Opinion Magazine
Number of visits: 9583853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોસેફ જે. ડોક

નિલય ભાવસાર|Gandhiana|5 November 2017

(નવેમ્બર ૫, ૧૮૬૧ – ઓગસ્ટ ૧૬, ૧૯૧૩)

ગાંધીજીનું પ્રથમ જીવન ચરિત્ર લખનાર લેખક રેવરન્ડ જોસેફ જે. ડોકનો જન્મ, ડેવનશાયરમાં ચડલી મુકામે, ૫મી નવેમ્બર ૧૮૬૧ના રોજ થયો હતો. તેમણે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર M.K. Gandhi – An Indian Patriot in South Africa લખ્યું હતું, તારીખ ૧૬ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ તેમણે શાંતિથી દેહત્યાગ કર્યો. તારીખ ૨૪ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ ગ્રેહામ્સટાઉન બેપ્ટીસ્ટ ચર્ચ, જોહાનિસબર્ગમાં રેવરન્ડ જોસેફ જે. ડોકને શ્રદ્ધાંજલિ આપવા ૭-૩૦ વાગ્યે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. મિ. ડોક ત્યાંના પાદરી હતા.

આ સભામાં હાજરી આપવા માટે ગાંધીજી ફિનિક્સથી ખાસ આવ્યા હતા. એમણે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીએ મિસ્ટર ડોક વિશે જે ભાષણ આપ્યું હતું તે આ મુજબ છે.

આ ભાષણમાં ગાંધીજીએ કહ્યું કે, કેટલાક માણસોને વિષે આપણે બોલી શકીએ છીએ કે તેને તો મોત નથી કેમ કે મોતે મોતને ખાધું છે; તેને મોત નથી ડંખી શકતું કે તેને નથી જીતી શકતું. આવા પુરુષ મિસ્ટર ડોક હતા. એ પુરુષે કરેલી સેવા સારુ હિંદી કોમ તેની સદાયની આભારી રહેશે. મિસ્ટર ડોક એ હિંદના ચુસ્ત મિત્રમાંના એક હતા. મિસ્ટર ડોકના મરણને સારુ શોક કરવાની ખરી રીતે જરૂર હોય નહિ. તેણે પોતાનું બધું ઈશ્વરને અર્પણ કર્યું હતું. જ્યારે તેનું શરીર તેના કાર્યને સારુ ઈશ્વરે નકામું ગણ્યું, ત્યારે તે શરીરનો નાશ કર્યો. પણ જીવનો નાશ નથી. હવે વધારે શક્તિવાળા શરીરમાં ઈશ્વરનાં વધારે કાર્યો મિસ્ટર ડોક કરશે એવી મારી ખાતરી છે. છતાં આપણે કે જેઓ શરીરમાં મસ્ત રહી જીવને ભાગ્યે જ ઓળખીએ છીએ તે તો મિસ્ટર ડોકના શરીરને જ ઓળખતા એટલે આપણને દિલગીરી થાય એ કુદરતી વાત છે.

મિસ્ટર ડોકની તરફ મારું માન ને મારો પ્રેમ મારા સરસમાં સરસ હિંદી પુરુષ તરફ હોય તેટલાં હતાં. જ્યારે મારા હિંદી ભાઈએ મેં કોમની સામે ગુનો કર્યો છે એમ સમજી મને માર માર્યો હતો તે વેળા હું સાવધાનીમાં આવ્યો ત્યારે મેં મિસ્ટર ડોકને મારા માથા ઉપર નમેલા જોયા. તેણે મને પોતાને ત્યાં લઇ જઈ મારી બરદાસ કરવાનું કહ્યું. મેં તેમની માગણી આભારપૂર્વક કબૂલ રાખી. જે માયા મારી પર તેના ઘરમાં બતાવવામાં આવી હતી તે મારાથી કદી વીસરી જવાય એવી નથી. આખું કુટુંબ મારી સારવાર કરવામાં રોકાયું હતું. મધરાતમાં પણ મિસ્ટર ડોક મારી કોટડીમાં આવીને જોઈ જતાં કે હું જાગું છું કે સૂતો છું. મને ચેન છે કે બેચેન. મિસ્ટર ડોકની મેં કઈ પણ સેવા નહોતી કરી છતાં તેનું આખું કુટુંબ મારી સેવા કરતું હતું.

ઈંગ્રેજોની સાથેની અમારી તકરાર ઉપર ભાર દેવામાં મારી જિંદગી આખી કદાચ પૂરી થશે. તેમ છતાં મારે સારે નસીબે મને ઉત્તમ ચરિત્રવાળા ઈંગ્રેજની મિત્રાચારીનો લાભ મળ્યો છે. આવા મિત્રમાંના મિસ્ટર ડોક એક ઉત્તમ મિત્ર હતા. તે મારા જ્ઞાની સલાહકાર હતા. તેને મન બધા હિંદી સરખા હતા. તેના દેવળનું છાપરું તે આકાશ હતું, તેના દેવળની દીવાલ જગતની દિશા હતી. જ્યાં જતાં ત્યાં પોતાનું દેવળ સાથે લઇ જતા.

મિસ્ટર ડોકનો ખ્રિસ્તી ધર્મ સુધરેલા જમાનાનો ન હતો પણ અસલી હતો. મિસ્ટર ડોકની ઈચ્છા એવી હતી કે હું પોતે તેના પંથમાં ભળું. મેં કહ્યું હું તો હિંદુ છું ને તે ધર્મને બહુ ભાવથી માનનારો છું. હું બાઈબલને મારા એક ધર્મપુસ્તક તરીકે માનું છું. પણ મારું મન એમ સાક્ષી પૂરે છે કે બાઈબલ સમજવાની ચાવી હિંદુ ધર્મનું સંશોધન છે. આ બાબત એક મત ઉપર ન આવી શક્યા. પણ આ દાખલો મિસ્ટર ડોકની પોતાના ધર્મ પ્રત્યેની સુદ્રઢ શ્રદ્ધા બતાવે છે. હું માનું છું કે મિસ્ટર ડોકની નીતિભક્તિ એવી હતી કે પોતાની નીતિને ખાતર પોતે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર હતા. તેને માણસનો ડર ન હતો માત્ર ખુદાથી જ ડરતા.

મિસ્ટર ડોક ને મારી વચ્ચે સજ્જડ ગાંઠ એ હતી કે અમે બંને અપકાર ઉપર ઉપકાર અથવા અવગુણ ઉપર ગુણ કરવાના જિસસના સૂત્રને માનનારા હતા. એ સૂત્રને હાલમાં તો ખ્રિસ્તી ધર્મે અપવાદોથી ઢાંકી દીધો છે. પણ મિસ્ટર ડોકનું તેમ ન હતું. તે તો ચોક્કસ માનતા કે વેરભાવ પ્રેમભાવથી નાશ પામી શકે, દુષ્ટતાનું ઓસડ શ્રેષ્ઠતા છે. હું ઉમેદ રાખું છું કે મિસ્ટર ડોકનો સાંયો તેમનાં ફરજંદો પહેરશે અને આવા ધાર્મિક પુરુષની પોતે પત્ની હતાં અને તેને માન આપનારા ઘણાં પુરુષો ને ઘણી કોમો છે એ વિચારથી મિસિસ ડોક શાંતિ ને ધીરજ રાખશે.

મિસ્ટર ડોકને વિશે આટલું બોલવાનો મને પ્રસંગ મળ્યો છે તેને સારુ હું મને પોતાને સુભાગિયો ગણું છું.

(મૂળ ગુજરાતી) “ઇન્ડિયન ઓપીનિયન”, ૩૦-૦૮-૧૯૧૩

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

સ્વાયત્તતા મુદ્દે રૂડો અવસર

ઓમપ્રકાશ ઉદાસી|Samantar Gujarat - Samantar|5 November 2017

ગુજરાતમાં લોકશાહીનો ઉત્સવ છે. સમાંતર ઉત્સવ ગણીએ તો ગુજરાત વિધાનસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો અવસર. પરિષદની ચૂંટણીનું પરિણામ આવી ગયું. પ્રમુખ સહિત સહુને અભિનંદન. હરીફોને પણ અભિનંદન પાઠવીએ. ક્યાં ય પણ બિનહરીફ ચૂંટણી લોકશાહીનું લક્ષણ નથી.

(૧) એક અખબારે ૧૨૬૩/૩૭૦૦ના રેકૉર્ડબ્રેકનો (૩૪ ટકા) રાજીપો વ્યક્ત કર્યો છે. જીતનાર સૌને રાજીપો થાય એ પણ સાહજિક છે, પરંતુ આ લોકતંત્રનો રાજીપો નથી. લોકતંત્રમાં તો ૫૧ ટકા (એકાવન ટકા)નું મહત્ત્વ હોય છે. એટલે મૂઠી ઊંચેરો માનતા કે મનાતાઓએ અને એ થકી સંસ્થાએ સંતોષનો ઓડકાર લેવાનો ના હોય. સાહિત્ય સમાજનું દર્પણ છે કે ‘નિસબત’ જેવા શબ્દોની સાર્થકતાને આવા અવસરે પ્રતીક તરીકે ય સિદ્ધ કરવાની હોય છે. ઉમેદવારો અને મતદાતાઓની જીવંત સહભાગિતાનો અભાવ કેમ હશે? જાણ્યા-અજાણ્યાં બધા ઉમેદવારોએ પોતાની કેફિયત મતદાતાઓને પહોંચતી કરવી જરૂરી છે, પછી ભલે એવા ઉમેદવારો ગમે તેવા પ્રખ્યાત કે પ્રતિષ્ઠિત હોય! લોકશાહીની પ્રક્રિયાને સન્માન આપવાનો આ એક ભાગ છે. હું તો અંગત રીતે માનું છું કે આવા રૂડા અવસરે ઉમેદવારે માત્ર મર્યાદિત મતદાતાઓના બદલે સમગ્ર સમાજ સમક્ષ પોતાની રજૂઆત કોઈ ને કોઈ માધ્યમથી રજૂ કરવી જોઈએ. આ નિમિત્તે સાહિત્યકાર/ઉમેદવાર, આમ સમાજ/સામાન્ય માણસ (વિશિષ્ટ વર્ગ કે શ્રેષ્ઠીવર્ગ સાથે નહીં) સાથે જોડાશે. એકદંડિયા મહેલમાંથી રસ્તા ઉપર આવીને ગુજરાતી ભાષા બચાવવાનો રોડ-શો કરવાની પછી જરૂર નહીં રહે!

(૨) પરિષદની ચૂંટણી-પ્રક્રિયા સુધારવી જરૂરી છે. મતદાતાઓની નામ-સરનામાં-સંપર્કનંબર સાથેની યાદી પણ અપડેટ નથી હોતી એવી પણ વાત ચાલે છે. ગુપ્ત મતદાન આવકાર્ય છે, પરંતુ મતપત્રક જાણે એવું ભોંયરામાં ભંડારેલું હોય છે કે એને શોધી કાઢવાનું કામ હંફાવી દે છે. એક પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા પરબીડિયામાં સુરક્ષિત મતદાનફૉર્મ પામવા માટે ભારે કિલ્લબંધીને પાર કરવી પડે છે. ઉમેદવાર ક્યારેક એમાં અટવાઈ પણ જાય. પહેલી ગલીમાં બીજી ગલી, બીજી ગલીમાં ત્રીજી ગલી, ત્રીજી ગલીમાં ચોથી ગલી, આવું ટાળવું જોઈએ.

હવે પરિષદમાં નવા ચૂંટાયેલા સભ્યો છે. પરિષદ અને સમાજનાં અન્ય સજ્જનો પણ સરકાર હસ્તક સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની તરફેણમાં છે. ચૂંટણીનો રૂડો અવસર ગુજરાતમાં ચાલી રહ્યો છે. હવે સ્વાયત્તતા-આંદોલનના પ્રેરક અને પ્રણેતાઓની ફરજ બને છે કે વર્તમાન ગુજરાત સરકારકના હરીફ પક્ષ કૉંગ્રેસ સમક્ષ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની વાત મૂકીને તેમની પાસેથી લેખિત કમિટમેન્ટ લે. કૉંગ્રેસ જો સરકારમાં આવે, તો આ મુદ્દે તેની શી ભૂમિકા રહેશે, તે જાણવું જરૂરી છે. આ માટે કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ સાહિત્ય માટે થોડીક ક્ષણો ‘અનામત’ રાખશે, એવી આશા અસ્થાને નથી.

મને લાગે છે, મતદાનપૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદે આ અંગે એક ઠરાવ પસાર કરવો જોઈએ. સાથે જ સમાજનાં અન્ય સુજ્ઞજનો સાહિત્યકારોએ જોડાઈને કૉંગ્રેસના મોવડીમંડળને રૂબરૂ મળવું જોઈએ.

લોકતંત્રની દુહાઈ દેતા સાહિત્યકારો અને સંસ્થાઓએ, રાજકારણમાં આપણું કામ નહીં એમ હજુ વિચારીને પલાયન કરવાનું ટાળવું રહ્યું.

૪, જયંતી ઍપાર્ટમેન્ટ, ગુરુકુળરોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 05

Loading

નાગરિકોને હિસાબ આપવાનો સમય

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|4 November 2017

ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ ભા.જ.પ.ના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે ?

મંડાતી ચૂંટણીચોપાટે સમાચાર ઉતરે છે કે સંસદની શિયાળુ બેઠક વખત છે ને પડતી પણ મૂકાય. મળે તો પણ નામ કે વાસ્તે, આઠ દિવસ માંડ. આ જ દિવસોમાં એ વિગત પણ બહાર આવી છે કે ગુજરાત વિધાનસભા છેલ્લાં પાચ વરસમાં સરેરાશ બત્રીસ દિવસને ધોરણે મળી છે. બધે થતું હશે, પણ ઘરઆંગણાની વાત કરીએ તો આ બત્રીસ દિવસમાં કોઈ પણ કાયદાને પૂરતો ન્યાય આપવાનું નથી બનતું. ઉપરાંત રાજ્ય સરકારે જે કાર્યશૈલી (ખરું જોતાં, વ્યૂહ) ઉપજાવેલ છે તે પ્રમાણે કેગનો હેવાલ ગૃહના છેલ્લા દિવસે ટેબલ પર મુકાય છે એટલે એના પર ચર્ચાને સારુ મુદ્દલ અવકાશ નથી રહેતો. આનો અર્થ એ થયો કે લોકો પાંચ વરસે એક વાર પ્રતિનિધિત્વની દિશામાં જે વ્યાયામ કરે છે એનો વસ્તુત: કોઈ મતલબ કે માયનો જ વ્યવહારમાં કદાચ રહેતો નથી.

હમણાં પાંચ વરસે કરાતા વ્યાયામની (ચૂંટણીની) જિકર કરી તે સાથે અલબત્ત એવું ચોક્કસ જ કહી શકીએ કે કમસે કમ અત્યારે તો એ બધી ચર્ચા કરવાનો અને પ્રશ્નો પૂછવાનો અવસર છે, જ્યારે બત્રીસ દિવસમાં જે કંઈ છૂટી ગયું હોય એનું સાટું વાળી શકીએ. પણ એવી ધોરણસરની ચર્ચાનો છે કોઈ અવકાશ ક્યાંયે? ચેનલચોવીસા કને જઈ તો શકીએ પણ ચર્ચાની જે ‘સંસ્કૃિત’ રંગ રંગ ચેનલિયાંએ વિકસાવી છે એમાં કેટલું બધું કે‌વળ અને કેવળ પ્રાયોજિત છે? ક્યાંક તો એન્કર જ એજન્ડાબદ્ધ આક્રોશ મુદ્દામાં પેશ આવે છે. ટીવી ડિબેટમાં જુદા જુદા પક્ષોના પ્રવક્તાઓ આવે છે જરૂર, પણ ચર્ચા બધી ઘોંઘાટમાં ડુબી જાય છે – અને પ્રવક્તાઓ પણ મુદ્દા કરતાં ઘાંટા પર વધુ ભાર મૂકતા માલુમ પડે છે. એમાં પણ ભા.જ.પ.ના પ્રવકતાઓ (અપવાદ માફ) ઊંચા અવાજ સાથે આક્રમક વલણને અગ્રતા આપતા જણાય છે. સામસામી જુમલે સે જુમલા શૈલી સરવાળે મતઘડતરમાં કોઈ સકારાત્મક ફાળો આપી શકે એવી ખાતરી પછી ક્યાંથી રહે.

ભા.જ.પે. સ્વરાજના સાત દાયકામાં કૉંગ્રેસે શું કર્યું (કશું કર્યું નથી) – પ્રકારના અવાજમારામાં પાછું વળીને જોવા જેવું કદાચ રાખ્યું નથી. અહીં કૉંગ્રેસની બ્રીફ ઝાલવાનો સવાલ નથી. (આમે ય, સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે. સાથે ભા.જ.પ.ની લાંબા સમયની એક તરફી સરસાઈ તૂટી પણ છે.) પણ, જ્યાં સુધી પ્રત્યક્ષ કામગીરીનો સવાલ છે, ગુજરાતમાં છેલ્લાં બાવીસ વરસ બાબતે જવાબ આપવા સારુ એ બંધાયેલ છે.

આ બાવીસ વરસમાંથી માનો કે રા.જ.પ.-કૉંગ્રેસ અફરાતફરીનો ગાળો બાદ કરીએ તો પણ બે દાયકાથી તો એ છે જ. કેન્દ્રમાં 1996થી 2004 વાજપેયીની સરકાર હતી અને હવે મે 2014થી નવેમ્બર 2017 એટલે કે સાડા ત્રણ વરસથી મોદી સરકાર છે. એટલે રાજ્યનાં વીસ વરસ પૈકી લગભગ અડધોઅડધ સમયગાળો કેન્દ્રમાં પણ પોતાની સરકારનો છે. તે પૂર્વે 1967ના સંયુક્ત વિધાયક દળ-સંવિદ પ્રયોગમાં ભા.જ.પ. (જનસંઘ) સહિતના બિનકૉંગ્રેસ પક્ષો સત્તાસહભાગી હતા જ.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા સરકાર (જેમાં વાજપેયી અને અડવાણી આગળ પડતા હોદ્દે હતા) પણ, એમ તો બિનકૉંગ્રેસી સરકાર જ હતી ને? 1995ની કેશુભાઈ પટેલ સરકાર પૂર્વે ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકારમાં ભા.જ.પ. સહિતનું મિશ્ર પ્રધાનમંડળ કાર્યરત હતું. 1975ની જનતા મોરચા સરકારમાં પણ જનસંઘ હતો જ. એટલે આગલાં વરસો બધાં કૉંગ્રેસનાં જ હતાં એમ કહેવામાં અતિશયોક્તિ નહીં છતાં કંઈક વધુ પડતું તો છે જ. (સ્વરાજના પહેલા પ્રધાનમંડળમાંં શ્યામપ્રસાદ મુખર્જી ક્યાં નહોતા?)

સાર એટલો કે ભા.જ.પે. હજુ હમણે જ અમે સત્તા પર આવ્યા એવું કહેવાનું મૂકીને – અને બધી જ કમજોરી ને અવગતિનો ટોપલો કૉંગ્રેસ કે બીજાને માથે નાખતા પહેલાં પોતાની જવાબદારીનો હિસાબ આપવાનો સમય પાકી ગયો ગણાય. ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ એના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે? કૉંગ્રેસની ટીકા ચાહે તેટલી કરો – પણ તે કર્યાં પછી, સળંગ ચારપાંચ વિધાનસભા જિત્યા પછી – તમારી જે જવાબદારી બને છે એ તો બને જ છે. કૉંગ્રેસને તો આ પૂર્વે પ્રજાએ વાજતેગાજતે રવાના કરી છે, તેમ ભા.જ.પ.ને ઉપરાછાપરી પોંખીને પોતાની રીતે ન્યાય કરેલો જ છે. એટલે હવે કૉંગ્રેસની વહી વાંચવા કરતાં વધુ જરૂર ભા.જ.પ.ની વહી વંચાય તે છે.

ભા.જ.પે. જેમ પોતાનો હિસાબ આપવો રહે છે તેમ હમણે હમણે એણે જે નવું સૂત્ર ઉપસાવવા માંડ્યું છે એને ધોરણે પણ કેટલીક સફાઈ કરવી રહે છે. ‘જાતિવાદ નહીં પણ રાષ્ટ્રવાદ’ એ તરજ પરનું આ સૂત્ર છે. ભા.જ.પ.ને (જનતા – જનસંઘને) સંજયકૃપાએ 1977માં સૂંડલા મોઢે મુસ્લિમ મતો મળ્યો હતા એ અહીં અમસ્તા જ યાદ આવ્યું. છતાં એનો પણ ચોક્કસ સંદર્ભ છે. આખો કિસ્સો કૉંગ્રેસની કથિત વોટ બૅન્કનો હતો. ભા.જ.પે. રાષ્ટ્રવાદ કે હિંદુત્વની કોકટેલ પાછળથી કરી એમાં પટેલો સાથે સમીકૃત થવાના તબક્કાથી માંડીને ઓ.બી.સી. ઓળખ વગેરે વાનાં તરત ધ્યાન ખેંચે છે. એમાં હિંદુત્વરૂપે ગોળબંદ થયા પછી અને છતાં આ બધી રેખાઓ સાફ દેખાય છે.

માધવસિંહ – ઝીણાભાઈ – સનત મહેતા વગેરેની ‘ખામ’ ફોર્મ્યૂલાનો, મુસ્લિમોને બાદ કરીને રાખેલો એ અભિગમ હતો. પણ આ બધાને દેખીતી એકત્ર અને ગોળબંદ કરવા છતાં નાગરિકતાની પાયરીએ તે એકત્ર ન કરી શક્યો એ ગુજરાતના હાર્દિક – અલ્પેશ ઉઠાવથી સાફ દેખાય છે. એટલે આજે જો એ જાતિવાદ વિ. રાષ્ટ્રવાદ એવા સૂત્ર પર આગળ જવાની વાત કરતો હોય તો ગુજરાતમાં એણે જે સામાજિક ઈજનેરીનો દાવો કર્યો હતો એમાં પડેલી તિરાડો માટેની પોતાની જવાબદારી એને સમજાવી જોઈએ. હિંદુત્વ નામના રાજકીય વિચારધારાવાદમાં કમનસીબે નાતજાતથી ઊંચે ઊઠી નરવી ને નક્કુર નાગરિક ઓળખની કીમિયાગરી નથી. કૉંગ્રેસની મતબૅન્કવાદ બદલ ટીકા કરતી વખતે વૈકલ્પિક વ્યૂહની દૃષ્ટિએ આપણે ક્યાં ઊભા છીએ તે વિચારવું રહે.

હાલની ચૂંટણીમાં ભા.જ.પ.નાં વીસબાવીસ વરસ સામે નાગરિક છેડેથી આ પ્રશ્ન પૂછવો લાજિમ એટલા માટે છે કે વિકાસ ગાંડો થયો હોય ત્યારે આ પક્ષ કોમી ગાંડપણમાં પોતાનો મોક્ષ શોધે એવું બની શકે છે. આટલું કહેવા માટે કોઈ જોશીનજૂમીની જરૂર નથી તે નથી. સોશિયલ મીડિયામાં આગળપાછળ રહેવાની કે કોઈ વનલાઇનર વાયરલ થઈ વસંતવગડે મત્ત મહાલે, એટલી સહેલી આ નથી. પ્રજાસૂય પરિબળોએ વીસ-બાવીસ વરસનાં શાસન તળે વિકાસના વાસ્તવ અને રાષ્ટ્રવાદને નામે ચાલેલ વહેવાર બાબતે સવાલો ઉઠાવવા રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com 

સૌજન્ય : ‘દર્પણ’, “દિવ્ય ભાસ્કર”, 04 નવેમ્બર 2017

Loading

...102030...3,2513,2523,2533,254...3,2603,2703,280...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved