Opinion Magazine
Number of visits: 9583601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશાળ અને વૈવિધ્યપૂર્ણ ભારતના વિકાસની વિમાસણ

આશા બૂચ|Opinion - Opinion|6 February 2018

BNP એ એક આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને તેની સંલગ્ન સેવાઓ પૂરી પાડતી પેઢી તરીકે ઓળખાતું નામ છે. તેના  એનાલિસ્ટ દ્વારા  BNPની ન્યુયોર્કની હેડ ઓફિસ પાસે ભારતના નીચે બતાવેલ નકશા રજૂ કરવામાં આવેલ, જેથી એ કંપનીના હોદ્દેદારોને ભારત જેવા વિશાળ અને ક્લિષ્ટ દેશને સંભાળવો કેટલો કઠિન છે તેનો ખ્યાલ આવે. મુખ્યત્વે યુરોપના દેશોની વસતી ભારતના જુદા જુદા રાજ્યોની વસતીની સાથે સરખાવી શકાય તેમ છે તે સ્પષ્ટ કરવાનો તેમનો ઉદ્દેશ હતો. ભારતમાં દુનિયાના કેટલા બધા દેશોની વસતીનો સમાવેશ થાય છે તેનો અંદાજે ખ્યાલ આવી શકે. નકશામાં બતાવેલ તમામ દેશોના સંગઠનવાળો એક મોટો દેશ બનેલ હોય તેને વહીવટ પૂરો પાડવવો અને તેમાં સમાવિષ્ટ દરેક નાગરિકનો એક સરખો વિકાસ કરવો એ કેવું ભગીરથ કામ છે એ હકીકત અહીં સ્પષ્ટ થાય છે.

આ વેળા મારી ભારત યાત્રા દરમ્યાન મને ગુજરાતની ધારાસભાની ચૂંટણી સમયે હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું (!!!) એક પક્ષ દેશને ધર્મને આધારે વિભાજીત કરી મત મેળવવા મથતો હતો તો બીજો પક્ષ જ્ઞાતિ પ્રથાને જોરે મત મેળવી સિંહાસને બેસવાની ઘડભાંજમાં બરબાદ થતો જોયો. આથી મનોમન આઝાદી સમયના ભારત અને આજના ભારત વિષે સરખામણી કરવા પ્રેરાઈ. ઉપર બતાવેલા બંને નકશાઓ જોતાં જરૂર ખ્યાલ આવે કે આટલી મોટી જનસંખ્યા અને સાથે સાથે ધર્મ, પંથ, ભાષા, ખોરાક, રીત-રિવાજો, પહેવેશ, તહેવારો અને જીવન શૈલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશનું સંચાલન કરવું એ એક શક્તિશાળી વહીવટી તંત્ર માગી લે છે. આવા એક ભૌગોલિક વિશાળતા અને અકલ્પનીય વૈવિધ્ય ધરાવતા દેશને એકસૂત્રે બાંધવાનું કાર્ય કયા સિદ્ધાંતોને આધારે થઈ શકે એ વિષે વિચાર મંથન ચાલ્યું. એ માટે સાત દાયકાઓ પહેલાં આપણી પાસે શું હતું, તેમાં શું ઉમેર્યું અને શું ગુમાવ્યું તેનાં લેખાં-જોખાં કરવાં મુશ્કેલ છે, છતાં થોડા મુદ્દાઓની છણાવટ કરવા પ્રયાસ કર્યો છે. આ લેખમાં આપાયેલા આંકડાઓ અલગ અલગ સ્રોતમાંથી મેળવવામાં આવ્યા છે અને તેથી જ તેની ખરાઈ વિષે હું કોઈ દાવો ન કરી શકું. મારો હેતુ માત્ર જે તે પરિસ્થિતિને સમજવા માટે તે અંકોને એક સાધન ગણવાનો છે જેની વાચકો નોંધ લે તેવી વિનંતી.

કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તેની જનસંખ્યા, ભાષા અને સંસ્કૃિતનું વૈવિધ્ય, પ્રજાની વ્યક્તિગત અને સરકારોની આર્થિક ક્ષમતા, રાજ્યો અને કેન્દ્રના વહીવટી માળખાની સધ્ધરતા, દેશની આંતરિક એકતા અને સરહદી સુરક્ષા વગેરે જેવા પરિબળોથી માપવામાં આવે છે.  

ઇતિહાસને પાને નોંધાયું છે કે 1947માં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન પાસે ભારતીય ઉપખંડના વિભાજન કરવા માટેના નકશા એક પરબીડિયાંમાં હતા. ઈ.સ. 1599માં બ્રિટનનાં રાણી ઇલિઝાબેથ પ્રથમે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલ શાહી રુકકાથી જે સામ્રાજ્યની શરૂઆત થઈ હતી તેનો આ દસ્તાવેજથી અંત આવતો હતો. આ પરબીડિયામાંના કાગળોની અસરથી જે કરુણતા ઊભી થવાની હતી તેનો ઇતિહાસમાં ક્યાં ય જોટો જડે તેમ ન હતો. તો તેવે ટાણે ભારતને શું શું વારસામાં મળેલું અને એ તમામ વારસાની હાલત કેવી હતી એ જાણવાથી અત્યારની ભારતની સિદ્ધિઓ અને તેમાં આવતી અડચણોનું મૂલ્યાંકન થઈ શકે.

આઝાદી સમયે અખંડ ભારતની વસતી 39 કરોડ હતી, જે વિભાજન થવાથી ભારતની વસતી 33 કરોડ હોવાના આંકડા નોંધાયા છે. આજે માત્ર ભારતની વસતી 132 કરોડની છે અને હજુ વધતી રહે છે. હવે જે દેશની વસતી આટલા મોટા પ્રમાણમાં વધતી રહી હોય તેની પ્રગતિ માટેના સંસાધનો કઈ રીતે પૂરા પડી શકે?

1947માં સ્વિટ્ઝર્લેન્ડની કુલ વસતી જેટલા રક્તપીત્તથી પીડાતા લોકોનો ભારતમાં સમાવેશ થતો હતો. તો આજે પણ આ બાબતમાં ભારતની સ્થિતિ ક્યાં સુધરી ગણાય? WHO દુનિયાને રક્તપીત્તથી મુક્ત થયેલી જાહેર કરે છે ત્યારે ખરું જોતા દુનિયામાં ¼ મિલિયન લોકો આ રોગથી પીડાય છે જેમાંથી 60% દર્દીઓ ભારતમાં વસે છે. ભારતમાં એકથી દોઢ લાખ નવા કેઈસીસ દર વર્ષે નોંધાય છે. સવાલ જરૂર થાય કે આમ શા માટે?

કોઈ પણ કુટુંબ, સમાજ કે દેશની સમૃદ્ધિનો આધાર તેના યુવાધનની કમાણી કરી અર્થતંત્રમાં ફાળો આપવાની શક્તિ પર છે. સ્વતંત્રતા મળી ત્યારે બેલ્જિયમમાં વસતા બેલ્જિયનો જેટલા તો ભારતમાં પંડા અને ધર્મગુરુઓ હતા. સમગ્ર હોલેન્ડની આબાદી જેટલા ભિખારીઓની વસતી ભારતમાં સમાયેલી હતી. 1 કરોડ 10 લાખ જેટલા પવિત્ર ગણાતા લોકો હતા. હજુ આજે પણ દરેક રાજ્યમાં વધતે ઓછે અંશે બહુ મોટી સંખ્યામાં ભિક્ષુકો હોવાની ધારણા છે. એનો અર્થ એ કે આવડી મોટી સંખ્યાના સમૂહ બેરોજગાર રહીને સમાજને ભાર રૂપ થતા હોય ત્યાં વિકાસની ચૂંદડીમાં કાળું ધાબું દેખાય તેમાં શી નવાઈ?

70 વર્ષ પહેલાં લગભગ 2 કરોડ જંગલવાસી દેહાતીઓ હતા, જેમાંના કેટલાક તો નાગાલેન્ડના ‘નાગ’ પ્રજાજનોની માફક માનવ-માથાઓનો શિકાર કરનારા હતા. જંગલ સમૃદ્ધિ ધરાવતા પ્રથમ દસ દેશોમાંનો એક ભારત છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે 104 મિલિયન એટલે કે ભારતની કુલ વસતીના 8.6% આદિવાસી પ્રજા છે. આઝાદી સમયે આશરે 1 કરોડ હિન્દવાસીઓ તો ‘ભટકતી પ્રજાઓ’ હતા જેમાં સપેરાઓ, મદારીઓ, ભાવિ કહેનારાઓ, જીપ્સીઓ, હાથચાલાકી કરનારા, પાણી પવિત્ર કરીને છાંટનારા, ભુવા, જતિ, જાદુગરો, ઝંબુરિયાઓ, જડીબુટ્ટી વેચનારા વગેરે અનેક વિચરતા ધંધાદારીઓનો સમાવેશ થતો હતો. ગામે ગામ આ લોકો ફરતા જ રહેતા. હજુ આજે પણ અંદાજે 1 બિલિયન લોકો (કુલ વસતીના 1.2%) ભટકતી જાતિનું જીવન જીવે છે. આ હાંસિયામાં જીવતી પ્રજાના મૂળભૂત અધિકારોની સુરક્ષા જળવાય છે ખરી?

વિદેશી ધૂંસરીમાંથી ભારત મુક્ત થયું તે વખતે દરરોજ 38,000 બાળકોનો જન્મ થતો તેવો અંદાજ છે, જેમાંના ¼ ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં ગુજરી જતાં. તો એકવીસમી સદીમાં આશરે રોજના 57,685 બાળકો જન્મે છે. 2016માં 5.6 મિલિયન, એટલે કે રોજના 15,000 પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પ્રભુને પ્યારા થઇ ગયાં! દુનિયામાં કુલ બાળ મરણના 20% ભારતમાં નોંધાય છે; એટલે કે આફ્રિકા બાદ આપણો દેશ એ બાબતમાં બીજે નંબરે આવે છે. દર વર્ષે  હિન્દવાસીઓના મોત પોષણના અભાવથી, ભૂખથી અને બળિયા જેવા, વિશ્વના કેટલા ય ભાગોમાંથી નાબૂદ કરાયેલા દર્દોથી થતા એ પરિસ્થિતિ આઝાદી સમયે હતી જેને માટે વિદેશી શાસન અને આર્થિક પાયમાલીને જવબદાર ગણાવીએ. પરંતુ સાત દાયકાના સ્વશાસન અને આર્થિક વિકાસના અંતે ઉપર કહ્યા તે આંકડાઓ કેમેય સ્વીકાર્ય નથી બનતા.

બ્રિટિશ સલ્તનતનો તાજ ગણાતો ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે દુનિયાના બીજા દેશોની આંખ તેના પર મંડાયેલી અને ભારતની આમ પ્રજાને પણ ભાન થયું કે તે સમયે વિશ્વમાંના કેટલાક અતિ ધનાઢ્ય લોકોમાં ભારતના ધનિકોનો સમાવેશ થતો હતો. સામે છેડે એ જ દેશમાં પૃથ્વી પરની ખૂબ જ ફળદ્રુપ ધરતી પર રહેવા છતાં કારમી ગરીબીમાં સબડતા લાખો ખેડૂતો અને ખેતમજૂરો અસ્તિત્વના સીમાડે માંડ જીવતા હતા. ત્યાર બાદ તો ભૂદાન-ગ્રામદાન જેવી ચળવળો થઈ અને હરિયાળી ક્રાંતિ થઈ તેથી જમીનદારી પ્રથા હંમેશને માટે વિદાય લઈ ગઈ, ખેતીને લાયક જમીનની ન્યાયી વહેંચણી થઈ અને રીબીની રેખા નીચે જીવતા ખેત મજૂરોની યાતનાઓનો અંત આવ્યો તેમ લોકોએ માનેલું. કાશ એમ બન્યું હોત! 2011ની વસતી ગણતરી પ્રમાણે 76 મિલિયન ખેત મજૂરોની સંખ્યા વધીને 263 મિલિયન સુધી પહોંચી એટલે કે કુલ વસતીના 8%થી વધીને 22% સુધી પહોંચી. તો શું જમીનદારી અને સામંતશાહી પાછલે બારણે ફરી ઘર કરી ગઈ? છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં વધતા આત્મહત્યાના બનાવો ખેત ઉદ્યોગમાં પ્રવેશેલા સડા સામે આંગળી ચીંધે છે.

સર્વ દુઃખોનું મૂળ અજ્ઞાનતામાં છે તેમ આપણે સદીઓથી માનતા આવ્યા છીએ. આઝાદી સમયે હિંદની લગભગ 83% વસતી અભણ હતી. આથી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રસાર પર ખૂબ ધ્યાન અપાયું અને તેના ફળ સ્વરૂપ સાક્ષરતાનું પ્રમાણ 1991માં 48% હતું, જે 2006માં 63% પર પહોંચ્યું. આમ છતાં હજુ એ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. યુનેસ્કોની ગણતરી મુજબ આજે ભારતમાં લગભગ 287 મિલિયન લોકો વાંચી લખી નથી શકતા (કે જે દુનિયા આખીના નિરક્ષર લોકોમાં 37% જેટલા થવા જાય છે). 12 લાખ જેટલાં બાળકો કદી શાળાએ નથી ગયાં. સંરક્ષણ અને મોટા ઉદ્યોગોને બદલે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે વધુ ભંડોળ ફાળવીને સરકારે પોતે માતૃભાષાના માધ્યમથી ઉત્તમ શિક્ષણ આપવાની ફરજ બજાવી હોત તો સંભવ છે આજે તેનાથી અનેકગણો ફાયદો થયો હોત.

શિક્ષિત હો કે અશિક્ષિત, દરેક પુખ્તવયની વ્યક્તિ આજીવિકા રળે તેની સાથે દેશના અર્થતંત્રમાં ફાળો આપે. વિદેશી શાસન દરમ્યાન નાના મોટા રોજગાર આપતા વ્યવસાયો પડી ભાંગ્યા અને એક સમયે દુનિયામાં સમૃદ્ધિની ટોચ પર બેઠેલો દેશ સાવ દેવાળિયો થઇ ગયો. આથી જ તો આઝાદી ટાણે દેશની માથાદીઠ આવક સરેરાશ રોજના પાંચ સેન્ટ જેટલી જ હતી. હિંદનાં બે સહુથી મોટા શહેરોમાં ચોથા ભાગની વસ્તી તો ખુલ્લી શેરીઓમાં જ ખાતી, સૂતી, શૌચાદિ ક્રિયાઓ કરતી, જન્મતી, ઉછરતી અને મરતી. બિરલા, તાતા અને દાલમિયા જેવા વિશ્વના ત્રણ મોટા ઔદ્યોગિક કુટુંબો ધરાવતા હિંદની અર્થવ્યવસ્થા તો સામંતશાહી જેવી જ હતી જેમાં થોડાક જમીનદારો અને મૂડીપતિઓને લાભ મળે. આજે હવે ભારત દુનિયાના સાતમા ધનાઢ્ય દેશ હોવાનું ગૌરવ લઈ શકે તેમ છે. જનસંખ્યામાં બીજે નંબરે આવતો ભારત ખરીદ શક્તિમાં ત્રીજે નંબરે આવે છે. Forbes દ્વારા પ્રકાશિત આંકડાઓ પ્રમાણે 2017માં વિશ્વમાં કુલ 2043 અબજોપતિ નોંધાયા છે જેમાંના 101 અબજોપતિ ભારતમાં છે. આમ જુઓ તો સામાન્ય જનની સ્થિતિમાં પણ ફર્ક પડ્યો છે. 15 ઓગસ્ટ 1947, દિલ્લીમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ નિમિત્તે મનાતો જલસો જોવા છત્તરપૂરનો એક બ્રાહ્મણ ખેડૂત રણજિતલાલ ચાર આનામાં પોતાના ગામથી દિલ્હી ટાંગામાં આવ્યો હતો પણ હવે એ જ ટાંગાવાળો ઘેર લઈ જવા માટે બે રૂપિયા માગતો હતો ત્યારે ‘આઝાદી માટે કઇં આટલી મોટી રકમ અપાય નહીં.’ એમ કહીને રણજિત લાલ અને તેમનું કુટુંબ, વીસ માઇલ દૂર આવેલા પોતાના ગામ તરફ ચાલવા માંડ્યું હતું. એ જ ભારતમાં આજે બે પૈડાં અને ચાર પૈડાંના વાહનોની સંખ્યા વધતી જાય છે અને આંખ મિચકારશો ત્યાં તો બુલેટ ટ્રૈન આવશે. પરંતુ હજુ લાખો ‘રણજિતલાલ’ના કુટુંબોને પ્રાથમિક જરૂરિયાતો નસીબમાં નથી એ હકીકત છુપાવી શકાય તેમ નથી.

અત્યાર સુધી આપણે ભારતની ભૌગોલિક વિશાળતા, તેમાં વસતી પ્રજાની સંખ્યાથી માંડીને અગણિત ક્ષેત્રોની વિવિધતાની વાતો કરી. કોઈ પણ દેશના વિકાસમાં ઉપર છણાવટ કર્યાં તે તમામ પાસાંઓનો સમાવેશ થાય છે તેમ જ દેશનો વહીવટ પણ એક અત્યન્ત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દુનિયાની સહુથી મોટી જનસંખ્યા ધરાવનાર લકોશાહી ગણતંત્ર હોવાનું અને તેને સાત સાત દાયકાઓ સુધી હેમખેમ ટકાવી રાખવાનું ગૌરવ દરેક ભારતવાસીને અને વિદેશ વસતા ભારતીયોને હોય તે બિલકુલ વ્યાજબી છે. છતાં સામાન્ય જનથી માંડીને સર્વોચ્ચ સ્થાને બેઠેલા લોકોમાં ન્યાય અને નીતિમત્તાના ધોવાણને કારણે પ્રસરેલી રુશ્વતખોરી અને સંકુચિતતા અસહ્ય થઇ પડી છે, એ કટુ સત્ય પણ સ્વીકારવું રહ્યું. આઝાદી મળી તે વેળા ગાંધીજીના આશીર્વાદ લેવા આવેલા રાજકારણીઓને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું, “સત્તાથી ચેતજો. સત્તા માણસને ભ્રષ્ટ કરનારી ચીજ  છે. સત્તાના ઠાઠ અને દમામમાં ફસાઈ ન જશો. યાદ રાખજો કે તમે સત્તા પર આવ્યા છો તેમાં તમારે ભારતનાં ગામડાંઓના દરિદ્રોની સેવા કરવાની છે.” આપણા રાજકારણીઓએ ગાંધીજીની આ ચેતવણીને સાવ અવગણી અને તેનાથી તદ્દન અવળે માર્ગે પ્રયાણ કર્યું. લગભગ પોણોસો સદીનું સરવૈયું કાઢવા જતાં પ્રશ્ન થાય, આપણા ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના હોદ્દેદારોએ સેવા કોની કરી, પોતાની કે લોકની? દેશના કેટલાક રાજ્યો કે પ્રાંતોને જરૂરી સંસાધનો પૂરા પાડવાની ઉદાસી વિષે એવો બચાવ કરાય છે કે “દેશ બહુ મોટો છે, ધીરે ધીરે બધાને લાભ મળે” આ હકીકત તો સ્વતંત્રતા મળી ત્યારે જ્ઞાત હતી જ, તો પ્રગતિની કૂચમાં બધાને શામેલ કરવાની ક્ષમતા કેમ ન કેળવાઈ?

સરકારી વહીવટ જેટલી જ અથવા તેનાથી ય વધુ મહત્ત્વ ધરાવનારી બાબત છે દેશની આંતરિક વ્યવસ્થા, શાંતિ અને કોમી એખલાસ. જરા યાદ કરીએ, 17મી ઓગસ્ટ 1947ને દિવસે કલકત્તામાં ફાટી નીકળેલી ભયાનક હિંસાના પૂરને ખાળવા માઉન્ટબેટને ગાંધીને ત્યાં જવાનો લગભગ આદેશ કરેલો તેમ કહી શકાય. હિંસાના ઘોડાપૂરને ખાળવા ગાંધી સફળ થયા. ‘દુનિયાના સૌથી દુષ્ટ શહેરમાં એક હથિયાર વિહોણો અહિંસક માણસ જે સિદ્ધ કરી શક્યો હતો તે પંજાબમાં હથિયારબંધ વ્યવસાયી સૈનિકો કરી શક્યા ન હતા. પંજાબમાં 55,000નું લશ્કર છતાં મોટા પાયા પર રમખાણો ચાલી રહ્યાં છે. બંગાળમાં અમારા સૈન્યમાં એક જ સિપાહી છે અને છતાં ક્યાં ય હુલ્લડબાજી નથી થઈ. મારા આ એકાકી સૈનિકથી બનેલા સરહદી દળને બિરદાવવાની હું રજા માંગુ છું.” આ હતા માઉન્ટબેટનના શબ્દો. શસ્ત્રોની નિરર્થકતા અને અહિંસાની અસરકારકતા માટે આનાથી વધુ યોગ્ય ઉદાહરણ ક્યાંથી શોધવું?

કબૂલ કરીએ કે ભારતને વિદેશી સલ્તનતમાંથી મુક્તિની હારોહાર કાશ્મીરના કબજાનો પ્રશ્ન આણામાં મળેલો. એ પણ સ્વીકારીએ કે બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યા બાદ બ્રિટન કે યુ.એન. તરફથી એ વિવાદને હલ કરવા માટે જોઈએ તેવા અસરકારક ઉપાયો નહોતા કરાયા. જેની સાથે મતભેદ કે સંઘર્ષ છે એ પક્ષ જિદ્દી હોય, દમનકારી હોય અને કોઈ પણ વાટાઘાટોથી પરિસ્થિતિનો ઉકેલ લાવવા સહમત ન થતો હોય ત્યારે જ એક નહીં તો બીજી રીત અપનાવીને એવી સમસ્યાનો ઉકેલ કરવો જ રહ્યો એવું શું આપણે સ્વતંત્રતાની લડાઈ ઉપરથી નથી શીખ્યા? પાકિસ્તાન અને ચીન સાથે કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના સીમાડાઓ અંગે સતત છમકલાંઓ થતા રહે અને 70 વર્ષને અંતે અનેકાનેક ભારતીય સૈનિકો દેશની રક્ષા કાજે જાન ગુમાવે છે તો એ માટે કોણ કોણ જવાબદાર? જ્યારે જ્યારે શોષિત અને દમિત માનવસમૂહોએ ‘હવે બસ’ એમ કહીને પોતાના અધિકારો માટે પાંચ આંગળીઓ ભેગી કરી, એકમેક સાથે સાંકળ બાંધીને વાટાઘાટો અને શાંતિમય ઉપાયો યોજ્યા છે ત્યારે ત્યારે ગુલામી પ્રથા અને રંગભેદી શાસન વ્યવસ્થા નાબૂદ થઈ, અસ્પૃશ્યતા દૂર થઈ અને દુનિયા પર પોતાની તાકાતથી એકચક્રી શાસન કરનાર બ્રિટિશ સરકારને પણ તડીપાર કરી એ શું આપણે નથી જાણતા? લાગે છે કે ભારતીય સીમારક્ષણ પ્રશ્ને ત્રણેય દેશોના વહીવટી હોદ્દેદારોની નેમ જોઈએ તેવી મજબૂત નથી, નહીં તો તેનો ઉકેલ લાવી જ શકાય. તો શું હવે પ્રજાએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો સમય પાકી ગયો છે?

આજે ભારતની સરહદો સાત સાત દાયકાના વહાણાં વાયાં છતાં સલામત નથી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ છે અખંડ ભારતનું ધર્મને આધારે થયેલ વિભાજન. તત્કાલીન રાજકીય અને સામાજિક આગેવાનોમાંથી કેટલાકે ભારતે વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવી, પરંતુ દેશના કોમ અને ધર્મને મુદ્દે ભાગલા ન કરવા પ્રજાને સમજાવવા બહુ કોશિશ કરેલી. જો સ્વતંત્ર થયા બાદ આટલા વિશાળ દેશનો વહીવટ મુશ્કેલ લાગે કે તમામ કોમ, જાતિ અને પંથના લોકોનું હિત સાચવવાનું કામ કપરું લાગે તો પરસ્પરની સમજણ અને સહમતીથી થોડા ગણરાજ્યો રચીને તેનું એક સુગઠિત રાષ્ટ્ર બનાવવું તેવો કેટલાકનો મત હતો, જે સ્વીકારાયો નહીં. વિભાજન સમયના રમખાણોના સાક્ષી બન્યા પછી નહેરુ કકળી ઊઠ્યા અને કહેલું, “આ ભાગલાથી કેવું દોજખ સર્જાયું છે! આપણે ભાગલા માટે સંમત થયા ત્યારે આવી કોઈ કલ્પના ન હતી. આપણે ભાઈઓ છીએ, આવું બની જ કેમ શકે?” આ વિધાનથી નહેરુ અને અન્ય નેતાઓની તત્કાલીન પરિસ્થતિને અગાઉથી પારખી ન શકવાની નબળાઈ અને ગાંધીજીની દૂરંદેશીનો પુરાવો મળે છે. આ હકીકત ઉપરથી ત્યાર બાદના સત્તાધારીઓ શું શીખ્યા? હવે ભાંગેલી શેરડીનો આખો સાંઠો ન બનાવી શકાય, પણ એક સાંઠાના બે કટકા સમાન ભાત-પાકિસ્તાનને અડખે પડખે સુખેથી રહેવાના માર્ગ જરૂર નીકળે.

આઝાદીનો ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો. તે વખતે ભારતમાં વધતી જતી રુશ્વતખોરી અને નિર્વાસિતો જ્યારે ભૂખે મારતા હતા ત્યારે પ્રધાનો જે મિજબાનીઓ આપતા હતા તેના દાખલા આપીને નહેરુ અને પટેલને ગાંધી ખખડાવતા. વૈજ્ઞાનિક પ્રગતિ અને પશ્ચિમના અર્થતંત્રના ચમકારાથી સંમોહિત થઈ ગયા હોવાનો આરોપ તેમના પર જોખતા. એટલું જ નહીં, નહેરુના કલ્યાણરાજ્યને તેઓ વખોડતા કારણ કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ ગર્ભિત હતું. તેઓ કહેતા કે આવા રાજ્યથી ‘લોકો ઘેટાં જેવાં બની જશે અને હરહંમેશ ઘાસચારાની જગ્યાએ લઈ જવા માટે ભરવાડો પર નિર્ભર રહેશે, ભરવાડની લાકડી થોડા સમયમાં બાણમાં ફેરવાશે અને ઘેટાંઓ વરુઓ બની જશે.” ગાંધીજીની આર્ષદ્રષ્ટિનો આ એક વધુ એક પુરાવો. આજે આપણે અનુભવી રહ્યા છીએ કે રાજ્ય અને કેન્દ્રીય સરકારોમાં સત્તાનું કેન્દ્રીયકરણ ઉત્તરોત્તર વધતું ગયું છે, પ્રજા પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવતી ગઈ, લોકશાહીને બદલે ગાડરશાહી અસ્તિત્વમાં આવી અને શાસક પક્ષ અને સરકારી તંત્ર જ બધું કરી આપે એમ માની હાથ નીચે માથું ટેકવી સુઈ ગયા. હવે એવી નિર્માલ્ય પ્રજામાંથી નેતાઓ કેવા નીપજે? વરુ જેવા જ ને?

ગાંધીજીના દેહાવસાનને 70 વર્ષ થયાં. ખેર, ભારતની પ્રજાએ તેમના ચિંધેલ માર્ગે જીવવાનું મુનાસીબ ન માન્યું. દેશના વિભાજન સમયે ગાંધીજીને કઠોર વાસ્તવિકતાની પ્રતીતિ થઈ અને વેદનાથી બોલી ઊઠ્યા, “જો ભારતને અહિંસાનો ખપ ન હોય તો મારો તો શું ખપ હોય? એક દિવસ હિંદના નેતાઓ આવીને કહે કે આ બુઢ્ઢાનું બહુ સાંભળ્યું. શા માટે હવે અમારી છાલ છોડતો નથી? તો મને નવાઈ લાગવાની નથી.” અને ભારતના નેતાઓએ ખરે જ એ બુઢઢાનું ન સાંભળ્યું જેને પરિણામે ઘણી વિટંબણાઓ સહેવી પડે છે. કોમી એખલાસ અત્યારે જોખમમાં છે તેવી કદી નહોતી. જાણે પોતે આપેલ વચન મુજબ ગાંધીજી કબરમાંથી પણ બોલતા સંભળાય છે, “ભારત કેવળ હિન્દુઓનું છે અને પાકિસ્તાન કેવળ મુસ્લિમોનું છે તેવું માનવું તેના જેવી મૂર્ખતા કોઈ નથી.” આજે આપણે એ જ કરી રહ્યા છીએ જે ન કરવું જોઈએ.

વિવિધ જીવન પદ્ધતિ અને સાંસ્કૃિતક ભિન્નતાઓ વારસામાં મળી હોય તેવો દેશ ધર્મ કે જ્ઞાતિના વાડાને મધ્ય નજર રાખીને નહીં તો બચાવી શકાય કે ન તો વિકસાવી શકાય જે બાબતની રાજકારણીઓને જાણ નથી તે સ્પષ્ટ થતું જાય છે અને એટલે જ તો હવે આમ જનતાએ આ હકીકત સમજીને ભારતને મળેલ અદ્દભુત એવા તમામ પ્રકારના વૈવિધ્યને પોષે તેવી અર્થ, સમાજ, ન્યાય અને વહીવટી વ્યવસ્થા ઊભી કરવા શક્તિમાન બનું જોઈશે. અને તે પણ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં.

e.mail : 71abuch@gmail.com

Loading

દીકરો

વિનોદિની નીલકંઠ|Opinion - Short Stories|6 February 2018

પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું. જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું : ‘જો બેટા કાંતિ, આ તારી બીજી બા.’
‘બીજી બા’ કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું : ‘બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.’ અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બાર મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.

પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’


પછી તો વર્ષો વહી ગયાં. અંબાને પોતાને પણ બાળકો થયાં. પરંતુ કાંતિનું સ્થાન તેના હૃદયમાં ધ્રુવવત અવિચળ જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલો તે બાળક અંબાના હૃદયના પ્રેમસિંહાસન ઉપર આરૂઢ થયો હતો. અંબાનાં બાળકો કાંતિને ‘કાકા’ નહિ પણ ‘મોટાભાઈ’ કહી બોલાવતાં અને અંબાને તે છોકરાં પણ ‘બીજી બા’ને નામે જ સંબોધતાં. કાંતિને ભણાવ્યો-ગણાવ્યો અને તે જોતજોતામાં એકવીસ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે : ‘બે વર્ષ ખમી જઈએ. લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે ? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઈશે. ઉપરાંત કપડાં-ચપડાં વગેરેનું ખર્ચ થશે તે જુદું.’
અંબા બોલી ઊઠી : ‘મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું.’
પીતાંબર આશ્ચર્યચકિત થઈ બોલ્યો : ‘વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઈશ ? – નથી આ કાંઈ દીકરાની વહુ આવવાની; આ તો મારુંતારું કરતી દેરાણી ઘરમાં આવશે. જાણતી નથી ?’

છેવટે અંબાની જીત થઈ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું. એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઈ નાખી. પીતાંબર ચિઢાઈને કહેતો : ‘તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઈ અપ્સરા ઊતરી આવશે, તો જ તારું મન માનશે.’
ઠંડી રીતે અંબા બોલી : ‘તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી ?’ છેવટે કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર ઠરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઈ મણા જ ન હતી. તેનાં આંખ, નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર જ અનુપમ હતાં. એ સાત ચોપડી ભણેલી પણ હતી અને ઉંમરમાં સોળ વર્ષની હતી. (એ જમાનામાં એ ઉંમરે લગ્ન થતાં.) ‘દરેક રીતે મારા કાંતિને લાયકની છે.’ અંબા સૌ કોઈને હરખાઈ હરખાઈને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને કરુણાને ઘરમાં આણી. પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હક્કની માગણી કરશે ત્યારે અંબા રૂઠ્યા વગર નહિ રહે, અને આટલાં વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુનો બની જશે તે અંબાથી કદી સહન નહિ થાય. શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકામાં આગનું છમકલું જોવાની અને તે જોઈ મનને એક છૂપે ખૂણે રાચવાની અવળી ઈચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઈક કારણસર હૈયાને એકાદ ઓતાડે ખૂણે પણ દુ:ખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુ:ખી જોવા તે ઈંતેજાર બને છે; એવું જ પીતાંબરને થયું. પરંતુ વીસ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહિ. તેથી તેની ગણતરી ઊંધી વળી.

રૂપરાશિ સરખી સોળ વરસની સુંદરીને પોતાના પ્રાણપ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતીફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઈ જતું. અંબાના હૃદયમાં પ્રેમનું પાત્ર એવું તો છલકાઈ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઈને તે પાત્રમાંથી જેટલો જોઈએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને ‘બીજી બા’ કહી બોલાવવા માંડી, ત્યારે અંબાને ખૂબ આનંદ થયો. અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યે જ કોઈનું ટકી શકે છે. અંબાનું પણ ન ટક્યું. બજારમાંથી ઘર ભણી આવતાં કાંતિને એક રખડતું કૂતરું કરડ્યું, ત્યારે કોઈને કલ્પના ન થઈ કે તે કૂતરું હડકાયેલું હશે અને આઠ દહાડે કૂતરાના દાંત પડવાથી પડેલો ઘા રુઝાઈ ગયો. તે સાથે સૌ કોઈના મનમાંથી પણ તે વાત ભૂંસાઈ ગઈ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું. કૂતરું કરડ્યા પછી મહિને દિવસે કાંતિને હડકવા હાલ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઈ ગયો. બાળક-અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.

દુ:ખના દિવસો ધીમે જાય છે. તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું. સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતું અને રાત્રીનું શાંત નીરવ વાતાવરણ તેના નિદ્રાવિહીન મનને અસહ્ય લાગતું, ત્યારે તે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઊગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂર્ખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબાને જાણેઅજાણે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી, તે પણ ખોટી હતી. કાંતિ ઉપરનું તમામ હેત અંબાએ કરુણા ઉપર કેન્દ્રિત કર્યું. ઘણી વાર સમીસાંજે કામથી પરવારી દેરાણી-જેઠાણી એકલાં પડે ત્યારે અંબા કહેતી : ‘મારાં સાસુએ પહેલે દિવસે જ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો, પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાફૂટીને કેમ ન આવ્યો ? મેં સાચવ્યો નહિ તેથી જ મારો રતન જેવો દીકરો કાળે કૂતરાનું રૂપ લઈ ભરખી ખાધો ! અને વહુ ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો આવ્યો. ભગવાનને ઘેર મારાં સાસુજીનો મેળાપ થશે, ત્યારે હું શું મોઢું દેખાડીશ ?’ આક્રંદ કરતાં અંબા બોલ્યે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળ્યે જતી. કોઈ ભૂંડી પડોશણ કદાચ એવો ઈશારો કરે કે, ‘વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો,’ તો અંબા કહેતી : ‘અરેરે, વહુ તો મારી કંકુ-પગલાંની, પણ મારાં જ નસીબ ફૂટી ગયાં તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝાપટ મારી તે ઢોળી નાખ્યો; તેથી આ કાચી કેળ જેવી છોકરીનું અસહ્ય દુ:ખ મારે દેખવાનું રહ્યું.’

અંબાનાં પોતાનાં છોકરાં મોટાં થવાં લાગ્યાં હતાં અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનું મન જ ઊઠી ગયું હતું. કાંતિના મૃત્યુ પછી કપડાંલત્તાં વિષે અંબા સાવ બેપરવા બની ગઈ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે – માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે, ત્યારે એક અરધી ક્ષણ આરસીમાં કપાળનો ભાગ તે જોઈ લેતી, અને ચાંદલો તો કરવો જ પડે એટલે તે કરતી. બાકી કરુણાનું રૂપાળું, ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસિયા જેવું અને પોતાના કપાળમાં લાલચોળ ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું. આ બાજુ, પીતાંબરને કાંતિના અકાળ મૃત્યુનો આઘાત નહોતો લાગ્યો એમ તો ન જ કહેવાય; પણ તે ઝટ રુઝાઈ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પછી છ મહિને તેનું મન વિષયસુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું : ‘આપણે બહુ વર્ષ સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પેસતાં પહેલાં જ, ઊંબરા ઉપર પગ મૂકતાં જ કાંતિ બિચારો….’ રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઈ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે ન હતો, પરંતુ તેથી કાંઈ તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે તે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીને પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લાગી.

અને વળી બે વર્ષ એમ જ વહી ગયાં. પીતાંબરનો મોટો દીકરો દશરથ હવે પરણે એવડો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાનાં હતાં. નવા જમાનાની સુરતી કન્યાએ મુરતિયાને જોયા વગર લગ્ન કરવાની અનિચ્છા બતાવી હતી અને આ તરફ દશરથે પણ કન્યાને જોયા પછી જ ‘હા-ના’નો જવાબ દેવાની શરત રજૂ કરી હતી. ઘર, રસોડું તથા બાળકોની જવાબદારી કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિત જીવે દશરથને લઈ કન્યાને જોવા સુરત ગઈ.

આઠ દહાડે તે પાછી ફરી ત્યારે પીતાંબરને સ્ટેશન ઉપર તેડવા આવેલો દેખી પહેલાં તો અંબાના પેટમાં ફાળ પડી, કે જરૂર કાંઈ માઠું બની ગયું હશે – બીજું તો શું, પણ જરૂર કોઈ માદું-સાજું થઈ ગયું હશે. પણ જ્યારે પીતાંબરે હસતે મોઢે સૌને ખુશીખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો; પણ તેને નવાઈ ખૂબ લાગી. મનમાં ને મનમાં એ પૂછવા લાગી : ‘આ સ્ટેશન ઉપર આવ્યા જ કેમ ?’ ઘેર બધાં બાળકો કુશળ હતાં, પણ આઠ દહાડામાં કરુણાનો તો જાણે અવતાર જ ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી ને દૂબળી પડી ગયેલી જણાઈ. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું : ‘કેમ, બીજી બા વગર તારી કોઈએ ભાળ ન રાખી કે શું ? આમ કેમ ઢીલી પડી ગઈ ?’ અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા રોઈ પડી. ખૂબ ખૂબ રોઈ, પણ મોઢેથી એક શબ્દ પણ ન બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હશે એ વિષે તેને વહેમ પડ્યો, પણ તે તેણે પોતાના મનમાં વસવા ન દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહિ ને હવે અંબાની જાણે ખુશામત કરતો ન હોય એમ વર્તવા લાગ્યો; અને પીતાંબરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી દેખી બે-દુ-ચારનો હિસાબ ગણતાં અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને એકાંતે બોલાવી વાત પૂછી લીધી. અને અંબાની ગેરહાજરીમાં પીતાંબરે પોતાના ઉપર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષરે અક્ષર કહી દીધી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાતરી થઈ, ત્યારે પણ અંબા શાંત જ રહી. અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબાએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ઘૃણા ન ઊપજી, અને પુત્રીવત દેરાણી ઉપર તો સહાનુભૂતિ ને અનુકંપાથી તેનું હૃદય ભરાઈ ગયું. દરેક દુ:ખદ પરિસ્થિતિ માટે તે પોતાને જ જવાબદાર ગણતી, તેમ આ વખતે પણ તે પોતાના મનને કહેવા લાગી : ‘વાંક તારો જ ગણાય. તેં સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ્ય શી રીતે પાળે ? વળી ભલભલા ઋષિમુનિઓનું પણ મન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે, તે જોઈ એમનું પરાણે રોકી રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ ?’

અંબાએ તો દશરથનું લગ્ન ઝટપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઈમાં પોતાના ધંધામાં ભેગો લઈ લીધો, એટલે પરણીને એ ગયો મુંબઈ. તે જ અરસામાં અંબાની મોટી છોકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી પીતાંબરને ઘેર મૂકી જમાઈ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઈ. તેણે અનેક રાતના ઊજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી; કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુક્તિ સૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી.

અંબા પોતે સગર્ભા છે, એવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમજ સગાંસંબંધીમાં ફેલાવી દીધી. ‘બળ્યું બહેન ! માયા છોડવા ઘણુંયે મથીએ, પણ આ દેહની વાસના કેડા છોડતી જ નથી. જુવાનજોધ દેરાણી રંડાપાનું ઢગ દુ:ખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાંની મા થઈ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરાં થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી ! તેમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય ?’ પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઈ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઈ જવાની વાત છેડી : ‘દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણાય કેટલાં વર્ષથી ઘરની ચાર ભીંતો વચ્ચે ગૂંગળાઈ રહી છે. અને હું વળી પાછી બાળકના જન્મ પછી બંધાઈ જઈશ, તો હમણાં જરા સ્થળફેર કરી આવીએ.’ પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઈને પણ વર્તાય તે પહેલાં અંબા કરુણાને લઈ મુંબઈ ગઈ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછી તે દેરાણી-જેઠાણી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં. દીકરો પરદેશ ગયો છે ને આ તે દીકરાની વહુ છે – એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવ્યે રાખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ પણ તેણે પૂરેપૂરો પહેરાવી દીધો હતો. પૂરા દિવસ થતાં તે ગામની ઈસ્પિતાલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો !
‘નર્યો મારો કાંતિ જ !’ અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો. દેરાણીનો બાળક જેઠાણીએ લઈ લીધો. થોડા જ દિવસમાં બાળકને લઈ બન્ને ઘેર આવ્યાં.

પડોશણોથી ઘર ભરાઈ જવા લાગ્યું : ‘ધાર્યા કરતાં છોકરો જરા વહેલો અવતર્યો.’ અંબાએ સૌને જણાવ્યું.
પડોશણો બોલી, ‘દીકરો નર્યો પીતાંબરદાસનો નમૂને નમૂનો છે.’
‘એમ ?’ અંબા જરીક દુ:ખી થઈને બોલી : ‘હશે, બાપ જેવો બેટો થાય તેમાં શી નવાઈ ? બાકી મને તો આ તદ્દન મારા કાંતિ જેવો જ લાગે છે.’ પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલાવી. તેના હાથમાં બાળક સોંપતાં તે બોલી : ‘આમ જ એક વાર મારાં સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું – આધેડ વયે મારાથી તેની વેઠ થાય નહિ, અને તારુંય ચિત્ત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.’ આંખોમાં વહેતાં આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં મૂક્યો.

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]

સૌજન્ય : http://archive.readgujarati.in/sahitya2/2010/02/02/dikaro-story/

Loading

આ બધી ઘરની ધોરાજી નોં’ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 February 2018

ધોરાજીમાં બે વર્ષ

સરકારી નોકરીમાંથી નિવૃત્ત થવાને બસ બે જ વરસ બાકી હતાં ને પ્રમોશન મળ્યું. તે ય ગાંધીનગરથી છેક સાડા ત્રણસો કિલોમીટર દૂર. રાજકોટ જિલ્લાના તાલુકામથક ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલમાં. એક તરફ આટલે દૂર ન જવાય એવો મોટા ભાગના લોકોનો અભિપ્રાય હતો. તો બીજી તરફ એક નવો અનુભવ થશે, એમ માનીને પડકાર લેખે ૧૫મી જૂન, ૨૦૧૫ની રાતે ધોરાજીની વાટ પકડી.

ચુનીલાલ મડિયા જેને ટીંબામાંથી ટાઉનશીપ બનેલું ગણે છે તે આજના ધોરાજીની જગ્યાએ ત્રણસો વરસ પહેલાં જંગલ હોવાનું કહેવાય છે. આજે ત્રણ દરવાજાથી દરબાર ગઢ જતાં પરખાય છે તેમ, ધોરાજીનું ભૃપૃષ્ઠ. ઊંટની પીઠ જેવું છે. આ ટીંબો ધીમે ધીમે માનવવસ્તીથી ઊભરાવા લાગ્યો. ટીંબા ઉપર સૌથી પહેલો ચારણોનો નેસ બનેલો. કાચાં ઝૂંપડાં બાંધી માલ ઢોર સાથે ચારણો વસવા લાગ્યા. ખેતી અને દૂધ-ઘીની કમાણીએ એમને ત્યાં સ્થાયી કર્યા ને આમ આ નેસે ગામડાનું રૂપ ધર્યું. ચારણના નેસમાં એક ચારણ સ્ત્રી નામે ધોરીઆઈ તેમનાં આગેવાન. ધોરીઆઈ જેટલાં હિંમતવાન એટલાં જ નેતૃત્વકુશળ. એમના નામ પરથી જ નેસમાંથી ગામ બનેલી આ માનવવસ્તી ‘ધોરાજી’ તરીકે ઓળખાઈ !

પહેલાં લોક વસ્યા અને પછી જાગીરદાર કે રાજા આવ્યો, એવો ધોરાજીનો આરંભિક ઇતિહાસ છે. શિકાર. લૂંટફાટ અને ચોરી કરવા આવેલા સુમરા અહીં સ્થિર થયા અને તેમના નેતા હોથી સુમરાએ ગામ પર પોતાનું આધિપત્ય જમાવ્યું. ધોરાજીના પાદરમાં વહેતી નદીનું નામ સફુરા, હોથી સુમરાની દીકરીના નામ પરથી પાડવામાં આવ્યું હોવાનું મનાય છે. ઈ.સ. ૧૭૪૮માં ગોંડલના રાજા હાલાજીએ, ધોરાજીના જાગીરદારે, જૂનાગઢના નવાબ સામે કરેલી લડાઈમાં મદદ કરી, નવાબના દુશ્મનને હરાવ્યો અને બદલામાં ‘ઘરની ધોરાજી’ કહેતાં ધોરાજી,  સુપેડી,  ડુમિયાણી, નાની મારડ અને પીપળિયા એ પાંચ ગામનું પરગણું મેળવ્યું હતું. એ રીતે ગોંડલ રાજ્ય ધોરાજીમાં સ્થપાયું. ધોરાજીમાં ચારણો પછી મુસ્લિમો આવી વસ્યા અને જૂનાગઢના નવાબે ધોરાજી ગોંડલને સ્વાધીન કર્યું એવો રસપ્રદ એનો ઉદ્દભવ છે.

ગોંડલના રાજા ભાકુંભાજીએ ઈ.સ. ૧૮૦૫માં ધોરાજીની સલામતીને ધ્યાનમાં રાખીને કિલ્લો બાંધવાનો શરૂ કર્યો. આજે તો એ કિલ્લાના થોડા અવશેષો જ બચ્યા છે. આ કિલ્લાને ચાર દરવાજા (કાઠિયાવાડ દરવાજો, પોરબંદર દરવાજો અને સોરઠ દરવાજો) અને ત્રણ બારી (દરબારની બારી, ભીમજીની બારી અને સતીની બારી) હતી. એમાં વધઘટ પણ થતી રહી હતી. ધોરાજીના કિલ્લાને તોરણ બંધાયા પછી સૌ પહેલો બહારનો વસવાટ કણબી ખેડૂતોનો થયેલો. ગોંડલનરેશ સંગ્રામજી આજના આણંદ જિલ્લાના વઘાસી ગામે પરણેલા. એટલે એમણે પોતાની સાસરીના ખેડૂતોને ધોરાજીમાં લાવી વસાવ્યા. એ રીતે વઘાસીના કણબીઓ બહારથી આવી વસેલા તેઓ આજના ધોરાજીના આદિ વસાહતીઓ ગણાય છે. તેમણે પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા ‘વઘાસિયા’ અટક ધારણ કરી છે.

***

ધોરાજી ક્રમે ક્રમે વિકસતું ગયું. ભારતીય સમાજની જ્ઞાતિવ્યવસ્થા મુજબ કિલ્લામાં વસવાટ થતો રહ્યો. ધોરાજીમાં આજે ખ્રિસ્તી સિવાયના તમામ ધર્મના અને અઢારે ય વરણના લોકો વસે છે. ગામની વસ્તીમાં અડધોઅડધ મુસ્લિમો છે, તો દલિતોનું પણ મોટું સંખ્યા બળ છે. પણ જૂના જમાનામાં કિલ્લા નજીક રાજપૂતોને વસાવ્યા હતા. જેથી તે રાજની રખવાળીનું જ્ઞાતિગત કામ કરે. ગામના અગ્નિ ખૂણે આજના દલિતો-પછાતો-મુસ્લિમોને વસાવ્યા હતા. કણબીઓને ખેતી અને રહેઠાણની જમીનો આપી ગામના મધ્ય ભાગમાં વસાવ્યા હતા, તો બ્રાહ્મણોને મંદિરોની અને રાજની નજીકમાં રાખ્યા હતા.

સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ધોરાજીનો દરબારગઢ બંધાયો. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવો દરબારગઢ એના અદ્દભુત કોતરણીવાળા પ્રવેશદ્વારોથી સોહતો રાજમહેલ હતો. પુરાતત્વની દૃષ્ટિએ રક્ષિત એવી આ ઇમારત હવે તો ખંડેર બની રહી છે. તેની બાજુમાં અને અંદર મામલતદાર સહિતની સરકારી કચેરીઓ બેસે છે. આજ દરબારગઢમાં ગોંડલના પ્રગતિશીલ અને પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીનો જન્મ થયો હતો. દરબારગઢને અડીને ભીમજીની બારી આવેલી છે. બહારપુરાની દલિત મુસ્લિમ વસ્તીનું તે એક પ્રવેશદ્વાર છે.  લોકજીભે ભીમજીની બારી ‘ગંધારો દરવાજો’ તરીકે ઓળખાય છે.  કેમ કે ભીમજીની બારી અને આજના ગંધારા દરવાજાની અંદરબહાર લોકો પેશાબ કરે છે, ગંદકી કરે છે. આ બારીમાંથી પસાર થવું ભારે દુષ્કર છે. એક પ્રજા તરીકે આપણે આપણા વારસાનું કેવું જતન કરનારા છીએ અને ખુલ્લામાં શૌચમુક્ત નગરોનો સરકારી નારો કેવો બિનઅસરકારક-બોદો છે તેનું જીવંત પ્રતીક ધોરાજીનો ગંધારો દરવાજો છે.

આજના ધોરાજીની પાંચમા ભાગની વસ્તી બહારપુરામાં વસે છે. પણ તેમાં માત્ર બે જ કોમો છે – દલિત-પછાતો અને મુસ્લિમો. બહારપુરાની રચનાનો ઇતિહાસ પણ રંજ અને આક્રોશ જન્માવે તેવો છે. આરંભે દલિતો-પછાતો-કારીગરો અને મુસ્લિમો કિલ્લાની અંદરના ગામમાં વસતા હતા. પણ ગામનો વિકાસ થયો, આધુનિકતા આવી ત્યારે તે ગામની બહાર ધકેલાયા. વિકાસ સાથે વંચિતોનું વિલોપન એ કંઈ એકવીસમી સદીની જ કથા નથી કે તેના પર એકલા નરેન્દ્ર મોદીનો ઇજારો નથી. આધુનિક અને પ્રગતિશીલ ગણાતા ગોંડલ રાજમાં પણ 'બહારપુરા' સર્જાયું હતું, જે મારા ધોરાજીવાસનું સરનામું બનવાનું હતું.

ઈ.સ. ૧૮૮૧માં ધોળાથી ધોરાજીની રેલવે શરૂ કરવામાં આવી. રેલવેને કારણે થનારા વિકાસને અનુલક્ષીને ગામનો નવો નકશો ઘડાયો. એમાં કિલ્લેબંધ ગામમાં વસતા દલિતો, પછાતો, કારીગરો અને મુસ્લિમોને ગામની બહાર, ‘બહારપુરા’ વસાવી ત્યાં ધકેલ્યા. આજનું બહારપુરા એમ બધી રીતે શહેરની બહાર છે. સાવ જ ઉપેક્ષિત અને નરકાગાર ! એને જાણે કે વિકાસ અડતો જ નથી. વિકાસને ત્યાં લગી આવવાનો લોકતાંત્રિક રાજમાં રાજહુકમ નથી. ધોરાજીના શાસનકર્તાઓ માટે તે સાવ બહારનો અને અણમાનીતો વિસ્તાર છે.  ત્યાં ન રસ્તા છે, ન ગટરો છે, ન બેંક છે, ન શાળા છે. ધોરાજીના પ્રથમ દલિત નગરપતિ પણ અહીં જ વસે છે. એવું જ મુસ્લિમ પ્રતિનિધિઓનું પણ છે. પ્રાતિનિધિક લોકશાહીમાં બહારપુરાનો હિસ્સો અને પ્રતિનિધિત્વ છે પણ વિકાસનાં ફળ જ નહીં, એના મૂળમાં પણ એનો હિસ્સો શૂન્ય છે. મજાની વાત એ છે કે આ જ  બહારપુરામાં મુલ્કમશહૂર ખ્વાજા મોહકમદ્દીન સૈરાની અને લાલશા બાપુની દરગાહો છે.  દર વરસે આસો માસમાં અહીં મોટો ઉર્સ ભરાય છે, જેની સૌરાષ્ટ્રના મોટા મેળાઓમાં ગણના થાય છે. આ ઉર્સમાં હજારો લોકો આવે છે. અન્યથા જેમને કદી બહારપુરા જવાનું થતું નહીં તે ધોરાજીની ઉજળિયાત વસ્તી અહીં રાતભર ચાલતા મુજરા દેખવા જતી હતી. ઉર્સના ચચ્ચાર દિવસ ગંદુ, ગોબરું, ઉપેક્ષિત બહારપુરું એના એ તમામ લક્ષણો અકબંધ રાખીને રોશનીથી ઝળાહળાં થઈ ઊઠે છે.

***

ત્રણ સદી જૂના ધોરીઆઈના ધોરાજીની પહેલી વસ્તી ગણતરી ૧૯૨૧માં થઈ ત્યારે વસ્તી હતી ૨૫,૦૦૦. ૧૯૩૧માં તે વધીને ૨૯,૦૦૦ અને ૧૯૬૧માં ૫૦,૦૦૦ થઈ હતી. ૨૦૧૧માં ધોરાજીની વસ્તી ૮૪,૫૪૫ની હતી. ૧૦૦૦ પુરુષે ૯૫૩નું સ્ત્રી પ્રમાણ સારું કહી શકાય તેવું છે. ગોંડલરાજનું  ફરજિયાત શિક્ષણ ધોરાજીને  ફળ્યું છે. ધોરાજીમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૧.૮૦ ટકા છે.

મહારાજા ભગવતસિંહજીની જનમભોમકામાં, એમના નામની શાળામાં મારે નોકરી કરવાની હતી. ધોરાજીની આ જ ભગવતસિંહજી હાઈસ્કૂલમાં ૨ જુલાઈ, ૧૯૩૨થી ૩૧ માર્ચ, ૧૯૩૯ સુધી જાણીતા વાર્તાકાર ચુનીલાલ મડિયા ભણતા હતા. ભગવતસિંહ અને મડિયાના સ્મરણે સ્વાભાવિક આનંદ અને રોમાંચ હતો. પણ ૧૬મી જૂન, ૨૦૧૫ની સવારે જ્યારે મેં શાળામાં પગ મૂક્યો ત્યારે તેના પ્રથમ દર્શને, શાળાના પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં, ચાર ખૂણે તકાઈને મુકાયેલી, તિરંગા રંગની ચાર તોપો જોતાં મારો સઘળો આનંદ વરાળ થઈ ગયો. કોઈ શાળાના પ્રવેશદ્વારે કલમને બદલે તોપ જોઈને આઘાત લાગવો સ્વાભાવિક હતો. પણ આવા તો ઘણા આઘાતો મને મળવાના હતા.

૧ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ ભગવતસિંહે આ શાળાના મકાનનો પાયો ખોદાવેલો. હાલના ગેલેક્સી ચોકમાં જૂની ભગવતસિંહ હાઈસ્કૂલ અને રેલવે સ્ટેશન રોડ પર નવી ભગવતસિંહ હાઈસ્કૂલ એમ બે શાળાઓ હતી. એક જમાનામાં શિક્ષણનું એકમાત્ર ધામ એવી આ શાળા શિક્ષણથી ધમધમતી હતી, તે આજે વેરાન છે. વિદ્યાર્થીઓ મેળવવાના ફાંફાં છે. શાળાના પિસ્તાળીસ વર્ગખંડો છે, પણ ધોરણ ૯ થી ૧૨ના ચાર જ વર્ગો બચ્યા છે. શાળાના કેમ્પસમાં હેલિપેડ છે અને બહુ ઓછાં ઝાડ-છોડ સાથેનું ઉજ્જડ ચોગાન છે.  થોડા મહિના પછી મેં મેદાનમાં પાંચ-દસ જગ્યાએ માટીના ટીંબા જોયા. મારું શહેરી મન માનતું હતું કે એ બાળકોએ બનાવેલા મોલ્લા માતા હશે, પણ સાથી કર્મચારીઓએ મારો ભ્રમ ભાંગ્યો. ખરેખર એ સાપના રાફડા હતા.

***

ભગવતસિંહજી હાઈસ્કૂલનો કેવો જમાનો હતો અને તેના શિક્ષણનો કેવો પ્રતાપ હતો તેના પરચા મને મારા બે વરસના ધોરાજીવાસ દરમિયાન મળતા રહ્યા. મુંબઈથી એક મોટા વેપારી તેમની મોંઘીદાટ કાર અને કુટુંબ સાથે ભરબપોરે શાળાએ આવેલા. આ શાળાનો, તેના શિક્ષણનો તેમના વિકાસમાં કેટલો મોટો ફાળો છે તેની વાતો તે બહુ ભાવુકતાથી મને કરતા હતા. પોતાના જૂના શિક્ષકો અને ગોઠિયાઓને સજળ આંખે સંભારતા હતા. જતી પળે એમણે સાવ અડવાણા પગે, બે હાથ જોડીને નતમસ્તકે પાંચ વાર શાળાની પ્રદક્ષિણા કરેલી એ દૃશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. પછી તો આવાં દૃશ્યો ઘણી વાર જોવાનાં બન્યાં, ને એથી સામા છેડાના અનુભવો પણ છે.

શાળાના પ્રવેશદ્વાર પછીના હોલની દીવાલે એક તકતી છે : સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષક અને સુપરવાઈઝર એવા એક ભાઈએ ૨૦૦૦ની સાલમાં શાળાને માત્ર ૭,૭૭૭/- રૂપૈડીનું દાન કરી તેની તકતી મૂકાવીને તેમાં પોતાના ઉપરાંત પત્ની, બે પુત્રો અને ત્રણ પૌત્રોનાં નામો કોતરાવીને અમર કરી દીધાં છે. શાળામાં આ એકમાત્ર તકતી છે. જો તેનો ચાલ વધ્યો હોત તો આજે શાળાની દીવાલો ધરમશાળાની દીવાલો બની ગઈ હોત. એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એટલા શાણા ગણાવા જોઈએ. તેમને મહારાજા પ્રત્યે અને શાળા પ્રત્યે અહોભાવ, આદર અને લાગણી છે, પણ તેનું વરવું પ્રદર્શન કરવાથી તે દૂર રહ્યા છે.

આજથી પોણા ચાર દાયકા પૂર્વે ધોરાજીની જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બંધ કરી તેમાં સરકારી ઓફિસો બેસાડવાનો સરકારે નિર્ણય કર્યો ત્યારે નગરસમસ્તનો વિરોધ એકી અવાજે પ્રગટ થયો હતો. 'જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિ'ના નેજા હેઠળ આંદોલન થયું હતું. ૮ જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ અશ્વિનકુમાર ચુનીલાલ માવાણી નામક પાટીદાર યુવાન એ આંદોલનમાં શહીદ થયેલો. આજે પણ તેની ખાંભી, આ આંદોલન અને સરકારી શાળાના શિક્ષણ માટેની પ્રજાની ચાહતની ગવાહીરૂપ ત્યાં ખડી છે. જો કે લોકોનો વિરોધ બહુ ન ટક્યો. શિક્ષણના ખાનગીકરણ જ નહીં, બજારીકરણ સામે સરકારી શાળાઓને ખુદ સરકારે જ શહીદ કરી દીધી. જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બંધ પડી ને ત્યાં ૨૦૧૧થી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કહેતાં પ્રાંત અધિકારીસાહેબની ઓફિસ બેસતી થઈ ગઈ છે. હવે ત્યાં ધોરાજીની તમામ સરકારી કચેરીઓ માટે બહુમાળી ભવન બનવાનું છે. એટલે કોઈ પણ દિવસે ચુનીલાલ મડિયા જે શાળામાં ભણતા હતા તે નેસ્તનાબૂદ થઈ જશે. જો રાજકોટમાં ગાંધીજીની શાળા બંધ કરી ત્યાં મ્યુિઝયમ બનાવવાનું હોય તો બાપડા મડિયારાજાનું શું ગજું કે તેમની શાળા બચે ! જૂની ભગવતસિંહ હાઈસ્કૂલ નષ્ટ થવાની છે, તો નવી ભગવતસિંહ મરણાસન્ન છે.

***

ઈ.સ. ૧૯૦૬માં ધોરાજીમાં પહેલી નિશાળ સ્થપાઈ હતી. આઝાદી પૂર્વે, ૧૯૩૪માં ગોંડલ સ્ટેટે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો હુકમ કરેલો. એના દોઢ દાયકા પહેલાં ૧૯૧૯માં કન્યાકેળવણી ફરજિયાત અને નિ:શુલ્ક કરી હતી. ૧૮૮૭માં ધોરાજીમાં કન્યાઓ માટે શાળા શરૂ કરી હતી, જે આજે પણ ગોંડલ રાજ્યની કન્યા કેળવણીની પ્રતિબદ્ધતાના પ્રતીકરૂપે ધોરાજીમાં મોજૂદ છે. ઈ.સ. ૧૯૧૫માં ધોરાજીની એક સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાએ વોલિન્ટિયર્સ યુનિયન હાઈસ્કૂલ નામે પહેલી ખાનગી શાળા શરૂ કરી હતી. આ શાળાના કાયમી નિભાવ ખર્ચ માટે લોકોએ લોટરી કાઢી ભંડોળ ભેગું કર્યું હતું.

શિક્ષણના ખાનગીકરણના વર્તમાન માહોલમાં ધોરાજીમાં ખાનગી અને સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળાઓની ભારે બોલબાલા છે, તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં વળતાં પાણી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસની સગવડોમાં સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળા થઈ શકતી હોય, તો કોઈ ટ્યુશન ક્લાસ શું કામ ચલાવે? એવી ગણતરી અને સરકારી નીતિને કારણે એવી શાળાઓ વધી રહી છે. ધોરાજીમાં આવેલી શાળાઓનાં નામોનો વળી જુદો જ ઇતિહાસ છે. થોડાં નામ જોઈશું તો તેમાં એકતા વિનાની વિવિધતા દેખાશે. ધોરાજીમાં મુસ્લિમ — હા, મુસ્લિમ — સ્કૂલ છે, તો પટેલ વિદ્યામંદિર છે.  બેસ્ટ, યુનિક અને રોયલ જેવાં આધુનિક અંગ્રેજી નામો ધરાવતી  હાઈસ્કૂલો છે, તો ચાણક્ય, ગોપાલ, નચિકેતા, અર્જુન અને સાંદિપની સાંદીપનિ જેવાં પ્રાચીન નામોની શાળાઓ છે. સંસ્કારધામ શાળા છે, તો આદર્શ શાળા પણ છે. શહેરમાં આર્ટસ, કોમર્સ અને બી.બી.એ. ભણાવતી બે કોલેજો છે, ટેકનિકલ હાઈસ્કૂલ છે, તો મદરેસા પણ છે. ‘શિક્ષણનું હબ' ગણાતા ધોરાજીની બેઉ સરકારી શાળાઓમાં કાબેલ શિક્ષકો અને કર્મઠ આચાર્યો છતાં તે મરવાના વાંકે જીવે છે.

***

હું બે વરસ ધોરાજીમાં હતો તે દરમિયાનની દસમા-બારમા ધોરણની જાહેર પરીક્ષાઓમાં આસપાસના ગામો કે નગરોની શાળાઓ કે છાત્રાલયોના પાટીદાર વિદ્યાર્થીઓને ટ્રાવેલ્સની મોંંઘી બસોમાં પરીક્ષા આપવા આવતા જોતો અને ચાળીસેક વરસો પહેલાં ૧૯૭૯માં, હું અમદાવાદ જેવા શહેરમાં બાર સાયન્સની પરીક્ષા આપવા પાંચ કિલોમીટર દૂરના પરીક્ષાકેન્દ્ર પર પગપાળો જતો તે સતત યાદ આવતું. અહીં ધોરાજીનાં પરીક્ષાકેન્દ્રોમાં પરીક્ષા આપવા આવતા દલિત વિદ્યાર્થીઓની હાલત મારી ૧૯૭૯ની હાલત કરતાં ખાસ જુદી નહોતી. જો કે ધોરાજીમાં દલિત શિક્ષણના આરંભનો ઇતિહાસ આવો ક્રૂર નથી. ધોરાજીના બે બિનદલિત વકીલો મોતીચંદ વ્રજલાલ પારેખ અને મોહનલાલ નાગજી ચિનાઈના પ્રયાસોથી, ઈ.સ. ૧૯૩૨ના પૂના કરાર વરસે, ધોરાજીમાં દલિત બાળકો માટેની અલાયદી શાળા ખોલવામાં આવી હતી. તેમાં વઢવાણના પ્રાગજી સુખલાલ નામે શિક્ષક હતા. આ ઇતિહાસ ધોરાજીની આજની પેઢીના કેટલા દલિત યુવાનો જાણતા હશે? ૧૯૫૫થી ધોરાજીમાં હરિજન સેવક સંઘ દ્વારા દલિત વિદ્યાર્થીઓ માટે ઠક્કરબાપા છાત્રાલય શરૂ કરવામાં આવેલું. જૂનાગઢ રોડ પર આવેલા આ છાત્રાલયને છેલ્લાં  ઘણાં વરસોથી સરકારી ગ્રાંટ મળતી નથી. ધોરાજીના સરકારી નોકરિયાતોના આર્થિક ટેકે હાલ તે ચાલે છે એટલે જરૂરિયાતમંદ દલિત વિદ્યાર્થીઓને રાહત છે. ધોરાજીમાં દલિત શિક્ષણનો પાયો બે બિનદલિત વકીલો એ નાંખ્યો હતો તે હકીકત છે. તો આજે ધોરાજીમાં જ્ઞાતિ છાત્રાલયો, ખાસ કરીને પટેલોનાં છાત્રાલયો ધમધોકાર ચાલે છે. ખુદ ઠક્કરબાપા છાત્રાલયની સામે પાટીદાર વિદ્યાર્થીઓની મોટી અને સમૃદ્ધ હોસ્ટેલ આવેલી છે. અન્યત્ર પણ જ્ઞાતિ શાળાઓ અને હોસ્ટેલ ધમધોકાર ચાલે છે, પણ ધોરાજીનો બિનદલિત સમાજ અને ખુદ હરિજન સેવક સંઘ દલિત બાળકો માટેની છાત્રાલય સુપેરે ચાલે તે અંગે સાવ બેપરવા છે. આઝાદીનાં આટલાં વરસે આટલી શૈક્ષણિક સમાનતા અને સમરસતા જરૂર આવી છે.

સૌરાષ્ટ્રમાં સામંતવાદ અને જાતિવાદ આજે ય અકબંધ છે એ હકીકતથી બરાબર વાકેફ, એટલે ધોરાજીમાં દલિત તરીકે શું વેઠવાનું આવશે તેનો અંદાજ હતો અને માનસિક તૈયારી પણ હતી.  હા, મારે એક વાતની નિરાંત હતી કે રહેવા માટે મને સરળતાથી સરકારી ક્વાર્ટર મળવાનું હતું એટલે આરંભિક મુશ્કેલીથી હું બચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ‘તમે કેવા?’ એ સવાલ સાવ સહજ રીતે પુછાય છે. ઉંમરના સત્તાવનમાં વરસે મારે જ્યારે આ સવાલનો સામનો કરવાનો આવ્યો ત્યારે પહેલાં તો હું જડમૂળથી હલી ગયેલો. પહેલા જ દિવસે મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરે ‘તમે કેવા?’ પૂછી લીધું, તો ઓફિસમાં મારા બિનદલિત સહકર્મીએ માત્ર મારી નાત જ નહીં, પેટાનાત પણ જાણી લીધી. ‘તમે કેવા?’ એ સવાલનો જવાબ મારી છપ્પન વરસની ઉંમરમાં છ વખત પણ આપવાનો થયો નથી, પણ ધોરાજીમાં છપ્પનન ઘણીવાર આ સવાલનો જવાબ મેં આપ્યો છે. વળી આ સવાલના જવાબમાં જો તમે ‘દલિત’ કહો, તો સાંભળનાર ‘આ વળી કઈ જ્ઞાતિ?‘ એવો ભાવ વ્યક્ત કરે. જો ‘અનુસૂચિત જાતિ’ કે ‘એસ.સી.’ કહો અને સાંભળનાર તેનાથી જ્ઞાત હોય તો ય જાણે ‘આવી તે કોઈ નાત હોતી હશે?’ એવો ડોળ કરે. જ્યારે એ તમારા મોઢે ‘હરિજન’ સાંભળે ત્યારે જ એને ધરવ વળે. જો કે મારે નિખાલસપણે કહેવું જોઈએ કે મને જ્ઞાતિ પૂછનારે કે હું 'હરિજન' છું એવું જાણનારે ધોરાજીમાં મારી સાથે આભડછેટ કે ભેદભાવભર્યું વર્તન કદી કર્યું નથી. મારા બિનદલિત સહકર્મીઓ સાથે બરાબરીના વ્યવહારે જ હું રોજ લંચ લેતો હતો. રોજ બપોરે મારું ટિફિન આપનાર બિનદલિત કે સાંજે હું જ્યાં ઘરઘરાઉ જમવા જતો એ પંડ્યા લોજનાં બ્રાહ્મણ ભાઈબહેનોએ લેશમાત્ર જુદાપણું દાખવ્યું નથી.  જો કે સાવ સમાનતાનો પણ વ્યવહાર જોવા મળ્યો નથી. મારું શરૂઆતનું જમનાવડ રોડનું બિનદલિત કે મિશ્ર વસ્તીનું સરનામું ક્યારે બહારપુરાનું બની ગયું, તેની મને ખબર સુધ્ધાં ન પડી. સ્કૂલના મારા બહારપુરાના સહકર્મીઓને તેમના કોઈ સાથી બિનદલિત સાજેમાંદે કે સુખદુખના પ્રસંગે તેમના ઘરે બહારપુરા આવ્યાનું યાદ નથી. લગ્ન કે બીજા સામાજિક પ્રસંગોએ દલિતોને  બિનદલિતને ત્યાં અચૂક બોલાવાય, પણ દલિતને ત્યાં કોઈ બિનદલિત ન જ જાય. ચાંલ્લો મોકલે અને બદલામાં દલિત પ્રસંગ વીત્યે બહારનો નાસ્તો મંગાવી સૌનું મોં મીઠું કરાવ્યાનો સંતોષ લે. અમારા એક ઓ.બી.સી. સેવક બહેનના પુત્રના લગ્નમાં આખો સ્ટાફ સાગમટે ગયો, પણ દલિત સેવકની પુત્રીના લગ્નમાં કોઈ ન ગયું. પૂછ્યું તો કહે એમના ઘરે ખાવાનું થોડું ચોખ્ખું હોય.

ધોરાજીમાં હિંદુ પરિવારના અંતિમ શાંતિરથમાં સુંદર ભજન અને સૂરાવલી સાથે શાંતિપૂર્ણ અંતિમ વિદાયયાત્રા નીકળે તેનાથી હું ભારે પ્રભાવિત. ધોરાજીમાં હિંદુ સમસ્ત માટે એક જ સ્મશાન છે એવું જાણ્યું ત્યારે તો હું રાજીનો રેડ થઈ ગયો. (જો કે તેનું ખરું કારણ જમીનનો અભાવ છે), પણ મારા ધોરાજીનિવાસ દરમિયાન મને અંતિમ શાંતિરથમાં કોઈ હિંદુ દલિતની અંતિમયાત્રા જોવા ન મળી કે નગરના સહુ હિંદુઓ માટેના એક જ સ્મશાનમાં હિંદુ દલિતના અંતિમ સંસ્કાર ન જોવા મળ્યા. કેમ કે દલિતો પરંપરાગત રીતે મૃતદેહનું દફન કરે છે અને તેમના  દફન માટેની જગ્યા જુદી છે. આમ એક જ સ્મશાન અને આમ સાવ જુદું.

આપણે નાતજાતના ભેદ પાળતા સંકીર્ણ માનવી ક્યારે અને કેવી રીતે બન્યા, તે ધોરાજીમાં આવેલી દેશનેતાઓની પ્રતિમા પરથી જણાઈ આવે છે. આઝાદી પૂર્વે ૧૯૩૪માં રેલવે સ્ટેશન પાસે મહારાજા ભગવતસિંહની પ્રતિમા મૂકવામાં આવી હતી. આઝાદી બાદ ૧૯૫૫માં ધોરાજી શહેર સુધરાઈએ ત્રણ દરવાજા પાસે ગાંધીજીની પ્રતિમા મૂકી છે. ૨૨મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ મેઘવાળ સેવા સમાજ, ધોરાજી દ્વારા માઈસાહેબ(ડો. સવિતા આંબેડકર)ની ઉપસ્થિતિમાં ગેલેક્સી ચોકમાં દલિતોએ ડો. બાબાસાહેબ અંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી. ૧૯૯૩માં જકાત નાકા પાસે સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી. તેનું લોકાર્પણ કેશુભાઈ પટેલે કર્યું હતું. આઝાદી પૂર્વેનું ભગવતસિંહજીનું ધોરાજી આઝાદીના પહેલા દાયકા સુધી ગાંધીજીનું હતું. જે પછીના બે-ત્રણ દાયકામાં આંબેડકર અને સરદાર પટેલની જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયું.  જો કે હજુ સારું છે કે કોઈ ધોરાજિયાઓને સાધુ સચ્ચિદાનંદની બત્તી પકડીને ચારણ બાઈ ધોરીઆઈના નામના આ નગરનું નામ ભગવતસિંહજી મહારાજાના જન્મસ્થળ તરીકે ભગવતનગર કરી દેવાનું શૂળ નથી ઉપડ્યું. 

***

ધોરાજીથી માંડ ૨૫ કિલોમીટરના અંતરે જૂનાગઢ છે, તો સો કિલોમીટરના અંતરે રાજકોટ,  જામનગર અને પોરબંદર છે. જેતપુર, ઉપલેટા અને જામ કંડોરણા તેના પાડોશી તાલુકા છે.  હું જે બે વરસ ધોરાજીમાં રહ્યો તે દરમિયાન શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું. એનાથી આખું શહેર ધૂળધૂળ અને રસ્તા સાવ તૂટેલા હતા. મડિયાએ એમનો એકાંકી – નાટકોનો સંગ્રહ ‘રંગદા’ ધોરાજીના ભગવદ રંગમંડપને અર્પણ કર્યો છે. ભગવતસિંહે ખેડુઓના આનંદપ્રમોદ માટે રંગમંડપ બાંધેલો, પણ આજના ધોરાજીમાં આનંદપ્રમોદ અને મનોરંજન માટેની કોઈ જગ્યા જ નથી. જ્યારે એકાંત અને એકલતાથી હું ત્રાસી ઉઠતો ત્યારે બે ઘડી શાંતિથી બેસી શકું એવી જગ્યા મારા માટે ધોરાજીના બ્રહ્મસમાજની પરાગ લાઈબ્રેરી કે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ અને પછી નવું બંધાયેલું સ્વામીનારાયણ મંદિર જ રહેતાં.

આ નગરના સમાજજીવન વિશે કહું તો જેતપુર રોડ ભળભાંખળે જાગી જાય છે અને રાત પડ્યે વહેલો ટાઢો પડી જાય. બહારપુરું ચોવીસ કલાક જાગતું રહે છે, તો મેઈન બજાર વિસ્તાર સવારે મોડા સુધી ઘોરતો રહે છે. જમનાવડ રોડ પર કોઈ એક જ્ઞાતિની વસ્તીનો ઇજારો હવે નથી રહ્યો. અગાઉ શેરડી અને કપાસનું મોટું બજાર ધોરાજીમાં હતું, જે હવે પ્લાસ્ટિકનું બજાર બની ગયું છે. દલિતો-મુસ્લિમો બાંધકામનાં કામો કરી કમાય છે. પહેલાં ધોરાજીનો વેપારવણજ મેમણોના હાથમાં હતો, જે હવે પટેલોના હાથમાં છે. શહેરમાં આધુનિક સુખસગવડો આવી છે, પણ હજુ શહેરનું આધુનિકીકરણ થવું બાકી છે. જેમ ધોરીઆઈ અને સફુરા એ બે સ્ત્રીનામો ધોરાજીની ઓળખ છે, તેમ નંદકુંવરબા છે. પણ આજના ધોરાજી માટે તો તે નામ 'નંદકુંવરબા જનાના ચેરિટેબલ હોસ્પિટલ' પૂરતું જ રહ્યું છે. આ એ નંદકુવર હતાં, જેમણે જમાનાથી આગળ રહીને રાજરાણી છતાં રાજપૂતોની ઓઝલ પ્રથા ફગાવી હતી અને ક્યારે ય પડદામાં ન રહ્યાં. પણ મારા બે વરસના નિવાસમાં મને એકે ય વાર આજના ધોરાજીમાં જાહેર રસ્તે કોઈ યુવાન સ્ત્રીપુરુષ હસતાંરમતાં જતાં જોવાં ન મળ્યાં. અમારી કન્યા શાળાની કન્યાઓને રિસેસમાં પણ બહાર જવાની છૂટ નહોતી. દીકરીઓ આધુનિક વસ્ત્રો જરૂર પહેરતી, પણ દબાયેલી- ચંપાયેલી જ લાગતી. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જેવા શહેરથી દૂરના સ્થળે પણ છોકરા-છોકરીઓ સાથે વાત કરતાં જોવા ન મળે એવું 'મર્યાદાશીલ' વાતાવરણ હતું.

અહીં મુસ્લિમોનાં જીવનને થોડું નજીકથી જોવાનું થયું છે. હિંદુઓની જેમ મુસ્લિમોના તહેવારો દર મહિને આવે ને ધામધૂમથી ઉજવાય. હું રોજ સવારે છાપું લેવા કે ચાનાસ્તા માટે જાઉં તે ત્રણ દરવાજાથી લંઘામાતમ ચોકમાં મુસ્લિમ વસ્તી. અહીં મસ્જિદોની બહારની દીવાલ પરનાં બ્લેક બોર્ડ પર ગુજરાતી લિપિ અને અરબી ભાષામાં કોઈના ને કોઈના જન્નતનશીન થયાના ખબર લખેલા વાંચવા મળે. હવેની પેઢીને અરબી વાંચતાંલખતાં આવડતું નથી એટલે અરબીમાં લખાતું નથી. પણ અરબી ઓળખ છૂટતી નથી. ધોરાજીમાં અડધોઅડધ વસ્તી મુસલમાનોની છે. શહેરમાં ચાળીસથી વધુ મસ્જિદો છે. લગભગ બધી જ મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન થાય છે. રમજાનમાં રોજા શરૂ થવાની અને છૂટવાની ખબર માટે સાયરન વગાડાય છે. મીઠાઈ અને નોનવેજની આટલી બધી વેરાઈટી મેં અહીં જ જોઈ. સામૂહિક લગ્ન કે સામૂહિક યજ્ઞોપવિત જોયાં છે પણ ધોરાજીમાં યોજાયેલા ૨૫૧ બાળકોના સમૂહ ખત્ના કેમ્પ વિશે મેં વાંચ્યું જાણ્યું ત્યારે હક્કાબક્કા રહી જવાયેલું.  ભગવતસિંહ અને નંદકુંવર જાણે અહીં રહ્યાજીવ્યા જ નથી એમ લાગેલું. 'વીજળી હાજી કાસમની'ના લેખક-સંશોધક અને નિવૃત્ત સરકારી અધિકારી યુનુસ ચિતલવાલા તથા નવી પેઢીના તેજસ્વી સંશોધક-વિવેચક ફારુક શાહ ધોરાજીમાં આપણી વચ્ચે જ વસે છે એની ખબર ધોરાજીના કેટલા મુસ્લિમોને હશે?

***

ભારે વિશેષતાઓ અને વિચિત્રતાઓથી સભર છે આ નગર. અમદાવાદ-ગાંધીનગરમાં પાટીદારોની એકમાત્ર પટેલ અટકથી જ્ઞાત એવા મને અહીં પટેલોની પાર વગરની અટકો જોવા મળી :  મકાતી, જીવાણી, માવાણી, ચનિયારા, બાબરિયા, માંકડિયા, દલસણિયા, જાગાણી, સાવલિયા, સાંઘાણી, ગજેરા, ઉંઘાડ, વસોયા, વાછાણી, કાલરિયા, રામોલિયા, જારસણિયા, હીરપરા, વેકરિયા, રાદડિયા, પાનસુરિયા, ભીમાણી, ઠુંમર, ઠેસિયા, કનેરિયા, કણસાગરા, કાકડિયા, તિલાળા, બાલધા, માથુકિયા, ગધેથરિયા, ચવાડિયા, પટોળિયા, ઉસદળિયા, પોલરા, પાંભર, બોદર, સુદાણી, ત્રાડા અને બોઘરા. દલિતોની પરમાર, સોલંકી, ચાવડા, રાઠોડ જેવી અટકો જ જાણીતી એટલે ધોરાજીના દલિતોની ભાસા અને ભાસ્કર અટકો નવી જ લાગી. આવી થોડી બીજી અટકો છે : ચોરવાડા, સિંગલ, ખીમસુરિયા, વણોલ, મુસડિયા, અઘેરા, વઘેરા, પડાયા, મિયાત્રા, વડિયાતર, મઘરા, વારસુર, બાવરફાડ, વારગિયા અને ભરાડિયા. દરજીમાં લીંબડ તો લુહાણામાં પસવાણી, લુહારમાં હરસોરા તો બ્રાહ્મણમાં મઢવી, વાણંદમાં ભટ્ટી તો કોળીમાં કુવાદ્રા અને કુંભારમાં ધોકિયા અટકો હતી.

ધોરાજીમાં બાવલા ચોક છે, તો અવેડા ચોક પણ છે. ચામડિયા કૂવા ચોક છે, તો સ્વાતિ ચોક છે. વઘાસિયાનો ચોરો છે, તો બાલધાનો ચોરો છે. નદી બજાર છે અને મેઈન બજાર છે, દર રવિવારે ભરાતું ગુજરી બજાર છે તો કરીના અને કરિશ્મા નાઈટવેર અને અંડર ગારમેન્ટ શોપ છે અને હોલીવુડ લેડિઝ ટેલર તો ખરું જ .શહેરમાં એક ખૂણે ચુનીલાલ મડિયા ચોક છે ખરો, પણ તે તો આજે ય પ્રવીણભાઈ ગરબી ચોક તરીકે જ ઓળખાય છે. નગરમાં મોંઘી હોસ્પિટલો અને નિષ્ણાત ડોકટરો છે, તો હાડવૈદ અને ઊંટવૈદો પણ છે. શહેરમાં મોબાઈલની અધધ પચાસ જેટલી દુકાનો છે અને એથી અડધા મેડિકલ સ્ટોર્સ છે. ધોરાજીમાં અડધી ચા પાંચ રૂપિયે મળી રહે છે, પણ રિક્ષાનું મિનિમમ ભાડું વીસ રૂપિયા છે. અમૂલનું દૂધ એમ.આર.પી. કરતાં બે રૂપિયા વધુ ભાવે વેચાય છે. બહારપુરાની હેર કટિંગ સલુનમાં વાળ કપાવ્યા પછી હમામ કહેતાં નાહવાની સુવિધા અપાય છે. આખા શહેરમાં શાળાકોલેજના અભ્યાસક્રમનાં પુસ્તકો સિવાય પુસ્તકો-સામયિકોની કોઈ દુકાન નથી. હા, જૂના પુસ્તકોની બે લારીઓ જરૂર છે. તેજાબાપાનું અન્નક્ષેત્ર ધોરાજીમાં છે. ધોરાજીનાં આશરે દોઢસો દાઉદી વહોરા કુટુંબ સામૂહિક રસોડેથી માસિક રૂ.૧૭૫૦માં ટિફિન મેળવી જમે છે.

હું જ્યાં જમતો તે અંબિકા ભોજનાલયના પરેશભાઈ કહેતા કે ધોરાજીની ત્રણ વસ્તુઓ બહુ વખણાય. ગાંઠિયા, ગફાર અને ગાંડા. કાઠિયાવાડને 'ગાંઠિયાવાડ' કહી શકીએ એવો એનો ગાંઠિયા પ્રત્યે લગાવ છે. ધોરાજીની એક ખાસ વેરાઇટી તે બટાટા અને ભૂંગળાં. (આમ તો એ પણ સૌરાષ્ટ્રની જ વેરાઇટી છે). ગફારના બાફેલા બટાકા, શંકરના ચણા, મનહરની ભેળ અને ખાખીના પાંઉભાજી, ચામુંડાનાં ભજિયાં, અન્નપૂર્ણાના ગાંઠિયા, સદરુની સીંગ, રઘુવીરની પેટિસ અને ફૌજીનું નોનવેજ વખણાય. ઉપરાંત પાણીપુરી અને આઈસ્ક્રીમ પણ ખરાં.  શેરડી અને કેરીની સીઝન શરૂ થાય અને પહેલું ફળ આવે તો લોકોને એ ખરીદવા માટે ગાંડાતુર થતા પણ જોયા છે. દિવાળી કરતાં અહીં જન્માષ્ટમીનું વધુ મહત્ત્વ. હજુ શ્રાવણિયો જુગાર અને ગોકુળઆઠમના મેળા ભુલાયા નથી. દલિતો બધા હિંદુ તહેવારો મનાવે છે. ફોન ઉપર અચૂક 'નમો બુદ્ધાય’ કહેનાર દલિતો બુદ્ધ જયંતી પણ મનાવી લે છે. આંબેડકર જયંતી તો દલિતો ઉજવે છે. ઉપરાંત આંબેડકર પ્રતિમા સમક્ષ ૨૬મી જાન્યુઆરી પણ ઉજવે છે. ગામમાં બધા જ ધર્મનાં સ્થાનકો છે. હિંદુ દેવદેવીઓનાં અઢળક મંદિર છે, પણ મને આકર્ષી ગયા તે તો ચિરાગે મામાસાહેબ અને મોજીલા મામાસાહેબનાં મંદિર .. મોજીલા અને ખંતીલા મામાસાહેબનાં ઘણાં મંદિર પછી તો સૌરાષ્ટ્રમાં જોવાનાં થયાં. ખીજડાનાં ઝાડ પાસે સ્ત્રીઓ પોતાના બાળકના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ખોળા ધરી કરે. એ ફળે કે નહીં એ તો કોણે જાણ્યું? પણ આ ખીજડો એ જ મામાસાહેબ. હવે ખીજડા તો રહ્યા નથી પણ મામાસાહેબનાં મંદિરો છે. જેમ મંદિરોથી તેમ ધરમ અને જ્ઞાતિ – પેટાજ્ઞાતિના હોલ, સમાજવાડીથી પણ તે ભરેલું છે. અહીં શાહજી હોલ છે, તો વાતાનુકૂલિત ગાંધીવાડી પણ છે અને દલિતોનું મેઘવાળ સમાજભવન પણ છે. આટલા નાના શહેરમાં પચાસેક હોલ-વાડી – પાર્ટીપ્લોટ શું કામનાં ? એવો સવાલ થાય. એટલું સારું છે કે દલિતો-મુસ્લિમોને બીજા જ્ઞાતિધર્મના હોલ સામાજિક પ્રસંગે મળી રહે છે. 

***

૨૦૧૭ના સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં આ લખું છું ત્યારે ધોરાજીમાં પણ વિકાસ ગાંડો થયાના પ્રચારની બોલબાલા છે. પણ મેં વિકાસ નજરોનજર જોયો છે. જે ધોરાજીમાં કપાસ અને મગફળીનો પાક લેવાતો, ત્યાં આજે બારેય મહિના પાંચ દિવસે માંડ અડધો કલાક પીવાનું પાણી મળે છે. જે દિવસે જે વિસ્તારમાં પાણી આવતું હોય તે વિસ્તારમાં ઉત્સવ જેવું દોડાદોડીનું વાતાવરણ નજરે જોયું છે. ચોવીસ કલાક વીજળીનાં બણગાં બહુ સાંભળ્યાં છે પણ ધોરાજીમાં દર બુધવારે દિવસે છ કલાકનો વીજળીકાપ મેં જાતે વેઠ્યો છે. ચોમાસાની રાતોએ અચાનક વીજળી વેરણ બને અને ગરમીથી ત્રાહિમામ થઈ રાતભર જાગ્યો છું ને તો ય ધોરાજીમાં લોકો એકબીજાને ‘કેમ છો?’ પૂછે તો જવાબ ‘મોજમાં હોં' એવો જ મળે છે. અહીં કોઈને ઊંઘ નથી આવતી. હંધાયને નીંદર જ આવે છે.

ધોરાજી કોલજના ગુજરાતીના અધ્યાપક રવજી રોકડને આરંભે જ મળવાનું થયેલું. ગિરીશભાઈ રાઠોડે ધોરાજીના દલિત મિત્રોનો પરિચય કરાવેલો. માધવ મકવાણા અને પ્રવીણ મારુ એ બે શિક્ષકમિત્રોનો સંગ સદાય કરવો ગમ્યો છે. ૨૦૧૬ની ૨૬મી જાન્યુઆરીએ યુવા કર્મશીલ અને લાગણીથી ભર્યાભર્યા મિત્ર ભરત મુસડિયાની મુલાકાત થઈ, જેમણે સંદીપ મુસડિયા અને ગૌતમ રાઠોડ સાથે મળીને મારા બાકીના દોઢેક વરસના ધોરાજીવાસને સહ્ય બનાવ્યો. સવજીભાઈ પટોળિયા એટલે ધોરાજીના ઇતિહાસની રગરગ જાણનાર. એમનો પરિચય બહુ મોડો થયો પણ એમની આંગળીએ મેં ધોરાજીનો થોડો પરિચય મેળવ્યો હતો. ચિતલવાલાસાહેબને એક જ વાર મળવાનું થયું. એવું જ ફારુક શાહનું. પણ એ સૌ સ્મરણમાં બરાબર રહ્યા છે. ૩૧મી જૂને નિવૃત્ત થયો ત્યારે મારા સહકર્મી અને ધોરાજીના મિત્રો સાથે વિદાયભોજન લેતાં માત્ર ઔપચારિકતા જ નહીં, ઉષ્મા પણ અનુભવાઈ. એ પછી દિવસો સુધી ‘વી મિસ યુ’ના સંદેશા આવતા રહ્યા છે. કાઠિયાવાડની પરોણાગત ‘કાઠિયાવાડમાં કોક દિ’ ભૂલો પડ ભગવાન, કે તને સ્વર્ગ દેખાડું શામળા’ એ કાવ્યપંક્તિમાં વ્યક્ત થઈ છે. હું ન તો ભૂલો પડી પરોણાગત માણવા ગયેલ ને ભગવાન તો હું હોઉં જ શાનો? એટલે ધોરાજીના સ્વર્ગનો જે માનવીય અનુભવ થયો તે કૈંક આવો છે.

સૌજન્ય : “સાર્થક જલસો” – 09 : પૃ. 103-111

Loading

...102030...3,1753,1763,1773,178...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved