Opinion Magazine
Number of visits: 9579866
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂતકાળ

મનીષ પટેલ|Poetry|29 August 2018

ઊગતા સૂરજની પાંખે દરરોજ
એક કાગડો મારા આંગણામાં આવે છે.
‘કા કા’ કરી કોઈના આગમનની વધામણી આપે છે.

હું દરરોજ ઊગમણી દિશામાં
અનિમિષ નયને જોયા જ કરું છું.
એમ કરતાં કરતાં એક્યાસી વહી ગયાં.

ધીરે ધીરે, આહિસ્તે આહિસ્તે
અંધકારના ઓળા પથરાવા લાગ્યા.
ક્યારે એમ બન્યું ખબરેય ના પડી.

ઓગણીસ વર્ષની સહારથી વડોદરાની up-down,
ગાડીઓની ગળાબૂડ ભીડમાં કેટલાં ય મળ્યાં,
ધક્કામુક્કી ને રોમાંચક રેશમી સ્પર્શ.
વાળમાં ચમેલીનું તેલ ને મોગરાની વેણીની સુગંધ
ભીડમાં મન ભરીને પીધી યે ખરી.
મધુર સ્વપ્નાં લઈ, છાનાં છપનાં કોઈને મળ્યાં યે ખરાં,
પછી ‘ફર્‌ર્‌ર્‌’ કરી પક્ષીની જેમ ઊડીયે ગયાં.
કંઈક યાદો એવી, પથ્થરની લકીર બની
લમણે લખાઈ ગઈ,
કંઈક એવી પાણીનો પરપોટો બની ફૂટી ગઈ.

ભૂખ લાગે ત્યારે હુંયે ભૂતકાળ ચાવ્યા કરું,
ખજાનામાંથી મોતી શોધ્યા કરું.
સારું છે, ભૂતકાળ જેવો કોઈ tense છે !

આ મેળામાં આપણે ક્યાંક તો મળ્યા હોઈશું ને !
નહિ મળ્યા હોય તો મળીશું, ‘શબ્દ સ્વરૂપે’.

૦૮.૧૦.૨૦૧૭

e.mail : manibhai.patel@yahoo.co.uk

Loading

ભીમભાઈ દેસાઈ

દીપક બારડોલીકર|Profile|29 August 2018

અમારા કોઈ ટીચર આવ્યા ન હોય એ દિવસે તેમનો પિરીઅડ લેવા માટે અમારા પ્રિન્સિપલ આવતા. તેઓ આવે તો અમારા મોજમેળા થઈ જાય. સામાન્ય જાણકારીના ઢગ ખડકાઈ જતા.

અને પિરીઅડ અગર હિસ્ટૃીનો હોય, તો તો રોમન, ઇસ્લામિક, યહૂદી હિસ્ટૃીઓની એવી એવી અદ્દભુત હકીકતો સાંભળવા મળતી કે અમે છક થઈ જતા ! મધ્યપૂર્વ ઉપરની રોમનોની ચઢાઈ, યહૂદીઓની કત્લેઆમ તથા મુસ્લિમોના હાથે ઈસાઈઓ − રોમનોની હારના કિસ્સા અમે પહેલી વાર, અમારા પ્રિન્સિપાલના મોઢે સાંભળ્યા હતા. આવા કિસ્સા કહેતી વખતે, મને યાદ છે ત્યાં સુધી તેઓ અખાની આ કાવ્યકંડીકા, બહુ છટાથી બોલતા :

ભાષાને શું વળગે ભૂર,
જે રણમાં જીતે તે શૂર
!

એ હતા અમારા પ્રિન્સિપલ ભીમભાઈ દેસાઈ. નામથી વિરુદ્ધ સુકલકડી ને ખાસા ઊંચા એવા ભીમભાઈ શિસ્ત, શિક્ષણની બાબતમાં કડક અને ઉસૂલપસંદ આદમી હતા. અવાજ પણ એવો જ ધારદાર, જાણે ખુલ્લી તલવાર ! અને પ્રતાપ એવો, કે મુલાકાતીઓ ગુણ ગાતા થઈ જતા ! − એમના પ્રતાપે અમારી શાળા સાચા અર્થમાં શાળા હતી. લોકો કહેતા, ‘હાઈ સ્કૂલ, તો ભાઈ, બારડોલીની !’ − લોકોના એ બોલ સાચા હતા. શિક્ષણ, શિસ્ત, શિષ્ટતામાં એનો જવાબ ન હતો. ઈતર પ્રવૃત્તિઓમાં પણ બેનમૂન !

ઈતર પ્રવૃત્તિઓમાં અહીં ઘણું હતું. સંગીત હતું, રાસગરબા, નાટક, ડિબેટ, રમતગમત, વગેરે. રમતગમતનો કાર્યક્રમ ખાસો ભરચક હતો. ઈનડોર − આઉટડોર બન્ને રમતો. ટેબલ ટેનિસ અને બેડમિન્ટન હતાં તો ક્રિકેટ અને વોલી બોલ તથા ખોખો ને હુતુતુતુ પણ હતાં.

ખાસ કરીને ક્રિકેટ તથા વોલી બોલમાં અમારી શાળાએ સારું નામ કાઢ્યું હતું. ગંગાધરા, કડોદ, વરાડ, નવસારી વગેરેની ટીમો સામે અમે રમેલા અને સિક્કો બેસાડ્યો હતો.

આ ઝળકદાર સિદ્ધિઓ પાછળ ભીમભાઈનો હાથ તો હતો જ. પરંતુ રમતગમતની અમારી કેળવણી તથા હામ–હોસલાની ખીલવણી, અમારા સ્પોર્ટટીચર પરમાર સાહેબના પરિશ્રમને આભારી હતી. સ્પોર્ટસ વિશેની તેમની જાણકારી વિશાળ હતી. તેઓ ક્રિકેટ તથા વોલી બોલના અચ્છા ખેલાડી હતા, તો કુસ્તીના દાવપેચ પણ જાણતા હતા. તેઓ ઘણું કરીને તાપીતટે આવેલા માંડવીના રહીશ હતા. અને ભીમભાઈ તેમને લઈ આવ્યા હતા. 

પરમાર સાહેબ એક પાણીદાર શખ્સ હતા અને દરેક વિદ્યાર્થીને પાણીદાર ખેલાડી બનેલો જોવા ઈચ્છતા હતા. તેમણે એ માટે મન મેલીને પ્રયાસો પણ કર્યા હતા. પરિણામે સ્પોર્ટસમાં અમારી નિશાળની પતાકા ફરકતી હતી.

ઈતર પ્રવૃત્તિમાં અત્રે અગર ડૃોઈંગકળાનો ઉલ્લેખ ન કરું તો એ નહીં નાઈન્સાફી કરી ગણાશે. અમારા ડૃોઈંગટીચર ગોકર્ણ એક અત્યંત કુશળ અને કાબેલ શિક્ષક હતા. તેમનાં પેન્સિલવર્ક તથા કલર–વર્ક કોઈ પણ જોનારને અચંબામાં નાખી દે એવાં હતાં. ખાસ કરીને તેમણે કરેલા, ફૂલ સાઈઝનાં બે ચિત્રો, ચોપાટીનો સૂર્યાસ્ત તથા ગૌતમ બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ તો અદ્દભુત હતાં !!

ગોકર્ણ સાહેબ સ્કેિચંગના પણ માહિર હતા. એક વાર વિખ્યાત નૃત્યકાર હિમ્મતસિંહ ચૌહાણનો, નૃત્યવિષયક જાણકારીનો એક કાર્યક્રમ રખાયો હતો. એ સમયે હિમ્મતસિંહના નૃત્યની મુદ્રાઓના, અંગભંગિના આબેહૂબ સ્કેચો તેમણે બ્લેકબૉર્ડ ઉપર કરી નાખ્યા હતા ! એ જ વખતે !

અમારી હાઈ સ્કૂલના પડખે એક વાડી હતી. અહીંથી ઘણી વાર વાનર ટોળકીઓ સ્કૂલ કમ્પાઉન્ડમાં ઘુસી આવતી, કૂદાકૂદ કરતી. ગોકર્ણ સાહેબ એ વાનરકૂદાકૂદના સ્કેચો પણ કરતા. એમણે જ આ શાળામાં ચિત્રકળાના કોર્સ શરૂ કરાવ્યા હતા. મેં એમની જ દોરવણી હેઠળ ચિત્રકળા શીખી હતી. અને બૉમ્બે ગવર્નમેન્ટ તરફથી 1945 તથા ‘46માં ઇલિમેન્ટરી તથા ઈન્ટર મીડિયેટની લેવાયેલી પરીક્ષાઓમાં હું ઉત્તીર્ણ થયો હતો.

આ કાબેલ શિક્ષક દક્ષિણ ભારતમાં ક્યાંકના રહેવાસી હતા. એકલા હતા. અને ગર્દન ગંઠાઈ ગયેલી હતી. એમને પણ ભીમભાઈ દેસાઈ લઈ આવ્યા હતા.

અમારી શાળા, બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈ સ્કૂલ(બી.એ.બી.એસ. હાઈ સ્કૂલ)ની આ રોનક, આ સિદ્ધિ એના પ્રિન્સિપલ ભીમભાઈ દેસાઈના કુશળ સંચાલન, આયોજન તથા વ્યવસ્થાશક્તિને આભારી હતાં.

અલજિબ્રા અને જોમેટૃિ એ ભીમભાઈના પ્રિય વિષયો હતા. એ વિષયોની સમજૂતિ તેઓ એ રીતે આપતા કે ઠોઠ વિદ્યાર્થી પણ ટૃાઈએંગલની વ્યાખ્યા કરતો થઈ જતો. ભીમભાઈ ઘણી વાર કહેતા કે જોમેટૃિ ન જાણે તે માણસ રાજકારણમાં કંઈ ખાસ ઉકાળી ન શકે. એક વાર આપણા રાજકીય નેતાઓ તથા પક્ષોની કાર્યપદ્ધતિ અને નીતિની કડક આલોચના કરતાં કહેલું, હવે દેશનું વિભાજન નિશ્ચિત છે. એને કોઈ રીતે ખાળી શકાય એમ નથી. સિદ્ધાન્તને બહાને જમીની વાસ્તવિક્તાની એમ અવગણના કરી શકાતી નથી. આમ કહેતી વખતે મને સાંભરે છે ત્યાં સુધી, તેમનો ચહેરો ખિન્ન–મ્લાન હતો.

ભીમભાઈ શિસ્ત-શિક્ષણની બાબતમાં કડક હતા એમ સહૃદયી અને ઉદાર પણ હતા. નિશાળમાં રાઉન્ડ પર નીકળે ત્યારે નેતરની એક સોટી તેમના હાથમાં હોય. પરંતુ તેમણે ક્યારે ય કોઈ વિદ્યાર્થીને મેથીપાક ચખાડ્યો હોય એવું મારી જાણમાં નથી. સોટીના ચમચમાટથી વિશેષ તેમનો પ્રભાવ ચમત્કારી હતો. તોફાની – લડાકુ વિદ્યાર્થીઓ ય તેમની સામે મેવાડી બિલ્લી બની જતા!

તેમની એ નેતરની સોટી સામાન્ય રીતે તેમની ઓફિસમાં, તેમની મોટી મેજના એક પડખે પડી રહેતી. શા માટે ? જ્યારે કશા ઉપયોગમાં લેવાતી ન હતી તો પછી તે મેજ ઉપર શા માટે રહેતી હતી ? − મને સમજાયું નથી.

ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે તેમને ઘણી હમદર્દી હતી. વખતે વખતે શ્રીમંતો પાસેથી જરૂરી મદદ મેળવી આપતા. એજ્યુકેશન સોસાયટી સામે વકાલત કરીને ફીમાફી પણ મેળવી આપતા. એ વિદ્યાર્થીઓને સલાહ પણ આપતા કે મહેનત કરો. મહેનત એ જિંદગીનું બીજું નામ છે. જ્યાં મહેનત ત્યાં જિંદગી. જ્યાં મહેનત ત્યાં ઉન્નતિ !

ભીમભાઈના સમયમાં, અમારી નિશાળ, બી.એ.બી.એસ. હાઈ સ્કૂલ, માત્ર સ્કૂલ નહીં, બલકે એક મોટો કબીલો હોય એમ લાગતું હતું ! સંપ હતો, ભાઈચારો હતો, વિદ્યાપ્રાપ્તિની ખેવના હતી ને સાહસોનું શૂર હતું. આ કબીલાને વિદ્યાઅભ્યાસ અને અન્ય જરૂરી લાયકાતોથી સંપન્ન કરવામાં ભીમભાઈને એટલો રસ હતો, કે તેમના પ્રયાસોથી, દેશની આઝાદીના અનેક લડવૈયા અમારી નિશાળમાં પધાર્યા હતા, સંબોધનો કર્યાં હતાં અને ગાંઠે બાંધી રાખવા જેવી ઘણી કીમતી વાતો અમને કહી – સમજાવી હતી. હું માનું છું કે નિશાળની આ મૂલ્યવાન વાતો એ અમારા જીવનઘડતરની પ્રક્રિયાને એક નક્કર ભાગ હતો.

ભીમભાઈ દેસાઈ, મૂળ રહીશ ઘણું કરીને વલસાડના હતા. તેમના કુટુંબ કબીલા વિશે મારી પાસે માહિતી નથી. − પણ શા માટે નથી ? − કહીશ કે છે અને ઈન્કારી ન શકાય એવી માહિતી છે ! એમનું કુટુંબ હતું − બી.એ.બી.એસ. હાઈ સ્કૂલ અને એનાં વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ ! અહીં તેઓ એક રસ થઈ ગયા હતા. તેમનું કુટુંબ કહો તો કુટુંબ ને કબીલો કહો તો કબીલો, બારડોલીની ઝળકદાર નિશાળ હતી. ભીમભાઈએ તેમના આ કબીલાને એટલી કાળજી અને યોજનાબદ્ધ રીતે ઉછેર્યો, કેળવ્યો હતો કે એણે સપૂતરત્નોથી બારડોલીનું દામન ભરી દીધું હતું, ધન્ય કરી ધીધું હતું ! − ભીંભાઈ દેસાઈનું આ દાન ક્યારે ય વિસરાશે નહીં.

"આ છે એક વિદ્વાન,
અનન્ય છે −
એ સાહિબનું દાન !"

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.] 

Loading

સાચાહાડના શિક્ષક : ફાજલભાઈ

મનસુખ સલ્લા|Opinion - Opinion|29 August 2018

ફાજલભાઈનો નિકટ પરિચય હું આંબલા લોકશાળામાં શિક્ષક તરીકે દોઢ વરસ રહ્યો ત્યારે થયો. ત્યારે તેઓ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમનો પહેરવેશ એકધારો – ખાદીનાં સફેદ લેંઘો–કફની. એમની ચાલ એકધારી – શાંત અને દૃઢ. એમની કામગીરી એકધારી – શાળામાં એટલા ખૂંપી જવું કે ઘર–પરિવાર ભુલાઈ જાય. એમની દૃષ્ટિ એકધારી – વડીલો પાસેથી શીખતા રહેવું અને પોતાની દૃષ્ટિએ એને શાળામાં યોજતાં રહેવું. એમની ભાવના એકધારી – શાળામાં આવતાં બાળકો(સધ્ધર કે સાધારણ, ઉજળિયાત કે અસ્પૃશ્ય)ને સમાન પ્રેમ આપવો, સમાન કાળજી લેવી. એમનો સંતોષ એકધારો – પોતે કાંઈ બહુ જ્ઞાની નહીં; પણ સમજણ પાકી. એ મુજબ કાર્ય કરવું. કામની મોટાઈ રાખવી નહીં. સૌ સાથે મીઠપથી વર્તવું. ટૂંકા પગારમાં પણ તૃપ્તિનો ઓડકાર ખાતાં રહેવું.

હું લોકભારતીમાં અધ્યાપક બન્યો. ફાજલભાઈનો પરિચય વધતો ગયો, તેમતેમ ઉપરનાં ગુણલક્ષણોનો વધુ ને વધુ પરિચય થતો ગયો. મને જિજ્ઞાસા પણ ખરી કે પ્રાથમિક શાળાના એક શિક્ષકમાં આ બધું આવ્યું કેવી રીતે? એટલે એમનાં મૂળિયાંને પોષણ આપતાં તત્ત્વોમાં રસ પડ્યો. જન્મ તા. 29-04-1937. પાંચ વરસની વયે માતૃત્વ છીનવાયું. પણ કુટમ્બ પ્રેમસભર. દાદા સાલેહભાઈ ચોકીદાર – પ્રામાણિક અને પરગજુ. એમનો સ્નેહ ફાજલભાઈને મળ્યો. પિતા વલીભાઈ ચૌહાણ સમઢિયાળા(મૂલાણીના)માં શિક્ષક હતા. જૂના જમાનાના; પણ વિષયમાં તૈયાર, વિદ્યાર્થી વત્સલ. આર્થિક સ્થિતિ સાધારણ. પગાર તો તે કાળે કહેવા પૂરતો. પિતાના મનમાં ભણતરની કીમત ઊંચી. બન્ને દીકરાને ભણાવ્યા. સાચી રીતે ઘડાય માટે લોકભારતીની પી.ટી.સી.માં ભણવા મોકલ્યા.

લોકભારતીના ગુરુજનો અને વાતાવરણે ફાજલભાઈના ડી.એન.એ.માં જ કેટલુંક દાખલ કરી દીધું. વિદ્યાર્થીઓ સાથે સહજ સમ્બન્ધ, નવા નવા પ્રયોગો કરવા, વિષયશિક્ષણ જેટલું જ મહત્ત્વ ઈતર તમામ પ્રવૃત્તિઓને આપવું અને ગામ સાથે ગાઢ સમ્બન્ધ રાખવો. આ બધું જાળવવું હોય તો જ્યાં રહેતા હોઈએ તેને જ વતન ગણીને રહેવું. આ બધું મનમાં એવું બેઠું કે આંબલા ગામ તેમનું વતન બની ગયું. 1955થી 1995 સુધી આંબલા પ્રાથમિક શાળામાં કામ કર્યું.

આંબલા પ્રાથમિક શાળા એ કાળે જિલ્લા પંચાયત દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાને સોંપાયેલી પ્રયોગશીલ શાળા હતી. માર્ગદર્શક હતા અનિલભાઈ ભટ્ટ – આંતરસૂઝવાળા પ્રયોગશીલ કેળવણીકાર. અનિલભાઈને વિચાર આવે તેને ફાજલભાઈ ભોંય પર ઊતારે. છગનભાઈ, પ્રેમજીભાઈ સૌ સાથે હોય. દેશમાં નઈતાલિમ શાળાના પ્રવેશદ્વારનાં બૉર્ડમાં સંકોડાઈ ગઈ હતી ત્યારે એ આંબલામાં સોળે કળાએ ખીલેલી હતી. શિક્ષક–વિદ્યાર્થીના આત્મીય સમ્બન્ધમાંથી જન્મેલું મોકળાશભર્યું સ્વતંત્ર વાતાવરણ આંબલામાં મહોર્યું હતું. દેશમાં નઈતાલિમની ગતિ–સ્થિતિથી વ્યથિત ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેને આંબલાનું કામ જોયું, મનુભાઈ પંચોલી અને અનિલભાઈની સાથે વાતો કરતાં પૂછ્યું કે, ‘અહીં આચાર્ય કોણ છે?’ ફાજલભાઈના ફળિયામાં વૃક્ષ નીચે કાથીના ખાટલામાં પાથરેલ ગોદડાં પર બેસીને ઝાકિરહુસેનજી ફાજલભાઈનાં પત્ની જેનુબહેનના હાથના રોટલા, દહીં, પાપડ અને કચુમ્બર ખાતા હતા. ફાજલભાઈ મહેમાનની સરભરામાં હતા. મનુભાઈએ ઓળખાણ કરાવી – ‘આ અમારા ફાજલભાઈ. અહીંનું બધું જુએ છે.’ ઝાકિરહુસેનજી પ્રસન્ન થયા, ‘નઈતાલિમ અહીં જીવે છે’ એવું પ્રમાણપત્ર આપ્યું. ફાજલભાઈ આમે ય, પડદા પાછળના જીવ. એટલું માંડ બોલ્યા કે, ‘બનતા હૈ ઊતના કરતા હું.’

ફાજલભાઈ, ભાઈઓ અને પરિવારને ભણાવવામાં સતત ખેંચમાં રહ્યા; પરન્તુ તમામને તેમના જોગ અનુકૂળતા કરી આપતા. તો ગામના, આર્થિક રીતે પોસાણવાળા નહીં એવા વિદ્યાર્થીનું ભણતર અટકે નહીં તે માટે આગળી ચીંધવાનું પૂણ્ય લેતા રહ્યા. ગામ લોકોને વિશ્વાસ તો એવો હતો કે કોઈના કુટુમ્બમાં વાંકું પડે તો ફાજલભાઈને બોલાવે. ફાજલભાઈ કોઠાસૂઝવાળા. ખાનગી ખૂણે બે વેણ કહી પણ શકે. સૌનું સન્માન જળવાય એવો રસ્તો ચીંધે. સરખું થાય એટલે પોતે ખસી જાય. પોતે ભલા અને પોતાની શાળા ભલી.

આંબલાના કામે તેમને ભરપૂર તૃપ્તિ આપી. ગામ પણ તેમનાં દીકરા–દીકરીનાં લગ્નમાં પોતાનાં ગણી પડખે રહ્યું. પરન્તુ નિવૃત્તિ વખતે કાંઈ ઝાઝી બચત નહીં. સંસ્થાનું મકાન છોડવાનું હતું. જેનુબહેને એમનો સંસાર સહજ–સરળ વહેવા દીધો હતો. નિવૃત્તિ પછી પોતાને માટે પડતર જગ્યામાં ઝૂંપડી જેવું મકાન બનાવી રહ્યા, એ પણ એટલું જ સાહજિક. એમાં માંદગી ખબર લઈ ગઈ. આ બધા વચ્ચે ઉપયોગી થવાય ત્યાં થતા રહ્યા. ફાજલભાઈ કદી ‘ફાજલ’ બેસે નહીં.

2000ની સાલમાં મેહુરભાઈ લવતુકાને વળાવડ(શિહોર નજીક)માં કન્યાવિદ્યાલય ખોલવાનું મન થયું. બહેનોની નિવાસીશાળા ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું. લોકોની નજર સાંકડી. કાંઈક બને તો હજાર ગણું મોટું થઈને વગોવણી થાય. મેહુરભાઈનું ધ્યાન ફાજલભાઈ ઉપર. તેણે શરત કરી કે, ‘તમે પલાંઠી વાળીને બેસો, બાકીની બધી જવાબદારી મારી.’ આજે પંદર વરસમાં વળાવડનું કન્યાવિદ્યાલય અનેક દૃષ્ટિએ કેવળ તાલુકાનું જ નહીં; જિલ્લાના મહત્ત્વનાં કન્યાવિદ્યાલયની પ્રતિષ્ઠા પામ્યું છે. આચાર્ય અમીનભાઈ ચૌહાણ આંબલા–લોકભારતીના અને ફાજલભાઈના કેળવણી સંસ્કાર પામેલા છે.

ફાજલભાઈ પાસે જિન્દગીની અનુભવની મૂડી છે, મેહુરભાઈનો સાથ છે. તેમણે વૃક્ષો ઉછેર્યાં, ગૌશાળામાં વાછરડાં ઉછેર્યાં તેમ એ કન્યાઓની ભાવનાને પોષણ આપીને ઉછેરી છે. હવે તો એ ‘ફાજલદાદા’ તરીકે ઓળખાય છે. વિદ્યાલયની 300 જેટલી દીકરીઓને તેમનામાં ‘દાદા’નો અનુભવ થાય છે. એ દીકરીઓ આત્મવિશ્વાસ, નરવી સમજ અને સ્વાવલમ્બનના સંસ્કાર લઈને જાય છે.

વારસો શિક્ષણનો હોય એવું અનેકમાં હોય છે; પરન્તુ એનો વિકાસ કરવો એ પોતીકો પુરુષાર્થ છે, તપ છે. ફાજલભાઈએ મોટાઈના ભાર વિના મોટાં કામો કર્યાં છે, કરતા રહે છે. આઠ દાયકાની લાંબી જીવનયાત્રામાં માતૃસંસ્થા લોકભારતીએ ‘ઉત્તમ ભૂતપૂર્વ વિદ્યાર્થી’ તરીકે તેમનું ગૌરવ કર્યું છે; તો ‘અખિલ ગુજરાત સિપાહી સંસ્થા’ના પ્રમુખ તરીકે અને ભાવનગર જિલ્લા ‘પેન્શનમંડળ’ના અગ્રણી તરીકે તેમનું સન્માન થયેલું છે. પરન્તુ ફાજલભાઈને તો પોતાનું ‘કામઢાપણું’ જ સન્માન છે. હવે શરીરને થોડી અસરો આવી છે; પણ મન હજી સ્ફૂિર્તભર્યું છે. અનુજોનાં નવાં આયોજનોમાં એમની ‘હા’ આશીર્વાદ જેવી બની જાય છે.

ફાજલભાઈને પૂછવામાં આવેલું કે, ‘કુટુમ્બની જવાબદારી, નહીંવત્ બચત, માંદગી, આ બધામાંથી તમે કેવી રીતે પાર ઊતર્યા? એમનો જવાબ ટુંકો; પણ એમને ઓળખાવે તેવો હતો : ‘ખુદાને ભરોસે નાવ તરતી મૂકી હતી. એમણે તરતી રાખી છે.’ એમની આ શ્રદ્ધા ફલવતી બની છે. એટલે એમને ખાધેલું પચે છે, રાતે નિરાન્તની ઊંઘ આવે છે અને સવારે ઊઠે ત્યારે સ્ફૂિર્તથી ભરેલા હોય છે.

દરેક શાળાને આવા ફાજલભાઈ મળવા જોઈએ. તો ભારતીય કેળવણીનો ચહેરો બદલાઈ જાય.

(જાન્યુઆરી 2017ના ‘અખંડ આનન્દ’ માસિકમાંથી લેખકની પરવાનગીથી સાભાર …)

સર્જક–સમ્પર્ક: સી–403, સુરેલ એપાર્ટમેન્ટ, દેવાશિષ સ્કૂલ સામે, જજીસ બંગલા વિસ્તાર, અમદાવાદ – 380 015

ઈ–મેલ : mansukhsalla@gmail.com

ફાજલભાઈનો સમ્પર્ક : હાજી ફાજલભાઈ ચૌહાણ, કન્યાવિદ્યાલય વળાવડ, તાલુકો : શિહોર, જિલ્લો : ભાવનગર-364 240

eMail : afchauhan13@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 408 –September 09, 2018

છવિ સૌજન્ય : સાગરભાઈ શેખ

Loading

...102030...3,0143,0153,0163,017...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved