Opinion Magazine
Number of visits: 9580313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણ શૌરીની મુલાકાત

પુણ્ય પ્રસૂન વાજપેયી, પુણ્ય પ્રસૂન વાજપેયી|Opinion - Opinion|22 June 2018

એક એવું વ્યક્તિત્વ જે પત્રકાર, રાજનેતા, લેખક તરીકે કે પછી જેમનો પરિચય હાલના સમયથી અને વ્યવસ્થાથી નાખુશ; ગુસ્સો છે; દુઃખ છે; આક્રોશ છે; ત્રસ્ત છે. કંઈ પણ હોઈ શકે … એવી વ્યક્તિ આજે આપણી સાથે છે, કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે એવા અરુણ શૌરી.

પુણ્ય પ્રસૂન વાજપેયી : એવું કેમ લાગે છે કે અરુણ શૌરીજી હાલના સમયથી ઘણા નાખુશ છે. ગુસ્સે છે, દુઃખી છે એવું કેમ લાગે છે?

અરુણ શૌરી : (ચહેરા સામે ઈશારો કરતાં હાસ્યમાં) લાગે છે.

પુ. પ્ર. : જી … ચોક્કસ લાગે છે. આપની વાતોથી લાગે છે.

અરુણ શૌરી : ગુસ્સો એટલી મજબૂત લાગણી છે કે કેમ એને વેડફવી હા … નારાજગી જરૂરથી છે, કેમ કે લોકોએ આટલી મોટી તક આપી. ને નરેન્દ્ર મોદીએ જ નહીં પરંતુ આખી વ્યવસ્થાએ એને જતી કરી.

અને બીજા દેશો જે આપણી ઉપર કંઈ મહેરબાન નથી એ કેટલા આગળ વધી રહ્યાં છે. ચીન અને આપણામાં કેટલું અંતર વધી ગયું છે. અને ચીનનું એકમાત્ર લક્ષ્ય છે આ વિસ્તાર પર પ્રભુત્વ મેળવવું, દુનિયા પર અધિકાર જમાવવો અને આજે એ અમેરિકાને આંખ બતાવે છે અને અમેરિકા કંઈ કરી નથી શકતું.

તો … આ બધું જોઈને ભારત વિચારે કે અમારામાં પણ બધું છે. લાયકાત છે, સાધન-સંપત્તિ છે પણ વાત જામતી નથી.

પુ. પ્ર. : પણ તમે –

અરુણ શૌરી : શું … જામે વાત.

પુ. પ્ર. : પણ આપે પહેલું વાક્ય કીધું કે … સારી તક મળી … તો તમે શું માનો છો કે સત્તા જેની પાસે હોય … બહુમતી આપવી (કે મેળવવી) શું? એ જ એક તક હોય છે કોઈને માટે.

અરુણ શૌરી : ના … એ …. પણ … એક તક હોય છે. જો પ્રજા સમજદાર હોય અને કો-એલિશન સરકાર ચલાવનાર અટલજી જેવા હોય અથવા નરસિંહરાવ જેવા હોય તો … નરસિંહરાવની સરકાર તો અલ્પસંખ્યક સરકાર હતી … લઘુમતીની સરકાર હતી તો પણ એમણે ઘણી બધી રાજકારણી બદીઓ દૂર કરી.

તો જો બધાંને સાથે લઈને ચાલવાની લાયકાત (શક્તિ) ન હોય તો …. તો પછી એક વ્યક્તિ તો પોતાનું કામ કરે, જેને બહુમત આપવામાં આવ્યો છે.

પુ. પ્ર. : તો જ્યારે એક વ્યક્તિની વાત ……. છે તે.

અરુણ શૌરી : ના, ના, એ વ્યક્તિએ તંત્ર (સંસ્થાને) મજબૂત કરવું જોઈએ કેમ કે આપણા એક ખંડ જેવા દેશને તો એક વ્યક્તિ તો ચલાવી ન શકે … તો આ જ સૌથી મોટી નિષ્ફળતા છે અને આ જ વાતનું સૌથી મોટું પરિણામ હશે.

જુઓ … શ્રીમતી ગાંધીની કેટલી મોટી સિદ્ધિ હતી … બાંગ્લાદેશને આઝાદ કરાવવાની.

પણ એમની અંત સુધી જે છાપ રહી તે એ કે એમણે લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું. અને એમાં કૉંગ્રેસ પક્ષનો પણ સહયોગ હતો. કારણ શ્રીમતી ગાંધી સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર જાય એટલે જેમાં પણ એ પાયો દેખાય એને કાપતા.

અંતમાં … (મેં એ સમયે પણ લખ્યું હતું કે અંતમાં મેડમ એવું થશે કે “કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.”

અને જે નવા લોકોને નિયુક્ત કર્યા જેમ કે ખટ્ટર છે, ફડનવીસ છે, મારો મિત્ર સોનોવાલ છે. આવા લોકો જેમનો કોઈ રાજકીય પાયો નથી અને એ જ એમનું ક્વૉલિફિકેશન છે.

અચ્છા અને બીજી તરફ આપ જુઓ કે ઇન્વેસ્ટીગેશન ઍજન્સીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એ ‘કાંટા અને છરી’ હોય એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને જુઓ, સી.બી.આઈ.ને જોઈ લો, આઈ.બી.ને જોઈ લો, જે ઍજન્સી સબૂત રજૂ કરે છે એને જુઓ અને એ જ વસ્તુ વહીવટી તંત્રમાં, ચૂંટણી કમિશનમાં, ન્યાયતંત્રમાં છે.

દરેક વસ્તુને તમે યંત્ર (તમારો હાથો) માનશો તો એ સંસ્થા કઈ રીતે રહેશે … આનો હું શું ઉપયોગ કરી શકું આ વ્યક્તિનો? આ સંસ્થાનો? આ તકનો? એ જ દૃષ્ટિકોણ છે.

પુ. પ્ર. : શું આ ગંભીર સમસ્યા છે? લોકશાહીનું જે માળખું છે તેમાં આ પરિસ્થિતિ અગત્યનો ભાગ ભજવે છે. આપે સારાં નામ લીધાં ખટ્ટરનું નામ લીધું, ….. સોનોવાલનું નામ લીધું અથવા એવા જેનો કોઈ પાયો નથી તેવાઓને તમે બેસાડી દીધા છે.

પણ આપણે ત્યાં લોકશાહી તો તદ્દન રાજકીય રીતે થાય છે.

અરુણ શૌરી : હા ..

પુ. પ્ર. : નિષ્પક્ષ રીતે થતી જ નથી.

અરુણ શૌરી : ના … સર, આપે ઘણી મહત્ત્વની વાત કરી. રાજકારણ અને ગંદા રાજકારણમાં ફેર છે. કર્ણાટકમાં ચૂંટણી સમયે કયા સ્તર પર ભારતવર્ષના પ્રધાનમંત્રી વાત કરે છે … શું આને આપણે રાજકારણ માનશું? એ બસ સાબિત કરવા માંગે છે કે વાતચીત અને વ્યવહાર આવું ……… આવા શબ્દપ્રયોગ થશે, આવાં જુઠાણાં બોલાશે. એક ‘નવું નોર્મલ’ છે!

ર,૮૦,૦૦૦ આ વસ્તુ થઈ ગઈ. છાપામાં તપાસ કરો તો ૩૮,૦૦૦ જ થઈ છે. જાહેરાત ર,૮૦,૦૦૦ની અને પ કરોડની રોજગારી .. આ કોઈ પણ સરકારી કાગળો પર નથી … તો હવે, સરકારી કાગળોમાં ખરુંખોટું કરવામાં આવશે પણ એટલી રોજગારી ઊભી કરવામાં નહીં આવે.

તો … આપણને આદત પડી ગઈ છે ખોટા એન્કાઉન્ટરની, આદત પડી ગઈ છે જુઠાણાંની, આદી બનાવી દીધા છે, …. સાક્ષી પોતાનું નિવેદન આપીને પાછું ખેંચી લે … કોઈ કેસ પર કામ થશે તો કોઈ કેસ આગળ જ નહીં ચાલે .. તો આ એક માળખું સેટ થઈ રહ્યું છે, જે મારા મનમાં અને કોઈપણ વિચારનારના મનમાં ઊભું થશે કે આ દેશ માટે ઘાતક થઈ શકે છે.

પુ. પ્ર. : મારા ખ્યાલથી, મોદી પ્રધાનમંત્રી નહોતા બન્યા ત્યારે તમે એમની સાથે ઊભા હતા.

અરુણ શૌરી : હા … હા …. બિલકુલ.

પુ. પ્ર. : ચૂંટણી પ્રચાર …

અરુણ શૌરી : બિલકુલ. બિલકુલ. એમાં કોઈ શંકા નથી.

પુ. પ્ર. : તો આપના મનમાં એ વિચાર ન આવ્યો કે આ … વ્યક્તિ …

અરુણ શૌરી : ના. બિલકુલ ન આવ્યો. મેં જાહેરમાં કહ્યું છે કે મારા જીવનની આ બીજી મોટી ભૂલ છે. પહેલી, વી.પી. સિંહને ટેકો આપવાની.

પુ. પ્ર. : (હાસ્ય સાથે) અચ્છા …

અરુણ શૌરી :  કેમ કે વી.પી. સિંહ સમયે મારા મિત્ર દ્વારા ચંદ્રશેખરજીએ મને ચેતવ્યો હતો.

પુ. પ્ર. : આ વખતે કોઈએ તમને ના ચેતવ્યા.

અરુણ શૌરી : ના. આ સમયે કોઈએ ન ચેતવ્યો. (ઉમેરતાં) મારી પત્ની અને સાળીઓએ જરૂરથી ચેતવ્યો હતો, કેમ કે જ્યારે અમદાવાદમાં મિટિંગ થતી હતી અને આવીને મિટિંગ વિશે જણાવતો ત્યારે એમણે કહેલું મને કે તમે એમના (મોદીના) ભૂતકાળનાં પાસાઓ તરફ જોઈ જ નથી રહ્યા એટલે એ બધું જે તે સમયની ઘટનાઓથી જાહેર થતું હતું.

પુ. પ્ર. : કેમ? ગુજરાત મૉડેલ તો દરેકના માથે હતું.

અરુણ શૌરી : હા. આ અગત્યની વાત છે કે ગુજરાત મૉડેલને આપણે બરાબર વાંચ્યું જ નથી. માત્ર પ્રોપેગેન્ડામાં જ વહી ગયા.

વિચારવાની વાત છે કે આજ કેબિનેટનું કોઈ મહત્ત્વ જ નથી. આપણે આશ્ચર્યમાં છીએ કેમ કે એ સ્તો ગુજરાત મૉડેલ હતું .. આપણે આશ્ચર્યમાં છીએ કે ભઈ .. સંસદ કામ જ નથી કરતી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ સ્તો ગુજરાત મૉડેલ હતું, પોલીસોનો કેવો ઉપયોગ થશે, ઈન્ટેિલજન્સ એજન્સીનો કઈ રીતે ઉપયોગ થશે. આના પર આજે આપણે આશ્ચર્ય પામીએ છીએ એવું કેમ …? કેમ એ સ્તો ગુજરાત મૉડેલ હતું. આ પરથી માલૂમ પડે છે કે ગુજરાત મૉડેલને આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નથી.

(અરુણ શૌરી વધુમાં) અર્થતંત્રમાં પણ .. આજે હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ પર લીધાં હતાં અને યોગેન્દ્ર અલઘ જેવા નિષ્ણાત આ ફેસ વેલ્યુને સવાલ કરતા હતા.

તે સમયે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની ચૂક્યા હતા ત્યારે મને જાણ થઈ કે ઘણીવાર આપણે એક પરિસ્થિતિથી એટલા અસ્વસ્થ થઈ જઈએ છીએ કે ઘણી વખત જાણ્યા અને વિચાર્યા વગર જ આપણે તેના પક્ષમાં થઈ જઈએ છીએ.

પુ. પ્ર. : સંસદનું કામ ન કરવું, સુપ્રીમ કોર્ટ વિશે આપ કહો છો?

અરુણ શૌરી : (ઉમેરતાં) ઈલેક્શન કમિશન.

પુ. પ્ર. : ઈલેક્શન કમિશન, સી.બી.આઈ. છે, સુરક્ષા એજન્સી.

અરુણ શૌરી : તમે પ્લીઝ (કૃપા કરી) દર્શકોને બતાવો કે વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફે શું માંગ કરી છે, પાર્લમેન્ટ કમિટી પાસે. એમાંથી એટલું બધું કાપી લેવામાં આવ્યું છે કે હવે એમની પાસે મોડર્નાઈઝેશન માટે કંઈ છે જ નહીં.

તેઓ પગારની માંગ કરે છે. 

અમે સરકારને વિનંતી કરી છે કે સુરક્ષા દળને મજબૂત કરવાની જરૂર છે અને સરકારે માત્ર કાગળો પર જ એમને ૧૪ હજાર કરોડ અને ૧૭ હજાર કરોડ આપ્યા છે પણ બજેટમાં એમને માટે એક રૂપિયો નથી.

સુરક્ષા દળની આ તો હાલત છે દેશમાં.

આ જ રીતે વિદેશયાત્રાની નીતિ જુઓ.

મેં એક અધિકારીને કહ્યું કે વિદેશમાં જવું, મેળ-મેળાપ કરવો સારો વિચાર છે. હવે એનું પરિણામ શું? એક વર્ષ થયું … ત્યારે એ અધિકારીએ મને કહ્યું .. શું? સાહેબ, શું કહ્યું પરિણામ? … આ વિદેશયાત્રા તો માત્ર એક ‘સેલ્ફી ઇવેન્ટ’ છે.

તો આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાવો-પીવો. બીજે જ દિવસ કહો … કે હું મારી નાખીશ.

તો આ તો કોઈ વાત નથી ને!’

પુ. પ્ર. : એક રાજનેતા તરીકે તે સ્થિતિને સમજીએ … આપણે ત્યાં ધીરે ધીરે વસ્તુ મિક્સ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ સરકાર સાથે મળી રહ્યા છે. સી.બી.આઈ.ને મનમોહનસિંહના સમયમાં કહેવામાં આવ્યું.

અરુણ શૌરી : બિલકુલ.

પુ. પ્ર. : ઈડી અને ઈન્કમટેક્સ.

અરુણ શૌરી : આ બધી પ્રક્રિયા ઘણી ગંભીર છે.

જુઓ, એક કહેવત છે, કોઈ વસ્તુને ઉકળતા પાણીમાં નાખો તો એક એકદમ ચોકીને ઉછળીને બહાર આવી જશે અને બચી જશે પણ જો તમે એ જ વસ્તુને ઠંડા પાણીમાં રાખશો અને ધીમે ધીમે ગરમ કરશો તો એ તેમાં જ મરી જશે.

એવું નથી કે બધું મોદીએ જ ખરાબ કર્યું.

પુ. પ્ર. : બિલકુલ.

અરુણ શૌરી : નહીં … પણ જે વસ્તુ થઈ રહી હતી તેને હવે વેગ મળી ગયો છે. અને એનું તો આપણે પરિણામ ભોગવી રહ્યા છે તો અત્યારે પણ આપણે સજાગ નહીં જઈએ અને એ જ વિચારીશું કે સાહેબ .. મનમોહનસિંહના સમયે પણ આ થતું હતું, ઈન્દિરા ગાંધીએ પણ ન્યાયતંત્ર પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ જ પરિણામ આવશે.

પુ. પ્ર. : આપણી પાસે જે વિકલ્પ છે.

અરુણ શૌરી : (રીપોર્ટરને અટકાવતાં) એક બીજી વાત કે તમને ચૂંટ્યા શા માટે? તમે શું મનમોહનસિંહ અને કૉંગ્રેસ નીતિને જ ચાલુ રાખશો. કે પછી, તમે એમનાથી જુદું કરો એટલે એવું કહ્યા કરવું કે તેઓ સંસ્થાઓનો ઉપયોગ કરતા હતા એમ અમે પણ કરીશું તો એ વાત તો ખોટી છે.

પુ. પ્ર. : આપણી જે સમસ્યા છે, આપણે ઈચ્છીએ છીએ કે આજે શું થઈ રહ્યું છે.

કર્ણાટકમાં ચૂંટણી થઈ ત્યારે શું બી.જે.પી. જીતશે કે કૉંગ્રેસ જીતશે? બધો પ્રકાશ એના પર જ હતો.

ઈડી પોતાનું કામ કરી શકશે કે એમપી ને લઈને કોઈ કામ થશે? નહીં આપણે એક મુશ્કેલીમાં છીએ. આપણું શિક્ષણ તંત્ર, આરોગ્ય તંત્ર બધું નાશ થઈ રહ્યું છે. તો રસ્તો શું? કારણ કે અમારી પાસે બીજો કોઈ ચઢિયાતો વિકલ્પ નથી.

અરુણ શૌરી : આપે મહત્ત્વની વાત કહી કે આપણે તે સમયે બસ પ્રસંગનાં પરિણામ વિશે જ વિચારતા હોઈએ છીએ. આ થશે કે આ નહીં થાય … અને મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે ચીફ જસ્ટીસ જે પ્રકારે જજમેન્ટ આપે છે તેને માટે માત્ર ચીફ જસ્ટીસ એકલા જ જવાબદાર નથી … આ સંસ્થાકીય સમસ્યા છે.

પુ. પ્ર. : આપની સામે ગંભીર પરિસ્થિતિ કઈ છે?

ચાર મુખ્ય ન્યાયાધીશોનું બહાર નીકળીને કહેવું કે લોકશાહી ખતરામાં છે કે પછી ગૌમાંસના નામે લોકોને રસ્તામાં માર મારી અધમુઆ કરી નાખવું.

અરુણ શૌરી : સાહેબ, બન્ને વસ્તુ સમાન જ છે. એનું કારણ કહું તો બંધારણમાં રુટ કૉઝ જે રાજકીય માળખું છે. આપણું રાજકીય ફિલ્ટરિંગ મિકેનીઝમ (નિસ્યંદક પદ્ધતિ) એવું થઈ ગયું છે. રાજકારણમાં જે નાના લોકો છે જેઓનું ધ્યાન માત્ર દેશ પર જ છે અને જે પ્રામાણિક લોકો છે એ લોકો આ ફિલ્ટરિંગ મિકેનીઝમને કારણે સત્તા પર નથી આવી શકતા .. અને ભારતની આ મુખ્ય સમસ્યા છે.

આ પ્રક્રિયામાં કઈ રીતે લોકો આવે? કોઈના નામ પર આવે છે, લોકોને ભ્રમિત કરીને સંસદમાં આવે છે અને પછીથી લોકો નક્કી કરે છે કે કોણ હશે? પોલીસ કઈ રીતે કામ કરે. ઈન્વેિસ્ટગેશન એજન્સી પોપટ હશે કે બિલાડી હશે? આ બધું કરે છે.

તો, આ બધાનો ઉપાય શું? આપણે બધાએ ચૂંટણીપંચ અને તેને પ્રક્રિયા વિશે ફરી વિચારવું પડશે.

એવી જ રીતે વર્તન …

તમે સંસદમાં હોવ તો આપનું આચરણ કેવું રહેશે … આપ પોતાની જવાબદારી જવા દેશો? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહેશે તો એનું પરિણામ શું રહેશે?

જુઓ ને, ઈંગ્લેન્ડમાં કઈ રીતે ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડ્યું! એમણે સંસદમાં એક નાની વાત ખોટી કહી અને જેથી એમને સંસદમાંથી જવું પડ્યું. કોઈએ બીજીવાર વિચાર્યું પણ નહીં.

અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દો.

પુ. પ્ર. : એક આખરી સવાલ, શૌરીજી.

શું ર૦૧૯માં અમે એ જ વાતને લઈને બેસીએ .. ‘મોદી અને રાહુલ ગાંધી?’

અરુણ શૌરી : ના. આ વખતે રાહુલ ગાંધી કેન્દ્રમાં નહીં હોય. ફોકસમાં એ રીતે થઈ શકે જો એક વ્યૂહરચના બનાવે.

બી.જે.પી.ના એક ઉમેદવાર સામે માત્ર એક ઉમેદવાર હોય તો વાસ્તવિક રીતે જેનું સ્થાન જ્યાં છે તે એ સ્થાને જ નક્કી કરે. પટનાયક નક્કી કરે કે ઓરિસ્સામાં …..ને ટિકિટ આપવી કે અરુણને ટિકિટ આપવી? કોલકાત્તામાં મમતા બેનર્જી કરશે આ રીતે.

આ રીતે કો-એલિશન બનશે, સારું બનશે કે ખરાબ હું નથી જાણતો.  અન્યને ઊભા રાખીએ તો પણ જીત શક્ય નહીં બને. કેમ કે આ એક સંસ્થાકીય પરિવર્તન છે જેને લાવવામાં ઘણો સમય લાગશે.

ઘણી નાની વાત હતી જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ ઉમેદવારી પત્રમાં શિક્ષણ, લાયકાત, આવક, ગુનાઇત પ્રવૃત્તિ વગેરેની વિગત ઉમેરે ત્યારે તે સરકારમાં તમને આશ્ચર્ય થશે કે કોણે કોણે વિરોધ કર્યો. સંસદીય બાબતોના મંત્રી પ્રમોદ મહાજનનું તો નિવેદન હતું કે “આ કોણ છે … કહેવાવાળાં કોર્ટ કહે અને …. …….. જોઈએ.”

બધાંએ એટલો વિરોધ કર્યો હતો.

મેં પહેલા જ કહ્યું … આ વિરોધ દરમ્યાન મેં કહ્યું કે આમાં સુપ્રીમ કોર્ટની રાહ જોવાની શી જરૂર છે? આ બદલાવ તો આપણે કરવા જોઈએ.

અટલજીએ એ સમયે સ્મિત કરતા હતા.

પછી અન્યએ પણ વિરોધ શરૂ કર્યો. ખાસ તો મહારાષ્ટ્રના રાજનેતાઓ એક પછી એક કેટલાયે વિરોધ કર્યો … પછી અટલજી મારી સામે જોઈ કહેવા લાગ્યા કે અરુણજી સમજ્યા હશે કે કઈ મહેફિલમાં આવ્યા છે. પછી એમણે ઉમેર્યું કે મહેમાન છે જે કહે એ કરી લો.

પુ. પ્ર. : અમે એ માનીને ચાલીએ કે ર૦૧૯ બાદની મહેફિલમાં ફરી આપ હશો.

અરુણ શૌરી : ના … અમે તો પુસ્તક લખીએ છીએ પુસ્તક. પુસ્તક વાચક વાંચે છે અને મારાં ત્રણ પુસ્તકો છે. ન્યાયતંત્ર પર મને ઘણું સારું લાગે છે જ્યારે ન્યાયાધીશો કહે એ પુસ્તકને જરા ઓટોગ્રાફ (સહી) કરીને પુસ્તક આપો.

આમાં જજની ઉદારતા છે અને એની પર ગર્વ કરવો જોઈએ જજ તો ઉપર બેઠા છે. કંઈ સાંભળતા નથી કંઈ નથી .. અરે એ બીચારા સંભાળે જ છે એ પણ એટલે જ દુઃખી છે.

પુ. પ્ર. : એટલે આપ ર૦૧૯ પછી પણ પુસ્તક જ લખશો …? અમને નથી લાગતું? અમને લાગે છે તમે મહેફિલમાં આવશો.

અરુણ શૌરી : નહીં … નહીં .. પુસ્તક લખવું સરળ છે.

પુ. પ્ર. : (અરુણ શૌરી સાથે હાસ્ય સાથે હાથ મેળવીને) આપનો ખૂબ ખૂબ આભાર (ત્યાર બાદ (કેમેરા સામે જોઈને) શૌરીજીનો ગુસ્સો હોય કે આક્રોશ … આ એક નિરાશા છે મૂળ વાત, ચૂંટણી પ્રક્રિયાને બદલવાની જરૂર છે.    

[અનુવાદ : દીપ્તિકા ડોડિયા]

અમૃત મોદી કૉલેજ ઑફ માસ કમ્યુિનકેશન ઍન્ડ જર્નલિઝમ, નડિયાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 04-06

આ મુલાકાત સાંભળવા અહીં આ લિંક પરે ક્લિક કરવું :

http://www.abplive.in/videos/master-stroke-exclusive-investigating-agencies-are-seen-as-an-instrument-and-used-arun-shourie-tells-abp-news-693709

Loading

ગરજ ગરજ વરસો જલધર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|21 June 2018

હૈયાને દરબાર

ગરજ ગરજ વરસો જલધર
દીપકથી દાઝેલા તનને
શીતળ જળથી પરસો
ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે
આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?
ગરજ ગરજ વરસો જલધર

પરદુ:ખમાં થઈને દુખિયારા
લઈએ ખોળામાં અંગારા
જલતાને ઠારો તો જુગ જુગ
ઠાર્યાં એવાં ઠરશો
ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો
થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો… આવો
ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો
ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો … આવો
ગરજ ગરજ વરસો જલધર

• ગીતકાર : કાંતિ અશોક • સંગીતકાર : મહેશ-નરેશ • ગાયિકા : આશા ભોસલે, ઉષા મંગેશકર

https://www.youtube.com/watch?v=jVYzqzXnsto

——————————–

મેઘરાજાની પધરામણી બાઅદબ, બામુલાહિજા થઈ ગઈ છે. મન ગાતું અને તન થિરકતું થઈ જાય એવા માહોલમાં ક્યાંક ’જિયરા રે ઝૂમે ઐસે જૈસે બનમા નાચે મોર’નો કેકારવ સંભળાય છે તો ક્યાંક ભીગી રાતોમાં, ભીંજાયેલા બદનની મદહોશી અંગડાઈ લઈ રહી છે. કોઈ વિરહિણી ‘મેઘા છાયે આધી રાત બૈરન બન ગઈ નિંદિયા’… ગીતમાં પટદીપના સ્વરો ગૂંથીને પ્રિયતમના આગમનના ઈન્તજારમાં છે તો કોઈ નસીબનો પાધરો આવી ગયેલી પ્રિયતમા પાછી જ જઈ ન શકે એટલે વર્ષારાણીને પુકારી રહ્યો છે કે, ‘બરખા રાની જરા જમ કે બરસો, મેરા દિલબર જા ન પાયે ઝૂમ કર બરસો’…!

પરંતુ, અમે તો આજે જુદા જ મૂડમાં છીએ. વરસાદી વાતાવરણ અને સંગીત. આ બન્નેનું કાતિલ કોમ્બિનેશન હોય પછી અમે ઝાલ્યાં રહીએ? એમાં વળી આજે ‘વર્લ્ડ મ્યુિઝક ડે’ છે. ફ્રાન્સની કલાનગરી પેરિસમાં ૧૯૮૨માં આ દિનની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસે સંગીતમય થઈને બધાં દુ:ખ, સર્વ પીડાભૂલી જવાનો મુખ્ય હેતુ હતો. તેથી જ વિશ્વના લગભગ ૧૨૦ દેશના સંગીતકારો-કલાકારો ૨૧ જૂને શેરીઓ, ચોક, ચૌરાહા, બાગ-બગીચા જેવાં જાહેર સ્થળોએ ઊતરી આવીને નિ:શુલ્ક સંગીત પિરસે છે ને સંગીતરસિયાઓ આખો દિવસ ફ્રી મ્યુિઝકનો આનંદ માણે. આપણે ત્યાં હજુ ‘વિશ્વ સંગીત દિન’નો મહિમા બહુ નથી, પરંતુ સંગીતપ્રેમીઓ માટે તો બારે માસ ‘મ્યુિઝક ડે’ જ છે. અમારા ઘરની નજીક એક અદ્દભુત વિશાળ બગીચો છે- નામ એનું નેશનલ પાર્ક.

વિશ્વસંગીત દિનને સાર્થક કરવા અમે પણ મ્યુિઝકલ મિત્રો સાથે મળીને ઝાડ-પાન, ઝરણાં અને બારિશની બૂંદોનાં સંગીત સાથે ત્યાં જઈને ગુનગુનાવાનાં છીએ. અમારી આ ફ્રી કોન્સર્ટમાં કોયલરાણીને પંચમ, મોરલાને મધ્યમ, હરણાંને રિષભ, નમેલી વનરાઈઓને નિષાદ, ધસમસતા ધોધને ધૈવત અને વનરાજને સ્થિર-ધીરગંભીર ષડ્જ સંભળાવીશું એટલું જ નહીં, ગરજ ગરજ વરસો જલધર ગાઈને મેઘરાજાને ય પ્રસન્ન કરીશું. મ્યુિઝક ડે, મલ્હાર અને મન મોર બની થનગાટ કરતું હોય એવા આજના દિવસે આનાથી ઉત્તમ કયું ગીત હોઈ શકે? મેઘ મલ્હારના ગગન ઘન ગરજતા સૂરોની વર્ષામાં ભીંજવવા આજે તમને ય સામેલ કરવા છે. યુ ટ્યુબ પર ગરજ ગરજ … ગીત સાંભળશો એટલે ઘેર બેઠા ગંગા અને તમારોય ‘મ્યુિઝક ડે’ સાર્થક. તાના-રીરીએ આ ગીત ગાયું ત્યારે શ્રાવણની ઋતુ નહોતી કે ના વાદળનાં એંધાણ હતાં, આવા કસમયે મેઘરાજને ઇજન આપીને સૂરની તાકાતથી આ બહેનોએ વરસાદ વરસાવ્યો હતો. સંગીતની આ જ તો છે કમાલ!

આજથી ૪૩ વર્ષ પૂર્વે, એટલે કે ૧૯૭૫માં આ ગીત રચાયું અને ઇતિહાસ સર્જી ગયું. રાગ મેઘ મલ્હારની આ ઉત્કૃષ્ટ રચના ક્લાસિક ફિલ્મ તાના-રીરીની છે. આમ તો લગભગ બધાને તાના-રીરીની કથા ખબર છે. એમાં વળી, હવે એ વોટ્સ ઍપ પર વાઇરલ થવા લાગી છે છતાં, સંક્ષિપ્તમાં એ રસપ્રદ વાત કહીને આ મસ્તમજાના ગીતની રચના કઈ રીતે થઈ એ જાણીશું. ગુજરાતનું પ્રાચીન નગર વડનગર. ઐતિહાસિક પુરાવાઓ કહે છે કે, આ સ્થળે ૪,૫૦૦ વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી. આખા જગતમાં સાડાચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ગુજરાતનું વડનગર તેમાંનું એક. વિદ્યા, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, વાણિજ્ય અને ઉદ્યોગો માટે આ નગર પ્રખ્યાત હતું. આ નગરની સાથે ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે જેમાં શર્મિષ્ઠા તળાવ, નરસિંહ મહેતા અને તાના-રીરીની લોકવાયકાઓ સૌથી વધારે જાણીતી છે.

સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દીકરી હતી જેમનાં નામ તાના અને રીરી હતાં. તાના-રીરીએ સંગીતની સઘન સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત્‌ કર્યાં હતાં. સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. એ નવ રત્નોમાં એક હતા તાનસેન. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની. તાનસેન બાદશાહના માનીતા કલાકાર હતા. તેમને વિશેષ માન-સન્માન મળતાં. આવી ખિદમતથી અમુક દરબારીઓ ઈર્ષાથી જલી ઊઠેલા. એ જલનનો ઉકેલ પણ એમણે શોધ્યો. બાદશાહને તાનસેન વિરુદ્ધ ચડાવ્યા અને તન-મન જલાવી દેનાર રાગ દીપક ગાવાનું જણાવ્યું.

અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઇને દીવડાઓ પ્રગટાવવાનું કહ્યું. તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દીપ તો પ્રજવલી ઊઠે પણ એ સાથે એ રાગ ગાનારના શરીરમાં તીવ્ર દાહ ઉપડે. શરીરમાં લાગેલો એ દાહ શાંત કરવાનો એક જ ઉપાય કે મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો! પહેલાં તો એમણે અકબર બાદશાહને દીપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જિદ કરી એટલે એમણે દીપક રાગ છેડ્યો અને દીપ પ્રગટી ઊઠ્યા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગનઝાળ લાગી. દીપક રાગની પ્રકૃતિ ગંભીર ગણાય. ગાવાનો સમય સાંજનો. હાથમાં દીવો, હાથીની સવારી એવું એનું સ્વરૂપ. હવે તો રાગ દીપકના માત્ર સ્વર મળે છે પણ એ ગાવાની પદ્ધતિ વિશે મતમતાંતર છે. કહેવાય છે કે સમર્થ ગાયક દીપકની હળવી તાન છેડે તો ય જ્યોત પ્રગટે, જ્યારે આ તો તાનસેન હતા.

તાનસેન પોતાના શરીરમાં વ્યાપેલી એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ગાઇ શકતી વ્યક્તિની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યક્તિની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો. દેહ તો ધગધગી રહ્યો હતો. વહેલી સવારે તાના-રીરી પાણી ભરવાં આવ્યાં. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. "તાના બહેન આ તું શું કરે છે?" કુતૂહલવશ રીરીએ તાનાને પૂછયું. "રીરી, હું ઘડામાં પાણી ભરું છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ." તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો. તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો, ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મૂકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.

"હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો પરફેક્ટ ગાઇ શકે જ. તાનસેન આમ વિચારતા એ બન્ને બહેનો પાસે ગયા અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં વ્યાપેલી દાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વિનંતી કરી. તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ છેડ્યો. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડ્યો અને થોડી જ વારમાં મેઘ અનરાધાર વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડ્યો.

તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયા, ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે પૂછયું, “તાનસેન, તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી, પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પૂજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યું. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં નોમ …. તોમ …. ઘરાનામાં … તાના-રીરી …આલાપ જગતભરમાં પ્રસિદ્ધ કર્યો. આજે પણ સંગીતજ્ઞો કોઇ પણ આલાપ શરૂ કરે એ પહેલાં નોમ …. તોમ .. તાના … રીરી … આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ધાંજલિ આપે છે.

વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે હવે તો દર વર્ષે તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો શ્રોતાઓ માણે છે. આવી આ બે નાગર કન્યાઓના કંઠે ગવાયેલું સર્વાંગસુંદર ગીત એટલે ગરજ ગરજ વરસો જલધર.

આ બે કન્યાઓ ઉપર તાલ, રાગ, બંદિશો, આલાપ, રાગિણીઓનું નિરંતર હેત વરસતું હતું. તરજો ને સ્વરાલાપ જાણે એમની આસપાસ ઘૂમતાં રહેતાં. બંનેનાં નામ પણ કેવાં મ્યુિઝકલ, તાના અને રીરી. વાદળને સંબોધીને આ કન્યાઓ કહે છે કે હે મેઘ, પરદુ:ખમાં જલતાને ઠારશો તો ઠાર્યાં એવા ઠરશો. બીજાના દુ:ખમાં મદદ કરે એના દુ:ખને ય ભગવાન ઠારે છે. આશા ભોંસલે અને ઉષા મંગેશકરને કંઠે ગવાયેલું આ બેહદ ખૂબસૂરત ગીત સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર મહેશ-નરેશે. ગુજરાતી સિનેમાને ૫૦ વર્ષ થયાં ત્યારે અડધી સદીના સર્વશ્રેષ્ઠ ગીત તરીકે જનમત દ્વારા આ ગીતની વરણી થઇ હતી. એટલે આજે તો આજ ગીત વિશે વાત કરવી પડે ને!

એક સમયે જે ગામની કોઇ ઓળખ ન હતી, તે કનોડા ગામને આજે લોકો મહેશ – નરેશ કનોડિયાના ગામથી ઓળખે છે. બહુચરાજી તાલુકાના અંતરિયાળ આ ગામે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને ગીત-સંગીતની દુનિયાના સરતાજ મહેશ કનોડિયા નામે બબ્બે હોનહાર કલાકારો આપ્યા છે. અત્યંત સંઘર્ષમય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચેલી આ બંધુ બેલડીએ ગુજરાતને નાચતું કર્યું. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું એ રીતે મહેશ-નરેશે ગુજરાતને નાચતું કર્યું એમ કહેવાય છે. દેશ-વિદેશની નવરાત્રિમાં જેમનાં સૌથી વધુ ગીતો ગવાય છે એ મહેશ-નરેશ એન્ડ પાર્ટી પર પ્રશંસાનાં પુષ્પ વેરાયાં છે અને એમની આલોચના પણ થઈ છે છતાં, ગુજરાતી ફિલ્મ જગતમાં એમના નક્કર પ્રદાનને કોઈ અવગણી શકે નહીં. ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી ઊડી જાય થી લઈને સજન મારી પ્રીતડી અને પ્યોર ક્લાસિકલ ગરજ ગરજ વરસો જેવાં ગીતો સુધીની જેમની રેન્જ હોય એ મહેશ-નરેશ આ ગીત વિશે શું કહે છે એ હવે પછી.

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=412714

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 21 જૂન 2018

Loading

દિલ્હીમાં સમાધાનના આસાર: કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2018

દિલ્હીના મામલાને બહુ ખેંચવામાં સાર નથી, એનું ભાન કેન્દ્ર સરકારને થઈ ગયું હોય એમ લાગે છે. મંગળવારે દિલ્હીના સનદી અધિકારીઓના એસોસિયેશને નિવેદન બહાર પાડ્યું છે કે દિલ્હી સરકારના સનદી અધિકારીઓ હડતાલ પર નથી અને તેઓ કેજરીવાલ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એકનો એક રાગ આલાપતા હતા કે તેઓ હડતાલ પર ગયા નથી, તેમણે કોઈ ફરજ બજાવવાનું અટકાવ્યું નથી, માત્ર દિલ્હીના પ્રધાનોની રાબેતાની બેઠકોમાં હાજરી આપતા નથી. તેમનો પ્રતિકાર મર્યાદિત સ્વરૂપનો છે અને તે આત્મગૌરવ માટેનો છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પહેલાં જ સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કોઈની પણ સામે રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. તેમણે અધિકારીઓનું સન્માન જળવાય એની બાંયધરી આપી હતી. આના પ્રતિસાદમાં એ સમયે અધિકારીઓ કહેતા હતા કે સમાધાનનો કે બાંયધરીનો સવાલ જ ક્યાં છે, જ્યારે અમે હડતાલ પર જ નથી. હંમેશ મુજબ વડા પ્રધાન ચૂપ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ ચૂપ છે, જે દાવો કરી રહ્યા છે કે દિલ્હીમાં શાસનનો ખરો અધિકાર તેઓ ધરાવે છે. વડા પ્રધાન તો નિ:શંક સત્તા ધરાવે છે અને એલ.જી. સત્તા ધરાવતા હોવાનો દાવો કરે છે, પણ આમ છતાં ય તેમને તેમની ફરજની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ બન્ને શાહુડીની જેમ રેતીમાં મોં છુપાવી દે છે. એટલે તો દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનોજ સિસોદિયાએ સનદી અધિકારીઓની વાતચીત કરવાની ઓફરનો સ્વીકાર કરતા શરત રાખી છે કે બેઠક અનિલ બૈજલની હાજરીમાં થવી જોઈએ કે જેથી તેઓ નવી રમત ન રમે.

કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે. તેમને સમજાઈ ગયું છે કે હવે બહુ ખેંચવામાં લાભ કરતા નુકસાન વધુ છે. એક તો દિલ્હીની પ્રજાનો મૂડ રવિવારના આમ આદમી પાર્ટીના મોરચામાં નજરે પડ્યો હતો. ટૂંકી નોટિસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મોરચામાં જોડાયા હતા. મોરચો મંડી હાઉસથી વડા પ્રધાનના નિવાસ સ્થાને જવા નીકળ્યો હતો અને તેમાં ક્રમશ: સંખ્યા વધતી જતી હતી. મોરચો જ્યારે સંસદ માર્ગ પર પહોંચ્યો ત્યારે મોરચો કાઢવા માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, એમ કહીને પોલીસે મોરચાને અટકાવી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પણ અથડામણમાં ઊતરવાની જગ્યાએ હવે પછી જરૂર પડ્યે ફરી મોરચાનું આયોજન કરવામાં આવશે, એમ કહીને મોરચો આટોપી લીધો હતો. આ એક ઘટના પરથી કેન્દ્ર સરકારને સમજાઈ ગયું હતું કે દિલ્હીની પ્રજા કેવો મૂડ ધરાવે છે.

બીજી ઘટના વિરોધ પક્ષોની દિવસોદિવસ મજબૂત થઈ રહેલી એકતા છે. ચારે બાજુથી દિલ્હી સરકારને ટેકો મળી રહ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયેલાં પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો અલગથી વડા પ્રધાનને મળ્યા હતાં અને તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને તેને કામ કરવાની તક આપવામાં આવે. દિલ્હી સરકાર માટે સહાનુભૂતિનું મોજું એટલું તીવ્ર છે કે દિલ્હી સરકારના ધરણાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે પણ વલણ બદલવું પડ્યું છે.  સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ મમતા બેનર્જીને મળ્યા હતા અને કોંગ્રેસ પક્ષ તેની ભૂમિકાની પુન:સમીક્ષા કરશે એવી ખાતરી આપી હતી.

આ ઉપરાંત તામીલનાડુના ડી.એમ.કે.ના નેતા સ્તાલિને, તાજાતાજા રાજકારણમાં પ્રવેશેલા કમલ હાસને, બી.જે.પી.ના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારને એક વાતની ખાતરી થઈ ગઈ હોય એમ લાગે છે કે દાદાગીરી કરીને અને વિરોધ પક્ષો સાથે ચારે બાજુ બાખડીને બી.જે.પી. તેમની એકતા માટે મજબૂત કારણ આપી રહી છે. આને કારણે તેમની વચ્ચે એકતા નહીં થવાની હોય તો પણ થશે. જો આમ ન હોય તો સર્વોચ્ચ અદાલતના બે જજોએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ નુક્તેચીની કરવા છતાં સનદી અધિકારીઓ કૂણા શા માટે પડ્યા? સર્વોચ્ચ અદાલતે સોમવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે કોઈના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરવાનો અને કબજો જમાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતનું વલણ જોતાં એવી શક્યતા ખરી કે સર્વોચ્ચ અદાલત એલ.જી.ની ઓફિસ ખાલી કરવાનો અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓને આદેશ આપે, પરંતુ અદાલત હવે પછીની સુનાવણી વખતે આવો આદેશ આપે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારને અને બી.જે.પી.ને ઘણું નુકસાન થઈ શકે એમ છે.

અરવિંદ કેજરીવાલે બે વાત સાબિત કરી આપી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી તગેડી મૂકીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા નેતા નથી, પરંતુ એ સાથે જ દિલ્હીમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીની જનતા યાદ રાખે એવું કામ કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા શાસક છે. કેરળ સહિત ભારતનું કોઈ પણ રાજ્ય ધડો લઈ શકે એવું નેત્રદીપક કામ કેજરીવાલ અને તેમના સાથીઓએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દિલ્હીમાં કરી બતાવ્યું છે. વડા પ્રધાન અને બી.જે.પી.ના નેતાઓને આ વાત કઠે છે.

આશા રાખીએ કે દિલ્હીની મડાગાંઠનો આવતા એક-બે દિવસમાં અંત આવશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2018

Loading

...102030...3,0733,0743,0753,076...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved