Opinion Magazine
Number of visits: 9686592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘપરિવારમાં બળવો : BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ત્યારથી મોહન ભાગવતના તેવર બદલાઈ ગયા છે. હવે તેઓ સંગઠક નહીં, શાસક હોવાનો ગર્વ અનુભવે છે. આની અસર સંઘપરિવાર પર દેખાઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 April 2018

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ગયા અઠવાડિયે મુંબઈનું શૅરબજાર જ્યાં આવેલું છે એ જીજીભોય ટાવરની મુલાકાત લીધી હતી.

આ ઘટના આશ્ચર્યજનક હતી એના કરતાં ખુલાસાજનક હતી. મોહન ભાગવતે શૅરદલાલોને સલાહ આપી હતી કે તેમણે અર્થતંત્રની વિદેશી ફિલસૂફી અપનાવવાની જગ્યાએ ભારતીય ફિલસૂફી અપનાવવી જોઈએ એટલું જ નહીં, ભારતીય પદ્ધતિએ આર્થિક આયોજનો કરવાં જોઈએ. જીજીભોય ટાવરમાં રાખવામાં આવેલા આખલાનાં શિંગડાં પર પણ હાથ ફેરવતાં-ફેરવતાં તેમણે આ મૂલ્યવાન સલાહ આપી હતી. શૅરબજારના સંચાલકો અને ઉપસ્થિત દલાલોએ તાળીઓ પાડીને મોહન ભગવતની સલાહની કદર કરી હતી. મહેમાનને મૂંઝવણમાં મૂકવા નહીં એવો આપણે ત્યાં સૌજન્યપૂર્વકનો રિવાજ છે એટલે કોઈ દલાલે પૂછ્યું નહીં કે સાહેબ આવ્યા છો તો ભેગાભેગ ભારતીય અર્થશાસ્ત્ર અને આર્થિક વહેવારની પદ્ધતિ પણ સમજાવતા જાઓ.

વાત પાછી આટલેથી પતતી નથી. અર્થશાસ્ત્રની ફિલસૂફી માત્ર ભારતીય નહીં, પ્રાચીન પણ હોવી જોઈએ. એટલી પ્રાચીન એટલી પ્રાચીન કે કોઈ વિદેશી માઈના લાલે ભારતમાં પગ નહોતો મૂક્યો એ પહેલાંની. કોઈ પણ પ્રકારની ભેળસેળ વિનાની અસ્સલ હિન્દુ. બાકી આવો જો આગ્રહ રાખવામાં ન આવે તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ અર્થશાસ્ત્રનું ભારતીય તત્ત્વજ્ઞાન આપતા ગયા છે. વળી કઠણાઈ, જ્યાં જુઓ ત્યાં ગાંધી અને નેહરુ રસ્તામાં સામા ભટકાય છે. આ બેનું કરવું શું? અર્થશાસ્ત્ર પણ તેમણે છોડ્યું નથી. એક તો તેઓ (ગાંધી-નેહરુ) વેદવિદ્યાશૂન્ય મ્લેચ્છ અને ઉપરથી વિદેશમાં ભણી આવેલા આધુનિક. અસ્સલની એરણે ઓછા પડે. ગાંધી અને નેહરુની આર્થિક ફિલસૂફી જાણવામાં રસ હોય તો બે વાક્યમાં જણાવી દઉં. ગાંધીજી ગામડાંને કેન્દ્રમાં રાખનારી ગ્રામસ્વરાજની ફિલસૂફીમાં માનતા હતા અને નેહરુ મિશ્ર અર્થતંત્રની. તેમની ફિલસૂફી વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેમનામાં દેશની જરૂરિયાતને પારખીને વિકલ્પ શોધવા જેટલી શક્તિ તો હતી જ.

એમ તો દેશ આઝાદ થયો એ પહેલાં, એ દરમ્યાન, એ પછી અને હવે તો કદાવર સ્વરૂપમાં RSS વિદ્યમાન રહ્યો છે. ગાંધી અને નેહરુની માફક તેઓ પણ વેદ, ઉપનિષદ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને કહી શક્યા હોત કે અસ્સલ હિન્દુ કે ભારતીય અર્થશાસ્ત્ર કેવું હોય. સામ્યવાદીઓ, સમાજવાદીઓ, મૂડીવાદીઓ પોતપોતાની આર્થિક ફિલસૂફી લઈને ત્યારે આગળ આવ્યા હતા; પરંતુ સંઘે અર્થશાસ્ત્રની કોઈ થીસિસ વિકસાવી હોય એવું જાણમાં નથી. એટલે તો સંઘની સ્થાપના પછી ૯૩ વરસે સરસંઘચાલકે કહેવું પડે છે કે અર્થતંત્રની ભારતીય ફિલસૂફી વિકસાવવી જોઈએ. માર્ક ધ વર્ડ. વિકસાવવી જોઈએ. બીજાએ વિકસાવવી જોઈએ, તેમની પાસે આપવા માટે કંઈ જ નથી. આ જે બૌદ્ધિક નાદારી છે એ અકળાવનારી છે.

૨૮ વરસ થયાં ભારતે આર્થિક સુધારા કર્યે. એના વિરોધમાં સંઘે સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરી હતી. ૨૮ વરસ થયાં, પણ મંચે કોઈ વૈકલ્પિક અર્થતંત્રની થીસિસ પ્રોડ્યુસ નથી કરી કે કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી કર્યું. એક પણ નહીં. એ કામ પણ ગાંધીવાદી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ધરમપાલે કર્યું હતું.

તો પછી પોતાને કંઈ જ કહેવાનું નહોતું તો મોહન ભાગવત શૅરબજારમાં ગયા શા માટે હતા? આત્મગૌરવ માટે. સંઘના ગૌરવનું પ્રદર્શન કરવા માટે. જ્યાં સુધી કેન્દ્રમાં BJPની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર નહોતી આવી ત્યાં સુધી સંઘના સરસંઘચાલકો એમ માનતા હતા કે તેમનું કામ સંઘની બાંધણીનું છે. એવું તાકાતવાન હિન્દુ સંગઠન રચવું કે એક દિવસ BJPને સ્પષ્ટ બહુમતી સાથે રાજ કરવાનો મોકો મળે. આને કારણે તેઓ પાછળ રહીને કામ કરતા હતા. સીધા લોકોમાં જઈને કામ કરતા હતા. લોકો પ્રભાવિત થાય એ માટે સાદગીભર્યું જીવન જીવતા હતા. સંઘ સાંસ્કૃિતક સંગઠન છે અને એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી એમ કહેવામાં આવતું હતું.

હવે BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે ત્યારે મોહન ભાગવતના તેવર બદલાઈ ગયા છે. હવે તેઓ સંગઠક નહીં, શાસક હોવાનો ગર્વ અનુભવે છે. કેન્દ્ર મેં હમારી સરકાર હૈ. કેન્દ્રના પ્રધાનોની કામગીરીનું રિપોર્ટકાર્ડ માગવામાં આવે છે અને કેન્દ્ર સરકારના પ્રધાનો રિપોર્ટકાર્ડ હાથમાં લઈને ભાગવતના દરબારમાં હાજર પણ થાય છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટીનો આનંદ માણે છે જે વાસ્તવમાં ભયનું પ્રદર્શન છે. તેઓ નાગપુર કરતાં દિલ્હીમાં વધુ રહે છે. સંઘે ક્યારે ય ઇવેન્ટો નહોતી કરી, પરંતુ મોહન ભાગવત સંઘની દરેક બેઠકને દર્શનીય ઇવેન્ટમાં ફેરવે છે. ઇવેન્ટ આજની રાષ્ટ્રીય બીમારી છે. દરેક બાબતે તેમને કાંઈક કહેવાનું છે, પછી શૅરબજાર કેમ ન હોય. મહેનતના દિવસો પૂરા થયા, હવે ભોગવવાના દિવસો આવ્યા છે એટલે જાણે-અજાણે તેમનાં ચાલચલન બદલાઈ ગયાં છે.

આનું પરિણામ હવે નજરે પડી રહ્યું છે. ઉપર શૅરબજારની ઘટના ખુલાસાજનક છે એમ જે કહ્યું એ ખુલાસો હવે મળે છે. એકલા મોહન ભાગવત સત્તા શા માટે ભોગવે? બીજા શા માટે નહીં? ડૉ. તોગડિયા કહે છે કે VHP માટે મેં ભોગ આપ્યો છે એટલે એમાં મારું ચાલવું જોઈએ. ડૉ. તોગડિયાને કાઢવા VHPમાં ચૂંટણી યોજવી પડી અને તોગડિયા અત્યારે સંઘપરિવારના સભ્ય હોવા છતાં સંઘપરિવારની સામે ઉપવાસ પર ઊતર્યા છે. એ પહેલાં RSSના ગોવા યુનિટે સંઘના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. બળવાનું કારણ ગોવાની સરકાર પર સંઘના ગોવાના નેતાઓની હોવી જોઈતી વગનું હતું. અમારા રાજ્યની સરકારનો અને પક્ષના એકમનો દોરીસંચાર અમે કરીશું, દિલ્હી કે નાગપુરવાળા કોણ? કહેવાનું તાત્પર્ય એ હતું કે તમે દોરીસંચાર કરીને સત્તા ભોગવો તો અમે શા માટે નહીં?

RSSમાં ૯૧ વરસમાં જે નહોતું બન્યું એ છેલ્લા ૧૪ મહિનામાં બન્યું છે. ગોળવલકર ગુરુજીએ બાળાસાહેબ દેવરસને બાજુએ હડસેલ્યા ત્યારે દેવરસે ૨૧ વરસનો અરણ્યવાસ ચૂપચાપ ભોગવ્યો હતો અને ઊંહ નહોતું કર્યું. મોટા ભાગના લોકોને તો સંઘમાં આવું બન્યું હતું એની જાણ પણ નહીં હોય. આવી પ્રતિષ્ઠા હતી સંઘની શિસ્ત અને સાદગીની, પણ હવે યુગ બદલાયો છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટી માણતા હોય, પ્રધાનોની ખબર લેતા હોય, વિમાનોમાં ઊડતા હોય, શૅરબજારના દલાલોને પણ સલાહ આપતા હોય, ચિંતન-બેઠકોને પણ ઇવેન્ટોમાં ફેરવતા હોય તો એની અસર તો થાયને? હિન્દુઓની કાળગણતરી મુજબ અત્યારે કળજુગ ચાલે છે અને સંઘનો મંત્ર છે- સંઘૌકલિયુગે એટલે કલિયુગની અસર સંઘ પર વર્તાઈ રહી છે. હવે સંઘમાં બળવા થવા લાગ્યા છે.

કૂવામાં હોય એ હવાડામાં આવે એવી કહેવત છે. સંઘનો કૂવો સાવ ખાલીખમ છે એટલે અત્યારે જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મળી છે ત્યારે હવાડામાં સત્તાનાં પ્રદર્શનો બહાર આવી રહ્યાં છે. એટલે તો જીજીભોય ટાવરમાં આખલાનાં શિંગડાં પર હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું હતું કે તમારે ભારતીય આર્થિક ફિલસૂફી વિકસાવવી જોઈએ. ૯૩ વરસે, તમારે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 અૅપ્રિલ 2018

Loading

શિકારીની માનસિકતા: હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ

વિશાલ શાહ|Opinion - Opinion|18 April 2018

''મને કોઇ પણ પ્રાણીને મારવામાં ખચકાટ નહોતો થતો. હું તેમને એક જ ઝાટકે પરેશાન કર્યા વિના મારતો. એક વખત તો તેમણે મરવાનું જ હતું. રાત્રે કે મોસમ પ્રમાણે મરતાં પ્રાણીઓના કુદરતના ઘટનાચક્રમાં મારી દખલગીરી તો બહુ ઓછી છે. તેનો મને કોઇ જ અપરાધભાવ નથી. આપણે તેમનું માંસ ખાઇ જઇએ છીએ અને ચામડાં-શિંગડાં પણ સાચવીએ છીએ …''

અર્નેસ્ટ હેમિંગ્વે જેવા ધુરંધર અમેરિકન લેખકે 'ગ્રીન હિલ્સ ઓફ આફ્રિકા' પુસ્તકમાં પોતાના શિકારના શોખને આ રીતે ઉચિત ઠેરવ્યો હતો. આ નોન-ફિક્શન પુસ્તક ૧૯૩૫માં પ્રકાશિત થયું હતું. હેમિંગ્વેનાં સાહિત્યમાં ઠેર ઠેર શિકારનાં વર્ણનો આવે છે. વાર્તાઓ-નવલકથાઓમાં પણ હેમિંગ્વે એવું સાબિત કરવાનો પ્રયાસ કરતા કે, માણસને બીજાં જીવોને મારવાનો હક છે. એ ગૌરવની વાત છે. જેમ કે, ૧૯૫૨માં પ્રકાશિત વિશ્વ વિખ્યાત કૃતિ 'ઓલ્ડ મેન એન્ડ ધ સી'માં હેમિંગ્વે લખે છે કે: ''તું માછલીને ફક્ત જીવતી રાખવા કે બજારમાં વેચવા માટે નથી મારતો.' તે આવું કંઈક વિચારી રહ્યો હતો … તું તારા આત્મસન્માન અને ગૌરવ માટે માછલીનો શિકાર કરે છે. એ જીવતી હોય ત્યારે પણ તું તેને પ્રેમ કરે છે અને તેનાં મૃત્યુ પછી પણ. જો તું તેને પ્રેમ કરે છે તો તેને મારવી એ પાપ નથી …''

જીવનના વિવિધ તબક્કે ‘શિકારી’ અર્નેસ્ટ હેમિંગ્વે

સલમાન જેવા શિકારીઓ પણ 'કોઇ જીવને ઠાર મારવો એ મારો હક છે' એવું જ વિચારતા હોય છે! 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' પુસ્તક માટે હેમિંગ્વેને ૧૯૫૩માં પુલિત્ઝર (ફિક્શન) પુરસ્કાર મળ્યો. એ પછીના વર્ષે સાહિત્યિક પ્રદાન માટે તેઓ નોબલથી પણ સન્માનિત થયા. તેમના જીવનમાં રોમાંચ(થ્રીલ)નું સ્થાન સૌથી ઉપર હતું. એપ્રિલ ૧૯૩૬માં 'એસ્ક્વાયર' મેગેઝિનના એક લેખમાં તો હેમિંગ્વેએ એક માણસ બીજા માણસને મારે એ ઘટનાને પણ ગ્લોરિફાય કરવાનો પ્રયાસ કરીને હદ વટાવી દીધી હતી. એ લેખમાં હેમિંગ્વેએ લખ્યું હતું કે, ''માણસના શિકાર જેવો કોઇ શિકાર નથી. જે લોકો સશસ્ત્ર માણસને દૂરથી વીંધી શકે છે અને એ કામને પસંદ કરે છે, પછી તો તેઓ કોઈની પરવા નથી કરતા …''

પહેલા વિશ્વયુદ્ધમાં હેમિંગ્વેએ એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી હતી, અને, બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ હેમિંગ્વેને બ્રોન્ઝ સ્ટાર મળ્યો હતો. આમ, શિકારી હેમિંગ્વેની માનસિકતા સમજી શકાય એમ છે. આદિમાનવ શિકારને પોતાનો મૂળભૂત અધિકાર માનતો હતો, પરંતુ હેમિંગ્વેના લખાણો તો માંડ ૧૦૦ વર્ષ જૂનાં છે, ક્લાસિક છે, અને છતાં, તેમાં આદિમકાળના માણસની માનસિકતા છતી થાય છે. હેમિંગ્વે તો નાનકડું ઉદાહરણ માત્ર છે, પરંતુ માણસજાત હજારો વર્ષોથી મક્કમતાથી માને છે કે, પૃથ્વી પર બીજાં જીવોને તો ઠીક, જરૂર પડ્યે માણસને મારવામાં પણ કશું ખોટું નથી. કદાચ માણસ સામાજિક પ્રાણી છે એટલે જ ભાગલાવાદી છે. માણસો ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય અને રંગના આધારે પોતાને બીજાથી જુદો પાડે છે અને આ જુદાઈને જાયઝ ઠેરવવાની માણસની સામૂહિક માનસિકતામાંથી જ ભયાવહ હિંસાનાં જુદાં જુદાં સ્વરૂપોનો જન્મ થયો છે.

હેમિંગ્વેના લખાણોમાંથી સતત મર્દાનગી છલકતી. આ મર્દ લેખકે બીજી જુલાઈ, ૧૯૬૧ના રોજ પોતાની ફેવરિટ શોટગનથી આત્મહત્યા કરી લીધી હતી. સલમાનની છાપ પણ એક મર્દ 'ભાઈ'ની છે, જે કોઈનાથી ડરતો નથી અને કોઇ પણ જોખમ ખેડવા હંમેશાં તૈયાર હોય છે. હા, હેમિંગ્વે કે સલમાનની શિકારી માનસિકતા જંગલી પ્રાણીઓ-પક્ષીઓનાં માંસ, ચામડાં, હાડકાં અને શિંગડાંનો ગેરકાયદે વેપાર કરતા શિકારીઓથી જરા જુદી હોય છે. પહેલા પ્રકારના શિકારીઓ વીરપ્પન જેવા હોય છે, જે ફક્ત પૈસા માટે ગેરકાયદે શિકાર કરે છે. એવી જ રીતે, હેમિંગ્વે કે સલમાન જેવા શિકારીઓ શક્તિ પ્રદર્શન કરવા, આત્મસંતોષ માટે અને ક્યારેક સત્તા દર્શાવવા શિકાર કરે છે. (એ વાત અલગ છે કે, હેમિંગ્વેએ જિંદગીભર કાયદેસર શિકાર કર્યા હતા) જો કે, આ બંને પ્રકારના શિકારીઓ અતિ સંવેદનશીલ, પ્રેમભૂખ્યા અને ક્યારેક લાગણીવિહિન હોઇ શકે છે.

વિશ્વ પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાં હેમિંગ્વેને ‘મર્દ’ લેખક તરીકે પબ્લિસિટી મળી હતી

લાખો વર્ષોના ઉત્ક્રાંતિકાળ અને સાંસ્કૃિતક વિકાસ પછીયે માણસમાં હિંસકતા ખતમ નથી થઈ, ફક્ત તેનો પ્રકાર બદલાયો છે. ખેતીની શોધ નહોતી થઇ ત્યાં સુધી આદિમાનવ શિકાર કરીને પેટિયું રળતો. ત્યાર પછી તે પશુપાલન શીખ્યો. કૃષિની શોધ થતાં નવા જ પ્રકારની કૃષિ સંસ્કૃિતનો વિકાસ શરૂ થયો. એ સંસ્કૃિતમાં પ્રાણીઓનું મહત્ત્વ ઘણું વધારે હતું. કૃષિ સંસ્કૃિતમાં અનેક પાલતું જીવો માણસ સાથે ફેમિલિયર થઈ ગયાં હતાં. એ જ કાળમાં દુનિયાભરની સંસ્કૃિતઓમાં ઘોડા દોડ, ઊંટ દોડ, આખલા દોડ, બુલ ફાઇટિંગ, જલ્લીકટ્ટુ, ઘેંટા-કૂતરા કે મરઘા લડાઇ વગેરે જેવી મનોરંજક રમતો શોધાઈ, પરંતુ માણસને તેનાથી સંતોષ ન હતો.

એટલે એક સમયે ફક્ત પેટ ભરવા શિકાર કરતા માણસે મનોરંજન અને રોમાંચ માટે પણ શિકાર કરવાનું શરૂ કર્યું. જેમ કે, માણસે ઘોડા, કૂતરા અને બાજની મદદથી વધુ મોટા અને હિંસક પ્રાણીઓનો શિકાર કરવાની પદ્ધતિઓ વિકસાવી. આ પ્રકારના શિકારનો કબીલાઇ સમાજમાં ખૂબ વિકાસ થયો. માણસ વેરાન પ્રદેશોમાં નાનાં-નાનાં જૂથોમાં રહેતો ત્યારે બીજા કબીલા(જૂથ)ને ચેતવણી આપવા પણ શિકાર કરતો. એ પ્રાણીઓના બિહામણા મહોરા પોતાના વિસ્તારોની સરહદો નજીક કે ઝૂંપડાં બહાર લગાવીને એક જૂથ બીજા જૂથને સંદેશ આપતું કે, સાચવીને રહેજો. અમે પણ મજબૂત છીએ. જો અમે જંગલના ખૂંખાર પ્રાણીઓનો શિકાર કરી શકીએ છીએ તો તમારો પણ ખાત્મો બોલાવી શકીએ છીએ …

આ પ્રકારના શિકારના આયોજન કબીલાના વડાની આગેવાનીમાં થતાં. કબીલાનો વડો શિકાર કરીને કાફલા સાથે પાછો આવે ત્યારે પ્રજા તેને વધાવી લેતી. આવા મજબૂત 'શિકારી'ની નિશ્રામાં પ્રજાજનોને સુરક્ષાની ભાવના મળતી. આ કબીલાના વડાઓ લુપ્ત થયા તો રાજા-મહારાજાઓ પેદા થયા. ઇતિહાસ ગવાહ છે કે, ભારત સહિતના અનેક દેશોમાં રાજા-મહારાજાઓ શિકારના શોખીન હતા. રાજાઓ પણ 'રાજ'ની શક્તિ અને આધિપત્ય દર્શાવવા સૈનિકો તેમ જ હાથી-ઘોડાનો કાફલો લઇને નિહથ્થા પ્રાણીનો શિકાર કરવા જતા. આ પ્રવૃત્તિ ફક્ત આનંદ-પ્રમોદ અને મિજબાનીઓ કરવા થતી, જે આજે 'ટ્રોફી હન્ટિંગ' તરીકે ઓળખાય છે. માણસને બજારમાં મળતું માંસ ખાવામાં રોમાંચ નથી મળતો, પરંતુ શિકાર કરીને તાજું માંસ રાંધીને ખાવામાં 'થ્રીલિંગ કિક' વાગે છે.

થિયોડોર રૂઝવેલ્ટ તેમના શિકાર સાથે જ્હોન જેમ્સ ઓડુબનનું (ઉપર જમણે) શિકારી તરીકેનું સેલ્ફ પોટ્રેટ

આફ્રિકાના અનેક દેશોમાં નક્કી કરેલા જંગલ વિસ્તારોમાં ટ્રોફી હન્ટિંગ કાયદેસર છે. આ રમત સરકારી એજન્સીની દેખરેખ હેઠળ, નક્કી કરેલા વિસ્તારમાં, સત્તાવાર ગાઇડને સાથે રાખીને ખેલાય છે. એક સમયે 'રોયલ ગેમ' ગણાતી શિકારની પ્રવૃત્તિ આજે ધનવાનોની રમત બની ગઇ છે. આજના ધનવાનોનું વર્તન પણ રાજાઓ જેવું જ છે ને? આ ગેમ માટે ધનવાનો જંગી રકમ ચૂકવે છે. ટ્રોફી હન્ટિંગ કે વાઇલ્ડ ગેમ્સના સમર્થકોની દલીલ છે કે, ટ્રોફી હન્ટિંગમાંથી મળતાં ભંડોળનો ઉપયોગ પ્રાણીઓનાં કન્ઝર્વેશન (સંરક્ષણ-સંવર્ધન) માટે જ વાપરવામાં આવે છે. આ પ્રકારની દલીલો કરતા લોકોને ‘નવા પ્રકારના હેમિંગ્વે’ છે. જો કે, ટ્રોફી હન્ટિંગના સમર્થકોનો વિરોધ કરવા રોયલ જિયોગ્રાફિક સોસાયટી જેવી સંસ્થાઓ ફક્ત એક જ સીધીસાદી દલીલ કરે છેઃ 'હન્ટિંગ ઇઝ નોટ કન્ઝર્વેશન'.

કોઇને બચાવવા માટે મારવાની જરૂર છે, એ 'તર્કહીન' વિચાર પણ વર્ષો જૂનો છે. ચાર્લ્સ ડાર્વિન જાણીતા જીવવિજ્ઞાની હોવાની સાથે સારા શિકારી પણ હતા. અમેરિકાના વિખ્યાત પક્ષીશાસ્ત્રી અને ચિત્રકાર જ્હોન જેમ્સ ઓડુબોન પણ ઉત્તમ શિકારી હતા. આમ છતાં, આ બંને હસ્તી પોતાને શિકારીના બદલે કન્ઝર્વેશનિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરતી. અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ પણ ઉત્તમ શિકારી હતા. તેમનાં લખાણોમાં પણ હેમિંગ્વેની જેમ શિકારનાં સાહિત્યિક વર્ણનો વાંચવા મળે છે. રૂઝવેલ્ટને પણ કોઇ શિકારી કહે તે નહોતું ગમતું. રૂઝવેલ્ટ અને હેમિંગ્વે પોતાને જંગલો- પ્રાણીઓના રખેવાળ તેમ જ હિંસક પશુઓની વસતી કાબૂમાં રાખનારા બહાદુરો તરીકે ઓળખાવાનું પસંદ કરતા.

આજે ય આવા વિચારો ધરાવતા લોકોની કમી નથી, અને, હવે તો સોશિયલ મીડિયામાં પણ લોકો ટ્રોફી હન્ટિંગની તસવીરો મૂકે છે. નવેમ્બર ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના બે પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ અમેરિકાના મોન્ટાના સ્ટેટમાં કાયદેસરની હન્ટિંગ ટૂર પર ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પ બંધુઓએ ભેંસ અને દીપડા જેવા પ્રાણીઓના ઢીમ ઢાળી દીધા અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ મૂકી. આ મુદ્દે વિવાદ થતાં જુનિયર ટ્રમ્પે કહ્યું હતું કે, આ શિકાર કર્યાની મને કોઈ શરમ નથી. હું શિકાર કરું છું અને ખાઉં છું …

પહેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર (ડાબે) અને એરિક ટ્રમ્પ.

જુનિયરની વાતમાં સૂર પૂરાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, પ્રાણીઓનો શિકાર એ ગોલ્ફ જેવી જ એક રમત છે. હા, ગોલ્ફ એ શિકારી રમતનું જ અહિંસક સ્વરૂપ છે. ગોલ્ફર ઇલેક્ટ્રિક કારમાં ગોલ્ફ સ્ટિક, કોફી-નાસ્તો અને રેન્જફાઇન્ડર (રેન્જ માપવાનું દૂરબીન જેવું સાધન) લઇને ગોલ્ફ રમવા નીકળે છે. એવી જ રીતે, મોડર્ન શિકારીઓ પણ જિપ્સીમાં રાઇફલો, દારૂ-નાસ્તો અને દૂરબીન લઇને શિકાર કરવા નીકળે છે. આ બંને રમતમાં એકસરખો રોમાંચ મળે છે. ગોલ્ફર બૉલને કાણાંમાં પહોંચાડવા પરફેક્ટ શૉટ મારવાની મથામણ કરે છે, જ્યારે શિકારીએ પ્રાણીને ઠાર મારવા પરફેક્ટ શૉટ મારવાનો હોય છે. શિકારી કે ગોલ્ફર નસીબદાર હોય તો ઘરે પાછા ફરે ત્યારે તેમની પાસે 'ટ્રોફી' હોય છે.

ગોલ્ફની જેમ અફઘાનિસ્તાનની બુઝકાશીથી લઈને પોલો, એલિફન્ટ પોલો જેવી રમતો પણ માણસની આદિમકાળની જંગલી રમતોમાંથી જ ઊતરી આવી છે. બુઝકાશી નામની રમતમાં અફઘાનો ઘોડા પર બેસીને એક મૃત બકરાને ભાલાની મદદથી ગોલ પોસ્ટમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે. પરંપરાના નામે બુલફાઇટિંગ કે જલ્લીકટ્ટુ જેવી રમતોની તરફેણમાં રસ્તા પર ઊતરતા તોફાનીઓને જોઇને એવું લાગે છે કે, પૃથ્વી પર માણસ હશે ત્યાં સુધી પ્રાણીઓએ તેના અત્યાચારો સહન કર્યા વિના છુટકો નથી!

***

પૃથ્વી પર કદાચ એકેય જીવ એવો નથી, જેને માણસના કહેવાતા સિવિલાઇઝેશનનાં કારણે નુકસાન ના થતું હોય. આદિમવૃત્તિમાંથી સુધર્યા પછી માણસે નવા પ્રકારનું 'જંગલ રાજ' ઊભું કર્યું છે. આ જંગલમાં પણ પ્રાણીઓની દુનિયા જેવો જ જંગલનો કાયદો ચાલે છે. જેની પાસે સત્તા-પૈસો છે તે જીતે છે, પરંતુ ગરીબો-વંચિતો અને નબળા લોકોએ હંમેશાં હારવાનું જ આવે છે. એ બધામાં પણ માણસ સિવાયના બીજા પ્રાણીઓના અધિકારની વાત તો સૌથી છેલ્લે આવે છે.

દુનિયાભરના દેશોને પોતાના સાર્વભૌમત્વની બહુ ચિંતા છે, પરંતુ જંગલોના 'આગવા સાર્વભૌમત્વ'ની વાત આવે ત્યારે માણસો આંખ આડા કાન કરી દે છે કારણ કે, ત્યાં માણસો નહીં મૂંગા પ્રાણીઓ વસે છે.

http://vishnubharatiya.blogspot.co.uk/2018/04/blog-post_17.html?m=1

Loading

શુભબુદ્ધિના શિક્ષણની અનિવાર્યતા

વાસુદેવ વોરા|Opinion - Opinion|18 April 2018

તાજેતરમાં સમાચારોમાં બહુ ચમકેલ કાળિયાર હરણના શિકારનો કેસ તેમાં સંડોવાયેલા સેલિબ્રિટી સ્ટેટસને લીધે તો ધ્યાનકર્ષક બન્યો જ, પરંતુ તેના કેટલાક બીજાં પણ ધ્યાનાકર્ષક મુદ્દા છે, તે વિશે વિમર્શ થવો જોઈએ. આ ઘટના સાથે ફરી એક વાર રાજસ્થાનના બિશ્નોઈ સમાજની આ વન્યજીવ પ્રત્યેની તીવ્ર સંવેદનશીલતાનો અનુભવ પણ આપણને થયો. આ સમાજ પોતાના વનની સાથે કેટલું તાદાત્મ્ય ધરાવે છે, તે બાબતો અગાઉ પણ જાણમાં આવેલ છે. આમ, આજના સમયમાં પ્રચલિત પર્યાવરણના વિષયમાં આવી પરંપરાગત જીવનશૈલી નમૂનારૂપ બની રહે તે સ્વાભાવિક છે.

પોતાની ભૌગૌલિક સ્થિતિને કારણે સમગ્ર ભારતમાં વ્યાપકપણે વનવિસ્તાર છે અને તે વિસ્તાર ને તેની આસપાસ રહેલા લોકોનું જીવન તેનાથી પ્રભાવિત રહેવાનું.

વન્યજીવો, વનવિસ્તાર અને વનવાસી પ્રજાઓ – તે માત્ર આપણી વિચારણાની બાબત નથી. તે વિશે અલબત્ત, યોગ્ય દૃષ્ટિએ કામ નથી થયું, તે એક તથ્ય નકસલવાદી આંદોલન જેવાં લોકસંઘર્ષનાં મૂળ તપાસતાં સમજાય ખરાં, પણ તે ઉપરાંત ભારતીય સંસ્કૃિતના મૂળ વિચારતત્ત્વોનો પ્રાદુર્ભાવ-દર્શન પણ આ ભૌગિલિક પરિબળ સાથે અભિન્નતાથી જોડાયેલો રહ્યો છે તે આપણે યાદ રાખવાની જરૂર છે.

રાજસ્થાનમાં બિશ્નોઈ સમાજ કેમ વન્યજીવ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યને પોતાનાં જીવનમૂલ્ય તરીકે માને છે? ગીરના માલધારીઓ ગીરને પોતાની માતા ખોળા જેવો પોતીકો માને, ગાય અને ભેંસનાં સંવર્ધનમાં પોતાના જીવનની સાર્થકતા માને, તે બાબતો પ્રગતિશીલ આધુનિક સમાજ શા માટે અવગણવાનું પસંદ કરે છે? ગીરમાંથી માલધારીને વિસ્થાપિત કરવાની યોજના વડે ગીરના જંગલનું અને સિંહનું રક્ષણ કરવાની ‘સૂઝ’ વિદેશી સંસ્થાના સૂચનથી અમલી બને, તે વિગત આપણી પ્રજાસત્તાક લોકશાહીના બોદાપણાની જાહેરાત બની રહે તેમાં નવાઈ શી?

પ્રજાસત્તાક-વ્યવસ્થામાં કઈ પ્રજાની સત્તા તે હવે વધુ ને વધુ સ્પષ્ટ થતા જતા વિવિધ સમાજો વચ્ચેના ભેદને કારણે અગ્રસ્થાને ઊભરાતો સવાલ છે. એકાએક હિંસક ‘ગોરક્ષકો’ કે બૌદ્ધિક વિચારક સમાજચિંતકોને ખૂની હુમલાઓ વડે ચૂપ કરતા રાષ્ટ્રવાદીઓ સત્તાપલટો થતાં પોતાની બિન્દાસ તાકાત બતાવવા લાગે, ત્યારે જરૂર થાય કે કોઈ ‘એક ચોક્કસ પ્રજા’ પાસે સત્તા આવી છે!

પર્યાવરણના સવાલ માટે ઘણી બાબતોના સંદર્ભો ખ્યાલમાં રાખવાના રહે છે. બિશ્નોઈ અને માલધારી એવા છેવાડે ફેંકાયેલ સાંસ્કૃિતક જીવનશૈલીના સમાજના પ્રતિનિધિઓ છે, જેમણે પોતાના ઉત્કર્ષ માટે પોતાનાં સાંસ્કૃિતક મૂલ્યોનો ભોગ આપીને, ‘લૂંટ શકે તો લૂંટ’ જેવી વિકાસની રાજકીય સમજથી પોતાની જાતને દૂર જ રાખી છે. કેમ કે ઉત્કર્ષ અને આનંદની તેમની સમજ આધુનિક શિક્ષણથી ‘દીક્ષિત’ નથી થઈ. જેઓ પોતાના સંસ્કારને ધર્મની સમજથી વળગી રહીને પણ પાપ કરવા કરતાં ‘વંચિત’ રહેવું વધુ પસંદ કરે છે, તે સમાજ પાસેથી શિક્ષણ લેવાનું હોય, તેમને આપણું અહમકારી શિક્ષણ આપવાનું ન હોય!

મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ‘જેઓના સુધી હજુ સુધારાની હવા પહોંચી નથી, તેમનો વિચાર બદલવા માટેનાં કામ ન કરવા સલાહ છે.’ આ વાત આજે હવે શક્ય નથી, પણ તેમ છતાં, આવા લોકસમૂહો હજુ પણ સ્વેચ્છાએ પોતાના સ્વરૂપને વળગી રહ્યા છે, તે આપણે જોઈ રહ્યા છે. અમુક કક્ષાના વિચારમાં મનનું રૂપાંતરણ એટલું સંપૂર્ણ હોય છે કે તેને સામાન્ય પ્રવાહોના પ્રભાવથી નિમ્ન કોટિમાં લાવવા સહજ નથી હોતા. તે માટે જો કે વિદેશી ઍજન્સીઓએ સ્થાનિક સેવાભાવી – સમાજસેવી સંસ્થાઓ મારફત ઘણા ‘ચૅન્જ પ્રોસેસ’ના કાર્યક્રમો ચલાવ્યા. તે માટેનાં સામાજિક, આર્થિક અને રાજકીય કારણો આપી ચોક્કસ એજન્ડા વિવિધ સંસ્થાઓનો ઉપયોગ કરીને ચલાવ્યા. તે પોતે કઈ માનસિક ‘ચેન્જ પ્રોસેર્સ’ના ભાગ હોય છે, તે તો આ વર્ષમાં વૈશ્વિક ફંડિંગ અને વિકાસલક્ષી સંસ્થા ઑક્સફામના કર્મચારીઓના આફ્રિકામાં આચરેલાં જાતીય કૌભાંડોથી પર્દાફાશ થઈ જ ગયો છે! આધુનિક વિકાસના અનેક કદરૂપા ચહેરાઓ ‘ફેસિયલ’ પ્રક્રિયાથી ઢાંકી દેવાયેલા તે આપણે જાણીએ જ છીએ. અહીં એવા સમાજો છે, જે પોતાના ચહેરા ઉપર ચહેરા નહીં પણ ચહેરામાં અંદરના ચહેરાને પ્રતિબિંબિત કરતા હોય છે!

પર્યાવરણસુરક્ષાની તે પ્રવૃત્તિ જો સ્વભાવ બનીને સંસ્કારિત ન થઈ હોય, તો તક મળે ત્યારે સ્વાર્થ સાધી લઈને વ્યક્તિમાં ગમે તે કરવાની માનસિક નબળાઈ ઊભરી આવે છે. ભારતીય સમાજ સદીઓથી ચોક્કસ વર્તનના સંસ્કારની અસરમાં પ્રકૃતિપ્રેમી જ નહીં, પ્રકૃતિ-પૂજક બની રહ્યો છે. પણ પછીનાં વર્ષોનું એવું એક તથ્ય છે, જે ઇતિહાસકારો જણાવે છે કે મુસ્લિમ શાસકોના સમયમાં વન્યજીવોની હત્યાનું પ્રમાણ વધ્યું હતું. હિન્દુ રાજામહારાજાઓ પણ વન્ય પ્રાણીઓના શિકારની રમત ખેલતા હોવાનાં તથ્યો છે જ. અંગ્રેજશાસન દરમિયાન મોટા પાયે જંગલો સાફ કરીને લાકડું વિદેશ મોકલવામાં આવતું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી જરૂરિયાત માટે પણ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોનો નાશ કરાયો હતો. જંગલની તેમની આ પ્રવૃત્તિમાં સ્થાનિક વનવાસી પ્રજામાં એક ડાંગના અંગ્રેજો સામેના યુદ્ધનો કિસ્સો જાણીતો છે. તે પછી સને ૧૮૬૫માં તે દરમિયાન ભારતભરમાં પહેલી વાર ફૉરેસ્ટ ઍક્ટ મારફત કેન્દ્ર સરકારનું આધિપત્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યું – જે આજે પણ ચાલુ જ છે.

પર્યાવરણની સુરક્ષા ને સંવર્ધન, સત્તા અને સમાજમાં જો એક વાક્યતા, એકનિષ્ઠા સધાય તો જ સંભવ બને. માત્ર કાયદાઓ કે સરકારી સમારંભોથી કે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાંડા બાવળ જેવા ‘વનીકરણ’થી જંગલ બને કે બચે નહીં! તેવાં વન્યજીવો પ્રત્યેની અને વનસ્પતિ પ્રત્યેની ધાર્મિક માન્યતાઓની પણ મર્યાદા હોય છે. ધાર્મિક સ્થળોની આસપાસ વિશેષ કરીને આવું સુંદર વનીકરણ જોવામાં આવે છે. તેને ‘સેક્રેડ ગ્રૂવ્સ’ – પવિત્ર વનરાજી તરીકે અલગ કૅટેગરીમાં ગણવામાં આવે છે – તે બાબત એ ‘પવિત્રતા’ માટેની માનવીય ભાવનાની સ્વીકૃતિ છે. તે ભાવના મન અને બુદ્ધિના – એટલે કે મન ઉપર બુદ્ધિના નિર્ણાયક પ્રભાવનું દ્યોતક છે.

હરણાંના શિકારની ઘટના તે કેવી બુદ્ધિના નિર્ણાયક પ્રભાવનું દ્યોતક ગણાય? આ સવાલ કોઈ એકે કરેલા શિકારથી આગળ વધીને સમાજમાં સામાન્ય બનીને વ્યાપક બની રહેલી ‘હિંસક પ્રવૃત્તિ’ના સંદર્ભમાં તપાસવાની જરૂર છે. તે માટે આગળ કહ્યું તે મુજબ અમે શિક્ષણને સૌથી પ્રબળ કારણભૂત તત્ત્વ માનીએ છીએ. અહીં અહિંસાના શિક્ષણની વાત નથી, પરંતુ સમગ્ર રીતે માનવબુદ્ધિ એવા વિકાસ માટેનાં શિક્ષણની વાત છે, જેમાં તે પોતાના નૈસર્ગિક ઉત્કર્ષ માટે ભેદના સ્થાને એકત્વની ભાવનામાં વિચારનું શિક્ષણ પામતો હોય.

આવી બુદ્ધિ જેના માટે કહે છે, तन्मे मन: शिवसंकल्पमस्तु।(તે મારું મન શુભ સંકલ્પોવાળું બને) શુભ ભાવનામય સમાજરચના કે રચનાત્મક સર્વોદય સમાજના વિચારથી સમાજ ને શાસનકતા શુભ બુદ્ધિના શિક્ષણનો નિર્ણાયક અભિગમ અપનાવે, તો તે સંભવ બની શકે. તે વાતનો પુરાવો બિશ્નોઈ અને માલધારી તેવા ઘણે અંશે આપણા કિસાનો પોતાના જીવનકર્મથી આપી રહ્યા છે.                               

E-mail : vasudevmvora@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ અૅપ્રિલ 2018; પૃ. 13 અને 15

Loading

...102030...3,1633,1643,1653,166...3,1703,1803,190...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved