Opinion Magazine
Number of visits: 9583694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

…અને મેં વગર પાણીએ નાહી નાખ્યું !

ભરત શાં. શાહ|Opinion - Opinion|22 December 2017

પાણિગ્રહણ કરવામાં કે સંવનન કરવામાં પાણી વગરના લોકોનું કામ નહીં. પણ હવે તો જમાનો એવો આવ્યો છે કે પાણી મેળવવા માટે પણ સંવનન કરવું પડે. હાથ ધોવા હોય કે સ્નાન કરવું હોય, કે ચા બનાવવા પાણી જોઈતું હોય, તો પ્રથમ તો લાંબી ડોક અને ઝીરો ફિગરવાળી પાણીની નળિકા સામે ધ્યાનથી નીરખવું પડે. શરમ વેગળી મૂકીને, તેને ઉપરથી, નીચેથી, સામેથી, પાછળથી નિહાળવી પડે – ભલેને, તમે ‘બુઢ્ઢા દરોગા’ ન હો, તો પણ – ક્યાં ય પણ જો તેની આંખ દેખાતી હોય તો! જો દેખાય તો-તો હળવેથી આપણા હાથેથી તે બંધ કરીએ, તો તરત જ તે આપણા ઉપર કળશ ઢોળી દે, એટલે ગંગા નાહ્યા.

અલબત્ત, એવું તો જવલ્લે જ બનવા પામે. આપણી શોધખોળ લંબાવી પડે. આસપાસમાં ગરમ અને ઠંડાની નિશાનીવાળી ચકલીઓ હોય, તો તો ન્યાલ જ થઈ જઈએ. જો એ ન હોય તો તકલીફ. પાણિગ્રહણ તો ઠીક, પણ પાણીનું પણ ગ્રહણ થઇ જાય, અને તે છૂટતાં નહાવાનો વિચાર કરીએ, તો There is a hole in the bucket! ગાવાનો વારો આવે. પછી તમે તમારા માથે હાથ ફેરવો, તેની સામે આર્જવભરી મુદ્રાથી તાકી રહો, છેવટે તેની નમણી ડોક ઉપર હાથ ફેરવો, અને અચાનક અમૃતની ધારા વહેવા માંડે.

ગરમ અને ઠંડા પાણીના નળ ઉપર ‘H’ અને ‘C’ લખેલું હોય તેથી ભરમાઈ જવાનું પણ યોગ્ય નથી. અમેરિકામાં આવ્યાના પ્રથમ દિવસે જ હૉસ્પિટલના કૉલરૂમમાં મેં પીવાના પાણી માટે આમતેમ નજર ફેરવી. મારા મિત્રએ ત્યાં પાણીનું માટલું ન હતું એ વાતની સ્પષ્ટતા કરી અને મને કઈ બાજુનો નળ ખોલવો તે સમજાવવા માંડ્યું. મેં એને રોકડું જ પરખાવ્યું કે હું કંઈ તદ્દન ભોટ ન હતો, અને મને ઠંડા પાણીનો નળ ઓળખતાં તો આવડતું હતું. તેના લૂલા બચાવને ન ગણકારતાં મેં ઠંડા પાણીનો નળ ખોલ્યો, પણ વધારે અને વધારે ગરમ પાણી આવતું ગયું. મારા મિત્રની સામે જોયું. તેણે કહ્યું કે મારે ગરમ પાણીનો નળ ખોલવો, અને તે મને પહેલેથી એ જ કહેવા માગતો હતો. અમેરિકા વિષેનું મારું સઘળુંય જ્ઞાન પહેલી જ સાંજે ‘પાણી’માં ગયું. તેના બદલામાં મને શિખવા મળ્યું કે અમેરિકામાં પણ આવું રેઢિયાળ ખાતું ચાલી શકે છે, અને ડૉક્ટરો જેવા ભણેલાગણેલા લોકો પણ તે અંગે ફરિયાદ કરવાને બદલે તેને સહન કરી લે છે.

બાથરૂમમાં શાવર લેવા માટે જો તમે આ બધી વિધિ અજમાવી હોય તો ય કશું ન નીપજે એમ પણ બને. વળી, પાણી આવે તો પણ તે ક્યારે અને ક્યાંથી આવે તેનું કંઈ કહેવાય નહીં. અહીં ‘ક્યાંથી’ એટલે કઈ નદી કે કયા તળાવમાંથી એ પ્રશ્ન અભિપ્રેત નથી. સવાલ એ છે કે પાણી કયા ખૂણામાંથી તમારા ઉપર આવી પડે, સામેથી આવે કે પાછળથી, ઉપરથી કે નીચેથી, એ તો ગર્ભિત જ રહે. તદુપરાંત, એ પાણી બરફ જેવું ઠંડું કે પછી દઝાડે એવું ફડફડતું નીકળે, તેનો આધાર તમારાં કર્મોના ઉદય ઉપર આધારીત છે. કોઈકોઈ વાર તો તે ક્રોધે ભરાઈને ફૂંફાડા મારતું તમારા ઉપર ત્રાટકે. સાથે-સાથે ભયજનક છીંકોટા પણ મારતું જાય.

જાહેર શૌચાલયોમાં, ખાસ તો પુરુષો માટેનાં, તમે ઊભા-ઊભા તેના ઉપર શિવામ્બુની વર્ષા કરો, એટલે તેને હાડોહાડ નફરત ચડે. ક્યારેક તે તમારી સાથે હરીફાઈમાં ઊતરે. ક્યારેક તો તમે અર્ધા રસ્તે દિવાસ્વપ્નમાં ઊતરી ગયા હો ત્યાં જ તે સૂસવાટા સાથે ધાર ચાલુ કરી દે. તેમાં ય વળી, તમે જેમ એના ઉપર પિચકારી મારો, તેમ જ એ તમારા ઉપર સામી પિચકારી મારે, તમારા જ શિવામ્બુની સહિત. ન તો તમે તમારી ક્રિયા પતાવી શકો કે ન તો તમારી પ્રકૃતિના તકાદાની અવગણના કરીને ત્યાંથી છટકી શકો. લાંબો સમય ત્યાં ગાળ્યા પછી, માંડ कूर्मो अंगाणीव सर्वश: તમારાં અગત્યનાં અંગો માંડ સંકોચીને અંદર ખેંચી લઈને, ભીનાં લૂગડે પાછળ ફરો, ત્યારે ત્યાં ઊભેલા સૌને કંઈ ન કહેવાનું ડહાપણ વાપરીને ત્યાંથી પોબારા ગણવાનું જ બહેતર ગણો.

કોઈક જગ્યાએ તો વળી તમારી અને એની વચ્ચે કંઈ ેદખીતો સંબંધ જ ન જડે. તમે ત્યાં હો કે ન હો, તે તો નિયતકાળે ધારા કર્યા જ કરે. તમને એ કઈ વાંસળી પર નાચે છે, એ ખબર પડે ન પડે ત્યાં તો એ ગમે ત્યારે તમને છાંટી દે, અથવા તો તમે ફ્‌લશ કરવા ચાકી દબાવે જ જાવ, અને તે તમારી સદંતર અવગણના જ કર્યે જાય. કેટલીક જગ્યાએ તો ફ્‌લશ સ્વયંસંચાલિત હોય છે. તમે તેને ગોદા મારીને હતાશ થઈ જાવ, ત્યાં તો એના મેળે જ તે પ્રસન્ન થઈને તમારા ઉપર વરસી પડે. તે પછી તમે કોઈ પણ શૌચાલયમાંથી છુટકારાનો દમ ભર્યા વિના નીકળી ન શકો. જો તે સ્વયંસંચાલિત ન હોય અને તમે એ સ્વયંસંચાલિત છે – એમ માની લો, તો  Waiting for your God કરતી-કરતી સમાધિસ્થ થઈ જાય.

અમારી રોમની મુલાકાત દરમિયાન અમે એક હોટલમાં ઊતરેલાં. ત્યાં સંડાસ જઈને પછી ફ્‌લશ કરવા માટેની ચાકીની તપાસ કરી, પણ વ્યર્થ. ભગવાનનું નામ લેતાં ઉપર નજર કરી તો કોઈ સાંકળ પણ ન દેખાઈ. બટન જેવું પણ બીજું કાંઈ ન હતું. છેલ્લા ઉપાય તરીકે પાણીની ટાંકી ખોલીને તપાસ કરવા માટે તેનું ઢાંકણ ઊંચક્યું, અને અંદર નજર ફેરવવા જાઉં ત્યાં તો ફ્‌લશ થવા માંડ્યું. દર વખતે ફ્‌લશ કરવા માટે ટાંકીનું ભારેખમ ઢાંકણ ઉપાડવાની મહેનત કરવાની? સંડાસ ન થતું હોય તો તેને ધક્કો મારવા વ્યાયામ કરવાની જરૂર તો સમજી શકાય, પણ બધું પતી ગયા પછી? અને ફરીથી ધક્કો લાગે તો? એ વિષચક્ર તો પૂરું જ ન થાય.

બહાદુરી બતાવવા મેં ઉષાને પૂછ્યું કે ફ્‌લશ કેવી રીતે થાય છે તેની તેને ખબર હતી ? ‘નહીં.’ તેણે જવાબ વાળ્યો કે પહેલાં તો તેને પણ ખબર ન હતી, પણ પછી તે ઢાંકણ ઉપરનો ડટ્ટો ખેંચવાથી ફ્‌લશ થયું હતું. મેં નહાવા જતાં મારે બદલવાનાં કપડાં એ દટ્ટાની ઉપર મૂકેલાં, એટલે એ મારી નજરે પડ્યો ન હતો. તેને ખબર હતી તે જાણીને મને થયેલો અપાર સંતોષ દર્શાવીને મેં વાત સમેટી લીધી. બધાં વસ્ત્રો ઊતરી ગયાં છતાં પણ તથાકથિત તંગડી તો ઊંચી જ રાખવી પડે.

અત્યારે જો જવાહરલાલ નેહરુ જીવતા હોત, અને એક સમાજવાદી અમેરિકાના પ્રમુખ હોત, તો હું તેમને આર્જવપૂર્વક વિનંતી કરત કે પાણીના નળોનું રાષ્ટ્રીયકરણ કરે કે જેથી બધા જ નળોમાંથી પાણી મેળવવાની માત્ર એક જ રીત હોય. બાકી, અત્યારની પ્રવર્તમાન હાલત તો ભલભલા વૈજ્ઞાનિકને પણ નવ નેજાં ઉતરાવે તેવી છે. પાણીનું નીચું દબાણ કે તેનો સદંતર અભાવ, એ અમેરિકામાં વધી રહેલા લોહીના દબાણનું સરળતાથી નિવારી શકાય તેવું કારણ છે.

એનો એક ઉપાય તો તદ્દન હાથવગો છે. છેલ્લાં કેટલાંક વરસથી હું એક નળ જોતો આવ્યો છું. પહેલાં તો મેં એ કોઈક પ્રદર્શનમાં જોયેલો. પછી તો ઘણી જગ્યાએ કાચના એક કેઇસમાં મૂકેલો જોયો છે. તેમાંથી પાણીનો ધોધ પડ્યે જ જાય છે. તેની ચાકી કોઈ વાર બંધ હોય છે, તો કોઈ વાર ખુલ્લી. નવાઈની વાત તો એ છે કે તેને પાણી પૂરું પાડવા માટે કોઈ પાઇપના જોડાણની પણ જરૂર નથી. ચોવીસે કલાક પાણી આવ્યા જ કરે છે. ભારતના સદાયે દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં ઠેરઠેર એવા નળ બેસાડી દીધા હોય, તો પછી કાયમની નિરાંત. અમેરિકામાં પણ તેના વેચાણ માટે સારી તક છે.

અમારા બાથરૂમમાં તો અમે સાવ સરળ જાતના નળ મુકાવેલા છે કે જેથી કોઈને ય તે વાપરતાં તકલીફ ન પડે. એક વખત અમારા એક જમાઈ અમારે ત્યાં રહેવા આવેલા. તેઓ અમેરિકામાં દસ-પંદર વરસથી છે, અને અહીં સારું એવું ફરેલા પણ છે. તે દાઢી કરવા અને પછી શાવર લેવા ગયા. તેઓ વૅકેશન ઉપર હતા, એટલે તેમને વધારે વાર થઈ, તેમાં અમને ચિંતાનું કંઈ કારણ લાગ્યું નહીં. લાંબા સમય પછી છેવટે તે ટુવાલ વીંટીને બહાર આવ્યા, એટલે તેમના પછી નહાવા જનારે રાહતનો દમ ખાતાં વિવેકથી પૂછ્યું, ‘નાહી લીધું?’ તેમને ગણકાર્યા વગર જમાઈએ વીલા મોંએ મારી સામે જોઈને પૂછ્યું, “ફુઆ, તમારા શાવરમાં પાણી શરૂ કેવી રીતે થાય છે?”

ગ્રેટ નૅક, ન્યૂ યૉર્ક, યુ.એસ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 15 અને 14

Loading

નાગરિકતાના પાઠ શિખવતું પુસ્તક : અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2017

અમે, ભારતના લોકો …, લેખક – નાની પાલખીવાળા : પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર : પાનાં – 24+ 312 : કિંમત – રૂ. 350

બહુશ્રુત બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્‌, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા(૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુલ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ ‘અમે, ભારતના લોકો’ અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જેઓ ધીરજથી દુઃખ વેઠે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે.

વિવિધ વિશ્વવિદ્યાલયોનાં પદવીદાન-વ્યાખ્યાનોમાં લેખકે દિલ ખોલીને યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો છે. ‘યુનિવર્સિટી છોડ્યા પછી તમે શીખવા માંડો તો યુનિવર્સિટીમાં મળેલું રીતસરનું શિક્ષણ તમને ઝાઝું નુકસાન નહીં કરે’ એમ કહીને આ વડીલ વહાલેશરી વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપે છે કે, ‘જ્ઞાનની શોધ કરતાં મનનો આંતરિક આનંદ માણજો. દરરોજ, થોડી મિનિટ મહાન સાહિત્ય માટે અનામત રાખજો.’ હજુ આઝાદી મળ્યાને માંડ પહેલી પચીસી જ થઈ છે ને ત્યાં ‘અમારે નોકરીઓ જોઈએ છે, ડિગ્રીઓ નહીં’ની રાવ ઊઠી છે. આ અંગે ચિંતિત પદવીધારકોને આશ્વસ્ત કરતાં લેખક જણાવે છે: ‘હું તમારી સમસ્યા સમજું છું અને તમારી કપરી દશા પ્રત્યે મારી સહાનુભૂતિ છે, પણ એટલું ન ભૂલશો કે ગરીબી અને બેકારીની સમસ્યાઓ આકાંક્ષાઓથી કે સૂત્રોથી ઉકેલાતી નથી. તે લોકોની શ્રદ્ધા અને પ્રતિભાવ, શક્તિ અને સાહસના અખૂટ ભંડારને કામે લગાડી શકે એવી વાસ્તવિક અને વ્યવહારુ આર્થિક નીતિઓથી જ ઉકેલી શકાય.’

લોકશાહીના અનન્ય ચાહક નાની પાલખીવાળા ૧૯૭૫-૭૭નાં વરસોની ઇંદિરાઈ કટોકટીના પ્રખર વિરોધી હોય તે સ્વાભાવિક છે, પરંતુ ‘કટોકટીના સાચા લાભ’ ચર્ચતા પાલખીવાળા જે બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે, તે આપણા રાષ્ટ્રીયવિમર્શમાં ઓછી ચર્ચાઈ છે. લેખક સ્વાતંત્ર્યની એકમાત્ર રખેવાળ પ્રજાને માને છે.

વાડીલાલ ડગલી(૧૯૨૬ • ૧૯૮૫)એ આ પુસ્તકના આરંભે નાની પાલખીવાળાના પરિચય લેખમાં તેમના વિશે નોંધ્યું છે કે ‘રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી … એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્‌ કર્યું છે. આ બાબત પુસ્તકના ગાંધીજી વિષયક ચારેક લેખોમાં જોવા મળે છે. ગાંધીજી-અનંતકાળના યાત્રી’માં લખે છે “મહાત્મા ગાંધી પાસે જે હતું એને એક શબ્દમાં કહેવું હોય તો સંસ્કૃતમાં વપરાતો બુદ્ધિ શબ્દ વાપરવો જોઈએ. તેમાં સત્યને પારખવાની શક્તિ હજો એવો અર્થ છે પણ બહુ ઓછા લોકો પાસે આ શક્તિ છે.” લેખક ભારતીયો વિશે જરી આકરા થઈને લખે છે: ‘ભારતને કુદરતે અસીમ બુદ્ધિ અને આવડત આપી અથવા નિષ્ઠા આપી નથી’ અને ‘છેલ્લા બે દાયકામાં આપણે કેટલા ય ત્રિભેટે ખોટા વળાંક લીધા છે, સમયનો દુરુપયોગ કર્યો છે અને સોનાને કથીર અને કથીરને સોનું મળ્યું છે.’ તેમ છતાં લેખક આશાવાન છે. ‘આ બધી મૂર્ખાઈઓ અને કમનસીબીઓ કંઈ કાયમ રહેવાની નથી.’ કેમ કે ‘કુદરતી તત્ત્વોના વ્યવહારની જેમ રાષ્ટ્રોના વ્યવહારમાં પણ પવનની દિશા બદલાય છે, ભરતીઓટ ચાલ્યા કરે છે અને  નૌકા ડોલે છે. સદ્ભાગ્યે આપણે લંગર ખેંચી કાઢ્યું નથી.’

લેખકે ‘જેમની સમક્ષ આખી જિંદગી પડી છે તેવા યુવાન વાચકોને આ પુસ્તકમાં, રાજ્યના યૌવનને પુનઃજીવિત કરવાનો ઉત્કટ અને એકધારો ઉમંગ પ્રેરનારું કંઈક પ્રાપ્ત થાય’ એવી અપેક્ષા સેવી છે.’ પુસ્તકમાંથી પસાર થનાર પ્રત્યેક વાચકને લેખક વિચારો કરવા પ્રેરે છે. સરવાળે આ લેખસંગ્રહનું વાચન, ચિરંજીવ રસના સાંપ્રતમાં પણ પ્રસ્તુત વિચારોનું બની રહે છે.

Emial : maheriyachandu@gmail.com

(नवजीवनનો અક્ષરદેહ, જુલાઈ-સપ્ટેમ્બરમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 06

Loading

‘સ્વપ્નથી દુઃસ્વપ્ન’

ભરત મહેતા|Opinion - Opinion|19 December 2017

પ્રત્યેક ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો જૂના ખરજવાની પેઠે વલૂરવામાં આવે છે, જેના આધ્યાત્મિક આનંદમાં સરેરાશ હિંદુ મતદાર ડૂબી જાય છે. ’૯૦ પછી, ’૯૨ની ટૉયોટાવાનવાળી રથયાત્રા પછી, આ મુદ્દામાં ચૂંટણીની બેઠકો લાવવાનું બળ છે, તે ભા.જ.પ. જાણી ગયું હોવાથી એ પછીની કોઈ પણ ચૂંટણીમાં એનો ઉપયોગ ન થયો હોય તેવું બન્યું નથી! પોતાના ગામના રામમંદિરમાં નાની ઘંટડી વગાડવા ય ભાગ્યે જ ગયેલો હિંદુ મતદાર ‘મંદિર તો ત્યાં જ બનાવવું જોઈએ’ની રટ લગાવતો થઈ જાય છે. સાહેબ, આસ્થાનો મામલો છે. કોઈ સમાધાન નહીં. હજુ આ એક જ મુદ્દામાં અનેક લાશો પડી છતાં આવા મુદ્દાને સાગમટે જ કાઢવાના હોઈ સૂત્ર આપવામાં આવે છે, ત્રિશૂળ દિક્ષા સાથે ‘અયોધ્યા તો ઝાંખી હૈ, કાશી-મથુરા બાકી હૈ.’ હજુ પેંડોરાબૉક્ષ ખોલવાનું જ છે. તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર બનાવવાનું જ છે! દેશ એક દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એની શરૂઆત એક સ્વપ્નથી થઈ હતી!

એ રાત હતી ૧૯૪૯ના ડિસેમ્બરની. એક સાધુને સ્વપ્ન આવ્યું કે બાબરી મસ્જિદમાં જ રામ જન્મ્યા હતા! તેથી બીજા દિવસે રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનની મૂર્તિઓ મસ્જિદમાં મુકાઈ ગઈ! તત્કાલીન વડાપ્રધાન નહેરુએ એ મૂર્તિઓ બહાર કાઢવાની સૂચના આપી, પરંતુ દંગા-ફસાદની આશંકા બતાવીને ફૈઝાબાદ કોર્ટના ન્યાયાધીશશ્રી કે.કે.નય્યરે મસ્જિદને તાળાં લાગાવ્યાં, જે કે.કે. નય્યર ત્યાર પછી જનસંઘના સંસદસભ્ય બન્યાં! આમ, સ્વપ્ન રોપાયેલું હતું, એ સાબિત થયું. એ તાળાં લાગ્યાં એ લાગ્યાં છેક રાજીવ ગાંધીએ ખોલ્યાં!

ઈ.સ. ૧૫૨૮માં બાબરી મસ્જિદ હિંદુ રાજાએ બનાવી હતી. બાબરે જિંદગીમાં અયોધ્યાની મુલાકાત લીધી નથી, પરન્તુ બાબરની પેશકદમી કરવા હિંદુ રાજાએ આ મસ્જિદ બનાવી હતી. રામને ઉત્તર પ્રદેશના લોકોનાં હૃદયમાં જન્મ આપનાર તુલસીદાસ બાબરીનિર્માણ પછી ૫૦ વર્ષે થઈ ગયા છતાં એમણે ક્યારે ય આટલા ચોરસફૂટમાં જ રામ જન્મ્યા હતા, એવો દાવો કર્યો નથી. અયોધ્યાના સેંકડો મંદિરોનો દાવો છે કે રામ અમારે ત્યાં જન્મ્યાં છે! રાજીવ ગાંધીના, ’૪૯માં લાગેલાં તાળાં ખોલવાના નિર્ણયથી હિંદુ મતદાર ખુશ થયો, તો બીજી તરફ શાહબાનુ કેસમાં પણ સ્ત્રીઅધિકારની ઐસીતૈસી કરીને લઘુમતીને ખુશ કરી! મતોનો ઢગલો થતો રહ્યો, પરંતુ કૉંગ્રેસની આ નીતિ, રાજને કારણે સફળ થઈ રહેલા અડવાણીને વડાપ્રધાન થવાનું સ્વપ્ન પણ આવ્યું!

તેથી ’૯૦માં અડવાણીએ સોમનાથથી સજ્જધજ્જ રથયાત્રા કાઢી! બધી જ સમસ્યાનો ઉકેલ રામમંદિર છે. ‘સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે’, ‘બચ્ચા-બચ્ચા રામ કા, જન્મભૂમિ કે કામ કા’ જેવાં સૂત્રો વહેતાં થયાં. ‘કારસેવક’ જેવા શીખસંપ્રદાયે આપેલા શબ્દનું શીર્ષાસન થયું. ધર્મસ્થળે સેવા કરવા જવાની બાબત કારસેવા હતી, જે ધર્મસ્થળ તોડવા સાથે જોડાઈ ગઈ! સંસદમાં ભા.જ.પ.ની બેઠકો બે હતી તે પંચ્યાસી થઈ ગઈ! રામનામનો આ જાદુ હતો. તેથી હવે ભલે બાળકો માટે રાજય પાસે ઑક્સિજન ન હોય, પરંતુ રામનવમીએ કરોડોના ખર્ચે ઘીના દીવા થાય છે!

લાશોના ઢગ પાડતો, ઠેરઠેર કોમી હુતાશન પેટાવતો પેટાવતો રથ અયોધ્યા પહોંચ્યો હતો. પોલીસના રોકવાથી ઉન્માદ રોકાય તેમ ન હતો. ‘હિંદુ-હિંદુ ભાઈ-ભાઈ,બીચ મેં વર્દી કહાઁ સે આઈ’ જેવાં સૂત્રોથી પોલીસ સ્તબ્ધ હતી! કાયદો હાથમાં લઈને મસ્જિદ તૂટી. અડવાણી મોગૅમ્બોની જેમ ખુશ થયા! ત્યારે જ એમનું માઇક પકડનાર મોદીમાં પણ ‘હિંદુસમ્રાટ’નું સ્વપ્ન રોપાયું હશે ! મુરલી મનોહર જોશીના ગળાની આસપાસ બે પગ ભેરવી, જોશીના માથે બેસી ઉમા ભારતી મસ્જિદ-ધ્વંશવેળાએ નાચ્યાં! પૂજાના નામે કરોડો રૂપિયા ભેગા થયા, ખવાઈ ગયા. અયોધ્યા પહોંચી ઈંટો રઝળતી હતી, એની ઉપર કૂતરાં ટાંગ ઊંચી કરીને પેશાબ કરતાં હતાં. લખનૌના કવિ નરેશ સકસેનાએ આ ઘટના પર  કવિતા લખી છે :

ઇતિહાસ કે બહુત સે જૂઠોં મેં
એક યહ ભી હૈ
કિ મહમૂદ ગઝનવી લૌટ ગયા થા,
લૌટા નહીં થા મહમૂદ ગઝનવી,
સેંકડો બરસ યહીં રહ કર
વહ પ્રગટ હુઆ અયોધ્યા મેં.
સોમનાથ મેં ઉસને કિયા થા અલ્લાહ કા કામ તમામ
ઇસ બાર ઉસકા નારા થા
જય શ્રીરામ

ધીમે ધીમે અયોધ્યાનું રૂપાંતર મતપેટીમાં થઈ ગયું! પ્રત્યેક ઘટનાને નાની અયોધ્યા બનાવી દેવામાં આવી. રોડ પરની પીર દરગાહ હટાવવી હોય, તો ય આવી માનસિકતા કામ કરી ગઈ. હટાવવાં જ હોય, તો મંદિર કે દરગાહ બેઉ હટાવી શકાય.

હરિશ્ચંદ્ર પાંડે એમની એક કવિતામાં લખે છે :

જહાઁ સૂર્ય વહાઁ દિવસ
જહાઁ રામ વહાઁ અયોધ્યા
કિતની બડી અયોધ્યા
સોંપ ગયે થે તુલસી હમેં,
કિતની છોટી રહ ગઈ હૈ અયોધ્યા
મતપેટિકા સે ભી છોટી!

રાજનીતિ આ રીતે આસ્થાને ચૂંટણીને ચટકેદાર ચટણી બનાવવા વારંવાર વાટે છે, જેનાથી એમને સત્તા મળે છે, પરંતુ સમાજમાં ભેદભાવ તીવ્ર થાય છે. તોફાનોમાં સામાન્ય માણસ મરે છે. અબ્દુલ બિસ્મિલ્લાહ જેવો કવિ લખે છે :

‘સૂરજ હિન્દુ, ચંદા મુસ્લિમ,
તારોં કી ક્યા જાત?
કૈસી હૈ સાજિશ, યે બેચારે
તૂટે આધી રાત?

સ્વપ્નએ સર્જેલું દુઃસ્વપ્ન કયારે પૂરું થશે? નજીબ, અખલાકની હત્યાઓ, દાભોલકર, કુલબર્ગી, પાનસરેની હત્યાઓ, ગૌરીલંકેશની હત્યા, ગિરીશ કર્નાડ, કાંચા ઇલૈયા, સોની સૂરીને ધમકીઓ – આ માનસિકતાની પેદાશ છે. ભારતીય રાજનેતાઓ વિદૂષકો વધારે લાગે છે. સંઘ-જનસંઘ સિવાય જેમનું કંઈ જ પ્રદાન નથી, એવા દીનદયાલ ઉપાધ્યાયને ‘નવા નેહરુ’ બનાવાઈ રહ્યા છે! ગોડસેનું ગ્વાલિયરમાં મંદિર બને છે. પેલી બાળવાર્તામાં બેગપાઈપરની પાછળ દોટ લગાવીને ભાગતાં બાળકો જેવા નશામાં લોકો છે. આપણા દેશની જનતા જ્યારે ભાનમાં આવશે, ત્યારે ઘણું મોડું થશે. હંગર ઇન્ડેક્ષમાં આપણે હવે ટોચ પર છીએ, એના તરફ કોઈનું ય ધ્યાન જતું નથી. આખા યુરોપખંડ જેટલી યુવાશક્તિ આપણે ત્યાં રોજગાર વિનાની છે, પણ એની ચિંતા નથી ને ‘પદ્‌માવતી’ રિલીઝ ન થવું જોઈએ! આ નવા જૌહરનું શું કરીશું? કરણ પોતે જ જૌહર થઈ ગયો! પહેલી વાર કોઈ ફિલ્મનિર્માતાને સંસદીય સમિતિ સામે હાજર થવું પડ્યું. આ કેવી કરુણતા! હિંદુ રાષ્ટ્રનું ચરમસુખ પ્રજા માણી રહી છે, જેમ એક વેળાએ જર્મનીની પ્રજા હિટલર દ્વારા માણતી હતી. જે ‘જજમેન્ટ એટ ન્યુરેમ્બર્ગ’, ‘ઑલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘લાઇફ ઇઝ બ્યુટીફૂલ’ જેવી ફિલ્મમાંએ જોઈ શકાય. અહીં પણ બુલેટ ટ્રેન અને દૈત્યાકાર મૂર્તિઓની નીચે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાઈ જાય છે.

અત્યારે તો બસ પેલું ફિલ્મી ગીત જ વધારે યાદ આવે,

દેખોં દિવાનોં તુમ યે કામ ના કરો,
રામ કા નામ બદનામ ના કરો

આઝાદીવેળાએ ક.મા. મુનશીએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા લખી હતી. આ દુઃસ્વપ્નની, ‘દુઃસ્વપ્નદૃષ્ટા’ નવલકથા કોણ લખશે?

E-mail: bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

...102030...3,2123,2133,2143,215...3,2203,2303,240...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved