Opinion Magazine
Number of visits: 9766538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રસૂન જોશીના નરેન્દ્ર મોદી – લંડન ૨૦૧૮, અને સૌમ્ય જોશીનો ‘જાદુગર’ – અમદાવાદ ૨૦૦૨

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 May 2018

પ્રસૂન જોશીનો મોદી-શો અને સૌમ્ય જોશીનું નાટક                                                                                      ‘દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું …’

ગુજરાતી કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીનું નામ અત્યારે દેશભરમાં તેમની પોતાની લેખન પ્રતિભાને કારણે મોટા પડદે ચમકી રહ્યું છે. તો વળી હિન્દી કવિ-સ્ક્રિપ્ટરાઇટર પ્રસૂન જોશી વડા પ્રધાન મોદીના પ્રતાપે દુનિયાભરમાં નાના પડદે તાજેતરમાં ચમકી ગયા છે. સૌમ્યએ લખેલી ‘૧૦૨ નૉટ આઉટ’ ફિલ્મથી લોકો ખુશ થઈ રહ્યા છે; પ્રસૂન જોશીએ અઢારમી એપ્રિલે ઇન્ગ્લેન્ડમાં ‘ભારતા કી બાત સબ કે સાથ’ નામે   લીધેલી વડા પ્રધાનની બે કલાકની મુલાકાતથી ભક્તો અને ભગવાન બંને ખુશખુશાલ હતા. સૌમ્યએ લખેલી અને ઉમેશ શુક્લએ દિગ્દર્શિત કરેલી  ફિલ્મની મર્યાદાઓ બતાવવામાં આવી છે, પણ તેના ઇરાદાઓ વિશે શકનો સવાલ આવ્યો નથી. પ્રસૂને લીધેલી વડા પ્રધાનની મુલાકાત ઠીક ટીકાપાત્ર બની છે. આખો  કાર્યક્રમ મોદીનો, પાકી તૈયારી સાથેનો, પ્રભાવશાળી પ્રચારખેલ બની રહ્યો. તેનો યશ કવિ પ્રસૂનને આપવામાં આવ્યો.

ચાર વર્ષ દરમિયાન દેશમાં એક પણ પત્રકાર પરિષદ ન કરનાર વડા પ્રધાને, વિદેશના મંચ પરથી એક કવિએ પૂછેલા ‘રસમલાઈ જેવા સવાલો’ના અચૂક અભિનય સાથે જવાબ આપ્યા. અગવડવાળા સવાલની રાહ જોવામાં ભોળપણ હતું. મોદીની એક નમ્ર, નિખાલસ, ઉદારમતવાદી, માનવતાવાદી, ત્યાગી, કાર્યપ્રણવ, સ્વપ્નદૃષ્ટા, પ્રખર દેશપ્રેમી તરીકેની પ્રતીમા ઊભી કરવાના સંન્નિષ્ઠ પ્રયાસમાં પ્રસૂન જે ધન્યતા અનુભવી રહ્યા હતા, તે તેમના ચહેરા પર ચમકી રહી હતી. બ્રિટનમાં પેઢીઓથી વસીને હિન્દુસ્તાન માટે કાયમી દેશદાઝ દાખવનારા દેશભક્તોના ‘મોદી મોદી’ અને ‘વંદે માતરમ્‌’ના નારા રૉયલ પૅલેસમાં સંભળાતા હતા.

જો કે પ્રસૂનની કામગીરીથી તેની સર્જકતાના ચાહકોને આઘાત લાગ્યો હતો. તેમને પ્રસૂન ‘રંગ દે બસંતી’ કે ‘તારે જમીં પર’ જેવી બદલાવનો સંદેશ આપનારી ફિલ્મોનાં સંવાદ અને ગીતો, નિર્ભયા અત્યાચાર સામેની લડતમાંની કવિતા અને કેટલીક પ્રગતિશીલ અભિવ્યક્તિઓને  કારણે ગમતા હતા. પણ આ જ એડ્મૅને આમીર ખાન સાથે રહીને ‘ઠંડા મતલબ કોકા-કોલા’ની ઝુંબેશ કરી હતી. એ જ અરસામાં કેરળના પાચીમાડા ગામમાં આવેલી કોકા કોલાની ફૅક્ટરી થકી થઈ રહેલા ભૂગર્ભજળ અને પર્યાવરણના નુકસાનના વિરોધમાં ૨૦૦૨થી લોકલડત ચાલી રહી હતી, જેને પંદર વર્ષે સફળતા મળી.

જાહેર ખબરોની મોટી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા હોદ્દે રહેલા પ્રસૂને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની પ્રચાર ઝુંબેશનું સૂકાન સંભાળ્યું હતું. એ દિવસોમાં તેણે ભાજપના પ્રચાર પદ્ય ‘સૌગંધ’ની પણ રચના કરી હતી જેને ખુદ મોદીએ જાહેર અવાજ આપ્યો હતો. પ્રસૂન ગયાં વર્ષે સેન્સર બોર્ડના વડા નીમાયા, તે પહેલાં ૨૦૧૫માં પદ્મશ્રીથી પોંખાયા હતા. નિરીક્ષકોએ આ શો બાબતે પ્રસૂનને ‘પૂરા દરબારી કવિ’ તરીકે નવાજ્યા. એક ગુજરાતી પત્રકારે મોદીનાં ‘વિરાટ સ્વરૂપનાં દર્શન’ અને પ્રસૂનની ‘અર્જુનમુદ્રા’ અંગે વ્યંગ લખ્યો. એક હિન્દી પત્રકારે જાણીતા હિન્દી અખબારને ટાંક્યું : ‘સાલ દર સાલ મોદી કી નાટકીય પ્રસ્તુિત મેં નિખાર આતા જા રહા હૈ … ક્યા ગજબ કે જાદુગર હૈ નરેન્દ્ર મોદી’. પછી તેમણે પ્રધાન સેવકની માયાજાળ સામાન્ય જાદુગરો કરતાં કેવી રીતે જુદી છે તે નોંધીને લખ્યું : ‘બેહિસ જાદૂગરિયોં મેં ચાર સાલ બિતા ચુકે પ્રધાનમંત્રી કે પાસ અબ વૈસે ભી બહુત કમ સમય બચા હૈ …’

આવા જ એક જાદુગરના પાત્રને સૌમ્ય જોશીએ સોળ વર્ષ પહેલાં ઑગસ્ટ ૨૦૦૨માં તખ્તા પર મૂક્યું હતું. જાદુગર ‘જાદુના વ્હાલા પ્રચારકો’ને કહે છે: ‘ભુલાવી દો. ભુલાવી દો. ભુલાવી દો. સમય બહુ ઓછો છે … ભૂખ્યાની ભૂખ ભુલાવો ને તરસ્યાની તરસ / ભુલાવી દો વીતી ગયેલાં સાડા ચાર વરસ…’ આ ‘ભુલાવી દો’ પછી ‘હુલાવી દો’માં ફેરવાય છે. બીજી કોમના માણસોને જલાવી દેવાનું, હુલાવી દેવાનું સંહારસત્ર ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨થી ચારેક મહિના ચાલે છે. તેના અજોડ પ્રતિભાવ તરીકે સૌમ્યએ લખીને દિગ્દર્શિત કરેલા ‘દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું …’ નામનાં નાટકમાં જાદુગરનું પાત્ર દસેક મિનિટનાં એક જ દૃશ્યમાં આવે છે. જાદુગરનાં ગદ્ય-પદ્ય મિશ્રિત લય અને ધારદાર શબ્દોવાળા લાંબા સંબોધનને, અત્યારે જાણીતા પત્રકાર તેજસ વૈદ્યે લાજવાબ રીતે મંચ પર રજૂ કર્યું હતું. દેશકાળના કોઈ પણ તબક્કે લોકોની લાગણીઓ ઉશ્કેરી,યાતનાઓ ભૂલાવી, હુલ્લડો કરાવી સત્તા મેળવતા ઘાતકી જાદુગરનું આ પાત્ર છે. એ ‘સંસ્કૃિતની રક્ષા કરતા કિમીયાગરો’માંથી એક છે. અમદાવાદથી ઓગણત્રીસ કિલોમીટર દૂર એનો નિવાસ છે. સૌમ્યએ તેના જાદુગરને જાહેરમાં ક્યારે ય મોદી સાથે જોડ્યો નથી. પણ ગોધરાકાંડ અને તેને પગલે થયેલાં હુલ્લડોના એ દિવસોમાં સંવેદનશીલ નાગરિકને નરેન્દ્ર મોદી આ નાટકમાં દેખાયા હતા. પ્રસૂન-મોદી ખેલ વખતે ફરીથી દેખાયા. 

‘દોસ્ત …’  નાટકમાં એક દટાયેલાં નગર અમદાવાદને ઇ.સ. 4002માં બે પુરાતત્વવિદો ખોદે છે. આ નગરનો નાશ થવાનાં કારણો તેમને દેખાય છે : મિલોના બંધ પડવાથી બેકાર અને ગરીબ બનેલા લોકો, તેમને હાથા બનાવીને ભડકાવવામાં આવેલાં કોમી હુલ્લડો, અને સહુથી વધુ તો શહેરના ધીમા નાશ તરફની તેના એક મોટા વર્ગની સંવેદનહીનતા. આ બધું આબેહૂબ દૃશ્યો, સંવાદો, ગીતો અને વૃંદગાન થકી તખતા પર લાવતું ‘દોસ્ત …’ પચાસ જેટલાં યુવા કલાકારોએ ભજવેલું, પોણા બે કલાકનું, ઊંઘ ઊડાડી દેનારું, સાંપ્રત ઇતિહાસની ઘટના સમું નાટક હતું. તેમાં ખુદ સૌમ્યએ એક કવિનું નાનકડું પણ પ્રસ્તુત પાત્ર ભજવ્યું હતું. કવિ વ્યંગ અને વ્યથાથી ભરેલી તેની એકોક્તિમાં સંહારકાળમાં કલાકારની શી સંવેદના હોઈ શકે તેની માર્મિક વાત કરે છે. સમૃદ્ધ પશ્ચિમ અમદાવાદનો આ ‘જરા નબળો કવિ’ છે. તે એકલો જ, કરફ્યુગ્રસ્ત પૂર્વ ઇલાકામાં ફરવા નીકળ્યો છે કેમ કે તેને ‘પુલની પેલી તરફની ઝાળ લાગી છે’. તેના સાથીઓની જેમ ‘વર્ષાઋતુના આગમનનું ચિત્ર’ દોરવા બેસી શકતો નથી. લાશની ભીનાશ, માંસની દુર્ગંધ, ચપ્પાની ધાર, બળેલી ભીંતોની વચ્ચેથી પસાર થતો આ કવિ કહે છે : ‘એક અનોખો છંદ શીખી લીધો. / આક્રંદ નામે સાવ નોખો છંદ છે / એક અનોખો પ્રાસ પણ જોઈ લીધો / જોયું કે અલ્લાહ-હરિના પ્રાસમાં બેસે છરી’.

સૌમ્યે ‘દોસ્ત …’ આ નાટક લખ્યું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના બેતાજ બાદશાહ ગણાતા. નાટ્યકારે વ્યક્તિગત રીતે તેમને નહીં, પણ તેમના પ્રકારના કોમવાદી રાજકારણને ખુલ્લા પાડવાનું, તેની વિરુદ્ધ એક ભૂમિકા લેવાનું પસંદ કર્યું. સોળ વર્ષ બાદ પ્રસૂન જ્યારે મોદીની  મુલાકાત લે છે ત્યારે મોદી દેશના બેતાજ બાદશાહ હોવાની બહોળી છાપ છે. પ્રસૂન એ છાપને વધુ ઊઠાવ આપવાનું પસંદ કરે છે. આ પસંદગી કસોટીરૂપ હોય છે. તમામ પ્રકારની જાહેર અભિવ્યક્તિ સાથે કામ પાડનાર અને તેના માટે સમાજની ચાહના પામનાર વ્યક્તિઓએ સિવિલાઈઝેશનની કટોકટીમાં કરેલી પસંદગી તેમની મહત્તા નક્કી કરે છે. પ્રસૂને કરી તેવી પસંદગી તેમના જેટલા પોંખાયેલા તેના સમકાલીનોમાંથી બહુ ઓછાએ કરી છે. અલબત્ત, બધાં કલાકારો ઉમાશંકર જોશી કે આનંદ પટવર્ધન, પાસ્તરનાક કે પાશ, સોલ્ઝેનિત્સિન કે શીતલ સાઠે, કે તેમનાં જેવાંની હરોળમાં હોય એ જરૂરી નથી. એ લડતના સૈનિક ન હોય, વિરોધ પક્ષના નેતા ન હોય એમ બને. પણ એ શાસક પક્ષના પ્રવક્તાય ન હોય, અને વ્હાલા પ્રચારક તો ખસૂસ નહીં. આ વાત સૌમ્ય ફરીથી એકવાર તેની કોઈ મોટી કૃતિથી બતાવી આપે એવી અપેક્ષા અસ્થાને ન ગણાય.        

+++++++

૦૯ મે ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 11 મે 2018

Loading

મજબૂત પથ્થર ઘસવામાં જીવલેણ સિલિકોસીસનો ભોગ બનતાં ગુજરાતના મજબૂર મજૂરોનાં વીતક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 May 2018

સિલિકોસિસ પીડિતો માટે વડોદરાના જગદીશ પટેલ અને સાથીઓએ મોટું કામ કર્યું છે

બાંધકામ મજૂરો કામની જગ્યાએ પટકાઈને, ચગદાઈને કે દટાઈને મૃત્યુ પામે છે. કારખાનામાં આગ, વિસ્ફોટ કે ઝેરી વાયુથી કામદારો મોતને ભેટે છે. સફાઈ કામદારોને ગટરમાં ગૂંગળાવાથી મોત આવે છે. આ બધાંનાં મોત લોકોની નજરે પડે છે કારણ કે તે તત્કાળ અને લોહિયાળ હોવાથી માધ્યમોમાં ચમકે છે. પણ દુનિયામાં એવા લાખો મજૂરો છે કે જેમનાં મોત તેઓ જે કામ કરે છે તેને કારણે થતાં રોગથી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગનાઇઝેશન(આઇ.એલે.ઓ.)ના ૨૦૧૫ના આંકડા મુજબ વીસેક લાખ મજૂર સ્ત્રી-પુરુષો મજૂરીમાંથી ઉદભવતા જીવલેણ રોગોને કારણે મૃત્યુ પામે છે. આ રોગો રસાયણો, વાયુઓ અને જંતુઓનાં ચેપને કારણે, તો કેટલાક ઝેરી ધાતુઓના સંપર્કને થાય છે. જેમાં રજકણ હોય તેવી સામગ્રીમાં કામ કરવાથી ફેફસાંના જે અનેક રોગ થાય છે તેમાં સિલિકોસીસ સહુથી વધુ વ્યાપક છે. પથ્થરોને ઘસવા, તોડવા, ખાંડવા અને દળવાથી જે રજકણો કે ધૂળ પેદા થાય છે તે ફેફસાંમાં જવાથી સિલિકોસીસ થાય છે. તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. રોગની શરૂઆતમાં ભૂખ ઓછી થાય છે અને ખાંસી આવે છે. ધીમે ધીમે નબળાઈ આવે છે, રોગપ્રતિકારક શક્તિ ખતમ થતી જાય છે, સારવારનાં આઠ-દસ વર્ષનાં ખર્ચ તેમ જ બેકારી  બાદ મજૂર મોતને ભેટે છે.

ભારતમાં જે જગ્યાઓ પરનાં મજૂરોમાં આ રોગ જોવા મળતો હોય તેની યાદી લાંબી છે : કર્ણાટકમાં સોનું, બિહારમાં અબરખ અને રાજસ્થાનમાં સૅન્ડસ્ટોનની ખાણો; પશ્ચિમ બંગાળમાં સિરામિક, પૉન્ડિચેરીમાં કાચ, ઓરિસ્સામાં રિફ્રેક્ટરિ ઈંટોનાં કારખાનાં; મધ્યપ્રદેશમાં મંદસૌરના સ્લેટ-પેન, ઉત્તરપ્રદેશમાં કાચની બંગડીઓ અને ફતેપુર સિક્રિ, પતિયાલા અને આંધ્રમાં પથ્થરને લગતા ઉદ્યોગો. ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પરના કામદારો સિલિકોસિસનો ભોગ બને છે. તેમાં છે વડોદરામાં કાચનું ઉત્પાદન તેમ જ ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાનાં કારખાનાં, ખંભાતમાં અકીકના પથ્થર ઘસવાનાં એકમો, જૂનાગઢની ફાઉન્ડ્રી સૅન્ડ બ્લાસ્ટિંગનાં ક્ષેત્રો, મોરબી અને સુરેન્દ્રનગરની સિરામિકની ફૅક્ટરીઓ. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ૧૯૯૯ના અહેવાલ મુજબ ભારતમાં ત્રીસ લાખથી વધુ શ્રમજીવીઓ આ રોગથી પીડાતા હતા. 

બે દાયકા પહેલાંના આ આંકડામાં થયેલા વધારા-ઘટાડાના અભ્યાસો હોય કે ન હોય, પણ ગુજરાતના સિલિકોસિસ પીડિતોની પરિસ્થિતિનું અત્યંત મહત્ત્વનું દસ્તાવેજીકરણ વડોદરાની પીપલ્સ ટ્રેઇનિન્ગ એન્ડ રિસર્ચ સેન્ટર (પી.ટી.આર.સી.) સંસ્થા પાસેથી ગયાં પાંત્રીસેક વર્ષમાં સમયાંતરે પ્રકાશનો થકી  મળતું  રહ્યું છે. તેમાં સહુથી નવું પ્રકાશન ‘આપ ક્યું રોએ…’ તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. સિલિકોસિસ પીડિત કુટુંબોની વ્યથાને વાચા આપતી રૂબરૂ મુલાકાત આધારિત સંવેદનકથાઓનું આ પુસ્તકમાં કામદાર સમૂહ માટે આસ્થા ધરાવનારે જ નહીં દરેકે વાંચવા જરૂરી છે. તેમાં ખંભાત અને ઝાલોદ પંથકમાં પથ્થર ઘસવાનાં કામ કરતાં કરતાં સિલિકોસીસથી પાયમાલ થતા પરિવારોની દરદભરી કથની તેમાંથી એક વ્યક્તિની સાથે પ્રત્યક્ષ વાતચીતને આધારે નામ બદલીને વર્ણવવામાં આવી છે.

આ બધા લોકો જમીન, પૈસો, હુન્નર અને ભણતરને અભાવે ઘિસાઈના કામોમાં સબડે છે. અહીં ચોંત્રીસ કુટુંબોમાંથી દરેકનાં કષ્ટ અને કંગાલિતયતની વિગતો અલગ છે, પણ આખરે વાત તો જિંદગીઓ નાશ પામે તેની છે. એમાં પચીસેક સ્ત્રીઓ સિલિકોસિસમાં પતિને ગુમાવીને  સંતાનોનો, કેટલીક વાર તો મોટાં કુટુંબનો ભાર વેંઢારે છે. કેટલાક કિસ્સામાં એ જે ઘરમાં પરણીને આવે છે તેમાં પૂર્વે મહિલાઓ સહિત એકથી વધુ લોકો ઘિસાઈ કામમાં મરી ચૂકેલાં હોય છે, જેની તેને લગ્ન વખતે જાણ કરવામાં આવતી નથી. ક્યારેક તે ઘરમાં આવ્યાં પછી થોડાં થોડાં વર્ષેને અંતે પતિ સહિત ઘરનાં માણસોનાં મોત જુએ છે. ક્વચિત આપબળે પતિને પથ્થરના કામમાંથી કેટલોક સમય દૂર રાખી શકે છે, તો કેટલોક સમય તેને દરદમાંથી ઊગારી શકે છે, પણ ટૂંકા ગાળા માટે જ.

પુરુષોની બદદાનતથી ખુદ બચવાનું અને બાપવિહોણી દીકરીઓને બચાવવાની. એક જ ઘરમાં સાસુ, વહુ અને દીકરી ત્રણેય સિલિકોસિસને લીધે  વિધવા બન્યાં હોય તેવું, અને બબ્બે વાર વૈધવ્ય આવ્યું હોય એવાં પણ કુટુંબો છે. વિધવાઓને સગાંનો આશરો જાણે વૈતરું અને અપમાન સહન કરવાની શરતે જ મળે છે. સિલિકોસિસથી પીડાતા માણસોના બધાં જ કુટુંબોમાં ખુશી તો છોડો, બે ટંક ખાવાનાં પણ સાંસા છે, કારણ કે મોટા ભાગની આવક સારવારમાં વપરાઈ જાય છે. શેઠ પાસેથી ઉપાડ કરવો પડે છે અને તેને ચૂકતે કરવામાં મહિનાઓની મજૂરી જતી રહે છે. લાકડાં ફાડવા, એક ડોલે એક રૂપિયાના દરે દૂરથી પાણી ભરી લાવવું, ઘરકામ, સિવણ, છૂટક મજૂરી જેવાંમાં અકીક કે પથ્થર જેટલા પૈસા મળતા નથી એટલે નાછૂટકે એના તરફ વળવું પડે છે.

ભણનારને મોંમાં ધાન, ડિલે કપડાં, પગમાં ચપ્પલ, આંખે ચશ્માં, વાંચવા માટે જૂની ચોપડી, લખવા માટે ચોપડા જેવી દરેક ચીજ માટે ઓશિયાળા થતાં રહેવું પડે છે, અને છતાં ભણતર તો છૂટી જ જાય છે. આવી અનેક પીડાકથાઓ રૂબરૂ મુલાકાત દ્વારા નોંધીને એકઠી કરવાનું કામ કેટલું અઘરું છે તેનો અંદાજ છેલ્લા લેખમાંથી મળે છે. તેમાં સંસ્થાના સંન્નિષ્ઠ કાર્યકરો નૈનાબહેન વાઘેલા, હિરલ પરમાર, રમેશ મકવાણા અને જયેશ દવેના નમૂનારૂપ અનુભવો નોંધવામાં આવ્યા છે. ‘આપ ક્યૂં રોયે…’ પુસ્તકમાં જે સંવેદન છે તેનું નક્કર માહિતી-સ્વરૂપ સંસ્થાએ ‘મજબુત પથ્થર મજબુર મજૂર’ (૨૦૧૨) નામે પુસ્તકમાં મળે છે. તેમાં ખંભાતના સાડા ચાર હજાર જેટલા અકીક કામદારોનો અભ્યાસ છે. તેના પહેલાંના વર્ષે ‘ઘસીયાનો ઘરસંસાર’ નામે સિલિકોસીસ પીડિતોની ચિત્રકથા આવી છે. ‘કાળમુખો સિલિકોસિસ’(૨૦૦૮) ઉત્તમ માર્ગદર્શિકા છે. ‘ધૂળીયાં ફેફસાં’(૧૯૯૪)માં સિલિકોસીસ માટે વળતર મેળવવા માટે કામદારોના સંઘર્ષની વ્યથાકથા છે.

પી.ટી.આર.સી.ને કારણે સિલિકોસીસના દરદીઓ ઓળખાવાની શરૂઆત થઈ. વળી સંસ્થા તેમને નજીવા દરે સારવાર પૂરી પાડવાની કોશિશ પણ કરતી રહે છે. તેણે કરેલી આધારભૂત રજૂઆતો છતાં જક્કી રાજ્યસરકાર લાંબા સમય સુધી સિલિકોસીસની હકીકતને સ્વીકારવા તૈયાર ન હતી, અને પછી તેને અસંગઠિત ક્ષેત્રના ગણીને તેમની જવાબદારી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ઢોળતી હતી. પી.ટી.આર.સી.એ ૨૦૧૦ માં ૪૫  અકીક કામદારો સિલિકોસિથી મૃત્યુ પામેલા હોવાનું જણાવી તેમને વળતર ન મળ્યું હોવાની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સામે કરી હતી. પછીના ચાર વર્ષમાં આ ફરિયાદોનો આંકડો  ૧૦૫ પર પહોંચ્યો હતો. તેના પરિણામ રૂપે રાજ્ય સરકારે ૨૦૧૪માં સિલિકોસિસથી અવસાન પામેલા કારીગરોના વારસદારને એક લાખ રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરી અને તેના ચાર વર્ષ બાદ કેટલાકને ચેક અપાયા! છ મહિના પહેલાં આ પરિવારોને બીજા ત્રણ લાખ ચૂકવવાનો આદેશ માનવઅધિકાર પંચે રાજ્ય સરકરને આપ્યો છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ૨૩૮ સિલિકોસીસ મૃતકોના વારસદારોમાંથી દરેકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. કામદારોની વ્યાવસાયિક સલામતી અને તેમનાં સ્વાસ્થ્યની જાળવણી માટેના સંખ્યાબંધ ઉપક્રમો હાથ પર લેતી પી.ટી.આર.સી. સંસ્થાએ વીજળી કામદારોનાં જોખમોને, કપાસનાં જીનનાં શ્રમજીવીઓ અને સુરતના કાપડ ઉદ્યોગના મજૂરોની દુર્દશાને  વાચા આપતાં અભ્યાસો પણ બહાર પાડ્યા છે. આ સંસ્થાને લીધે ગુજરાતના કામદારોના એક વર્ગને દિલાસો રહેતો હશે કે કોઈક તો છે !

આ દિલાસો શનિવારે આવતા કાર્લ માર્ક્સના બસોમા જન્મદિને યાદ રાખવા જેવો છે.

++++++ 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 મે 2018

Loading

જનનીની જોડ સખીનહીં જડે રે લોલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 May 2018

હૈયાને દરબાર

મા નામના એકાક્ષરી શબ્દમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, નહીં?

મા શબ્દ બોલતાં જ મોંમાંથી મધ ઝરવા લાગે!

મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.

બાકી, મા એટલે કોણ? અપેક્ષા વિના સંસાર આખાનો ભાર લઈને ફરતી સ્ત્રી. હરતોફરતો રોબો. "મા, ભૂખ લાગી છે નો આદેશ આવે ને પળવારમાં જમવાની પ્લેટ હાજર. "મા, કપડાં ઈસ્ત્રીબંધ નથી. ને તરત જ ઈસ્ત્રીટાઈટ કપડાં હાજર. ઈશ્વર પાસે માગેલું કદાચ ના મળે, પણ મા તો પડ્યો બોલ ઝીલે અને માંગેલી ચીજ હાજરાહજૂર. સામાન્યત: સંતાનો માટે માનો પ્રેમ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ હોય છે. એમના ઉછેર પાછળ કરેલો પરિશ્રમ, ભોગવેલો માનસિક પરિતાપ ઈત્યાદિ સંતાનો દ્વારા સ્વાભાવિક ક્રમમાં લેવાતું હોય છે એટલે ‘મધર્સ ડે’ નિમિત્તે એક દિવસ પણ માતાને માન-સન્માન ને ભેટ-સોગાદ મળે એ આવકાર્ય જ છે. બાકી, ‘માતૃ દેવો ભવ:’નાં ગાણાં ગાતાં આપણે અનાયાસે માના નાજુક ખભા પર કેટલો ભાર નાંખી દેતાં હોઈએ છે એ કહેવાની જરૂર નથી. શંકરાચાર્યના એક શ્લોકનો સરસ અનુવાદ કવિ મકરંદ દવેએ કર્યો છે :

મા, તેં દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધી નિચોવી ના કહું ભલે તેં ધોઈ બાળોતિયાં,
આ જે એક જ, ભાર માસ નવ તેં વેઠ્યો હું તેનું ઋણ,
પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, એ માતને હું નમું.

સર્જનાત્મક શક્તિનું બીજું નામ મા છે કારણ કે ઈશ્વરને પણ જન્મ લેવા માની કૂખની જરૂર પડે છે. આવી માતાને યાદ કરીને આજે આપણને સૌને પ્રિય એવા ગીત જનનીની જોડ સખી (જગે) નહીં જડે રે લોલ … વિશે વાત કરીશું. આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે ‘મધર્સ ડે’ની કે આ ગીતની રાહ ન જોવાની હોય – એનો પ્રેમ તો બારેમાસ છે.

તોયે .. ફરી એક વાર આજે મમ્મીને ‘આઈ લવ યુ’ કહી દેજો. એને જરૂર છે બસ, તમારા વહાલભર્યા શબ્દો અને પ્રેમસભર વર્તનની.

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એ કે જ્યારે કન્યા માતા બને છે. પોતાના બાળક માટે એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે. નવ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલા ય તબક્કાઓમાંથી માતા પસાર થાય છે, માત્ર એના બાળકના વિકાસ માટે!

આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!

બોટાદકર આમ તો માત્ર છ ચોપડી ભણેલા છતાં તેમણે સંસ્કૃતપ્રચુર કાવ્યસંગ્રહો વધારે આપ્યાં છે. પરંતુ, ‘રાસતરંગિણી’ નામના કાવ્યસંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળમાં સરળ અને લોકભોગ્ય અભિવ્યક્તિઓ રજૂ કરી છે. સૌંદર્ય સાથે ભવ્યતાના દર્શન કરાવતાં આ ગીતકાવ્યોમાં કુટુંબજીવન અને ખાસ તો સ્ત્રી હૃદયનાં ભાવસ્પંદનો વધુ ઝિલાયાં છે. જનનીની જોડ … જેવી વિખ્યાત ગરબીમાં એટલે જ જનની એટલે કે માની સ્તુિત જ સર્વવ્યાપ્ત છે.

સૃષ્ટિમાં અસ્ખલિત, નિ:સ્વાર્થ અને અવિરત સ્નેહની પરિભાષા આપવાની હોય તો આપણને મા જ યાદ આવે. જગજિત સિંહ સાથેની એક મુલાકાતમાં માતા વિશે એમણે સરસ વાત કરી હતી કે, "માની ભૂમિકા આપણા જીવનમાં ગેરંટેડ હોય છે. કેશ ચેક જેવી. સંતાનના સુખે તો એ સુખી જ હોય પણ, દુ:ખમાં ય આપણી પડખે કોઈ નહીં હોય તો મા તો હશે જ. શી ઈઝ અ સિમ્બોલ ઓફ પ્રોટેક્શન. આ જ વાત આ મીઠા મધુરા ગીતમાં દરેક પંક્તિએ પ્રગટે છે.

માતૃવંદના સંદર્ભે કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની આ પંક્તિઓ પણ ખૂબ સરસ છે:

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી

અલબત્ત, માતા વિશેનાં અનેક કાવ્યોમાં જનનીની જોડ … એ સૌથી વધુ લોકભોગ્ય બન્યું અને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. છઠ્ઠા-સાતમા ધોરણમાં સિલેબસના ભાગરૂપ આ ગીત દરેક કલાકારે ક્યારેક તો ગાયું જ હશે પરંતુ, પુરુષોત્તમ ઉપાધ્યાય તથા હેમા-આશિત દેસાઈના કંઠે આ મધુરું ગીત સાંભળવું એ લહાવો અનેરો જ. આ અમારો અંગત મત છે. આ ગીત સખીને સંબોધીને લખાયું છે એટલે એમાં પોઝિટિવિટી અને મા પ્રત્યેના પ્રેમનો આનંદ જ વ્યક્ત થયો છે. અત્યારે ભલે એ પ્રાર્થનાસભાનું ગીત બની ગયું હોય પરંતુ, હયાત માતા સામે ગાઈ જોજો અથવા એને સંભળાવી જોજો, ગીતનો આખો ભાવ બદલાઈ જશે અને તમે બોલી ઊઠશો : મોમ, યુ આર ઈનકમ્પેરેબલ, આઈ લવ યુ ઈટર્નલ!

——————————

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે …જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

કવિ : દામોદર ખુશાલદાસ બોટાદકર

———————————————

સોજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=409417

Loading

...102030...3,1743,1753,1763,177...3,1803,1903,200...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved