Opinion Magazine
Number of visits: 9582076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈદી : સત્યમેવ જયતેની સાક્ષીએ

મુકુન્દ પંડ્યા, મુકુન્દ પંડ્યા|Opinion - Opinion|1 March 2018

૨૫ જૂન, ૨૦૧૭. સ્થળ : શ્રીનગર, કાશ્મીર. ઘડિયાળના કાંટા (સાંજના) સાડા પાંચનો સમય દર્શાવતા હતા. દાલસરોવરની પાળે એ ઊભી હતી. હું – અમે રસ્તો પાર કરીને સામે પારની ફૂટપાથ પર પહોંચ્યાં. રિમ્મીએ કહ્યું આ છે રાફિયા … પહેલી નજરે જ મનમાં વસી જાય એવી દીકરી. એ વકીલાતનું ભણી ઊઠી છે, એવું સાંભળીને મારી આંખો સમક્ષ મારી દીકરી ખડી થઈ ગઈ. એ ય વકીલ છે. કંઈક સંદર્ભ રચાઈ જાય છે. થોડીવાર સરોવરની પાળે બેસીએ છીએ. પછી ખરીદી કરવા એની સંગાથે નીકળીએ છીએ. મારે સૃષ્ટિ-ખુશી (મારી દીકરીઓ) માટે પોન્ચાની ખરીદી કરવાની છે. એક દુકાનમાં પહોંચીએ છીએ. કાશ્મીરી પરંપરાના એ વસ્ત્ર પોન્ચાનાં રંગ, કલાકારી, માપ નક્કી કરવામાં એણે મને મદદ કરી. ‘જુઓ આ રંગ, આ ભાત, તમારી દીકરીઓને શોભાવી દેશે’, એવો એનો આંખનો પલકારો ઊંડાણવાળો, ખાતરીપૂર્વકનો લાગ્યો. એમાં એવું પણ આશ્વસાન હતું કે દુકાન પરિચિતની છે. વધારે ભાવ નહીં લે. ખરીદી પૂરી કરીને અમે એના ઘરે જવા આગળ વધીએ છીએ. વાંકીચૂંકી ગલીઓમાં લગભગ બધું શાંત છે. એ આગળ, અમે પાછળ … એ વચ્ચે-વચ્ચે પાછું વળીને જોઈ લે છે, ‘આમ આગળ આવો’ એવું સૂચવવા જ તો. પાંચ-સાત મિનિટમાં અમે તેના ઘરે પહોંચી જઈએ છીએ. એનાં મા આવે છે, પરસ્પર પરિચયનો દોર ચાલે છે. મહેમાનનવાજી, પરોણાગત થયાં, બીજી વાતો થઈ …

અરે હા … યાદ આવ્યું. મેં કહ્યું જ નહીં કે હું – અમે શ્રીનગરમાં કેમ ગયાં હતાં? વાત આમ હતી. તા. ૨૨થી ૨૬ જૂન દરમિયાન, જમ્મુ-કાશ્મીર ટૂરિઝમના આમંત્રણથી ત્યાં ગયાં હતાં. સાથમાં પ્રકાશભાઈ (ન. શાહ) રમેશભાઈ ઓઝા, પ્રા. સંજય ભાવે અને અડધી કાશ્મીરી બની ગયેલી રિમ્મી વાઘેલા. હેતુ સ્પષ્ટ હતો. એક, કાશ્મીર વેલીમાં બનતી ઘટનાઓને ખાનગી ન્યૂઝચૅનલો ૨૪ ટુ ૭ દર્શાવીને સમાચારોનો જે ઓવરડોઝ આપે રાખતી હતી તે ચિત્ર આખા રાજ્યનું નહોતું અને બીજી વાત એ કે આવા કથિત ઓવરડોઝથી ત્યાંનું મહત્ત્વપૂર્ણ પ્રવાસન-અર્થતંત્ર રીતસરનું ભાંગી પડ્યું હતું. આ બંને સ્થિતિને, સમાજના એક હિસ્સા તરીકે જોવી, જાતતપાસ કરીને મૂલવવી. શક્ય હોય તો, એને પ્રજા સમક્ષ મૂકવી એમ જાણીતા આર.ટી.આઈ. ઍક્ટિવિસ્ટ અને ટ્રાવેલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ફારૂક કૂથુએ સૂચવ્યું હતું. કૂથુ આ પ્રવાસના એક ઇજનકર્તા પણ હતા.

૨૨મીએ અમદાવાદથી નીકળ્યાં, ઢળતી બપોરે શ્રીનગર પહોંચ્યાં, ૨૬મીએ ખરે બપોરે શ્રીનગરથી પરત થયાં તે દરમિયાન શ્રીનગર, કારગીલ, દ્વાસ, સુરુવેલી, ગુલમર્ગ, ટન્ગમર્ગમાં લાંબુ-ટૂંકું રોકાણ, નિશાતબાગ – ચશ્મેશાહી, દાલસરોવર, નયનરમ્ય કારગીલના વાતાવરણને અનુભવ્યું. તો મુખ્યમંત્રી મહેબૂબા મુફ્‌તીથી માંડીને જમ્મુ-કાશ્મીર વિધાનપરિષદના અધ્યક્ષ એનાયતઅલી, ફારૂક કૂથુ ઇબ્રાહીમ શેખ, પરવેઝખાન, અન્ય ધંધાર્થીઓ, ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથેની વાતચીત, માહિતીનું આદાન-પ્રદાન થયું. ત્યાં રોકાયા તે બધા દિવસ તંગદિલીવાળી – જાન લેનારી ઘટનાઓ પણ બની. અલબત્ત, શ્રીનગરના એકાદ ખૂણે બનેલી કમનસીબ ઘટનાઓનો એવો ભયાવહ ઓછાયો દાલસરોવરની પાળે કે અન્ય બજારોમાં વર્તાયો નહીં. હા, અમદાવાદથી ફોન આવે અને ચિંતાજનક સ્થિતિનું વર્ણન થાય એવું બનતું. કેમ કે અમદાવાદમાં બેઠેલાં પરિવારજનોનો મદાર ટીવી ચૅનલો પર હતો.

ખેર, ત્યાં ગયો તો સમજાયું કે મામલો પેચીદો છે. રાજકીય, લશ્કરી ઉકેલો, એમાં નફા-નુકસાન પણ છે. ૧૯૪૭માં જે વાત ભૌગોલિક વિભાજનની હતી, તે ૨૦૧૭માં વકરીને કોમી (કૉમ્યુનલ) પણ બની ગઈ છે, કદાચ વધુ ઘેરી બની છે. એને આતંકવાદનો પાસ લાગ્યો છે. કાશ્મીર મુદ્દે અમુક વાત કરો તો રાષ્ટ્રપ્રેમી અન્યથા દેશદ્રોહી, એવાં લેબલ-સ્ટીકર લાગવાં સહજ બન્યાં છે. આવા દિવસોમાં બહોળા પ્રમાણમાં ખુલ્લા દિલ-દિમાગથી, પૂર્વગ્રહ-આગ્રહ, હઠાગ્રહ છોડીને શાંતિને, વિશ્વાસને કાયમ કરવાનાં છે, એવું લાગ્યું. અલબત્ત, કાશ્મીર વિષયને સમજવા માટે  તો મારે ઘણું જાણવું-સમજવું પડે તેમ છે.

મને લાગ્યું તે એ કે સૌથી મોટો અભાવ વિશ્વાસનો છે. આજે કોઈ વિશ્વાસ મૂકતાં પહેલાં સામેવાળાનો – એનો ધર્મ જાણવા મથે છે. હિન્દુ-મુસ્લિમ એ જ ઓળખની ફૂટપટ્ટી. એના આધારે જ શિવરામ શબ્બીરને મૂલવવાનો. સરકાર નિષ્ફળ છે, સમાજ સ્પષ્ટ રીતે બહાર નથી આવતો, મુઠ્ઠીભર અરાજકતાવાદીઓ પરિસ્થિતિનો કબજો લઈ બેઠા છે. છતાં ય મહેબૂબા મુફ્‌તીની એક વાત મનને સ્પર્શે છે – ઇન્વેસ્ટમેન્ટ ઇન પીસ. શાંતિમાં મૂડીરોકાણ સાવ કાઢી નાખવા જેવી વાત નથી.

ન્યૂઝ ચૅનલોના પ્રચારથી સૌથી મોટી આડઅસર પ્રવાસન તંત્રને થઈ છે. પ્રવાસીઓ, ખાસ કરીન ગુજરાતમાંથી જતા પ્રવાસીઓમાં એંસી ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ટૂરિઝમ સાથે સંકળાયેલા અધિકારીઓ, ધંધાર્થીઓ કહેતા હતા કે બેસ્ટ ટ્રાવેલર્સ એવા ગુજરાતીઓએ અમારાથી મોં ફેરવી લીધું, એ અમારા માટેની દુઃખદ ઘટના છે. એમનું કહેવું હતું કે અહીં આવો ને જુઓ કે પરિસ્થિતિ મીડિયામાં રજૂ થાય છે, તેવી વિકટ નથી. અમારી શાખ છે કે ક્યારે ય કોઈ ટૂરિસ્ટ સાથે દુર્વ્યવહાર થયો નથી. કમનસીબ ઘટનાઓ બની છે, બને છે, એ પણ સાચું પણ તે ચોક્કસ વિસ્તારો પૂરતી સીમિત છે. પથ્થરબાજો માઇનોરિટીમાં છે પણ પબ્લિસિટી મેક્સિમમ  થાય છે. સેંકડો-લાખો યુવાનો, બાળકો રમે છે, ભણે છે, નવું કરે છે એની વાત ભાગ્યે જ થાય છે. સ્થાપિત હિતો નથી ચાહતા કે પ્રશ્નનો ઉકેલ આવે.

હા, ચાલો પેલી મૂળ વાત પર આવું – રાફિયાની જ તો. એના પિતા વ્યવસાયે વકીલ હતા. માનવ-અધિકાર બાબતે લડતા રહેતા. કાશ્મીરમાં એક જ દહાડે છ વકીલોની હત્યા થઈ, એમાંના એક તેઓ પણ હતા. કોણે કરી એમની હત્યા? આજ દિન સુધી ખબર પડી નથી. વીંખાયેલા પરિવારની દીકરી રાફિયા કંઈક મજબૂતાઈથી અંતે પિતાના પગલે આગળ વધી છે. લક્ષ્ય માનવઅધિકારનું છે.

ઇફ્‌તારીનો સમય ઢૂંકડો આવતો હતો, એટલે અમે રાફિયાને કહ્યું, ચાલો નીકળીએ. ઊભાં થયા ત્યાં એનાં પ્રેમાળ મા તાસક ભરીને બદામ-ચૉકલેટ લઈ આવ્યાં. અમે એ સ્વીકારી. એનું ઘર છોડીને હોટલે જવા નીકળતાં મેં ગજવામાંથી રૂપિયા ૧૦૧ કાઢ્યા, પણ મનમાં થયું કે શું કહીને એ આપીશ? જો કે રાફિયાના હાથમાં એ મૂકતા વેંત જ મારાથી સહજ રીતે એટલું જ બોલાયું ‘આ ઈદી છે … ઇદ મુબારક!’ એના મુખ પર સ્મિત ધસી આવ્યું, આંખો હસી ઊઠી.

આવજો કહીને અમે ચાલી નીકળ્યાં. એને છેલ્લીવારનું આવજો કહી શેરીમાં આગળ વધ્યો, ત્યારે મનોમન કહેવાઈ ગયું ‘રાફિયા, આ મારું મૂડીરોકાણ છે, વિશ્વાસમાં રૂપિયા ૧૦૦ની નોટ પર અંકિત ગાંધીછબી અને રાજમુદ્રા લેખ ‘સત્યમેવ જયતે’ની સાક્ષીએ.’

હોટલ પર પહોંચ્યો, ત્યારે અમદાવાદથી – ઘરેથી દીકરીનો ફોન આવ્યો. તેણે પૂછ્યું કે આજે બીજ જોઈ? એ દિવસે અષાઢી બીજ હતી, અમદાવાદમાં રથયાત્રાનું પર્વ હતું. એનું મનોમન સ્મરણ કરતાં સ્મૃિતઓની બારસાખ પર મેં વિશ્વાસ, પ્રેમ, લાગણી, શાંતિની ઝંખનાના થાપા લગાડવાનો પ્રયાસ કર્યો.

એનું પ્રથમ ચરણ એ રાફિયાને આપેલી ઈદી છે!

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 04-05

Loading

ગાંધી આજે પણ પ્રસ્તુત

અનુજકુમાર|Gandhiana|1 March 2018

છેક ૭૦ વર્ષ અગાઉ બુલેટની ગોળીઓ સામી છાતીએ ઝીલીને તેમણે દેહત્યાગ કર્યો હતો, તેમ છતાં આજે પણ તેઓ નાની-મોટી ગમે તેવી સમસ્યાઓનું સમાધાન શાંતિ અને અહિંસાના માર્ગે લાવવા સમગ્ર દુનિયાને મારગ ચીંધે છે, એ છે મહાત્મા ગાંધી. તેમના પૌત્ર રાજમોહન ગાંધીએ તેમનાં દાદાનું જીવન અને તેની સાથે સંકળાયેલાં વિવિધ પાસાંને – આપણે જેને ગાંધીયુગ કહીએ છીએ એ પરિપ્રેક્ષ્યમાં – પ્રસ્તુત કર્યાં છે વ્હાય ગાંધી સ્ટિલ મૅટર્સ’ (‘ Why Gandhi Still Matters’) પુસ્તકમાં.  અમે ‘ધ અશોક’ હોટલમાં ‘અવધ રેસ્ટોરાં’માં લંચ પર વાતચીત કરી હતી. તેમાં રાજમોહન ગાંધીએ કહ્યું કે “જો તમે દુનિયાના કોઈ પણ દેશ પર નજર દોડાવો, તો ૭૦ વર્ષ અગાઉ મૃત્યુ પામેલ કોઈ પણ મહાનુભાવ ભારતમાં ગાંધી જેટલી ચર્ચા જગાવે છે ? તમે મહાત્માની ટીકા કરી શકો છો, પણ આજે પણ તેઓ પ્રસ્તુત છે. તેઓ ચર્ચાનું નહીં, પણ ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.” તેમની પ્લેટ વિવિધ શાકાહારી વ્યંજનોથી ભરાઈ ગઈ હતી અને તેમણે હસતાં-હસતાં એમ પણ કહ્યું કે, “મને ભવિષ્યની પેઢીઓ ખાઉધરા તરીકે યાદ કરશે, તેની મને ખુશી છે.”

શાશ્વત પ્રભાવ : ગાંધીનો પ્રભાવ શાશ્વત છે. તેની પાછળનું કારણ સમજાવતાં રાજમોહન ગાંધી કહે છે કે “તેમનો આશય ફક્ત ભારતને રાજકીય આઝાદી અપાવવા પૂરતો મર્યાદિત નહોતો. તેમનું સ્વપ્ન ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સફળતા મેળવવા પૂરતું સીમિત નહોતું. હકીકતમાં શરૂઆતમાં જ તેમની સાથે વિશ્વના જુદા જુદા દેશોના લોકો સંકળાયેલા હતા. તેમની ટીમ રાષ્ટ્રીય નહીં, પણ આંતરરાષ્ટ્રીય હતી.” તેમાંથી એક ચાર્લી એન્ડ્રૂઝ હતા, જેમણે ગાંધીજીને તેમના બાકીના જીવનમાં અસ્પૃશ્યતાનિવારણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. આપણી જેમ તેઓ પણ માનતા હતા કે મહાત્મા ગાંધી ઘણી વખત એક મુદ્દાને પૂરતો ન્યાય આપ્યા વિના બીજી સમસ્યા પર કામ કરવા લાગતા હતા. પણ રાજમોહન આ મુદ્દે મહાત્માનો જવાબ જ ટાંકે છે. મહાત્માએ એક વખત કહ્યું હતું કે, “હું પિયાનોવાદક જેવો છું. અત્યારે એક નોટ પર ભાર મૂકું છું, તો પછી બીજી નોટ પર. પણ આ તમામ એકબીજા સાથે જોડાયેલ છે.”

રાજમોહન સ્વીકારે છે કે મહાત્માએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સૈન્ય માટે ભારતીય સૈનિકોની ભરતી કરવામાં મદદ કરી હતી અને ૧૯૪૭માં કાશ્મીરમાં ભારતીય સૈનિકો મોકલવા ટેકો આપ્યો હતો. પણ આ રીતે તેમણે અહિંસાના મુદ્દે સમાધાન કર્યું નહોતું? તેની પાછળનું કારણ સમજાવતાં રાજમોહન કહે છે કે “મહાત્મા માનતા હતા કે તેઓ સૈનિકોની ભરતી કરવામાં મદદ કરશે, તો બ્રિટન ભારતીય માંગણીઓનો વિચાર વધુ હકારાત્મક રીતે કરશે. અહીં તેમની ભૂમિકા રાજકીય નેતા જેવી હતી. જો કે તેમણે ભારતની આઝાદીની લડતમાં હિંસાનો માર્ગ અપનાવવા ક્યારે ય સમાધાન કર્યું નહોતું. આપણે સમજવું પડશે કે કેટલીક આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં હિંસા ટાળી શકાય તેવી નથી, પણ ભારતના આંતરિક ઘર્ષણમાં હિંસાનો ઉપયોગ ન થવો જોઈએ, તેવું તેઓ શા માટે માનતા હતા? મારી પોતાની સમજણ એ છે કે અને તેમણે લખ્યું પણ છે કે ભારતમાં તમામ ગામડાંઓમાં જાતિવાદનું પ્રભુત્વ છે અને બળકટ લોકોનું વર્ચસ્વ છે. જો આપણે આ દેશમાં હિંસાનો આદર કરીશું, તો વંચિત અને પછાતવર્ગના લોકો, શારીરિક રીતે નબળા લોકો અને મહિલાઓનું જીવન નરક સમાન બની જશે. કાશ્મીરમાં તેઓ સૈનિકો મોકલવા સંમત થયા હતા, પણ સાથે-સાથે તેમણે લોકોની ઇચ્છાને માન આપવું જોઈએ, તેવું જણાવ્યું હતું.”

આઝાદી માટે મહાત્માના સંઘર્ષનો મહત્ત્વપૂર્ણ ભાગ તેમના રોજિંદા જીવનમાં પોતાનાં હિતો અને જરૂરિયાતોનો ત્યાગ કરવાનો હતો. બરાક ઓબામાએ મહાત્મા સાથે ડિનર કરવાની ઇચ્છા પ્રકટ કરી ત્યારે  ઓબામાએ કહ્યું હતું કે, “હા, તાજેતરમાં મને પૂછવામાં આવ્યું હતું કે, તમે કોની સાથે ડિનર કરવાની ઇચ્છા ધરાવો છે? મેં તરત જ જવાબ આપ્યો હતો કે ગાંધી.” પીળી દાળ, ભરેલાં રીંગણાં અને રોટલીનો સ્વાદ માણતાં રાજમોહન કહે છે કે, “ઓબામાએ, તમે શું ભોજન કરો છો તેના પર નિયંત્રણ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, નહીં કે તમે શું ભોજન કરો છો એની, કોઈ પણ ચર્ચામાં ગાંધીને કેન્દ્ર બનાવવાની વાત પર.”

ત્યાગની ભાવના : મહાત્માની ભોજનની આદતો વિશે રાજમોહન ગાંધી યાદ અપાવે છે કે જ્યારે મહાત્માએ લંડનમાં પોતાના જીવન વિશે લખ્યું હતું, ત્યારે તેમણે પોતાના વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો શોખ હોવાનો સ્વીકાર કર્યો હતો. રાજમોહન એક ઘટનાને યાદ કરતાં પોતાની વાત આગળ વધારતાં કહે છે કે “તેઓ લંડનમાં એક અંગ્રેજ પરિવાર સાથે રહેતા હતા. તેઓ તેમને ભોજનમાં બે બ્રેડ જ આપતા હતા. હવે સાબરમતી આશ્રમમાં એક વખત કેટલીક મહિલાઓ તેમનું ભોજન લેતી હતી. ગાંધી ત્યાંથી પસાર થયા અને તેમણે આ જોયું. એટલે તેમણે આ મહિલાઓને ટીખળ કરી, ‘વાહ! તમે મસાલેદાર વાનગીઓ માણી રહ્યાં છો.’ સામાન્ય રીતે આશ્રમમાં સાદું ભોજન લેવાતું હતું. તેમની મજાકથી કસ્તૂરબાથી ન રહેવાયું. તેમણે સામે મજાક કરી, ‘વાહ! તમે સ્વાદિષ્ટ ભોજન લેતા હતા એ દિવસો તમે ભૂલી ગયા. હું જ તમારા માટે બનાવતી હતી.’ ચોક્કસ, ગાંધી સ્વાદિષ્ટ ભોજનના શોખીન હતા, પણ આઝાદીની લડતના સિપાહીઓએ સ્વયંશિસ્ત જાળવવા ખાવાપીવામાં સંયમ જાળવવો જોઈએ તથા જરૂર પડે તો ઉપવાસ કરવા જોઈએ અને પોતાની ઇચ્છાઓને અંકુશમાં રાખવી જોઈએ તેવું તેઓ દૃઢપણે માનતા હતા. ભારતની આઝાદીની લડત ત્યાગની ભાવના પર આધારિત હતી. તમે કેટલાક નિયમોને અતિશયોક્તિ સમાન ગણાવી શકો, પણ અત્યારે આવું માનવું સહેલું છે, છતાં એ દિવસોમાં દરેક વ્યક્તિ આઝાદીની લડતની તરફેણ કરતી હોવાથી એ નિયમો અવ્યાવહારિક લાગતા નહોતા. ઘણા લોકો હોટેલ્સમાં જવાની, બ્રિટિશ પોલીસની સલામ મેળવીને અને ગવર્નર જનરલનું આમંત્રણ મેળવીને ગર્વ અને ખુશીની લાગણી અનુભવતા હતા, પણ સ્વતંત્રતાસેનાનીઓએ મજાક-મશ્કરીનો ભોગ બનવું પડતું હતું. એટલે સ્વનિયંત્રણ, પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરવાની ભાવના જગાવવી એ આઝાદીની લડતનો ભાગ હતો.”

વિવિધ ફળો અને સલાડના શોખીન રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે મહાત્માએ ચા અને કૉફીનો ત્યાગ કર્યો હતો. રાજમોહને કહ્યું હતું કે “શરૂઆતના દિવસોમાં તેઓ આ ચા-કૉફીનું સેવન કરવાનો આનંદ લેતા હતા, પણ તેમણે ક્યારે ય મદિરાપાન કર્યું નહોતું. તેમણે એક પછી એક ચા અને કૉફી છોડવાનો નિર્ણય લીધો હતો.”

તેઓ ભોજન બનાવવા ટેવાયેલા હતા. રાજમોહનને ભોજન બનાવતાં આવડતું નથી. તેઓ કહે છે કે, “આશ્રમના શરૂઆતના દિવસોમાં લોકો તેમને રસોડામાં જોતા હતા. છેલ્લા તબક્કામાં નોઆખલીમાં તેમણે ભોજન બનાવ્યું હોવાનો ઉલ્લેખ છે. તેઓ પાંદડાં કે છાલવાળી શાકભાજી બનાવવામાં પારંગત હતા.”

રાજમોહન ગાંધીની ધારણા છે કે મહાત્મા વિદેશમાં પ્રવાસ દરમિયાન પોતાનું ભોજન સાથે લઈ જતા હતા, કારણ કે તેમને ત્યાં બીમાર પડવાનું પોસાય તેમ નહોતું. રાજમોહન કહે છે કે “એ દિવસોમાં વર્કિંગ લંચની વિભાવના જન્મી નહોતી. જો કે એક રસપ્રદ બનાવ બન્યો હતો. જ્યારે તેમણે દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી, ત્યારે એક જાહેર કાર્યક્રમમાં મદિરા પીરસવામાં આવી હતી. ગાંધીને ટેબલના એક છેડેથી બીજા છેડે વાઇનના ગ્લાસ પાસ કરવાનો વાંધો નહોતો. તેમણે ક્યારે ય મદિરાપાન કર્યું નહોતું, પણ તેઓ પર્યાપ્ત સહકાર આપવામાં માનતા હતા.”

જ્યારે એ દિવસોમાં એક વર્ગના લોકોએ તેમને સમાજમાં ખાણીપીણીની આદતો અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મહાત્માની માન્યતા યાદ રાખવા જેવી છે. રાજમોહન કહે છે કે “તેઓ માનતા હતા કે માનવજીવન અતિ મહત્ત્વપૂર્ણ છે. બીજું, લોકોએ એકબીજા પર દબાણ ન કરવું જોઈએ. ચોક્કસ, તેઓ ગાય પ્રત્યે અપાર આદર ધરાવતા હતા અને તેમને તેમના જીવનમાં ગૌવધના પ્રશ્ને અનેક વખત સામનો કરવો પડ્યો હતો. જો મુસ્લિમોએ ગૌમાંસનું સેવન બંધ કર્યું હોત, તો તેમને ઘણો આનંદ થયો હોત, પણ સાથે સાથે ગાંધી માટે વ્યક્તિગત સ્વતંત્રતા અતિ મહત્ત્વપૂર્ણ હતી. તેમણે વારંવાર જણાવ્યું હતું કે, હું તમામ પ્રકારની બળજબરીનો વિરોધી છું. બળજબરી સરકાર કરી શકે છે. વળી, તે સમાજમાંથી પણ જન્મી શકે છે.”

કરકસર અને સ્વનિયંત્રણનો બોધપાઠ : પછી તેઓ તેમના દાદા સાથેના અનુભવોને સંભારે છે. આવો જ એક પ્રસંગ યાદ કરતાં રાજમોહન કહે છે, “હું નાનો હતો, ત્યારે મેં ચશ્માંની નવી જોડી પહેરી હતી તે સમયે દાદાએ મારી મજાક ઉડાવી હતી. તેમણે મને કહ્યું હતું કે, ‘તારા નાક પર કશું નવું લાગે છે.’ મારી આંખો નબળી પડી ગઈ છે અને મારે નવાં ચશ્માં પહેરવાની જરૂર છે, એવું મેં તેમને થોડા ગુસ્સામાં જણાવ્યું હતું. પછી તેમણે મને મારે ચશ્માંની નવી ફ્રેમની જરૂર છે કે કેમ એવું પૂછ્યું હતું. હકીકતમાં તેઓ મને કરકસર કરવાનું શીખવવાનો પ્રયાસ કરતા હતા. એક વખત મેં તેમને પત્ર લખ્યો હતો. આ સમયે મહાત્માએ મને વૃદ્ધ વ્યક્તિને પેન્સિલથી નહીં, પણ પેનથી પત્ર લખવાની સલાહ આપી હતી, કારણ કે બની શકે કે વૃદ્ધ વ્યક્તિની આંખો નબળી હોય. આ રીતે તેઓ મને પોતાનો જ નહીં, પણ સામેની વ્યક્તિનો વિચાર કરવાનું શીખવવાનો પ્રયાસ કરતા હતા.”

આપણે ઘણી વખત તેમણે તેમનાં પરિવારની ઉપેક્ષા કરી હતી, એવી વાત કરીએ છીએ અને ગાંધીએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. રાજમોહન કહે છે કે, “જે વ્યક્તિ આખી દુનિયાને પોતાનો વડલો માનતી હોય, તેની પાસે પોતાના પરિવાર માટે સમય ન હોય તેવું બની શકે છે, પણ તેઓ તેમના પરિવારનું વધારે ધ્યાન રાખી શક્યા હોત. આ વાત તેમણે પોતે પણ સ્વીકારી હતી. કેટલીક વખત તેઓ બાળકોને વધારે સલાહ આપતા હતા અને પછી ‘તમારે જે કરવું હોય તે કરો’ એવું કહેતા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ તેમનાં બાળકોને વધારે સારી શાળાઓમાં મોકલી શક્યા હોત, પણ આ માટે તેમણે જે સરકાર સામે લડતા હતા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં તેમનાં બાળકોને અભ્યાસ માટે મોકલવા પડ્યા હોત.” અત્યારે કહેવાતા સામાજિક કાર્યકર્તાઓમાં આ પ્રકારનાં મૂલ્યો જોવા મળતાં નથી. રાજમોહન કહે છે કે, “અત્યારે સામાજિક કાર્યકર્તાઓ કેટલી વિશ્વસનીયતા ધરાવે છે, એ આપણે જાણીએ છીએ.”

અત્યારે સેલ્ફી જનરેશન ગાંધીવાદી મૂલ્યોનો ત્યાગ અને સ્વનિયંત્રણ જેવાં મૂલ્યોનો સ્વીકાર કરવા તૈયાર નથી. તરબૂચ અને પપૈયા સાથે ડેર્ઝ પૂર્ણ કરતાં રાજમોહન કહે છે કે, “મહાત્માએ તેમના સમયને અનુરૂપ મૂલ્યો પ્રસ્તુત કર્યાં હતા. એ સમયે ભોગવિલાસ ધરાવતું જીવન જીવવું અનેક લોકો માટે શક્ય નહોતું. જો તમે ભારતના સામાન્ય નાગરિકનું પ્રતિનિધિત્વ કરવા ઇચ્છતા હો, તો તમારે તેમનાં જેવું જીવન જીવવું પડે. તેમની સાથે પોતીકાપણું કેળવવું પડે. અનેક ધનાઢ્ય લોકોએ ગાંધીયુગમાં હાડમારીનો સામે ચાલીને સ્વીકાર કર્યો હતો. અત્યારે આપણે તેમની ઠેકડી ઉડાવી શકીએ, કારણ કે આપણી પાસે ભોગવિલાસની સુવિધા છે. પણ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આજે પણ આ દેશમાં લાખો-કરોડો લોકો ગરીબ છે. જો આપણે એ અનુભવીએ કે ત્યાગ, સમર્પણ અને સ્વનિયંત્રણ વિના મહાન પરિવર્તનો ન કરી શકાય, તો એ ખરેખર દેશના હિતમાં રહેશે.”  

[‘ધ હિંદુ’, ૧૮ મે ૨૦૧૭ના સદ્ભાવથી]

અનુવાદ : કેયૂર કોટક

http://www.thehindu.com/news/cities/Delhi/why-gandhi-still-matters-rajmohan-gandhi-tells-over-an-austere-meal/article18478186.ece

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 06-07 

Loading

કોઈ શહેરની મહાનતાનું આકલન એમાં કેટલાં જોવાલાયક સ્થળો છે એના કરતાં માનવીને માનવ બનાવનારાં કેટલાં સ્થળો છે એના આધારે કરવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2018

સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ રહ્યો છે

કોઈ શહેરની મહાનતાનું આકલન કરવું હોય તો એ શહેરમાં કેટલાં જોવાલાયક સ્થળો છે એના આધારે કરવા કરતાં એ શહેરમાં માનવીને માનવ બનાવનારાં સ્થળો કેટલાં છે એના આધારે કરવું જોઈએ. આ સ્થળો જોવાલાયક નથી હોતાં, અપનાવવાલાયક હોય છે. યુનિવર્સિટીઓ, એની લૉનો અને કૅફેટેરિયાઓ, ગ્રંથાલયો, પુસ્તકની દુકાનો, કૉફીહાઉસો, નાટ્ય શાળાઓ, આર્ટ ગૅલરીઓ અને એવી ઇમારતોના ઓટલાઓ પરના અડ્ડાઓ શહેરને એની ઓળખ આપે છે.

એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીની ફૉયર, ડેવિડ સાસૂન લાઇબ્રેરી અને પાછળની લૉન, જહાંગીર આર્ટ ગૅલરીમાં આવેલી સમોવર હોટેલ અને બહાર ઓટલાનાં પગથિયાં, મુંબઈ યુનિવર્સિટીની લૉન, ફોર્ટ અને લૅમિંગ્ટન રોડનાં કૉફીહાઉસ, રેશમ ભવનમાંનું ટી સેન્ટર, ભારતીય વિદ્યાભવનનાં પગથિયાં, મરાઠી નાટ્યસંઘ(કેલેવાડી)ની કૅન્ટીન, પૃથ્વી થિયેટર, સાંજના ટાણે દાદરમાં છબીલદાસ સ્કૂલ, રાતના ટાણે દાદર સ્ટેશનની બહાર બબન ચાવાળાની રેંકડી, કાલબાદેવી પર એડ્વર્ડ સિનેમાની બાજુમાં ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ, ફોર્ટમાં સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ, દાદરમાં પ્રીતમ હોટેલની બાજુમાં કોચીન હોટેલના પગથિયે ડાબેરી સાહિત્યની દુકાન એ મુંબઈના અડ્ડાઓ હતા. હતા એટલા માટે કહેવું પડે છે કે આજે માત્ર જહાંગીર આર્ટ ગૅલરીનાં પગથિયાં અને પૃથ્વી થિયેટરને છોડીને બાકીના અડ્ડાઓ બંધ પડી ગયા છે. ઇમારતો છે, અડ્ડાઓ નથી.

વિદ્વાનો, વિચારનારાઓ, વાંચનારાઓ, સર્જકો, લેખકો, કલાકારો, ઝોળાવાલા કર્મશીલો, આ લખનાર જેવા શીખવા-સમજવા માગનારાઓ આવા અડ્ડે જતા. કોઈ ત્યાંથી ખાલી હાથે પાછું આવ્યું હોય એવું જાણમાં નથી. એ આકંઠ પરબ હતી જ્યાં તરસ છિપાતી પણ હતી અને ઊઘડતી પણ હતી. જોવાલાયક સ્થળોમાં આવી અનોખી ચીજ નથી હોતી. પામવાલાયક સ્થળોએ જ આવી આકંઠ પરબ મળશે. 

આજે હવે ઊતરતી કળા છે. મુંબઈ આ બાબતે સમૃદ્ધ હતું, પરંતુ હવેથી એની સમૃદ્ધિનો અંત આવી રહ્યો છે. ગ્રંથાલયો બંધ પડી રહ્યાં છે. વાચકો મળતા નથી એવી ગ્રંથાલયો ચલાવનારાઓની સર્વસાવમાન્ય ફરિયાદ છે. ગ્રંથાલય એક એવી સાંસ્કૃિતક સંસ્થા છે જેમાં થોભવાની અનુમતિ નથી. નવાં-નવાં પુસ્તકો બજારમાં આવે એ ખરીદતાં જવાં પડે અને ગ્રંથાલયની સમૃદ્ધિ વધારતી રહેવી પડે, પછી વાચકો હોય કે ન હોય. પ્રજા વાંચતી થશે એ પછી પુસ્તકો વસાવતાં જઈને પાછી લાઇબ્રેરીને જીવતી કરીશું એવી છૂટ એમાં નથી. વાચકો નથી માટે નવાં પુસ્તકો નહીં વસાવીએ એવું એમાં નથી ચાલતું. આ સ્થિતિમાં એકલદોકલ વાચક માટે  પુસ્તક ખરીદવાનો ખર્ચો ન કરવો પડે એટલે માટે સંચાલકો સમૂળગા ગ્રંથાલયને સંકેલી લે છે. મુંબઈમાં ૮૦ ટકા નાનાંમોટાં ગ્રંથાલયો બંધ પડી ગયાં છે એવું મારું અનુમાન છે અને મને ખોટા પડવાનો ડર નથી.

આ લખનાર મૅટ્રિકમાં બે વાર નાપાસ થયો હતો. દેશમાં દસમા ધોરણ સુધી ભણીને મુંબઈ આવ્યો ત્યારે મુંબઈનું શિક્ષણ અઘરું લાગતું હતું. બીજી વાર નાપાસ થયા પછી ભણવામાંથી મન ઊઠી ગયું. હતાશાના એ દિવસોમાં ભારતીય વિદ્યાભવનની લાઇબ્રેરીએ મારો હાથ ઝાલ્યો હતો. એક સારા સંવેદનશીલ અભિરુચિયુક્ત માણસ બનવા માટે જે વાંચવું જોઈએ એ બધું જ ત્યાં વાંચવા મળ્યું હતું. બારી-દરવાજા ઊઘડતાં ગયાં અને ક્ષિતિજો વિસ્તરતી ગઈ. મુંબઈમાં અને અન્યત્ર અનેક લોકો મારા જેવા હશે જેઓ પુસ્તકો દ્વારા, કલાકૃતિનાં માધ્યમો દ્વારા, કલાકારો અને વિચારકો દ્વારા અને અડ્ડાના દોસ્તો દ્વારા જીવન સાર્થક કરી શક્યા હશે. શિક્ષણસંસ્થાઓમાં જીવન જીવવા માટે ડિગ્રીઓ આપવામાં આવે છે. બાકી અભિજાત માણસની દીક્ષા આવા અડ્ડાઓ પર મળે છે.

મુંબઈ યુનિવર્સિટીની લૉન આવો એક મોટો અડ્ડો હતો જ્યાં હવે બેસવા દેવામાં આવતા નથી. છોકરા-છોકરી પ્રેમ કરવા માટે લૉનનો ઉપયોગ કરે છે એની સામે તેમને વાંધો છે. બે જણ પ્રેમ કરે એની સામે પણ કોઈને વાંધો હોય એવા જગતના થોડાક દેશોમાં ભારત પણ સ્થાન ધરાવે એ જોઈને શરમ આવે છે. પ્રેમ કરનારાઓ શરમાતા નથી તો સત્તાવાળાઓ શા માટે શરમાય છે? શરમાવું જ હોય તો શરમાવા જેવું ઘણું બની રહ્યું છે કૅમ્પસમાં. તેમને જાણ નથી કે લૉનમાં બેસીને ગપ્પાં મારનારાઓ ક્રાન્તિ સર્જી‍ શકે છે. ૧૯૨૪થી ૧૯૩૬ના ગાળામાં વિયેના યુનિવર્સિટીની લૉનમાં બેસનારા વિચારકોએ પાશ્ચત્ય દર્શનશાસ્ત્રમાં મોટી વૈચારિક ક્રાન્તિ સર્જી‍ હતી. એ જૂથ ત્યારે વિયેના સર્કલ તરીકે ઓળખાતું હતું જેણે અત્યારે સ્કૂલ ઑફ થૉટની જગ્યા લઈ લીધી છે. એ જૂથમાં વિજ્ઞાનીઓ અને ટેક્નૉક્રેટો પણ હતા. યુનિવર્સિટીના સતાવાળાઓને જાણ નથી કે લૉનમાં ચર્ચા કરનારાઓ આવતી કાલના માર્ક્સ અને એન્ગલ્સ હોઈ શકે છે, વૉલ્તેર અને રુસો ઝઘડતા હોઈ શકે છે અને છોકરાઓ-છોકરીઓમાં કોઈ સાર્ત્ર અને સિમો બુવર પણ હોઈ શકે છે.

જગત આખામાં આધુનિક યુગમાં જેટલી ક્રાન્તિઓ થઈ છે અને પરિવર્તનો થયાં છે એની શરૂઆત આવા અડ્ડાઓથી થઈ છે. જગત આખામાં જેટલાં સાંસ્કૃિતક સર્જનાત્મક આંદોલનો થયાં છે એ આવા અડ્ડાઓ થકી થયાં છે. મહાન કૃતિઓનું પ્રથમ પઠન અને પરિમાર્જન આવા અડ્ડાઓમાં થયું છે. અનેક વિચારબીજ અને કથાબીજ આવા અડ્ડાઓમાં રોપાયાં છે. અડ્ડાઓ મૌલિકતા, સર્જકતા અને પરિવર્તનની ફળદ્રુપ ભૂમિ છે એટલે આજની પ્રસ્થાપિત વ્યવસ્થાને તેઓ પરવડતા નથી. નવમૂડીવાદી વ્યવસ્થાએ માણસને એટલો રઘવાયો કરી મૂક્યો છે કે હવે તે શાંતિ મેળવવા બાપુઓના મંડપમાં જાય છે, નવી ઊર્જા‍ મેળવવા અડ્ડાઓમાં નથી જતો. નવચેતન અને નવસર્જન પ્રસ્થાપિત વ્યવસ્થાને પડકારશે એનો તેને ભય છે એટલે તેમને ઘાણીનો બળદ બનાવી મૂકવામાં આવ્યો છે જેના પરિણામે અડ્ડાઓ બંધ થઈ રહ્યા છે.

થોડાં વરસ પહેલાં કાલબાદેવીની ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ બંધ થઈ ગઈ. જમાલભાઈ રતનશી નામના ખોજા વેપારીએ ૧૯૦૫માં નવા અને જૂનાં પુસ્તકોની દુકાન શરૂ કરી હતી. એક વાત નોંધવા જેવી છે કે સેકન્ડહૅન્ડ પુસ્તકોના વ્યવસાયમાં ખોજા અને વહોરા મુસલમાનો જ અગ્રેસેર રહ્યા છે. ગ્રાન્ટ રોડ સ્ટેશનની બહાર સેન્ટ્રલ ક્રૉકરીની જ્યાં દુકાન છે એ પહેલાં જૂનાં પુસ્તકોની દુકાન હતી અને એના માલિક વહોરા છે. તેમણે હવે વ્યવસાય બદલી નાખ્યો છે. કોકિલ નામની જૂનાં પુસ્તકોની દુકાન એક જમાનામાં ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ જેવી જ નામના ધરાવતી હતી. પહેલાં એ મોહમ્મદ અલી રોડ પર હતી. પછી ફોર્ટમાં કાવસજી પટેલ રોડ પર ખસેડાઈ હતી અને અત્યારે હવે એ બંધ પડી ગઈ છે. કોકિલના માલિક પણ મુસલમાન હતા.

મુંબઈમાં તમને ક્યાં ય ન મળે એ પુસ્તક ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપમાં મળી જાય. ત્યાં ચન્દ્રકાંતભાઈ નામના એક મૅનેજર-કમ-સેલ્સમૅન હતા. હજારો પુસ્તકોને સમાવવા માટે દુકાન નાની પડતી હતી અને ઘોડા ઓછા પડતા હતા. ઘોડા કરતાં ચારગણાં પુસ્તકો થપ્પીમાં હોય. તમે પુસ્તક માગો અને જો હોય તો ચન્દ્રકાંતભાઈ થપ્પી ચીંધીને માણસને કહે કે એમાંથી કાઢી આપ. કોઈ સેટ અધૂરો હોય તો ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડવાળા ધીરે-ધીરે પૂરો કરી આપે. કોઈ વિદ્વાન કોઈ ખાસ વિષય પર કામ કરતો હોય અને એને લગતાં પુસ્તકો શોધતો હોય તો ચન્દ્રકાંતભાઈ દુકાનમાં આવેલું એ વિષયને લગતું સેકન્ડહૅન્ડ પુસ્તક એ વિદ્વાનને બતાવ્યા વિના વેચાણમાં ન મૂકે. પહેલો ચાન્સ એ સંશોધકનો. હું જ્યારે ‘સમકાલીન’માં નોકરી કરતો હતો ત્યારે ‘સમકાલીન’ વતી ટાઉનહૉલમાં યોજાયેલા પુસ્તક-પ્રદર્શનનું ઉદ્ઘાટન ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપના માલિક પાસે કરાવ્યું હતું અને દુર્ગા ભાગવત એમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ પછી હવે જેને મુંબઈની આઇકૉનિક બુકશૉપ તરીકે ઓળખાવવામાં આવતી હતી એ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ રહ્યો છે. ટી.એન. શાનબાગે ૧૯૪૯માં કોલાબામાં આવેલ સ્ટ્રેન્ડ સિનેમાની ફૉયરમાં પુસ્તકની દુકાન શરૂ કરી હતી અને એને નામ પણ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ આપ્યું હતું. એ દુકાન વાસ્તવમાં સ્ટૉલ સમાન જ હતી. ૧૯૫૩માં તેમણે દુકાન ફોર્ટમાં ફિરોજશાહ મહેતા રોડ પર ખસેડી હતી, પણ નામમાં સ્ટૉલનું સ્ટોર નહોતું કર્યું, જ્યારે દુકાનનું સ્વરૂપ સ્ટૉલનું સ્ટોર જેવું થઈ ગયું હતું.

શાનબાગ વિશે એમ કહેવાય છે કે તેમણે લોકોને વાંચતા કર્યા હતા. દુકાનમાં પ્રવેશતા દરેક ગ્રાહક પર તેમની નજર હોય. ચોરી ન કરે એટલા માટે નહીં, પણ એ ક્યાં ઠરે છે એ જાણવા માટે. એક પછી એક શેલ્ફ જોતા-જોતા ગ્રાહકના પગ જ્યાં અટકી જાય ત્યારે ત્યાં તે ગ્રાહક શાનબાગ માટે વાચક બની જાય. એ પછી શાનબાગ પોતે મદદમાં આવે. જે લેખકનું પુસ્તક વાચકના હાથમાં હોય એ લેખકનાં બીજાં પુસ્તકોની પણ જાણકારી આપે. ટી.એન. શાનબાગ એવા માલિક હતા જેઓ કૅબિનમાં ક્યારે ય બેઠા નથી. સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ જેમ સાચા વાચકોનો અડ્ડો હતો તો અંગ્રેજીમાં જેને સ્નોબિશ કહી શકાય એવા ઉચ્ચભ્રૂ ભદ્રજનોની પણ અહીં આવનજાવન હતી. સ્ટ્રેન્ડની વિઝિટ એ જમાનામાં એલીટ વર્ગ માટે મસ્ટ ગણાતી.

ગોરેગામમાં ફિલ્મસિટીમાં જાઓ અને કોઈ કલાકાર જોવા મળે એમ ફોર્ટમાં સ્ટ્રેન્ડમાં જઈએ તો કોઈ ને કોઈ મોટો માણસ જોવા મળે. વીસમી સદીમાં બૌદ્ધિક વિશ્વમાં ખ્યાતિ ધરાવતો ભાગ્યે જ કોઈ વિદ્વાન હશે જેણે સ્ટ્રેન્ડની મુલાકાત નહીં લીધી હોય. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના શામ લાલ અને ગિરિલાલ જૈન, ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના તંત્રી ગોવિંદ તલવલકર, મુલ્કરાજ આનંદ, ખુશવંત સિંહ વગેરે સ્ટ્રેન્ડની નિયમિત મુલાકાત લેતા. એમ કહેવાય છે કે આચાર્ય રજનીશ ભગવાન બન્યા એ પહેલાં સ્ટ્રેન્ડની મુલાકાતે નિયમિત જતા. જવાહરલાલ નેહરુ વરસમાં એક વાર સ્ટ્રેન્ડમાં પુસ્તકો જોવા અને ખરીદવા જતા એમ શાનબાગ પોતે કહેતા. નેહરુ જ્યારે બીજી વાર સ્ટ્રેન્ડમાં આવ્યા ત્યારે તેમણે શાનબાગને તેમને જે પુસ્તકો જોઈતાં હતાં એની યાદી આપી હતી. નેહરુને સમજાઈ ગયું હતું કે આ યુવક પુસ્તકો વેચતો નથી પરંતુ પુસ્તકોને અને વાચકોને પ્રેમ કરે છે, તેમની જરૂરિયાત પૂરી કરી આપે છે.

મુંબઈમાં પહેલાં ક્રૉસ મેદાનમાં શિયાળામાં પુસ્તકમેળા થતા હતા. એમાં ક્યારે ય શાનબાગનો સ્ટૉલ હોય નહીં. મેં ‘સમકાલીન’ માટે તેમની મુલાકાત લીધી ત્યારે આ સવાલ તેમને પૂછ્યો હતો. શાનબાગે કહ્યું હતું કે જે વાંચે છે તે સ્ટ્રેન્ડમાં આવે છે અને અમે માત્ર એટલી જ તકેદારી રાખીએ છીએ કે તેને આવવું પડે. ૨૦૦૭માં શાનબાગ ગુજરી ગયા પછી તેમનાં પુત્રી વિદ્યા વિરકરે વાચકે આવવું જ પડે એની તકેદારી રાખી નહીં એ પણ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ જવા પાછળનું કારણ છે. શાનબાગે તૈયાર કરેલા અને સ્ટ્રેન્ડમાંથી બહાર નીકળેલા લોકો ફોર્ટમાં કિતાબખાના નામની પુસ્તકની દુકાન ચલાવે છે અને એ ઠીક-ઠીક ચાલે છે. કિતાબખાના ક્ષેત્રફળમાં ઘણી મોટી દુકાન છે, પણ શાનબાગનો સ્ટૉલ એકમેવ અદ્વિતીય હતો.

હા, તો આપણે પુસ્તકમેળાની વાત કરતા હતા. ૧૯૮૫ પછી કોઈ સમયે પુસ્તકમેળા યોજાતા બંધ થઈ ગયા. વળી ચાર-પાંચ વરસ પછી પૉપ્યુલરવાળા રામદાસ ભટકળે સાંતાક્રુઝમાં SNDTના ગ્રાઉન્ડમાં પુસ્તકમેળા યોજવાનું શરૂ કર્યું, પણ એમાં પણ સફળતા નથી મળી. દોઢ કરોડની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લાં પચીસ વરસથી બુક-ફેર નથી યોજાતા એ જોતાં કલ્પના કરો કે આ શહેરની સાંસ્કૃિતક દરિદ્રતા કેવી હશે!

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 ફેબ્રુઆરી 2018

Loading

...102030...3,1613,1623,1633,164...3,1703,1803,190...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved