‘ગુજલિટ’-ની ટીમે કિશોર જાદવના સાહિત્યને વેબ પર મૂકીને એમને સર્વ-સુલભ કર્યા છે
કિશોર જાદવને ભાવાંજલિ

જાણીતા સાહિત્યકાર અને અમારા વ્હાલા મિત્ર કિશોર જાદવનું નાગાલૅન્ડના દિમાપુરમાં ૧ માર્ચ ૨૦૧૮-ના રોજ અવસાન થયું. છઠ્ઠા-સાતમા દાયકાના આધુનિક કથાસ્વામીઓમાં કિશોર જાદવ અનોખી હસ્તી હતા. સાતેક વર્ષ વડોદરા રહેલા. ૧૯૬૦-માં નાગાલૅન્ડ ચાલી ગયેલા. બી.કોમ.-ઍમ.કોમ.-પીએચ.ડી. ૧૯૬૫-થી ૧૯૮૨ દરમ્યાન નાગાલૅન્ડ સરકારમાં કોહિમામાં જુદાં જુદાં ખાતાંઓમાં સૅક્રેટરી હતા. ૧૯૯૫-માં નિવૃત્ત. પછી નાગાલૅન્ડ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર. નૉર્થઈસ્ટ લિટરરી અકાદમીના ચૅરમેન, વાઇસ-પ્રેસિડેન્ટ. હમેશાં કોટ-પૅન્ટ-ટાઈ પ્હૅરવાં પસંદ કરે. બીમાર હતા. લખવાનું છૂટી ગયેલું. કિડની ફેઇલ્યૉર અને સ્ટ્રોકથી અવસાન થયું. હું કોહિમા અને દિમાપુર એમને ત્યાં બે વાર ગયો છું. એ પણ ગુજરાત આવે ત્યારે મારે ત્યાં જ ઊતરે. સુન્દર નાગાકન્યા કમસાંગકોલા સાથે ૧૯૬૭-માં લગ્ન. પાંચ સન્તાનો – ૨ પુત્ર – ૩ પુત્રીઓ. ૨૦૧૧માં કમસાંગકોલાનું અવસાન. કિશોરની તબિયત પહેલેથી નાજુક. દૂધ, ભાત અને બાફેલાં શાક જમે. એક વાર દીકરી સાથે આવેલા તો બે-એક કિલો ચોખા લઈને આવેલા – હું ભાત જ ખાઉં છું સુમનભાઈ, એટલે …રમૂજો સરસ કરી જાણે. ૧૯૩૮માં ધૉળકા પાસેના આંબલિયાળામાં જન્મેલા. ૮૦ વર્ષ જીવ્યા.
આધુનિક સાહિત્યકારો પ્રયોગશીલ હોય દુર્બોધ હોય છતાં જીવનનાં અતળ ઊંડાણોને તાગતા વિચારપ્રેરક પણ હોય એવી સંમિશ્ર ઓળખ કિશોરની પણ હતી. કડક સમીક્ષાથી કિશોરસૃષ્ટિ ક્યાંકક્યાંક જરૂર દુર્બોધ પુરવાર થાય. પણ પરમ્પરાગતોએ તો કશી સમીક્ષા વિના જ એમની ઉપેક્ષા કરેલી. જો કે કિશોરને જ્ઞાનભાન કે પોતાની સર્જકકલાની અપીલનું ક્ષેત્ર સીમિત છે. છતાં એઓ એથી સંતુષ્ટ હતા. કૃતિમાં કૌવત હોય તો સમયાન્તરે સુજ્ઞોની નજરે ચડે જ અને સર્જકની ઓળખ આસ્તે આસ્તે પ્રસરે જ એવી એમની સમ્યક્ સમજ હતી. એટલે, ઉપેક્ષાથી ડગ્યા ન્હૉતા. ક્હૅતા, મચક આપું એવો હું કાચા કોઠાનો નથી. આત્મશ્રદ્ધાળુ. સર્જનશક્તિ વિશે મુસ્તાક, મગરૂર. એવા રહ્યાસહ્યા વિલક્ષણ સર્જકોમાં હવે કિશોર નથી એ વાતે હું ઉદાસ છું.
૧૯૮૪-થી ૧૯૮૭ દરમ્યાન સાહિત્ય અને સમૂહમાધ્યમોની સમીક્ષાનું હું ‘સન્ધાન’ નામનું વાર્ષિક ચલાવતો’તો. વર્ષ વાર એમાં લાભશંકર ઠાકર, કેતન મહેતા અને ગુલામ મોહમ્મદ શેખના મેં દીર્ઘ ઈન્ટર્વ્યૂ કરેલા. કિશોરનો ઇન્ટર્વ્યૂ એમના કોહિમાના ઘરે લીધેલો. (જુઓ ‘સન્ધાન’, ૧૯૮૬-૮૭, પાર્શ્વ પ્રકાશન). જન્મભૂમિથી અતિ દૂરનું ભોગવાદી નાગાલૅન્ડ એમના માટે વિસ્મય અને જિજ્ઞાસાનો વિષય. ત્યાંની પ્રકૃતિનો અને આખા એ આદિમ જગતનો કિશોર પોતાની આદિમતા સાથે અતૂટ સમ્બન્ધ અનુભવતા. પોતામાં વસતા સર્જકના આન્તરવિકાસમાં એનો પ્રભાવ અનુભવતા. મને કહેલું કે ગુજરાતીનાં કક્કો-બારાખડીયે નહીં જાણતી પત્ની કમસાંગકોલાને એ વાતનું ગૌરવ હતું કે પતિ નાગાજીવનની ભૌતિકવાદી રેસમાં બૌદ્ધિકની રીતે જુદા પડતા’તા, તસુ ઊંચેરા લાગતા’તા. એમના જેવો સુજ્ઞ ગુજરાતી નાગાલૅન્ડ જેવા વિભિન્ન ભારતીય પરિવેશની ભૂમિકાએ માતૃભાષામાં સાહિત્યસર્જન કરે એવું છેલ્લાં ૫૦ વર્ષમાં બન્યું નથી. એ વિરલ હકીકતની ઇતિહાસલેખકોએ નોંધ લેવી જોઇશે.
૪૮ વર્ષ પૂર્વે કિશોરે ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’-થી વાર્તાસાહિત્યમાં પ્રવેશ કરેલો. સૌને રચનાઓ પ્રયોગમુખર લાગેલી. ‘સૂર્યારોહણ’ ‘છદ્મવેશ’ ‘યુગસભા’ વાર્તાસંગ્રહોથી એ લાગણી દૃઢ થયેલી. ૧૯૭૯માં પહેલી નવલકથા ‘નિશાચક્ર’. પછી ‘રિક્તરાગ’ ‘આતશ’ ‘કથાત્રયી’. એમ સિગ્નેચર બનેલી. વાર્તાઓનાં સમ્પાદનો અને અનુવાદો થયા છે. ’એતદ્’માં એક દીર્ઘકથા પ્રકાશિત થયેલી – શીર્ષક યાદ નથી આવતું. ‘નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા’માં વિવેચક કિશોરને પામી શકાય છે.
મને કહેલું : અહીં કશાં આકરા વિધિનિષેધોનું પાલન યા ચલનવલન નથી. ફ્રી સોસાયટી. અહીંની રીતરસમો અને જીવનની ઢબછબમાંથી સારું હોય તે અપનાવી બીજી પાસથી થોડાક વેગળા રહેવાની મારી લાગણી ખરી : જો કે એ જ પરિવેશ ધરાવતું એમનું સમગ્ર સાહિત્ય, ખાસ તો ’નિશાચક્ર’ અને ‘રિક્તરાગ’ નવલકથાઓ, સૂચવે છે કે સર્જક કિશોર એથી જરા ય છેટા નથી રહી શક્યા બલકે ઊંડે ઊતરી ગયેલા છે. બન્નેમાં નાયકના ત્રણ ત્રણ સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રણયની શૃંગારમય પણ કરુણ કહાણીઓ આલેખાઈ છે.
અહીં માત્ર ‘નિશાચક્ર’ વિશે થોડુંક કહી શકીશ : નાયક પોતે કથા કહે છે. વાર્તા સીધેસીધી નથી કહેવાઈ. જો કે ત્રણ સ્ત્રીઓ અનંગલીલા, કમસાંગકોલા (પત્નીના નામને જોડ્યું છે) અને લાનુલા સાથેના ઉચ્છલ નિર્મુકત પ્રણયજીવનની વાત એમાં ક્રમે ક્રમે વિકસી છે. ખ્રિસ્તી રીતરસમોની જાણકાર કમસાંગકોલાના વ્યક્તિત્વમાં પહાડી જાતિના આદિમ અધ્યાસો પણ છે. ચોપાસના સ્થૂળ ભોગવાદી કુટુમ્બ-સમાજનું કમસાંગકોલા પ્રતીક છે. એવા માહોલમાં હર નિશાએ એ આવતી-જતી રહે છે, એટલે, નિશાઓનું ચક્ર. જો કે એની સામે પ્રકાશનાં રૂપો પણ છે.
નાયકના ‘સાહેબ’ ગૌણ પાત્ર છે. કમસાંગકોલાનો ચ્હૅરો મોટો, અનંગલીલાનો પ્રકાશમય જ્વલન્ત. અનંગલીલામાં પ્રેમના તળપદા આવેગોની સુકુમારતા. કમસાંગકોલા એને પ્રજ્વલિત રાખે છે, દાહ દઇને છેવટે નષ્ટ કરે છે. લાનુલાના અભિજાત રૂપનું નાયકને અતિ આકર્ષણ છે. ચાંદનીના લંબચોરસ ટુકડાના સંગમાં લાનુલા સાથેના ભોગ વિશે કહે છે : ભૂરા તેજના પમરાટમાં આ નારી મારા શરીરને વળગી પડી હતી : નવલકથા આવા હૃદયંગમ કાવ્યત્વથી તેમ જ ઉપકારક કલ્પનો-પ્રતીકોથી ખચિત છે. એમાં સ્વપ્ન-વાસ્તવિકતા છે. જાતીય આવેગો વૈર અસૂયા ક્રોધ ચીડ મત્સર નિર્ભર્ત્સના સૂગ તુચ્છકાર વગેરેથી સંમિશ્ર ભાવસૃષ્ટિ છે. સાથોસાથ એમાં આદિમ તાઝપ અને તાકાતની લીલા છે. હેવાસ ઘાંઘું ભીડણ ભીંસટ ઢણક ઘમચૂલો કળેળાણ જેવા અનેક જૂનાનવા શબ્દોનો એમાં આવિષ્કાર છે. પોમાઈ જવું ઘૂરી કરવી જેવાં ક્રિયાપદોનાં પ્રવર્તન છે. મસૃણ હવા, ઉત્કલિક ફુસવાટ, જૈવાતૃક, ઉદ્ભ્રાન્ત, જેવા સંસ્કૃત શબ્દોની ભરમાર છે. તાત્પર્ય, રચના વાચક જાતે વાંચી લે અને પછી કોઇ સદ્ વિવેચકની સહાય લે, એ અહીં અનિવાર્યતા છે.
ત્રણેય સ્ત્રીઓથી નાયક પ્રેમની સભરતા અને એટલી જ રિક્તતા અનુભવે છે. ચાહના, પણ ઝૂરાપો. સૌન્દર્યરાગી પ્રેમ, પણ વાસનાને ભડકાવ્યા કરતી પશુતા. એવા સંદિગ્ધ ભાવવિશ્વમાં નાયક સ્વયંને પામવાનાં વલખાં મારે છે, પણ ખોવાઈને રોળાઈ જાય છે. પ્રેમતોષને માટેની એની ઝંખના ફળી નહીં. એ નિષ્ફળતા એના જીવનમાં ઉત્તરોત્તર ફંગોળાતી ચાલી. એને ક્રમે ક્રમે થાય છે, પોતે મરી રહ્યો છે. એ પ્રકારનાં સંવેદનોએ એના જીવનમાં પણ નિશાઓના ચક્રને ઘૂમતું કરેલું. પ્રેમપ્રણયથી રસિત સમગ્ર લીલા માટે પોતાને જવાબદાર ગણે છે. વાચકને પણ થાય કે નાયકની પીડાનું કારણ જિન્સી વૃત્તિઓ છે કે દુર્દમ્ય જિજીવિષા. નવલકથામાં પ્રેમ અને જાતીયતાના પરિપૂર્ણ માહોલ વચ્ચે જીવનનું દારુણ ચિત્ર ઊપસે છે. અન્તે નાયક બારીમાંથી કૂદી પડે છે. એ પલાયન નથી, નિ:સારતાની અવધિ સૂચવતી એક ન-નિવાર્ય ચેષ્ટા છે. સંભવ છે કે એ કદી પાછો ન યે ફરે.
કિશોરના પ્રારમ્ભકાલીન મિત્રોમાં મુખ્ય ગણાય, સુમન શાહ, રાધેશ્યામ શર્મા. બન્નેએ એમને વિશે અવારનવાર લખ્યું છે. શરૂમાં વિજય શાસ્ત્રી ઉપરાન્ત બીજા ઘણાઓએ અને પછીથી નરેશ શુક્લ અને જયેશ ભોગાયતા આદિ નવીનોએ એમના સાહિત્ય પર ઘણું કામ કર્યું છે. તાજેતરમાં ‘ગુજલિટ’-ના સંયોજક વિકાસ કૈલા અને એમની ટીમે કિશોરના સાહિત્યને વેબ પર મૂકીને એમને સર્વ-સુલભ કર્યા છે. આશા રાખીએ કે નવી પેઢી કિશોરસૃષ્ટિને માણશે અને પ્રમાણશે.
= = =
સૌજન્ય : શનિવાર તારીખ ૧૦/૩/૨૦૧૮-ના રોજ “નવગુજરાત સમય” દૈનિક
![]()




મહિલા માટેની મલયાલમ પત્રિકા ‘ગૃહલક્ષ્મી’ના કવર ઉપર ગીલું જોસેફ નામની એક મૉડલ બાળકને સ્તનપાન કરાવતી હોય તેવી તસવીર છપાઈ છે, તેને લઈને વિવાદ થયો છે. અાંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે પત્રિકાના સંપાદક મંડળે સાર્વજનિક રીતે બાળકને દૂધ પીવડાવું તેમાં કંઈ ખોટું નથી તેવા સંદેશા સાથે આ તસવીર છાપી હતી. તસવીરમાં લખવામાં આવ્યું છે, ‘કેરળની માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને આંખો પહોળી કરીને જોશો નહીં, અમારે બ્રેસ્ટફીડિંગ કરાવાનું છે.’

મલયાલમ પત્રિકાએ સમાજને સંદેશને નામે સનસની ઊભી કરવા આવી તસવીર છાપી એવો આરોપ થવો બહુ સ્વાભાવિક છે કારણ કે, તસવીરમાં સાચે કોઈ માતા નથી, પણ એક અવિવાહિત મૉડલ છે. રાજ કપૂરે 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિનીને પણ આવી જ રીતે સ્તનપાન કરાવાતી પેશ કરી હતી, ત્યારે ન તો કોઈ વિરોધ થયો હતો કે ન તો કોઈ કેસ. 1981માં કેન્દ્રના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડી હતી, તેમાં પણ મૉડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને એ સરાહનીય કદમ ગણાવાયું હતું.