Opinion Magazine
Number of visits: 9583681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

.. અને જ્યાં કોઈ ના પહોંચી શક્યું, ત્યાં એક ગુજરાતી પહોંચ્યો

વિશાલ શાહ|Opinion - Opinion|29 January 2018

બ્રહ્મપુત્રના અગાઉના ત્રણ લેખોમાં આપણે આ નદીનાં પૌરાણિક મહત્ત્વથી માંડીને તેના રૂ ટનો અધકચરો નકશો કેવી રીતે તૈયાર કરાયો, એ વિશે વાત કરી. આજે તો ભારત પાસે નદીઓ-પર્વતોની ભૂગોળ સમજવા સેટેલાઈટ ટેક્નોલોજી છે, પરંતુ દાયકાઓ પહેલાં બ્રહ્મપુત્રના રૂટની માહિતી મેળવવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ, દોલ્પા, નેમ સિંઘ અને કિંથુપ જેવા અનેક ભારતીય સાહસિકોએ હિમાલયમાં જીવનાં જોખમે મહિનાઓ સુધી રઝળપાટ કરી હતી. આ બધા જ પ્રવાસીઓમાં સૌથી જાણીતું નામ એટલે નૈન સિંઘ રાવત. બ્રહ્મપુત્રનો રૂટ જ નહીં, પરંતુ ભારતની પૂર્વે પથરાયેલી હિમાલય પર્વતમાળાની દુર્લભ માહિતી ભેગી કરવા બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘનું પેટ્રન્સ મેડલ આપીને સન્માન કર્યું હતું.

કટ ટુ ૨૦૦૪.

માઉન્ટેઇિનયરિંગની દુનિયાના ઓસ્કર ગણાતા પિઓલેટ્સ ડિ’ઓર એવોર્ડ સાથે હરીશ કાપડિયા

નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષનાં વ્હાણાં વીતી ગયાં પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇિનયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમ જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલનું સન્માન મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.

એ વિશે વાત કરતાં પહેલાં થોડી જાણકારી. 

અરુણાચલ પ્રદેશના પહાડી જંગલોમાં રખડપટ્ટી

હરીશ કાપડિયાનું નામ એક સરેરાશ ગુજરાતી માટે અજાણ્યું હોઈ શકે, પરંતુ હિમાલયન એક્સપ્લોરેશનની દુનિયામાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. ૭૨ વર્ષીય હરીશ કાપડિયા ૫૦ વર્ષની કારકિર્દીમાં હિમાલયના અનેક પ્રદેશો ધમરોળી ચૂક્યા છે. તેઓ ૨૦૦૩થી દર વર્ષે એકવાર અરુણાચલ પ્રદેશના પ્રવાસે જઈને નવા વિસ્તારો ખૂંદે છે અને એ વિશે લખે છે.

અરુણાચલ પ્રદેશનો જિલ્લા નકશો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વહીવટી સરળતા માટે

અમુક જિલ્લાને બે ભાગમાં વહેંચી દેવાયા છે 

હિમાલય પર્વતમાળામાં સૌથી અજાણ્યો વિસ્તાર એટલે ૨૨ જિલ્લામાં ફેલાયેલો અરુણાચલ પ્રદેશ. આજે ય અહીંના અનેક પહાડી જંગલ વિસ્તારો અતિ દુર્લભ છે. એક યોજનાના ભાગરૂપે ૨૦૦૩માં તેમણે તવાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડાણ કર્યું અને બુમ લા નામના વિસ્તાર સુધી પહોંચ્યા. દરિયાઈ સપાટીથી ૪,૬૦૦ મીટર ઊંચે આવેલા બુમ લાના ગાઢ જંગલોમાં ભારત-ચીનની સરહદ છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલો પોશિંગ લા માઉન્ટેઇન પાસ ઓળંગીને બોમડિલાથી તુલુંગ લા થઈને 'બેઇલી ટ્રેઇલ' સુધી પણ ગયા. આ વિસ્તારોમાં ભ્રમણ કરીને તેમણે અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખર કાંગટોની (૭૦૬૦ મીટર) તસવીરો પણ ક્લિક કરી, જે ભારત-ચીન સરહદની વચ્ચે આવેલું છે. આ શિખરને ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવીને દાવો કરી રહ્યું છે.

બોમડિલા નજીક ઇગલ્સ નેસ્ટ વાઇલ્ડલાઇફ અને સેસા ઓર્કિડ નામનાં ભારતનાં બે અનોખાં અભયારણ્ય આવેલાં છે. બોમડિલામાં આકાશવાણીનું કેન્દ્ર પણ છે. આમ છતાં, એક સરેરાશ ભારતીય અહીંના મોટા ભાગના રાજ્યોથી અજાણ છે. હરીશ કાપડિયાએ અહીંના પહાડી જંગલોમાં અનેક ખીણો અને માઉન્ટેઇન પાસમાંથી આગળ જવાના રસ્તા શોધી કાઢ્યા છે. ખીણોની ધાર પર આવેલા પર્વતોમાંથી નીકળતી કેડીઓને 'માઉન્ટેઇન પાસ' કહેવાય. વેપાર અને સ્થળાંતરનો ઇતિહાસ જાણવા, લશ્કર માટે ચોકીઓ ઊભી કરવા, યુદ્ધને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવા તેમ જ નવી વનસ્પતિઓ અને પશુ-પંખીઓની જાણકારી મેળવવા આ પ્રકારના રૂટ ઘણું મહત્ત્વ ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજે ય વનસ્પતિશાસ્ત્રીઓનું સ્વર્ગ ગણાય છે.  

બિશિંગની ખીણમાં ઉતર્યા તો ઉપર નહીં આવી શકો!

અરુણાચલમાં એકાદ વર્ષના વૉર્મ અપ સેશન પછી, હરીશ કાપડિયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વી.કે. શશીન્દ્રન, પર્વતારોહક મોટુપ ચેવાંગ તેમ જ યોનતોન અને શેરિંગ નામના બે સ્થાનિક સાથે એક એક્સપિડિશનનું આયોજન કર્યું. આ પ્રવાસના મુખ્ય બે હેતુ હતા. પહેલો- સાંગપો નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળની સંપૂર્ણ ભૌગોલિક માહિતી ભેગી કરવાનો અને બીજો – સિઆંગ ખીણ ઉપરથી નામચા બારવા પર્વત દેખાય છે કે નહીં એ તપાસવાનો.

તિબેટમાંથી દેખાતો નામચા બારવા પર્વત

નામચા બારવા અને ગ્યાલા પેરી સાથેના વિસ્તારનો નકશો

આ બે હેતુ સાથે હરીશ કાપડિયાએ નવેમ્બર ૨૦૦૪માં અપર સિઆંગ જિલ્લાના (અરુણાચલમાં લૉઅર, ઇસ્ટ અને વેસ્ટ સિઆંગ નામના જિલ્લા પણ છે) પહાડી ગામ બિશિંગમાંથી ચીન સરહદ નજીક આવેલો ગુયોર લા માઉન્ટેઇન પાસ ઓળંગીને સિઆંગ નદીની ખીણ તરફ જવાનું નક્કી કર્યું. એ સ્થળેથી નામચા બારવા પર્વત સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગપો નદીની ભૂગોળ સમજવા એ દૃશ્ય જોવું જરૂરી હતું. આ વિસ્તાર હરીશ કાપડિયા પહેલાં કોઈ પર્વતારોહક જોઈ શક્યો નથી. કુલ છ દિવસના આ ટ્રેકમાં બિશિંગ ગામની ખીણમાં ઉતરીને, સિઆંગના કિનારે આગળ વધીને, ગાઢ જંગલોમાંથી પસાર થવામાં સફળતા મળે તો ગુયોર લા પહોંચી શકાય! બિશિંગમાંથી હરીશ કાપડિયાની ટીમ નીકળી ત્યારે કેટલીક સ્થાનિક મહિલાઓએ ગુસપુસ પણ કરી કે, 'એકવાર આ લોકો અહીંથી નીચે ઉતરી ગયા તો ઉપર નહીં આવી શકે …'

અરુણાચલના મોટા ભાગના પહાડી ગામોમાં સ્થાનિકોએ અવરજવર કરવા વાંસના પુલો અને નિસરણીઓ બનાવી છે, પરંતુ આ સ્થળે તો સ્થાનિકો ય જવાનું ટાળતા. કેટલાક પર્વતો પર તો આગળ વધવા ૬૦ ફૂટ ઊંચી નિસરણીઓ બનાવાઈ છે, જેના પર ચઢતી વખતે નીચે ખીણમાં ધસમસતી સાંગપો જોઈ શકાય છે.

ટ્રેકમાં અતિ ઝેરી સાપ રસેલ્સ વાઇપર મળ્યો અને …

જો કે, હરીશ કાપડિયા ૫૯ વર્ષની ઉંમરે પોતાની ટીમ સાથે ઝાડીઓ પકડીને આશરે પાંચ હજાર ફૂટ ઊંડી ખીણમાં ઉતરીને સાંગપોના કિનારે પહોંચી ગયા. એ પછી શરૂ થયો ગુયોર લા પહોંચવાનો ટ્રેક. આ ટ્રેકમાં સૌથી આગળ યોનતોન રહેતો, જે ઝાડી ઝાંખરા સાફ કરીને રસ્તો બનાવતો અને શેરિંગ જળો, ઝેરી સાપ અને બીજા જીવજંતુઓ હુમલો ના કરે તેનું ધ્યાન રાખીને ટીમને આગળ વધારતો. અહીંના જંગલોમાં વરસાદ પડે ત્યારે વૃક્ષો પરથી ઝેરીલાં જીવજંતુઓ પણ ટપક્યા કરે, જેમાંથી જીવતા બહાર નીકળવું ગમે તેવા સર્વાઇવલ એક્સપર્ટ માટે લગભગ અશક્ય. અહીં દુનિયાના સૌથી ઝેરી સાપોમાંનો એક રસેલ્સ વાઇપર પણ જોવા મળે છે.

હરીશ કાપડિયાનું પાને પાને ક્યારે ય નહીં સાંભળેલી કહાનીઓ બયાં કરતું પુસ્તક

હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ‘'… એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ …''

સાંગપો નદીના કિનારે એક જાદુઇ રાત્રિ

આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને હરીશ કાપડિયાની ટીમ મેકમોહન લાઇન નજીક આવેલા ૧,૭૬૦ મીટર ઊંચા ગુયોગ લા માઉન્ટેઇન પાસ પહોંચી. એ સ્થળે ભારતીય સેનાએ હેલિકોપ્ટરોમાંથી ઉતરીને અશોક સ્તંભ મૂક્યો છે, જે ભારતીય પ્રદેશ શરૂ થયો હોવાનો સંદેશ આપે છે.

એ સ્થળે ચારે ય બાજુ સાંગપોના વહેણમાં તણાઈને આવેલાં વૃક્ષોના મૂળસોતા ઉખડેલા ભીના થડ પથરાયેલા હતા. ભેજવાળા અને ઠંડા જંગલના કારણે કેમ્પફાયર માટે સૂકાં લાકડાં મળી શકે એમ ન હતા. આ એ જ સ્થળ હતું, જ્યાં કિંથુપે તિબેટમાંથી ભારત તરફ એંશી કિલોમીટર અંદર આવીને લાકડાંના ૫૦૦ બ્લોક તૈયાર કરીને સાંગપોના વહેણમાં નાંખ્યા હતા. એ વિસ્તારના પહાડો પર ક્લાઇમ્બિંગ કરીને  હરીશ કાપડિયાની ટીમ આગળ વધી અને થોડા જ સમયમાં તેઓ સાંગપો નદી વળાંક લઈને ભારતમાં પ્રવેશે છે, એ સ્થળે પહોંચી. નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતો નજીક સાંગપો અંગ્રેજીના 'એસ' આકારમાં લટકો લઈને ભારતમાં પ્રવેશે છે. આજે પર્વતારોહણની દુનિયામાં એ સ્થળ 'એસ બેન્ડ' તરીકે ઓળખાય છે. આ નામ પણ હરીશ કાપડિયાએ જ આપ્યું છે.

સાંગપો ‘એસ’ આકારમાં લટકો લઈને આ  સ્થળેથી ભારતમાં પ્રવેશે છે

‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.

એ ટ્રેકમાં હરીશ કાપડિયાને અનેક સ્થળે નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. સાંગપોના કિનારેથી પરત ફરતી વખતે તેમના જેવા અઠંગ પર્વતારોહક ૧૫૦ ફૂટ નીચે લપસીને ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી સતત ચાર કલાક પીડા ભોગવીને તેઓ મુખ્ય પર્વતની કેડીએ પહોંચી શક્યા હતા.

પર્વતારોહણના 'ઓસ્કર' ગણાતા એવોર્ડનું સન્માન

પર્વતારોહણ અને હિમાલય એક્સપ્લોરેશનમાં જબરદસ્ત પ્રદાન આપવા બદલ હરીશ કાપડિયાને ત્રીજી નવેમ્બર, ૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયામાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ પિઓલેટ્સ (આઈસ એક્સ) ડિ'ઓર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ટ્રેકિંગની દુનિયાનું 'ઓસ્કર' ગણાતું આ સન્માન આજ સુધી કોઈ ભારતીયને મળ્યું નથી.

૧૯૬૪માં હરીશ કાપડિયા અને તેનજિંગ નોર્ગે

સિઆંગ ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચ્યા, એ તો હરીશ કાપડિયાની હિમાલયન સિદ્ધિઓ પૈકીની એક નાનકડી સિદ્ધિ છે. તેઓ હિમાલયના દુર્લભ ગણાતા દેવતોલી (૬૭૮૮ મીટર), બંદરપૂંછ (૬૧૦૨), પારિલુંગબી (૬૧૬૬), લુંગસર કાંગરી (૬૬૬૬) અને લદાખના સૌથી ઊંચા રૂપશુ શિખરમાં ક્લાઇમ્બિંગ પોસિબિલિટીઝ ખોજી ચૂક્યા છે. હરીશ કાપડિયાની આગેવાનીમાં બ્રિટિશર પાંચ વાર, ફ્રેન્ચ બે વાર અને જાપાનીઝ એક વાર હિમાલયમાં આંતરરાષ્ટ્રીય એક્સપિડિશન કરી ચૂક્યા છે. તેઓ રિમો-૧ (૭૩૮૫ મી), ચોંગ કુમદાન કાંગરી (૭૦૭૧), સુદર્શન અને પદ્મનાભ પર્વત (૭૦૩૦) તેમ જ પંચચુલી નામના પાંચ પર્વતો(૬૯૦૪)માં પણ એક્સપ્લોરેશન કરી ચૂક્યા છે. ઇન્ડિયન માઉન્ટેઇિનયરિંગ ફાઉન્ડેશને ૧૯૯૩માં તેમનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કર્યું હતું.

આજે ય દુનિયાભરમાં તેમને હિમાલયન ટ્રેકિંગ અને એક્સપ્લોરેશન પર બોલવા આમંત્રણો અપાય છે. હાલ તેઓ બ્રિટિશ અલ્પાઇ ક્લબના માનદ્ સભ્ય તરીકે સેવા આપે છે. હરીશ કાપડિયાએ  હિમાલયના દુર્લભ વિસ્તારોની તસવીરો અને નકશાનું કલેક્શન અમેરિકન અપ્લાઇન ક્લબ અને સ્વિસ નેશનલ મ્યુિઝયમને ભેટમાં આપી દીધું છે. અમેરિકાના ડિઝની વર્લ્ડના એનિમલ કિંગ્ડમમાં 'એક્સપિડિશન એવરેસ્ટઃ લિજેન્ડ્સ ઓફ ફોરબિડન માઉન્ટેઇન્સ' નામના પોઇન્ટ પર હરીશ કાપડિયાનું 'મીટિંગ ધ માઉન્ટેઇન્સ' નામનું પુસ્તક પ્રદર્શિત કરાયું છે. હરીશ કાપડિયા હિમાલયન માઉન્ટેઇિનયરિંગ અને એક્સપ્લોરેશનની અતિ દુર્લભ માહિતી પીરસતા ડઝનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનિયતા હાંસલ થઈ હતી.

***

હરીશ કાપડિયા ૧૯૭૪માં નંદાદેવી અભયારણ્યની ૬,૨૦૦ મીટર ઊંડી ખાઈમાં લપસી પડ્યા હતા. આ અકસ્માત પછી તેમના સાથીદારોએ ૧૩ દિવસની જહેમત પછી હરીશ કાપડિયાને બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા. આ અકસ્માતમાં તેમના થાપાના હાડકાને ભારે નુકસાન થયું હતું, જેથી બેઝ કેમ્પથી તેમને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના પછી તેમણે લગભગ બે વર્ષ સુધી આરામ કર્યો, પરંતુ સાજા થતા જ ફરી પાછા જંપીને બેસવાના બદલે આજે ૭૨ વર્ષેય સતત ડુંગરોમાં ભમી રહ્યા છે.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/01/blog-post_29.html

Loading

બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2018

ડો. બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.

આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કામચલાઉ સરકાર રચાઈ હતી. આ સમય દરમિયાન બંધારણના ઘડતરનું કામ પણ ચાલતું હતું. બંધારણ સમિતિના સભ્યો ચૂંટવાનું કામ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા થતું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર માટે દલિતોના હકો માટે લડવાનું આ એકમાત્ર અંતિમ ક્ષેત્ર હતું. તેથી બંધારણ સભામાં એમનો પ્રવેશ અનિવાર્ય હતો. તો કોંગ્રેસ તેમના પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. મુંબઈ વિધાનસભામાં એમની ઉમેદવારીને ટેકો આપનાર કોઈ નહોતું એટલે તેઓ બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બન્યા.

૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની  બેઠક મળી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. તેથી બંધારણસભાના એક સભ્ય ડો. એમ.એમ જયકરે બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા પ્રસ્તાવ મૂક્યો. જેની તરફેણ અને વિરોધમાં દલીલો થઈ. પ્રમુખની વિનંતીથી ડો. આંબેડકરે બંધારણસભામાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું. ડો. આંબેડકરના જીવનીકાર ધનંજય કીરે લખ્યું છે, “એક વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને અડગ હિંમત સાથે ડો. આંબેડકરે પોતાનું પ્રવચન શરૂ કર્યું. “બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ  ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના સભ્યો પર અમીટ છાપ મૂકી હતી. તેમણે  કહ્યું હતું, “આપણે સૌ રાજકીય, સામાજિક અને આર્થિક બધી રીતે વિભાજિત છીએ. આપણે જુદી જુદી છાવણીઓમાં વહેંચાયેલા છીએ અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું. છતાં હું દ્રઢતાપૂર્વક માનું છું કે આવા સંજોગોમાં પણ દુનિયાની કોઈ તાકાત આ દેશને એક થતો રોકી શકશે નહીં.  આપણે એક પ્રજા તરીકે ચોક્કસ બહાર આવીશું.”

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભોમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટી. જેમાં ડો. આંબેડકરનો સમાવેશ થતો હતો. આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સન પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’, એવો આદેશ કરેલો. ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ડો. આંબેડકરને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, “તમારે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં ડો. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.” (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પ્રષ્ઠ-૧૩૯) મુંબઈ વિધાનસભામાંથી, કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. આજીવન કોંગ્રેસ વિરોધી હોવા છતાં વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદા મંત્રી બન્યા હતા.

ભારતીય બંધારણની સાત સભ્યોની મુસદા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. “માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાન સભામાં  આવ્યો હતો.  આ સિવાય મારા મનમાં  બીજો કોઈ વિચાર નહોતો.” એમ કહેનાર ડો. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કર્યું હતું. બંધારણ સભાની વિવિધ ૧૩ સમિતિઓમાં અને સમગ્ર બંધારણ સભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના સભ્યોના અન્યત્રા રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડો. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એકએક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ સાધી ૨ વરસ, ૧૧ માસ અને ૧૭ દિવસોમાં કુલ ૧૬૫ દિવસની ૧૧ બેઠકોમાં આ કપરું કામ બજાવ્યું હતું.

બંધારણ સભાની અંતિમ બેઠકમાં બાબાસાહેબ આંબેડકરના આ અદ્દભુત કાર્યની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું,: “બંધારણ સભાની મુસદા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું.  મુસદા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યએ રાજીનામુ આપી દીધું  અને તે બેઠક કદી ભરવામાં  ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. એક સભ્ય દેશી રજવાડાંઓના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડો. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે .. આ બંધારણ સભા તે માટે તેમની ઋણી છે.”

બંધારણ સભાના અનેક સભ્યોએ પણ ડો. આંબેડકરના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું. બાબાસાહેબે બંધારણના ઘડવૈયા તરીકે દલિતોના હક્કોની હિફાજત કરી છે. બંધારણમાં દલિતોના અનામત સહિતના અધિકારો અને આભડછેટની નાબૂદી કરાવી છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂકી છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી દલિતોને રંજાડનાર પંચાયતી રાજને બહુ મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકાર અને મૂળભૂત અધિકારો અપાવ્યા છે.

ભારતનું બંધારણ ભીમ સ્મૃિત તરીકે પણ ઓળખાય છે. એચ.જે. ખાંડેકરે લખ્યું હતું, હું બંધારણને મહાર કાનૂન કહીશ. કેમ કે ડો.આંબેડકર મહાર હતા. હવે ભારતામાં મનુના કાયદાનું સ્થાન મહારનો કાયદો લેશે. જવાહરલાલ નહેરુના જીવનચરિત્રકાર માઈકલ બ્રેચરે  બાબાસાહેબને બંધારણના મુખ્ય નિર્માતા ગણાવ્યા હતા.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 29 જાન્યુઆરી 2018

Loading

26 જાન્યુઆરી, 1950 માત્ર ઉજવણી નહીં, મંથન

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 January 2018

વધુ એક પ્રજાસત્તાક દિન ઉર્ફે ગણતંત્ર દિન વીત્યો, સરકારી રાહે તેની ઉજવણી થઈ, પણ મોટા ભાગના લોકો માટે આ દિવસનું મહત્ત્વ ફરજિયાત રજાથી વિશેષ નથી હોતું. સરકાર પણ એમાં રાજી રહે છે. બલકે, સરકારો ઘણીખરી ઉજવણી જ એ આશયથી કરે છે કે તેની ઝાકઝમાળમાં મહાલતા લોકો સવાલો ન પૂછે. તેની સરખામણીમાં પહેલા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 1950 નિમિત્તે કેવો માહોલ હતો?

દેશના ભાગલાથી નિરાશ ગાંધીજી સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દિલ્હીથી દૂર રહ્યા હતા અને તેમને કશી ઉજવણી કરવાપણું લાગ્યું ન હતું. દેશનું બંધારણ અમલમાં આવે ત્યાર પહેલાં તે સવાયા રાષ્ટ્રવાદનો દાવો કરતી વિચારધારાની ગોળીઓથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરેલાં હરિજનપત્રો ચાલુ હતાં. તેમાંથી ગુજરાતી સાપ્તાહિક “હરિજનબંધુ”ના તંત્રી કિશોરલાલ મશરૂવાળાએ 22 જાન્યુઆરી, 1950ના અંકમાં ‘આપણો નવો દરજ્જો’ એવા મથાળા સાથે એક પાનાનો લેખ લખ્યો હતો.

તકલાદી/તકવાદી નહીં, મૌલિક ચિંતક તરીકે જાણીતા કિશોરલાલે કોઈ પણ જાતની શબ્દચાલાકી કર્યા વિના લખ્યું હતું કે ‘વ્યવહારદૃષ્ટિએ આ જાહેરાતથી ભારત સરકારને 1947ના ઑગસ્ટની 15મીએ કાયદામાં ન મળેલા એવા કોઈ નવા હકની પ્રાપ્તિ થતી નથી. પરદેશો સાથેના વહેવારમાં ભારત સરકારના સ્વરૂપમાં અને નામમાં ફેરફાર થશે એ સિવાય આજની ભારત સરકાર અને 26મી જાનેવારી પછીની ભારત સરકાર વચ્ચે કશો તાત્કાલિક તફાવત જોવા નહીં મળે. પુખ્ત વયના મતાધિકાર તળે આવતે વરસે જ્યારે નવી ચૂંટણીઓ થશે ત્યારે લોકોને નવા બંધારણની અસરો વહેવારમાં જોવા મળશે.’

પરંતુ તેમણે પ્રજાસત્તાકનો મહિમા દર્શાવતો એક મહત્ત્વનો અને ઐતિહાસિક મુદ્દો એ લેખમાં ઊભો કર્યો. તેમણે લખ્યું, ‘જાનેવારીની 26મી તારીખથી નિઃશંકપણે એક નવા યુગનું મંગલાચરણ થાય છે … રાજા વિનાના રાજ્યની કલ્પના કરવી એ જ આપણા લાખો બલકે કરોડો લોકો માટે તદ્દન નવો અનુભવ છે. તેમના મનમાં એવો સંસ્કાર ઘર કરી ગયો છે કે રાજા વિનાનું રાજ્ય હોઈ ન શકે.

ઇતિહાસકારો ભલે કહે કે ભારતના ઇતિહાસમાં એક વખત પ્રજાસત્તાક રાજ્યો હતાં પરંતુ લોકોમાં આવી પ્રજાસત્તાક રાજ્યતંત્રની હસ્તીની દંતકથા સરખી રહી નથી. હિંદમાં આજેયે એવા લાખો લોકો છે, જેમને ગવર્નર જનરલ કે ગવર્નર અને તેમના પ્રધાનો વચ્ચે કેવો સંબંધ છે અને તેમના હોદ્દાઓમાં શો ફેર છે તેનો જરાયે ખ્યાલ નહીં હોય. અને એવા ભોળા પ્રધાનો પણ છે, જેઓ તેમનાં દર્શન કરવા જમા થયેલી લોકોની મેદનીને પોતાની લોકપ્રિયતાની નિશાની માની લે છે …. ગામડાંમાં પણ એવા માણસોની સંખ્યા ઓછી નથી કે જેઓ બે વર્ષ પર ગાંધીજીની દોરવણી નીચે કૉંગ્રેસે બ્રિટિશ રાજ્યને હરાવ્યું અને પંડિત જવાહરલાલ નેહરુને હિંદની ગાદી પર રાજા તરીકે બેસાડ્યા એવી ભોળી માન્યતા ધરાવે છે. તેથી પંડિત નહેરુ જ્યારે જાહેરમાં દેખાય છે, ત્યારે લોકો હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને રાજાનું દર્શન શુકનભર્યું મનાતું હોવાથી તેમનાં દર્શનથી પોતાને કૃતાર્થ થયેલા માને છે.’

આવા સામાન્ય લોકો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની શી ફરજ છે? કિશોરલાલે લખ્યું હતું, ‘આપણે ભાષાવાર કે બહુભાષી પ્રાંતોની ચળવળ કરીએ, ઉદ્યોગીકરણનો કે હાથઉદ્યોગનો પક્ષ લઈએ … ઘી કે વનસ્પતિના ગુણદોષ જોઈએ, જૂના હિંદુ કાયદાની હિમાયત કરીએ કે તેને સુધારવાની, દારૂબંધીની નીતિ રાખીએ કે દારૂ છૂટની, વંદેમાતરમ્ ગાવા માગીએ કે જનગણમન … દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગી અને નિરાધાર જનતાનાં જીવન અને સગવડો તથા તેમનાં ચારિત્ર્ય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે.’

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીમાંથી તેજસ્વી સર્જક તરીકે પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશીએ તેેમના માસિક ‘સંસ્કૃિત’ના ફેબ્રુઆરી, 1950ના અંકમાં समानो मन्त्रः। એ શીર્ષક હેઠળ, આનંદ કરતાં વધારે જવાબદારી અને ભયસ્થાનો ચીધ્યાં. ભારત હજુ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે ઇંગ્લેન્ડના રાજાનો વડા તરીકે સ્વીકાર કરે છે, પ્રજાએ બંધારણસભાના પ્રતિનિધિઓ ચૂંટવા બાકી છે, એવા મુદ્દા ઊભા કરીને તેમણે લખ્યું, ‘જે રીતે સત્તાની સંક્રાન્તિ થઈ છે અને જે રીતે એ સત્તાનો ઉપયોગ થાય છે એ જોતાં માત્ર ઘોષણા કરવાથી પ્રજાને હસ્તક જેની સત્તા હોય એવું રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું એમ માનવું પણ મુશ્કેલ બને છે.

પસાર થયેલા બંધારણમાં … નાગરિકની સલામતી માટેના હેબિયસ કોર્પસની યોજના સંતોષકારક રીતે થઈ નથી. કામ મેળવવાનો હક્ક અને કેળવાવાનો હક્ક તેની ઉપર પણ જોઈતું ધ્યાન અપાયું નથી.’ ગાંધીજીને રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીની ખેવના અનેક ગણી વધારે હતી. એવી લાગણીનો પડઘો પાડતાં ઉમાશંકર જોશીએ લખ્યું હતું, ‘રાજકીય સ્વાતંત્ર્ય એ આજના યુગની ફૅશન લાગે છે. આર્થિક અને સામાજિક મુક્તિનો જ કાંઈ અર્થ છે.

એને માટેની મોટી વ્યવસ્થા કે ઝુંબેશ હિંદમાં દેખાતાં નથી. મૂડીને પંપાળવામાંથી નેતાગારી ઊંચી આવતી નથી. પીછેહટવાદીઓને છૂટો દોર અપાઈ રહ્યો છે. હિંદુ કોડબિલ જેવી બાબતમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને પં. નહેરુ જેવા પણ ઢીલું વલણ લઈ શકે છે. આર્થિક અને સામાજિક અન્યાયોને ભરખી જતી પ્રજાચેતનાની જ્વાલાઓ ક્યાં ય નજરે ચઢતી નથી. કાગળ પરના બંધારણથી શો સંતોષ લેવો?’ એમ કહીને તેમણે બીજા દેશોમાં રચાયેલાં ને નિષ્ફળ ગયેલાં બંધારણોનું ઉદાહરણ આપ્યું છે.

પ્રજાસત્તાકનો મહિમા તેમણે લખ્યું, ‘હિંદની યાત્રામાં 26મી એક મહત્ત્વનો મજલથંભ છે. રાજા સાથેનો સંબંધ ઘણો ઘસાયો છે. દેશમાં પ્રથમ વાર એકતા અને સાર્વભૌમતા સ્થપાય છે … આખા દેશમાં એક વિશાળ ગણરાજ્યની સ્થાપના પ્રથમ વાર હવે જ થાય છે’ અને તેને સફળ કેવી રીતે બનાવવું તેની ચાવી સૂચવતાં લખ્યું, ‘સૉક્રેટીસે કહ્યું છે કે પૈસો અને કીર્તિ જેને આકર્ષી ન શકે તેને સજાનો ડર બતાવીને રાજકાજમાં આકર્ષવા જોઈએ. સૌથી મોટી સજા ખરાબ માણસો આપણી ઉપર રાજ કરે એ છે. એમાંથી છૂટવું હોય તો સારા માણસોએ રાજકાજનો બોજ ઉઠાવવા આગળ આવવું જોઈએ. मा नो दुःशंस ईशत।— દુષ્ટ તત્ત્વોનું આપણી ઉપર શાસન ન હો! વીરપૂજા અને ઉચ્ચનીચના ભાવ છોડીને અને સમૂહવૃત્તિ કેળવીને પોતાને મળેલા મતને દરેક પ્રજાજન સાર્થક બનાવી રહો!’

ઉમાશંકરની આવી કડક અભિવ્યક્તિ છતાં કોઈએ તેમને દેશદ્રોહી ગણાવ્યા નહીં એ યાદ રાખવા જેવું છે અને કિશોરલાલ-ઉમાશંકરની ઘણીખરી ટીકા, અપેક્ષા અને લાગણીઓ 2018માં પણ બંધ બેસે છે, તે ભૂલવા જેવું નથી.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018

Loading

...102030...3,1843,1853,1863,187...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved