Opinion Magazine
Number of visits: 9579800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધ્રુપદ ને ખયાલ એકકંઠ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 June 2018

કર્ણાટકના ચૂંટણીપરિણામ પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વડાપ્રધાનપદ માટે તૈયાર છું. વચ્ચેના દિવસોમાં એમના એ ઉદ્‌ગારો સંભારી હાંસી કરવાનું વલણ દેખાયું છે પણ એમાં એમને અન્યાય થાય છે. તે એ રીતે કે જો કૉંગ્રેસ પક્ષને બહુમતી મળે તો એના નેતા તરીકે હું વડાપ્રધાનપદ સ્વીકારવા તૈયાર છું એવું એમણે કહ્યું હતું. આ સંભારવાનું તત્કાલ નિમિત્ત તો જો કે એટલું જ છે કે મે ર૦૧૯માં વડાપ્રધાનપદે નમો સિવાય કોઈ વ્યક્તિ હોઈ શકે એવી શક્યતા હવે પૂર્વવત્‌ અશક્ય નથી લાગતી. દેખીતી વાત છે કે કર્ણાટકની ચૂંટણી પછીની પેટાચૂંટણીઓમાં પરિણામોની જે તરાહ અને તાસીર માલૂમ પડી તે પછી આવી શક્યતાઓનું બજાર ખૂલી ગયું છે. (પ્રણવ મુખર્જી અને નાગપુર નિમંત્રણ સંદર્ભે હમણાંનો વિવાદ આ સંદર્ભમાં દ્યોતક છે).

ઉત્તરોત્તર જે એક વાત છેલ્લા ચાર વરસમાં સ્ફૂટ થતી રહી છે તે એ કે મે ર૦૧૪નો કથિત વિકાસ મત એટલું કામ આપનારો નથી. કોઈક ને કોઈક રીતે કોમી ઉંબાડિયું ચાલુ રાખ્યા વગર ભાજપ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અલબત્ત, કૈરાના લોકસભા મતવિસ્તારનું તાજેતરનું ચુંટણી પરિણામ વળતા જવાબરૂપે નોંધપાત્ર છે. ચૌધરી અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળે પોતાની જાટ ઓળખથી હટીને એક મુસ્લિમ મહિલા, તબસ્સુમ હસનને ઊભાં રાખ્યાં અને બિનભાજપ એકતાને જોરે એ ચુંટાઈ પણ આવ્યાં! કૈરાનાની પેટાચૂંટણી ભાજપ સાંસદ હુકુમસિંહના મૃત્યુને કારણે જરૂરી બની હતી. આ હુકુમસિંહે પોતાના સાંસદકાળમાં ચૂંટણીલક્ષી કોમી ધ્રુવીકરણને નજર સામે રાખી, કૈરાનામાંથી મુસ્લિમોના ત્રાસને કારણે મોટે પાયે હિંદુ હિજરત થયાની વાત ઉછાળી હતી. જો કે, સ્વતંત્ર તપાસ પછી જે સમજાયું હતું તે એ હતું કે હિજરતીઓમાં જેમ હિંદુઓ તેમ મુસ્લિમો પણ હતા, અને આ હિજરતમાં એક કારણ આર્થિક વિકાસનાં નવાં ચરિયાણની શોધ પણ હતી. ખાસ કરીને દિલ્હી માંડ દોઢસો કિલોમીટર છેટે હોય એ સંજોગોમાં મહાનગરનું આકર્ષણ પણ ખરું.

ર૦૧૬માં આ વિવાદ ઉપડ્યો ત્યારે એક સમગ્ર ચિત્ર આલેખવાનું બન્યું હતું. આ ક્ષણે ઝાઝી તપસીલમાં નહીં ખૂંપતાં એ એક હદ્ય ઇતિહાસવસ્તુ માત્ર સંભારી લઈશું કે શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે જે કિરાણા ઘરાણાની ખ્યાતિ છે એનો ઉગમ કૈરાનાનો છે. હિંદુ પરંપરાનો ધ્રુપદ અને ઈસ્લામી પરંપરાનો ખયાલ, આ બેઉનું સંમિલન તે કિરાણા ઘરાણાનો વિશેષ ગણાય છે. જાટ મતદારોએ હિંદુ ઓળખથી નહીં ખેંચાતાં એક મુસ્લિમ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું તેમાં કિરાણા ઘરાણાનો કિંચિત્‌ પણ અપરિભાષિત ફાળો હશે એમ માનવું કોને ન ગમે. સમાજવાદી પક્ષ, બહુજનસમાજ પક્ષ, રાષ્ટ્રીય લોકદળ, કૉંગ્રેસ સૌ એકત્ર આવે તો ર૦૧૯માં ઉત્તરપ્રદેશમાં કેવીક ચૂંટણીભોંય કેળવાય – ભાજપ કેવોક ‘ધીખતી ધરા’ અનુભવ કરે – એનું આ એક ટ્રેલર, બીજું શું.

સાદી ચૂંટણીસમજૂતીની ચર્ચાને હમણાં આ લખનાર છેક ગાયકી અને ઘરાણા લગી ખેંચી ગયો એમાં રહેલી દૂરાકૃષ્ટતાની જો એને ખુદને પણ ખબર હોય તો બાકી સૌને ય એનાં ઓસાણ ન હોય એવું તો શી રીતે માની શકાય. પણ, તેમ છતાં આવો પેરેલલ દોરવા પાછળની એક ચાલના એ મુદ્દો ઘૂંટવાની છે કે બિનભાજપ પક્ષોના ખયાલમાં રહેવું જોઈશે કે વાત માત્ર અંકગણિતની નથી, એમાં કશીક કીમિયાગરી (આલ્કેમી) જરૂરી છે, જેમ કે જેપી આંદોલન / વીપી હવા.

દરમ્યાન, બેઠકોની જિદ જરૂર પ્રમાણે છોડીને પણ સપ (અખિલેશ), બસપ (માયાવતી) સાથે રહેશે એવી અખિલેશ યાદવની જાહેરાતમાં રહેલી સહજ પ્રૌઢિની સ્વાગતાર્હ નોંધ!

સૌ જન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 11 

Loading

સરૂપ ધ્રુવ : સળગતી હવાઓમાં હસ્તક્ષેપ કરનાર જનવાદી વિદ્રોહી કવિ અને ઇતિહાસકાર વિદુષી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 June 2018

અમદાવાદના ઇતિહાસ પર સરૂપબહેને લખેલાં નવાં અને નોખાં પુસ્તક ‘શહરનામા’ વિશેનાં વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે સાંજે ચાર વાગ્યે સાહિત્ય પરિષદના પરિસરમાં યોજાયો છે

સરૂપ ધ્રુવ પ્રતિબદ્ધ સામાજિક-રાજનૈતિક કવયિત્રી, નાટ્યલેખક અને સાંસ્કૃિતક કર્મશીલ છે. અમદાવાદના ઇતિહાસ પરનાં તેમનાં તદ્દન નવાં પુસ્તક ‘શહરનામા’ વિશે વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે થશે. સરૂપબહેને ચાર ખંડોમાં લખેલાં ગુજરાતના ઇતિહાસ ‘સફરનામા’ની જેમ ‘શહેરનામા’ પણ નોખી રીતે  લખાયું છે.

અહીં પણ યુવક-યુવતીઓ કરેલા અમદાવાદના સફર રૂપે શહેરનો ઇતિહાસ છસો પાનાંમાં નિરુપાયો છે. યુવા મંડળી શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો અને ઓછાં જાણીતાં સ્થળે જાય છે. માર્ગદર્શકો રચના અને ચિંતન સાથે મંડળીનો કુતૂહલભર્યો સંવાદ સતત ચાલે છે, તેમાંથી ઇતિહાસ ઉઘડતો રહે છે. સાબરમતી નદીનાં અસ્તિત્વ અને તેને કાંઠે વસેલાં પ્રાચીન નગરથી શરૂ થાય છે. રાજ્યસત્તાના અનેક યુગો, સુધારાની ઓગણીસમી સદી અને વીસમી સદીનાં સારાં-નરસાં આંદોલનોના સમયગાળામાંથી થઈને, ગોધરાકાંડ પછીનાં માનવસંહાર, મૉલ કલ્ચર અને હેરિટેજ સિટી નામના ખેલ સુધી વિદ્રોહી વિદુષી સરૂપબહેનનો નગર-ઇતિહાસ આવી પહોંચે છે. તેમાં દંતકથા-પુરાણ, પુરાતત્વ-શિલ્પ-સ્થાપત્ય, આર્થિક-સાંસ્કૃિતક-રાજકીય પાસાં છે. સાથે કોમવાદીકરણ, વેપારીકરણ, ગરીબોનું વિસ્થાપન જેવાં પાસાંની ભાગ્યે જ થતી વાત વારંવાર ક્યારેક કટાક્ષમાં તો ક્યારેક સીધી જ કહેવાઈ છે. બિલકુલ રોજબરોજની વાતચીતમાં પરિભાષાના ઓછા ઉપયોગ સાથે શહેરને પ્રગતિશીલતાની જરૂરિયાતનાં દૃષ્ટિકોણથી અમદાવાદનું આલેખન અહીં થયું છે. ઇતિહાસ તરફનાં આવાં દૃષ્ટિકોણ અને તેની રજૂઆતની રીતે ‘શહેરનામા’ ગુજરાતી ઇતિહાસ લેખનમાં વિશિષ્ટ ગ્રંથ છે.

જો કે ઇતિહાસકાર મૂળે તો કવિ છે. તે વિરલ ગુજરાતી મહિલા કવિ છે કે જેમણે તમામ પ્રકારનાં અન્યાય અને વંચિતતાને વિષય બનાવીને તેને નાબૂદ કરવા માટેની સર્વાહારા ક્રાન્તિના કેન્દ્રવર્તી વિચાર સાથે ત્રણેક દાયકા સાતત્યપૂર્ણ અને સોંસરું કાવ્યલેખન કર્યું હોય. વળી સિત્તેર વર્ષનાં સરૂપબહેન કદાચ એકમાત્ર એવાં ગુજરાતી સર્જક છે કે જેમણે પોતાની પ્રિય સર્જકતાના એક આખા ય તબક્કાને રદબાતલ જાહેર કર્યો હોય. લાડીલા નાગર સંતાન તરીકે ઉછરેલાં સરૂપ, 1980ના પહેલાંનાં એકાદ દાયકામાં વિદગ્ધ વાચક, કલારસિક યુવતી અને મહેનતુ સાહિત્ય સંશોધક  હતાં. સંવેદના, સભાનતા અને સજ્જતા ધરાવતાં કવિ હતાં. સાહિત્યનો તેમનો ખ્યાલ સર્જન-વિવેચનના પરંપરાગત ખ્યાલોથી બંધાયેલો હતો. તેમાં માત્ર સર્જક અને કલા જ મહત્ત્વનાં હતાં. તેમની કવિતાઓ પ્રભાવ પાડનારી પણ અઘરી, ખૂબ વ્યક્તિકેન્દ્રી અને ‘આધુનિક સાહિત્યના એકદંડિયા મહેલમાં’ રચાયેલી હતી.

તેમણે 1974થી પાંચ વર્ષ દરમિયાન લખેલી કવિતાઓમાંથી પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ’ મારા હાથની વાત’ સંચય 1982માં બહાર પાડ્યો. તે વખતે ‘અવૈધ સંતાનનો જાહેર સ્વીકાર કરતી હોઉં એવી લાગણી થતી હતી’ એમ સરૂપબહેને તેર વર્ષ બાદ નોંધ્યું છે. તેમણે આ એકરાર 1995માં પ્રકાશિત તેમનાં ‘સળગતી હવાઓ’ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં કર્યો છે. પહેલાં સંગ્રહના સાહિત્ય કરતાં આ સંગ્રહ ધરમૂળથી જુદો છે, એટલે કે તેમાં શબ્દેશબ્દ સામાજિક નિસબત ધરાવતી કવિતાઓ છે. ‘અગનપંખી’ એવાં સૂચક મથાળા હેઠળની પ્રસ્તાવનામાં, કવિમાં આવેલાં મૂળસોતા પલટાનું સવિસ્તાર રસપ્રદ સ્વકથન છે. બદલાવની શરૂઆત ખ્રિસ્તી ધર્મગુરુ બનવા માટેની તાલીમ લેનારા ઇસુસંઘીઓને અને ‘સેવા’સંસ્થાની શ્રમજીવી બહેનોને ભાષા-શિક્ષણ આપવાનાં કામથી આ થઈ. ભાષા વિશેનો ખ્યાલ બદલાયો, વિસ્તર્યો. નવમા દાયકાના અનેક આંદોલનોને કારણે અન્યાય, વિરોધ, દમન, કર્મશીલતાને બહુ નજીકથી જોવાનાં – અનુભવવાનાં થયાં. સાહિત્યકારની ભૂમિકા અંગે જનવાદી અને વિદ્રોહી સંવેદના જાગી. તેનાં કાવ્યો ‘સળગતી હવાઓ’માં છે.

વળી, અનેક જાહેર બનાવોએ કવિતાઓ પ્રેરી છે : કોમી હુલ્લડોમાં ફેરવવામાં આવેલું 1985નું અનામત આંદોલન, ‘સહુથી નીચ સાહિત્યકાર અને સહુથી ભયંકર બ્રહ્મરાક્ષસ’ને વિશ્વગુર્જરી સન્માન, ગોલાણા હત્યાકાંડ, ભોપાલ ગૅસ ટ્રૅજેડી, બાલમજૂરીના કાયદામાં સુધારો, તેમનાં પોતાનાં ‘રાજપરિવર્તન’ નાટક પર અને અભિન્ન સાથી સાંસ્કૃિતક કર્મશીલ હિરેન ગાંધીના ભગતસિંહ વિશેનાં નાટક પર ગુજરાતના સેન્સરની તવાઈ સામેની લડત, ભા.જ.પ.ની સોમનાથ-અયોધ્યા યાત્રા, ભાલના ખારાપાટનું વાઘું, સરદાર સરોવર યોજનાને કારણે શરૂ થયેલું પ્રચંડ નુકસાન, નર્મદા બચાઓ આંદોલન, સૂરતનો પ્લેગ, દુષ્કાળ વચ્ચે સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર – આ યાદી લાંબી થઈ શકે. ભગતસિંહ, સફદર હાશ્મી અને તસલીમા નસરીન વિશેની કવિતાઓ પણ છે. સાંસ્કૃિતક-સાહિત્યિક પરંપરાઓ અને અક્ષરની આલમના સ્થાપિત હિતો પરનું મૂર્તિભંજક ઉપહાસ-કાવ્ય ‘પૂર્વજોનું પૂંછડું’ એ સરૂપબહેન પરના અનૌપચારિક સાહિત્યિક બહિષ્કારમાં પરિણમ્યું.

‘કવિનું કામ’ એ ‘હસ્તક્ષેપ’ (2003) સંગ્રહના પહેલા વિભાગનો વિષય છે. તે પછીનો વિભાગ ‘આસમાની સુલતાની’ છે – કંડલા વાવાઝોડું, ધરતીકંપ, પાણીની અછત, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, આદિવાસી વિદ્યાર્થિની પણ બળાત્કાર અને અન્ય. ત્યાર બાદ, 2002ના માનવસંહાર પહેલાંના અને પછીના માહોલ વિશેની ચૌદ અને આદિવાસીઓનાં કોમવાદીકરણ પર આઠ રચનાઓ છે. સાથેના સંગ્રહ ‘સહિયારા સૂરજની ખોજમાં’. તેમાં રાજકીય અને સામાજિક જાગૃતિ માટેનાં તેંત્રીસ અર્થસભર જોસ્સાદાર ગીતો છે. એ બધાં ‘ગવાયાં તે ગીત’ છે. તે ગુજરાભરમાં ગવાયાં છે. સ્ત્રીઓ-આદિવાસીઓ-દલિતોના સંઘર્ષ, વિસ્થાપન અને પુનર્વાસ, બંધારણ અને ચૂંટણી જેવા વિષયો પરનાં આ ગીતો છે. ચળવળો ઉપરાંત સંગઠનોનાં કાર્યક્રમો, કૅસેટો, નાટકો જેવાં નિમિત્તે લોકોએ તે ગાયાં છે.

આઠ સમસ્યાપ્રધાન નાટકો લખનાર સરૂપબહેનનાં ‘સુનો નદી ક્યા કહતી હૈ’ (2004) નાટકને સેન્સર બોર્ડની મંજૂરી ન મળતાં અમદાવાદમાં અને ગુજરાત બહાર ખાનગી સંસ્થાઓમાં ભજવાયું. સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને હજારો ગરીબોનાં વિસ્થાપન, કોમવાદ, ફાસીવાદ જેવા સંદર્ભોમાં તેજાબી રીતે નિરૂપતી આ નાટ્યકૃતિ જેવું ભાગ્યે જ કંઈ ગુજરાતમાં લખાયું છે.

કંઈક એવું જ ‘ઉમ્મીદ હોગી કોઈ’(રાજકમલ પ્રકાશન,2009) નામના, હચમચાવી નાખનારા હિન્દી વાર્તાસંગ્રહ(મોહન દાંડીકરનો ગુજરાતી અનુવાદ ‘અણસાર ક્યાંય આશનો’)ની બાબતમાં છે. તેમાં 2002નાં રમખાણો દરમિયાન ગુજરાતભરમાં મુસ્લિમ સ્ત્રી-પુરુષો પર ચલાવવામાં આવેલી હેવાનિયત અને તેની વચ્ચે કોળી ઊઠેલી ઇન્સાનિયતનાં ઓરલ નરેટિવ્ઝ એટલે કે મૌખિક બયાનો છે. તે વાર્તાનાં સાવ પાતળાં આવરણ નીચે લેખિત રૂપે મૂકાયાં છે. આ પુસ્તક માટે સરૂપબેહેને અમદાવાદના રમખાણગ્રસ્ત વિસ્તારો ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાનાં પચાસથી વધુ ગામડાંમાં ફરીને સો કરતાં વધુ પીડિતોની અને તેમને બચાવ-રાહત પૂરાં પાડનારાં ગ્રામજનો તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યકરોની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી.

સંશોધક-વિચારક સરૂપબહેને આધુનિકતાની વિભાવનાનાં કેટલાંક પાસાં પર પુસ્તકો લખ્યાં છે. ‘હીરનો હીંચકો’માં તેઓ ભાલપ્રદેશની વણકર બહેનોનાં લોકગીતોના સહસંશોધક છે. લાંબા વિવેચનલેખો આપનાર  સરૂપબહેનની સાહિત્યશાસ્ત્રની સમજ બીજાં કેટલાંક ક્ષેત્રોમાં છે તેમ પાકી અને અદ્યતન છે. તેમણે અનુવાદ અને સંપાદન પણ કર્યાં છે. હિન્દી ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનાં અચ્છા જાણકાર સરૂપબહેનનો ગુજરાતી ભાષાના ઉપયોગનો અને સાહિત્યસ્વરૂપોની આવડતનો વ્યાપ ઘણો મોટો છે. લલિતકલાઓ અને સિનેમામાં ઊંડો રસ છે, કથકની તાલીમ છે, પુસ્તકોનું બંધાણ છે. સરૂપબહેનનો વ્યાસંગ દુર્ગા ભાગવતની અને તેમની વિદ્વત્તાપૂર્ણ  પ્રતિબદ્ધતા નીરાબહેન દેસાઈની યાદ અપાવે છે. ન ભૂલીએ કે સરૂપબહેનનાં અસામાન્ય સર્જક હોવામાં હિરેન અને નિયતી ગાંધી, તેમનાં નેજા હેઠળનાં ‘સંવેદન’ અને ‘દર્શન’ નામનાં સાંસ્કૃિતક મંચોનો બહુ મોટો ફાળો છે.

સરૂપબહેનની કેટલીક કવિતાઓ અંગ્રેજી અને હિન્દીમાં પહોંચી છે. અભ્યાસીઓએ તેમની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી છે. દેશના નારીવાદી સર્જકોમાં તેમનું સ્થાન છે. તેમને 2008માં હ્યૂમન રાઇટસ વૉચ સંસ્થા તરફથી ‘હેલમેન હેમ્મિટ અવૉર્ડ ફૉર કરેજિયસ રાઇટિંગ’ નામનું સન્માન મળ્યું. તે રાજકીય દમન અને સેન્સરશીપનો ભોગ બનેલા લેખકોને આપવામાં આવે છે. તે તસલીમા નસરીનને પણ મળ્યું છે. સરૂપબહેન તસલીમાની હરોળના જ, અગનપંખીની નસલના છે.

+++++

21 જૂન 2018 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 22 જૂન 2018    

Loading

અમેરિકામાં ગુજરાતી પુસ્તક

ભરત શાં. શાહ|Opinion - Opinion|23 June 2018

ઉત્તમ માણસો તથા મૂર્ખાઓ, એ બેમાંથી કોઈમાં ય માર ખાઈ ખાઈને અધમૂઆ થવા છતાં આદરેલું છોડી દેવા જેટલી અક્કલ હોતી નથી. અંતે જે સફળ થાય તે ઉત્તમ કહેવાય છે, જો કે બાકીનાઓ કાયમ વધુમતીમાં હોય છે. અમેરિકામાં ભવિષ્યની પેઢીઓની ચિંતાની વ્યર્થતા સમજાયા પછી હવે સૌને “આપણા ગયા પછી શું?”ની ફિકર પેઠી છે. આપણી સંપત્તિના ઘરાક તો મળી રહે, પણ દસકાઓથી સંઘરેલાં, અને પૂઠાં ઉપર પૂઠાં ચડાવીને રક્ષેલાં પુસ્તકોનું શું કરવું તે પ્રાણપ્રશ્ન છે. “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા” આગળ હાલ પૂરતી તો સમાધાનરેખા દોરાઈ છે.

આવતી પેઢી તો ઠીક, આપણી પોતાની પાસે પણ હવે ગુજરાતી વાંચવા માટે નથી સમય, કે નથી કદાચ શક્તિ પણ. તેથી બહાનાં કાઢીએ છીએ કે અંગ્રેજી વાંચીએ છીએ, કૉમ્પ્યૂટર ઉપર વાંચી લઈએ છીએ, અમારા ઘરમાં પડ્યાં છે તે વાંચવાનો પણ સમય નથી, અમારા બાપદાદાએ દેશમાં સેંકડો પુસ્તકો ભેગાં કર્યાં છે, ઈત્યાદિ. હવે ભારતથી પુસ્તકો લાવવાનું અશક્યવત્‌ થઈ ગયું છે, તેથી અમેરિકામાં જે પુસ્તકો આવી ગયાં છે તે સાચવવાની જરૂર છે, કોઈ વાચક નજરે ન પડે તો પણ. વળી ભારતથી મુલાકાતે કે સ્થળાંતર કરીને આવતા વડીલોમાંના મોટા ભાગના માત્ર ગુજરાતી જ વાંચી શકે તેમ છે. અંગ્રેજી આવડતું હોય તો પણ તેમનામાં સ્થાનિક પુસ્તકાલયમાં કાર ચલાવીને જવાની કે બિનઅંગ્રેજી પુસ્તકોની પૂછતાછ કરવાની ક્ષમતા પણ જવલ્લે જ હોય છે.

તેમને અનુલક્ષીને મારાં પોતાનાં બે-એક હજાર પુસ્તકોમાંથી એક પુસ્તકાલય પાંચેક વર્ષ પૂર્વે શરૂ કર્યું હતું, તે હવે લગભગ બંધ કર્યું છે કે જેની ફલશ્રુતિ અહીં રજૂ કરી છે. જીર્ણશીર્ણ હાલતમાં હોય તેવાં, બાઇન્ડિંગની દોરીઓ લટકતી હોય તેવાં, બાઇન્ડિંગ છૂટું પડી ગયું હોય તેવાં, જીવાત સિવાય બીજા કોઈએ જેમાં મોં ન નાખ્યું હોય તેવાં પુસ્તકોને સંમાર્જીને કૅટલૉગિંગ કરવું પડે. પુસ્તકોનો ઢગલો ન તો ઘરમાં આવકાર્ય છે, ન તો સામાજિક કાર્યક્રમોમાં. કબીરજીએ “દોનો હાથ ઉલેચિયે” કદાચ પુસ્તકો બાબત જ કહ્યું હશે.

ધર્મસ્થાનોમાં સાધારણ પુસ્તકાલયોની તો દુર્દશા જ થાય છે. ભગવાનનો ફોટો જો અંદર હોય તો કદાચ તે સચવાય, તદ્દન ઊઘાડ્યા વગર. વળી, એક યા બીજાં પુસ્તકો વિરુદ્ધ કોઈને ને કોઈને વાંધો પડે. શૃંગાર તો ખુદ ભગવાન કૃષ્ણના પણ નિંદાય છે ત્યાં બીજાના તો શા ભાર? ગુજરાતી સમાજો અને અન્ય સંસ્થાઓ પુસ્તકાલયોના એકાધિક દુઃખદ અનુભવોના ઢગલા ઉપર જ બેઠેલાં હોય છે. તદુપરાંત, સમાજમાં લોકો અનિયતકાળે મળતા હોય તેથી પુસ્તકોની લેવડદેવડની વ્યવસ્થાની મુશ્કેલી પડે. મનોરંજનની સંસ્થાઓ તો જાણે કે માની જ લે છે કે પુસ્તક માત્ર ગંભીર જ હોય, તેથી તેમનાથી તો હાથ જ ન અડાડાય.

ઉંમરલાયક વડીલો માટે અહીં સામાજિક કેન્દ્રો ચાલે છે. ત્યાં લોકો દરરોજ કે દર સપ્તાહે કે મહિને બે મહિને, પણ નિયમિત રીતે ભેગા થાય છે. જવાબદાર વ્યક્તિઓ તે ચલાવે છે. દૂરનાં કેન્દ્રોમાં મુશ્કેલી પડે તો પણ ત્યાં આ નિઃશુલ્ક પુસ્તક વહેંચણીની પ્રવૃત્તિ શરૂ કરવા માટે નિષ્ફળ પ્રયત્નો કરી જોયા. કોઈને અમારા ઉપર ઉપકાર કરવાનું મન ન થયું. અમારા વિસ્તારમાં બે મુખ્ય કેન્દ્રો ચાલે છે. એક સ્થાનિક વૈષ્ણવ મંદિર ચલાવે છે જેમાંથી હમણાં બે થયાં છે. બીજા હિંદુ અને જૈન મંદિરો પણ નાનાંમોટાં કેન્દ્રો ચલાવે છે. મહદંશે આ કેન્દ્રોમાં માત્ર ગુજરાતીઓ જ આવે છે. વૈષ્ણવ મંદિરમાં મૌખિક મંજૂરી તો મળી, અને બે-ત્રણ વખત અમે ત્યાં બેઠા પણ ખરાં. પણ ત્યાંના કાર્યક્રમમાં સમય કે હૉલમાં જગ્યા ન હોવાથી અને સર્વ સભ્યો ગુજરાતી હોવા છતાં, ખાસ તો ઉત્સાહનો અભાવ હોવાથી બંધ કરવું પડ્યું. થોડાં ઘણાં પુસ્તકો પાછાં ન જ આવ્યાં, વ્યવસ્થાપકોની હાકલ છતાં.

બીજું કેન્દ્ર એક સામાજિક સંસ્થા ચલાવે છે જ્યાં પચરંગી વસતિ આવે છે. તેના સેંકડો સભ્યો હશે. કાયમ આવનારા તો સો-સવાસો જ હોય. ગુજરાતીઓ લગભગ ૩પ-૪૦% હશે. તો પણ અમારાં ૭પ જેટલાં ઘરાકો થયાં. દર અઠવાડિયે તેની બેઠક થાય છે. મહિને એકથી લઈને દર હફતે સાત-આઠ પુસ્તકો લઈ જવાવાળા સભ્યો હતા. કવચિત્‌ તો પતિ અને પત્ની બંને અલાયદાં લઈ જાય. મારા ઘરે ફોન કરીને તેમની ફરમાઈશ મોકલે, જીવની જેમ પુસ્તકોનું જતન કરે, અને પાછાં લઈ આવે. મરામત કરવાની મેં ના પાડેલી, તેથી કંઈ નુકસાની હોય તો મને બતાવે પણ ખરા. અમારા આગમનની રાહ જોઈને જ બધાં બેઠાં હોય. હું પણ તેમની સાથે ખપાવું અને પસંદગીમાં મદદ કરું. શું વાંચવું એ પ્રશ્ન નાનોસૂનો નથી. વીતેલાં પાંચ વર્ષમાં સૌની ઉંમર પણ એટલી વધે જ, તેથી ઘરાકી ઘટવા માંડી, અને અમારા બંનેની પોતાની તબિયતને કારણે નિયમિત જવાનું શક્ય ન રહ્યું. અવેજીમાં કામ કરવા કોઈ આગળ ન આવ્યું એટલે ગયા અઠવાડિયે જ એ પ્રવૃત્તિ સમેટી લીધી.

એકાદ દુકાન કે ઑફિસ ભાડે લઈને કે ખરીદીને પુસ્તકાલય ચલાવવા વિચાર્યું, પણ મહિને $ ૩-પ૦૦૦ ભાડું ભરવાનું પરવડી ન શકે, તેથી હાલ પૂરતું તો તે અભરાઈ ઉપર મૂકી દીધું છે. બહારગામ મારા ખર્ચે પુસ્તકો મોકલવામાં પણ મને વાંધો નહીં, પણ તેમ છતાં પણ પુસ્તકો પાછાં આવે તેવો ભરોસો હજી પડતો નથી. આમ જુઓ તો તેનો પણ વાંધો શા માટે હોય? આપણે ક્યાં નફો કરવા નીકળ્યા છીએ? ધર્માદો કરવામાં વળી નફો શું અને ખોટ શું? એક સારી પ્રવૃત્તિ બંધ પડે તેનાથી વધારે મોટી ખોટ પણ કઈ હોય? ‘’

હવે તેની વાત કરું. અહીંની સરકાર ઓછી આવકવાળાઓ માટે મેડિકેઈડ નામે એક યોજના ચલાવે છે. વડીલોની પોતાની આવક જ ગણતરીમાં લેવાય. ભારતથી આવેલ બધાં જ વડીલો તો અવશ્ય તેમાં જોડાઈ જ શકે. દિવસ દરમ્યાન તેમનું ધ્યાન રાખવા તથા તેમને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા વ્યાવસાયિક ધોરણે ‘ડેકેર સેન્ટર્સ’ શરુ થયાં છે. ગણ્યાગાંઠ્યા અપવાદ સાથે, આમ તો આ નફાખોરીનો ધંધો જ છે. ત્યાં સોમથી શુક્રવાર સુધી રોજ વડીલો સવારે નવથી સાંજે ચારેક વાગ્યા સુધી મળતાં હોય છે. એવા એક કેન્દ્રમાંથી અમને આમંત્રણ આવ્યું, અને બીજાં બેમાંથી અમે માંગીને મેળવ્યું.

એક કેન્દ્રમાં ત્રણે વર્ષથી કામ ચાલે છે, અને તેઓ ચાર-પાંચ વખત ઘરે આવીને પુસ્તકો બદલાવી ગયાં છે. એ કોઈ યહૂદી માલિક ચલાવે છે, અને ભારતની બધી ભાષાઓ ત્યાં બોલાય છે. ત્યાંથી એક પંજાબી યુવતી બે-ત્રણ વાર અમારા ઘરે આવીને પુસ્તકો બદલાવી ગઈ છે. એ લોકોનો રસ અને ઉત્સાહ પ્રશંસનીય છે.

અમારા બીજા એક યજમાનને ત્યાં પુસ્તકો પહોંચાડ્યાં, પણ થોડા મહિનાઓ પછી અડધાંપડધાં પાછાં આવ્યાં, અને “જોઈશે ત્યારે મંગાવીશું” સાથે તેમના ઉત્સાહની પૂર્ણાહુતિ થઈ. આમાં કંઈ બહુ ભારે કામનો બોજ ઉપાડવાનો છે એવું તો મને પાંચ વર્ષ કામ કર્યા પછી પણ લાગ્યું નથી.

બીજું એક કેન્દ્ર ન્યૂ જર્સીમાં છે. તેમના માલિકને ફોન કર્યો તો કહે “ઘણું સરસ. અમુક જગાએ ચોપડીઓ આપી જાવ. મારી બહેન ત્યાં બેસે છે.” મારો દીકરો જાતે જઈને ચોપડીઓ આપી આવ્યો, કેમ કે તેની ઑફિસની બાજુમાં જ તે આવેલું છે. થોડા મહિના પછી ચોપડીઓ બદલાવવા માટે ફોન કર્યો, તો ઉડાઉ જવાબ મળ્યો કે એવા કોઈ ભાઈ ત્યાં કામ નથી કરતા. થોડા દિવસો પછી ત્યાંથી જ ખબર મળી કે એ ભાઈ તો તેમની બીજી શાખામાં બેસે છે. તે શાખાનું નામ જુદું જ છે, તેથી મને મળી ન શક્યું. તેમના ભાઈ જ આ જ કેન્દ્ર ઉપર બેસે છે. તેમને ઈ-મેઈલ કરી પણ વ્યર્થ! મને કોઈ જાતની મદદ કરવાની તેમની વૃત્તિ હોય તેમ લાગતું નથી.

ત્રીજું કેન્દ્ર એક સેવાભાવી દક્ષિણ ભારતીય કુટુંબ ચલાવે છે, અને તેમની ચાર-પાંચ શાખાઓ પણ છે. તેમને હજારો ડૉલર્સની સરકારી ગ્રાન્ટ્‌સ મળે છે. ત્રણ વરસ પૂર્વે ઘરે આવીને તેઓ પચીસેક પુસ્તકો લઈ ગયાં. ત્યાર બાદ ઢગલાબંધ ટેલિફોન, ઈ-મેઈલ, સંદેશા વગેરે દ્વારા સંપર્ક સાધવામાં કંઈ યારી મળી નથી. તેમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝના એક સભ્યને હું સારી રીતે જાણું છું. તેમના દ્વારા પણ કંઈ થઈ નથી શક્યું.

પુસ્તકો પાછાં ન આવે તેનો ખાસ અફસોસ નથી. ખર્ચ થાય તે પણ સમજ્યા. મહેનત પણ કરી લઈએ. સફળતા કે નિષ્ફળતાને સમાન ગણી શકીએ. આ ઝેર તો અમે જાણી જોઈને પીધાં છે. અરે, અમૃત માનીને પીધાં છે. દુઃખની વાત તો એ છે કે એક ધર્માદા પ્રવૃત્તિ, કે જેમાં લેનારને કંઈ મહેનત નથી કરવાની કે નથી કંઈ રોકાણ કરવાનું, જે ગંગા ઘેર બેઠાં આવી મળે છે, જેમાં કોઈ નવાં બંધન કે નિયમો લાગુ નથી પડતા, તેમાં આપણે કંઈ સહકાર, સગવડ, પ્રતિભાવ, ઉત્તેજન કે દયા પણ કેમ દાખવી નથી શકતા એ પ્રશ્ન નિરુત્તર જ રહે છે.

રોદણાં રોવાનું મને પસંદ નથી. હકીકતમાં તો હું આ પ્રવૃત્તિને સફળ થયેલી માનું છું. આ કામ અલબત્ત, કરવા જેવું જ છે, અને સરળતાથી થઈ શકે તેવું પણ છે. સંસ્થાઓ પાસેથી બહુ ઊંચી અપેક્ષા રાખવાનું વ્યર્થ છે. બહુ મોટા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓથી દૂર રહેવું વધારે યોગ્ય લાગે છે. પૈસાના લોભી આડતિયાઓથી દૂર રહેવાની ખાસ જરૂર છે. ગ્રાહકો સાથે બને એટલો સીધો સંપર્ક થઈ શકે તે વધારે ઇચ્છનીય છે. તેમના પક્ષે રસ અને નિષ્ઠા સારા એવાં છે.   

સર્વ હક લેખકને આધીન છે.

E-mail : bhrtshah@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 09-10

Loading

...102030...3,0713,0723,0733,074...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved