Opinion Magazine
Number of visits: 9686476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફર્નાન્ડો કોલમ્બસ: ૧૫મી સદીમાં ‘ગૂગલ બુક્સ’ જેવા પ્રોજેક્ટનો સ્વપ્નદૃષ્ટા

વિશાલ શાહ|Opinion - Opinion|11 April 2018

દુનિયામાં કુલ કેટલાં પુસ્તક છે? ગૂગલ બુક્સે આઈ.એસ.બી.એન.(ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર)થી લઇને દુનિયાના દરેક મોટા પુસ્તકાલયોની મદદથી અંદાજ કાઢ્યો છે કે, દુનિયામાં ૧૨,૯૮,૬૪,૮૮૦ એટલે કે ૧૨ કરોડ, ૯૮ લાખ, ૬૪ હજાર, આઠસો એંશી પુસ્તક છે. ગૂગલને આ બધાં જ પુસ્તક 'ગૂગલ બુક્સ'માં આપવાની ઇચ્છા છે. 'પ્રોજેક્ટ ઓસન' જેવું નામ ધરાવતી આ યોજના હેઠળ ગૂગલ દુનિયાભરમાં ફેલાયેલા જ્ઞાનના સાગરને આપણી સામે ઠાલવી રહ્યું છે. સંશોધકો, ઇતિહાસકારો અને પત્રકારોના નસીબ સારા છે કે, ઓક્ટોબર ૨૦૦૪માં શરૂ થયેલો 'પ્રોજેક્ટ ઓસન' કોપીરાઇટ્સ સહિતની અનેક મુશ્કેલીઓ વચ્ચે હજુયે ચાલી રહ્યો છે. ગૂગલના જન્મ પહેલાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનો આટલો વિશાળ ડિજિટલ ડેટા એક જગ્યાએ ભેગો કરવો અશક્ય હતો. ગૂગલ બુક્સની વાત કરીએ ત્યારે એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે. નામ એનું, ફર્નાન્ડો કોલમ્બસ.

ગૂગલ તો ટેક્નોલોજીની મદદથી આ વિશાળ યોજના ચલાવી રહ્યું છે, પરંતુ આશરે ૫૦૦ વર્ષ પહેલાં આ પુસ્તકરસિયાએ હજારો પુસ્તકો વાંચી-વાંચીને 'ગૂગલ બુક્સ' જેવું 'ન ભૂતો, ન ભવિષ્યતિ' પુસ્તકાલય બનાવ્યું હતું.

ફર્નાન્ડો કોલમ્બસ એટલે ઇટાલીના સાહસિક સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસ અને તેની પ્રેમિકા બિટ્રીઝ એનરિક્ઝ દ અરાનાનો પુત્ર. ફર્નાન્ડો વિશે વાત કરતા પહેલાં તેના પિતા ક્રિસ્ટોફર કોલમ્બસ વિશે થોડી જાણકારી અને સ્પષ્ટતા કરી લઈએ. કોલમ્બસે (૧૪૯૨-૧૪૯૯) ૫૪ વર્ષની જિંદગીમાં યુરોપથી 'ઇસ્ટ ઇન્ડિઝ'(ભારતનો નહીં)નો દરિયાઇ માર્ગ શોધવા ચાર ઐતિહાસિક યાત્રા કરી હતી. એ વખતે યુરોપિયનો ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, બ્રુનેઇ અને પપુઆ ન્યૂ ગીની સહિતનો સમગ્ર પ્રદેશ 'ઇસ્ટ ઇન્ડિઝ' તરીકે ઓળખતા. કોલમ્બસે ઇ.સ. ૧૪૯૨, ૧૪૯૩, ૧૪૯૮ અને ૧૫૦૨, એમ કુલ ચાર દરિયાઇ સફર કરી, પરંતુ એ ચારેય યાત્રામાં તેણે ઇસ્ટ ઇન્ડિઝ જવાના નહીં, પણ આજના વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખંડ સુધી જવાના દરિયાઇ માર્ગ શોધ્યા હતા. આ વેસ્ટ ઇન્ડિઝ નામ પણ યુરોપિયનોએ જ આપ્યું હતું. કોલમ્બસની યાત્રાઓ પછી યુરોપિયનોએ અમેરિકા ખંડની મૂળ આદિવાસી પ્રજાને 'ઇન્ડિયન' તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. એટલે આજે ય તેઓ ચામડીના રંગના આધારે 'રેડ ઇન્ડિયન્સ' તરીકે ઓળખાય છે.

કોલમ્બસ અને તેમની પ્રેમિકા બિટૃીસ એનરિક્ઝ દ અરાના 

કોલમ્બસે કાયદેસરની પત્ની ફિલિપા મોનિઝ પેરેસ્ટ્રેલોની કુખે જન્મેલા પુત્ર ડિયેગોની જેમ ફર્નાન્ડોને પણ પ્રેમથી અપનાવી લીધો હતો. તેણે ઈ.સ. ૧૫૦૨માં ચોથી દરિયાઇ સફરનું આયોજન કર્યું ત્યારે ફર્નાન્ડોની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી. આમ છતાં, કોલમ્બસે વ્હાલસોયા પુત્ર ફર્નાન્ડોને ક્રૂ મેમ્બર તરીકે સાથે લઇ લીધો. કોલમ્બસના કાફલામાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની ચર્ચા સાંભળીને નાનપણથી જ ફર્નાન્ડોમાં જબરદસ્ત કુતૂહલવૃત્તિનાં બીજ રોપાયાં હતાં. કોલમ્બસના મૃત્યુ પછી ફર્નાન્ડો તેના સાવકા મોટા ભાઇ ડિયેગો સાથે હિસ્પાનિઓલા જતો રહ્યો. હિસ્પાનિઓલા કેરિબિયન દ્વીપસમૂહમાં આવેલો વિશ્વનો ૨૨માં નંબરનો સૌથી મોટો ટાપુ છે. ડિયેગો ત્યાંનો ગવર્નર હતો. ફર્નાન્ડોને ત્યાં કોઇ દુ:ખ ન હતું, પરંતુ મોજશોખવાળી જિંદગીથી કંટાળીને ફર્નાન્ડો થોડા સમયમાં સ્પેન પાછો આવી ગયો.

ક્રિસ્ટોફર કોલમ્બસ પણ સ્પેનના સેવિલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. સ્પેનના રાજવી પરિવારોને વેસ્ટ ઇન્ડિઝથી લઇને અમેરિકા ખંડ સુધી વસાહતો શરૂ કરી આપવામાં કોલમ્બસે ખૂબ જ મદદ કરી હતી. એટલે કોલમ્બસના મૃત્યુ પછી પણ આ પ્રદેશોની આવકનો બહુ મોટો હિસ્સો ફર્નાન્ડોને મળતો હતો. આ આવકની મોટા ભાગની રકમ ફર્નાન્ડો દુર્લભ પુસ્તકો ભેગા કરવા ખર્ચી કાઢતો. કોલમ્બસને ‘નવી દુનિયા’ શોધવાનું ઘેલું લાગ્યું હતું. એવી જ રીતે, ફર્નાન્ડોને દુનિયાભરના ઉત્તમ પુસ્તકોમાં ધરબાયેલું જ્ઞાન એક સ્થળે ભેગું કરીને વિશ્વનું સૌથી ઉત્તમ પુસ્તકાલય બનાવવાની ચાનક ચડી હતી.

આપણે કોલમ્બસના દરિયાઇ પ્રવાસો વિશે તો જાણીએ છીએ, પરંતુ ફર્નાન્ડોએ પણ પુસ્તકો ભેગાં કરવાં સખત પ્રવાસ કર્યા હતા. ઈ.સ. ૧૫૨૧માં તેણે જર્મનીના નુરેમ્બર્ગ શહેરમાંથી નાતાલ વખતે એક સાથે ૭૦૦ ગ્રંથ ખરીદ્યા હતા. એ પછી ઈ.સ. ૧૫૩૦માં ફક્ત પુસ્તકો ખરીદવાના હેતુથી ફર્નાન્ડોએ યુરોપના અનેક શહેરો ધમરોળી નાંખ્યા હતા. આ શહેરો પર જરા નજર કરો. ઇટાલીના રોમ, બોલોગ્ના, મિલાન, વેનિસ, તુરિન અને પડુઆ. જર્મનીના ઓસબર્ગ, કોન્સ્ટન્સ અને કોલોન. ફ્રાંસના પેરિસ અને પોઇટિયર્સ. સ્વિત્ઝર્લેન્ડના બેસલ અને ફ્રિબર્ગ. નેધરલેન્ડનું માસ્ટ્રિચ અને બેલ્જિયમનું એન્ટવર્પ. ઓસ્ટ્રિયાનું ઇન્સબર્ક અને સ્પેનનું બુર્ગોસ.

ફર્નાન્ડો કોલમ્બસ

આ શહેરો પર નજર કરતા સમજી શકાય છે કે, ફર્નાન્ડોની પુસ્તક ભૂખ કેવી હશે! આજથી ૫૦૦ વર્ષ પહેલાં આટલાં બધાં શહેરોની મુલાકાત લઈને, પ્રકાશકો-વિતરકો અને લેખકોને શોધવાનું કામ ખૂબ અઘરું હતું. એ વખતે ગૂગલ ન હતું અને આજના જેવા ઝડપી વાહન વ્યવહારની પણ સુવિધા ન હતી. આમ છતાં, ફર્નાન્ડોએ ખૂબ જ મહેનત કરીને યુરોપની અનેક દુર્લભ હસ્તપ્રતો, અજાણ્યા લેખકોના વજનદાર પુસ્તકોથી માંડીને રાજવી પરિવારો પાસે સચવાયેલી નાની-મોટી પત્રિકાઓ, પત્રો, નકશા ભેગા કર્યા. તેણે થોડા જ સમયમાં સ્પેનના સેવિલ શહેરના રોયલ ચર્ચમાં ૧૫ હજાર પુસ્તક ધરાવતું અનોખું પુસ્તકાલય બનાવી દીધું. આ ચર્ચનું સંચાલન પણ સ્પેનના રાજવી પરિવારે કોલમ્બસ પરિવારને સોંપ્યું હતું.

ફર્નાન્ડોને 'સુવ્યવસ્થિત યાદી' બનાવવાનું જબરું વળગણ હતું. એટલે જ ફર્નાન્ડોનું પુસ્તકાલય દુનિયાના બીજા બધા જ પ્રાચીન પુસ્તકાલયમાં થોડું જુદુ પડે છે. જેમ કે, ફર્નાન્ડો પુસ્તકના લેખક-પ્રકાશક, ખરીદીનું સ્થળ, કિંમત વગેરેની નોંધ કરી લેતો. એ તો ઠીક, જે તે પુસ્તક ક્યાં અને ક્યારે વાંચ્યુ, પુસ્તક વિશે તે શું વિચારે છે તેમ જ પુસ્તકના લેખકને મળ્યો હતો કે નહીં – એ વિશે પણ તેણે નોંધો કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પુસ્તક ખરીદતી વખતે સ્પેિનશ કરન્સીના રેટ શું હતા એ પણ તેણે નોંધ્યા હતા. એ વખતના મોટા ભાગના પુસ્તકોમાં પ્રસ્તાવના કે આમુખ જોવા મળતા ન હતા. એટલે પુસ્તકની અંદર શું છે એની જાણકારી વાચકોને સરળતાથી મળતી નહોતી. આ મુશ્કેલીના ઉપાયરૂપે ફર્નાન્ડોએ વાચકોની સરળતા માટે એકલા હાથે દરેક પુસ્તકની પ્રાથમિક માહિતી પણ તૈયાર કરી હતી. દરેક પુસ્તક સહેલાઇથી મળી જાય એ બાબત ધ્યાનમાં રાખીને તેણે લાકડાના યુનિક બુકશેલ્ફ પણ તૈયાર કરાવ્યા હતા. ૧૫મી સદીમાં એ ઘણી મહત્ત્વની વાત હતી.

આ પુસ્તકાલયમાં ફર્નાન્ડોએ ક્લૉસ વાગનેર નામના એક ફૂલ ટાઇમ ગ્રંથપાલની પણ નિમણૂક કરી હતી. તેણે વાગનેરને આદેશ કર્યો હતો કે, જો તમે ગ્રંથપાલ તરીકે જોડાશો તો તમારા જીવનની એક જ પ્રાથમિકતા હશે, અને એ હશે આ પુસ્તકાલય. આ કરારના ભાગરૂપે ફર્નાન્ડોએ સેવિલના કેથેડ્રલના કેમ્પસમાં જ વાગનેરના રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. ફર્નાન્ડોના મૃત્યુના દાયકાઓ પછી ઇતિહાસકારોએ કરેલા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ફર્નાન્ડોને નાનપણથી જ વાંચવા-લખવાનો શોખ હતો. કોલમ્બસની ચોથી દરિયાઇ મુસાફરીમાં ફર્નાન્ડો પિતાનું જીવન ચરિત્ર લખવાના હેતુથી જ જોડાયો હતો. ક્રિસ્ટોફર કોલમ્બસનું પહેલવહેલું જીવનચરિત્ર પણ ફર્નાન્ડોએ જ લખ્યું હતું, જેની મૂળ હસ્તપ્રત આજે ઉપલબ્ધ નથી. એ મુસાફરીમાં ફર્નાન્ડોએ 'નવા દેશો'નાં સંગીત, તસવીરો અને વનસ્પતિના અઢળક નમૂના પણ ભેગા કર્યા હતા. એ ચીજવસ્તુઓની પણ તેણે ચોક્કસ નોંધો સાથેની યાદી તૈયાર કરી હતી.

સ્પેનના સેવિલ શહેરમાં આવેલું ફર્નાન્ડોનું પુસ્તકાલય અને (નીચે) 13મી સદીમાં થઈ ગયેલા ઇટાલિયન વેપારી, એક્સપ્લોરર માર્કો પોલોના મૂળ ફ્રેન્ચમાં લખાયેલા ‘ધ બુક અોફ વન્ડર્સ’ પુસ્તકમાં કોલમ્બસે જાતે કરેલી નોંધો. આ દુર્લભ પુસ્તક પણ ફર્નાન્ડોના પુસ્તકાલયમાં સચવાયેલું છે.

યુરોપમાં પુસ્તકોનો ઇતિહાસ, લેખકો-પ્રકાશકો, પ્રવાસો અને બૌદ્ધિકોનું નેટવર્ક કેવું હતું, એ સમજવા આજના ઇતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થયું છે. યુરોપમાં સાહિત્ય, કળા અને વૈચારિક ક્રાંતિનાં બીજ રોપનારા અનેક બૌદ્ધિકોએ ફર્નાન્ડોના પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો. ઈ.સ. ૧૫૩૯માં મૃત્યુ થયું એ પહેલાં ફર્નાન્ડોએ જીવતેજીવ વસિયત કર્યું હતું કે, 'મૃત્યુ પછી આ પુસ્તકાલયની સંપૂર્ણ દેખભાળ કરવામાં આવે. મેં ખરીદેલાં પુસ્તકો વેચવામાં ના આવે, પરંતુ વધુ પુસ્તકો ખરીદીને પુસ્તકાલય સમૃદ્ધ બનાવવામાં આવે.'

કમનસીબે, ફર્નાન્ડોના મૃત્યુ પછી પુસ્તકાલયની માલિકી માટે દાયકાઓ સુધી ઝઘડા ચાલ્યા. છેવટે અનેક વર્ષો પછી સેવિલના ચર્ચને પુસ્તકાલયની માલિકી મળી. જો કે, ત્યાં સુધી પુસ્તકોની સંખ્યા ૧૫ હજારમાંથી સાત હજાર થઇ ગઇ હતી. આજે ય ફર્નાન્ડોના પુસ્તકાલયની સંભાળ સેવિલના ચર્ચ મેનેજમેન્ટ દ્વારા લેવાઇ રહી છે, પણ, અત્યારે આ પુસ્તકાલયમાં ફક્ત ૧,૧૯૪ પુસ્તક બચ્યાં છે. હવે આ પુસ્તકાલય 'બિબ્લિઓટેકા કોલમ્બિના' તરીકે ઓળખાય છે. આજે પણ ઇતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય સંશોધનનો વિષય છે.

આજે ય ઇતિહાસકારો માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, શું ફર્નાન્ડોએ ૧૫ હજાર મહાકાય ગ્રંથો વાંચ્યા હશે? એવું કહેવાય છે કે, ફર્નાન્ડોએ બહુ નાની ઉંમરમાં વાંચન-લેખન શરૂ કરી દીધું હતું એટલે કદાચ એ શક્ય પણ હોય!

http://vishnubharatiya.blogspot.co.uk/2018/04/blog-post_9.html?m=1

Loading

હિંદુ મતોમાં વિભાજનથી ભાજપને ખતરો

શેખર ગુપ્તા|Opinion - Opinion|11 April 2018

જાતિગત વિભાજનના સ્થાને ધર્મના મુદ્દે ભાજપે સત્તા મેળવી પણ આજે જાતિવાદી સમીકરણો ફરી બદલાઇ રહ્યાં છે.


ભારતીય મતદારોમાં મુસ્લિમો માત્ર 15 ટકા છે. તેઓ ભા.જ.પ.ને મત નથી આપતા. 1989 પછીના રાજકારણમાં જ્યારે કૉંગ્રેસે હિંદી પ્રદેશોમાંથી પોતાની મત બેન્ક ગુમાવી, તો મુસ્લિમો યાદવોની સાથે થઈ ગયા અને અમુક તબક્કે માયાવતીના દલિતોની સાથે. આનાથી કુંઠિત વિચારધારાવાળા ભારતીય નેતાઓ કહેતા હતો કે દેશ પર કોણ સત્તા સંભાળશે, તેનો વીટો મુસ્લિમોની પાસે છે. નરેન્દ્ર મોદીએ 2014માં આ વિચારધારાને બદલી નાખી. તેમની દલીલ હતી કે જો મુસ્લિમો આપણને મત નથી આપતા તો ઠીક છે, બીજી અનેક જગ્યાએ પૂરતા મતો છે જ.


મુસ્લિમોએ તેમને મત ન આપ્યા, છતાં તેમણે વિરોધ પક્ષને સાફ કરી નાખ્યો. એક પણ મુસ્લિમ સાંસદ વગર તેમણે 282 બેઠક જીતી લીધી. ત્યાર પછી ભા.જ.પે. 19 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખ્યા વિના 77 ટકા બેઠકો જીતી લીધી. તેમણે અને ભા.જ.પે. મુસ્લિમ વ્યક્તિઓને બીજી કોઈ રીતે પણ જગ્યા આપવાનો પ્રયત્ન નથી કર્યો. તમે અમને મત નથી આપતા, તો અમારી પાસેથી સત્તામાં ભાગીદારી કરવાની આશા પણ ન રાખશો. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે તેમનું આકર્ષણ તમામ હિંદુ સામાજિક સમૂહો પર છવાયું જેઓ ત્યાં સુધી ભા.જ.પ.થી દૂર ભાગતા હતા અને પોતાના જાતિગત નેતાઓ પ્રત્યે વફાદાર હતા.

2014માં મોટા પાયે બિનયાદવ ઓ.બી.સી. ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા. અામ છતાં, જો માયાવતી 2014ની લોકસભા ચૂંટણીમાં 80માંથી એક પણ બેઠક ન જીતી શક્યાં અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં 19 બેઠકો જ જીતી શક્યાં, તો તેનો સીધો તર્કસંગત અર્થ એ થાય કે ખાસ્સી સંખ્યામાં દલિત મતદારો ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા છે. લોકસભામાં ભા.જ.પ.ના 282 સાંસદોમાંથી 40 દલિતો પણ છે, જેઓ અનામત બેઠકો પરથી જીત્યા છે. છ બીજા એલ.જે.પી. અને ટી.ડી.પી. જેવા સહયોગી પક્ષોના હતા.


છેલ્લા કેટલાક મહિનાઓમાં નવા સવાલો ઊભા થયા છે, કારણ કે દેશભરમાં દલિતોનો ગુસ્સો અને ઊભાર વધી રહ્યો છે. આ બધું જમીની રાજકારણમાંથી ઊભરી આવેલા યુવાનો અને પોતાની વાત મૂકવામાં કુશળ દલિત નેતાઓના ઊભારની સાથે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભામા-કોરેગાંવ પછી અનુસૂચિત જાતિ-જનજાતિ અધિનિયમ પર સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણયના વિરોધ પછી 85 ટકા મતોમાં જ ચૂંટણી લડવાની રીતી જોખમી છે. દલિત ગુસ્સાના કારણે મતોની આ ટકાવારી ઘટીને 70 ટકા થવાનો ખતરો ઊભો થયો છે. ડેક્કન ક્રોનિકલમાં એક લેખમાં એવું લખ્યું છે કે સી.એસ.ડી.એસ.ના અગ્રણી સેફોલૉજિસ્ટ સંજય કુમારે એ ખરાઈ કરી છે કે પહેલાંની સરખામણીએ ભા.જ.પે. 2014માં સૌથી વધારે દલિત મતો મળ્યા.

તેમણે લખ્યું છે કે, ‘છેલ્લી અનેક લોકસભા ચૂંટણીઓમાં મોટા પાયે 12થી 14 ટકા દલિતોએ ભા.જ.પ.ની તરફેણમાં મતદાન કર્યું’ પણ 2014માં આ આંકડો બમણો થઈને 24 ટકા થઈ ગયો અને ભા.જ.પ.ના દલિત મતો કૉંગ્રેસ (19) અને બસપા (14) કરતાં વધારે થઈ ગયા. દલિતોમાં તાજેતરમાં વધેલી ચિંતાથી આ ફાયદાઓ સામે ખતરો ઊભો થયો છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષની વચ્ચે જોડાણથી આ સમીકરણો વધારે જટિલ થયાં છે. આ બાબત ગોરખપુર અને ફૂલપુરની પેટાચૂંટણીઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે.


ઉત્તર પ્રદેશના જે ત્રણ સાંસદોએ ફરિયાદ કરી છે, તે આ નવી અસુરક્ષાને રજૂ કરે છે. હકીકતમાં અનુસૂચિત જાતિ-જનજાતિને લગતા કાયદા પર સુપ્રીમ કોર્ટના આદેશના મુદ્દે સરકાર કદાચ જ કોઈ ભૂમિકા નિભાવી શકે છે. ચુકાદાને ધ્યાનથી વાંચતા એવું નથી લાગતું કે સારા કાયદાને નબળો પાડી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવે છે કે અંદર દબાયેલો ગુસ્સો બહાર આવી રહ્યો છે. વડાપ્રધાન અને અમિત શાહ તેની સામે આંખ આડા કાન કરી શકે તેમ નથી કે 2019 આવવા દો ‘મોદી મેજિક’ બધું સાફ કરી નાખશે. તેઓ 2014ના 24 ટકા મતોમાંથી થોડા મતો પણ ગુમાવવાની સ્થિતિમાં નથી. તેમના પક્ષને મળેલા કુલ મતોની ટકાવારી 31 ટકા હતી અને ચોથા ભાગના દલિત મતો વિના આ ટકાવારી જાળવી રાખવી અશક્ય હશે.

દલિતોનો આ ઊભાર પહેલાંની સરખામણીએ અલગ છે. હવે અનેક ગણા વધારે દલિત યુવાનો સ્કૂલ-કૉલેજમાં જઈ રહ્યા છે અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા સરળ હોવાના કારણે આ વધારે જાગરૂક પેઢી બની છે. યુવાન નેતાઓ પહેલી વખત ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓ ઉત્તર, મધ્યમ અને પશ્ચિમ ભારતમાં લગભગ કોઈ પણ જગ્યાએ સારી એવી ભીડ એકઠી કરી શકે છે. ઉપરાંત તે પૂર્વની સરખામણીએ વધારે વૈચારિક પણ છે. તેની હાલચાલ ખાસ કરીને ડાબેરી છે અને એટલા માટે ભા.જ.પ.વિરોધી છે.

1989 સુધી ભા.જ.પ. અેવું માનતો હતો કે હિંદુ સમાજમાં જાતિગત વિભાજનના કારણે તે જીતી નથી શકતો. અડવાણીએ પહેલી વખત તેને ઓળખીને ધર્મ સાથે (અયોધ્યાના માધ્યમથી) જોડવાનું શરૂ કર્યું, જેને જાતિઓએ વહેંચી રાખ્યા હતા. જો કે, જાતિ પ્રત્યેની વફાદારી વધારે સમય સુધી દબાયેલી રહી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશમાં જ્યાં એક સમયે આની બહુમતી હતી માયાવતી અને મુલાયમ-અખિલેશ આઠ વખત વારાફરતી મુખ્યમંત્રી બન્યાં. મોદી-શાહે 2014માં જે બાબતનું મિશ્ર સ્વરૂપ સામે મૂક્યું, તે પા સદી પહેલા અડવાણી કરતાં વધારે શક્તિશાળી હતું. તેઓ ખુલ્લા હિંદુ રાષ્ટ્રવાદની સાથે આગળ આવ્યા, જેની સાથે હતું મોદીનું આકર્ષણ અને ‘અચ્છે દિન’નું વચન, જે ગુજરાતના રેકૉર્ડના કારણે વિશ્વસનીય લાગતું હતું. આ તમામ જાતિ આધારિત પક્ષો પર હાવી થઈ ગયું અને ભા.જ.પે. હિંદી પ્રદેશોમાં સારી એવી જીત હાંસલ કરી.


હવે દલિત સમર્થન ખતરામાં છે, કારણ કે જાતિવાદી સમીકરણો ફરીથી બદલાઈ રહ્યાં છે. સત્તાવિરોધી વલણના કારણે ઉપજેલો અસંતોષ, બેકારી, ઉત્તર પ્રદેશમાં ઊંચી જાતિના શક્તિશાળી મુખ્યમંત્રીનો ઉદય (15 વર્ષમાં ઊંચી જાતિના પ્રથમ) એ બધી બાબતોએ સાથે મળીને જાતિગત સમીકરણોને મહત્ત્વનાં બનાવી દીધાં છે. ભા.જ.પે. ઝડપથી આને ઓળખ બનાવી લીધી છે અને મોદી-શાહ આ મુદ્દે બોલી પણ રહ્યા છે.

આમ છતાં, તેમની સામે ત્રણ સમસ્યાઓ છે – એક, તેમની પાસે કોઈ મુખ્ય અને ભરોસો અપાવી શકે તેવો દલિત અવાજ નથી. બીજું એ કે, ભૂતકાળમાં ભા.જ.પે. મોદી અને શિવરાજસિંહ ચૌહાણ જેવા સ્ટાર ઓ.બી.સી. નેતા આપ્યા હતા, 2014 પછી ઉચ્ચ જાતિનો ઉપદય દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં. ત્રીજી, બનવા જોગ છે કે આ પરિસ્થિતિને ઓળખવામાં મોડું થઈ ગયું છે. પક્ષ અને ખાનગી મશીનરી દલિતોમાં વધતા અસંતોષને યોગ્ય સમયે પકડી શકવામાં નિષ્ફળ ગઈ છે. જો કે, હવે પક્ષે આ મુદ્દાને હાથમાં લીધો છે અને તે નુકસાનની કેટલા અંશે ભરપાઈ કરી શકે છે, 2019ના આંકડાઓ પર તેની મહત્ત્વની અસર પડશે.

સૌજન્ય : ‘સમાજકારણ’, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2018  

Loading

છ કાવ્યો –

© ધનિક ગોહેલ જૂનાગઢ, © ધનિક ગોહેલ જૂનાગઢ|Poetry|10 April 2018

– 1 –

• તો કેવું! •

થર થર કંપતા આ હાથને,
કોઈ ટેકો મળે તો કેવું!
મને સાથ આપવાનું કહી ને,
તે જ છોડી જાય તો કેવું!

વિચારોની ઊર્મિ પ્રગટે ને,
એને મુકામ મળે તો કેવું!
આપણા દૂષણો ડામવાને,
કોઈ મહામંત્ર મળે તો કેવું!

બારી વગરનાં મારા ઘરને,
માત્ર બારણાં હોય તો કેવું!
જેને આવવું હોય તે આવે ને,
મને વ્હાલ કરે તો કેવું!

મધદરિયે કોઈ પ્રેમિકા મળે ને,
મને પ્રેમી બનાવે તો કેવું!
અંતરની મારી આ વ્યથાને,
કોઇ ચોરી જાય તો કેવું!

યાદોની સરવાણી ફૂટે ને,
કોઈ મિત્ર મળે તો કેવું!
ને જીવનના પંથે પેલે પાર,
મને ઈશ્વર મળે તો કેવું!

•

– 2 –

• વેદના •

ખુદાના બનાવેલા આ સંસારમાં,
એ પોતે જ ભટકી ગયો છે આજ.

કોને હાકલ કરે? કોને સત્ય પૂછે ?
એ પોતે જ મુકબધિર બન્યો છે આજ.

પોતાના ઈશારે નચાવતો સંસારને,
એ પોતે જ પ્રેક્ષક બની ગયો છે આજ.

ન હતી ખબર એને કે આવું પણ થશે!
એ પોતે જ અવાક બન્યો છે આજ.

કેમ કરીને કહે પોતાની વેદના, ધનિક
એ પોતે જ દુઃખી બની ગયો છે આજ.

•

– 3 –

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નિત્ય છું, હું સૌમ્ય છું.

હું આજનો નવીન ઉર્ષ છું

 

હું કવિ છું, હું જ કવિતા છું.

હું પ્રેમનો નવીન શબ્દ છું.

 

હું રાત છું, હું દિવસ છું.

હું ઊગતો નવીન સૂર્ય છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું સંવેદના છું, હું લાગણી છું.

હું ભાવોની નવીન ઊર્મિ છું.

 

હું જન્મ છું, હું મૃત્યુ છું.

હું પ્રાણનો નવીન શ્વાસ છું.

 

હું પ્રેમી છું, હું વિરહ છું.

હું પ્રણયનો નવીન હકાર છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નદી છું, હું પર્વત છું.

હું જળનો નવીન ધોધ છું

 

હું સર્વ છું, હું સમાસ છું.

હું ઊંચાઈની નવીન ટૂંક છું

 

હા હું જ છું, હું ધનિક છું.

હું મારો નવીન આભાસ છું

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

•

– 4 –

• દિલ •

હીંચકે ઝુલતા ઝુલતા યાદ આવી ગયું કોઈ,
પછી કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું આ દિલ.

ધીરે ધીરે પ્રસરતી ગઈ ચારેકોર સુવાસ એની,
ન હતી ખબર કે સાલું લુભાય જશે આ દિલ.

મહેનત તો ખૂબ કરી પાછું લાવવા મૂળ સ્થાને,
પણ મજબૂતીથી જકડી રાખ્યું એણે આ દિલ.

કેમ કરીને પાછી લાવું મારી આ અમાનતને,
પ્રેમના ઘટ્ટ આવરણથી ઢંકાઇ ગયું આ દિલ.

હજી સમજતી નથી તું મારી આ લાગણીઓને,
હકીકતે તો તારામાં જ સમાઈ ગયું છે આ દિલ.

•

– 5 –

• ખોજ •

“મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

હરતા ફરતા દૈવીય શક્તિ રૂપ,
એ જ્ઞાની મહાપુરુષોને ખોજ.

તારા અજ્ઞાનને દૂર કરવા,
પ્રકાશ રૂપ દીવાને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

અધ્યાત્મના પૂર્ણ દર્શનને કાજ,
ગીતાના એ અર્જુનને ખોજ.

પૂર્ણ રૂપના શરણે જવા,
એ પૂર્ણપુરુષોત્તમને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

શબરીના બોર ચાખવા
એ ભક્તિ ભાવને ખોજ.

તારા અને મારા જીવનમાં,
પ્રેમ રૂપી ઔષધિ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

રાક્ષસ રૂપી દુર્ગુણો ડામવા,
રામના એ ધનુષને ખોજ.

જીવનનું સત્ય સમજવા,
શમર્થ ગુરુનું શરણ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

•

– 6 –

• કા'ન •

આ વાંસળીને મોરપંખ મને આપી દે ને કા'ન.
મને પણ ગોપીઓ વચ્ચે રાસ રમવા દે ને કા'ન.

દ્વારિકાનાથને મથુરાનો બાળ થવા દે ને કા'ન.
મને પણ વૃંદાવનનો નટખટ બનવા દે ને કા'ન.

માખણ ને મિશરીનો ભોગ આરોગવા દે ને કા'ન.
મને પણ એ વિશ્વરૂપના દર્શન કરાવી દે ને કા'ન.

પીળું પીતાંબર ને કેસરી ખેસ પહેરવા દે ને કા'ન.
મને પણ સુદામાના એ તાંદુલ ચાખવા દે ને કા'ન.

રાધાનો પ્રેમ ને અર્જુનનું બળ આપી દે ને કા'ન.
મને પણ ગીતાનો ઉપદેશ સંભળાવી દે ને કા'ન.

આમ ક્યાં સુધી માંગતો રહીશ તારી પાસે કા'ન.
મને પણ હવે તું તારા જેવો જ બનાવી દે ને કા'ન.

e.mail : dhanikgohel96@yahoo.com

Loading

...102030...3,1713,1723,1733,174...3,1803,1903,200...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved