Opinion Magazine
Number of visits: 9583862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટેલિવિઝન શ્રેણી ‘સંવિધાન’ : આપણી લોકશાહીમાં સર્વોપરી બંધારણનો નાટ્યરૂપ સર્વાંગી પરિચય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|27 January 2018

શ્યામ બેનેગલના દસ સુંદર એપિસોડસ બંધારણનાં ઇતિહાસ, ઘડતર અને મહત્તા બતાવે છે

પ્રજાસત્તાક દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું એવી સામાન્ય માહિતી આપણે ત્યાં હોય છે. પણ આ બંધારણ કેટલી મહત્ત્વની ઘટના છે તેનો ઓછો ખ્યાલ હોય છે. આજે આ દેશના લોકોનો એક હિસ્સો એક રાજકીય વ્યવસ્થા થકી ધોરણસરની જાહેર સેવાઓ, સુખાકારી, સલામતી , શિક્ષણ, અધિકાર અને સ્વાતંત્ર્ય ભોગવી રહ્યો છે. તે વ્યવસ્થામાં  ખરેખર કાર્યરત સ્ત્રી-પુરુષોનો જેટલો ફાળો  છે તેટલો જ તે વ્યવસ્થા પાછળનાં વૈચારિક માળખાનો છે. આ માળખાનું નક્કર શબ્દરૂપ તે આપણું બંધારણ. જો કે મોટાભાગના લોકો પાસે બંધારણ  વિશે શાળાનાં નિરસ પાઠ્યપુસ્તકોમાંથી મળેલી સાવ પાંખી માહિતી હોય છે. આવા માહોલમાં શ્યામ બેનેગલની દૂરદર્શન શ્રેણી ‘સંવિધાન’ આપણાં રાજ્ય બંધારણને ભારતીય લોકશાહીના મહાન માનવતાવાદી આધુનિક  નાગરિક ગ્રંથ તરીકે અત્યંત મનોહર રીતે ઊઘાડી આપે છે.

રાજ્યસભા ચૅનલની આ લઘુ-શ્રેણીનું સ્વરૂપ પદ્મભૂષણ બેનેગલે આ પહેલાં બનાવેલી ‘ભારત એક ખોજ’ નામની ડૉક્યુ-ડ્રામા શ્રેણી જેવું જ છે. અહીં બંધારણના ઇતિહાસને તેની રચના સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને અને તેના સમયગાળાને નાટ્યાત્મક રીતે રિક્રિએટ કે રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યા છે, એટલે કે ફરીથી ઊભા કરવામાં આવ્યા છે. અલબત્ત હાર્દ છે તે બંધારણ સમિતિ અને તેની પેટા સમિતિઓએ કરેલી જાહેર ચર્ચાઓ (જે ડિબેટસ ઇન ધ કૉન્સ્ટિટ્યૂઅન્ટ ઍસેમ્બ્લી તરીકે શબ્દશ: ગ્રંથશ્રેણી રૂપે પ્રસિદ્ધ થઈ છે). તે નાના પડદે પાત્રો થકી  જીવંત થાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર તરીકે મરાઠી અભિનેતા સચીન ખેડેકર ખૂબ અસરકારક છે, ગાંધી-નહેરુ-સરદાર તરીકે અનુક્રમે નીરજ કબી, દિલિપ તાહિલ અને ઉત્કર્ષ મજુમદાર આવે છે. મૌલાના આઝાદ છે ટૉમ આલ્ટર, જિન્હા નરેન્દ્ર ઝા, હંસા મહેતા ઇલા અરુણ અને રાજકુમારી અમૃત કૌર રાજેશ્વરી સચદેવ છે. બંધારણ સભાના સો કરતાં વધુ જાણીતા અને સાવ અજાણ્યા સભ્યો, સભામાંના સહાયકો, અંગ્રેજ અમલદારો, પત્રકારો વગેરે થઈને કુલ સવાસોથી વધુ ઐતિહાસિક પાત્રો પ્રતીતિજનક વરણવેશ સાથે પ્રત્યક્ષ થાય છે. સંસદનો સેન્ટ્રલ હૉલ મુંબઈના ફિલ્મ સિટીમાં ઊભો કરવામાં આવ્યો હતો. દરેક એપિસોડમાં સૂત્રધાર તરીકે લાવણ્યવતી કલાકાર સ્વરા ભાસ્કર મોહક અને પ્રભાવશાળી બને છે. તેણે પ્રવાહી  રીતે રજૂ કરેલ માહિતી તેમ જ  પાત્રોના સંવાદો સહિતની આખી શ્રેણીની સંશોધનપૂર્ણ સ્ક્રિપ્ટ શમા ઝૈદી અને અતુલ તિવારીની છે. શ્રેણીના સંવાદોને મૂળ ડિબેટસ સાથે સરખાવતા મહત્તમ વિશ્વસનીયતા તો દેખાય જ છે, પણ સાથે મુખ્ય કલાકારોની મહેનત પર માન ઊપજે  છે. શંતનુ મોઇત્રાના સંગીતમાં એક આકર્ષક  સિગ્નેચર ટ્યૂન છે. તદુપરાંત ‘જનગણ મન’, ‘વંદે માતરમ’ અને ‘સારે જહાં સે અચ્છા’ રચનાઓની શબ્દ વિનાની ધૂન પાર્શ્વસંગીત તરીકે છે. બંધારણની મૂળ હસ્તલિખિત આવૃત્તિના કલામય પાનાનાં ક્લોઝઅપ્સ મળે છે. 20 ફેબ્રુઆરી 2014 ના રોજ શરૂ થયેલી આ શ્રેણીના પચાસ મિનિટના એપિસોડ દર શનિવારે રાજ્ય સભા ચૅનલ પર બતાવવામાં આવે છે. તેમાં દરેક ફ્રેમ પર થયેલું કામ અને એકંદર ફિનિશિંગ લાજવાબ  છે.

અલબત્ત,આ શ્રેણીની નિર્માણ ગુણવત્તા કરતાં તેની તેના વૈચારિક વ્યાપ અને લોકશિક્ષણના પાસાં પર વધુ ધ્યાન આપવા જેવું છે. આરંભે જ સૂત્રધાર કહે છે : ‘યહ કોઈ આમ કિતાબ નહીં, યહ પ્રતીક હૈ અપને મુલ્ક કા … પુરાની રિતીયોંકો તોડકર આગે ચલને કે લિએ કિસી પૂરાને કાનૂન સે તો કામ નહીં ચલતા હૈ, ઇસિલિએ હમારે પુર્ખોંને બનાયા થા હમારા સંવિધાન …. યહ આયના હૈ જિસકો દેખકર હમ ખુદકો પહચાન પાતે હૈ, ઔર સંવાર ભી સકતે હૈ … યહ કૈસે બના, કબ બના, કિસ કિસને બનાયા ઔર ક્યૂ બનાયા …’ એટલે કે પહેલા એપિસોડમાં બંધારણ સભાની રચના અને તેના પહેલાંના દોઢેક દાયકાની વાત છે. તેનું હિન્દી નામ છે ‘કેબિનેટ મિશન સે ઉદ્દેશ એવં પ્રસ્તાવ તક’. બીજા ભાગમાં ‘વહેંચાયેલા વારસા’ તરીકે મળેલી આઝાદીને લગતા બનાવો બંધારણ ઘડતરના સંદર્ભમાં વર્ણવાયા છે. પછીના બે ભાગમાં ભારતના બંધારણની એ દેણની વાત છે જેની કેટલાક નાગરિકોને ભાગ્યે જ કિંમત છે. ત્રીજા ભાગનું સૂચક નામ છે ‘રાઇટિંગ ફન્ડામેન્ટલ રૉન્ગ્સ વિથ ફન્ડામેન્ટલ રાઇટ્સ’ (મૂલ અંધકાર સે મૂલ અધિકાર તક) અને ચોથો ભાગ ‘નાગરિકોં કે અધિકાર, કર્તવ્ય તથા શાસન કે સિદ્ધાન્ત’. આપણાં બંધારણનાં બે બહુ ઉજળાં પાસાં ઉજાગર કરનારા ભાગ છે : ‘નિર્બલ કે બલ : અલ્પસંખ્યકોં, મહિલાઓ ઔર પિછડોં કે અધિકાર’ અને ‘કિસકી જમીન : ભૂમિસુધાર ઔર અધિગ્રહણ’. સાતમો ભાગ એક સવાલ પર છે : ‘સંપર્ક ભાષા : હિન્દી યા હિન્દુસ્તાની?’ તે પછી સમવાય તંત્ર એટલે કે ફેડેરલિઝમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્યના આંતરસંબંધોની વાત છે. નવમો ભાગ વહીવટી, કારોબારી અને ન્યાયતંત્ર  એવા લોકશાહીના ત્રણ  સ્તંભો વિશે છે. છેલ્લા ભાગમાં બંધારણના એ પ્રિઍમ્બલ અથવા આમુખના ભવ્યોદાત્ત દર્શનની છણાવટ છે. ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા ….’થી શરૂ થતું આ આમુખ દરેક ભારતીય નાગરિકે હૈયે વસાવવા જેવું છે. આ ભાગમાં બંધારણની પ્રશંસાની સાથે તેની કડક ટીકા કરતાં વક્તવ્યોનાં અંશો પણ સમાવી લેવામાં આવ્યા છે. સાથે લોકો અને લોકપ્રતિનિધિઓ માટે બે ચેતવણીઓ મહત્ત્વની છે. 1946ના ડિસેમ્બરમાં જગજીવનરામની આગેવાની હેઠળ બંધારણ સભાના કેટલાક સભ્યો ગાંધીજીને મળવા ગયેલા. બાપુએ કહ્યું હતું : ‘ હમ ચાહે દુનિયા કા સબસે સુંદર સંવિધાન ક્યું ન બનાયે પર  વો ભી બેકાર સાબિત હોગા અગર ઉસે અમલ મેં લાનેવાલે લોગ નાખુશ હો …’  આંબેડકર તેમનાં આખરી ભાષણમાં કહે છે કે આપણાં ધ્યેયો હાંસલ કરવા માટે આપણે સવિનય કાનૂનભંગ જેવા ગેરબંધારણીય રસ્તા છોડવા પડશે, વ્યક્તિપૂજાને છોડવી પડશે;  અને માત્ર રાજકીય જ નહીં પણ સ્વાતંત્ર્ય-સમાનતા-બંધુતા અને સામાજિક ન્યાયને વરેલી સામાજિક આઝાદી માટે મથવું પડશે.

‘સંવિધાન’માં ડિબેટ્સ્ જોવી સાંભળવી પ્રેરક અને રોચક બને છે. વક્તાઓની સજ્જતા, રજૂઆતની ગરિમાપૂર્ણ રીત, વ્યાપક હિતમાં પોતાનો પ્રસ્તાવ પડતો મૂકવાની તૈયારી, ટીકા તરફની સહિષ્ણુતા, કડવાશ વિનાના કટાક્ષ, વેર વિનાનું હાસ્ય, કેન્દ્રવર્તી ઉદારમતવાદી લોકતરફી અભિગમ જેવી કેટલી ય બાબતો જાહેર સંસદીય ચર્ચાનો પદાર્થપાઠ પૂરો પાડે છે. પછીનાં વર્ષોમાં આપણા લોકપ્રતિનિધિઓની રીતભાત કઈ હદે કથળી છે તે પણ તેમાંથી સમજાય છે. વધુ મહત્ત્વની વાત તો એ છે કે આપણે આજે જે બાબતોને ટેકન-ફૉર-ગ્રાન્ટેડ ગણીએ છીએ તેમના શબ્દ શબ્દ પાછળ કેટલી દિલી બહેસ થઈ છે. ફન્ડામેન્ટલ રાઇટસ, અનટચેબિલિટી, સેક્સ ઍન્ડ જેન્ડર, સેડિશન જેવા શબ્દોને લગતી ચર્ચાઓ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આમ તો શ્યામ બેનેગલ અને તેની ટુકડીએ આપેલી આ આખી ય શ્રેણી ધ્યાનથી વારંવાર જોવા-બતાવવાની જરૂર છે. એટલે જ્યારે વંચિતો, સ્ત્રીઓ, ખેડૂતો, દલિતો, વિજ્ઞાન, બહુવિધતા, માનવતાનો વિરોધ કરતાં પરિબળોને જવાબ આપવાનો થાય ત્યારે આત્મવિશ્વાસથી કહી શકાય કે તમે ખોટા છો. આપણે જે દેશના લોકો છીએ તે દેશે સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા અને સામાજિક ન્યાયના સિદ્ધાન્તોથી પ્રકાશતું બંધારણ સ્વીકારેલું છે. પ્લીઝ એક વખત યુ-ટ્યુબ પર જઈને જુઓ તો ખરા !

+++++

25 જાન્યુઆરી 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 જાન્યુઆરી 2018

Samvidhaan – Episode 01 to 10

01 : https://www.youtube.com/watch?v=0U9KDQnIsNk

02 : https://www.youtube.com/watch?v=TVz6qKbYBmE

03 : https://www.youtube.com/watch?v=5XK89zSgK8o

04 : https://www.youtube.com/watch?v=JCgyzXe1cbU

05 : https://www.youtube.com/watch?v=6R5tLBNZZAQ

06 : https://www.youtube.com/watch?v=DO1WAwdEE0g

07 : https://www.youtube.com/watch?v=LNjgpTQe2Tc

08 : https://www.youtube.com/watch?v=CaEIoAql_XU

09 : https://www.youtube.com/watch?v=aJ2PCdzUtmQ

10 : https://www.youtube.com/watch?v=9MYY4SXEGCE

 

Loading

પ્રજાસત્તાકને ટોળાંસત્તાકમાં ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે તમે કોની સાથે છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 January 2018

૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે દિવસોમાંથી કયો દિવસ વધુ મહાન, એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો મારો જવાબ છે ૨૬ જાન્યુઆરી. કારણ?

કારણ કે ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી હતી અને ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ ભારતની પ્રજાને એટલે કે મને અને તમને આઝાદી મળી હતી. પહેલી આઝાદી સત્તાંતરણના સ્વરૂપની હતી જેમાં અંગ્રેજોએ સત્તા ભારતના નેતાઓને સોંપી હતી. અંગ્રેજો એને ટ્રાન્સફર ઑફ પાવર તરીકે ઓળખાવતા હતા.

ભારતમાં સત્તાંતરણ પહેલી વાર નહોતું થયું. બે-અઢી હજાર વરસના રાજકીય ઇતિહાસમાં સેંકડો વખત અને કદાચ હજાર કરતાં વધુ વખત ભારતમાં સત્તાંતરણ થયું હશે. એક રાજાના હાથમાંથી બીજો રાજા રાજ છીનવી લે એ સત્તાંતરણ હતું, પણ એ સત્તાંતરણને આઝાદી તરીકે ઓળખાવવામાં નહોતું આવતું, વિજય તરીકે ઓળખાવવામાં આવતું હતું. શૂરવીર રાજવીઓ સત્તા આંચકી લઈને પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા હતા અને સમ્રાટ તરીકે પોતાને સ્થાપિત કરતા હતા. અશોકથી લઈને અકબર સુધીના શાસકો સમ્રાટ હતા, લોકનેતા નહોતા. ઇતિહાસમાં કોઈ શાસકે આઝાદી શબ્દ વાપર્યો પણ નથી. છત્રપતિ શિવાજી મહારાજ પહેલા શાસક હતા જેમણે ઈસવી સન ૧૬૪૫માં હિન્દવી સ્વરાજ (હિન્દીઓનું અર્થાત ભારતીયોનંી સ્વરાજ) એવો શબ્દ વાપર્યો હતો. શિવાજી મહારાજ મધ્યકાલીન યુગના સૌથી મહાન ભારતીય હતા, પણ હિન્દુત્વવાદીઓએ હિન્દવી સ્વરાજને હિન્દુઓનું સ્વરાજ બનાવીને પોતાના જેવડા નાના બનાવી દીધા છે. અત્યારે બિચારા સરદાર પટેલ હાથમાં સપડાયા છે.

તો પછી ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટના સત્તાંતરણને આઝાદી તરીકે કેમ ઓળખાવવામાં આવી રહ્યું છે? કારણ કે એમાં ભારતની પ્રજા સાથે એક પવિત્ર વાયદો હતો. વાયદો એવો હતો કે ભારતની પહેલી પેઢીના શાસકો સત્તા મળતાંની સાથે બનતી ત્વરાએ એને લોકો સુધી પહોંચાડશે. સત્તાના લાભ નહીં, સત્તા સ્વયં. પ્રજાએ તેમના પર ભરોસો મૂક્યો હતો અને સત્તાંતરણ માટેની લડાઈમાં નેતાઓને સાથ આપ્યો હતો. એ પ્રજાકીય લડત હતી એટલે એને આઝાદી તરીકે ઓળખાવવામાં આવે છે. ભારત પર વિદેશીઓનું શાસન હતું એ મુખ્ય કારણ નહોતું. જો એમ હોત તો અઢારમી અને ઓગણીસમી સદીમાં સ્વદેશી શાસકો (પેશવાઓ, હૈદર, ટીપુ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે) જ્યારે વિદેશી અંગ્રેજો સામે લડતા હતા ત્યારે ભારતની પ્રજાએ સ્વદેશી શાસકોને મદદ કરવી જોઈતી હતી. એવું બન્યું નહોતું, કારણ કે પ્રજાકીય આઝાદી નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે એની ભારતના લોકોને હજી જાણ નહોતી.

ભારતને આઝાદી મળી એ પછી જગતના બીજા સો કરતાં વધુ દેશોને આઝાદી મળી હતી અને એમાં ઘણા એવા દેશો હતા જેની આઝાદી પ્રજાકીય આઝાદી હતી અર્થાત પ્રજાએ નેતાઓ સાથે મળીને લડીને મેળવેલી આઝાદી હતી. કેવાં મહાન વર્ષો હતાં એ! પરંતુ એ પછી વિશ્વાસઘાતનો યુગ શરૂ થયો હતો. પહેલી પેઢીના નેતાઓએ સત્તા મેળવ્યા પછી સત્તા લોકો સુધી પહોંચાડવામાં આડોડાઈ કરી હતી. સત્તાના લાભ મળે છેને, સત્તા અર્થાત સ્વતંત્રતા સાથે શું કામ છે? લાભ મેળવો અને રાજી રહો, શાસકોની સરમુખત્યારી સામે સવાલ નહીં ઉઠાવવાનો. જો વધારે અસંતોષ પેદા થાય તો ધર્મ, વંશ, ભાષા, જ્ઞાતિ કે બીજી અસ્મિતાઓનો ઉપયોગ કરવાનો અને આપણી અસ્મિતા (એટલે કે બહુમતી કોમની અસ્મિતા) ખતરામાં છે એની બુમરાણ મચાવવાની. જો કોઈ વધારે ટેં-ટેં કરે તો તેને દેશદ્રોહી, ધર્મદ્રોહી કે જે કોઈ અસ્મિતાનો ઉપયોગ કરવામાં આવતો હોય એ અસ્મિતાનો દ્રોહી હોવાની ગાળો આપવાની. (ચતુર વાચકને સમાનતા નજરે પડતી હશે.)

તો ગઈ સદીમાં જગતના સોએક દેશોમાં પહેલી પેઢીના શાસકોએ આઝાદીના નામે સત્તા મેળવ્યા પછી સત્તાને લોકો સુધી પહોંચાડવામાં આડોડાઈ કરી હતી, પરંતુ ભારત એમાં અપવાદ છે. ભારતના પહેલી પેઢીના શાસકોએ હજી ભારતને આઝાદી મળે એ પહેલાં સત્તાને લોકો સુધી પહોંચાડવા માટેની તજવીજ શરૂ કરી દીધી હતી. છેક ૧૯૪૦માં કનૈયાલાલ મુનશીને ગાંધીજીએ જગતના લોકશાહી દેશોનાં બંધારણોનો તુલનાત્મક અભ્યાસ કરીને એક નોટ બનાવવાનું કહ્યું હતું. ૧૯૪૬માં બંધારણસભાની સ્થાપના કરવામાં આવી હતી. નિસરણી જેવા અને ભેદભાવમાં માનનારા સમાજને આઝાદી મળે અને ઉપરથી પ્રજાને સત્તા આપવામાં આવે એનો સૌથી વધુ ભય દલિતો અનુભવતા હતા. યાતનાઓનો લાંબો ઇતિહાસ અને કંપાવનારો વર્તમાન તેમની સામે હતો. એટલે તો તેઓ આઝાદીના આંદોલનમાં ભાગ નહોતા લેતા, બલકે ભારતને આઝાદી મળે એનો વિરોધ કરતા હતા. ભેદભાવમાં માનનારો પરંપરાગત સમાજ આધુનિક રાજ વિકસાવી શકે એ વાતે તેમને ભરોસો નહોતો બેસતો.

દલિતોને આશ્વસ્ત કરવા મહાત્મા ગાંધીએ ડૉ. આંબેડકરને જ કહ્યું હતું કે બંધારણનો મુસદ્દો તમે તૈયાર કરો. છેવાડાના માણસને ન્યાય આપનારું બંધારણ ઘડો. એવું બંધારણ ઘડો જેમાં સત્તાના લાભ છેવાડાના માણસ સુધી તો પહોંચે જ, પરંતુ છેવાડેનો માણસ સત્તામાં ભાગીદાર બને. માત્ર લાભ નહીં, સત્તા સ્વયં. બીજા દેશોમાં આવું નહીં બન્યું અને ભારતમાં બન્યું, કારણ કે ભારતમાં ગાંધીજી હતા. ગાંધીજીને બ્રાહ્મણની બ્રાહ્મણશાહી, મરાઠાની મરાઠાશાહી, હિન્દુની હિંદુશાહી, મુસલમાનની મુસ્લિમશાહી, આર્યોની આર્યશાહી, દ્રવિડોની દ્રવિડશાહી વગેરે તમામ શાહીઓ ભારતની નાગરિકશાહીમાં વિલીન થઈ જાય એની સામે જરાય વાંધો નહોતો. બધી જ અસ્મિતાઓ આથમી જાઓ, ભારતના નાગરિકની અસ્મિતા અમર તપો એવી ગાંધીજીની ભૂમિકા હતી.

આજકાલ આખો દેશ ગાંધીજીને શા માટે ધિક્કારે છે એનો જવાબ અહીં મળી જશે. ગાંધીજીએ તમામ અસ્મિતાશાહીઓને ઢીલી પાડી દીધી હતી અને કોઈ પણ પ્રકારની સામૂહિક ઓળખ વિનાની નાગરિકશાહી સ્થાપી આપી હતી એ વાતે આપણને પેટમાં દુખે છે. આપણને હિન્દુ બનીને રહેવું છે, બ્રાહ્મણ બનીને રહેવંુ છે, મરાઠા બનીને રહેવું છે, મરાઠી કે ગુજરાતી બનીને રહેવું છે, દ્રવિડ કે આર્ય બનીને રહેવું છે જેમાં આ માણસ આડો આવે છે.

તો આપણી પહેલી પેઢીના શાસકોએ પ્રજા સાથે પવિત્ર વાયદો કર્યો હતો કે ભારતને આઝાદી મળતાંની સાથે જ સત્તાને લોકો સુધી પહોંચાડશે અથવા લોકોને સત્તામાં ભાગીદાર બનાવશે. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ વાયદો નિભાવવામાં આવ્યો હતો અને ભારત પ્રજાસત્તાક બન્યું હતું. પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા, પણ એ સમૂહની નહીં વ્યક્તિની. ભારતીય રાજનું મૂળભૂત એકમ વ્યક્તિ છે, સમૂહ નથી. ભારતમાં નાગરિક આઝાદ છે, નાગરિક સાવર્ભૌજમ છે, નાગરિક મતના અધિકાર દ્વારા સત્તાધીશ છે, નાગરિકની સુરક્ષા એ રાજ્યની પવિત્ર ફરજ છે, નાગરિકના નાગરિક અધિકારોના રક્ષણની વિશેષ જવાબદારી સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે, આમ નાગરિક સર્વસ્વ છે.

પરંતુ આ તો ગાંધીજી, નેહરુ અને ડૉ. આંબેડકરની કલ્પનાના ભારતની વાત થઈ. આ ભારતના બંધારણમાં રેખાંકિત ભારતની વાત થઈ, વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા વરવી છે અને હવે તો ડરાવનારી છે. હરિયાણામાં ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરનારા રાજપૂતોએ સ્કૂલ-બસ પર હુમલો કર્યો એ એનું પ્રમાણ છે, પણ એની વાત હવે પછી, ક્યારેક.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જાન્યુઆરી 2018

Loading

ચાલો રમીએ ગાંધી ગાંધી

આશા બૂચ|Opinion - Opinion|27 January 2018

અમે નાનાં હતાં ત્યારે ચોમાસાની ઋતુમાં, નાના ખબોચિયાંમાં પાણી ભરાય, ત્યારે કાગળની હોડી બનાવીને ‘ચાલોને ચાલોને રમીએ હોડી હોડી’ ગાતાં કલાકો સુધી એ અંત્યત સામાન્ય લાગતી રમતનો આનંદ માણતાં. જ્યારે ‘ચાલોને રમીએ ગાંધી ગાંધી’ એવા શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ જાણ્યું ત્યારે સહેજે ઉસ્તુક્તા થઈ.

સ્વાતંત્ર્ય સંગ્રામનાં વર્ષો દરમ્યાન ભારતને રાજકીય આઝાદી મળે તેની સાથે સાથે સદીઓથી પછાત રહી ગયેલા સમાજનું ઉત્થાન કરવાના પ્રયાસો રચનાત્મક કાર્યક્રમો દ્વારા શરૂ થયેલા. ગુજરાતના રાની પરજ વિસ્તારમાં જુગતરામ દવેએ ધૂણી ધખાવી અને એ વિસ્તારના અનેક યુવક-યુવતીઓને ગ્રામોદ્ધાર માટે કટિબદ્ધ કર્યા. સદ્નસીબે મોટા ભાગના તાલીમ પામેલા કાર્યકરો કહેવાતા ‘વ્હાઇટ કોલર જોબ’ મેળવવા આજુબાજુના શહેરોમાં ભાગી ન ગયા, અને એ સમગ્ર વિસ્તારમાં તારા મંડળની માફક છવાઈ ગયા. આદિવાસીઓ અને હળપતિ, ગામીતોની વચાળે પલાંઠી વાળી બેસી ગયા. એવા જ એક સંગઠને એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું તે વિષે જાણીએ.

વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ મારફત શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, સર્વોદય, ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા સામાજિક ઉત્થાનના પ્રયત્નો જુગતરામકાકાનાં મૂલ્યોને સાચવીને સ્થપાયેલી સંસ્થાઓ દ્વારા ચાલે છે. અનેક ગાંધીજનોએ એ સંસ્થાની ધુરા સંભાળી અને રચનાત્મક કાર્યો કર્યાં. આજે એ વિસ્તારની કાયા પલટ થઇ ગઈ છે. સ્વ. બાબુભાઇ શાહ તેમાંના એક સક્રિય ગાંધીજન કે જેમણે ગાંધી ચિંધ્યા માર્ગે આ કાર્યોને આગળ ધપાવ્યાં. ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજના પાછળ રહી ગયેલા વર્ગને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસો આજીવન કર્યા. પોતાના નિકટના સ્વજનને તર્પણ આપવાની રીત વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. બાબુભાઈના નિકટતમ પરિવારજનો અને આ કાર્યની મશાલને જીવંત રાખનાર પૂરેપૂરી સેના તેમની પુણ્યતિથિને દર વર્ષે અનોખી રીતે ઉજવે છે. આ વર્ષે તા. 8મી જાન્યુઆરીએ તેમને યાદ કરી ગાંધી વિચારને પ્રાથમિક શાળાના બાળકોને રમતાં રમતાં સમજાવવાનો કાર્યક્રમ એટલે ‘ચાલોને રમીએ ગાંધી ગાંધી’.

વાલોડ તાલુકાની આઠ પ્રાથમિક શાળાના લગભગ 540 બાળકોને બે એક મહિના અગાઉ ગાંધીજી વિષે નાની નાની પુસ્તિકાઓ આપવામાં આવેલી અને તેમાંથી શક્ય તેટલું વધુ વાંચી જવા સૂચવેલું.

વિદ્યાર્થીઓના એ અભ્યાસના પરિપાકરૂપે કાર્યક્રમને દિવસે કેટલાંક બાળકોએ ગાંધીજી વિષે વાંચન કરેલ પુસ્તકનો પરિચય આપ્યો, કેટલાકે પૂજ્ય બાપુના જીવન પ્રસંગોની નાટ્ય સ્વરૂપે ભજવણી કરી, તો વળી ચિત્ર સ્પર્ધા, ગાંધી કવીઝ, સુલેખન, એકપાત્રીય અભિનય અને ગાંધી ગીતોનો પણ સમગ્ર દિવસના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. સહુથી વધી દિલને આનંદ આપી જાય તેવી એક પ્રવૃત્તિ એ હતી કે ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંના કેટલાકે ગાંધીજી જેવો વેશ પરિધાન કર્યો અને સહુ શ્રોતાઓ સમક્ષ આવ્યા અને વિદ્યાર્થી શ્રોતાઓએ એ ‘ગાંધી’ બનેલા એક એક પાત્રને ગાંધીજીના જીવન-કાર્ય વિષે પ્રશ્નો પૂછયા, જેના એ બાળ અભિનેતાઓએ પોતાની જ સૂઝ બુઝથી સુંદર ઉત્તરો આપ્યા.

કાર્યક્રમની સમાપ્તિ બાદ એ નાનકડા ગાંધીઓમાંના કેટલાકે કહ્યું કે ‘હું ગાંધી બનીને આવી રીતે બધાના પ્રશ્નોનો જવાબ આપી શકું એ મારુ સદ્ભાગ્ય છે. મને કદીયે એવી કલ્પના નહોતી કે હું ગાંધીજી વિષે આટલું જાણી શકું અને આ રીતે બીજાના પ્રશ્નોના ઉત્તર પણ આપી શકું. મને તેનાથી ઘણું જાણવા-સમજવાનું મળ્યું.’

‘ગાંધી’ બનેલ વિદ્યાર્થીઓની ઉત્તર આપતી વખતની મૌલિકતા સહુને સ્પર્શી જાય તેવી હતી. અહીં એ વાતની નોંધ લેવી યોગ્ય થશે કે આ સમગ્ર કાર્યક્રમનું શૈક્ષણિક મૂલ્ય પરીક્ષામાં કેટલા ગુણ મેળવીને પાસ થયા તેવી રોકડિયા મૂલ્યાંકન પદ્ધતિથી ન થઈ શકે. સારાયે પ્રકલ્પની કલ્પના જેમના દિમાગમાં સ્ફૂરી એ તરલાબહેનનો પ્રતિભાવ ઘણું કહી જાય છે. તેમને પ્રતીતિ થઈ કે એ તમામ પ્રવૃત્તિઓમાં  વિદ્યાર્થીઓએ ખરા દિલથી તેમને આપવામાં આવેલ સાહિત્યનું દરેકે પોતાની શક્તિ અને સમજ મુજબ પઠન કર્યું, તેમાંથી ઘણું સમજ્યા અને એવી શ્રદ્ધા જન્માવી ગયા કે એ બધી વાતો આજના આ નાનકડા બાળકો, જે આવતી કાલના નાગરિકો છે તેમનામાં દ્રઢ થઇ ગયેલી છે અને તે જરૂર તેમને સાચો રાહ બતાવશે.  

આ અનોખી રમતમાં કસ્તૂરબા અધ્યાપન મંદિર – બોરખડીની 60 તાલીમાર્થી બહેનોએ હાજરી આપેલી. ખૂબીની વાત એ  છે કે કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્દથી માંડીને એ વિસ્તારના રચનાત્મક કાર્યો અને તેને સંલગ્ન સંસ્થાઓનું સંચાલન કરનાર હોદ્દેદારો હાજર રહેલા; છતાં કોઈ મોટા પ્રવચનો ન અપાયાં, કોઈ શિખામણની પીરસણી ના થઈ કે ન તો કોઈએ  દંભ-દેખાડો કરીને પોતાના કાર્ય અને સિદ્ધિઓનાં બણગાં ફૂંકાયાં. જાણે એ સૌ અનુભવીઓ આ નવી પેઢીને ગાંધીના જીવન અને કાર્યનું સાચું દર્શન થાય તેમાં માર્ગદર્શન આપવા જ હાજર રહેલા.

આમ લગભગ 600 વિદ્યાર્થીઓ અને તાલીમાર્થી બહેનોએ સાથે મળીને આખો દિવસ ગાંધીને માણ્યા. સાથે આંખ નિદાન કેમ્પ પણ યોજાયેલો જેમાં લગભગ 215 દર્દીઓને તપાસાયા. 41 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે તેજસ હોસ્પિટલ માંડવી લઈ જવાયા.

કોઈ ફળાઉ વૃક્ષ કે ફૂલછોડની જાત સુધારવી હોય તો તેની કલમ સારી કરવી જોઈએ. તેમ જો કોઈ સમાજની વિચારધારાને સુધારવી હોય તો તેની ઉછરતી પેઢીમાં ઉત્તમ વિચારનાં બીજ વાવવાં જોઈએ. આ વાત વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સાથે સંલગ્ન સહુ કાર્યકરો સુપેરે જાણે છે તે તેમણે કરી બતાવ્યું. આ વિચાર મૂળે તરલાબહેન શાહના દિમાગની ઉપજ, પરંતુ એમનો બોલ સહકાર્યકારોએ હોંશથી ઝીલી લીધો અને બાકીનો સઘળો કાર્યભાર અનોખા ઉત્સાહથી ઉપાડી લીધો જેની ફલશ્રુતિ એ સેંકડો બાળકોને ગાંધી નામના વ્યક્તિત્વની પરખ રૂપે મળી, જે તેમના જીવનમાં સદાય માટે વાટ બતાવતી રહેશે એ મનને તૃપ્ત કરનારી વાત છે.

આ કાર્યક્રમની જેને સ્ફુરણા થઈ, જેમણે તેના આયોજનથી માંડીને સાધનો પૂરા પાડવા અને વ્યવસ્થા કરવામાં શ્રમ કર્યો અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લઈ આટલો અભ્યાસ કરીને સુંદર રજૂઆત કરી તે સહુને ધન્યવાદ ઘટે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,1863,1873,1883,189...3,2003,2103,220...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved