Opinion Magazine
Number of visits: 9581156
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા જીવતો જ્વાળામુખી છે જેમાં આવતીકાલે તમારા નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2018

મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લામાં લોકોએ વહેમના આધારે એક સાથે પાંચ જણની હત્યા કરી નાખી, એ હૃદયને નીચોવી દેનારી ઘટના તો છે જ, પણ એ જ સાથે સમાજના ભવિષ્ય વિષે ગંભીરતાથી વિચાર કરવો પડે એવી ઘટના છે.

આ પાછી એકલ-દોકલ ઘટના પણ નથી, વારંવાર એવું બનતું રહે છે. એક માણસને વહેમ જાય. એ મોબાઈલ દ્વારા વહેમ શેર કરે, મદદ માંગે, જોતજોતામાં સેંકડો કે હજારો લોકો જમા થઈ જાય અને પછી તેઓ કાયદો હાથમાં લે એવું આજકાલ વારંવાર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બેન્ગલુરુ, આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બની હતી જેમાં કુલ ૧૬ જણાને શંકાના આધારે લોકોનાં ટોળાંએ મારી નાખ્યાં હતાં.

મને યાદ છે ત્યાં સુધી પહેલી મોટી ઘટના ૧૬મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ બેન્ગલુરુમાં બની હતી, જ્યારે બેન્ગલુરુમાં ભણતા કે કામ કરતા ઇશાન ભારતના હજારો વિદ્યાર્થીઓ જીવ બચાવવા રેલવે સ્ટેશને ભાગ્યા હતા. અઠવાડિયા પહેલાં આસામમાં કોકરાઝારમાં બોડો ઉગ્રવાદીઓએ બંગાળી મુસલમાનોની હત્યા કરી, એ પછી બેન્ગલુરુમાં અફવા ઊડી હતી કે કર્ણાટકના મુસલમાનો ઇશાન ભારતના લોકોની હત્યા કરીને વેર વાળવાના છે. બેન્ગલુરુમાં વસતા ઇશાન ભારતના નાગરિકોના મોબાઈલ પર એક જ મેસેજ હતો : સામૂહિક હત્યા થવાની છે, માટે સાવધાન. પરાયા શહેરમાં સાવધાનીનો એક જ અર્થ થાય છે, સલામત સ્થળે ભાગો. ઇશાન ભારતીયો માટે સલામત સ્થળ પોતાનું રાજ્ય હતું, એટલે તેઓ પોતાના વતન પાછા ફરવા હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશન દોડી ગયા હતા. કર્ણાટકની સરકારે ભય દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમનો ભય દૂર થયો નહોતો, એટલે તેમને ખાસ ટ્રેન દ્વારા ગૌહાટી પહોંચાડવા પડ્યા હતા.

કોકરાઝારની ઘટનાના પડઘા મુંબઈમાં પણ પડ્યા હતા. ૧૧મી ઓગસ્ટે કોકરાઝારની ઘટનાના વિરોધમાં કેટલાક મુસ્લિમ જૂથોએ આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે તે રાજકીય-સામાજિક સંગઠન કેટલો પ્રભાવ અને શક્તિ ધરાવે છે એ વિષેના પરંપરાગત અનુભવના આધારે પોલીસે અંદાઝ લગાડ્યો હતો કે મોરચામાં અમુક હજાર લોકો આવવા જોઈએ અને એ મુજબ તૈયારી કરી હતી, પરંતુ હાજરી ધાર્યા બહારની હતી. લોકો આવતા જ જતા હતા, આવતા જ જતા હતા અને હવે પોલીસ કાંઈ જ કરી શકે એમ નહોતી. કારણ હતું સોશ્યલ મીડિયા અને તેના દ્વારા ફેલાવવામાં આવેલો ડર. જો એ દિવસે પોલીસે સંયમ ન દાખવ્યો હોત, તો મુંબઈમાં અભૂતપૂર્વ અનર્થકારી ઘટના બની શકી હોત.

આ બન્ને ઘટના ૨૦૧૨ની સાલની છે, જ્યારે સોશ્યલ મીડિયાનો પ્રભાવ આજની તુલનામાં ઘણો ઓછો હતો. એક અભ્યાસ મુજબ ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા માત્ર સાડા ચાર કરોડ ભારતીયો હતા. ૨૦૧૫માં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ભારતમાં વધીને ૧૪ કરોડ થઈ હતી અને આજે તેની સંખ્યા બાવીસ કરોડ છે. મને તો કલ્પના કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે જો ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે કે બીજા વિશ્વયુદ્ધ વખતે સોશ્યલ મીડિયા હોત તો શું થયું હોત? કેટલા લોકોની હત્યાઓ થઈ હોત? સોશ્યલ મીડિયાના આ યુગમાં આવી ઘટના નહીં જ બને એની કોઈ ખાતરી નથી અને એ ૨૦મી સદીની કુલ શરમને ભુલાવી દે એટલા પ્રમાણમાં શરમજનક હશે.

૨૦૧૨માં કોકરાઝારના પડઘા બેન્ગલુરુ અને મુંબઈમાં પડ્યા અને ખાસ કરીને મુંબઈમાં પોલીસે અક્ષરશ: શરણાગતિ વહોરીને સ્થિતિ સંભાળી લીધી, એ પછી સવાલ ઉપસ્થિત થયો હતો કે આજના નવા યુગમાં મીડિયા અને મોબને કઈ રીતે હેન્ડલ કરવા? આપણે ત્યાં ઘણીવાર ચર્ચાઓ ગંભીરતાથી થાય છે, પછી ભલે કરમનું મીંડું હોય. એ સમયે અત્યાર સુધીમાં ક્યારે ય જોવા મળી નથી એટલી ગંભીરતાથી સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ અને ટોળાંનાં માનસ વિષે ચર્ચા થઈ હતી. ઘણાં સૂચનો આવ્યાં હતાં, કારણ કે સમાજ માટે સરોકાર ધરાવે છે એવા લોકોને સમજાઈ ગયું હતું કે આ જીવતો જ્વાળામુખી છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને લાખોની સંખ્યામાં લોકો હોમાઈ શકે છે.

૨૦૧૩માં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને તેમણે સોશ્યલ મીડિયાનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું, એની સાથે પેલી ચર્ચા અને ઉપાય યોજનાઓ આથમી ગઈ. સોશ્યલ મીડિયાના દુરુપયોગ રોકવાની, સાવધાન રહેવાની અને ઉપાય શોધવાની વાત તો બાજુએ રહી, દેશના વડા પ્રધાનપદના ઉમેદવારે દુરુપયોગ શરૂ કર્યો. જુઠાણાં, ચારિત્ર્ય હનન, ઇતિહાસ વિપર્યાસ વગેરે તમે જેની કલ્પના કરી શકો એ બધાનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો અને આજે પણ થાય છે. જે દેશનો વડો પ્રધાન ટ્રોલ્સને ફોલો કરતો હોય એ દેશમાં સત્ય અને વિવેકનું શું થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આમ દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી સોશ્યલ મીડિયાના નિયમનની વાત બાજુએ હડસેલાઈ ગઈ અને તેનો વધારેમાં વધારે રાજકીય દુરુપયોગ એ ભારતીય રાજકારણનું અનિવાર્ય અંગ બની ગયું. આજે બધા જ રાજકીય પક્ષો, કોર્પોરેટ કંપનીઓ, સાધુ-બાવાઓ, ઊંટ વૈદો વગેરે જે કોઈના સ્થાપિત હિતો છે એ બધા જ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરે છે. મહાજને અપનાવેલો માર્ગ પ્રજા અપનાવે એ ઉક્તિ જાણીતી છે.

સમસ્યા ગંભીર છે અને તેનો ઉપાય શોધવો પડશે. લોકો વખાના માર્યા અજાણ્યા ગામમાં રોજી-રોટી રળવા જાય છે અને આજકાલ પ્રાણ ગુમાવે છે. મારા મિત્ર દક્ષિણ છારા કહે છે એમ ભારતમાં સાવ અજાણ્યા ગામમાં લોકો રોજી-રોટી રળવા જતા એ કોઈ નવી વાત નથી. સેંકડો વરસ જૂની આ પરંપરા છે. મદારી, ઘંટિયા, ઢોરના સાટા-પાટા કરનારાઓ, મલ્લ વગેરે ભારતભરમાં ગામડાંઓમાં ફરતા હતા અને રોજી કમાતા હતા. આજે પ્રાણી પર કરવામાં આવતા અત્યાચારો રોકવાના નામે કે બાળમજૂરીના નામે એ બધા વ્યવસાયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રોજગારનાં ઠેકાણાં નથી, પણ પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. બીજું કરંડિયા સાથે ગામમાં પ્રવેશતા મદારીને ઓળખવો મુશ્કેલ નહોતો એટલે લોકોને તેના પર શંકા જતી નહોતી. આજે એ લોકો એટલા જ ભૂખ્યા છે જેટલા પહેલાં હતા, કદાચ વધુ છે. સામે હાથમાં વ્યવસાય નથી અને વ્યવસાયવાચક ચિહ્ન પણ નથી. સામે લોકો પાસે સોશ્યલ મીડિયા નામનો ખતરનાક બોમ્બ છે.

સમસ્યા ગંભીર છે અને તેની ગંભીરતાને સમજવાની કોશિશ કરો. જીવતો જ્વાળામુખી છે જેમાં આવતીકાલે તમારા નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2018

Loading

કર્ણાટકનો જાતિઆધારિત જનાદેશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 July 2018

કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામે વધુ એકવાર ભારતીય મતદારની મર્યાદા ઉજાગર કરી છે. આપણો મતદાર જાતિ-ધર્મ-કોમથી ઉપર ઊઠીને મતદાન કરતો નથી એ હકીકત કર્ણાટકના પરિણામોએ પણ દર્શાવી આપી છે.

કર્ણાટકની ચૂંટણીમાં ભા.જ.પ., કોંગ્રેસ અને જનતા દળ (એસ) વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હતો. આ ત્રણેય પક્ષોના મુખ્ય આગેવાનો જે જાતિઓના છે, તે જાતિઓએ તેમના પક્ષને ખૂલીને મત આપ્યા છે. બી.જે.પી. કર્ણાટકમાં ૧૦૪ બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો. બી.જે.પી.ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા લિંગાયત જ્ઞાતિના છે. ૫૯ લાખની વસ્તી ધરાવતો આ સમુદાય રાજ્યની વસ્તીમાં ૯.૮ ટકાનું પ્રમાણ ધરાવે છે. પરંતુ કર્ણાટકના રાજકારણમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી છે.  આ ચૂંટણીમાં  લિંગાયતોએ એક જૂથ રહીને  ભા.જ.પ.ને અને તેના મુખ્યમંત્રી પદના લિંગાયત ઉમેદવાર યેદિયુરપ્પાના સમર્થનમાં ૬૧ ટકા  વોટ આપ્યા છે. ‘દલિત દસ્તક’ના એક અહેવાલ પ્રમાણે કર્ણાટકની ૬૭ બેઠકો પર લિંગાયતોના મત અસરકર્તા છે. તેમાંથી ૪૦ બેઠકો બી.જે.પી.ને, ૨૦ કોંગ્રેસને અને ૭ જનતા દળ (એસ)ને મળી છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં કોંગ્રેસને ૨૦ અને જનતા દળ(એસ)ને ૨ બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે બી.જે.પી.ને ૨૭ બેઠકોનો ફાયદો થયો છે. કર્ણાટકના કુલ લિંગાયત મતદારોના ૬૧ ટકા મતદારો ભા.જ.પ.ને મત આપે કે યેદિયુરપ્પા બહુમતી માટે ખૂટતી સંખ્યા માટે લિંગાયત ધારાસભ્યો પર આધારિત હોય તેમાં જાતિવાદ સિવાય બીજું કશું જ નથી.

જો કે દોષ માત્ર લિંગાયતોનો નથી. જનતાદળ (એસ)ના નેતા એચ.ડી. દૈવેગૌડા અને તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પુત્ર કુમારસ્વામી વોક્કાલિંગા જ્ઞાતિના છે. કર્ણાટકમાં વોકાલિંગાઓની વસ્તી ૪૯ લાખ અને કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ ૮.૧૬ % છે. જનતા દળ(એસ)ને  ૬૩ ટકા વોક્કાલિંગાઓએ મત આપ્યા છે.  સેક્યુલર પક્ષનો દાવો ધરાવતા જનતા દળને મુસ્લિમોના માત્ર ૬ ટકા અને દલિતોના ૫ ટકા જ મત મળ્યા છે.

કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ તેના મુખ્યમંત્રી સિધ્ધરામૈયાના નેતૃત્વમાં લડી હતી. કોગ્રેસ કર્ણાટકમાં ટકાવારીની રીતે રાજ્યમાં સૌથી વધુ મત મેળવનાર પાર્ટી છે પણ તેને બેઠકો ૭૮ જ મળી છે. કોંગ્રેસી મુખ્યમંત્રી સિધ્ધરામૈયા કુનબા જ્ઞાતિના છે. આ જ્ઞાતિની વસ્તી કર્ણાટકમાં ૪૩ લાખ છે અને તેનું વસ્તી પ્રમાણ ૭.૧ % છે. સર્વસમાવેશી હોવાનો દાવો કરતી કોંગ્રેસને સિધ્ધરામૈયાની કુનબા જ્ઞાતિના કુલ મતોમાંથી  ૬૦ ટકા મત મળ્યા છે.

૬.૧૭ કરોડની કર્ણાટકની કુલ વસ્તીમાં દલિતોની વસ્તી ૧.૦૮ કરોડ છે. ૧૮૦ પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા કર્ણાટકના દલિતો રાજ્યની કુલ વસ્તીમાં ૧૮ ટકાનું વસ્તી પ્રમાણ ધરાવે છે. કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાં ૩૩ બેઠકો દલિતો માટે  અનામત છે. આ ચૂંટણીમાં વોટ બેન્ક ગણાતા દલિત મતો વહેંચાયેલા રહ્યા છે. ૪૦ ટકા દલિતોએ બી.જે.પી.ને, ૩૭ ટકા દલિતોએ કોંગ્રેસને અને ૧૮ ટકા દલિતોએ જનતા દળ(એસ)ને મત આપ્યા છે. ૩૩ અનામત બેઠકોમાંથી બી.જે.પી.ને ૧૩, કોંગ્રેસને ૧૨, જનતા દળ(એસ)ને ૭ અને બહુજન સમાજ પક્ષને ૧ બેઠક મળી છે. કુલ ૩૮ બેઠકો પર દલિત મતો પ્રભાવી છે. પણ તેણે બી.જે.પી.ને જ ફાયદો કરાવ્યો છે.  રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અને લોકસભામાં કોંગ્રેસના નેતા જેવા મહત્ત્વના પદો પર કર્ણાટકના દલિત આગેવાનો બિરાજતાં હોવા છતાં કે પાડોશી રાજ્યના રોહિત વેમુલાની સાંસ્થાનિક હત્યા અને હાલના એટ્રોસિટી એક્ટના સુપ્રિમ કોર્ટના ચુકાદા પછીની પણ કોઈ અસર જાણે કે કર્ણાટકના દલિત મતદારો પર થઈ નથી. તેમણે બી.જે.પી.ને મોટા પાયે મત આપ્યા છે તે હકીકત છે. બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર આ વખતે કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા છે. ચામનગર જિલ્લાની કોલ્લેગલ દલિત અનામત બેઠક પરથી બી.એસ.પી.ના રાજ્ય પ્રમુખ એન. મહેશ વિજેતા બન્યા છે. તેમની જીતનું કારણ બી.એસ.પી.નું જે.ડી.એસ. સાથેનું ચૂંટણી જોડાણ અને તેમના મતવિસ્તારમાં ઉત્તર ભારતીય દલિત મતદારોનું મોટું પ્રમાણ છે. 

કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક ગણાતા આદિવાસીઓએ પણ બી.જે.પી.નું સમર્થન આ ચૂંટણીમાં કર્યું છે. ૪૪ ટકા આદિવાસીઓએ બી.જે.પી.ને, ૨૯ ટકાએ કોંગ્રેસને અને ૧૬ ટકાએ  જે.ડી.એસ.ને વોટ આપ્યા છે. રાજ્યમાં ૪૨ લાખ (કુલ વસ્તીના ૭ %) આદિવાસીઓ છે.  બી.જે.પી.ને સૌથી મોટો લાભ રાજ્યના અન્ય પછાત વર્ગોની બેઠકો પર થયો છે. ૫૨ ટકા ઓ.બી.સી. મતદારોએ બી.જે.પી.ને આ ચૂંટણીમાં મત આપ્યા છે. ૨૪ ઓ.બી.સી. મત પ્રભાવિત બેઠકોમાં બી.જે.પી.ને ૧૮ , કોંગ્રેસને ૫ અને જે.ડી.એસ.ને  ૧  બેઠક મળી છે. ગઈ ચૂંટણીમાં બી.જે.પી.ને ઓ.બી.સી. પ્રભાવિત  વિસ્તારોની ૨ જ બેઠકો મળી હતી. આ વખતે ૧૮ મળતાં તેને ૧૬ બેઠકોનો ફાયદો થયો છે.

મુસ્લિમો માટે જાયે તો જાયે કહાં જેવો ઘાટ સમગ્ર દેશમાં છે. જાણે કે તેનો ઊગારો કોંગ્રેસમાં જ છે.  રાજ્યની કુલ વસ્તીમાં ૧૨.૫ %નું પ્રમાણ ધરાવતા ૭૫ લાખ મુસ્લિમોમાંથી બહુમતી મુસ્લિમોએ કોગ્રેસને જ વોટ આપવા પડ્યા છે. રાજ્યના કુલ મુસ્લિમ મતદારોમાંથી ૭૮ ટકાએ કોંગ્રેસને મત આપ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષને મળેલું આ એક જથ્થે સૌથી મોટું જનસમર્થન છે. જો કે તેનું સીટોમાં રૂપાંતર બહુ ઓછું થયું છે. ૨૦૧૩ની ચૂંટણીમાં મુસ્લિમ ડોમિનન્ટ ૧૭ બેઠકો પર કોંગ્રેસનો જ વિજ્ય થયો હતો. પણ આ વખતે એવું બન્યું નથી. ભૂતકાળમાં કર્ણાટકમાં મુસ્લિમ રાજકારણીઓનો દબદબો હતો પણ હવે વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. બી.જે.પી.ને માત્ર ૫ ટકા મુસ્લિમ મતો મળ્યા હોવાનો અંદાજ છે પણ તેને મુસ્લિમ મત પ્રભાવિત વિસ્તારોમાં પણ નોંધપાત્ર બેઠકો મળી છે.

કોંગ્રેસે લઘુમતી, પછાત વર્ગ અને દલિતોને કેન્દ્રમાં રાખી “અહિંદા”ની ચૂંટણી રણનીતિ ઘડી હતી. આ જ ત્રણ વર્ગોના મતોના જોરે તે પાંચ વરસ પહેલાં સત્તામાં આવી હતી. પરંતુ તેનો આ જનાધાર તેણે વીત્યા પાંચ વરસના શાસન કાળમાં તેમના પ્રત્યે દુર્લક્ષ સેવીને ગુમાવી દીધો છે. એટલે કોંગ્રેસને મુસ્લિમ મતો મળ્યા, પણ મુસ્લિમ મત પ્રભાવિત વિસ્તારોમાં બેઠકો ઓછી મળી. ઓ.બી.સી. તેનાથી સંપૂર્ણ દૂર રહ્યો અને દલિતોના મતો તેમની સંખ્યાબંધ પેટાજ્ઞાતિઓની જેમ વહેંચાયેલા રહ્યા. હવે કોઈ રાજકીય પક્ષ આ કે તે જ્ઞાતિના વોટ તેના ખિસ્સામાં છે તેમ કહી શકશે નહીં. હા તે જ્ઞાતિનો નેતા જરૂર એમ કહી શકશે. જે રાજ્યની માતૃભાષા કન્નડ સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકો ધરાવતી હોય, જે રાજ્યમાં ઉદારમતવાદની દીર્ઘ પરંપરા હોય, જેનું પાટનગર બેંગલુરુ આધુનિક કર્ણાટકનું પ્રતીક બની સિલિકોન વેલી સાથે સરખાવાતું હોય, જે રાજ્યની પોણા ભાગની વસ્તી સાક્ષર હોય તેનો મતદાર ધર્મજાતિકોમ નિરપેક્ષ રહીને નાગરિક તરીકે મતદાન ન કરે તેને શું કહીશું ? જાતિનો પ્રભાવ અકબંધ છે એમ જ ને?

e.mail : maheriyachandu@gmail.com

Loading

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|4 July 2018

હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Loading

...102030...3,0653,0663,0673,068...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved