Opinion Magazine
Number of visits: 9582428
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વરને પ્રાર્થના કે તુ મારો છેલ્લો પ્રેમ હોય …

વિશાલ શાહ|Opinion - Opinion|15 February 2018

ક્યારેક મહાકાય હિમશીલા પણ પીગળી જાય છે અને મારી સાથે પણ એવું જ થયું છે. મેં મારી જાતને ક્યારની ય મારા પહેલા પ્રેમ, મારા દેશ, સમક્ષ ગિરવે મૂકી દીધી છે. મારે ફરી તેની પાસે જવાનું છે. હું નથી જાણતો કે ત્યાં મારું શું થશે. કદાચ બાકીનું જીવન મારે જેલમાં વીતાવવું પડે, કદાચ મને ગોળી મારવામાં આવે કે ફાંસીએ લટકાવી દેવાય. પરંતુ જે કંઈ થાય, હું તને યાદ કરતો રહીશ અને તારા મારા પ્રત્યેના પ્રેમ માટે મૌન રહીને કૃતજ્ઞતા વ્યક્ત કરતો રહીશ. કદાચ હવે હું તને ક્યારે ય મળી નહીં શકું. તને ક્યારે ય પત્ર ના લખી શકું એવું પણ બની શકે. પરંતુ વિશ્વાસ રાખજે, તુ હંમેશાં મારા હૃદયમાં, મારા વિચારોમાં અને મારાં સ્વપ્નોમાં હોઈશ. જો આ જન્મમાં વિધાતા આપણને છૂટા પાડશે, તો હું તારા માટે આવતા જન્મ સુધી રાહ જોઈશ …''

આ લેખ સાથે નેતાજીની તસવીર ના હોય તો અંદાજ પણ ના આવે કે, આ પ્રેમભરી અભિવ્યક્તિ એ ક્રાંતિકારી નેતાજીએ કરી હતી જેણે આઝાદ હિંદ ફૌજના સૈનિકોને લલકાર કર્યો હતો કે, 'તુમ મુઝે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા'. ભારતને આઝાદ થવાની એકાદ દાયકાની વાર હતી, ત્યારે માર્ચ ૧૯૩૬માં, સુભાષચંદ્ર બોઝે એક પ્રેમપત્રમાં એમિલી શેન્ક(Emilie Schenkl)ને આ વાત કહી હતી.

૧૯૩૬માં સુભાષબાબુ અને એમિલી શેન્ક ઓસ્ટ્રિયાના બડ ગેસ્ટાઇ શહેરમાં અને બાજુમાં એમિલી 

એમિલીને લખેલા પત્રોમાં નેતાજીના વ્યક્તિત્વનું સૌથી ઓછું જાણીતું પાસું ઉજાગર થાય છે. આ પત્રો પર નજર કરતા જણાય છે કે, નેતાજી જેવા બાહોશ, કરિશ્માઈ, ક્રાંતિકારી અને આક્રમક નેતામાં એક અતિ સંવેદનશીલ પ્રેમી પણ સમાંતરે જીવ્યો હતો. આ પત્ર લખ્યો ત્યારે નેતાજી યુરોપ છોડીને ભારત જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ભારતમાં જેલવાસ કે મોતની સજાની શક્યતાથી નહીં પણ એમિલીથી છૂટા પડવાના હોવાથી વ્યથિત હતા.

એ પત્રમાં નેતાજી આગળ લખે છે કે, ''… ક્યારે ય વિચાર્યું સુદ્ધાં નહોતું કે, હું એક સ્ત્રીના પ્રેમમાં સંમોહિત થઈ શકું છું. અનેક સ્ત્રીઓએ મને ચાહવાની કોશિષ કરી છે પણ મેં એ તરફ જોયું સુદ્ધાં નથી. પરંતુ નોટી વુમન, તેં મને જીતી લીધો … શું આ પ્રકારનો પ્રેમ ઉપયોગી છે? આપણે બંને જુદી જુદી ધરતી સાથે જોડાયેલાં છીએ, આપણામાં શું કોમન છે? મારો દેશ, મારા લોકો, મારી પરંપરાઓ, મારી આદતો-રીતરિવાજો, મારું વાતાવરણ – એ બધું જ તારા દેશ કરતાં અલગ છે, પરંતુ આપણા દેશને જુદા પાડતી એ તમામ બાબતો હું એક ક્ષણ માટે ભૂલી જાઉં છું. તારામાં રહેલાં સ્ત્રીત્વ અને તારા આત્માને હું ચાહું છું …''

***

રસપ્રદ વાત એ છે કે, એમિલીને આ રોમેન્ટિક પત્રો લખાયા એ જ ગાળામાં નેતાજીનો વૈશ્વિક નેતાઓ, ભારતસ્થિત અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજો વિરુદ્ધ જંગે ચડેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે પણ પત્રવ્યવહાર ચાલુ હતો. આ પત્રોના વિષય એમિલીને લખાયેલા પત્રોથી બિલકુલ જુદા હતા. એ પત્રોમાં દેશદાઝ અને ક્રાંતિની વાત હતી, જ્યારે એમિલીને લખાયેલા પત્રોમાં પ્રેમની ઊંડી-કોમળ અભિવ્યક્તિ હતી. ક્રાંતિ અને પ્રેમ વચ્ચે સંતુલન સાધવામાં નેતાજીએ અનેક તબક્કે ભારે પીડા ભોગવી હશે એવો પણ આ પત્રોમાં સંકેત મળે છે.

એમિલી પ્રત્યે ઉત્કટ પ્રેમ વ્યક્ત કરતા એક પત્રમાં નેતાજીએ લખ્યું છે કે, ‘'… એક પણ દિવસ તારો વિચાર કર્યા વિના પસાર થતો નથી. તુ હંમેશાં મારી સાથે હોય છે. કદાચ વિશ્વની બીજી કોઇ વ્યક્તિ વિશે હું આટલું વિચારી શકતો નથી. આટલા મહિનાઓ સુધી મેં કેટલી એકલતા અને દુઃખ અનુભવ્યું છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. બસ એક જ વાતનું મને સુખ છે, પરંતુ મને નથી ખબર કે શું એ શક્ય છે? જો કે, એ વિશે હું દિવસ રાત વિચારું છું અને ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, મને સાચો માર્ગ સૂઝાડજે…’'

અૉલ ઇન્ડિયા રેડિયોની આર્કાઇવ્ઝમાં સચવાયેલી નેતાજીએ હિંદીમાં આપેલાં ભાષણની ક્લિપ

https://www.youtube.com/watch?v=C6MJdQ_5iZQ&feature=youtu.be

નેતાજી સુભાષબાબુએ અંગ્રેજીમાં આપેલાં એક ભાષણની દુર્લભ ક્લિપ

https://www.youtube.com/watch?v=uhhjxSONbLI&feature=youtu.be

૧૯૩૭માં લખાયેલા આ પત્રમાં નેતાજી એમિલીને શું શક્ય હોવાનું કહી રહ્યા હશે! એવું કહેવાય છે કે, તેઓ એમિલી સાથે વધુ સમય વીતાવવા કે કાયમી ધોરણે સાથે રહેવા માંગતા હતા. આ પત્ર લખાયો ત્યારે નેતાજી ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં વ્યસ્ત હતા અને ૧૯૩૮ના વર્ષ માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાઇ ગયા હતા.

આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને તેઓ નવેમ્બર ૧૯૩૭માં એમિલીને મળવા ઓસ્ટ્રિયાના બડ ગેસ્ટાઇન ગયા હતા. બડ ગેસ્ટાઇનમાં જ તેમણે 'એન ઇન્ડિયન પિલગ્રિમ' નામે આત્મકથા લખવાનું શરૂ કર્યું હતું, જેના તેઓ ફક્ત નવ પ્રકરણ લખી શક્યા. આ અધૂરી આત્મકથામાંથી પસાર થતી વખતે માલુમ પડે છે કે, એમિલીને મળ્યા પછી નેતાજીના હૃદયમાં ક્રાંતિની ચિનગારીની સાથે ફૂલ જેવી કોમળતા પણ પ્રગટી ચૂકી હતી. ભારતના લાખો યુવાનોની છાતીમાં પ્રગટેલી ક્રાંતિની ચિનગારીને હવા આપનારા નેતાજીએ 'માય ફેઇથ (ફિલોસોફિકલ)' નામના પ્રકરણમાં 'પ્રેમ'ની વાત છેડી છે.

વાંચો તેમના જ શબ્દોમાં : ‘'… મારા માટે કુદરતનું સૌથી જરૂરી તત્ત્વ પ્રેમ છે. પ્રેમ એ બ્રહ્માંડનું મૂળ તત્ત્વ છે અને માનવ જીવનનો પણ અત્યંત જરૂરી સિદ્ધાંત છે … હું મારી આસપાસ પ્રેમને જોઇ શકું છું. મને અંદરથી આ બાબતનું ભાન થઈ રહ્યું છે. હું અનુભવી રહ્યો છું કે, મારે મારી જાતને પૂર્ણ કરવા પ્રેમ કરવો જોઈએ. જીવનનું નિર્માણ કરવા મૂળભૂત તત્ત્વ તરીકે મારે પ્રેમની જરૂર છે …''

***

નેતાજી અને એમિલીની પહેલી મુલાકાત પણ રસપ્રદ રહી હતી. જૂન ૧૯૩૪ના બીજા અઠવાડિયામાં નેતાજી જર્મનીમાં વિયેના(અત્યારે ઓસ્ટ્રિયાની રાજધાની)ના પ્રવાસે હતા. તેઓ રાજકીય કારણસર લાંબો સમય ત્યાં જ રહેવાના હતા. વિયેનામાં સુભાષબાબુએ વિશઆર્ટ નામની પ્રકાશન કંપની સાથે ભારતની આઝાદીના આંદોલનને લગતું 'ધ ઇન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ લખાણોના સુવ્યવસ્થિત ટાઇપિંગ, એડિટિંગ અને પ્રૂફ માટે નેતાજી ક્લેરિકલ કામમાં નિપૂણ વ્યક્તિ શોધી રહ્યા હતા.

સુભાષબાબુએ તેમના વિદેશસ્થિત સંપર્કોના આધારે ૨૪મી જૂન, ૧૯૩૪ના રોજ એક યુવતીને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. એ યુવતી એટલે એમિલી. એ વખતે એમિલીની ઉંમર હતી, માંડ ૨૩ વર્ષ. ઓસ્ટ્રિયન કેથોલિક પરિવારમાં જન્મેલી એમિલીને અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી, ટાઇપિંગ સ્પિડ સારી હતી અને શોર્ટ હેન્ડ પણ જાણતી હતી. એ વખતે યુદ્ધોનાં કારણે મહામંદીનો દોર હતો અને નોકરીઓ મળતી નહોતી. એટલે એમિલી નેતાજીના ક્લાર્ક તરીકે જોડાઈ ગઈ.

૨૪મી જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ એમિલી સાથે લગ્ન કરી બડ ગેસ્ટાઇનથી ભારત પરત ફરેલા નેતાજી

શરૂઆતમાં તો એમિલીના માતાપિતાને ખચકાટ થયો કે, એમિલી એક અજાણ્યા ભારતીય પુરુષ સાથે કામ ના કરે તો સારું, પરંતુ થોડા જ સમયમાં એમિલીના માતા-પિતા અને બહેન પણ નેતાજીના ખૂબ સારાં મિત્ર બની ગયાં. એમિલી સુભાષબાબુથી ઉંમરમાં નાની હતી અને તેઓ શું હસ્તી છે એ વિશે શરૂઆતમાં ઝાઝું સમજતી નહોતી. એમિલીનો નેતાજી સાથેનો સંવાદ 'સીધી બાત' જેવો રહેતો, જેથી નેતાજી એમિલીને 'બાઘિની' (વાઘણ) કહેતા. સુભાષબાબુ અને એમિલીએ ૧૯૩૪થી ૧૯૩૬ વચ્ચે ઘણો બધો સમય સાથે વીતાવ્યો અને એ ગાળામાં જ તેઓ નજીક આવ્યા.

છેવટે ૨૬મી ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ૪૦ વર્ષના સુભાષબાબુ (૨૩ જાન્યુઆરી, ૧૮૯૭) અને ૨૭ વર્ષની એમિલી શેન્કે (૨૬ ડિસેમ્બર, ૧૯૧૦) બડ ગેસ્ટાઇનમાં હિંદુ વિધિથી ગુપ્ત લગ્ન કરી લીધા હતા. આ લગ્ન ગુપ્ત રાખવાનું કારણ બિનજરૂરી ઊહાપોહ ટાળવાનું હતું.

***

નેતાજીએ લગ્ન પછી, ચોથી જાન્યુઆરી ૧૯૩૯ના રોજ, એક પત્રમાં એમિલીને લખ્યું છે કે, ‘'… એક રીતે જોઉં તો, હું ફરી પ્રમુખ ના બનું એ જ સારું છે. એવું થાય તો મને થોડી મુક્તિ મળે અને મારી જાત માટે થોડો વધુ સમય ફાળવી શકું … અને તું કેમ છે, મારી વ્હાલી? હું દિવસ અને રાત તારા વિશે વિચારું છું …'' આ છેલ્લી બે લીટી સુભાષબાબુએ જર્મનમાં લખી હતી. આ તેમની આદત હતી. એમિલીની માતૃભાષા જર્મન હોવાથી ક્યારેક તેઓ રમતિયાળ અભિવ્યક્તિ જર્મનમાં કરતા હશે!

એમિલીને આ પત્ર લખાયો ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હાઇ કમાન્ડ ગણાતા ગાંધીજી અને સરદાર પટેલ સાથે નેતાજીના મતભેદો ચરમસીમાએ હતા. આમ છતાં, નેતાજીએ ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ બનવા પ્રચાર શરૂ કર્યો અને સરદાર પટેલ ખૂબ ગુસ્સે ભરાયા. સરદાર પટેલે નેતાજીને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘'… જો તમે બીજી વાર ચૂંટાઈ ગયા તો પણ તમારી બધી જ નીતિઓની ચકાસણી કરાશે અને જરૂર પડ્યે કાર્યકારી સમિતિમાં વિટોનો પણ ઉપયોગ થશે …'' એ સમિતિમાં મોટા ભાગના સભ્યો ગાંધીજી અને સરદાર પટેલના વફાદારો હતા.

નેતાજી ત્રિપુરા કોંગ્રેસમાં આવ્યા ત્યારે

આ પ્રકારના રાજકીય માહોલમાં ૧૯૩૯માં ત્રિપુરામાં કોંગ્રેસની વાર્ષિક બેઠક યોજાઈ, જેમાં નેતાજીએ ભારે માંદગી વચ્ચે પણ હાજરી આપી અને ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને બીજી વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પછી ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુએ નેતાજીને એકલા પાડી દીધા. બિમાર નેતાજીના ખબરઅંતર પૂછવા સુદ્ધાં કોઇ જતું ન હતું. છેવટે નેતાજીએ એ જ વર્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ફોરવર્ડ બ્લોકની રચના કરી.

નેતાજીએ ૧૯૩૪થી ૧૯૪૨ના ગાળામાં ભારે રાજકીય ઉથલપાથલો વચ્ચે, અંગ્રેજોની નજરકેદમાંથી અને માંદગીના બિછાનેથી એમિલીને અનેક પત્રો લખ્યા હતા, જેમાંના ૧૬૫ ઉપલબ્ધ છે. આ તમામ પત્રો ભારતસ્થિત અંગ્રેજ પોલીસ અધિકારીઓ દ્વારા સેન્સર કરાતા. અંગ્રેજ શાસને નેતાજીના અનેક પત્રો એમિલી સુધી પહોંચવા ના દીધા હોય એવી પૂરી શક્યતા છે. નેતાજીએ એમિલીને લખેલા ૧૬૫ પત્રમાં ઓસ્ટ્રિયાના રાજકારણ, પુસ્તકો, સંગીત, બુડાપેસ્ટ અને પ્રાગ જેવા શહેરોના મિજાજ, વિયેનાના કાફેમાં કરેલા જોક્સ, અધ્યાત્મિકતા અને એકબીજાંની તબિયત જેવા અનેક વિષયો પર ચર્ચા કરી છે.

અહીં બીજી પણ એક વાત નોંધવી જોઈએ. અંગ્રેજ શાસન માટે માથાનો દુઃખાવો બની ચૂકેલા નેતાજીને બદનામ કરવા બ્રિટિશ અધિકારીઓએ આ પત્રોનો ક્યારે ય ઉપયોગ નહોતો કર્યો.

***

વર્ષ ૧૯૯૪માં પ્રકાશિત 'લેટર્સ ટુ એમિલી શેન્ક'માં આ બધા પત્રો સમાવાયા છે. આ પત્રોનું એડિટિંગ સુભાષબાબુના મોટા ભાઈ સરતચંદ્ર બોઝના પુત્ર સિસિરકુમાર બોઝ અને સુગતા બોઝે (સિસિરકુમાર બોઝના પુત્ર) કર્યું છે. સુભાષબાબુએ જર્મનીમાં ગુપ્ત લગ્ન કર્યા હતા એ વાતની સૌથી પહેલી જાણકારી સરતચંદ્રને નહેરુ અને સરદાર પટેલે આપી હતી.

આ પુસ્તકમાં બધા પત્રો સમાવાયા છે

વાત એમ હતી કે, એમિલી શેન્કે ૧૨મી માર્ચ, ૧૯૪૬ના રોજ સરતચંદ્ર બોઝને એક પત્ર લખીને સુભાષબાબુ સાથેના પોતાના સંબંધની વાત કરી. એ પત્રનો સરતચંદ્ર તરફથી કોઈ જવાબ ના આવ્યો. એટલે એમિલીએ ૧૫મી મે અને પહેલી ઓગસ્ટ, ૧૯૪૬ના રોજ સરતચંદ્રને ફરી એકવાર એ પત્રની નકલો મોકલી. જો કે, આ પત્રો સરતચંદ્રને મળતા જ ન હતા.

આ દરમિયાન વિયેનામાં રહેતા મૂળ ભારતીય ડૉ. અકમાતને ખબર પડી કે, એમિલી શેન્ક સુભાષબાબુના સ્વજનોનો સંપર્ક કરવા માંગે છે. એટલે ડૉ. અકમાતે પોતાના સંપર્કો થકી નહેરુ અને સરદાર પટેલને બધી જ વિગતો પહોંચાડી દીધી. છેવટે ૧૧મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ નહેરુએ અને ૧૩મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદાર પટેલે સરતચંદ્ર બોઝને ડૉ. અકમાતનો સંદેશ પહોંચાડ્યો. 

જો કે, એમિલી શેન્ક ક્યારે ય ભારત ના આવ્યાં, પરંતુ માર્ચ ૧૯૯૬માં જીવનના અંત સુધી સુભાષબાબુના સ્વજનો સાથે ગાઢ સંપર્કમાં રહ્યાં. સુભાષબાબુની પુત્રી અનિતા આજે ય બોઝ પરિવારનો અભિન્ન હિસ્સો છે.

***

નેતાજીએ એક પત્રમાં એમિલીને લખ્યું હતું કે, ''તું પહેલી સ્ત્રી છે જેને મેં પ્રેમ કર્યો છે. ઇશ્વરને પ્રાર્થના કે, મારી વ્હાલી, તું મારો છેલ્લો પ્રેમ હોય … ''

૧૮મી ઓગસ્ટ, ૧૯૪૫ની સાંજે એમિલી શેન્ક ઊનનું ગૂંથણકામ કરતાં કરતાં રેડિયો સાંભળતાં હતાં. ત્યારે અચાનક જ તેમના કાને શબ્દો અફળાયા કે, અંગ્રેજ શાસનના દુશ્મન સુભાષચંદ્ર બોઝનું તાઇપેઇમાં એક વિમાન અકસ્માતમાં અવસાન થયું છે …

સરતચંદ્ર બોઝના પરિવાર સાથે એમિલી શેન્ક (પાછળ ડાબે) અને બાજુની તસવીરમાં એમિલી સાથે નાનકડી અનિતા

સદ્નસીબે એ ક્ષણે એમિલીની સાથે તેમનાં માતા અને બહેન પણ હતાં. એ વખતે એમિલીના રૂંવે રૂંવે દિગ્મૂઢ ખામોશી વ્યાપી ગઈ. છતાં તેઓ ઊભાં થઈને બેડરૂમમાં ગયાં, જ્યાં ત્રણ વર્ષની અનિતા ગાઢ નિદ્રામાં હતી. આ ઘટનાનાં વર્ષો પછી એમિલી શેન્કે એ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે, ''… પછી મેં અનિતાની બાજુમાં સૂઈને હૈયાફાટ રૂદન કર્યું …''

કદાચ ઇશ્વરે સુભાષબાબુની પ્રાર્થના મંજૂર કરી લીધી હતી.

xxx

કેટલીક જરૂરી નોંધઃ-

* સુભાષબાબુના મૃ્ત્યુના સમાચાર મળ્યાના થોડા જ સમયમાં ‘નેતાજી જીવે છે અને ક્યાંક ગુપ્ત જીવન વીતાવી રહ્યા છે’ એ હકીકત અથવા અફવાએ જોર પકડ્યું. એટલે એમિલી શેન્કે કોઈ જ પુરાવા વિના નેતાજીનું મૃત્યુ થયું હોવાની વાત માનવાનો અસ્વીકાર કર્યો. એ દિવસો તેમના માટે ખૂબ જ પીડાદાયી હતા. બાદમાં તેમણે

* સરતચંદ્ર બોઝના પુત્ર અમિયાનાથ બોઝના પુત્રી માધુરી બોઝે કેટલાક લેખો, ઇન્ટરવ્યૂ, અને ‘ધ બોઝ બ્રધર્સ એન્ડ ધ ઇન્ડિપેન્ડન્સઃ એન ઇનસાઇડર એકાઉન્ટ’ પુસ્તકમાં દાવો કર્યો છે કે, નહેરુ અને સરદાર પટેલે ડૉ. અકમાતનો સંદેશ સરતચંદ્ર બોઝને પહોંચાડ્યો હતો એ વાત ખરી, પરંતુ તેમણે એવું ના કહ્યું કે, સુભાષબાબુએ જર્મનીમાં કાયદેસરના લગ્ન કર્યા હતા અને તેઓ એક બાળકીના પિતા પણ છે. ઊલટાનું નહેરુ અને સરદાર પટેલે સરતચંદ્રને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, બ્રિટિશરોની નજર કેદમાંથી છટકી જઈને નેતાજી જર્મનીમાં એક મહિલા સાથે જીવન વીતાવી રહ્યા છે અને તેમને એક ‘લવ ચાઇલ્ડ’ (ગેરકાયદે સંતાન) પણ છે. તેઓ આડકતરી નેતાજીને એક ‘લંપટ સ્ત્રીઘેલો’ પુરુષ સાબિત કરવા માંગતા હતા. એક એવો પુરુષ જેણે એક વિદેશી સ્ત્રીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.

* માનવાધિકાર ચળવળ સાથે સંકળાયેલા માધુરી બોઝ ઘણાં વર્ષો સુધી એમિલી શેન્ક સાથે રહ્યાં છે.

* નહેરુ અને સરદાર પટેલે સરતચંદ્રને જે રીતે ડૉ. અકમાતનો સંદેશ આપ્યો, એ સાંભળીને સરતચંદ્ર ખૂબ ગુસ્સે થયા હતા. જો કે, બંગાળના સુશિક્ષિત અને ખુલ્લા વિચારો ધરાવતા સમગ્ર પરિવારે એમિલી શેન્ક અને અનિતા બોઝને ઉષ્માપૂર્વક સ્વીકારી લીધાં હતાં. 

* રાજકારણ એ ‘રાજકારણ’ જ હોય છે. રાજકારણ કે ઇતિહાસનું મૂલ્યાંકન ફક્ત સત્યની તર્જ પર થવું જોઈએ. ઇતિહાસમાંથી બોધ લેવાનો એ જ સર્વોત્તમ રસ્તો છે. મહાન નેતાઓ પણ માનવીસહજ નબળાઈઓમાંથી બાકાત ના હોઈ શકે. આપણે સરદારને અન્યાયની વાત કરીએ છીએ એ વાત ખરી, પણ સુભાષબાબુને પણ અનેક તબક્કે ભારોભાર અન્યાય થયો હતો એ વાત વિગતે ફરી ક્યારેક.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/02/blog-post_14.html

Loading

વિદેશે વસેલાના વતનમાં વસતા વડીલોની વીટંબણાઓ

આશા બુચ|Opinion - Opinion|15 February 2018

આમ જુઓ તો માનવી ગુફાઓમાં રહેતો ત્યારથી, જિજ્ઞાસાને વશ થઈને અથવા અનુકૂળ આબોહવાવાળા પ્રદેશો અને ખોરાકની શોધમાં, પોતાની આસપાસના વિસ્તારોમાં રહેવા સ્થળાંતર કરતો અને આખર એ નવી ભૂમિમાં સ્થાયી થતો આવ્યો છે. તેને સ્થળાંતર (Migration) જેવી પરિભાષા નહોતી અપાઈ, છતાં પ્રક્રિયા તો પોતાના રહેઠાણથી અન્ય સ્થળે ખોરાક કે અન્ય સગવડોની શોધમાં જવાની જ હતી. હા, તે વખતે તેને પાસપોર્ટ કે વિઝાની જરૂર નહોતી પડતી.

સ્થળાંતર કરવાનાં કારણો સમયે સમયે અલગ અલગ રહ્યાં છે. કુદરતી આફતો, જેવાં કે ભૂકંપ, પૂર હોનારત, ત્સુનામી, જવળામુખીનું ફાટવું, હિમ પ્રપાત અને આબોહવામાં આવેલ ધરખમ ફેરફારોએ માનવીના નાના-મોટા સમૂહોને મોટી સંખ્યામાં સ્થળાંતર કરવાની ફરજ પાડી છે. માનવસર્જિત આપત્તિઓ જેવી કે યુદ્ધ, દેશનું વિભાજન, બહુમતી પ્રજા તરફથી ઊભો થયેલ લઘુમતી કોમ માટેનો સલામતીનો પ્રશ્ન અને અમુક વિશેષ સમૂહની દેશમાંથી હકાલપટ્ટી વગેરે જેવાં પરિબળોએ પણ લાખો લોકોને હિજરત કરવા મજબૂર કર્યા છે. આ ઉપરાંત શાંતિમય પરિસ્થિતિમાં પણ દુનિયા આખીમાંથી એક બીજાના દેશમાં સતત આવાગમન થતું જ રહ્યું છે.

સ્થળાંતરને વાહન વ્યવહારનાં સાધનો તથા જે તે દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સાથે સીધો સંબંધ છે. વાહનવ્યવહારનાં સાધનોમાં થયેલ પ્રગતિ અને આર્થિક-સામાજિક સંયોગોમાં ચડાવ-ઉતાર આવતાં સ્થળાંતરની માત્રા અને કારણો બદલાતાં રહ્યાં છે. ભારત જેવા એક સમયે ઘી દૂધની નદીઓ વહેતી તેવા દેશની વાત કરીએ. સુવર્ણ યુગમાં ભારતના દરિયા કિનારેથી નાની મોટી હોડીઓમાં કે ઊંટની પોઠ પર માલ ભરીને સાગર ખેડુઓ કે વણઝારાઓ વેપાર અર્થે જતા. તેઓ માલ વેચી, તેના સાટામાં બીજી ખપની ચીજ વસ્તુઓ લઈને પાછા ફરતા. મોટા ભાગના આવા વેપારીઓ ઠીક ઠીક નાણું કમાઈને સમૃદ્ધ થતા. એ લોકો પોતે એકલા જતા. પોતાના પત્ની અને બાળકોને મા-બાપ પાસે મૂકીને જતા. આમ દીકરાના વિદેશ વેપારથી કુટુંબને સીધો આર્થિક લાભ થતો, અને મા-બાપને પોતાની ત્રીજી પેઢી સાથે રહેવાનો લ્હાવ પણ મળતો. બુઢાપામાં તેમની સેવા કરવા પુત્રનો પરિવાર પણ તેમની પાસે રહેતો.

ત્યાર બાદ સ્ટીમરની શોધ થઈ. તે દરમ્યાનમાં ભારતની આર્થિક સમૃદ્ધિમાં ઓટ આવી. જેને ઇકોનોમિક માઈગ્રેશન કહે છે તેનાં મંડાણ થયાં. નાના મોટા ઉદ્યોગ ધંધાઓ અને વેપાર પડી ભાંગ્યા એટલે રોજી રોટીની શોધમાં સાત સમુન્દર પાર દૂર સુદૂર દેશોમાં પુરુષો જવા લાગ્યા. હોડી કરતાં સ્ટીમર વધુ સલામત અને મોટી સંખ્યામાં લોકોની હેરાફેરી શક્ય બની તેથી ઘરનો મુખ્ય કમાનાર પુરુષ એકલો જવાને બદલે પોતાના પત્ની અને બાળકોને અને કેટલાક કિસ્સાઓમાં બૃહદ્દ પરિવારને પણ સાથે લઇ જવા શક્તિમાન બન્યો. આમ થવાથી તેને સ્વદેશ પરત થવાની જરૂર ન રહી અને એ ‘પારકા દેશ’ને પોતાનો કરી, ત્યાં બે-ત્રણ પેઢીઓ કે તેથી ય વધુ સમય રહેવા લાગ્યા. આમ છતાં વતનમાં રહેતા પોતાના અન્ય કુટુંબીજનોને આર્થિક સહાય મોકલી શકતા અને જરૂર પડ્યે પોતાનાં મા-બાપની સંભાળ રાખનાર બીજા ભાંડરુઓ કે કુટુંબીઓ હોવાથી બંને પક્ષે એવું સ્થળાંતર માન્ય અને સહ્ય હતું.

પછી જમાનો આવ્યો એરોપ્લેનનો. સ્વાતંત્ર્ય બાદ હજુ પણ ઘણા લોકો અર્થોપાર્જન અર્થે વિદેશ ગમન કરતા, પરંતુ કેટલાક લોકો વધુ અભ્યાસાર્થે, નવા દેશોમાં નવો અનુભવ લેવા ખાતર પાંચ સાત ટાઈમ ઝોન પાર જવા લાગ્યા. વિદેશ યાત્રા વધુ સુગમ બની. દીકરો ભણવા જાય પછી વિવાહિત બને તો પણ કારકિર્દીની સારી તકો, ઊંચા પગાર ધોરણો અને ચડિયાતી સુખ સગવડોને કારણે પોતાનું વિભક્ત કુટુંબ વસાવીને પોતાના દત્તક લીધેલા દેશમાં જ સ્થાઈ થઇ જવા લાગ્યા. છેલ્લા બે ચાર દાયકાઓમાં તો એવું બનવા લાગ્યું છે કે વિદેશમાં વસતા મૂળ ભારતીય લોકોનાં માતા પિતાને પોતાના સંતાનો તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી અથવા તેની જરૂર પણ હોતી નથી. આમ તેઓ હવે પોતાના સંતાનોના નાણાં અને વ્યાજ સમાન તેમના સંતાનોના સુખથી વંચિત રહેવા લાગ્યાં છે.

ખરું જોઈએ તો ભારતમાં ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. શિક્ષણ અને વ્યવસાયની તકો વધી છે અને જીવન ધોરણમાં સુધારો ય થયો છે. હજુ આપણું સામાજિક માળખું કુટુંબના દરેક સભ્યની જરૂરિયાઓ પૂરી પાડે અને કાળજી કરે તેવું હૂંફાળું રહ્યું છે. તો સવાલ એ થાય કે શા માટે મોટી સંખ્યામાં યુવાનો ને યુવતીઓ વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થાય છે? સંભવ છે કે અભ્યાસાર્થે ગયેલ વિદ્યાર્થીઓને કામની સારી તક મળે અને ‘બે-ચાર વર્ષનો અનુભ લઈને દેશ જઈશ’ કહીને રહી પડે. ભારત પાછો જાય ત્યારે અહેસાસ થાય કે મેં છોડેલી જગ્યા તો બીજા ઘણા શિક્ષિત અને કુશળ લોકોથી ભરાઈ ગઈ છે. અભ્યાસ અને શરૂઆતનાં કામનાં વર્ષો દરમ્યાન આવાં યુવક-યુવતીઓના દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવી ચુક્યો હોય છે. બે દેશના work ethics એટલે કે કાર્ય પદ્ધતિમાં પણ અંતર સમજાવા લાગે છે. આ કારણો સર તેમને ન છૂટકે ફરી વિદેશ જવું પણ પડતું હોય છે.

યાદ રહે કે પોતાનાં પુત્ર કે પુત્રી વધુ અભ્યાસ કરવા વિદેશ જાય ત્યારે માતા-પિતાની છાતી ગજ ગજ ફૂલે. તેને સારી નોકરી મળે તો ઘેલાં થઈને જગત આખાને કહી વળે. દીકરીને પરદેશ પરણાવવાની ઘેલછા તો અંસખ્ય મા-બાપને હોય છે. એટલું જ નહીં, દીકરા કે દીકરીનાં સંતાનોને સાચવવા અને રમાડવા (બેબી સીટિંગ કરવા) પણ હોંશે હોંશે (ક્યારેક તો વહેલી નિવૃત્તિ લઈને) માતા-પિતા વિદેશ પ્રવાસો કરતાં હોય છે અને ત્યાં સુધી સઘળું રૂડું રૂપાળું લાગે છે.

NRI [નૉન રેસિડન્ટ ઇન્ડિયન] પરિભાષા હવે દરેક ભારતીય મૂળના પણ વિદેશે વસતા લોકો માટે વપરાવા લાગી છે. તેમની અને તેમના માતા-પિતાની કફોડી દશા તો વડીલો જીવનની સંધ્યાએ પહોંચે ત્યારથી થવા લાગે છે. જો તેઓ પાસે એકાદ સંતાન દેશમાં તેમની દેખભાળ રાખવા હોય અને પોતાનાં જમાઈ કે વહુ સાથે મીઠાશભર્યા સંબંધો હોય તો તો જગ જીત્યા, પણ જો એક માત્ર અથવા બંને સંતાનો વિદેશવાસી બની ગયાં હોય તેવા વડીલોને ના છૂટકે મોટી ઉંમરે પોતાને માટે અજાણ્યા એવા દેશમાં ઉત્તરાવસ્થા ગાળવાનો સમય આવે એવું બને. ધરુ નાનો હોય ત્યારે વાવીએ તો તેના મૂળ ધરતીમાં ઊંડા જાય એ કુદરતનો નિયમ માનવી માટે પણ સાચો છે. વડલાની જેમ પોતાના કૌટુંબિક અને સામાજિક સંબંધોને વિકસાવી ચૂકેલાં માતા-પિતાને પોતાનું વહાલું ઘર અને સમાજ છોડીને માત્ર મોમ-ડાડ કે ગ્રાન્ડ મા-ગ્રાન્ડ ડાડ તરીકે શેષ જીવન વિતાવવાનું આવે એ અઘરું થઈ પડે છે. અને જો એ મારગ ન લે તો પોતાનાં જ સંતાનો અને તેમના પણ સંતાનો વિના  દેશમાં ઝૂરવાનો સમય આવે. થાય એવું કે વાર્ધક્ય આવે એટલે શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થવા લાગે. આજનું મોટા ભાગનું શિક્ષિત ભારત નાના મોટા શહેરોમાં વસે છે. સંતાનોને વિદેશ ગયા વિના પશ્ચિમી ઢબની ‘સ્વતંત્રતા’ ખપે છે. તેમનાં ઘર અને મન બંને સાંકડાં થવા લાગ્યાં છે. આથી હવે દેશમાં કે વિદેશમાં વસતાં પોતાના સંતાનોના ઘરમાં રહેવાનો વિકલ્પ કોઈ રહ્યો નથી.

યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશમાં ‘આપણે આપણી આગલી પેઢીની અવગણના કરીએ છીએ’ તેવાં વિધાનોના પ્રચારથી આજની પેઢીને કઇંક ખોટું કર્યાની લાગણી કરાવવામાં આવે છે, પરંતુ તેનો તોડ તો કોઈ ભળાતો નથી. ખરેખર વિદેશે વસતા મૂળ ભારતના લોકો પોતે અને વતનમાં વસતા તેમના વડીલો એક ભારે વિટંબણામાંથી પસાર થતા જોવામાં આવે છે. તો શું કોઈ મહત્ત્વાકાંક્ષી સ્ત્રી કે પુરુષે અભ્યાસ કરવા કે નવી કારકિર્દી અપનાવવા વિદેશ ન જવું? પોતાના બહોળા કુટુંબને સાથે લઇ જવું બધા માટે શક્ય ન હોય તો માતા-પિતા માટે તેમની ઉત્તરાવસ્થામાં દરેક સગવડ સચવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી? કદાચ આના જ પ્રત્યુત્તર રૂપે આજ કાલ ખાસ કરીને ગુજરાતમાં કેર હોમ અને નર્સિંગ હોમ ઘણાં ફૂટી નીકળેલાં દેખાય છે. સંતાનો માતા-પિતા કે બેમાંથી એક બચ્યું હોય તેમને માટે આવા આવાસ અને સંભાળની વ્યવસ્થા માટે ડોલર કે પાઉન્ડની વ્યવસ્થા કરી આપીને પોતે ફરજ બજાવ્યાનો સંતોષ લઈ શકે. જો એ શક્ય ન હોય તો ના છૂટકે માતા-પિતાને વાનપ્રસ્થે અથવા વાર્ધક્યે પણ વિદેશગમન કરવું પડે.  

હજુ આજે પણ લગભગ એક મૂકીને બીજા ઘરના યુવાનો વિદેશ જવા તત્પર જોવા મળે છે. આશા રાખું છું કે દેશની સીમારેખા પાર કરતા પહેલાં તેમને તેમના જીવનમાં આવનારી સંભવિત પરિસ્થિતિઓનું સ્પષ્ટ ચિત્ર મનમાં દોરાયેલું હશે જ અને તેના આવનાર પરિણામો ભોગવવા બંને પેઢીના લોકો કટિબદ્ધ હશે.

e.mail : 71abuch@gmail.com

Loading

પાકિસ્તાની હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ અસ્મા જહાંગીર એકલાં પણ અમર વીરાંગના હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|14 February 2018

૬૬ વર્ષની વયે લાહોરમાં અવસાન પામેલાં અસ્મા જહાંગીરને આજે આખું જગત દિલથી અંજલિઓ આપી રહ્યું છે. તેઓ એકલાં હતાં, પાકિસ્તાની હતાં, પાકિસ્તાની શાસકો અને મૂળભૂતવાદી મુલ્લાઓ સામે લડતાં હતાં, આતંકવાદ સામે અવાજ ઉઠાવતાં હતાં એટલે મહાન હતાં.

મહાનતા તેમની હિંમતને કારણે હતી અને હિંમત તેમની ખુદવફાઈમાંથી આવતી હતી. જેમનો અંતરાત્મા સાબૂત હોય તેમની અંદર સત્યપરાયણતા અને હિંમત આપોઆપ આવી જાય છે. તેમણે ક્યારે ય કોઈ હોદ્દો ભોગવ્યો નથી અને છતાં જગતપ્રસિદ્ધ હતાં.

ઇતિહાસ એમ કહે છે કે સમાજમાં પરિવર્તનો વ્યક્તિ થકી થયાં છે, સમૂહ થકી નથી થતાં. સમૂહો ચોક્કસ પ્રકારનાં હિતો, માન્યતાઓ અને પરંપરાઓના રક્ષણ માટે રચાતા હોય છે. એમાં જોડાનારી વ્યક્તિ પરંપરાપરસ્તીને કારણે અને સમૂહની વચ્ચે સુરક્ષિત હોય છે. ખોટી પરંપરા સામે કે બીજી કોઈ પણ પ્રકારની અમાનવીયતા સામે અવાજ ઉઠાવનાર અને લડનાર વ્યક્તિ એકલી હોય છે. કેટલીક વાર એવી વ્યક્તિઓની આસપાસ એના દૃષ્ટિકોણમાં માનનારા લોકોનો સમૂહ રચાય છે એ જુદી વાત છે તો કેટલીક વાર એવું પણ બને છે કે એવી એકલી ચાલનારી વ્યક્તિ જીવનભર એકલી જ રહે છે અને સમૂહ નથી રચાતો. અસ્મા જહાંગીર આવાં જિંદગીભર એકલાં રહેનારાં અને હાર્યા વિના એકલાં ચાલનારાં વીરાંગના હતાં. આવા એકલવીરોથી સમૂહ ડરતો હોય છે અને છેવટે એનો પરાજય થાય છે. ઇતિહાસમાં આવાં સેંકડો ઉદાહરણો છે.

અસ્મા જહાંગીરના પિતા મલિક ગુલામ જીલાની સરકારી નોકરી કરતા હતા. નિવૃત્તિ પછી તેમણે પાકિસ્તાનમાંની લશ્કરી સરમુખત્યારી સામે અવાજ ઉઠાવ્યો હતો. ૧૯૬૯-૧૯૭૧નાં વર્ષોમાં પાકિસ્તાનમાં રહીને પૂર્વ પાકિસ્તાનમાંના બંગાળીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો એ કેટલું મોટું પરાક્રમ હતું એની કલ્પના કરી જુઓ. એ સમયે ગણ્યાગાંઠ્યા પાકિસ્તાનીઓ હતા જેઓ બંગાળીઓને મળવા જોઈતા ન્યાયના પડખે ઊભા રહ્યા હતા અને એમાં તેઓ એક હતા. અમેરિકાના વિયેટનામ યુદ્ધ સામે અવાજ ઉઠાવનારા લોકોને અમેરિકામાં બિરદાવવામાં આવે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટર અને બિલ ક્લિન્ટન તેમ જ તેમનાં પત્ની હિલેરી ક્લિન્ટનનું આજે પાંચ દાયકા પછી પણ ગૌરવ કરવામાં આવે છે. બંધારણ દ્વારા સુરક્ષિત અને અદાલતો દ્વારા રક્ષિત માનવઅધિકારોવાળા દેશમાં અવાજ ઉઠાવવો અને જ્યાં બંધારણ અને કાયદાના રાજનું કોઈ ઠેકાણું ન હોય એવા દેશમાં અવાજ ઉઠાવવો એમાં જમીન-આસમાનનો ફરક છે. અસ્માના પિતા આવા મૂલ્યનિષ્ઠ લડવૈયા હતા જેમના સંસ્કાર અસ્માને ગળથૂથીમાં મળ્યા હતા.

અસ્મા વ્યવસાયે વકીલ અને અન્યાય સામે રસ્તા પર ઉતરનારાં ઍક્ટિવિસ્ટ એમ બન્ને હતાં. પાકિસ્તાનની મસ્જિદમાં અને મદરેસાઓમાં જેવાં અને જેવડાં ટોળાં જોવા મળતાં હતાં એમની સામે તેમણે લડવાનું હતું. આ ઉપરાંત આપખુદ અને ભ્રષ્ટ શાસકો પણ ખરા. તેમની લડાઈ મૃત્યુ પર્યંત અવિરત ચાલુ રહી હતી અને ક્યારે ય હાર માની નહોતી. એ ટોળાંઓ ઇસ્લામની ભવ્ય પરંપરાની વાત કરતાં હતાં. એ ટોળાંઓ વિધર્મીઓ સામે ઇસ્લામ ખતરામાં હોવાની વાતો કરતાં હતાં. એ ટોળાંઓ ઇસ્લામ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદની વાતો કરતાં હતાં. એ ટોળાંઓ ઇસ્લામિક પાકિસ્તાનની વાત કરતાં હતાં. એ ટોળાંઓ વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાયનો તેમ જ અત્યાચારોનો બચાવ કરતાં હતાં. એ ટોળાંઓ સંકુચિત ધાર્મિક રાષ્ટ્રવાદને દેશભક્તિ સાથે જોડીને એને દેશભક્તિના પર્યાય તરીકે રજૂ કરતાં હતાં. એ ટોળાંઓ આમ પાકિસ્તાનીને વિધર્મીઓથી ડરાવતાં હતાં. એ ટોળાંઓ અસ્મા જહાંગીર જેવાં ઉદારમતવાદી માનવતાવાદીઓને દેશના દુશ્મન અને ભારતના એજન્ટ તરીકે ઓળખાવતાં હતાં. એ ટોળાંઓ અસ્મા જેવાં લોકોને ભારત જતા રહેવાની વણમાગી સલાહ આપતાં હતાં.

સુજ્ઞ વાચકને આજના ભારત સાથે સમાનતા નજરે પડે તો તેણે એક નજર આજના પાકિસ્તાન પર કરી લેવી જોઈએ. જો અવાજ બુલંદ નહીં કરીએ તો ભારતની હાલત પણ પાકિસ્તાન જેવી થશે. અસ્મા જહાંગીરોનો હાથ પકડવામાં દેશનું અને માનવજાતનું કલ્યાણ છે. અસ્મા જેવાઓની કોઈ નાગરિકતા હોતી નથી. આવા માનવો વિશ્વમાનવો હોય છે. તેઓ જ્યાં પણ હોય ત્યાં માનવતાના પક્ષે ઊભા રહે છે. રાષ્ટ્રના સીમાડાઓ તેમના માટે ગૌણ હોય છે.

તેમણે ૧૯૮૦માં જનરલ ઝિયા ઉલ હકની આપખુદશાહી સામે લડત ચલાવી હતી. આ એ જ ઝિયા હતા જેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકર અલી ભુત્તોને પદભ્રષ્ટ કરીને ફાંસીએ ચડાવ્યા હતા. એ જ ઝિયા ઉલ હક હતા જેમણે પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરવાદને ખાતર-પાણી આપ્યાં હતાં. ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં આતંકવાદને પોષણ અને આશ્રય બન્ને આપ્યાં હતાં. એ સમયે જો પાકિસ્તાનીઓએ અસ્માઓને સાથ આપ્યો હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત, પરંતુ ત્યારે પાકિસ્તાનીઓને નાગરિકના અધિકાર કરતાં સમૂહની ઓળખ અને રક્ષણમાં વધારે રસ હતો જેમ આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. આમ છતાં અસ્મા જહાંગીરે પોતાની લડત હાર્યા વિના અને ડર્યા વિના ચાલુ રાખી હતી.

૧૯૮૩માં અસ્માએ આસિયા બીબીનો કેસ હાથ ધર્યો હતો અને પાકિસ્તાનમાં એક લડાકુ મહિલા વકીલ તરીકે સ્થાપિત થયાં હતાં. જોઈ ન શકતી ૧૩ વરસની આસિયાને તેના હવસખોર માલિકે ગર્ભવતી કરી હતી અને પોતાની ઇજ્જત બચાવવા આસિયાને શરિયતના કાયદા મુજબ બદચલન માટે ઉલ્ટા ચોર કોતવાલ કો દાંટે એમ સજા કરાવી હતી. અસ્માએ બેવડી લડાઈ લડવાની હતી. એક શરિયત સામે અને બીજી એક સ્ત્રીને ન્યાય અપાવવા માટે. અસ્માએ બન્ને લડાઈ જીતી હતી.

તેમણે પાકિસ્તાની લશ્કરના સ્થાપિત હિત સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. લશ્કરને અને દેશની સુરક્ષાને પવિત્ર ગાય સમજવામાં આવે છે એટલે એનો દુરુપયોગ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે એક પણ લડાઈ જીતી ન શકનાર પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ લાહોર અને ઇસ્લામાબાદમાં મોટી કોઠીઓ ધરાવે છે, ફાર્મહાઉસના માલિકો છે અને નિવૃત્તિ પછી શસ્ત્રસોદાગરોના એજન્ટો તરીકે કામ કરે છે. પાકિસ્તાનમાં લોકતંત્રનાં મૂળિયાં વિકસે નહીં એમાં તેમનું સ્થાપિત હિત છે. તેમણે પાકિસ્તાનમાં લઘુમતી કોમને અન્યાય કરનારા અને દ્વિતીય નાગરિકત્વ આપનારા હુદૂદના કાયદા સામે પણ જેહાદ ચલાવી હતી. કુરાનમાં જેને જેહાદ-એ-અકબર (મોટાં મૂલ્યો માટેની જેહાદ) કહેવામાં આવે છે એ જો કોઈ હોય તો એ આ છે.

તેઓ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના બાર અસોસિએશનનાં પહેલાં મહિલા અધ્યક્ષ હતાં અને હજી સુધી આ સ્થાન ભોગવનારાં તેઓ એક માત્ર મહિલા છે. તેમણે બાર અસોસિએશન દ્વારા પાકિસ્તાન હ્યુમન રાઇટ્સ અસોસિએશનની સ્થાપના કરી હતી જે બિનસરકારી સંસ્થા છે અને જે ભારત સરકારના નૅશનલ હ્યુમન રાઇટ્સ અસોસિએશન કરતાં વધારે પ્રભાવી કામ કરે છે. તેઓ ૨૦૧૧ સુધી એનાં અધ્યક્ષ હતાં. જનરલ મુશર્રફે પાકિસ્તાન હ્યુમન રાઇટ્સ અસોસિએશનને સતાવવાની ભરપૂર કોશિશ કરી હતી જેમાં તેઓ ફાવ્યા નહોતા.

તો વાતનો સાર એટલો કે એક વ્યક્તિ અમર બની જાય છે અને ટોળાંઓ વિલન. અંતે વ્યક્તિનો વિજય થાય છે અને ટોળાનો પરાજય. અસ્મા જહાંગીર એકલાં પણ અમર વીરાંગના હતાં.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 14 ફેબ્રુઆરી 2018

Loading

...102030...3,1703,1713,1723,173...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved