Opinion Magazine
Number of visits: 9582460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીમાં જેલવાસનાં સંભારણાં

હસમુખ પટેલ|Samantar Gujarat - Samantar|26 December 2017

અડધો લીટર દૂધ અને માખણની ગોટી માટે…

રાજકીય લડવૈયાઓનાં જેલનાં સંભારણાંમાં સામાન્ય રીતે પોતે કેટલું દુઃખ વેઠ્યું કે કેટલી જ્ઞાનસાધના કરી તેની વાત આવતી હોય છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લેખકનાં સંભારણાં સાવ જુદાં અને વાંચનારને ખડખડાટ હસાવી મૂકે એવાં છે. અલબત્ત, એ હાસ્યની પાછળ સંઘ પરિવારની કાર્યપદ્ધતિથી માંડીને સમાજવાદીઓની ભારઝલ્લી ગંભીરતા અને માનવમનના અવળચંડા આટાપાટાનું એક્સ-રે દર્શન જોવા મળે છે

1974નું વર્ષ.

તત્કાલીન ચીમનભાઈ પટેલની સરકાર સામે ગુજરાતના લબરમૂછિયા તરુણો ભ્રષ્ટાચારના મુદ્દે જુદ્ધે ચડેલા. આ આંદોલનમાં સક્રિયપણે જોડાવાનું બન્યું. ગુજરાતમાં તે જમાનામાં ભોગીલાલ ગાંધી જેવા ગાંધીજનોના ટેકે યુવા આંદોલન સમિતિ બની. તેના તરુણ સૈનિક તરીકે સાથીઓ સાથે વારંવાર ધરપકડો વહોરી ને એક કર્મશીલ તરીકેનો માણેકથંભ રોપાયો. ગુજરાતે બિહારને ખો આપી અને લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ દેશવ્યાપી સંપૂર્ણ ક્રાંતિના મંડાણ થયાં. પરિણામે દેશમાં આવી કટોકટી. દેશમાં બીજી આઝાદીની લડાઈ દરમ્યાન તત્કાલીન સત્તાનવેશો સામે મોરચો માંડનાર લાખ કરતાં વધારે રાજકીય અને જાહેર આગેવાનોને વગર મુકદમે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યાં, ગુજરાતમાં જે પાંચસો જેટલા આગેવાનો અને લડવૈયા ‘મિસા'(MISA – મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ)ના જાલીમ કાયદા હેઠળ જેલ ભેગા થયેલા, એમાં મારો નંબર પણ ખરો. સેન્સરશીપના કાળા કાયદાને લીધે અનિયતકાલિક ભૂગર્ભ અખબાર 'જનતા છાપું' કાઢવા માટે 'ડીફેન્સ ઓફ ઇન્ડિયા' કાનૂન હેઠળ બીજા કેસો પણ ખરા.

ખેર, આજે આંદોલનની વાત ઓછી અને જેલની વાત વધારે કરવી છે. જેલ એ એવું સ્થાનક છે જ્યાં માણસ જેવો હોય તેવો જ વરતાય. 1976નો શરૂઆતનો મહિનો રાજકીય. કેદી તરીકે પાલનપુર સબ જેલમાં રહેવાનું થયું. જેલ નાની એટલે સામાન્ય ગુનેગારો સાથે જ રહેવાનું. કેદીઓ પ્રત્યે જેલર દલવાડીના અન્યાય સામે ઉપવાસ પર અમે છ-સાત રાજકીય કેદીઓ ઉતર્યા. એટલે રાતોરાત સાગમટે અમારી જેલ બદલી કરીને જુદી જુદી જેલોમાં મોકલવામાં આવ્યા. મારા ભાગે વડોદરા જેલ આવી.

પાલનપુર જેલમાં થોડોક સમય રહેવાનું થયું, પણ એ મહિનો યાદગાર હતો. જેલસાથીઓમાં આર.એસ.એસ.ના બૌદ્ધિક પ્રમુખ અને લૉ કોલેજના આચાર્ય વણીકર ઉપરાંત સંઘના બીજા પાંચેક સ્વયંસેવકો. સર્વોદયના લેબલવાળો હું એકલો. વણીકર અત્યંત પ્રેમાળ અને સાત્ત્વિક પ્રકૃતિના સજજન. બાકીના સાથીઓ પણ ઠીકઠીક હૂંફાળા દિલના. વૈચારિક રીતે ખાસ્સું અંતર છતાં મૈત્રીમાં એ ભેદ અમારી આડે ન આવ્યો. આ સિવાય અમારી સાથે અન્ય ક્રિમીનલ જોગવાઈ હેઠળ પૂરાયેલા જામનગરના ઘેલુ માડમ પણ ખરા. તેમનો આખો ય પરિવાર રાજકીય પડદે ઠીકઠીક સક્રિય, છતાં ગુનાખોરીની દુનિયાના જણ તરીકેની ગુજરાતમાં તેમની ઓળખ. એમના માટે સ્વાભાવિક જ મનમાં ફડક રહે. પણ જેલમાં તેમની સાથે નજીકથી રહેવાનું થયું ત્યારે સમજાયું કે તેમના પર સમાજે જે લેબલ થોપ્યાં છે તેનાથી સાવ જ નોખી પ્રકૃતિ ધરાવનાર, અત્યંત હૂંફાળા અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતા એ ચિક્કાર દોસ્તીના માણસ હતા. જેલમાં ઘણાં પુસ્તકો લઈને આવેલા. તેમાં પેરી મેસનની ડિટેકટીવ કથાઓથી માંડીને ગાંધીજીના 'હિંદ સ્વરાજ' અને ભારતીય રાજ્યબંધારણનો સમાવેશ થાય. અનેક વિષયો પર ખીલીને અને ખોલીને ચર્ચાઓ કરે. અનેક સંસ્થાઓ સહજપણે અને ભાર વગર ચલાવે. ઘેલુભાઈ સાથેનો આ મૈત્રીસંબંધ તેઓ જીવ્યા ત્યાં સુધી રહ્યો.

વણીકરજી અને સંઘના મિત્રો સાથે દોસ્તી છતાં એક દિવસ એવું કંઈક બન્યું કે આ મિત્રો મારાથી કંઈ છૂપાવતા હોય તે રીતે અંદરોઅંદર સતત ઘૂસપૂસ કર્યા કરે. મને જરા ચિંતા થઈ. એવું તો શું થયું હશે કે મને છેટો રાખીને આ સજ્જનો માંહ્યોમાંહ્ય ગંભીર વદને કાખલી કૂટે છે? સાંજે હિંમત કરીને વણીકરણજીની બૅરેકમાં જઈને તેમની ચર્ચાઓ વિશે પૃચ્છા કરી. વણીકરજીએ નાક પર આંગળી રાખી ધીમે બોલવાનો ઈશારો કરી મને નજીક બોલાવી કહ્યું કે 'દિવાલોને પણ કાન હોય છે.’ હું ગંભીરતાથી તેમની નજીક સરક્યો. પછી તેમણે કહ્યું કે 'નાગપુર જેલમાંથી સરસંઘચાલક બાળાસાહેબ દેવરસનો સંદેશો છે.’ મે પુછ્યું કે 'શું સંદેશો છે?’ તેમણે જવાબ આપ્યો, 'સંદેશો એવો છે કે આખરી જીત હમારી હૈ.’ આ સાંભળીને હસવું  રોકવું અઘરું હતું. આવી સાદી વાત અને આટલો બધો સસ્પેન્સ? અને તે પણ આખો દિવસ? ત્યારે પાકું સમજાયું કે કદાચ સંઘની આવી જ પરિપાટી હશે.

પાલનપુર જેલના એ ટૂંકા વસવાટમાં આજીવન પ્રીતનો નાતો બંધાયો. ત્રણ દાયકાથી બનાસકાંઠા વતનથી ય વહાલું બન્યું છે. પાલનપુરથી વડોદરા જેલમાં બદલી થયા પછી જેલની દુનિયાનો વ્યાપક પરિચય થયો. અમે બસ્સો જેટલા રાજકીય કેદીઓના અલગ વૉર્ડ. એક વૉર્ડ જનસંઘ(હાલનો ભા.જ.પ.)ના આગેવાનો-કાર્યકરોનો, બીજો તે સંસ્થા કોગ્રેસી, સમાજવાદી, માર્કસવાદી, સર્વોદય અને બિનપક્ષીય આગેવાનોનો, ત્રીજો તે આર.આર.એસ.ના પ્રાંતીય વરિષ્ઠોનો અને ચોથો ડાયનેમાઈટ કેસના આરોપીઓ જયોર્જ ફર્નાન્ડીઝ (જે પાછળથી ભારત સરકારના અનેક વાર પ્રધાન થયેલા), પ્રભુદાસ પટવારી (જે પાછળથી તમીલનાડુના રાજ્યપાલ થયેલા), વરિષ્ઠ પત્રકારો વિક્રમ સિંઘ અને કિરીટ ભટ્ટ વગેરેનો.

વૉર્ડ અલગ પણ અવારનવાર મળવાનું થયા કરે. જનસંઘના ચીમનભાઈ શુકલ, શંકરસિંહ વાઘેલા, હરિન પાઠક, અશોકભાઈ ભટ્ટ, નલિન ભટ્ટ ઉપરાંત સંસ્થા કોગ્રેસના બ્રહ્મકુમાર ભટ્ટ, નવલભાઈ શાહ, મોહનલાલ ઠક્કર, દિનેશભાઈ શાહ, જયંતીલાલ પૂંજાલાલ શાહ, ડાહ્યાભાઈ પરમાર, સમાજવાદીઓ સદાશિવરાવ કુલકર્ણી, મધુકાંત રમણલાલ શાહ, ચિદમ્બરમ્‌ વગેરે, લોકદળના આર.કે. અમીન, ભોગીલાલ મકવાણા તથા બિનપક્ષીય આગેવાનોમાં બંધારણવિદ્ ચંદ્રકાંત દરૂ, રેડીકલ હ્યુમેનિસ્ટ પ્રસન્નદાસ પટવારી, પ્રકાશ ન. શાહ, ભાઈદાસ પરીખ, ઍડવોકેટ જયોતીન્દ્ર ભટ્ટ, ભૂતપૂર્વ કોગ્રેસી નરભેશંકર પાણેરી, પ્રા. બબાભાઈ પટેલ, સર્વોદયી આગેવાનો ચુનીભાઈ વૈદ્ય અને જગદીશ શાહ સહિતના અનેક નામી નેતાઓ અમારા જેલસાથી. સરમુખત્યારશાહી સામે મોરચો માંડનાર આ સૌ એક રીતે અન્નકૂટ જેવા. વિચાર અને ઘડતરની રીતે અલગ અલગ ચાકડે કંડારાયેલા. એટલે ચોકા પણ ભિન્ન ભિન્ન. એકમેક પ્રત્યે એકંદર સદ્દભાવ છતાં કયારેક તણખા ઝરે.

આર.આર.એસ. અને જનસંઘીઓની સંખ્યા વધારે. એટલે તેઓ બધા પર હાવી થવાની કોશિશ કર્યા જ કરે. તેઓ વંદે માતરમ્‌ આખું ગીત હાથ જોડીને ગાવાનો દુરાગ્રહ રાખે, એ અમારા જેવાઓને રાશ ન આવે. ઇતિહાસની ચર્ચાઓમાં આ લોકોની 'મૌલિકતા'નો પાર નહીં. કૅરમ રમીએ ત્યારે સંઘી સાથીના સ્ટ્રોકથી કૂકરી કાણામાં પડે તો 'ભારતમાતાકી જય'નો  બુલંદ જયઘોષ કરે. આ કેરમની કૂકરીએ તે વખતથી જ મને રાષ્ટ્રપ્રેમનો પહેલો પાઠ શીખવાડેલો. પછી તો રાષ્ટ્રપ્રેમના રસનાં કૂંડાં જેલવાસ દરમ્યાન તેઓએ ઠાલવ્યે જ રાખ્યાં. હોંકારા-પડકારા અને વીરરસથી છલોછલ ફરેબી માહોલ ઊભો કરવામાં તેમની તોલે કોઈ ન આવે. 'જેલમાં પાળિયા થાશું પણ નમશું નહીં' તેવી જાહેર ગર્જનાઓ અવિરતપણે કરવી અને છાનામાના માફીપત્રો સરકારને મોકલી આપવાનું તેમનું ગણિત ન સમજાયું, ત્યારે તેમના એક મોવડીને પુછ્યું. તે પણ સવાયા શૂરાતનથી કહે કે 'આ તો અમારી શિવાજીનીતિ છે, પેટમાં ઘૂસીને પેટ ચીરી નાંખવાની.’ વાહ રે શિવાજીનીતિ.

'ભારતમાતાકી જય'ના તેમના શંખનાદો  રેડીકલ હ્યુમેનીસ્ટ સાથી પ્રસન્નદાસ પટવારીને ખાસ્સા અકળાવે. કયારેક આક્રોશપૂર્વક તેઓ કહે પણ ખરા કે 'આ લોકો તો પાક્કા માવડિયા છે.’ જેલમાં અમે બધા ફિરકાના તરુણો પણ ખરા. સાથે મોજમસ્તી કરીએ. અમારા સંઘી તરુણ મિત્રોને મહેન્દ્ર મેઘાણીના 'મિલાપ’ અને ભોગીલાલ ગાંધીના 'વિશ્વમાનવ'ના અંકો વાંચવા આપીએ. સામે તેઓ અમને દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ' જેવાં તેમના ફિરકાનાં પુસ્તકો પણ વંચાવે.  આ વાડકીવ્યવહાર ત્યારે ખોટકાયો, જ્યારે તેમના એક નેતાએ અમને કડક શબ્દોમાં તેમના તરુણોને 'વિશ્વમાનવ' જેવાં પ્રકાશનો આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો. કારણ એટલું જ કે 'તેઓ આવું સાહિત્ય વાંચે તો વિચાર કરતા થાય અને પ્રશ્નો કરતા થાય. સરવાળે સંગઠનની ચુસ્તતા ખોરવાય.’ આજે પણ આ બદ્ધતા  તેમણે અકબંધ સાચવી રાખી છે.

સંઘની રોજની પ્રાર્થનામાં પાછળથી મહાત્મા ગાંધીનું નામ ઉમેર્યા પછી પણ ગાંધી માટે તેમને બહુ તિરસ્કાર. ગોડસેેેએ ગાંધીને ગોળીએ વીંધીને કેવું મહાન રાષ્ટ્રકાર્ય કર્યું છે તે પૂરવાર કરવા તેમનામાંના કેટલાક ઠીક ઠીક પરિપકવ આગેવાનો સુદ્ધાં અડધી અડધી રાત સુધી સાથી પ્રકાશભાઈ શાહ સાથે બૌધ્ધિક પટાબાજી ખેલે. એકંદરે આ બધું કરવામાં અમને તો મનોરંજન મળતું. કારણ કે ભારતમાતા તો જેલની દિવાલની બહાર હતી.

અમારા એક સાથી તે વડોદરાના રાજુભાઈ. લાડમાં સૌ તેમને પંડિત કહે. સાવ જ મોજીલો માણસ. ચડ્ડી અને ગંજી તેમનો જેલવાસનો કાયમી ટ્રેડમાર્ક લિબાસ. માથું સફાચટ રાખે. અનેક શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે. જયોતિષી પણ ખરા. તેમને પૂછ્યું કે 'તમે કયા મુદ્દે જેલમાં આવી પડયા?’ તો કહે, 'અલ્યા ભાઈ, મારી બા અને નાનો ભાઈ જનસંઘના આગેવાનો તરીકે વેલણ સરઘસ અને એવા કાંઈક તાયફા કરે. મારે ન લેવા કે દેવા. પણ જોગાનુજોગ એક વાર થોડા કૌતુકથી એમની સાથે શહેર જનસંઘની બેઠકમાં ગયેલો. મેયર રામચંદાણી બેઠકનું સંચાલન કરે. મેં તેમને એકાદ પ્રશ્ન પૂછ્યો, તો થોડાક હેબતાયા અને મને કડક શબ્દોમાં જણાવ્યું કે આપણા પક્ષમાં પ્રશ્ન પૂછવાની પરંપરા નથી. મને જરા અજુગતું તો લાગ્યું. પણ છેવટે મારી એ બેઠકની હાજરીએ મને જેલવાસની ભેટ આપી.’ આ પંડિતજી બૅરેકની બહાર બેસે, ટોળાટપ્પાં કરે અને નવો કોઈ રાજકીય કેદી આવે તો તેને જેલની દિવાલ બતાવીને કહે, 'ભાઈ, બેસો અને સમજી લો કે દુનિયા તમે જેલની દિવાલ પેલે પાર મૂકી આ અજીબોગરીબ નવા પ્રદેશમાં આવ્યા છો. એટલે પ્રેમપૂર્વક આ પ્રદેશમાં ગોઠવાવાની કોશિશ કરો.’

લોકદળના નેતા અને ભારતીય લોદકદળની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય એવા વડોદરાના ભોગીલાલ મકવાણા પણ અમારા જેલસાથી. જેલમાં અમારા રાજકીય કેદીઓના ભાગના સીધુંસામાનની સફાઈનું કામ કરવા અમે ટુકડીઓ પાડેલી. ભોગીલાલે ઘઉં વીણવાની ધરાર ના પાડી. દલીલમાં જણાવ્યું કે 'હું એક રાજકીય પક્ષનો રાષ્ટ્રીય નેતા ગણાઉં. તેથી આવાં કામો મારી રાજકીય ઊંચાઈને ન શોભે.’ જવાબમાં યુવા નેતા પ્રકાશ બ્રહ્મભટ્ટે ડાબા હાથથી ભોગીલાલના ડાબા લમણે એવો લાફો ઝીંકયો કે ભોગીલાલે મોટું મન રાખી પોતાનું રાષ્ટ્રીય નેતૃત્વ જતું કરીને ચૂપચાપ ઘઉં વીણવાનું મુનાસિબ માન્યું.

બસો જેટલા રાજકીય કેદીઓમાંથી બે-ત્રણ મિત્રો રેસ્ટોન્ટ લોજ સાથે સંકળાયેલા હતા. એટલે રસોઈકામમાં નિપુણ. જેલ મેન્યૂઅલ પ્રમાણે કેદી દીઠ જે સીધું નકકી થયેલું તે લઈને આ મિત્રો ચટાકેદાર રસોઈ બનાવતા. તેને કારણે અમને ખાવાપીવાની બાબતે જેલવાસ લેશમાત્ર કઠ્યો નહીં.

મારું કામ રોજેરોજ દર્દીઓની સંખ્યા નક્કી કરીને, તેમને જેલના ડોકટર પાસે લઈ જવાનું અને તેમને માંદા જાહેર કરાવીને તેમના ભાગનું દૈનિક, દર્દી દીઠ અડધો લીટર દૂધ અને માખણની ગોટી જેલસત્તાવાળાઓ પાસેથી હસ્તગત કરવાનું. આ દૂધમાંથી દહીં બને, બે નંબરિયા ચા પણ બને. બૅરેકમાં ચૂલો કે અગ્નિ પ્રતિબંધિત. એટલે વધેલા દૂધમાંથી રોજ રાત્રે સ્ટૉક કરેલાં ફાટેલાં વસ્ત્રોના મોટા દીવેટ બનાવીને, જેલમાંથી મળેલા કેદીદીઠ સપ્તાહના ૧૪ ગ્રામ કોપરેલની તેના પર ધાર કરીને, જેલમાંથી જ મળેલા એલ્યુમીનિયમના વાટકાનો હોડી જેવો આકાર બનાવી વચ્ચે આ કોપરેલયુકત દિવેટ મૂકી તેના પર એલ્યુમીનિયમના ટમ્બલર-કમ-ચંબુમાં ચાનું આંધણ મૂકવાનો રોજનો અમારો ક્રમ. આ 'ટી સ્મગલીંગ'ની ગેરકાયદે પ્રવૃત્તિના સૂત્રધાર હું અને શહેર સંસ્થા કોગ્રેસના મંત્રી ડાહ્યાલાલ પરમાર. જેલમાં ડાહ્યાલાલનાં બે જ કામ. અકરાંતિયાંની જેમ અંબર ચરખા પર કાંત્યા કરવું અને રાત્રે ગેરકાયદે આ (ચાની) કીટલી ચલાવવી. અમારી આ ગેરકાયદે પ્રવૃત્તિથી જેલ સત્તાવાળાઓ પૂરા વાકેફ, પણ આંખ આડા કાન રાખીને તે ચાલવા દે.

અમને રાજકીય કેદીઓ તરીકે જેલ તરફથી મળતા અસબાબની પણ વાત કરી લઉં. કથરોટ આકારની નાની થાળી, એલ્યુમીનિયમનો, ભિખારી રાખે તેવો, વાટકો, એક એલ્યુમીનિયમનું ટમ્બલર અને બે ગંધયુકત કંબલ. એલ્યુમીનિયમનું ટમ્બલર 'કલેકટર' કહેવાતું. મહેસૂલ, આરોગ્ય, આપત્તિરાહત, આરોગ્ય, શિક્ષણ જેવાં અઢળક કામ જેમ કલેકટરના હવાલે રહે છે, તેમ અમારા આ 'કલેકટર'ના તાબા હેઠળ અનેક કામો આવતાં. જેમ કે પાણી પીવા, છાશ પીવા, નહાવા, શૌચકર્મ પછીના દિવ્ય પ્રક્ષાલન માટે અને રાત્રે ગેરકાયદે ચા બનાવવા માટે.

જેલમાંથી કેદીઓને અમુક માત્રામાં કુપનો મળતી, જેના પર સાબુ, ચા વગેરે ચીજો ચોક્કસ માત્રામાં નિશ્ચિત સમયે મળે. ચુનીકાકા (ચુનીભાઈ વૈદ્ય) ચાના શોખીન જ નહીં, બંધાણી પણ ખરા. સવારે કાકાને આખો ગાડવો ભરીને ચા જોઈએ. સામાન્ય કેદીઓને વહેલી સવારે કૂપન પર ચા મળે ત્યારે કાકા અને સુરતના એક ધનજી પટેલ, એમ બે વીરલા વૉર્ડના ઝાંપે ટમ્બલર લઈને લાચાર અવસ્થામાં ચાદેવીની રાહ જોતા ઊભા હોય. ઇન્દિરા સામે બાથ ભીડવામાં અઢળક શૂરાતનના સ્વામી એવા અમારા કાકાની ચા માટેની લાચારી જોવાય એવી નહોતી. કેન્ટીનના કેદીઓને ચા લઈને આવતાં વિલંબ થાય ત્યારે કાકાના મોં પરનો રઘવાટ અને સુરતી ધનજી પટેલની જીભેથી અસ્ખલિત વહેતું માતૃભગિનીસંબંધવાચક વિશ્વવાત્સલ્ય જોવામાં કયારેક રમૂજ આવતી.

બિનજનસંઘી અને બિનભા.જ.પ. કેદીઓનો વૉર્ડ નં. 9 વૈવિધ્યપૂર્ણ હતો. ચાર મોટી બેરેકોમાં આ કેદીઓ ગોઠવાયેલા. વચોવચ એક ઘેઘૂર વડલાના વૃક્ષ સાથે આ વૉર્ડનો માહોલ જેલને બદલે કોઈક સર્વોદય આશ્રમની યાદ અપાવે. બૅરેક નં.1માં બંધારણવિદ્ ચંદ્રકાંત દરૂ, રેડીકલ હ્યુમનીસ્ટ પ્રસન્નદાસ પટવારી, લેખક-ચિંતક અને 'સાધના'ના તંત્રી વિષ્ણુુ પંડયા અને અન્ય બેત્રણનો મુકામ. દરૂ અને પટવારી સાવ જ નાસ્તિક. છતાં સામૂહિક પ્રાર્થનામાં અમારું માન રાખવા બેસે. વિષ્ણુભાઈનો આર.એસ.એસ. ઉછેર, તો પણ વિષ્ણુભાઈ અને દરૂ વચ્ચે વૈચારિક ચર્ચાઓ લાંબી ચાલે. વૈચારિક રીતે બે છેડા છતાં તેમની મૈત્રી પાક્કી. વિષ્ણુભાઈનું દરૂ સાથેનું નૈકટય પટવારીમાં કયારેક આક્રોશપૂર્વક મુખર પણ થતું.

રાજકીય કેદી અને તેમાં પણ લબ્ધપ્રતિષ્ઠ સામાજિક સ્થાન હોવાને લીધે દરૂસાહેબની સેવામાં 18-20 વરસના ગુનેગાર કેદી મનિયાને મૂકવામાં આવેલો. મોટે ભાગે ખલાસી છોકરો. ચાલુ ગુજરાત મેઈલના ડબ્બામાંથી કોઈ મુસાફરની એક લાખ રૂપિયાની બૅગ લઈ વિશ્વામિત્રી નદીમાં ખાબકેલો, પકડાયેલો અને છેવટે સજા પામી જેલમાં આવેલો. આ મનિયાની દરૂ સાથેની દોસ્તી અવર્ણનીય. મનિયા માટે દરૂ જાતભાતની — અરે, જૂતાં સહિતની — ચીજવસ્તુઓ મંગાવે. મનિયાને જેલબહાર મંજી નામની પ્રેમિકા. મનિયો અભણ હોવાને લીધે બહાર રહેલી મંજી સમક્ષ પત્રથી કે બીજા માધ્યમથી પૂરબહાર પ્રેમ વ્યકત કરવા અસમર્થ. એટલે, જેમને હાઈકોર્ટના ન્યાયાધીશો પણ ખૂબ માન આપતા તે ભારતના વરિષ્ઠતમ બંધારણીય વિદ્વાન એડવોકેટ ચંદ્રકાંત દરૂ મનિયાની વહારે આવ્યા. એક બાળગુનેગાર કેદી એવો મનિયો બંધારણવિદ્ દરૂને પ્રેમપત્રનું 'ડિકટેશન' આપે — લખાવતો જાય અને દરૂ પોતાની પાર્કર પેનથી મનિયા વતી પ્રેમપત્ર લખે, એ આહ્લાદક દૃશ્યના પણ નજરોનજર સાક્ષી થવાનું બન્યું.

પ્રખર બૌદ્ધિક છતાં માનવીય વ્યવહારમાં અત્યંત સરળ એવા દરૂ જેલ આવતા પહેલાં મિત્ર પ્રકાશ ન. શાહને ભોળેભાવે પૂછતા પણ ખરા કે 'જેલમાં એ.સી. હોય?’ ઘરનું એસી બંધ હોય તો કામા હોટલમાં સૂવા જનારા દરૂ માટે આવું પૂછવું સાહજિક હતું. પ્રકાશભાઈ એટલે નિર્દોષ અને નિખાલસ રમૂજોના રાજા. દરૂને તેમણે જવાબ આપેલો કે 'જેલના લીમડાનો અને વડલાનો પવન અચૂક એસીની ખોટ પૂરે તેવો હોય છે.’

બૅરેક નં.રના અમારા સાથીઓમાં પ્રખર સમાજવાદી નેતા બ્રહ્મકુમાર ભટ્ટ, ચુનીકાકા, નવલભાઈ શાહ, જયોતીન્દ્ર ભટ્ટ, ભાઈદાસ પરીખ, મોહનકાકા ઠક્કર, પ્રકાશભાઈ શાહ, નરભેશંકર પાણેરી અને હું. આ બધા મારા અને પ્રકાશભાઈ સિવાય ઉમ્મરમાં ઠીક ઠીક મોટા, પણ મનથી એકદમ તરુણ મિજાજ ધરાવે. આખો દિવસ ચિક્કાર હસીખુશી ચાલે. બાળકો જેવાં તોફાન ઉપરાંત ચીચિયારીઓ અને મોટા રાગે ગાનતાન પણ ચાલે.

નરભેશંકર પાણેરી એટલે ભરપૂર મોજીલા અને દેઠોક પ્રકૃતિના. સમાજવાદી નેતા તરીકે આઠ વાર વિધાનસભાની ચૂંટણી લડેલા, પણ જીત્યા માત્ર એક વાર. અમરેલીમાં પાણેરીની જીતનું સરઘસ નીકળે એ તો સમજી શકાય, પણ અગાઉ સાત વાર હાર્યા ત્યારે સાતે ય વાર પરાજય-સરઘસ કાઢવાની પાણેરીની હિંમતનો ગુજરાત આખામાં જોટો ન મળે. આવા પાણેરી પોતાની જાતને મેઘાણી અને 'કલાપી' પરની ઓથોરીટી સમજે અને સાચા ઉચ્ચારોની લેશમાત્ર શરમ રાખ્યા વિના આ બનેનાં ગીતો ઠોક્યે રાખે. એક નમૂનોઃ 'પ્રણય કહલે ('કલહે' નહીં) વહે આંસુ, હૃદયચરસી ('સરસી' નહીં) ચૂમે સ્વામી’, 'અરે, એ એક પળ માટે નિગમનાં દાન ('જ્ઞાન' નહીં) ઓછાં છે’ … હકીકતોની સહેજ પણ શરમ રાખ્યા વિના બસ દીધે જ રાખવું, એ સદાબહાર પાણેરીદાદાની પ્રકૃતિ, 'જૉન ઑફ આર્ક' સાથે પોતે મોઈદંડા રમેલા, એની વાત પૂરા આત્મવિશ્વાસથી કરે. પ્રકાશભાઈ 'જૉન ઑફ આર્ક'ને બદલે સરસ્વતીચંદ્ર સાથે ગીલ્લીદંડા રમવાનું નીચું ધોરણ સૂચવે તો તે પણ મોટા મને સ્વીકારી લે. પાત્રો ભલે અલગ કાલખંડનાં હોય, પણ મોઈદંડા તેમાં શાશ્વત. એક સમયના તેમના ધારાસભાના જનસંઘી સાથી ચીમનભાઈ શુકલને તેઓ  હિંમતપૂર્વક, આત્મશ્રદ્ધાથી, લગીરે ય ક્ષોભ વિના કહી શકે કે જનસંઘના નેતા અટલબિહારી વાજપાઈએ તેમને તેમના ઘેર ખાસ જમવા બોલાવેલા ત્યારે અટલજીના પત્નીએ તેમને રસપૂરીનાં ભાવતાં ભોજન પીરસેલાં. (અટલજી કુંવારા હોવાની હકીકત સાથે પાણેરીને શી લેવાદેવા?)

અમારી સાથેના ચારપાંચ સમાજવાદીઓ રોજ સવારથી સાંજ સુધી વૉર્ડના પીપળના ઝાડ નીચે અડીંગો જમાવે અને ઉગ્ર રાજકીય વાદવિવાદ કરે. સમાજવાદીઓની રોજેરોજની આ રમૂજી હરકતો મને જરા ન સમજાઈ. એટલે મેં પ્રકાશભાઈને પુછ્યું કે આ શું ચાલે છે? ત્યારે પ્રકાશભાઈએ મને સમજાવેલું કે 'સવારે દશ વાગ્યે સમાજવાદીઓની રાષ્ટ્રીય નાભિ સમિતિ, બાર વાગ્યે રાષ્ટ્રીય કારોબારી અને ત્રણ વાગ્યે રાષ્ટ્રીય મહાઅધિવેશન — એમ ત્રણ ઘટનાઓનું આ ચારના ચાર નેતાઓ હોંશપૂર્વક સંચાલન કરે છે, તેમ માનીને ચાલીએ તો કોઈ પણ પ્રકારની દ્વિધાને અવકાશ ન રહે.’

અમારા બીજા વરિષ્ઠ સાથી તે બ્રહ્મકુમાર ભટ્ટ. બાહ્ય પ્રકૃતિ કડક વકીલની, પણ નજીક જાઓ તો તેમની મુલાયમતા સ્પર્શ્યા વગર ન રહે. શાસ્ત્રીય સંગીતના અસલ મરમી અને સરસ અંદાજમાં હાર્મોનિયમ સાથે ગાય પણ ખરા. રોજ સાંજે તેમના ગાનનો લુત્ફ ઉઠાવવાની અનેરી લિજજત હતી. માજી શિક્ષણપ્રધાન નવલભાઈ શાહ સરળ પ્રકૃતિના, અતિપ્રેમાળ ઈન્સાન. જેલમાં સૌને માલિશ કરી આપવાની તેમને મોજ આવે. વચ્ચે વચ્ચે સ્વરચિત કાવ્યો લલકારે પણ ખરા. તેમના પહેલાં અને પછી કોઈ કવિ હોઈ જ ન શકે તેવા વિનમ્રભાવે, અનેક પુસ્તકો લખવા છતાં સાહિત્યજગત તેમને સાહિત્યકાર તરીકે સ્વીકારતું નથી તેનો ખટકો નવલભાઈને સતત રહ્યા કરે અને તક મળે ત્યારે તે વ્યકત પણ કરે.

આ બધામાં અમારા ચુનીકાકા અતિ સહજ. અમે તેમને 'મહર્ષિ' કહેતા. મેરી લ્યૂટેનસની ટોલ્સટોયની જીવનકથા વાંચીને ટોલ્સટોયમય થઈ ગયેલા. સ્વભાવે લડાકૂ પણ વ્યકિતગત સંબંધોમાં પોચા રૂ જેવા. અમારા વૉર્ડની એક બિલાડી પ્રત્યે તેમને અપત્ય વાત્સલ્ય. એટલે પોતાના ભાગનું દૂધ એ બિલાડીને રોજ કાળજીપૂર્વક પીવડાવે. મજાક ખાતર અમે વકીલ જયોતીન્દ્ર ભટ્ટની મદદથી ચુનીકાકાનું એક વસિયતનામું લખીને તેના પર અન્ય સાહેદોની હાજરીમાં તેમની સહી પણ લીધેલી. આ વસિયતનામામાં એમણે જણાવેલું કે 'હું ચુનીભાઈ રામજીભાઈ વૈદ્ય, ઉ.વ. આશરે ૬૦, ધંધો 'પઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં'નો, રહેવાસી વૉર્ડ નં.૯, બૅરેક નં. ર આજ રોજ જણાવું છું કે જેલમાં મારા નશ્વર દેહનો મને કોઈ ભરોસો ન હોઈ મારું મૃત્યુ થાય તો તે જગ્યાએ ગધેડાની લાદનો ચોકો કરી વૉર્ડના આકડાના ક્યારે એરંડિયાનો દીવો કરજો. મારાં ફાટેલાં ગંજી અને ઘસાઈ ગયેલાં ધોતિયાં મારા વારસદારો પ્રકાશ નવીનચંદ્ર શાહ અને હસમુખચંદ્ર બાબુલાલ પટેલના હવાલે મૂકું છું, જેનો આ બહેને ઈસમો યાવચંદ્રૌદિવાકરૌ ઉપભોગ કરવા મુખત્યાર છે. મારી વહાલી બિલાડીને મારા ભાગનું દૂધ પીવડાવવાની જવાબદારી પણ આ જ ઈસમોની રહેશે. તેમ કરવામાં સદરહુ ઈસમો કસૂરવાર ઠરશે તો મારાં ગંજી અને ધોતિયાની વારસાઈમાંથી તેમને ફારેગ કરવામાં આવશે. આ વસિયતનામું મેં પૂરી અકકલ-હુંશિયારીથી, બિનકેફ અવસ્થામાં, સાચુંખોટું સમજી શકવાની પૂરી સમજણ સાથે, ચાંદાસૂરજની સાખે કરેલ છે, જે  સૂરજચાંદો તપે ત્યાં સુધી મારા વાલીવારસોને બંધનકર્તા રહેશે.’ આવી તો અનેક નિર્દોષ રમૂજી હરકતોને લીધે અમારો જેલવાસ સૂક્કો ટાટ રહેવાને બદલે લિજ્જતદાર, લીલોછમ બની રહ્યો.

ત્રણ નંબરની બૅરેકમાં ચોવીસે કલાક ભાર સાથે જેલનિવાસ ભોગવતી હસ્તીઓ બિરાજતી  હતી. પ્રા. આર.કે. અમીન (જે પાછળથી ભારતના નાણાંમંત્રી થતાં થતાં રહી ગયેલા) હંમેશાં જેલમાંથી બહાર છૂટવાની લાઈનો શોધ્યા કરતા. બીજી રીતે વિદ્વાન અને નખશીખ સજજન એવા નાણામંત્રી થયેલા દિનેશ શાહ સ્તાલિનના જુલ્મી શાસન નીચે જીવતા હોય એમ જેલનિવાસ ભારે હૈયે વેઠતા. પ્રા. બબાભાઈ પટેલ ચોવીસે કલાક જે. કૃષ્ણમૂર્તિમય રહે અને આધ્યાત્મિકતાની અદ્દશ્ય લકીર તેમના લલાટે પ્રયત્નપૂર્વક ચમકતી રાખે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રામલાલ પરીખને ઇન્દિરા ગાંધી સાથે છઠ્ઠા દાયકાની યુથ કોગ્રેસ વખતની દોસ્તી. એટલે, ઇન્દિરાજીએ જ તેમને જેલમાં પુર્યા હોવા છતાં, રામલાલ પરીખને તેઓ જેલમાં પત્રો લખતાં એ વાત સાચી. પણ તેમણે એ પત્રોનો હારડો કરવાનો જ બાકી રાખેલો. અલબત્ત, રામલાલભાઈએ (લાડમાં તેમનું નામ 'પંડિતજી' હતું) આનંદથી અનેક પુસ્તકો સાથે જેલવાસ વીતાવ્યો.

અમારી બૅરેકમાં શોરબકોર ઘણો થતો. તેનાથી કંટાળીને બૅરેક નંબર ત્રણના મુરબ્બીઓએ અમારી બૅરેક પર 'બચ્ચા બૅરેક'નું બોર્ડ લગાવ્યું જેના જવાબમાં અમે તેમની બૅરેક પર એક રાત્રે મોટા અક્ષરમાં પાટિયું મૂકી આવ્યા. તેમાં લખ્યું, 'તૈલપતણી નગરી રસગાનતાનવિહિન છે.’ આ ત્રણ નંબરના મિત્રો પર આખા દેશની લોકશાહીની પુનઃ સ્થાપવાની જવાબદારી આવી પડી હોય એવું કરતા. હિટલર, મુસોલિની કે સ્તાલિનના શાસન જેવા ક્રૂર અત્યાચારો તેમના પર કરવા માટે સરકાર તૂટી પડવાની હોય તેવી માનસિકતા સાથે એ લોકો તેમનો જેલવાસ બેળે બેળે ટૂંકો કરતા. આ માનસિકતાને લાડ લડાવવા આ મિત્રો વૉર્ડના વડલાના વૃક્ષ હેઠળ રશિયન લેખક સોલ્ઝેિનત્સીનના રશિયાની અત્યાચારી જેલો અને છાવણીઓનું વર્ણન ધરાવતા વિખ્યાત પુસ્તક 'ગુલાગ આર્કિપેલાગો'નું સામૂહિક પારાયણ કરતા. તેમાં જોડાવા માટે તે અમને નોતરું આપે ત્યારે 'ગરૂડપુરાણ સાંભળવામાં અમને રસ નથી' એમ કહીને પ્રકાશભાઈ નોંતરું પાછું વાળતા. પણ વસંતરાવ મહેંદળે નામના તીવ્ર બુધ્ધિશકિત ધરાવતા તેજસ્વી સામ્યવાદી આગેવાનના લોકમાન્ય ટિળકના 'ગીતારહસ્ય’, ઈરાવતી કર્વે તથા દુર્ગા ભાગવતનાં પુસ્તકોનાં પઠનની મોજ અચૂક માણતા. ત્રણ નંબરના એક મિત્ર દિનેશ શાહે કવિતા લખી કે 'સિંહ પૂરાયા પીંજરમાં, તૃણ ખાવાની વાત નથી' ત્યારે પ્રકાશભાઈએ એમની અસલ શૈલીમાં વળતું જણાવ્યું કે 'તૃણ ખાવાની વાત નથી એ સાચું. માત્ર 'મેડિકલ'નું (દર્દીઓના બહાને મળતું) દૂધ પીવાની જ વાત છે.’ દિનેશભાઈ અકળાયા પણ ખરા, પરંતુ તેમની અકળામણનો કોઈ અર્થ નહોતો. કારણ કે અગાઉ જણાવ્યું તેમ મેડિકલનો હવાલો મારી પાસે હતો અને અચ્છા અચ્છા ત્યાગતિતિક્ષાવાળા સજ્જનોને પોતાનું નામ દર્દી તરીકે લખાવીને, દૂધ અને માખણની ગોટી માટે તલસતા મેં જોયા છે.

ચાર નંબરની બૅરેકમાં તાજા ભૂતપૂર્વ થયેલા મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ થોડોક વખત રાજકીય કેદી તરીકે રહી ગયા. આઝાદીના જંગમાં અનેક વર્ષ અંગ્રેજોની જેલોમાં ગાળનાર બાબુભાઈને આવો ફાઈવ સ્ટાર જેલવાસ કઠતો. બાબુભાઈ ગઈ કાલ સુધી મુખ્યપ્રધાન હતા અને કદાચ આવતી કાલે ફરી બની શકે છે તેવી સમજથી, નખશીખ સદ્ગૃહસ્થ એવા જેલર મલેક અને એમનું તંત્ર બાબુભાઈની સેવાચાકરીમાં લગીરે ય કચાશ ન રહે તેની ખાતરી રાખતા, એ પણ બાબુભાઈને ખૂબ જ ખૂંચતું. તેમણે તો જેલર પાસેથી રીતસરનાં કેદી જેવાં ખાદીનાં ચડ્ડી-બાંડિયું મેળવીને જેલમાં રહ્યા ત્યાં સુધી તે પહેરવાનું ચાલુ રાખ્યું.

'બહારના આપણા સાથીઓએ જેલ પર હલ્લો બોલાવી આપણને છોડાવ્યા' તેવા એક સ્વપ્ન વિશે સદાશિવરાવ કુલકર્ણી નામના સમાજવાદી આગેવાને એક સવારે સામૂહિક  સ્નાન વખતે બૅરેકના હોજ પાસે અમને રમૂજી વાત કરી. જેલનો પહેરેગીર તે સાંભળી ગયો. સમજ્યા વગર તેણે જેલરને જાણ કરી. જેલરે આને ગંભીર ગણી તાબડતોડ પોલીસ અને અર્ધલશ્કરી દળો જેલમાં ગોઠવી દઈને અમને બૅરેકમાં પૂરી દીધા. આવું કેમ થયું એ અમને પણ શરૂ શરૂમાં સમજાયું નહીં. પરંતુ કુલકર્ણીને જેલના ઝાંપે બોલાવીને પૂછપરછ કરી ત્યારે 'વા વાયો ને નળિયું ખસ્યું' તેવો ઘાટ થયો હોવાનું સમજાયું.

'મિસા’ સિવાય અમારી પર અનધિકૃત રીતે 'જનતા છાપું' છાપવા સબબ, 'કાયદાથી સ્થપાયેલી સરકાર સામે ટોળકી રચી તેને ઉથલાવવાના' ડીફેન્સ ઓફ ઇન્ડિયા કાનૂન હેઠળ કેસ કરવામાં આવેલા. આ નિમિત્તે અમદાવાદ ઘીકાંટા કોર્ટમાં મુદતની તારીખે જવાનું થતું. આ કેસ અમારા માટે આપત્તિમાં આશીર્વાદ જેવા હતા. કારણ કે એ બહાને અમને બહારની દુનિયામાં જવાનો લ્હાવો મળતો. ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને (મોટે ભાગે 'તાત્યા' નામ હતું) અમારી નાની ઉંમરને કારણે અને અમારી લડતને કારણે અમારા પ્રત્યે ભારે સહાનૂભૂતિ હતી. તેમની ચેમ્બરમાં સંબધીમિત્રોને મળવાની મોકળાશ તો તેઓ સ્નેહપૂર્વક કરી આપતા, પણ લટકામાં દર વખતે ચાનાસ્તો પણ અચૂક કરાવતા. વારંવાર જેલની બહાર આવી શકીએ એ હેતુથી તે ઉપરાઉપરી મુદ્દતો આપી કેસ ચલાવવાનું ટાળતા. કટોકટી ઉઠ્યા પછી આ બધા કેસો સરકારે પાછા ખેંચી લીધા. પછી પણ તાત્યાસાહેબે અમને ખાસ તેડાવીને તેમની ચેમ્બરમાં વહાલપૂર્વક અમારાં ઓવારણા લીધેલાં એ પ્રસંગ આજે ય કાળજે કોતરાયેલો છે.

આ કેસોની સુનાવણી દરમ્યાન વચ્ચે વચ્ચે અમારે સાબરમતી જેલમાં ટ્રાન્ઝિટ કેદી તરીકે રોકાવાનું બનતું. સાબરમતી જેલમાં પણ રાજકીય વી.આઈ.પી. કેદીઓ ખરા. ગઈ કાલ સુધી ગુજરાત સરકારના મહત્ત્વના પ્રધાનો રહી ચૂકેલા બે રાજકીય કેદીઓ છાનામાના શીરામાંથી કાજુદ્રાક્ષ વીણીને ખાઈ જવાના મુદ્દે બથ્થંબથ્થા આવી ગયેલા તે રમૂજી દૃશ્ય અમારા સાબરમતી જેલના રોકાણ દરમ્યાન સગી આંખે જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. અગાઉ જણાવ્યું તેમ, જેલ એક એવી જગ્યા છે જયાં માણસ હોય તેવો જ દેખાય. દંભનાં પડળ જેલની દિવાલો વીંધો પછી તરત જ ઓગળી જાય.

છેલ્લી વાત, અમારા લગ્નની. મંદા અને હું 1973થી સહકાર્યકર તરીકે જોડાયેલાં. લડતમાં સાથે કામ કરતાં સ્નેહ બંધાયો. લગ્ન કરવાનું નકકી કર્યું, તેની આગલી રાત્રે જ 'મિસા’ હેઠળ અમને જેલભેગાં કર્યાં. મારા ભાગે પાલનપુર જેલ અને મંદાના ભાગે સાબરમતી જેલ આવી. આખા ગુજરાતમાં મંદા એક માત્ર રાજકીય મહિલા કેદી હોવાથી, કાનૂન મુજબ અન્ય ગુનેગાર મહિલા કેદીઓ સાથે તેમની બેરેકમાં રાખી ના શકાય. એટલે તેને અલગ કોટડીમાં એકલાં રહેવું પડે. વચ્ચે સાબરમતી જેલમાં સરદારનાં પુત્રી મણિબહેન પટેલ સત્યાગ્રહી તરીકે એકબે રાત મંદાની કોટડીમાં રહી ગયાં તે અપવાદ સિવાય પૂરા દસ મહિના તેણે એકાંત કોટડીમાં વીતાવ્યાં. જેમ પાલનપુરમાં મારો નાતો ઘેલુભાઈ માડમ સાથે બંધાયો હતો, તેમ સાબરમતી જેલમાં મંદાનો નાતો ભાવનગરનાં કાશીબહેન નામનાં બૂટલેગર મહિલા સાથે થયો. ભાવનગરમાં પોલીસબેડામાં કાશીબહેન અવ્વલ નંબરનાં ગુનેગાર ગણાય, પણ મંદાને તો વરસો સુધી દીકરી જેવું વહાલ કર્યું. પોતાની મર્સિડીઝ ગાડીમાંથી ઉતરીને, પોતાના માથે સ્ટીલનો મોટો ડબ્બો મૂકીને પાપડ-વડી જેવી ચીજો આપવા તેઓ અવારનવાર અમારા ઘેર આવતાં. ગુનેગારોનાં હૃદયના એક ખૂણે સારમાણસાઈનું ઝરણું વહેતું હોય છે, તેની પ્રતીતિ ઘેલુભાઈ અને કાશીબહેનના પરિચયે વધારે ઘૂંટાઈ.

થોડાક સમય પછી મંદાની વડોદરા જેલમાં બદલી થઈ. વિધિવત્ અમે પતિ-પત્ની ન હોવાથી એક જ જેલમાં હોવા છતાં મળી શકતાં નહોતાં. એ વખતે જસ્ટીસ નરેન્દ્ર નથવાણી અમારી વહારે આવ્યા. સરકારને તેમણે જણાવ્યું કે આ લોકોને કાં તો મળવાની છૂટ આપો અથવા તો પરણવા માટે પેરોલ આપો. નહીં તો તે આ બાબતે કોર્ટનો આશરો લેશે. જસ્ટીસ નથવાણીની ધમકીને લીધે રાજ્યપાલ કે.કે. વિશ્વનાથને દરરોજ પોલીસ સ્ટેશનમાં બે વાર હાજરી પૂરાવવાની શરતે અમને એક લગ્ન માટે એક અઠવાડિયાની પેરોલ આપી. વળતે દહાડે જયોતિ સંઘમાંથી ખાદીના તૈયાર ઝભ્ભા લેંઘાની અને સાડીની એક જોડ ખરીદીને આર્યસમાજમાં કુલ 51 રૂપિયાના ખરચે, બાબુભાઈ જશભાઈ પટેલ, ડો. દ્વારકાદાસ જોશી અને થોડાક સર્વોદય કાર્યકરોની હાજરીમાં અમારાં લગ્ન થયાં. અમારા આ પેરોલ દરમિયાન, ભૂગર્ભમાં રહેલા આર.એસ.એસ.ના તે વખતના પ્રચારક નરેન્દ્ર મોદી, વેદાચાર્ય વિષ્ણુદેવ પંડિતના ડાહ્યાભાઈ પાર્ક, મણિનગર ખાતેના નિવાસસ્થાને છાપરાં કૂદીને અમને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા આવેલા, તે સ્મરણ પણ હજી અકબંધ છે. પેરોલ વખતે જેલમાંથી સરઘસાકારે જેલના ઝાંપા સુધી જાન નીકળી જેમાં રાજકીય અને અન્ય કેદીઓ હોંશભેર જોડાયા હતા.

પરણીને અધિકૃત પતિપત્ની તરીકે પુનઃ જેલમાં સીધાવ્યાં અને જેલના નિયમ મુજબ અઠવાડિયે એક વાર આઠ બાય આઠની ઓરડીમાં બે જેલ અધિકારી, ચાર મહિલા અને પુરુષ વૉર્ડન એમ છ જણની ઉપસ્થિતિમાં પૂરી વીસ મિનીટ માટે સામસામે સ્ટુલ પર બેસીને અમારા હનીમૂનનો ભવ્ય પ્રારંભ થયો.

હિન્દુસ્તાનની જેલોના ઇતિહાસમાં કદાચ બે જ લગ્ન થયાં છેઃ એક તે 1933માં આઝાદીની લડત વખતે કવિ યશપાલનું અને 1976માં બીજી આઝાદીની લડત વખતે અમારું.

આ બધી ઘટનાઓને ચાર દાયકા થયા છતાં હજી ય તે માનસપટ પર રોમાંચક રીતે તરોતાજી છે.

e.mail : shramikseva@yahoo.com

લેખક ચારેક દાયકાથી જાહેર જીવનમાં રચના અને સંઘર્ષની નોંધપાત્ર કામગીરીમાં સક્રિય છે.

સૌજન્ય : “સાર્થક જલસો”, અંક 09; અૉક્ટોબર 2017; પૃ. 06-16

Loading

પુસ્તક : પ્રકાશનથી પુરસ્કાર સુધીની સફર

અશોક ચાવડા|Opinion - Literature|25 December 2017

પ્રસ્તાવનાઃ

સાહિત્યક્ષેત્રે પા … પા … પગલી ભર્યાં બાદ ચાલવા માટે યોગ્ય રાહ ન મળે તો ઉપડેલા કદમ ડગમગાવા લાગે છે. વાસ્તવમાં નવ્ય સર્જકો માટે સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રકારની યોજનાઓ હોય જ છે, જેનો લાભ નિર્ધારિત માપદંડ પૂર્ણ કરતાં નવ્ય સર્જકને મળી શકે છે. ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે તો ક્યારેક સંકલનના અભાવે આ યોજનાઓનો લાભ તેઓ લઈ શકતા નથી. આમ થવાથી મોટે ભાગે સર્જક પુસ્તક પ્રકાશિત કરવાનું જ માંડી વાળે છે. શક્ય હોય તો પ્રથમ પ્રકાશન માટે વિવિધ સાહિત્યિક સંસ્થાઓની યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી પ્રકાશનના આર્થિક ભારણમાંથી તો બચી જ શકાય અને સાથે સાથે સાહિત્યિક સંસ્થાના પ્રકાશન સહયોગથી સર્જન-યાત્રાને પરોક્ષ સહયોગ મળી રહે. આમ, પ્રથમ સાહિત્યિક પુસ્તક પ્રકાશિત કરવાનું વલણ દાખવવું જોઈએ. કારણ કે યોજના નિમિત્તે નવ્ય સર્જકની હસ્તપ્રત સંબંધિત સાહિત્ય ક્ષેત્રનાં સાહિત્યકારો પાસે પરામર્શન માટે મોકલવામાં આવતી હોય છે. આથી સમગ્ર હસ્તપ્રતને એક અન્ય પારખું નજરનો પ્રત્યક્ષ લાભ મળે છે. હસ્તપ્રત મંજૂર થયે નવોદિતમાં એક ઉત્સાહ તેમ જ પરોક્ષ સ્વીકૃતિનો ભાવ પણ જન્મે છે, જે આગળ જતાં તેની કલમને ઉપકારક નીવડે છે. આવી કેટલીક યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીએ અને ઊગતી કૂંપળોને ખીલવવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ. સાથેસાથે પ્રથમ પુસ્તકને મળતાં પુરસ્કાર તેમ જ ત્યાર બાદના પુરસ્કારો વિશેની પણ થોડી માહિતી મેળવીએ, જેથી આ 'નવ્ય' સફર 'ભવ્ય' બની રહે.

પ્રથમ પ્રકાશન અને તેની યોજનાઓઃ

કોઈ પણ સર્જક માટે પ્રથમ પ્રકાશનનું મૂલ્ય પ્રથમ સંતાનનાં જન્મથી લગીરે ય ઉતરતું નથી હોતું તે સમજી શકાય છે. પ્રથમ પુસ્તક વખતે પ્રથમ વખત માતા કે પિતા બનતી વખતે જે કાળજી લેતાં હોઈએ તેટલી જ કાળજી લેવી રહી, કારણ કે આગળ જતાં સાહિત્ય ક્ષેત્રે પ્રકાશિત પુસ્તક સાથે સર્જકનું નામ જોડાયેલું જ રહે છે. પ્રથમ પ્રકાશન વખતે સાહિત્યક્ષેત્રે નવ્ય સર્જકનું નામ ખાસ જાણીતું ન હોય તો પ્રકાશક સર્જકને ગંભીરતાથી નથી લેતા અને પુસ્તક-પ્રકાશનમાં રસ નથી ધરાવતા. આવા સંજોગોમાં શું કરવું તે વિશે થોડી માહિતી મેળવીએ. પુસ્તક-પ્રકાશન ચાર રીતે શક્ય બને છે. ૧. પ્રકાશક દ્વારા ૨. સાહિત્યિક સંસ્થા દ્વારા ૩. ખાનગી સંસ્થા દ્વારા ૪. સ્વયં પ્રકાશક બની સ્વયં દ્વારા.

પ્રકાશક દ્વારા પુસ્તક પ્રકાશન વખતે ખાસ કરીને સર્જકનું સાહિત્યક્ષેત્રે બહોળું પ્રદાન જોવામાં આવતું હોય છે અને તદાનુસાર રોયલ્ટી મળે છે. આજકાલ તો આ પ્રદાનની સાથે ભવિષ્યમાં તે કેટલું પરોક્ષ પ્રદાન આપશે તે પણ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં પ્રકાશક જે-તે સર્જક પાછળ રોકાણ કરે છે.

સાહિત્યિક સંસ્થાઓ મુખ્યત્વે મૂર્ધન્ય સર્જકોનાં પુસ્તકો પ્રકાશિત કરવામાં જ ગૌરવાન્વિત થતી હોય છે, પરિણામે દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ 'ભવ્ય' સર્જકોનાં જ પ્રકાશન કરે છે. અલબત્ત, આ ત્રણે ય સંસ્થાઓએ 'નવ્ય' સર્જકો માટે કેટલીક યોજનાઓ ઘડી છે, જેનો લાભ નવ્ય સર્જકોએ લેવો રહ્યો. આમ કરવાથી તેમને જે-તે સંસ્થાની સ્વીકૃતિનો સિક્કો મળે છે. હા, અહીં એ યાદ રાખવું કે દરેક સિક્કાની એક આયુ હોય છે અને જો સર્જનમાં દમ નહીં હોય તો આવા સિક્કા માત્ર જે તે સમયે કાગળ પર મારેલા જ રહી જાય છે.

આવો, આ સંસ્થાઓની નવ્ય સર્જકો માટેની કેટલીક યોજના પર પ્રકાશ પાડીએ.

દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં પણ નવોદિત સાહિત્યકારનાં પુસ્તક-પ્રકાશનની યોજના છે. ઇચ્છુક નવોદિત સાહિત્યકારની દરખાસ્ત મળ્યે તેનાં સર્જનને ધ્યાનમાં લઈને સંલગ્ન ભાષાની સલાહકાર સમિતિ અકાદમીને પ્રકાશન-ભલામણ સૂચવે છે. ભલામણ મંજૂર થયે અકાદમી નિયમાનુસાર કરાર કરીને પુસ્તક પ્રકાશિત કરે છે. આમ, સાહિત્ય અકાદમી ચયન અને પ્રકાશકની ભૂમિકા ભજવે છે.

ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીમાં સર્જકના પ્રથમ પ્રકાશન માટેની યોજના લગભગ ૧૯૮૨થી અમલમાં છે. હાલમાં, ૧૦૦થી ઓછાં પાનાંનાં પુસ્તક માટે મહત્તમ સહાય રૂપિયા ૧૦, ૦૦૦ અને તેનાથી વધારે પાનાંનાં પુસ્તક માટે મહત્તમ સહાય રૂપિયા ૧૫,૦૦૦ સુધીની છે. આ સહાય મેળવવા માટે સર્જકે નિયત ફોર્મ સાથે બે નકલમાં પુસ્તકની હસ્તપ્રત સાથે જે-તે વર્ષની ૩૦ જૂન સુધીમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રને અરજી કરવાની રહે છે. હસ્તપ્રત મંજૂર થયે એક વર્ષમાંં પુસ્તક પ્રકાશિત કરવાનું રહે છે. પ્રકાશન બાદ અકાદમીને મંજૂરીના પત્રની નકલ સાથે પુસ્તકની ૧૫ નકલ મોકલી આપ્યા બાદ અકાદમીએ મંજૂૂર કરેલ ભાવ મુજબ સર્જકને સહાયની રકમ ચૂકવવામાં આવે છે. આમ, અકાદમી માત્ર આર્થિક સહયોગ પૂરો પાડે છે અને પ્રકાશક તરીકે સ્વયં સર્જક રહે છે. પ્રકાશિત પુસ્તકમાં 'ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત' એવી નોંધ મૂકવાની રહે છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદમાં પણ સર્જકના પ્રથમ પ્રકાશન માટેની યોજના ચાલે છે. પરિષદ નવોદિત સાહિત્યકારનું પ્રથમ પુસ્તક ક.લા. સ્વાધ્યાય મંદિર હસ્તક 'શ્રી બી.કે. મજુમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી' અંતર્ગત નવોદિત લેખક-લેખિકાનું પુસ્તક ૧૫૦ પૃષ્ઠ-મર્યાદામાં પ્રકાશિત કરે છે. પરિષદમાં મહિલા સર્જકો માટે અલગથી પ્રથમ પ્રકાશનની યોજના છે, જે અંતર્ગત લેખિકાનું પ્રથમ સર્જનાત્મક પુસ્તક 'શ્રીમતી જયોત્સ્નાબહેન હસિતકાન્ત બૂચ નિધિ' અંતર્ગત કરે છે. સામાન્ય રીતે આ યોજના અંતર્ગત હસ્તપ્રત જે-તે વર્ષની ૩૦ મે હોય છે. આ યોજનાનો લાભ લેવા સર્જકે પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદને અરજી કરવાની રહે છે.

ખાનગી સંસ્થા દ્વારા સાહિત્ય-પ્રકાશનમાં 'કુમાર' અને 'કવિલોક' વિશેષ જાણીતા છે. કુમાર ટ્રસ્ટ 'કુમાર' માસિકમાં પ્રકાશિત ગુણવત્તાયુક્ત સાહિત્ય પ્રકાશિત કરવાનો આગ્રહ રાખે છે. કવિલોક ટ્રસ્ટ 'નવ્ય કવિ શ્રેણી' અંતર્ગત માત્ર કવિતાના પુસ્તક પ્રકાશિત કરે છે. મોટે ભાગે આ શ્રેણી માટેના સર્જકની પસંદગીમાં નિયમિત મળતી 'બુધસભા' પણ ભાગ ભજવે છે.

આ સિવાય પણ તાલુકા-જિલ્લા સ્તરે અનેક ટ્રસ્ટો અને બિન-સરકારી સંસ્થાઓ તેમના ઉદ્દેશને આધીન પ્રકાશકની ભૂમિકા ભજવતા રહે છે.

ઉપરોક્ત યોજનાઓમાં કોઈ પણ કારગત ન નીવડે તો એક માર્ગ બચે છે અને તે છે સ્વયં પ્રકાશનનો. ઘણાં સર્જકો આ માર્ગ અપનાવે છે. જાતે પ્રકાશિત કરવાથી પ્રકાશનનો આર્થિક બોજ સર્જકના શિરે રહે છે, તેમ જ તેનાં વિક્રેતા તરીકેની ભૂમિકા પણ જાતે જ ભજવવી પડે છે. ઘણાં સર્જકો મુખ્ય વિક્રેતા તરીકે જાણીતાં પ્રકાશનગૃહને સાંકળીને પણ સ્વયં પ્રકાશક બનીને પ્રકાશનનો રાહ અપનાવે છે.

* સ્વયં પુસ્તક પ્રકાશન :

જો કોઈ પ્રકાશક કે સંસ્થા થકી પુસ્તક પ્રકાશિત કરવાનું થાય તો એક સર્જક તરીકે ઘણી બધી જવાબદારીઓમાંથી મુક્ત થવાતું હોય છે. જો આવું ન બને તો સર્જકે વિવિધ યોજનાઓના અનુદાનથી અથવા તો સ્વયંના રોકાણથી પુસ્તક પ્રકાશિત કરવાનું વલણ દાખવવું પડે છે. આમ કરતી વખતે સર્જકે પ્રકાશક, વિક્રેતા ઇત્યાદિની વધારાની જવાબદારીઓ પણ નિભાવવી પડે છે. આવો, આ જવાબદારી કઈ રીતે પાર પાડવી તેના વિશે થોડું જાણીએ.

સહુ પ્રથમ તો જેનું પ્રકાશન કરવાનું છે તેની હસ્તપ્રત બનાવીને ડી.ટી.પી. ઓપરેટર પાસે ટાઇપ-કૉમ્પોઝ કરાવી લો. કૉમ્પોઝ કરાવતી વખતે પુસ્તકની ક્રાઉન કે ડિમાઈ એમ સાઇઝ પણ નક્કી કરી લો. કૉમ્પોઝ કૉપિનો (હાલ) ભાવ પ્રતિ પૃષ્ઠ ૨૫થી ૪૫ રૂપિયાની આસપાસ રહે છે. આ કૉમ્પોઝ-કૉપિ પ્રૂફરીડર પાસે ચકાસણી કરાવીને સુધારી લો. પ્રૂફરીડિંગનો ભાવ પ્રતિ પૃષ્ઠ ૧૦થી ૨૦ રૂપિયાની આસપાસ રહે છે. પ્રૂફ બાદની અંતિમ કોપિ તૈયાર કરાવી લો. આમ કરવાથી આપને પુસ્તકનાં અંદાજિત પૃષ્ઠોનો ખયાલ આવશે અને પૃષ્ઠસંખ્યાને લીધે પ્રકાશનના ખર્ચની પણ ગણતરી કરવાનું સરળ રહેશે.

૧ (એક) ફર્મો ૧૬ પાનાંનો હોવાથી તેનાં ગુણાંકમાં જ પૃષ્ઠસંખ્યા રાખવાથી કાગળનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. ૧ ફર્માની ૧૦૦૦ નકલ માટે ૧ રીમ કાગળ જોઈએ તે ધ્યાને લઈ ફર્મા અને નકલ અનુસાર કાગળની ખરીદી કરવાની રહે છે.

પુસ્તકનો પ્રિન્ટિંગ-ચાર્જ પણ ૧૦૦૦ નકલ મુજબ જ ગણવામાં આવે છે. ૧ ફર્માના પ્રિન્ટિંગ માટેનો ભાવ ૩૦૦થી ૫૦૦ રૂપિયાની આસપાસ રહે છે. આમ, પુસ્તકની નકલ ઘટાડવાથી કાગળનો ખર્ચ બચે છે, પણ પ્રિન્ટિંગખર્ચમાં કોઈ રાહત મળતી નથી.

આ બધી પ્રક્રિયા બાદ પુસ્તકબાંધણીનો ક્રમ આવે છે. ૫ ફર્મા સુધીનું પુસ્તકને સેન્ટર પિનથી અને તેનાથી વધારે ફર્માના પુસ્તકને સિલાઈ કરાવીને બાંધવામાં આવે છે. ૧૦૦૦ નકલનો પિનખર્ચ ૨૦૦થી ૩૦૦ રૂપિયા અને સિલાઈનો ખર્ચ પ્રતિ કૉપિ ૧૦થી ૨૦ રૂપિયાની આસપાસ રહે છે.

હવે વાત મુખપૃષ્ઠની. મુખપૃષ્ઠ ડિઝાઇનિંગનો ભાવ ટાઇટલ દીઠ ૫૦૦થી ૧૫૦૦ રૂપિયાની આસપાસ રહે છે. તેનું પ્રિન્ટિંગ અલગથી બ્લેક ઍન્ડ વ્હાઇટ, ટુ કલર કે ફોર કલર એમ ઇચ્છાનુસાર કરવાનું રહે છે અને ખર્ચ પણ તદાનુસાર થાય છે. કાચું પૂંઠું કે પાકું પૂંઠું એ મુજબ મુખપૃષ્ઠના ખર્ચમાં વધારો-ઘટાડો થતો રહે છે.

મુખપૃષ્ઠની કાચી ડિઝાઇન વખતે જ સર્જકે ૧૩ અંકનો 'ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર'(ISBN) મેળવી લેવો જોઈએ. આ નંબર ફરજિયાત નથી, પરંતુ સરકારી યોજના અંતર્ગત જો પુસ્તકનું વેચાણ કરવું હોય તો આ નંબર ફરજિયાત છે. http://isbn.gov.in/ વેબસાઇટ પરથી તે ઓનલાઇન મેળવી શકાય છે. એક વ્યક્તિ એક સાથે ૧૦ નંબર મેળવી શકે છે.

આ બધા પછી અંતિમ તબક્કો છે કિંમતનો. સામાન્ય રીતે પુસ્તક પ્રકાશન સંદર્ભે જે ખર્ચ થયો હોય તેની ત્રણ ગણી રકમ વેચાણની રાખવામાં આવે છે, જેથી પ્રકાશક તરીકે અપાતા ૩૩.૫ ટકા અને વેચાણના ૧૦ ટકા એમ તમામ ડિસ્કાઉન્ટ્સ બાદ કર્યા બાદ પણ પુસ્તક બાબતે કરેલ ખર્ચ મજરે મળી શકે. સ્વયં વેચવું અથવા કોઈ પ્રકાશકને વિક્રેતા તરીકે ગોઠવીને પણ પુસ્તક બજારમાં મૂકી શકાય છે. આવો નિર્ણય વિવેકબુદ્ધિથી લેવો હિતાવહ છે.

* પ્રથમ પુસ્તક સંબંધિત પુરસ્કાર :

અંગત રીતે પુરસ્કારને સાહિત્ય સાથે સાંકળવાનું નથી ગમતું, કારણ કે કોઈ પુરસ્કાર સાહિત્ય સંદર્ભે સર્જકે કરેલી મથામણને સંપૂર્ણ રીતે પુરસ્કૃત નથી જ કરતો. વળી, પુરસ્કાર મળવાથી કોઈ પણ સર્જકને અમરપટો નથી મળી જતો. હા, એ ખરું કે એ સમયગાળા પૂરતો પુસ્તક અને સર્જક ચર્ચામાં રહે છે. આવામાં પ્રથમ પુરસ્કારનો કેફ આજીવન સર્જકના માનસપટલમાં છવાયેલો રહે તે સ્વાભાવિક છે. તો આવો, આપણે વાત કરીએ પ્રથમ પુસ્તકને મળતાં પુરસ્કારની.

પ્રથમ પુસ્તકને મળતો પુરસ્કાર સર્જકને પ્રેરિત કરીને પ્રત્યક્ષ રીતે સાહિત્યિક સાધના બાબતે જવાબદાર બનાવે છે. સાહિત્યિક વિશ્વમાં પ્રથમ કે અંતિમ પુસ્તક એવું આમ જોવામાં નથી આવતું, પરંતુ મોટાભાગે પુરસ્કારો મૂર્ધન્ય સાહિત્યકારોનાં ખોળામાં બેસીને જ ધન્ય થતા હોય છે. આવામાં, હજી જેણે સાહિત્ય ક્ષેત્રે ભાંખોડિયા ભરવાનું શરૂ કર્યું છે તેવાં સર્જકને અન્યાય ન થાય તે માટે પ્રથમ પુસ્તકને જ આપવામાં આવે તેવા પુરસ્કારોની વિગતો વિશે માહિતી મેળવીએ. આશ્ચર્ય એ વાતનું છે કે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પુસ્તકને સહાય આપે છે, પણ પુરસ્કારની બાબતે એ પુસ્તકને જે-તે વર્ષનાં પ્રકાશિત પુસ્તકો સાથે જ હરીફાઈ કરવી પડે છે. માત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ જ આ બાબતે સભાન છે. આ પારિતોષિકો માટે પુસ્તક મોકલવાની અંતિમ તારીખ સંબંધિત વર્ષ માટે ત્યાર બાદની ૩૦ મે હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રથમ પુસ્તક માટેનાં પારિતોષિકો નીચે મુજબ છે.

૧. શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક :

આ પારિતોષિક લેખકના પ્રથમ સર્જનાત્મક પુસ્તક(કવિતા, નાટક, નવલકથા સ્વરૂપના)ને આપવામાં આવે છે.

૨. શ્રી દિનકર શાહ 'કવિ જય' પારિતોષિક :

આ પારિતોષિક કવિના પ્રથમ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.

૩. શ્રી ધનરાજ કોઠારી પારિતોષિક :

આ પારિતોષિક લેખકના પ્રથમ સર્જનાત્મક પુસ્તકને આપવામાં આવે છે.

* નિયમિત સાહિત્યિક પુરસ્કાર :

પ્રથમ પુસ્તકને પુરસ્કાર મળે તો ઠીક, બાકી અહીંથી પુરસ્કારોની યાદી અટકી જતી નથી. ક્યારેક પ્રથમ પુસ્તક પુરસ્કૃત ન થયું હોય એવાં સાહિત્યકારો પણ આગળ જતાં સાહિત્યવિશ્વમાં વિવિધ માન-અકરામ કે પુરસ્કારોથી પોંખાયા છે જ, માટે 'શો મસ્ટ ગો ઑન' એમ સાહિત્યિક યાત્રા આગળ ધપાવવી જોઈએ. અહીં પ્રથમ સિવાયનાં પુસ્તકો પૈકી વિવિધ સંસ્થાઓ તરફથી મળતાં પુરસ્કારો તેમ જ વિશિષ્ટ પુરસ્કારો વિશે માહિતી મેળવીશું.

* ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર :

૧૯૬૫થી ભારતીય ભાષાઓમાં સત્ત્વશીલ સર્જનને ધ્યાને લઈને કોઈ એક ભાષાના સર્જકને આપવામાં આવતો 'જ્ઞાનપીઠ પુરસ્કાર' એ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧૧,૦૦,૦૦૦ રૂપિયાનો ચેક અને સરસ્વતીદેવીની કાંસ્ય પ્રતિમા તેમ જ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે.

* કેન્દ્રીય સાહિત્ય અકાદમીનાં પારિતોષિક :

મિનિસ્ટ્રી ઑફ કલ્ચર અંતર્ગત દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમી ૨૪ ભારતીય ભાષાઓમાં વિવિધ પુરસ્કારો આપે છે, જે નીચે મુજબ છે. આ માટે પહેલાં ગ્રાઉન્ડ લિસ્ટ બને છે, ત્યાર બાદ નિર્ધારિત ત્રિ-સ્તરીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પુરસ્કાર માટેની ઘોષણા થાય છે. આ ત્રિ-સ્તરીય પ્રક્રિયામાં પ્રિલિમનરી લિસ્ટ બન્યા બાદ સલાહકાર સમિતિ જે એ જ નામ કાયમ રાખીને અથવા તો ઉમેરીને નવું લિસ્ટ બનાવે છે, જેમાંથી અંતિમ લિસ્ટ જ્યુરી પાસે મોકલવામાં આવે છે અને ભારતીય સર્જકની પસંદગી કરવામાં આવે છે. સાહિત્ય અકાદમીનાં પુરસ્કારો માટે સંપાદન તેમ જ પદવી માટે લખાયેલ શોધનિબંધ માન્ય ગણવામાં નથી આવતા.

૧. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર :

યુવા સાહિત્યકારની ૩૫ વર્ષની વયમર્યાદાને ધ્યાને લઈ તેનાં પ્રથમ અથવા તો તેની કૃતિમાંની કોઈ એક કૃતિને ૨૦૧૧થી યુવા પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે યુવા સાહિત્યકારની વય જે તે ઍવોર્ડ વર્ષની ૧ જાન્યુઆરીએ નિયત કરવામાં આવે છે. પ્રતિ વર્ષ ૧૬ ઑગસ્ટ સુધીમાં જન્મતારીખના પ્રમાણિત આધાર સાથે યુવા સાહિત્યકારે પુસ્તક મોકલવાનું રહે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. યુવા પુરસ્કાર મરણોત્તર નથી આપવામાં આવતો.

૨. સાહિત્ય અકાદમી બાલસાહિત્ય પુરસ્કાર :

બાળસાહિત્યકારને બાળ સાહિત્યના કોઈ પુસ્તક અથવા તો તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ ૨૦૧૦થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે જે વર્ષનો એવોર્ડ હોય તે વર્ષ પહેલાના પાંચ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૦થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. બાલસાહિત્ય પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે.

૩. સાહિત્ય અકાદમી પુરસ્કાર :

મૂર્ધન્ય સાહિત્યકારને તેના શ્રેષ્ઠ સર્જનાત્મક પુસ્તકને અથવા તો સમગ્ર સર્જનને ધ્યાને લઈ ૧૯૫૫થી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે. એ નોંધનીય છે કે જે કૃતિ અકાદમીના અન્ય પુરસ્કારથી પુરસ્કૃત થઈ હોય તે આ પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી. જે વર્ષનો ઍવોર્ડ હોય તે વર્ષ પહેલાના ત્રણ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૩થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે, પરંતુ તેના માટે જે વર્ષનો પુરસ્કાર હોય તે પછીના ગત પાંચ વર્ષમાં મૃત્યુ પામેલા સાહિત્યકારને જ તે મળી શકે છે. સાહિત્ય અકાદમી ભાષા સમ્માન તેમ જ અકાદમીના ફેલો હોય તેવાં સર્જકોને આ પુરસ્કાર આપવામાં નથી આવતો.

૪. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર :

ભારતીય ભાષાઓમાંથી સંલગ્ન ભાષામાં અનુવાદકનેે તેના શ્રેષ્ઠ અનુવાદ માટે ૧૯૮૯થી આ પુરસ્કાર આપવામાં આવે છે. અનુવાદક તેમ જ મૂળ લેખકની રાષ્ટ્રીયતા ભારતીય હોય તે શરતની પૂર્તિ આ પુરસ્કાર માટે અનિવાર્ય છે. જે વર્ષનો એવોર્ડ હોય તે વર્ષ પહેલાના પાંચ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૧થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે. વધુમાં, જો કોઈ કૃતિના બે અનુવાદક હોય તો પણ જે-તે પુસ્તક માટે બંને અનુવાદકની પસંદગી કરી શકાય છે. આમ થયું હોય ત્યારે પુરસ્કારની રકમ બંને અનુવાદક વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે છે.

૫. સાહિત્ય અકાદમી ભાષા સમ્માન :

પૂર્વ અને પશ્ચિમ એમ બે ક્ષેત્રોમાંથી ક્લાસિક તેમ જ મધ્યકાલીન સાહિત્યના બે અભ્યાસુ કે વિદ્વાન સર્જકોને ૧૯૯૯થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે સર્જકનું જે-તે ભાષામાં પ્રશિષ્ટ અને મધ્યકાળની કૃતિઓનું વિવેચન, આસ્વાદ કે સંશોધન વિષયક પ્રદાનને ધ્યાને લેવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.

* ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક :

ગુજરાત સરકાર દ્વારા ૧૯૮૨માં સ્થપાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ગાંધીનગરમાં છે. આ સંસ્થા મુખ્યત્વે ૧. ગુજરાતી ભાષાનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકોના સર્જકોને રોકડ રકમના ઍવોર્ડની યોજના ૨. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા, ભાષા-સાહિત્ય (નવલકથા, નવલિકા, નાટક, વગેરે), બાળસાહિત્ય વગેરે વિષય-ક્ષેત્રોની – કૃતિઓના પ્રકાશન માટે સહાયક અનુદાની યોજના ૩. અંગ્રેજી, હિંદી, સિંધી તથા ઉર્દૂ ભાષા સિવાયની અન્ય અર્વાચીન ભાષાઓમાં અનુવાદ કૃતિઓના પ્રકાશન માટે સહાયક અનુદાનની યોજના તેમ જ અન્ય યોજનાઓ ચલાવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક નીચે મુજબ છે.

૧. સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક :

ગુજરાત સાહિત્ય અકાદમીની શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપવાની યોજનામાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી ભાષાનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોનાં તથા બાળસાહિત્યનાં પુસ્તકોને પારિતોષિક આપવામાં આવે છે, જેમાં પ્રૌઢ વિભાગ અંતર્ગત ૧. નવલકથા ૨. ટૂંકી વાર્તા ૩. એકાંકી-નાટક ૪. હાસ્ય-વ્યંગ-કટાક્ષ ૫. નિબંધ-પ્રવાસ ૬. કવિતા ૭. વિવેચન ૮. સંશોધન-ભાષા-વ્યાકરણ ૯. આત્મકથા-રેખાચિત્ર-પત્ર-જીવનચરિત્ર-સત્યકથા (સંયુક્ત) ૧૦. લોકસાહિત્ય ૧૧. અનુવાદ એમ ૧૧ વિભાગો અંતર્ગત પ્રથમ ઇનામ રૂપિયા ૧૧,૦૦૦, દ્વિતીય ઇનામ રૂપિયા ૭,૦૦૦ અને તૃતીય ઇનામ રૂપિયા ૫,૦૦૦ એનાયત કરવામાં આવે છે.

બાળવિભાગ અંતર્ગત ૧. કાવ્ય ૨. વાર્તા ૩. નાટક ૪. ચરિત્રાદિ એમ ૪ વિભાગો અંતર્ગત પ્રથમ ઇનામ રૂપિયા ૧૧,૦૦૦, દ્વિતીય ઇનામ રૂપિયા ૭,૦૦૦ અને તૃતીય ઇનામ રૂપિયા ૫,૦૦૦ એનાયત કરવામાં આવે છે.

ઉપર્યુક્ત બંને વિભાગો અંતર્ગત પુસ્તક જે કેલેન્ડર વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોય ત્યાર બાદના વર્ષની ૩૧ માર્ચ પહેલાં અકાદમીને મોકલવાનું રહે છે. જેમ કે, વર્ષ ૨૦૧૬ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક માટે ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન પુસ્તક પ્રકાશિત થયું હોય તે જરૂરી છે. વધુમાં આ પુસ્તકને ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી અકાદમી ખાતે બે નકલમાં જે તે સ્વરૂપની નોંધ, લેખક-તસવીર અને બાયોડેટા સાથે મોકલવાનું રહે છે.

૨. યુવા ગૌરવ પુરસ્કાર :

ગુજરાત સાહિત્ય અકાદમી યુવા સાહિત્યકારની ૩૫ વર્ષની વયમર્યાદાને ધ્યાને લઈ તેનાં પ્રથમ અથવા તો તેની કૃતિમાંની કોઈ એક કૃતિને અથવા તો તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈને ૨૦૦૭થી યુવા ગૌરવ પુરસ્કાર આપે છે. આ માટે યુવા સાહિત્યકારની વય લઘુત્તમ ૧૮ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષ ગણવામાં આવે છે. આ વય જે તે ઍવોર્ડવર્ષની ૩૧ માર્ચના રોજ ગણવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.

૩. સાહિત્ય ગૌરવ પુરસ્કાર :

મૂર્ધન્ય સાહિત્યકારને તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ આપવામાં આવે છે.

૪. શ્રી ક.મા. મુનશી સુવર્ણચંદ્રક :

મૂર્ધન્ય નવલકથાકારને દર બે વર્ષ આ પુરસ્કાર આપવામાં આવે છે.

૫. સાહિત્યરત્ન પુરસ્કાર :

મૂર્ધન્ય સાહિત્યકારને તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ સાહિત્યરત્ન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૫૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.

૬. મલયાનિલ વાર્તા પારિતોષિક :

મૂર્ધન્ય વાર્તાકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૭. ગોવર્ધનરામ નવલ પારિતોષિક :

મૂર્ધન્ય નવલકથાકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૮. સુંદરમ્ કાવ્ય પારિતોષિક :

મૂર્ધન્ય કવિને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૯. સુરેશ જોશી નિબંધ પારિતોષિક :

મૂર્ધન્ય નિબંધકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૧૦. અસાઇત ઠાકર નાટ્ય પારિતોષિક :

મૂર્ધન્ય નાટ્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૧૧. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવેચન પારિતોષિકઃ

મૂર્ધન્ય વિવેચકને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૧૨. ગિજુભાઈ બધેકા બાળસાહિત્ય પારિતોષિક :

મૂર્ધન્ય બાળસાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૧૩. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક :

મૂર્ધન્ય હાસ્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

૧૪. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ :

મૂર્ધન્ય ગઝલકારને ૨૦૦૫થી આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક પ્રશસ્તિપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.

* મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીનાં પારિતોષિકઃ

મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીનું કાર્યાલય મુંબઈમાં છે. આ અકાદમીનાં ગુજરાતી સાહિત્યનાં પારિતોષિક નીચે મુજબ છે.

૧. નર્મદ ઍવોર્ડ :

મૂર્ધન્ય સાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૨. જીવન ગૌરવ પુરસ્કાર :

મૂર્ધન્ય સાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

* ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિક :

૧૯૦૫માં અમદાવાદ ખાતે સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યનાં વિવિધ સ્વરૂપો માટેનાં પુરસ્કારો આ મુજબ છે.

૧. સચ્ચિદાનંદ સમ્માન :

સચ્ચિદાનંદ સમાજસેવા ટ્રસ્ટ, દંતાલી તરફથી મળેલા દાનમાંથી પ્રતિ વર્ષ મૂલ્યવાન અને સત્ત્વશીલ સાહિત્ય પ્રદાન કરનાર સાહિત્યકારને સચ્ચિદાનંદ સમ્માનથી સન્માનવામાં આવે છે. ૧૯૯૭થી શરૂ થયેલા આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ ધનરાશિ આપવામાં આવે છે.

૨. સર્વશ્રેષ્ઠ પુસ્તક સમ્માન :

વિવિધ સાહિત્ય-સ્વરૂપોને ધ્યાને લઈને વાર્ષિક ધોરણે ગુજરાતી સાહિત્ય પરિષદ નીચે મુજબના ૩૨ પુરસ્કારો આપે છે. જે-તે વર્ષના પુરસ્કાર માટે તે પછીના વર્ષની ૩૦ મે સુધી પુસ્તક મોકલવાનું રહે છે. જેમ કે વર્ષ ૨૦૧૪ના પુરસ્કાર માટેનું પુસ્તક ૩૦ મે,૨૦૧૫ સુધીમાં મોકલવાનું રહે છે. પુસ્તકનું પ્રકાશન વર્ષ કૅલેન્ડર વર્ષ છે.

૧. શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક :

હરિઓમ આશ્રમ પ્રેરિત આ પુરસ્કાર લેખિકાઓનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨. શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક પારિતોષિક :

હરિઓમ આશ્રમ પ્રેરિત આ પુરસ્કાર ભક્તિવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૩. શ્રી ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક :

સર્વશ્રેષ્ઠ પુસ્તકને (સામાન્ય રીતે કવિતા) આપવામાં આવે છે.

૪. શ્રી કાકાસાહેબ કાલેલકર પારિતોષિક :

નિબંધ, પ્રવાસ, સ્મરણો, જીવનચરિત્રો ઇત્યાદિ પ્રકારનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૫. શ્રી બટુભાઈ ઉમરવાડિયા એકાંકી પારિતોષિક :

એકાંકીનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૬. શ્રી પ્ર. ત્રિવેદી પારિતોષિક :

શિક્ષણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૭. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિકઃ

સમાજ, શિક્ષણ વિષયક ચિંતનાત્મક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૮. શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક :

હાસ્ય, વિનોદ, કટાક્ષ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૯. શ્રી બી.એન.માંકડ ષષ્ટિપૂર્તિ પારિતોષિક :

લોકભોગ્ય વિજ્ઞાન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૦. શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી પારિતોષિકઃ

સાહિત્યશાસ્ત્ર વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૧. શ્રી હરિલાલ માણેકલાલે દેસાઈ પારિતોષિક :

વિવેચન અથવા સામાજિક તત્ત્વજ્ઞાન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૨. શ્રી નટવરલાલ માળવી પારિતોષિક :

બાળસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૩. શ્રી ઉશનસ્ પારિતોષિક :

દીર્ઘકાવ્યો (સૉનેટમાળા, ખંડકાવ્યો, પદ્યનાટક કે ચિંતનાત્મક કૃતિ) વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને અથવા તો કોઈ એક સામયિકમાં પ્રકાશિત કૃતિને આપવામાં આવે છે.

૧૪. શ્રી મહેન્દ્ર ભગત કાવ્યસંગ્રહ પારિતોષિકઃ

સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.

૧૫. શ્રી રમણ પાઠક ષષ્ટિપૂર્તિ પારિતોષિક :

સર્વશ્રેષ્ઠ નવલિકાને આપવામાં આવે છે.

૧૬. શ્રી સદ્વિચાર પરિવાર પારિતોષિક :

પ્રેરક સાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૭. શ્રી ગોપાળરાવ વિદ્વાંસ પારિતોષિક :

સર્વશ્રેષ્ઠ અનુવાદને આપવામાં આવે છે.

૧૮. શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ પારિતોષિક :

ભૂગોળ-સમાજશાસ્ત્ર વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૧૯. શ્રી રમણલાલ સોની પારિતોષિક :

બાળ-કિશોર સાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૦. શ્રી સુરેશા મજૂમદાર પારિતોષિક :

સ્ત્રી-અનુવાદકનાં અનુવાદગ્રંથને અથવા કવયિત્રીનાં કવિતાનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૧. ડૉ. રમણલાલ જોશી પારિતોષિક :

વિવેચન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૨. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા મહાનિબંધ પારિતોષિકઃ

યુનિવર્સિટી દ્વારા પદવી માટે માન્ય રખાયેલ પ્રકાશિત-અપ્રકાશિત એમ.ફિલ., પીએચ.ડી. મહાનિબંધને આપવામાં આવે છે.

૨૩. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા લલિતનિબંધ પારિતોષિકઃ

સર્વશ્રેષ્ઠ લલિતનિબંધને આપવામાં આવે છે.

૨૪. શ્રી દોલત ભટ્ટ પારિતોષિક :

ગ્રામજીવન વિષયક નવલકથાના અથવા લોકસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૫. શ્રી પ્રિયકાન્ત પરીખ નવલકથા પારિતોષિકઃ

નવલકથા વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૬. શ્રી પંડિત બેચરદાસ જી. દોશી પારિતોષિક :

સંસ્કૃત-પ્રાકૃત ગુજરાતી વ્યાકરણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૭. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક :

સર્વશ્રેષ્ઠ ગીતસંગ્રહને આપવામાં આવે છે.

૨૮. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પારિતોષિક :

ચિંતન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૨૯. શ્રી રામુ પંડિત પારિતોષિક :

અર્થશાસ્ત્ર-વાણિજ્ય-પ્રબંધ-ઉદ્યોગમાં માનવીય સંબંધ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૩૦. શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિક :

ભાષાવિજ્ઞાન-વ્યાકરણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૩૧. ભગવાન મહાવીર પારિતોષિક :

લોકસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.

૩૨. ગુજરાત દર્પણ પારિતોષિક :

દરિયાપારના સાહિત્યકારોના સર્વશ્રેષ્ઠ નવલકથાસંગ્રહને આપવામાં આવે છે.

* સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અપાતાં પારિતોષિક :

દલિત સાહિત્યની આગવી ઓળખને ધ્યાને લઈ ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નીચે મુજબના પારિતોષિકો પ્રતિ વર્ષ આપવાનું નક્કી કર્યું છે.

૧. સંતશ્રી કબીર દલિત સાહિત્ય ઍવોર્ડ :

દલિત સાહિત્યકારોને તેમનાં યોગદાનને ધ્યાને લઈ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

૨. સાવત્રીબાઈ ફૂલે દલિત મહિલા ઍવોર્ડ :

દલિત મહિલા-કલા-સાહિત્ય- હસ્તકલાકારને આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

૩. દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ ઍવોર્ડ :

સર્વશ્રેષ્ઠ દલિત સાહિત્યની કૃતિ માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

* સંસ્થાગત પારિતોષિક :

રાષ્ટ્રીય અને રાજ્ય અકાદમી, પરિષદ સિવાય અનેક સાહિત્ય સંસ્થાઓ નોંધપાત્ર પારિતોષિકો આપે છે. આવાં પારિતોષિકોને અહીં વર્ગીકૃત કર્યા છે.

૧. ગુજરાત વિદ્યાસભા :

ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને 'મહિપતરામ રૂપરામ રૌપ્યચંદ્રક' આપે છે.

૨. નર્મદ સાહિત્ય સભા :

નર્મદ સાહિત્ય સભાનું કાર્યાલય સુરતમાં આવેલું છે. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને 'નર્મદચંદ્રક' એનાયત કરે છે. ટૂંકી વાર્તાના પ્રદાન બદલ કેતન મુનશી પારિતોષિક એનાયત કરે છે.

૩. પ્રેમાનંદ સાહિત્ય સભા :

પ્રેમાનંદ સાહિત્ય સભાનું કાર્યાલય વડોદરામાં આવેલું છે. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને 'પ્રેમાનંદ ચંદ્રક' એનાયત કરે છે.

૪. ગુજરાતી સાહિત્ય સભા :

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરે છે. ૧૯૨૮થી રણજિતરામની સ્મૃિતમાં આ ચંદ્રક આપવામાં આવે છે.

૫. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ :

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને 'કરસનદાસ પારિતોષિક' એનાયત કરે છે.

૬. નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ :

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ, જૂનાગઢ ૧૯૯૯થી 'નરસિંહ મહેતા ઍવોર્ડ' એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૫૧,૦૦૦ રૂપિયા અને એક નરસિંહ મહેતાની પ્રતિમા એનાયત કરવામાં આવે છે.

૭. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર :

લોકસાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવોર્ડ' એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૮. મનુભાઈ પંચોળી 'દર્શક' ફાઉન્ડેશન :

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને દર્શક ફાઉન્ડેશન સાહિત્ય ઍવોર્ડ અંતર્ગત 'દર્શક ઍવોર્ડ' એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૯. હરીન્દ્ર દવે સ્મૃિત પારિતોષિક :

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ ૨૦૦૫થી 'હરીન્દ્ર દવે ઍવોર્ડ' એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સન્માનપત્ર તેમ જ શાલ અર્પણ કરવામાં આવે છે.

૧૦. કાગ ઍવોર્ડ :

લોકસાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને 'કાગ ઍવોર્ડ' એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને એક સ્મૃિતચિહ્ન આપવામાં આવે છે.

૧૧. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ :

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનારને 'સ્વ.ધીરજલાલ ધ. શાહ સુવર્ણચંદ્રક' એનાયત કરે છે.

૧૨. શ્રી ચંદુલાલ સેલારકા સા. નિધિ, મુંબઈ :

ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને 'કલાગૌરવ પુરસ્કાર' એનાયત કરે છે.

૧૩. આઇ.એન.ટી., મુંબઈ :

ઇન્ડિયન નેશનલ થીએટર, મુંબઈ દ્વારા ગઝલકારોને બે વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે.

૧. નવોદિત ગઝલકારને તેના સર્જનને ધ્યાને લઈ 'શયદા પુરસ્કાર' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.

૨. મૂર્ધન્ય ગઝલકારને તેના સર્જનને ધ્યાને લઈ 'કલાપી પુરસ્કાર' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.

૧૪. વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા :

વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા ચાર વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે.

૧. નવોદિત આશાસ્પદ સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ 'નાનાભાઈ હ. જેબલિયા સ્મૃિત સાહિત્ય પુરસ્કાર' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૨. યુવા સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ 'રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા ઍવોર્ડ' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૩. મૂર્ધન્ય સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ 'દર્શક સાહિત્ય સમ્માન' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૪. વિદેશમાં રહી ઉત્તમ ગુજરાતી સાહિત્ય સર્જતા સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ 'ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સમ્માન' અંતર્ગત સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૧૫. દલપતરામ ઍવોર્ડ :

મૂર્ધન્ય સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ 'દલપતરામ ઍવોર્ડ' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૧૬. આચાર્ય તુલસી સમ્માન :

આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ સંસ્થા દ્વારા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પ્રદાનને ધ્યાને લઈ 'આચાર્ય તુલસી સમ્માન' આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને માનપત્ર એનાયત કરવામાં આવે છે.

૧૭. રમેશ પારેખ ઍવોર્ડ :

કવિશ્રી હરિશ્ચંદ્ર જોશી પ્રેરિત 'રમેશ પારેખ ઍવોર્ડ'કવિને તેના સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સર્જકને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

૧૮. દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ :

૧૯૯૬માં સ્થપાયેલી દલિત સાહિત્ય અકાદમી દલિત સાહિત્ય ક્ષેત્રે સર્જકનાં યોગદાનને ધ્યાને લઈ કવિતા માટે 'શ્રી ચીમનલાલ સોમાભાઈ પટેલ ઍવોર્ડ', નવલકથા માટે 'શ્રી ચીમનલાલ મહેતા ઍવોર્ડ', ટૂંકી વાર્તા માટે 'શ્રીમતી લીલાવતી મહેતા ઍવોર્ડ', સમગ્ર સર્જન માટે 'શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સરવૈયા શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર ઍવોર્ડ' તેમ જ દલિત સાહિત્યના સમર્થકને 'સવાયા દલિત સાહિત્યકાર ઍવોર્ડ' આપવામાં આવે છે.

૧૯. ધૂમકેતુ પુરસ્કાર :

ગુર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૦થી શ્રેષ્ઠ નવલિકાસંગ્રહ માટે દર ત્રણ વર્ષે આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સર્જકને ૫,૦૦૦ રૂપિયા સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.

* સામયિક પારિતોષિક :

સામયિકો પ્રતિ વર્ષ તેનાં અંકોમાં પ્રકાશિત સર્જનને ધ્યાને લઈ પ્રકાશિત કૃતિ કે વાર્ષિક પ્રદાન બદલ પુરસ્કાર આપે છે.

* કુમાર માસિક, અમદાવાદઃ

૧૯૨૪માં શરૂ થયેલું 'કુમાર' માસિક તેમાં પ્રકાશિત સર્જનને આવા પુરસ્કારો આપે છે.

૧. કુમાર સુવર્ણચંદ્રક :

૧૯૪૪થી શરૂ થયેલો 'કુમાર ચંદ્રક' વર્ષ દરમિયાન 'કુમાર'માં પ્રકાશિત કૃતિને ધ્યાને લઈને આપવામાં આવે છે.

૨. શ્રીમતી કમલા પરીખ પારિતોષિક :

'કુમાર'માં પ્રકાશિત મહિલા સર્જકનાં સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે.

૩. અરવિંદલાલ ચીમનલાલ આધ્યાત્મિક પારિતોષિક :

'કુમાર'માં પ્રકાશિત અધ્યાત્મ વિષયક સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે.

* પરબ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ :

ગુજરાતી સાહિત્ય પરિષદ મુખપત્ર 'પરબ'માં પ્રકાશિત કૃતિ માટે આ મુજબનાં પારિતોષિકો આપે છે.

૧. શ્રી ચંદ્રકાન્ત ન. પંડ્યા પારિતોષિક :

શ્રેષ્ઠ લેખને આપવામાં આવે છે.

૨. શ્રી ન્હાનાલાલ અને રા.વિ.પાઠક પારિતોષિકઃ

શ્રેષ્ઠ કાવ્યને આપવામાં આવે છે.

૩. શ્રી નાનુભાઈ ફાઉન્ડેશન પારિતોષિક :

શ્રેષ્ઠ નિબંધને આપવામાં આવે છે.

૪. શ્રી નાનુભાઈ સુરતી ફા. પારિતોષિક :

શ્રેષ્ઠ નવલિકાને આપવામાં આવે છે.

* કવિતા દ્વિમાસિક, મુંબઈ :

શ્રેષ્ઠ કૃતિને આપવામાં આવે છે.

* અન્ય પારિતોષિકો :

સાહિત્ય ક્ષેત્રે ગામ-શહેર, રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે અનેક નામી-અનામી પુરસ્કારો જાહેર થતા હોવાથી દરેક વિશે વિગતે વાત કરવી અહીં શક્ય નથી. કેટલાકની માત્ર ઝાંખી મેળવીએ.

૧. પ્રા. અનંતરાય રાવળ વિવેચન પારિતોષિક :

પ્રા. અનંતરાય રાવળ સમિતિ, અમદાવાદ દ્વારા વિવેચન માટે આપવામાં આવે છે.

૨. ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર :

અનુવાદનું પારિતોષિક આપવામાં આવે છે.

૩. ઇંદુબહેન સંઘવી બાળસાહિત્ય પારિતોષિકઃ

સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા બાળસાહિત્ય માટે બે વર્ષે આપવામાં આવે છે.

૪. ઉમાશંકર જોશી ઍવોર્ડ :

હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.

૫. ઉમાશંકર જોશી પારિતોષિક :

ચારુતર વિદ્યામંડળ, વિદ્યાનગર દ્વારા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.

૬. કથા ઍવોર્ડ :

કથા ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા સર્વશ્રેષ્ઠ સર્જનાત્મક કથા-સાહિત્યને આપવામાં આવે છે.

૭. ક.ભા. દવે રૌપ્યચંદ્રક :

ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ દ્વારા આપવામાં આવે છે.

૮. કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ સુવર્ણચંદ્રક :

કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક ટ્રસ્ટ, વડોદરા દ્વારા કવિને આપવામાં આવે છે.

૯. કંચનરશ્મિન શ્રેષ્ઠ બાળસાહિત્ય પારિતોષિકઃ

બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા બાળસાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે.

૧૦. ગિજુભાઈ બધેકા બાળસાહિત્ય ઍવોર્ડ :

બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા બાળસાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે.

૧૧. જ્યોતીન્દ્ર દવે હાસ્ય ઍવોર્ડ :

હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા હાસ્યકારને આપવામાં આવે છે.

૧૨. કાકાસાહેબ કાલેલકર ઍવોર્ડ :

હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા પ્રવાસ-નિબંધકારને આપવામાં આવે છે.

૧૩. જયશંકર સુંદરી ઍવોર્ડ :

હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા નાટ્યકારને આપવામાં આવે છે.

૧૪. જયંત પાઠક કવિતા પુરસ્કાર :

ડૉ. જયંત પાઠક પુરસ્કાર સમિતિ, સુરત દ્વારા કવિને આપવામાં આવે છે.

૧૫. ગુર્જર ગૌરવ ઍવોર્ડ :

કલાગુર્જરી, મુંબઈ દ્વારા ડાયસ્પોરા સર્જકને આપવામાં આવે છે.

૧૬. ચંદરયા સાહિત્ય પુરસ્કાર :

ચંદરયા ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા સર્જકને આપવામાં આવે છે.

૧૭. યુવા પુરસ્કાર :

ભારતીય ભાષા પરિષદ, કલકત્તા દ્વારા ચાર ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે.

૧૮. સદ્દભાવના ઍવોર્ડ :

સદ્દભાવના ફોરમ દ્વારા સંવેદનશીલ સાહિત્યકારને આપવામાં આવે છે.

૧૯. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક :

વિશ્વકલાગુર્જરી ફેડરેશન, મુંબઈ દ્વારા આપવામાં આવે છે.

૨૦. આંબેડકર ઍવોર્ડ :

દલિત સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા દલિત સાહિત્યકારને આપવામાં આવે છે.

ઉપસંહાર :

અહીં માત્ર હાથવગા અને હૈયાવગા પુરસ્કારોની જ એક ઝાંખી હોવાથી આ એક માર્ગદર્શક લેખ છે, પરંતુ સંપૂર્ણ યાદી નથી જ નથી. આ યાદી સર્જન ક્ષેત્રે મળતાં માન-અકરામ વિષયક હોવાથી સાથે સાથે એ પણ કહેવાનું મન થાય છે કે કોઈ પણ સર્જકે માત્ર પારિતોષિકને ધ્યાને લઈને કદાપિ સર્જન ન કરવું જોઈએ. કારણ કે અંતે તો કોઈ પણ પારિતોષિક એ માત્ર રકમ કે પ્રમાણપત્ર કે સામાયિક પ્રશંસાથી વિશેષ કશું હોતું નથી. સાચો સર્જક પારિતોષિક મળવાથી ખુશ નથી થતો કે ન મળવાથી દુઃખી નથી થતો. સર્જનસુખની સામે પુરસ્કાર-તિરસ્કાર દુઃખ બહુ વામણું લાગે છે.

આમ, સર્જક માટે કોઈ પણ પારિતોષિક એ મળ્યા-ન મળ્યાનું માત્ર બાહ્ય સુખ-દુઃખ છે, પણ એનું આંતરિક સુખ-દુઃખ કેવળ એનાં સર્જન સાથે સંકળાયેલું રહે છે. વાસ્તવમાં સાચો પુરસ્કાર તો સૈકાઓ સુધી ભાષા-સાહિત્યમાં સર્જકનું નામ-કામ ગૂંજતું રહે તે જ છે અને તે મેળવવા માટે કોઈની લીટી ટૂંકી કરવી પડતી નથી કે કોઈને પ્રત્યક્ષ-પરોક્ષ કુરનિશ બજાવવી પડતી નથી. આ કામ માત્ર સમય જ સુપેરે કરી જાણે છે, માટે સમય સામે સમયસર ટકી રહે તેવાં સર્જન માટે કટિબદ્ધ હોવું રહ્યું.

ખૈર, 'નવ્ય' સર્જકોને રાહ અને 'ભવ્ય' સર્જકોને ચાહ મળી રહે તેવા શુભ આશયથી જ આ માહિતીનો પ્રસાર કર્યો છે. રોજ કેટલા ય પુરસ્કારો જાહેર થતા રહે છે, તો રોજ કેટલા ય પુરસ્કારો કાળની ગર્તામાં ખોવાઈ જતાં હોય છે એથી શક્ય છે કે દરેક પુરસ્કારની માહિતી અહીં ન પણ સમાવાઈ હોય. હાલ, અહીં તો વર્તમાનમાં પુરસ્કારો અપાય છે તેમાંના કેટલાકની જ વિગતે વાત કરી છે.

અસ્તુ. 


(પુસ્તક : પ્રકાશનથી પુરસ્કાર સુધીની સફર – ડૉ. અશોક ચાવડા , ઓળખ, ડિસેમ્બર-2017)

e.mail : a.chavda@yahoo.co.in

Loading

ઉત્તમ કામ્બલે : ફેરિયાથી તંત્રી સુધીની પ્રેરણાદાયી સફર

નટુભાઈ પરમાર|Opinion - Opinion|24 December 2017

ગરીબ-દલિત પરિવારમાં જન્મીને પારાવાર યાતનાઓ વેઠીને, ચૂલો-પાણિયારું ને સૂવાનું જેમનું એક જ નાનકડી ઓરડીમાં હતું એવાં અશિક્ષિત મજૂર માતા-પિતાને ખોરડે ઉછરેલા અને રાત્રે ઘરમાં સૂવાની જગ્યા ન હોવાને કારણે ગામની સમાજવાડીના ઓટલે નર્યાં માંકડો-મચ્છરો વચ્ચે રાત્રીઓ વિતાવનારા, એમના સમાજમાં સૌ પ્રથમ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનારા, મહારાષ્ટૃના ટાકલીવાડી(કોલ્હાપુર જિલ્લા)માં જન્મેલા ઉત્તમ કામ્બલેની છાપાંના ફેરિયાથી શરૂ થયેલી સફર મહારાષ્ટૃના ખ્યાતિપ્રાપ્ત દૈનિક “સકાળ”ના એડિટર ઇન ચીફ અૅન્ડ ડાયરેક્ટર સુધી પહોંચી, તે યાત્રા જેટલી રોમહર્ષક અને અચરજકારી છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.

દારુણ ગરીબી – અધમતમ અપમાનો વેઠતા રહીને, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર છાપું વેંચતા-વેંચતા, એક પત્રકાર બનવાનું સ્વપ્ન પાળીને બેઠેલા ઉત્તમ કામ્બલે, નીજ પરિશ્રમથી જે મુકામ પર પહોંચ્યા, તેની સફળતાકથા તેમની મરાઠી આત્મકથા ‘વાટ તુડવતાના’ યાને ‘અગનપથ’ હિન્દીમાં આલેખાઈ છે.

રાજ્યશાસ્ત્રના સ્નાતક હોવા છતાં, નોકરી ન મળતાં છાપાંના ફેરિયા, હોસ્પિટલના કમ્પાઉન્ડર, પ્રિન્ટીંગ પ્રેસમાં બાઈન્ડર અને “સમાજ” નામક પત્રમાં સાવ નીચલા સ્તરેથી શરૂઆત કરી, “સકાળ” દૈનિકના ખબરપત્રી, સિનિયર સબ એડિટર, ન્યૂઝ એડિટર, એક્ઝિક્યુૂટિવ એડિટર, ચીફ એડિટર અને એડિટર ઇન ચીફ તેમ જ નિયામકના પદ સુધી પહોંચેલા ઉત્તમ કામ્બલેની જીવનગાથા ભારતીય પત્રકારત્વ જગતની એક બે-મિસાલ ઘટના છે.

પત્રકારત્વ ક્ષેત્રની ઝળહળતી સિદ્ધિઓ બદલ મહારાષ્ટૃ સરકારનો ગૌરવ પુરસ્કાર, મરાઠી પત્રકાર સંઘનો ગૌરવ ભૂષણ પુરસ્કાર, મરાઠી ન્યૂઝ ચેનલ ‘સહ્યાદ્રિનો ઉત્કૃષ્ટ પત્રકાર પુરસ્કાર સહિત અનેક કીર્તિમાનો સ્થાપિત કરનાર ઉત્તમ કામ્બલે ન માત્ર એક પત્રકાર અપિતુ એક ખ્યાતિપ્રાપ્ત સર્જક-સાહિત્યકાર પણ છે.

આત્મકથા, પાંચ નવલકથાઓ, પાંચ વાર્તાસંગ્રહો, આઠ નિબંધસંગ્રહો, આઠ સંશોધન ગ્રંથો સહિત સાહિત્યના તમામ પ્રકારોમાં વ્યાપક ખેડાણ કરનારા ઉત્તમ કામ્બલે મહારાષ્ટૃ – મરાઠી સાહિત્યજગતના પણ એક આદરપાત્ર સર્જક છે. મરાઠી સાહિત્ય પરિષદના અનેક સત્રોના અધ્યક્ષપદ તેમણે શોભાવ્યા છે. સાથે જ એક સંવેદનશીલ – નિષ્પક્ષ પત્રકાર તરીકે તેમનું લક્ષ્ય હંમેશાં ‘સામાજિક ન્યાય’ની પ્રાપ્તિનું રહ્યું છે.

વેશ્યાઓની – દેવદાસીઓની – ફૂટપાથ પરના ભિખારીઓની – અસ્પૃશ્યોની કરુણકથાઓ, ઉચ્ચવર્ગ દ્વારા નિમ્નવર્ગના થતા શોષણની હૃદયવિદારક કથાઓ, સત્તાધીશો દ્વારા સતાવાયેલા – રીબાયેલા ગરીબ બેસહારા – સર્વહારા વર્ગની કરમકહાણીઓ ઉત્તમ કામ્બલેએ જીવનાં જોખમે આલેખી છે.

એ સમયે પગે ચાલીને સમચાર મેળવવા જતા ઉત્તમ કામ્બલેને એકથી વધુ વડા પ્રધાનશ્રીઓ, મુખ્ય મંત્રીશ્રીઓ, ફિલ્મ જગતની − આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિતની – દમામદાર પ્રતિભાઓની લંબાણ મુલાકાતો લેવાના પણ અવસર પ્રાપ્ત થયા. રાષ્ટૃપતિ અને વડા પ્રધાનના વિદેશના કાર્યક્રમોમાં તેમની સાથે પત્રકાર તરીકે જોડાવાના અવસર મળ્યા છે. ઉત્તમ કામ્બલેના લેખોનો એવો તો પ્રભાવ કે “સકાળ” દૈનિકના આખેઆખા પાર્સલોને એકવાર કદરદાન વાચકોએ રીતસર લૂંટી લીધા હતા !

વેશ્યાઓની કરુણકથાઓને આલેખવા દિવસો સુધી કમાટીપુરા(મુંબઈ)ની બદનામ ગલીઓમાં રોકાયેલા ઉત્તમ કામ્બલે પર સમાજે તો આંગળી ઉઠાવી જ, તેમની માતા પણ અત્યન્ત નારાજ થયાં. કિન્તુ એક દિવસે રક્ષાબંધન આવતાં કમાટીપુરામાંથી બે હાથે છેક બાવડાંઓ સુધી રાખડીઓ બંધાવીને પરત આવેલા ઉત્તમ કામ્બલેને માતાએ તે પછી કદી ટોક્યાં નહીં. ઉત્તમ કામ્બલે કહે છે : ‘આ દુર્ભાગી નારીઓને બધા જ પ્રકારના હાથ મળે છે, કેવળ રાખડી બંધાવનારા હાથ જ નથી મળતા.’

કર્ણાટકમાં પરંપરાથી ચાલી આવતી યુવાન દલિત દીકરીઓને દેવદાસીઓ બનાવતી નગ્ન પદયાત્રાનું લેખન કરતા રુઢિવાદીઓને હાથે મરણતોલ મારા ખાનાર ઉત્તમ કામ્બલેના અહેવાલને કારણે જ, કર્ણાટક સરકારે એક વટહુકમથી એ કુપ્રથાને રદ્દ કરી, એને આજે પાંત્રીસ વર્ષ થયાં છે.

પ્રેસ સેમિનારમાં કામ્બલેએ કહ્યું, ‘એ દિવસે મને એટલો માર પડ્યો કે જો હું દોડીને ભાગ્યો ન હોત તો તેમણે મને જાનથી મારી જ નાખ્યો હતો. આજે મને લાગે છે કે, ત્યારે જો હું મરી ગયો હોત તો સારું જ હોત. એક ઉત્તમ કારણ સાથે મરી જવાની એક તક મારી પાસેથી ચાલી ગઈ છે. હવે તો મોત પણ મારી પાસે આવતાં ડરી રહ્યું છે !’

પ્રેસ સેમિનારમાં દોઢ કલાક અસ્ખલિત વહેલી ઉત્તમ કામ્બલેની વાણીમાં શ્રોતાઓ પણ ભાવપ્રવાહમાં વહી રહ્યા હતા.

કહે છે કે ગુજરાતી દલિત સાહિત્યની પ્રેરણા મરાઠી દલિત સાહિત્ય છે. કિન્તુ અહીં ઉત્તમ કામ્બલેના દલિત સાહિત્ય પરના વિચારોને સાંભળ્યા પછી કોઈને ય એ સવાલ ઊઠે : ‘શું મરાઠી દલિત સાહિત્ય કે એના સાહિત્યકારોમાંથી આપણે કોઈ પ્રેરણા લીધી છે ખરી ?!’

પ્રેષક : કે.બી. રાઠોડ [રાજકોટ]

સૌજન્ય : “બિરાદર”, ડિસેમ્બર 2017; પૃ. 11-12

Loading

...102030...3,2093,2103,2113,212...3,2203,2303,240...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved