Opinion Magazine
Number of visits: 9580271
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 June 2018

એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં.

સાડાત્રણ વરસ પછી કેન્દ્ર સરકારને અને BJPને સમજાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં મેહબૂબા મુફ્તી પોતે, તેમની સરકાર અને પિપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) આતંકવાદીઓનો સામનો કરવામાં નિષ્ફળ તો નીવડ્યાં છે; ઉપરથી તેઓ આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે. જમ્મુ અને કાશ્મીરને બચાવવા માટે અને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે BJPએ PDPને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે જેને પરિણામે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે.

હવે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લાગુ કરવામાં આવેલાં આઠ વખતનાં રાષ્ટ્રપતિશાસનનો અનુભવ એવો છે કે રાષ્ટ્રપતિશાસનના પરિણામે દેશ અને કાશ્મીરની વચ્ચે અંતર ઘટવાની જગ્યાએ વધે છે. આમાં બે મુદતનાં જગમોહનવર્ષો તો નેકદિલ ઇન્સાનના હૃદયમાં કંપારી છૂટી જાય એવાં હતાં. જો કે જમ્મુ અને કાશ્મીરના અત્યારના ગર્વનર એન.એન. વોહરા જગમોહન જેવા જલ્લાદ નથી, ઓછામાં ઓછું અત્યાર સુધી તેમની એવી ખ્યાતિ નથી; પરંતુ જો એન.એન. વોહરાને બદલવામાં આવે તો લખી રાખજો કાશ્મીરની ખીણમાં દમનનો દોર શરૂ થવાનો છે.

સાચી વાત તો એ છે કે મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર (વિક્ટિમ) વધુ છે. આખી દુનિયા આ જાણતી હતી અને મેહબૂબા મુફ્તી પણ આ વાત જાણતાં હતાં, પરંતુ તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની હિંમત બતાવી નહોતી અને પરિસ્થિતિ વણસતી રહી. આજે કાશ્મીરની ખીણમાં જે વણસેલી સ્થિતિ છે એને માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં. એ પછી ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં હતાં જેમાં ત્રણ ઊભી-આડી તિરાડો પડી હતી. હિન્દુ બહુમતી જમ્મુમાં BJPને ૩૭માંથી ૨૫ બેઠકો મળી હતી, પરંતુ કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. PDPને કાશ્મીરની ખીણમાં અને જમ્મુ પ્રદેશમાં મળીને ૨૮ બેઠકો મળી હતી, પરંતુ એને પણ લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. જમ્મુ BJPનું, ખીણ PDPની અને લદ્દાખ PDP કે BJPમાંથી કોઈનું નહીં એવી સ્થિતિ હતી. એ પછી PDP અને BJPએ મળીને સરકાર રચી હતી. એ આપદ્ધર્મ હતો એમ PDPના નેતા અને મુખ્ય પ્રધાન મરહૂમ મુફ્તી મોહમ્મદ સૈયદે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું. એ પછી થોડા દિવસે વળી પોતાની ભૂમિકા સુધારતાં આ બન્ને નેતાઓએ કહ્યું હતું કે PDP-BJP જોડાણ એ ઐતિહાસિક તક (હિસ્ટોરિકલ ઑપોરચ્યુિનટી) છે.

શેની ઐતિહાસિક તક એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એક પક્ષ ખીણના બહુમતી મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો હોય અને બીજો જમ્મુના બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હોય અને છતાં ય બન્ને મળીને જમ્મુ અને કાશ્મીરને સ્વર્ગ બનાવવા માગતા હોય ત્યારે બે છેડાનું રાજકારણ કરનારા પક્ષોનું ઉત્તરદાયિત્વ વધી જાય છે, એમ મુફ્તી મોહમ્મદ સઈદ અને PDP સાથે દોસ્તીનો સેતુ બાંધનારા BJPના નેતા રામ માધવે કહ્યું હતું. એટલે તો એકબીજાને ગાળો દઈને અને એકબીજાની સામે લડેલા બે છેડાના પક્ષો વચ્ચે જ્યારે જોડાણ થયું અને જમ્મુ અને કાશ્મીરમાં એક રીતે હિન્દુ-મુસ્લિમ મિશ્ર સરકાર રચાઈ ત્યારે આ લખનાર સહિત અનેક લોકોએ એનું સ્વાગત કર્યું હતું.

એ જો ઐતિહાસિક પળ હતી અને બે છેડાનું રાજકારણ કરનારા પક્ષો ઉત્તરદાયિત્વના સંપૂર્ણ ભાન સાથે ભાગીદાર બન્યા હોય તો એમની નીતિ કેવી હોવી જોઈતી હતી? સાવ સાદી બુદ્ધિથી વિચારો કે તમે હો તો શું કરો? એ કરો જે BJPએ અને કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કર્યું છે? જમ્મુને કાશ્મીર સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરને દેશ સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરની હિંસાની ઘટનાઓનો ઉપયોગ કરીને બાકીના ભારતમાં હિન્દુ માનસમાં કોમવાદી ઝેર રેડવાનું, કાશ્મીરનો ઉપયોગ કરીને દેશમાં હિન્દુ અને મુસ્લિમ ધ્રુવીકરણ કરવાનું, આંગળિયાત ચૅનલો પર દેશપ્રેમ અને દેશદ્રોહની ઘાંટાફાડ ચર્ચાઓ કરાવવાની અને સૌથી મોટી વાત : જમ્મુ અને કાશ્મીરમાં તેમ જ દેશમાં સત્તામાં હોવા છતાં અશાંત છોકરાવ સામે નજર પણ નહીં નાખવાની અને ઉપરથી તેમની ઉપેક્ષા કરવાની. આવી હોય ઐતિહાસિક પળ? જો કાશ્મીરનો બાકીના ભારતમાં કોમી રાજકીય ઉપયોગ કરવો હતો તો જમ્મુ અને કાશ્મીરમાં સરકારમાં ભાગીદાર નહોતું થવું જોઈતું. કોઈએ સોગંદ તો આપ્યા નહોતા.

મુફ્તી મોહમ્મદ સઈદ ગુજરી ગયા એ પછી ત્રણ મહિના રાહ જોઈને મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. આ ઘટના એપ્રિલ-૨૦૧૬ની છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેહબૂબાને અભયવચન આપ્યું હતું કે ચિંતા ન કરો, સરકાર રચો, અમે તમને સાથ આપીશું. એ પછી ત્રણ મહિને બુરહાન વાણીનું બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનના હાથે મૃત્યુ થયું હતું અને એ સાથે કાશ્મીરની ખીણ પર કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. કાશ્મીરની ખીણમાં લોકો રણે ચડ્યા હતા અને યુવકો સલામતી-દળો પર પથ્થરમારો કરતા હતા. પ્રારંભમાં એ લોકોને શાંત પાડવામાં આવ્યા હોત તો ત્યારે જ સ્થિતિ થાળે પડી ગઈ હોત; પરંતુ કેન્દ્ર સરકારે વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને આંદોલનકારીઓને આતંકવાદી, અલગતાવાદી અને પાકિસ્તાનતરફી તરીકે લેબલ લગાડવાનું શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકાર અને BJPને બાકીના ભારતમાં રાજકીય લાભ લેવા માટે કાશ્મીર બળતું રહે એનો ખપ હતો. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું રાજકારણ હતું.

લાભ તો જેટલો ધાર્યો હતો એટલો મળ્યો નહીં, પરંતુ કેન્દ્ર સરકારનો પગ કૂંડાળામાં પડી ગયો છે. હવે એને કાઢવો કઈ રીતે એ પ્રશ્ન છે. કાશ્મીરની ખીણમાં વાસ્તવિક સ્થિતિ કેવી છે અને કેન્દ્ર સરકાર પાસે કેટલા વિકલ્પો છે એની વાત નીચે આપ્યા બીજા વિભાગમાં.

– 2 –

કાશ્મીર છે અંજીરનું પાન: દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે

પી.ડી.પી. અને બી.જે.પી. મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર રચે એને મુફ્તી મહમ્મદ સઈદે અને નરેન્દ્ર મોદીએ બન્નેએ ઐતિહાસિક પળ ગણાવી હતી જે અત્યારે નિષ્ફળતાની પળમાં ફેરવાઈ ગઈ છે. આને માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી જવાબદાર છે એમ કહીને બી.જે.પી.એ હાથ ખંખેરી નાખ્યા છે. આ વાત ખોટી છે. જેટલા જવાબદાર મેહબૂબા મુફ્તી છે, એના કરતાં વધુ જવાબદાર બી.જે.પી. અને કેન્દ્ર સરકાર છે.

પહેલી વાત, મેહબૂબા મુફ્તીની સરકારને બી.જે.પી.એ બહારથી ટેકો નહોતો આપ્યો, બી.જે.પી. સતામાં ભાગીદાર હતી. પ્રધાન મંડળમાં દસ પ્રધાનો પી.ડી.પી.ના હતા તો દસ પ્રધાનો બી.જે.પી.ના હતા. નાયબ મુખ્ય પ્રધાન અને સ્પીકર પણ બી.જે.પી.ના હતા. બીજું, જમ્મુ અને કાશ્મીરની પોલીસને છોડીને તમામ સલામતી દળો કેન્દ્ર સરકારના અંકુશમાં છે. ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર ‘ધ આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ’ (એ.એફ.એસ.પી.એ.) હેઠળ અમર્યાદિત સત્તાઓ ધરાવે છે અને તેમાં તે રાજ્ય સરકારની ઉપેક્ષા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીર તેમ જ ઇશાન ભારતની સરકારો એ.એફ.એસ.પી.એ.નો વિરોધ કરે છે, એનું કારણ લશ્કરને આપવામાં આવેલી અમર્યાદિત સત્તા છે. ચોથું, ભારતના અન્ય નાગરિકોની તુલનામાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પ્રમાણમાં ઓછા નાગરિક અધિકારો ધરાવે છે, અને નાગરિક અધિકારોના સંકોચનને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવે છે. પાંચમું દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો એવો ઊભાર પેદા કરવામાં આવ્યો હતો કે સરવાળે જમ્મુ અને કાશ્મીરની સરકાર કરતાં કેન્દ્ર સરકાર લોકોની વધુ સહાનુભુતિ ધરાવતી હતી. એ જે કરે તેને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવતું હતું.

અને છેલ્લે ૮મી જૂન ૨૦૧૬ની રાતે વડા પ્રધાને નોટબંધી કરી તેની પાછળના ત્રણ મુખ્ય ઉદ્દેશોમાં એક ઉદ્દેશ ત્રાસવાદીઓના હાથમાંનું ફંડ સૂકવી નાખવાનું હતું. ત્રાસવાદીઓના હાથમાં જે પૈસા છે એ એક ઝટકામાં ખોટા થઈ જાય તો બેટા ત્રાસવાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિ કરશે કેવી રીતે? કાળું ધન એકઠું કરનારાઓ અને ત્રાસવાદીઓ ખતમ થઈ જશે એવી આશાએ લોકોએ ત્રણ ત્રણ મહિના સુધી નોટબંધીની હાડમારી સહન કરી લીધી હતી. રિઝર્વ બેંક દોઢ વરસ પછી પણ કુલ કેટલા રૂપિયા પાછા આવ્યા, એના આંકડા જાહેર કરતી નથી એનું કારણ એ છે કે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી બની ગયું છે. ટૂંકમાં જેટલી નોટો હતી એના કરતાં વધુ પાછી આવી છે એટલે રિઝર્વ બેંક અને ભારત સરકાર શરમાય છે.

રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં બી.જે.પી. બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા ત્રાસવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં, જમ્મુ અને કાશ્મીરમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે એમ કેન્દ્ર સરકાર કહે છે. પાછો વધારો પણ કેવો? ઇન્ડો-પાક કોન્ફલિક્ટ મોનીટર નામની સંસ્થાના તપાસવા પડે એમ છે.

ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ બાકીના ભારતમાં ચૂંટણી જીતવા જમ્મુ અને કાશ્મીરમાં જે મસ્તી કરી હતી, તેને પરિણામે કાશ્મીર સળગ્યું હતું. માંડ બે દાયકે પરિસ્થિતિ થાળે પડી હતી અને તેનો મુખ્ય શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે. જમ્મુ અને કશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી. જે માણસે બી.જે.પી.માં રહીને આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાની જપમાળા કરી હતી, એ માણસે ઈન્સાનિયત, જંબુરિયત અને કાશ્મીરિયતના દાયરામાં જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમના અને તેમના અનુગામી ડૉ. મનમોહન સિંહના ડહાપણભર્યા પ્રયાસોના પરિણામે ૨૦૦૮ સુધીમાં ત્રાસવાદી ઘટનાઓ ઘટીને ૮૬ સુધી નીચે આવી ગઈ હતી અને ૨૦૦૯માં તો માત્ર ૩૫ ઘટનાઓ બની હતી. એ પછી ૨૦૧૦માં ૭૦, ૨૦૧૧માં ૬૨, ૨૦૧૨માં ૧૧૪ ઘટનાઓ બની હતી.

૨૦૧૩ પછીથી વળી પાછો હિંસક ઘટનાઓમાં વધારો થયો હતો અને ૩૪૭ ઘટનાઓ બની હતી. એ સમયે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનો ઉદય થયો હતો અને તેમણે મર્દાનગીના વાયદાઓ કર્યા હતા. ૩૪૭ હિંસાની ઘટનાઓને તેમણે કેન્દ્ર સરકારની નિર્બળતા તરીકે ઓળખાવી હતી. લોકોએ એ વાયદાઓ માની લીધા હતા અને નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે વડા પ્રધાન બન્યા હતા. પણ પરિણામ? ૨૦૧૪માં આગલા વરસ કરતાં વધીને ૫૮૩ હિંસક ઘટનાઓ બની હતી. ૨૦૧૫માં ઘટીને ૪૦૫, ૨૦૧૬માં ૪૪૯ અને ૨૦૧૭માં લગભગ બે ગણી ૯૭૧ હિંસાની ઘટનાઓ બની હતી. ૨૦૧૮? ૨૮મી મે સુધીમાં ૧,૨૫૨. આવું કેમ બન્યું? રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં બી.જે.પી. બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા ત્રાસવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં આવું પરિણામ? મેહબૂબા મુફ્તી આ સ્થિતિ માટે જવાબદાર હતાં, એમ જો તમે માનતા હો તો તમે તમારી જાતને છેતરી રહ્યા છો. જમ્મુ અને કાશ્મીરમાં જે ભુંહડિયો વાળ્યો છે એ કેન્દ્ર સરકારે વાળ્યો છે.

૨૦૧૬માં બુરહાન વાણીના બી.એ.સેફ.ના જવાનના હાથે થયેલા મૃત્યુની ઘટના પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ વણસી હતી. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ, વિરોધ પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ, જમ્મુ અને કાશ્મીરની સ્થિતિના જાણકારોએ, એ.એસ. દુલાત જેવા રૉના નિવૃત્ત વડાએ, જમ્મુ અને કાશ્મીર ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, તેના અધ્યક્ષ અને હમણાં સુધીના બી.જે.પી.ના નેતા યશવંત સિન્હાએ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારોએ, કાશ્મીરના ઉર્દૂ અને અંગ્રેજી અખબારોએ અને વિશ્વભરના કાશ્મીર વોચરોએ ગુહાર લગાવી હતી કે કાશ્મીરની પ્રજાના પ્રાતિનિધિક સંગઠનો સાથે વાત કરવામાં આવે. તેમની પીઠ પર વહાલનો હાથ ફેરવશો તો પરિસ્થિતિ સચવાઈ જશે. માત્ર પ્રેમનો તકાદો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે પ્રજાના રોશની ઉપેક્ષા મોંઘી પડી શકે એમ છે અને દમનનીતિ તો હજુ વધુ મોંઘી પડી શકે એમ છે જે રીતે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં મોંઘી પડી હતી. કેન્દ્ર સરકારે તેમની એક પણ વાત નહોતી સાંભળી તે ત્યાં સુધી કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને અને તેના નેતા યશવંત સિંહાને વડા પ્રધાને મળવાનો સમય પણ નહોતો આપ્યો.

કારણ બે હતા. એક તો સળગતા કાશ્મીરને દેશપ્રેમ અને દેશદ્રોહનું ધ્રુવીકરણ કરીને બાકીના ભારતમાં વટાવવું હતું. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવાની હતી. ખેડૂતો આંદોલન કરતા હોય, ત્યારે એ સમાચાર દબાવી દેવા માટે શ્વાન ચેનલો દેશપ્રેમનો દેકારો બોલાવતી હતી. બીજું કારણ અભિમાન હતું. ભારતકેસરી એમ બે બદામના છોકરડાઓ સામે ઝુકી જાય તો ૫૬ ઈંચની છાતી લાજે. માત્ર કાશ્મીર નહીં, અનેક પ્રશ્ને વડા પ્રધાન સહાનુભૂતિના કે મીઠાશના બે બોલ બોલવામાં શરમ અનુભવે છે; પછી એ ખેડૂતો હોય, યુવાનો હોય, દલિતો હોય, નિવૃત્ત લશ્કરી જવાનો હોય કે સ્ત્રીઓ હોય. પ્રેમ અને વાત્સલ્યને તેઓ દુર્બળતા સમજે છે. પૌરુષત્વનું વિકૃત સ્વરૂપ આમાં જોવા મળશે.

સવાલ એ છે કે પ્રત્યક્ષ પરિણામ શું આવ્યું? કેન્દ્રમાં એક હથ્થુ શાસન હોવા છતાં, જમ્મુ અને કાશ્મીરની સરકાર ભાગીદાર હોવા છતાં, લશ્કર પર અંકુશ હોવા છતાં, લશ્કરને છૂટો દોર આપ્યો હોવા છતાં, નોટબંધી કરવા છતાં, આંદોલનકારીઓને ઘાસ નહીં નાખવાની નીતિ અપનાવવા છતાં હાથમાં શું આવ્યું? આ બધું હોવા છતાં ત્રાસવાદી ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત કેસરી કરતાં તો કહેવાતા નિર્બળ વડા પ્રધાનો સારા નીવડ્યા.

વાત એમ છે કે વડા પ્રધાને ગુજરાતભરોસે ચાર વરસ વેડફી નાખ્યા છે. ગુજરાતભરોસે એટલે કે ગુજરાતની જેમ ખેલ પાડતા બે મુદત કાઢી નાખશું એવો ભરોસો. આટલું  ઓછુ હતું તે એમાં તેમણે નોટબંધીનો અને એક સાથે જી.એસ.ટી. લગાડવાના એમ બે મૌલિક નિર્ણયો લીધા જેના દુષ્પ્રરિણામો નજરે પડી રહ્યા છે. હવે દસ મહિના બચ્યા છે અને લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી, હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે. કાશ્મીરને અંજીરનું પાન બનાવવાનું છે. આના સંકેતો પણ મળવા લાગ્યા છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 તેમ જ 22 જૂન 2018

Loading

એક દિવસ પોળોનાં જંગલોમાં …

ઈશાન ભાવસાર|Opinion - Opinion|22 June 2018

(ભાગ – ૧)

૦૯-૦૬-૨૦૧૮, શનિવાર. વેકેશન હોવાથી હું ઘરે હતો. પાંચેક વર્ષમાં પહેલી વાર નોકરી દરમ્યાન વેકેશન માણવા મળ્યું. વેકેશનનાં અલગ અલગ અર્થ આટલાં વર્ષમાં જોયા છે – મુલાકાતી અધ્યાપક તરીકે કામ કરતો હતો, ત્યારે વેકેશન એટલે મહેનતાણાંમાં સીધો ફટકો. ફિક્સ પગારમાં હતો ત્યારે વેકેશન પડવાનું હોય આગલે દિવસે નોકરીનો કોન્ટ્રેકટ પૂર્ણ (એટલે કે બેરોજગારી!). નિરમામાં પણ વેકેશનનાં આગલે દિવસે રાજીનામું (વળી, હંગામી બેરોજગારી!), અને અહીં નવી નોકરીમાં બે વર્ષ પ્રોબેશનમાં વેકેશન દરમ્યાન વર્કપ્લેસ પર હાજરી – જેને અંગ્રેજીમાં detention કહે છે – ફરજિયાત હતી.

હા, તો આટલાં વર્ષોમાં પહેલી વાર હું વેકેશન મનગમતાં પુસ્તકોનાં વાચન અને રસરોટલીનાં જમણ દ્વારા ‘ભોગવી’ રહ્યો હતો, ત્યાં બપોરે બારેક વાગ્યાની આસપાસ યતીનભાઈનો ફોન આવ્યો: “ઇશાન …”

યતીનભાઈનો ફોન આવે એટલે હૃદયના ધબકારા વધી જાય! એમણે કહ્યું, “આપણે પોળોનાં જંગલોમાં ગીધની વસ્તી ગણતરી માટે જવાનું છે. આજે બપોરે સાડા ચારે મારે ત્યાં આવી જા. રાત્રે જંગલમાં જ રોકાવાનું છે. કાલે સાંજે પાછા … આવવું છે ને?”

યતીનભાઈ જોડે પ્રવાસ એટલે અનુભવનો ઉત્તમ લ્હાવો. મારો જી.પી.એસ.સીનો ઈન્ટરવ્યૂ થઇ ગયો હતો, અને વળી વેકેશન હતું એટલે મેં એમને થોડા દિવસ પહેલાં સામે ચાલીને જ કહી રાખ્યું હતું કે ક્યાં ય પ્રવાસ જવું હોય તો હું તો તૈયાર જ છું. મેં કહ્યું, “હા, ચલો.” એટલે યતીનભાઈએ મને રાજેન્દ્રભાઈનો સંપર્ક કરી લેવાનું કહ્યું, કારણ કે અમારે એમની ગાડીમાં પોળો જવાનું હતું. રાજેન્દ્રભાઈ ગોસ્વામીનો પરિચય અમને ગયે વર્ષે YHAI દ્વારા યોજાયેલા પાંચાળ નેચર કેમ્પમાં થયો હતો. રાજેન્દ્રભાઈને ફોન જોડ્યો અને એમણે મને સાડા ત્રણ વાગે તૈયાર રહેવા કહ્યું.

એક દિવસનો જ પ્રવાસ હોઈ ખાસ સામાન કંઈ લેવાનો હતો નહિ – એક જોડી કપડાં, ઓઢવાની ચાદર, ટોપી, પાણીની બોટલ અને બિસ્કીટનું પેકેટ. એ સિવાય ટોર્ચ અને પાવરબેંક પણ ખરી. મારા રોજીંદા વપરાશનાં ત્રણ વર્ષ જૂનાં સ્પોર્ટ્સ શૂઝનું તળિયું ગુંદર ઉખડી જવાથી મગરની મોંફાડ બનાવીને બેઠું હતું. એટલે પછી મનાલી ટ્રેકિંગ માટે મોટે ઉપાડે હિરેનભાઈ સાથે ‘ડેકાથ્લોન’માંથી ક્વેચુઆનાં હાઈકિંગ શૂઝ લઇ આવેલો, એની પરથી ધૂળ સાફ કરવી પડી!

શાર્પ ૩:૩૦એ રાજેન્દ્રભાઈની ‘એસ્ટીમ’ અમે નક્કી કરેલા પીક-અપ પોઈન્ટ પર આવી ગઈ અને અમે ગેસ પૂરાવીને ૪:૩૦એ પહોંચી ગયા યતીનભાઈને ઘરે. પપ્પા એકલા પ્રવાસે જાય એમ કેમ ચાલે? એટલે નાની યશસ્વિની રડવા માંડી. કોઇ પણ પિતા માટે આ કેવી કટોકટીની પળ હોય છે! પણ યતીનભાઈની સમજાવટથી તરત છાની પણ રહી ગઈ. ને અમે હિંમતનગરનાં રસ્તે ગાડી લીધી.

૫:૪૫એ ક્ષિતિજે અરવલ્લીની ગિરિમાળાઓ દેખાવાની શરૂ થઇ. યતીનભાઈ કહે, “અરવલ્લીની ગિરિમાળા ક્યાં પૂરી થાય છે, ખબર છે?” મેં નકારમાં ડોકું ધુણાવ્યું એટલે એમણે કહ્યું, “અમદાવાદમાં થલતેજ ટેકરો છે ને ત્યાં!”

આ જવાબથી મને અને રાજેન્દ્રભાઈને સુખદ આશ્ચર્ય થયું. સાંજે ૬:૦૦ વાગે રસ્તામાં ઇડરની પહેલાં લાલોડા ગામ આવ્યું. યતીનભાઈએ ક્યાંક વાંચ્યું હતું કે લાલોડા પાસે ક્યાંક હજારો વર્ષ જૂનાં ગુફાચિત્રો મળી આવ્યાં છે. એટલે અમારી ગાડી લાલોડા તરફ વળી. પીલવાઇની કોલેજમાં યતીનભાઈ સાથે કિરીટ કરીને એક ભાઈ ભણતો. ગામમાં પ્રવેશતા જ એના પપ્પાનું નામ યતીનભાઈને યાદ આવી ગયું. પૂછતાં પૂછતાં બાપુજીની ભાળ મળી. ગામના તળાવને કિનારે એમનું મકાન ચણાવતા હતા. ગુફાચિત્રો વિશે એમને કે પછી બીજા કોઈ બુઝુર્ગને ખ્યાલ હોય એવું લાગ્યું નહિ. એટલે અમે એમની વિદાય લઈને આગળ ગાડી પાછી મુખ્ય રસ્તા પર વાળી. રસ્તામાં ખજૂરીનાં વૃક્ષો પરનાં ફળ જોઇને યતીનભાઈ કહે, “આને ખલેલા કહેવાય. સૌરાષ્ટ્રમાં શબ્દપ્રયોગ છે: ‘ખલેલા ખાવા’, જેનો અર્થ થાય ‘હેરાન થવું’. મારા જેવા મૂળિયાધૂળિયા વગરના શહેરી માણસ માટે તો આ શબ્દપ્રયોગ પહેલી વારનો હતો. એટલે મેં એને નોંધી લીધો.

છૂટાછવાયાં માટીનાં નળિયાવાળાં મકાનો પર ધીરેધીરે અંધારપછેડી છવાઈ રહી છે. પોળો નજીક આવતું ગયું એમ સાઈનબોર્ડ દેખાવા માંડ્યા. રસ્તામાં અમે JCB જોયું. આજે તો JCB એટલે વિકાસ એવું પ્રજા માની બેઠી છે પણ ક્યારેક સમજાશે કે JCB એટલે વિનાશ. બરાબર ૭:૩૦એ અમે પાળિયાઓની છત્રી નજીક આવેલી જંગલખાતાની કેમ્પસાઈટ પર પહોંચ્યા. ઊતરીને મોબાઈલમાં જોયું તો નેટવર્ક ગુલ! સરસ! યંત્રોની યંત્રણાઓથી દૂર હવે એક દિવસ સંપૂર્ણપણે પ્રકૃતિના સાન્નિધ્યમાં વીતાવવા મળશે …

લ્યો, આ આવી રહ્યા છે અહીંના ફોરેસ્ટર … અમને શું ખબર કે તેઓ બહુ રસપ્રદ પાત્ર સાબિત થશે અને મને તો મારા પ્રવાસવર્ણન માટે એક મજાનું ‘કેરીકેચર’ આટલું સહેલાઈથી મળી જશે …!

વાચકમિત્રો, તમે પ્રતીક્ષા કરો બીજા ભાગની, ત્યાં સુધી અમે જરા ‘ફ્રેશ’ થઈને આવીએ છે…

•••••

(ભાગ – ૨)

વાચકમિત્રો, તમને પ્રતીક્ષા કરવાનું કહીને અમે ‘ફ્રેશ’ થવા ગયા, પણ માનશો અમારા ભાગે ય ઘણી પ્રતીક્ષા કરવાની આવી હતી. પશુ-પક્ષીની વસ્તીગણતરીમાં ‘વોલન્ટીઅર’ તરીકે જોડાઈ શકાય પણ એ માટે ફોરેસ્ટ ઓફિસર કે સંરક્ષકની મંજૂરી લેવી પડે. યતીનભાઈ તો અગાઉ સિંહની તેમ જ નળ સરોવરમાં પક્ષીઓની વસ્તીગણતરીમાં જઈ આવ્યા હતા. એટલે એમણે અહીંના વન સંરક્ષક અધિકારીની મંજૂરી મેળવી હતી. અમે પોળોમાં આવ્યા ત્યારે તેઓ તો કોઈ કામસર બહાર હતા એટલે અમારે એમની પ્રતીક્ષા કરવાની હતી. પણ અમારી પ્રતીક્ષાને પ્રશ્નોત્તરીમાં ફેરવવા માટે આવી ગયા અહીંનાં એક ફોરેસ્ટ – બીટ ઓફિસર. અત્યંત ઉત્સાહથી છલકાતા યુવાન ફોરેસ્ટ ઓફિસરના ચહેરા પર સહજપણે સ્મિત રમતું હતું, પણ અમને ખબર નહોતી કે one may smile, and smile, and be a villain! – એમની સાથેના એનકાઉન્ટરમાં કંઇક આવી વાતો થઇ –

ફોરેસ્ટ ઓફિસર: “ક્યાંથી આવો છો?”

યતીનભાઈ: “ગાંધીનગરથી.”

ફો.ઓ. : (મારી સામું ગનબેરલ જેવો ચહેરો ફેરવતા) “તમે પણ?”

હું : ના, હું અમદાવાદ રહું છું.

ફો.ઓ. : (યતીનભાઈને) તમારો પરિચય?

ય: “મારું નામ યતીન કંસારા. સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર છું.”

ફો.ઓ. : ડેપ્યુટી — સેક્શન — ઓફિસર… હમ્મ… એનું ગુજરાતી શું થાય?

ય: નાયબ સેક્શન અધિકારી.

ફો.ઓ. : સેક્શન તો ઈંગ્લિશ શબ્દ છે. એનું ગુજરાતી શું?

ય : એ જ રીતે બોલાય છે.

ફો.ઓ. : અગાઉ ક્યાં હતા?

ય: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અધ્યાપક હતો.

ફો.ઓ. : ક્યા વિષયો ભણાવતા હતા?

ય : માનવ સંસાધન, વ્યક્તિત્વ નિર્માણ, સંશોધન પદ્ધતિઓ …

ફો.ઓ. : માનવ સંસાધનમાં શું આવે?

ય : કમ્યુિનકેશન સ્કીલ્સ, ઈમેઈલ એટીકેટસ, ઓફિસ મેનેજમેન્ટ, અને એમ્પ્લોયી રિક્રુટમેન્ટ વગેરે.

ફો. ઓ. : હમ્મ … તમે કોમર્સ ગ્રેજ્યુએટ હશો ને?

ય : મેં બી.એસ.સી. વિથ કેમેસ્ટ્રી કરેલું છે.

ફો.ઓ. : ઓ … કેમેસ્ટ્રી ને? it’s the branch of science concerned with the substances of which matter is composed, the investigation of their properties and reactions, and the use of such reactions to form new substances. Antoine-Laurent de Lavoisier is called the father of chemistry. કેમ, બરાબર છે ને?

અમે ત્રણેય : !!!

અત્યાર સુધી અમે ઊભા ઊભા જ વાતો કરતા હતા. અંધારું ઢળી ચૂક્યું હતું. અને આ પ્રશ્નોનો ગોળીબાર ક્યારે બંધ થશે, એની ખબર નહોતી પણ હવે પગ દુખવા આવતા મેં યતીનભાઈનું ધ્યાન દોર્યું કે નજીક પડેલી ખુરશીઓમાં બેસી જઈએ. એટલે અમે ખુરશીમાં જઈને ગોઠવાયા. પણ ફોરેસ્ટ ઓફિસરે બેસવાની જગ્યાએ બદમાશ માખીની જેમ માથે મંડરાવા માંડ્યું …

ફો.ઓ. : અહીંયા ક્યાંથી?

ય: અમે ત્રણેય પ્રકૃતિપ્રેમી છીએ અને …

ફો. ઓ. : એમ? (અમે એની નીચે બેઠા હતા એ ઝાડ તરફ આંગળી કરતા) આ કયું ઝાડ છે ઓળખી બતાવો!

ય : (જરા કંટાળાથી જોઇને) અત્યારે અંધારામાં કંઈ ખ્યાલ નથી આવતો …

ફો.ઓ. : અહીં પોળોનાં જંગલોમાં વિશેષ કંઈ વનસ્પતિ જોવા મળે છે? (વિશેષ શબ્દ પર બરોબર ભાર સૂચવવા તેમણે હાથની મુદ્રા પણ કરી)

ય : બીજી બધી વનસ્પતિ તો જાણે બરાબર પણ એક ખરણી કરીને વનસ્પતિ થાય છે જેનો ઉપયોગ દૂધમાંથી દહીં જમાવવા માટે કરી શકાય છે.

ફો.ઓ. : (અમારી તરફ જોઈને પ્રશ્ન ફેંકતા) આ કયું પક્ષી બોલ્યું?

રાજેન્દ્રભાઈ: ખેરખટ્ટો.

મને હજુ ‘બર્ડ કોલ’માં કંઈ ખાસ ખબર પડતી નહોતી, એટલે મારે માટે તો ‘નરો વા કુંજરો વા’ જેવી સ્થિતિ હતી. મેં ઉત્તર આપવાની જગ્યાએ ડિપ્લોમેટિક મુદ્રામાં ડોકું એ રીતે ધુણાવ્યું જેના બેય અર્થ થાય – જો રાજેન્દ્રભાઈનો જવાબ સાચો નીકળે તો હું પણ એમની સાથે સંમત છું અને જો ખોટો નીકળે તો મેં ક્યાં કીધું કે ખેરખટ્ટો જ હશે! છું ને હું પાક્કો અમદાવાદી?

ફો.ઓ. : (યતીનભાઈ તરફ જોઇને) કયું પક્ષી બોલ્યું?

યતીનભાઈ : બપૈયો.

ફો.ઓ. : (ટેબલ પર આંગળીઓથી ટકોરો કરીને) હમ્મ … Common hawk-cuckoo … called brainfever bird also. સાચું ને?

અમે : !!!

ય : હા.

ફો.ઓ. : ગીધની વસ્તી કેટલી છે અત્યારે ગુજરાતમાં?

ય : નવસો નવ્વાણું અંદાજીત.

ફો.ઓ. : ગીધની વસ્તી કેમ ઘટી રહી છે?

ય : એનાં ઘણાં કારણો છે…

ફો.ઓ. : (આંખો ઝીણી કરીને) જેમ કે …

ય : (આંખો પહોળી કરીને) પશુઓની સારવારમાં ડાયકલોફિનેકનો ઉપયોગ …

ફો.ઓ. : (આંખો ઝીણી કરીને) ગીધની વસ્તી વધારવા શું ઉપાય સૂચવશો?

ય : (આંખો પહોળી કરીને) ફીડીંગ સાઈટ્સ બનાવો.

ફો.ઓ. : (ટેબલ પર ફરી ટકોરા કરતા) હમ્મ …

હું અને રાજેન્દ્રભાઈ ક્યારના યતીનભાઈ સામું મોં વકાસીને જોઈ રહેલા કે શું આ પ્રશ્નો અનંતકાળ સુધી આમ ચાલ્યા જ કરશે? પેટમાં બિલાડા બોલવા લાગ્યા હતા. અમારો આર્તનાદ છેક ઈશ્વરના દરબારના દરવાજા ખટખટાવવા માંડ્યો હશે કે કેમ પણ ઈશ્વરકૃપાએ ઓફિસર ભાઈને કંઇક બીજું કામ આવી પડ્યું તો એમણે અમને નાછૂટકે પડતા મૂકી જવું પડ્યું. જાણે નાઝી અફસરો દ્વારા યહૂદીઓનું ઇન્ટરોગેશન થાય એવી યાતનામાંથી પસાર થયા પછી અમે મુક્તિનો શ્વાસ લેતા મનગમતી વાતોમાં પરોવાયા.

યતીનભાઈ હમણાં જ બર્મા અને થાઇલેન્ડ જઈ આવ્યા હતા, એટલે એના અનુભવોની વાત ચાલી. ત્યાંથી પછી અમે ગીરમાં પહોંચી ગયા. અહીં અભ્યારણમાં જે ટ્રેન ચાલે છે એમાં બાવા અને ગાંડાઓ જ મુસાફરી કરતા હોઈ એ ટ્રેક બંધ કરી દેવામાં આવે તો પણ વાંધો નથી એવા તારણોની વાત થઇ. સિંહનાં રક્ષણ સારુ આ ટ્રેકનાં ફેન્સીંગ માટે સરકારે ગ્રાન્ટ ફાળવેલી છે એવું પણ જાણ્યું.

ભોજનનો બંદોબસ્ત હજુ થઇ રહ્યો હતો. અમે બહાર વાતો કરીને થાક્યા તો અમને એલોટ કરવામાં આવેલી ‘ટ્વીન બંગલો -૧’ લખેલી રૂમમાં ગયા. લ્યો, અહીં તો એ.સી. પણ છે! થોડીવારમાં જમવા માટે બારણે ટકોરા પડ્યા. કેમ્પસાઈટના ખુલ્લા ચોગાનમાં અમે જ્યાં હમણાં બેઠા હતા ત્યાં જ ટેબલ પર વ્યંજનો મુક્યા હતા – દાલબાટી, ટીંડોળાનું શાક, અને કઢી-ભાખરી. દાલબાટી હોય એટલે લસણની ચટણી અને ચૂરમું પણ હોય.

અહીંના વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈનો યતીનભાઈએ પરિચય કરાવ્યો. અને ઓત્તારી, યોગેશભાઈ તો મને ‘ફેસબુક’ પરનાં લખાણને કારણે ઓળખતા હતા! વધુ નવાઈની વાત તો હવે બની. યોગેશભાઈ કહે, “કેશોદથી બીજા પણ એક ભાઈ આવ્યા છે. આલાપ ભાઈ. ગીર ફાઉન્ડેશનમાં નેચર ઇન્સ્ટ્રકટર છે.”

યતીનભાઈ : “કોણ? આલાપ પંડિત?” યોગેશભાઈ, “હા, એ જ. લો, આ આવે …” … અને ૨૫ વર્ષે યતીનભાઈ અને આલાપભાઈનું મિલન થયું આમ અચાનક! ભોજન દરમ્યાન એમની અલકમલકની વાતો અને સંસ્મરણો સાંભળ્યાં.

ભોજન પછી યોગેશભાઈએ માહિતી આપી કે ગીધની વસ્તીગણતરી માટે બે ટુકડીઓ થશે. આવતી કાલે સવારે ૪ વાગે ઊઠીને ગીધની વસ્તીગણતરી માટે જવાનું છે. એમણે રૂમ મળી ગઈ છે અને કોઈ તકલીફ તો નથી ને એવી પૃચ્છા પણ કરી. અમે કહ્યું, રૂમ મળી ગઈ છે પણ પાણી આવતું નથી. નજીક ઊભેલા છોકરાને એમણે સૂચના આપી અને પાણી ચાલુ કરાવી દેવામાં આવ્યું. અમે રૂમમાં પાછા આવ્યા. મોંસૂઝણું થાય એ પહેલાં નીકળવાનું હોવાથી બેગમાંથી ટોર્ચ કાઢીને હાથવગી મૂકી. પછી એલાર્મ ગોઠવીને સૂતા. આંખ મીંચાઈ અને મારું મન તો જટાયુ ગતિએ સ્વપ્નપ્રદેશમાં ઉડાન ભરી ગયું!

•••••••

(ભાગ – ૩)

૧૦/૦૬/૨૦૧૮. સવારે ૩:૪૫એ એલાર્મ વાગ્યું એટલે અમે ઊઠી ગયા. ફ્રેશ થઈને જરા કેમ્પસાઈટના પ્રવેશદ્વારે આવેલા પાર્કિંગ એરિયામાં આવ્યા. બે ટીમ તૈયાર થઇ – આલાપભાઈની અને ઈર્શાદભાઈની. અહીંથી અમને સૂચના મળી કે ગિર ફાઉન્ડેશનના નેચર એજ્યુકેટર આલાપ પંડિતની ટીમમાં તમે છો. ટીમમાં છ જણા થયા – આલાપભાઈ, મોનલ, દલસુખભાઈ, યતીનભાઈ, રાજેન્દ્રભાઈ અને હું. અમે ટવેરામાં ગોઠવાયા. દરગાહ સુધી ટવેરામાં આવ્યા પછી અમે ટપોટપ હરણાવ નદીના પટમાં ઊતરી પડ્યા. અંધારામાં ટોર્ચને અજવાળે પટ પાર કરીને જંગલમાં એ અને આલાપભાઈ આગળ ચાલી રહ્યા હતા. મારી પાસે પણ ટોર્ચ હતી પણ મેં અંધારામાં રસ્તો જોવા આંખો કેળવાય એટલે એ ચાલુ ન કરી. રસ્તામાં એક જગ્યાએ કેડી પર રીંછની હગાર જોઈ. ખાસ્સું ચાલ્યા પછી ડુંગર પર ચઢાણનો તબક્કો આવ્યો, ત્યારે મારો શ્વાસ ફૂલવા માંડ્યો. વીસેક મિનિટ જેટલું ચાલ્યા પછી અમે ડુંગર વચ્ચેની એવી ખુલ્લી જગ્યાએ પહોંચ્યા જ્યાંથી સામેનો મોટો ડુંગર અને એની ખડકાળ કરાડ જોઈ શકાતી હતી. બસ અહીં જ હતી ગીધની વસાહતો. અમે અહીં જ ડેરો તાણ્યો.

આલાપભાઈએ ખડકાળ કરાડ તરફ દ્રષ્ટિ માંડતા સ્પોટસ્કોપ ગોઠવ્યું. આજુબાજુથી પથ્થર ઊંચકી લાવ્યા અને એની પર બેસી ગયા. પછી સ્પોટસ્કોપમાં ગીધ લોકેટ કર્યા – ચારેક જેવા હતા. અમે બધાએ વારાફરતી સ્પોટસ્કોપમાં ગીધ જોયા. ગીધની વસાહતવાળા ડુંગરની આ બાજુ અમારી ટુકડી છે અને બીજી બાજુ ઈર્શાદભાઈની ટુકડી. અહીંથી ગીધ ઊડતા જાય એમ એનો ઊડવાનો સમય અને દિશા નોંધતા રહેવાનું છે. સવાર પડતાં જ પક્ષીઓનો કલરવ સંભળાવા લાગ્યો. અમે બેઠા હતા ત્યાં પાછળથી ટરરર … ટરરર અવાજ આવવા લાગ્યો. જોયું તો એક વૃક્ષ પર લક્કડખોદ બેલડી આવીને થડ ટોચવાં લાગી હતી.

અમે આલાપભાઈ અને મોનલની સાથે કરાડો ભણી મીટ માંડીને બેઠા. થોડી વારમાં કેમ્પસાઈટ પરથી ફોરેસ્ટ ગાઈડ એવા કાલિદાસ ભાઈ અને એમના જોડીદાર પણ જોડાયા, અને અમે વાતો શરૂ કરી. પોળોની કેમ્પસાઈટથી ત્રણેક કિલોમીટર દૂર જ રાજસ્થાન છે. અહીં બેઠા છે ત્યાંથી જમણી તરફ ખોખરા ગામથી રાજસ્થાન શરૂ થાય. યતીનભાઈએ મહુડાનાં ફૂલના રોટલા મળે કે એવું જાણવા ઈચ્છ્યું. યોગેન્દ્ર વ્યાસનો મહુડા ભગત એવો પાઠ આવતો હતો એવું પણ યાદ કર્યું. પણ અત્યારે તો એવા રોટલા મળે એમ નહોતા. વાતવાતમાં એવું પણ જાણવા મળ્યું કે મરાઠાઓએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું ત્યારે વનવાસી પ્રજા ભૂખે મરે એટલે એમણે વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાંથી મહુડાનાં ઝાડ કપાવી નાખેલા. આમે ય ગુજરાતનાં સાંસ્કૃિતક ઇતિહાસમાં મરાઠાઓ લુંટારા અને જુલમખોર તરીકે જ નોંધાયા છે. કાલિદાસભાઈ પાસેથી બીજી એક માહિતી એ મળી કે હલ્દીઘાટીનાં યુદ્ધ વખતે એક વખત રાણા પ્રતાપ અહીં ખોખરા ગામે આવ્યા હતા. ભૂખ્યાતરસ્યા થયેલા રાણાએ નજીકમાં તીરકામઠા લઈને શિકારે જતા એક વનવાસીને રોક્યો અને કહ્યું, “મને ભૂખ લાગી છે. કંઇક ખાવાનું લઇ આવ.” આદિવાસીએ તીરથી હરણનો શિકાર કર્યો અને અજીબોગરીબ ઘટના બની. હરણનાં શબમાંથી લોહી નીગળતું હતું જે આગળ જતા નદીમાં પલટાઈ ગયું ને હરણનું શબ બની ગયું શિલા! એ નદી એટલે પોળોમાંથી પસાર થતી હરણાવ! છે ને રસપ્રદ દંતકથા? એ ખોખરા ગામના હરણાવ મહાદેવનાં મંદિરે પ્રતાપ અને ચેતકનું પ્રતીક મુકેલું છે એવું પણ જાણવા મળ્યું એટલે અમે આ ખોખરાની મુલાકાત લેવાનું નોંધી લીધું.

અમે વાત કરતા હતા ત્યાં દલસુખભાઈ નજીકમાંથી ટીમરુ લઈને આવ્યા. લીંબુનાં કદની નારંગી જ જોઈ લો. મેં તો જિંદગીમાં પહેલી વાર ટીમરુ ખાધું. ઉપર પાતળી કડક છાલ અને અંદર ચીકુ જેવા જ બીજ. એ બીજની આસપાસનો ચીકુ જેવો જ ગળ્યો લાગતો ગર ખાઈ જવાનો. મેં ગર ખાધા પછી બીજને સાચવવાનું વિચાર્યું. પણ બીજ મૂકવા શેમાં? એટલે મેં આસપાસ નજર દોડાવી. શહેર હોય તો રસ્તાની કોરે તમને પ્લાસ્ટીકની કોઈ ત્યકત થેલી કે કાગળનો ટુકડો મળી આવે પણ અહીં far from the madding crowd શું મળે? અરે, મળે ભાઈ … ઘણું ય મળે! નજીકમાં પડેલું ટીમરુનું સુકું પાન ઉપાડ્યું અને એમાં બીજ વીંટી લીધાં – હાજર સો હથિયાર! યતીનભાઈએ મેઘાણીને યાદ કર્યા કે મેઘાણી કહેતા કે હું તો જંગલનાં ટેટા-ટીમરાં ખાઈને મોટું થયેલું પહાડનું બાળક છું.

અમને અમે બેઠા હતા ત્યાં જ ઘણાં પક્ષીઓ જોવાં મળી ગયાં – તુઈ, વ્હાઈટ બેલીડ ડ્રોંગો, બાર્બેટ, પહેલવાન ચકલી. પહેલવાન ચકલી જોતાં જ સલીમ અલીને યાદ કર્યા. એમણે નાનપણમાં પિતાએ ભેટમાં આપેલી એરગનથી જે ચકલી મારી હતી એ પહેલવાન ચકલી. ત્યારબાદ જેમ ક્રૌંચયુગલનાં વધથી જેમ વાલ્મીકિ શોકાતુર થયા હતા, એમ સલીમ અલીના હૃદયમાં ક્ષોભ અને શોક જન્મ્યા અને આ ઘટનાએ ભારતને એક ઉત્તમ પક્ષીવિદ્દ આપવાનો માર્ગ પૂરો પાડ્યો.

પણ વાત સલીમ અલીથી અટકી ન જાય એટલે યતીનભાઈ મને અને રાજેન્દ્રભાઈને કહ્યું કે તમે બન્ને એક સારું બાયનોક્યુલર લઇ લો. આપણે પક્ષીદર્શન કરવા નીકળીએ અને બાયનોક્યુલર ન હોય તો પક્ષીદર્શનનો પૂરેપુરો આનંદ ન માણી શકીએ – એના રંગો, ચાંચનો આકાર, પીંછા, એની ગતિવિધિ કઈ રીતે નિહાળવા? અહીં પોળોમાં રીંછ ઉપરાંત જરખ અને દીપડા પણ જોવા મળે છે. ગઈકાલે સાંજે કેમ્પસાઈટ પર આલાપભાઈએ ફ્લાઈંગ સ્ક્વીરલ/ઊડતી ખિસકોલી જોઈ હતી. ઊડતી એટલે કંઈ એ હવામાં ન ઊડતી હોય પણ એક ઝાડ પરથી દૂરનાં બીજા ઝાડ પર ગ્લાઈડર જેવી પાંખો વીંઝતી ઠેકડો મારે.

હવે યતીનભાઈએ કાલિદાસભાઈને કહ્યું કે અહીંની વનસ્પતિનો પરિચય કરાવો એટલે એમણે આસપાસની ખેર, ધાવડો, સીસમ, ટીમરુ, ગુગળ જેવી વનસ્પતિનો પરિચય કરાવ્યો. દસ-સવા દસ સુધીમાં જોવાયા એટલા ગીધ લોકેટ કરીને અમે પાછા કેમ્પસાઈટ પર આવ્યા. રસ્તામાં એક જગ્યાએ કેમેરો ગોઠવીને ગ્રુપ ફોટો લીધો. અહીં નીચે ગુગળનાં બીજ વેરાયેલાં પડ્યાં હતાં. એનું મગફળી જેવું કોચલું તોડીએ એટલે શીંગ નીકળે. સ્વાદ પણ બિલકુલ શીંગ જેવો. ખવાય એટલી ખાધી અને બાકીની વીણી લીધી. કેમ્પસાઈટ પર પરત ફરીને અમે બધાએ પહેલું કામ સ્નાનાદિ ક્રિયાઓ પતાવવાનું કર્યું. સ્નાન પશ્ચાત્‌ અમે ત્રણે ય ફરી નીકળી પડ્યા.

આભાપુરનાં ભગ્ન જૈન મંદિરો જોયાં પછી પક્ષીદર્શન માટે હરણાવને કાંઠે કાંઠે ચાલવા લાગ્યા. સૌથી પહેલું અમે પીળક જોયું. અને અહો આશ્ચર્યમ્‌! શ્યામશિર પીળક પણ જોવા મળ્યું. પણ સૌથી વધુ આનંદ તો એ વાતનો છે કે અમને રિચાર્ડ ગ્રીમિટની ‘બર્ડ્સ ઓફ ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ પુસ્તકનું મુખપૃષ્ઠ શોભાવતું Indian Pitta જોવા મળ્યું. ગુજરાતીમાં એ પક્ષી ‘નવરંગ’ જેવા સુંદર નામે ઓળખાય છે. આંખ પાસે શ્યામરંગી પટ્ટો, શ્વેતરંગી ગળું, હરિતરંગી પીંછા, આસમાની પૃચ્છ, પેટનો ઉપલો ભાગ પીળો-ભૂખરો તેમ જ પગ તરફનો ભાગ લાલ – જેવું નામ એવો દેખાવ! આમ તો આ પક્ષી ઘણું શરમાળ છે એટલે સોંઘવારીની જેમ ક્યાં ય ઝટ જડતું નથી! હા, આટલી કાળઝાળ મોંઘવારીમાં સોંઘવારીને આપણે જેમ સાંભરીએ તેમ આ પક્ષી પણ દેખાવાની જગ્યાએ સંભળાય ખરું. પણ અમે તો નસીબદાર હઈશું જે વૃક્ષ પર બેઠેલું નવરંગ નીચે જમીન પર કીટક ખાવા આવી ગયું અને ખાસ્સી વાર સુધી અમે દૂરબીનમાંથી એનું નિરીક્ષણ કરતા રહ્યા. પછી નજીકમાં ઘેંટા-બકરાનું ધણ આવ્યું એટલે એ ઊડી ગયું.

અમે આગળ ચાલ્યા. નદીને કિનારે બપૈયો આવીને બેઠો એટલે યતીનભાઈએ મોં પર આંગળી મૂકીને અમને શાંતિથી બેસી જવા કહ્યું જેથી 'ગુડ્ડી' ફિલ્મના ‘બોલે રે પપીહરા’ ગીતમાંના પપીહરાના બોલ સાંભળી શકીએ! ઘણી વાર સુધી બેસી રહ્યા, પણ ખબર નહિ પત્નીથી ઝઘડીને આવ્યો હશે કે કેમ પણ પાજી પપીહરો કંઈ બોલ્યો નહિ. એટલે તશરીફ પરથી ધૂળ ખંખેરી અમે તો હરણાવના કોરા પટમાં ઊતરી પડ્યા અને કાંઠે આવેલી કેમ્પસાઈટ પર પાછલે દરવાજેથી પ્રવેશ કર્યો. હજુ તો કેમ્પસાઈટમાં પગ મૂકીએ ત્યાં તો અરેરે … જનરલ ડાયર જેવા પેલા વનકર્મી સામે જ ઊભેલા મળ્યા! અમે પામી ગયા કે પ્રશ્નોનો ફાયરરાઉન્ડ પાછો નવેસરથી શરૂ થશે! અમને જોતા જ એ અમારી તરફ દોડી આવ્યા. ને રખડપટ્ટી કરીને આવેલા પરસેવે રેબઝેબ અમે ત્રણેય જાણે ‘શોલે’ના ગબ્બરસિંહની સામે ઇન્ટરોગેશનમાં ઊભેલા હોઈએ એવું દ્રશ્ય જાણે સર્જાયું હતું…! …. અમે બેબસ બસ પ્રશ્ન ફાયર થાય એની રાહ જોતા હતા …

•••••••

(ભાગ – ૪)

… અને ગબ્બરસિંહ જેવા વનકર્મીની ઊલટતપાસ શરૂ થઇ.

વનકર્મી : જઈ આવ્યા?

અમે : હા.

વનકર્મી : કઈ બાજુ ગયા હતા?

અમે : અહીંથી આભાપુરનાં મંદિરો તરફ અને પછી ત્યાંથી હરણાવને કિનારે કિનારે … આ સામેની બાજુ …

(આમ બોલતા બોલતા થાકેલાપાકેલા અમે સિફતથી ખુરશીઓમાં ગોઠવાઈ ગયા, કારણ કે આ ઊલટતપાસ ક્યાં સુધી ચાલે એ તો કદાચ જાનકીનાથ પણ નહિ જાણતા હોય!)

હું : તમે બેસો ને … અમે ગઈકાલે આવ્યા ત્યારથી તમને બેઠેલા જોયા જ નથી …

વનકર્મી : ના … બેસવું નથી …. બેસવું તો મને શું છે કે ગમતું જ નથી …

હું : (એમનું નિરીક્ષણ કરતાં મનમાં જ) ઘોડાની જેમ ઊભા ઊભા જ ઊંઘ ખેંચી લેતા હશે કે?

હું મનમાં એમની મશ્કરી કરું છું એ પામી ગયા હશે કે કેમ પણ એમણે મને ઝપેટમાં લીધો.

વનકર્મી : તમે પક્ષીઓ જોયાં?

હું : (ઉત્સાહથી) હા … જોયાં ને … ઘણાં બધાં …

વનકર્મી : (બમણા ઉત્સાહથી) ક્યાં ક્યાં જોયાં?

હું : (જરા થોથવાઈને) અં … વ્હાઈટ બેલીડ ડ્રોંગો, પીળક, બપૈયો, નવરંગ …

વનકર્મી : (ટેબલ પર ટકોરા કરતા) નવરંગ … ઇન્ડિયન પિત્તા … ક્યાં જોયું?

હું : (આંગળી ચીંધીને) આ સામે કાંઠે.

વનકર્મી : બીજાં ક્યાં જોયાં?

હું : અં … બીજાંમાં ખેરખટ્ટો … અને …

યતીનભાઈ : કંસારો. આ જુઓ પાછળ પેલા વડના ઝાડ પર દેખાય …નાનો અને મોટો બન્ને છે.

વનકર્મી (પ્રશ્નોનું નાળચું હવે યતીનભાઈ ભણી ઘુમાવતા) : કંસારો … હં … એનાં લક્ષણો શું છે?

યતીનભાઈ : (જરા રોષથી) xxભાઈ, તમે તો અમારી ખરી પરીક્ષા કરો છો!

વનકર્મી : (આ કાઉન્ટર-ફાયરથી ધૂંધવાઈને) ના …ના … પરીક્ષા શેની? આ તો શું છે ઇન્ફરમેશન શેર કરીએ તો નોલેજ વધે!

ત્યાં જ ક્યારનો તાલ જોઈ રહેલા પાછળ બેઠેલા બીજા એક વનકર્મીએ એમની પોલ ખોલતા કહ્યું, ‘એમને બધી ખબર છે. અહીં બાળકોનાં પ્રકૃતિશિક્ષણનાં વર્ગમાં એ જ આ બધું શીખવાડે છે.’

વનકર્મી : (ધૂંઆપૂઆં થતા) પરીક્ષા શેની …? શેની પરીક્ષા …? તમને એવું લાગતું હશે તો હવે એક પણ પ્રશ્ન નહિ પૂછું, જાઓ … અહીં પરીક્ષા થોડી કરીએ છીએ!

… અને વનકર્મી પોતાના ઉત્સાહનું બાળમરણ થતું સાંખી ન શકવાથી મનમાં રોષથી ફાટફાટ થતા અમને છોડીને ચાલ્યા ગયા, અને વાતાવરણમાં નીરવ શાંતિ છવાઈ ગઈ – after every tempest comes such a calm!

પછી યતીનભાઈએ અહીં બેઠેલા બીજા વનકર્મીને ‘સાબરકાંઠાની વનઔષધિ’ પુસ્તકમાં વાંચ્યું હતું એ આડાનાં જંગલો તેમ જ સપ્તધારેશ્વર વિશે પૂછ્યું. આમ તો અહીં બે-ત્રણ જણને આવું પૂછ્યું હતું પણ કોઈની પાસેથી આના વિશે માહિતી ન મળી. બની શકે કે પુસ્તક લખાયાને અર્ધી સદીથી વધુ સમય થયો હોઈ આ જગ્યાઓ હવે એ નામે જાણીતી ન પણ હોય …

લો, ૨:૦૦ વાગ્યા એટલે અહીં ચોગાનમાં જ ભોજન પીરસાયું. બટાકાનું રસાવાળું શાક, ભાખરી અને મગ-ભાત. ભોજન પશ્ચાત્‌ અમે યોગેશભાઈનો આભાર માનીને વિદાય લીધી.

હવે અમારે પોળોમાં સાઈટસીઈંગ કરવાનું છે. ૩:૦૦ વાગે અમે સૌથી પહેલા વણજ ડેમ પહોંચ્યા. એની ઊડતી મુલાકાત લીધા પછી વિજયનગરને જવાને રસ્તે ખોખરા ગામ કઈ રીતે જવાય એવું પૂછતાં ટીંટોદર ગામના પાટિયેથી અંદર વળ્યા. ગાડીમાંથી જોતા રસ્તાની બે ય બાજુએ અસમથળ જમીન પર કાચાં-પાકાં નળિયાવાળાં, ગારો-માટી લીંપેલાં મકાનો નજરે પડતાં હતાં. એક જગ્યાએ ‘ખોખરા-રાજ બોર્ડર’ એવું સાઈનપોસ્ટીંગ જોયું. ખોખરા પહોંચ્યા પછી રાણા પ્રતાપ આવેલા એ જગ્યા અંગે સ્થાનિકને પૂછતાં એમણે કહ્યું, “આગળ પુલિયું છે ત્યાં ગાડી મૂકી દો અને ડાબી બાજુએ દૂર ધજા દેખાશે. બાજુમાં જે પટ છે એમાં ઊતરીને ત્યાં સુધી જવાશે.” પુલિયું શબ્દમાં મને કંઈ સમજાયું નહીં એટલે મેં પછી યતીનભાઈને પૂછ્યું. એ કહે, “આ આગળ જે નાનકડો પુલ દેખાય એને પુલિયું કહેવાય!” ઓ … હવે ચમકારો થયો!

પટમાં ઊતરીને દૂર ફરફરતી ધજાની દિશામાં ખેતરોના પાળે ચાલતા અમે આગળ વધ્યા ત્યાં જ સામે મોટો ઘેઘૂર વડલો દેખાયો. એ વડલા નીચે જ હરણાવ મહાદેવની નાનકડી દેરી છે. દરવાજે દ્વારપાળ તરીકે ઊભેલી બે વાઘની પ્રતિમાઓ જાણે હસીને અમારું સ્વાગત કરી રહી હતી! જમણે હાથે વડલાની આસપાસ ઓટલો ચણ્યો હતો અને એની પર વડલાની વડવાઈઓ વચ્ચે પડતા ગોખ જેવી જગ્યામાં શિવલિંગ અને એને નમન કરતાં પ્રતાપ અને ચેતકની પ્રતીમાઓ મૂકી હતી. અમે પણ રાણા પ્રતાપ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહ્યા! ઘેઘૂર વડલાએ કોઈ તપસ્વીની ચેતનાનો પ્રભાવ જેમ ચોમેર ફેલાય એમ ચારેબાજુ પોતાની વડવાઈઓ ફેલાવી છે અને એ દરેક વડવાઈઓ જમીન સોંસરવી એવી તો ઊતરી છે જાણે માએ બાળકમાં સિંચેલા સંસ્કારો! થોડો સમય ઓટલા પર પોરો ખાઈને અમે પાલ-ચિતરિયા જવા નીકળ્યા.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જલિયાંવાલા બાગની ઘટના ઘણું મહત્ત્વ ધરાવે છે, પણ જ્યાં અંગ્રેજોએ વિરોધપ્રદર્શન કરવા એકઠા થયેલા ૧,૨૦૦ વનવાસી લોકોને નિર્દયતાથી મરાવી એમની લાશોને નજીકના કૂવામાં ફેંકાવી દીધી હતી, એ નૃશંસ હત્યાકાંડ તો સાવ ભૂલાઈ ગયો છે. એ ઘટના જે સ્થળે બની એ સ્થળ એટલે સાબરકાંઠાનું પાલ-ચિતરિયા ગામ. એ સમયના સરકારી દસ્તાવેજો તપાસતા જણાય છે કે મેલી મુરાદના અંગ્રેજોએ એ ઘટનાને રેકોર્ડ પર લીધી નહોતી. ઉદય માથુરકર નામના પત્રકારે છેક ઈ.સ. ૧૯૯૭માં આ ઘટના સાથે સંકળાયેલા અને જીવનની આખરે પહોંચેલા લોકોની મુલાકાતનો વિસ્તૃત અહેવાલ તસ્વીરો સહિત ‘ઇન્ડિયા ટુડે’માં ‘ધ અધર જલિયાંવાલા’ જેવા શીર્ષક તળે રજૂ કર્યો હતો.

સાંજના ૬:૩૦ થયા છે. ચિતરિયા ગામ રસ્તાની કોરે દૂરથી જ એક મહાકાય વૃક્ષ જોવાં મળતાં અમે તો ખુશ થઇ ગયા. ગુજરાતમાં દુર્લભ એવું એ વૃક્ષ એટલે ગોરખ આમલી. રૂખડો અથવા ચોર આમલી તરીકે પણ ઓળખાતું મૂળ આફ્રિકન કુળનું આ વૃક્ષ પુર્તગાલીઓ ભારતમાં લાવ્યા હોવાનું કહેવાય છે. અમે મધ્યપ્રદેશનાં માંડુંમાં તો ઠેકઠેકાણે આ વૃક્ષ જોયાં હતાં. આફ્રિકામાં તો આ વૃક્ષનાં થડને કોરીને વનવાસી પ્રજા ઘર બનાવીને રહે એટલો તો એના થડનો જંગી ઘેરાવ હોય છે! અમે પણ અહીં વૃક્ષને બાથ ભરવાની કોશિશ કરી. એક કામ અહીં સારું થયું છે. વિકાસની દોટમાં રોડ પર આવી ગયેલા આ રૂખડાની ફરતે કોટ ચણીને ‘વિરાસત વૃક્ષ’નું પાટિયું લગાવી દેવાયું છે, જેથી કાલ ઊઠીને કોઈને એનું નામોનિશાન મિટાવી દેવાનું મન ન થાય. વળી, એ પાટિયામાં લખ્યા પ્રમાણે આ વૃક્ષ ઈ.સ. ૧૯૨૨માં થયેલા પાલ-ચિતરિયાનાં હત્યાકાંડનું એકમાત્ર જીવંત સાક્ષી છે.

વૃક્ષમિત્રની વિદાય લઈને અમે અંદર વીરાંજલિ વન જોવા ગયા. પણ એના દરવાજે તાળું લટકતું જોઇને અમારે પાછા વળવું પડ્યું. મુખ્ય રોડ પર આગળ જતા એક શહીદવન પણ છે. હવે જે જગ્યાએ હત્યાકાંડ થયો હતો એ સ્થળ અમારે જોવું હતું. અંધારું ઢળવાની તૈયારીમાં હતું એટલે શહીદવન ન જઈ શક્યા. સ્થાનિકોને પૂછ્યું એટલે ભાળ મળી કે અહીં દઢવાવ ગામ પાસે એક પુલિયું છે. ત્યાં પુલિયા પાસે એક દીવાલ ચણેલી છે. બસ, એ જ જગ્યાએ આ હિચકારી ઘટના બનેલી. પુલિયા પાસે ગાડી ઊભી રાખી. પુલિયાની બાજુમાં નાનકડો રસ્તો, રસ્તાને છેડે સફેદ ચૂનાથી ધોળેલી એક આર.સી.સી.ની દીવાલ અને નજીકમાં ઓરડી જેવું નાનકડું સ્ટ્રક્ચર ચણેલુ દેખાયું. અમે દીવાલની નજીક ગયા. અહીં ઊભા રહીને યતીનભાઈએ जगदंबा प्रसाद मिश्र 'हितैषी'ની પંક્તિઓ યાદ કરી:

शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले
वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा.

અને મને વિચાર આવ્યો કે જેરુસલેમમાં આવેલી વિશ્વવિખ્યાત ‘વેઈલીંગ વોલ’ની માફક આ વોલને ‘વોલ ઓફ રિમેમ્બરન્સ’ ગણવી જોઈએ, જે નામી-અનામી અનેક વતનપરસ્તોએ દેશ માટે વહોરેલી શહીદીની યાદ અપાવે છે. અમે વોલ પર માથું ટેકવીને મનોમન શ્રદ્ધાસુમન અપર્ણ કર્યા અને નમ્બ થઇ ગયેલી આંખે રસ્તો ઓળંગી વળી ગાડીમાં ગોઠવાયા.

૬:૪૫ થયા હતા. ભિલોડા-ગાંભોઈના રસ્તે ગાડી આગળ વધી રહી હતી, ત્યાં જ રસ્તામાં રાજેન્દ્રભાઈએ જરા દુર્લભ ગણાય એવું હોર્નબિલ (ગુજરાતી નામ: ચિલોત્રો) ઊડીને જતું જોયું. હું પાછલી સીટ પર હોઈ જોઈ ન શક્યો. પણ ત્યાં જ ગાડી સહેજ આગળ જતાં, વળી એક બીજું હોર્નબિલ જોવા મળ્યું. અમે રસ્તાની કોરે ગાડી ઊભી રાખી અને જે વૃક્ષ પર એ બેઠું હતું એની નજીક જઈને જોવા લાગ્યા. લ્યો, આ તો પુખ્ત નહિ પણ નાનકડું બચ્ચું નીકળ્યું! ગયે વર્ષે મંડલેશ્વરમાં અમે શંકરાચાર્યે જ્યાં નર્મદાકિનારે ગુફામાં પોતાનું શરીર મૂકીને અન્ય એક મૃત રાજાના શબમાં પરકાયાપ્રવેશ કર્યો હતો, એ ગુફા જોવા ગયા ત્યારે ત્યાં જયેશ જોશીએ અચાનક બૂમ પાડી હતી: “હોર્નબિલ!” અને અમને ત્રણ હોર્નબિલ જોવા મળ્યા હતા. અંધારું થતાં જ ગ્રે હોર્નબિલનું આ બચ્ચું દૂર ઊડી ગયું એટલે અમે પાછા આવીને ગાડીમાં બેઠા.

વાચકમિત્રો, ગાડીનો પ્રવાસ તો અમે ઘરે સુખરૂપ પહોંચ્યા નહિ ત્યાં સુધી ચાલુ રહ્યો, પણ આ પ્રવાસવર્ણન અહીં જ પૂર્ણ થાય છે!

સૌજન્ય : ઈશાન ભાવસારની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર

Loading

રાષ્ટ્ર, રાષ્ટ્ર તું શું છો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 June 2018

એને સાવ ચાના કપમાંના તોફાન પેઠે બાજુએ મૂકવાની જરૂર નથીઃ પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાતમાં માનો કે એક સીધી રાજકીય ચેષ્ટાને મુદ્દે (ખાસ કરીને, ભાજપ માટે વિષમ સંજોગોમાં તેઓ સંઘમાન્ય ’કૉન્સેન્સસ કેન્ડિડેટ’ હોવાના સંભાવના બજાર બાબત) અગ્રતાક્રમે ધ્યાન ન આપીએ; પણ એમણે સંઘ શિક્ષા વર્ગમાં જે સમારોપ વચનો ઉચ્ચાર્યાં એ સંદર્ભે નિરીક્ષા અને નુક્તેચીનીથી હટીએ પણ નહીં.

સંઘ શ્રેષ્ઠીઓ અને આ લખનાર સહિત અનેક, સંવાદ ચાલવો જોઈએ એવી એક લોકશાહી રાષ્ટ્રજીવનની ભૂમિકાને ધોરણે સકારાત્મકપણે આખી વાતને ઘટાવવા માનો કે રાજી પણ હોય. પણ પ્રણવ મુખર્જીએ વ્યક્ત કરેલા વિચારો બાબતે સંઘસ્થાનોમાં કે આનુષંગિક બેઠકોમાં વિચારવિનિમયનો કોઈ ખયાલ હોય તો આપણને એ ખબર નથી. મુખર્જીએ પ્રાચીન પરંપરાના ગૌરવયુક્ત હવાલાથી જે પૂર્વાર્ધ રજૂ કર્યો, રાષ્ટ્રવાદની પૃષ્ઠભૂ રૂપે, સંઘ એથી રાજી જ હોય. અને પોતે ૯૩ વરસથી આ સ્તો કહી રહ્યો છે એવો આત્મસંતુષ્ટિના ઓડકારપૂર્વકનો દાવો પણ વાજબી રીતે કરી શકે.

અહીં પ્રશ્ન વસ્તુતઃ જુદો છે. પ્રણવદાએ ઉત્તરાર્ધમાં જે વાતો ટાગોરગાંધીનેહરુને સાંકળીને મૂકી, સંઘ એને કઈ રીતે જુએ છે? ટાગોરગાંધીનેહરુ થકી સંમાર્જિત અને સંપોષિત રાષ્ટ્રીય એકંદરમતી (અને આ એકંદરમતીમાં પટેલ ગાંધીનેહરુની સાથે હતા), જેનું પોત સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારામાં તેમ જ એ ધારા સાથેની આંતરક્રિયામાં ઘડાયું, સંઘને પક્ષે એને અંગે એક અંતર હંમેશ રહ્યું છે. આ અંતર, એ કદાચ એક નરમ પ્રયોગ છે. એનું વલણ કેવળ વિરોધનું પણ નથી. પોતે એક વૈકલ્પિક વિમર્શનો હકદાર અને છડીદાર છે, એવું એનું માનવું છે. બિપનચંદ્ર જેવા માર્ક્‌્‌સીય ઇતિહાસકાર પરંપરાગત સામ્યવાદી સમજમાં આ પૂર્વે અગરાજ એવી જે એક વાત, ગાંધીના પ્રદાનની તેમ જ એમના અભિગમની સાર્થકતાની, અધિકારપૂર્વક રજૂ કરી શક્યા છે એવો કોઈ ગાંધીવિદ્‌સંઘશ્રેષ્ઠી અને સિદ્ધાંતકોવિદ આ પરિવારને હજુ મળ્યો નથી. એટલે પ્રાતઃસ્મરણમાં ગાંધીનું નામ દાખલ કર્યા પછી અને છતાં ૧૯૨૫(સંઘની સ્થાપના)થી ૧૯૪૮(ગાંધી હત્યા)માં એને સ્વરાજસંગ્રામની ગાંધી સમેતની વ્યાપક ધારા જોડે જે છત્રીસનો સંબંધ હતો અને જે માનસિકતા હતી એમાં કોઈ મૂળગત પરિવર્તન ઝાઝું આવ્યું નથી.

પ્રશ્ન, ગાંધી સાથે સર્વ વાતે સમ્મત થવાનો નહોતો અને નથી. પ્રશ્ન, સર્વસમાવેશી એકંદરમતીપૂર્વક અને સમતામૂલક, રિપીટ, સમતામૂલક ધોરણે સાથે રહેવાનો અને આગળ વધવાનો છે. જે પ્રકારનો રાષ્ટ્રવાદ સંઘ પરિભાષામાં જોવા મળે છે તેને અને આ ભૂમિકાને કદાચ હાડનો વિરોધ છે. ટીલેટપકે ફેરફાર કર્યા છતાં આ અંતર કંઈક કપાતું લાગે ત્યારે પણ ગુણાત્મકપણે તો વણકપાયું જ રહે છે. એટલે પ્રણવદાના પૂર્વાર્ધથી કે અંતમાં જયહિંદ સાથે એમણે વંદેમાતરમ્ ‌જોડ્યાથી સંઘશ્રેષ્ઠીઓ રાજી હોય કે પ્રણવદા એ રીતે સફળ રહ્યા હોય, પેલું ગુણાત્મક અંતર કપાયાની સાહેદી મળવી હજુ બાકી છે.

વાત એમ છે કે કથિત સંવાદ હજુ, સૂચિત જેવો છે. એ જેટલે અંશે ’મોનોલૉગ’ છે એટલે અંશે ‘ડાયલૉગ’ નથી તે નથી. હવાપાણી ને ખબર અંતર પૂછવા, પરસ્પર જયશ્રીકૃષ્ણ કે ગુડ મૉર્નિંગ કહેવું તે અનિવાર્યપણે સંવાદ નથી. સંઘ સંસ્થાપક હેડ્‌ગેવારને ’ભારત માતાના મહાન સપૂત’ પ્રણવ મુખર્જીએ કહ્યા જરૂર; સંઘશ્રેષ્ઠીઓ એથી રીઝ્યા જરૂર; પણ હેડ્‌ગેવારના રાષ્ટ્રવાદમાં ‘યવનસર્પ’ એ ખાસ મુદ્દો હતો એનું પ્રણવદા અને સંઘશ્રેષ્ઠીઓ શું કરશે, સિવાય કે પરસ્પર સંવાદમાં ઊતરવાનું બને. મુદ્દે, અંગ્રેજ આગમન પૂર્વેના ઇતિહાસમાં હિંદુ ને મુસ્લિમ અથડામણોના કિસ્સા જરૂર છે. પણ એ રાષ્ટ્રોની અથડામણના છે? એ જ રીતે હિંદુ ને જૈન અથડામણો પણ છે. બીજી પણ છે. શિયા-સુન્ની સિલસિલો પણ, એમ તો, ક્યાં ચાલુ નથી? એટલે ‘યવનસર્પ’ની સવિશેષ પસંદગી ચોક્કસ વિચાર અને તપાસ માગી લે છે.

સમજવાની વાત તો એ પણ છે કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રરાજ્યનો ખ્યાલ આખો બહુધા સાંસ્થાનિક કાળની ભેટ છે. તે અંગે જે વ્યાખ્યા, વિભાવના વિકસ્યાં એ યુરોપીય ભેટ છે. પ્રણવ મુખર્જીએ એમના સંબોધનમાં ઈ.સ. ૧૬૪૮ની વેસ્ટફાલિયા સંધિનો યુરોપીય સંદર્ભ તાજો કર્યો જ છે. પણ પછી ઉમેર્યું છે કે આપણે તો વસુધૈવ કુટુમ્બકમ્‌ની વ્યાપક ભાવના તરીકે વિકસ્યા છીએ. સામે પક્ષે, વાસ્તવિકતા એ છે કે આપણી પરંપરાની રીતે સર્વસમાવેશી એવું જે નવયુગી રાષ્ટ્રસ્વરૂપ ઘડાવું જોઈએ એની અવેજીમાં પ્રાચીન ભારતની ખરીખોટી સમજમાં બદ્ધ રહી ધરાર સાંસ્થાનિક (અને તેથી માલિક મુલકની ઘાટીએ) સંઘે આખી વાત પકડી છે. એક તો આ કોલોનિયલ હૅંગ ઓવર, અને પછી વ્યાખ્યાગત સંકીર્ણતા, એટલે લોકશાહી સ્વરાજમાં આટલે વર્ષે હિંદુત્વ પોતે કરીને વીસથી પચીસ ટકે પહોંચતાં હાંફી જતું રહ્યું છે. એના પર વિકાસનો વરખ લગાવી એકત્રીસ ટકે હાલ દિલ્હી હાંસલ થયું છે, પણ ૨૦૧૯માં બેઉ છેડાની શક્યતાઓ ડોકાચિયાં કરી રહી છે.  (હમણેના સી-ડી-એસ લોકનીતિ સર્વેક્ષણ મુજબ એન.ડી.એ.ની સ્થિતિ મે ૨૦૧૮માં એવી છે જેવી જુલાઈ ૨૦૧૩માં યુ.પી.એ.ની હતી.)

ગમે તેમ પણ, કોઇ સિનિક તરીકે કે હાડના સંઘવિરોધી તરીકે નહીં પણ જેને સંવાદ ઇષ્ટ છે એવા નાગરિક તરીકે આ ચર્ચા ઉપસ્થિત કરતી વેળાએ જે ફાળ ને ફિકર અનુભવાય છે તે ચોખારીને મૂકવી જોઇએ. ૧૯૪૮માં ગાંધીહત્યા પછી પ્રતિબંધના તબક્કામાંથી સંઘ બહાર આવ્યો એમાં  એક તબક્કે વેંકટરામ શાસ્ત્રીની મધ્યસ્થીની ઠીક ભૂમિકા હતી. શાસ્ત્રી વિનીત વિચારધારાની વ્યક્તિ હતા. વિનીત ધારાનો આ ગુણ સંઘ પરિવારને કેટલો વસ્યો હશે વારુ? છેલ્લાં ચાર વરસમાં સહિષ્ણુતાની હર વાત અસહિષ્ણુતાથી લેવાઇ છે તે આપણે જોયું છે.

૧૯૪૭ પછી જે નવી પેઢી આવી (૧૯૭૪ના જેપી જમાનામાં કહેવાતું કે ’૪૭નું ઊંધું ’૭૪) એને આ કળ વળે એવો જોગસંજોગ જરૂર હતો. ‘હમારા ચરિત્ર બદલ રહા હૈ’ એવા વાજપેયીના ત્યારના ઉદ્‌્‌ગારોમાં એકરાર અને આશાવાદ હતો. ૧૯૮૦માં જનસંઘના જનતા અવતાર પછી છૂટા પડતાં પાછા જનસંઘ નહીં બનતાં ભારતીય જનતા પક્ષ થવા પાછળ ચોક્કસ એક પસંદગીની સંભાવના હતી. પણ ૧૯૮૪-૮૫થી વળી ‘યુ ટર્ન’ શરૂ થયો. વચગાળામાં, ૧૯૬૦-૭૦ના ગાળામાં એક વાત જરૂર બની હતી – ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ એ ગોળવલકરની કિતાબમાંથી હિંદુ જીવનશૈલી ન અપનાવે તો મુસ્લિમોને કે ખ્રિસ્તીઓને વળી નાગરિક અધિકાર શેના’ એ મતલબનાં વાક્યો વણબોલ્યે પડતાં મુકાયાં હતાં. જો કે સંઘસ્થાનોમાં તે વિશે ચર્ચા વિચારણાના કોઇ સિલસિલા વિના, એ વાક્યોનું પડતું મુકાવું હાડમાં લગારે ઝમ્યા વગર કેવળ ટેક્ટિકલ જેવું બનીને રહી ગયું જણાય છે. અને પેલો ૧૯૮૦ના સ્થાપના ઠરાવનો ’ગાંધીવાદી સમાજવાદ’? રામ જાણે!

વિશ્વનાથ પ્રતાપસિંહના કાળમાં બહારથી ભાજપ અને માર્ક્સવાદી પક્ષ બેઉએ ટેકો કર્યો હતો અને આગળ ચાલતાં વાજપેયીના વડાપ્રધાનકાળમાં પણ પ્રસંગો આવ્યા ન આવ્યા, અને ઠેરના ઠેર. તેર દિવસની સરકારનું રાજીનામું આપતાં વાજપેયીએ સંસદ મારફતે રાષ્ટ્રજોગ ટેલિવાઈઝ્‌ડ સંબોધનની જે તક ઝડપી હતી એમાં કેટલોક અંશ સંઘમાં આંતરિક સ્તરે નહીં ચર્ચાતી કે નહીં ચર્ચી શકાતી વાતોનો પણ હતો. સંઘ જોગ બોલવા સારુ વાજપેયીને રાષ્ટ્ર જોગ બોલવું પડ્યું હતું, એમ પણ તમે કહી શકો. પૂર્વે જનતા પક્ષની સરકાર પડી ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સાઇન્ડ આર્ટિકલથી વાજપેયીએ સંઘને ઠમઠોર્યો જ હતો કે નક્કી કરો તમે આર્ય સમાજની જેમ સુધાર-સંગઠન છો કે પછી રાજકીય પક્ષ. સંકટમોચક જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે સંઘ શ્રેષ્ઠીઓમાં ખાસ કરીને લોહિયાના ‘હિંદુ બનામ હિંદુ’ની તરજ પર પરસ્પર કોઈ ચર્ચા ચાલી હશે એવી કોઈ પતીજ આપણી કને નથી.

જયપ્રકાશ જેવા જયપ્રકાશ જે પ્રભાવકપણે ન પ્રેરી શક્યા તે પુનર્વિચાર સંવાદ પ્રણવદા થકી શક્ય બને? હા, જો સંઘશ્રેષ્ઠીઓ વ્યૂહાત્મકતાથી આગળ વધી સંઘસ્થાનોમાં મુક્ત ને પુખ્ત ચર્ચાનો દોર ચલાવવાનું મન બનાવી શકે તો. રાષ્ટ્રીય સ્તરે સામસામાં ગઠબંધનોના દોરમાં કપાતા અંતર પછી અને છતાં આ રેખા તો અંડોળવાની રહે જ.

સરસંઘચાલક ભાગવતે આવકાર પ્રાસ્તાવિકમાં કહ્યું એ પ્રથમ શ્રવણે તો ઠીક જ લાગે છે કે ભારતની ભૂમિ પર જન્મેલ પ્રત્યેક વ્યક્તિ ભારતીય છે, અને આપણા પૂર્વજોના ડી.એન.એ. ૪૦,૦૦૦ વરસથી એક છે. પણ આટલું કહ્યા પછીનો એમનો તાનપલટો સૂચક છે : આપણે આ ભૂમિ પર જન્મ લીધો છે એટલા માત્રથી જ આપણે ભારતીય બની જતા નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી.

એથી ઊલટું, પ્રણવદાએ આખી ચર્ચા એક જુદા જ મુકામ પર લાવીને મૂકી દીધી છે. નાગરિકતા કહેતાં સંઘ શ્રેષ્ઠીઓને કોઈ ન્યારા પદાર્થની (હિંદુ/ભારતીય ખાસ થપ્પાની) જરૂરત હોય તો પ્રણવ મુખર્જી એમાં સમ્મત નથી. એમણે કહ્યું છે કે આપણું બંધારણ જ આપણા રાષ્ટ્રવાદનો મૂળ સ્રોત છે. ‘ભારતીય રાષ્ટ્રવાદ’ને ‘બંધારણીય દેશભક્તિ’ તરીકે ઓળખાવી શકાય એમ પણ એમણે ઉમેર્યું છે.

રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે પશ્ચિમ જોગ ચિંતા ને ચેતવણીનાં ટાગોરનાં વચનો અહીં સાંભરે છે. એ જ ફ્રિક્‌વન્સી પરનો એમનો ને ગાંધી વચ્ચેનો વિવાદ સદૃશ સંવાદ પણ સાંભરે છે. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો, એક ઓળખ (આઈડેન્ટિટી) થકી બીજી ઓળખ સામે ‘ધ અધર’ તરીકે કે અન્યથા હિંસ્ર સંભાવનાઓ, આ બધું જોયા પછી હેબરમાસ આદિ વિચારકોએ ‘બંધારણીય રાષ્ટ્રવાદ’ પર ભાર મૂક્યો છે. વિશ્વકુટુંબની ભાવનાપૂર્વકનો હોઈ શકે એવો રાષ્ટ્રવાદ આ છે. ગાંધીજી સુભાષના શબ્દોમાં રાષ્ટ્રપિતા હશે પણ રાષ્ટ્રવાદી નહોતા, એ સમજાય છે?

નમો-ટ્રમ્પના વશની વાત આ નથી જ નથી. માટે સ્તો કહ્યું કે ચોક્કસ રેખા અંડોળ્યા પછી જ મૂળગામી સંવાદ શક્ય છે.               

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 01-03 

Loading

...102030...3,0723,0733,0743,075...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved