Opinion Magazine
Number of visits: 9583936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્સાહના નવા આધારોની ભીતરમાં

રોહિત શુક્લ|Opinion - Opinion|30 November 2017

તાજેતરમાં કેન્દ્ર સરકારની આર્થિક ક્ષેત્રની કામગીરી બાબતે બે સમાચારો આવ્યા. આ બંને સમાચારો આંતરરષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપાયા હોવાથી સરકારનો ઉત્સાહ ઊછળીને ઉમળકાભેર બહાર આવ્યો. નોટબંધી અને જી.એસ.ટી.ની બાબતે પોતે અતિ ઉત્સાહમાં અને સાવ અહંકારભર્યાં તથા આપખુદ પગલાં ભર્યાં છે, તેવી સમજણ ઊભી થઈ રહી હતી ત્યાં જ મૂડીનું રેન્કિંગ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના, ભારત માટે ઉત્સાહપૂર્વક આંકડા બહાર પડ્યા. આ આંકડા કોઈ સરકારના પેદા કરેલા નથી અને વિશ્વખ્યાત સંસ્થાઓ દ્વારા રજૂ થયા છે, તે બાબત પોતે જ એક વિશ્વાસ જગવે તેવા છે. બાકી, સરકારશ્રીની સાતત્યપૂર્ણ જુમલાબાજીને કારણે એકંદરે જનમાનસમાં દરેક વાતે શંકા કરવાનું વલણ બંધાઈ ગયું છે. દરેકના ખાતામાં રૂ. પંદર લાખ આવે એટલું કાળું ધન વિદેશમાં છે, ‘અચ્છે દિન’ હાથવેંતમાં છે, વર્ષે બે કરોડ નવી નોકરીઓ ઊભી કરીશું, ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં વગેરેથી માંડી ફેદરા(ભાવનગર પાસે)માં વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું અને હવે તેનાથી માંડ પચાસ કિલોમીટર છેટે ચોટીલા (રાજકોટ પાસે)માં પણ વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું, જેવા નાનામોટા જુમલાથી લોકોને ઠીક ઠીક મનોરંજન સાંપડ્યું છે. વાત ગંગાસફાઈની કરો કે (કાશ્મીરમાં) એકની સામે દસ માથાં વાઢી લાવવાની શૂરાપૂરા રણબંકાની પ્રચંડ વીરતાની કરો; બધે જ અને સાતત્યપૂર્ણ જુમલાબાજી કરનારી સરકારનો આ જુમલો નથી જ પણ આ બંને વાતોને સમજવા જેવી તો ખરી જ!

૧. મૂડી[Moody’s]નું રેટિંગ :

જગતમાં મુખ્ય ત્રણ કંપનીઓ વિવિધ દેશોની શાખપાત્રતા અંગેના સૂચકાંકો જાહેર કરે છે. આ ત્રણ સંસ્થાઓ એટલે ‘મૂડીજ’, ‘એસ ઍન્ડ પી સ્ટાન્ડર્ન્ડ ઍન્ડ પુઅર’ અને ‘ફિન્ચ’. આ સંસ્થાઓનું રેટિંગ જગતના શાહુકારોને ધરપત આપવા અને જોખમોથી સાવચેત કરવા માટે છે. દેશના રેટિંગનો આંકડો જેમ મોટો તેમ જોખમ વધુ અને આંકડો નાનો તેમ જોખમ ઓછું. દરેક એજન્સી માત્ર આંકડામાં જ રેટિંગ જાહેર કરે તે જરૂરી નથી. ‘A’, ‘A+’ થી માંડી B, C વગેરે અંગ્રેજી આદ્યાક્ષરો દ્વારા પણ રેટિંગ થાય છે. રેટિંગમાં વધુ ચોકસાઈ અને તુલનાત્મકતા આણવા માટે B, BB, BBB, BBB+ કે BBB–, એવાં આદ્યાક્ષર આધારિત રેટિંગ કરાય છે. BBB2, BBB3,, એવા પણ રેટિંગ થાય છે. તાજેતરમાં મૂડી દ્વારા ભારતનું રેટિંગ BBB3 થી સુધરીને BBB2 થયું છે. અત્યાર સુધી જુમલાબાજીમાં રમમાણ આ દેશ માટે આટલી ય સારી વાત ક્યાંથી !

પણ આપણી ખુશીના અર્થ, સંદર્ભ અને મર્મને પારખવા રહ્યા. આ માટે આપણે થોડાક અન્ય દેશોનાં રેટિંગ ઉપર પણ નજર નાંખીએ; રેટિંગ આ પ્રમાણે છેઃ

દેશ           રેટિંગ        રેટિંગની તારીખ

આયર્લૅન્ડ    A+          ૫-૬-૨૦૧૫

ઇટાલી        BBB       ૨૭-૧૦-૨૦૧૭

ગ્રીસ           B–          ૨૨-૧-૨૦૧૬

પોર્ટુગલ       BBB–     ૨૭-૯-૨૦૧૭

સ્પેન           BBB+     ૩૧-૩-૨૦૧૭

આ પાંચેય યુરોપીય દેશો ભારે દેવાદાર હતા અને હજુ તેમની હાલત ખાસ સુધરી નથી. આમ છતાં તેમાં કરાતું ધિરાણ ખાસ જોખમી નથી, એવું એસ ઍન્ડ પી કહે છે. આ પદ્ધતિ પોતે જ ખરેખર કેટલી દુરસ્ત છે અને ધિરાણ કરનારાની મૂડીની સલામતી બાબતે ખરેખર કેટલી ખાતરી આપી શકે છે, તે એક અવઢવનો મુદ્દો તો બને જ છે.

આ એસ ઍન્ડ પીએ ગયે સપ્ટેમ્બરે ભારતનું પણ રેટિંગ કરેલું. તેમાં આપણો આંક ખાસ સારો નહીં અને તેથી આર્થિક સલાહકાર શ્રી અરવિંદ સુબ્રમણ્યમને ભારે માઠું લાગી ગયેલું. ક્વાટ્‌ર્ઝ નામની સમાચારસંસ્થા એમ પણ માને છે કે સરકારશ્રીએ તે સમયે આપણું રેટિંગ સુધરાવવા (નાપાસ વિદ્યાર્થી પોતાના માર્ક્સ સુધારવા મથે તેમ જ ને ?) થોડુંક લોબીંગ પણ કરેલું ! તે સમયે ભારતને BBB – અને ચીનને AA – મળેલું. આપણી દલીલ એવી હતી કે ચીનનું અર્થતંત્ર ઢીલું પડ્યું અને અમે હરણફાળ ભરી, છતાં આમ કેમ ?

આવી રેટિંગ એજન્સી ખરેખર શ્રદ્ધેય ખરી કે કેમ, તે પ્રશ્ન ઊભો થાય જ. પોલ ક્રુગમેન નામના અર્થશાસ્ત્રી કહે છે, ‘… It is hard to think of anyone less qualified to pass judgement on America.’ ક્રુગમેને આવું કહ્યું, કારણ કે આમાં તેણે અમેરિકાનું ક્રૅડિટ રેટિંગ ઘટાડ્યું. જેથી અમેરિકાને લગભગ બે ટ્રિલિયન ડૉલરનું નુકસાન થયું.

ક્રૅડિટરેટિંગના કારણે લાભ કે નુકસાન શા માટે થાય છે અને તેની અર્થતંત્ર ઉપર કેવી અસર પડે છે, તે પણ વિચારવાનો મુદ્દો બને છે.

જેમ વ્યક્તિની શાખપાત્રતા ચકાસીને ધિરાણ કરાય તે રીતે દેશોની શાખપાત્રતા પણ ચકાસાય છે. જે દેશની શાખપાત્રતા ઊંચી હોય તેને આખા જગતમાંથી ઓછા વ્યાજે જરૂરી ધિરાણ મળી રહેતું હોય છે. શાખ પાત્રતા જેમ નીચી તેમ વ્યાજનો દર ઊંચો અને ધિરાણ પણ ઓછું મળે. અમેરિકાની શાખપાત્રતા નીચી જવાથી તેને બે ટ્રિલિયન ડૉલરની નુકસાનની જે બાબત બની તે આ કારણે.

શાખપાત્રતા વધવાથી હંમેશાં સારાં પરિણામો જ આવે તેવું પણ નથી. ભારતની શાખાપાત્રતા વધી, તેથી ભારતમાં આવનારી વિદેશી મૂડીનું પ્રમાણ વધવાનું. આમ ડૉલરનો પુરવઠો વધે તેથી રૂપિયો મોંઘો બને. આ કારણે ભારતની નિકાસો ઘટી જાય. બીજી તરફ ભારત માટે ક્રૂડઑઇલ, શસ્ત્રસરંજામ, ક્યારેક અનાજ, ખાદ્યતેલ વગેરેની આયાતો પણ અનિવાર્ય હોય છે. આમ, રૂપિયો મજબૂત થતાં નિકાસો ઘટે પણ આયાતો ઘટે નહીં તો લેણદેણની તુલામાં ખાધ ઊભી થાય. આ ખાધ પૂરવા માટે વિદેશી દેવું કરવું પડે. આમ, આપણા રેટિંગને સુધારવાથી આપણે બહુ લાભ મેળવી લઈશું તેવું નથી. ખરેખર તો ચીન પોતાના ચલણનું જાણીજોઈને અવમૂલ્યન કરી રાખે છે, જેથી તેનો સામાન વિશ્વભરમાં સસ્તામાં વેચાય. આ નીતિના ફલસ્વરૂપે ચીનમાં ઊંચી રોજગારી અને ઊંચા વૃદ્ધિદર જોવા મળે છે. આની સામે એક અહેવાલ એવા પણ છે કે ભારતે પોતાનું રેટિંગ સુધારવા વાસ્તે વૉશિંગ્ટનમાં લોબિંગ કર્યું છે. (વિગતો મટે જુઓ : http://www.counterview.net/2017/11/improved-ratings-modis-top-gujarat.html#more … ). જો ખરેખર આવું થયું હોય, તો તેથી માત્ર જુમલાબાજીનું સાતત્ય જ જળવાશે.

આર્થિક સમૃદ્ધિ વાસ્તે ખરેખર તો દેશમાં આર્થિક શિસ્તના પાલનથી તથા લોકાભિમુખ વહીવટની જરૂર હોય છે. રેટિંગની પ્રક્રિયા સમજનારા લોકો સલાહ આપે છે કે આવા આંકડાને સાધ્ય ગણવાને બદલે જરૂરી આર્થિક સુધારા અને શિસ્તનું પાલન કરવું જોઈએ. ભારતનો દેવા : જી.ડી.પી. ગુણોત્તર હાલમાં ૬૮ ટકા છે, જ્યારે ચીનનો માત્ર ૪૩ છે. જો આ ગુણોત્તરમાં સુધારો થાય તો મૂડી, એસ. ઍન્ડ પી કે ફિન્ચ સઘળાનાં રેટિંગ આપોઆપ જ સુધરે !

બીજી તરફ આ રેટિંગમાં સુધારા માટે આર્થિક સુધારાને વેગ આપવાની જરૂર છે તેમ કહેવાય છે. કેરોસીન અને ખાતર ઉપરની સબસિડી નાબૂદ કરવી, રેલવે, સંરક્ષણ વીમાક્ષેત્ર વગેરેમાં પ્રત્યક્ષ મૂડીરોકાણ વધારવું, છૂટક વેપાર પણ ખુલ્લો મૂકવો વગેરે ‘સુધારા’ દાખલ કરવાની જરૂર છે. ખેડૂતોની જમીનોનું ઉદ્યોગો માટે સંપાદન, ટેકાના ભાવોની નાબૂદી વગેરે પણ આવા ‘સુધારા’ છે.

ભારતનાં રાજકારણ અને સમાજકારણ ઉપર આવાં પગલાંના અતિ ગંભીર પ્રત્યાઘાતો આવી શકે તેમ છે અને તેથી સરકાર આવા ‘સુધારા’ કરી શકતી નથી.

ઉપરના પૈકી થોડાક જ સુધારા સરકાર કરી શકે છે અને છતાં તેનું રેટિંગ સુધર્યું છે તે બાબતે – પેલા લોબિંગ બાબતે શંકા તો જન્મવાની જ!

૨. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ :

સરકારે ભારતમાં વેપાર-ધંધા કરવાનું ઘણું સરળ બનાવી દીધું છે અને આ પણ એક મોટી સિદ્ધિ છે, તેવું દાખવવા પ્રયાસ થયો છે. આ મુદ્દે પણ થોડીક વિચારણા કરીએ.

(ક) એમ કહેવાયું કે ભારત દુનિયાના ૧૮૦ દેશોમાં છેક ૧૩૦મું સ્થાન ધરાવતું હતું અને હવે ૩૦ પગલાં કૂદીને સોમા સ્થાને આવ્યું છે. સામાન્ય તર્ક પણ કહેશે કે સ્થાનનો ફેરફાર ક્યારેક અન્યોની અધોગતિને આધારે પણ થઈ શકે. વળી, કોઈ પણ સ્થાનક્રમ એકસમાન હોઈ ન શકે. ૨૦૧૩માં ભારતનું સ્થાન ૧૩૨મું હતું જ. છતાં વધુ સ્પષ્ટ થવા વાસ્તે કેટલાક આંકડા જોઈએ :

દેશ                      વર્ષો અને સ્થાનક્રમ

                   ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮

કૅનેડા                ૧૯      ૧૩     ૧૪      ૨૨      ૧૮

જર્મની               ૨૧      ૧૪     ૧૫      ૧૭     ૨૦

ભારત               ૧૩૪    ૧૪૨   ૧૩૦    ૧૩૦  ૧૦૦

આમ, સ્થાન હંમેશાં ઊર્ધ્વગામી જ હોય અથવા સ્થિર જ રહે તેવું નથી. ભારત ૨૦૧૩માં ૧૩૨મા ક્રમે હતું જ.

ધંધારોજગારની સરળતા કોઈ મહાનતા સૂચવે છે તેવું પણ નથી. ૨૦૧૭-૧૮ના વર્ષમાં જ, આપણાથી આગળ અને પાછળ કેવા દેશો છે તેની, નમૂનાદાખલ વિગતો જોવાથી આ બાબત ચોખ્ખી થશે.

દેશ          ક્રમાંક         દેશ           ક્રમાંક

ન્યુઝીલૅન્ડ      ૧         ચીન             ૭૮

સિંગાપુર         ૨       ભારત            ૧૦૦

યુ.એસ.          ૬ નિકારાગુઆ           ૧૩૧

રશિયા         ૩૫   સોમાલિયા           ૧૯૦

આ વિગતો આપણે કઈ કંપનીમાં ઊભા છીએ તેની થોડીક ઝલક આપે છે. પણ આપણે આ ‘સિદ્ધિ’ મેળવી કયા કારણે તે પણ જાણી-સમજી લઈએ. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એક આંકડાકીય રચના છે. તેના આધાર રૂપે પ્રત્યેક દેશમાંથી વિગતો એકઠી કરાય છે. આ માપદંડોમાં પ્રગતિ થાય તો તેના ફલસ્વરૂપે જે આંક નીપજે, તે આ સૂચકાંક છે. વિવિધ દેશો વચ્ચે તેની સમસામયિક તુલના કરવાથી વૈશ્વિક મૂડીપ્રવાહે કઈ બાજુ વળવું તેનો અંદાજ આવે છે. આમ, સૂચકાંક જેમ નીચો તેમ મૂડીરોકાણ માટે આકર્ષણ વધુ. આ દસ પરિણામો અને તેમાં ભારતની ‘પ્રગતિ’ની વિગતો નીચે પ્રમાણે છે.

પરિણામ                                           ૨૦૧૭       ૨૦૧૮

૧. વેપારનું સ્થાપન                                ૧૫૫         ૧૫૬

૨. બાંધકામની કામગીરીમાં સરળતા           ૧૮૫          ૧૮૧

૩. વીજજોડાણ મેળવવું                            ૨૬          ૨૯

૪. નોંધણીની સરળતા                             ૧૩૮        ૧૫૪

૫. ધિરાણ મેળવવું                                  ૪૪          ૨૯

૬. લઘુમતી(શૅરહૉલ્ડર્સ)નાં                          ૧૩            ૪
હિતોની જાળવણી 

૭. કરવેરાની ચુકવણી                            ૧૭૨         ૧૧૯

૮. દેશની સીમા પારનો વેપાર                    ૧૪૩         ૧૪૬

૯. કરાર પ્રમાણે જ કામ લેવાની શક્યતા      ૧૭૨         ૧૬૪

૧૦. નાદારીનો નિકાલ                               ૧૫૬         ૧૦૩

કુલ                                                      ૧૩૦         ૧૦૦

ઉપર નોંધેલાં પરિમાણો પૈકી નાદારીની પ્રક્રિયામાં સરળતા, ધિરાણ મેળવવામાં સરળતા, કરવેરા ચૂકવવામાં સરળતા તથા લઘુમતી શૅરહૉલ્ડર્સનાં હિતોની જાળવણી જેવા ચાર મુદ્દામાં, અગાઉના મુકાબલે વધુ સુધારો જણાયો છે. આ કોઈ બહુ મોટા સુધારા નથી; વેપારનું સ્થાપન, નોંધણી તથા સીમા પારના વેપારની બાબતમાં પણ વેપારધંધામાં વહીવટી ક્ષમતા દાખવવાનો પૂરતો અવકાશ છે.

દેશ માટે આવા સૂચકાંકો કરતાં વધુ મહત્ત્વનું બીજું ઘણું છે. ગોરખપુર અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલોમાં ઓછાં શિશુમૃત્યુ થાય, દેશભરમાંથી ભૂખમરો અને કુપોષણ નાબૂદ થાય, ધોરણસરનાં વેતન કે પગારોએ કમદારોને પૂરતી રોજી મળે, મોંઘવારી કાબૂમાં રહે, ભ્રષ્ટાચાર ખરેખર ઘટે – આ બધું વધુ જરૂરી છે. મૂડીઝ કે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ પોતે કોઈ સાધ્ય હોઈ જ ન શકે. તેના ફલસ્વરૂપે માનવવિકાસના સૂચકાંકમાં વધારો થવો જોઈએ, સાચી કસોટી એ જ ગણાય.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 03-04

Loading

‘હું છું વિકાસ …’

મહેન્દ્ર પટેલ, મહેન્દ્ર પટેલ|Samantar Gujarat - Samantar|30 November 2017

‘હું છું વિકાસ, હું છું ગુજરાત’, ‘સૌનો સાથ સૌનો વિકાસ’, વિકાસવાદ, ‘વિકાસ ગાંડોે થયો છે’. Vikas Gone Crazy. આવાં ઘણાં સૂત્રો વહેતા કરવામાં આવ્યાં, પણ વિકાસની સ્પષ્ટ વ્યાખ્યા આ સૂત્રો વહેતાં મુકનાર લોકોમાં નથી. આંધળાઓ અને હાથીની વાત જાણીતી છે. જેણે પગ પકડ્યો તેણે હાથી થાંભલા જેવો છે તેવું કહ્યું, જેણે સૂંઢ, કાન વગેરે પકડ્યાં તે દરેકે એ મુજબનો હાથી કહ્યો. આમ વિકાસની પણ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી.

પી. ચિદમ્બરમ્‌ના શબ્દોમાં વિકાસ એટલે વિવિધ પ્રકારના લોકોની જરૂરિયાતો પૂરી કરવી. મુખ્યમંત્રી રૂપાણી કહે છે કે વિકાસ એટલે માનવી ઇચ્છે તે પ્રમાણેની સુવિધાઓ. જ્યારે કેમ્બ્રિજ ડિકશનરી વિકાસને Development – When someone or somethings grows or changes and becomes more advanced અર્થઘટન કરે છે. જ્યારે વિકાસને અંગ્રેજીમાં Opening, Glooming, development, evolution અને વિકાસવાદ Theory or Evolution કહેવામાં આવે છે.

ડેવલપમેન્ટ માત્ર ખોટા આંકડાઓ દર્શાવી ખોટી વિગતો રજૂ કરવાના બદલે સારા રસ્તા, સસ્તું શિક્ષણ, સસ્તી આરોગ્ય સેવા, સારી સિંચાઈ સુવિધાઓ જેવાં કાર્યો કરવાની બાબત છે. ડેવલપમેન્ટ ફક્ત સૂત્રોથી આવતું નથી.

વિકાસ અને વિજ્ઞાનનો સંબંધ ખરો? જેમ જેમ નવી શોધો થતી જાય, લોકો તેને અપનાવતાં જાય તેમ તેમ આપણે તેનાથી ટેવાતા જઈએ છીએ. અને વધારે સુવિધાઓ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગી જઈએ છીએ સુવિધાઓ માટે આપણી અપેક્ષાઓ વધતી જાય છે. સંશોધન ક્ષેત્રે, મોટી શોધો કરવા માટે પુષ્કળ રીસર્ચ કરવી પડે. સમય આપવો પડે, બીજું બધું ભૂલીને પ્રયોગશાળાઓ કરવી પડે. આ ક્ષેત્રે આપણે ક્યાં ? વિકાસ માટે સંશોધન ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવે છે. વીજળી, રેડિયો, ટીવી, મોબાઇલ, ફેસબુક, સોશ્યલ મીડિયા, રોબોટ, સાઈકલ, સ્કુટર, મોટરકાર વગેરે સંશોધનોથી પ્રાપ્ત થયા હતા. માનવીને સૌથી પહેલાં કઈ જરૂરિયાતની પ્રાથમિકતા જોઈએ? સવલતોવાળું જીવન, લાંબુ જીવન, તંદુરસ્તી, સારું ભણતર અને વધુ આવક દરેકની જરૂરિયાત છે.

૧૯૯૫માં પહેલાં ગુજરાતનો વિકાસ દર રાષ્ટ્રીય એવરેજ કરતાં વધારે હતો. ગુજરાત રાજ્યને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તે મોડલ સ્ટેટ નથી તેવું નીચે દર્શાવેલ આંકડાઓએ દર્શાવી દીધું છે. ગુજરાતના જી.ડી.પી.માં ઘટાડો :

વર્ષ            જી.ડી.પી. ગ્રોથ        વર્ષ        જી.ડી.પી. ગ્રોથ

૨૦૧૨-૧૩           ૧૦.૮ ટકા        ૨૦૧૩-૧૪          ૮.૩ ટકા

૨૦૧૪-૧૫           ૭.૭ ટકા        ૨૦૧૫-૧૬         ૬.૭ ટકા

વિકાસ… વિકાસ… ની વાતો થાય છે. પણ કોણે કર્યો આ વિકાસ?

મુખ્યમંત્રી                જી.ડી.પી.             મુખ્યમંત્રી          જી.ડી.પી.

માધવસિંહ સોલંકી     ૧૬.૨૯%              અમરસિંહ ચૌધરી ૧૩.૬૩%

ચીમનભાઈ પટેલ      ૧૬.૭૩%             નરેન્દ્ર મોદી           ૧૦.૮%

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં એકપણ નવી સરકારી હૉસ્પિટલ બની નથી. ભૂજની કેન્દ્રિય હૉસ્પિટલ અદાણીને હવાલે કરી. માધવસિંહ સોલંકીના સમયે ઘરેલું ઉત્પાદન દર ૧૬ ટકા વધુ હતો. ચીમનભાઈ વખતે ૧૬ ટકા વધુ હતો. આજે આ દર ૬.૭ ટકા છે.

* ૧૯૯૫માં ગુજરાત રાજ્યનું દેવું ૧૦ હજાર કરોડ રૂપિયા હતું, જ્યારે આજે ગુજરાત રાજ્યનું દેવું ૨.૨૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

* માનવવિકાસ ઇન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે હતું આજે ૧૧મા ક્રમે ધકેલાયું છે.

* સામાજિક ખર્ચમાં (ગરીબી ઘટાડવામાં) આઠમા નંબરે ગયું.

* સાક્ષરતા ક્રમમાં ૧૮મા ક્રમે ધકેલાયું.

* પ્રાથમિક શાળાની ભરતીમાં ૨૨મા ક્રમે.

* બાળમૃત્યુમાં ૨૩મા ક્રમે

* માતા મૃત્યુ દરમાં ૧૧મા ક્રમે

* કુપોષણમાં ૧૧મા ક્રમે

* મોંઘી વીજળી નંબર ૧

* મોઘું પેટ્રોલ-ડિઝલ નંબર ૧

* મોઘું શિક્ષણ નંબર ૧

* કર્મચારીઓનું આર્થિક શોષણ નંબર ૧

* આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચ ૨૮માં નંબરે

* સોફ્ટવેર એક્સપોર્ટ ૧૧માં નંબરે

* ખેડૂતકુટુંબની માસિક સરકારી આવક રૂ. ૭૯૨૬ – ૧૩માં નંબરે.

ભાજપના શાસનમાં એકપણ નવો ડેમ બંધાયો નથી. કૉંગ્રેસના શાસનના ૨૧૦ ડેમો હજી યથાવત છે. ભાજપના શાસનમાં બંધાયેલ બોરીડેમોનું ધોવાણ થઈ ગયું છે, તલાવડીઓ પાણીથી ભરવાના બદલે જમીનના લેવલે અસ્તિત્વમાં ચાલી છે. ખરેખર આ પ્રોજેક્ટો અસ્તિત્વમાં આવેલા કે કાગળ ઉપર અસ્તિત્વ બતાવી ભ્રષ્ટાચાર થયેલ તે નક્કી કરાવવું જોઈએ. ગુજરાતમાં ૨૩ વર્ષ કૉંગ્રેસે અને ૨૨ વર્ષ ભાજપે શાસન કર્યું. મોટાભાગના વિકાસ કાર્યો કૉંગ્રેસ શાસનના છે.

મોદી શાસનમાં ફક્ત સૂત્રો :

૨૦૦૩            વાઇબ્રન્ટ ગુજરાત

૨૦૦૭           ગુજરાત : દેશનું ગ્રોથ એન્જિન

૨૦૦૭            ગુજરાતનો વિકાસ અને અસ્મિતા

૨૦૧૨              સદ્‌ભાવના

૨૦૧૭             વિકાસવાદ એજન્ડા વિરુદ્ધ વંશવાદ રાજકારણ

૨૦૧૭             અડીખમ ગુજરાત

૨૦૧૭             હું છું વિકાસ, હું છું ગુજરાત

હવે વિચારો, જે ગુજરાત ગતિશીલ હતું તે છેલ્લે ૨૦૧૭માં અડીખમ (સ્થિર) થઈ ગયું છે. કોઈપણ રાજ્યના વિકાસનું તારણ ત્યાંના લોકોને મળતી આરોગ્ય, શિક્ષણ, ખોરાક, રસ્તા વગેરેથી નક્કી થઈ શકે. ગુજરાતમાં પ્રચાર માટે ગુજરાત બહારથી ૫૦ મૌલવીઓને લાવવામાં આવે છે. ભૂવાઓનું જાહેરમાં સન્માન થયું અને હવે જાદુગરોના ખેલ ભજવાઈ રહ્યા છે. ભાજપે મહારાષ્ટ્રથી ખાસ જાદુગરો તેડાવ્યા છે. આ જાદુની કળા હાલમાં મહારાષ્ટ્રમાં પણ લોકપ્રિય નથી તેવા જાદુના કરતબ પ્રચારમાં દેખાડવામાં આવશે. ગુજરાત મૌલવીઓ, ભૂવાઓ અને જાદુગરોના ભરોસે! કયા યુગમાં આપણે જીવીએ છીએ, પથ્થરયુગ, પ્રાચીન કે અર્વાચીન યુગમાં?

છેલ્લે … તમને હેટમાંથી કબૂતર કાઢતાં આવડે છે?

જાદુગરી ફક્ત એની જાગીર હતી, એણે કાગળમાં વરસાદ દોર્યા અને અમે નહાયા હતા! (ગુજરાત અને ગુજરાતીઓને સાથે જોડીને આને વાચંવું નહીં. વિકાસ અને કાગળ ઉપરના એમ.ઓ.યુ. સાથે તો ખાસ ન જોડવા વિનંતી.)

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 05 

Loading

ગુજરાતી ડાયસ્પોરા અને માતૃભાષાઃ એક સેલ્ફ નેરેટિવ

રંજના હરીશ|Diaspora - Features|29 November 2017

'મારો પહેલો ધણી જમ જેવો હતો. અને મારી સાસુ એનાથી ય ભૂંડી. ડોસી તો મૂઈ ડાકણ જ હતી.' એક હાઈ પ્રોફાઈલ લગ્ન સમારંભના વિશિષ્ટ મહેમાનોના એક્સલુઝીવ ટેબલ પર હું બેઠી હતી અને ત્યાં જલતરંગના લાઈવ સંગીતની મધ્યે મને આ સંવાદ કાને પડ્યો ! અહીં આવા સુસંસ્કૃત માહોલમાં આવી કર્ણકટુ વાત કોણ કરી રહ્યું છે તે જોવા મેં આસપાસ નજર કરી. મારી સાવ પાડોશમાં બેઠેલ ફ્રાન્સથી આવેલ ફેશનેબલ સ્ત્રી સેલમા આ વાત કરી રહી હતી ! તેની પાડોશમાં કદાચ તેની નાનપણની બહેનપણી બેઠેલી હતી. આ ઘઉંવર્ણી, રૂપાળી, ફેશનેબલ સ્ત્રીને મેં બે દિવસથી તેના પતિ, પુત્ર તથા અન્ય ફ્રેન્ચ મિત્રો સાથે ફ્રેન્ચમાં જ બોલતી સાંભળી હતી. અમારો ઉતારો એક જ હોટલમાં હતો. તેથી પ્રસંગના સ્થળેથી ઉતારા પર જવા આવવા માટે અમે એક જ કાર 'શેર' કરી રહ્યા હતા. તેને અંગ્રેજી નહિવત આવડતું હતું એટલે અમારો સંવાદ સાવ મર્યાદિત રહ્યો હતો. તેના વર્ણ પરથી હું એટલું સમજી શકી હતી કે આ સ્ત્રી કદાચ ભારતીય મૂળની હશે. વળી 'સેલમા' નામ પણ ફ્રેન્ચ નહોતું. તેનો ડોક્ટર પતિ તથા 17 વર્ષનો દીકરો બંને શ્વેત હતા. આ દ્વિરંગી પરિવારની નેશનાલિટી અને ધર્મ શો હશે તેના વિશે હું વિચારી રહી હતી. પણ જ્યારે સેલમાને ઉપર પ્રમાણે તળગુજરાતી બોલતી સાંભળી ત્યારે મારા મનનો કોયડો વધુ ગુંચવાઈ ગયો. તે પોતાની સહેલીને કહી રહી હતી, '16 વર્ષની ઉંમરે મારા બાપે મને પૈણાવી દીધી. અને પછી પાછું વળીને જુએ તો હરામ. મારી સાસુ ને ધણી બંને કમજાત. પૈણી તે વરસમાં તો મારા ધણીએ મને મારી મારીને અધમૂઈ કરી નાખેલી … પણ આ બધું તું નો જાણે. તારા બાપે તને પૈણાવીને ઇન્ડિયા મોકલી દીધેલી.' તળગુજરાતીમાં ઠલવાતી સેલમાની હૈયાવરાળે મને વિચાર કરતી કરી મૂકી. સંપન્ન ડોક્ટર પતિ તેમ જ સોહામણા પુત્ર સાથે હાઈપ્રોફાઈલ ફ્રેન્ચ સુખી પરિવારનું ચિત્ર પ્રસ્તુત કરતી સેલમાનો તેના ગુજરાતીમાં બોલાયેલ સંવાદ સાથે કોઈ મેળ ખાતો નહોતો.

બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર સેલમાને એકલા મળવાનું થયું. આજે પ્રમાણમાં નિરાંત હતી. સમારંભો પતી ગયા હતા અને બપોર પછી મહેમાનોએ વિદાય થવાનું હતું. એટલે મેં વાત શરૂ કરી. 'તમે ગુજરાતી છો ? મેં તમને કાલે રાત્રે ગુજરાતી બોલતાં સાંભળ્યાં તો આશ્ચર્ય થયું !' સેલમાએ ઉમળકાથી જવાબ આપ્યો, ‘હાસ્તો, ગુજરાતી જ છો.'

પછી તો વાતોનો દોર ચાલ્યો અને મને જાણવા મળ્યું કે, સેલમાનાં મા રૂબીના કચ્છ પાસેના કોઈ નાનકડા ગામની હતી. આફ્રિકાના મડાગાસ્કરથી પુત્રવધૂની શોધમાં આવેલા સમૃદ્ધ સસરાજીની પસંદગી પામીને 16 વર્ષની ઉંમરે તે મડાગાસ્કર પહોંચી હતી. અને તેના લગ્ન મડાગાસ્કર ખાતે થયેલા. વતનમાંથી રૂપાળી વહુ લાવ્યાનું સસરાજીને ગૌરવ હતું. કચ્છથી વિદેશ આવેલી વહુ રૂબીના સાસરીના ખોજા પરિવારમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. 'મારી મા 16 વર્ષની ઉંમરે મડાગાસ્કર આવી તે આવી. સાસરીવાળાઓએ તેને ક્યારે ય ભારત ન આવવા દીધી.' એટલું જ નહીં સમગ્ર પરિવારના બધા જ લોકો મડાગાસ્કરના થઈને જ રહી ગયા. ત્યાં જ જીવ્યા અને ત્યાં જ મર્યા.

મડાગાસ્કરમાં વસતી ગુજરાતી કમ્યુિનટીની જીવન પદ્ધતિ કંઈક વિચિત્ર હતી. ત્રણ પેઢી પહેલાં ભારત છોડીને વિદેશમાં આવીને સ્થિર થયેલ આ ગુજરાતી વેપારી પ્રજાએ જાણે કે તે દેશમાં નાનકડું ગુજરાત વસાવી દીધું હતું. ભાષા, પહેરવેશ, ખોરાક, જીવન પદ્ધતિ તેમ જ મૂલ્યો સઘળુંએ ત્રણ પેઢી પહેલાં અહીં આવીને વસેલ લોકોના પરિવારોએ અકબંધ જાળવી રાખ્યું હતું. ઘરની બહારે ય આ બધા ગુજરાતીઓ મડાગાસ્કરની રીત પ્રમાણે વર્તતા. પણ જેવા દેશી વિસ્તારમાં આવે કે તરત તેઓ નોખી રીતે વર્તતા. 'અમે નાના હતા ત્યારે આ બધું સમજાતું નહીં અને અમે મડાગાસ્કર પદ્ધતિથી જીવવા કજિયો કરતા. અને ત્યારે મા-બાપ કહેતાં, આપણે તો દેસી લોકો છીએ અને આપણે દેસી રીતે જીવવાનું હોય.'

આ દેશીપણાના ભાગરૂપે અન્ય છોકરીઓની જેમ સેલમાને પણ તેના બાપે કોઈ અજાણ કચ્છી ખોજા મૂરતિયા સાથે પરણાવી દીધી. તે બંનેમાં ક્યાં ય કોઈ મેળ નહોતો. સંપન્ન સંયુક્ત કુટુંબમાં રહેલી સેલમા માટે વિધવા માના એકલપેટા, તુંડમિજાજી દીકરા એવા પતિ સાથે રહેવું આકરું હતું. વાતવાતમાં તેને પત્નીને ઢોર માર મારવાની ટેવ હતી અને વળી પતિના ગુસ્સામાં અદેખી સાસુ અગ્નિમાં ઘી હોમવાનું કામ કરતી. પાંચેક વર્ષ સહન કર્યા બાદ સેલમાએ કોઈક રીતે પોતાના પતિને મડાગાસ્કરમાંથી નીકળીને અન્યત્ર ક્યાંક વસવા માટે સમજાવ્યો. અંતે સેલમાનો પતિ પોતાની મા અને પત્નીને લઈને ફ્રાન્સના પેરિસ નગરમાં આવીને સ્થિર થયો. વિશ્વભરના સંસ્કૃિતધામ સમા પેરિસ નગરમાં આવીને વસવા છતાં પતિ મહાશયનું પિતૃસત્તાક વલણ ન જ બદલાયું. પરંતુ એક વાત સારી એ થઈ કે તેમણે પેરિસના ખર્ચાને પહોંચી વળવા પત્ની સેલમાને નાની-મોટી નોકરી કરવાની પરવાનગી આપી. અને આ નોકરીએ સેલમાને પેરિસની સ્વસ્થ અને મુક્ત આબોહવા સાથે પરિચય કરાવ્યો. સાથે કામ કરતી સ્ત્રીઓનાં મુક્ત જીવને તેને પોતાના પીંજરમાં પૂરાયેલ જીવન વિશે સભાન કરી. અને એકાદ વર્ષમાં જ પેરિસના રંગમાં રંગાયેલી સેલમાએ પતિ તથા સાસુની ખોટી દાદાગીરી નહીં સહી લેવાનો નિર્ણય કરી લીધો. ઘણા વાદ-વિવાદ અને ઝઘડા બાદ તેણે પતિથી છૂટાછેડા લઈ લીધા.

નરાધમસમા પતિના સકંજામાંથી છૂટેલ સેલમાએ નર્સિંગના કોર્સ માટે એડમિશન લઈ લીધું. અને કોર્સના એ ગાળા દરમિયાન તેનો પરિચય એક યુવા પેરિસવાસી શ્વેત ડોક્ટર સાથે થયો. આ ફ્રેન્ચ પુરુષની કુલીનતા અને સ્ત્રી દાક્ષિણ્ય જોઈને સેલમાને આશ્ચર્ય થયું. ગુજરાતથી ત્રણ પેઢી પૂર્વે મડાગાસ્કરમાં આવીને વસેલ પુરુષો તથા તેમના પુત્ર-પૌત્રોમાં આ સ્ત્રીએ લેશમાત્ર સ્ત્રીદાક્ષિણ્ય જોયું નહોતું. એ લોકોને મન તો સ્ત્રી તેમની માલિકીની સંપત્તિસમી હતી. જેને ગમે તે રીતે વાપરી શકાય. પરંતુ આ શ્વેત ડોક્ટર તદ્દન જુદો હતો. સેલમાના પૂર્વ જીવન વિશે બધું જ જાણવા છતાં તેણે સેલમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. સેલમાના જીવન માટે આ ધન્ય ક્ષણ હતી. આવા જીવનસાથીની કલ્પના તો તેણે સપનામાં પણ નહોતી કરી. અને બંને પ્રેમીઓ પરણી ગયાં !

પેરિસના સુંદર પરગણામાં આવેલ ડોક્ટરના વૈભવી મકાનમાં નવયુગલે પોતાના નવજીવનનો પ્રારંભ કર્યો. 'લગ્નનાં પહેલાં પાંચ વર્ષમાં જ અમારે ત્યાં બે બાળક જન્મ્યાં. એક દીકરી જે દેખાવે મારા જેવી શામળી છે, અને બીજો દીકરો કે જે મારા પતિ જેવો ધોળો છે.' ઘરસંસાર અને હોસ્પિટલની જવાબદારી નભાવતી સેલમા હવે પૂરેપૂરી ફ્રેન્ચ બની ચૂકી હતી. ઘર અને ઘરની બહાર ફ્રેન્ચ ભાષા સિવાય કશું જ બોલાતું નહોતું. આટલા સુખની વચ્ચે સેલમાને પોતાની માતૃભાષા ગુજરાતી ગુમાવવાનો વસવસો રહેતો.

પણ ત્યાં જ ચારેક વર્ષ પહેલાં પત્ની સાથે મડાગાસ્કરથી પેરિસ આવીને વસેલા સેલમાના પિતાએ આઘાતજનક વર્તન કર્યું. તેમણે 50 વર્ષ પહેલાં ગુજરાતથી મડાગાસ્કર લવાયેલ પત્નીને અચાનક તલાક આપી દીધા ! પેરિસની હવા તેમને એવી લાગી કે તેમણે કોઈ રૂપાળી પેરિશીયન યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા. મા સાવ એકલી પડી ગઈ. પરણીને મડાગાસ્કર આવી ત્યારથી તે ઘરમાં રહેવા જ ટેવાયેલી હતી. તેને ગુજરાતી સિવાય કોઈ ભાષા આવડતી નહોતી. પતિની ઇચ્છાવશ પેરિસ આવેલી તેણે પેરિસની દુનિયા ગમતી નહોતી. પરંતુ હવે તે મડાગાસ્કર પાછી જઈ શકે તેમ પણ નહોતી કેમ કે ત્યાં કોઈ સગું નહોતું. આવા વખતે બીચારી મા ક્યાં જાય ?

પત્નીના પરિવારમાં બનેલ આ અઘટિત ઘટનાની ગંભીરતા સેલમાના પતિએ બરાબર સમજી. તેણે એકલી-અટૂલી સાસુને પોતાના ઘરે લઈ આવવાનો નિર્ણય કર્યો, પરંતુ તે પહેલાં પોતાના બંગલાના ગાર્ડનમાં તેમણે એક નાનકડું આઉટહાઉસ બનાવડાવ્યું જેમાં બેડરૂમ, નાનકડા પૂજારૂમ તેમ જ કિચન હતાં. ઘરડા સાસુજીને ડોક્ટર જમાઈએ આજીવન આઉટહાઉસમાં રાખવાની તૈયારી બતાવી.

'માના આવતાંની સાથે જાણે મારી ભાષા મને પાછી મળી … મારું ગુજરાતી ખાણું મને પાછું મળ્યું. મેં મારા ધણીને પ્રેમથી કહ્યું, 'મને મારી મા અને માતૃભાષા ગિફ્ટમાં આપવા માટે આભાર.' મા ગુજરાતી સિવાય કશું જ બોલતી નથી. તેના રસોડામાં ગુજરાતી ખાવાનું બને છે – ખીચડી, કઢી, આંઢવો, ઢોકળા, રાબ, ઉકાળો હું ને મારો ધણી તેમ જ છોકરાઓ આ બધું ખાવા તેમના રસોડે પહોંચી જઈએ છીએ. મારી સાથોસાથ મારો ધણી અને બાળકો પણ તૂટુંફૂટું ગુજરાતી બોલતા શીખી ગયા છે.'

'મારો આ ધણી તો દેવ છે, દેવ. મારવાનું તો જવા દો એણે મને કદી કાઠા વેણ પણ કહ્યા નથી. અમારા લગનને આજકાલ કરતાં 25 વર્ષ થયાં.' સેલમા લાગણીના પૂરમાં તણાય તે પહેલાં મેં તેને પૂછ્યું, 'તારે ઈશ્વરનો આભાર માનવો હોય તો શું કહીશ ?' એ બોલી, 'દેવ જેવા ધણી મારફત મા અને માતૃભાષા મારા જીવનમાં આજે ય જીવે છે તેને માટે ગોડને થેન્કયુ.'

પેરિસ નગરની એક ફેશનેબલ રજિસ્ટર્ડ નર્સના મોંએ આ શબ્દો સાંભળીને હું મુગ્ધ થઈ ગઈ. હું વિચારી રહી, આ છે ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા. તથા મલ્ટીપલ ડાયસ્પોરિક પ્રજાનો માતૃભાષા પ્રેમ. ભલેને પછી જે ભાષા સેલમા બોલી રહી હતી તે ત્રણ પેઢી પહેલાંની જૂની પુરાણી ગુજરાતી ભાષા જ કેમ ન હોય !!

તા.ક.

ગમે તેટલા માતૃભાષા અભિયાન, સંમેલનો કે ગોષ્ઠીઓ ભલેને થાય પરંતુ આવા અભિયાનની સફળતા તો સેલમા જેવી એકલપંથી માતૃભાષા પ્રેમી વ્યક્તિઓના પ્રયત્નોમાં જ છે.

e.mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, જુલાઈ 2017  

Loading

...102030...3,2333,2343,2353,236...3,2403,2503,260...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved