Opinion Magazine
Number of visits: 9579624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહસ્ર પુત્રવતી ભવ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|22 July 2018

રાનગાંવ – મહારાષ્ટ્રનું નાનું એવું ગામ. ગામ ભલે નાનું; પણ ગામવાસીઓમાં ભારે સંપ. સારે–માઠે પ્રસંગે બધા એક થઈને ઊભા રહે. એમાંયે જ્યારે વિષ્ણુકાકાના એકના એક જુવાન જોધ દીકરા ચેતનના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે ગામ આખું સ્તબ્ધ થઈ ગયું. પોતાના નામ પ્રમાણે ચેતનવંતો, હસમુખો, મિલનસાર ચેતન, આમ એકાએક જડ થઈ જાય એવું શી રીતે બને ?

પણ એવું જ બન્યું હતું. પોતાના ખેતરમાં મૂકેલી પાણી માટેની મોટરના વાયરનો કરંટ લાગ્યો ને ચેતન કોઈને આવજો કહેવાય ન રોકાયો. એ તો બાજુના ખેતરવાળો દુષ્યંત એને જમવા બોલાવવા આવ્યો, ત્યારે ખબર પડી. આખા ગામમાં તો હાહાકાર મચી જ ગયો; પણ ઘરે રહેલી ત્રણ વ્યક્તિઓની તો આ સાંભળીને સૂધબૂધ જ જતી રહી.

રેવાકાકી અને ઉષ્મા – સાસુ અને વહુ; બન્ને એવાં ભાંગી પડ્યાં હતાં કે કોણ કોને આશ્વાસન આપે? દીવાલને અઢેલીને પથ્થરની મૂર્તિની જેમ બેઠેલી ઉષ્માનો હાથ, હાથમાં લઈને રેવાકાકી રડ્યે જતાં હતાં. આજુબાજુ બેઠેલી સ્ત્રીઓની દબાતા અવાજે થતી વાતચીત એમને કાને અથડાઈ રહી હતી. ‘હજી તો લગ્નને ચાર જ વરસ થયાં, ત્યાં બીચારીનો વિધવા થવાનો વારો આવ્યો.’ ‘એકાદ છોકરું હોત તો એને સહારે ય જિન્દગી સુખેદુ:ખે વિતાવી દેત; પણ આ તો….’

‘છોકરું’ શબ્દ સાંભળતાં ઉષ્માની સ્મૃિતમાં ભૂતકાળ સળવળી ઊઠ્યો. રાંનગાંવ નજીકના શહેરના કૃષિવિદ્યાલયમાં એ અને ચેતન સાથે અભ્યાસ કરતાં. એ પહેલા વર્ષમાં અને ચેતન ત્રીજા વર્ષમાં. બન્ને ક્યારે અને કેવી રીતે એકબીજાંની નજીક આવતાં ગયાં, ખબરેય ન પડી. એક દિવસ ચેતને સીધે સીધું કહ્યું,

‘જો ઉષ્મા, મને ગોળ ગોળ ફેરવીને વાત કરતાં આવડતું નથી. મને તું ગમે છે અને મને લાગે છે કે તને પણ હું પસંદ છું. વળી આપણે બેઉ કૃષિ કૉલેજમાં ભણીએ છીએ એટલે આપણા રસના વિષયો પણ સરખા જ છે.’

બધું જાણવા–સમજવા છતાં અજાણ બનવાનો ડોળ કરતાં એણે કહેલું, ‘આજે એકાએક તેં આવી વાત કેમ કરવા માંડી, મને સમજાયું નહીં.’ શરમાઈને દુપટ્ટાનો છેડો દાંત વચ્ચે દબાવતાં એ હસી પડી હતી.

પછી તો બન્નેનાં માતાપિતાની સમ્મતિથી બન્નેનાં લગ્ન થયાં. પણ સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જ્યારે પણ તેઓ મળતાં ત્યારે ચેતન કહેતો,

‘ઉષ્મા, હું તો જમીન સાથે જોડાયેલો માણસ છું. અહીં બાપદાદાના સમયની અમારી વીસ એકર જમીન છે. મારે એ જમીનમાં આધુનિક ઢબે ખેતી કરવી છે. હું શહેરમાં વસવા માગતો નથી. તને કંઈ વાંધો તો નથી ને?’

‘વાંધો હોય તોયે હવે શું થાય?’ ચેતનને ચીડવતાં એ કહેતી.

લગ્ન પછી બેઉ ખભેખભા મિલાવીને ખેતીના કામમાં મચી પડ્યાં. નવાં નવાં પુસ્તકો અને સામયિકોમાં નવી શોધખોળો વિશે વાંચવું, નવાં સાધનો વસાવવાં, કૃષિમેળા અને સમ્મેલનોમાં જઈ પોતાની જાણકારીમાં વૃદ્ધિ કરવી; એમાં આ દમ્પતીને જીવનની સાર્થકતા લાગતી.

સંતોષ અને મમતાપૂર્વક ખેતરને જોતાં એક દિવસ ચેતને કહ્યું,

‘મારે આ ખેતર પર એક હજાર આંબા વાવવા છે. કલ્પના કર કે એ હજાર ઝાડ જ્યારે ફળથી લચી પડશે ત્યારે આ વાડી કેવી હરીભરી લાગશે? એક નિસાસો નાંખતાં ઉષ્માએ કહ્યું, ‘હા, આંબા પર તો ફળ આવશે; પણ લગ્નનાં ત્રણ ત્રણ વરસ થયાં છતાં મારા દેહની ડાળી પર હજી ફળ નથી બેઠું, એનું શું?’

સ્નેહથી એને પોતાની નજીક ખેંચતાં ચેતન બોલ્યો હતો, ‘તને શું વધારે ગમે? એક પુત્રની મા થવું કે હજાર પુત્રની? સાચું કહું તો આ બધા સાથે હું એવો તો એકાકાર થઈ જાઉં છું કે મને તો વિચાર જ નથી આવતો કે આપણે ત્યાં સન્તાન નથી!’

‘ખરેખર?’

‘સાવ સાચું. અને હું તો એવું ઈચ્છું કે આપણાં આ સન્તાનોની દેખભાળમાં, એમને ઉછેરવામાં તું પણ ખોવાઈ જા.’

ચેતનની મરણોત્તર ક્રિયાઓ પતી. ઉષ્માનાં માતાપિતા બીજે દિવસે પોતાના ઘરે પાછાં ફરવાનાં હતાં. રાત્રે ચારેયે માબાપ ઉષ્માના ભાવિની ચિન્તા કરતાં બેઠાં હતાં. વિષ્ણુકાકાએ કહ્યું, ‘વેવાઈ, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તે હું સમજી શકું છું. અમે ચેતનનાં માબાપ ભલે હોઈએ; પણ એના ગયા પછી અમે સતત ઉષ્માનો જ વિચાર કર્યા કરીએ છીએ. એના આખા જીવનનો સવાલ છે. થોડા વખત પછી તમે આવીને એને તેડી જજો. અમે હોંશે હોંશે એને વળાવીશું.’

બારણાની આડશે ઊભી રહીને બધી વાતો સાંભળતી રહેલી ઉષ્મા હાથ જોડીને બોલી,

‘માફ કરજો, તમારી વડીલોની વાતમાં વચ્ચે બોલવાનો અવિવેક કરી રહી છું; પણ મને પૂછ્યા વિના મારા ભવિષ્યનો ફેંસલો તમે કેવી રીતે કરી શકો? આ મા–બાપ, આ ઘર અને આ ખેતરને છોડીને હું ક્યાં ય જવાની નથી. ને મા–બાપુ, હું પગફેરો જરૂર કરી જઈશ; પણ અહીં રહીને ચેતનનાં આદરેલાં અધૂરાં કામ પૂરાં કરવાની જવાબદારી મારી છે. આશીર્વાદ આપો કે, મારી જવાબદારી હું સુપેરે નિભાવું.’ સમજદાર દીકરીને આશિષ આપતાં, માતા–પિતાની આંખો નીતરી રહી.

બીજે દિવસે સાસુ–સસરાને લઈને એ ખેતરે પહોંચી. બેઉને સમ્બોધીને એ બોલી : ‘હજાર આંબા રોપવાનો ચેતનનો અધૂરો સંકલ્પ મારે પૂરો કરવાનો છે. કોઈ પુત્રવધૂએ શરમ અને સંકોચને કારણે સાસુ–સસરાને એવું કહ્યું નહીં હોય કે મને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપો; પણ આજે હું તમારી પાસે એક–બે નહીં; પણ ‘હજાર પુત્ર’ની મા બનવાના આશિષ માંગું છું. જ્યારે હું એ હજારનું સારી રીતે લાન–પાલન કરી શકીશ તે દિવસે ચેતનનો આત્મા તૃપ્ત થશે.’

રેવાકાકી અને વિષ્ણુકાકા ગળગળાં થઈ ગયાં; પણ વિષ્ણુકાકાએ તરત પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યા,

‘અમારાં અંતરના તને આશિષ છે, દીકરા, ને હું તો વાડીને દરવાજે બોર્ડ લગાવવાનો છું : ‘હજાર દીકરાની માની વાડી.’

(‘ઐશ્વર્યા પાટેકર’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

તા. 01-01-2018ના ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાન પરથી .. સાભાર ..

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 405 –July 22, 2018

Loading

સર્જકતા અને પ્રતિબદ્ધતા

સુમન શાહ|Opinion - Literature|22 July 2018

આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે. એમનાં 'સમયરંગ'-નાં લેખનો ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે

નેરુદા કહેતા -મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ -નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું

ટ્રમ્પની ચૂંટણીના વખતથી એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ -પ્રતિકાર અથવા પ્રતિરોધ

આપણે ત્યાં સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે – ખાસ તો ઈનામ-અવૉર્ડ મેળવી ચૂકેલા સાહિત્યકારોની પ્રતિબદ્ધતા વિશે – જાતજાતની ફરિયાદો થતી હોય છે. મુખ્ય એ કે દેશના રાજકારણની સમીક્ષા તો તેઓ કરતા જ નથી. પ્રકાશ ન. શાહ-ના 'નિરીક્ષક'-માં એવી સમીક્ષાઓ થાય છે પણ એમાં કોઇ મોવડી સાહિત્યકાર ભાગ્યે જ દેખા દે છે. જો કે આ પરત્વે એક ભય ભાગ ભજવતો હોય છે – એમ કે પ્રતિબદ્ધ થવા નીકળીશ તો મારી સ્વાયત્તતા જોખમમાં આવી જશે, સર્જકતા ડુલ થઇ જશે બલકે જતે દિવસે ચર્ચાખોર રાજકારણીમાં ગણાઇ જઇશ. વાત સાચી છે. જો કે સાચી નથી. કેમ કે પ્રતિબદ્ધતા અને સર્જકતા બન્ને જો સમ્યક્ હોય તો એવું દુ:ખદ પરિણામ નથી આવતું. ખરો સર્જક એના ઉત્તમોત્તમ અર્થમાં પ્રતિબદ્ધ હોય છે અને સાચી પ્રતિબદ્ધતા સર્જકતાને કદી રંજાડી શકતી નથી. શરૂઆતમાં બન્ને દ્વૈત-સમ્બન્ધે જોડાયેલાં રહે છે પણ છેલ્લે અદ્વૈતરૂપે એક થઇ જાય છે. સાહિત્યસંસારમાં એનાં દૃષ્ટાન્ત મળવાં મુશ્કેલ ખરાં પણ નથી મળતાં એમ પણ નથી. વ્યાસ-વાલ્મીકિમાં, રવીન્દ્રનાથમાં, નોબેલ-પ્રાઇઝ પામેલા અનેક સાહિત્યકારોમાં, આ અદ્વૈત જોવા મળ્યું છે. જો કે વાત ઘણી સંકુલ અને લાંબી છે…

આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે અને આ સંદર્ભે મને એમનાં 'સમયરંગ'-નાં લેખનો યાદ આવે છે. એ ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે આજના સાહિત્યકારને ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે. પરન્તુ સાઉથ અમેરિકાના ચિલીના કવિ પાબ્લો નેરુદાનું દૃષ્ટાન્ત આ પરત્વે જગજાણીતું છે. એમનો જીવનકાળ, 1904-1973. સ્પૅનિશમાં લખતા કવિઓમાં નેરુદા શ્રેષ્ઠ મનાયેલા; ચિલીના રાષ્ટ્રકવિ હતા. એમની સામ્યવાદતરફી પ્રતિબદ્ધતા પણ એટલી જ સાચી હતી. ૧૯૭૧-માં એમને નોબેલ અપાયું. જો કે લેખન તો ૧૩વર્ષની વયથી ચાલુ થઇ ગયેલું. "ટ્વૅન્ટિ લવ પોએમ્સ ઍન્ડ સૉન્ગ ઑફ ડિસ્પૅર” – સંગ્રહનાં કાવ્યોથી એમની એક આકર્ષક કવિરૂપે સ્થાપના થઇ. ત્યારે ઉમ્મર માત્ર ૨૦ હતી. નિબન્ધો, પ્રબન્ધો, રાજકારણી ઢંઢેરા, આત્મકથન એમ વિવિધ લેખનપ્રકારો અજમાવેલા. ચિલીયન કૉમ્યુિનસ્ટ પાર્ટીના સૅનેટરપદે એમણે અનેક રાજદ્વારી કાર્ય આદરેલાં અને સમ્પન્ન કરેલાં. પણ એમનો અવાજ સત્તાધીશોને પરવડેલો નહીં. કવિને જેલ થયેલી. ત્યાંથી નાસભાગ જેવી એમને કઠિન કારવાઇઓ કરવી પડેલી. પછી તો, ચિલીના સમાજવાદી પ્રમુખના મિત્રરૂપે અને વિશ્વના અનેક દેશોમાં એલચી આદિ રાજદ્વારી સેવક રૂપે એમણે કીર્તિ હાંસલ કરેલી. કહેવાય છે કે એમનું મૃત્યુ રાજકીય કાવતરાથી થયેલી હત્યા હતી. કર્ફ્યુ નાખીને શબયાત્રાને સીમિત રાખવાની કોશિશ થયેલી પણ કવિના લાખ્ખો ચાહકોની મેદનીએ કર્ફ્યુને નિષ્ફળ બનાવી દીધેલો.

નેરુદા મારા પ્રિય કવિ છે. અગાઉ મેં એમનાં અનેક કાવ્યોના અનુવાદ પ્રકાશિત કર્યા છે. અહીં પણ એક અનુવાદ રજૂ કરું છું :

આજે રાતે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય.
દાખલા તરીકે, લખું "તારાભરી નિરભ્ર રાત્રિ ઝગમગે છે દૂર."
રાતનો પવન ઘુમરાય છે આકાશે, ગાય છે કશુંક.
રાતે આજે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય. મેં ચાહી હતી એને, અને ક્યારેક એણેય મને ચાહ્યો હતો.
આવી રાત્રિઓમાં સાહી હતી મેં એને બાહુઓમાં. અસીમ આકાશ નીચે કેટલાંય મેં એને ચુમ્બન કરેલાં.
એણે મને ચાહ્યો હતો, મેં પણ એને ક્યારેક ક્યારેક ચાહી હતી. અમીટ એનાં નયન સામે એને ભરપૂરે ન ચાહવું તો કેવું !
લખી શકું નર્યાં વિષાદમય પદ્ય આજે રાતે. વિચારવું કે મારી એ નથી હવે. વિચારવું કે મેં એને ગુમાવી છે.
નિ:સીમ રાત્રિને સાંભળવી, પણ એના સાથ વિના સાંભળવી એ તો અતિ નિ:સીમ. ઘાસ પરે ઝાકળબિન્દુ સરે એમ સરે પદ્ય મારા આત્મા પરે.
એ તે કેવું કે પ્રેમ મારો સાચવી ન શક્યો એને. રાત્રિ છે તારાભરી, અને એ નથી પાસ મારી.
બસ એટલું જ. દૂર કોઇક ગાય છે… દૂર… મને નથી કશું ચૅન એને ગુમાવ્યા પછી.
એને જાણે મારી સમીપે આણવા નજર મારી ભટકે છે. હૃદય મારું શોધે છે એને, અને એ નથી પાસ મારી.
એ જ વૃક્ષોને અજવાળતી એ જ રાત્રિ. એ પછી, અમે, જે હતાં, તે હવે નથી.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ કેટલું ચાહતો હતો…
મારો અવાજ એવા પવનને શોધે જે એના કાનને અડે.
હવે એ અન્યની. થશે અન્યની. જેમ મારાં ચુમ્બનો પૂર્વે. એનો અવાજ, એની દીપ્તિમય કાયા. એનાં અનિમેષ નયન.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ બને કે ચાહું…
પ્રેમ ટૂંકજીવી હોય છે, અને વીસરી જવું તો ઘણું જ લાંબું.
કેમ કે આવી રાત્રિઓમાં મેં એને સાહી હતી બાહુઓમાં. ગુમાવ્યા પછી એને નથી મને ચૅન કશું.
એનાથી સાંપડેલી વ્યથા, હવે તો છેલ્લી, અને એને માટે લખેલાં પદ્ય પણ છેલ્લાં…

(Poem XX: "ધ ઍસેન્શ્યલ નેરુદા: સિલેક્ટેડ પોએમ્સ", સિટી લાઇટ્સ બુક્સ, 2004).

ઘણા અમેરિકન વિદ્વાનોને નેરુદાની સર્જકતા અને પ્રતિબદ્ધતા વચ્ચેનું દ્વૈત અને એ પછીનું અદ્વૈત સમજાયેલાં નહીં. વિદ્વાનોને એમનાં કાવ્યોના અનુવાદ અશક્ય જેવા લાગેલા; જે થયેલા તે સુખપ્રદ નહીં લાગેલા. ટૂંકમાં, નેરુદાની સાચી ઓળખ ઘણા સમય લગી અટવાયા કરેલી. કદાચ એટલે જ ૧૯૪૩-માં એકવાર નેરુદાએ કહેલું : મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ – નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું.

આ લેખ નેરુદા વિશે કર્યો એનું એક બીજું કારણ પણ છે. અહીંની પબ્લિક લાઇબ્રેરીમાંથી મને ૨૦૧૮-માં પ્રકાશિત "નેરુદા – ધ પોએટ્સ કૉલિન્ગ" નામની નેરુદાની ૬૨૮ પાનની જીવનકથા મળી આવી. એના લેખક મુખ્ય અનુવાદક અને સમ્પાદક માર્ક આઇઝનર છે. આઇઝનર કહે છે કે ટ્રમ્પના પ્રમુખપદને ૧૦૦ દિવસ પૂરા થયા એ અરસામાં પોતે આ જીવનકથાનું લેખન પૂરું કરેલું. આઇઝનર જણાવે છે કે ટ્રમ્પની ચૂંટણીના વખતથી નવ્ય રાજકારણ તેમ જ કવિઓ પરત્વે એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ – પ્રતિકાર અથવા પ્રતિરોધ. દાખલા તરીકે, ઍપ્રિલ ૨૧, ૨૦૧૭-ના રોજ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' પહેલા પાને લેખ મૂકેલો, "American Poets, Refusing to Go Gentle, Rage against the Right". પ્રતિકાર બાબતે આઇઝનરે જે પ્રશ્નો કર્યા છે એમાંના કેટલાક આવા છે : ગઇ સદીના કયા કવિ પાસેથી આપણને સૂચક અને અતિ અગત્યનો પ્રતિકાર મળી શકે એમ છે? કેવા પ્રકારે એના શબ્દો પ્રજાને 'ઍક્શન' માટે ઢંઢોળી શકે એમ છે? ચિન્તન પ્રેરી શકે કે રૂઝ લાવી શકે એમ છે? આપણા આ અભૂતપૂર્વ વર્તમાનમાં સાહિત્ય રાજકારણ કલાકારો અને સામાજિક પરિવર્તન વચ્ચે કેવાક સમ્બન્ધો છે? આઇઝનર ઉમેરે છે : આ પુસ્તક નેરુદાના જીવન અને સર્જનની વિવિધ વીગતોની સાથોસાથ આવા પ્રશ્નો કરવાની તક પૂરી પાડશે અને તેથી રોજેરોજ આપણને નવા હેતુઓ અને નવી જ પ્રાસંગિકતાઓ જડી આવશે : અભૂતપૂર્વ વર્તમાનમાં તો આપણે ય જીવીએ છીએ પણ આપણી આજકાલમાં એકે ય ગુજરાતી નેરુદા દેખાતો નથી…રાહ જોઇએ…

[તારીખ ૨૧/૭/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં પ્રેસના સૌજન્યથી મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2018498901514346

Loading

ધર્મના બાહ્ય કલેવરમાં રાચતો માનવી પોતે તો ઉપર ઊઠતો નથી, પરંતુ ભગવાનને પોતાના સ્તરે નીચે લઈ આવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2018

“ધર્મ એટલે સત્યની તાલાવેલી, વિવેકી સમભાવ તેમ જ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધો, ક્રિયાકાંડો, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યવહારિક ધર્મો છે અને તે જ્યાં સુધી પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય ત્યાં સુધી જ ધર્મના નામને પાત્ર છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદૃશ્ય વસ્તુ છે. તેનો અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દ્રશ્ય હોઈ, બીજાઓ જોઈ શકે તેવો છે. પારમાર્થિક ધર્મનો સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુત: ધર્મનો આભાસ જ છે.”

અહીં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે એ પંડિત સુખલાલજીનું છે. બહુ મોટા મેધાવી પ્રજ્ઞાચક્ષુ દાર્શનિક હતા. પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનેલા ડૉ. રાધાકૃષ્ણન જ્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા, ત્યારે પંડિતજી એ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. ડૉ. રાધાકૃષ્ણને પોતે કહ્યું છે કે તેઓ પંડિતજીના લેક્ચર્સનું ટાઈમ ટેબલ પોતાની પાસે રાખતા અને બને ત્યાં સુધી વખત કાઢીને તેઓ પંડિતજીના વર્ગમાં પાછલી બેંચ પર બેસી જતા. ડૉ. રાધાકૃષ્ણ જેમને સાંભળવાનું ચુકતા નહીં એવા મેધાવી વિદ્વાન આપણી ભાષામાં ઘણું વિશાળ, ઘણું ઊંડું, તુલનાત્મક ધર્મચિંતન કરતા ગયા છે, અને આપણા માટે મુકતા ગયા છે.

હવે ઉપરનું અવતરણ ફરી ફરીને વાંચો. છેક ૧૯૫૯માં તેમણે ‘ધર્મ ક્યાં છે?’ એવી પરિચય પુસ્તિકા લખી હતી અને આજે ૬૦ વરસે એમાં કહેવાયેલો એકે એક શબ્દ સાચો છે. એ પુસ્તિકામાં કરવામાં આવેલા ધર્મચિંતન વિષે ક્યારેક વિસ્તારથી વાત કરવાનો ઈરાદો છે, પરંતુ અહીં શબરીમાલાના કેસમાં સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે એના સંદર્ભમાં ઉપરનું અવતરણ વધારે પ્રાસંગિક છે.

ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ. પંડિતજી કહે છે કે ધર્મનો આ આત્મા છે અને એના આધારે જીવનનો વ્યવહાર ઘડાવો જોઈએ. પારમાર્થિક ધર્મ આને કહેવાય. સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ જેમ ધર્મનો આત્મા છે તો જગતના તમામ સંગઠિત ધર્મો બાહ્ય કલેવર પણ ધરાવે છે. વિધિનિષેધો, ક્રિયાકાંડો અને ઉપાસનાના પ્રકારો બાહ્ય કલેવરનો હિસ્સો છે. પંડિતજી આને વ્યાવહારિક ધર્મ તરીકે ઓળખાવે છે. એ પછી પંડિતજી કહે છે કે વ્યાવહારિક ધર્મ પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય ત્યાં સુધી જ ધર્મને પાત્ર છે. બીજા શબ્દોમાં જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી જ દેહની કિંમત છે. બાકી મૃત-દેહમાં અને પથ્થરમાં કોઈ ફરક નથી. એ પછી પંડિતજીએ તેમની 32 પાનાંની પરિચય પુસ્તિકામાં વ્યવાહારિક ધર્મે પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ જાળવી રાખવાની જગ્યાએ કઈ રીતે વ્યવાહારિક ધર્મે પારમાર્થિક ધર્મનું સ્થાન  લઈ લીધું છે એની વાત કરી છે.

આખા જગતની સમસ્યા અત્યારે આ છે. અત્યારે આ સમસ્યા પેદા થઈ છે એવું નથી, સદીઓ જૂની આ બીમારી છે જે હવે વકરી છે. ધર્મના બાહ્ય કલેવરને આપણે ધર્મનો આત્મા માની લીધો છે અને સરવાળે એમાં ધર્મનું જ નખોદ નીકળી રહ્યું છે. વિડંબના એ છે કે દરેક ધર્મનું નખોદ જે તે ધર્મના અનુયાયીઓ જ કાઢી રહ્યા છે. અનુયાયી આંધળા હોય (અને મોટે ભાગે અનુયાયી આંધળા જ હોય છે) ત્યારે કોઈ વિચાર કે વ્યક્તિને મારવા માટે દુશ્મનની જરૂર નથી પડતી. અનુયાયી જ મારી નાખે છે.

સત્ય માટેની તાલાવેલી અને વિવેકી સમભાવની એરણ હોય તો અસ્પૃશ્યતાનો બચાવ કઈ રીતે થઈ શકે? પરંતુ દાયકાઓ સુધી ધર્મના બાહ્ય કલેવરને ધર્મનો આત્મા માનનારાઓએ અસ્પૃશ્યતાને ધર્મના અનિવાર્ય અંગ ગણીને તેનો બચાવ કર્યો હતો. હિંદુ સ્ત્રીઓને સામાજિક-આર્થિક ન્યાય આપનારા હિંદુ કોડ બીલ વખતે પણ હિંદુ ધર્મના બાહ્ય કલેવરની ઓથ લઈને હિંદુ કોડ બીલમાંની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. હિંદુ કોડ બીલને ધર્મ સાથે કોઈ સીધો સંબંધ નહોતો, પણ વિરોધ કરનારાઓ વચ્ચે ધર્મને લઈ આવ્યા હતા. મરજી પડે ત્યારે મુસ્લિમ સ્ત્રીને ટ્રીપલ તલાક આપીને તરછોડી દેવામાં આવે એ સત્ય માટેની તાલાવેલી અને વિવેકી સમભાવની એરણે ચકાસવામાં આવે તો એક પણ દિવસ ટકી ન શકે, પરંતુ તેને પણ ઇસ્લામ ધર્મના અનિવાર્ય અંગ તરીકે બચાવ કરવામાં આવતો હતો.

હાજી અલી, શનિ શિંગણાપુર, શબરીમાલા જેવાં ધાર્મિક સ્થળોએ સ્ત્રીઓને ધર્મનાં નામે પ્રવેશ આપવામાં આવતો નહોતો અને હજુ બીજાં અનેક ધર્મસ્થળો હશે જ્યાં પ્રવેશ નહીં આપવામાં આવતો હોય. દલીલ એવી છે કે સ્ત્રીને માસિક પાળી આવે એટલે તેનો દેહ અપવિત્ર હોય છે. અપવિત્ર સ્ત્રી મંદિરમાં કે દરગાહમાં પ્રવેશે તો ભગવાન કે ખુદા અપવિત્ર થઈ જાય. ધર્મના બાહ્ય કલેવરમાં રાચતો માનવી પોતે તો ઉપર ઊઠતો નથી, પરંતુ ભગવાનને પોતાના સ્તરે નીચે લઈ આવે છે. ભગવાન જો અભડાતો હોય તો એ ભગવાન શેનો? બીજું, માસિક આવવવાથી સ્ત્રી અપવિત્ર થઈ જાય છે એનું શું પ્રમાણ છે? પરંપરા ખૂબ જૂની છે એટલે એ ટકી રહેવી જોઈએ એવી એક દલીલ કરવામાં આવે છે. ભારતને ગુલામ રાખવાની બસો વરસ જૂની પરંપરા છે એવી અંગ્રેજોએ દલીલ કરી હોત તો? બસો વરસ એ પરંપરા ગણાવવા માટે પૂરતો સમય છે.

દરેક ધર્મના ધર્માનુંયાયીઓએ સામેથી વિવેકની એરણ વાપરીને ધર્મના બાહ્ય કલેવરમાં સુધારાઓ કરવા જોઈએ, પણ એની જગ્યાએ રાજ્ય જ્યાં સુધી પ્રતિબંધો ન મૂકે કે કાયદા ઘડીને ધાર્મિક સુધારાઓ ન કરે અથવા અદાલત જ્યાં સુધી નાક ન કાપે ત્યાં સુધી સામેથી કોઈ સુધારાઓ કરતું નથી. કોઈ માગણી કરે તો વિરોધ કરવામાં આવે. કોઈ ધાર્મિક સમાજ આમાં અપવાદ નથી. ઉપરથી ધર્મની આઝાદી(બંધારણના આર્ટિકલ્સ ૨૫થી ૨૮)ની ઓથ લેવામાં આવે છે. બંધારણે જે અધિકાર આપ્યો છે એ બીજાને વંચિત રાખીને અન્યાય કરવાનો અધિકાર નથી આપ્યો, પણ ખુદા અને બંદા વચ્ચેના પારમાર્થિક સંબંધમાં કોઈ વચ્ચે ન આવે કે કોઈ અવરોધ પેદા ન કરે એ માટે આપ્યો છે. પંડિત સુખલાલજી કહે છે એમ સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવની સાધનામાં કોઈ અવરોધ પેદા ન કરે એ માટે આપ્યો છે.

આજે જગતને કહેવાતા ધાર્મિક લોકોએ એટલું અસહ્ય કરી મૂક્યું છે કે ભવિષ્ય વિષે વિચારતા ડર લાગે છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2018

Loading

...102030...3,0513,0523,0533,054...3,0603,0703,080...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved