Opinion Magazine
Number of visits: 9582460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કામધંધો હોવા છતાં ગરીબ

રિચાર્ડ મહાપાત્ર|Opinion - Opinion|5 April 2018

આપણા દેશમાં ગરીબીની ચર્ચા થતી આવી છે, બેરોજગારીની ચર્ચા થતી આવી છે, બંને સમસ્યાના નિવારણની યોજનાઓ ઘડાતી આવી છે, પણ કામધંધો હોવા છતાં, ખૂબ મહેનતમજૂરી કરવા છતાં, કોઈ વ્યક્તિ, કુટુંબ કે વર્ગ ગરીબ રહી જ જાય છે. એમનું શું? તે અંગે મુદ્દાસરની વાત માંડે છે ‘ડાઉન ટુ અર્થ’ના મૅનેજિંગ ઍડિટર રિચાર્ડ મહાપાત્ર …

ભારતમાં આપણને ઘણી વખત નવાઈ લાગે છે કે અતિ મહેનત કરતાં લોકો ગરીબાઈમાં શા માટે જીવે છે! આ વાત શ્રમજીવીઓ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કામદારોને વધુ લાગુ પડે છે, જેઓ રોજનું કમાઈને રોજ ખાય છે. ભારતમાં સારી એવી ટકાવારીમાં લોકો કામ કરતાં હોવા છતાં ગરીબીમાં સબડે છે. ચોક્કસ, તેમને નિયમિત કે દરરોજ કામ મળતું ન હોય એવું બની શકે છે, પરંતુ કૃષિ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી ઓછું આર્થિક વળતર મળતું હોવાના કારણે અત્યારે સરકાર માટે ગ્રામીણ વિસ્તારોમાં નારાજગી, સૌથી મોટો પ્રશ્ર બની રહ્યો છે ને હવે રોજગારી પર ગંભીરતાપૂર્વક ચર્ચા શરૂ થઈ છે.

રોજગારી પરની આ ચર્ચામાં સમસ્યા એ છે કે મોટે ભાગે તે બે સમાધાન આસપાસ આવી કેન્દ્રિત થઈ જાય છે :  એક, માળખાગત સુવિધા પર સરકારી ખર્ચ મારફતે રોજગારીનું સર્જન કરવું અને બીજું, યુવાનોને કેટલીક રોજગારદક્ષતા પૂરી પાડે એવું કૌશલ્ય વિકસાવવું. તેમાં રોજગારીનું સર્જન કરવા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અપર્યાપ્તિ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજનાઓ વર્ષોજૂની છે અને એ બજારની લાક્ષણિકતાઓ સાથે સુસંગત નથી થઈ રહી. એ વાત પરથી તે સાબિત થાય છે કે આપણી યુવાપેઢીમાં બેરોજગારીનો દર ખાસ્સો ઊંચો છે અને જે લોકો કામધંધો મેળવે છે તે બધા પણ સારું કે સંતોષપૂર્વકનું જીવન જીવવા સક્ષમ નથી.

રસપ્રદ બાબત એ છે કે, ભારતની સમસ્યા એ વિશ્વની સમસ્યા જેવી છે કે પછી તમે કહી શકો કે વૈશ્વિક પ્રવાહને સુસંગત છે. આંતરરાષ્ટ્રીય શ્રમસંસ્થા (આઈ.એલ.ઓ.) દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઍમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ ફોર યુથ મુજબ, વર્ષ ૨૦૧૭માં વિશ્વમાં યુવાપેઢીમાં બેરોજગારીનો દર ૧૩.૧ ટકા પર સ્થિર હતો, જે વર્ષ ૨૦૧૬માં ૧૩ ટકા થયો. વર્ષ ૨૦૧૮માં આ રિપોર્ટમાં ધારણા વ્યક્ત કરવામાં આવી છે કે, યુવાપેઢીમાં બેરોજગારોની સંખ્યામાં થોડો વધારો થશે. પણ રિપોર્ટમાં સાથે-સાથે એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, વિકાસશીલ દેશોમાં ૩૯ ટકા યુવાન કામદારો મધ્યમ કે અતિ ગરીબીમાં જીવે છે. તેનો અર્થ એ થયો કે તેઓનું જીવન દરરોજ ૩.૧૦ ડૉલરથી ઓછી આવક પર નભે છે. કઠણાઈ એ છે કે, વિકાસશીલ દેશોમાં ૧૬.૭ ટકા યુવાન કામદારો દરરોજ ૧.૯૦ ડૉલરથી ઓછી આવક પર નભે છે, જે અમેરિકામાં અતિ ગરીબીરેખા ધરાવતા સમાજની વ્યક્તિની દૈનિક આવક ગણાય છે.

જો કે આ પ્રવાહ વિકસિત દેશોમાં પણ જોવા મળ્યો હતો. ભારતની જેમ આ મોટા ભાગના ‘કામધંધો ધરાવતા પણ ગરીબ’ કામદારો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો, કામધંધો ધરાવતા ૭૫ ટકા યુવાનો અસંગઠિત ક્ષેત્રની રોજગારી ધરાવે છે. આ દર પુખ્તો વચ્ચેના દર કરતાં પ્રમાણમાં વધારે છે. વિકસિત દેશોમાં કામધંધો ધરાવતા ૯૫ ટકા યુવાનો અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા છે. અન્ય એક નિરાશાજનક પ્રવાહ એવો પણ જોવા મળ્યો છે કે આઈ.એલ.ઓ.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તેમ, યુવાનો પુખ્તો તરીકે બેરોજગાર રહેવાની સંભાવના ત્રણ ગણી છે. “આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લાં થોડાં વર્ષોમાં પુખ્તો અને યુવાનોમાં બેરોજગારીનો દર તાજેતરમાં બહુ થોડો બદલાયો છે, જે શ્રમબજારમાં યુવા લોકો માટે બિનલાભદાયક સ્થિતિ હોવાનું સૂચવે છે.” પાંચમા વાર્ષિક રોજગારી-બેરોજગારી સર્વે, ૨૦૧૫-૧૬ના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં શૈક્ષણિક સ્તરમાં વૃદ્ધિ થવાની સાથે બેરોજગારીનો દર ૧૮થી ૨૯ વર્ષની વયજૂથમાં પણ વધારો થયો છે.

ભારતની રોજગારી મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રોમાં જોવા મળે છે, વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સ અને કૃષિમાં દૈનિક વેતનમાં નોંધપાત્ર ટકાવારી ધરાવે છે. આ ક્ષેત્રો મારફતે ભવિષ્યની રોજગારીની માંગ પૂરી કરી શકાય? વિકાસમાં જે ફરક રહ્યો છે, એને ધ્યાનમાં રાખીએ તો ભારત માળખાગત કાર્યક્રમોમાં હજુ ઘણું રોકાણ કરી શકે છે અને માંગ સંતોષવા જાહેર વેતન-કાર્યક્રમોમાં વધારો કરી શકે છે. પણ તેમાં કામ મેળવનારા લોકોને ગરીબીરેખામાંથી બહાર કાઢવા એ બાબત પડકારજનક છે.

તો પછી આ સમસ્યાઓનું સમાધાન શું છે? પ્રથમ, અસંગઠિત ક્ષેત્રની રોજગારીને બેરોજગારને સમકક્ષ દરજ્જો ન આપવો જોઈએ. તેના બદલે આ ક્ષેત્રોમાં સારી રીતે મહત્તમ રોજગારીનું સર્જન થાય એવી વ્યૂહરચના અપનાવવી જોઈએ. અત્યારે સંગઠિત ક્ષેત્રે અસંગઠિત ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં કામદારોને સમાવવા પડશે અને એનો કોઈ વિકલ્પ જણાતો નથી. અને બીજું, જ્યારે આપણે કૌશલ્યવિકાસની વાત કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોનું કૌશલ્ય કાયદેસર કૌશલ્ય ગણતા નથી. તેના બદલે આપણે તેમને નવી કુશળતાઓ શીખવવા ભાર મૂકવો જોઈએ, જેથી તેઓ સમયની સાથે તાલ મેળવવાની શરૂઆત કરશે. તેનાથી રોજગારીનું સર્જન અને રોજગારીની પ્રક્રિયા લાંબી થઈ શકે છે. ટૂંકમાં, કહીએ તો, આપણે રોજગારીનું સર્જન કરવાની રીત વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. 

(મૂળ રૂપે Down to Earthમાં પ્રકાશિત આલેખ સ.પ્રે.સ.માંથી સાભાર, અનુવાદ : કેયૂર કોટક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 05 

Loading

કોમી રમખાણોનાં ૧૬ વર્ષ : ઉમ્મિદોં કે નિશાં બાકી હૈં

જે.એસ. બંદુકવાલા|Opinion - Opinion|5 April 2018

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨નો એ દુર્ભાગ્યૂર્ણ દિવસ આજે પણ મને ડરાવી જાય છે …

હું વડોદરા યુનિવર્સિટીની મારી ફિઝિક્સ લૅબમાં હતો. અચાનક એક પટાવાળો દોડતો આવ્યો અને મને સમાચાર આપ્યા. અયોધ્યાથી કારસેવકોને લઈને આવી રહેલી એક ટ્રેન પર ગોધરામાં હુમલો થયો છે અને આ હુમલામાં કેટલાક કારસેવકોને જીવતાં સળગાવવામાં આવ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મૃત્યુ પામેલા કારસેવકોની બીજા દિવસે વિશાળ શબયાત્રા કાઢવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો અને તે માટે તમામ મૃતદેહો અમદાવાદ લઈ જવાના હતા.

આ સાંભળતાવેંત ડરના ઓથારે મને જકડી લીધો. જુલૂસના ઉન્માદની કલ્પના માત્રથી હું ધ્રૂજી ઊઠ્યો. ઉન્માદમાં ટોળાં દ્વારા મુસ્લિમોની હત્યા અને તેમની સંપત્તિને જે નુકસાન થવાનું હતું, એનાથી મુસ્લિમ સમુદાયને એટલો મોટો ધક્કો લાગશે કે કદાચ તેઓ ભવિષ્યમાં ફરી ઊભા ન પણ થઈ શકે. કોમી હિંસાની આશંકા મારા મનને ઘેરી વળી હતી.

અલબત્ત, આ આશંકા કંઈ એમ જ નહોતી. દેશનાં તમામ રાજ્યોમાં ગુજરાત સૌથી વધુ ભગવાકરણનો ભોગ બન્યું હતું. અહિંસાના સૌથી મોટા હિમાયતી ગાંધીની જન્મભૂમિ રહેલું ગુજરાત વિ.હિ.પ., આર.એસ.એસ. અને ભા.જ.પ.નો ગઢ બની ચૂક્યું છે, એ સૌથી મોટી વિટંબણા છે.

વર્ષ ૧૯૭૨માં અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કરીને હું વડોદરા યુનિવસિર્ટીમાં જોડાયો. મારા મનમાં આ શહેર એટલે સાંપ્રદાયિક દૃષ્ટિએ વિભાજિત શહેર એવી કંઈક છબિ હતી. હિંદુ-મુસ્લિમ વચ્ચે થતાં નાનાં છમકલાં પણ શહેરની શાંતિને ડહોળવાનું કામ કરતાં હતાં.

પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ભેદભાવ રાખતી હતી. આ જ કારણે હું ઍક્ટિવિઝમ અને વિરોધના માર્ગે વળ્યો, પરિણામે મારે અનેક વાર જેલમાં પણ જવું પડ્યું. એટલું જ નહીં, અન્યાયનો વિરોધ કરવાના કારણે મારા ઘર પર પણ ટોળાંએ કેટલીક વખત હુમલા કર્યા છે.  આવી હિંસા મારી પત્ની માટે અસહ્ય થઈ પડતી. હિંસાના ઓથારે તેને ડિપ્રેશનનો શિકાર બનાવી દીધી હતી અને અંતે ૨૦૦૧માં તે અવસાન પામી.

અમારાં સગાં-સંબંધી કોઈ પણ વડોદરા અથવા તો ગુજરાતમાં ક્યાં ય નથી રહેતાં, મારો એક માત્ર દીકરો અમેરિકામાં હતો. મારી સાથે મારી ૨૩ વર્ષની દીકરી, જેના તે કાળે જ એક ગુજરાતી હિંદુ યુવક સાથે લગ્ન થવાનાં હતાં.

મારા સિદ્ધાંતોને અનુસરીને મેં હંમેશાં બહુસંખ્યક વિસ્તારોમાં રહેવાનું પસંદ કર્યું છે. હું આજે પણ એ દૃઢપણે માનું છું કે ખરી રાષ્ટ્રીય એકતા ત્યારે જ આવી શકે, જ્યારે તમામ જાતિ અને ધર્મના લોકો એક જ લત્તા, મહોલ્લા, સોસાયટીમાં સાથે રહે, પરંતુ આપણા દેશની કમનસીબી છે કે લોકો પોતાની જાતિ અને ધર્મ અનુસાર અલગ-અલગ વિસ્તારોમાં રહેતાં આવ્યાં છે.

નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ મારા હીરો છે. આ બંને દૃઢપણે માનતા હતા કે, શ્વેત અને અશ્વત સાથે રહી શકે, જમી શકે છે અને કામ પણ કરી શકે છે. જો કે તેઓએ તેમની આ દૃઢ માન્યતાની મસમોટી કિંમત ચૂકવવી પડી છે. આનો બીજો અર્થ એ છે કે જ્યારે કોમી રમખાણ થશે, ત્યારે હું પણ મારા સિદ્ધાંત – સર્વ ધર્મ સાથે વસવાટ-ને કારણે સરળતાથી ટોળાનું નિશાન બની શકું છું.

અને એ દિવસે થયું પણ એવું જ. ગોધરામાં જ્યારે ટ્રેન સળગાવી દેવામાં આવી, ત્યારે મારા પાડોશીઓએ મને તરછોડી દીધો. હુલ્લડખોરોનું ટોળું ગૅસનાં સિલિન્ડર લઈને મારા ઘર પર ધસી આવ્યું અને તેમણે સિલિન્ડર સળગાવ્યું. અને અમારા આનંદની અનેક યાદોનું સાક્ષી રહેલું મારું ઘર માત્ર પંદર જ મિનિટમાં નેસ્તાનાબૂદ થઈ ગયું. આ ભયાવહ દુર્ઘટનામાં આશ્વાસન લેવા જેવી વાત એટલી જ હતી કે, મને અને મારી દીકરીને મારવાનો પ્રયાસ થયો હોવા છતાં અમે બચી શક્યાં હતાં. એ દિવસે મેં મારું બધું જ ખોઈ નાંખ્યું.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિતારા તે સમયે બુલંદીઓ પર હતા. ૨૦૦૨નાં કોમી રમખાણો ભારતની સત્તા પર બિરાજવાના તેમના અભિયાનનું પ્રથમ ડગ હતું. મારી સૌથી મોટી ચિંતા એ હતી કે શું ગાંધીયુગનો અંત થઈ ચૂક્યો છે? શું ગુજરાતના હિંદુઓ આ જ  રાજ્યના સૌથી મહાન વ્યક્તિના વિચારોનો આમ જ ત્યાગ કરી દેશે?

હવે મને લાગી રહ્યું કે મારા ડર, મારી શંકાઓ ખોટાં ઠર્યાં છે. એ જ રાતે મારા એક વરિષ્ઠ સહકર્મી, જે થોડા જ સમય બાદ કુલપતિ બનનાર હતા, તેઓ આવી સ્થિતિમાં પણ આગળ આવ્યા અને મારી દીકરીને અમારા એ અર્ધબળેલાં ઘરે લઈ ગયા, જેથી અમે તેમાંથી અમારાં પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના દસ્તાવેજ મેળવી શકીએ. તેઓ અડધી રાત્રે ખૂબ જ તનાવપૂર્ણ વિસ્તારમાં ગયા હતા. આ ખૂબ જોખમી હતું, તેમ છતાં તેઓ આ મુશ્કેલ સ્થિતિમાં અમારી મદદ કરવા માગતા હતા.

બીજા દિવસે અમે જ્યાં આશરો લીધો હતો, તે જગ્યા વિશે ટી.વી. ઍન્કર બરખા દત્તને માહિતી મળી. ત્યાં તે મારી દીકરી અને મારો ઇન્ટરવ્યૂ લેવાં આવ્યાં. મારી દીકરીએ ખૂબ ટૂંકા ગાળામાં તેની મા અને ઘર ગુમાવ્યાં હતાં. ઇન્ટરવ્યૂ દરમિયાન તે રડી પડી. આ રેકૉર્ડિંગ દરમિયાન બરખા પોતે પણ રડી પડી અને ઇન્ટરવ્યૂનું રેકૉર્ડિંગ બંદ કરવું પડ્યું.

એક મુસ્લિમ છોકરીની સ્થિતિ પર એક રાષ્ટ્રીય સ્તરની જાણીતી હસ્તીનું આ રીતે રડવું, એ એ વાતનો પુરાવો હતો કે મોદી અને તેમના ભગવા સમર્થકોની પહોંચની પાર પણ એક ભારત અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના તનાવથી બચવા માટે અમે મુંબઈ ચાલ્યાં ગયાં. તે પછીના દિવસે મુંબઈમાં સાંજે મને સામાજિક કાર્યકરોથી ભરાયેલાં એક હૉલમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યો. હું તેમાંથી મોટા ભાગના લોકોને ઓળખતો નહોતો. અહીં એ કહેવું જરૂરી નથી કે એ તમામનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ સહાનુભૂતિભર્યો હતો.

થોડા સમય બાદ અમે મારા દીકરા પાસે અમેરિકા જતાં રહ્યાં. ત્યાં સૌપ્રથમ મારા એક આઈ.એ.એસ. અધિકારી મિત્રની વિધવા પત્ની પોતાની દીકરી સાથે અમને મળવા આવી. તેઓ મારા દીકરાના ઘરથી અંદાજે પાંચસો કિલોમીટર દૂર રહેતાં હતાં. તેમને અમારી ચિંતા હતી. સંયોગની વાત છે કે તેઓ બિહારના ભૂમિહાર (બ્રાહ્મણ) હતાં.

ઘણા દિવસો સુધી ભારતીય-અમેરિકી અમારી ખબરઅંતર પૂછવા માટે ફોન કરતાં હતાં. આ ખબરઅંતર પૂછનારાઓમાં રાજમોહન ગાંધી, સેમ પિત્રોડા, નોબેલ સન્માનિત વેંકટરામન ‘વેંકી’ રામકૃષ્ણનના પિતા પ્રોફેસર રામકૃષ્ણન સામેલ હતા. રામકૃષ્ણને થોડા વખત બાદ મને વિમાનની રિટર્નટિકિટ મોકલી હતી, જેથી લગભગ હું ૩,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને તેમના ઘરે જઈને તેમની સાથે થોડો સમય રહી શકું.

વડોદરા પાછા ફર્યા બાદ, જાણીતા ગાંધીવાદી ઝીણાભાઈ દરજી યુનિવર્સિટીના નવા ફ્લૅટ પર મને મળવા આવ્યા. મને જોઈને તેઓ ધ્રૂસકે ચડ્યા. હું આ વાતનો ઉલ્લેખ એ માટે જ કરી રહ્યો છું કે દેશ અને વિદેશમાં કેટલાક પ્રતિભાશાળી ભારતીયોએ કટ્ટરવાદીઓ દ્વારા મારા ઘર સળગાવાના કૃત્યને કેવી રીતે જોયું હતું.

આ બધી ઘટનાઓની મારા પર ખૂબ ઊંડી અસર પડી. મારો ગાંધી અને હિંદુ મિત્રો પર વિશ્વાસ સ્થપાયો હતો. હવે મારે મારા દુઃખ અને નુકસાનથી ઉપર ઊઠીને જોવાનું હતું. મારે મારા સમાજ અને ગુજરાતના હિંદુઓ સાથે ફરી એક થવાના માર્ગનું નિર્માણ કરવાનું હતું. આપણે ગાંધીથી નેહરુ, ટાગોરથી સુભાષચંદ્ર બોઝ, ગોપાલકૃષ્ણ ગોખલેથી સી.રાજગોપાલચારી જેવા મહાપુરુષોનાં સ્વપ્નોને નફરત અને કટ્ટરતા સામે તૂટવા નહીં દઈએ.

ફરી બંધાતી આશા

કોમી રમખાણો દરમિયાન મુસ્લિમસમાજે જે મુશ્કેલીનો સામનો કર્યો, તે પડકારભરી હતી. અંદાજે બે હજાર મુસલમાન માર્યા ગયા. ઘણી મહિલાઓનો બળાત્કાર થયો. ઘણાં બાળકો તેમની આંખો સામે જ અનાથ થયાં. સંપત્તિનું નુકસાન કરોડોમાં હતું, પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી કે હજારો લોકોએ પોતાનું વસાવેલું ઘર છોડીને અન્ય જગ્યાએ જવું પડ્યું. આનાં પરિણામે નોકરીઓ, વેપાર અને બાળકોના અભ્યાસનું પણ મોટું નુકસાન થયું.

આવા સમયે પણ પોલીસ એવા યુવાનોને હેરાન કરતી હતી, જે પોતે જ રમખાણોથી પીડિત હતા. સ્થિતિ વધુ ખરાબ ત્યારે થઈ જ્યારે અમારામાંથી કેટલાક સામાજિક કાર્યકરોઓએ પોતાનો લાભ જોઈને ભા.જ.પ. તરફી થવા માંડ્યા. જો કે, અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આ ચમત્કાર છે કે આપણે આ ખરાબ સમયથી બહાર આવી ચૂક્યા છે.

આનો શ્રેય તે હિંદુઓને જાય છે, જે મુસ્લિમોની મદદ કરવા આગળ આવ્યા. ગાંધીવાદી, સમાજવાદી અને માનવાધિકાર કાર્યકર્તા સક્રિય થયા. તે તમામ ભલા લોકોનાં નામ લખવાનું શક્ય નથી, પરંતુ તેમ છતાં હું કહેવા ઇચ્છું કે વડોદરામાં કિરીટ ભટ્ટ અને જગદીશ શાહ, મુકુલ સિન્હા, ઇન્દુકુમાર જાની, પ્રકાશ ન. શાહ અને ગગન શેઠીએ ખૂબ જ સાર્થક કામ કર્યું.

બાળકો અભ્યાસ ન છોડે તે માટે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરવામાં આવ્યું. શરણાર્થીઓને વસાવવા માટે ઇસ્લામિક રિલીફ કમિટીએ ઘણી નિવાસી કૉલોની નિર્માણ કરી. કલોલની એક કમિટીએ નજીકના વિસ્તારના ડેરોલના પીડિતોને મદદ કરી હતી. આ વિસ્તારમાં પૂરા ગુજરાતભરમાંથી સૌથી વધુ હત્યા થઈ હતી, અને જ્યાં સુધી મારી જાણકારી છે, આ ગુના માટે કોઈને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

નસીબજોગે ગગન શેઠીએ ત્યાં એક શાળા શરૂ કરી છે. કલોલના વિદ્યાર્થીઓમાં ત્રણ અનાથ છોકરીઓ પણ હતી, જેમ શાળા અને બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ જ સારું પરિણામ લાવી. વડોદરાની જિદની ઇલ્મા ટ્રસ્ટે તેમની અભ્યાસની જવાબદારી ઉઠાવી. આજે નજીકના જ એક ફાર્મ- પ્લાન્ટમાં તે કૅમિસ્ટ અને માઇક્રોબાયોલૉજિસ્ટના પદે કામ કરી રહી છે.

સોળ વર્ષનો સમય વીત્યા બાદ એટલું કહી શકાય કે ૨૦૦૨માં આ સમુદાયને પૂર્ણપણે ખતમ કરી દેવાનો ડર ખોટો સાબિત થયો છે. જો શિક્ષણની ગુણવત્તા, આર્થિક સ્થિતિ અને મહિલાઓના ઉત્થાનની વાત કરીએ, તો મુસ્લિમ પહેલાં કરતાં સારી સ્થિતિમાં છે.

દર વર્ષે બૉર્ડ- યુનિવર્સિટીની પરીક્ષાઓનાં પરિણામ આવે છે, ત્યારે મુસ્લિમ છોકરા-છોકરીઓનાં નામો સારાં પ્રમાણમાં જોવા મળે છે. પોતાની બૅચમાં અવ્વલ આવનારી મુસ્લિમ છોકરીઓની તસવીર અખબારોમાં દૃશ્યમાન થવી બિલકુલ સામાન્ય થઈ ચૂક્યું છે.

આ વર્ષે જ એક સૈયદ છોકરીએ બોર્ડની પરીક્ષાઓમાં ગુજરાત રાજ્યમાં ટોપ કર્યું છે. એક અન્ય છોકરી ચાર પ્રયાસ બાદ નીટ મેડિકલ ઍક્‌ઝામ ઉત્તીર્ણ કરી છે. આ પહેલાં ન તેણે હાર માની, ન તેનાં માતા-પિતાએ. વડોદરામાં તાઈવાડા નામના એક નાનકડો વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ ચાર્ટ્‌ર્ડ એકાઉન્ટન્ટ છે.

તેમ છતાં આપણે બોર્ડની પરીક્ષામાં નપાસ થતાં વધી રહેલા દરથી પરેશાન છે. જ્યાં મધ્ય-ઉચ્ચવર્ગનાં બાળકો શિક્ષણમાં સારું કરી રહ્યાં છે, નિમ્નવર્ગના મુસ્લિમો પર ભારણ વધ્યું છે. ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે અને ગરીબવર્ગ તેનાથી તાલમેલ બેસાડી શકતો નથી. તેમની સંખ્યા એટલી બધી છે કે સમુદાય પોતે પણ આ પડકારનો સામનો કરી શકતો નથી. ઇંશાઅલ્લાહ, આનો જલદીથી કોઈ ઉકેલ નીકળશે.

અમે કેટલાક ગરીબ વિસ્તારોમાં ‘રીડિંગરૂમ્સ’ શરૂ કર્યા છે, જ્યાં છોકરા-છોકરીઓ અભ્યાસ માટે આવે તે અર્થે અમે પ્રોત્સાહન આપી રહ્યાં છે, કારણ કે તેમનાં નાનાં ઘરોમાં ઓછા પ્રકાશ અને બહારના અવાજથી અભ્યાસ કરવાનું મુશ્કેલ બને છે.

૨૦૦૨ની ઘટનાનું એક સકારાત્મક પરિણામ એ પણ આવ્યું કે હવે મુસ્લિમ સમાજનો એલિટવર્ગ સમાજને આગળ લાવવા માટે વિચાર કરવા લાગ્યો છે. વડોદરામાં રવિવારની સવારે અવારનવાર મેડિકલ કૅમ્પ યોજાય છે. સૌથી સારા મેડિકલ વિશેષજ્ઞ અહીંયાં વિનામૂલ્યે ઇલાજ અને દવાઓ આપે છે. આવું અન્ય શહેરોમાં પણ થવું જોઈએ.

અંતે, રાજનીતિની વાત કરીએ તો મુસ્લિમ સંભવતઃ ત્યાં અસ્તિત્વમાં જ નથી. ગત ત્રણ દાયકાથી ગુજરાતનો કોઈ મુસ્લિમ ચૂંટાઈને લોકસભામાં આવ્યો નથી. અમારી વસતી દસ ટકા છે, તેમ છતાં વિધાનસભામાં ૧૮૦માંથી માત્ર ત્રણ મુસ્લિમ છે. મોદી મુસ્લિમોને રાજનીતિમાંથી મિટાવી દેવામાં સફળ રહ્યા છે.

પરંતુ શું તેનાથી ખરેખર કોઈ ફરક પડે છે? હું એની અપેક્ષા પોતાની તાકતથી વધુ સારું શિક્ષણ, આર્થિક રીતે સદ્ધરતા અને મહિલાઓના ઉત્થાનમાં લગાવવા પર ધ્યાન આપીશ. આખરે આ તો રીત હતી, જે અમેરિકામાં યહૂદીઓએ સ્વીકારી હતી. 

[‘The Wire’માંથી સાભાર, અનુવાદ : કિરણ કાપુરે]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 06-07

મૂળ અંગ્રેજી લેખની કડી :

https://thewire.in/communalism/16-years-after-2002-gujarat-riots

Loading

નીરુભાઈ દેસાઈ સન્માન સ્વીકારતાં

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 April 2018

ગુજરાતના એક સમયના શીર્ષ પત્રકાર નીરુ દેસાઈની સ્મૃિતમાં રચાયેલા ફાઉન્ડેશને હાથ ધરેલા વિવિધ ઉપક્રમો પૈકી એક ચાલુ વરસથી શરૂ થયેલ પત્રકારત્વ સન્માનનો છે. નીરુભાઈ એક સ્વાતંત્ર્યસૈનિક હતા અને કૉંગ્રેસ સમાજવાદી આંદોલનમાં જયન્તિ દલાલ તેમ જ ભોગીભાઈ ગાંધીની જેમ જ અગ્રહરોળમાં યુવા નેતૃત્વ સાહનારાઓમાં લેખાતા. પ્રાંતિક સમિતિના મંત્રી હોવું કે વ્યવસાયી પત્રકાર, આ બે વિકલ્પો વચ્ચે સ્વરાજના ઉગમકાળે એમણે પત્રકારત્વ પર પસંદગી ઢોળી હતી. પછીથી, એલચી ખાતાની ને સંસદીય કામગીરીની તકો આવી મળી ત્યારે પણ એ પૂર્વપસંદગીથી ચલિત થાય નહોતા. ‘ગુજરાત સમાચાર’ સાથેના સુદીર્ઘ જોડાણ દરમ્યાન ‘લોકનાદ’ મારફતે વિકસાવેલ બપોરિયા છાપાનો ખયાલ, ‘શ્રીરંગ’ માસિક અને ‘ચિત્રલોક’ સાપ્તાહિકની પહેલકારીથી માંડીને આર્થિક સમીક્ષા અને અંગતબિઅંગત ઇતિહાસડાયરી ‘વાસરિકા’ વગેરે એમના વિશેષ પ્રદાનરૂપે સંભારાશે. ‘જન્મભૂમિ’ જૂથના ‘વ્યાપાર’ સામયિકનો પ્રથમ ગિલાણી ઍવૉર્ડ એમની આર્થિક પત્રકારિતા બદલ એનાયત થયો હતો એનું આ લખતાં સ્મરણ થાય છે.

ડાબે, ઇન્દિરા ગાંધી, જમણે, નીરુભાઈ દેસાઈ. વચ્ચે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. શ્રીમન્‌નારાયણ

રવિવાર, તા. ૨૫ માર્ચની સવારે પત્રકારત્વ સન્માનના આ ઉપક્રમ સાથે પ્રથમ સ્મૃિત વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું હતું. બે’ક દાયકા પર ગુજરાતને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના નિવાસી તંત્રી તરીકે સુપરિચિત અને પછીનાં વર્ષોમાં ‘હિંદુ’ના દિલ્હી-તંત્રીથી માંડીને ‘ટ્રિબ્યુન’(ચંડીગઢ)ના મુખ્ય તંત્રી તેમ જ વચગાળામાં વળી વડાપ્રધાન મનમોહનસિંહના અખબારી સલાહકાર તરીકે સુપ્રતિષ્ઠ હરીશ ખરે એ ‘ડુઇંગ જર્નલિઝમ ઇન ટાઈમ ઑફ મોદી’ વિષય પર આપેલું વ્યાખ્યાન ‘નિરીક્ષક’ના વાચકોને હવે પછી સુલભ કરીશું.

સન્માનિત પત્રકાર ઉર્વીશ કોઠારીનો પ્રતિભાવ આ સાથે પ્રગટ કરતાં આનંદ થાય છે. ઉર્વીશભાઈની પત્રકારિતાને અંગે ચંદુ મહેરિયાની સહૃદય ને સ્વાધ્યાયપુત નોંધ હવે પછી પ્રગટ કરવાનો ખયાલ છે.

આવી બધી સામગ્રી વાચકો સમક્ષ આગ્રહપૂર્વક રજૂ કરવાનો ને રમતી મૂકવા પાછળનો ધક્કો એ કારણે સવિશેષ અનુભવાય છે કે ચકાચોંધ કરી મેલતા ચેનલ ચોવીસાના શોરમાં પ્રિન્ટ મીડિયા પાસે અપેક્ષિત કામગીરી વિશે તેમ જ તેને અંગે સમીક્ષાત્મક દૃષ્ટિકોણ પરત્વે આપણે યથાસંભવ અતન્દ્ર રહીએ.

૧૯૯૫માં પત્રકારત્વ ક્ષેત્રે આવી ચડ્યા પછી ૨૦૦૧માં નક્કી કર્યું હતું કે હવે પત્રકારત્વમાં ફુલટાઇમ કામ નહીં કરું અને આજે માર્ચ ૨૦૧૮માં તમારી સામે ઊભો છું ત્યારે નક્કી કર્યું છે કે હવે મીડિયાની ઓફિસમાં જઈને કામ નહીં કરું. આ નિર્ણય તમારી સામે ઊભા રહીને, પ્રસંગના ઉત્સાહમાં લીધો નથી. એ સંપૂર્ણપણે બિનકેફી અવસ્થામાં, અગાઉ ઘેરથી નક્કી કરીને, ફેસબુક પર લખ્યા પછી તમારી આગળ જાહેર કરું છું. હવે લખીશ ખરો, વધારે લખીશ, પણ મીડિયાની ઓફિસમાં ગયા વિના.

મારું પત્રકારત્વ, જેના માટે મને આ સન્માન મળે છે, તે શાનાથી દોરવાયું છે અને તેમાંથી હું શું શીખ્યો તેની થોડી વાત કરવી છે. ૨૩ વર્ષની મારી કારકિર્દીમાં પત્રકાર તરીકે સૌથી વધુ સંતોષ એ વાતનો રહ્યો કે જ્યારે જે કહેવા જેવું હતું, તે મેં કહ્યું છે. અંગ્રેજીમાં જેને ‘સ્ટેન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ’ કહે છે, તે કરી શક્યો તેનો સંતોષ છે. મારા પત્રકારત્વ માટે મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી કે મેં સમાજસેવા કરી છે. એ મારા માટે વ્યવસાય હતો. મારું ઘર એનાથી ચાલ્યું છે. પણ ‘એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ’ એ મારી મૂળ વૃત્તિ. અવિનાશ પારેખ અને કેતન સંઘવીના ‘અભિયાન’માં તે સંસ્થાગત રીતે દૃઢ થઈ. ગુજરાતના રાજકારણના અને સાંસ્કૃિતક જીવનમાં, દાઢીવાળાં ને દાઢી વગરનાં સ્થાપિત હિતોની દાઢીમાં હાથ નાખ્યા વિના ૨૩ વર્ષ સુધી મારું ચાલી ગયું છે.

સંસ્થા હોય એટલે એની મર્યાદા હોવાની – ભલે તે ગાંધીજીનો આશ્રમ કેમ ન હોય. તો મીડિયાની ઓફિસો તેમાંથી બાકાત શી રીતે રહે? પણ એક વાત હું બહુ પહેલાં સમજ્યો હતો કે સંસ્થાની મર્યાદા કદી મારી મર્યાદા બનવી ન જોઈએ અને સંસ્થાની મહત્તાને મેં કદી મારી મહત્તા તરીકે ઓઢી નથી. હું જે છું, તે આ જ છું.

ટ્રેઇન સિવાય બીજા કશાની પાછળ દોડ્યો નથી – મહેમદાવાદથી અમદાવાદ અપડાઉન કરવાનું હોય એટલે ટ્રેન તો પકડવી પડે – પણ એ સિવાય રૂપિયા, હોદ્દો … એ કશાની પાછળ દોડ્યો નથી. એવું નથી કે હું સંતમહાત્મા છું. હું એકદમ નૉર્મલ માણસ છું. પણ મને એનું ખેંચાણ નથી … કે આપણી એક કૅબિન હોય ને આપણા હાથ નીચે આટલા માણસ કામ કરતા હોય. મને એ બધું છોકરાં ઘરઘર રમતાં હોય એવું લાગે છે. એ મારો વિષય છે. બધાને એવું લાગે તે જરૂરી નથી. હું જે છું અને જે નથી તેના વિશે જરા ય ભ્રમમાં નથી. મને જે મળ્યું છે તે સહજ ક્રમમાં મળ્યું છે અને એનો સૌથી મોટો આનંદ છે.

બે વસ્તુઓ મને બહુ કામ લાગી છે : સંતોષ અને સ્પષ્ટતા. એ મારામાં છે એ મને ખબર છે. બીજો બહુ મોટો સંતોષ : મેં જે ન ઇચ્છ્યું, એ મારે કદી લખવું પડ્યું નથી. અને આ સંતોષની ક્રેડિટ હું મારા તંત્રીઓને પણ આપવા માગું છું. ‘ગુજરાત સમાચાર’માં આઠ વર્ષ શ્રેયાંસભાઈ સાથે કામ કર્યું, પછી ‘દિવ્ય ભાસ્કર’ના મિત્રો સાથે કામ કર્યું. તેમણે કદી આવું કહ્યું નથી. પહેલાં ક્યારેક કોઈ લખાણ ન છપાય એવું બને. કોઈ પત્રકારે એવો ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે લખીએ તે બધું જ છપાય. પણ એનું એક પ્રમાણ હોય છે. એ તમારે નક્કી કરવું પડે. સોમાંથી નેવુ-પંચાણું લખાણ છપાય તો બરાબર કહેવાય. સો ટકા લખાણ તો આપણું પોતાનું છાપું હોય તો પણ કદાચ ન છપાય. ટૂંકમાં, મને કોઈએ દબાણ કર્યું નથી. કદાચ મારા મોઢા પર લખેલું હશે કે દબાણ ન કરવું.

મારી સમજ માટે મને બીજું કોઈ વિશેષણ મળતું નથી. એટલે હું માનું છું કે મારી સમજ મહેમદાવાદી છે. એ કોઈ વાદમાં બેસતી નથી. હું એકેય વાદી નથી. હું મહેમદાવાદી છું. ડાબેરી-જમણેરી એવું બધું મને ન આવડે. હું એવો પંડિત નથી ને થવા પણ નથી માગતો. દુનિયામાં અડધો દાટ પંડિતોએ વાળ્યો છે. મારી એવી સાદી સમજ છે કે હું મહેમદાવાદમાં રહું અને ત્યાં દાયકાઓથી અમે એકબીજા સાથે શાંતિથી રહીએ. હિંદુમુસલમાન ને બીજા બધા. બધાના બે-ત્રણ પેઢીના સંબંધ. અહીં જ્ઞાતિના ભેદભાવની વાત નથી કરતો. એ તો આપણું રાષ્ટ્રીય દૂષણ છે. પણ સામાન્ય હિંદુમુસલમાનની વાત કરું તો, અમે શાંતિથી જોડે રહેવા માટે ટેવાયેલા. અમારી વચ્ચે પેઢીઓનો સંબંધ. એટલે મારી જે કંઈ અન્ડરસ્ટેિન્ડગ અને મારું જે કંઈ સ્ટેિન્ડગ છે એ મહેમદાવાદની જમીન પર ઊભા રહીને જોતા માણસનું છે. મહેમદાવાદ અથવા એવાં નાનાં ગામની જે વૈચારિક સંકુચિતતા હોય, એ બહુ બધા મિત્રોને કારણે નીકળી શકી છે-હજુ કાઢી રહ્યો છું. અને મૂળિયાં સતત મજબૂત થયાં છે.

મને કોઈ રાજકીય વિશ્લેષક કહે ત્યારે હસવું આવે છે … હું એ ઓળખાણને કદી અપનાવી શક્યો નથી. કારણ કે મને કદી એવું લાગ્યું જ નથી કે હું રાજકારણનો માણસ છું.  હું એક દુઃખી નાગરિક છું અને મને લાગે છે કે એટલું પૂરતું છે. મને તો મારા લમણે કોણ લખાયું છે એમાં રસ છે. અને એ કેમ લખાયા છે એમાં રસ છે અને એ કેવી રીતે બદલવા જોઈએ અને એમાં હું શું કરી શકું ને તમે શું કરી શકો, એમાં રસ છે. મને ઉમાશંકર જોષીનો પ્રયોગ બહુ ગમે છેઃ પબ્લિક અફેર્સ. મને એ અભિવ્યક્તિ નહોતી મળતી, તે એમનામાંથી મળી. મને જે અડે છે તે પબ્લિક અફેર્સ છે. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે આવું થાય અને આવું ન થાય. પછી આપણા જેટલા કે આપણાથી વધુ સજ્જ લોકો સાથે ઊઠીએબેસીએ ત્યારે આપણામાં અનેક સ્પષ્ટતાઓ થતી હોય છે અને મૂલ્યો દૃઢ થતાં હોય છે.

કોઈ પણ પત્રકારત્વના એવોર્ડમાં પરિવારનો હિસ્સો મોટો હોય છે. એ કરવા દે, ત્યારે જ સારું પત્રકારત્વ થઈ શકતું હોય છે. મારાં મમ્મી સ્મિતા કોઠારી, પત્ની સોનલ કોઠારીને એનો જશ જાય છે. મારે પૈસા પાછળ નહીં દોડવું એ મારી પ્રકૃતિ છે – એમની હોવી જરૂરી નથી. એ મને ધંધે લગાડે કે તું ગાડી લાવ, પછી મોટી ગાડી લાવ, પછી બીજી ગાડી લાવ, પછી બીજી મોટી લાવ … તો હું જિંદગીમાં કદી ઊંચો જ ન આવું. પણ મારો સંતોષ છે એ ફક્ત મારો નથી, અમારો બધાનો સહિયારો છે.

બીજું નામ છે : મારો ભાઈ બીરેન કોઠારી. મારું બધું જ છે – લખવાનું, વાંચવાનું, બહુ જ વ્યાપક અર્થમાં કહીએ તો સંસ્કાર – એ બધું જ એનું છે.  મારા ઘણા ગુરુજનો  છે. ઘણાને મારા ગુરુજનોની રેન્જ જોઈને નવાઈ લાગે છે. પણ એ તો દરેકની ક્ષમતાનો વિષય છે. એ બધા ગુરુઓ પાસેથી ઘણું પામ્યો છું. તેમનાં નામ આપું તો, રજનીકુમાર પંડ્યા. તેમની પાસેથી હું સાહિત્ય અને જીવનના ઘણા પાઠ શીખ્યો છું. વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય. પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને બે જ વસ્તુ લખતાં આવડતી હતી : જૂના ફિલ્મસંગીત વિશે અને પ્રોફાઇલ (શબ્દચિત્રો). એમાંથી મને પત્રકારત્વના કેટકેટલા વિષયો કેવી રીતે લખાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન નગેન્દ્રભાઈ પાસેથી મળ્યું. હર્ષલ પુષ્કર્ણા અને તેની પત્ની ફાલ્ગુની — હર્ષલ પાસેથી હું શીખ્યો છું, એ બંને મિત્રો છે અને મિત્રોથી પણ ઘણાં વધારે છે. તારક મહેતા અને રતિલાલ બોરીસાગર પણ ગુરુજનો છે.

પબ્લિક અફેર્સવાળી વાત ૨૦૦૨માં શરૂ થઈ, તે પહેલાં હું માર્ટિનભાઈ મેકવાનના પરિચયમાં આવ્યો અને ‘નવસર્જન’ સાથે પત્રકાર તરીકે સંકળાયો. પછી ચંદુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય થયો. આ ત્રણ જણે જાહેર જીવનને લગતા મારા વિચારોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આ બાબતમાં મારા વિચારોનાં ધરી, ધડો અને ધાર ઘણે અંશે આ ત્રણેને આભારી છે.

મિત્રો મેળવવાની બાબતમાં હું બહુ સમૃદ્ધ છું. મને મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય એવા  અઢળક સારા મિત્રો મળ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછો એક સારો, આજીવન ટકી શકે એવો, મિત્ર મળે છે અને એ સિલસિલો હજુ ચાલુ છે. એ બધા પ્રિય મિત્રો છે. તેમનાં બધાનાં નામ લેવાનો સમય નથી. પણ પત્રકારત્વ સંદર્ભે બે મિત્રોને ખાસ યાદ કરું છું. એક છે : પ્રશાંત દયાળ. આ સન્માન પચાસ વર્ષથી નીચેના પત્રકારને આપવાનો નિયમ ન હોત, તો મેં પહેલા વર્ષના સન્માન માટે મારે બદલે પ્રશાંતનું નામ સૂચવ્યું હોત. જે નિર્ભિકતાથી, જીવનું જોખમ ખેડીને છતાં શહીદીના વાઘા પહેર્યા વિના તે પત્રકારત્વ કરી રહ્યો છે, તેની કોઈ જોડ નથી. અમારો બાવીસ-ત્રેવીસ વર્ષનો સાથ છે. એવી બીજી મિત્ર છે પૂર્વી ગજ્જર. બિનીત મોદી પત્રકારત્વથી પણ પહેલાંનો મિત્ર છે. જીવનના તમામ વળાંકે તેની હાજરી અને હૂંફ રહ્યાં છે.

હું ઘણુંબધું સારું કરી શક્યો તે મારામાં રહેલી ખીજને કારણે. મારાં ઘણાં કામની શરૂઆત ખીજમાંથી થાય છે. કોઈ બાબત જોઉં એટલે મને થાય કે આવું કેવી રીતે ચાલે? પહેલાં ફક્ત ખીજ ચઢતી હતી. પછી આવું ન ચાલે તો શું ચાલે, તેના વિકલ્પની દિશામાં જવાનું થયું. પત્રકારત્વનું શિક્ષણ કેવી રીતે અપાવું જોઈએ, એવો એક ખ્યાલ હતો. નડિયાદની મહિલા આટ્‌ર્સ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતા સાથે એ વિશે અનેક વાર વાત થઈ હશે. છેવટે એ ખ્યાલ સાકાર કરવાની તક મળી અને બે વર્ષ પહેલાં નડિયાદમાં હસિત મહેતા, કેતન રૂપેરા, પારસ જ્હા અને પારુલ પટેલ સાથે પત્રકારત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ થઈ શક્યો છે. એવી જ રીતે, આપણાં ગમતાં પ્રકાશન થઈ શકે એવી એક પ્રકાશનસંસ્થા હોવી જોઈએ, એવું ઘણા સમયથી લાગતું હતું. તેમાંથી દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ જેવા મિત્રોની સાથે ‘સાર્થક પ્રકાશન’ અસ્તિત્વમાં આવ્યું. આ એપ્રિલમાં સાર્થકને પાંચ વર્ષ પૂરાં થશે. કાર્તિકભાઈના પ્રતાપે, કારણે સાર્થક પ્રકાશન સારી રીતે ટકી શક્યું છે. તેનું છ માસિક સામયિક સાર્થક જલસો અમારું ગમતું મૅગેઝીન કેવું હોય, તેના અમારા ખ્યાલનું સાકાર સ્વરૂપ છે.

૨૦૦૨ પછી મારે જે કંઈ લખવાનું થયું, તે મને હેલિકોપ્ટરમાંથી બીજ વેરવા જેવું લાગ્યું હતું : આપણે બીજ વેરીને આગળ વધી જવાનું. ક્યાં શું ઊગ્યું તેની આપણને ખબર ન પડે.  એક વાર અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. નામ : કેતન પટેલ. ચરોતરના. વ્યવસાયે ડેન્ટિસ્ટ. થોડી દોસ્તી થયા પછી તેમણે કહ્યું કે ૨૦૦૨ પછી હું પણ અમુક રીતે વિચારતો થઈ ગયો હતો, પણ તમારા લેખ વાંચ્યા પછી ધીમે ધીમે મને સમજાયું કે એ રીતે વિચારવા જેવું છે. પછી મારો અભિપ્રાય બદલાયો. કેતનભાઈએ જે કહ્યું, એ કહેવામાં હિંમત જોઈએ. આવી હિંમતવાળા વધારે લોકોની જરૂર છે.

પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો ૭૦ વર્ષની સરેરાશ વયના હતા. પાંચ વર્ષ પહેલાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી માટે ભણવા ગયો, તેમાં મારાથી વીસબાવીસ વર્ષ નાનાં મિત્રો મળ્યાં. શૈલી ભટ્ટ, નિશા પરીખ, આરતી નાયર જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રોને કહી રાખ્યું છે કે અત્યારે તો મારું ઠેકાણે છે પણ જ્યારે તમને લાગે કે ઠેકાણે નથી રહ્યું, ત્યારે મહેરબાની કરીને કહી દેજો. લખવાનું બંધ કરીશ અને બોલવાનું તો પહેલી તકે બંધ કરીશ. કારણ કે જાહેર જીવનમાં મોટી ઉંમરના ઘણા લોકોને જોઈએ છે, તે એક સમયે સરસ હોય છે. પણ પછી તે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, લખ્યા જ કરે છે, લખ્યા જ કરે છે. આમન્યાને કારણે કોઈ એમને કહેતું નથી, પણ એ જાય ત્યારે પોતાની આબરૂનો મોટો હિસ્સો પોતાના જ હાથે ભૂંસીને જાય છે. એમની આબરૂ તો બહુ હશે, એટલે એમને પોસાતું હશે. મારી એટલી બધી નથી. એટલે મને એ ન પોસાય.

હવે છાપાંની ઓફિસમાં જવાનું નથી. પણ લખવાનું ચાલુ જ રહેશે. ફ્રીલાન્સ લેખન ઉપરાંત લખવાનાં ઘણાં કામ રાહ જુએ છે. ગાંધીજી વિશેનાં એક-બે લાંબાં કામ, જ્યોતીન્દ્ર દવેના જીવન અને અગ્રંથસ્થ સાહિત્ય વિશે દોઢેક દાયકાથી ચાલતું કામ અને એ બધાથી પહેલાં, આવતા મહિને પીએચ.ડી.નો મહાનિબંધ જમા કરાવી દેવાનો છે.  કામ કરવામાં હું બહુ ઉત્સાહી અને ઝડપી છું. ઘરનો મોરચો મજબૂત હોય – આર્થિક નહીં, માનસિક રીતે – તો દુનિયા જોડે પહોંચી વળાય છે. એટલે એની ચિંતા નથી.

નીરુભાઈ દેસાઈના નામ સાથે સંકળાયેલા આ સન્માનની શરૂઆત માટે મારી પર વિશ્વાસ મુકવા બદલ અને મારી પસંદગી કરવા બદલ આભાર.

(સન્માન સ્વીકાર વક્તવ્યનો સંપાદિત પાઠ)

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅ પ્રિલ 2018; પૃ. 08, 09 અને 15 

Loading

...102030...3,1373,1383,1393,140...3,1503,1603,170...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved