Opinion Magazine
Number of visits: 9578854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તબીબી સેવા દ્વારા માણસાઈની અસાધારણ મિસાલ : ડૉ. આમટે દંપતી અને તેમની પછીની પેઢી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 October 2018

આજે ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન એવાં ડૉ.પ્રકાશ અને ડૉ. મંદા આમટેએ મહારાષ્ટ્રના દુર્ગમ હેમલકસા મુકામે આદિવાસીઓના સર્વાંગી વિકાસનું સેવાતીર્થ ઊભું કર્યું છે

ડૉ. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડૉ. મંદા આમટે, ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલા, દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, હજારો અભાવગ્રસ્ત આદિવાસીઓને વિના મૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ કરી રહ્યાં છે. સમયાંતરે સંસ્થાએ શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આમટે દંપતીનાં બે સમર્પિત પુત્રો અને પુત્રવધૂઓનો મોટો ફાળો  છે.

ડૉ. પ્રકાશને ભારત સરકારે 2002માં પદ્મશ્રીથી નવાજ્યા. તદુપરાંત આ દંપતીને ફિલિપાઇન્સનો વિખ્યાત રૅમન મૅગસેસે અવૉ ર્ડ(2008) પણ મળ્યો છે. ડૉ. પ્રકાશને સાઠ કરતાં વધુ સન્માન મળ્યાં છે. તેમની મરાઠી આત્મકથા’ પ્રકાશવાટા’(2009)ની પાંત્રીસ આવૃત્તિઓ થઈ છે. આમટે દંપતી પર મરાઠીમાં 2014માં ફીચર ફિલ્મ બની છે. તાજેતરમાં આમટે દંપતીને આખા દેશે ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જોયાં છે.

આમટે દંપતીને મળેલો મૅગસેસે એવૉર્ડ ડૉ. પ્રકાશના પિતા અને વિશ્વવિખ્યાત કુષ્ઠરોગસેવક બાબા આમટેને 1985માં મળ્યો હતો. બાબાએ કુષ્ઠરોગીઓ માટે નાગપુર પાસેનાં વરોડા ગામની એક ઉજ્જડ જગ્યાએ ‘મહારોગી સેવા સમિતિ’ સંસ્થા સ્થાપીને કામ શરૂ કર્યું. ત્યાં 26 ડિસેમ્બર 1948ના દિવસે પ્રકાશનો જન્મ થયો. પ્રકાશ અને તેમનાથી સવા વર્ષ મોટા ભાઈ વિકાસ એક કાચા ઝૂંપડામાં ઊછર્યા. તેમાં બાબા અને માતા સાધનાતાઈની સેવારત છત્રછાયા હતી, કુષ્ઠરોગીઓનો સહવાસ હતો અને આ પીડિતોને મદદ કરનારનો સાથ હતો. જોખમો અને જંગલનાં પ્રાણીઓ હતાં. ખોરાક, પૈસા, સગવડો અને માનવવસ્તી પાંખાં હતાં. બંને ભાઈઓને કરકરસર, મહેનત, પડકાર, સાહસ અને વંચિતો માટે ઘસાઈ છૂટવાની ગળથૂથી મળી. બંનેએ નાગપુરની સરકારી મેડિકલ કૉલેજનાં અભ્યાસનાં વર્ષોમાં નિશ્ચય કર્યો કે ડૉક્ટર બનીને પિતાને કુષ્ઠરોગીઓનાં કામમાં મદદ કરવી. એમાં ય એક વખત બાબા તેમને વરોડા-આનંદવનથી અઢીસો કિલોમીટર પર આવેલાં ગાઢ જંગલોવાળા ભામરાગઢ વિસ્તારમાં લઈ ગયા અને અહીં ખૂબ ખરાબ હાલતમાં જીવતાં માડિયા ગોંડ આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો અને પ્રકાશે તેમાં જોડાવાનો  નિર્ણય જાહેર કર્યો. આ બાજુ પ્રકાશ-વિકાસે એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેમના બે વર્ષ સિનિયર સહાધ્યાયિની ડૉ. મંદાકિની દેશપાંડેનો પ્રકાશ સાથેનો પરિચય પ્રેમમાં ફેરવાયો. પ્રકાશનું ભામરાગઢનું કામ બહુ મુશ્કેલ હોવાની પૂરેપૂરી જાણ હોવા છતાં ડૉ. મંદાકિનીએ તેમની સાથે લગ્ન કર્યાં.

દંપતી અને સાથીઓનાં કામનાં સ્થળે પીવાનું પાણી, છાપરું, વીજળી, એવું કંઈ જ ન હતું. પાણી તો બે કિલોમીટર દૂરનાં નાળામાંથી ભરી લાવવું પડતું. કાર્યકર્તાઓને દોઢસો રૂપિયા પગાર અને  જમવાનું, પણ ભાણાંમાં શું હશે તેનાં ઠેકાણાં નહીં. પરિવાર સાથે સંપર્ક લગભગ અશક્ય. હાડમારી અને જોખમો કરતાં વધુ પીડાકારક બાબત એ હતી કે આદિવાસીઓ તેમની તરફ ફરકતા પણ નહીં. સેરેબ્રલ મેલેરિઆ, એનિમિયા અને કસુવાવડ વ્યાપક હતાં. આદિવાસીઓ ઝાડ પરથી પડી જવાથી ફ્રૅક્ચર, સાપ-વીંછીના ડંખના, રીંછ અને મધમાખીઓના હુમલાનો ભોગ બનતા. અંધશ્રદ્ધા અને ભાષાના અવરોધ હતા. પણ એક વખત ચાળીસ ટકા દાઝેલા દરદીના જખમોમાં ભૂવાની સારવાર છતાં કીડા પડ્યા. ડૉ. પ્રકાશે તેને એકાદ મહિનામાં બિલકુલ સાજો કર્યો. એક વખત ભૂવાની જ છોકરી દાક્તરી ઇલાજથી બચી. પછી લોકો ધીમે ધીમે આવતા થયા. ગોળીઓ, ઇન્જેક્શન, બાટલા, પાટા – બધું કરકસરથી વાપરવું પડતું. લૅબ કે એક્સ-રે જેવી સગવડો તો છોડો, વીજળી ય ન હતી. નર્સોનો સવાલ જ ન હતો. બે ડૉકટરો અને કાર્યકર્તાઓ જ બધું કરે. બધાંએ માડિયા ભાષા ચીવટથી કામ પૂરતી શીખી લીધી. કડકડતી ઠંડીમાં પણ ઉઘાડા ફરનારા કંગાળ આદિવાસીઓને જોયા પછી ડૉ. પ્રકાશને ‘આપણે પૂરેપૂરાં કપડાં પહેરીએ છીએ એની ય શરમ આવવા લાગી’. એટલે ‘લોક બિરાદરી’માં એમણે ‘સફેદ રંગની અડધી ચડ્ડી અને સદરા જેવું અડધી બાંયનું બનિયન’ એવાં કપડાં હંમેશ માટે પહેરવાનું શરૂ કર્યું. મંદાતાઈએ સ્વેટર છોડી દીધું. કાર્યકર્તાઓએ પણ જરૂરિયાતો ખૂબ ઘટાડી દીધી. દરદીઓ આવતા થયા. સ્વીસ એઇડ સંસ્થાએ સામે ચાલીને કરેલી મદદથી દવાખાનાં અને રહેઠાણ માટે પાકાં મકાન, બોરવેલ જેવી સગવડો ઊભી થવા માંડી.

કામના ફેલાવાની સાથે કસોટીના પ્રસંગો પણ વધવા લાગ્યા. જેમ કે, રીંછે જેનો ચહેરો ફાડી ખાધો હોય એવા દરદીને ફાનસના અજવાળે દોઢસો ટાંકા લઈને સાજો કર્યો. કુપોષિત માનો સુવાવડ દરમિયાન જીવ બચે તે માટે આડું આવેલું બાળક કાપીને બહાર કાઢવું પડ્યું. કૉલેરાના વાવડમાં થોડાક કલાકોમાં ત્રણસો જેટલા દરદીઓ દવાખાને આવ્યા. દિવસ-રાત મહેનત છતાં કેટલાક દરદીઓ બચી ન શક્યા. હતાશાના આવા પ્રસંગો આવતા રહેતા. ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા ધીરજ, સૂઝ, આત્મવિશ્વાસ અને કુશાગ્ર બુદ્ધિથી કામ કરતાં રહ્યાં. અભાવોની વચ્ચે પણ  ઑપરેશન સુધીની સારવાર અસાધારણ સફળતાથી કરી. કાર્યકર્તાઓને તાલીમ આપીને મેડિકલ સબ-સેન્ટર્સ ઊભાં કર્યાં. આર્થિક મદદ વધતી ગઈ. નાગપુરના તબીબો હેમલકસામાં ઑપરેશન માટેનાં કૅમ્પ કરવા લાગ્યા. આજે ‘લોક બિરાદરી’ પચાસ પથારીવાળી અદ્યતન સુવિધાઓવાળી હૉસ્પિટલ ધરાવે છે. દર વર્ષે હજારેક ગામડાંનાં પિસ્તાળીસ હજાર જેટલા દરદીઓ સારવાર લે છે. ‘લોક બિરાદરી’ની તબીબી પાંખનું તમામ કામ અત્યારે આમટે દંપતીનાં પુત્ર ડૉ. દિગંત અને તેમની સાથે સભાનતાપૂર્વક લગ્ન કરીને આવેલાં ડૉ. અનઘા સંભાળે છે. તેમનાં ‘કમ્યુિનટી હેલ્થ પ્રોગ્રામ’માં 26 ગામોમાં છ સ્વાસ્થ્ય કેન્દ્રો બારસો પરિવારોને આવરી લે છે. તાલીમ પામેલા આરોગ્યકર્મીઓ દરદીઓને સાદી બીમારીઓમાં પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.

આદિવાસીઓનું શોષણ અટકાવવા માટે ‘લોક બિરાદરી’એ શિક્ષણક્ષેત્રે પ્રવેશ કર્યો. નિષ્ઠાવાન કાર્યકરોએ માડિયા બોલી અને મરાઠી પાઠ્યપુસ્તકો બંનેનો મેળ પડે તેવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી. શાળા અને છાત્રાલય માટે પણ સહાય મળી. ‘લોક બિરાદરી’ની શાળામાં 1976ની પહેલી બૅચમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ ડૉક્ટર બન્યા. પછીનાં વર્ષોમાં સફળતાનો  સિલસિલો ચાલુ રહ્યો. વિદ્યાર્થીઓ શિક્ષક, ફૉરેસ્ટ ગાર્ડ, વકીલ બનતા રહ્યા છે. રમતગમતમાં પણ શાળા અનેક સિદ્ધિઓ મેળવતી રહી છે. તબીબી સેવા ઉપરાંતની મોટા ભાગની પ્રવૃત્તિઓ આમટે દંપતીના નાના પુત્ર અનિકેત અને તેનાં પત્ની સમીક્ષા સંભાળે છે. ‘લોક બિરાદરી’ની પડખે ‘આનંદવન’ સતત ઊભું છે. ત્યાં પણ ડૉ. વિકાસ આમટે અને તેમનો પરિવાર બાબા આમટેના કુષ્ઠરોગ ઇલાજ, નિવારણ અને પુનર્વસનના કામને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા છે.

ડૉ. પ્રકાશ આમટેના વ્યક્તિત્વનું અનોખું પાસું છે તે તેમનો પ્રાણીપ્રેમ. ત્યાં તેમણે આદિવાસીઓના હુમલામાં ઘવાયેલાં કે આદિવાસીઓએ તેમને ભેટ આપેલાં સંખ્યાબંધ જંગલી પ્રાણીઓને ઉછેર્યા અને સાચવ્યા છે. હેમલકસામાં એક નાનકડો પ્રાણીબાગ પણ છે. પ્રકાશભાઈએ દીપડાની બે પેઢીને, માદા રીંછ અને વાનરને પોતાનાં સંતાનની જેમ મોટાં કર્યાં છે. તેમણે બચાવેલાં-ઉછેરેલાં ઝેરી સાપ, મગર, શાહુડી, હરણ અને અન્ય પ્રાણીઓની યાદી લાંબી થાય. ડૉ. પ્રકાશે પ્રાણીઓ માટેની લાગણીથી છલકાતું ‘રાનમિત્ર’(2013) નામનું પુસ્તક પણ લખ્યું છે.

ડૉ. પ્રકાશે આત્મકથામાં ‘લોક બિરાદરી’ના કાર્યને ‘જગન્નાથનો રથ’ ગણાવીને લગભગ તેમાં સહયોગ આપનાર સહુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા છે. ડૉ. મંદા આમટેએ મૅગસેસે સન્માનના સ્વીકાર-વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે ‘અસંસ્કારી લાગતા માડિયા-ગોંડ આદિવાસીઓએ સંસ્કારી દુનિયાએ શીખવા જેવા ગુણ વિકસાવ્યા છે.’ તેઓ ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને કન્યાભ્રૂણહત્યા કરતા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે ‘દૂરના આદિવાસી વિસ્તારોમાં બદલાવની બહુ ધીમી ગતિ જોઈને પીડા થાય છે.’

*******

17 ઑક્ટોબર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 અૉક્ટોબર 2018

Loading

ખબર છે તને?

નવ્યાદર્શ|Poetry|19 October 2018

ખબર છે તને?
આજે મેં તને ગમતો ડ્રેસ પહેર્યો હતો.
એ જ તો જે સફેદ ને ચમકદાર છે
જેમાં હું પરીઓના દેશની ભૂલી પડેલી પરી લાગતી હતી તે
ખબર છે તને?
આજે મેં એ ડ્રેસ પર મારા કપાળે બિંદી લગાવેલી હતી.
હું કોઈ દી' બિંદી નહોતી લગાવતીને
તો બધી જ સહેલી જોઇને કહેતી,
‘વાહ, સુંદર પરી.’
મારા લહેરાતા વાળની સાથે
ત્યારે તને ગમતું સ્મિત મારા ચહેરા પર ખીલી રહ્યું હતું
અને ગાલ પરનું પેલું ખંજન પણ ….
તને શું કહેવું મારે.
તું તો બધું જ જાણે છે,
બધું જ સમજે છે
માટે તો
હું એવા પ્રદેશમાં જવા માંગુ છું
જ્યાં મને તારી કોઈ ખબર ન મળે
અને તને મારી.
તું તો નાસ્તિક છે ને
એટલે પરીઓના દેશને પણ તું નહીં જ માનતો હોય,
હું ફરી એ દેશમાં ચાલી જઈશ.
પપ્પા પણ મમ્મીના કાનમાં કંઇક એવું જ ગણગણતા
બંને હસતાં,
હમણાં હમણાં બગીચામાં ખબર છે તને
કેટલી ય લાલ કીડીઓએ મારા પગને ઘેરી લીધો હતો
માંડ માંડ તેને દૂર કરી
તો પણ એકે તો ચટકો ભરી જ લીધો,
‘મર એ મર, અહીં પણ તું મને નહીં છોડે?’
તારા ન હોવામાં પણ કેટલો પાસે હોય છે તું નહીં?
‘લાલ કીડી’
એટલે તો હું આજમાં જીવું છું
ખબર છે તને?
વાળ બાંધી લઉં છું અને બિંદીને અરીસામાં લગાવી
હું દોડી જાઉં છું ગામની એ પહાડીઓ પર
ઠંડો પવન, મોરનું બોલવું,
પક્ષીઓના ટહુકાઓ વચ્ચે
મંદ મંદ હવામાં તારું આંસુ બનીને વહેવું …
ખબર છે તને …
પાછાં વળતાં પાણીની છાલક ચહેરા પર ઉડાવીને હસી લઉં છું
એ જ પરીઓના દેશની કલ્પના કરતી
ચૂંદડીને લહેરાવતી
દોડી જાઉં છું તારી યાદોના પ્રદેશથી દૂર,
એટલે ખૂદ મારાથી દૂર …
હવે પડી ખબર તને?

Email : navyadarsh67@gmail.com

Loading

અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ સદા સ્મરણીય રહેશે

સુમન શાહ|Opinion - Opinion|19 October 2018

શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

વ્યથિત છું. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું અવસાન થયું છે. જન્મ ૫-૫-૧૯૭૨, અવસાન ૧૨-૧૦-૨૦૧૮. ઍમ.એ.માં મારો વિદ્યાર્થી હતો. વાર્તાકાર. ચિત્રકાર. સહજાનન્દ કૉલેજમાં ગુજરાતી સાહિત્યનો અધ્યાપક. એની પત્ની શ્રદ્ધાને, પંખી-પરી દીકરીઓને કે મમ્મી કાન્તાબહેનને એમના આ દોહ્યલા સમયમાં રૂ-બ-રૂ નહીં મળ્યાનો મને વસવસો છે. અમેરિકા જેટલે દૂરનો વિદેશવસવાટ કારમો થઇ પડ્યો છે.

૪૬-૪૭ની ઉમ્મર કંઇ મરવા માટેની ન ગણાય. એને અસાધ્ય રોગ લાગુ પડેલો – જેમાં, ક્રમે ક્રમે બધાં અંગ લકવાગ્રસ્ત થઇ જતાં હોય છે. પાંચેક વર્ષ જિજ્ઞેશ અને સ્વજનો એની સામે ઝઝૂમ્યાં. જમણા હાથની હથેળીથી શરૂઆત થયેલી – જે હાથે એ સુન્દર ચિત્રો કરતો'તો, વાર્તાઓ લખતો'તો. ધીમેધીમે બોલવાનું અશક્યવત્ થઇ ગયેલું – જે મુખેથી એ વાર્તાપઠન કરતો'તો, વાર્તાઓનાં વાચિકમ્ અને વ્યાખ્યાનો કરતો'તો. છેલ્લે તો માત્ર સાંભળી શકતો'તો. એનાથી બોલાય નહીં પણ વાર્તાની બે સારી વાત સાંભળે એટલે મલકી પડે. અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ સદા સ્મરણીય ગણાશે. એના અવસાનથી એક સાચા સર્જકનો વિલય થયો છે. એના પ્રથમ વાર્તાસંગ્રહ 'મહોરાં-ની વાર્તાકલા વિશે થોડીક વાતો કરીને હું જિજ્ઞેશને શ્રદ્ધાંજલિ અર્પું છું.

'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.

જરા ડોકિયું કરીએ : મેં કહ્યું કે વાંદરાભાઈ માણસની જેમ જ વર્તે છે. પણ કેવી રીતે? સાંભળો : 'મહોરાં' નામની વાર્તામાં એઓશ્રી એક ચિત્રકાર છે. સ્થિતિસંજોગ પ્રમાણેના કથકને ચહેરા બનાવી આપે છે. બીમાર ચહેરો. ભોળો માસૂમ ચહેરો. કથક ડરતો હોય, કથકને હિમ્મત બતાવવાની કે ખોટો રૉફ છાંટવાની કે હસવાનો ડૉળ કરવાની જરૂરતો પડી હોય – એવા કોઇ પણ પ્રસંગે વાંદરાભાઈ સેવાતત્પર. કથક એ ચહેરાઓને પોતાનાં મહોરાં રૂપે વાપરી શકે. 'ભ્રાન્તિ'-માં વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના પ્રેમ-પરિણયમાં દખલગીરી કરે છે. 'નગરચર્યા'-માં રૂપાળા મહારાજશ્રી છે ને 'રાજા રાજા' રમે છે. 'સુન્દરીલોકમાં !'-માં બ્યૂિટ-કૉન્ટેસ્ટના સૂત્રધાર છે. સુન્દરીઓના ઍન્ટ્રન્સ-ટેસ્ટ લે છે. જ્યૂરર પણ ખરા. એક શીર્ષક વિનાની વાર્તામાં એઓ રંગમંચ – કાર્યોના આસિસ્ટન્ટ છે, પરદા બાંધે છે. એમાં, બધી લીલા પોતે નથી કરતા, કથક પાસે કરાવે છે, નેપથ્યમાં સરકી ગયેલા મુત્સદ્દી લાગે છે. વગેરે.

જુઓ, દરેક મનુષ્યની અંદર એક વાંદરો વસે જ છે. અંદરની કોઇ ડાળે બેઠેલો જ છે. કરો ઈશારો, હૂપ્ કરતોક હાજર થશે. જિજ્ઞેશના વાંદરાભાઈ વાર્તા કહેવાની એક જુક્તિ રૂપે રજૂ થયા છે, કથાજુક્તિ – નૅરેટિવ ડિવાઈસ. હકીકતે, એ આપણા મન-મર્કટના સગાસ્નેહી છે અને આપણી નાનીમોટી બનાવટો માટેનું મહોરું પણ છે. સાહિત્યની કલા આમે ય એક મહોરું જ છે. મહોરું પ્હૅરી લઇએ ને જેમ આનન્દ આવે એમ કલાનો અનુભવ મેળવીએ એટલે પણ આનન્દ આવે. પણ મહોરું હટાવી લઇએ એટલે જી-વ-નની અસલિયતનો પણ એટલો જ તીવ્ર અહેસાસ થાય.

આ વાર્તાસંગ્રહમાં મનુષ્યના વિવિધ ચહેરાઓનાં જિજ્ઞેશે પોતે દોરેલાં ચિત્રોની પ્રિન્ટ્સ મૂકી છે. પાંચ વાર્તાઓની શ્રેણી અને આ ચિત્રશ્રેણી એકબીજાંની પૂરક છે. ચિત્રો કશી રૂપાળી વ્યક્તિઓના સ્કૅચીસ નથી. જીવનસંઘર્ષમાં તરડાઈ-મરડાઈને વિકૃત થઇ ગયેલા મનુષ્ય-ચહેરાઓ છે, જે એમનાં મહોરાં બની ગયાં છે. જોવાથી જ ખ્યાલ આવે. વાચકો કથક અને વાંદરાભાઈનો મેળ પાડવાની મજા લઇ શકે છે એ રીતે ચિત્રો જોનારાઓ આ બન્ને શ્રેણી વિશે મજાની મથામણ કરી શકે છે. મને યાદ છે, એ ચિત્રો જિજ્ઞેશે પૅકિન્ગમાં વપરાતાં રફ ટૅક્ષચરવાળાં પૂંઠાં પર દોરેલાં. મેં પૂછેલું : આ જળવાશે શી રીતે? પૂંઠાં તો બટકાઈ જાય : તો કહે : ભલે ને, સર; આમે ય ચિત્રોને આપણે ત્યાં કોણ સાચવે છે ! : એ ચિત્રોનું એણે ઍક્ઝિબિશન પણ કરેલું .. એક જ શૈલી એક જ પ્રકાર અને એક જ ઉપાદાનથી ઊભી થયેલી એ ચિત્રશ્રેણી જિજ્ઞેશની કારકિર્દી સંદર્ભે ઘણી નોંધપાત્ર હતી. મને કલ્પના આવે છે કે એને સ્વાસ્થ્યભર્યું જીવવા મળ્યું હોત તો સાર્થક પ્રયોગોના ચિત્રકાર રૂપે એ કેટલો બધો વિકસી આવ્યો હોત.

આશ્વાસન એ છે કે બન્ને દીકરીઓ, પંખી ૧૬-ની અને પરી ૧૪-ની, ચિત્રકાર છે, ગાયક છે. પંખીએ Exalted અને પરીએ The War of Darakof નવલકથાઓ અંગ્રેજીમાં લખી છે, પ્રકાશિત છે. વિદેશી ગીતો પણ ગાય છે. લાગે જ નહીં કે કોઇ ભારતીય-ગુજરાતી છોકરી ગાઇ રહી છે. YouTube પર પરીને Free me… ગાતી સાંભળો (Sia – cover by Pari, from Lyrebirds). જિજ્ઞેશની જીવનસંગિની શ્રદ્ધા નૃત્યાંગના પણ છે. એણે અહોરાત એની પારાવારની સેવા કરી છે. જિજ્ઞેશનું ન-જેવું બોલ્યું ય સમજી શકતી. એટલે મેં એને જિજ્ઞેશની આત્મકથા લખવા કહેલું. હવે એમ કહું છું કે શ્રદ્ધા એમના દામ્પત્યજીવનની સ્મૃિતકથા લખે. પત્ની અને પુત્રીઓ વડે જિજ્ઞેશનું કલાસ્વપ્ન સમ્પન્ન થશે. શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

જિજ્ઞેશની અન્ય વાર્તાઓનું કે 'કંઇ પણ બની શકે' સંગ્રહની બદલાયેલી વાર્તાસૃષ્ટિનું તેમ જ એના સમગ્ર વિશ્વનું મૂલ્યાંકન કરી શકાય એવી એમાં ક્ષમતા છે. જિજ્ઞેશે ટ્રૅકિન્ગ કે બર્ડવૉચિન્ગ નિમિત્તે ત્રણ સ્થળોએ ડાયરી લખી છે – ડેલહાઉસી, આબુ અને કુલુમનાલી. એમાં ચિત્રો છે, શબ્દો છે. જિજ્ઞેશનાં ચિત્રો ઘણું 'કહે' છે; શબ્દો ઘણું 'દેખાડે' છે. વાર્તાઓને એની ચિત્રકલાનો લાભ મળ્યો છે, સાથોસાથ, વાર્તાકલાને ભાષાભવનમાં એ ભણતો'તો એ દરમ્યાનના આધુનિક વિશ્વસાહિત્યનો પણ લાભ મળેલો છે. મને એણે એક વાર કહેલું : સર, કંટાળાજનક વર્ગવ્યાખ્યાન વખતે હું સ્કૅચીસ કરતો રહું છું : હું ધારું છું કે મારાં વ્યાખ્યાનોમાં એને એમ કરવાની જરૂર નહીં પડી હોય. એને એટલે સ્તો મારી પાસે સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ વિશે પીએચ.ડી. કરવાનો મનસૂબો જાગેલો. ઘણી બધી નોંધો કરી લાવેલો. પણ શી ખબર, દિશા બદલાઇ હશે કે શું તે દેખાય નહીં એટલે દૂર જતો રહેલો. જો કે વર્ષો પછી પાછો ફરેલો. "સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ"-માં જોડાઇને એણે એક સશક્ત વાર્તાસર્જક રૂપે ગજું કાઢેલું. હવે કદ્દીયે પાછા ફરાય નહીં એટલે દૂર ચાલી ગયો છે ત્યારે આપણે તો એની કલાસૃષ્ટિની સન્નિકટ રહી જ શકીએ છીએ…

===

૧૯/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ, પ્રેસના સૌજન્યથી, અહીં મૂક્યો છે.

https://www.facebook.com/suman.shah.94/posts/2164950110202557  

Loading

...102030...2,9632,9642,9652,966...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved