Opinion Magazine
Number of visits: 9582707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનરલ કંઇક વધારે પડતું જ બોલે છે

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|6 April 2018

હાલમાં જ બિપીન રાવતે દેશની પૂર્વોત્તર સીમાની સુરક્ષાનાં મુદ્દે દિલ્હીનાં એક સેમિનારમાં કહ્યું હતું કે આસામમાં એક પાર્ટી AIUDF (All India United Democratic Front) છે. તમે જુઓ કે જે પ્રકારે બીજેપી વર્ષ ૧૯૮૪માં ૨ સીટોથી વધીને આજે અહીં સુધી પહોચી છે તેનાં કરતાં પણ ઝડપથી આ પાર્ટી AIUDF અહીં ગતિ કરી રહી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે ત્યાં સમસ્યાઓ ઊભી કરતાં કેટલાંક લોકોની ઓળખ કરી લીધી છે અને તેઓ ગેરકાયદેસર શરણાર્થીઓ પણ હોઈ શકે છે. આસામમાં બહારથી ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાંથી પણ સતત સ્થળાંતર થઇ રહ્યું છે. જેનાં કારણે સમસ્યાઓ વધારે વિકટ બની રહી છે.

તેમનાં પોતાનાં અને આપણા હિતાર્થે જોતાં આર્મી ચીફ બિપીન રાવત જાહેરમાં જે કાંઇ પણ બોલે છે તે પ્રત્યે તેમણે સભાનતા કેળવવી જોઈએ.

ગત અઠવાડિયે (આ લેખ તારીખ ૯ નવેમ્બર, ૨૦૧૭નાં રોજનો છે) ઇન્ડિયન આર્મીના ઉચ્ચ કક્ષાના ઓફિસર બિપીન રાવત કોડાગુ (કર્ણાટકા) નામક એક સુંદર જિલ્લાની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે આર્મી સ્ટાફના પ્રથમ ભારતીય વડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને આ કાર્યક્રમમાં હાજરી દરમિયાન જનરલ રાવતે કહ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભારતરત્ન એવોર્ડ માટે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા(Kodandera M. Cariappa)નું નામ સૂચવવું જોઈએ. વધુમાં રાવતે અહીં જણાવ્યું હતું કે જ્યારે અન્ય લોકો ભારતરત્ન એવોર્ડ મેળવી રહ્યા છે ત્યારે હું તેમાં કોઈ કારણ જોતો નથી, પણ કરિઅપ્પા આ એવોર્ડને લાયક છે અને હું ટૂંક સમયમાં જ એ મુદ્દે સંબોધન કરીશ કે ભારતરત્ન એવોર્ડ માટે કરિઅપ્પાને પ્રાથમિકતા મળવી જોઈએ. હું આપણી આર્મીનો પ્રશંસક છું અને તેને માન પણ આપું છું. (મારો જન્મ અને ઉછેર દહેરાદૂન ખાતે આવેલી ઇન્ડિયન મિલિટરી અકાદમી પાસે જ થયો છે) અને જ્યારથી હું કર્ણાટકમાં રહું છું, મત આપું છું અને ટેક્સ ભરું છું ત્યારે હું એવું ઈચ્છું છું કે ભારતરત્ન એવોર્ડ કર્ણાટકની કોઈ એક વ્યક્તિને પ્રાપ્ત થાય. આ થકી મારા અને ફિલ્ડ માર્શલ કરિઅપ્પાના જૂના પારિવારિક સંબંધો વધારે મજબૂત બનશે.

જ્યારે મેં જનરલ રાવતની આ ટિપ્પણી અંગેનાં સમાચાર વાંચ્યા, ત્યારે મને ધ્રાસકો લાગ્યો. પોતાના પુરોગામીને ભારતરત્ન એવોર્ડ મળે તેવી ભલામણ જાહેરમાં કરવી એ આર્મી ચીફનું કાર્ય નથી. તેઓ કોઈ પણ સમયે આ પ્રકારની વાત કરે તે યોગ્ય નથી કે જ્યારે થોડા જ મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો એવું હોય કે આર્મીની સાથે સઘળી ચર્ચા કર્યા બાદ જનરલ રાવત એ પ્રકારના કોઈ નિર્ણય પર આવ્યા હોય કે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા ભારતરત્નને લાયક છે, તો તેમણે એક અંગત પત્રમાં આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવો જોઈતો હતો અને કોડાગુ જિલ્લાની જાહેરસભામાં આ મુદ્દે ઢંઢેરો પીટવો યોગ્ય નથી. પરંતુ, જનરલ રાવતે આ પ્રસ્તાવ અંગે આર્મી વર્તુળમાં ચર્ચા કરવા જેવી હતી. જો તેમણે આવું કર્યું હોત તો અન્ય વ્યક્તિઓનાં નામ અંગેની પણ એવોર્ડ માટે ચર્ચા થઇ શકી હોત.

કરિઅપ્પાની એકમાત્ર વિશિષ્ટતા એ હતી કે તેઓ સૌ પ્રથમ આર્મી ચીફ હતા અને એવું નથી કે તેઓએ તેમના ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી જ હોય. લશ્કરી ઇતિહાસવિદના તેમના સાથી જેવા કે કોડાવા જનરલ, કે.એસ. થીયપ્પાને તેમનાં કરતાં પણ વધારે હોશિયાર ગણાવે છે. આર્મીનાં ક્ષેત્રમાં પણ કોઈએક વ્યક્તિ સુધી સીમિત રહેવું એ યોગ્ય નથી. અને કદાચ હવાઈ અધિકારી માર્શલ અર્જન સિંઘ ભારતરત્ન એવોર્ડ માટે કરિઅપ્પા અને થીયપ્પા કરતાં પણ વધારે દાવેદાર છે. એક જાહેર સભામાં બોલતા પહેલાં શું રાવતે આ અંગે કશું પણ જાણ્યું હતું? કદાચ એવું બને કે જનરલ રાવતની ટિપ્પણીઓ યોગ્ય સ્થાને નહોતી પણ, એવું પણ નહોતું કે તેઓને આ પાત્રથી પર કશું ખબર હોય જ નહિ.

ભૂતકાળના આર્મી ચીફની માફક જનરલ રાવત પણ તેમના મુદ્દાથી બહારની વાત જાહેરમાં સંબોધી ચૂક્યા છે કે જેનાથી તેમનો અને સાથે સૈન્યનો પણ નકારાત્મક પ્રચાર થયો છે. રાવતે આ પ્રકારની વાત જાહેરમાં કરવી જોઈએ નહિ, દાખલા તરીકે તેઓએ જાહેરમાં કાશ્મીરમાં પથ્થરમારો કરનાર લોકોની આતંકવાદીઓની સાથે સરખામણી કરી હતી. તેઓને જાહેરમાં એવી પણ બડાઈ હાંકવાની જરૂર નહોતી કે આપણી આર્મી વારાફરતી બંને મોરચે લડાઈ લડવા માટે તૈયાર હતી. સત્યના પરિપ્રેક્ષ્યમાં આ બંને વિધાનો પક્ષપાતી વલણ ધરાવે છે અને દુર્ભાગ્યે તેની અસર પણ પડે છે. જનરલ રાવતના શબ્દો પ્રશ્નો કરી શકાય એવા ખુલ્લા છે, સાથે તેમનાં કાર્યો પણ એ પ્રકારના જ છે.

મુંબઈમાં રેલવે ઓવરપાસ બનાવવા માટે આર્મીની મદદ લેવી તે પ્રકારના સરકારી સંઘના નિર્ણયની બહોળા પ્રમાણમાં ટીકા કરવામાં આવી હતી. આ જોતાં એવું લાગી રહ્યું છે કે ટેકનોલોજીનો અમલ કરવા કરતાં પણ આ નુકસાનનું નિયંત્રણ કરવા માટે શાસક પક્ષને ખૂબ કવાયત કરવી પડશે. (આ માટે, સંરક્ષણ સંઘ અને રેલવે મંત્રીઓ સાથે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પણ જે – તે સ્થળે ફોટો ખેંચાવવા માટે પહોંચી ગયા હતા.) સરકારના આ નિર્ણયનું આર્મીના ચીફે પાલન કર્યું હતું અને રેલવેના પોતાના ઈજનેરી દળનો જુસ્સો પણ તોડી પાડ્યો હતો. જાણે કે નાના એવા બ્રીજનું નિર્માણ કરવું એ ભાગ્યે જ થતું કાર્ય છે. સુશાંત સિંઘે તેમની કોલમમાં લખ્યું હતું કે સરકારને એ વાતનો ખ્યાલ હોવો જ જોઈએ કે આર્મીનાં સ્ટાફને સંકટમય હોય નહિ તે પ્રકારની નાગરિકની ફરજ માટે રોકવા તે સહજ રીતે સંસ્થાકીય ખતરો છે. નાગરિકોના રોજિંદા કાર્ય માટે વગર વિચાર્યે આર્મીનો માર્ગ પલટો કરવો યોગ્ય નથી અને તે માટે ભવિષ્યમાં દેશને મોંઘી કિંમત ચૂકવવી પડશે.

દાયકાઓ પહેલાં, જાહેર સંસ્થાઓમાં ભારતીય લોકશાહીને અતિશય રાજકીય દખલગીરીમાંથી પસાર થવું પડ્યું હતું. ઇન્દિરા ગાંધીનાં આગમનની સાથે જ અમલદારશાહી, પોલીસ, કર અને જકાત સત્તાવાળા તેમ જ તપાસ એજન્સીને પોતાની સ્વાયત્તતા ગુમાવવી પડી હતી. તેમનાં આગમનની સાથે જ અન્ય રાજકારણીઓ (તમામ પક્ષનાં અને તમામ રાજ્યનાં) વધુને વધુ પ્રાપ્ત કરતાં ગયાં. જ્યારે રહી ગયેલાં વ્યક્તિગત અધિકારીઓ કે જેમણે વ્યક્તિગત મંત્રીઓ હોવા છતાં પોતાનાં સૂચનો બંધારણમાંથી મેળવ્યાં અને તે પણ બંને રાજ્ય અને કેન્દ્રસ્થાનેથી. પક્ષનું સત્તાસ્થાને આવવાના કારણે ઘણા સરકારી ખાતાઓનો વિસ્તાર થયો હતો.

આપણા દેશની જાહેર સંસ્થાઓમાં ઓછું સમાધાન કરતી હોય તેવી જાહેર સંસ્થાઓમાં ચૂંટણી પંચ, રીઝર્વ બેંક, સુપ્રીમ કોર્ટ અને દેશની આર્મીનો સમાવેશ થાય છે. છતાં પણ તેની સ્વતંત્રતા સંબંધિત છે પણ નિરપેક્ષ નથી. જો આ સંસ્થાઓ સિદ્ધાંતમાં માનનારા અને હિંમતવાળા લોકો દ્વારા ચાલતી હોય તો, તેમની સ્વાયત્તતા અકબંધ રહે અને શ્રેષ્ઠ પ્રદાન કરી શકે. અને જો આવું ના હોય તો તેઓ રાજકીય દખલગીરીના શંકાના દાયરામાં રહે છે અને અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. એ વાત ચોક્કસપણે વ્યાજબી ગણી શકાય કે ટી.એન. સેશાન અને એસ.વાય. કુરેશી એવા સખત પ્રયત્નો કરશે કે જેથી ચૂંટણી પંચની અખંડિતતા અકબંધ રહે તેમ જ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આઈ.જી. પટેલ અને રઘુરામ રાજન એ પ્રકારની નાણાકીય નીતિઓની રચના કરશે કે જેથી શ્રેષ્ઠ વ્યાજ મળી શકે. પણ, તે હોદ્દાઓ પરના અન્ય વ્યક્તિઓ અંગે કશું કહી શકાય તેમ નથી. નૈતિક હિંમતનો અભાવ અથવા નિવૃત્તિ બાદની નોકરી બાદની મહત્ત્વકાંક્ષાઓ ઘણીવાર ન્યાયધીશો, મધ્યસ્થ બેંકના રાજ્યપાલ અને ચૂંટણી આયુક્તને એ માર્ગે દોરી જાય છે કે જે તેઓ ક્યારે ય કરી શકે તેમ નથી. ભૂતકાળમાં ઘણા એવા આર્મી ઓફિસર્સ ધ્યાનમાં આવ્યા છે કે જેમનો કોઈ ચોક્કસ રાજકારણી સાથે સંબંધ હોય. વર્ષ ૧૯૫૦ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ બી.એમ. કૌલ અને સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનનના કુખ્યાત સંબંધો પ્રકાશમાં આવ્યા હતા. પણ, આર્મી સ્ટાફના વડાઓ કર્તવ્યનિષ્ઠપણે રાજકારણથી દૂર જ રહે છે. ઓફિસમાં શ્રેષ્ઠ રીતે કાર્ય કરનાર આર્મીના વડાઓમાં જનરલ ટી.એન. રૈનાનો સમાવેશ થયો હતો. તેમના વિશેની એ વાત નોંધનીય છે કે કટોકટી દરમિયાન તેમણે શાસકપક્ષને આર્મીના યુનિટની મદદ માટે ના પાડી દીધી હતી, જ્યારે આ મદદ માટેનો હુકમ સંરક્ષણ મંત્રીએ કર્યો હતો. સાથે તે વાત પણ માનવી જોઈએ કે વર્ષ ૧૯૭૭માં કોંગ્રેસ ચૂંટણી હારી ત્યારે તેમણે પરિણામ રદ કરવા માટેની દરમિયાનગીરીની વાત નકારી કાઢી હતી. મોટાભાગના આર્મી સ્ટાફના વડાઓ જાહેર બાબતો વિષયક ટિપ્પણીઓ કરવાનું ટાળે છે. જેમાં માત્ર બે બાબતો અપવાદ રહેલી છે, એક જ્યારે તે વ્યક્તિ વર્તમાન પદધારી હોય અને બીજુ કે જ્યારે તે વ્યક્તિની ભારે પ્રશંસા કરવામાં આવી હોય. એ વાત નોંધનીય છે કે વર્ષ ૧૯૫૨માં જનરલ કરિઅપ્પાએ સમગ્ર દેશમાં ઘણાં ભાષણો આપ્યા હતા અને ઘણી પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કર્યું હતું. તેમણે તે દરમિયાન રાજકીય અથવા અર્ધ-રાજકીય નેતાની ભૂમિકા ભજવી હતી. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આર્મી ચીફને તાત્કાલિક લેખિતમાં પ્રેસ કોન્ફરન્સમાં ઘટાડો કરવા માટેની સલાહ આપી હતી. આ જ રીતે આપણા વર્તમાન વડાપ્રધાન આપણા વર્તમાન આર્મી ચીફને આ પ્રકારની કોઈ સલાહ આપી શકે તેમ છે અથવા એવી કદાચ એવી કોઈ સલાહ ના પણ આપે. છતાં પણ જનરલ રાવતે જાહેરમાં ઓછું જ બોલવું જોઈએ. કારણ કે તેમના આ જાહેર ઉચ્ચારણ તેમની ઓફિસની અને ઇન્ડિયન આર્મીની વિશ્વસનીયતાને નુક્સાન પહોંચાડી શકે છે.

અનુવાદ – નિલય ભાવસાર

From The Indian Express, November 9th 2017

Loading

એટ્રૉસિટી એક્ટ છતાં દલિતો પર અત્યાચારો વધતા રહ્યા છે, ન્યાયતંત્રને એનો ખ્યાલ હોય જ ને !

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|6 April 2018

પોલીસ અને ન્યાયતંત્ર પાસેથી સંવેદનશીલ સક્રિયતાની અપેક્ષા રહે છે

‘એટ્રોસિટી એક્ટ’ તરીકે ઓળખાતા શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિઝ) એક્ટ, ૧૯૮૯ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર પ્રતિબંધક) ધારો, ૧૯૮૯)નો દુરુપયોગ થવાથી નિર્દોષોને વેઠવું પડે તે મતલબની વાત દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કરી છે. જો કે આ કાયદાનો ઉપયોગ ન થવાને કારણે નિર્દોષ દલિતો પર અત્યાચાર કરનારા નિર્દોષ છૂટી ગયા હોવાની વિગતો મોટા પ્રમાણમાં સાંપડે છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો(એન.સી.આર.બી.)ના ૨૦૧૦ થી ૨૦૧૬નાં વર્ષો દરમિયાનના આંકડા બતાવે છે કે એટ્રોસિટી કાયદા હેઠળના કેસોમાં દલિતો (શિડ્યુલ્ડ કાસ્ટ્સ) સામેના ગુના માટે સજા થઈ હોય તેવા કેસોના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે. ૨૦૧૦માં કુલ આરોપીઓમાંથી ૩૮% ને ગુનેગારો તરીકે સજા થઈ હતી, જેનું પ્રમાણ ૨૦૧૬માં ૧૬% પર ગયું છે. આદિવાસીઓ (શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) સામેના ગુનામાં ૨૦૧૦માં ૨૬% ગુનેગારોને સજા થઈ હતી જેનું પ્રમાણ ૨૦૧૬માં ૮ % પર ગયું છે. બીજી બાજુ કેસોના ભરાવો વધ્યો છે. દલિતોના કિસ્સામાં તે ૨૦૧૦માં ૭૮% હતો તેમાંથી વધીને ૨૦૧૬માં ૯૧%, અને આદિવાસીઓમાં ૮૩% થી ૯૧% પર પહોંચ્યો છે. આ સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કે અનુસૂચિત જાતિ સામેના ગુના ૧૦% અને આદિવાસીઓ સામેના ગુના ૦૬% વધ્યા છે. એન.સી.આર.બી.ના ૨૦૧૬ના આંકડા તો એ પણ બતાવે છે કે દલિત અત્યાચારોમાં ય સહુથી મોટો આંકડો મહિલાઓ પરના અત્યાચારોનો છે.

એટ્રોસિટી કાયદાનો અંગત કે રાજકીય કારણોસર દુરુપયોગ થતો હોય તેવા કિસ્સા ટાંકવામાં આવે છે તેનો ઇન્કાર કરવાનો અર્થ નથી. બહુ જાણીતા દલિત કર્મશીલ કાન્ચા ઇલૈયાએ સર્વોચ્ચ અદાલતના અત્યારના ચૂકાદાની ટીકા કરતાં એક લેખમાં તેમની ખુદની સામે ઑક્ટોબરમાં કરવામાં આવેલા એક એટ્રોસિટી કેસ અંગે લખ્યું છે. ઓ.બી.સી. વર્ગના આ રૅડિકલ લેખકના એક તેલુગુ પુસ્તક પર ભારતીય જનતા પક્ષના દલિત સભ્ય કે. નાગારાજુએ કેસ કર્યો છે. ઇલૈયા કહે છે : ‘એટ્રોસિટી કાયદાનો આ બિલકુલ દુરુપયોગ છે.’ એ આગળ સવાલ કરે છે: ‘પણ શું દેશના ન્યાયતંત્રે આવા અપવાદાત્મક કિસ્સાને અનુસરીને ચાલવાનું છે ? શું આવા કિસ્સાને પગલે એણે દેશની પોલીસને એટ્રોસિટીના કાયદા હેઠળ એફ.આઈ.આર. ન નોંધવાનો નિર્દેશ આપવાનો છે?’ ભાજપ સાથે સંકળાયેલા રાજકીય નિરીક્ષક અને વાચનીય લેખક સુધીન્દ્ર કુલકર્ણી એક લેખમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગની છણાવટ કરે છે. એન.સી.આર.બી.નો  એક વર્ષનો એક આંકડો તે એક લીટીમાં આપે છે કે ૨૦૧૫માં કુલ ફરિયાદોમાંથી ૧૫ % ખોટી હતી અને ૭૫% ટકામાં કેસેસ પાછા ખેંચાયા અથવા આરોપી નિર્દોષ સાબિત થયા. કુલકર્ણી એવા કેટલાક કિસ્સા ટાંકે છે કે જેમાં કર્મચારીઓ તેમની સામે પગલાં લેનાર ઉપરીઓ સામે કરેલો એટ્રોસિટીનો કેસ ખોટો સાબિત થયો હોય. આ કર્મચારીઓએ નોકરી દરમિયાન જુદા જુદા પ્રકારની ગેરશિસ્ત આચરી હતી. એક દારુડિયો અધ્યાપક નશામાં વર્ગમાં ગયો હતો. એક કારકૂન કૉલેજમાં પૈસાની ઉચાપત કરતો હતો. કર્ણબધિરો માટેની શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીને મારતો હતો. એક એન્જિનિયરિંગ કૉલેજનો મદદનીશ ભ્રષ્ટાચાર કરતાં રંગે હાથ પકડાયો હતો.

ઉપરોક્ત દરેક કેસમાં આરોપી બનેલા ઉપરીને એટ્રોસિટી એક્ટના દુરુપયોગને કારણે સહન કરવાનું આવ્યું હોય તેનાથી સંવેદનશીલ મનને પીડા થાય એ સમજી શકાય તેમ છે. આનાથી અનેક ગણી, હકીકતમાં અકથ્ય પીડા ભારતનાં ગામડાંના દલિતોનો એક વર્ગ તેમની સલામતી માટે સર્જાયેલા એટ્રોસિટી એક્ટનો ઉપયોગ અસરકારક રીતે ન થવાને કારણે વેઠી રહ્યા છે. ગ્રામીણ ગરીબોની વાસ્તવિકતાનો જેને ભાગ્યે જ કોઈ અંદાજ છે તેવા ઉજળિયાત શહેરીઓના એક વર્ગને લાગે છે કે આ કાયદો દલિતો હથિયાર તરીકે વાપરી રહ્યા છે. રોજબરોજના સમાચારો ય ધ્યાનથી વાંચતાં સમજાય છે કે આપણા બહુમતીવાદી સમાજમાં એટ્રોસિટી કાયદાનો ડર ઠીક ઓછો છે. અન્યથા ૨૦૧૬-૧૭માં દેશના દલિત અત્યાચારોના ૪૫,૦૦૦ એટલે કે રોજના ૧૨૩ કેસો ન નોંધાયા હોત.

ગુજરાતમાં ઉજળિયાતોના ગરબા જોયા એટલા માટે કે ઘોડા પર બેઠા એટલા માટે દલિતની હત્યા ન થઈ હોત. સપ્ટેમ્બર 2012માં થાનગઢમાં પોલીસે ત્રણ દલિત યુવાનોને એ.કે.૪૭થી ઢાળી દીધા પછી છેક ત્રણ વર્ષે તેની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઇન્વેિસ્ટગેશન ટીમ રચી, પણ અત્યાર સુધી એનાથી આગળ ઝાઝું કશું બન્યું નથી. ઑક્ટોબર 2016માં મહિના માટે ગુજરાતનાં કેટલાંક ગામડાંના અગિયાર દલિત પરિવારો અનેક પ્રકારના અન્યાય-અત્યાચારો સામે ન્યાય મેળવવા માટે ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા હતા. તેઓ થાક્યા, તબિયતો લથડી, ઘરે પાછાં ગયાં, ન્યાય હજુ દૂર છે. જુલાઈ ૨૦૧૬ના ઉનાકાંડના આરોપીઓને એક પછી એક જામીન મળતા રહ્યા છે અને જુલમનો ભોગ બનનાર સરવૈયા કુટુંબ ડરના ઓથાર નીચે જીવી રહ્યું છે. તે બૌદ્ધ ધર્મનો અંગિકાર કરવાનું છે એમ વશરામભાઈ સરવૈયાએ જાહેર કર્યું છે. સરકારે સ્પેશ્યલ કોર્ટની માત્ર જાહેરાત જ કરી.

પંથકના દલિત સમાજને રોજી મળવાની મુશ્કેલીઓ વધતી રહી છે. ઉનાપીડિતોનું સદભાગ્ય છે કે એ લોકોને મારી નાખવામાં ન આવ્યા. અલબત્ત, એમને એટ્રોસિટીના કાયદા મુજબ ન્યાય મળવાનું આ દેશમાં અઘરું  છે. જેમ કે સપ્ટેમ્બર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાના ગામ ખૈરલાંજીના ભોટમાંગે નામના પ્રગતિશીલ ગરીબ દલિત પરિવારના ચાર સભ્યોની ઉપલા વર્ગના લોકોએ ઘાતકી રીતે હત્યા કરી. ગુનેગારોને ફાસ્ટ ટ્રૅક કોર્ટે મોતની સજા ફરમાવી, પણ વડી અદાલતે તેને જનમટીપમાં ફેરવી અને તેમાં અનુસૂચિત જાતિ સામેના અત્યાચારનો ગુનો બનતો નથી એવી ભૂમિકા લીધી ! બિહારમાં તો જાણે એટ્રોસિટી એક્ટ હોય જ નહીં એવો માહોલ હતો. ત્યાં રણવીર સેના નામનાં સામંતશાહી જમીનદારી  જૂથનાં હેવાનો  દલિતોનાં હત્યાકાંડો કરવા છતાં મોટે ભાગે પટનાની વડી અદાલતમાં નિર્દોષ છૂટતા રહ્યા છે. ૧૯૯૬માં બથાની તોલા ગામના હત્યાકાંડમાં  ૨૧ દલિતોને મારી નાખનાર  સેનાના ૨૩ જણને માટે નીચલી અદાલતે સજા ફરમાવી, વડી અદાલતે નિર્દોષ જાહેર છોડ્યા ! ૧૯૯૭માં લક્ષ્મણપુર બાથેમાં ૫૮ દલિતોની થયેલી હત્યાના ૨૬ આરોપીઓને વડી અદાલતે ઑક્ટોબર ૨૦૧૩માં નિર્દોષ છોડી મૂક્યા. ભોજપુર જિલ્લાના નગરી બજારમાં ઑક્ટોબર ૧૯૯૮માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના દસ દલિત કાર્યકર્તાઓની હત્યાના ૧૧ આરોપીઓ માર્ચ ૨૦૧૩માં નિર્દોષ છૂટી ગયા. ૧૯૯૯ના ગણતંત્ર દિને જેહાનાબાદના શંકરબિઘામાં ૨૨ દલિતોના હત્યારા જાન્યુઆરી ૨૦૧૫માં ગુનામુક્ત જાહેર થયા. મિયાંપુરમાં ૨૦૦૦ના વર્ષે દલિતો સહિત ૩૨ જણની હત્યા થઈ તેના તેર વર્ષ બાદ દસમાંથી નવ આરોપીઓ નિર્દોષ સાબિત થયા. આવી અભ્યાસપૂર્ણ અને અસ્વસ્થકારક સ્મિતા નરુલાના, સૉફ્ટ કૉપીમાં પણ હોય તેવા, પુસ્તક ‘બ્રોકન પીપલ’(ગુજરાતી અનુવાદ ‘દુભાયેલા લોકો’, ૧૯૯૯)માં મળે છે.

દુનિયામાં બધે જ હોય છે તેમ દલિત અત્યાચારોમાં વધુ વેઠવાનું મહિલાઓને જ આવે છે. સમાજના એક હિસ્સાના દલિતો તરફના ભેદભાવ, પોલીસ ખાતાની જડતા અને જ્ઞાતિવાદના રાજકારણે એટ્રોસિટી એક્ટના અમલ બહુ પેચીદો તેમ જ અઘરો બન્યો છે. આવા સંજોગોમાં અદાલતો પાસેથી દેશને વધુ સંવેદનશીલ વલણની અપેક્ષા રહે છે.

********

૦૫ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 અૅપ્રિલ 2018 

Loading

ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય, માનનીય જજસાહેબ

મેહુલ મંગુબહેન|Opinion - Opinion|6 April 2018

અમદાવાદમાં જજીસ બંગલો નામનો વિસ્તાર છે. ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહિત જજસાહેબોના બંગલાઓ છે. ઘણા સમય અગાઉ એ રસ્તા પર એક બંગલાની આગળ એક બમ્પ યાને કે સ્પીડબ્રેકર મુકવામાં આવેલું. મજાની વાત એ હતી કે ટ્રાફિકથી ભરચક જજીસ બંગલો ચાર રસ્તા ફક્ત ૧૦૦-૨૦૦ ફૂટ જ દૂર પણ બમ્પ જજસાહેબના બંગલા આગળ. હું મજાકમાં એને ઘણીવાર જસ્ટીસ બમ્પ કહેતો.

માન સહિત મારે એ કહેવું પડે છે કે અનુસૂચિત જાતિ –જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સુપ્રિમના માનનીય જજસાહેબોએ કરેલો સુધારો મને પેલા જસ્ટીસ બમ્પની યાદ અપાવે છે. અલબત્ત એ બમ્પ તો પાકી સડક પર હતો, પણ અહીં તો ન્યાયના સાવ ધીમા ગાડાચીલા પર જાણે ખોટા કેસોની મર્સિડીઝ પૂર ઝડપે રોજે દોડ્યા કરતી હોય, એમ ધારીને સેફગાર્ડને નામે ખોટો બમ્પ ઠોકાઈ રહ્યો છે.

સૌરાષ્ટના લોકોને ગામોમાં રજવાડી ઘરો આગળ “આયાંથી કોઈ સડસડાટ નો જાવું જોયે” એનો ખોંખારો ખાતા બાપુબમ્પોનો પણ અનુભવ હશે જ!

ખેર, એમાં નથી પડતો પણ આ કેસમાં અદાલતનો ડ્રામા પણ રસપ્રદ લાગ્યો મને. રીવ્યુ પીટીશનમાં એટર્ની જનરલે કહ્યું “ દલિતો નારાજ છે, ૧૦ લોકોના મોત થયા છે, સ્ટે આપો”. મારી સા.બુ. મુજબ એટર્ની જનરલ સ્તરની વ્યક્તિ આ દલીલ કરે છે, તે સાબિત કરે છે કે પટકથા મુજબ નાટક ચાલુ છે, કેમ કે જગતની કોઈપણ અદાલત પબ્લિક પ્રેશર છે, એવું કહો તો સ્ટે ન જ આપે. એમની પ્રથમ દલીલ જ બંધારણીય હોવી જોઈએ અને કેવી રીતે કાયદાનો મૂળ હેતુ માર્યો જાય છે તે હોવી જોઈએ.

એમની બીજી દલીલ કાયદામાં માર્ગદર્શિકાની જરૂર જ નથી, એ પણ એટલી જ વાહિયાત છે. માર્ગદર્શિકા અદાલત આપી ચૂકી છે, ત્યારે ફોકસ કાયદાના હાર્દ પર અને તેને લીધે શું શું થઇ શકે છે તેના પર જ હોવું જોઈએ. વળતરની દલીલ પણ બિનજરૂરી હતી એવું મને લાગે છે. નોંધ લેવી કે હું વકીલ નથી. ઠીક છે આપણે કદાચ એમ માનીએ કે બંધના એલાન પછી લાંબી નીંદર લઈને જાગી, એટલે તૈયારી કરવાનો વખત નહિ મળ્યો હોય, સરકારને.

માનનીય અદાલત વ્યક્તિ સ્વાતંત્ર્યને શિરમોર ગણાવે છે અને તે છે જ એનો ઇનકાર થઇ શકે નહિ. પણ અહીં સવાલ એ છે કે સંવિધાન અને ન્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને કોના વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ વધુ મહત્ત્વનું ગણાય ? જાતિ આધારિત હિંસા અને અત્યાચારનો ભોગ બનનારા દલિતો/આદિવાસીઓનું કે જેમના પર હિંસા/અત્યાચારનો આરોપ છે તેમનું ? ધારો કે દલીલ ખાતર માની લઈએ કે કાનૂન આંધળો હોય છે અને જજને મન સૌ સરખા તો જજ સાહેબ સાત દિવસની તપાસને નામે પોલીસ આરોપીઓ સાથે મળીને કેસની કેસની પત્તર ફાડી નાખશે એ અટકાવવા કેમ બમ્પ નથી મુક્યો માર્ગદર્શિકામાં ?

આગોતરા જામીન લઈને છૂટેલો આરોપી મોંઘા વકીલ સાથે મળી સામ-દામ-દંડ-ભેદ કરીને બળાત્કાર/હત્યા જેવા ગંભીર ગુનાઓનો કેસ પણ ફીંડલું વાળી દેશે એના માટે એક નાનકડો બમ્પ કેમ નહિ? કે પછી માનનીય જજસાહેબોને ખાતરી છે કે સાત દિવસના સેફગાર્ડમાં તપાસ કરનારા અને આગોતરા જામીન મેળવનારા તમામ આરોપીઓ સત્યવાદી જ હોય અને દેશની ચોથા ભાગની વસ્તી કાયમ જૂઠી જ હોય ? કાયદા-કાનૂનની આછી સમજ છતાં ૧૫ વર્ષના જાહેરજીવનમાં મેં એવું જોયું છે કે આ કાયદા હેઠળ અત્યાચારના કેસોમાં કર્મશીલોની પોણી જિંદગી પોલીસ ફરિયાદ લેવડાવવામાં વીતે છે, પોણી આરોપીઓની ધરપકડ થાય એમાં વીતે છે. ને જો એ થાય તો પોણી ખાઈબદેલા કાળાકોટ સરકારી વકીલોને સંવેદનશીલ બનાવી કેસ યોગ્ય રીતે ચાલે એમાં જ વીતે છે ને છેક ત્યારે બે-ચાર માંડ ન્યાય પામે છે; બાકીના અન્યાયની હતાશામાં જીવતેજીવત અધુમુઆ જ રહે છે.

જજસાહેબો વિદ્વાન હોય છે એટલે એ સમજતા જ હશે કે ન્યાયની લડાઈમાં સામ-દામ-દંડ-ભેદ થકી પરાજિત થયેલો સગો બાપ પોતાના સગા દીકરાની હત્યા થઇ હોય તો પણ અદાલતમાં ફરી જતો હોય છે! જીવ કોને વહાલો ન હોય ? વ્યક્તિ સ્વાતંત્ર્યની માનનીય અદાલતની વાત સાચી છે પણ મને તો એટલું સમજાય છે કે આ દેશનું સંવિધાન નબળાનાં રક્ષણને પ્રાધાન્ય આપે છે અથવા કહો કે તે એના માટે જ સર્જાયું છે. ધારો કે ખોટા કેસની વાત કબૂલ કરીએ તો એની સામેની હકીકત એ પણ છે કે અદાલત સુધી પહોંચતા અત્યાચારના કેસ એ તો જાતિવાદી હિમશીલાની ફક્ત ટોચ માત્ર છે કેમ કે ન્યાયની સાયબી ભોગવી શકવાની તાકાત અને તે માટે જોઈતી હિંમત હજી દલિતો/આદિવાસીઓના છેવાડાનાં ફળિયા સુધી પૂરી પહોંચી જ નથી, પણ તો ય લોહીનાં છાંટણાં હોય એના કૂંડા ન ભરાય, એમ આ સાવ ધીમા ગાડાચીલા પર ન્યાયની હડફેટે આવતા કોઈ નિર્દોષને બચાવવા એક કાંકરી જ કાફી હોય, ત્યાં આખું ગાડું ઉથલી પડે એવા મસમોટા બમ્પ ન મુકાય, કેમ કે એમ કરવામાં આખો ન્યાય જ ઉથલી પડે.

આશા છે કે ભલે ધીમું તો ધીમું પણ ન્યાયનું ગાડું આગળ ચાલશે અને આ કાયદો એના નામ મુજબ “અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ” જ રહેશે “ઉમેરણ” અધિનિયમ નહિ બને. 

e.mail : makmehul@gmail.com

Loading

...102030...3,1353,1363,1373,138...3,1503,1603,170...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved