Opinion Magazine
Number of visits: 9766868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાનની વિલ્સન પેન અને પેન-મેકર દ્વારકાદાસ સંઘવી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 January 2018

પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ શા માટે? સાદો જવાબ એ કે, એ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું એટલે, પણ અઘરો સવાલ એ કે, 26 જાન્યુઆરી, 1950 જ શા માટે? 31 જાન્યુઆરી કે 1લી ફેબ્રુઆરી કેમ નહીં? વાત લાંબી છે, પણ ટૂંકમાં જવાબ એ કે, 26 જાન્યુઆરી ‘પૂર્ણ સ્વરાજ’ની પણ સાલગિરાહ હતી. ભારતીય નેશનલ કૉંગ્રેસે ડિસેમ્બર 1929ના એના રાષ્ટ્રીય અધિવેશનમાં ઠરાવ પસાર કર્યો હતો કે, જાન્યુઆરી 1930ના અંતિમ રવિવારથી ભારતમાં સંપૂર્ણપણે સ્વ-તંત્ર હશે. યોગાનુયોગ છેલ્લા રવિવારે 26 જાન્યુઆરી હતી.

આમ તો ભારત બ્રિટિશ શાસનમાંથી 15 ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયું હતું, પણ ત્યારે એનું સંવિધાન તૈયાર ન હતું. સંવિધાનનો પહેલો ડ્રાફ્ટ નેશનલ એસેમ્બ્લીને 4 નવેમ્બર, 1947ના રોજ પેશ કરવામાં આવ્યો હતો. એસેમ્બ્લીએ અંતિમ ઇંગ્લિશ અને હિન્દી ડ્રાફ્ટ 24 જાન્યુઆરી, 1950ના રોજ મંજૂર કર્યો. આમ પણ, છેલ્લાં 20 વર્ષથી 26 જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ’ દિવસ તરીકે મનાવામાં આવતો જ હતો, એટલે સંવિધાન 24 જાન્યુઆરીએ ફાઇનલ થયું, ત્યારે એનો અમલ પણ 26 જાન્યુઆરીથી જ કરવો એમ નક્કી થયું, અને એવી રીતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ગણાવા લાગ્યો.

એટલે, દ્વિતીય મહાયુદ્ધમાં ખોખરા થયેલા બ્રિટિશરો 16 ઑગસ્ટથી જ ઘર-વાપસી કરવા માગતા હતા, અને એ કારણથી જ સંવિધાનને ઝડપથી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બીજા ત્રણ વર્ષ નીકળી ગયાં. આ બહુ વિસ્તૃત કવાયત હતી. સંવિધાન  સમિતિના 389 સભ્યોએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસોમાં 11 બેઠક કરી હતી. આ દરમિયાન 7,635 પ્રસ્તાવ અને સંશોધન રજૂ થયેલાં. મૂળ સંવિધાન દિલ્હીના જાણીતા કેલીગ્રાફર પ્રેમબિહારી રાઈજાદાએ પ્રવાહી ઇટાલિક્સમાં લખ્યું છે, જેના દરેક પાને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભન કર્યું છે. 25 ભાગનું દુનિયાનું આ સૌથી લાંબું સંવિધાન છે, અને તે સંસદની લાઈબ્રેરીમાં હિલીયમ ભરેલા ગ્લાસ-કેસમાં સચવાયેલું છે.

આ ઇતિહાસ સાથે જોડાયેલી એક બીજી દિલચસ્પ કહાની એ વિલ્સન ફાઉન્ટન પેનની છે, જેના વડે સંવિધાનના આર્કિટેક્ટ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના ઘડાનો કાંઠો બાંધ્યો હતો. વિલ્સન નામ આમ તો વિદેશી છે, પણ એનું પૂરું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થતું હતું, અને પેનની નીબ અમેરિકાથી આયાત હતી, એટલે એનું નામ વિલ્સન પેન પડ્યું હતું. આપણને મઝા પડે એવી વાત એ છે કે, આ વિલ્સન કંપની અમરેલી જિલ્લાના રાજુલા ગામના વેપારી દ્વારકાદાસ જીવનલાલ સંઘવી અને તેમના ભાઈ વલ્લભદાસ સંઘવીએ સ્થાપેલી.

એમાં ય વાત એવી છે કે, સંઘવીબંધુઓ સીટા એન્ડ સીટી બ્રાન્ડની નીબ્સ અમેરિકાથી મગાવતા હતા, પણ મહાયુદ્ધના કારણે અડચણમાં વિલ્સન નામની નીબ્સ આવી ગઈ, અને એ પાછી મોકલી શકાય તેમ ન હતી, એટલે તેમને વિલ્સન નામથી પેન બનાવવી પડી, જે એટલી લોકપ્રિય બની કે, પછી તેમણે એ જ નામથી પેન વેચવાનું ચાલુ રાખ્યું. ઘરમાં લગભગ ભૂખમરો, એટલે 4 ચોપડી ભણેલા દ્વારકાદાસ 14 વર્ષની ઉમરે રોજગારીની તલાશમાં રંગૂન ગયેલા, અને પાછળ એમના ભાઈ પણ જોડાયા. ત્યાં દ્વારકાદાસ બેબી સિટિંગ કરે, અને ભાઈ વલ્લભદાસ જનરલ સ્ટોર ઉપર કટલરી અને કિચનનો સામાન વેચે.

એમાંથી બંને ભાઈઓએ લોકલ વેપારીઓ પાસેથી પેન ખરીદીને ફૂટપાથ ઉપર એને વેચવાનો ધંધો શરૂ કર્યો. પાછળથી રાજુલાનો બાકી પરિવાર પણ રંગૂનમાં જોડાયો.1941માં દ્વિતીય મહાયુદ્ધ શરૂ થયું, એટલે સંઘવી પરિવાર બાળ-બચ્ચાં સાથે કલકત્તા આવી ગયો, અને ત્યાં હોલસેલ ટ્રેડિંગ કંપની કિરણ એન્ડ કું. શરૂ કરી (કિરણ એટલે દ્વારકાદાસનો દીકરો, જેની દીકરી પૂર્વી સંઘવીએ વિલ્સન પેનની આ આખી કહાની ઇન્ડિયન મેમરી પ્રોજેક્ટ નામની અફલાતૂન વેબસાઈટ ઉપર મૂકી છે.)

છબિમાં જમણી બાજુએ કાળા ડગલામાં દ્રારકાદાસ જીવણલાલ સંઘવી છે. એમની પડખે એમના ભાઈ વલ્લભદાસ જીવણલાલ સંઘવી જોવા મળે છે. મુંબઈ ખાતે સન 1951 વેળા આ ફોટો લેવાયો હોય તેમ કહેવાય છે.

કલકત્તામાં ધંધામાં હાથ એવો બેઠો કે, બંને ભાઈઓ ‘ઘર’માં નસીબ અજમાવવા વલસાડ અને ત્યાંથી મુંબઈ આવ્યા. મુંબઈમાં એમણે દાદરની એક મિલના કમ્પાઉન્ડમાં લેથ મશીન નાખીને જાતે જ પેનના સ્પેર-પાર્ટ્સ બનાવનું શરૂ કર્યું. અહીં જ એ અમેરિકાથી નીબ્સ મગાવતા હતા, જેમાં ભૂલથી વિલ્સન નીબ આવી ગયેલી. દાદરમાંથી યુનિટ અંધેરીમાં ખસ્યું, અને ત્યાં એમણે પ્રેસિડેન્ટ બ્રાન્ડની પેન પણ બનાવી હતી. અહીં 1200 કારીગરો કામ કરતા હતા.

એ સમયે વિલ્સન પેન પૂરા દેશમાં છવાઈ ગયેલી. એક તરફ આઝાદીની ચળવળનો જુસ્સો, અને બીજી તરફ આધુનિક ભણતરનો ક્રેઝ, એમાં આ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ પેન ખાસ્સી રુઆબ આપતી. દફતરોમાં, સરકારી કચેરીઓમાં અને સ્કૂલોમાં વિલ્સનની ડિમાન્ડ ખૂબ હતી. દેશભરના સેલ્સમેન મુંબઈ આવીને વિલ્સન પેન અને સ્ટેશનરી લઇ જતા. પછી તો આ પેનની બીજા દેશોમાં નિકાસ પણ થવા લાગેલી. આજે અંધેરી-પાર્લામાં ડી.જે. સંઘવી એન્જિનિયર કૉલેજ અને અમૃતબહેન જીવનલાલ કોમર્સ કૉલેજ છે, તે વિલ્સન પેનવાળા સંઘવી પરિવારની છે. રાજુલામાં પણ તેમના નામે જીવનલાલ આનંદજી સ્કૂલ છે.

દ્વારકાદાસની પૌત્રી પૂર્વી સંઘવી આ કહાનીમાં લખે છે, અમારા આ પરિવારની અનેક દિલચસ્પ વાતોમાં મને સૌથી વધુ ગૌરવ એ વાતનું છે કે, અમારે ત્યાં જ બનેલી નારંગી રંગની જાડી નીબવાળી એક પેન ડૉ. આંબેડકર પાસે હતી, અને એના વડે જ એમણે સંવિધાન લખ્યું હતું. આ વર્લ્ડ-ફેમસ પાર્કર વેક્યુમેટિક પેન જેવી હતી. આ પેન ક્યાં છે?

એક સમાચારપત્રમાં એવા ખબર આવ્યા હતા કે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના પૂર્વ વડા અને ઑલ ઇન્ડિયા દલિત પેન્થરના સ્થાપક પ્રમુખ ડૉ. અરુણ કાંબલે પાસે બાબાસાહેબની એ પેન છે, જે એમણે સંવિધાન લખવા માટે ઉપયોગમાં લીધી હતી. બાબાસાહેબના લાઈબ્રેરિયન અને અગંત સહાયક એસ.એસ. રેગેએ (જેમનું 2004માં અવસાન થયું હતું) 2001માં બાબાસાહેબની યાદગીરીઓ કાંબલેને સાચવવા માટે આપી હતી, જેમાં હસ્તાક્ષર, લેધર ફોલિયો, સાઈન્ડ પદચિહ્નો, અંગત પત્રો અને આ વિલ્સન પેન હતી. કાંબલે પાસે રેગે અને બાબાસાહેબનાં પત્ની સવિતાનો એ પત્ર પણ છે, જેમાં આ વિલ્સન પેનથી સંવિધાન લખ્યાનો ઉલ્લેખ છે.

કાંબલે કહે છે, ભારતમાં બાબાસાહેબની ચીજ-વસ્તુનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હતી, એટલે તેમણે આ પેન અને બીજી યાદગીરીઓ બ્રિટનના દલિત પેન્થર પ્રમુખ કૃષ્ણ ઘમરેને મોકલી આપી હતી. 2006માં પ્રગટ થયેલા આ સમાચારપત્રના અહેવાલમાં કાંબલેએ કહ્યું હતું, હું આ વસ્તુઓને પછી લાવવા બ્રિટિશ મ્યુિઝયમ સાથે સંપર્કમાં છું, અને મુંબઈ યુનિવર્સિટીએ બાબાસાહેબની યાદગીરી સાચવવા જગ્યા ઊભી કરવી જોઈએ. 2009માં કાંબલેનું હૈદરાબાદમાં અવસાન થઈ ગયું.

‘ધ ક્વિન્ટ’ વેબસાઈટ ઉપર પલ્લવી પ્રસાદ નામની પત્રકારે આ પેનની શોધમાં તે ક્યાં ક્યાં ફરી તેનો રિપોર્ટ લખ્યો છે. કાંબલેનાં પરિવારજનો પેનથી સાવ અજાણ્યાં હતાં. એ બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરને મળી. એમને પણ પેનની કંઈ જ ખબર ન હતી. એ પુણેમાં બાબાસાહેબના મ્યુિઝયમ સિમ્બાયોસીસના નિર્દેશક સંજીવની મજમુદારને મળી, જેમણે કહ્યું, ‘ના, અમારી પાસે ન તો એ પેન છે કે, ન તો અમને એની કોઈ ખબર. મારે એના કોઈ રાજકારણ ઉપર કોમેન્ટ કરવી નથી. અમારી પાસે પુસ્તકોવાળું એક ડેસ્ક છે, જેના ઉપર બેસીને બાબાસાહેબે સંવિધાનનું કામ કર્યું હતું.’    

પલ્લવી કહે છે, ‘મેં જ્યારે એ ડેસ્ક જોયું તો પેન સિવાય બધું દેખાયું. જાણે બાબાસાહેબ ‘નેશનલિઝમ એન્ડ લિબર્ટી’ વાંચવામાં એટલા મશગૂલ હતા કે, ભૂલમાં એ ક્યાંક મુકાઇ ગઈ હતી.’ 

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018

Loading

26 જાન્યુઆરી, 1950 માત્ર ઉજવણી નહીં, મંથન

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 January 2018

વધુ એક પ્રજાસત્તાક દિન ઉર્ફે ગણતંત્ર દિન વીત્યો, સરકારી રાહે તેની ઉજવણી થઈ, પણ મોટા ભાગના લોકો માટે આ દિવસનું મહત્ત્વ ફરજિયાત રજાથી વિશેષ નથી હોતું. સરકાર પણ એમાં રાજી રહે છે. બલકે, સરકારો ઘણીખરી ઉજવણી જ એ આશયથી કરે છે કે તેની ઝાકઝમાળમાં મહાલતા લોકો સવાલો ન પૂછે. તેની સરખામણીમાં પહેલા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 1950 નિમિત્તે કેવો માહોલ હતો?

દેશના ભાગલાથી નિરાશ ગાંધીજી સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દિલ્હીથી દૂર રહ્યા હતા અને તેમને કશી ઉજવણી કરવાપણું લાગ્યું ન હતું. દેશનું બંધારણ અમલમાં આવે ત્યાર પહેલાં તે સવાયા રાષ્ટ્રવાદનો દાવો કરતી વિચારધારાની ગોળીઓથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરેલાં હરિજનપત્રો ચાલુ હતાં. તેમાંથી ગુજરાતી સાપ્તાહિક “હરિજનબંધુ”ના તંત્રી કિશોરલાલ મશરૂવાળાએ 22 જાન્યુઆરી, 1950ના અંકમાં ‘આપણો નવો દરજ્જો’ એવા મથાળા સાથે એક પાનાનો લેખ લખ્યો હતો.

તકલાદી/તકવાદી નહીં, મૌલિક ચિંતક તરીકે જાણીતા કિશોરલાલે કોઈ પણ જાતની શબ્દચાલાકી કર્યા વિના લખ્યું હતું કે ‘વ્યવહારદૃષ્ટિએ આ જાહેરાતથી ભારત સરકારને 1947ના ઑગસ્ટની 15મીએ કાયદામાં ન મળેલા એવા કોઈ નવા હકની પ્રાપ્તિ થતી નથી. પરદેશો સાથેના વહેવારમાં ભારત સરકારના સ્વરૂપમાં અને નામમાં ફેરફાર થશે એ સિવાય આજની ભારત સરકાર અને 26મી જાનેવારી પછીની ભારત સરકાર વચ્ચે કશો તાત્કાલિક તફાવત જોવા નહીં મળે. પુખ્ત વયના મતાધિકાર તળે આવતે વરસે જ્યારે નવી ચૂંટણીઓ થશે ત્યારે લોકોને નવા બંધારણની અસરો વહેવારમાં જોવા મળશે.’

પરંતુ તેમણે પ્રજાસત્તાકનો મહિમા દર્શાવતો એક મહત્ત્વનો અને ઐતિહાસિક મુદ્દો એ લેખમાં ઊભો કર્યો. તેમણે લખ્યું, ‘જાનેવારીની 26મી તારીખથી નિઃશંકપણે એક નવા યુગનું મંગલાચરણ થાય છે … રાજા વિનાના રાજ્યની કલ્પના કરવી એ જ આપણા લાખો બલકે કરોડો લોકો માટે તદ્દન નવો અનુભવ છે. તેમના મનમાં એવો સંસ્કાર ઘર કરી ગયો છે કે રાજા વિનાનું રાજ્ય હોઈ ન શકે.

ઇતિહાસકારો ભલે કહે કે ભારતના ઇતિહાસમાં એક વખત પ્રજાસત્તાક રાજ્યો હતાં પરંતુ લોકોમાં આવી પ્રજાસત્તાક રાજ્યતંત્રની હસ્તીની દંતકથા સરખી રહી નથી. હિંદમાં આજેયે એવા લાખો લોકો છે, જેમને ગવર્નર જનરલ કે ગવર્નર અને તેમના પ્રધાનો વચ્ચે કેવો સંબંધ છે અને તેમના હોદ્દાઓમાં શો ફેર છે તેનો જરાયે ખ્યાલ નહીં હોય. અને એવા ભોળા પ્રધાનો પણ છે, જેઓ તેમનાં દર્શન કરવા જમા થયેલી લોકોની મેદનીને પોતાની લોકપ્રિયતાની નિશાની માની લે છે …. ગામડાંમાં પણ એવા માણસોની સંખ્યા ઓછી નથી કે જેઓ બે વર્ષ પર ગાંધીજીની દોરવણી નીચે કૉંગ્રેસે બ્રિટિશ રાજ્યને હરાવ્યું અને પંડિત જવાહરલાલ નેહરુને હિંદની ગાદી પર રાજા તરીકે બેસાડ્યા એવી ભોળી માન્યતા ધરાવે છે. તેથી પંડિત નહેરુ જ્યારે જાહેરમાં દેખાય છે, ત્યારે લોકો હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને રાજાનું દર્શન શુકનભર્યું મનાતું હોવાથી તેમનાં દર્શનથી પોતાને કૃતાર્થ થયેલા માને છે.’

આવા સામાન્ય લોકો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની શી ફરજ છે? કિશોરલાલે લખ્યું હતું, ‘આપણે ભાષાવાર કે બહુભાષી પ્રાંતોની ચળવળ કરીએ, ઉદ્યોગીકરણનો કે હાથઉદ્યોગનો પક્ષ લઈએ … ઘી કે વનસ્પતિના ગુણદોષ જોઈએ, જૂના હિંદુ કાયદાની હિમાયત કરીએ કે તેને સુધારવાની, દારૂબંધીની નીતિ રાખીએ કે દારૂ છૂટની, વંદેમાતરમ્ ગાવા માગીએ કે જનગણમન … દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગી અને નિરાધાર જનતાનાં જીવન અને સગવડો તથા તેમનાં ચારિત્ર્ય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે.’

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીમાંથી તેજસ્વી સર્જક તરીકે પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશીએ તેેમના માસિક ‘સંસ્કૃિત’ના ફેબ્રુઆરી, 1950ના અંકમાં समानो मन्त्रः। એ શીર્ષક હેઠળ, આનંદ કરતાં વધારે જવાબદારી અને ભયસ્થાનો ચીધ્યાં. ભારત હજુ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે ઇંગ્લેન્ડના રાજાનો વડા તરીકે સ્વીકાર કરે છે, પ્રજાએ બંધારણસભાના પ્રતિનિધિઓ ચૂંટવા બાકી છે, એવા મુદ્દા ઊભા કરીને તેમણે લખ્યું, ‘જે રીતે સત્તાની સંક્રાન્તિ થઈ છે અને જે રીતે એ સત્તાનો ઉપયોગ થાય છે એ જોતાં માત્ર ઘોષણા કરવાથી પ્રજાને હસ્તક જેની સત્તા હોય એવું રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું એમ માનવું પણ મુશ્કેલ બને છે.

પસાર થયેલા બંધારણમાં … નાગરિકની સલામતી માટેના હેબિયસ કોર્પસની યોજના સંતોષકારક રીતે થઈ નથી. કામ મેળવવાનો હક્ક અને કેળવાવાનો હક્ક તેની ઉપર પણ જોઈતું ધ્યાન અપાયું નથી.’ ગાંધીજીને રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીની ખેવના અનેક ગણી વધારે હતી. એવી લાગણીનો પડઘો પાડતાં ઉમાશંકર જોશીએ લખ્યું હતું, ‘રાજકીય સ્વાતંત્ર્ય એ આજના યુગની ફૅશન લાગે છે. આર્થિક અને સામાજિક મુક્તિનો જ કાંઈ અર્થ છે.

એને માટેની મોટી વ્યવસ્થા કે ઝુંબેશ હિંદમાં દેખાતાં નથી. મૂડીને પંપાળવામાંથી નેતાગારી ઊંચી આવતી નથી. પીછેહટવાદીઓને છૂટો દોર અપાઈ રહ્યો છે. હિંદુ કોડબિલ જેવી બાબતમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને પં. નહેરુ જેવા પણ ઢીલું વલણ લઈ શકે છે. આર્થિક અને સામાજિક અન્યાયોને ભરખી જતી પ્રજાચેતનાની જ્વાલાઓ ક્યાં ય નજરે ચઢતી નથી. કાગળ પરના બંધારણથી શો સંતોષ લેવો?’ એમ કહીને તેમણે બીજા દેશોમાં રચાયેલાં ને નિષ્ફળ ગયેલાં બંધારણોનું ઉદાહરણ આપ્યું છે.

પ્રજાસત્તાકનો મહિમા તેમણે લખ્યું, ‘હિંદની યાત્રામાં 26મી એક મહત્ત્વનો મજલથંભ છે. રાજા સાથેનો સંબંધ ઘણો ઘસાયો છે. દેશમાં પ્રથમ વાર એકતા અને સાર્વભૌમતા સ્થપાય છે … આખા દેશમાં એક વિશાળ ગણરાજ્યની સ્થાપના પ્રથમ વાર હવે જ થાય છે’ અને તેને સફળ કેવી રીતે બનાવવું તેની ચાવી સૂચવતાં લખ્યું, ‘સૉક્રેટીસે કહ્યું છે કે પૈસો અને કીર્તિ જેને આકર્ષી ન શકે તેને સજાનો ડર બતાવીને રાજકાજમાં આકર્ષવા જોઈએ. સૌથી મોટી સજા ખરાબ માણસો આપણી ઉપર રાજ કરે એ છે. એમાંથી છૂટવું હોય તો સારા માણસોએ રાજકાજનો બોજ ઉઠાવવા આગળ આવવું જોઈએ. मा नो दुःशंस ईशत।— દુષ્ટ તત્ત્વોનું આપણી ઉપર શાસન ન હો! વીરપૂજા અને ઉચ્ચનીચના ભાવ છોડીને અને સમૂહવૃત્તિ કેળવીને પોતાને મળેલા મતને દરેક પ્રજાજન સાર્થક બનાવી રહો!’

ઉમાશંકરની આવી કડક અભિવ્યક્તિ છતાં કોઈએ તેમને દેશદ્રોહી ગણાવ્યા નહીં એ યાદ રાખવા જેવું છે અને કિશોરલાલ-ઉમાશંકરની ઘણીખરી ટીકા, અપેક્ષા અને લાગણીઓ 2018માં પણ બંધ બેસે છે, તે ભૂલવા જેવું નથી.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018

Loading

ગાંધી સમાજનું બદલાતું પર્યાવરણ

રામચંદ્ર રાહી, રામચંદ્ર રાહી|Gandhiana|28 January 2018

પર્યાવરણ તો ગાંધી સમાજનું પણ બદલાયું છે. આ સમાજ નિષ્પ્રભાવી થઈ ગયો છે. જે સંસ્થાઓ સામાજિક કાર્ય માટે બની હતી, તે સંસ્થાઓમાં આજે હવે સત્તા, સાધન અને સંપત્તિના મુદ્દાને લઈને ખેંચતાણ થવા માંડી છે. ગાંધીવિચારનું કાર્ય માત્ર પ્રભાવ અને પ્રેરણાથી જ થઈ શકે છે. આજે ગાંધીજીને માત્ર પ્રતીક બનાવીને જ છોડવા જોઈએ નહિ, પરંતુ ગાંધીજીને પોતાનાં વિચાર અને મૂલ્યોનાં કેન્દ્રમાં રાખો.

મહાત્મા ગાંધીના જન્મનાં ૧૫૦ વર્ષ મનાવવા માટે તમામ લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. એવું સહેજ પણ નથી કે ગાંધીવિચારનું મહત્ત્વ તેમનાં ૧૪૯માં વર્ષમાં ઓછું હોય અને ૧૫૦માં વર્ષમાં વધી જાય. આ ૧૫૦ તો માત્ર એક આંકડો છે. કે જેવી રીતે સફર પર નીકળેલા લોકો માટે કોઈ ચોક્કસ લક્ષ્ય હોય છે, કંઈક એવી રીતે જ ‘ગાંધી ૧૫૦’ આપણા માટે છે. અહીં પહોંચીને આપણે હિસાબ માંડીએ છીએ કે આપણે ક્યાંથી નીકળ્યા હતાં અને કેટલાં દૂર આવી ગયાં છીએ? ક્યાં જઈ રહ્યાં છીએ? શું આપણો પથ યોગ્ય છે, શું આપણી દિશા યોગ્ય છે? આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ, ત્યાં સુધી પહોંચવા માટે શું કરીશું?

ગાંધીજીની લોકશક્તિએ ગુલામીની રાજશક્તિનો પડકાર ઝીલ્યો હતો અને તે મુજબ સક્ષમ પણ બન્યા હતા. તેમણે નબળા લોકોને મજબૂત બનાવવા માટે બે રસ્તા દેખાડ્યા, એક સત્ય અને બીજો અહિંસા. દેશની રાજનૈતિક આઝાદીના સમયે આપણી સમક્ષ એક બહુ મોટો પડકાર હતો. આપણે સામાજિક, આર્થિક, યાંત્રિક અને સાંસ્કૃિતક સ્વતંત્રતા તરફ આગળ ધપવાનું હતું. રાજનૈતિક આઝાદી તો એકમાત્ર સાધન હતું કે જેના થકી આપણા સમાજમાં જવાબદારી, સંયમ અને સ્વાધ્યાય લાવી શકાય. ગાંધીજીના ઘણાં સહયોગીઓએ તેમનું આ કાર્ય તેમના પશ્ચાત્‌ પણ ખૂબ જ મન લગાવીને કર્યું.

ભૂદાન અને સર્વોદય આંદોલન આ પ્રવૃત્તિનાં બે અગત્યના ઉદાહરણ છે. તે સમયના નેતૃત્વને ગાંધીજીએ જાતે જ તૈયાર કર્યું હતું અને વિનોબા, જે.સી. કુમારપ્પા અને કાકા કાલેલકર જેવા મહાનુભાવોએ ગાંધીજીની સાથે એકતાથી કાર્ય કર્યું હતું. ગાંધીવિચારને તેઓએ પુસ્તકો થકી નહોતો પ્રાપ્ત કર્યો. તેઓમાં તે દેશી પરંપરા જીવંત હતી કે જેને ગાંધીજીએ પોતાની જીવન-સાધનાથી જાગૃત કરી હતી. તેમનામાં સામાજિક ઊંચાઈ હતી, ઉદારતા હતી અને પ્રવીણતા હતી.

આઝાદીનાં ૧૫-૨૦ વર્ષ બાદ સુધી લોકશક્તિ એકઠી કરવાનું કાર્ય ગાંધીવિચારના ભાવથી થતું રહ્યું. પરંતુ, ત્યારબાદ લોકશક્તિનો વ્યાપ થવાની જગ્યાએ તેનો અભાવ વધતો ગયો. તેની સાથે-સાથે રાજશક્તિનો પ્રભાવ તમામ ક્ષેત્રમાં વધતો ગયો.

અત્યારે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. અત્યારે તમામ ક્ષેત્રમાં રાજશક્તિનો વ્યાપ વધી રહ્યો છે અને લોકશક્તિની વૃદ્ધિ ધીમી પડી રહી છે. ખેડૂતો અને વણકરોની દુર્દશા વિશે તો બધાને ખબર જ છે. રોજગારી, વિજ્ઞાન, શોધ, ઉદ્યમ, યાંત્રિકીકરણ જેવાં તમામ ક્ષેત્રમાં આજે રાજશક્તિનું કદ વધી ગયું છે. માત્ર આટલું જ નહિ, જે કોઈ પણ જગ્યાએ લોકશક્તિ પોતાને સંયોજિત કરવાનો પ્રયાસ કરે છે તે તમામ જગ્યાઓએ રાજસત્તાનાં પ્રતિષ્ઠાન થકી તેમનાં કાર્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. કે જાણે જનતા અને સમાજની મત આપવા સિવાય દેશ-સમાજમાં કોઈ ભૂમિકા જ નથી. આ પ્રમાણે તો કોઈ પણ સ્વસ્થ સમાજ ઊભો રહી શકે નહિ. આપણી ગુલામીનું કારણ પણ ઇતિહાસ આમાં જ જણાવી રહ્યો છે, આપણી લોકશક્તિએ રાજશક્તિ સમક્ષ હથિયાર હેઠા મૂકી દીધાં હતાં.

આજે આપણી પાસે રાજનૈતિક સ્વતંત્રા છે, પણ આપણે પોતાના જ થકી તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાઓ સામે પરાધીન થઈ રહ્યા છીએ. આપણે ‘વિકાસ’ની ગુલામીમાં ફસાઈ રહ્યા છીએ. એવો વિકાસ કે જે પ્રાકૃતિક સાધનોનો નાશ કરે છે અને તેના થકી તૈયાર થયેલાં સાધનો રાજશક્તિને અર્પણ કરી દે છે. આટલી તાકાત રાજશક્તિ પોતાના થકી પેદા કરી શકતી નથી અને આટલાં સાધન પચાવી પણ શકતી નથી. માટે જ આ રાજશક્તિ નિરંકુશ પૂંજીવાદ અને બજારને પોતાનો આધાર બનાવી રહી છે. બજાર અને રાજસત્તાએ ‘વિકાસ’ નામનાં બાળકને પોતાનો કેદી બનાવી લીધો છે.

આનાથી તદ્દન વિરુદ્ધ, ગાંધીજીએ સૌથી નબળા લોકોને તાકાત આપી હતી અને તેમના મનમાંથી રાજશક્તિનો ડર હટાવ્યો હતો. તેમણે પ્રમાણિત કર્યું હતું કે ઉદ્યમ એ અનૈતિક જ હોય એ જરૂરી નથી, સામાજિક સમરસતાથી લોકો ધર્મ અને જાતિની સંકુચિત માનસિકતામાંથી બહાર આવી શકે છે. પરંતુ, આ નવો વિકાસ તો નિર્બળને વધારે પરાધીન બનાવે છે અને નબળાની બલિ ચઢાવે છે. આજે ગરીબીનાં વમળમાં ફસાતા લોકો માટે વિકલ્પ તરીકે માત્ર ગુનો અને હિંસા જ બચેલાં રહ્યાં છે. સત્ય અને અહિંસા આધારિત ઉદાહરણનો અભાવ છે.

આપણા દેશની એક વિશેષતા રહેલી છે. આપણા દેશમાં ગરીબ અને સામાન્ય લોકોની રોજગારી પ્રાકૃતિક સંસાધનો પર આધારિત છે, પર્યાવરણની સ્થિતિ પર ટકેલી છે. પર્યાવરણની આધુનિક ચેતનાની પાછળ પણ ગાંધી-પરિવારના એક સર્વોદયી કાર્યકર્તા જ હતા. ચંડીપ્રસાદ ભટ્ટના નેતૃત્વ હેઠળ ચિપકો આંદોલને સમગ્ર દુનિયાને દેખાડ્યું હતું કે સામાન્ય લોકો પોતાનાં વન, પોતાનાં પર્યાવરણની રક્ષા કરવા માટે સક્ષમ છે. કારણ કે તેમનો પોતાનાં પર્યાવરણની સાથે જીવંત સંબંધ છે. તેઓની રોજગારી જંગલ-પાણી પર આધારિત છે. રાજશક્તિને જંગલમાં માત્ર કાપવા લાયક લાકડાં જ દેખાય છે. ચિપકો ગ્રામીણ મહિલાઓનું આંદોલન હતું, પર્યાવરણીય ચેતનાનો નારો.

પરંતુ, આપણા સમાજનાં સાધન-સંપન્ન વર્ગનો ખેડૂત અને શ્રમિક વર્ગની સાથે કોઈ જ સંબંધ જોવા મળતો નથી. આ સાધન-સંપન્ન વર્ગને સસ્તું ભોજન તો જોઈએ છે પરંતુ તે ખેડૂત અને ખેતીની માટી માટે જરા ય પણ ચિંતિત નથી. જો આ સાધન-સંપન્ન વર્ગની આપણી ખેતી થકી જરૂરિયાત પૂર્ણ નહિ થાય તો તે આંતરરાષ્ટ્રીય બજારની તાકાતથી વિદેશી ખાદ્ય વસ્તુઓ લાવી શકે છે. બજાર પર આધારિત સંબંધ બજારુ જ હોય છે, તેમાં સામાજિક બંધનોની મીઠાશ હોય જ નહિ. બેરોજગાર વણકરો આત્મહત્યા કરી રહ્યા છે, પરંતુ આપણો અભિજાત્ય વર્ગ આયાત કરેલાં વસ્ત્રો પહેરીને તૃપ્ત છે. આપણા લોકો, આપણો દેશ, આપણી માટી, આપણાં નદી-તળાવ પ્રત્યે તેઓમાં કોઈ રાગ જ નથી. માત્ર અમર્યાદિત લાલચ અને ઉપભોગ છે, જેને લૂંટવામાં અને અનીતિ કરવામાં તેને કોઈ સંકોચ નથી થતો.

બજાર અને રાજશક્તિનાં નશામાં ધૂત આ વર્ગનાં માપદંડ પશ્ચિમનાં તે સમાજમાંથી આવે છે કે જે સમાજનાં અતિશય ઉપભોગના કારણે આજે પૃથ્વીનો જળવાયુ બદલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ-પરિવર્તનથી મોટું સંકટ અને તેનાં કરતાં પણ મોટો પ્રલય મનુષ્ય જાતિએ ક્યારે ય જોયો જ નથી. આગામી શતાબ્દીમાં આ ઘટના આપણી દુનિયાને એવી તો ઊંધી કરશે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેની સૌથી ખરાબ આપણા જેવા અનેક ગરીબ દેશ પર પડશે અને તેના માટે જવાબદાર છે પશ્ચિમના દેશ, ઉપભોગની તૃષ્ણા પૂર્ણ કરનાર અનેક ઔદ્યોગીકરણ કે જેના વિનાશકારી સ્વભાવ વિશે ગાંધીજીએ આપણને અગાઉ જ ચેતવી દીધા હતા.

ગાંધીજીનાં લખાણમાં પર્યાવરણ શબ્દ જોવા નથી મળતો, કારણ કે તેમનાં સમયમાં પર્યાવરણનાં વિનાશે આવું રૌદ્રરૂપ નહોતું ધારણ કર્યું કે જેવો આપણે આજે પર્યાવરણનો અનુભવ કરી રહ્યા છીએ. છતાં, ગાંધીજીનાં લખાણમાં અને તેમના જીવન-કર્મમાં, સાધનો પ્રત્યે ખૂબ જ સાવધાની જોવા મળે છે. કારણ કે ગાંધીજીને એ વાતની ખબર હતી કે પર્યાવરણની રક્ષામાં સૌથી નબળા લોકોના હિતોની રક્ષા છે. જે ‘ગ્રામસ્વરાજ્ય’ની વાત ગાંધીજીએ કરી, તેમાં માત્ર નદી, કૂવા અને તળાવ જ નહિ, માટી, પશુ-પક્ષી અને અન્ય તમામ જીવજંતુઓને માટે સ્થાન છે. તેમાં સંબંધ માત્ર ઉપયોગ અને ઉપભોગ પૂરતાં નથી પરંતુ સમગ્ર સૃષ્ટિને પોતાનાપણા અને મમતાસભર રીતે જોવાની વાત છે. નહિ તો આજે પર્યાવરણની વાત કરનાર લોકો ગાંધીજીને આટલા કેમ માનતા હોત?

પર્યાવરણ તો ગાંધી સમાજનું પણ બદલાયું છે. આપણે નિષ્પ્રભાવી થયા છીએ. જે સંસ્થાઓ સામાજિક કાર્ય માટે બની હતી, તે સંસ્થાઓમાં આજે હવે સત્તા, સાધન અને સંપત્તિના મુદ્દાને લઈને ખેંચતાણ થવા માંડી છે, મનભેદ પણ જોવા મળી રહ્યા છે. ગાંધીવિચારનું કાર્ય માત્ર પ્રભાવ અને પ્રેરણાથી જ થઈ શકે છે. નિયંત્રણ અથવા તિકડમથી થઈ શકે નહિ. જો ગાંધીજીને સત્તા અને પ્રભુત્વથી કામ કરવું હોત તો તેમણે સત્ય અને અહિંસાનો આશરો કેમ લીધો હોત? કોઈ ચૂંટણી લડ્યા હોત, કોઈ મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન થઈ ગયા હોત. પણ, તેમણે આવું કર્યું નહિ. ગાંધીજીને કોઈ પ્રતિષ્ઠાન પર નહિ, આપણા દિલ પર રાજ કરવું હતું.આજે આપણે પોતપોતાની સંસ્થાઓમાં, પ્રતિષ્ઠાનોમાં નિયંત્રણની લડાઈ લડી રહ્યા છીએ. આ આત્મઘાત જ છે. આપણે આપણા પથથી ભટકી રહ્યા છીએ, માટે જ આપણો પ્રભાવ ઘટી રહ્યો છે. સંસ્થાઓમાં નવી ઉર્જાનો સંચય થાય તેવા નવા અને પ્રતિભાશાળી લોકો રહ્યા નથી. આપણે સામાજિક કાર્યકર્તા છીએ છતાં પણ આપણે લોકોની ચોક્કસ નસ શોધી શક્યા નથી. તેઓને આપવા માટે જે સ્નેહ અને પ્રેમ આપણી પાસે હોવો જોઈએ, તેને આપણો આંતરિક વિગ્રહ નષ્ટ કરી રહ્યો છે.

આ ભટકાવથી આપણે બચવું પડશે, એકબીજાનો સાથ આપવો પડશે. આપણાં વિચાર અને મૂલ્યોને વર્તમાન જરૂરિયાતના હિસાબથી તાજાં કરવાં પડશે. એ તો નિશ્ચિત જ છે કે જો આપણે આ નહિ કરીએ તો આપણે મરવું પડશે. આપણા વિચાર પર આધારિત કર્મ વિના આપણું વજૂદ લાંબા સમય સુધી બચી નહિ શકે.

લોકશક્તિનાં સંયોજન માટે અઢળક પ્રેમ જોઈએ અને સાથે ખૂબ લગાવ અને સામાજિકતા પણ જોઈએ. નહિ તો રાજશક્તિ અને પૂંજીની સામે સત્ય અને અહિંસા હારી જશે. સત્ય અને અહિંસા એટલા માટે નહિ હારે કારણ કે તેનામાં તાકાત નથી. તે એટલા માટે હારશે કારણ કે સત્ય અને અહિંસામાં માનનાર લોકોમાં પોતાનાં મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ નબળો પડી ગયો છે.

આપણા દ્વેષ એટલા ઊંડા પણ નથી. જો આપણે એકબીજાથી હારવા માટે તૈયાર થઈ જઈએ, તો આપણા તમામની જીત પાક્કી છે. આપણે ગાંધીજીને માત્ર પ્રતીક બનાવીને જ છોડવા જોઈએ નહિ, પરંતુ ગાંધીજીને પોતાનાં વિચાર અને મૂલ્યોનાં કેન્દ્રમાં રાખીએ.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2543,2553,2563,257...3,2603,2703,280...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved