Opinion Magazine
Number of visits: 9766538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Better See a Good Doctor !

Mahendra Shah|Opinion - Cartoon|21 January 2018

courtesy : Mahendrabhai Shah, USA

Loading

ભયગ્રસ્ત માનસિકતાની આપકમાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 January 2018

સંઘનું સમર્થન હટી જાય – એની સંગઠનાત્મક પકડ છૂટી જાય તે પછી વગદાર પક્ષ તરીકે ભાજપનું વજૂદ કેટલું ?

એ પણ દિવસો હતા; આ પણ દિવસો છે: પ્રવીણ તોગડિયાના એક શબ્દે ‘બંધ’ જડબેસલાક ઝળહળતો. આજે એ પોતે એન્કાઉન્ટરનો ભોગ બનવાની આશંકા અનુભવે છે. ક્યારેક હર એન્કાઉન્ટર હર હર મહાદેવની ઘાટીએ દેશભક્તિની ધડબડાટી બનીને આવતો. ક્યારેક, કોઈ પણ સંજોગોમાં અંતિમ અટ્ટહાસ્ય એમને સારુ આરક્ષિત મનાતું. આજે ચાલુ પ્રેસ મીટે અનાયાસ અશ્રુધાર અપરંપાર રેલાય છે. એ પણ દિવસો હતા જ્યારે કથિત પલાયન અગર ગેરિલા ગુમનામી પ્રવીણના પરાક્રમમાં ખતવાઈ હોત; અને આ પણ દિવસો છે જ્યારે એ તોગડિયાના તરકટ કે ત્રાગામાંયે ખતવાઈ શકે છે.

ના, તોગડિયાની દયા ખાવા અગર હાંસી ઉડાવવા વાસ્તે આ ઉપાડ ને ઉઘાડ નથી કીધો. માત્ર, જે પ્રકારની રાજનીતિ સંઘ પરિવારે એંશીનાં વરસો ઉતરતે શરૂ કરી તે દિલ્હી પહોંચતે પહોંચતે પણ (અને પહોંચવાની પ્રક્રિયામાં પણ) એક પછી એક નવું પાતાળ કેવી રીતે હાંસલ કરી શકે છે એનું એક ચિત્ર આપવાનો ખયાલ ખસૂસ છે.

હવે એ હકીકત ખાસ છાની નથી રહી કે સંઘ શ્રેષ્ઠીઓ વિશ્વ હિંદુ પરિષદના શીર્ષસ્થાનેથી તોગડિયા અને એમના ભિલ્લુ રાઘવ રેડ્ડીને હટાવવા ઇચ્છે છે. ડિસેમ્બર ઉતરતે વી. કોકજેને વિ.હિં.પ.ના અધ્યક્ષ બનાવી તોગડિયા મુક્તિમાં આગે બઢવાની સંઘ શ્રેષ્ઠીઓની ગણતરી હતી. હવે ફેબ્રુઆરી ઉતરતે ફેંસલો થઈ જશે, અને એ ઓપરેશન વાસ્તે સર્જરી અને એનેસ્થેિસયા સહિતનો તામઝામ બધો વિશ્વ હિંદુ પરિષદની બોર્ડ મિટિંગમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી વગેરે હસ્તક હોવાનો છે. માત્ર વિ.હિં.પ. જ નહીં પણ ભારતીય મજદૂર સંઘે અને ભારતીય કિસાન સંઘે પણ પોતપોતાના સંદર્ભમાં આવી કારવાઈ સારુ તૈયાર રહેવાનું છે એમ જાણકારો કહે છે.

કારણ એટલું જ કે 2019ની લોકસભાની ચૂંટણી આગમચ નાગપુર ઠીક ઠીક વેળાસર મોદી ભા.જ.પ. વિરોધી હોઈ શકતા ચાવીરૂપ સંગઠન-સાથીઓને ખસેડવા માગે છે. મે 2014માં જે હાંસલ થયું તે મે 2019માં જળવાઈ રહે એટલું જ નહીં પણ આગળ વધે એમાં અવરોધરૂપ હોઈ શકતાં વ્યક્તિત્વોને ટાળવાની ગણતરી છે. જનસંઘના વારામાં મૌલિચંદ્ર શર્માથી માંડીને બલરાજ મધોક સહિતનાઓને અને ભા.જ.પ.ના વારામાં ખુદ અડવાણીને ઘેર બેસવાનો કે સાઇડલાઇન થવાનો સિલસિલો આ ક્ષણે સાંભરે તે સ્વાભાવિક છે.

જૂના કેસો અને કિસ્સાઓની તપસીલમાં નહીં જતાં હમણાં તો એટલું જ કહીશું કે સત્તાનો સીધો સ્વાદ લીધા પછી નાગપુર દિલ્હી ખોવા તૈયાર નથી અને આ ક્ષણે આગળ કરી શકાય એવો જે ચહેરો છે એની સગવડ સાચવવા તોગડિયા આદિને ખસેડવા બાબતે એ ચોક્કસ છે. ભારતીય મજદૂર સંઘને હાલના હુકમરાનો સામે કામદારોની છટણી અને બીજી હાલાકીઓ બાબત ફરિયાદ હોય કે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની આત્મહત્યા લગીની બેહાલી બાબતે સચિંત હોય અગર તો તોગડિયા ભવ્ય રામ મંદિરના નિર્માણને મુદ્દે આશંકિત અને લાલાયિત હોય, આ ક્ષણે 2019 સંદર્ભે મોદી-અમિતનો રસ્તો સાફ કરવો એ નાગપુરની પહેલી (અને અત્યારે તો એકમાત્ર જેવી) પ્રાથમિક્તા છે. દેખીતું છે કે, 2018ના વરસમાં પ્રવીણ તોગડિયા જો ‘સેફ્રોન રિફ્લેક્શન્સ: ફેઇસિઝ ઍન્ડ માસ્ક્્સ’ લઈને આવવાના હોય તો છેલ્લા અઢી દાયકાનું આરપાર દર્શન એવી વિગતોએ ભરેલું અને ભારેલું હશે જે હિંદુત્વ રાજનીતિના અંતરંગ આટાપાટાની અંગત અંગત વાત સાથે મોહભંગવત્ સોપો પાડી દે.

દેખીતી રીતે જ, ‘હિંદુ’ દૃઢીકરણ અને વિકાસનો વરખ મળીને એકત્રીસ ટકે દિલ્હી સર કરવાની હાલની પરિસ્થિતિમાં ગુજરાતનો તાજો પરચો જોયા પછી – મોદી ભા.જ.પ. કે નાગપુર કોઈ જોખમ લેવા માગતા નથી. રામ મંદિર આદિ પર વધુ ભાર મૂકવાનું વ્યૂહાત્મક રીતે કેટલી હદે પાલવે ન પાલવે (અને આ મુદ્દો કેટલી યારી આપે ન આપે) એ ખબર ન હોય ત્યારે મુદ્દાને ખપ જોગો સળગતો અને ખપ જોગો માપમાં રાખવા રહે. વિ.હિં.પ.-બજરંગ તત્ત્વો વ્યૂહાત્મક સંયમ કેટલો રાખી શકે?

સંઘની મુશ્કેલી એ છે કે ભા.જ.પ.ને કંઈક મોકળાશ આપ્યા વગર ચાલે એમ નથી, અને વિ.હિં.પ.-બજરંગનાં લુમ્પન તત્ત્વો બધો વખત કહ્યામાં રહી શકે એમ નથી. 2002-03 પછી કોઈક તબક્કે શરૂ થયેલું મોદી-તોગડિયા અંતર હવે એક અંતિમે પહોંચવામાં છે એમાં કોઈ જો વિ.હિં.પ.નિરપેક્ષ એવો ભા.જ.પ.વિકાસ કલ્પે અથવા ભા.જ.પ. સંઘ સાથેનો નાભિસમ્બન્ધ તોડી નવેસર વિચાર કરતો થાય એવી શક્યતા કલ્પે તો એ સમજી શકાય એમ છે. પણ કટ્ટર વિચાર અને સુદૃઢ સંગઠન જોતાં આ નાભિનાતો ઢીલો પડતો લાગે તો પણ કોઈ મૂળભૂત પરિવર્તનથી શક્યતા અસંભવવત્ છે.

પૂર્વે બલરાજ મધોક, પછી અડવાણી અને હવે પ્રવીણ તોગડિયા, આ સૌના ઓછાવત્તા દૂરાવ અગર હટાવ પછી અને છતાં આખી ચર્ચામાં પાયાનો વિગતમુદ્દો એ રહે છે કે ત્રણે હિંદુત્વ પરત્વે પ્રતિબધ્ધ છે. એમણે, અડવાણીએ ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’નું રૂપાળું ઝભલું સજાવ્યું ત્યારે સુધ્ધાં, આ બાબતે કોઈ મૂળભૂત પુનર્વિચારની જરૂરત પ્રમાણી નથી. વાજપેયીએ પ્રસંગોપાત કેટલાંક ઇંગિત કર્યાં હશે, પણ વાત આગળ ચાલી નથી. સંઘનું સમર્થન વાસ્તવમાં હટી જાય અને એની સંગઠનાત્મક પકડ (મધોકે જેને ‘ફાસીવાદ’નું નામ આપ્યું હતું) છૂટી જાય તે પછી ભા.જ.પ.નું એક વગદાર પક્ષ તરીકેનું કોઈ વજૂદ ભાગ્યે જ બચી શકે.

પ્રવીણ તોગડિયા જો ભય અનુભવતા હોય તો એમને એ ખયાલ હોવો જોઈએ કે એક પ્રજા તરીકે આપણે ત્યાં ભયનું અને કેમ જાણે બધો વખત ઘેરામાં (અંડર સીજ) હોઈએ તેવું સમૂહ માનસ એમના પોતાના સંઘ પરિવાર હસ્તક ખાસું બનેલું છે. તે સાથે, લાંબી ચર્ચામાં નહીં જતાં અહીં એ એક નિરીક્ષણ પણ નોંધીશું કે હિંદુ બહુમતી જાણે કે કશાકનો ભોગ બની રહી હોય એવો એક વિક્ટિમાઇઝ થયાનો તેમ જ પરસિક્યુશન કૉમ્પ્લેક્સ કારગતપણે સ્થાયી ભાવ જેવો બની ગયો છે.

મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને, પછીથી, વાસ્તવિક્તાની ગરજ રહેતી નથી. વસ્તુત: આ પરિવારની પોતાની કમાણી છે. આવું માનસ જેમ બહારનાઓને, બીજાઓને આક્રાન્ત કરે છે તેમ અંદરનાઓને, પોતાનાઓને પણ આક્રાન્ત કરે છે. વણઝારા તોગડિયાની ખબર પૂછવા ગયા હોવાના હેવાલો છે. એમની વચ્ચેની વાતચીત આપણે જાણતા નથી, પણ ફેક એન્કાઉન્ટરો અને દેશભક્તિના રસાયણે ભયના માહોલને કેવો આમળો ચઢાવ્યો કે આથો આપ્યો એની થોડી પર્યાવરણી ચર્ચા એમની વચ્ચે થઈ હોય તો કેવું સારું!

ખબર પૂછવા એમ તો હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ ગયા હતા. બીજાં સમીકરણોનું તો સમજ્યા મારા ભૈ, પણ તોગડિયા અને એમની વચ્ચે હિંદુત્વ રાજનીતિની મર્યાદાઓ વિશે થોડીકે દિલખુલાસ બહસ હમણાં નહીં તો પણ આ ગાળામાં વહેલી તકે થાય તે ઈષ્ટ છે. એક જ રાજનીતિના બે ભાગિયા, ક્યારેક તો બિલકુલ બરોબરીના, આજે એક ટોચ પર ને બીજો પાતાળે ચંપાતો, એવું કેમ. અને હા, નકરું પટેલ દૃઢીકરણ કે મંદિરે મંદિરે ઢૂંકતું સૉફ્ટ હિંદુત્વ, એ પણ ચર્ચાનો વિષય તો ખરો જ ખરો.

સૌજન્ય : ‘નાભિસંબંધ’, “દિવ્ય ભાસ્કર”, 20 જાન્યુઆરી 2018

1કાર્ટૂન સૌજન્ય : 'Business as Usual', EP Unny, "ઇન્ડિયન એક્સપ્રેસ", 18 જાન્યુઆરી 2018

Loading

ઉના-આંદોલનના નેતૃત્વ નિમિત્તે – ખુલ્લી ચર્ચા માટે

હિરેન ગાંધી|Samantar Gujarat - Samantar|20 January 2018

ઉના-આંદોલન. ગુજરાતમાં લગભગ દોઢેક વર્ષ પહેલાં ચાલેલું ‘દલિત અત્યાચારવિરોધી’ આંદોલન. આજે તો એ ‘રાષ્ટ્રીય દલિત અધિકારમંચ’નું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અત્યારે આપણે એ આંદોલનની ગતિવિધિઓ અને પરિણામો વિશે ચર્ચા નથી કરવી. ચર્ચા કરવી છે એ આંદોલન નિમિત્તે ઊભરેલા નેતૃત્વ અને એના નિમિત્તે થયેલી માંગણીઓ વિશે. આપણે જાણીએ છીએ કે દલિત અત્યાચારવિરોધી આંદોલનો દેશમાં જ્યારે જ્યારે થાય છે, ત્યારે સામાન્ય રીતે પીડિતોને ન્યાયની માંગણી જ મુખ્ય અને આખરી બની રહે છે. ઉના-આંદોલન દરમિયાન શરૂઆતમાં જ ‘ન્યાય’ ઉપરાંત પણ એક નવી માંગ ઊઠી. એ માંગ હતી જમીન-સુધારણા સમયે દલિતોને ફાળવાયેલી અને ત્યાર બાદ પણ વધેલી જમીનો દલિતોને ફળવાય, એ સંદર્ભની માંગણી. આ માંગ માટે સલામ છે એ આંદોલનના નેતૃત્વને. એણે તત્કાલ ‘ન્યાય’ની સાથે સાથે દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતા અને સામાજિક, આર્થિક ક્ષેત્રે છેવાડે રહી ગયેલ દલિત-સમુદાય સાથે થતાં અન્યાય અને અત્યાચારનાં કારણોના મૂળ આધારને નાબૂદ કરવાની માંગણી ઉઠાવી.

આમતૌર પર દલિતો ઉપર થતાં અત્યાચારો, અન્યાયો માટે માત્ર સમાજની સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના મૂળમાં (આધાર સમી) માત્ર સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થા નથી; પરંતુ અર્થવ્યવસ્થા અને તેના દ્વારા ઉપલા વર્ગોને મળતી સત્તા સ્વહસ્તક રાખવાની નેમ છે. જો કે, સામાન્ય રીતે દલિત અત્યાચારવિરોધી આંદોલનો આ સૌથી મૂળગત મુદ્દાને ઉજાગર કરવાનું ચૂકી જતાં હોય છે; પરંતુ ‘ઉના-આંદોલન’નું યુવાનેતૃત્વ એ ન ચૂક્યું. એણે આંદોલન શરૂ કરતાં જ આ મુદ્દાને જોરશોરથી સમાજ સામે મૂક્યો. અહીં આપણે અન્ય એક અપવાદરૂપ દલિત-આંદોલનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. એ આંદોલન હતું લગભગ સાઠના દાયકાની મધ્યમાં, દેશનાં કેટલાંક રાજ્યોમાં ઊભરેલું અને લગભગ એકાદ દાયકા લગી ચાલેલું – ‘દલિત પેન્થર્સ’નું આંદોલન; ગુજરાતમાં પણ એ આંદોલન ચાલેલું. એ આંદોલન દરમિયાન (સ્વ.) રમેશચન્દ્ર પરમાર,  વાલજીભાઈ પટેલ જેવા તે સમયના યુવા નેતાઓએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એ આંદોલને પણ દલિતોના ‘જમીન-અધિકાર’ના સવાલને આક્રોશપૂર્ણ રીતે બહાર આણેલો.  વાલજીભાઈ તથા રાજુ સોલંકી જેવા દલિત કર્મશીલો આજે પણ પોતાની રીતે આ મુદ્દા ઉપર ખાસ્સું કામ કરી રહ્યા છે.

ફરી આપણે ઉના-આંદોલનના યુવાનેતૃત્વ અને માંગણીઓ ઉપર આવીએ. અન્ય અત્યાચારવિરોધી આંદોલનોની જેમ એ આંદોલન પણ ક્રમશઃ શમવા માંડ્યું. એમાં દોષ એના નેતૃત્વનો હતો. આંદોલનમાંથી ઊઠેલી ‘જમીન-અધિકાર’ની માંગણીને વ્યવસ્થિત રીતે આગળ કરીને, આંદોલનને વિકસાવવાને બદલે, તે સમયે ગુજરાતમાં ચાલતાં અન્ય યુવા નેતાઓનાં બે આંદોલનો – ‘પાટીદાર અનામત-આંદોલન’ અને ઓ.બી.સી.(અન્ય પછાતવર્ગો)નું ‘અનામત બચાઓ આંદોલન’ – સાથે ગઠબંધનની તજવીજમાં એ નેતૃત્વ પડ્યું. કેમ કે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી. ત્રણેય આંદોલનોના યુવાનેતૃત્વની નજર પોતાનાં આંદોલનોની માંગણીઓ પરથી હટવા માંડી અને પોતાની વ્યક્તિગત રાજનૈતિક સત્તાની એષણા ભણી ઢળવા માંડી. ‘દલિતોના જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માંગ ઉઠાવનાર આક્રોશભર્યા દલિત- આંદોલનના યુવા નેતાએ, ઓ.બી.સી. આંદોલનમાં એના નેતાએ ઉઠાવેલી એક માંગ હતી ગુજરાતમાં ‘દારૂબંધીનો કડક અમલ’; એ માંગને સમર્થન જાહેર કર્યું અને એને પોતાના એજન્ડામાં સામેલ કરી.

આશ્ચર્યજનક અને આઘાતજનક હતી ઉના-આંદોલનના નેતાની આ વર્તણૂક. ક્યાં દલિતો માટે ‘જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માગણી અને ક્યાં ‘દારૂબંધીના કડક અમલ’ માટેની કાનૂની વ્યવસ્થા સુધારણાની માગણી. હા, દલિતો ઉપર થતાં અત્યાચારો સંબંધે બનેલ કાનૂનોના ચુસ્ત અમલ સંદર્ભે કાનૂની વ્યવસ્થા-સુધારણાની માંગ થઈ હોત તો બરાબર; પરંતુ આ તો દારૂ જેવા સામાજિક-સાંસ્કૃિતક દૂષણ અને ‘દારૂબંધી’ના કાયદાના અમલ સંદર્ભે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. વળી, આવી દલિત-અત્યાચાર સાથે અસંબદ્ધ માંગણી મૂળ મુદ્દાથી ધ્યાન હટાવનારી પણ હતી. આવું એટલા માટે બન્યું કે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ આ ત્રણેય વાજબી આંદોલનોના યુવાનેતૃત્વના દિલમાં આંદોલનના મૂળમાંના મુદ્દાઓ કરતાં વ્યક્તિગત રાજનૈતિક કારકિર્દી, વધારે મહત્ત્વની હતી. આ વાસ્તવિકતા કદાચ એકવીસમી સદી દરમિયાન આપણા ગુજરાત અને દેશમાં ઊભરેલાં મોટા ભાગનાં આંદોલનોના નેતૃત્વની કરુણતા છે.

વિધાનસભાની ચૂંટણીઓમાં આ ત્રણેય આંદોલનોના યુવા નેતાઓમાંથી બે ચૂંટણી લડ્યા. (ત્રીજા નેતા ઓછી ઉંમરને કારણે ઉમેદવારી કરી શકે તેમ નહોતા) બન્ને ચૂંટણી જીત્યા. એક વિરોધપક્ષના ઉમેદવાર બનીને અને બીજા વિરોધપક્ષના પ્રત્યક્ષ સમર્થનથી. ‘ઉના આંદોલન’ના નેતાની પ્રસિધ્ધિ માધ્યમોને કારણે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી હતી. ધારાસભ્ય તરીકેની જીત પછી દલિત યુવા નેતાએ પોતાના ગ્રામીણ મતવિસ્તારના જિલ્લામથકે કલેક્ટરને વિસ્તારના રોડ-રસ્તા સુધારવા નિવેદન આપ્યું અને પછી તરત જ અમદાવાદ જેવા શહેરના બે શ્રમજીવી, નિમ્ન અને મધ્યમવર્ગના વિસ્તારોમાં એમની સ્વાગત-સભાઓ દરમિયાન અણધારી રીતે એ વિસ્તારોમાં ચાલતાં દારૂના અડ્ડાઓ વિરૂદ્ધ નાનકડાં આંદોલનો છેડ્યાં; તેમ જ અમદાવાદ શહેરના ઉપરી પોલીસ-અધિકારીને દારૂના અડ્ડા બંધ કરવાની ઉગ્ર રજૂઆતો કરી.

આ જ અરસામાં મહારાષ્ટ્રના કોરેગાંવમાં બસ્સો વર્ષ પહેલાં સન ૧૮૧૮ની ૧ જાન્યુઆરીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને ત્યાંના રાજકર્તા બ્રાહ્મણ પેશ્વાની વચ્ચેના યુદ્ધમાં, કંપની સૈન્યના દલિત સૈનિકોનાં અપ્રતીમ પરાક્રમો અને બહાદુરીને કારણે કંપની (બ્રિટિશ) સૈન્યની જીત થઈ હતી. સમય જતાં, છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાંના દલિતો, બ્રાહ્મણો ઉપરની પોતાની એ જીતને ‘વિજય દિવસ’ તરીકે ઊજવે છે. ઉના-આંદોલનના યુવા દલિત નેતા આ ‘વિજય દિવસ’ના સંમેલનમાં મહેમાન તરીકે ગયા. અલબત્ત, ઊના-આંદોલનને એ ઉજવણી સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ એ આંદોલને સર્જેલા નેતૃત્વનાં વલણો સમજવા આ ઘટના મહત્ત્વની છે.

થોડા ધ્યાનથી જોઈએ તો – ભારતને સંસ્થાન (ગુલામ) બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે બ્રિટિશર્સ(ઈસ્ટ ઇન્ડિયા કંપની)નું સૈન્ય, ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં શાસનકર્તાં રજવાડાંઓ સાથે યુદ્ધો કરી, તેમને હરાવી એ પ્રદેશોને પોતાની સત્તા નીચે લાવતા હતા; પેશ્વા સાથે પણ કંપનીસૈન્યે કોરેગાંવનું યુદ્ધ કરી પેશ્વાને હરાવ્યા અને એમના રાજ્યને પોતાનું ગુલામ બનાવેલું. હવે જો કંપની સૈન્યમાં મહાર (દલિત) સૈનિકો હતા તો એ તો પોતાની રોજગારી માટે સૈનિક તરીકે નોકરી કરતા હતા. વળી યુદ્ધ તો કંપનીના સ્વાર્થ અને ભારતને ગુલામ બનાવવાના ભાગરૂપે હતું. એ યુદ્ધ દરમિયાન કંપની જીતી અને પેશ્વા હાર્યા તો એને દલિતોનો બ્રાહ્મણો ઉપર વિજય કઈ રીતે માની શકાય? અને આમ છતાં, ત્યાંના દલિતો એ દિવસને ‘વિજય દિન’ તરીકે જોરશોરથી, ઢોલ-નગારાં સાથે રંગેચંગે ઊજવે છે. આ ઉજવણીને યોગ્ય ઠેરવવા ત્યાંના આયોજકો ડૉ. બાબાસાહેબ આંબેડકરે એક વખત દલિતોના આ વિજયને બિરદાવ્યાનો હવાલો આપે છે. બની શકે કે બાબાસાહેબનો સમય અલગ હતો. દેશભરના દલિતોના ઉત્થાન માટે એમણે આંદોલનો છેડ્યાં હતાં, લખાણો લખ્યાં હતાં, ચિંતન-મનનો કર્યાં હતાં. મહારાષ્ટ્રમાં દલિતોને એકત્રિત અને જાગૃત કરવાની રણનીતિના ભાગ રૂપે એમણે દલિત વિજય તરીકે એ યુદ્ધમાં વિજયને બિરદાવ્યો હોય. બાબાસાહેબના જીવનચરિત્રના આલેખક ધનંજય કીરે એક સ્થળે નોંધ્યું છે કે – “આંબેડકરે આ વર્ષ(૧૯૨૭)ના કાર્યની શરૂઆત કોરેગાંવ યુદ્ધસ્મારકની સામે યોજાયેલ સભાથી કરી.” એ સભામાંના ભાષણ દરમિયાન ડૉ. આંબેડકરે કહ્યું કે – “… મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કાંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી, એ સાચું, પણ એ લોકોએ અંગ્રેજોને મદદ શા માટે કરી? અસ્પૃશ્ય હિન્દુઓએ એમને નીચ ગણીને કૂતરાં – બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી, એટલા માટે! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે …”

આપણે ફરી આપણી મૂળ વાત ઉપર આવીએ. ઉના-આંદોલનથી ઊભરેલા ગુજરાતના યુવા દલિત નેતાને મહેમાન તરીકે આમંત્રણ મળ્યું; અને એમણે ત્યાં વક્તવ્ય આપ્યું. આ સમગ્ર ઘટનામાં વિવાદાસ્પદ મુદ્દો એ છે કે એક સુશિક્ષિત યુવા નેતાએ આ પ્રકારની ઉજવણીમાં ભાગીદારી કરવી જોઈએ? આ ‘વિજય દિવસ’ પોતે જ એક વિવાદાસ્પદ ઘટના નથી? જો કે ઇતિહાસને એના પૂરા પરિપ્રેક્ષ્યમાં નાણ્યા-જાણ્યા વિના આવી ઉજવણીઓ કરવી દલિત અથવા કોઈ પણ શોષિત સમુદાય માટે એ ભાવનાત્મક બાબત છે; પરંતુ શિક્ષિત, જાગૃત, બુદ્ધિજીવીઓ માટે એ ચર્ચા-વિવાદોનો મુદ્દો છે જ. વળી, રાજનૈતિક નેતાઓ માટે તો એ શોષિત સમુદાયની ભ્રમિત ભાવનાઓના તુષ્ટિકરણનો મુદ્દો પણ બની રહે છે. ઉના-આંદોલનના નિમિત્તે એની માંગણીઓ અને યુવા નેતાનાં વલણો વિશે આ બે-ત્રણ મુદ્દા લાંબી અને વિષદ ચર્ચાઓ માટે જરૂરી લાગ્યા, તેથી આ લખાણ. અપેક્ષા છે કે આ સંદર્ભે જરૂરી ચર્ચાઓ થાય, મતમતાંતરો, અભિપ્રાયોની જાહેરમાં આપ-લે થાય.

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 05-06 

Loading

...102030...3,2593,2603,2613,262...3,2703,2803,290...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved