Opinion Magazine
Number of visits: 9766680
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની લોકશાહીને લૂણો લાગ્યો?

આશા બૂચ|Opinion - Opinion|26 February 2018

દોષ માત્ર શાસકો અને રાજદ્વારી પક્ષોનો જ?

ભારતના કેટલાક રાજ્યોમાં ધારાસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યાં તો 2019ની સામાન્ય ચૂંટણીના નગારાં વાગવાં માંડ્યાં છે. અનેકાનેક ઘટનાઓ એવી બનતી આવે છે કે ‘જગતની સહુથી મોટી સંખ્યા ધરાવતી લોકશાહી’નું ગૌરવ ધરાવતા ભારતમાં ખૂણે ખૂણેથી ‘આપણા દેશની લોકશાહી ખતરામાં છે’ એવો ભયનો સૂર બળવત્તર થતો જાય છે.

આ પરિસ્થિતિ માટે પ્રજા અને વિરોધ પક્ષ સરકારને દોષ આપે અને સરકાર સત્તા પર ન બેઠેલા તમામ વિરોધ પક્ષોને સાગમટે ભૂતકાળમાં તેઓએ કરેલી ભૂલોને જવાબદાર ગણાવી પોતાની ફરજોને ગંગા સ્નાન દરમ્યાન નદીમાં પધરાવી દે છે.

સવાલ એ થાય કે સરકારી કે બિન સરકારી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ ચાલતાં કૌભાંડો અને ગોટાળાઓ માટે શું માત્ર જે તે સમયની સરકાર અને તેની પુરોગામી સરકાર જ દોષિત હોઈ શકે? ‘લોકશાહી’ શબ્દ જ સૂચવે છે કે આ પ્રકારની શાસન પદ્ધતિમાં લોક પણ શામેલ છે અને એટલા જ જવાબદાર છે જેટલા રાજ્ય અને દેશના વહીવટદારો.

લોક એટલે કે સામાન્ય પ્રજાજન કે જેમને આઝાદ થતાની સાથે જ મતાધિકાર મળી ગયો છે તેમની મત આપવા માટેની સુસજ્જતા ન હોય તો તેઓ શી રીતે સારા ઉમેદવારોને ચૂંટીને રાજ્ય કરવા મોકલવાના? ગુવણંત શાહ કહે છે તેમ આરામખોર પ્રજાને હરામખોર નેતાઓ જ મળે. એમણે એવું પણ કહેલું કે એકાદ ચેરમેનપદું, એક મોટરગાડી, એક ઓફિસ, ઉપકારો ઠાલવવાની વિપુલ સત્તા, પ્રવાસભથ્થું, સર્કિટ હાઉસની સુવિધા, ટેન્ડર, ટ્રાન્સફર અને ટ્રાવેલ સાથે જોડાઈ ગયેલી ગળચટ્ટી ચશ્મપોશી એટલે આપણા ભ્રષ્ટ રાજકારણીઓનો બ્રેકફાસ્ટ. નિયમિત હપ્તા મળે તે લંચ અને મોટી રકમનાં બંડલો એ જ ડિનર! યાદ રહે કે હાલની ભારતની મોટા ભાગની પ્રજા એવી આરામપ્રિય થઈ ગઈ છે કે સહુને સરકારના નાના કે મોટા પદ પર બેસીને ઐયાશી જ કરવી હોય તો એવી આળસુ પ્રજાના નેતા હરામખોર હોય તેમાં નવાઈ શી?  

હવે વિચારવાનું એ કે પ્રજા આરામખોર ન થાય અને નીતિવાન નાગરિક બને તે કોની જવાબદારી? એ માટે સહેજે માતા-પિતા પાસે ઉમ્મીદ રહે કે તેઓ તેમના સંતાનોને સર્વ રીતે યોગ્ય નાગરિકો બનવા સંસ્કારો આપે. વ્યક્તિ ઘડતરના બીજા મહત્ત્વના ભાગીદાર તે શિક્ષકો. એક જમાનો હતો જ્યારે મા-બાપ પાયાના સંસ્કારો આપીને ગુરુને પોતાના બાળકો સોંપે અને શિક્ષકો ટકોરાબંધ કુશળ કારીગરોથી માંડીને વહીવટદારો અને રાજનીતિજ્ઞો સુધ્ધાં ઘડીને સમાજને ચરણે ધરતા.                      

તેમાંના એક તે નાનાભાઈ ભટ્ટ. તેમણે પ્રજા તેજસ્વી હોય તો શું થાય એ વિષે કહેલું તે સમજવા જેવું છે, “પ્લેટોનું પુસ્તક ‘રિપબ્લિક’ મેં વાંચ્યું, અને કોઈ રાજા જ્ઞાની હોય તો રાજાશાહી પણ સુંદર પરિણામ આપે એવી વિચારણા થોડો વખત મારા મનમાં રહી ગઈ.” આપણે સહુ આપણો રાજા એવો જ્ઞાની જ હશે એવી શ્રદ્ધા ધરાવતા રહ્યા. તેમણે આગળ જણાવ્યું, “પણ રાજા આવો જ્ઞાની ન હોય તો? વળી રાજાના કુંવર પણ જ્ઞાની જ હશે, તેની શી ખાતરી? એટલે પછી, રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઉતરે એ વ્યવસ્થાના મૂળમાં જ દોષ છે એમ હું સમજ્યો. પણ આ સમજણની સાથે જ એક બીજો વિચાર પણ મારા મનમાં ઊગ્યો: રાજ્યતંત્ર ગમે તે પ્રકારનું હોય; તંત્રનું બહારનું કલેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, સરમુખ્યતારશાહી હોય, કમ્યુિનસ્ટ હોય – ગમે તે હોય; પણ પ્રજા પોતે જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે. પ્રજામાં મોટા ભાગના લોકોમાં, જો આખરે ખુવાર પણ થઈ જવાની તાકાત હોય તો કોઈ પણ રાજસત્તાનો ભાર નથી કે તે પ્રજાને પીડી શકે. પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ, જો પ્રજા નિર્માલ્ય હોય અને શાસકો સત્તાલોલુપ હોય તો, લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ ‘શાહી’ ઢંકાયેલી રહી શકે છે.”

આપણી તો પ્રજા સાવ નિર્માલ્ય અને શાસકો સત્તાલોલુપ. ભારત પાસે તો અત્યારે નથી કોઈ જ્ઞાની રાજા, નથી તેના કુંવરો જ્ઞાની કે શક્તિશાળી અને છતાં વંશ પરંપરાગત સત્તા ટકાવી રાખવાના ભૂતનો વળગાડ છૂટતો નથી. લોકશાહી એટલે રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઊતરે જ એવું જરૂરી નથી, વ્યક્તિની લાયકાત જોઈને પ્રજામત આધારિત વરણી થાય એ તો આપણે સમજ્યા જ નહીં. જ્યારે લોકોમાં નૈતિક બળ અને પોતાના અધિકારો સાટુ ખપી જવાની કુરબાનીની ભાવના કેળવાઈ ત્યારે દુનિયાની સહુથી વધુ તાકાતવાન સત્તાને તડી પાર કરી, તો જો આજની ભારતની પ્રજામાં કૌવત હોત તો કોંગ્રેસ કે બી.જે.પી.ની મજાલ છે કે નાગરિક અધિકારોનું ખુલ્લેઆમ લીલામ કરીને પ્રજાને ગુલામી જેવી બદતર દશામાં ધકેલી શકે?

ભારત આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ કરીને દુનિયાના આગલી હરોળના દેશોમાં સ્થાન પામ્યું છે તેની ના નહીં. પણ વિજ્ઞાન અને શિક્ષણના પ્રસાર સાથે લોકોની સામાજિક ધારણાઓ અને ધર્મથી માંડીને રાજકારણ સુધીની સમતોલ સમજણ ન કેળવાઈ તેના પરિણામો શિક્ષિત પ્રજા અબૂધ ટોળાંની માફક વર્તે છે તેમાં જોવા મળે છે. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ એક વેળા ભારતની જનતાનું જૂનું માનસ કેવું અકબંધ છે તે વિષે પોતાની વેદના ઠાલવતા બોલેલ, “જમાનો બદલાતો ગયો, પણ આપણે ન બદલાયા. ન્યાતજાતનાં તે જ કુંડાળાં, તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક-પરાયણતા, આ લોક વિષે તે જ બેદરકારી. આ બધાં અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ ને નવી રાજનીતિ લાવ્યાં, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગરાસદાર ગરાસદાર માટે, ભણેલા – ખરી રીતે ભૂલેલા – ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ. બધું જૂનું માનસ અકબંધ રહ્યું. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ન્યાતજાતને આપણે સોંપી દીધો છે.” તેમની આ ઉક્તિને હાલની રાજકીય આબોહવા તદ્દન ખરી પાડે છે એ કેવી કમનસીબી! બંધારણમાં ‘સેક્યુલર સ્ટેટ’ હોવાની ઘોષણા કરીને સર્વ ધર્મ સમભાવ આચરીએ છીએ અને અનામત બેઠકોની જોગવાઈ કરીને જ્ઞાતિ પ્રથાને દેશવટો આપ્યાનો દાવો કર્યો, પણ હકીકતે આચરણ તો એવું કર્યું કે ધર્મને આધારે વિભાજન અને જ્ઞાતિના વાડાની ચુસ્તતા વધતી જ ચાલી. આમાં માત્ર સરકારનો દોષ? સમાજના આગેવાનો, ધર્મના વડાઓ કે સહુથી વધુ તો પ્રજા પોતે કંઈ જવાબદાર નહીં?

હા, એટલું જરૂર કબૂલવું રહ્યું કે સામાન્ય જનતાને ઉચ્ચ આદર્શો અને ઉત્તમ નૈતિક આચરણનું દ્રષ્ટાંત તેમનાથી મૂઠી ઊંચેરા આગેવાનો જ પૂરું પાડી શકે. આજે જેમના વિષે એક બાજુ અપાર ભક્તિ દર્શાવાઈ રહી છે અને બીજી બાજુ છુટ્ટે મોંએ નિંદા થઈ રહી છે તેવા વલ્લભભાઈ પટેલની પ્રામાણિકતાનો જોટો જડવો મુશ્કેલ. તેમનો એક કિસ્સો જાણીએ. 1935માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી વખતે રાજેન્દ્ર પ્રસાદે સરદારને ફરિયાદ કરી કે ચૂંટણી ફંડ માટે જે.આર.ડી. તાતા કેટલીક સોદાબાજી કરવા માંગે છે. સરદારે તાતાને મળવા બોલાવ્યા. તાતાએ માંગણી કરી કે ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો નાણાં આપું. સરદારે એનો ઇન્કાર કર્યો અને પૂછ્યું, “તમે તમારી કંપનીમાં અમારા કોઈ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા?” તાતા એ વાત  સાંભળી, સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં મૂકી સસ્મિત વદને વિદાય થઈ ગયા.

બીજો એક કિસ્સો. એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરી શાંતિલાલ હ. શાહને મળવા આવ્યા. તેમણે કહ્યું કે, “દાલમિયા શેઠ ચૂંટણી ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માંગે છે. સરદાર એ સ્વીકારશે ખરા? સરદારે જવાબ આપ્યો, “લઈશું.” બીજે દિવસે ધર્મદેવ ફરી આવ્યા અને શાંતિભાઈને કહ્યું કે દાલમિયા શેઠે ઈચ્છે છે કે સરદાર સાહેબ તેમને ત્યાં ચા પીવા આવે અને એ સમયે તેઓ આ રકમ તેમને સુપરત કરશે. શાંતિભાઈએ આ સંદેશો કહ્યો તેવા જ સરદાર તાડુકી ઊઠ્યા, “જુઓ શાંતિલાલ, એમને સ્પષ્ટ જણાવો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી. આ કામ માટે હું એમના ઘેર નહીં આવું.” શાંતિલાલે એ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદારનો સંદેશો સાંભળીને દાલમિયા શેઠે બે લાખમાં પચીસ હજાર રૂપિયા ઉમેરીને સવા બે લાખનો ચેક તરત જ સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની ખુમારી અને રાજકીય સૂઝ. એ સાથે હૃદયની ઋજુતા પણ જુઓ. પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવડાવીને દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.

આજે સરદાર જેવા નિષ્ઠાવાન રાજકર્તાઓ નથી કે નથી તાતા અને દાલમિયા જેવા ઉદ્યોગપતિઓ કે જેમનામાં નૈતિક બળ ભરપૂર માત્રામાં હતું, જેઓ ફરજ અને અંગત સંબંધોને અલગ રાખી શકતા અને જેઓ હોદ્દેદારની પ્રામાણિકતાને વધાવી, તેનું ઊંચું મૂલ્ય આંકતા. ભારતના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનતાના ખાતામાંથી આ બધા ગુણોની ખાધ કેમ કરતાં પડી?

આજે જો કે વિશ્વ ભરમાં ઉદારીકરણ, વૈશ્વીકરણ અને ખાનગીકરણનાં નામે રાજકારણનું કંપનીકરણ જે રીતે થવા લાગ્યું છે, તેનાથી તો લોકશાહી મૂલ્યો જાણે વિના મૂલ્યે વેચાતાં જાય છે. એક વાત સમય જતાં વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે હવે કોઈ અવતારો ધરતી પર નહીં અવતરે, કોઈ મહાપુરુષો આપણને આપણા પાપોમાંથી ઉગારવા જન્મ નહીં લે, જે કંઈ સત્કર્મો કરવાનાં છે એ હવે લોકોએ જ સાથે મળીને કરવા રહ્યાં. તે માટે અવતારી પુરુષોએ આપેલા સિદ્ધાંતો અને મહાપુરુષોએ તેના અલમથી કંડારી આપેલ માર્ગ આપણી સામે જરૂર હાજર છે. પણ કિશોરલાલ મશરૂવાળાએ કહેલું તેમ હવાડો એ શાસક વર્ગ છે, કૂવો એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદાઓ અને બંધારણ ઘડો, સમસ્ત પ્રજાનાં ચારિત્ર્ય કરતાં શાસક વર્ગનું ચારિત્ર્ય ઘણું ઊંચું હોય તેમ બનવાનું નહીં. અને તેમની આ વાત સમજી, સ્વીકારીને કૂવા રૂપી પ્રજામાં જીવન લક્ષી નીરની આવે તે માટે સહિયારો પ્રયાસ આદરવાનો છે. એ માટે શું હવે એક વધુ ક્રાંતિની જરૂર છે? કોણ કરશે?

વિનોબા ભાવેને રાજ્યસત્તાની મર્યાદા વિષે પૂરેપૂરું ભાન હતું અને લોકસત્તાની શક્તિ પર ગાંધીજી જેવો જ ભારે ભરોસો હતો. એથી જ કદાચ અવળી દિશામાં ફંટાઈ ગયેલ સમાજને પુન: સન્માર્ગે લાવવા સરકાર સામે જોઈને બેસી રહેવું કે એ કોઈ કાયદા ઘડે કે પરિવર્તન લાવે તેના સમર્થનમાં તેઓ નહોતા. તેમના મતે તો સરકારનું એ ગજું નથી અને વધુમાં કહેલું પણ ખરું, “ખુદ મારા હાથમાં સત્તા હોત તો હું પણ ઝાઝું કામ ન કરી શકત. એનું કારણ એ છે કે સરકાર કદી ક્રાંતિકારી નથી હોતી. સરકાર તો આમ જનતાનું પ્રતિબિંબ હોય છે. બુદ્ધ ભગવાન સમાજમાં ક્રાંતિ લાવવા માગતા હતા. એટલે તો એમને પોતાના હાથમાં હતું તે રાજ્ય પણ છોડવું પડેલું. રાજ્યસત્તા હાથમાં રાખીને ક્રાંતિ ન કરાવી શકત – બહુ તો એક સારા રાજા થઈ ગયા હોત, પરંતુ ક્રાંતિકાર ન થયા હોત. અકબર ઘણો સારો રાજા હતો, પણ તે ક્રાંતિકારી નહોતો. બુદ્ધે ક્રાંતિ કરી, ઈશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની. નૈતિક શક્તિ નિર્માણ કરવાનું સરકારનું ગજું હોતું નથી. તે તો એ શક્તિની પાછળ ચાલે છે.” અહીં ‘સરકાર તો આમ જનતાનું પ્રતિબિંબ હોય છે.’ એ શબ્દો બહુ મહત્ત્વના છે.

હવે જ્ઞાની રાજા કે જ્ઞાની રાજાના જ્ઞાની વારસ કરોડો લોકોને નીતિમત્તા, પ્રામાણિકતા અને નિષ્ઠાના પાઠો ભણાવે અને દેશ તો શું આખી દુનિયામાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, હિંસા અને વિભાજક વલણોનાં વહેણને પાછાં વાળે તેવી વ્યર્થ ઈચ્છા રાખવાને બદલે ઉપર ઉલ્લેખ કર્યો તે મનીષીઓના કથનને સમજી, સ્વીકારી, એ દિશામાં કાર્ય કરવા કટિબદ્ધ થયા વિના કોઈ આરો નથી.

e.mail : 71abuch@gmail.com

Loading

પરીક્ષા અને અગ્નિપરીક્ષાનો સમય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 February 2018

‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની ખરી સમસ્યા દેખાઈ નથી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેિડયમમાં હજારો વિદ્યાર્થીઓ સમક્ષ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી. હાડોહાડ રાજકારણી એવા વડાપ્રધાને વિદ્યાર્થીઓ સમક્ષ એમની સમાજસુધારકની છબી પેશ કરતાં ઘણી સુષ્ઠુસુષ્ઠુ વાતો કરી. વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કે આત્મવિશ્વાસ કેળવાય તેવી સલાહો આપી. મુખ્યત્વે એકતરફી સંવાદમાં વડાપ્રધાને કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા.

ભારતના દરેક બાળકને જન્મથી જ તે રાજકારણી હોવાનો શિરપાવ આપીને નમોએ 2019ની ચૂંટણી સંદર્ભના એક સવાલના જવાબમાં, ‘ચૂંટણીઓ તો આવે ને જાય, તૈયારી જરૂરી છે અને હું પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ,’ એમ કહ્યું હતું. એપ્રિલ 2014માં મોદી થાઉંથાઉં વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે દસમા-બારમાના પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ જોગ ટેલીફોનિક શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, ‘આ વરસે(2014)માં તમારી સાથે મારી પણ પરીક્ષા છે. પણ હું તેની બહુ ફિકર કરતો નથી.’

નરેન્દ્ર મોદીનો દેશના ભાવિ મતદારો સાથેનો આ સંવાદ કેવો વાસ્તવિકતાથી પર હતો તેનો પુરાવો બે દિવસ પછી જ મળ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની ચેસ્તા ગ્રામ પંચાયતની શાળાના વિદ્યાર્થીઓને શાળા મેનેજમેન્ટ કમિટીના એક વગદાર અને ઉચી જાતિના આગેવાનના ઘરે ટી.વી. પર આ ચર્ચા સાંભળવા લઈ જવાયા હતા. ત્યાં આ ‘એક્ઝામ વૉરિયર્સ’ દલિત વિદ્યાર્થીઓને ઘરની બહાર જુદા બેસાડવામાં આવ્યા હતા! આવા ભેદભાવ અને અસમાનતા હોય છે એનો ઉલ્લેખ સુધ્ધાં વડાપ્રધાનની પેલી સુફિયાણી વાતોમાં નહોતો.

એમ તો ઉત્તર પ્રદેશ ધારાસભાની ચૂંટણીઓમાં પરીક્ષામાં ચોરીઓનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વડાપ્રધાન તેમની ચૂંટણીસભાઓમાં આ મુદ્દો ઉછાળીને સમાજવાદી પક્ષની આલોચના કરતા હતા. આ વખતની યુ.પી.ની બોર્ડ એક્ઝામમાં નકલપ્રેમી લાખો વિદ્યાર્થીઓ બેઠા જ નહીં એવી વાતોનો યોગી આદિત્યનાથ સરકારે બહુ પ્રચાર પણ કર્યો, પરંતુ પરીક્ષામાં થતી ચોરીઓની કશી જિકર વડાપ્રધાને તેમના ભાષણમાં કરી નહીં. દેશમાં ભલે આજકાલ પરીક્ષાઓનો સમય હોય, પણ કાળ તો કસોટીનો છે. એટલે વડાપ્રધાન અને તેમના સાથીઓ પરીક્ષા અને કસોટીથી બચી શકવાના નથી.


હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિદ્યાર્તી રોહિત વેમુલાની આત્મહત્યા એ જો સંસ્થાનિક હત્યા હતી, તો ઘરઆંગણે ભાનુભાઈ વણકરના આત્મદાહને એક રીતે વહીવટી હત્યા કહી શકાય. માત્ર બે દલિતોની ચાકરિયાત ભોંયને કાયમી કરાવવા એક દલિત કાર્યકરને જાહેરમાં સળગી મરવું પડે તે સરકાર અને શાસનની નાલેશી છે. પણ મોદી હોય કે રૂપાણી, બહુમતીએ મળેલી સત્તાના નશામાં એવા તો ગુલતાન હોય છે કે 2019ની પરીક્ષા એમનો કસોટી કાળ છે તેનાથી એ સાવ જ બેતમા લાગે છે.

રોજેરોજ આ દેશમાં અગ્નિપરીક્ષાઓ જેવી પરીક્ષા થતી રહે છે. પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓની જ નથી થતી. રાજકીય પક્ષોની, સત્તાપક્ષ અને વિપક્ષની, બિનસાંપ્રદાયિક પરિબળોની, દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ, મહિલાઓ, નાગરિક સમાજની અને દેશના એકેએક નાગરિક થાય છે. આ વરસ ખાસ્સાં આઠ-નવ રાજ્યોની ચૂંટણીનું વરસ છે. તો 2019માં લોકસભાની ચૂંટણી માથે ઊભી છે. કેન્દ્ર અને રાજ્યોના અંદાજપત્રો જાણે કે રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરા બનીને આવી રહ્યા છે. આ કે તે યોજનામાં બજેટ ફાળવણીમાં વધારા ઘટાડા સિવાય તેમાં દેશની કે રાજ્યની ખરી સમસ્યાઓનું નિદાન ગાયબ છે.

કેન્દ્રની મોદી સરકારની ખરી કસોટી આર્થિક મોરચે છે. ખાસ કશી નાણાકીય જોગવાઈઓ વિના નાણામંત્રીએ ‘ઓબામાકેર’ જેવી ‘નમોકેર’ની આરોગ્યવીમાની યોજના તો જાહેર કરી દીધી છે, પણ એ જગજાહેર છે કે સરકારો શિક્ષણની જેમ આરોગ્ય સેવાઓનું પણ મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે. ગરીબોને તે ખાનગી સેવાઓના ભરોસે છોડીને કસોટીથી ભાગી રહ્યા છે. વળી અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ભ્રષ્ટાચારોની જાહેર ચર્ચાઓથી બચતી રહી હતી, પરંતુ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિક્રમ કોઠારીના કૌભાંડોએ સરકારની આબરૂ ઉઘાડી પાડી દીધી છે.

લલિત મોદી, વિજ્ય માલ્યા, સુબ્રતો રોય અને રાફેલ સોદો પણ સરકાર સામે ઊભા છે. યુ.પી.એ. સરકારનાં બહુ ગાજેલાં કૌભાંડોમાંથી નેતાઓ છૂટી રહ્યા છે, ત્યારે જ પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ મોદી સરકારની વિશ્વનીયતાની પરીક્ષા લેનારું જ નહીં તેમની આકરી કસોટી કરનારું બની રહેવાનું છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પણ સરકારની કસોટી કરનાર બાબતો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ લોકાયુક્તની નિમણૂક થવા દીધી નહોતી અને ‘કૅગ’ના અહેવાલો વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ થતા હતા. અણ્ણા હઝારેના લાડકા નમો હજુ ચાર વરસે ય કેન્દ્રમાં લોકપાલ નીમતા નથી. સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ જે રીતે પ્રેસ સમક્ષ આવી અસંતોષ વ્યક્ત કર્યો તેનાથી ન્યાયતંત્રમાં બધું સમુંસૂતરું ચાલી ન રહ્યું હોવાનું જણાય છે.

જસ્ટિસ લોયાના મૃત્યુુનું રહસ્ય પણ સરકારની કસોટી કરનાર બનનારું છે. દેશમાં વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા ખતરામાં હોવાના બનાવો બનતા રહે છે. તે અંગેનું સરકારોનું વલણ રાજસ્થાન સરકારના કાળા કાનૂનમાં દેખાય છે. પત્રકારો, વકીલો અને નાગરિક સમાજના સતત વિરોધ પછી રાજસ્થાનની ભાજપ સરકારે એ બિલ પાછું ખેંચવું પડ્યું છે, પણ તેથી લોકોનો કસોટી કાળ સાવ પૂરો થતો નથી. 

કાવેરી જળવિવાદ હોય કે નર્મદાના પાણીની ઘટતી જળસપાટી- સર્વત્ર માહોલ પરીક્ષાનો નહીં એટલો કસોટીનો છે. કાશ્મીર સરહદે રોજરોજ જવાનોની શહીદીના સમાચારો આવે છે અને મંત્રીઓ પત્રકાર પરિષદો યોજીને ‘બદલા લેંગેં’ની ભાષામાં ગર્જ્યા કરે છે. સંઘ સુપ્રીમો ત્રણ જ દિવસમાં સંઘના સ્વંયસેવકો લશ્કર બની જશેનો, એવો લલકાર કરે છે પણ કાશ્મીર હોય કે અયોધ્યા કોઈના શાંતિપૂર્ણ લોકશાહી ઉકેલની પહેલ કરતા નથી. હા, લાલ કિલ્લે યજ્ઞ જરૂર કરે છે. એમની લલકારની ભાષામાં અગ્નિ વધુ અને પ્રકાશ ઓછો હોય છે. એટલે તે ખરાખરીની કસોટીએ ભાગતા લાગે છે.

શાયદ 2000ના વરસમાં ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ‘ઈસરો’ના પૂર્વ ચેરપર્સન પ્રો. યુ.આર. રાવે કાળગ્રસ્ત પરીક્ષાપદ્ધતિના કારણે સાયબર યુગને સમજી શકે તેવા વિદ્યાર્થીઓ ન હોવાની રાવ ખાધી હતી. વિજ્ઞાનનો વિષય લઈને તૈયાર થનારાની ટકાવારી ઘટી રહી હોવાની પણ આ વિજ્ઞાનીને ચિંતા હતી. ‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની આ ખરી સમસ્યા દેખાઈ નથી પરંતુ વર્તમાન કાળગ્રસ્ત પરીક્ષા પદ્ધતિમાં સફળ થવા વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપોના ઉધામામાં થોડો આત્મવિશ્વાસ ઉમેર્યો છે. લાગે છે કે નરેન્દ્ર મોદીને અને દેશની જનતાને તેની ખરી કસોટીની ખબર નથી અને 2019 તો માથે આવી ઊભું છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘કઠણાઈ’, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2018

Loading

ખોટી આર્થિક વિચારધારા એ કૃષિ સંકટનું મુખ્ય કારણ છે

દેવેન્દર શર્મા|Opinion - Opinion|23 February 2018

વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને નિરાશા સાંપડે છે. અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદો પાડી દીધો છે, તેઓને એ દેખાડવું જોઈએ કે આખરે વાસ્તવિકતા શું છે અને ખેડૂતો કેમ મરી રહ્યાં છે. અથવા આ પ્રકારનાં બેકાર નીતિનાં દસ્તાવેજ કેમ રજૂ કરવામાં આવે છે. આપણા દેશમાં કૃષિ સંકટનું મુખ્ય કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે અને જેનો ઉદ્દભવ એ આર્થિક સર્વેક્ષણ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે, તેઓ એ વાત માનવા તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર તેઓ જણાવે છે તે તો ખરેખરમાં દેશનાં કૃષિ સંકટનું મૂળ છે.

ગત ૧૦-૧૧ વર્ષોમાં હું વાર્ષિક આર્થિક રીપોર્ટ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચતો રહ્યો છું. સામાન્ય રીતે તો આ ભારે રીપોર્ટ બજેટના બે દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાનનાં આર્થિક સરવૈયાને આ રીપોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ આપણને આ રીપોર્ટમાં એ પણ જાણવા મળે છે કે દેશમાં દરેક સરકારનો આર્થિક સ્થિતિઓ પરત્વેનો વિચાર કેવો અદૂરદર્શી રહ્યો છે. જો તમે આ રીપોર્ટને ધ્યાનથી વાંચશો તો તમે એ વાત સમજી શકશો કે આ રીપોર્ટ લખનાર અર્થશાસ્ત્રીઓ વિશ્વ બેંક, આઇ.એમ.એફ. અને ક્રેડિટ રેન્કિંગ એજન્સીઓ દ્વારા ભણાવવામાં આવી રહેલાં આર્થિક પાઠોનું આંખ બંધ કરીને અનુસરણ કરી રહ્યાં છે. જો તમે આર્થિક સર્વેક્ષણનાં કેટલાંક દસ્તાવેજો વાંચ્યા હશે તો એ વાત સ્પષ્ટ થઇ જશે કે અર્થશાસ્ત્રીઓ રૂઢીવાદી પરંપરામાંથી નીકળવાની કલ્પના પણ નથી કરી રહ્યાં. ગત વર્ષોમાં નિષ્ફળ સાબિત થયેલાં વિચારો અને ભલામણોને જ વારંવાર રજૂ કરવામાં આવે છે. ઓછામાં ઓછાં છેલ્લાં દસ વર્ષમાં કે જ્યારથી હું આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે.

જે રીતે ઘોડાઓને રસ્તા પર સીધાં ચાલવા માટે તેમની આંખો પર ડાબલા લગાવી દેવામાં આવે છે તે રીતે મારા વિચારના મુખ્યધારાનાં અર્થશાસ્ત્રી પણ ક્યારેક પોતાનાં મગજ પર મનોવૈજ્ઞાનિક ડાબલા બાંધી રાખે છે. કદાચ તેઓની પાસે ચોક્કસ મર્યાદાની બહાર વિચારી શકવાની ક્ષમતાની અપેક્ષા રાખી શકાય જ નહિ. આપણે એ વાત ભૂલવી જોઈએ નહિ કે આ ડાબલા થકી ઘોડાઓ પ્રકૃતિ જોઈ શકતાં નથી કે જે પ્રકૃતિ તેઓ જોવા માંગતા હોય છે અને આવી જ હાલત આપણા અર્થશાસ્ત્રીઓની છે.

જ્યારે પણ તમે લકીરનાં ફકીર બની જાઓ છો ત્યારે તેનાં પરિણામનાં સ્વરૂપે ભારે ભૂલો ભોગવવી પડે છે. ઉદાહરણ તરીકે જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રકારે દેશની ૫૨ ટકા જેટલી વસ્તીને આજીવિકા પ્રદાન કરે છે. ઓછામાં ઓછા ગત દસ વર્ષોમાં કે જ્યારથી હું આ આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે. જેનું ઉદ્દગમ સ્થાન એ આર્થિક સર્વેક્ષણ છે. તેનાં કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે તે લોકો એ વાત માનવા માટે તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર અંગેની વાત તેઓ કરતાં આવ્યા છે તે જ કૃષિ સંકટનું મૂળ છે.

દર વર્ષે કૃષિની સ્થિતિમાં સુધારો લાવવા માટે આર્થિક સર્વેક્ષણ થકી તે જ નિષ્ફળ પ્રયોગો ફરી વખત આદરવામાં આવે છે. પાકની ઉત્પાદકતા વધારો, સિંચાઈ વ્યવસ્થાનો વિસ્તાર કરો, જોખમભર્યું કાર્ય કરો, લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરો અને બજારનું ખાનગીકરણ કરો. ઓછામાં ઓછા ગત દસ વર્ષથી હું આર્થિક સર્વેક્ષણને કૃષિમાં સુધારો કરવા માટે આ ભલામણ કરતો રહ્યો છું. એ વાતમાં સહેજ પણ આશ્ચર્યચકિત થવા જેવું નથી કે દર વર્ષે કૃષિ સંકટ માત્ર ઓછું નથી થઇ રહ્યું, પણ આ સંકટ ઊંડું પણ થઇ રહ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ આ દેશમાં દિવસે-દિવસે વધી રહી છે, છતાં પણ આર્થિક સર્વેક્ષણમાં એ જ જૂની વિચારધારા અને કામનાં ના હોય તેવાં ઉપચાર સૂચવવામાં આવી રહ્યાં છે. ગત ૨૨ વર્ષમાં અંદાજીત ૩.૩૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને છતાં દેશનાં અર્થશાસ્ત્રી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યા છે. આ આપણા દેશનાં નીતિગત માળખાં પર એક દુઃખદ ટિપ્પણી છે.

પોતાનાં અને આ અગાઉ કરવામાં આવેલાં તમામ ઉપાયોની નિષ્ફળતા વિશે જાણતા છતાં પણ આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭માં પૂરતું ધ્યાન વિવાદાસ્પદ જેનેટિકલી મોડિફાઇડ (જી.એમ.) પાક પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દોષપૂર્ણ તર્કનો ઉપયોગ કરીને કૃષિ સંકટમાંથી બહાર આવવા માટેનો એક માત્ર રસ્તો એ છે કે પાકની ઉત્પાદકતા વધારો અને આર્થિક સર્વેક્ષણ હવે જી.એમ. ઉદ્યોગને જ તમામ સમસ્યાઓનો ઉકેલ જણાવી રહ્યો છે. તેમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે વાણિજ્યિકરણનો રસ્તો ખુલવાની રાહમાં ભારતે તમામ પ્રકારનાં જી.એમ. પાક માટે બજાર ખોલી નાખવું જોઈએ.

જી.એમ. ઉદ્યોગની વાત આધારિત આ લોકોએ જી.એમ.નાં પાકને બજારમાં ઉપલબ્ધ કરાવવો યોગ્ય છે તે જણાવવા માટેની રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. કઠોળનું ઉત્પાદન વધારવાની બાબતના રીપોર્ટમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતા હેઠળની એક સમિતિમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે જી.એમ. ઉદ્યોગને તેમાં સામેલ કરવો જોઈએ એ વાતનું ખુલ્લું સમર્થન કર્યું છે. સામાજિક સ્તરે આ ભલામણની આકરી નિંદા કરવામાં આવતાં મુખ્ય આર્થિક સલાહકારે એક પગલું આગળ વધીને આ નીતિ દસ્તાવેજનો પ્રયોગ ખાનગી બીજ કંપનીઓનાં વાણિજ્યિક હિતોને પ્રોત્સાહન આપવા માટે કર્યો.

વૈજ્ઞાનિક તથ્ય એ છે કે વિશ્વમાં એવો કોઈ જી.એમ. પાક નથી કે જેનાથી પાકનું ઉત્પાદન વધે અને આ તથ્યને સીધી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. એકમાત્ર જી.એમ. પાક કે જેનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે તે છે બી.ટી. કોટન. જો જી.એમ. કોટનથી કપાસની ખેતી કરનાર ખેડૂતોની આવકમાં વધારો થયો છે, તો બી.ટી. કોટન ઉગાડનાર ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે? એક અનુમાન પ્રમાણે ભારતમાં કૃષિ સંલગ્ન આત્મહત્યાઓમાં ૭૦ ટકા મૃત્યુ માત્ર કપાસનાં ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે.

આ સિવાય જો પાકનું ઉત્પાદન વધારવું એ જ આગળ વધવાનો રસ્તો છે તો દેશનાં ફૂડ બાઉલ તરીકે ઓળખાતા પંજાબમાં ખેડૂતો આટલી મોટી સંખ્યામાં કેમ આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યાં છે? પંજાબ એ વિશ્વનું સૌથી વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરનાર મથક છે અને તે ૯૮ ટકા સુનિશ્ચિત સિંચાઈ સુવિધાયુક્ત હોવાથી તેની પાસે વિશ્વનું સૌથી મોટું સિંચાઈ ક્ષેત્ર છે. છતાં પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે અહીં ત્રણથી ચાર ખેડૂતોએ આત્મહત્યા ના કરી હોય.  

જી.એમ. પાકનાં ઉપયોગ વિના પણ આ વર્ષે કઠોળનું ઉત્પાદન ઘણું વધારે થયું પરંતુ ઉત્પાદનમાં એકદમ વૃદ્ધિ થવાનાં કારણે તેને યોગ્ય રીતે સંભાળી શકવાની સમજ સરકાર પાસે નહિ હોવાને કારણે ભાવ ઘટ્યા અને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું. ૫૦ ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ખરીદ મૂલ્યનાં સ્થાન પર ખેડૂત ૩૫૦૦થી ૪૨૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધુ કિંમત પ્રાપ્ત કરી શક્યા નહિ. ઉત્પાદન તો ઓછું હતું જ નહિ, ક્યાં સુધી અર્થશાસ્ત્રીઓ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતાં કાચા માલના અપૂર્તિકર્તાઓનાં હિતને પ્રોત્સાહન આપવા માટે ખોટાં દ્રષ્ટિકોણ સૂચવતા રહેશે?

મને એ વાત કહેવામાં કોઈ ખેદ નથી કે વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને હું ખૂબ જ  નિરાશ થયો છું. જ્યારે અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદા નાખી દીધા છે ત્યારે એમને એ દેખાડવાનો સમય આવી ગયો છે કે ખરી વાસ્તવિકતા શું છે અને ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે. નહિ તો આપણને આ પ્રકારનાં બેકાર નીતિ દસ્તાવેજ પીરસવામાં આવતા રહેશે અને એટલે જ મારે એ કહેવું છે કે આર્થિક સર્વેક્ષણ તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓના દળ માટે એ અનિવાર્ય હોવું જોઈએ કે તેઓ ઓછામાં ઓછાં ત્રણ મહિના ગ્રામીણ વિસ્તારમાં વ્યતીત કરે અને ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે. આ દળની આગેવાની મુખ્ય આર્થિક સલાહકાર કરે અને તેમાં નીતિ દળના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે. મને એ વાતનો વિશ્વાસ છે કે તમે ચોક્કસ માનશો કે અર્થશાસ્ત્રીઓ / નોકરશાહીને ગ્રામીણ સ્થિતિ સાથેનો પરિચય કરાવવો એ ખૂબ જ જરૂરી છે. નહિ તો જે ભયંકર સંકટમાંથી દેશ ગત દસ વર્ષથી પસાર થઇ રહ્યો છે તે ઓછું થવાની જગ્યાએ વધુ ઊંડું થતું જશે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2323,2333,2343,235...3,2403,2503,260...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved