Opinion Magazine
Number of visits: 9686310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણાચલ: ભારત અને ચીન સિવાયનો ‘પ્રદેશ’

વિશાલ શાહ|Opinion - Opinion|13 June 2018

ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે ત્યારે અરુણાચલ પ્રદેશ અચૂક સમાચારોમાં ચમકે છે, પરંતુ આ કારણથી વારંવાર સમાચારમાં ચમકતો નથી એવો પણ અરુણાચલમાં એક 'પ્રદેશ' છે. આ પ્રદેશ જાણે દેશથી અલગ પડી ગયો હોય એવા ઉત્તર પૂર્વ (નોર્થ-ઇસ્ટ) ભારતમાં આવેલો હોવાથી સરેરાશ ભારતીય તેના વિશે બહુ ઓછું જાણે છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ૬૬ પ્રજાતિનાં પક્ષી પહેલીવાર નોંધાયાં. આ ૬૬ પૈકી છ ઝડપથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિમાં આવે છે. આશ્ચર્યની વાત છે કે, અત્યાર સુધી સરકારના લાગતા-વળગતા વિભાગોને ખબર ન હતી કે, આ ૬૬ પ્રકારનાં પક્ષીઓ અરુણાચલમાં પણ વસવાટ કરે છે. આજે ય ભારત સરકાર પાસે અરુણાચલ સહિતના હિમાલયના અંતરિયાળ વિસ્તારોનાં જંગલો, નદીઓ અને ઉપનદીઓની ચોક્કસ માહિતી નથી. આ પહેલાં બ્રહ્મપુત્ર નદીની સિરીઝ પોસ્ટ કરાઈ ત્યારે એ વિશે વિગતે વાત કરાઈ હતી.

કેવી રીતે મળ્યાં અરુણાચલમાં નવાં પક્ષીઓ?

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયર્મેન્ટના સંશોધક અનિર્બાન દત્તા રોયે પીએચ.ડી. ફિલ્ડ વર્કના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એ માટે તેમણે અરુણાચલના અપર સિઆંગ જિલ્લાનાં જંગલોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ફિલ્ડ વર્ક કરીને શોધી કાઢ્યું કે, અરુણાચલના સિઆંગ ખીણમાં કુલ ૨૫૨ પ્રકારનાં પક્ષીઓની પ્રજાતિ રહે છે, જેમાંથી ૬૬ પ્રકારનાં પક્ષીઓ પહેલીવાર નોંધાયાં છે. જેમ કે, એશિયન એમરાલ્ડ, કોમન હૉક અને ડ્રોંગો જેવી કોયલની નવ પ્રજાતિ. ગ્રે લેગ ગૂઝ, કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, લિટલ ગ્રેબ અને મલાર્ડ જેવી માઇગ્રેટિંગ વોટરફાઉલ (જળકૂકડી)ની સાત પ્રજાતિ. આ સર્વેક્ષણ પહેલાં પક્ષીવિદ્દને અંદાજ પણ ન હતો કે, સિઆંગનાં જંગલોમાં આ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે! અરુણાચલમાં પહેલીવાર દેખાયેલાં પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામાં આવે છે. આ પહેલાં અરુણાચલનાં જંગલોમાં શિયાળામાં પક્ષી સર્વેક્ષણનું કામ થયું ન હતું.

કોયલની ત્રણ પ્રજાતિ (ક્લોકવાઇઝ) એશિયન એમરાલ્ડ, ડ્રોંગો અને કોમન હૉક

અનિર્બાન દત્તા રોય

આ થકવી દેતાં કામમાં અનિર્બાન દત્તા રોય સાથે સેન્ટર ઓફ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો વિવેક રામચંદ્રન અને કાર્તિક તિગાલાપલ્લી પણ જોડાયા હતા. આ ત્રણેય સંશોધકોએ કરેલું સર્વેક્ષણ 'જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સા' નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.

અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની સંસ્કૃિત

આ ત્રણેય પક્ષીવિદ્દોએ રજૂ કરેલા રિસર્ચ પેપરમાં એક વાતની ખાસ નોંધ લીધી છે, અરુણાચલની અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની અનોખી સંસ્કૃિત. જેમ કે, અરુણાચલના સિઆંગ ખીણ વિસ્તારમાં 'આદિ' નામની પ્રજાતિના લોકો વસે છે. આ આદિવાસીઓ વર્ષોથી 'ફરતી ખેતી' કરે છે. ફરતી ખેતી એટલે એક જમીનના ટુકડા પર પાક ઉતાર્યા પછી, બીજી વાર એ જમીનનું 'શોષણ' નહીં કરવાનું. કુદરતી રીતે જ ત્યાં જે કંઈ થાય એ થવા દેવાનું. એ જમીન પર પાક નહીં લેવાનો ગાળો દરેક સ્થળે જુદો-જુદો હોઈ શકે છે. આજે મોટા ભાગના લોકો એક ખેતરમાં દર વર્ષે એકનો એક પાક લેતા હોવાથી અથવા પાકની ફેરબદલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં કરતા હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જ્યારે ફરતી ખેતી સમગ્ર કુદરત માટે લાભદાયી છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકી છે.

માઇગ્રેટિંગ વૉટરફાઉલ(જળકૂકડી)ની (ક્લોકવાઇઝ) કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, મલાર્ડ અને લિટલ ગ્રેબ નામની પ્રજાતિ

આદિ’ આદિવાસીઓના કૃષિ આધારિત સોલંગ ઉત્સવનું દૃશ્ય

ફરતી ખેતી થતી હોય ત્યાં પશુ-પક્ષીઓ, જીવડાં અને અન્ય વનસ્પતિઓની પ્રજાતિમાં પણ વૈવિધ્ય જોવાં મળે છે. આ રિસર્ચ પેપરમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે, જો સિઆંગ ખીણમાં ફરતી ખેતી ના થતી હોત તો અહીંની પક્ષી સૃષ્ટિમાં આટલું વૈવિધ્ય ના હોત! આ સંશોધન દરમિયાન પ્રોટેક્ટેડ ઝોનની બહાર પણ સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિ મળી આવી છે. એ રીતે આ રિસર્ચ પેપર ફરતી ખેતીની તરફેણનો પણ મજબૂત કેસ સ્ટડી છે.

અરુણાચલની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ

વર્ષ ૨૦૦૦માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે, અરુણાચલનો ૭૭ ટકા વિસ્તાર જંગલોથી હર્યોભર્યો હતો. હિમાલયની પર્વતમાળામાં જોવા મળતું ઘણું બધું જૈવવૈવિધ્ય અરુણાચલમાં પણ જોવા મળે છે. હિમાલયની વિશિષ્ટ ભૂગોળને કારણે અરુણાચલને આ લાભ મળ્યો છે. ૨૦૧૩માં એક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, અરુણાચલનું ૩૧,૨૭૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જંગલ 'ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપ'નો હિસ્સો છે. આ લેન્ડસ્કેપ કુલ ૬૫,૭૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જે મ્યાંમાર, ચીન અને ભુતાનના કેટલાક વિસ્તાર સુધી પથરાયેલા છે. ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપની ભૂગોળ એટલી જટિલ હોય છે કે, ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ થઈ જ નથી શકતી એટલે ત્યાં કુદરત ખીલી ઊઠે છે. આ કારણસર અરુણાચલમાં ૮૫ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૫૦૦થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અને દુનિયામાં ક્યાં ય નથી એવાં પતંગિયાં, ફૂદ્દાં, જીવડાં અને સરિસૃપ સજીવો જોવાં મળે છે.

અપર સિઆંગ જિલ્લામાંથી વહેતી સિઆંગ નદીની આસપાસનાં જંગલ

ભારતમાં અરુણાચલ અને અરુણાચલનો નકશો

અરુણાચલની બીજી પણ એક ખાસ વાત છે. અહીંનો દરિયાઈ સપાટીથી સૌથી નીચેનો વિસ્તાર આસામ સાથે સરહદ ધરાવે છે, જ્યાં બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારનાં જંગલો આવેલા છે. એવી જ રીતે, અરુણાચલનો સૌથી ઊંચો વિસ્તાર તિબેટ સાથે સરહદ વહેંચે છે, જ્યાં પૂર્વ હિમાલયના નીચાણવાળા વિસ્તારનાં લીલાં જંગલો આવેલાં છે. આ પ્રકારની ભૂગોળના કારણે અરુણાચલના લૉઅર સુબાનસિરી જિલ્લામાં ઔષધીય ગુણો ધરાવતી ૧૫૦ જાતની વનસ્પતિ પણ મળે છે.

અરુણાચલનો અનોખો 'બાયોસ્ફિયર રિઝર્વ'

વર્ષ ૧૯૯૮માં અરુણાચલમાં દિબાંગ ખીણ તેમ જ અપર સિઆંગ અને વેસ્ટ સિઆંગ જિલ્લાના કુલ ૫,૧૧૨ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારને 'દિહાંગ-દિબાંગ બાયોસ્ફિયર રિઝર્વ' જાહેર કરાયું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વના ૪૮૩ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને મોલિંગ નેશનલ પાર્ક જાહેર કરાયો છે, જેનો કેટલોક વિસ્તાર ઇસ્ટ સિઆંગ જિલ્લામાં પણ પડે છે. મોલિંગ 'આદિ' ભાષાનો શબ્દ છે. તેનો અર્થ 'લાલ ઝેર' અથવા 'લાલ લોહી' એવો થાય છે. એવું કહેવાય છે કે, અહીંની કેટલીક વનસ્પતિઓમાંથી લાલ રંગનો ઝેરી રસ નીકળે છે. આ કારણસર આ વિસ્તારને સ્થાનિકો 'મોલિંગ' તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત અહીં ઝેરી સાપોની પણ અનેક પ્રજાતિઓ છે, પરંતુ તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરવાનું હજુ બાકી છે.

(ક્લોકવાઈઝ) બાર્કિંગ ડિયર, રેડ પાન્ડા, ટેકિન અને સેરો (હિમાલયન)

મોલિંગ નેશનલ પાર્કમાં દરિયાઈ સપાટીથી ૪૦૦ મીટરથી ઊંચાઈએથી માંડીને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધીનાં જંગલો છે. આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) અને નીચે આવેલાં સામાન્ય જંગલોની વચ્ચે પડે છે, જ્યાં બંગાળ વાઘ, દીપડા, લાલ પાન્ડા, બાર્કિંગ ડિયર, સેરો (કાળા રંગની જંગલી બકરી) અને ટેકિન (જંગલી ભેંસ જેવી ભારેખમ બકરી) પણ જોવાં મળે છે. આ જ બાયોસ્ફિયર રિઝર્વમાં ૪,૧૪૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ આવેલું છે. અહીં કસ્તૂરી મૃગ સહિત હિમાલયમાં જોવાં મળતાં અનેક સસ્તન પ્રાણીઓ જોવાં મળે છે.

પક્ષીઓનું સ્વર્ગ એટલે, ઇગલનેસ્ટ સેન્ચુરી

અરુણાચલના વેસ્ટ કામેંગ જિલ્લામાં હિમાલયની તળેટીમાં ૨૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જાહેર કરાયો છે. ઇગલનેસ્ટની ઉત્તર-પૂર્વમાં સેસા ઓર્કિડ સેન્ચુરી અને પૂર્વમાં કામેંગ નદીની સમાંતરે પાખુઇ ટાઇગર રિઝર્વ આવેલું છે. ઇગલનેસ્ટ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડું જંગલ કામેંગ એલિફન્ટ રિઝર્વનો હિસ્સો છે, પરંતુ આપણે અહીં ઇગલનેસ્ટ સેન્ચુરીની જ વાત કરીએ. આ વિસ્તારમાં દરિયાઇ સપાટીથી ૫૦૦ મીટરની લઈને ૩,૨૫૦ મીટરની ઊંચાઈ સુધી જંગલો છે. વર્ષ ૧૯૫૦માં અહીં ભારતીય સેનાની રેડ ઇગલ ડિવિઝનની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેથી આ વિસ્તાર 'ઇગલનેસ્ટ' તરીકે જાણીતો થયો. આ નામને બાજ કે સમડી સાથે કોઈ લેવાદેવા નથી.

બુગુન લિઓસિચલા

રમણ અથરેયા

દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડિસ પર્વતમાળાઓ પછી દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં જોવાં મળે છે. અરુણચાલમાં જોવાં મળતાં ૫૦૦માંથી ૪૫૪ પ્રજાતિનાં પક્ષીઓ ઇગલનેસ્ટ સેન્ચુરીમાં વસે છે. અરુણાચલમાં ૧૯૯૫માં બુગુન લિઓસિચલા (Bugun liocichala) નામનું પક્ષી જોવા મળ્યું હતું. એ પછી ૨૦૦૬માં જાણીતા પક્ષીવિદ રમણ અથરેયાએ ફરી એકવાર ઇગલનેસ્ટમાં તેની નોંધ લીધી. એવું કહેવાય છે કે, હવે તેની વસતી માંડ ૧૪ રહી છે અને ઇગલનેસ્ટ સિવાય દુનિયામાં ક્યાં ય તે જોવા મળતું નથી.

આ ઉપરાંત ઇગલનેસ્ટમાં સસ્તન પ્રાણીઓની સાથે ઊભયજીવીની ૩૪, સાપની ૨૪, ગરોળીની સાત અને પતંગિયાની ૧૬૫ પ્રજાતિ પણ જોવાં મળે છે.

***

અરુણાચલના જંગલો અને જૈવ વૈવિધ્યની સુરક્ષા કરવામાં સ્થાનિક આદિવાસીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જેમ કે, ઇગલનેસ્ટ સેન્ચુરીનું રક્ષણ કરવામાં જંગલ ખાતાના અધિકારીઓને 'બુગુન' નામના આદિવાસીઓની પણ ભરપૂર મદદ મળે છે. આદિવાસીઓ કુદરત પાસેથી જોઇએ એટલું જ લેતા હોવાથી કુદરત જળવાઈ રહે છે. એટલે જ ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અંતર્ગત ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો નેશનલ પાર્ક કે સેન્ચુરીનો હિસ્સો ના હોય એવા વિસ્તારને 'કોમ્યુિનટી રિઝર્વ' જાહેર કરીને પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પરંપરાગત જ્ઞાનના રક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.

આ તો મીડિયામાં ચમકતા અરુણાચલ સિવાયના 'પ્રદેશ'ની એક નાનકડી ઝલક છે. અરુણાચલમાં નામડાફા  નેશનલ પાર્ક પણ આવેલો છે, જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. અરુણાચલમાં કામલાંગ, મેહાઓ, ઇટાનગર, કેન અને ડાઇંગ એરિંગ જેવા નાના-મોટા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમ જ પક્કે ટાઇગર રિઝર્વ પણ આવેલું છે. એક સમયે અરુણાચલમાં પણ લાકડું અને ઔષધીય વનસ્પતિઓ મેળવવા આડેધડ જંગલો કપાતાં હતાં અને બેફામ શિકાર પણ થતા હતા, પરંતુ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલના જંગલોમાં લાકડું કાપવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી ૨૦૦૬માં ફરી એકવાર બુગુન લિઓસિચલા મળી આવતા અરુણાચલની આંતરરાષ્ટ્રીય મીડિયાએ નોંધ લીધી હતી. આ પક્ષીને જોવા પ્રવાસીઓનો ધસારો અચાનક વધી જતા સ્થાનિકો પણ જંગલોનું મહત્ત્વ સમજતા થયા.

હવે સિઆંગ વેલીમાં દસ હજાર મેગા વૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેમ પણ બની રહ્યો છે, પરંતુ સ્થાનિકો જ કુદરતના ભોગે વિકાસ નહીં એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે.

સૌજન્ય : https://vishnubharatiya.blogspot.com/2018/06/blog-post_13.html?m=1

Loading

Love-till it hurts :

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2018

દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

અરુણ, અનિતા અને આદિત્યના દર્દની દાસ્તાન…

ડહાપણ (વિઝ્ડમ) એટલે શું? ડહાપણ એટલે નિજી જીવન અને અનુભવોને માનવ જાતિના અનંત સવાલોના જવાબમાં તબ્દીલ કરવાં તે. એક બાળક છે. એને જીવલેણ બીમારી છે, અને એ ભયાનક કષ્ટમાં છે. કેમ? કારણ કે ઈશ્વર પાસે પીડાને રોકવાનો પાવર નથી એટલે? કે પછી પાવર છે, પણ એને ખબર નથી? કદાચ એને પાવરની ખબર છે, પણ એને એ પીડાની દરકાર નથી, એવું તો નથી ને? કે પછી બાળકે ગયા ભવમાં પાપ કર્યા હતા, એટલે એ સજા ભોગવે છે?

આ અસ્તિત્વવાદી સવાલો અનંત અને યુનિવર્સલ છે. આપણા અથવા આપણા કોઈક ઓળખીતાના પરિવારમાં આવા સવાલ થયા હશે. આમ તો એના કોઈ જવાબ નથી, આપણે આપણી રીતે એનાં સમાધાન શોધ્યાં હશે. જીવનમાં અનિવાર્ય પીડા હોય તો એની સાથે જીવતાં શીખી લેવું પડે છે. કોઈ માણસ આજીવન, અંદરોઅંદર, એકલા હાથે, કષ્ટ સહન કરીને, એની ગહેરાઈ અને પહોળાઈમાં જઈને કોઈક સમાધાન શોધી લાવે, અને એ કોઈક બીજી વ્યક્તિના આવા જ સવાલોને કૈંક અંશે સહ્ય બનાવે તો એ ડહાપણ કહેવાય.

મુંબઈના પત્રકાર-મિત્ર દીપક દોશીએ હમણાં એક વિડીઓ વોટ્સએપમાં મોકલ્યો. મોટાભાગનાં વોટ્સએપ ફોરવર્ડ આમ તો નકામાં કે ફર્જી હોય છે, અને એ ઓપન થયા પહેલાં જ ડિલીટ થઇ જાય છે. આ એક અપવાદ હતો, એટલે એ ઓપન કર્યું. એમાં અરુણ શૌરીનો ઇન્ટરવ્યુ હતો. શૌરી એટલે એક વખતે વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા-ઇન્ડિયન એક્ષ્પ્રેસના સંપાદક અને વાજપેઈ સરકારમાં માહિતી-પ્રસારણ મંત્રી. ઇન્ટરવ્યુમાં જન્મથી જ સેરેબ્રલ પાલ્સીથી (મગજના લકવાથી) પીડાતા શૌરીના દીકરાની વાતો છે. ઉપર જે સવાલો પૂછ્યા તે આ વિડીઓ જોયા પછી આવ્યા. એમાં શૌરી મધર ટેરેસાનું એક વિધાન ટાંકે છે, જેણે ધ્યાન ખેંચ્યું – લવ, ટીલ ઈટ હર્ટસ ( love, till it hurts).

એટલે શું?

આ ખૂબસુરત વિધાન છે, જે નિજી પીડાને આધ્યામિક સ્તરે લઇ જાય છે. મધરના આ વિધાનને સમજવા માટે મારે શૌરીના દીકરાની બીમારી અને એની સાથે શૌરીની નિજી જીદ્દોજહદને સમજવી પડી. ઘણું બધું વાંચ્યું. ૩૪ વર્ષનો એમનો દીકરો, આદિત્ય, જન્મથી જ પગ પર ઊભો નથી રહી શકતો, જમણો હાથ ઉપયોગમાં લઇ નથી શકતો, એની દ્રષ્ટિ બેઢંગ છે, એ અટકી-અટકીને બોલે છે, અને એનું મગજ નાના બાળક જેવું છે. શૌરી અને એમની પત્ની અનીતાએ ૩૪ વર્ષ આદિત્યની સેવા પાછળ ગાળ્યાં છે. જિંદગી એટલી સરળ નથી કે ઉદાર પણ નથી – અનિતા ખુદ પાર્કિન્સનની બીમારીથી પીડાય છે. શૌરી બંનેની સેવા કરે છે. સર્વન્ટ ઇન ચીફ, એવો શબ્દ શૌરી વાપરે છે.

શૌરીએ આ દર્દની દાસ્તાનનું પુસ્તક લખ્યું છે. મથાળું છે, Does He Know A Mother's Heart? (એને માંનું દિલ ખબર છે?). આ મથાળું વિચારક જે. કૃષ્ણમૂર્તિ સાથેના એક પ્રસંગ પરથી આવ્યું હતું. શૌરી ઇન્ડિયન એક્ષ્પ્રેસમાં રિપોર્ટર હતા હતા, અને એક્ષ્પ્રેસના માલિક રામનાથ ગોયંકાએ દિલ્હીમાં કૃષ્ણાજીનો ઈન્ટરવ્યુ કરવાનું કામ સોંપ્યું હતું. વાત વાતમાં ત્યારે કૃષ્ણમૂર્તિએ સાથે દીકરાને લઈને આવવા કહ્યું. ફરી મળવાનું થયું ત્યારે કૃષ્ણાજી શૌરીની પત્ની વિષે પણ પૂછ્યું. શૌરીએ પત્નીની ગેરહાજરીનું બહાનું કાઢ્યું. પત્ની અનિતાને ગુરુને કે કોઈને મળવામાં રસ ન હતો કારણ કે, "એની આશાઓ વારંવાર બંધાઈને તૂટી પડી હતી."

પણ એક દિવસ, કૃષ્ણમૂર્તિએ એમને બનારસના કેમ્પસમાં બોલાવ્યાં. શૌરીએ પત્નીને પણ સાથે આવવા આજીજી કરી. બંને બનારસ ગયાં. કૃષ્ણાજીએ અનિતાને સોફામાં બાજુમાં બેસાડી, હાથ પકડીને વાતો શરુ કરી. અચાનક, એમણે પૂછ્યું કે, એને એના બાળક માટે કેવું લાગે છે? અનિતાએ કહ્યું કે, એ બહુ આનંદી દીકરો છે. કૃષ્ણાજીએ સવાલ દોહરાવીને કહ્યું કે, એ દીકરો કેવો છે એ નથી પૂછતા.

અનિતાએ કહ્યું, "એ અમારી જિંદગી છે." આ વખતે કૃષ્ણાજીએ જરા જોરથી સવાલ દોહરાવ્યો, અને અનિતા રડી પડી, જાણે મિસાઈલે ડેમ તોડ્યો હોય. પતિ અરુણ શૌરીએ, દીકરો આદિત્ય જન્મ્યો ત્યારથી, અનિતાના આંસુ જોયાં ન હતાં. કૃષ્ણમૂર્તિ શૌરી તરફ ફર્યા અને બોલ્યા, “See, I told you, you don't know a mother's heart” (જોયું, મેં તને કહ્યું હતું ને, તને માંના દિલની ખબર નથી." શૌરી લખે છે, "અને હું એમ માનતો હતો કે – મારામાં મારી માતાનું દિલ છે."

Does He Know A Mother's Heart? પુસ્તક આ ગહેરા, ચિરસ્થાઈ પ્રેમ વિષે છે — જે કઠે પણ છે, અને જીવવા માટે સક્ષમ પણ બનાવે છે. શૌરી, જેને દુનિયા પત્રકાર અને રાજકારણી (અને હવે તો મોદી વિરોધી) તરીકે ઓળખે છે, તે આ પુસ્તકમાં એમના ઘરમાં પીડા, કાળજી અને સ્નેહનું જે અંગત જીવન છે, તેને સાર્વજનિક કરે છે. આ પુસ્તક પ્રેમનું છે, એ પીડાથી શરૂ થઇ પીડામાં અંત પામે છે. અહીં પીડા એટલે કષ્ટ (સફરિંગ), જે અધ્યામિક છે, દર્દ નહીં (જે શારીરિક છે), જેનો ઉપચાર હોય.

૭૦ વર્ષના શૌરી એક સવાલ પૂછે છે, "ઉંમરની સાથે હું કમજોર પડીશ પછી, આદિત્યને કોણ પથારીમાંથી ઊંચકશે? અમે જઈશું પછી કોણ એનું ધ્યાન રાખશે?" આનો જવાબ નથી. શૌરી આ અંગત દર્દમાંથી ઉભરતા 'કેમ?' અને 'કેમ મારી સાથે?' જેવા સંકુચિત સવાલોથી આગળ જઈને, પીડાને ધાર્મિક અથવા યુનિવર્સલ ફિલોસોફીમાં કન્વર્ટ કરે છે, અને કહે છે કે, પીડાને એટલો પ્રેમ કરો કે એ પીડા જ ના રહે.

Love till it hurts. શૌરીએ એ કર્યું છે.

જે લોકો સ્પર્ધાત્મક સ્પોર્ટ્સમાં હશે એને ખબર હશે કે, તમે જેમ જેમ તકલીફ ઉપાડતા જાવ તેમ તેમ તમારું પરફોર્મન્સ બહેતર બનતું જાય. સૈન્યની ટ્રેનીંગમાં ફિઝીકલ પીડા એટલી હોય છે કે માણસ તૂટી જાય. એ તકલીફ તમે સહન કરે રાખો તો, એક થ્રેસહોલ્ડ આવે જ્યાં તકલીફ પરફોર્મન્સમાં તબદીલ થઇ જાય છે. તમે જો ફરહાન અખ્તરની 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ જોઈ હોય તો, એમાં પીડાના અંતિમ થ્રેસહોલ્ડ સુધી મિલ્ખા દોડે છે. એની પેલે પાર એ પીડા સમાપ્ત થઇ જાય છે. પ્રેમમાં પણ આવું જ છે, એ અહીં આ બધું વાંચતી વખતે સમજાયું.

જેને આપણે પ્રેમ કહીએ છીએ, તે પરીકથા નથી, સુખ નથી, વૈભવ નથી. પ્રેમ એ યાતના છે, ધીરજ છે, સહનશીલતા છે. પ્રેમ એ પીડા છે, કારણ કે તકલીફોમાં જ પ્રેમ પુરવાર થાય છે. પ્રેમ એ પોતાની જાતને બીજી વ્યક્તિની સામે ધરી દેવાની ક્ષમતા છે. પ્રેમ એ સ્વ-હિતનું બલિદાન છે. પ્રેમ એ સ્ટેટમેન્ટ છે – હું તારા માટે છું, તારી સાથે છું, નો મેટર વોટ.

પ્રેમ એ નિજી પીડાની પાર જવાની તાકાત છે. મધર ટેરેસા રોજ સવારથી સાંજ સુધી પૂરી જિંદગી દુનિયાના સૌથી કંગાળ, કમજોર, રોગીષ્ઠ અને ઉજ્જડ લોકોની વચ્ચે સેવા કરતી હતી. મધર પીડા પકડીને ખાટલામાં બેસી નો'તી જતી. એ વધુને વધુ સેવા કરતી હતી. મધર મિલ્ખા સિંઘની જેમ પીડાના થ્રેસહોલ્ડની પાર જતી રહી હતી, જ્યાં પીડા જ પ્રેમ બની ગઈ હતી. એટલે જ એણે કહ્યું હતું, "I have found the perfect paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love." ( મને એક આદર્શ વિરોધાભાસ સમજમાં આવ્યો છે – તમે તકલીફની સીમા સુધી જઈને પ્રેમ કરો તો એની પીડા ના થાય, વધુ પ્રેમ થાય.)

ગાલિબે પણ આવું નો'તું કહ્યું?

ઈશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના,
દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

(ઈશરતે કતરા = ટીપાંની ખુશી)

આ કેવી રીતે શક્ય છે? ઇન્ટરવ્યુમાં અરુણ શૌરી સુંદર જવાબ પૂરો પડે છે, "મેં આખી જિંદગી પત્ની અને પુત્રની સેવા કરી છે. મેં આફતને આરાધનામાં તબદીલ કરી નાખી" (I have converted suffering into service).

આ ઈન્ટરવ્યુ સાંભળીને અને શૌરીની કહાની વાંચ્યા પછી સમજનું (અને અહેસાસનું) એક ઔર પડ ખૂલે છે: તમે તમારી પીડાને બીજાની સેવામાં તબ્દીલ કરી નાખો તો એ પીડા પીડા નથી રહેતી.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 10 જૂન 2018

Loading

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય

અનુવાદ – નિલય ભાવસાર|Opinion - Opinion|12 June 2018

ધરપકડ કરાયેલ દલિત માનવાધિકાર કાર્યકર્તાઓને વિનાશરતે મુક્ત કરો

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.) મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જન આંદોલનો સાથે જોડાયેલ માનવાધિકાર કાર્યકર્તાઓ પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈ પણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરે છે.

૯ જૂન ૨૦૧૮: તારીખ ૬ જૂન ૨૦૧૮ની સવારે 6 વાગ્યાની આસપાસ નાગપુર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિભાગની અધ્યક્ષ તથા લાંબા સમયથી મહિલા અને દલિત અધિકારો પર કામ કરનાર કાર્યકર્તા પ્રોફેસર શોમા સેન, લાંબા સમયથી માનવાધિકારના હનનની લડાઈ લડી રહેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર(એ.આઈ.પી.એલ.)ના મહાસચિવ સુરેન્દ્ર ગડલિંગ, મરાઠી પત્રિકા વિદ્રોહીના સંપાદક તથા જાતિ નિવારણ સંબંધિત આંદોલન રિપબ્લિકન પેન્થરના સંસ્થાપક સુધીર ધવલે, માનવાધિકાર કાર્યકર્તા તથા રાજનૈતિક કેદીઓની મુક્તિ સંબંધિત સમિતિ(સી.આર.પી.પી.)ના સચિવ રોના વિલ્સન તથા ગઢચિરોલી ખનન ક્ષેત્રોમાં ગ્રામ સભાની સાથે કામ કરી રહેલ વિસ્થાપન વિરોધી કાર્યકર્તા તથા પ્રાઈમ મિનિસ્ટર્સ રૂરલ ડેવલોપમેન્ટ ફેલો રહી ચૂકેલ મહેશ રાઉતના ઘરો પર મહારાષ્ટ્ર પોલીસ દ્વારા છાપામારી કરવામાં આવી તથા નાગપુર, પૂણે અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓથી ધરપકડ કરવામાં આવી. એવું જણાવવામાં આવ્યું કે આ ધરપકડ જાન્યુઆરી ૨૦૧૮માં ભીમા-કોરેગાંવમાં થયેલ પ્રદર્શનના સંદર્ભમાં કરવામાં આવી છે.

મહેશ રાઉત રાજ્ય તથા કોર્પોરેટ દ્વારા જમીન પર કબ્જો કરવો, પ્રાકૃતિક સંસાધનોના દોહનની વિરુદ્ધ સ્થાનીય સમિતિઓની સાથે આદિવાસી હકોની માટે લડી રહ્યા છે. એડવોકેટ ગડલિંગ આ પ્રકારની જ લડાઈઓ કોર્ટમાં લડી રહ્યા છે. તેઓ આવા ઘણા દલિતો તથા આદિવાસીઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે જેઓને જૂઠા આરોપો તથા કઠોર કાયદા અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર તથા શારીરિકરૂપે ૯૦ ટકા દિવ્યાંગ એવા ડૉ. જી.એન. સાઈબાબાના કેસમાં વકીલ પણ છે. તેમના પર માઓવાદીઓની સાથે સંબંધ રાખવાના આરોપ છે. તેમના કેસની સુનાવણી પણ જલદી જ શરૂ થશે.

આ રીતે પ્રોફેસર શોમા સેન પણ રાજ્ય દ્વારા આચરવામાં આવતા દમન વિરોધી માનવાધિકાર આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શિક્ષક અને કાર્યકર્તા એમ બંને ભૂમિકાઓમાં તેઓ જીવનનું કડવું સત્ય બહાર લાવી રહ્યા છે.

સુધીર ધવલે જાણીતા દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક છે. તેમની વર્ષ ૨૦૧૧માં યુ.એ.પી.એ. અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી, પણ પુરાવાના અભાવે વર્ષ ૨૦૧૪માં તેઓને મુક્ત કરવામાં આવ્યા.

રોના વિલ્સન વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા છે. તેઓ એ.એફ.એસ.પી.એ. (આફ્સપા), પી.ઓ.ટી.ઓ. (પોટા), યુ.એ.પી.એ. જેવા કઠોર કાયદાઓના મુખ્ય વિરોધી રહ્યા છે.

અમારું માનવું છે કે ભીમા કોરેગાંવ એ માત્ર એક બહાનું છે. આ લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેનાથી આ સામાજિક કાર્યકર્તાઓને ન્યાયની લડાઈ, દમન તથા આદિવાસી ક્ષેત્રોમાં પ્રાકૃતિક સંસાધનોની લૂંટ વિરુદ્ધ લડતા રોકી શકાય.

એપ્રિલમાં પણ આ કાર્યકર્તાઓના ઘરે છાપામારી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાગળો પણ જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસે કબીર કલા મંચના સંસ્કૃિતકર્મીઓ રૂપાલી જાધવ, જ્યોતિ જગતપ, રમેશ ગાયેચોર, સાગર ગોખલે, ધવલા ધેંગાલે તથા રિપબ્લિકન પેન્થર કાર્યકર્તા હર્શાલી પોતદારનાં ઘરે પણ છાપા માર્યા હતાં. પૂનાના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ શરૂઆતની એફ.આઈ.આર.માં સુધીર તથા કબીર કલા મંચના અન્ય સભ્યોનાં નામ પણ નોંધવામાં આવ્યાં હતાં. દલિત કાર્યકર્તા અને ગુજરાતના વિધાયક જીજ્ઞેશ મેવાણી તથા છાત્ર કાર્યકર્તા ઉમર ખાલીદ પર પણ એફ.આઈ.આર. કરવામાં આવી. તેઓને ભીમા કોરેગાંવ ઉત્સવમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાદમાં, અભિયોજન પક્ષે ચાર્જશીટમાં સુરેન્દ્ર ગડલિંગ તથા રોના વિલ્સનનું નામ જોડવા માટેની અપીલ કરી. કોર્ટના કાગળમાં મહેશ રાઉત તથા શોમા સેનના નામનો ક્યાં ય કોઈ ઉલ્લેખ જ નહોતો.

ભીમા કોરેગાંવ ઉત્સવના સંદર્ભમાં હાલમાં આ કાર્યકર્તાઓની ધરપકડ સંશય ઉત્પન્ન કરે છે. જેઓની ધરપકડ કરવામાં આવી છે, તે પૈકી કેટલાંક લોકો આ ઉત્સવ અથવા આ પ્રદર્શનમાં સામેલ નહોતાં. અમારું માનવું છે કે સરકાર સુનિયોજિતરૂપે તે અવાજને દબાવવા માંગે છે કે જે અવાજ તેમને પડકાર ફેંકે છે અને તેમની આલોચના કરી રહી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તથા બાકીની અન્ય જગ્યાઓ પર પણ આ કરવામાં આવી રહ્યું છે.

આ શાસન વ્યવસ્થામાં કાર્યકર્તાઓ પર હુમલા થવા એ કોઈ નવી વાત નથી. તર્કપૂર્ણ વિચારકો નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ. કલબુર્ગી તથા ગૌરી લંકેશની હત્યા દક્ષિણપંથી હિન્દુત્ત્વ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જુનૈદ, અખલાક તથા પહલૂ ખાન જેવા સામાન્ય લોકોને પણ માર મારીને હત્યા કરવામાં આવી. ઝારખંડમાં મજૂર સંગઠન સમિતિ જેવા ટ્રેડ યુનિયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. અધિકારો માટે લડત ચલાવનાર સમૂહો તથા વ્યક્તિઓને કામ કરતાં રોકવામાં આવ્યાં તેમ જ તેઓના બેંક ખાતાઓને સીલ કરવામાં આવ્યા અથવા તેઓને જૂઠા આરોપમાં ફસાવવામાં આવ્યાં. ઉત્તરપ્રદેશના ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ તથા ઝારખંડના બચ્ચા સિંહ જેવા નેતાઓ, તીસ્તા સેતલવાડ જેવા પત્રકાર, ડૉ. જી.એન. સાઈબાબા જેવા પ્રોફેસર, છાત્ર કાર્યકર્તા, કાર્ટૂનિસ્ટ, તેમ જ જનતાનો અવાજ ઉઠાવનારની કડક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. મીડિયા ટ્રાયલ, ખોટાં ન્યુઝની સંસ્કૃિત તથા સોશિયલ મીડિયા દ્વારા અભિયોગ ચલાવીને જનમાનસમાં તે લોકો વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે કે જેઓ સત્તાની સામે સત્ય બોલવાનું સાહસ દાખવી રહ્યા છે. આવું કરીને અન્ય લોકોનાં મનમાં પણ ડર પેદા કરવામાં આવી રહ્યો છે. તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઈટ કોપર ફેક્ટરી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં નાગરિકોની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા હોય અથવા હાલમાં ‘માઓવાદ’ના નામ પર ગઢચિરૌલીમાં નાના-નાના બાળકો સહિત ૪૦ લોકોનું નકલી એન્કાઉન્ટર હોય – રાજ્ય પોતાનાં લોકો પર જ દમન ગુજારી રહ્યાં છે. આ એ પ્રકારની હિંસાના કેટલાંક ઉદાહરણ છે કે જે આપણને યાદ અપાવે છે કે આ કેટલાંક કથિત ભૂમિગત સંગઠન નથી કે જેનાથી ખતરો હોય પરંતુ તે આપણી સરકાર જ છે, કે જેને લોકો ચૂંટે છે, જેમાં તેઓની આસ્થા છે, આજે તે જ સરકારો લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.

અમે નિંદા કરીએ છીએ:

૧. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સદીઓથી શોષિત ઉત્પીડિત દલિત અવાજને દબાવવા માટે.

૨. રાષ્ટવિરોધી તત્ત્વ તથા નક્સલી આતંકને દબાવવાના નામ પર વંચિત સમૂહોના અધિકાર માટે લડનારા વિરુદ્ધ સતત થઇ રહેલ હિંસક દમનની.

૩. મહારાષ્ટ્ર સરકાર તથા ભારત સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં અવાજને દબાવવા માટે યુ.એ.પી.એ. આફ્સપા તથા પોટા જેવા કઠોર કાયદાનો ઉપયોગ કરીને સત્તાની શક્તિનો દુરુપયોગ કરવાની.

૪. કેટલાંક સમૂહોને ખુલ્લી છૂટ આપવા માટેની, જે આપણા દેશનાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ હિંદુ રાષ્ટ્રના વિચારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.

૫. મીડિયા ટ્રાયલ અને ખોટી વાર્તા રજૂ કરનારની. ન્યાય વ્યવસ્થાની ઢીલ તથા વિસંગતિઓ, કારણકે તે આ ધરપકડ કરાયેલ લોકો અને સંગઠનો વિશે જનમાનસમાં ઝેર પ્રસરાવવાનું કાર્ય કરે છે.

અમે માંગ કરીએ છીએ:

૧. પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈપણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરીએ છીએ.

૨. ભીમા-કોરેગાંવ મહોત્સવ બાદ દલિત સમુદાય વિરુદ્ધ વ્યાપક હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ.

૩. યુ.એ.પી.એ. તથા આફ્સપા અને પોટા જેવા કઠોર કાયદાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કે જેનાથી દેશભરમાં લોકોને ભયભીત કરવામાં આવે છે. આ કાયદો પોલીસ તથા સેનાને એવી શક્તિ આપે છે કે જેનાં પર કોઈ સવાલ ઉઠાવી શકાય એમ નથી.

૪. ભીમા કોરેગાંવના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત સમારોહના આયોજકો અથવા તેમાં ભાગ લેનાર લોકો પર થઇ રહેલાં રાજકીય દમન તથા બદલાની કાર્યવાહીને તરત બંધ કરવામાં આવે.

૫. સંભાજી ભીડે પર એસ.સી./એસ.ટી. અત્યાચાર નિરોધક કાયદાના અંતર્ગત તોફાન ફેલાવવા, હત્યાના પ્રયાસ કરવાનાં આરોપમાં તરત ધરપકડ કરવામાં આવે અને મિલિંદ એકબોટેની બેલ રદબાતલ કરવામાં આવે.

મેધા પાટકર, નર્મદા બચાઓ આંદોલન અને જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.); અરુણા રોય, નિખિલ ડે અને શંકર સિંહ, મજૂર કિસાન શક્તિ સંગઠન (એમ.કે.એસ.એસ.), નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; પી. ચેન્નીયા, આંધ્રપ્રદેશ વ્યવસાય વૃથીદારુલા યુનિયન (એ.પી.વી.વી.યુ.), નેશનલ સેન્ટર ફોર લેબર અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ), રામકૃષ્ણમ રાજૂ, યુનાઇટેડ ફોરમ ફોર આર.ટી.આઈ. અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ); પ્રફુલ્લા સામંતરા, લોકશક્તિ અભિયાન અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); લિંગરાજ આઝાદ, સમાજવાદી જનપરિષદ, નિયમગિરિ સુરક્ષા સમિતિ, અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); બિનાયક સેન અને કવિતા શ્રીવાસ્તવ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ (પી.યુ.સી.એલ.) અને એન.એ.પી.એમ.; સંદીપ પાંડે, સોશલિસ્ટ પાર્ટી અને એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોમ્બત્કેરે, એન.એ.પી.એમ. (કર્ણાટક); ગેબ્રિયલ દીએત્રિચ, પેન્ન ઉરીમય ઈયક્કમ, મદુરાઇ અને એન.એ.પી.એમ. (તમિલનાડુ); ગીથા રામકૃષ્ણન, અસંગઠિત ક્ષેત્ર કામગાર ફેડરેશન, એન.એ.પી.એમ. (તમિલનાડુ); ડૉ. સુનીલમ અને આરાધના ભાર્ગવ, કિસાન સંઘર્ષ સમિતિ અને એન.એ.પી.એમ., રાજકુમાર સિંહા (મધ્યપ્રદેશ); અરુલ ડોસ, એન.એ.પી.એમ. (તમિલનાડુ), અરુંધતી ધુરુ અને મનેશ ગુપ્તા, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); ઋચા સિંહ, સંગતિન કિસાન મજૂર સંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); વિલાયોદી વેણુગોપાલ, સી.આર..નીલાકંદન અને પ્રો. કુસુમમ જોસફ, સરથ ચેલૂર એન.એ.પી.એમ. (કેરલ); મીરાં સંઘમિત્રા, રાજેશ શેરુપલ્લી એન.એ.પી.એમ. (તેલંગાના અને આંધ્રપ્રદેશ); ગુરુવંત સિંહ, એન.એ.પી.એમ., પંજાબ; વિમલ ભાઈ, માટૂ જનસંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ); જબર સિંહ, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ), સિસ્ટર સીલિયા, ડોમેસ્ટિક વર્કર્સ યુનિયન અને એન.એ.પી.એમ. (કર્ણાટક); આનંદ મઝ્ગઓંકર, કૃષ્ણકાંત, સ્વાતિ દેસાઈ, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને એન.એ.પી.એમ. (ગુજરાત); કામાયની સ્વામી અને આશિષ રંજન, જન જાગરણ શક્તિ સંગઠન અને એન.એ.પી.એમ. (બિહાર); મહેન્દ્ર યાદવ, કોસી નવનિર્માણ મંચ અને એન.એ.પી.એમ. (બિહાર); સિસ્ટર ડોરોથી, ઉજ્જવલ ચૌબે એન.એ.પી.એમ. (બિહાર); દયામની બારલા, આદિવાસી મૂળનિવાસી અસ્તિત્ત્વ રક્ષા સમિતિ અને એન.એ.પી.એમ.; બસંત હેતમસરિયા, અશોક વર્મા (ઝારખંડ); ભૂપેન્દ્ર સિંહ રાવત, જન સંઘર્ષ વાહિની અને એન.એ.પી.એમ. (દિલ્હી); રાજેન્દ્ર રવિ, મધુરેશ કુમાર, અમિત કુમાર, હિમશી સિંહ, ઉમા, એન.એ.પી.એમ. (દિલ્હી); નાન્હૂ પ્રસાદ, નેશનલ સાઈકિલિસ્ટ યુનિયન અને એન.એ.પી.એમ .(દિલ્હી); ફૈઝલ ખાન, ખુદાઈ ખિદમતગાર અને એન.એ.પી.એમ. (હરિયાણા); જે.એસ. વાલિયા, એન.એ.પી.એમ. (હરિયાણા); કૈલાશ મીના, એન.એ.પી.એમ. (રાજસ્થાન); સમર બાગચી અને અમિતાવ મિત્રા, એન.એ.પી.એમ. (પશ્ચિમ બંગાળ); સુનિતિ એસ.આર., સુહાસ કોલ્હેકર, અને પ્રસાદ બાગવે, એન.એ.પી.એમ. (મહારાષ્ટ્ર); ગૌતમ બંદોપાધ્યાય, એન.એ.પી.એમ. (છત્તીસગઢ); અંજલી ભારદ્વાજ, નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; કલાદાસ ડહરિયા, રેલા અને એન.એ.પી.એમ. (છતીસગઢ); બિલાલ ખાન, ઘર બચાઓ ઘર બનાઓ આંદોલન અને એન.એ.પી.એમ.

રાષ્ટ્રીય કાર્યાલય : 6/6, જંગપુરા બી, નવી દિલ્હી – ૧૧૦ ૦૧૪

ફોન : 01124374535 | 9971058735

ઈ-મેઈલ : napmindia@gmail.com | વેબ : www.napm-india.org

Loading

...102030...3,1183,1193,1203,121...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved