Opinion Magazine
Number of visits: 9456467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંકટમોચન ડૉ. મનમોહન સિંહની કદર ઇતિહાસ જરૂરથી કરશે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2025

રાજ ગોસ્વામી

ગયા શનિવારે, અંગ્રેજી ભાષાના લેખક, ઉદારવાદી વિચારક અને વ્યવસાયિક ગુરુચરણ દાસનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળ્યો હતો. તેમાં તેમણે, તેઓ જ્યારે રિચર્ડસન હિન્દુસ્તાન લિમિટેડના વડા હતા, ત્યારનો એક કિસ્સો કહ્યો હતો. આ કંપની છે જેણે ભારતમાં ઘરે ઘરે વિકસ વેપોરબનું નામ મશહૂર કર્યું છે.

તેઓ એવા સમયે કંપનીના વડા બન્યા હતા, જ્યારે કંપની નફો કરી શકતી નહોતી, કારણ કે સરકારની સમાજવાદી નીતિઓના કારણે કિંમતો નિર્ધારિત કરવા પર નિયંત્રણ હતું. દાસે એક રસ્તો શોધી કાઢ્યો. વેપોરબ બનાવાની સામગ્રી પ્રાકૃતિક હતી અને તે આયુર્વેદિક ગણાતી હતી, જેના પર કિંમતનું નિર્ધારણ નહોતું.

ગુરુચરણ દાસે વિક્સને આયુર્વેદિક પ્રોડક્ટ તરીકે વેચવાનું નક્કી કર્યું, અને છ મહિનામાં જ તેનું વેચાણ વધી ગયું. અગાઉ, માત્ર 60,000 ફાર્મસીઓ વિક્સ વેચતી હતી, પણ હવે વિક્સ વેપોરબ  7,50, 000 જનરલ સ્ટોર્સમાં ઉપલબ્ધ હતું.

એક વર્ષે, દેશમાં ઝેરી તાવનો વાવળ આવ્યો. તે વખતે વિક્સ વેપોરબની માંગ વધી ગઈ. સ્વાભાવિક રીતે જ, કંપનીની ફેક્ટરીમાં તેનું ઉત્પાદન પણ ધમધમવા લાગ્યું. વર્ષના અંતે, દાસ પર સરકાર તરફથી સમન્સ આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની કંપનીએ કાયદાનો ભંગ કર્યો છેઃ તેમને જે લાયસન્સ મળ્યું હતું, તેના કરતાં વિક્સનું ઉત્પાદન વધી ગયું હતું. તે એક ફોજદારી ગુનો હતો, એવું તેમને કહેવામાં આવ્યું.

દાસ બે વકીલો સાથે મંત્રાલયમાં સચિવને મળવા ગયા, અને તેને સમજાવ્યું કે દેશમાં રોગચાળો હતો એટલે માંગ વધી ગઈ હતી અને અમે તો જનતાના હિતમાં કામ કર્યું છે. બાબુને ખુલાસામાં રસ નહોતો. તેણે કહ્યું, તમે કાયદાનો ભંગ કર્યો છે.

નિરાશ થઈએ દાસ જવા માટે ઊભા થયા અને બોલ્યા, “જરા વિચાર કરજો કે અખબારોમાં કેવા સમાચાર આવશે કે સરકારે લાખો લોકોની દુર્દશા દૂર કરવા માટે કોઈને સજા કરી છે! અને આ તો આંતરરાષ્ટ્રીય કંપની છે એટલે વિદેશમાં પણ આવું જ છપાશે. દેશની કેવી બદનામી થશે!”

નસીબજોગે, સરકારમાં કોઈકની વિવેક બુદ્ધિના કારણે આ કેસ પડતો મુકવામાં આવ્યો અને દાસ સામે પગલાં ન લેવાયાં. આ એ સમયની વાત હતી, જ્યારે દેશમાં કઈ કંપની ચીજવસ્તુઓનું કેટલું ઉત્પાદન કરશે અને તેની કિંમત શું હશે તે સરકાર નક્કી કરતી હતી. તેને લાયસન્સ રાજ કહે છે. 

જે દિવસે ગુરુચરણ દાસનો આ ઇન્ટરવ્યૂ સાંભળ્યો, એ જ રાત્રે સમાચાર આવ્યા કે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. નહેરુ પછી લગાતાર બેવાર વડા પ્રધાન રહેલા ડો. સિંહને લોકો અલગ અલગ રીતે યાદ રાખશે, પણ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમણે લાયસન્સ રાજ નાબૂદ કર્યું હતું અને દેશમાં આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો હતો.

1947ની આઝાદી પછી, દેશમાં આર્થિક ઉદારીકરણ જેવી ક્રાંતિ કોઈ સરકાર કરી શકી નથી. 1991નું વર્ષ, આધુનિક ભારતનું પહેલું સોનેરી પ્રકરણ છે. રાધર, એવું કહેવાય કે ભારતને 1947માં રાજકીય આઝાદી મળી હતી, અને 1991માં આર્થિક આઝાદી મળી હતી. આજે આપણે જે વિદેશી મોબાઇલ વાપરીએ છીએ, ડિઝાઈનર કપડાં પહેરીએ છીએ, 36 ઇંચનાં સ્માર્ટ ટી.વી. જોઈએ છીએ, નેટફ્લિક્સ પર ફિલ્મો જોઈએ છીએ, હોટેલોમાં કોન્ટીનેન્ટલ ફૂડ ખાઈએ છીએ અને વિમાનોમાં ઉડાઉડ કરીએ છીએ તે ડો. મનમોહન સિંહનાં કારણે છે.

સોવિયત પ્રેરિત સમાજવાદી નીતિઓના કારણે 40 વર્ષ સુધી ભારતનાં બજારો દુનિયા માટે સુધી બંધ હતાં. દેશમાં ત્યારે એક સ્થાનિક એરલાઇન ઇન્ડિયન એરલાઇન્સ, બે ફોન સર્વિસ કંપનીઓ બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ., એમ્બેસેડર, ફિયાટ અને મારુતિ જેવી ત્રણ કાર હતી. તે સમયે લેન્ડલાઇન ફોન, ગેસ કનેક્શન, સ્કૂટર વગેરે માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ રહેતું હતું, કારણ કે તેના ઉત્પાદન પર સરકારનો અંકૂશ હતો. તે સમયે વિદેશી ચલણ મેળવવું સૌથી મુશ્કેલ હતું. વિદેશમાં અભ્યાસ કરવા જવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું.

આજે દુનિયાના દેશોની નજર ભારતીય બજાર પર છે. દરેક વિકસિત દેશ ભારતના ખુલ્લા બજારમાં રોકાણ કરવા આતુર છે. ભારતનું બજાર ખોલવાનું આ પહેલું પગલું નાણાં મંત્રીની રુએ મનમોહન સિંહે તેમના પ્રથમ  બજેટમાં લીધું હતું.

૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે બજેટ પેશ કરતી વખતે, ડો. સિંહે, ફ્રેંચ કવિ વિકટર હ્યુગોનું ઇતિહાસ પ્રસિદ્ધ વિધાન દોહરાવ્યું હતું; નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ- દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી નથી શકતી, જેનો સમય આવી ગયો છે. એ શબ્દો સાથે ‘નવા ભારત’નો જન્મ થયો હતો. 

આપણે ઘણીવાર વર્તમાન રાજનીતિમાં ચાલતા પ્રોપેગેન્ડા, નેરેટિવ્સ અને ફેક ન્યૂઝમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણા નજીકના ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓની, કદર તો ઠીક, સમજ પણ રાખતા નથી. 

આજે ભલે આપણે ડો. મનમોહન સિંહની હાંસી ઉડાવીએ, પણ તેમણે એક એવા કપરા સમયે અર્થતંત્રની કમાન સાંભળી હતી, જેમાં ભારત ડૂબી જવાની તૈયારીમાં હતું. ભારતનું વિદેશી હૂંડિયામણ ૨,૫૦૦ કરોડ સુધી આવી ગયું હતું જેનાથી બહુ બહુ તો ત્રણ મહિના સુધીની આયાત થઇ શકશે. નાણાં મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વૉલ્ટમાં પડેલું સોનું ગીરવે મુકવાનું નક્કી કર્યું હતું.

તેના વૈકલ્પિક ઉપાય તરીકે, વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 20 મહિના માટે 2.3 મિલિયન ડોલરની લોન આપવા તૈયારી બતાવી હતી. બદલામાં ફંડે અમુક લેખિત અને અમુક મૌખિક શરતો મૂકી છે. આ એ જ ‘શરતો’ હતી, જેમાં ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજારો અને બિઝનેસ માટે ખોલવાની વાત હતી. એ સાહસ, તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમણે પસંદ કરેલા નાણાં મંત્રી ડો. સિંહે કર્યું હતું.

વર્ષો પછી,  ડો. મનમોહન સિંહ તે દિવસોને યાદ કરીને કહેવાના હતા, “આગળનો રસ્તો કઠિન હતો, પરંતુ એ સમય દુનિયાને ખોંખારીને એ કહેવાનો હતો કે ભારત જાગી ગયું છે. બીજી બધી વાતોનો ઇતિહાસ તો તમારી સામે જ છે. પાછળ નજર કરીને જોઈએ તો નરસિંહ રાવને વાસ્તવમાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક કહી શકાય કારણ કે તેમની પાસે સુધારની દૃષ્ટિ અને સાહસ બંને હતાં.” 

ડો. મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં વિરોધ પક્ષોએ, અને વિશેષ તો મીડિયાએ, અનુચિત રીતે તેમના અનાપસનાપ આરોપો કર્યાં હતા, ત્યારે પત્રકારોને જેલમાં પૂરી દેવા કે તેમનું મોઢું બંધ કરી દેવાના બદલે, નિરાશ મને તેમણે તેમની પીડા વ્યકત કરતાં કહ્યું હતું, “સાચું કહું તો, હું એવી આશા રાખું છું કે આજના મીડિયા કે સંસદમાં વિપક્ષી દળોની તુલનામાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર હશે.”

2012માં, તેમની પરના આરોપો અંગે, સંસદ બહાર ડો. સિંહે પત્રકારો સમક્ષ શાલીનતાથી કહ્યું હતું; “હજારો જવાબો સે અચ્છી મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખ લેતી હૈ.”

ડો. મનમોહન સિંહને ઇતિહાસ ભારતના સંકટમોચન તરીકે જરૂર યાદ રાખશે. પણ આપણે જીવતેજીવ તેમને અન્યાય કર્યો હતો તે વાત પણ એટલી જ સાચી છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બનારસઃ  ગંગાની આમદ, શિવનો સમ, ઐક્યનો આલાપ ગૂંથી ભક્તિ અને પ્રેમમાં તરબોળ કરતું શહેર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 January 2025

બનારસ એટલે જેના દરેક પાને એક નવી વાર્તા છે એવું શહેર, અહીં વસનારો – આવનારો દરેક માણસ તેના સંવાદોમાં કાં તો કંઇ આપે છે અથવા તો તમારામાં કંઇ બદલી નાખે છે

ચિરંતના ભટ્ટ

ધૂળિયા રસ્તા, નાની મોટી દુકાનો, ગીચ શહેર અને ક્યાંક આસપાસ દેખાઈ જતા રાઇના ખેતરો આ બધું પાર કરીને સાવ સાંકડી ગલીઓમાંથી પસાર થવું. આ ગલીઓ ભુલભુલામણી જેવી લાગે અને સાંકડી એટલી કે સામેથી એક રઝળતું કૂતરું ય આવી જાય તો નક્કી કરવું પડે કે પહેલાં કોણ જશે. રંગબેરંગી ચીજોથી શોભતી દુકાનો, ક્યાંક ગરમાગરમ લોયા પર પછડાતા ઝારાના અવાજ તો ક્યાંક વિદેશીઓથી ભરચક કૉફી શૉપ. જેનો કોઈ અંત નહીં હોય એવી લાગણી થઈ આવે ત્યાં તો મોકળાશનું કમાડ ખૂલે. તમારી પગ નીચે સીધા, સાચવીને ઉતરવા પડે એવા પગથિયાં અને નજર સામે ખળખળ વહેતી ગંગા નદી હોય. હોડકાંઓની હારમાળા, ક્યાંક મંદિરના ઘંટ, ક્યાંક ભગવાનને સાદ, એક પછી એક પરસ્પર જોડાયેલા ઘાટ જે જાણે વિવિધતામાં એકતાના હાજરાહજુર ઉદાહરણ સમાન, અને જ્યાં જુઓ ત્યાં માણસો ઊભરાતા હોય. આ બનારસ છે. કાશી, વારાણસી, અવિમુક્ત, આનંદવન, રુદ્રવાસ – અનેક નામે ઓળખાતા આ શહેરની પ્રકૃતિ પણ અનેક સ્તરોમાં લપેટાયેલી છે.

શહેરના નામના ઇતિહાસ પર એક નજર કરીએ – સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવે તેને કાશીનું ઉપનામ આપ્યું. કાશી શબ્દ સંસ્કૃત શબ્દ કાશ પરથી આવ્યો છે જેનો અર્થ છે ચમકવું. દસમી સદીમાં લખાયેલ રાજશેખરની કાવ્યમિમાંસામાં અને એ જ કાળ દરમિયાન લખાયેલા વામન પુરાણમાં વારાણસી નામનો ઉલ્લેખ છે. દિલ્હી સલ્તનત દરમિયાન આ નામ વધુ પ્રચિલત થયું. વરુણા અને અસ્સી નદીઓની વચ્ચે વસેલું આ શહેર વારાણસીનો ઉલ્લેખ બનારસ તરીકે ફ્રેંચ મુસાફર પિએત્રો ડેલા વલેની નોંધમાં 1623માં જોવા મળે છે. કહેવાય છે કે મૌર્ય કાળ દરમિયાન બનાર નામનો રાજા જે મોહંમદ ઘોરીના હુમલામાં માર્યો ગયો હતો તેના નામ પરથી અકબર રાજાએ આ શહેરના બનારસ નામ આપ્યું, જેનો બનારસને અંગ્રેજીમાં ‘સિટી ઑફ લાઇટ્સ’ પણ કહે છે કારણ કે અહીંથી જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે. વળી બના અને રસની સંધિ છૂટી પાડનારાઓને મતે જ્યાં જિંદગીનો રસ હંમેશાં તૈયાર હોય છે તેવું શહેર એટલે બનારસ. જેના નામના ઇતિહાસમાં આટલી બધી પરતો છે તો એ શહેરની પરતો ઉખેળી તેને વાંચવા, જોવા, સમજવાનો અનુભવ કેવો હોઈ શકે? નવા વર્ષના પહેલા રવિવારે બનારસની વાત કરવાનો હેતુ એ કે આ આપણા દેશના ઇતિહાસના કેન્દ્રમાં વસેલા આ શહેરમાં સમય સાથે બદલાવ આવ્યા છે, આવી રહ્યા છે ત્યારે ભવિષ્ય તરફ નજર કરતાં આપણે ઇતિહાસને જાળવવાની અનિવાર્યતા પણ યાદ રાખીએ તો રુડું રહેશે. આપણા દેશ માટે આધ્યાત્મનું હ્રદય ગણાતા બનારસની મહત્તા, તેની પવિત્રતા, તેની પ્રકૃતિ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી પડે એ ચોક્કસ. કવિઓ, લેખકો, ફિલ્મ મેકર્સ, ચિત્રકારોથી માંડીને વિવિધ મૂળના સ્કોલર્સને બનારસમાં પોતાના વિચારોના રસ્તા જડ્યા છે.

18મી સદીમાં બનારસ ભારતનું સૌથી મોટું શહેર ગણાતું.  ભગવાન શિવના આ સરનામે ધર્મના ઘણા સ્વરૂપોને પોતાના પોતમાં વણી લીધા છે. અહીં બંધાયેલા ઘાટ જોતા જાવ અને તેની સ્થાપત્ય શૈલી, તેની સાથે જોડાયેલી વાર્તાઓ તમારે માટે એ વાતનો પુરાવો બને કે આ શહેરે દરેકને આવકાર્યા છે, તે દરેકને પોતીકું જ લાગ્યું છે. આજે જ્યાં રોજના – હા રોજના અંદાજે ત્રણ લાખ મુસાફરો અને ભક્તો આવે છે એવું આ બનારસ એ લોકોનું સરનામું પણ બન્યું છે જેઓ પોતાના મૂળ સરનામાં કાં તો ખોઈ બેઠા છે અથવા ત્યાં ફરી જવા નથી માગતા. ભક્તો, પ્રેમીઓ, અભ્યાસુઓ, ઉત્સુકો – દરેકના જીવને બનારસમાં જવાબ મળે છે. જેનું કોઈ નથી, જેને ક્યાં ય પોતાનું કહી શકાય એવું ઘર નથી અથવા તો જેને બસ બધા તાંતણા તોડી દઇને એક નવા નશામાં ઘોળાઈ જવું છે તેને માટે બનારસ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 3,000 વર્ષનો ઇતિહાસ લઈને શ્વસનારું આ શહેર મોક્ષ પ્રાપ્તિ માટેની પહેલી પસંદ છે. સપ્ત પુરીમાં સૌથી પવિત્ર ગણાતા બનારસને 18મી સદીમાં બર્લિન અને મુંબઈ કરતાં વધુ વસ્તી ધરાવતું, અગત્યનું કેન્દ્ર ગણવામાં આવતું. તુલસીદાસ, કબીર, મધુસૂદન સરસ્વતી, મુન્શી પ્રેમચંદ જેવા બૌદ્ધિકોએ બનારસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદના માતા-પિતાએ સંતાન મેળવવા અહીંના મંદિરમાં દર્શન કર્યા અને બાદમાં દીકરાનું મુંડન પણ અહીં જ કરાવ્યુ હતું.

શિવની નગરી બનારસ એક સમયે વિષ્ણુનું ધામ હતું. અહીં નજીકમાં સારનાથમાં બુદ્ધ પણ આવ્યા હતા તો ગુપ્ત કાળ દરમિયાનની કૃષ્ણની મૂર્તિ પણ અહીં ઉત્ખનનમાં મળી આવી છે.  બનારસ ક્યારેક એક ઇશ્વર કેન્દ્રી શહેર નથી રહ્યું પરંતુ સમયાંતરે તેને શિવની નગરીની ઓળખ મળી. આજે પણ શહેરની પ્રકૃતિમાં હિંદુ ધર્મ સ્થાનક હોવાનું પ્રમુખ હોવા છતાં ય અહીં અન્ય ધર્મ અને માન્યતાઓ પરસ્પર જોડાયેલા ઘાટની માફક એક સાથે જીવે છે. અહીં દક્ષિણ ઢબના ઘાટ છે, મંદિરો છે તો નેપાલી મંદિર પણ છે અને બંગાળનો પણ ઘેરો પ્રભાવ જોવા મળે છે. બનારસ વિશે કહેવા બેસીએ તો પુસ્તકો લખાય, લખાયા જ છે પણ તેના ઇતિહાસને બદલવા મંડી પડેલા રાજકારણીઓ મર્યાદા સાચવે તો સારું એમ કહેવું પડે એવો વખત આવ્યો છે.

અહીં રહેનારાઓ જે ઇતિહાસને જાણે છે તેમના મતે છેલ્લાં દસ વર્ષમાં બનારસ બહુ બદલાયું છે. કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ અહીં ત્રણ જૂના ઘાટને તોડીને જે ‘એન્ટ્રી ડોર’ બનાવાયું છે તે બાકીના પ્રાચીન ઘાટથી સાવ અલગ પડે છે, તેને વિશ્વનાથ ધામ નામ અપાયું છે (મજાની વાત છે એ વિશ્વનાથાનું સ્થાન તો હતું જ). બનારસના ઘાટ સેન્ડ-સ્ટોનમાંથી બનેલા છે જે પાણીને પી લે તેવા પથ્થર છે પણ કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટમાં વપરાયેલા પથ્થર સાવ જુદા છે. આ નવા બાંધકામને કારણે ગંગાનું વહેણ એટલા હિસ્સામાં બંધાઇ ગયું છે જેને કારણે ત્યાં ગંદકી પણ થાય છે. જેમણે જૂનું બનારસ જોયું છે તેવા સ્થાનિકોને બનારસમાં આવેલા બદલાવ બહુ કોઠે નથી પડતા. વળી રાજકારણ ઘુસે એટલે ધર્મનો ખેલ પણ શરૂ થાય જ. જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આપણે જાણીએ છીએ. જાણીતી ગુજરાતી કહેવત મિંયા અને મહાદેવ સાથે જ હોય એ મુજબ આ મસ્જિદની અને કાશી વિશ્વનાથ મંદિરની એક દિવાલ કોમન છે. એક રિપોર્ટ અનુસાર મસ્જિદની ઉત્તર દિવાલ પાસે શંકરના નંદિની મૂર્તિ દાટવાનો પ્રયાસ કરવાનો ખેલ કોઈ ખેપાનીઓએ ધોળે દિવસે સાંજે સાડા ચારના સમયે કર્યો હતો. આ ખેપાની પકડાઇ પણ ગયા પણ આ હરકતને લીધે એવી ચિંતા ચોક્કસ થાય કે રાજકારણને લીધે બનારસમાં બાબરી વાળી ન થાય તો સારું નહીંતર આ શહેરનું સત્ત્વ ગળવા માંડશે અને તેને સાચવવું કોઇ રાજકારણીના ગજાની વાત નથી.

600 કરોડના કોરિડોર પ્રોજેક્ટ માટે 600 પરિવાર વિસ્થાપિત થયા છે, ૩૦૦ ઘરો ભાંગ્યા છે, જૂના ઘાટ તોડી નખાયા છે, લગભગ 286 શિવલિંગ તોડી પડાયા છે જેમાંથી અત્યારે 146 શિવલિંગ લંકા પોલીસ સ્ટેશનમાં સચવાયેલા પડ્યા છે. અત્યારે બળતી ચિતાઓ માટે અતિપ્રચલિત એવા મણિકર્ણિકા ઘાટનું મૂળ સ્વરૂપ બદલાઇ જાય એવી પણ વકી છે. શહેરની મધ્યેથી ઘાટ સુધી લઇ જાય એવા રોપ-વેની કામગીરીને ચાલે છે પણ સ્થાનિકોને એ આખો વિચાર જ પાયા વગરનો લાગે છે.

બનારસ સનાતન ધર્મનું દૃષ્ટાંત છે, સર્વને સમાવતું સ્થળ છે પણ રાજકારણીઓને આ વિચાર સાથે કંઇ લેવાદેવા નથી. જે શહેરની પ્રકૃતિમાં ધાર્મિક વાડા બંધી નથી ત્યાં રાજકારણની ચોપાટ એ મોહરાં ગોઠવી રહી છે. 2000ના દાયકામાં પણ કોઇએ મંદિરમાંથી જ્ઞાનવાપી મસ્જિદના પ્રાંગણમાં શિવલિંગ ફેંકીને કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તત્કાળ પગલાં લઈ આમ કરનારના મંદિરની સમિતિમાંથી ખસેડી લેવાયો હતો. મંદિર મસ્જિદના સંગાથને સમજનારા સ્થાનિકોનું દૃઢ પણે માનવું છે કે જો ભવિષ્યમાં અહીં બાબરી વાળી થશે તો મસ્જિદનો વિધ્વંસ કરવા ધસી આવનારા લોકો સ્થાનિકો નહીં હોય પણ બહારના લોકો હશે.  વિકાસને નામે ચાલી રહેલી તોડફોડ અંગે 2022માં એક મીડિયા ઇન્ટરવ્યુમાં વિશ્વનાથ મંદિરના મહંત રાજેન્દ્ર પ્રસાદ તિવારીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તો ઔરંગઝેબ કરતાં વધુ મંદિરો ભાંગ્યા છે. ઇતિહાસમાંથી અમુક જ હિસ્સાઓ ઉપાડી લઇ તેને આગળ કરવાનું રાજકારણ એજન્ડા લક્ષી હોય છે. ઔરંગઝેબે તોડેલા વિશ્વનાથ મંદિરની વાત કરનારાઓને એ નથી કહેવું કે એ મંદિર મૂળ અકબરે બનાવ્યું હતું. સ્વયંભૂ શિવલિંગ માટે મંદિર બંધાવનારા અકબરના પુત્ર દારા શિકોહે બનારસમાં સંસ્કૃત અને પ્રાચિન હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને તેમને જેમણે ભણાવ્યા હતા તે પરિવારના વંશજો આજે પણ બનારસમાં વસે છે. દારા શિકોહને ઔરંગઝેબે હરાવીને મંદિર ધ્વસ્ત કર્યું ત્યારે મહંતના પરિવારે શિવલિંગની રક્ષા કરી.  ઔરંગઝેબના મોત પછી હોલકર રાજવી પરિવારના અહિલ્યાબાઈ હોલકરે નવું મંદિર બંધાવવાનો આદેશ આપ્યો હતો. આજના રાજકારણીઓ ઔરંગઝેબને વિલન ચિતરે છે પણ તેણે જંગમબાડી મઠ માટે જમીન અને ભંડોળ આપ્યા હતા જેથી લિંગાયતો તેમની પૂજા અને સંસ્કૃતનો અભ્યાસ ચાલુ રાખી શકે, તેનું રાજવી ફરમાન આજે પણ સચવાયેલું છે. જો કે યોગી આદિત્યનાથે 2018-19માં તેને હટાવી લેવા હિલચાલ કરી હોવાનું પણ કહેવાય છે.

અમેરિકન લેખક માર્ક ટ્વેઈને બનારસ માટે લખ્યું હતું કે તે ઇતિહાસ કરતાં ય જૂનું, પરંપરા કરતાં પણ જૂનું, કોઈ દંતકથા કરતાં પણ જૂનું અને આ બધાનો સરવાળો કરીએ ને જે આવે તેના કરતાં બમણું જૂનું શહેર છે. રાજકારણીઓના સ્વાર્થમાં બનારસની સર્વગ્રાહી, સર્વ સ્વીકારની પ્રકૃતિ પાંખી ન પડી જાય તેવી કાશી વિશ્વનાથને પ્રાર્થના. શિક્ષણ, કલા, આધ્યાત્મના કેન્દ્ર સમા શહેરની ચમક તેની સાદગીમાં, તેની અસ્તવ્યસ્તતામાં અને ગંગાના વહેણમાં રહેલી છે. બનારસ એટલે જેના દરેક પાને એક નવી વાર્તા છે એવું શહેર, અહીં વસનારો – આવનારો દરેક માણસ તેના સંવાદોમાં કાં તો કંઇ આપે છે અથવા તો તમારામાં કંઇ બદલી નાખે છે. જે શહેરે આપણને બિસ્મિલ્લા ખાન જેવા કલાકાર આપ્યા છે, જ્યાં બનારસ હિંદુ યુનિવર્સિટિના કેમ્પસ પાસેથી પસાર થવું પણ અનેક બૌદ્ધિકોને નમન કર્યા સમાન છે, જ્યાં સંગીત, ગાયન, વાદન, નર્તનના ઘરાનાઓના પાયા છે તેવા બનારસની તસવીર યથાવત્ જળવાઇ રહે તે અનિવાર્ય છે.

બાય ધી વેઃ 

બનારસને શબ્દોમાં બાંધવું કમંડળમાં આખી ગંગા સમાવવા જેટલું અઘરું કામ છે. માટે આજે બાય ધી વેમાં બીજું કંઇ નહીં પણ કેદારનાથ સિંહની કવિતા ‘બનારસ’નું રસપાનઃ

इस शहर मे वसंत

अचानक आता है

और जब आता है तो मैंने देखा है

लहरतारा या मडुवाडीह की तरफ़ से

उठता है धूल का एक बवंडर

और इस महान पुराने शहर की जीभ

किरकिराने लगती है

जो है वह सुगबुगाता है

जो नहीं है वह फेंकने लगता है पचखियाँ

आदमी दशाश्वमेध पर जाता है

और पाता है घाट का आख़िरी पत्थर

कुछ और मुलायम हो गया है

सीढ़ियों पर बैठे बंदरों की आँखों में

एक अजीब-सी नमी है

और एक अजीब-सी चमक से भर उठा है

भिखारियों के कटोरों का निचाट ख़ालीपन

तुमने कभी देखा है

ख़ाली कटोरों में वसंत का उतरना!

यह शहर इसी तरह खुलता है

इसी तरह भरता

और ख़ाली होता है यह शहर

इसी तरह रोज़-रोज़ एक अनंत शव

ले जाते हैं कंधे

अँधेरी गली से

चमकती हुई गंगा की तरफ़

इस शहर में धूल

धीरे-धीरे उड़ती है

धीरे-धीरे चलते हैं लोग

धीरे-धीरे बजाते हैं घंटे

शाम धीरे-धीरे होती है

यह धीरे-धीरे होना

धीरे-धीरे होने की एक सामूहिक लय

दृढ़ता से बाँधे है समूचे शहर को

इस तरह कि कुछ भी गिरता नहीं है

कि हिलता नहीं है कुछ भी

कि जो चीज़ जहाँ थी

वहीं पर रखी है

कि गंगा वहीं है

कि वहीं पर बँधी है नाव

कि वहीं पर रखी है तुलसीदास की खड़ाऊँ

सैकड़ों बरस से

कभी सई-साँझ

बिना किसी सूचना के

घुस जाओ इस शहर में

कभी आरती के आलोक में

इसे अचानक देखो

अद्भुत है इसकी बनावट

यह आधा जल में है

आधा मंत्र में

आधा फूल में है

आधा शव में

आधा नींद में है

आधा शंख में

अगर ध्यान से देखो

तो यह आधा है

और आधा नहीं है

जो है वह खड़ा है

बिना किसी स्तंभ के

जो नहीं है उसे थामे हैं

राख और रोशनी के ऊँचे-ऊँचे स्तंभ

आग के स्तंभ

और पानी के स्तंभ

धुएँ के

ख़ुशबू के

आदमी के उठे हुए हाथों के स्तंभ

किसी अलक्षित सूर्य को

देता हुआ अर्घ्य

शताब्दियों से इसी तरह

गंगा के जल में

अपनी एक टाँग पर खड़ा है यह शहर

अपनी दूसरी टाँग से

बिल्कुल बेख़बर!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2025

Loading

માણસ આજે (૨૫) 

સુમન શાહ|Opinion - Opinion|5 January 2025

સુમન શાહ

અમેરિકામાં સામાન્ય ચીજવસ્તુઓનો મોટો અને સામાન્યપણે સસ્તો ગણાતો સ્ટોર Walmart એક જ શ્હૅરમાં કે બીજાં શ્હૅરોમાં બધે એકસરખો જ જોવા મળે. Starbucks-ની કૉફીમાં કે Subway-ની સૅન્ડવિચમાં ક્યાંયે ફર્ક ન પડે. બધાને ખબર જ હોય કે Pizza Hut-ને ઑર્ડર કરેલો પિઝ્ઝા એ જ સાઇઝમાં મળવાનો છે અને એ જ સ્વાદ આપવાનો છે. ઘર-સમ્બન્ધી હજ્જારો ચીજોનો સ્ટોર Home Depot, દવાઓ માટેના સ્ટોર્સ CVS કે Walgreens કે એવી કોઈપણ chain રંગરૂપ કે દેખાવે એકસરખી જ જોવા મળે. બધી જ School-buses પીળા રંગની જ હોય. 

અમેરિકામાં હરેક અગવડનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે શોધાય. નાનાં સુખોની સગવડો ઊભી કરવામાં આ પ્રજા પાછી પાની ન કરે. આમ તો સામાન્ય મૅટ, સમજો પગલૂછણિયું, પણ ઘર બ્હાર પગ મૂકતાં પહેલાં તમે ભૂલો નહીં એ માટે એ પર છાપ્યું હોય, KEYS PHONE  WALLET.

નાગરિક-જીવનમાં પણ સર્વત્ર સરખી શિસ્ત જોવા મળે. પોસ્ટઑફિસમાં કે બૅન્કમાં સૌ દિલથી કામ કરતાં લાગે. ગ્રાહકો પણ લાઇનમાં શાન્તિથી ઊભાં હોય. આપણી અડોશપડોશના ઘરનાં બારી-બારણાં કામ પૂરતાં જ ખૂલે, બાકી, બંધનાં બંધ! વગેરે વગેરે. 

અલબત્ત, બધી વખતે ધૉરણો નથી સચવાતાં, ઘણી વાર ખાસ્સી અણસરખાઈ પણ જોવા મળે છે. ધૉરણમાં નાનકડી કમી જોવા મળે તો પણ સરેરાશ અમેરિકન તો ચૅંકાઇ જતો હોય છે, કોઈ કોઈ તો એવા કે જાહેરમાં ફજેતો કરે, રીપોર્ટ લખે, ફરિયાદ કરે, ખંચકાય નહીં.

તેમછતાં, એક સર્વસામાન્ય છાપ એ પડે છે કે standardization — બધું ધોરણસરનું હોય, એ અમેરિકાની વિશેષતા છે. 

પરન્તુ દેશમાં, અમદાવાદ વડોદરા કે સૂરતમાં જુદું જ જોવા મળે. એ શ્હૅરોમાં કે મુમ્બઇ જેવાં મહાનગરોમાં chains શરૂ થઈ છે, પણ દુકાનદાર અને ઘરાક વચ્ચેનો જમાનાજૂનો ખટમીઠો સમ્બન્ધ એ-નો-એ જ રહ્યો છે. દવાની નાની દુકાને કે અનાજકરિયાણાની મોટી દુકાને પણ બધાં થોડાક આઘાંપાછાં કે અડીને જૂથમાં ઊભાં હોય. ‘મારે જરા ઉતાવળ છે’ કહીને તમારી પાછળનું જન આગળ આવી જાય. ‘એમની મૅટર પહેલી પતાવી દઉં’ કરતીક સરકારી ક્લાર્કબેન તમારા પછીનાને આગળ બોલાવી લે. તમે વાંધો ઉઠાવો તો ક્હૅ – ‘સાએબ! એમ જો લાઇન સાચવવા જઈએ ને, તો કામો પતે જ નહીં, સાંજ પડી જાય.’ જો કે, કેટલાક ઑફિસકામો માટે લોકો હવે લાઇનમાં ઊભા રહેવાનું શીખ્યા છે. 

પણ કોઈ કોઈ સ્કૂલના સીધા નિયન્ત્રણ હેઠળની બસો બરાબર, બાકી બધી ખાનગી વૅનમાં છોકરાંને ઘુસાડી દીધાં હોય છે. સોસાયટીઓનો કચરો લઈ જનારા મ્યુનિસિપલ ખટારાઓમાં કર્મચારીઓ કચરા વચ્ચે આરામથી ઊભાં હોય છે, કશાં જ સૅફ્ટિ મેજર્સ વિના! લગભગ બધી સોસાયટીની મીટિન્ગોમાં ચર્ચાઓ ઘાંટાઘાંટીએ પ્હૉંચી જતી હોય છે. અગવડો વધતી જાય, સગવડો બાબતે ખૅંચાખૅંચી. દરેક સોસાયટીમાં નિવૃત્ત ડોસાઓના અડ્ડા નક્કી હોય છે, અને ત્યાં બેઠા બેઠા તેઓ મોટે મોટેથી બોલીને રાજકારણના ખાં હોય એમ ગપસપ અને વાતોની ચટણી વાટતા હોય છે.  

ટૂંકમાં, એકસરખાઈને સ્થાને અણસરખાઈ જોવા મળે, જેને વિદ્વાનો વિવિધતા કહે છે, એટલું જ નહીં, ‘ભારત તો વિવિધતામાં એકતા’-નો દેશ છે એમ ગાઈવગાડીને કહેતા હોય છે. એક બૌદ્ધિકે મને જુદું કહ્યું, ‘વરસોથી બધું આમ જ ચાલે છે, ને બધાંને ફાવી ગયું છે – it’s a system! વાંધો શું છે? મેં કહ્યું, ‘બરાબર, વાંધો કશો નથી – you are right.’

પણ ધીમે ધીમે મને એ વિચાર આવવા લાગ્યો કે, સાલું સાચું છે, વાંધો શું છે -? એ પણ સિસ્ટમ છે, તો આ પણ સિસ્ટમ છે. It’s the system that works! ભારતમાં, અલગ અલગ જરૂરિયાતો, ફર્ક, તફાવત, જુદાપણું, નિયમો વિશેની બેપરવાઇ અને વ્યક્તિની મરજી જ સર્વોપરી – પ્રકારનાં બધાં જ તત્ત્વોનો લગભગ બધાં જ તન્ત્રોમાં સમાવેશ થયેલો છે. એટલે, સર્વસામાન્યપણે કહી શકાય કે diversification — બધું વિધ વિધનું હોય, એ ભારતની વિશેષતા છે. 

અમેરિકામાં નવાં નવાં પ્હૉંચી ગયેલાં આપણા ગુજરાતી ભાઈ-બહેનો રસ્તા પર જતી અને આવતી કારોની હારો જોઈને અને માણસ કે અન્ય પ્રાણી ન જોઈને ઠીક ઠીક એવો બળાપો વ્યક્ત કરતાં હોય છે – આ તે કંઈ દેશ છે! માણસનું મૉં ય જોવા ન મળે! બારી ખુલ્લી રાખવામાં ધૉળિયાંનું શું લૂંટાઇ જાય છે! ભારત પ્હૉંચી ગયેલા અમેરિકનને બધે ગંદકી, અવ્યવસ્થા અને તન્ત્રોની ખામીઓ જ દેખાય. સ્ટેશનો, જાહેર માર્ગો અને સાર્વજનિક જગ્યાઓ પર કૂતરાં કે ગાયો કે બકરાં જેવાં પ્રાણીઓ ભેગાં અસંખ્ય લોકોને જોઈને એ જરૂર બબડવાનો – increadible India!

પણ નવી પેઢીનાં યુવક-યુવતીઓનો દુનિયાને અવલોકવાનો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ ગયો છે. કોઈપણ દેશની વિશેષતાને માપદણ્ડ બનાવીને તેઓ, આ પ્રજા ચડિયાતી ને આ ઊતરતી છે, એવાં વિધાનો નહીં કરે. એટલે લગી કે મોદી કે ટ્રમ્પ જે કરે છે તેની તેઓ સીધી ટીકાટિપ્પણી નહીં કરે, જે કંઈ થઈ રહ્યું હોય તેને ધીરજથી નીરખશે, ને પૂછવામાં ન આવે ત્યાંલગી પોતાનું મન્તવ્ય જણાવશે નહીં. 

એમને સામ્પ્રત વિશ્વ ‘ઓકે’ લાગે છે – ભારત પ્રગતિના પન્થે છે, અમેરિકન સિસ્ટમ્સ પર્ફૅક્ટ છે, ગ્લોબલાઇઝેશન, જીઓપોલિટિક્સ કે AI -પાવર્ડ ટૅક્નોલૉજિ પોતપોતાની જગ્યાએ બરાબર છે. તમે પૂછો તો એટલે લગી કહેશે કે ઇઝરાઈલ-પૅલેસ્ટાઇન જેવા મધ્યપૂર્વના દેશોની તેમ જ રશિયા-યુક્રેઇન જેવા યુરપીય દેશોની યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ સહજ છે કેમ કે એ પૂર્વકાલીન ઇતિહાસોનું અનિવાર્ય પરિણામ છે. 

એમના એ પરિપ્રેક્ષ્યમાં તફાવતોનો સ્વીકાર છે. એમાં સંસ્કૃતિઓની વિભિનન્તાનો મહિમા છે. તેઓની માન્યતા છે કે વિશ્વકલ્યાણ માટેના એકવચનીય અભિગમો તો જ નભશે જો બહુવચનીય અભિગમો અપનાવાશે. અમેરિકા આમ છે – ભારત આમ છે – વિશ્વ આવું છે, તો તેઓ એ જુદાઈને વધાવી લેશે. તેઓમાં વર્તમાનને જેમ છે એમ અપનાવી લેવાનું ધૈર્ય છે – take things as they are એમનો ધ્યાનમન્ત્ર છે.

એટલે તેઓ પૉઝિટિવ વધારે અને જજમૅન્ટલ ઓછાં છે. આમ થવું જોઈએ, હોવું જોઈએ, પ્રકારે આદર્શોની ખાલી ઘોષણાઓ કરવામાં નથી માનતાં, પણ તેઓ માને છે કે ચળવળ ચલાવવાથી, સરઘસો કાઢવાથી કે અમુક પત્રકારોની જેમ બૂમબરાડા કરવાથી, સરકારો નથી બદલાતી; સરકારોને બદલે છે અર્થતન્ત્ર અને અર્થતન્ત્રનાં નિયામક તત્ત્વો – વિજ્ઞાન, ટૅક્નોલૉજિ અને મહાઉદ્યોગપતિઓ. એટલે, દરેક દેશ માટે, સરવાળે, તેઓ જેને અનિવાર્ય જરૂરત કહે છે, તે છે કેળવણીવિષયક વિકાસની! 

આ પરિપ્રેક્ષ્યનું મુખ્ય પરિબળ તો કેળવણીક્ષેત્રે બૌદ્ધિક ભૂમિકાનાં સત્યો શિરમોર લક્ષ્ય મનાવા લાગ્યાં છે તે, અને યુવા પેઢી માટે વધી રહેલા આન્તરવિદ્યાકીય વિનિમયો છે. ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયાએ જન્માવેલી જાગૃતિની પણ એમાં મહત્ ભૂમિકા છે.

અલબત્ત, પક્ષપાતી માનસિકતા, દૂષિત પૂર્વગ્રહો અને સ્થિતસ્ય સમર્થન કરનારી જડ તત્સમ વૃત્તિ હજી જીવન્ત છે; હજી અસમાનતા, હજી લિન્ગ વંશ કે વર્ણના ભેદ નેસ્તનાબૂદ નથી થયા; તેમછતાં, આજનો માણસ યુવા પેઢીની આ દૃષ્ટિમતિથી વિશ્વને જોવાની ટેવ પાડે, તો કંઈ નહીં તો વિચારવાની ચીલાચાલુ ઘરેડોથી તો મુક્ત થઈ જ શકે! 

= = =

(04Jan25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...299300301302...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved