તાજેતરની કેટલીક ઘટનાઓએ પુરવાર કર્યું કે આપણા પત્રકારત્વનાં ક્ષેત્રો પર કૉર્પોરેટ-રાજનેતાનું દબાણ એ હદે વધી ગયું છે કે હવે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ભીંસવાના પ્રયાસો એકદમ વધી ગયા છે. થોડીક ઘટનાઓની વિગત જોઈએ.
૮મી ઑક્ટોબર, ૨૦૧૭ના રોજ ‘ધ વાયર’ નામની વેબસાઇટ ભાજપા અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહના વેપારી ગોટાળાનો પર્દાફાશ કર્યા કે તરત જ વેબસાઇટ પર મુશ્કેલી વધવા માંડી. જો કે પહેલી કોર્ટની મુદતમાં ‘વાયર’ તરફથી બધા હાજર રહ્યા, જ્યારે નિષ્કલંક હોવાની વાત કરતા જય શાહ તરફથી કોઈ નહીં! સોળ હજાર ગણો જે નફો જય શાહની કંપનીને થયો એમાં બાપકમાઈ છે તે ઊડીને આંખે વળગે એવું છે. આ દિવસોમાં આપકમાઈથી આટલો અધધ … નફો ન થઈ શકે. પત્રકાર રોહિણીસિંહે આંકડાઓ સાથે જય શાહે એક જ વર્ષમાં કરેલા નફાનો પર્દાફાશ કર્યો છે. વેબસાઇટ અને પત્રકાર પર જય શાહે માનહાનિનો કેસ દાખલ કર્યો એ મોટી વાત નથી, પરંતુ ભાજપનું એ હદે પતન થયું કે એની નેતાગીરી અને કેટલાક પત્રકારો ખુલ્લેઆમ જય શાહના પક્ષમાં આવ્યા!
બીજો કિસ્સો EPWના સંપાદક પરંજય ગુહા ઠાકુરદાના રાજીનામાનો છે. માલિકો દ્વારા એમનું રાજીનામું માગી લેવામાં આવ્યું. પરંજયનો ગુનો એટલો જ હતો કે એમણે વડાપ્રધાનની તદ્દન નજીક ગણાતા ગૌતમ અદાણીના વેપારી ગોટાળાઓ પર તથ્યો આધારિત EPWમાં પ્રકાશિત કરી. અને તેથી અદાણીની નોટિસ આવતાં જ EPWના સમીક્ષાટ્રસ્ટના ઉદારવાદી અને ડાબેરી ગણાતા સભ્યોએ રાજીનામું માગ્યું. પરંજય મોટા ગજાના પત્રકાર છે. પ્રેસકાઉન્સિલ તરફથી એમણે Paid News પર તૈયાર કરેલો રિપોર્ટ ખૂબ જ ચર્ચિત છે. બીજું, અંબાણીબંધુઓ દ્વારા દેશની પ્રાકૃતિક સંપદાની અંધાધૂંધ લૂંટ પર ‘ગૅસવૉર્સ’ જેવું પુસ્તક લખ્યું છે.
ત્રીજી ઘટના છે રાજસ્થાનની ભાજપા સરકારની. ઑક્ટોબરની મધ્યમાં રાજ્યની સરકાર પત્રકારોનું મોં દાબવા એક વિધેયક લાવી. ક્રિમિનલ લૉઝ (રાજસ્થાન એમેન્ડમેન્ટ)-૨૦૧૭ નામનું આ વિધેયક જો લાગુ પડી જાય, તો રાજસ્થાનમાં કોઈ પણ સરકારી અધિકારી પર કેસ કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવી પડશે! આના લીધે હવે પત્રકારો ભ્રષ્ટાચારના સમાચાર આપી ન શકે! આમ પણ, પહેલાં ન્યાયાધીશ કે અધિકારીઓ પર કેસ કરતાં પહેલાં સરકારી મંજૂરી લેવી જ પડતી, પરંતુ હવે સરકારે એના એક બે સ્તર વધારી દીધા! નવા વિધાયક મુજબ તો એ લોકો પર સરકાર કેસ કરવાની અનુમતિ આપે પછી જ એને સમાચાર રૂપે લખી શકાય! આ સ્વતંત્રતાવિરોધી વિધેયકનો રાજસ્થાનમાં વ્યાપક વિરોધ થતાં એના પર કમિટી નીમી દીધી છે! કોઈ સરકાર પ્રેસની સ્વતંત્રતા સીમિત કરવાનો પ્રયાસ કરે એવું આ પહેલી વખત નથી બન્યું. બિહારના પૂર્વમુખ્યમંત્રી જગન્નાથ મિશ્રે ૧૯૮૨ ‘બિહાર પ્રેસબિલ’ દ્વારા આવો જ કાયદો લાવવનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાન સરકારનું વિધેયક એ વિધેયક કરતાં પણ ઘાતક છે.
આ ત્રણ કિસ્સા બતાવે છે કે ચોથી જાગીરના જાગીરદારો માલિકોને દબાવીને ભાજપ સરકાર પત્રકારોની સાન ઠેકાણે લાવવા ઇચ્છે છે. બીજી તરફ મીડિયા-માલિકોનો પહેલાનો સ્વાર્થ પણ એમને પાલતું પ્રાણી જેવો બનાવી રહ્યો છે જે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવા, જી હજૂરી કરવા તૈયાર થઈ જાય છેે! મોટા ભાગનાં સમાચાર-પ્રતિષ્ઠાન સરકારી વાજિંત્રો બની ગયાં છે. પરિણામે મૅનેજરો અને પત્રકારો વચ્ચે સંઘર્ષ બહાર આવી ગયો છે. માત્ર જય શાહના કિસ્સામાં જ કેટલી ય સંસ્થાએ કાયદાકીય ગૂંચ ટાળવા પોતાની વેબસાઇટ્સ પરથી બે સમચારો તત્કાળ હટાવી દીધા. આ આખી ઘટના શ્રીનિવાસ જૈન નામના જાણીતા પત્રકારે ‘રિયાલિટી ચેક’ નામના એમના કાર્યક્રમમાં દેખાડી હતી.
NDTVના માલિકો પ્રણય રૉય અને રાધિકા રૉય પર પણ બરખા દત્તે આવા જ આ રોપ લગાવ્યા છે. આવા દબાણના કારણે જ બરખાને ચૅનલ છોડવી પડી. સર્જિકલ સ્ટ્રાઇક અંગે બરખાએ લીધેલો પૂર્વગૃહમંત્રી ચિદમ્બરનો ઇન્ટરવ્યૂ ભાજપને ખુશ કરવા જ ચૅનલ પરથી હટાવ્યો હતો!UPA સરકાર વખતે રૉબર્ટ વાડ્રા પર એક સ્ટોરી તૈયાર કરાવી, ત્યારે પણ બરખાને જીવવું મુશ્કેલ કરવામાં આવેલું! ઈ.સ. ૨૦૧૪માં નિખિલ ગોખલેએ તત્કાલીન નૌસેનાના ઍડ્મિરલશ્રી ડી.કે. જોશીનો ઇન્ટરવ્યૂ લીધેલો, જેમાં સરકારી કામ અને નીતિઓની ભૂમિકા વિશે કામ કરતા પત્રકારોની જબરજસ્ત ખબર લીધી હતી! એ વખતે એ.કે. એન્ટની રક્ષામંત્રી હતા. આજે એ જ ડી.કે. જોશીને ભાજપે અંદામાન-નિકોબારના ઉપ-રાજ્યપાલ બનાવી દીધા છે! જે હાલ કાળાંનાણાંવાળા કિરણ બેદીના છે! કહેવાનો અર્થ એ છે કે કૉર્પોરેટમીડિયાની અગ્રિમતામાં લોકોના સવાલો ભાગ્યે જ હોય! ઉપરઉપરનું નાટક ચાલ્યા કરે! અગર કોઈ પત્રકાર એવી હિંમત કરે તો દૃષ્ટાંત આપ્યા એવી એમની હાલત થાય. અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા, તે વખતે NDAના મુંબઈના એક પત્રકારે- ‘ભારતીય રાજનીતિમાં પતન’ લેખ લખ્યો! માલિકો પર દબાણ આવતા આ લેખ વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યો. આ લેખમાં પત્રકારે અમિત શાહના ગુનાહિત ઇતિહાસની વિગતો આપી હતી. કાંચા ઇલૈયાને મોતની ધમકી આપવામાં આવી. કાર પર ઘાતક હુમલો થયો. ગૌરી લંકેશના મોત પછી સૂત્ર વહેતું થયું …
“ગૌરી લંકેશ ઝાંખી હૈ બરખા રવીશ બાકી હૈ.”
મીડિયા પર સરકારી અને કૉર્પોરેટ-નિયંત્રણની આ ફલશ્રુતિ છે. મીડિયાની આવી હાલત હોય તો ‘અચ્છે દિન’ સૂત્ર કેવું બોદું લાગે છે!
હજુ થોડાં ઉદાહરણો જોઈ શકાય. ભાજપ સરકારના છત્તીસગઢના મંત્રીની અશ્લીલ વીડિયોની સાબિતી આપનાર બીબીસીના પત્રકાર વિનોદ વર્માને પોલીસ-અત્યાચારના ભોગ બનવું પડ્યું છે. હાર્દિકની સીડી પર હલ્લાબોલ કરતાં ભક્તોએ આ સીડી વિશે મૌન ધારણ કર્યું છે! પત્રકાર-સંગઠનો દિવસે-દિવસે નબળાં પડી જાય છે. તેથી આવા એકલદોકલ હેરાન થતાં રહે છે. ત્રિપુરામાં બે પત્રકારોની હત્યા થઈ. જી.બાલાની એક કાર્ટૂન માટે ૨૯મી ઑક્ટોબરે તમિલનાડુ સરકારે ધરપકડ કરી છે. કલેક્ટરશ્રીની સામે પત્ની, બે બાળકો સમેત અગ્નિસ્નાન કરવા મજૂરની વ્યથ જોઈને ગુસ્સામાં દોરાયેલા આ કાર્ટૂન માટે ધરપકડ થઈ!
જે ઘડીએ મૂકેશ અંબાણીએ CNN IBN ચૅનલ ખરીદી કે તરત જ એ ચૅનલ પર આવતા અમિત શાહના ગુનાહિત ઇતિહાસના સમાચારો બંધ થઈ ગયા! હવે એ ચૅનલોએ માલિકની મરજીને વશ વર્તવાનું છે. ૨૦૧૪માં ભાજપના સત્તામાં આવ્યા બાદ પાંચ મહિના પછી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ મંત્રીમંડળમાં વધેલી કરોડોપતિની સંખ્યાને લઈને એક સમાચાર છાપ્યા હતા, જે સત્તાના દબાણ વશ દૂર કરવામાં આવ્યા! બીજું એક ઉદાહરણ ઍક્સપ્રેસનું પણ છે. ૨૦૧૭ની શરૂઆતમાં આ છાપામાં સહારાગ્રુપ પર એક સ્ટોરી હતી. સહારા-બિરલા પેપર્સના માધ્યમથી એમાં સહારાકંપની પાસેથી પૈસા મેળવનારમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું પણ નામ હતું! આ સહારાકેસ કે જેમાં આ બે મુખ્ય પક્ષો કેવા એક છે તે સાબિત કરી દે છે પણ મીડિયામાં આ કેસની ચર્ચા જ કરવામાં ન આવી. કૉર્પોરેટ્સ અને રાજકારણીઓની સાંઠગાંઠને બાજુ પર મૂકી મીડિયાની પ્રાથમિકતા અગ્રિમતા વિનાના તાજમહાલ કે પદ્માવતી કે ગાય પર ચલી જાય છે!
‘રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર’ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારતમાં રાષ્ટ્રવાદ-ઉભાર અને મોદીશાસનમાં ભારતીય પ્રેસની સ્વતંત્રતા પર ઊભા થયેલાં પડકારથી, પ્રૅસસ્વતંત્રતામાં ક્રમ નીચે આવ્યાનું નોંધ્યું છે. ૧૮૦ દેશમાં ભારતનો ક્રમ ૧૩૬મો છે! ‘ઇકોનૉમિક ટાઇમ્સ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં આ સમાચારો છપાયા હતા, પરંતુ એ પણ પછીથી વેબસાઇટ્સ પરથી હટાવી દેવાયા!’ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ કૉંગ્રેસી છાપું મનાતું. એના માલિક શોભાના ભરતિયા કૉંગ્રેસના રાજ્યસભામાં સાંસદ પણ હતા. છતાં સત્તા પલટાતા જ એમની સંપાદક બોબી ઘોષના કારણે મોદી સાથે બેઠક થઈ! ‘ધ વાયર’ના આ સમાચાર બતાવે છે કે મીડિયામાલિકો પવન બદલતાં કેવી દિશા બદલતાં રહે છે.
E-mail: bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 06-07
![]()


એ તો નક્કી જ હતું કે કોઈ અવળમતિ ને અદકપાંસળા યુવક કૉંગ્રેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ચા-વાળા’ પૂર્વરંગને ટિ્વટમુદ્દો બનાવ્યો તે સાથે ભાજપને સોનેરી સ્પિન અવસર મળી રહેશે : ૨૬ નવેમ્બરનો બંધારણ દિવસ કે રાષ્ટ્રીય કાયદા દિવસ ગુજરાતના ચૂંટણી માહોલમાં ‘ચાય પે ચર્ચા’માં કોલાહલભેર ડૂબી ગયો. અહીં આ મુદ્દે નમો પર કોઈ ટિપ્પણી કરવાનો આશય અલબત્ત નથી, કેમ કે નમોનો ઉદય જેમ એમના પેચપવિત્રા કૌશલની દ્યોતક બીના છે તેમ એમના ઉદયમાં દેશની લોકશાહી ગુંજાશ પણ જોઈ શકાય છે. સ્વરાજની સિત્તરીએ (જેમાં, ઇતિહાસવસ્તુ તરીકે કૉંગ્રેસના શાસને સિંહભાગ રોક્યો છે) એક એવી ભોંય જરૂર કેળવી છે જેમાં આ પ્રકારનો વિકાસઆલેખ શક્ય બની શકે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારની આર્થિક ક્ષેત્રની કામગીરી બાબતે બે સમાચારો આવ્યા. આ બંને સમાચારો આંતરરષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપાયા હોવાથી સરકારનો ઉત્સાહ ઊછળીને ઉમળકાભેર બહાર આવ્યો. નોટબંધી અને જી.એસ.ટી.ની બાબતે પોતે અતિ ઉત્સાહમાં અને સાવ અહંકારભર્યાં તથા આપખુદ પગલાં ભર્યાં છે, તેવી સમજણ ઊભી થઈ રહી હતી ત્યાં જ મૂડીનું રેન્કિંગ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના, ભારત માટે ઉત્સાહપૂર્વક આંકડા બહાર પડ્યા. આ આંકડા કોઈ સરકારના પેદા કરેલા નથી અને વિશ્વખ્યાત સંસ્થાઓ દ્વારા રજૂ થયા છે, તે બાબત પોતે જ એક વિશ્વાસ જગવે તેવા છે. બાકી, સરકારશ્રીની સાતત્યપૂર્ણ જુમલાબાજીને કારણે એકંદરે જનમાનસમાં દરેક વાતે શંકા કરવાનું વલણ બંધાઈ ગયું છે. દરેકના ખાતામાં રૂ. પંદર લાખ આવે એટલું કાળું ધન વિદેશમાં છે, ‘અચ્છે દિન’ હાથવેંતમાં છે, વર્ષે બે કરોડ નવી નોકરીઓ ઊભી કરીશું, ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં વગેરેથી માંડી ફેદરા(ભાવનગર પાસે)માં વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું અને હવે તેનાથી માંડ પચાસ કિલોમીટર છેટે ચોટીલા (રાજકોટ પાસે)માં પણ વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું, જેવા નાનામોટા જુમલાથી લોકોને ઠીક ઠીક મનોરંજન સાંપડ્યું છે. વાત ગંગાસફાઈની કરો કે (કાશ્મીરમાં) એકની સામે દસ માથાં વાઢી લાવવાની શૂરાપૂરા રણબંકાની પ્રચંડ વીરતાની કરો; બધે જ અને સાતત્યપૂર્ણ જુમલાબાજી કરનારી સરકારનો આ જુમલો નથી જ પણ આ બંને વાતોને સમજવા જેવી તો ખરી જ!