Opinion Magazine
Number of visits: 9583185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૂગલ કે ફેસબુક જેવા ‘ડિજિટલ દેશો’નો સુપરપાવર

વિશાલ શાહ|Opinion - Opinion|22 December 2017

લોકશાહીમાં પ્રજાને મત આપવાનો હક મળે છે. એ 'મત' પ્રજાનો અભિપ્રાય (ઓપિનિયન) અને અવાજ (વોઇઝ) છે. લોકતાંત્રિત પદ્ધતિમાં રાજ કરવા નેતાઓને પ્રજાની સંમતિ મળે છે પણ એ 'અધકચરી' હોય છે. એટલે જ લોકશાહી શાસનની સર્વોત્તમ પદ્ધતિ નથી, પરંતુ શાસન કરવાનો તેનાથી સારો વિકલ્પ પણ બીજો કોઈ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવા છતાં ઈન્ટરનેટ પર હજારો લોકો તેમને કેમ ધિક્કારી રહ્યા છે? અમેરિકાની જ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ફક્ત વીસ ટકા અમેરિકનોને વ્હાઈટ હાઉસમાંથી ચાલતી સરકારમાં વિશ્વાસ છે. આવું કેમ? આ પ્રકારના પ્રશ્નોના કારણે લોકશાહી સામે પણ આંગળી ચીંધાવી સ્વાભાવિક છે, અને ચીંધાવી જ જોઈએ. જાહેર ચર્ચાવિમર્શથી જ લોકશાહી વધુ પરિપક્વ બને છે.

આ તો સ્ટેટ, નેશન એટલે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન જેવા દેશોની વાત થઈ, પરંતુ ઈન્ટરનેટ યુગમાં ફેસબુક અને ટ્વિટર જેવા 'નેટ સ્ટેટ' કે 'ડિજિટલ સ્ટેટ' પણ અસ્તિત્વમાં આવ્યા છે. હવે દુનિયામાં ફક્ત સ્ટેટ-નેશનનો ઈજારો નથી. આપણે ડિજિટલ દેશોના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ભારત જેવા દેશો પૃથ્વી પર છે, જ્યારે ફેસબુક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવા દેશો ઈન્ટરનેટ પર. પાયાનો ફર્ક આટલો જ છે, બાકી બંને પ્રકારના દેશ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. સાચુકલા દેશોની જેમ ડિજિટલ દેશમાં પણ જુદા જુદા અભિપ્રાયો આપતા લોકો છે. ત્યાં પણ રાજકીય પક્ષો છે, જૂથો (ગ્રૂપ્સ) છે, વાડાબંધી છે, સમાજ છે, વિચારોનું આદાનપ્રદાન છે અને અસામાજિક તત્ત્વો પણ છે.

એક સીધાસાદા ઉદાહરણથી આ મુદ્દો સમજીએ. જેમ કે, ફેસબુક એક નેટ સ્ટેટ કે ડિજિટલ સ્ટેટ છે. ફેસબુકના કુલ યુઝર્સ બે અબજ છે, જેને ફેસબુક નામના દેશની વસતી ધારી લઈએ. ચીનની વસતી ૧.૪૦ અબજ છે એટલે ફેસબુક પર મૂકાતા અભિપ્રાયો કેટલા મહત્ત્વના છે એ સમજી શકાય એમ છે. ફેસબુક પર પણ દેશમાં હોય છે એવો ‘બોલકો વર્ગ’ છે. આ વર્ગનો અવાજ બુલંદ છે અને વત્તે-ઓછે અંશે તેની અસર ચૂંટણીઓ પર પડે છે. ઈન્ટરનેટના કારણે આખું વિશ્વ એક ગામડું બની રહ્યું હોવાથી ડિજિટલ દેશોની અવગણના ના કરી શકાય. ડિજિટલ દેશમાં કોમ્યુિનકેશન અત્યંત ઝડપી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર ફ્રાંસ, બ્રિટન કે ભારત પર પણ પડી શકે છે. અત્યારે એ અસર ઓછી હશે, પરંતુ ભવિષ્યમાં એ વધશે.

ડિજિટલ દેશમાં અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો પણ છે. આ પ્રકારના નાના-મોટા વિધ્વંસક જૂથો વાંદરા જેવા છે, જે ઈન્ટરનેટની નિસરણી પર ચઢીને દુનિયાભરમાં આતંક-અરાજકતા ફેલાવી રહ્યા છે. ઈન્ટરનેટના કારણે જ શસ્ત્રો વિનાનું યુદ્ધ વધુ ગંભીર બની ગયું છે. સોશિયલ મીડિયામાં ખેલાતા યુદ્ધમાં ગોળીઓ નથી છૂટતી પણ વિધ્વંસક વિચારોની મિસાઇલો છૂટે છે. આ વિચારો ગમે ત્યાં ગોળીઓ છોડાવી શકે છે. ઇસ્લામિક સ્ટેટે ફેસબુક, ટ્વિટર અને યુ ટ્યૂબ પર કરેલા કુપ્રચારના કારણે જ અમેરિકાથી લઈને યુરોપ સુધી કત્લેઆમ થઈ રહી છે. કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો પણ પરમાણુ હથિયારો જેટલો જ ખતરનાક છે.

કટ્ટરવાદી વિચારો એક દેશ માટે જેટલા ખતરનાક છે, એનાથી પણ વધુ જોખમી ડિજિટલ દેશોમાં છે કારણ કે, આ દેશો ખુદ એક ‘કોમ્યુિનકેશન ચેનલ’ છે. કટ્ટરવાદના ઝેરની અસર પેઢી દર પેઢી આગળ વધતી રહે છે, પરંતુ ડિજિટલ દેશમાં આવું કોઈ વિચારતું નથી. ત્યાં તો લાઈક્સ, હીટ્સ, કોન્ટેક્ટ્સ, બિઝનેસ અને ફાસ્ટફૂડિયા વિચારોની બોલબાલા છે. સત્ય, આદર્શ, સિદ્ધાંતોનું પાલન કરવા હિંમત અને ધીરજ જોઈએ પણ એ બધું બોરિંગ છે, જ્યારે ઘાંટા પાડીને કહેવાતા જૂઠમાં થ્રીલ છે. તેમાં દલીલબાજી કરીને સામેવાળાને ચૂપ કરી દેવાનો વિકૃત આનંદ પણ મળે છે. બાવા, બાપુ, બાબા અને ક્યારે ય પત્રકારોનું હળવું ચિંતન મમળાવતી પ્રજા લાંબુ વિચારવાની તસ્દી ના લેતી હોય તો એમાં નવાઈ ના લાગવી જોઈએ. આ પ્રકારની પ્રજા મનલુભાવન દલીલો ગોખીને પલાયનવાદ સ્વીકારી લે છે. કમનસીબે તેમાં મીડિયોકર લેખકો-કોલમકારો(પત્રકારો નહીં)નો પણ સમાવેશ થાય છે. જાહેરમાં શાબ્દિક હિંસા પર ઉતરવાને મર્દાનગી સમજતા એ કલમઘસુઓના કારણે જ સામાન્ય નાગરિકો પણ તેમના જેવું જ (મીડિયોકર) બોલતા અને વિચારતા શીખે છે.

જો કે, ડિજિટલ દેશની એક વાત સારી છે. ત્યાં ખેલાતા યુદ્ધ અહિંસક હોય છે, જેથી વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી નથી. ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવા ડિજિટલ દેશની સરખામણી અમેરિકા જેવા સુપરપાવર સાથે પણ કરી શકાય કારણ કે, તેઓ પણ વિકસિત દેશોની જેમ બીજા દેશોમાં બિઝનેસ કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા ખચકાતા નથી. આ દેશોમાં પણ નાના-નાના જૂથો હોય છે. એ લોકોને પાર્ટી-શાર્ટી અને ફન, ફિલ્મ્સ સિવાય બીજા કશામાં રસ નથી. ઈન્ટરનેટ પર આવેલા ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કંઈક એવા જ ડિજિટલ દેશો છે. આ પ્રકારના દેશો પૃથ્વી પરના સંપૂર્ણ વિકસિત દેશો જેવા છે, જ્યાં લગભગ બધું જ સુંદર અને સારું છે અને ત્યાંની લાઈફ સ્મૂધ એન્ડ સ્લો છે. જેમ કે, અત્યંત સુખી-સમૃદ્ધ સ્કેિન્ડનેવિયન દેશો. યુરોપના સ્કેિન્ડનેવિયા નામના પ્રદેશમાં આવેલા ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ વગેરે સ્કેિન્ડનેવિયન દેશો તરીકે ઓળખાય છે.

એ દેશોમાં બધાને બધુ સહેલાઈથી મળી ગયું છે, પરંતુ મુશ્કેલી ભારત કે અમેરિકા જેવા દેશોની છે. એટલે જ આ દેશોમાં એક્ટિવિઝમ છે. ડિજિટલ સ્ટેટની સાથે ડિજિટલ એક્ટિવિઝમનો પણ જન્મ થયો છે. વિકિલિક્સ અને એનોનિયમ્સ જેવા હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) અમેરિકા જેવા સુપરપાવરની સાથે ગૂગલ જેવા ડિજિટલ દેશોને પણ આડકતરી રીતે ભીંસમાં રાખે છે. તંદુરસ્ત લોકશાહીમાં એ પણ આવકાર્ય છે. ડિજિટલ દેશોના 'નાગરિકો'ની રાષ્ટ્રીયતા જુદી જુદી હોય છે. જેમ કે, ફેસબુક કે ટ્વિટર જેવા ડિજિટલ સ્ટેટના યુઝર્સ ફક્ત એક જ દેશમાં નથી રહેતા પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. આ બધા જ નાગરિકો જુદા જુદા દેશ, ધર્મ, જાતિ, રંગના હોવા છતાં સહેલાઈથી એકબીજા સાથે જોડાઈને 'એક' થઈ રહ્યા છે, જે ભવિષ્યના સોશિયલ મીડિયાની સૌથી મોટી તાકાત હશે!

આ વાત પણ એક ઉદાહરણથી સમજીએ. ઈન્ટરનેટની દુનિયાના સુપરપાવર ગણાતા ગૂગલે ૨૦૧૩માં સારું કામ કરતી નાની-નાની ન્યૂઝ વેબસાઇટને સાયબર હુમલાથી બચાવવા 'પ્રોજેક્ટ શિલ્ડ' ચાલુ કર્યો હતો. આ યોજનાનો હેતુ ચૂંટણીઓ વખતે મતદારો જાગૃત થાય એવું કન્ટેન્ટ પીરસતી, માનવાધિકારોને પ્રોત્સાહન આપતી તેમ જ વાણી સ્વાતંત્ર્ય જેવાં મૂલ્યોની તરફેણ કરતી ન્યૂઝ વેબસાઈટને ઓનલાઈન ગુંડાગીરી સામે ફ્રીમાં સુરક્ષા પૂરી પાડવાનો હતો. એ માટે ગૂગલે કેટલાક ધારાધોરણો બનાવીને અમુક વેબસાઇટ પસંદ કરી. એ પસંદગી કરતી વખતે ગૂગલે એ વેબસાઇટ કયા દેશની છે એ ના વિચાર્યું, પણ ગૂગલે ફક્ત કન્ટેન્ટના આધારે એ વેબસાઇટોની પસંદગી કરી હતી. આમ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવે ત્યારે સ્પિરિટ બતાવવામાં મેઇન સ્ટ્રીમ કરતાં સોશિયલ મીડિયા વધુ આક્રમક પુરવાર થાય છે કારણ કે, તેનો ઢાંચો જ લોકતાંત્રિક છે. છાપા કે ચેનલમાં સામાન્ય વ્યક્તિનો સીધો કોઈ અવાજ નથી હોતો, પરંતુ સોશિયલ મીડિયામાં એ ખામી નથી.

ગૂગલના પ્રોજેક્ટ શિલ્ડ સામે અમેરિકા કે યુરોપિયન દેશોને વાંધો ન હતો, પરંતુ આફ્રિકા, એશિયાના દેશોએ આ યોજનાને ગેરકાયદે ગણાવી હતી. એટલું જ નહીં, કેટલાક દેશોમાં પ્રોજેક્ટ શિલ્ડને ગૂગલનું કાવતરું કે ગોરખધંધા પણ ખપાવી દેવાઈ હતી. જો કે, હજુયે આ યોજના ચાલુ છે કારણ કે, પ્રોજેક્ટ શિલ્ડ સાથે ગૂગલનો પાયાનો સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ વણાયેલો છે. આ પ્રકારની યોજનાઓથી ગૂગલને ખાસ કોઈ આર્થિક ફાયદો છે જ નહીં. એવી જ રીતે, ઇન્ટરનેટ પર એનોનિયમ્સ નામનો ડિજિટલ દેશ ઘણાં સમયથી સાયન્ટોલોજી નામના વિજ્ઞાન આધારિત ધર્મ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યો છે. આ ડિજિટલ દેશ ગૂગલથી ઘણો અલગ છે. સાયન્ટોલોજીના વિરોધ મુદ્દે બધાનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ એનોનિયમ્સે ગેરકાયદે રીતે સારું કામ કરીને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે.

ઈસ્લામિક સ્ટેટે નવેમ્બર ૨૦૧૫માં પેરિસમાં આતંકવાદી હુમલો કર્યો એ પછી એનોનિયમ્સના યુઝર્સે (નાગરિકો) આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વીસ હજાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા હતા. એનોનિયમ્સની ઓનલાઈન આર્મીએ આ કામ ફક્ત ૪૮ કલાકમાં પાર પાડ્યું હતું. જે કામ માટે સરકારે ચોક્કસ ગાઇડલાઇન અનુસરવી પડે, પેપર વર્ક કરવું પડે અને ઘણો બધો સમય બરબાદ કરવો પડે, એ જ કામ એનોનિયમ્સના ‘બળવાખોર નાગરિકોએ’ ગણતરીના કલાકોમાં પૂરું કરી દીધું. પૃથ્વી પરના દેશોની જેમ ડિજિટલ દેશો પણ આ પ્રકારની ગુપ્ત સત્તા-શક્તિનો દુરુપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એ બધું વિચારીને પણ કાયદા-કાનૂન બનશે. 

આજે ભારત કે અમેરિકા જેવા દેશો પણ બિનસત્તાવાર રીતે હેકરોની મદદ લે જ છે, પરંતુ તેની અનેક મર્યાદા છે. આ પ્રકારના કામમાં વિવિધ દેશો સાથે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ થવાનું જોખમ રહે છે અને ક્યાંક કાચું કપાય તો જવાબ આપવો ભારે પડી શકે છે, જ્યારે ડિજિટલ દેશોને 'પવિત્ર ગાય' જેવું બંધારણ કે કાયદા-કાનૂનનો ડર હોતો જ નથી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા જ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ ઈન્ટરનેટના વિકસિત ડિજિટલ દેશોનો વ્યૂહાત્મક લાભ લેવાનું શરૂ કરી દીધું છે.

ગૂગલ કે ફેસબુક જેવા ડિજિટલ દેશો ઈન્ટરનેટ પર ‘મોટી 'જમીનો' કબજે કરીને અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના કરોડો લોકો સુધી પહોંચી ગયા છે, જેની માહિતી યુગમાં અવગણના ના કરી શકાય.

——-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2017/12/blog-post_20.html

Loading

ગુજરાતમાં સંઘર્ષ, ચળવળો ને નાગરિક-અધિકારો (૧૯૭૦-૨૦૧૦)

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|22 December 2017

વર્ષા ભગત-ગાંગુલી સંશોધિત લિખિત આ પુસ્તક ચાળીસ વર્ષ દરમિયાનના ગુજરાતનાં આંદોલનોનું દસ્તાવેજી મૂલ્યાંકન કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ દ્વારા ૨૦૧૫માં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. પોતાની અંગત જિંદગીના સંઘર્ષ, પડકારો ને ઝીલતાં ઝીલતાં સંશોધન, પ્રવાસ, વાચન, લેખન સાથે ભારે મહેનતથી વર્ષાએ આ કાર્ય કરેલું છે. પાંચ આંદોલનો નવનિર્માણ, અનામત આંદોલન-૧૯૮૧, અનામત આંદોલન-૧૯૮૫, ફેરકૂવા-આંદોલન ને મહુવા-આંદોલન. મોંઘવારી, ભ્રષ્ટાચારનો વિરોધ નવનિર્માણ દ્વારા, વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ-ઇજનેરી વિદ્યાશાખા માટે તથા સરકારી નોકરીમાં અનામત માટે ૧૯૮૧, ૧૯૮૫, નર્મદાબચાવ માટે મોટા બંધની તરફેણ ને વિરોધ સંબંધિત ફેરકૂવા તથા નિરમાપ્લાન્ટના વિરોધમાં પર્યાવરણરક્ષણ ને ખેડૂતોના નાગરિકહક્ક માટે મહુવાઆંદોલનો થયાં. વિદ્યાર્થીઓ, સામાન્ય જનસમુદાય, સરકારી કામદારો (અનામત-આંદોલન), સ્ત્રીઓ, ખેડૂતો દ્વારા વખતોવખત- સહભાગ લેવાયો હોય, તેવી આ આંદોલનોની તરાહ રહી.

પાંચેપાંચ આંદોલનોની પ્રથમ પ્રાસ્તાવિક ભૂમિકા, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, આંદોલનોનો સમયખંડ, કારણો, સ્વરૂપ, સહભાગીઓ, નેતાગીરી, પ્રતિકારની રીતો ને પડઘા, સરકારનું વલણ, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ, પરિમાણ ને પરિણામની વિશદ્‌ચર્ચા પુસ્તકમાં કરાઈ છે. દરેક પ્રકરણને અલગ રીતે સંકલિત કરી તેનું વિશ્લેષણ કર્યું છે. દરેક આંદોલનમાં ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક, કાયદાકીય તાસીર કેવી રહી ને પરિવર્તનની જે તરાહ બની, તેની ઉદાહરણ સમેત નોંધ લીધી છે. કયું આંદોલન, કેવા સંજોગોમાં, કેવી રીતે, કોના દ્વારા શરૂ થયું, કોણ જોડાયું, કોણે કોનો, કેવી રીતે ક્યાં ઉપયોગ કર્યો કે થયો, આંદોલન શરૂ થયા પછી વેગ આપવા કઈ ને કેવી હિલચાલ થઈ, રાજકારણીઓનું નીતિવિષયક વલણ ને મિજાજ કેવી રીતે પ્રગટ થયાં ને એનો મૂલ્યવિષયક ગ્રાફ કેવો રહ્યો, તે રીતે આંદોલનકારીઓનો  મિજાજ, વલણ ને રીતિનીતિ કેવી રહી, તેની પણ સુપેરે સ્પષ્ટ ચર્ચા કરી છે.

કેટલા દેખાવો થયા, કઈ નવી રીતો થકી વિરોધપ્રદર્શન થયું, કેટલા નિર્દોષ યુવાનો, નાગરિકો શારીરિક રીતે હુલ્લડ ઉપરાંત પોલીસપગલાંનો ભોગ બન્યા ને જાનમાલનું નુકસાન થયું, તેની આંકડાકીય વિગત સાથે અધિકૃત માહિતી આપી છે. કયું આંદોલન પહેલાં જેમને પરિસ્થિતિ અન્યાયકારક લાગી કે અસરકર્તા લાગી ને તેમણે શરૂઆત કરીને પછી કોણે, કેવી રીતે જોડાઈને એને વેગ આપ્યો, જેમાં રાજકીય પક્ષો, મધ્યમવર્ગ, જ્ઞાતિ આધારિત ધ્રુવીકરણ વગેરે-વગેરે મુદ્દા મુખર બન્યા ને ધીમે ધીમે આંદોલનો એક પછી એક પગલું ભરતાં કરવટ બદલતાં રહ્યાં ને ભારતીય બંધારણમાં નિહિત મૂળભૂત નાગરિક-અધિકારો, આંતરરાષ્ટ્રીય માનવ-અધિકારો ને પર્યાવરણ સંબંધિત ગતિવિધિ, બજારસંસ્કૃિત ને મૂડીવાદી પરિબળોનો પ્રભાવ, વિકાસ મૉડેલની રૂખ, બહુમતનું પ્રચંડ અસલામતીનું પ્રતિબિંબ, આધુનિકતા ને પરંપરાનું સમાંતરે મૂલ્યાંકન વર્ષાએ પૂર્વસૂરિઓની પગદંડી પર તો કર્યું, પરંતુ તેની કેડી સર્જી આપીને એટલી સ્પષ્ટ સુરેખ રેખાઓ દોરી છે કે નીરક્ષીરવિવેક સમજાઈ જ જાય.

દેખીતી રીતે સ્વયંભૂ જનઆંદોલન જ લાગે, જેમાં વિદ્યાર્થીઓ ને આમપ્રજા પોતાને થતી અસરથી જોડાય, રેડિકલ ને રિબેલિયસ વિચારઆચારનું પ્રતિબિંબ પછી પલટી મારી રાજકારણના આટાપાટામાં પરિવર્તિત થઈ જાય ને કોણ કોનાં પ્યાદાં બન્યાં, તેવી દેખીતી વાત પછી વ્યવસ્થિત રીતે લોકસમુદાયના વિભાજનને અલગાવવાદી માનસમાં પલટીને ’એ લોકો-પેલા લોકો-આપણા લોકો એવા શબ્દો ચલણી બનતા ગયા, ન્યાયાલયોને આશરે જવાની વૃત્તિ ને તેનો પ્રભાવ, નિષ્ણાતોની બોલબાલા, વ્યવહારુ ઉકેલની સાંકડી થતી જતી શક્યતાઓનું રેખાંકન, ‘જૈસૈ થે’નું આલેખતું ચિત્રાંકન સ્વયંસ્પષ્ટ છે. મૌન રહેવા, મૌન રાખવા ને મૌન કરી દેવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે, સક્ષમ કઈ રીતે સક્ષમ બન્યા કરે ને અક્ષમ અક્ષમ જ રહે, ઉપરથી નીચે કે નીચેથી ઉપર ઊતરાવચડાવ થતા રહે, જેમાં દરેક પોતાના હિસ્સાનું વળતર તો મેળવી લે ને મોટો સમુદાય તો પરિસ્થિતિ સમજે, સમજે, તે પહેલાં સઘળું રાજકીય ઇચ્છાશક્તિને આધીન જ હોય તેનો વીંટો વળી જાય! નવનિર્માણથી જ શરૂ થયેલું મૂલ્યોનું ધોવાણ પછી વધારે થયું. જનસમુદાયમાં  વિભાજનનાં વેરાયેલાં બીજની ધીમી-મક્કમ અસર ત્યાર પછીનાં આંદોલનોમાં દેખાઈ. સંસાધનોની અસમાન વહેંચણી, ઉદ્યોગોને પંપાળવાની વૃત્તિની સમાંતર પોતાને જે જોઈએ છે, તે સહજ-સરળ લાગે તે રીતે હસ્તગત કરવાની દાનત  પાણી ને જમીન બચાવવાની વાતે મુખર થઈને રહી. ભાવવધારાએ નવનિર્માણને જન્મ આપ્યો, વંચિતોને રાહતનો વિકાસશીલ મુદ્દો સહિતની અસલામતીનો પડઘો બની મુખર થયો, પરંતુ સંસાધનો પર સહિતોની મરજીની પકડ અકબંધ રહી, તેનું અંકુરિત પરિમાણ બાકીનાં ચાર આંદોલનમાં પ્રતિબિંબિત થઈને રહ્યું. આદિવાસી, ખામ, દલિત, મુસ્લિમ, ગરીબ સામે સક્ષમ, સવર્ણ … ટૂંકમાં, રહિત ને સહિતઃ ફાવેલા ને ન ફાવેલા વચ્ચેના ગજગ્રાહ સાથે કોની કેવી દાનત હતી ને છે તે દીવા જેવું સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે.

માહિતી-અધિકાર, પંચાયતી રાજમાં તૃણમૂલમાં સ્થાનિક નેતાગીરીની સક્ષમતા, જળજંગલ જમીન પર આદિજાતિને હક્ક જેવા મુદ્દે જાગતિક પરિવર્તનોનો પોતાના હિતમાં ઉપયોગ કરી સમતા, સમરસતા જેવી બાબતો નિર્દોષ રીતે જનમાનસ પર પ્રભાવક બનાવવાની રસમ તો આવી ને સ્વીકૃત પણ બનતી રહી, તે કેટલે અંશે આવકાર્ય જેવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે! દરેક પક્ષપાંખ, જ્ઞાતિવાડા , શિક્ષિત-અશિક્ષિતોની કંઈક ઝૂંટવીને હાંસલ કરવાના આક્રમક મિજાજની વાત સાથે તેની યુવા – મહિલાપાંખની પ્રવૃત્તિ જેવી બાબતો ને અસરોની વાતે વર્ષાએ ખાસ્સું ઝીણું અવલોકન કરી તાણાવાણાં મેળવ્યાં છે! આટલાં આંદોલનો ને જનસમૂહની સામેલગીરી છતાં કોઈ યુવા કે સ્ત્રી-નેતાગીરી ઝળહળતી પ્રગટી નહીં ને એમ કેમ બન્યું તે મનીષાનું જેન્ડરકેન્દ્રિત, વર્ષાનું સમાજકેન્દ્રિત પુસ્તક સળંગ વાંચીએ, એટલે વાજાપેટીમાં પોતીકી રીતે ગોઠવેલી સૂરીલા સાજની લયબદ્ધ સિકવન્સની  જેમ દ્રશ્યમાન થાય જ છે. લય ને સૂરની બાંધણીનું સંચરણ કોના ઇશારે છે, તે જ સાનમાં સમજવું જરૂરી છે! દરેક આંદોલનની ફળશ્રુતિ પણ તટસ્થ મંતવ્ય માગે છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્ઞાતિ આધારિત આંદોલનની પકડનું આકલન કરી કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે  તેના પ્રત્યુત્તરની શોધ એ સમાપનનું અધ્યાહાર પાસું છે. બધી જ વાતે હું મારું ડહાપણ ડહોળું, તો વાચકો તરીકે તમે શું કરશો? તો પછી અહીં જ અટકું ને !

વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 11

Loading

નિમેષ દેસાઈ : મારા કલાકારસાથી

ભરત દવે|Opinion - Opinion|22 December 2017

નિમેષે અણધારી વિદાય લીધી. અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં મારો ઘણો જૂનો અને નિકટનો સાથી. કેટલાં બધાં વર્ષો અમે બંનેએ અમારી રીતે અનેકવિધ નાટકો ભજવ્યાં. મારી યાદદાસ્તમાં મેં તેની પ્રથમ ૧૯૭૬માં એકોકિત જોયેલી પિરાન્દેલો લિખિત – ‘જેનાં મોમાં મોતે મૂક્યું ફૂલ’. આ એકોક્તિનું વિચારવસ્તુ, નિમેષનો અભિનય, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીતનો ઉપયોગ મને અનહદ સ્પર્શી ગયેલો અને સાનંદાશ્ચર્ય થયેલું કે અમદાવાદમાં પણ એન.એસ.ડી. જેવી સફાઈ કોઈ નાટક ભજવી જાણે છે, અને તે પણ આટલો નાનો યુવાન કલાકાર!

શરૂશરૂમાં અમે સાથે કામ કરેલું. અમદાવાદમાં મારા સૌપ્રથમ નાટક ‘આલ્બટ્‌ર્સ બ્રીજ’(૧૯૭૬)માં તેણે બહુ સુંદર ભૂમિકા ભજવેલી, જેને ઘણા વયસ્ક પ્રેક્ષકો આજ સુધી ભૂલ્યા નથી. એ પછી જ્યારે દિનેશ હૉલમાં મારા ગ્રૂપે કેટલાક એકાંકીઓનો મહોત્સવ કર્યો, ત્યારે પણ તેમાં નિમેષે મારા આગ્રહને માન આપી એક એકાંકી તૈયાર કરાવેલું. છેલ્લે વર્ષ ૨૦૦૨માં નાટક ‘સૉક્રેટિસ’માં મુખ્ય ભૂમિકા માટે મેં નિમેષનો વિચાર કરેલો. અને મારા ઘરે બેત્રણ રિડિંગ પણ કરેલાં પણ કમનસીબે કેટલાંક કારણોસર એ નાટક ભજવી શકાયું નહીં. જ્યારે જ્યારે પણ હું ફોન કરતો, ત્યારે મારો અવાજ સાંભળીને ખુશી વ્યક્ત કરતો અને કહેતો કે “આજકાલ નાટકની વાત કરવા મારી આસપાસ સમોવડિયા જેવું કોઈ રહ્યું નથી, દોસ્ત, અને જે કોઈ છે, તેમની જોડે બહુ મેળ બેસતો નથી. એટલે તું યાદ કરે તો ખરેખર મઝા પડે છે.”

મને યાદ આવે છે કે ૧૯૭૫-૭૬ના ગાળામાં ગુજરાતી નાટ્યક્ષેત્રે, અભિનયમાં તેમ જ નાટકની એકંદર ભજવણીમાં સશક્ત રીતે ઊભરી આવનાર કલાકાર હતો નિમેષ દેસાઈ. તેણે ‘કોરસ’ જૂથની રચના કરીને માત્ર બે પાંચ વર્ષમાં જ બહુ નોંધપાત્ર નાટકો ભજવેલાં. શરૂઆતના ગાળામાં નિમેષે ભજવેલાં નાટકોને હું રંગભૂમિનો નિર્ણાયક ગાળો ગણું છું. એ વર્ષોમાં અમદાવાદની નાટ્યપ્રવૃત્તિમાં જાણે નવો પ્રાણ ફૂંકાયેલો. બહુ ટાંચાં સાધનો, નાટક માટે જરૂરી તમામ સગવડોના અભાવ વચ્ચે નિમેષે ગાંઠના ખર્ચે બહુ ઊંચી કક્ષાનાં નાટકો ભજવીને એક તાજગીસભર વાતાવરણ તૈયાર કરેલું. નિમેષ પોતે એક બહુ કાબેલ નટ હતો, દિગ્દર્શક હતો, વધુમાં સરસ ગાયક હતો. તેનો ઘૂંટાયેલો અવાજ, સંવાદો આરપાર ઊતરે એવી આરોહ-અવરોહની અદ્‌ભુત વાક્‌છટા અને સમજણભર્યા અભિનયની સંયમિત તીવ્રતા પ્રેક્ષકોને સ્પર્શી જતી. તેણે અનેકાનેક નાટકોનાં રૂપાંતરો પણ ભજવ્યાં અને મૌલિક પણ ભજવ્યાં.

લગભગ મોટા ભાગના લેખકો-કવિઓ સાથે નિમેષના નિકટના સંબંધો હતા. ખાસ તો તે હંમેશાં સારાં નાટકોની ખોજમાં રહેતો. હર કોઈ લેખકને તે મૌલિક લખી આપવા કે ભાષાંતર કરી આપવા ઉશ્કેરતો રહેતો. ગુજરાત તેમ જ દેશભરના લેખકોએ લખેલાં નાટકોનો તેની પાસે મોટો ભંડાર હતો. તેને ગીતસંગીત અતિપ્રિય હતાં. તેનો ખરજવાળો ગુંજતો અવાજ અને શબ્દોના શુદ્ધ રણકતા ઉચ્ચારો શ્રોતાઓને તત્કાળ પ્રભાવિત કરતા. વાજિંત્રોની સંગત વગર પણ તેનાં ગીતો સાંભળવા ગમતાં. તેના આ પ્રેમને કારણે જ તેણે ઘણાં સંગીતનાટકો ભજવ્યાં, જેમાં તેને ગાવાની તક મળે. ગીતોની સ્વરચના પણ તે જાતે જ તૈયાર કરતો. પાછળનાં વર્ષોમાં તેણે નાટકો ઉપરાંત જૂની અને નવી રંગભૂમિનાં ગીતો ગાવાના પણ ઘણા કાર્યક્રમો કરેલા.

તે જ્યારે પણ ગુજરાતબહારનું કોઈ કોટિનું નાટક જુએ, ત્યારે દર વખતે ભીતરથી વિચલિત થઈ ઊઠતો કે “આપણે કેમ એટલું ઉચ્ચ કોટિનું નથી કરી શકતા?” અમે બંને જાણતા હતા કે તેની પાછળ જવાબદાર અમારી સમસ્યાઓ કઈ છે!  ઘણી વાર તેણે એ વ્યથા પણ વ્યક્ત કરેલી કે “હું એક નટ છું, કલાકાર છું; મૅનેજર કે શો-ઍરેન્જર નથી. એક વાર નાટક બનાવી લીધા બાદ તેને કેવી રીતે ચલાવવું, તેના આર્થિક પાસાં કેવી રીતે સરભર કરવા, શૉઝ કેવી રીતે વેચવા, તેની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી વગેરે મને આવડતું નથી. મારી બધી શક્તિ નાટક બનાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેના માર્કેટિંગ માટે મારી પાસે ન તો કોઈ આવડત છે, ન પૈસા.” અને ફરિયાદ છતાં તેણે સહેજ પણ હાર્યા કે થાક્યા વગર વર્ષો સુધી મનગમતાં નાટકો ભજવવા ચાલુ રાખ્યાં.

ગુજરાતના નાટ્ય ક્ષેત્રે નિમેષે કેવું ગંજાવર કામ કરી દેખાડ્યું એ તો જરા જુઓ! ૧૯૭૪-૭૫થી શરૂ કરીએ તો ‘વી થિયેટર’ તરફથી બેકેટનું સુભાષ શાહ અનુવાદિત-દિગ્દર્શિત નાટક ‘Crapp’s Last Tape’, ‘ઍન્ડ-ગેઇમ’. ચૅખોવનું ‘સ્વાનસોંગ’, અર્ન્સ્ટ ટૉલરનું સુન્દરમ્‌ અનુવાદિત ‘હિંકમાન’, એ પછી લૉર્કા લિખિત-મહેન્દ્ર અમીન અનુવાદિત નાટક ‘રણને તરસ ગુલાબની’ (યર્મા), બેકેટનું ‘વેઇટિંગ ફોર ગૉદો’, બ્રેખ્તનું રમેશ પારેખ રૂપાંતરિત નાટક ‘સગપણ એક ઉખાણું, એડમંડ રૉસ્ટાંડના ‘સિરેનો’ પરથી ચિનુ મોદીએ કરેલ રૂપાંતર ‘શુકદાન’, એથૉલ ફુગાર્ડનું ‘સ્વપ્નભંગ’, ચિનુ મોદી દ્વારા ફિલ્મ ‘ફિડલર ઑન ધી રૂફ’નું ગામઠી ગુજરાતી સંસ્કરણ ‘ઢોલીડો’, ટૉલ્સ્ટૉયનું ‘પાવર ઑફ ડાર્કનેસ’ (અંધારાના સીમાડા) વગેરે. આ યાદી તો માત્ર યાદ રહી જનારાં નાટકોની છે, બાકી નિમેષે ભજવેલાં તમામ નાટકોની યાદી તો હજુ ઘણી લાંબી થવા જાય છે.

નિમેષના આ શરૂઆતનાં દસપંદર વર્ષની ઉજ્જ્વળ કારકિર્દીમાં તેની કલાકાર-પત્ની ગોપી દેસાઈનો ફાળો પણ સહેજે ભૂલવા જેવો નથી. ગોપી પોતે એક કુદરતી, મંજાયેલી, પ્રભાવશાળી અભિનેત્રી. ઉપર્યુક્ત ઘણાંખરાં નાટકોની સફળતામાં ગોપીનો અભિનય પણ એટલો જ યાદગાર ગણવો પડે. થિયેટર માટેનું નિમેષ અને ગોપીનું કમિટમેન્ટ જુઓ કે એટલી યુવાન વયે નિમેષના જ પ્રોત્સાહનથી ગોપી નિમેષને છોડીને ત્રણ વર્ષ માટે દિલ્હી, એન.એસ.ડી.માં નાટકોનો અભ્યાસ કરવા ગયેલી.

જો આપણાં ગુજરાતી નાટ્યલેખકો કે વિવેચકો ‘મૌલિક કોઈ ભજવતું નથી’ની ફરિયાદ કરતા હોય તો એ ફરિયાદ કમસે કમ નિમેષને લાગુ પડતી નથી. એટલી હદ સુધી કે મૌલિક નાટકો કાચાં હોય તો પણ નિમેષે તેને પોતાની ભાષાનું નાટક ગણીને તેને ભજવવાની હામ ભીડી છે. આમ, મારા મતે નિમેષને ખાસ યાદ કરવો જોઈએ સૌથી વધારે સંખ્યામાં ગુજરાતી મૌલિક નાટકો ભજવવા માટે. આ સાથેની યાદી જોઈને જ તમને આનંદ થશે કે તેણે કેટલાં બધાં મૌલિક નાટકો હોંશથી ભજવ્યાં છે? જેમ કે, રઘુવીર ચૌધરીનાં નાટકો ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’, સુભાષ શાહનું ‘સુમનલાલ ટી દવે’, લાભશંકર ઠાકરનાં નાટકો ‘મરી જવાની મઝા’, ‘મનસુખલાલ મજિઠિયા’, ‘પીળું ગુલાબ’, ‘કાહે કોયલ શોર મચાયે રે’, ચિનુ મોદીનાં નાટકો ‘જાલકા’, ‘નૈષધરાય’, ‘નાગર નરસૈંયો’, સિતાંશુ યશશ્ચંદ્રનું ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા’, નવલકથાઓ પરથી કરાયેલાં નાટકોમાં ર.વ. દેસાઈનું ‘ભારેલો અગ્નિ’, પન્નાલાલ પટેલનાં ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘ફકીરો’, મુનશીનું ‘પૃથિવીલ્લભ’ વગેરે. આ ઉપરાંત ભારતીય ભાષાઓનાં નાટકોમાં ધર્મવીર ભારતીનું ‘અંધાયુગ’, મહેશ એલકુંચવરનું ‘હોલી’, મણિ મધુકરનાં ‘દુલારીબાઈ’ અને ‘રસગાંધર્વ’, સર્વેશ્વર દયાલ સક્સેનાનું ‘બકરી’, મોહિત ચેટરજીનું ‘રાજાધિરાજ’ (ગિનીપિગ), વગેરે.

નિમેષ માત્ર ને માત્ર નાટકનો જીવ હતો. નાટકની જ લાયમાં ને લાયમાં તેણે ઇસરોમાં ટીવીનિર્માતા તરીકેની કાયમી નોકરી પણ છોડી દીધી. વર્ષો બાદ આવકનો કોઈ નિશ્ચિત સ્રોત નહીં હોવાને કારણે તેના પર જે આર્થિક દબાણ આવ્યું તેણે તેને સારો એવો પરેશાન કર્યો. અંગત જીવનમાં પણ એકલતા, મનોસંઘર્ષ, આર્થિક સંકડામણો, કથળતી તબિયત, વર્તમાનમાં નાટકની ઘટતી જતી લોકપ્રિયતા, સતત નવું કામ ખોળવાની ઝંઝટ, વગેરેએ નિમેષની પ્રાણશક્તિને નબળી પાડી હોય એવું કલ્પી શકાય. બાકી, આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેના અવસાનના આગલા ત્રણેય દિવસ તે એક દસ્તાવેજી ફિલ્મના કામમાં સતત વ્યસ્ત રહેલો.

સૌને સવાલ થાય કે નિમેષ નાટક માટેના પૈસા ક્યાંથી લાવતો હશે? તેના જીવનમાં ક્યારે ય તેણે લાખો રૂપિયા રળી આપે એવાં નાટકો તો કર્યાં નહોતાં. નહોતી એની પાસે બાપીકી મિલકત, નહોતી પોતાની કોઈ બચત કે નહોતી કોઈની કાયમી મદદ. હા, વચ્ચે-વચ્ચે સરકારી યોજનાઓનો લાભ મળતો, પરંતુ જ્યારે પણ તેના હાથમાં પૈસા આવતા, ત્યારે પૂરેપૂરા તેને નાટક પાછળ ખરચી નાખતો. તેણે ક્યારે ય તેનાં અંગત સુખસગવડ પાછળ નાણાં ખર્ચ્યાં હોય, બચત કરી હોય, મોટી ખરીદી કરી હોય એવું જોવા મળ્યું નથી. તેની જીવનશૈલી અત્યંત સાદી હતી. નાટક સિવાય બીજાં કોઈ ખર્ચાળ શોખ કે વ્યસનો તેને નહોતાં. આમ છતાં દોસ્તો પાછળ ઉદાર દિલે પૈસા ઉડાવી દેતો.

નિમેષની અઢળક પ્રશંસાની સાથે સાથે મારે તટસ્થપણે એ પણ નોંધવું જોઈએ કે તેની કારકિર્દીનાં શરૂઆતનાં દસ-પંદર વર્ષ નિમેષે ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું કામ કર્યું. પણ પછી કોણ જાણે કેમ, તે ગુણવત્તા અવગણીને નાટકોની સંખ્યા વધારવા તરફ ખેંચાઈ ગયો. એક જ મહિનામાં તે ત્રણ- ત્રણ અઘરાં નાટકો તૈયાર કરાવીને ભજવી નાખતો. એક એક અઠવાડિયામાં ત્રિઅંકી નાટકો પણ તૈયાર કર્યાંના દાખલા બન્યા છે. કલાકારોની પસંદગીમાં પણ આગ્રહી નહોતો રહ્યો. જે મળે તેની જોડે કામ કરવા એ તૈયાર હતો. આ બાબતે મારી જોડે તેને મતભેદ હતો. તેણે મારી સામે પણ નારાજગી વ્યક્ત કરેલી કે “તેં શા માટે નાટકો કરવાં છોડી દીધાં? સારા કલાકારો મળે તો જ નાટક થાય એવું કોણે કહ્યું?” જ્યારે હું એવા મતનો હતો કે નાટક જેટલું ઊંચું પસંદ કરો, કલાકારો એટલા જ ઊંચા જોઈએ. નાટક એ ફિલ્મ નથી. નાટક નટનું માધ્યમ છે. નબળા કલાકારોથી ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકાય નહીં. પણ કોણ જાણે, (હળવી રીતે કહું તો) દેવઆનંદની જેમ નિમેષ પણ તેના પાછલા તબક્કામાં બસ, એક પછી એક નવાં નાટકો સળંગ ભજવ્યે જવાના મોહમાં આવી ગયો. મારો મત એ હતો કે ગુજરાતી પ્રેક્ષકો આમે ય આપણાં કલાત્મક નાટકો જોવા આવતાં ખચકાય છે. નિર્માણ નબળું જોશે, તો વધારે દૂર જતા રહેેશે.

પોતાનાં ખાસ સ્વભાવ, પ્રકૃતિ વગેરેને કારણે નિમેષને કેટલાક કલાકારો જોડે અવારનવાર મતભેદ અને ઘર્ષણનો પણ સામનો કરવાનો આવ્યો. પણ એ બધામાં નિમેષનો એક ખાસ જાદુ, કરિશ્મા કે આકર્ષણ તો સતત રહ્યાં કે તેનાથી નારાજ થઈને જતાં રહેલા કલાકારો પણ સમય જતાં જો નિમેષ ફરીથી બોલાવે તો તેની જોડે કામ કરવા લલચાતા. પેલું કહે છે ને કે “Either you love him or hate him, but you cannot ignore him”. નિમેષની વિશેષતા પણ આ જ હતી. કદાચ તેની ભીતરની ‘strong passion’ને દાદ આપીને લોકો મનોમન સમાધાન કરી લેતા હશે.

નિમેષ ધાર્યા કરતાં ઘણો વહેલો વિદાય થયો. તે દિવસે સ્મશાનમાં સાંભળેલું કે મૃત્યુના દિવસે જ તેનું મોતિયાનું ઑપરેશન નક્કી થયેલું. કહે છે કે આગલી રાત તેણે એ ભયમાં ડરતાં ડરતાં કાઢી કે “ઑપરેશન પહેલાંનું એનૅસ્થેટિક ઇંજેક્શન કેટલું પીડાદાયક હશે અને તે કેવી રીતે સહન કરી શકશે?” આ પરથી મેં મન મનાવ્યું કે ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાની કોઈ જ લાંબી શારીરિક પીડા ભોગવ્યા વગર મારો કલાકારમિત્ર ભરઊંઘમાં જ આ દુનિયા છોડી ગયો.

આવજે મારા દોસ્ત, ઈશ્વર તારા આત્માને પરમશાંતિ આપે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 12-13 

Loading

...102030...3,2113,2123,2133,214...3,2203,2303,240...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved