બી.આઈ.ની અવધારણા કદાચ અહીં જ સ્થાપિત થઇ રહી છે.

કેટલાંક અર્થશાસ્ત્રીઓનું એવું કહેવું છે કે આ અવધારણાને ભારત જેવાં વિકાસશીલ દેશમાં પણ લાગુ કરવી જોઈએ. કોલંબિયા વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્રી પ્રણવ વર્ધન કહે છે કે જો ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫ની કિંમત આધારિત ફુગાવાનું અનુમાન કરતાં પ્રત્યેક વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયા આપવામાં આવે તો જી.ડી.પી. પર આ અનુમાનની દસ ટકા અસર થશે કે જેની ભરપાઈ બિનજરૂરી સબસીડી અને ચૂકી ગયેલા કરની રાહત હટાવીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે. જ્યારે અર્થશાસ્ત્રી વિજય જોષી, ટેન્ડુલકર સમિતિ આ માનદંડના આધાર પર પ્રતિ વ્યક્તિ સાડા ત્રણ હજાર રૂપિયા આપવાના પક્ષમાં છે, જેનો જી.ડી.પી. પર પણ સાડા ત્રણ ટકા ભાર પડશે. એક અન્ય ત્રીજી ભલામણ એવી છે કે નાગરિકોને એક ચોક્કસ ઇન્કમ આપવાની જગ્યાએ તેમને જી.ડી.પી.નો એક ચોક્કસ હિસ્સો આપી શકાય છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અસરકારક બની રહેશે.

કેન્દ્ર સરકારનાં તાજેતરનાં આર્થિક સર્વેમાં એક સંપૂર્ણ અધ્યાય રજૂ કરવામાં આવ્યો કે જેમાં યુ.બી.આઈ. તર્કસંગત છે તે વાત રજૂ થઈ છે. ગરીબોનું જીવનધોરણ ચોક્કસપણે સુધારવા માટે ભારત સરકારનાં આર્થિક સર્વેક્ષણ વર્ષ ૨૦૧૬-૧૭માં યુ.બી.આઈ.નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ વ્યવસ્થાથી દેશમાં ગરીબીને ઓછી કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ આ પક્ષમાં પોતાની રજૂઆત કરતાં કહ્યું કે યુ.બી.આઈ.ને વિવિધ તબક્કામાં લાગુ કરવી જોઈએ, કારણકે આ થકી આર્થિક સુધારામાં મદદ મળશે અને તેનો ફાયદો તમામ સ્તર સુધી પહોંચશે.

અને આદર્શ સ્થિતિમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમની યોજના એ એક એવી યોજના છે કે તેમાં કોઈપણ પ્રકારની શરત જોવા મળતી નથી. આ બિનશરતી યોજના હેઠળ તમામ લોકોને ચૂકવણી કરવામાં આવે છે કે જેનાથી દરેક નાગરિકને પોતાનાં દૈનિક જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે ‘બેઝિક ઇન્કમ’નો અધિકાર પ્રાપ્ત થઈ શકે. સંક્ષેપમાં આ યોજનાનો મતલબ એ છે કે યુ.બી.આઈ. એ એક એવી આવક છે કે જે તમામ લોકો માટે છે અને બિનશરતી તમામનાં ખાતામાં પહોંચી જાય છે. અને અહીં સુધી કે આ યોજનાનાં લાભ માટે કોઈ ન્યૂનતમ યોગ્યતાની પણ જરૂરિયાત રહેતી નથી. આ આવકને નાગરિકોનાં ખાતાઓ સુધી પહોંચાડવી પણ સરળ છે. જ્યારે આ યોજના તમામ લોકો માટેની છે એટલે આ યોજનામાં કોને સામેલ કરવા અથવા કોને સામેલ કરવા નહિ તે સમસ્યાથી છૂટકારો મળે છે. કેટલાંક ખાસ તબક્કામાં ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોને પૂરી પાડવામાં આવતી સુવિધાને પાર્શિયલ બેઝિક ઇન્કમ એટલે કે પી.બી.આઈ. કહેવામાં આવે છે.

ભારત સરકારનું માનવું છે કે યુ.બી.આઈ. થકી ગરીબી હટાવવામાં ભરપૂર મદદ મળશે. કારણ કે આ ખાસ યોજના હેઠળ એવો નિર્ણય કરવામાં આવે છે કે દેશનાં પ્રત્યેક નાગરિકને, દર મહિને એક ચોક્કસ ધનરાશિ ચોક્કસપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગરીબોને મળનારી તમામ પ્રકારની સબસીડીને એકઠી કરીને એક સમગ્ર વિકલ્પ તરીકે યુ.બી.આઈ. યોજના લાગુ કરી શકાય છે. યુ.બી.આઈ.ની જરૂરિયાતને સાચી સાબિત કરતાં આર્થિક સર્વેક્ષણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ યોજના દેશનાં આર્થિક વિકાસને વિસ્તાર આપવા માટેની ખાસ જરૂરિયાત છે. આ યોજના સામાજિક ન્યાય અને ઉત્પાદક અર્થવ્યવસ્થા એમ બંને માટે એક ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ છે. નાણાકીય નૈતિકતા અને બદલાઈ રહેલાં વિશ્વનાં આ સમયમાં આપણે જાણીએ જ છીએ કે નાણાકીય સમજદારીયુક્ત ખુલ્લી અર્થવ્યવસ્થા થકી જ આગળ વધી શકાય છે. અર્થ વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત જેવો દેશ આર્થિક અસ્થિરતા(મેક્રોઈકોનોમિક)ને સહન કરવાની સ્થિતિમાં નથી.

યુ.બી.આઈ.ની એક ખાસ વાત એ કહી શકાય કે સરકાર પોતાના નાગરિકો પર વિશ્વાસ સ્થાપિત કરે છે. સરકાર પોતાના નાગરિકોનાં ખાતાઓમાં રોકડ ધનરાશિ જમા કરાવીને એ વિશ્વાસ અપાવે છે કે આ ધનરાશિથી તેઓ પોતાની મનપસંદ ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ યોજના લાવવા પાછળ સરકારનો એ હેતુ હોઈ શકે કે આ યોજના લાગુ પાડવાથી રોજગારીનાં મુદ્દાનું નિરાકરણ આવી શકે. કોઈ પણ સરકાર આજે એ નિર્ણય કરવામાં સક્ષમ નથી કે તમામ બેરોજગાર લોકોને કામ મળી જ જશે. આમ જોવા જઈએ તો આધુનિક મશીનીકરણનાં આ યુગમાં ઘણા માનવીય રોજગાર છીનવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે આપણે રોબોટ અને કમ્પ્યુટરનું નામ લઇ શકીએ છીએ. કોર્પોરેટ કંપનીઓનો નફો વધી રહ્યો છે પણ તેની સરખામણીમાં કંપનીઓનાં કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે.

આપણા સંવિધાન ઘડવૈયાઓએ સામાજિક, આર્થિક ન્યાય, અવસરની સમાનતા અને વાક્તિગત નાગરિક સન્માનની વાત કરી છે. સંવિધાન, રાજ્યનાં આપવામાં આવેલ દિશા-નિર્દેશક તત્ત્વ પણ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત રાજનૈતિક, સામાજિક અને આર્થિક સમતા સ્થાપિત કરવાની વાત કરે છે. પરંતુ, એ વાત કોણ નથી જાણતું કે દેશની તમામ જનકલ્યાણકારી યોજનાઓમાં ખૂબ જ ભ્રષ્ટાચાર જોવા મળે છે. જે લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચવી જોઈએ તે લોકો સુધી તો ક્યારે ય પહોંચી જ શકતી નથી. દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ દેશની આ ભ્રષ્ટાચારી વ્યવસ્થા પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં જે એક બ્રહ્મ વાક્ય કહ્યું હતું તે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. રાજીવ ગાંધીએ ત્યારે કહ્યું હતું કે દિલ્હીથી કાર્યરત કલ્યાણકારી એક રૂપિયો ગામડાં સુધી પહોંચતા-પહોંચતા માત્ર દસ પૈસા જ બનીને રહી જાય છે. દેશની નેવું ટકા ધનરાશિ ભ્રષ્ટાચારની ભેટ ચઢી જાય છે.

તેવામાં એ જોવું ખૂબ જ જરૂરી થઈ પડે છે કે દેશના ગરીબોનો ગરીબી થકી ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે કોઈ પણ યોજનાનાં પૈસા ગરીબો સુધી પહોંચી જ નથી શકતા અને તેને વચેટિયાઓ થકી વચ્ચે જ પચાઈ પાડવામાં આવે છે. ત્યારે સરકારે કોઈ વૈકલ્પિક વિચાર તો કરવો જ ઘટે. એટલા માટે કદાચ યુ.બી.આઈ. પર વિચાર કરવામાં આવ્યો છે કે જેથી વિવિધ યોજનાઓ માટે પૈસા ખર્ચ કરો તેના કરતાં નિર્ધન તબક્કાનાં ખાતાઓમાં સીધા જ પૈસા પહોંચાડવામાં આવે. એવું કહેવાય છે કે વિવિધ જનકલ્યાણ યોજનાઓના સમગ્ર ગૃહ ઉત્પાદનનો લગભગ પાંચ ટકા ખર્ચ આવે છે. અને જો તમામ ન્યૂનતમ આવક યોજના શરૂ કરવામાં આવે તો પણ આટલો જ ખર્ચ આવશે.

જો આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવાથી જો એવો વિચારણીય પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું આ વ્યવસ્થાથી સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન પૂરું પાડે છે? અને બીજી બાજુ આ પણ કોઈ ઓછો વિકટ પ્રશ્ન નથી કે તમામ લોકોને ઓછામાં ઓછી ન્યૂનતમ આવક તો મળવી જ જોઈએ ને? કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં એક લાંબા સમયગાળા સુધી આ કેવી રીતે શક્ય છે કે દેશના માત્ર થોડા લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીના નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? શું લોકતંત્રમાં આના કરતાં વધારે ઘાતક સ્થિતિ બીજી કોઈ હોઈ શકે અને શું તેનાં વિસ્ફોટક નિષ્કર્ષ પરિણમે?

એવું યાદ રાખવું જોઈએ કે આર્થિક સર્વેક્ષણમાં આ વિવાદિત અસંતુલન પર પણ વિચાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ યુ.બી.આઈ.ના પ્રબળ સમર્થક છે, જ્યારે નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા કહી ચૂક્યા છે કે ભારત જેવા વિશાળ દેશ માટે આ પ્રકારની કોઈ પણ યોજના વ્યવહારિક નથી. થશે એવું કે યુ.બી.આઈ. જેવી કોઈ પણ યોજના લોકોને ખરાબ દાનત સંલગ્ન કાર્ય કરવા માટે વધુ પ્રેરિત કરશે. અહીં ખરાબ દાનતની પ્રશંસામાં અગાઉ કહેવામાં આવેલ એક પરમ પ્રેરણાદાયી કહેવતને પણ અહીં ખાસકરીને મૂકી શકાય કે જેમાં કહેવાયું છે કે જ્યારે ઈશ્વર ખાવાનું પીરસે તો કમાવવા માટે કોણ જાય?

આંતરરાષ્ટ્રીય સ્તર પર દક્ષિણપંથી અને વામપંથી વિચારધારા માન્યતા પ્રાપ્ત અર્થશાસ્ત્રી યુ.બી.આઈ.નું સમર્થન કરતા આવ્યા છે. આ યોજનાઓના સમર્થકોનું એવું પણ કહેવું છે કે ભારત જેવાં સૌથી અધિક અસમાન આવક ધરાવતા દેશ માટે આ યોજના ખૂબ જ સહાયક સાબિત થઈ શકે છે અને દેશની ગરીબી પણ નાબૂદ કરી શકાય છે. આ યોજનાથી દેશની લગભગ વીસ કરોડ જેટલી ગરીબ આબાદીને સીધો જ લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લંડન વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર ગાય સ્ટેિન્ડંગે ગત કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને આ યોજનાની વાત કરી હતી, પણ યુ.પી.એ. સરકાર ત્યારે હિંમત એકઠી કરી શકી નહોતી. ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે જ્યારે રોજગારી જ નથી આપી શકતા તો સીધી આવક કેવી રીતે આપી શકીએ? પણ જો વર્તમાન ભા.જ.પ.યુક્ત એન.ડી.એ. સરકાર આ યુ.બી.આઈ. યોજનાને અમલમાં મૂકે તો તેમને અચૂક તે પ્રમાણે રાજનૈતિક ફાયદો મળી શકે કે જે પ્રમાણે કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને મનરેગા થકી મળ્યો હતો.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2018

બે દિવસ પહેલાં (08 જાન્યુઆરી 2018) મેં આ કૉલમમાં લખ્યું હતું કે દેશમાં બે વાતે આંદોલન કરવાની જરૂર છે.

એક, મોતની સજા રદ કરવામાં આવે, કારણ કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ફૂહડ છે. કોઈ નિર્દોષનો જાન જાય એ બરાબર ન કહેવાય. બે, ચૂંટણી માટે EVMનો ઉપયોગ બંધ કરવામાં આવે, કારણ કે મશીન માત્ર બગડી શકે છે અથવા એની સાથે ભાંગફોડ કરી શકાય છે અને માણસ માત્ર ડરી શકે છે અથવા વેચાઈ શકે છે. આમાં હવે એક ત્રીજી ચીજ પણ ઉમેરવી જરૂરી છે. સરકારે એક હાથ ઊંચો કરનારું ડિસ્ક્લેમર તૈયાર કરવું જોઈએ જેમાં દેશના નાગરિકોને જણાવી દેવામાં આવે કે સરકારને આપવામાં આવેલી માહિતીની ગોપનીયતા જાળવવાની જવાબદારી જે-તે વિભાગની કે અધિકારીની નથી. અર્થાત્‌ તમારે તમારા જોખમે માહિતી આપવી જેવી રીતે કેટલાંક મકાનોની લિફ્ટમાં લખેલું જોવા મળે છે કે લિફ્ટનો ઉપયોગ તમારા હિસાબે અને જોખમે કરવો.

૨૦૦૩ની સાલની વાત છે, જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા અને આઠ લેનના રાષ્ટ્રીય મહામાર્ગ બાંધવાના પ્રોજેક્ટને તેમણે પોતાનો ગણીને પ્રાથમિકતા આપી હતી. સત્યેન્દ્ર દુબે નામનો એક યુવક એન્જિનિયર નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નોકરી કરતો હતો. બિહારમાં હાઇવેના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર હતો અને એમાં ઉપર સુધીના લોકો સંડોવાયેલા હતા એનો એને રોજ અનુભવ થતો હતો. સત્યેન્દ્ર દુબેએ આની વિગતો આપતો એક ગોપનીય પત્ર વડા પ્રધાનને લખ્યો હતો. એ પત્રમાં વારંવાર કહેવામાં આવ્યું હતું કે આમાં મોટાં માથાં સંડોવાયેલાં છે, આંતરરાજ્ય મોટું કૌભાંડ છે, તેમની જિંદગી પર જોખમ છે, તેઓ રાષ્ટ્રહિત માટે જોખમ ઉઠાવી રહ્યા છે માટે આ પત્ર લખનારનું નામ જાહેર ન થાય એની તાકીદ રાખવામાં આવે અને જરૂરી કારવાઈ કરવામાં આવે.

એ પછી શું થયું? પત્ર ઍક્નૉલેજ કરવામાં આવ્યો અને સત્યેન્દ્ર દુબેને જણાવી દેવામાં આવ્યું કે આપના પત્રને સંબંધિત વિભાગને જરૂરી કારવાઈ માટે મોકલી આપવામાં આવ્યો છે. સત્યેન્દ્ર દુબેને પત્ર મળતાંની સાથે જ સમજાઈ ગયું હતું કે હવે તે ગણતરીના દિવસોનો મહેમાન છે અને એવું જ બન્યું. વડા પ્રધાનને લખવામાં આવેલા ગોપનીય પત્રની ગોપનીયતા જળવાવાની કોઈ ગૅરન્ટી નથી, ત્યાં આધાર કાર્ડ માટે આપેલી વિગતોની ગોપનીયતા જળવાઈ રહે એ તો બહુ દૂરની વાત થઈ. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે આધારની વિગતો ચણામમરાની માફક વેચાઈ રહી છે અને સરકાર નાગરિકના અંગત જીવનની સુરક્ષાની જે વાતો કરે છે એ પોકળ છે. નાગરિકે નક્કી કરવાનું છે કે કહેવાતા રાષ્ટ્રયજ્ઞમાં પોતાની આહુતિ આપવી કે નહીં, કારણ કે વહીવટી તંત્ર ફૂહડ છે અને શાસકો બોલબચન છે.

જે કહેવામાં આવતું હતું એ હવે સિદ્ધ થઈ ગયું છે. ચંડીગઢના ‘ધ ટ્રિબ્યુન’ નામના અખબારનાં રિપોર્ટર રચના ખૈરાએ આધારનું રૅકેટ ઉઘાડું પાડ્યું છે. માત્ર ૫૦૦ રૂપિયા આપો, તમને વૉટ્સઍપ પર એક પાસવર્ડ મોકલવામાં આવશે જેના દ્વારા તમે આધારના પોર્ટલને ખોલી શકશો અને ઇચ્છો એટલા નાગરિકોના ડેટા મેળવી શકશો. માત્ર ૫૦૦ રૂપિયામાં દેશના એક અબજ નાગરિકોના ડેટા ઉપલબ્ધ થતા હોય અને એ પણ વૉટ્સઍપ દ્વારા તો કલ્પના કરો આપણું જીવન કેટલું સસ્તું છે.

સરકારની પહેલી પ્રતિક્રિયા દેશના નાગરિકોને અભય વચન આપવાની હતી. ચિંતા નહીં કરો તમારી વિગતો સલામત છે. સરકારને જ્યારે ખાતરી થઈ ગઈ કે બચાવ થઈ શકે એમ જ નથી અને અભય વચનની કિંમત કોડીની છે, ત્યારે ‘ધ ટ્રિબ્યુન’ અને એનાં પત્રકાર સામે FIR દાખલ કરવામાં આવ્યો. ગોપનીય ડેટા ચોરવા માટેનો ગુનો. બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાંથી પૈસા ચોરાય તો ચોર ગુનેગાર કે બૅન્કના અધિકારી ગુનેગાર? અધિકારીઓની ભાગીદારી વિના કોઈ ચોરી કરી શકે ખરું? આધારના કેસમાં ચોરી દલાલોએ સરકારી અધિકારીઓ સાથે મળીને કરી હતી અને રિપોર્ટરને એ વેચવામાં આવી હતી. પત્રકાર ખરીદનાર છે, ચોરનાર નથી. આ દેશમાં ખરીદ-વેચાણનો ધંધો એટલો વ્યાપક અને રાબેતાનો છે કે આખેઆખા પાસવર્ડની બજારકિંમત માત્ર ૫૦૦ રૂપિયા છે.

એક તો આધાર જેવી પવિત્ર ગાય, એમાં સરકારનાં અભય વચનો, દરેક ચીજને આધાર સાથે લિન્ક કરવાની ઘાઈ, એવા દરેક પ્રસંગે નવાં અભય વચનો, સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલાં સોગંદનામાંઓ દ્વારા ગોપનીયતાના કરવામાં આવેલા દાવાઓ માત્ર ૫૦૦ રૂપિયામાં ઉઘાડાં પડી ગયાં. સત્તાવાળાઓને જ્યારે સમજાઈ ગયું કે ભરબજારે નાક કપાઈ ગયું છે અને ‘ધ ટ્રિબ્યુન’ના એડિટર અને એનાં રિપોર્ટર રચના ખૈરાને દેશદ્રોહી ઠેરવવામાં અર્નબ ગોસ્વામીઓની સેવા લેવામાં આવે તો પણ આબરૂ બચી શકે એમ નથી, ત્યારે સરકારે સૂર બદલ્યો હતો અને આધારનો હવાલો સંભાળનારા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કૌભાંડની તપાસ કરવામાં ‘ધ ટ્રિબ્યુન’ની મદદ માગી હતી અને ફરી એક વાર ફ્રીડમ ઑફ પ્રેસની દુહાઈ આપી હતી.

તમને કદાચ ભક્તોના મેસેજ આવવા લાગ્યા હશે કે જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ માત્ર પ્રાથમિક સ્વરૂપની છે બાકી આંખના ડોળાની અને હાથના અંગૂઠાની પ્રિન્ટ સુરક્ષિત છે. આપણે તેમને ત્રણ સવાલ પૂછવા જોઈએ. એક, જે વિગતો ઉપલબ્ધ થઈ રહી છે એની સુરક્ષાની જવાબદારી સરકારની નથી એવો ખુલાસો સરકારે કર્યો હતો? ઊલટું સરકારે તો કહેવાતી પ્રાથમિક માહિતીની પણ સુરક્ષાની ગૅરન્ટી આપી હતી. બે, જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ ઓછી મહત્ત્વની નથી. તમારી આર્થિક હેસિયત જોઈને કોઈ પણ તમારી પાછળ પડી શકે છે. ત્રણ, જો સુરક્ષામાં જ ફાંકું હોય અને સુરક્ષિત કસ્ટડીમાં પ્રવેશી શકાતું હોય તો બાયોમેટ્રિક ડેટા કઈ વિસાતમાં? અંદર ઘૂસેલો ચોર ડિમાન્ડના આધારે નક્કી કરશે કે કઈ ચીજની ચોરી કરવી. આવતી કાલે કોઈ ત્રાસવાદી સંગઠનને, ફાર્મા કંપનીઓને કે બાયોટેક કંપનીઓને જો ચોક્કસ બાયોમેટ્રિક ડેટાની જરૂર પડશે તો એ પણ ઉપલબ્ધ થઈ જશે. કદાચ થતા પણ હશે, કોને ખબર છે. એનો ભાવ વધારે હશે અને એની લેવડદેવડ સરેઆમ નહીં થતી હોય એટલું જ.

હવે સરકારે કાંઈ કરવાનું નથી, એની નાદારી ઉઘાડી પડી ગઈ છે. હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું? શંકા કરો, પ્રશ્ન પૂછો, ઊહાપોહ કરો, સૂચનો કરો અને સૂચનોની ચકાસણી કરો એમાં આગળ વધવાની અને સુરક્ષિત રહેવાની ચાવી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 જાન્યુઆરી 2018

Loading

કોસ્ટા રીકા પાસેથી પાઠ શીખીએ

આશા બૂચ|Opinion - Opinion|9 January 2018

21મી સદીના પ્રારંભે, આતંકવાદે નવા વેશમાં દુનિયાભરમાં વિનાશના વાવેતર કરવાની શરૂઆત કરેલી, એ વાવણી હજુ પૂરી નથી થઈ તેમ ઉત્તર કોરિયાના ફૂંફાડા અને અમેરિકાના વિચાર વિનાના ધમપછાડા પરથી પ્રતીત થાય છે. વિશ્વ આખીની આમ જનતાને તો માત્ર અને માત્ર શાંતિ ખપે છે. જાણે એ શાંતિ નામની કોઈ રમણીનું અપહરણ થઇ ગયું છે, તો શાંતિને ફરી માનવ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવા સામે પડકારો કયા છે એ વિચારીએ. આજે નિર્દોષો પર થતા જુલમ, તેમને સહેવી પડતી પીડા અને વૈરભાવનાથી થતી હિંસા સામે લોકો પોતાને લાચાર અને સત્તા વિહોણાં અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ આંતરધર્મીય અને આંતરરાષ્ટ્રીય શાંતિમય સહઅસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનારોએ હતાશા અને લાચારીના ભાવને શરણે ન જવું જોઈએ, પણ દુઃખી પ્રજાને મલમપટ્ટા લગાવવા અને આખી દુનિયાને સાચો રાહ બતાવવા કટિબદ્ધ થવું રહ્યું. ભલે આપણે કોઈ મોટા રાજકીય પગલાં ન ભરી શકીએ, પણ નાનાં નાનાં અનેક પગલાંઓ દ્વારા સમાજને દર્દમાંથી રાહત આપી શકીએ. આપણે જરૂર દુનિયાને બદલવા રાહ બતાવી શકીએ.

આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.

શ્રીમાન જ્હોને કોસ્ટા રીકામાં બે ટી શર્ટ ખરીદ્યાં. એક પર ઓટોમેટિક રાઇફલના નાળચામાંથી ફૂલ નીકળેલ હતું જેના પર રક્ત રંગે ‘No Army’ લખેલ અને બીજા પર શસ્ત્ર પર ‘No Army since 1948’ એવું ચિત્રણ કરેલું. વાત એમ છે કે 1948ની ક્રાંતિ બાદ, કોસ્ટા રીકાના આર્ષદ્રષ્ટા નેતા જોસે ફિગરેસ ફરેરે એક મોટું કામ કર્યું – પોતાના દેશના લશ્કરને વિખેરી નાખ્યું! જ્યારે દુનિયા આખીમાં સૈન્ય અને લશ્કરી સરંજામ દરેક દેશમાં ખડકાતા જતા હતા, ત્યારે આ દેશની સલામતી જોખમાઈ હશે તેમ જ સહુ માને તેમાં નવાઈ નથી, પણ બધાની એ માન્યતાને જૂઠી પાડે તેવી હકીકત તો એ છે કે 1948માં લેવાયેલ એ નિર્ણય બાદ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી હોય તેવો એ એકમાત્ર દેશ છે! કેવી કરુણતા કે ભારત તેનાથી બિલકુલ વિપરીત દિશામાં ગતિ કરી રહ્યું છે!  

લશ્કરને વિખેરી નાખવાને પરિણામે  કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.

આ હકીકત શું સૂચવે છે? શાંતિ અને સમૃદ્ધિ લશ્કર અને શસ્ત્રોના ખડકલા કરવાથી જળવાય? કે શસ્ત્રોના ભરાવાથી ભય અને શીત યુદ્ધ કાયમ રહે અને તેના વપરાશથી બંને પક્ષોની તારાજી થાય? દુનિયાને લશ્કરની જરૂર નથી; ખાસ કરીને આજના યુગમાં. એ તો એક શાપ છે, વરદાન નહીં. જેમ મોટા ભાગના લોકોની જીવન પદ્ધતિ બદલી છે, તેમને થતા રોગો અને માંદગીઓના પ્રકાર બદલ્યા છે, તેમ મરવા અને મારવાની રીતો પણ બદલાયાં છે. લશ્કર રાખવાનો મૂળ હેતુ હંમેશ સામા પક્ષને લૂંટવાનો રહ્યો છે અને હજુ આજે પણ તેનો એ જ ઉપયોગ છે. જો કે માનવજાતના ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે લશ્કરથી સલામતી પણ પૂરી પાડી શકાય છે. પરંતુ 1948માં યુનાઇટેડ નેશન્સની રચના કર્યા બાદ, લશ્કરની સતત હાજરી અને જરૂરિયાતને નકારવામાં આવી હતી. યુ.એન. દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કોર્ટની રચના થવાથી લશ્કર રાખવાનું જરૂરી ન રહ્યું કેમ કે અન્ય દેશ પર હુમલો કરવો એ તો ગેરકાયદેસર ગણાવા લાગ્યું.

કોસ્ટા રીકાએ એ વાતનું મહત્ત્વ સમજીને પોતાના દેશના લશ્કરને વિદાય આપી દીધી, તો જુઓ, એ દેશ શાંતિમાં આળોટ્યો અને જે દેશોએ શસ્ત્રો વધાર્યાં એ બધા પાયમાલ થયા! યુ.એન. તેના સભ્ય દેશો પાસે આ કાયદાઓનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું તેમાં માત્ર તેની જ ત્રુટિ નથી, એ તો શસ્ત્રો બનાવનાર મોટી મોટી કંપનીઓ એ કાયદાઓનું પાલન કરવા જે તે દેશોની સરકારોને ટેકો આપવા મંજુર નથી હોતા તે છે. શા માટે તેઓ યુ.એન.ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે? કેમ કે યુદ્ધ એ એક વેપાર છે – મોતનો વેપાર. તેનાથી અમેરિકાના અને તેના જેવા બીજા અતિ ધનાઢ્ય લોકોને પુષ્કળ કમાણી થાય, ભલે ને કરોડો નિર્દોષ લોકોના જાન  લેવાય અને પર્યાવરણનો દાટ વળે.

આમ તો કોસ્ટા રીકાની માફક બ્રિટનને પણ 1948 બાદ લશ્કરની જરૂર નથી. જરા કલ્પના કરો, જે અબજો પાઉન્ડ લશ્કર અને યુદ્ધને લગતી સેવાઓ જેવી કે જાસૂસી સેવા, અણુ સબમરીનો અને અન્ય શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાયા, તે પ્રજાનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, વાહન વ્યવહાર અને renewable ઊર્જા પાછળ વાપરી શકાયા હોત, અને તો બ્રિટનની પ્રજાને કેટલો લાભ થયો હોત? આંતરરાષ્ટ્રીય ફલક પર માનવતા વિરુદ્ધ યુદ્ધ છેડનારા ગુનેગારોના સાગરીત થવાને બદલે બ્રિટન શાંતિના ખરા દૂત તરીકે પંકાયું હોત – કોસ્ટા રીકાની માફક.

શસ્ત્ર વિહીન રાજ્ય વહીવટનો ઉપર ઉલ્લેખ કર્યો તેના અનુસંધાનમાં એ પણ જાણી લઈએ કે યુનાઇટેડ નેશન્સનો અણુશસ્ત્રો પરનો પ્રતિબંધ લાવતો ખરડો 7 જુલાઈ 2017ને દિવસે પસાર થયો જેમાં દુનિયાના 122 દેશોએ અણુશસ્ત્રો પરના પ્રતિબંધના કરાર પર સહી સિક્કા કર્યા. નોંધ લેવા જેવી બાબત એ છે કે અણુશસ્ત્રો ધરાવનાર નવ દેશોએ તે કરાર પર સહી કરવાનો વિરોધ કર્યો. અને ભારત તેમાંનું એક રાષ્ટ્ર હતું. તે બેઠકના પ્રેસિડન્ટ કોસ્ટા રીકાના Elayne Whyte Gomez કહેલું, “આપણે અણુશસ્ત્રોથી મુક્ત જગત બનાવવા માટેનાં પહેલાં બીજ વાવી દીધાં છે. આપણે આપણી આવનારી પેઢીને આ દ્વારા  કહીએ છીએ કે અણુશસ્રોથી મુક્ત એવું વિશ્વ વારસામાં મૂકી જવું શક્ય છે.” સવાલ એ છે કે ભારતે આ કરાર પર સહી કેમ ન કરી? જે દેશોએ આ સમજૂતી પર સહી નથી કરી તે દેશની પ્રજાની ફરજ બને છે કે તે પોતાની સરકારોને માનવે શોધેલા આવા વિનાશક શસ્ત્રોને અને તેવી ઘાતક વિચારધારાને ખતમ કરે. વધુ રસ ધરાવનાર આ કરાર www.un.org/disarmament/ptnw પર વાંચી શકશે.

અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”

30 જાન્યુઆરી 1948 – ગાંધીજીના અંતિમ દિવસે અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બ્યોર્ક વ્હાઇટે તેમને પૂછ્યું, “તમે અમેરિકાને એટોમિક બૉમ્બ બનાવવાનું છોડી દેવાની સલાહ આપો ખરા?”  ગાંધીનો ઉત્તર હતો, “નિશ્ચિત પણે. હાલ જે પરિસ્થિતિ છે તે જુઓ. યુદ્ધનો અંત બહુ ખરાબ રીતે આવ્યો અને વિજેતાઓ ઈર્ષા અને સત્તા લોલુપતામાં વિલુપ્ત થઈ ગયા. ત્રીજા વિશ્વ યુદ્ધના પ્રચારનો પ્રારંભ થઈ ચુક્યો છે. અહિંસા એટોમિક બૉમ્બ કરતાં અનેકગણું વધુ શક્તિશાળી શસ્ત્ર છે.”   ગાંધીજીનાં આ વિધાનો પર વિશ્વાસ ન બેસતો હોય તો છેલ્લાં 75 વર્ષનો દુનિયાનો ઇતિહાસ જોઈને કહો કે કયા યુદ્ધથી કાયમી શાંતિ અને પરસ્પર વિશ્વાસની લાગણી સ્થપાઈ છે?

ગાંધી નિર્વાણને 70 વર્ષ થવા આવ્યાં અને આજે વિશ્વ શાંતિ ખરેખર જોખમાઈ રહી છે ત્યારે કોસ્ટા રીકાને વિનંતી કરીએ કે તે દુનિયાના બીજા દેશોને શસ્ત્રો બનવવાની અને તેના ઉપયોગની વિફળતા વિષે સમજ આપવામાં આગેવાની કરે અને માનવ જાતને મહા વિનાશ તરફ ધસી જતી અટકાવે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,2673,2683,2693,270...3,2803,2903,300...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved