Opinion Magazine
Number of visits: 9686595
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની ભાષા-સંસ્કૃિતની ઉપાસનાનો યજ્ઞ પ્રજ્વલિત રાખનાર સવ્યસાચી ધીરુભાઇ ઠાકર

વી.એસ. ગઢવી|Opinion - Opinion|7 June 2018

એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં તેમણે મૂકી એ જ્વલંત ઘટના છે

સંવેદના તેમ જ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઊઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બિનસંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલું જ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર(૧૯૧૮-ર૦૧૪)નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય, ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શીતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલે લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગ્યા માટેનો ઇન્ટરવ્યુ હતો. 

સાંજે તેમનો ક્રમ આવ્યો ઇન્ટરવ્યુની વિધિ પૂરી થયા પછી જયદેવભાઇએ ઠાકર સાહેબેને પૂછયું : ‘‘વડોદરા તરફ જતી કોઇ બસ હવે સાંજના સમયે મળી શકશે ?'' ઠાકર સાહેબે સ્નેહથી જવાબ આપ્યો કે હવે આ સમયે વડોદરા તરફ જતી કોઇ બસ નથી. આટલો હકીકતલક્ષી પ્રત્યુત્તર આપીને સામાન્ય રીતે આપણે વાતચીતનો અંત લાવીએ. પરંતુ અહીં ઠાકરસાહેબ હતા, જેમને સામી વ્યકિતની સગવડ-અગવડ તરફ એક સંવેદનાનો ભાવ હતો.

ઠાકર સાહેબે જયદેવ શુકલને ચિંતામુક્ત કરતા ધરપત આપી કે મોડાસા કોલેજની હોસ્ટેલમાં તેમના રહેવાની તથા જમવાની સુવિધા થઇ જશે. હોસ્ટેલના રેક્ટરને ધીરુભાઇની સૂચના હોવાથી રહેવા-જમવા વગેરેનો ચાર્જ લીધા સિવાય જયદેવભાઇની મહેમાનગત કરવામાં આવી. ઠાકરસાહેબ જેવા વિદ્ધતજનોથી આપણે ભર્યા – ભાદર્યા છીએ એવી પ્રતિતિ થાય છે. ર૭ જૂને ધીરુભાઇની જન્મજયંતી આવે છે. તેથી અનેક લોકોને તેમનું પુણ્યસ્મરણ થવું સ્વાભાવિક છે. સંસ્થાઓનું નિર્માણ કરનાર ધીરુભાઇ આવી સંસ્થાઓનાં અનેક કાર્યો થકી આજે પણ જીવંત છે, ધબકતા છે.

સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનનાં કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ના વર્ષમાં જ ‘પદ્મભૂષણ'નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથે જ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે ધીરુભાઇ ઠાકરની સ્મૃિત થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચીલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી.

વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહીંતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘મોંઘેરી ગુજરાત'ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલાં ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ, તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીનાં વર્ષોની એક જ્વલંત ઘટના છે.

વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ, પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઊભું કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી.

ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે, તે ઠાકરસાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમ જ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણા ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ! આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે, સામૂહિક છે. ધીરુભાઇ ઠાકર જેવા કર્મયોગીનું જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશો ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.

વિશ્વકોશના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર પૂજ્ય મોટા, સાંકળચંદ પટેલ (વિસનગર) તથા ધીરુભાઇ ઠાકરના આપણે સૌ ગુજરાતીઓ સદાકાળ ઋણી રહીશું. મહારાજા ભગવતસિંહજીએ તેમ જ ધીરુભાઇ ઠાકરે કરેલી ગુજરાતી ભાષાની સેવા આ વિષયમાં કામ કરતાં દરેક લોક માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહે તેવી છે.

સૌજન્ય : ‘વાટે…ઘાટે…’, “નવગુજરાત સમય”, 07 જૂન 2018

Loading

એક નાનકડો પણ મહત્ત્વનો, કહો કે નિર્ણાયક વળાંક ભારતની વિદેશનીતિમાં નજરે પડી રહ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 June 2018

૧૯૯૧માં સામ્યવાદી રશિયાનું પતન થયું ત્યારે એમ માનવામાં આવતું હતું કે સામ્યવાદ સામે મૂડીવાદનો વિજય થયો છે, લોકતંત્રરહિત બંધિયાર સમાજની સામે ખુલ્લા સમાજનો વિજય થયો છે.

વડા પ્રધાન તરીકે માત્ર એક મુદતમાં સૌથી વધુ વિદેશપ્રવાસો કરવાનું માન નરેન્દ્ર મોદીને જાય છે. તેમના બધા જ પ્રવાસો સાર્થક હતા એવું નથી; પરંતુ તેમનો છેલ્લો ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ અત્યાર સુધીના સાર્થક પ્રવાસોમાં સ્થાન પામે છે. આનું કારણ અિનશ્ચિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે અને ભારત સરકારને ભલે થોડી મોડીથી પણ સમજાયેલી વાસ્તવિકતા છે. પહેલાં એ વાસ્તવિકતા શું છે, એ સમજી લઈએ.

આ એક પ્રકારનું સરળીકરણ હતું અથવા ભોળપણ હતું. બીજું, આનું વ્યાવહારિક અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે સામ્યવાદી રશિયાના પતન પછી જગત એકધ્રુવીય બની ગયું છે અને એ એક ધ્રુવ અમેરિકા છે. અમેરિકા સૂર્ય છે અને બાકીના દેશો એના ગ્રહો અને ઉપગ્રહો છે. વચ્ચે ચીન એક પડકાર તરીકે નજરે પડતું હતું, પરંતુ ચીન એના સામ્યવાદી શાસન અને મૂડીવાદી અર્થતંત્રના વિરોધાભાસનું એક દિવસ શિકાર બની જશે એની ખાતરી હતી.

એ પછી ૨૧મી સદી બેઠી અને એના પહેલા જ દાયકામાં સ્પષ્ટ થઈ ગયું કે ચીન એમ જલદી તૂટે એમ નથી, અને આર્થિક સમસ્યા અમેરિકા સામે ઝળૂંબાઈ રહી છે. અમેરિકાનું કૃત્રિમ અર્થતંત્ર ટકી શકે એમ નથી. આ બાજુ ચીન આર્થિક રીતે મજબૂત બનવાની સાથે લશ્કરી રીતે પણ મજબૂત બનવા લાગ્યું. ચીને વિસ્તારવાદી નીતિ અપનાવી, જેના વિશે બહુ ઓછું વિચારવામાં આવ્યું હતું અને તૈયારી તો બહુ જ ઓછી કરવામાં આવી હતી.

આની વચ્ચે એક ભારત છે જે નથી વિકસિત કે નથી અવિકસિત. એની પાસે માનવીય સંસાધન છે, બૌદ્ધિક ક્ષમતા છે, વિશાળ બજાર છે; પણ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ હોવાને કારણે તક ગુમાવતું રહે છે. એવો એશિયાઈ વાઘ જે દરેક પ્રકારની શક્તિ હોવા છતાં છલાંગ મારી શકતો નથી કે શિકાર કરી શકતો નથી. ટૂંકમાં ૨૧મી સદીના બીજા દશક સુધીમાં એટલું સ્પષ્ટ થઈ ગયું કે જગત અમેરિકાકેન્દ્રિત એકધ્રુવીય નથી. જગત અમેરિકા અને ચીન એમ દ્વિધ્રુવીય પણ નથી. જગત અનેક ધ્રુવીય પણ નથી. આ જગતમાં ભારત એક પરિબળ હોવા છતાં એવું પરિબળ પણ નથી કે એ એની શરતો મૂકી શકે. પાડોશી દેશો સામે પણ ભારત લાચાર છે. આ ઉપરાંત ભારત ચીનનો પાડોશી દેશ છે અને સરહદનો દાયકાઓ જૂનો ઝઘડો છે. બે દેશ વચ્ચે એક યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.

આ સ્થિતિમાં ભારતે શું કરવું જોઈતું હતું? એક રીતે કહીએ તો ૨૧મી સદીનો પહેલો દાયકો ભારત માટે લોસ્ટ ઑપોચ્યુિન ટીઝ જેવો રહ્યો છે. એનું કારણ આગળ કહ્યું એમ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ. દરેક પક્ષ રાષ્ટ્રીય હિત કરતાં પક્ષીય હિતને વધારે મહત્ત્વ આપતો હતો. આ બાજુ અમેરિકા ભારતને પોતાની સોડમાં લેવાનો પ્રયાસ કરતું હતું. એક તો ભારત મધ્યમ ક્ષમતાનો મોટો દેશ, ચીનનો પાડોશી અને વિશાળ માર્કેટ જોતાં આર્થિક ફાયદાઓ પણ નજરે પડતા હતા. ચીન ભારતની ઉપેક્ષા પણ કરતું હતું અને ભારત અમેરિકાની સોડમાં ન ઘૂસે એની ખબરદારી પણ રાખતું હતું. એ દરમ્યાન ચીનની વિસ્તરવાની અને ભારત ફરતે ભરડો લેવાની તૈયારીઓ ચાલતી હતી. આ બાજુ પાકિસ્તાન ચીનની સોડમાં ઘૂસવા માટે આતુર હતું.

આમ સમય વીતતો જતો હતો અને ભારત રાષ્ટ્રીય સર્વસંમતિ સાથેનો કોઈ નક્કર નિર્ણય નહોતું લઈ શકતું. મનમોહન સિંહની સરકારે હળવે હલેસે પ્રવાહની બહુ વિરુદ્ધ ગયા વિના કે પ્રવાહપતિત થયા વિના સાવધાનીપૂવર્કત ગાડું ગબડાવ્યું હતું. આ હળવે હલેસે નાવ ચલાવવાની નીતિને ભારતીય જનતા પાર્ટી યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારની નિર્બળતા તરીકે જોતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને વિદેશનીતિ વિકસાવી હતી કે ભારતે ચીનનો મુખોમુખ મુકાબલો કરવો જોઈએ. ગણતરીપૂવર્ક  ચારે બાજુ સંબંધો વિસ્તારીને ભારતે ચીનને રોકવું જોઈએ અને બને તો ચીનનો ભરડો લેવો જોઈએ. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ સંસ્થાના ડાયરેક્ટર હતા અને આ પોલિસી મુખ્યત્વે તેમણે વિકસાવી હતી.

એટલે તો વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી તેમને ખાસ વડા પ્રધાનના મંત્રાલયમાં લઈ આવ્યા હતા અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા હતા. નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના પહેલાં ચાર વરસમાં આ નીતિ અપનાવવામાં આવી હતી. ડોકલામ આનું પરિણામ છે.

હવે જાગતિક રાજકારણ પહેલાં કરતાં પણ વધુ અનિશ્ચિત છે. અમેરિકા આ જગતમાં કયારે ય ભરોસાપાત્ર નહોતું અને ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી અમેરિકાની શ્રદ્ધેયતામાં ઘટાડો થયો છે. ભારત આર્થિક કે લશ્કરી કોઈ રીતે અમેરિકા પર ભરોસો મૂકી શકે એમ નથી. અમેરિકા ચીન અને રશિયા સામે ટ્રેડ-વૉર કે બીજી કોઈ પણ વૉર કરી શકે છે, પ્રતિબંધો લાદી શકે છે અને એની શરૂઆત થઈ પણ ચૂકી છે. એ બારોબાર સંધિઓ તોડે છે. નૉર્થ કોરિયા સાથે કોઈ તૈયારી વિના શિખરપરિષદની જાહેરાત કરે છે, એને રદ કરે છે અને વળી પાછી કિમ ઉનને મળવાની જાહેરાત કરે છે. આ બાજુ ચીન સ્થિત ગતિથી આગળ વધી રહ્યું છે. ચીન ભારતને બાથમાં લેવાના સંકેત આપે છે, પરંતુ ચીનની બાથમાં જવું એ ભીમ ધૃતરાષ્ટ્રની બાથમાં જાય એવું બની શકે એ વાતે ભારત ડરે છે.

આ સ્થિતિમાં એક નાનકડો પણ મહત્વનો, કહો કે નિર્ણાયક વળાંક ભારતની વિદેશનીતિમાં નજરે પડી રહ્યો છે. વળાંક મહત્ત્વનો અને કદાચ નિર્ણાયક છે એટલે જરૂરી પૃષ્ઠભૂમિ આપ્યા પછી એની વિગતે વાત કરવી જોઈએ જે હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 જૂન 2018

Loading

ગાંઠિયાનો મહિમા : અમારું કાઠિયાવાડ

શાહબુદ્દીન રાઠોડ|Opinion - Opinion|7 June 2018

“હું વસ્તુ સૌથી મોંઘેરી

ને જાજરમાન વહેંચું છું,

ઓલ્યા ઇમાન વેચે છે

ને હું મુસ્કાન વહેંચું છું.”

મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી, એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ. ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ. વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય. અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા.

સાંજ પડ્યે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધા ય કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ. ડાયરામાં હું કાયમ કહું કે :-

   “ભડકે ઇ ભેંસ નહીં,
   બેહે ઇ ઘોડો નહીં,
   ગાંગરે નહીં ઇ ગાય નહીં,
   જાગે નહીં ઇ કૂતરો નહી,
   હસે નહીં ઇ માણા નહીં,
   ને …
   ગાંઠિયા ન ખાય ઇ ગુજરાતી નહીં.”

મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. રોજ રાત્રે અમારા જેવા કેટલા ય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ. અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે. વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’ અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે, “અમારી બીજી કોઈ શાખા નથી.”

એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો. ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે, “સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?”

હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે. તું વિચાર, અટાણે મને કોણે ધક્કો માર્યો હશે? ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે?”

મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલર મરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં. ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે, સાહેબ, તમે તો મારી દુખતી રગ ઉપર પગ મૂકી દીધો. હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું. મને ય શું મારી બા મોકલતી હશે? પછી તો અમે બે ય સમદુખિયા એટલું રડ્યા કે અમારા ગાંઠિયા પલળી ગયા.

ગાંઠિયાનો મહિમા અપરંપરા છે. મારા તો એપેન્ડિક્ષના ઓપરેશન વખતે આંતરડાંમાંથી ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢ્યાના દાખલા છે. મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું.

નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે, ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે, ત્યાં સુધી ખવાતાં રહેશે. મારી તો કલ્પના છે કે, ઇ.સ. ૨૦૨૦માં ભારત સરકાર બસ્સો કરોડની ગાંઠિયાની યોજના વહેતી મૂકે તો નવાઈ નહીં. વિશ્વના તમામ દેશોમાં ગુજરાતના ગાંઠિયા એક્સપોર્ટ કરવા માટે કેબિનેટમાં ચટણીમંત્રી, મરચાંમંત્રી અને ગાંઠિયા વિકાસમંત્રીની નિમણૂક થશે. દરેક કંદોઈને લાલ ગોળાવાળી ગાડી અને લોટ બાંધતી વખતે ઝેડપ્લસ સુરક્ષા અર્પણ કરાશે. યાદ રાખજો ગાંઠિયાનો વિકાસ એ જ ભારતનો વિકાસ હશે.

ગાંઠિયાવાદી પાર્ટીની જય હો.

   હું આપું ગામડાં બે-ચાર, દિલને મોજ આવે છે,
   કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.

   છે દુર્લભ દેવતાઓને તીખાં મરચાં, તીખી ચટણી,
   ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

   હું ફાઈવસ્ટાર હોટેલમાં જમું છું તે છતાં આજે,
   એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાં ય આવે છે.

   ચણાનો લોટ, સોનાની કડાઈ સ્વર્ગમાં છે પણ
   ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?

   એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા,
   જડ્યું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે.

Loading

...102030...3,1243,1253,1263,127...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved