૧૯૯૪માં બાબરી મસ્જિદના કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે રાજકીય ઉદ્દેશો માટે શાસકો અને રાજકીય પક્ષો ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે એમાં દેશનું કલ્યાણ છે.
એ સમયે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સર્વોચ્ચ અદાલત પાસેથી અભિપ્રાય માગ્યો હતો કે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર કે બીજું કોઈ સ્થાપત્ય હતું કે નહીં અને બાબરી મસ્જિદ એ સ્થાપત્યને તોડીને બાંધવામાં આવી હતી કે કેમ? એ દરમ્યાન ભારત સરકારે બાબરી મસ્જિદ વિશેના વિવિધ અદાલતોમાં જેટલા કેસ પડ્યા હતા એ બધાને બાજુએ હડસેલી દેવાની અને વિવાદાસ્પદ અને બિનવિવાદાસ્પદ એમ બધી જ જમીનનો કબજો લેવાની તજવીજ કરી હતી.

જ્યારે કોઈ મામલો ગૂંચવાયેલો હોય અને રસ્તો ન નીકળતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલત પાસેથી માર્ગદર્શન માગવાનો રાષ્ટ્રપતિ બંધારણના આર્ટિકલ ૧૪૩(૧) હેઠળ અધિકાર ધરાવે છે અને સર્વોચ્ચ અદાલત તથ્યોનો અભ્યાસ કરીને સરકારને મદદ કરે છે. બંધારણીય ભાષામાં આને પ્રેસિડેન્શિયલ રેફરન્સ કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતની મદદ વાસ્તવમાં કેન્દ્ર સરકાર માગતી હોય છે જે રાષ્ટ્રપતિના નામે માગવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ રાજ્યના વડા (હેડ ઑફ ધ સ્ટેટ) છે.
અયોધ્યાના મામલામાં જ્યારે પ્રેસિડેન્શિયલ રેફરન્સ માગવામાં આવ્યો ત્યારે જ દેશમાં ભારે ઊહાપોહ થયો હતો અને વ્યાપક માગણી થઈ હતી કે અદાલતે રેફરન્સ પાછો કરી દેવો જોઈએ. ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી, અદાલતમાં જે જજો બેસે છે એ કાયદાના તેમ જ બંધારણના જાણકાર છે અને એ જ તેમનું કામ છે. તેઓ નથી ઇતિહાસકાર કે નથી પુરાતત્ત્વવિદ અને માનો કે કોઈ જજ ઇતિહાસ અને પુરાતત્ત્વનો જાણકાર હોય તો પણ અદાલત તેના માટેનો મંચ નથી. બાબરી મસ્જિદની જગ્યાએ કયું સ્થાપત્ય હતું અને એ પહેલાં કયું સ્થાપત્ય હતું એની કડાકૂટમાં પડવાની અદાલતને જરૂર પણ નથી અને એ એનું કામ પણ નથી. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો પણ ક્યાં ખાતરીપૂર્વક કહી શકે છે કે ક્યાં શું હતું અને ક્યારે કેવી ઘટના બની હતી. બીજો મુદ્દો એ હતો કે ઇતિહાસમાં ક્યાં સુધી ન્યાય તોળતા પાછા જવાનું? છસો વરસ જૂના બાબરીના વિવાદ વિશે અભિપ્રાય આપશો તો કાલે કોઈ બે હજાર વરસ જૂનો ઇતિહાસનો ઝઘડો અદાલતમાં લઈ આવશે.
પ્રબુદ્ધ જનતાનો અને બંધારણના જાણકારોનો સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે જ્યારે ભારતીય રાજ્ય એના બંધારણ સાથે અસ્તિત્વમાં આવ્યું એ પછીથી વિવાદોની બાબતમાં અદાલતોની ભૂમિકા શરૂ થાય છે, એ પહેલાં નહીં; સિવાય કે કોઈ ઝઘડો અદાલતમાં અંગ્રેજોના સમયથી પડ્યો હોય અને ન્યાયની પ્રતીક્ષા કરતો હોય. ફોજદારી અને દીવાની કાયદા હેઠળના અંગ્રેજોના વારાના પેન્ડિંગ કેસો અદાલતોએ સાંભળવા જોઈએ, પરંતુ ઇતિહાસ ઉખેળીને પેદા કરવામાં આવતા ઝઘડાઓનો નિકાલ કરવાનું કામ અદાલતોનું નથી.
તો બે મુદ્દા હતા. એક તો ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશે અભિપ્રાય આપવા એ અદાલતનો વિષય નથી અને બીજો, ભારતીય રાજ્યની સ્થાપના પહેલાંના અતીતમાં પાછા ફરવાની અદાલતને કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકાર પ્રેસિડેન્શિયલ રેફરન્સ દ્વારા મામલો અદાલતમાં ધકેલીને અને વિવાદાસ્પદ જમીન કબજે કરીને હાથ ખંખેરી નાખવા માગતી હતી. આઝાદી પહેલાંના અને પછીના ટાઇટલ વિશેના બધા કેસ સંકેલી લેવડાવવા પાછળ પણ એ જ ઇરાદો હતો. જેના પક્ષે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે એને જમીન આપી દેવાની અને એ સાથે જૂના ઝઘડાનો અંત આવે. જે થવું હશે એ સર્વોચ્ચ અદાલતમાં થશે અને સરકાર ઝંઝટ અને જવાબદારીથી મુક્ત થઈ જશે.
સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠને સમજાઈ ગયું હતું કે કેન્દ્ર સરકારનો ઇરાદો બળતું ઘર સર્વોચ્ચ અદાલતને હવાલે કરીને હાથ ખંખેરી નાખવાનો છે. એને એ પણ સમજાઈ ગયું હતું કે ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી. ખંડપીઠે ઉપર કહી એ બન્ને દલીલ ધ્યાનમાં લીધી હતી અને પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ ત્યારે પ્રારંભમાં કહી એવી નુક્તેચીની કરી હતી કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી. અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે.
છેલ્લું વાક્ય ફરી વાંચો – અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અયોધ્યાવિવાદ શ્રદ્ધાનો છે એના કરતાં ભૌતિક વધુ છે, બલકે ભૌતિક જ છે અને શ્રદ્ધાનો તો પાછળથી રંગ ઉમેરવામાં આવ્યો છે. અયોધ્યામાં જ્યાં મસ્જિદ હતી એ ઇમારતની માલિકી વિશે, એમાં કરવામાં આવેલા પગપેસારા વિશે, એની પોણાત્રણ એકર જમીન વિશે, એની આજુબાજુમાં આવેલી ૭૭ એકર જમીન વિશે આઝાદી પહેલાંથી અને પછીથી ઝઘડા ચાલે છે અને દાયકાઓથી અદાલતોમાં કેસ પડ્યા છે. આ બધા કેસ માલિકીને લગતા ટાઇટલ સૂટ છે અર્થાત ભૌતિક અસ્કામતોના છે. ૧૯૯૪માં ભારત સરકાર આ બધા કેસોને આટોપી લેવડાવવા માગતી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતના જજો રાજકીય રમત પામી ગયા હતા એટલે તેમણે કહ્યું હતું કે અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.
૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી જે મામલો અદાલત સમક્ષ છે એ અયોધ્યામાં બાબરી મસ્જિદની અસ્કામતોની માલિકીને લગતો છે, એને મંદિર કે મસ્જિદ અને એની સાથેની શ્રદ્ધા સાથે લેવાદેવા નથી. બન્ને પક્ષકારો; સુનની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડો પણ સ્થાવર મિલકત પરની માલિકીનો દાવો કરે છે. ટાઇટલ વિશેનો એક ચુકાદો ૨૦૧૦ની સાલમાં અલાહાબાદની વડી અદાલતે આપ્યો હતો જેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
રાજકારણીઓ આખરે રાજકારણીઓ હોય છે. અસ્કામતની માલિકી વિશેના કેસનો રાજકીય લાભ લેવાની પેરવી કરવામાં આવી રહી છે અને બાબરી મસ્જિદની પચીસમી વરસીની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો બાખડી પડ્યા હતા. સવાલ એવો હતો કે સર્વોચ્ચ અદાલતે કેસના મેરિટથી દોરવાઈને ચાલવું જોઈએ કે પછી એનાં રાજકીય પરિણામોથી? આની વધુ ચર્ચા આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 ડિસેમ્બર 2017
![]()



આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.
નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.
સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.