Opinion Magazine
Number of visits: 9580024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકર શિક્ષણચિંતક પણ હતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 July 2018

જીવનઘડતર, સમાજનિષ્ઠા, શિક્ષણવંચિતતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયો, ગ્રંથાલયો, માધ્યમ, વિશ્વવિદ્યાલયો, અનુદાન, માનવવિદ્યાઓ જેવાં શિક્ષણનાં અનેક પાસાં પર ઉમાશંકરે લેખન કર્યું છે

સર્જક ઉમાશંકરને ઘણાં પોંખનાર ગુજરાતે શિક્ષક ઉમાશંકરને ઓછા પિછાણ્યા છે. ‘જાહેરજીવનનો કોઈ એવો પ્રશ્ન નહીં હોય જેના વિશે ઉમાશંકરે વિચાર્યું કે લખ્યું નહીં હોય’ એવું નિરીક્ષણ તેમના કવિના શિક્ષણચિંતનને પણ તંતોતંત લાગુ પડે છે. કેળવણીના સંખ્યાબંધ પાસાં અંગેનાં તેમનાં મંતવ્યો અનુભવ, અભ્યાસ અને વ્યાપક માનવતાવાદી આદર્શો પર આધારિત છે. તે બધાં ‘કેળવણીનો કીમિયો’ નામના સંચય ઉપરાંત, તેમણે સાડત્રીસ વર્ષ ચલાવેલાં અનન્ય માસિક ‘સંસ્કૃિત’નાં લખાણોમાંથી બનેલાં ‘સમયરંગ’, ‘શેષ સમયરંગ’ અને ‘જગતરંગ’ ગ્રંથો, તેમ જ ‘હૃદયમાં પડેલી છબિઓ’ના બીજા ભાગમાં વાંચવા મળે છે.

તેમાંથી સમજાય છે કે ઉમાશંકરનો કેળવણીવિચાર સમાજકેન્દ્રી અને નક્કર હતો, કારણ કે તેમને શિક્ષણક્ષેત્રનો ઠીક પ્રત્યક્ષ અનુભવ હતો. ‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકરે ‘વર્ગ એ સ્વર્ગ’ નામના નાનકડા નિબંધમાં ખુદની ઓળખ ‘ગુજરાતનો આપ-નિયુક્ત ફરતો શિક્ષક’ એમ આપી છે. આવા શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત મુંબઈના વિલેપાર્લેની ગોકળીબાઈ શાળાથી થઈ. પછી 1938માં સિડનહામ વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજમાં ગુજરાતી ભાષાના ખંડ સમયના અધ્યાપક બન્યા. તેના પછીનાં જ વર્ષે આનંદશંકર ધ્રુવના આમંત્રણથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાએ શરૂ કરેલાં અનુસ્નાતક અધ્યયન-સંશોધન કેન્દ્રમાં જોડાયા. અહીં તેમણે પુષ્કળ સંશોધન કરીને ‘પુરાણોમાં ગુજરાત’ પુસ્તક ઉપરાંત ‘હિંદ છોડો’ ચળવળની ભૂગર્ભ પત્રિકાઓ લખી. સપ્ટેમ્બર 1946માં વિદ્યાસભામાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. તે પછીનાં બાર વર્ષ કોઈ પણ પ્રકારની નોકરીથી દૂર રહી તેમણે ‘સંસ્કૃિત’ના સંપાદન અને લેખન-વાચન માટે આપ્યાં. ઉપરાંત ‘સેલ્ફ-અપૉઇન્ટેડ ટ્રાવેલિન્ગ ટીચર ઑફ ગુજરાત’ તરીકે ‘દક્ષિણમાં વાંસદા, ઉત્તરમાં રાધનપુર, પશ્ચિમમાં પોરબંદર એમ જુદે જુદે સ્થળે અવારનાર’ વ્યાખ્યાનો માટે જતા. સણોસરાની લોકભારતી સાથે વૈચારિક અને આયોજનની ભૂમિકાથી સંકળાયા. તેઓ જૂન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાભવનમાં અધ્યાપક-અધ્યક્ષ નિમાયા. ચીમનભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈ થકી ઉચ્ચ શિક્ષણમાં કૉન્ગ્રેસે વર્ચસ જમાવવાની શરૂઆત કરી હતી. ‘રાજકારણને શિક્ષણમાંથી દૂર રાખવા’ ઉમાશંકર 1966ના નવેમ્બરમાં કુલપતિ માટેની ચૂંટણી જીત્યા અને વાઇસ-ચાન્સલર બન્યા. એ જ રીતે 1969માં ત્રણ વર્ષની મુદત પૂરી થતાં ફરી એકવાર તેઓ વાઇસ-ચાન્સલર બન્યા. 1972માં તેમની મુદત પૂરી થવામાં હતી ત્યારે અધ્યાપકોએ આગામી કુલપતિપદની ચૂંટણી રોકવા માટે હડતાળ પાડી. હિંસાચારની સંભાવના છતાં યુનિવર્સિટી પ્રાંગણમાં બંદોબસ્ત માટે પોલીસ બોલાવવાનો તેમણે ઇન્કાર કર્યો, ત્રણ દિવસના ઉપવાસ પર ઊતર્યા અને રાજીનામું આપ્યું. તેનાં સાત વર્ષ બાદ, 1979થી ત્રણ વર્ષ માટે ઉમાશંકરે પશ્ચિમ બંગાળની વિશ્વવિખ્યાત વિશ્વભારતી-શાન્તિનિકેતનનું માનાર્હ આચાર્યપદ શોભાવ્યું.  

ઉમાશંકરની વિચારસૃષ્ટિમાં શિક્ષણનું જે અત્યુચ્ચ સ્થાન છે તેનાં મૂળ તેમનાં ઉછેર અને વિદ્યાર્થીકાળમાં છે. ઇડરનાં રજવાડાનાં ત્રણ ગામના પ્રગતિશીલ કારભારી પિતા જેઠાલાલે બામણા ગામમાં શાળા શરૂ કરી હતી. તેમાં ભણ્યા પછીનો અભ્યાસ ઉમાશંકરે ઇડરની ઍન્ગ્લો વર્નાક્યુલર શાળામાં કર્યો. અહીંના ‘ગુરુગણની મહેનત’ વિશે તેમણે ઊંડી કૃતજ્ઞતાથી લખ્યું છે. કંઈક આવો જ ભાવ તેમને અમદાવાદની પ્રોપરાયટરી શાળા માટે પણ હતો. ‘રાષ્ટ્રીય ચળવળમાં રસ હોવાથી’ ઉમાશંકરે આ શાળામાં પ્રવેશ લીધો હતો. એકંદરે, આમ વિદ્યાર્થીઓ માટેનો અંગત રસ અને રાષ્ટ્રીય ચેતનાનઓ આવિર્ભાવ એ ઉમાશંકરના શાળાજીવનના મુખ્ય અનુભવ હતા. આઝાદીની ચળવળ દરમિયાન કૉલેજશિક્ષણ તો આ ચેતનવંતા યુવાન માટે સ્વર્ગ સમું હતું. વીરમગામ-સાબરમતી-યેરવડા-વિસાપુર જેવી જેલો તેમની યુનિવર્સિટી બનતી. સજાની મજૂરી વચ્ચે મજૂરોના મસિહા માર્ક્સનો અભ્યાસ થયો. બેએક ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે ગાંધી અને કાકાસાહેબના સહવાસ, વિશાળ ગ્રંથાલય, તેજસ્વી મિત્રો, અગ્રણીઓનાં વ્યાખ્યાનો થકી ઉમાશંકર ન્યાલ થઈ ગયા. વિદ્યાપીઠને તેમના માટે  જીવનની સાચી કેળવણી આપનારી શિક્ષણ સંસ્થા બની.

કેળવણીનું કામ દરેક માણસની અંદર રહેલા સર્જકતત્ત્વ-ક્રિએટિવ પ્રિન્સિપલને બહાર લાવવાનું છે તેમ ઉમાશંકર માનતા. વિદ્યાર્થી કમાણી રળી શકે તેવું ભણતર પામે તેની સાથે ઉત્તમ માણસ બનવાની કેળવણી પણ મળે એ જોવાવું જોઈએ. કેળવણીનો જીવાતા જીવન સાથે સંબંધ જોડવામાં આવે તો બેકારી નિવારણમાં સાચી મદદ મળે. 1948માં સરકારે નીમેલી વિશ્વવિદ્યાલય સમિતિની પ્રશ્નાવલિમાં ઉમાશંકરે ત્રણ સૂચનો કર્યાં હતાં. એક, કેળવણીનું માધ્યમ સ્થાનિક ભાષા હોવું જોઈએ. બે, મેકૉલે-યોજિત કેળવણીપ્રથામાં જેમ આ છેડે વિદ્યાર્થી દાખલ થતો અને બીજે છેડે કારકૂન નીકળતો એમ, નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ણાતોરૂપી યંત્રો માટેનો જીવતો માલ ન નીકળે તે સામે સાવધાન રહેવું જોઈએ. ત્રણ, યુનિવર્સિટીમાં કેન્દ્રસ્થાને રાજકારણ કે સમાજનો વ્યવહારુ માણસ નહીં પણ વિદ્યાને સમર્પિત વ્યક્તિ હોવી જોઈએ. રાજ્ય કે સમાજ કેળવણીને આશ્રય આપે, પણ તેને ગુલામ ન બનાવે.    

ઉમાશંકરને મન શિક્ષકનું સ્થાન ખૂબ આદર અને જવાબદારીભર્યું છે. તેમણે શિક્ષકને ‘ચેતનાનો માળી’ કહ્યો છે, અને વર્ગને સ્વર્ગ. વર્ગમાં સામી પાટલીએ બેસનારમાં ‘ભવિષ્યના ગોવર્ધનરામ કે આનંદશંકર’ હોઈ શકે એવી શ્રદ્ધા શિક્ષકમાં હોય. ‘વિદ્યાર્થીમાં વિદ્યાપ્રીતિના તાર ઝણઝણાટી ઊઠે’, તેને આખી જિંદગી માટે ‘એકાદ પણ યાદગાર ક્ષણ’ આપી શકાય તે રીતે ભણાવવાનું છે. ‘શિક્ષક પોતે લેસન કર્યા વગર વર્ગમાં પગ મૂકતો નથી’. ‘કેળવણીની હરિયાળીઓ’ ઊગાડનાર નાનાભાઈ, જુગતરામભાઈ, મોતીભાઈ, કરુણાશંકર, કલ્યાણજીભાઈ જેવા કેટલા ય માટે ઉમાશંકરે ભારોભાર આદરથી લખ્યું છે.એ કહે છે : ‘શિક્ષકે સુખી’ એવા ગુજરાતને ઘડવામાં માત્ર પ્રોફેસરોનો જ નહીં, માધ્યમિક શિક્ષકોનો પણ મોટો ફાળો છે, ‘ગુજરાત તેમનાથી ઉજળું છે’. માણસ જેમ માતાની સેવાનું પૂરું વળતર આપી નથી શકતો તેવું શિક્ષકની સેવાઓનું પણ છે – ‘સમાજ હંમેશાં શિક્ષકનો દેવાદાર રહેશે’. જો કે માત્ર ‘ભણાવી ખાનારા’, ‘ભાષણો ઝાડ્યે રાખનારા’, ‘બૌદ્ધિક પારતંત્ર્ય’ જાળવી રાખનારા અને ‘પ્રજાજીવનથી અતડાપણું કેળવનાર’ અધ્યાપકો ઉમાશંકરને ખસૂસ મંજૂર નથી. 

ઉમાશંકરના કેળવણી વિચારમાં વિદ્યાર્થી વારંવાર આવે છે. તેમને અભિપ્રેત છે ‘ઠેરઠેરનાં વિદ્યાકાંક્ષી બાળકો, અકિંચન વિદ્યાર્થીઓ’. જો કે વિદ્યાર્થી શારિરીક મહેનત, અભ્યાસ અને સમાજથી વિમુખ રહે તે તેમને બિલકુલ નામંજૂર છે. વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ સહુથી વ્યાપક રીતે વ્યક્ત થયો હોય તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિના જાણે ઓવારણાં લે છે: ‘વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે એટલે સહેજે તેઓ ભષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે.’ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. નવનિર્માણમાં કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં 1974ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’ તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે તેઓ લેખ લખે છે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત?’ ઉદ્યોગપતિઓનો ઉચ્ચ શિક્ષણમાં રસ જોઈને ગુજરાત યુનિવર્સિટીની રચના વખતે ઉમાશંકરે ‘સંસ્કૃિત’ના 1948 જૂનના અંકમાં સવાલ કર્યો હતો : ‘અમદાવાદમાં વિશ્વવિદ્યાલય કસ્તૂરભાઈ ઍન્ડ કંપની માટે રચવાનું છે ?’

અંબાણી ઍન્ડ કંપનીએ જે રચી જ નથી, છતાં જાવડેકર સાહેબે જેને ઇન્સ્ટિટ્યૂશન  ઑફ એમિનન્સ બનાવી જ દીધી છે તે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સામે ઉમાશંકરે શું સવાલ કર્યો હોત ?

*********

19 જુલાઈ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 20 જુલાઈ 2018

છવિસૌજન્ય : ઉમાશંકર જોશી નામે વેબસાઇટ

Loading

હિન્દુત્વના ટોળાએ સ્વામી અગ્નિવેશને પીટ્યા શું કામ ? કારણ છે છે કે તેઓ આર્યસમાજી હિન્દુ છે અને ટીલાંટપકાંની જગ્યાએ બુદ્ધિપૂર્વકના વિવેકમાં માને છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 July 2018

સર્વોચ્ચ અદાલત મંગળવારે ટોળાMશાહી સામે સખત શબ્દોમાં ટીકા કરી રહી હતી અને સરકારોએ તેને રોકવા માટે શું કરવું જોઈએ, એ વિષે નિર્દેશો આપતી હતી, ત્યારે ઝારખંડમાં પાકુડ નામના કસબામાં ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના કાર્યકરો, જય શ્રી રામના નારા સાથે, જાણીતા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશને પીટતા હતા. સ્વામી અગ્નિવેશ સાધુ છે, અને એ પણ આર્ય સમાજી સાધુ છે. જય શ્રી રામના નારા સાથે તેમને પીટનારા જંગલીઓને જાણ પણ નહીં હોય કે આર્ય સમાજ શું છે? ભારતમાં હિંદુ પુનર્જાગરણનો પાયો સ્વામી દયાનંદ સરસ્વતીએ નાખ્યો હતો, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેનું હિન્દુત્વ આંશિક અર્થમાં આર્ય સમાજના આંદોલનનું પરિણામ છે. ખેર, કોમી રાજકારણ કરનારાઓને અભ્યાસ કરવાની જરૂર પડતી નથી, અને જેને વાંચતા અને વિચારતા આવડે છે, એ કોમવાદી-ફાસીવાદી રાજકારણ કરતા નથી, બલકે તેનાથી જોજન દૂર રહે છે. હિન્દુત્વવાદી કે ઇસ્લામવાદી બનવા માટે એક ખાસ પ્રકારની અસંસ્કારિતા અને અંધાપાની જરૂર પડે છે જે આપણા જેવા માનવીય ગુનો ધરાવનારાઓ ધરાવતા નથી.

સંઘ પરિવાર એક રાષ્ટ્ર, એક ભાષા, એક કાનૂનનો આગ્રહ સેવે છે. રાષ્ટ્રવાદી પરિભાષામાં તેઓ એક રાષ્ટ્ર એક આત્માની અર્થાત્‌ એકત્વની સુફિયાણી વાતો કરે છે. જો તેનો અર્થ તેઓ જાણતા હોત તો તેમણે સ્વામી અગ્નિવેશને પ્રણામ કર્યા હોત. સ્વામી અગ્નિવેશ દક્ષિણ દેશમાંથી આવે છે. આંધ્રપ્રદેશમાં તેમનો જન્મ થયો હતો, છત્તીસગઢમાં તેમનો ઉછેર થયો હતો અને કોલકતાની પ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ મેનેજમેન્ટ ભણાવતા હતા. કોલકતાની વડી અદાલતમાં પાછળથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનનારા સબ્યસાચી મુખર્જીના જુનિયર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ૧૯૭૦માં તેમણે સન્યાસ લીધો હતો અને સ્વામી અગ્નિવેશ નામ ધારણ કર્યું હતું, અને હરિયાણામાં જઇને બંધવા મજદૂરો(બોન્ડેડ લેબર)ની મુક્તિ માટે કામ કર્યું હતું. જનતા પાર્ટીનાં વર્ષોમાં, સ્વામી અગ્નિવેશ હરિયાણાની વિધાનસભામાં સભ્ય હતા અને હરિયાણાના શિક્ષણ પ્રધાન પણ હતા.

આંધ્ર પ્રદેશમાં જન્મેલો છોકરો છત્તીસગઢમાં શિક્ષિત થાય, બંગાળમાં સફળ કારકિર્દી બનાવે, ઉત્તરે હરિયાણામાં જઇને આર્ય સમાજમાં દીક્ષિત થાય અને હરિયાણામાં પ્રધાન બને, જે પ્રદેશ અને સમાજ સાથે લાગતું વળગતું ન હોય એ સમાજના લોકોના આંસુ લૂછે, તેમના માટે સંઘર્ષ કરે, જેલમાં જાય, બંધુઆ મજૂરોની મુક્તિ માટે અદાલતોના દરવાજા ખખડાવે, કાયદાઓ ઘડાવે એ હિંદુ સમાજે ગૌરવ લેવા જેવો સાચો ભારતીય હિંદુ કે જય શ્રી રામના નારા બોલીને એકલવીરને ટોળે મળીને મારનારા નમાલાઓ સાચા હિંદુ? વિચારી જુઓ. એક રાષ્ટ્ર એક આત્માનું મૂર્તિમંત પ્રતિક સ્વામી અગ્નિવેશ છે. હિન્દુત્વવાદીઓ જો સાચા રાષ્ટ્રવાદી હોય તો તેમણે સ્વામી અગ્નિવેશને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ.

તો પછી સ્વામી અગ્નિવેશને ટોળે મળીને કાયરોની જેમ પીટ્યા શા માટે? આનું એક કારણ એ છે કે સ્વામી અગ્નિવેશ આર્ય સમાજી હિંદુ છે અને હિન્દુત્વવાદી હિંદુઓમાં અને આર્ય સમાજી હિંદુઓમાં ફરક છે. સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ હિંદુ ધર્મ અને હિંદુ સમાજમાં સુધારાઓ કરવાનો આગ્રહ રાખે છે. રૂઢિ, રિવાજ, કર્મકાંડ, ટીલાં ટપકાંની જગ્યાએ બુદ્ધિપૂર્વકના વિવેકમાં માને છે. તેમણે એકવાર કહ્યું હતું કે જગન્નાથપુરીના મંદિરને વિધર્મીઓ માટે ખુલ્લું કરવું જોઈએ. ભગવાન જો વિધર્મીના પડછાયાથી અભડાઈ જાય તો એ ભગવાન ન કહેવાય, એટલે હિંદુઓએ પેદા કરેલી આભડછેટ ભગવાન પર આરોપિત કરીને ભગવાનને આપણા જેવા નાના નહીં બનાવવા જોઈએ. આવી જ રીતે અમરનાથની બરફની શિવલિંગ એ શિવલિંગ નથી, પરંતુ બરફ છે એટલે તેના દર્શને જવા માટે હિંદુઓએ આટલી જહેમત ઉઠાવવાની જરૂર નથી, એમ અસ્સલ દયાનંદીય શૈલીમાં તેમણે કહ્યું હતું. યાદ રહે, સ્વામી અગ્નિવેશે આવો અભિપ્રાય આપ્યો હતો, કોઈને અમરનાથ જતાં રોક્યા નહોતા.

જે વાચક સ્વતંત્ર બુદ્ધિ અને વિવેક ધરાવતો હશે એ સ્વામી સાથે સંમત થશે, પરંતુ હિન્દુત્વવાદીઓએ સ્વામીનો વિરોધ કર્યો હતો. સ્વામી અગ્નિવેશને જે લોકો સ્વીકારી શકતા નથી એ લોકો દયાનંદ સરસ્વતીનું ‘સત્ય પ્રકાશ’ વાંચે તો સનાતની હિંદુઓ શુંનું શું કરે એવો પ્રશ્ન થાય છે. દયાનંદ સરસ્વતીને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા એમ કહેવાય છે અને સ્વામી અગ્નિવેશની ઘટના જોતાં તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ. દયાનંદ સરસ્વતી હિંદુને હિંદુ તરીકે વિવેકી બનાવવા માગતા હતા, જ્યારે હિન્દુત્વવાદીઓ હિન્દુને હિંદુ તરીકે સંખ્યાનો અર્થાત્‌ ટોળાંનો હિસ્સો બનાવવા માગે છે. હિંદુ વ્યક્તિ બને તો વિચારતો થાય, શંકા કરે, પ્રશ્નો કરે, ટૂંકમાં વિવેક કરતો થાય અને વિવેકી માણસ ટોળાંનો હિસ્સો ન બને. આ બાજુ ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદીઓને સંખ્યાની જરૂર છે, પ્રબુદ્ધ હિંદુની નહીં. દયાનંદ સરસ્વતી હિંદુને પ્રબુદ્ધ હિંદુ બનાવવા માંગતા હતા અને દર્શનમાં પ્રબુદ્ધ ગણાતા હિંદુ ધર્મને વ્યવહારમાં પણ પ્રબુદ્ધ બનાવવા માંગતા હતા. હિન્દુત્વવાદીઓને આવો હિંદુ પરવડે એમ નથી, એટલે સ્વામી અગ્નિવેશને કાયરની જેમ ટોળે મળીને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

એક સરખામણી કરી જુઓ: હિન્દુત્વવાદીઓની અને ઇસ્લામવાદીઓની મોડસ ઓપરેન્ડી એક સમાન છે.

એક. વિધર્મીઓથી ડરાવો. ડરાવવા માટે આવી દલીલ કરવામાં આવે છે: આપણને અન્યાય થઈ રહ્યો છે, આપણી વિરુદ્ધ કાવતરાં રચવામાં આવી રહ્યાં છે, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે, તેમને વિદેશી મદદ મળી રહી છે, તેઓ સંખ્યા વધારવા મોટી સંખ્યામાં પ્રજોત્પતિ કરી રહ્યા છે વગેરે વગેરે. ટૂંકમાં આપણી ચારેબાજુ દુશ્મનો છે અને આપણે તેમના શિકાર છીએ. હિન્દુત્વવાદીઓ, ઇસ્લામવાદીઓ, મ્યાનમાર અને શ્રીલંકામાં બૌદ્ધવાદીઓ વગેરે જેટલા પ્રકારના કોમવાદીઓ છે, એ એક સરખી દલીલ કરે છે. તેમની દલીલ એક સરખી હોવાનું કારણ એ છે કે તેઓ પોતાના ધર્મના ધર્માનુયાયીઓને વાડે બાંધવા માગે છે. જેટલી સંખ્યા મોટી એટલી તાકાત વધુ.

બે. તેમની નજર સત્તા પર હોય છે. સત્તાની લાલચ એ મુખ્ય કારણ નથી હોતું, પણ રાજ્યને અમુક પ્રકારના બહુમતી રાષ્ટ્રવાદના ઢાંચામાં ફેરવવું એ મુખ્ય ઉદ્દેશ હોય છે. આવા રાજ્યને ફાસીવાદી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શંકા અને લેબલ ન્યાય કરવા માટે અને દંડવા માટે પર્યાપ્ત કારણ હોય છે. અદાલતોની, કાયદાઓની, પુરાવાઓની, બંધારણની જરૂર જ શું છે જ્યારે બહુમતી રાષ્ટ્રવાદીઓએ કોઈને દેશદ્રોહી, ધર્મદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી ઠરાવી દીધો હોય. એટલે તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ટેકો આપનારા જમણેરી બૌદ્ધિકો આજે કાંપી ઊઠ્યા છે. શા માટે?

ત્રણ. એક નજર મુસ્લિમ દેશો પર કરો જ્યાં ઇસ્લામવાદીઓ ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને યુદ્ધે ચડ્યા છે. તેમનું યુદ્ધ વિધર્મી દેશો સામે છે કે આંતરિક? તેઓ વિધર્મીઓને મોટી સંખ્યામાં મારી રહ્યા છે કે સધર્મીને? પોતાની સગી આંખે તપાસી જુઓ. મુસ્લિમ દેશોમાં રોજ સરેરાશ સો મુસલમાન મુસલમાનના હાથે માર્યા જાય છે અને એમાં વિધર્મી તો ભાગ્યે જ કોઈ હોય છે.

ચાર. ફાસીવાદી રાજ્યના સ્વભાવ અને સ્વરૂપને લોકો પામી ન જાય એ માટે બહુમતી પ્રજાને દેશપ્રેમના નશામાં ડુબાડી રાખવામાં આવે છે. જાગ્યો નહીં કે દુશ્મનનો ડર બતાવીને સુવડાવ્યો નહીં.

આવતીકાલે તમારું સંતાન શંકા અને પ્રશ્ન કરતું નહીં થાય એની કોઈ ખાતરી છે? આજે તમે જે ફાસીવાદી વ્યવસ્થાને મંજૂરીની મહોર મારી રહ્યા છે એ વ્યવસ્થા આવતીકાલે તમારા સંતાનનો ટોળે મળીને મારી નાખશે જે રીતે સ્વામી અગ્નિવેશને મારવામાં આવ્યા હતા.

સૌજન્ય : ‘કારણ તારણ’, નામક લેખકની કતાર, “ગુજરાતી મિડ-ડે”, 19 જુલાઈ 2018

Loading

સામાજિક નિસ્બતનાં માલિક : નલિની મેડમ

પાર્થ ત્રિવેદી|Samantar Gujarat - Samantar|19 July 2018

એચ.કે. આર્ટ્સમાં એડમિશન લીધું. પહેલો દિવસ અને સમાજશાસ્ત્રનો પ્રથમ વર્ગ. ૧૨ સુધી ભણ્યાં પછી પણ બાકી રહેલી કુતૂહલતાથી વર્ગમાં દાખલ થનાર અધ્યાપકની રાહ જોઈ રહ્યો હતો. સમાજશાસ્ત્ર વિષયનાં કોલેજનાં ત્રણ અધ્યાપકો દાખલ થયાં. જેમાંથી એક જરા ઉંમરે વડીલ દેખાય પણ બીજા બંને અધ્યાપકોની તુલનાએ સૌથી વધુ હસમુખ ચહેરે અને ઉત્સાહ સાથે વર્ગમાં દાખલ થયેલાં. એ જ ઉત્સાહ સાથે પોતાનો પરિચય આપ્યો અને સહુનો સાંભળ્યો. સમાજશાસ્ત્ર અને બીજી વિદ્યાશાખાઓ કઈ રીતે જોડાયેલી છે, તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું ‘એક ડોક્ટર ગામમાં કોઈ સ્ત્રીના ચામડીના રોગની સારવાર કરી રહ્યાં હતાં, દવાની અસર એક મર્યાદાથી વધુ ન થઇ. ડોકટરના ધ્યાનમાં આવ્યું કે એ સ્ત્રી ઘરમાં જ વધુ રહે છે. સૂરજના સંપર્કમાં વધુ આવવાનું થાય તો રોગ જલદી દૂર થઇ શકે. ડોક્ટર વ્યવહારુ સુચન કરે છે અને ધાર્યું પરિણામ મળે છે.’ વાતનો સાર સમજાવતાં અધ્યાપકે જણાવ્યું કે જો ડોક્ટરને સામાજિક રિવાજનો ખ્યાલ જ ન હોત તો ઉકેલ મળી શકે જ નહીં ..' ઉદાહરણ આપી ભણાવવું તે એમની વિશિષ્ટ શૈલી.

આ અધ્યાપક એટલે નલિની ત્રિવેદી, અમારા જેવા વિધાર્થીઓ માટે નલિની મેડમ અને વાચકો માટે નલિની કિશોર ત્રિવેદી. પ્રથમ વર્ગમાં જ મેડમની છબી અંકાઈ, તેમાં પરિચય વધતા રંગો પુરાતા ગયા અને એક રંગીન ચિત્ર બન્યું. કોલેજના ચોથા માળે છેલ્લા વર્ગમાં સમાજશાસ્ત્રના વર્ગો લેવાય. મેડમ સમાજશાસ્ત્રીય વિભાવનાનું પેપર લેતાં. પ્રમાણમાં પાયાનો અને મહત્ત્વનો વિષય પણ સામે એટલો જ નીરસ બની રહે તેવી સંભાવના. મેડમ કાયમ વિભાવનાઓ સમજાવવા પોતાનાં અનુભવ, ઘટનાઓ અને નવલકથાઓ, વાર્તાઓની મદદ લઈને વાત એટલી સરળતાથી મૂકે કે શીરાની જેમ ગળા નીચે ઊતરી જાય. વાર્તાઓ પ્રત્યે વિશેષ લગાવ … ખૂબ ભાવ સાથે વાર્તા કહી શકે … પોતે પણ ખોવાઈ જાય અને સાથે અમે પણ.

વર્ગમાં કોઈ દિવસ બેસીને ન ભણાવે. મેડમને બેસીને ભણાવવું જાણે પોતાનું અને વિધાર્થીઓ બંનેનું અપમાન લાગે. ક્યારેક બીમાર હોય અને બેસવું જરૂરી લાગે તો ઘણાં સંકોચ સાથે હાજર વિધાર્થીઓની અનુમતિ લે અને પછી બેસે … છતાં તેમને ગમે તો નહીં જ. ઘણી તૈયારી સાથે દરેક વર્ગમાં આવે. કોઈ દિવસ પરીક્ષાલક્ષી ન ભણાવે … સમજણલક્ષી વાત અને ભણાવવાની પદ્ધતિ પણ એવી જ. એટલે કેટલાક વિધાર્થીઓ સહજ જ વર્ગોમાં ન આવે. વળી આર્ટ્સમાં વિશેષ પ્રણાલી મુજબ હાજરીની જરૂર નહીં … બીજા થોડાં એટલે ન આવે, બાકી વધ્યા બે થી પાંચ વિદ્યાર્થીઓ અને બીજાં મુલાકાતી વિધાર્થીઓ. વર્ગમાં એક વિધાર્થી હોય તો પણ મેડમ એટલા જ ઉત્સાહ સાથે ભણાવે. તેમને કેટલું અઘરું પડતું હશે પણ કાયમી સ્મિતમાં કોઈ ફેર ન પડે. કાર્યક્રમ હોય અથવા વધુ વરસાદ હોય અને લાગે કે આજે વર્ગ નહીં જ હોય છતાં વર્ગનો સમય થાય એટલે મેડમ ચોથા માળના છેલ્લા વર્ગની બહાર ઊભા જ હોય. કોઈ એક વિદ્યાર્થી પણ કશું શીખવા આવી જાય તો એકદમ તૈયાર ..! વર્ગમાં શિસ્તના જરા વધુ આગ્રહી. ખાસ કરીને કોઈને બગાસું આવે અને મોઢું ફાડીને કોઈ ખાય તો એકદમ ગુસ્સે થઇ જાય કહે કે ‘બગાસું આવવું તદ્દન જૈવિક ક્રિયા છે પણ કેવી રીતે ખાવું તે સામાજિક ક્રિયા છે.’ આ માટે ઘણા વિધાર્થીઓને વર્ગમાંથી કાઢી મૂક્યાનું યાદ છે. સામાજિકરણની પ્રક્રિયા ઘણા ઉદાહરણો અને ભાવ સાથે સમજાવે. સામાજિકરણ કદાચ તેમનો ગમતો મુદ્દો. આજે મારા જેવાને સમાજશાસ્ત્રના કેટલાક મુદ્દાઓમાં એટલે જ રસ પડે છે કારણ કે મેડમે એક ભાવ અને સમજણ સાથે તે સમજાવ્યું છે.

જરા જૂની પેઢીના એટલે પાયાના પ્રશ્નો પૂછે, છેલ્લા વર્ગમાં શું ચાલ્યું તેની ઉઘરાણી પણ કરે. વળી સંદર્ભ ગ્રંથો અને વાંચવાં જેવાં પુસ્તકોનાં નામ પણ આપે. શાહબાનો કેસ હોય કે ભંવરી દેવીની વાત હોય કે પોતાનાં સંતાનનાં નામમાં માતાનું નામ લખવા માટે સંઘર્ષ કરનાર ગીતા હરિહરન, ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાંની વાર્તા કે સાત પગલાં સહિતની નવલકથાઓની વાત વર્ગમાં થાય. કેટલાક રસ ધરાવતા વિધાર્થીઓ માટે મેડમ વર્ગ પછી પણ કાયમ હાજર.

મારા જેવાને ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રસ. વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પુસ્તક સમીક્ષા કે વાદ-વિવાદ સ્પર્ધા હોય. મેડમ દરેક મદદ કરે. બે અનુભવો વિશેષ યાદ છે. નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલો અને નિબંધ કોણ સુધારી આપે તે પ્રશ્ન આવ્યો. મેડમે સહજ તૈયારી બતાવી લગભગ ચાર કલાક તેમના ઘરે બેસીને અમે આખો નિબંધ સુધાર્યો. મારા વિચાર અને મૌલિકતાને બદલ્યા વિના ઝીણીઝીણી ચીવટ સાથે ભૂલો બતાવતા જાય અને સુધારતા જાય. કોલેજમાં વિચાર મંચ કરીને અભ્યાસ વર્તુળનો ઉપક્રમ ચાલતો હતો, તેના મહત્ત્વના બે કાર્યક્રમ થયેલા; ખાસ તો નિર્ભયા ગેંગરેપ ઘટના બાદના કાર્યક્રમની પૂર્વતૈયારીની ચર્ચામાં મેડમે સમજણ સાથે સંવેદના વિકસાવવા ઘણી મદદ કરેલી. તૈયાર કરેલું પ્રેઝન્ટેશન પણ ઘણી ચિવટ સાથે જોઈ આપેલું. કોલેજની સ્પર્ધાઓમાં રજૂઆત સાંભળવા આવે અને સૂચન પણ કરે. આ બધું એકદમ સહજ અને મીઠાં સ્મિત સાથે થાય કે જરા પણ વાગે નહીં કે ભાર પણ લાગે નહીં. કોઈ સ્પર્ધામાં જીતીને આવીએ તો કોલેજનાં બે અધ્યાપકો પાસેથી તો પુસ્તક મળે જ તેમાંનાં એક નલિની મેડમ.

પ્રથમ દ્રષ્ટિએ મૃદુ અને સૌમ્ય લાગે અને સ્મિત કાયમ ચહેરા પર હોય. જો સહેજ પણ અંધશ્રદ્ધા કે અન્યાયી વાત કરીએ, તો એકદમ અસ્વસ્થ થઇ જાય અને એટલી જ તીવ્રતાથી વિરોધ કરે … વાતમાં મક્કમતા સાથે અહિંસક વિરોધ પણ એટલો અસરકારક કે સામેના વ્યક્તિને બે ઘડીનું આશ્ચર્ય થાય અને વિચારતા પણ કરી મૂકે. તેમનો નારીવાદ સંવાદી હતો અન્યાયના તીવ્ર વિરોધ સાથે તેમાં માણસાઈ તરફની ગતિ હતી. આજે મારી આ અંગે જેટલી પણ સમજણ કે સંવેદનાઓ વિકસી છે તેમાં મેડમનો નોંધપાત્ર ફાળો છે.

નર્મદા કાંઠે યોજાયેલ યુવા શિબિરનો વિષય ‘વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક નિસબત’. નલિની મેડમને પ્રથમ દિવસે હું અને મારું વ્યક્તિત્વ વિષય પર વાત કરવા આમંત્રણ આપ્યું. મેડમે ખૂબ સરળતાથી સ્વીકાર્યું. બે બસ બદલી શિબિર સ્થળ પર પહોચ્યાં. વક્તાઓની ભારેખમ પરોણાગત કરવાની હોય તેની સામે મેડમ અમારી સાથે એકદમ ભળી ગયાં. તેમની હાજરીનો સહેજ પણ ભાર તેમના પક્ષેથી ન લાગ્યો. રસોડામાં મદદ હોય કે શિબિરમાં સવારની સફાઈ હોય, મેડમ સહજ ભળ્યાં. શિબિરમાં વર્ગ પણ એટલી જ તૈયારી સાથે લીધો. બે દિવસનું રોકાણ એકદમ યાદગાર રહ્યું.

અવાજમાં તેમનું કામ અને યોગદાન નોંધપાત્ર રહ્યું. આજની સ્થિતિને લઈને જરા વ્યથિત, વળી અમારા જેવા કશું જુદું કરવા મથતા વિધાર્થીઓ માટે ચિંતિત પણ ખરા. કોલેજ પછી પણ જે કેટલાક અધ્યાપકો સાથે સંપર્ક રહ્યો, અને ઘણી વખત મળવાનું થયું તેમાં મેડમ. ઘરે અને ‘અવાજ’માં મળવા જઈ શકાય. વાત કરીને – ચર્ચા કરીને અને રડીને હળવા થઇ શકાય. કાયમ નાસ્તો કરાવે. બપોરે જઈએ તો સાથે ચા પીવાનું, ત્રણએક વખત બન્યું. પર્સમાંથી પણ ભાગ મળે જ સાકાર, સૂકો મેવો કે એકાદ ફળ કે મુખવાસ.

કેટલુંક તેમની પાસેથી શીખ્યા, કેટલુંક તેમનાં લખાણો, વાર્તાઓ અને લેખ વાંચીને પણ મેળવી શકાશે. સ્ત્રોતસ્વીની અને સખ્ય તેમના વાર્તા સંગ્રહો વિશેષ યાદ રહ્યાં છે. બીજું તેમનું કામ ઘણું વ્યાપક હતું. બીજા લોકો પણ લખશે. વિધાર્થી તરીકે આટલું યાદ કરવા જેવું લાગ્યું.

છેલ્લા દિવસોમાં વધુ મળવા નહીં જઈ શકાયું તેનો અફસોસ છે. તેમની પાસેથી આટલાં વર્ષોમાં કેટ કેટલું જાણવા, શીખવા, સમજવા અને ખાસ તો જીવવા મળ્યું. હવે તેમની પાસેથી સીધું કશું મેળવવાનો અવકાશ તો રહ્યો નથી … તેમની ચિત્તમાં અંકાયેલી છબી અને સંચવાયેલા શબ્દોમાંથી કશુંક મેળવવા પ્રયત્ન કરી શકાય અને કરીશું. હજી આંખ સામે મેડમનો સ્મિત સભર ચહેરો દેખાય … એટલું નિખાલસ અને નિ:સ્વાર્થ સ્મિત આપણા ચહેરા લાવી શકીએ તો પણ પૂરતું …. વંદન —

https://www.facebook.com/photo.php?fbid=1875217519188733&set=a.703475883029575.1073741825.100001015091245&type=3&theater

Loading

...102030...3,0523,0533,0543,055...3,0603,0703,080...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved