Opinion Magazine
Number of visits: 9583889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર

વિશાલ શાહ|Opinion - Opinion|13 January 2018

બ્રહ્મપુત્ર. ભારતની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી. છેલ્લા બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કે, ચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છે. ચીનનું આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છે. ભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે ભારતને શંકા ગઈ કે, ચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશે! જો કે, એવું કશું નહોતું. બ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો, ચીનમાં યારલૂંગ ઝાંગબો અને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છે, એ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતું. ચીન, ભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે. આ ત્રણેય દેશના અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર બીજાં પણ અનેક નામે ઓળખાય છે. ભારતની બ્રહ્મોઝ મિસાઈલનું નામકરણ આ જ નદી પરથી કરાયું હતું. બ્રહ્મોઝ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. એવી જ રીતે, સેનાના એક જહાજને પણ બ્રહ્મપુત્ર નામ અપાયું છે.

પાણીના જથ્થાની દૃષ્ટિએ બ્રહ્મપુત્ર દુનિયામાં દસમા નંબરની અને લંબાઈની રીતે ૧૫મી સૌથી લાંબી નદી છે. બ્રહ્મપુત્રના ૭,૧૨,૦૩૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા તટપ્રદેશનો મોટા ભાગનો હિસ્સો હિમાલયના દૂરદરાજના જંગલોમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ અને એરિયલ ફોટોગ્રાફી જેવી ટેક્નોલોજી છે, પરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા હિમાલયમાં વર્ષો સુધી પગપાળા અને ઘોડા પર જીવના જોખમે પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતાં પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, સિંધુ, ચિનાબ, બિયાસ, ક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતા. શું હશે કારણ? બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલે? નવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટ' સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના દક્ષિણ-પશ્ચિમ  લ્હાસાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંશતઃ થીજેલી સાંગપો, જે ધીમે ધીમે પીગળીને ત્રણ દેશનો પ્રવાસ કરે છે

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેિશયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે, જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીન) આગળ વધે છે. આ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપો, ચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્ર. આ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છે, જે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ) તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે. (અમેરિકાની કોલોરાડો નદી પરની ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ ૪૪૬ કિલોમીટર છે). 

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય વિસ્તારમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. એ પછીના ૩૨ કલાકમાં એ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યા. આ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયું. ભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કે, ભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુ' ટર્ન લઈને પશ્ચિમ (ભારત) તરફ આગળ વધે છે. હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાં સાંગપોને નવું નામ મળે છે, સિઆંગ. સિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છે. એ પછી સિઆંગને પણ નવી સંસ્કૃિત પ્રમાણે નવું નામ મળે છે, બ્રહ્મપુત્ર. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતાં ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્ર. બ્રહ્મપુત્ર દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી હોવાનું રહસ્ય એક પૌરાણિક વાર્તામાં મળે છે. બ્રહ્મપુત્ર નદીના જન્મની આ રસપ્રદ વાર્તામાં કહેવાયું છે કે, પ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયા. શાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતા. શાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતી. એકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છે. અમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે. આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છે. ત્યાર પછી બ્રહ્મા તો જતા રહે છે, પરંતુ શાંતનુ જમીન પર વીર્યનું ટીપું જુએ છે અને આખી વાત સમજી જાય છે. જો કે, તેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છે. એ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છે, એ બ્રહ્મપુત્ર કહેવાય છે.

૫૦૪.૬ કિલોમીટર લાંબી યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ)

હિંદુ પૌરાણિક સાહિત્યમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ મળે છે, ક્યાંક વિરોધાભાસી  ઉલ્લેખો પણ છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છે. એવું પણ કહેવાય છે કે, ભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે સદીઓ પહેલાં તેને પુરુષ નામ અપાયું હતું. આ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઈ જાય છે. પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતું. આ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યા. જો કે, ગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયાં. એ પછી રેણુકા પણ થોડી વાર ત્યાં જ રોકાઈ ગયાં. બીજી બાજુ, જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યું. જમદગ્નિના પાંચ પુત્ર હતા. તેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યો, પરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયો. પરશુરામે પિતાની આજ્ઞાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરી. આ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃિત પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.

સાંગપો ઉર્ફે બ્રહ્મપુત્રનો નકશો

જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. જો કે, એ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યું. બ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છે. આ તો પુરાણોની વાત થઈ, હવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે, ૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરીની. તેઓ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના હેતુથી સપ્ટેમ્બર, ૧૭૧૩માં ઈટાલીથી જળમાર્ગે ગોવા આવ્યા હતા. ગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, લદાખ થઈને તિબેટ જવા નીકળ્યા. આ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યા. આ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યા, પરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યા. દેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન, ૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતી છે.

ઈપોલિતો દેસીદેરીના બે દુર્લભ પુસ્તક ‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’ અને  ‘મિશન ટુ તિબેટ’ના કવરપેજ

‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’માં ૩૨૯માં પાને દેસીદેરીએ ગુજરાતનો સ્પેિલંગ કંઈક આવો (સ્ક્રીન શોટ જુઓ ) કર્યો હતો. એ પછીની આવૃત્તિઓમાં કૌંસમાં સાચો સ્પેિલંગ લખાયેલો છે

યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યું, પરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરી. દેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હતું. લેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૂ કર્યો. આ બંને પાદરી સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યા. આ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતા. માયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેિશયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છે, જે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છે. જો કે, દેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કે, તેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'મિશન ટુ ધ તિબેટ: ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' અને 'એ મિશનરી ઈન તિબેટ' જેવાં અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિત થઈ ગયું છે કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે  સાંગપો જ હતી. 

***

દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતો. દેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા ખરા, પરંતુ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીં. આ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી સમગ્ર નદીનો નકશો તૈયાર કરવા તેના કિનારે કિનારે પગપાળા પ્રવાસ શરૂ કર્યો.

શું તેઓ સફળ થયા? એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે.

——

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk

Loading

પ્રણયપ્રશ્ન

રવીન્દ્રનાથ ઠાકુર, રવીન્દ્રનાથ ઠાકુર|Poetry|13 January 2018

તો પછી, પ્રિયે, શું એ સર્વ સાચું? 

મારા નયન–ઝબકાર તવ હૃદયને પ્રજાળે?
ને મેઘગર્જન બની તારાં દિગંતો ગજાવે?
મધુરા મમ ઓષ્ઠની જરી ઝાંખી, ને
વધૂ–લજ્જા જ્યારે વદનપે લાલી લીંપે,
હેં સખા, એ સર્વ તને નિત્ય ઝાલે?
મારા મંદારવૃક્ષે ચિર–વસંત તેં દીઠી શું?
ને નૂપુર મારાં તું–કાજે વીણાવાદ્યના સૂર છેડે :
કહે, એ સાચું?
કહે, તું નીરખે મને ને નિશા–આંગણ ઝાકળબિંદુ ઠરતાં,
પ્રભાતે ઝબકતાં તેજ એ ચોપાસ દીપ્તિ પસારે
– એ સત્ય છે?
અરે, કહે, જરી સ્પર્શ મારો તવ ચિત્તને મૂર્ચ્છિત કરતો?
અને શું આ વાયુલહર તુજમાં કૅફ ભરતી?
આ જ સાચું ને, પ્રણયસખા મારા?
દિવસના આ અજવાસને મમ જુલ્ફની કાલિમા ઘેરે,
ને આપણ બાહુઓ ચિરંતન સ્નેહપાશ રચતા
– એ સાચું?
તુજ અંતરીક્ષના સીમાડા આ પાલવડે સમાતા,
ને સુણી વાણી મારી સૃષ્ટિ સકલ નીરવ થાતી
– પ્રિય, શું એ ય સાચું?
આ પૃથિવી, દિગ્દિગંતો ને બ્રહ્માંડ આખું :
એ બધો વિસ્તાર મારો, મુજને સમર્પિત :
–
નિત્યપ્રિય મારા, કહે, એ સાચું?
પ્રણય તારો જન્માંતરોથી મારી ખોજ કરતો,
ધરાતલ ખૂંદી વળીને મુજમાં શરણ પામ્યો,
વાણી – નયન – ઓષ્ઠ – કેશલટ :
–
એ સર્વ તવ લોચને સર્વદા સમાયાં :
એ જ સત્ય કે?

અને આ બે નયન પર આલેખાયા
અનંત–પગથારે પથરાયા જે પૂર્ણ મર્મો :
પ્રિયતમ સખા, કહે, એ સકલ સત્ય?

 

[‘પ્રણયપ્રશ્ન’, ‘કલ્પના’ કાવ્યસંગ્રહ. બાંગ્લાદેશના રવીન્દ્રવિદ્દ ફકરુલ આલમના અંગ્રેજી અનુવાદ પરથી આ અનુવાદ. ગુજરાતી અનુવાદ : જયંતભાઈ મેઘાણી]

 

°°°°°°°°°°°

 

Is it all true then?
My ever-fond one,
Is it true
That my lightning-bright glance
Causes your heart to blaze and thunder
Like a colliding cloud?
Is it true
That sight of my sweet lips,
the reddening of my bride-shy cheeks
Spellbinds you, my ever-fond one?
Is it true
That you find the perennial mandar
Blooming in me forever?
That my ringing feet resound for
you like the veena?
Is it all true?
Is it true
That the dew of night sheds at my sight?
That the dawn light makes all around me glow?
Is it true
That your head swoons at my touch?
That the very breeze seems intoxicated?
Is it all true
My ever-fond one?
Is it true
That day is eclipsed by my black tresses?
That my arms have locked yours till death?
Is it true
That the limits of your universe are
my sari’s border?
That the world shushes at the sound of my voice?
Is it true
That I encompass heaven, earth and
the netherworld
That all three are totally devoted to me
Is it all true
My ever-fond one?
Is it true
That your love has been pursuing me for eons?
Whirling all over the globe to home in me?
Is it true that my speech, glance, lips and tresses
Have caught your eyes eternally?
Is it true
That my beautiful brow is writ for you
All the truths of the infinite?
Is it all true
My ever-fond one?

Loading

રાષ્ટ્રગીતનું ફરજિયાતપણું પાછું ખેંચાયું : જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2018

સર્વોચ્ચ અદાલતે ઉપર-ઉપર ત્રણ ચુકાદાઓ એવા આપ્યા છે જે સેક્યુલર લોકતંત્રની રખેવાળી કરનારા છે.

આ ત્રણેય ચુકાદા સર્વોચ્ચ અદાલતની એક જ બેન્ચે આપ્યા છે એની નોંધ લેવી રહી. પહેલો ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો હતો જેની વાત ગઈ કાલે (11 જાન્યુઆરી 2018) આ કૉલમમાં કરી હતી.

બીજો ચુકાદો મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય વિશેનો છે. બિહારના એક સજ્જને બિહારની પ્રાઇવેટ ચૅનલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને ચૅનલના સંચાલકોને છેક સર્વોચ્ચ અદાલત સુધી ખેંચી ગયો હતો. સર્વોચ્ચ અદાલતે બદનક્ષીનો કેસ ફગાવી દેતાં કહ્યું હતું કે મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ ન મારી શકાય. સંબંધિત વ્યક્તિ બદનક્ષી માટે ફોજદારી કેસ કરી શકે છે, પરંતુ પ્રતિબંધો અને અંકુશો સ્વીકાર્ય ન હોઈ શકે. આપણે ત્યાં મીડિયા આજકાલ કેટલાં સ્વતંત્ર છે એ જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એના પર અંકુશો મૂકવામાં આવે. વાડ (શેરડી) સાથે એરંડો પણ પાણી પીએ છે એવી ગુજરાતીમાં કહેવત છે. ખેતરમાં છોડને પાણી પાવામાં જેમ ભેદભાવ કરવામાં નથી આવતો એમ અભિવ્યક્તિનાં બેવડાં ધોરણો ન હોઈ શકે. મીડિયા બિકાઉ હોય તો પણ એના સ્વાતંત્ર્યનો આદર કરવો જોઈએ અને એને એની બાંયધરી આપવી જોઈએ.

ત્રીજો ચુકાદો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવા વિશેનો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવું કે ન વગાડવું એ સિનેમા હૉલના માલિકોની મુનસફીનો સવાલ છે. તેઓ જો વગાડવા ન માગતા હોય તો કાયદા દ્વારા બળજબરી ન કરી શકાય. સર્વોચ્ચ અદાલતે આમ છતાં કહ્યું છે કે જો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો બીજે કોઈ પણ સ્થળે રાષ્ટ્રગીત વાગે ત્યારે ઊભા થઈને આદર આપવામાં આવે છે એમ સિનેમા હૉલમાં પણ આદર આપવો એ નાગરિકની ફરજ છે. આમાં વૃદ્ધોને અને દિવ્યાંગોને ઊભા ન થવાની છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રગીત વાગે ત્યારે આદર આપવાના પ્રશ્ન વિશે સર્વોચ્ચ અદાલતે બાર સભ્યોની વિવિધ મંત્રાલયોની એક સમિતિની રચના કરી છે જે છ મહિનામાં એની ભલામણો આપશે.

ઉપરના બે ચુકાદાની જેમ આ ચુકાદો પણ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડની બેન્ચે આપ્યો હતો. આમાં મુખ્ય ન્યાયમૂર્તિનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા અને સર્વોચ્ચ અદાલતમાં જજ હતા ત્યારે તેમણે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે દરેકે ઊભા થઈને ફરજિયાત આદર આપવો પડશે એવો ચુકાદો આપ્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે ચુકાદાને ઉલટાવ્યો છે એમાં તેમની સંમતિ છે અને એનું મહત્ત્વ છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ રાષ્ટ્રગીતના વાદનને ફરજિયાત કરતાં કારણ આપ્યું હતું કે ભારતના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસાવવા માટે અને રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા વિકસાવવા માટે આ જરૂરી છે.

આની પૃષ્ઠભૂમિ એવી છે કે દીપક મિશ્રા જ્યારે જબલપુરની વડી અદાલતમાં ન્યાયમૂર્તિ હતા ત્યારે શ્યામ નારાયણ ચોક્સે નામના એક માણસે મધ્ય પ્રદેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે એવી માગણી કરતી એક પિટિશન કરી હતી જેને ન્યાયમૂર્તિ મિશ્રાએ માન્ય રાખી હતી. ન્યાયમૂર્તિ મિશ્રા જ્યારે બઢતી પામીને સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે મોકો જોઈને ચોક્સેએ આખા દેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે એવી અપીલ કરી હતી. યોગનુયોગ નહીં પણ આયોજનપૂર્વક ચોક્સેની અપીલ ન્યાયમૂર્તિ મિશ્રાની અદાલતમાં સુનાવણી માટે આવી હતી અને તેને ભાવતો ચુકાદો મળી ગયો હતો. ન્યાયમૂર્તિ મિશ્રાના પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદની દલીલ સામે અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદો ઉલટાવવો પડે એવી સ્થિતિ પેદા થઈ હતી.

મુખ્ય મુદ્દો એ હતો કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સર્વોચ્ચ અદાલતના આગળના એક ચુકાદાને કારણ આપ્યા વિના ઉલટાવ્યો હતો અને એ પાછો વિશાળ બેન્ચનો ચુકાદો હતો. સિંગલ ન્યાયમૂર્તિ વિશાળ બેન્ચના ચુકાદાને ન ઉલટાવી શકે. વાત એમ હતી કે ૧૯૮૫માં કેરળની એક સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને એમાં દરેક વિદ્યાર્થીએ ઊભા થઈને આદર આપવો જોઈએ એવો આદેશ બહાર પાડ્યો હતો. એ આદેશને ત્રણ યહૂદી વિદ્યાર્થિનીઓએ ધર્મસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના નામે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. ૧૯૮૬માં ન્યાયમૂર્તિ ઓ. ચિનપ્પા રેડ્ડીના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે વિદ્યાર્થિનીઓના વાંધાને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય એ મૂળભૂત સ્વાતંત્ર્ય છે અને એમાં મૂંગા રહેવાનો પણ સમાવેશ થાય છે. મૂંગા રહેવું એ પણ અભિવ્યક્તિ છે. બેન્ચે બીજો અભિપ્રાય એ આપ્યો હતો કે ઊભા રહેવું એ સભ્યતા છે અને એ સભ્યતાના આદેશ ન હોય.

તો પહેલો અને મોટો વાંધો એ હતો કે ન્યાયમૂર્તિ મિશ્રાએ સર્વોચ્ચ અદાલતનો ત્રણ જજોની વિશાળ બેન્ચનો ચુકાદો ઉલટાવ્યો હતો જેનો તેમને અધિકાર નથી. બીજું, રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા એટલે શું? કોણ નક્કી કરશે? બંધારણમાં કોઈ જગ્યાએ રાષ્ટ્રવાદ અને એના પરત્વેની પ્રતિબદ્ધતાની કોઈ વ્યાખ્યા છે? વ્યાખ્યા નથી તો એના આચરણ વિશેના ખુલાસા પણ નથી મળવાના. રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને આચરણ વિશેના માર્ગદર્શનના અભાવમાં શું દેશપ્રેમના ઠેકેદારોને પ્રતિબદ્ધતાની વ્યાખ્યા કરવાનો અને પ્રતિબદ્ધ ન હોય એને ઠોકવાનો અધિકાર આપવાનો? કહેવાતા દેશપ્રેમી સમાજકંટકો કાયદો હાથમાં ન લે એ માટે શું ભારતમાં પ્રત્યેક સિનેમાઘરમાં પોલીસ મૂકવામાં આવશે? કોઈ માણસ ઉંમર કે આરોગ્યના નામે ઊભો ન રહે તો તે સાચું બોલે છે કે ખોટું એ નક્કી કરવા દરેક સિનેમાઘરમાં એક ડૉક્ટર રાખવામાં આવશે? ન્યાયમૂર્તિ મિશ્રાનો દેશપ્રેમનો એ વાહિયાત ચુકાદો હતો જેને સર્વોચ્ચ અદાલતના બાળચુકાદા તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.

ઘણા માણસો જીવનભર ઓળખનું વળગણ લઈને જીવતા હોય છે અને ઓળખનું રાજકારણ કરનારાઓ એનો લાભ લે છે. કોઈને જ્ઞાતિપ્રેમનું વળગણ હોય છે, કોઈને ધર્મનું હોય છે, કોઈને પ્રાંત અને ભાષાનું હોય છે અને કોઈને દેશપ્રેમનું વળગણ હોય છે. એની વાત આવે ત્યારે તેઓ ભાન ભૂલીને ગળગળા થઈ જતા હોય છે. અનુ કપૂર એક જમાનામાં અંતાક્ષરી કે એવા કોઈ કાર્યક્રમનું ઍન્કરિંગ કરતો હતો. એમાં કોઈ પાર્ટિસિપન્ટ દેશભક્તિનું ગીત ગાય તો અનુ કપૂર ગદ્ગદ થઈને રડી પડતો. ધીરે-ધીરે સ્પર્ધકોને સમજાઈ ગયું હતું કે જો વધારે સમય અને વધારે અટેન્શન જોઈતું હોય તો દેશભક્તિ ફાયદાકારક છે. અનુ કપૂરની માફક દેશભક્તિ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની નબળાઈ છે એ મધ્ય પ્રદેશનો શ્યામ નારાયણ ચોક્સે જાણતો હતો એટલે દીપક મિશ્રાની પાછળ-પાછળ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો હતો.

જજોનું કામ સભ્યતા અને સંસ્કારનું રક્ષણ કરવાનું નથી, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. જો કોઈ અસભ્ય વર્તન કરશે તો તેવા માણસને દંડવા માટે કાયદાઓ છે. એને માટે સર્વોચ્ચ અદાલતે જહેમત ઉઠાવવાની જરૂર નથી. બીજું, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત એ અવ્યવહારુ દેશપ્રેમ છે. જ્યારે દેશપ્રેમને સરકારનિષ્ઠા, મોદીનિષ્ઠા, હિન્દુિનષ્ઠા અને સંઘનિષ્ઠામાં કુંઠિત કરવામાં નહોતો આવ્યો અને દેશપ્રેમ મોકળાશ અનુભવતો હતો એ જમાનામાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. પૂછી જુઓ તમારાં મમ્મી-પપ્પાને. એની શરૂઆત જવાહરલાલ નેહરુ નામના ‘દેશદ્રોહી’એ કરી હતી. પાછળથી ધ્યાનમાં આવ્યું હતું કે દેશપ્રેમના વિકાસ માટે સિનેમાઘરો યોગ્ય સ્થાન નથી અને ઊલટું રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન થાય છે. લોકો ધી એન્ડનું સૂચન આવે એ પહેલાં જ ભાગવા માંડતા હતા. કેન્દ્ર સરકારે (ઘણું કરીને જનતા પાર્ટીની સરકારે) સમજીને એ આદેશ પાછો ખેંચી લીધો હતો જે રીતે નરેન્દ્ર મોદીની સરકારે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને ચુકાદો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

રહી વાત ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના દેશપ્રેમની તો આપણી અપેક્ષા તેમની પાસે બંધારણપ્રેમની છે. જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જાન્યુઆરી, 2018

Loading

...102030...3,1963,1973,1983,199...3,2103,2203,230...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved